નાનકડી ફૂકીએ ઉસ્તાદ ઈમરત ખાન ને સ્ટેજ છોડવા મજબૂર કર્યા? ભાગ બીજો અને છેલ્લો

(English version)

કાર્યક્રમ શરુ થયો એટલે લાઈટો બંધ, આજુબાજુ અંધારું ઘોર. એકલા સ્ટેજ પર ઉસ્તાદ ઇમારત ખાનના ચહેરા પર નાના ચાંદરણા જેવી લાઈટ થઇ, શ્રોતાઓની નજર સ્ટેજ પર, હાલ્યા ચાલ્યા વગર ના પુતળાઓ જોઈ લો. નાના બાળકોને આવે વખતે ચોકલેટ, પાણી વગેરે ની માગણી કરવાનું અચૂક સૂઝે અને પછી માંડે રડવા. ફૂકીએ આવું કાઈંકર્યું?

ના જી.

એક સિતારીઆની દીકરી હોવાના નાતે એ તો બસ સ્ટેજ પર બેઠેલા કલાકારને ટીકી ટીકીને જોવા મંડી.
કદાચ વિચારતી હશે “જોઉં તો ખરી આ બરાબર સૂર લગાડે છે કે પછી ધકેલ પંચા દોઢસો? તો પછી ખબર લઇ લઉં એની. મારા ડેડી કરતાં વધારે સારું વગાડી બતાવે તો માનું,”

નીંદરડી એની આંખો થી હજાર જોજન દૂર હતી. એને ઊંઘાડવાનું હવે ભૂલી જાવ.

આ બાજુ, ઉસ્તાદે પરંપરા અનુસાર પોતાનો કાર્યક્રમ શરુ કરવા માટે આગળ બેઠેલા કોઈ લોકલ બુઝૂર્ગ સંગીતકાર ની આજ્ઞા માગી. આપણે આગળ જોયું તેમ આગલી રોમાં મોટા ભાગના શ્રોતાઓ તો સ્ટેટસ વાળા જ હોય છે એટલે કદાચ એકાદ રડ્યો ખડયો સ્થાનિક સંગીતકાર બેઠો હોય તો એ માન ખાટી જાય. મોટા ભાગે તો સ્ટેજ પરના કલાકાર અહીં કોઈને ઓળખતા હોતા જ નથી.

શરૂઆતમાં કલાકારની જમણી બાજુએ બેઠેલા તબલા વાદકની સ્થિતિ એકદમ કફોડી હોય છે. એક તો આલાપ ખાસ્સો અડધો પોણો કલાક ચાલે અને એ દરમ્યાન એણે બસ આમ અદબ વાળીને થોડુંક હસતું મોં રાખીને બેસી રહેવાનું, કલાકાર ગમે એવું ગાતો / વગાડતો હોય પણ એણે મજબૂરીથી થોડી થોડી વારે ડોકું હલાવીને કે પછી હાથ હલાવીને દાદ આપવાની. ઘણા સંગીતજ્ઞો કહે છે કે આમ કરવાથી ગાયક / વાદક અને તબલા વાદક વચ્ચે એક સુંદર સેતુ બંધાય છે. શ્રોતાઓમાના ઘણાને એ પ્રશ્ન મૂંઝવતો હોય કે આ તબલાવાળા ભાઈ કેમ આમ આળસુની જેમ બેસી રહયા છે? કાંઈ વગાડવાનું ભૂલી બુલી તો નથી ગયા ને? ખરેખર તો આ વિષય પર કોઈ સંગીતજ્ઞએ પી એચ ડી કરવા જેવી છે કે તબલચી આ આખા ખેલ દરમ્યાન શું વિચારતા હશે?.
ખેર.

આગળની રો માંથી એક ઘરડો હાથ ઊંચો થતો દેખાયો એટલે ઉસ્તાદને હવે લાઈન ક્લીઅર થયી ગયી. કુકીબેને આ સઘળું નિરીક્ષણ કર્યું અને જાણે મારી તરફ જોયું ” કેમ તમે આવું બધું ઘરે નથી કરતા?” પણ મારો કોઈ પ્રતિસાદ નહિ મળતાં પાછી સ્ટેજ પર બેઠેલા મારા પ્રતસિસ્પર્ધી ને જોવા લાગી.

એક મૃદુ સ્મિત સાથે ઇમારત ખાને સૌ પ્રથમ સિતારના ‘તરફ’ના તાર ને છેડીને ઝંકૃત કર્યા. મારી બાજુમાં બેઠેલા ભાઈએ

આ સાંભળતા જ તાળી પાડી ને ‘ક્યા બાત હૈ’ કહીને મૉટેથી દાદ આપી. હું સડક થઇ ગયો. હજી તો ઉસ્તાદે કાંઈવગાડ્યું જ ન હતું એવામાં આ ભાઈ દાદઆપવા બેસી ગયા!

માર્યા ઠાર!

આ ભાઈ આવા કાર્યક્રમમાં પહેલી વાર આવતા હશે અને એમના કોઈ જાણકાર મિત્રએ એમને સલાહ આપી હશે કે કલાકારો તો ભાવના ભૂખ્યા હોય એટલે વખતો વખત દાદ આપતા રહેવી, સમજ્યા? નસીબ જોગે એમની દાદ ઉસ્તાદ સુધીપહોંચી નહિ હોય એટલે સૌ સારા વાના થયા. ખોટી જગ્યાએ દાદ આપવા માટે જો ઉસ્તાદે ચાલતી પકડી હોત તો?

ઘણા શ્રોતા એવા પણ હોય છે કે જે આલાપને એક શરૂઆતનો એડજસ્ટમેન્ટ પ્રોસેસ જ માને છે.
‘હજી પ્રોગ્રામ શરુ થયો નથી” એમ વિચારતા હોય છે.

આલાપમાં રસ પડે એ માટે થોડો અનુભવ જરૂરી છે.

આ અનુભવ, મને લાગ્યું કે, ઘણા માટે ઓછો હતો. એટલેજ કદાચ, પૂરા આલાપ દરમ્યાન આખા હોલમાં બગાસાંની રમઝટ ચાલી. આલાપ ઘણું કરીને ૨૦ થી ૩૦ મિનિટ ચાલતો હોય છે પણ ખૂબ જ ધીરજ ધરાવતા શ્રોતાઓ એ સહન કરી લે છે, ” પછી ફાસ્ટ વગાડશે ત્યારે મઝા આવશે”. ખાસ કરીને સિતારનાકાર્યક્રમ માં લોકો ‘ઝાલા’ ની રાહ જોતા હોય છે અને તે વખતે જ સૌથી વધુ તાળી પડે છે. સામાન્ય રીતે Typical ઝાલામાં બળપ્રયોગ વધુ અને સુરાવલીઓ ઓછી સાંભળવા મળે છે.

હવે આપણે કુકી તરફ પાછા આવીએ. એ કોઈ જુદીજ માટીની હતી. થોડી વાર એણે મમ્મીની ગોદમાં પોતાની જાતને સંતુલિત કરી અને સ્ટેજ પર સીધી નજર જાય એમ ઊંચી થઈને ટટ્ટાર બેસી ગઈ.

એના નાજુક હાથને ઊંચો કરીને જાણે કે પૂછતી હોય! ‘હવે આ માણસ શું કરી રહ્યો છે? જદલી શરુ કર? મારા ડેડી થી ગભરાય છે? તું ફાવવાનો નથી”

આ ગર્ભિત ઈશારાથી ઉસ્તાદે આલાપનો પહેલો સૂર છેડ્યો. એવું કહેવાય છે કે સંગીતના અઠંગ અભ્યાસીને એક જ સેકન્ડમાં ખબર પડી જાય કે ગાયક/ વાદક કેટલા પાણીમાં છે.

એ હિસાબે કુકીએ હાથ લંબાવીને “એય ..” કરીને મોટો અવાજ કર્યો. જન્મ થી જ એનો અવાજ મૃદુ હતો એટલે કદાચ ઉસ્તાદે કે બીજા કોઈએ ગણકાર્યું નહિં. ફૂકીએ મારી સામે જોયું પણ હું એ છટકામાં આવું એમ ન હતું.
આ બાજુ ઉસ્તાદ તો ચાલુ થઇ ગયા.

કુકી થી હવે રહેવાયું નહિં. એ પણ ચાલુ થઇ ગયી ” એય, એય… એય..’ મારી દશા ધરતી મારગ આપે તો સમાઈ જાઉં એવી થઇ ગઈ. કુકી અને ઉસ્તાદ વચ્ચે જો આવી તૈયારી વગરની જુગલબંદી આગળ વધશે તો ભારે થશે. આખો પ્રોગ્રામ કેન્સલ થવાના ભણકારા વાગવા માંડ્યા.

એક પણ ક્ષણ ની રાહ જોયા વિના મેં રંજના ને કહયું ‘તું આને બહાર કઈ જા નહિં તો જોયા જેવી થશે.’

અતિસક્રિય ( hyperactive ) એવી અમારી કુકીને કાંખ માં ઘાલીને પતિ પરાયણ રંજનાએ exit દ્વાર તરફ ચાલવા માંડ્યું. કમ ભાગ્યે exit દ્વાર, મેં આગળ લખ્યું હતું તેમ, સ્ટેજ તરફની સાઈડમાં જ હતું એટલે એ લોકો જેમ જેમ exit દ્વાર તરફ આગળ વધતા ગયા તેમ સ્ટેજ થી વધુ પાસે આવતા ગયા. આ વખતે મેં જે જોયું તે પર થી મને જ્ઞાન થયું કે કુકી આ બધું appreciation ના એક ભાગ રૂપે જ કરતી હતી. કારણકે ફૂકીને કોઈ દ્રશ્ય કે સંગીત બહુ ગમી જાય તો એ હંમેશાં હાથ પગ જોર જોરથી હલાવવા માંડતી . એ લોકો જેમ સ્ટેજ ની પાસે આવતા ગયા તેમ ફૂકીએ હાથ પગ જોર જોરથી હલાવવા માંડયા. એક ક્ષણે ઉસ્તાદે કુકીને જોઈ અને ધીમું હસ્યા અને ફૂકીએ સામું સ્મિત આપ્યું અને થોડીક પળોમાં એ લોકો હોલ ની બહાર. ઉસ્તાદ જાણે કાંઈ જ થયું નથી એમ પાછા આલાપ વગાડવા લાગી ગયા.

પરિસ્થિતિ વધારે વણસી જાય તો તરત દોડવા માટે હું, ખુરશીથી સહેજ ઉભો થઇ ગયેલો તે પાછો બેસી ગયો. આલાપ તો પુરા જોશ માં ચાલુ રહ્યો પણ મારી નજર exti દ્વાર તરફ, પાંપણ હલાવ્યા વિના.

ક્યારે મીઠી નીંદરડી માણતા અમારા કુકીબેન એની મમ્મી સાથે પાછા આવી જાય! જે માણવા હું આવ્યો હતો તેને બદલે મારું મન આ જ બાબતમાં પરોવાયેલું રહયું. ભગવાન જાણે બહાર શું ચાલતું હશે?

આલાપ ખાસ્સો ૩૦ મિનિટે ચાલ્યો પણ પરિસ્થિતિ યથાવત!

આલાપ પૂરો થતાં ઉસ્તાદે તબલચી ને તબલા મેળવવા ઈશારો કર્યો.

“આવું સૂર મેળવવા નું પહેલે થઇ કેમ નહિં કરીને આવતા હોય, આ લોકો?” કોઈ બોલ્યું પણ ખરું.

કાર્યક્રમ માં આ break પડ્યો તે તક મેં ઝડપી લીધી. સિફત થી બહાર નીકળી ગયો.

બહાર શો નઝારો હતો? કમાલ છે આ છોકરી! ઊંઘવાનું નામ નહિં અને ગોળ ઓટલા પાર વહાલ આવે એવા હાસ્ય સાથે એની મમ્મી સાથે દોડાદોડી કરતી હતી, Phenergan નું શું થયું એને મારો ગોલી. આ નઝારો તો પેલા અંદર ચાલતા સંગીત કરતાં પણ વધુ આલ્હાદક લાગ્યો.

મેં કહયું હવે મૂક માથાકૂટ અને ચાલ ઘરે. આપણે ત્યાં જઈને આ સંગીત ને માણશું. બાળક અને સંગીત – મેં આગળ લખ્યું તેમ જીત હંમેશા બાળકની થાય જો આપણી અંદર એક બાળક હોય તો.

મારા ગુરુજીએ સાચુંજ કહયું હતું.

ઘરે જતાં આખે રસ્તે કુકી એના જોડકણા અને બીજા ગીતો ગાતી રહી અને હસતી રહી. તે રાતે એક વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલ્યો.

ઇતિ સંહાર:

એક બીજું પણ મને જ્ઞાન થયું. સારું સંગીત સાંભળો તો સાંભળતાં સાંભળતાં ઊંઘ સરસ આવી જાય – એવું સામાન્ય રીતે મનાય. પણ મારી બાબતે ઊંધું છે. મને ગમતું સારું સંગીત રાતે સાંભળું તો એ સંગીતની આંટી ઘૂંટીને માણતો હું સૂઈ ન શકું, સંગીતને નામે ચાલતા શોરમાં હું તરત સુઈ જાઉં! મારી આવી વિચિત્ર પ્રકૃતિ કદાચ કુકીને વારસામાં મળી હશે. હોલમાં સારું સંગીત સાંભળીને એની રહી સહી ઊંઘ ગાયબ થઇ ગઈ હશે.

કે પછી

ઉસ્તાદનું સંગીત એના ડેડીની તોલે ન આવ્યું હોય એટલે ‘ઉસ્તાદ જી, આવજો’ જણાવીને નીકળી ગઈ.

કે પછી

એને ઉસ્તાદની ગોદમાં બેસીને સિતાર સાંભળવો હતો

કે પછી

Phenergan માં રહેલા થોડા ઘણા આલ્કોહોલને લીધે એ hyper થઇ ગઈ?

કોને ખબર? ઉસ્તાદ અને કુકી વચ્ચે જે સ્મિતની આપ-લે થઇ એનું રહસ્ય તો એ બંને જ જાણે. આજે તો કુકીને પુછાય પણ નહિં. કદાચ ઉસ્તાદના દિલમાં છુપાયેલું બાળક જાણે.

ઉસ્તાદ નો પ્રોગ્રામ તાળીઓ ના ગડગડાટ સાથે સમાપ્ત થયો હશે.

પેલા હાય સોસાયટી ના શ્રોતાઓએ ઈન્ટરવલ માં પેટ ભરીને ખમણ ઢોકળા ખાઈને મઝા કરી હશે
અમદાવાદે શાસ્ત્રીય સંગીતના પ્રોગ્રામ લાવવાની દિશામાં એક નાની પણ હરણફાળ ભરી અને અંતે હવે તો એક મહત્વનું કેન્દ્ર બની ગયું છે, ખરું ને?

કુકીના ડેડી ‘અવિજિત’ રહીને એ રાતે પાછા આવ્યા કારણ કે હરીફાઈ થઇ જ નહિં! A Win Win situation ?

પેલા phenergan નું રહસ્ય અકબંધ છે. એમેય જીવનનું રહસ્ય કોઈ પામી શકયું છે ખરું?

આનંદો, આનંદો,આનંદો. સર્વત્ર આનંદો.

Cookie with Ranjana

રંજના અને નાનકડી કૂકી


2 thoughts on “નાનકડી ફૂકીએ ઉસ્તાદ ઈમરત ખાન ને સ્ટેજ છોડવા મજબૂર કર્યા? ભાગ બીજો અને છેલ્લો

Leave a Reply