ગુલદસ્તા (નવલિકા)

Guldasta image-2

(આ નવલિકા ના બધાજ પાત્રો કાલ્પનિક છે )

[English]

ભાગ 1

શિયાળાની એક ખુશનુમા બપોર. પણ રાજેશ અકળામણ અનુભવતો હતો. મુંબઈથી એક અર્જન્ટ ફોને એને વિકટ પરિસ્થિતિમાં મૂકી દીધો. કાલે સવારે એના એક અમેરિકન કલાયન્ટ સાથે અગત્યની મિટિંગ એટલે એને આજે રાતે જ મુંબઈ પહોંચવું જરૂરી હતું. એક તો અચાનક ઉપાડેલો પીઠનો દુખાવો અને એ નવી સ્કોડા ગાડી કોઈ અજાણ્યા driver ને સોંપતાં જીવ નહોતો ચાલતો. એમ છતાં કોઈ સારા driver ની શોધ આદરી દીધી. હવે તો પરિસ્થિતિ એવી થઇ ગઈ હતી કે લગભગ બધા જ drivers ને NRI સીઝનની સોનાની ખાણ લાગી ગઈ હતી એટલે NRI સીઝન માં તો driver મળેજ નહીં અને વર્ષના બાકીના મહિનાઓમાં એ બધા ટોળ ટપ્પામાં સમય ગુજારતા.

“અરે આપણો વરતેજ વાળો જીગો (જીગ્નેશ) ક્યારે કામ લાગશે?” રાજેશે મગજ દોડાવ્યું.

અંબિકા નદી કિનારે આવેલું વરતેજ એક નાનું પણ પ્રગતિશીલ ગામ, જ્યાંથી થોકબંધ સાહસિક રહીશો ઊચ્ચ ભણતર પ્રાપ્ત કરીને, પરદેશ જઈને સારું કમાયા હતા. રાજેશ એમાંનો જ તો હતો ને વળી. પણ બીજાઓની જેમ ‘સ્ટેઈટ્સ” માં રહી જવાને બદલે જન્મભૂમિના સાદને અનુસરી ને પાછો માદરે વતન આવી ગયેલો. અલબત્ત, જે રહીશોએ એમ ન કર્યું એ પણ ગામ માં જ રહીને કેરી ચીકુની વાડીઓમાં સુખી થયા. રાજેશ માટે જન્મભૂમિ ના સાદ વાળી વાત જ હતી કે બીજૂં કાંઈ એ રામ જાણે.

રાજેશે જીગાના મોબાઈલ પર ફોન લગાવ્યો.

જીગ્નેશ, ઉર્ફ જીગો, ગામનો એક લાક્ષણિક જુવાનિયો, ગ્રેજ્યુએટ થઇ ગયેલો. છાપ એવી કે “જીગાને અડધી રાતે ફોન કરો તો દોડતો આવે” – કોઈ પણ ત્રાહિત માણસ માટે.

આ તો રાજેશ, એનો જૂનો જીગરી.

જીગાના મોબાઈલ પર “ૐ જાય જગદીશ હરે..” ની ઘંટી વાગી એટલે જીગો ફટાક દઈને ફોન પર બરાડ્યો:

“એય હરા ……….ર! તું જીવતો છે?”

રાજેશ, (જરા સાચવીને) ” જો જીગા, તારે મને જે ગાળ જેટલી આપવી હોય તે પછી આપજે પણ મારે તારું એક અર્જન્ટ કામ પડેલું છે…..”

“તું સાલા મારી બેનના લગનમાં ફરયકો નહિ અને હવે તને જરૂર પડી એટલે મારે જખ મારીને તારી વાત સાંભળવાની, કેમ?” જીગાનું તોફાન ચાલુ.

” જીગા આ જરા સિરિયસ મામલો છે.”

” ઓ હો હો હો, સિરિયસ મામલો? તારે? કેમ તેં કોઈને પતાવી દીધો ? કે પછી ભાભીએ છુટાછેડા માયગા?”

“એય બેશરમ, તું હવે ચૂપ રહેશે? કાલે સવારે મારે મુંબઈમાં એક અર્જન્ટ મિટિંગ છે અને મારે હમણાજ ગાડી લઇને નીકળવું પડશે. મારા હારા કોઈ driver મળતા નથી….” રાજેશને પણ થયું કે પોતે પણ વિફરવા નો દેખાવ કર્યા વગર જીગો જલ્દી લાઈન પર આવે એમ નહોતો.

” તે તને તારી જ ગાડી જાતે હાંકતાં હું ટાઢ વાય કે કેમ ?” જીગા એ બાણ છોડ્યું.

” જો એ લાંબી વાત છે. મારી પીઠની પત્તર રગડાઈગયેલી છે અને કોઈ સારો driver મળતો નથી”

“તે હું જ નવરો તને યાદ આયવો?”

” જો ની ભાય, બીજું બધું તો ઠીક પણ તું ગાડી તો અફલાતૂન ચલાવે” રાજેશે બ્રહ્માસ્ત્ર છોડ્યું.

” તો દીકરા એમ કહે ની કે મારે તારા driver બનીને તારી ગાડી ચલાવી ને તને મુંબઈ લઇ જવાનો અને તું મારો બેટો તારા કલાયન્ટ ઉપર હુશિયારી મારવાનો, એમ જ ને?” જીગા એ ‘તારા’ શબ્દ પર વજન આપી ને રાજેશ ને ઉશ્કેર્યો.

“ચાલ ચાલ રખડુ, તું બહુ હુશિયારી ની બતાવ. જો આપણે પાછા આવતાં ફોરેન બ્રાન્ડ ની બાટલી પાકી .” રાજેશે છેલો ઘા કર્યો જે આબાદ નીવડ્યો.

“તેં હવે મુદ્દા ની વાત કરી.” જીગો બાટલી નું નામ આવતાં પલળ્યો. “બીજું કઈ બોલ ” જીગાની આંખ સામે મહેફિલ નાચવા લાગી.

“સાલા, હ …ખોર, બેવડા, ચાલ, તો હું સાડા છએ તારે ત્યાં પહોંચું છું. ત્યાં આવીને તારી વાત છે ” કહીને રાજેશે ફોને બંધ કર્યો.

“દીકરો ભેરવાયેલો..” કહી ને જીગાએ આંખ મારીને ફોન બંધ કર્યો.

બેફામ સરસ્વતીનો ઉપયોગ એ આ પ્રદેશની ખાસિયત કહી શકાય. “સાલું, મનમાં રાખી મુકવા કરતાં બોલી દેવું આપણા શરીર માટે સારું, હું કેવ તમે?”

બહારથી આવેલા લોકો આવું સાંભળીને ચકિત થઇ જાય છે અને એઓ પોતે પણ એવા થઇ ન જાય ત્યાં સુધી એમને “વેદિયા”નું ઉપનામ નિભાવવું પડે છે.

હવે વખત ગુમાવવો પોસાય એમ હતું નહિ એટલે રાજેશ પેકીંગ કરવા લાગી ગયો. કપડાં, ટાય, સૂટ ..

અરે હા, રસ્તે ગાડીમાં વગાડવા માટે સીડી? પેલા નફ્ફટ જીગાને માટે આઈટેમ ગીતની સીડી પણ લેવી પડશે.

બધું જદલી જલ્દી, સ્કોડા ની ડીકી માં ઠાંસીને નીકળી પડ્યો રાજેશ. વરતેજ પંદરેક મિનિટમાં પહોંચી જવાય.

ગાડી ચલાવતાં એને પીઠનો દુખાવો યાદ આવ્યો. છેલ્લા એક વીકથી ગાડી ચલાવી નહતી.

” કાઈં નહીં, મુંબઈ જાઉં જ છું તો ડોક્ટર ધીરજને નાણાવટી માં બતાવી લઈશ.આમ ને આમ વધી ગયું તો?” ધીરજ એનો સ્કૂલ ફ્રેન્ડ હતો.

“પણ એક વાત નક્કી કે જો જીગો વધારે ડહાપણ કરે તો હું જાતેજ ચલાવી ને મુંબઈ જઈશ.” રાજેશે દાંત કચકચાવ્યા.

સ્ટેટ હાઇવે પર જરા વિચારમાં રહ્યો એમાં તો ભેંસોનું એક ઝૂંડ અચાનક સામેથી ધસી આવ્યું. જેમ તેમ બ્રેક મારીને ગાડી ચરર કરીને ઉભી રાખી. એક ભેંસનું મોટું માથું સાઈડના કાચ ને અડીને ઉભું.

“જો તે આ, સાલાં ભેંહડાં, સબ ભૂમિ ગોપાલ કી.”

એ એકલો ચલાવતો હતો એટલે, બાકી બાજુમાં, હંમેશ મુજબ જો ઘરવાળી બેઠી હોત તો આવા અપશબ્દો માટે એને જરૂર ટોકતે.

“ભેંસની જાત, ગાડીને ઘસરકા તો નહિ પાડયા હોય ને?” એમ બબડી ને તે આગળ વધ્યો જોકે વરતેજ પહોંચતાં બીજી કોઈ નવા જૂની નહિ થઇ.

જીગાને ઘેર:

વરતેજ ના પાદર માં અંદર ગાડી ઘુમાવતાં જુએ છે તો એક એમ્બ્યુલન્સ ઉભી હતી. જુના ઘરોની ડિઝાઇન લગોલગ એવી હતી કે દૂરથી ખબર જ ન પડે કે એમ્બ્યુલન્સ ખરેખર કોના ઘરની બહાર ઉભી છે. નવી ગાડીને કોઈ નુકસાન ન કરે એની ચીવટ રાખીને એણે ગાડી દૂર પાર્ક કરીને જીગાના ઘર તરફ ગભરાતાં ગભરાતાં ચાલવા માંડ્યું.
અરે આ શું? જીગો પોતે જ ઘરના નીચી ફ્રેમના દરવાજામાંથી માથું નમાવીને નીકળ્યો.

“અરે રાજીયા, મારા ડોહાને સ્ટ્રોક આયવો એટલે એને નવસારીની પારસી હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવા પડહે. જો કે બહુ ગભરાવા જેવું નથીં. આ તો એને ત્રીજી વાર થયું પણ મારે તો જવું પડશે, આ એમ્બ્યુલન્સ હો આવી ગઈ” જીગાએ એકી શ્વાસે બધું કહી દીધું.

” ઓ I am so sorry …..”

“તું ફિકર ની કર. અહીં તો દોડવા હારું બો બધા માણહ છે.”

“તું તારે ઉપડ. મેં એક બીજી વ્યવસ્થા કરેલી છે. તારી સાથે નીરવ તાડ આવશે. એ વરતેજનો જ છે અને હંમેશની જેમ India ની ‘જાત્રા’એ આવેલો છે – આ ઠંડી ની સીઝનમાં. જાણે ગાડી તો તારે જ ચલાવ વી પડશે પણ તને કંપની રહેશે. બહુ ફાઈન માણહ છે, નીરવ-તાડ.” -તારણહાર સ્વરૂપ જીગો બોલ્યો. “જય જીગા”.

થોડુંક ટોળું ત્યાં ઉભું હતું, જેમાં ઘણા ઘરનાં અને થોડાં આજુબાજુના પાડોશીઓ – વાતો કરતા , જાણે રોજ એમ્બ્યુલન્સ આવતી હોય – બધું જાણે routine. આવા સંજોગો માં એક અજીબ પ્રકારની ઉત્તેજના લોકો માં આવી જતી હોય છે.

રાજેશ હજી કઈં કહે એ પહેલાં જીગાએ ફરમાન છોડ્યું ” એઇ ગુરિયા, જા આ રાજેશ કાકાને નીરવ-તાડને ઘેરે મૂકી આવ” – ગુરીઓ જાણે એને માટે જ પોઝિશન માં ઉભો રાખ્યો હતો. તમે ગમે એ કહો પણ, જીગા નું કામ પાકું – એની પોતાની કટોકટી માં પણ.

નીરવ -તાડ. લગભગ પાંત્રીશેક વરસનો માણસ, વધારે પડતો ઊંચો અને જરાક નમી ને ચાલતો (એટલે જ એને નીરવ તાડ કહેતા હશે કારણકે નીરવ જેવું common નામ ઘણા નું હોય). રાજેશને પણ પાક્કી ખાતરી હતી કે એનું પોતાનું પણ કોઈ નામ પાડ્યું જ હશે. પણ હવે એ જવા દો.

પોતે વરતેજનો હોવા છતાં રાજેશ એને ઓળખતો નહોતો. નીરવ ન્યૂ યોર્ક જવા તૈયાર થઈને બેઠો હતો. વાતવાત માં ઓકે ને બદલે ઓલ રાઈટ વધારે કહેતો હતો. રાજેશને પછીથી ખબર પડી કે એ થોડા વખત પહેલાં યુ કે થી યુ એસ એ શિફ્ટ થયો હતો એટલે હજી એના એકસેન્ટ મિક્સ હતા- જરા હાસ્યાસ્પદ અને બેહુદું પણ લાગતું હતું.

“બેટા, હવે આગલા વરસે નિશાને હો સાથે લઇ આવજે. બિચારીને કેટલું એકલું લાગતું હશે?” નીરવના પિતાએ શિખામણ આપી.

“હા હા, બાપુજી, ” નીરવે ખાલી માથું હલાવીને વિષય બદલવા પ્રયત્ન કર્યો. “બે જણાથી વળી કઈં સાથે અવાતું હશે?” એમ મનમાં બોલ્યો. નીરવની માંએ ” ભાઈ કઈં ચા બા ….?” એમ ઔપચારિક આગ્રહ કર્યો જેને રાજેશે વિવેકથી નકાર્યો “નહિ જરા મોડું થઇ ગયું છે. ફરી કોઈ વાર” કહી ને એણે નીરવ ને ઈશારો કરીને નીકળવા કહયું.

બધું બરાબર હોત તો મુંબઈ સુધીની રોડની સફર મઝાની હોત પણ હવે આ નીરવ નામની મૂર્તિ કોણ જાણે કેવી હશે? બોરિંગ હશે તો?

મનોમન રાજેશે પ્લાન કરી લીધો “કાઈં વાંધો નહીં. સીડી મુક્યા કરીશ એટલે બહુ વાતો કરવાની જરૂર નહિ પડે. મને ખબર છે આવા લોકો પોતાની અમેરિકાની બડાશ મારવામાંથી ઊંચા નથી આવતા. એ લોકોને તો એમજ કે આ બધા દેશી લોકોને કઈં જ ખબર નહિ હોય- અમેરિકાની જાહોજલાલીની.”

કોને ખબર આખે રસ્તે શું થવાનું છે?

ક્રમશઃ

[English]


6 thoughts on “ગુલદસ્તા (નવલિકા)

Leave a Reply