સ્વના લેખ જાતેજ નિત લખું

ફલાણી ફલાણી તારીખે મારો જન્મ દિવસ છે,
સાચું જ હશે, સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ કહે છે;
કો’ જાણતલ જોશીએ કુંડળી ચીતરી,
એક નવી નકોર પોથીમાં જ તો વળી.

બાળક લાં….બુ … જીવશે,
અને ખૂબ ખૂબ ભણશે,
પૈસો તો પુષ્કળ લખાવીને આવ્યો છે,
અને, માબાપનું નામ ઉજાળશે એવું છે.

અરે કાઇંક બાબાના સ્વભાવ બાબત?
કેમ કપાળમાં કરચલી પડી માં’રાજ?

અરે આ છોકરો દેખાય બળવાખોર
વિધીના લેખને લગીરે નહિ ગણકાર
રોજે નવો જન્મ લેતો રહેશે એ તો,
શી વિધી? શાના લેખ? બકવાસ બધો

તદ્દન નવા તુક્કા, વિધીની મજાક?
હરિ હરિ હરિ, આ કેટલું દુઃખદાયક?

લ્યો તો આમ હું રોજ જનમું,
સ્વના લેખ જાતેજ નિત લખું


2 thoughts on “સ્વના લેખ જાતેજ નિત લખું

Leave a Reply