સરભોણનો બસ ડીપો ઘરથી નજીક હતો અને રોજ બસ પકડવા આવતા જતા લોકોને જોઈ નાનો ભીખુ બોલી ઉઠતો ” માં, આપણે બધાને લેવા મૂકવા જવાનું તે આપણે કે દાડે બસમાં જવાના?”
ખરેખર, આજે રોજ કરતાં બસ ડીપો કૈંક જુદો લાગતો હતો – જાતે બસમાં જવાના હતા તે? રોજ તો જ્યારે ક્યાંક જવું હોય તો ચાલતાં જવાનું કે બહુ બહુ તો કોઈની ગાલ્લીમાં. ઉત્સાહ માત્ર ભીખુનો ન હતો. જમનાએ હરખમાં એક કપ ચા ગબડાવી દીધી પેટમાં.
“આયખામાં કોઈક વાર તો ટેસ કરવાના – એમાં કાંઈ ખોટું નથી“ માંનો બચાવ. ભીખુ માંને પોતાની જાતને ખુશીમાં તણાતી જોઈ રહ્યો.
નવસારીની મોટર (તે જમાના માં લોકો બસને મોટર કહેતાં) ધસમસતી આવી તેમ લોક બધું દોડ્યું – એક ટોળાં ની જેમ.
નહિ કોઈ શિસ્ત; નહિ કોઈને માટે માન. ભીખુ માંનો હાથ પકડીને બસમાં ચઢવા આગળ વધ્યો.
“અરે માજી, તમે આજે વળી કેવા બસમાં જવાના થઈ ગિયા?” એક પરિચિતે ડહાપણ કર્યું.
“કેમ વરી, ઊં મારા પોયરા હાથે મુંબઈ ચાલી … મારા સોલિસિટર દયાળભાય ને તાં ખરખરો કરવા. તેમાં તારા બાપનું હૂં ગિયું ભાય?” ભીખુ એ ડોકી હલાવી.
પેલો તો સડક થઇ ગયો. આ તો જબરી છે – બહુ માથાઝીક કરવા જેવી નથી.
અંદર માં–દીકરો ગોઠવાયા એટલે ભીખુએ આમ તેમ નજર દોડાવી – પેલા તાર વાળા પોસ્ટમેનના ભાઈ રાવજીને શોધવા.
“માં રવજીકાકા કાંઈ દેખાય ની ને કેથે!”
“તે આવવા એને. ઓહે (હશે) તો આવહે(આવશે) . તૂ છેને આવડો મોટો મારી હાથે?” માંના આ શબ્દોથી ભીખુની છાતી ફૂલી.
શરીરમાં ગરમ લોહી દોડવા માંડ્યું.
બસ ડ્રાયવરે હોર્ન જોરમાં વગાડીને બધાને ચોંકાવી દીધા – બસ ઉપાડવા નો ટાઈમ થઇ ગયો.
કંડક્ટર જરા માથા ફરેલ હતો ” અરે હૂં કરે બધા? એ તમારી તો… ચાલો ચાલો – બસ ઉપાડવાની તે ભાન પડે કે ની?” સાથે એક બે ગાળ ચોપડાવી
“એય લલ્લુ તૂ તારે બસ ઉપાડ. અહવે (હવે) કોઈ કાકો આવવાનો નથી. જે રહેઈ ગિયું તે ગિયું ”
કંડક્ટરે ટીન ટીન કરી એટલે ગળે રૂમાલ બાંધીને ડ્રાયવરે બસ ઉપાડી તે એવી ઉપાડી જાણે કે ધરતી પરથી બ્રહ્માસ્ત્ર છૂટ્યું. આગળ ઉભા લોકોએ આમથી તેમ નાસભાગ કરી મૂકી – બસ ડ્રાયવરને ભાંડતા ભાંડતા.
ધૂળની ડમરી ઊઠી.
હજી બસ ડીપોમાંથી બહાર નીકળી ત્યાં આગળ રાવજી દેખાયો – બસને ઉભી રાખવા હાથ હલાવતો.
એક જોરદાર બ્રેક મારીને બસ અચાનક થંભી ગઈ. રવજી હાંફતો હાંફતો બસમાં ચડ્યો.
“હા આવો આવો, તમારી જ ગાડી છે, ગમે ત્યારે આવો, નિકરી પયડા તે”
કંડક્ટરે ગુસ્સામાં ધડાક દઈને બસનું ખખડ ધજ બારણું બંધ કર્યું અને ટીન ટીન કરીને બસ આગળ વધી.
“અરે ભાય, કંઈ નથી – એ તો જરાક – બધી ઈશ્વરની માયા ” રવજીએ એક શરમાળ સ્મિત કર્યું અને અંદર આવીને જોવા લાગ્યો – ક્યાં બેઠા છે જમના અને ભીખુ? એના ભાઈએ એ લોકોની જવાબદારી સોંપી હતી એને.
બેઉને જોઈએને હાશ થઇ અને એમની પાછળની સીટ પર જઈને બેસી ગયો. બાજુમાં પેલો પરિચિત હતો.
“તમે બેઉએ બસ પકડી લીધી– ચાલો મારો તો જીવ અધ્ધર થઇ ગયો કે હું મોડો પડ્યો“
જમનાએ થોડુંક પાછળ જોઈને માથું હલાવ્યું અને અદાથી આજુબાજુની શ્રુષ્ટિ નિહાળવા લાગી.
પેલા પરિચિતે અર્થ વિહીન ડોકું હલાવ્યું.
બસ આગળ દોડવા લાગી. નાના ગામોએ ઉભી રહીને નવા નવા મુસાફરોને અંદર સમાવતી ચાલી.
સામેથી એક લગનના બળદ ગાડાં ની વણઝાર દેખાઈ એટલે બસ ધીમી પડી. જમણી બાજુ બેઠેલા બધા લોકોએ કુતુહલતાથી ડોકું બહાર કાઢ્યું.
“અરે આ સિઝનમાં લગન ?- કાંઈ ગાંડા થઈ ગિયા કે હૂં? “
પેલો પરિચિત ભાઈ જમનાને પૂછે ” એ હારુ કોને તાંના લગન; ઓળખો કે એ લોકોને?”
જમનાએ મૌન સેવ્યું.
એટલેથી અટકે પેલો ?
“તે જમની, તારો ભાય, મોટો સોલિસિટર દયાળજી , હૂં કામનો ? હગી બેનના મુસીબતના વખત માં મદદ હો ની કરી “
હવે જમના ભભૂકી ઉઠી ” તું તારું જો, હમયજો? મારી વાતમાં ડહાપણ કરવાનું તારે હૂં કામ? ઊં કોઈ પાહેં ભીખ ની (નહિ) માગું તે… ની… જ માગું – ભગવાન પાહેં હો ની…, તમારી પખણ.
એટલું જાણું કે ભાયને માથે આપદા આવેલી છે તે મારે જવાની ફરજ. બીજું કાંઈ? હવે મને શાંતિથી બેહવા દે તૂ”
પેલો તો ગલવાઈ ગયો તે ગયો પણ પાસે બેઠેલો રવજી પણ ચૂપ થઇ તાયો
“આને છેડવામાં માલ નથી“
ખખડધજ બસની સફર અવિરત.
ગણદેવા ગામ – એના પિયરનું પાટિયુ દેખાયું અને જમનાની આંખમાં ચમક આવી ગઈ.
“ભીખુ હવે જોજે ગણદેવા – તારું મોહાર (મોસાળ) દેખાહે ” બોલતા બોલતા જમના ની આંખમા આંસુ છલકવા લાગ્યા.
પાદર આવ્યું – ગણદેવાનું પાદર આવ્યું એટલે બસ ઊભી રહી
“ભીખુ તને ખબર છે? એક વાર ઊં અહીંયા હુધી રિહાઈને (રિસાઈને ) આવી રહેલી – મેં એક મોટા છોકરાને સખત ઝાપટેલો એટલે મારા બાપાએ મને મારવા કયરું એટલે ઊં તો નાહી (નાસી) આવી અહીંયા; ઘાઘરો ચોળી પેરેલા પણ દુપટ્ટો ની પેરેલો. એ તો બાજુ વારા કાકા મને જોઈ ગિયા, ને મને કેય (કહે) – એ જમની આંય કેમ કરી ને આવી ગઈ– એખલી એખલી. મારો તૌબરો ચડેલો એટલે વાત પામી ગિયા. મને પકડીને જેમ તેમ ઘેરે લેઇ ગિયા, અરે ઊં તો બો તોફાની ઊતી – પોયરા કરતાં હો… જબરી…” જમના બાળપણમાં સરકી પડી – એ તોફાનના દિવસો !- એ મઝા!
આ સાંભળી રહેલા ભીખુ અને પાછળ બેઠેલા પેલા બે અવાચક થઇ ગયા. ખરી બાઈ!
ભીખુને હવે ખયાલ આવ્યો માંને બધા ‘આઝાદ કેમ કહેતા.
“દીકરા તને ભૂખ બૂખ નથી લાગી?” માંનો પ્રેમ ઝળકી ઊઠ્યો.
અચાનક દીકરાને જોમ ચડી ગયું – એક જ ક્ષણમાં મોટો મરદ થઇ ગયો. માં આટલી બહાદૂર અને હું ? આઝાદ માંની વાતો સાંભળીને દીકરો આઝાદ થઇ ગયો.
“નહિ માં , મને કાંઈ ની )નહિ) જોઈએ. ઊં (હું) હારો છું”
માં એ શાંતિ નો શ્વાસ લીધો હવે. ભીખુ હવે કીકલો રહ્યો ન હતો. મોટો મરદ, મારો ભીખલો..
નવસારી રેલવે સ્ટેશન આવી ગયું. ઉતરીને ભીખુએ માં પાસે પૈસા લઇને ટિકિટ બારી પર મક્કમ પગલે જઈને બોમ્બે સેન્ટ્રલ ની ટિકિટ કઢાવી આવ્યો.
ટિકિટમાં લખ્યું હતું “તીસરા દર્જા – મામૂલી” અંગ્રેજી હકુમતે ઓર્ડિનરીનો તરજુમો પણ એવો કર્યો હતો કે આપણને મામૂલી હોવાની ઝાળ બળે.
પ્લેફોર્મ પર માંએ ભીખુને એક કપ ચા પીવા કહ્યું પણ મરદનો બચ્ચો ન માન્યો. “ઊં હારો છું” કહીને ટ્રેનના આવવા ની રાહ એવી અદાથી જોવા માંડ્યો કે જાણે પોતે રેલવેનો માલિક ન હોય?
રવજી આવીને “તમે ફિકર નો કરતા ” કહીને બાજુમાં ઊભો રહ્યો.
ક્રમશ: