પ્રકરણ ૫: ભીખુ સોલિસિટર દયાળજીનો વારસદાર બનશે?

દયાળ મેનશનબાણગંગાથી નજીક એક આલીશાન બંગલો. ૧૯૦૦ ના જમાનામાં કોઈ અંગ્રેજ જનરલે ખંત થી બંધાવેલું; છત પર વિલાયતી નળીઆંથી   શોભતો એક સ્થાપત્યનો અદભૂત નમૂનો.

હાલ દયાળજી દીપચંદ, મુંબઈની પ્રસિદ્ધ લોફર્મના ભાગીદાર દયાળ સાહેબનું નિવાસ સ્થાન! એક ઓરડામાંથી બીજામાં જવા માટે ભારેખમ બારણા ખોલવા પડે.

ભીખુ ને થયું આટલા મસમોટા બાથરૂમમાં લોકો કરે છે શું?

ફરસ લીસ્સા આરસથી મઢેલી, ધ્યાન રાખો તો લપસી પડાય. આખા બંગલામાં નળમાંથી પાણી આવેવાહ ભાઈ.

જબરી જાહોજલાલી મોટામામાની!

મોટો દીકરો અંતર્મુખી અમ્રત ભીખુ જેવો શાંત અને કાયમ ચોપડાં માં મોઢું ઘાલી ને વાંચ્યા કરે. ભીખુ ને કદાચ એની સાથે સારું ફાવશે.

મોડી સાંજે અચાનક બંગલા માં સળવળાટ શરુ થઇ ગયો. દયાળ મામાની મોટર બંગલાની નજીક આવી કે ડ્રાયવરે જોરથી હોર્ન વગાડીને બધાને સાબદા કર્યા. નોકરચાકર બધા આમ થી તેમ દોડવા માંડ્યા. સાહેબ શું માગશે કોણ જાણે? તૈયારી તો બધી રાખવી પડે ને? એકે એક માણસ ખડે પગે!

જમના રૂની તળાઇમાં ઊંઘી ગયેલી તે શોરબકોરથી જાગી ગયી. ભીખુ   બિચારો નખ કરડતો એક ખૂણામાં ઊભો. પોતે હવે મોટો થઇ ગયો છે થોડી વાર ભૂલી ગયો.

મોટી મસ ડીસોટો ગાડી પોર્ચમાં આવી ને ઊભી રહી. યુનિફોર્મ પહેરેલો ડ્રાયવર ત્વરા થી બહાર નીકળી ને પાછળ નો દરવાજો લળી લળીને  ખોલ્યો , એના સાહેબ માટે.

નજારો તો એવો હતો જાણે  કોઈ નાની રિયાસતના મોટા હાકેમને આવકાર આપવાનો હોય, સિવાય કે એકવીસ તોપો ની સલામી.

દયાળજી સોલિસિટરવાદળી રંગના સૂટ અને ટાઈમાં સજ્જ, મોઢામાં પાઇપ ફૂંકતા ધીરેથી ગાડી માંથી નીચે ઊતર્યા. ગજબનો રૂઆબ. કાળી છાંટવાળા  ધોળા વાળને પટિયાં  પાડીને બરાબર ઓળેલા, મોઢું ધીર ગંભીર.

બંગલામાં અંદર આવ્યા, પાછળ એક ચાકર એમની  ચામડાની ઈમ્પોર્ટેડ બેગ લઇને આવ્યો.

જમના બેન ક્યાં ?”

સોલિસિટર સાહેબ જરા બેસો તો ખરા. લોકો કલાક પહેલાં આવ્યાં, સારાં છે, જમના બેન મુસાફરીથી થાકેલાં એટલે જરા આડાં પડ્યાં છે, હમણાં ઊઠશે? સવિતા એના પતિનેસોલિસિટર સાહેબકહેતી

એમને સૂવા દે. હું જરા મારા રૂમ માં જઈ ને હાથ મોં ધોઉં એટલે ચા મોકલ.” સાહેબને  ઓફિસનો રૂઆબ ઘરે છોડતાં જરા સમય લાગે.

એક ચાકર રસોડા તરફ દોડ્યો, સવિતા લાડથી દયાળ સાહેબ નો કોટ ઊતારી ને બીજા એક નોકર ને આપ્યો.

બંગલાનું દીવાન ખાનુ અનહદ મોટું, આગળ કહ્યું તેમ આખી જાનને ઊતારો અપાય એવડું મોટું!

સુશોભિત દીવાલ પર યુરોપીઅન ચિત્રકારોના પેઈન્ટિંગ્સ  ટીંગાડ્યા હતા. સૌથી ધ્યાન ખેંચે અનાવલના મંદિરનું હતું. અનાવિલ જ્ઞાતિના આરાધ્ય દેવ મહાદેવનું અનાવલ ગામ સ્થિત મંદિર દયાળજીના વતન ગણદેવાથી નજીક હતું. જેટલું કાશી હિંદુઓ માટે તેમ વાપીથી તાપી સુધી પથરાયેલા અનાવિલ બ્રાહ્મણો માટે પવિત્ર સ્થળ. અનાવિલ પોતાની પેઢી ગર્વ થી છેક રામચંદ્ર ડાંગ માં પધાર્યા ત્યાર થી ગણાવે. અનાવિલો નો ઇતિહાસ પહાડ પરના ભીલો સાથેના ગજગ્રાહની કિંવદંતી થી ભરપૂર.

હેં ભાભી ભાય આયવા કે હું?” શોરબકોર થી જાગી ગયેલી જમનાએ આંખ ચોળતા પૂછ્યું.

હા હા તમારો ભાઈ હમણાં આવ્યો છે. હાથ મોં ધોઈ ને  અહીં આવતા હશે.” આછું સ્મિત ફરકાવતાં સવિતા બોલી– ‘બોલતાં બોલતાં તેનો હાથ દયાળજી ની રૂમ તરફ ….

તરત જમના માંએ ફરમાન છોડ્યુંઅરે ભીખુ દીકરા, જો મામા આવી ગિયા. તો જરા વ્યવસ્થિત કપડાં પહેરી ને  આવ તો

મોટામામાનો રૂઆબ જોઈને હતપ્રભ થઇ ગયેલો ભીખુ ડાહ્યો ડમરો થઇનેવ્યવસ્થિતથઈને આવી ગયો.

મેમ સાહેબ હું હવે જાઉં?” દયાળજી નો ડ્રાયવર બીતો બીતો સવિતા ને પૂછી ગયો.

હા ભાઈ હવે તું જા. કાલે ટાઈમ સર પાછો આવી જજે બેટા

સલામ ઠોકી ને ડ્રાયવરે રાજા લીધી.

ઈસ્ત્રી ટાઈટ રેશમી કુર્તા માં શોભતા દયાળ સાહેબ પધાર્યા.

અરે જમના બેન તું  આવી ગઈ, અમારા દુઃખ માં ભાગ પડાવવા? બહુ ગમ્યું અમને. અને કોણ? મારો ભાણેજ ભીખુ કે ! ઓહો તું તો જબરો  મોટો થઇ ગયો ને. તેં તારું ભણવાનું? અરે હા, તેં તો મેટ્રિક ની પરીક્ષા આપી કેમ?”

દયાળજી મોટીબેનને જરા નમી ને પગે લાગ્યા. મોટીબેન ને પણ તું કરીને સંબોધવાનો લહાવો હતો.

મોટીબેને ઔપચારિક માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યાજીવતો રહેજે

આંખના ખૂણા થી ભીખુ ને ઈશારો કર્યોમેટ્રિક નો રિપોર્ટ લઇ આવ?”

દયાળજી રિપોર્ટ વાંચતા ઘડી ઘડી ભીખુ સામે જુએવાહ રે દીકરા, તું તો વિજ્ઞાન અને ગણિતમાં તો એક્કો હેં? મને તેં અમારા રણજીત ની યાદ તાજી કરાવી.” કહીને આંખ લૂછી.

તું એને તારા જેવા સોલિસિટર બનવાના આશીર્વાદ આપ જે

ભાણેજે મામાને પ્રણામ કર્યા.

તે સવિતા લોકોએ કાંઈ ખાધું પીધું કે નહિ? ભૂખ્યા થયા હશે

જમના બેને તો આવતાની સાથે લંબાવી દીધું. હવે બધાં સાથે બેસી ને ચાનાસ્તો કરીએ ને?”

ભાઈ બેન અને બધાં કોતરણી વાળા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા.

ભાય, તમને લોકોને તો જબરું દુઃખ આવી પડ્યુંજમનાએ પાછા જખમ ખોલ્યા

હું તો ઠીક, કામ માં મન પરોવું પણ સવિતાને જરા સમજાવ તું. તો જરા જરા માં રડી પડે છે

ભાય એની હાથે રહેવા હું એટલે તો આવી

બહુ સારું કર્યું મોટીબેન તેં. હવે આવી છે તો રેહજો બેઉ જણ. જવાની ઉતાવળ કરતા

ભાય અમારે આવતી પૂનેમ પહેલાં પાછા જવું પડે. કાશી હો બિચારી કેટલા દાડા આપણા ઘર નું ધ્યાન રાખે, એમ ને?

તું એમ કર. ભીખુને અહીં મૂકી જા ભણવા માટે. મોટો  વૈજ્ઞાનિક બનાવી દઉં. જો ને કેટલા સારા માર્ક છે વિજ્ઞાન અને ગણિતમાં?”

વળી શું? વૈજ્ઞાનિક ને બધું મને ની હમજ પડે

અરે મારા અમ્રત ને જો આવા સારા માર્ક હોતે તો એને હું વિજ્ઞાન માં કરાવતે. સોલિસિટર ગિરી માં કઈ સવાદ નથી. જાત જાત ના ગૂંડા જેવા માણસો પાસે  કામ હાથમાં લેવું પડે. ભીખુ જો અહીં રહી પડે તો એને જે બનવું હોય તે બનાવીશ. તું સુખેથી ગામ જા. એના ભણતરની જવાબદારી  આજથી મારી

ભીખુ નું ભવિષ્ય અહીં રહી ને ઊજળું થતું હોય તો મને કાંઈ વાંધો નથી. ” ભીખુના વિયોગના વિચાર માત્ર થી થોડી ખળભળી ગયેલી જમના આડું જોઈ ગઈ.

તે જમાના બેન તું પણ અહીં રહી જાને?” સવિતાએ રસ્તો કાઢ્યો.

ના રે બાપા. ઊં તો તાંજ હારી. મારા ઘરનું હો કોઈએ ધ્યાન રાખવાનું ને?” જમનાએ પોતાની  લાલ સાડી નો પલ્લુ માથે સરખો કર્યો.

          ———————-

ઉપસંહાર:

દયાળજીએ કોઈ નો સંગાથ કરાવી  આપ્યો. ભીખુને ભણીગણી ને મોટો માણસ બનવા ભાઈને ત્યાં મૂકીને જમના ગામ ચાલી નીકળી, મન કઠણ કરીને, પરંતુ  પોતાની જિંદગી પોતાની રીતે જીવવા.  ભીખુ હવે કેટલું ભણશે અને ભણી ગણી ને સોલિસિટર બનશે કે પછે વૈજ્ઞાનિક આપણે હવે પછી જોઈશું

ભીખુ અજાણી જગ્યાએ રહી ને કેવી રીતે સમાઈ ગયો, મુંબઈ જેવી નગરીમાં હિમ્મતથી રસ્તો કાઢ્યો અને એનું ભવિષ્ય કેવી રીતે ઘડાયું હવે પછીની  નવી શ્રેણીમાં જોઈશું.. શ્રેણી પ્રકરણ થી સમાપ્ત થાય છે.


2 thoughts on “પ્રકરણ ૫: ભીખુ સોલિસિટર દયાળજીનો વારસદાર બનશે?

Leave a Reply