રાત્રે અચાનક ઝાપટું પડ્યું. ફળિયામાં સૂતેલો ભીખુ ઉતાવળમાં અસ્તવ્યસ્ત ગોદડી સંકોરીને દોડીને ઘરમાં ભરાઈ ગયો.
“બેટા પ્હેલ્લાં માથું નૂછ, ની તો શરદી થેઈ જહે” ” બધી માં ની જેમ જમનાએ લાડથી ટકોર કરી. પણ ભીખુ એને ગણકાર્યા વગર ગોદડી બિછાવીને સૂઈ ગયો. આમ તો ભીખુ ડાહ્યો ડમરો, કહ્યાગરો છોકરો હતો પણ “આટલી અમથી છાંટી પડી તેમાં હું ?” એમ કરી ને ચૂપચાપ સૂઈ ગયો.
લગભગ બાળ વિધવા એવી જમના ઉપરથી શાંત પણ અંદરથી ઝંઝાવાતી સ્વભાવ માટે પ્રખ્યાત – કે પછી કહો કે કસબા તરીકે ગર્વથી ઓળખાતા સરભોણમાં કુખ્યાત હતી. ફાંકડા એવા મોરારને પરણીને આવતાં જ એની ગણના એક “આઝાદ” બૈરીમાં થવા માંડી હતી. અરે બીજાની વાત છોડો, એના વર મોરારની વાત પણ ઘણી વાર માનતી નહિ. પાછું મોરારને વહાલ પણ કરતી, એટલું જ જબરજસ્ત!
રોજ સવારે વહેલી ઉઠીને ઘંટી ફેરવતાં ભજન ખૂબ હલકથી ગાતી.
આ બાજુ પેલા કોઈ ગાંધીજીની અહિંસાની વાત સાંભળીને ઘણી વાર ઉકળી પડતી – “તે એમ હરખું લયડા વગર કાંઈ આઝાદી મળવાની છે કે? હારા નિકરી પયડા તે ”
બોડા માથા ઉપર લાલ લૂગડાંનો પાલવ ઓઢેલી જમના -મનમાં પારાવાર દુઃખ ,પણ બહાર એને ડોકાવા ન દેતી. .
બિચારીને જાણે સુખ નસીબમાં લખ્યું ન હતું.
પહેલું સંતાન બાબો મરેલો જન્મ્યો . બીજી બેબી આવી તે થોડાક મહિનામાં મગજના તાવમાં પરલોક સિધાવી ગઈ.
ત્રીજો, તે આપણો આ ભીખુ, જન્મ્યો ત્યારે તેનું નામ તો નારણ રાખ્યું પણ એ છ વરસનો થયો ત્યાં
મોરાર પ્લેગ માં દેવ થઇ ગયો.
અરે એના માથાના વાળ ઉતારવા આવ્યા ત્યારે કેટલું તોફાન કર્યું હતું જમનીએ? એના રેશમ જેવા કાળા ભમ્મર વાળના ગામમાં ઘણા દીવાના હતા. લાલ રંગનું લૂગડું પહેરવાનું આવ્યું તો ઘસીને ના પડી દીધી. પછી તો જેમ તેમ ઠાકોરજીનો ડર બતાવીને એને લાલ લૂગડું પહેરાવી દીધું.
ભીખુ હવે દસ વરસનો થયો. હા એનું નામ નારણમાંથી ભીખુ કેવી રીતે થયું હશે તે તો બધાને ખબર જ હશે.
“ભીખી ને લાવેલા” એટલે ભીખુ.
કપડાં વિગેરે સગા સંબંધી તરફથી ભીખીને આણેલો એટલે વિધાતાને પણ ફોસલાવવાનું કે “આ અમારો દીકરો નથી ભાઈ, જુઓને એના કપડાં અને બધું બીજા લોકો કરે. એને મારતા નહિ
ભગવાન”
સવારના પહોરે નાહી ધોઈને પહેલું કામ તે ઘોડીઆં કરતા ઠાકોરજીને બે હાથ જોડવાના – પેલા બાજુ માં ગોઠવેલા હાર પહેરાવેલ મોરારના ફોટા ને જરા પગે લાગીને યાદ કરી લેવાના.
ત્યાં તો બારણેથી પાડોશી વિધુર નાથુ કાકા અચૂક ડોકિયું કરે ” અલી જમના, હૂં કરે? કાંઈ કામ કાજ ઓય તો કેજે હેંકે. દુઃખી નોખે થતી ”
એક વેધક નજર નાખી ને “એ બો હારુ” કહીને એને વિદા કરતી. મોરારની વિદાય પછી આવા નાથુ કાકાઓની લંગાર ચાલુ ને ચાલુ.
જમનાએ નાના અમસ્તા તકતા (અરીસા) માં ડોકિયું કર્યું ‘ સુંદર મઝાનો સુડોળ ચહેરો, એક અકાળે આથમી ગયેલો ચાંલ્લો, – એક નિસાસો -સખ્ત ભીડેલા હોઠ. માથે ઓઢેલો લાલ ચટક સાડીનો પાલવ ચહેરાને એક અજબ ચમક આપતો. ગામ આખાએ હવે એને ગંગા સ્વરૂપ તરીકે સ્થાપી દીધી હતી પણ ગંગા માતા કાંઈ વિધવા થોડી હતી? પવિત્ર થવા માટે વિધવા થવું પડે, આ બધા નાથુ કાકાઓની જમાતમાં ?
આંખો ચોળતો ભીખુ ઊઠ્યો ” માં , આજે નિહાર માંડી વારુ?”
“એ હૂં બોયલો તૂ ? એમ નિહાર અમથી અમથી પાડવાની ની, દીકરા? તારે તો ભણી ગણીને તારા મોટામામા દયાળજીની પખણ મોટા સોલિસિટર બનવાનું છે, હૂં?”
“ચાલ વહેલો તીયાર થઈ જા. જો તને ભાવતું વેંગણનું ભથ્થું છે તે ખાજે, રોટલા હાથે”
થોડા કટાણા મોઢે ભીખુમાં શિસ્તનો રંગ ચઢતો જતો હતો. નંબર તો એ પહેલો લાવતો જ.
રમતગમતમાં ભીખુનું બહુ ઊપજે નહિ પણ એમ જમના છોડે નહિ. બધા છોકરાઓ રમતા હોય તેમાં ભીખુ એ જવાનું,
એક વાર તો ભીખુને પગમાં સખત વાગ્યું; દોસ્તારો એને ટીંગાટોળી કરીને ઘેર લાવ્યા. ભીખુ તો એવો કકળે ! પણ અચળ એવી ‘ગંગા સ્વરૂપ’ જમનાએ સ્વસ્થ મને ગોળહળદર નો લેપ લગાવ્યો, પાટા પિંડી કરીને ભીખુને તાકીદ કરી ” એ તો રમતાં જરાતરા વાગે. કાલ તો હારુ થઈ જહે – નિહાર માં જવાનું ને ?”
મરદાનગીના પાઠ હો જમના બા ભણાવે.
જો કે ભીખુને પોતાનામાં કસર લાગતી. એકવડિયા બાંધાનો ભીખુ, પહાડ જેવા દોસ્તારો આગળ ભીરૂ લાગતો.
દિવંગત થયેલા બાપુજી ની યાદ એને સતાવતી કે કેમ?
જમનાને ગળા સુધી ખાતરી હતી કે એનો ભીખુ બહાદુર થશે, બિલકુલ પોતાના જેવો અને સોલિસિટર બનશે એના દયાળજી મામા જેવો.
—————————————————
માં દીકરો મુંબઈ ની સફરે:
પૂરા પાંચ વર્ષ બાદ……
જમના માં આજે રાજીની રેડ હતી. કેમ ન હોય? ભીખુ મેટ્રિકની પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયો.
ખૂબ જીવજે દીકરા, તેં આપણા કૂળનું નામ ઉજાળ્યું.
ભીખુએ પણ તબિયતે હવે જરા કાઠું કાઢ્યું, પાતળો એવો જ પણ મૂછ નો દોરો એને એક નવી છાપ આપતો હતો . જરાકમાં હોઠ હસું હસું થઇ જતા – બિલકુલ એના બાપની જેમ.
વિજ્ઞાન અને ગણિત માં એને ડિસ્ટિંક્શન માર્ક મળ્યા એ તો ઠીક પણ પાંચમાં પૂછાય એવી હિમ્મત આવી ન હતી. સોલિસિટર થવા બધાની વચ્ચે બોલતાં આવડવું જોઈએ – જમના નો એ તર્ક ખોટો ન હતો. પણ ભીખુ ને શું થવું હતું એ કોણ પૂછે એને?
મજૂરો પાસે ખેતી કરાવી ને જમના એ ખપ પૂરતા ભાત ઉગાડીને આટલાં વરસ ચલાવ્યું. હવે ભીખુ ને નવસારી કોલેજ માં જવા પૈસા કેવી રીતે કાઢવા? ભીખુએ મોટા માણસ થવું હોય તો નવસારી કોલેજ માં દાખલો લેવો જરૂરી હતું – બીજા સુખી ઘરના છોકરા કરતા તેમ.
“ઠાકોરજીની પાસે ભીખુની કોલેજના એડમિશન માટે ભીખ થોડી મગાય? ” જમના રૂઆબ થી કહેતી
“ભગવાન તો આપણા મનની શાંતિ માટે છે, માગણી કરવા નહિ. મહેનત કરો ને પામો. કૃષ્ણ ભગવાને કયું છે ને? મારા પર ભરોસો રાખો પણ મારા ભરોસે બેસી ન રહો ” બધાને રોકડું પરખાવતી.
પાડોશી નાથુ કાકા હવે ઉમર વધતાં ઓછી નૌટંકી કરતા પણ ભીખુને કોલેજની ફી ભરવાની ઓફર કરવાની તક ગુમાવી નહિ.
“ભીખુ, જો જે આવા અવળચંડા લોકો થઇ દૂર રહેવાનું, હમયજો?”
પુખ્ત થવા આવેલો ભીખુ હજી એટલો સમજણો થયો ન હતો. નાદાન એવો એ, નાથુકાકાને આદરથી જોતો.
તે દહાડે તાર વાળો પોસ્ટમેન ઘેર આવી પહોંચ્યો. જમણાને ફાળ પડી.. તાર ઘણે ભાગે દુઃખી થાય એવા સમાચાર લાવતો. નક્કી કાંઈઅજુગતું થયું લાગે છે.
ભીખુ એ ડરતાં ડરતાં તાર ફોડ્યો અને જેવું આવડતું હતું તેવા અંગ્રેજીના જ્ઞાને વાંચ્યો.
મોટામામાને ઘેર થી તાર હતો. તેમનો નાનો દીકરો રણજિત અચાનક ભગવાનનો વહાલો થઇ થઇ ગયો.
“હે ઠાકોરજી આ હૂં થઇ ગયું? ” ભાઈ નો મોટો દીકરો અમરત ખાસ્સો ૯ વરસ મોટો અને રણજિત તો બરાબર ભીખુ જેવડો. આ તો ગજબ થઇ ગયો. જમના જેવી આઝાદ સ્ત્રી માટે પણ આ આઘાત જીરવાય એવો ન હતો. એના નસીબમાં દુઃખ જ લખાયેલું હતું કે કેમ?
ભીખુ રડતાં રડતાં કહે ‘અરે છેલ્લા વેકેશન માં જ્યારે રણજિત અહીં આવેલો ત્યારે કેટલું રમ્યા હતા?’
“આપણે મોટામામા અને મામીને દિલાસો આપવા મુંબઈ જવું જોઈએ” અચાનક પુખ્ત થઇ ગયેલા ભીખુએ સૂચવ્યું.
“પણ ભીખલા, આ તો મુંબઈ જવાની વાત છે, નવસારી બવસારી નહિ.” કુળદિપકને પુખ્ત થઇ ગયેલો જોઈને એક અજબ પ્રકારની નિરાંત થઇ; પણ સાથે ચિંતા પણ. દયાળજીનું આલીશાન મકાન, છે….ક મલબાર હિલ પર હતું.
“માં તૂ ફિકર ની કર. આપણે જશું એ નક્કી”
“પણ જવાના પૈસા?”
“ચાલ માં, નાથુ કાકાને પૂછીએ, એ કે દાડે કામ લાગવાના?” ભીખુ બોલતાં બોલી ગયો.
“તૂ એનું નામ ની લેતો પાછો. ઊં હજુ બેઠલી છે હમયજો?” જમનામાં ઊકળી પડ્યાં.
“પણ મુંબઈ સુધી એકલા જવાનું….?”
“તમે ફિકર નો કરો માજી. મારો ફૂયાત રવજી કાલે મુંબઈ જવાનો છે તેની હાથે તમે જજો” પોસ્ટમેન મકનજી માં-દીકરા ની વાત સાંભળ્યા કરતો હતો તે એકદમ વહારે ધાયો.
“ચાલો તો પાકું. ઠાકોરજી તમારું ભલું કરે મકનજી”
જમના બાએ મક્કમ પગલે એક અંધારી ખોરડી તરફ ડગ માંડ્યા. અંદર જઈ ને કેડે લટકાવેલી ચાવીથી એક મોટો ભારેખમ પેટારો ખોલ્યો અને સાવધાનીથી ૫૪ રૂપીઆ ની રકમ કાઢી. આ મૂડી તેણે કોઈ પ્રસંગ માટે સાચવી રાખી હતી.
“લે ભીખા, એટલા બો થઇ રેહે. તૂ હવે તૈયારી કર જવાની” માં પાસે બધી આફતનો સામનો કરવાનો રસ્તો હતો.
આ બાજુ આખા કસબામાં હલચલ મચી ગઈ.
‘ખરાં હેં, માંદીકરો? ભાયના ખરાબ વખતે છેક મુંબઈ હુધી દોડવાના” લોક બધું કહેતું થઇ ગયું.”જબરી આઝાદ બાઈ છે”
“અરે જમની, તે…. હાથે (સાથે) પાણી ને થોડો નાસ્તો રાખી મૂકજે – પોયરો ભૂખો થહે રસ્તે” પણ પોયરો હવે મરદ થઇ ગયો તે ગામ લોક ને કેમ ખબર?
“એલાં મને બધું આવડે. અમથી સલાહ સૂચન નો આયપા કરો તમે બધાં ભેગાં થઈને”
ભીખુ એ એક કાપડાં ની થેલીમાં જોઈતો સામાન ભર્યો. એનો મેટ્રિકનો રિપોર્ટ કાર્ડ પણ સાથે અંદર
સરકાવી દીધો. ‘મોટામામા ખુશ થશે’
જમનાએ ભીખુનું ખમીસ સરખું સાંધી દીધું – ‘પોયરો હવે મેટ્રિક હારા માર્કે પાસ થઇ ગીયો તે એમ ગમે તેવું ખમીસ થોડું ચાલે? એ તો દયાળજી સોલિસિટરનો ભાણેજ. હૂં હમયજા? ” જમનાનો હરખ સમાતો ન હતો.
ગામમાં ગમે એવા પ્રસંગે ઘર બંધ રખાય નહિ. ભેંસને પણ રોજ દોહવાની.
જમનાએ તરત જ કાશીને બોલાવી મંગાવી. કાશી, જમનાની જેમ વિધવા અને ઘર માં દીકરાની વહુ સાથે રોજ ઊઠીને કકળાટ.
“થોડા દહાડા તેને નિરાંત – કકળાટ થી”
તે તો તરત રાજી થઇ ગઈ.
“જો કાશી, આને તારું જ ઘર માનજે, ભેંસ ને દોહવાનું ભૂલવાનું નહિ. તુ તારે નિરાંતે રહેજે. અમે થોડાક દહાડા માં પાછા આવી જહું” આઝાદ જમનાનો રૂઆબ ગજબ નો હતો. પુરુષો તો પોતાની વહુવારુઓને જમનાથી દૂર રાખવા મથતા – ‘નખે ને એના જેવી આઝાદ થઈ ગઈ તો? બૈરાં ની જાત, ભગવાને જુદી બનાવેલી તેને હાના આટલા ચાળા”
બીજે દિવસે ગામ નો બ્રાહ્મણ મંત્ર બોલીને આશીર્વાદ આપીને સીધું લઇ ગયો પછી માં-દીકરો એસ ટી ડીપો પર પહોંચી ગયા.
અગિયારની લોકલ પકડવાની હતી.
“ફાસ (ફાસ્ટ ટ્રેઈન ) નું ભાડું તો બો ભારી, આપણને ની પોહાય” જમનાનું ગણિત.
————————————————————
સરભોણનો બસ ડીપો ઘરથી નજીક હતો અને રોજ બસ પકડવા આવતા જતા લોકોને જોઈ નાનો ભીખુ બોલી ઉઠતો ” માં, આપણે બધાને લેવા મૂકવા જવાનું તે આપણે કે દાડે બસમાં જવાના?”
ખરેખર, આજે રોજ કરતાં બસ ડીપો કૈંક જુદો લાગતો હતો; જાતે બસમાં જવાના હતા તે? રોજ તો જ્યારે ક્યાંક જવું હોય તો ચાલતાં જવાનું કે બહુ બહુ તો કોઈની ગાલ્લીમાં. ઉત્સાહ માત્ર ભીખુનો ન હતો. જમનાએ હરખમાં એક કપ ચા ગબડાવી દીધી પેટમાં.
“આયખામાં કોઈક વાર તો ટેસ કરવાના” એમાં કાંઈ ખોટું નથી” માંનો બચાવ. ભીખુ માંને પોતાની જાતને ખુશીમાં તણાતી જોઈ રહ્યો.
નવસારીની મોટર ( એસ ટી બસ ) ધસમસતી આવી તેમ લોક બધું દોડ્યું – એક ટોળાં ની જેમ.
નહિ કોઈ શિસ્ત; નહિ કોઈને માટે માન. ભીખુ માંનો હાથ પકડીને બસમાં ચઢવા આગળ વધ્યો.
“અરે માજી, તમે આજે વળી કેવા બસમાં જવાના થઈ ગિયા?” એક પરિચિતે ડહાપણ કર્યું.
“કેમ વરી, ઊં મારા પોયરા હાથે મુંબઈ ચાલી … મારા સોલિસિટર દયાળભાય ને તાં ખરખરો કરવા. તેમાં તારા બાપનું હૂં ગિયું ભાય?” જમના તાડૂકી
ભીખુ એ ડોકી હલાવી.
પેલો તો સડક થઇ ગયો. આ તો જબરી છે – બહુ માથાઝીક કરવા જેવી નથી.
અંદર માં-દીકરો ગોઠવાયા એટલે ભીખુએ આમ તેમ નજર દોડાવી – પેલા તાર વાળા પોસ્ટમેનના ભાઈ રવજીને શોધવા.
“માં રવજીકાકા કાંઈ દેખાય ની ને કેથે!”
“તે આવવાના ઓહે (હશે) તો આવહે (આવશે) . તૂ છેને આવડો મોટો મારી હાથે?” માંના આ શબ્દોથી ભીખુની છાતી ફૂલી.
શરીરમાં ગરમ લોહી દોડવા માંડ્યું.
બસ ડ્રાયવરે હોર્ન જોરમાં વગાડીને બધાને ચોંકાવી દીધા – બસ ઉપાડવાનો ટાઈમ થઇ ગયો.
કંડક્ટર જરા માથા ફરેલ હતો ” અરે હૂં કરે બધા? એ તમારી તો… ચાલો ચાલો -બસ ઉપાડવાની તે ભાન પડે કે ની?” સાથે એક બે ગાળ ચોપડાવી
“એય લલ્લુ તૂ તારે બસ ઉપાડ. અહવે (હવે) કોઈ કાકો આવવાનો નથી. જે રહેઈ ગિયું તે ગિયું ” કોઈ ઘરડાએ કંડકટરને તાકીદ કરી
કંડક્ટરે ટીન ટીન કરી એટલે ગળે રૂમાલ બાંધીને ડ્રાયવરે બસ ઉપાડી તે એવી ઉપાડી જાણે કે ધરતી પરથી બ્રહ્માસ્ત્રછૂટ્યું. આગળ ઉભા લોકોએ આમથી તેમ નાસભાગ કરી મૂકી, બસ ડ્રાયવરને ભાંડતા ભાંડતા.
ધૂળની ડમરી ઊઠી.
હજી બસ ડીપોમાંથી બહાર નીકળી ત્યાં આગળ રવજી દેખાયો – બસને ઉભી રાખવા હાથ હલાવતો.
એક જોરદાર બ્રેક મારીને બસ અચાનક થંભી ગઈ. રવજી હાંફતો હાંફતો બસમાં ચડ્યો.
“હા આવો આવો, તમારી જ ગાડી છે, ગમે ત્યારે આવો, નિકરી પયડા તે”
કંડક્ટરે ગુસ્સામાં ધડાક દઈને બસનું ખખડધજ બારણું બંધ કર્યું અને ટીન ટીન કરીને બસ આગળ વધી.
“અરે ભાય, કંઈ નથી – એ તો જરાક – બધી ઈશ્વરની માયા ” રવજીએ એક શરમાળ સ્મિત કર્યું અને અંદર આવીને જોવા લાગ્યો – ક્યાં બેઠા છે જમના અને ભીખુ? એના ભાઈ મકનજીએ આ લોકોની જવાબદારી સોંપી હતી એને.
બેઉને જોઈએને હાશ થઇ અને એમની પાછળની સીટ પર જઈને બેસી ગયો. બાજુમાં પેલો જમનાનો પરિચિત હતો.
“તમે બેઉએ બસ પકડી લીધી- ચાલો મારો તો જીવ અધ્ધર થઇ ગયો કે હું મોડો પડ્યો”
જમનાએ થોડુંક પાછળ જોઈને માથું હલાવ્યું અને અદાથી આજુબાજુની શ્રુષ્ટિ નિહાળવા લાગી.
પેલા પરિચિતે અર્થ વિહીન ડોકું હલાવ્યું.
બસ આગળ દોડવા લાગી. નાના ગામોએ ઉભી રહીને નવા નવા મુસાફરોને અંદર સમાવતી ચાલી.
સામેથી એક લગનના બળદ ગાડાંની વણઝાર દેખાઈ એટલે બસ ધીમી પડી. જમણી બાજુ બેઠેલા બધા લોકોએ કુતુહલતાથી ડોકું બહાર કાઢ્યું.
“અરે આ સિઝનમાં લગન ?- કાંઈ ગાંડા થઈ ગિયા કે હૂં? ”
પેલો પરિચિત ભાઈ જમનાને પૂછે ” એ હારુ કોને તાંના લગન; ઓળખો કે એ લોકોને?”
જમનાએ મૌન સેવ્યું.
એટલેથી અટકે પેલો ?
“તે જમની, તારો ભાય, મોટો સોલિસિટર દયાળજી , હૂં કામનો ? હગી બેનના મુસીબતના વખતમાં મદદ હો ની કરી ”
હવે જમના ભભૂકી ઉઠી ” તું તારું જો, હમયજો? મારી વાતમાં ડહાપણ કરવાનું તારે હૂં કામ? ઊં કોઈ પાહેં ભીખ ની (નહિ) માગું તે ની… જ માગું – ભગવાન પાહેં હો ની…, તમારી પખણ.
એટલું જાણું કે ભાયને માથે આપદા આવેલી છે તે મારે જવાની ફરજ. બીજું કાંઈ? હવે મને શાંતિથી બેહવા દે તૂ”
પેલો તો ગલવાઈ ગયો તે ગયો પણ પાસે બેઠેલો રવજી પણ ચૂપ થઇ તાયો
“આને છેડવામાં માલ નથી”
ખખડધજ બસની સફર અવિરત.
ગણદેવા ગામ – એના પિયરનું પાટિયુ દેખાયું અને જમનાની આંખમાં ચમક આવી ગઈ.
“ભીખુ હવે જોજે ગણદેવા, તારું મોહાર (મોસાળ) દેખાહે ” બોલતા બોલતા જમનાની આંખમા આંસુ છલકવા લાગ્યા.
પાદર આવ્યું – ગણદેવાનું પાદર આવ્યું એટલે બસ ઊભી રહી
“ભીખુ તને ખબર છે? એક વાર ઊં અહીંયા હુધી રિહાઈને (રિસાઈને ) આવી રહેલી – મેં એક મોટા છોકરાને સખત ઝાપટેલો એટલે મારા બાપાએ મને મારવા કયરું એટલે ઊં તો નાહી (નાસી) આવી અહીંયા; ઘાઘરો ચોળી પેરેલા પણ દુપટ્ટો ની પેરેલો. એ તો બાજુ વારા કાકા મને જોઈ ગિયા, ને મને કેય (કહે) – “એ જમની આટલે લગણ કેમ કરી ને આવી ગઈ- એખલી એખલી. “
મારો તૌબરો ચડેલો એટલે વાત પામી ગિયા. મને પકડીને જેમ તેમ ઘેરે લેઇ ગિયા, અરે ઊં તો બો તોફાની ઊતી, પોયરા કરતાં હો… જબરી…” જમના બાળપણમાં સરકી પડી એ તોફાનના દિવસો ! એ મઝા!
આ સાંભળી રહેલા ભીખુ અને પાછળ બેઠેલા પેલા બે અવાચક થઇ ગયા. ખરી બાઈ!
ભીખુને હવે ખયાલ આવ્યો માંને બધા ‘આઝાદ કેમ કહેતા.
“દીકરા તને ભૂખ બૂખ નથી લાગી?” માંનો પ્રેમ ઝળકી ઊઠ્યો.
અચાનક દીકરાને જોમ ચડી ગયું – માં આટલી બહાદૂર અને હું ? આઝાદ માંની વાતો સાંભળીને દીકરો આઝાદ થઇ ગયો.
“નહિ માં , મને કાંઈ ની (નહિ) જોઈએ. ઊં (હું) હારો છું”
માં એ શાંતિ નો શ્વાસ લીધો હવે. ભીખુ હવે કીકલો રહ્યો ન હતો. મોટો મરદ થઇ ગીયો, મારો ભીખલો..
નવસારી રેલવે સ્ટેશન આવી ગયું. ઉતરીને ભીખુ માં પાસે પૈસા લઇને ટિકિટ બારી પર મક્કમ પગલે જઈને બોમ્બેસેન્ટ્રલ ની ટિકિટ કઢાવી આવ્યો.
ટિકિટમાં લખ્યું હતું “તીસરા દર્જા, મામૂલી” અંગ્રેજી હકુમતે ઓર્ડિનરીનો તરજુમો પણ એવો કર્યો હતો કે આપણને મામૂલી હોવાની ઝાળ બળે.
પ્લેફોર્મ પર માંએ ભીખુને એક કપ ચા પીવા કહ્યું પણ મરદનો બચ્ચો ન માન્યો. “ઊં હારો છું” કહીને ટ્રેનના આવવા ની રાહ એવી અદાથી જોવા માંડ્યો કે જાણે પોતે રેલવેનો માલિક ન હોય?
રવજી આવીને “તમે ફિકર નો કરતા ” કહીને બાજુમાં ઊભો રહ્યો.
———————————————————-
રેલ ગાડીની મઝા
તે જમાનામાં રેલવેની, ‘લોકલ’ તરીકે ઓળખાતી ધીમી ગાડી; બીજી તે… ‘ફાસ’ તરીકે ઓળખાતી.
ઘણા કહેતાં કે “લોકલ માં જવું વધારે સારું. ઓછા પૈસા અને વધારે બેસવા મળે તે નફામાં. બધા સ્ટેશને ગાડી ઊભી રહે એટલે જોવાનું હો કેટલું ફાઈન? પાલઘરની માતબર ચા પીવા મળે, દહેણુંની દાળ – આહા હા!”
ફાસ તો બો ફાસ, ભાય. નાના સ્ટેશને ઉભા રહેવાનું નામ નહિ. આપણે ફાસ માં બેઠા હોય ત્યારે ગાડી જ્યારે નાના સ્ટેશનને તૂચ્છકારથી પાસ થતી હોય ત્યારે પ્લેટફોર્મ પર ઊભેલા બધા મોઢું વકાસીને જોતા હોય એ… જોવાની મઝા પડે બાકી.
પણ આપણી વાત પેલી લોકલની ચાલે છે.
લોકલ નાના સ્ટેશને ઊભી રહે અને ઘણી વાર સાઇડીંગમાં ખાસ્સી ઊભી રહે, બીજી ભા…રીમાંની એક્સપ્રેસ ગાડીને આગળ કઢાવા દે.
આ પરિસ્થિતિ આવે એટલે આપણી સાથે બેઠેલા રેલવેમાં કામ કરતા ‘સાહેબો’ (જે અદા.. થી મફતમાં મુસાફરી કરતા હોય) તે અચૂક બોલી ઊઠે “પાંચ -અપ ને કાઢવાના કે હૂં?”
કેટલા જ્ઞાની સાહેબો!
ઘણી વાર તો નાના સ્ટેશનનાં પ્લેટફોર્મ એટલા ટૂંકા હોય કે “પાણી, પાણી “કરતી, ભીછરા વાળ વાળી, કાંખમાં સરસ મઝાનો છલકાતો ઘડો લઈને દોડતી છોકરીઓનો હાથ પણ આપણી સીટ સુધી જેમતેમ પહોંચે. અને પાણી પીવડાવીને બિચારી એ બધી ક્યાંય સુધી ગાડી સાથે દોડતી રહે – ફેંકેલા સિક્કાઓને લેવા.
આ પાણી પીને કોઈ માંદુ પડતું નહિ!
હરિ ૐ.
કારણ ગમે તે હોય પણ જમનામાંએ લોકલમાં જવાનું નક્કી કર્યું.
દીકરા ભીખુમાં થઇ રહેલા બદલાવ જોઈને મલકાતી પણ મનમાં એના ભવિષ્યની ચિંતા પણ ખરી.
રવજી બિચારો અવઢવમાં, કે આવી ‘આઝાદ’ જમનાનું ધ્યાન તે વળી કઈ રીતે રાખવું ?
પોતાની સીટ પર થી ઊઠીને ઘડી ઘડી એ લોકોને જોઈ આવે. સાથે બેઠેલા કહે ” અરે આ હૂં માયડું છે તમે? જુએ કેની અમે કેટલા દુઃખી થીયે તે?”
“અરે ભાય, જરાક ખમી લેવ ની. એ મારા હગાં જિંદગીમાં પેહલી વાર ગાડીમાં બેઠેલા છે.” ગલવાયેલો રવજી બોલ્યો
“તે તારી સીટ અદલાવ બદલાવ કરી લે. આ ઘડી ઘડી દુઃખી કરે તે ની ચાલે”
આઝાદ અને આખા બોલી એવી જમનાની બાજુ માં બેસવાના વિચાર માત્રથી એ શિયાંવીયાં થઇ ગયો.
“ભાય ભાય, થોડાક જ કલાક છે આ બધો ખેલ.”
જમના બેઠી હતી ત્યાંથી કાંઈ ગડબડ સંભળાઈ.
“એય, તે આ ગાડી તારા બાપની છે? બારી બંધ કર ની? એન્જિનમાંથી ગાલ્લી ભરીને કોલસી ઊડીને અંદર આવે તે જોય કે ની? મારો પોયરો ક્યારનો આંખ ચોરી ચોરી (ચોળી ચોળી )ને દુઃખી થઈ ગીયો” જમનાનો અવાજ – મિલિટરીના જનરલ જેવો
“જુઓ જરા જીભ પર લગામ રાખો. એ બારી ને બંધ કરવા ઊં ક્યારનો મથતો છે. હહરી બંધ ની થાય તે ની..જ થાય. ને બંધ થઈ ગઈ તો ગભરામણ થેઈ તો? વાત કરે તે મોટી?”
ગાડીમાં નવા સ્ટેશનેથી ચઢનારાને આવો પ્રતિકાર સામાન્ય હતો. આગળથી આવતા લોકો ને પોતાની જગ્યા સાચવવાની અને નવા ચઢનારા લોકોને બારણું બંધ કરી દેવું કે બીજી રીતે ઘૂસવા નહિ દેવા.
થોડી વાર આવો ગજગ્રાહ ચાલે પછી કોઈક રીતે બધું થાળે પડે.
જમના-ભીખુ ને પણ આવો અનુભવ થઇ ગયો – નવસારી સ્ટેશને.
અંદર ચઢયા તો બારી આગળ કોઈનો રૂમાલ, જગ્યા રોકીને પડેલો. કોઈ વળી પ્લેટફોર્મ પર ઊતરી ને નાસ્તો લેવા ગયું હશે – સાવ સામાન્ય બાબત. પણ જમનાએ પટ દઈને રૂમાલ ખસેડીને આસાન જમાવ્યું.
પેલો તો આવી ને ઊકળી પડ્યો.
“આ તો મારી સીટ તે તમે કેવા બેહી ગિયા? વહેલો આવીને બારીની સીટ લીધેલી તે કાંઈ તમારે હારૂ? આ ની ચાલે. અહીંથી ખહી જાવ ને બીજી જગ્યા હોધો” તે પણ ગાંજ્યો જાય એવો ન હતો.
“ઊં તો આ બેઠી તારાથી થાય એ કરી લે. તારે બેહવું ઓય તો અહીં બેસ પાહેં”
એટલા માં રવજી વચ્ચે પડ્યો.
“અરે અરે, તમે હો હૂં? બેન માણસ હાથે આમ વાત થાય? આ બેહો ને શાંતિથી; થોડા કલાક છે ”
જમનાએ માથે ઓઢેલું તે જરાક ખસી ગયું અને એનો સુડોળ ચહેરો જોઈને પેલો બાજુ માં બેસી ગયો.
“ચાલ બો હારું.”
પછી જમના તરફ નજર ફેરવી ને પૂછે ” તે તમે ક્યાં જવાના?”
બસ, હવે મામલો પાટે ચઢી ગયો. શરૂઆતની ધમાલ પછી બધા એક બીજા ને આમ પૂછતા થઇ જાય. હવે આગળ આવતા સ્ટેશન સુધી શાંતિ અને પાછું પુનરાવર્તન – કોઈને કોઈ સ્વરૂપે.
ગાડીમાં મુસાફરી કરવાની આ મઝા. થોડી વારમાં બધા એક બીજાનાં આત્મીય સ્વજન હોય એટલી છૂટથી વાતો કરે.
“તમે ક્યાંના? તે બોમ્બે તમારું કોણ છે? હેં? બોરીવલી માં? ઓહ ત્યાં તો મારા કાકાનાં દીકરા નું પણ ઘર છે. હૂં?
હું તો મૂળ ગંગાધરાનો પણ વર્ષોથી અમે સુરત આવી રહેલા. હા, અમારું ઘર ભાગળથી તદ્દન પાસે. આવજો, કોઈ વાર. મોહન મીઠાઈ ની દુકાનની ઉપર. કોઈને બી પૂછો – પેલા રણછોડ પટેલ નું ઘર કયું ?- તરત બતાવી દેશે.”
ભૂલે ચૂકે જો આપણે ભાગળ જઈ પહોંચીએ અને ‘કોઈને બી પૂછીએ” તો કોઈ કાકાને ખબર ન હૉય એ રણછોડ પટેલ એટલે કોણ! લોકો પોતાના અસ્તિત્વ પર એટલા મુસ્તાક હોય કે ન પૂછો વાત.
બોમ્બે સુધી ની મુસાફરી હવે સુખ રૂપ પસાર થવા ની હતી. એક અજબ સંતુલન લોકો કેળવી લે છે – આપણી સભ્યતાની વધુ એક નિશાની. – લડી ઝગડી ને પાછા એક!
થોડી વાર માં એક પ્રૌઢ કાઠિયાવાડી યુગલે ટીનનો એક મોટો ડબ્બો ( પાર્લે બિસ્કિટ વાળા જત્થા માં ગ્લુકોઝ બિસ્કિટ વેચતા એવો ) અને રસ ઝરતા થેપલા અને અથાણું કાઢી ને આજુબાજુનાં તમામ લોકોને આગ્રહ કરી કરીને આપવા માંડ્યા. એમાં ચા વાળો આવ્યો તો પૈસા આપવા પણ એટલી રસાકસી બધા વચ્ચે!
હરિ ૐ.
“વસઈની ખાડી આવતી છે , વસઈની ખાડી” કોઈએ મીઠા મધુરા અવાજમાં બૂમ પાડી.
મોટા ભાગની મહિલાઓ છૂટા પૈસા કાઢવાની મથામણમાં પડી ગઈ.
જમનાએ સાંભળ્યું હતું કે વસઈની ખાડી પસાર થાય ત્યારે છૂટા પૈસા પધરાવવાથી બહુ પુણ્ય મળે છે અને મુસાફરી સારી રીતે પર પડે.
એણે પણ વહેલી વહેલી પૂડી માંથી થોડા છૂટા પૈસા કાઢ્યા અને ” લે ભીખુ , તું આ લાખી દેજે અંદર. જો એ બારી ની બહાર બો ડોકાવતો નહિ. બીજી ઉપાધિ થેઈ જહે, ની તો.”
ખાડી આવી એટલે બધાએ સમૂહમાં છૂટા પૈસા ફેંક્યા. જમનાએ હાથ જોડ્યા “જે ઠાકોર જી” આંખ માં કાઇંક પુણ્ય કમાયાનાં ભાવ અને સંતોષ સાથે.
જૂના જમાના ની ખટારા જેવી બહારગામની ગાડીમાં મુસાફરી કરવાના અનેક લાભ હતા:
એક તો રોજ બરોજની રગશિયા ગાડાં જેવી જિંદગીમાં કાંઈ નવું.
બહાર નીકળો એટલે બચ્ચાઓ માટે તકલાદી રમકડાં ખરીદવાની ખુશી મળે
અલગ અલગ સ્ટેશનની વખણાતી ચીજો ખાવાપીવા મળે – જેમ કે પાલઘરની મસાલા ચા, દહેણુંની દાળ, ઘોલવાડનાં ચીકુ,
વળી ગાડીમાં ચઢી ગયેલા ભિખારીનાં ભજન ? એક અકાળે વૃદ્ધ માણસ, એની નાની અમથી દીકરી દોરવે ત્યાં જઈ ને ભજન ગાતાં ગાતાં હાથ લંબાવે અને લોકો બિચારા પૈસા આપેય ખરા.
એ બેઉ ભીડમાંથી રસ્તો કાઢતાં આગળ વધે તેમ જેમતેમ હકડ઼ે ઠઠ બેઠેલા મુસાફરો એને રસ્તો કરી આપે- કોઈ
જાતના વિરોધ વગર.
નાની નાની વાતમાંથી આનંદ અને સંતોષ.
બોમ્બે સેન્ટ્રલ પર આગમન:
આખરે લોકલ ટ્રેન છુક છુક કરતી બોમ્બે સેન્ટ્રલ નાં વિકરાળ જંક્શન પર આવી પહોંચી. ભીખુની નજરોમાં તો આ સ્ટેશન વિકરાળ કરતા પણ વધુ ડરામણું હતું પણ મન મક્કમ કરીને માં સાથે ઊતર્યો. રવજી હવે સાથે ને સાથે, ન કરે નારાયણ અને આવડા મોટા જંગી શહેરમાં ભૂલા પડી ગયા તો?
જમનાને થોડો ડર તો હતો પણ બતાવ્યો નહિ. ઊતરતાં ઊતરતાં એક મહાકાય ફૂલી દોડીને ચડી ગયો.
“એય જરા ઊતારવા તો દે અમને?”
“જમના બા એ તો અહીં બધું એવું જ. બધા જલ્દીમાં હોય. ” રવજીએ સુફિયાણી સલાહ આપી.
ભીખુ આજુબાજુની માયા જોઈ રહ્યો પણ સ્થિતપ્રજ્ઞ ભાવે.
ચળકાટ મારતી દુકાનો, અસંખ્ય માણસોની ભીડ, સ્ત્રીઓ રૂઆબથી એકલી અહીં તહીં ફરે, ખાણી પીણી ની લોભામણી હોટલો, જયાં ને ત્યાં હાથ લંબાવતા ભિખારીઓ, રૂઆબમાં સોટી હલાવતા પોલીસ જમાદારો ! અને સ્ટેશનની છત કેટલી ઊંચી – અધધધ !
ત્રણે જાણ બહાર નીકળ્યા. હવે મલબાર હિલ કેમ જવું?
જમનાએ એક યુનિફોર્મ પહેરેલા પુરુષને તેમનો સામાન ઊંચકતો જોયો “એય, ચોર.. ચોર.. અમારા સમાન ને કેમ હાથ લગાયડો તેં?” જમના તાડૂકી ઊઠી. સાંભળ્યું હતું મુંબઈમાં અડધા લોકો ચોર જ હોય છે. ભીખુ પણ અવાચક થઇ ગયો. આટલી બધી હિમ્મત અહીંના લોકોમાં?
રવજીથી હસવાની રોકી નહિ શકાયું.
“અરે, એ તો દયાળ સાહેબનો ડ્રાયવર લાગે છે, જુઓની એના ખમીસ પર “દયાળજી દીપચંદ” લખ્યું છે.
ડ્રાયવરે બે હાથ જોડીને નમન કર્યા અને કહે “સાહેબે મને કહ્યું હતું કે એક લાલ લૂગડાં વાળા બેન દેખાય તે મારા બેન જમના હશે. સાથે આ છોકરો ભીખુ જ છે ને?”
જમનાના જીવમાં જીવ આવ્યો.
રવજીએ માથું ધુણાવ્યું. “હું રવજી, પેલા પોસ્ટમેન ભાઈ એ સાહેબને ટેલિગ્રામ મોકલ્યો હતો ને ? એનો હું ભાઈ”
‘તાર વાળા પોસ્ટમેનનો ભાઈ’ એ ગર્વ લેવા જેવી બાબત.
જમના અને ભીખુ સાવધાનીથી ડ્રાયવરે ખોલેલા બારણામાંથી અંદર જઈને સીટ પર ગોઠવાયા – આંખ ત્રાંસી કરીને જોઈ પણ લીધું કે બધો સામાન પાછળ મૂકાઈ ગયો. કાંઈ કહેવાય નહિ ભાઈ. ચેતતા રહેવું અને ચોર કોઈને કહેવું નહિ.
ખુલ્લી બારીમાંથી રવજીને કહે ” જોયો મારો ભાય, દયાળજી સોલિસિટર, બહેનની કેટલી માયા – મને લેવા આવડી મોટી મોટર મોકલી આપી”
“હા બહેન હવે તમે નિરાંતે ભાઈને ત્યાં પહોંચો. ચાલો આવજો”
“એ આવજે ભાઈ, ઠાકોરજી તારું ભલું કરે”
પાણીના રેલા માફક ગાડીએ રસ્તો કાપવા માંડ્યો. ઓહો આ તો જુઓ, દરિયો એને કહેવાય કે શું? અરે આતો ગાડી ઢાળ ચડવા મંડી! જુઓ જુઓ અહીંથી તો આખી મુંબઈ નગરી દેખાય!
થોડી વારમાં ગાડી દયાળ મેનશનના ગેટ પર આવી પહોંચી.
ભાભી બહાર ઓટલા પર ઊભી હતી તે જમનાને જોઈને દોડી આવી ને વળગીને રડવા લાગી. જુવાન જોધ છોકરો ખોયો બિચારીએ.
“ચાલ રેહઈ(રહી) જા હવે; ઠાકોરજીને જે ગમ્યું તે ખરું ભાભી. આપણું કાંઈ ચાલે છે એમાં? મન કઠ્ઠણ કર”
હળવે હળવે ભાભીને વાંસે હાથ ફેરવ્યો – તે ડૂસકાં ભરતી બંધ થઇ ત્યાં સુધી.
ભીખુ કાંઈ બોલ્યો નહિ.
અચાનક મામીએ એને જોયો અને બોલી પડી ” અરે, આ તો જો આપણો ભાણેજ? કેટલો મોટો થઇ ગયો? બરાબર મારા રણજીત જેવડો”
જમના એ ટાપસી પૂરી “મેટ્રિક હો થેઈ ગીયો, તારો ભાણેજ”
“ખાસ્સો જુવાન લાગે હવે તો”
“તેં ભાય અને અમ્રત કેમ છે?
“સારા છે. એ.. તો કોઈ મિટિંગ માં ગયેલા છે. આવી જશે થોડી વારમાં. કાલે જ બેસણું રાખેલું તેમાં તો બોમ્બેનાં બધા શેઠીઆઓએ હાજરી આપી. ”
ભાભી ની ભાષા મુંબઈ માં રહીરહી ને અહીંની થઇ ગઈ લાગી.
વાતો કરતાં બધાં મેનશનમાં આવ્યાં.
“તમે બેઉ થાક્યા હશો. જરા હાથ પગ મોઢું ધોઈને આરામ કરો એટલે એ.. આવશે”
જમના માંએ હાથ મોં ધોઈ ને પગ લંબાવ્યા. ભીખુ મેંશનમાં ફરી ને બધું જોઈ આવ્યો.
————————————————————
દયાળ મેનશન-
બાણગંગાથી નજીક એક આલીશાન બંગલો. ૧૯૦૦ ના જમાનામાં કોઈ અંગ્રેજ જનરલે ખંતથી બંધાવેલું; છત પર વિલાયતી નળીઆંથી શોભતો એક સ્થાપત્યનો અદભૂત નમૂનો.
હાલ દયાળજી દીપચંદ, મુંબઈની પ્રસિદ્ધ લો ફર્મના ભાગીદાર દયાળ સાહેબનું નિવાસ સ્થાન! એક ઓરડામાંથી બીજામાં જવા માટે ભારેખમ બારણા ખોલવા પડે.
ભીખુ ને થયું આટલા મસમોટા બાથરૂમમાં આ લોકો કરે છે શું?
ફરસ લીસ્સા આરસથી મઢેલી, ધ્યાન ન રાખો તો લપસી પડાય. આખા બંગલામાં નળમાંથી પાણી આવે – વાહ ભાઈ.
જબરી જાહોજલાલી મોટામામાની!
મોટો દીકરો અંતર્મુખી અમ્રત ભીખુ જેવો શાંત અને કાયમ ચોપડાં માં મોઢું ઘાલીને વાંચ્યા કરે. ભીખુને કદાચ એની સાથેસારું ફાવશે.
મોડી સાંજે અચાનક બંગલા માં સળવળાટ શરુ થઇ ગયો. દયાળ મામાની મોટર બંગલાની નજીક આવી કે ડ્રાયવરે જોરથી હોર્ન વગાડીને બધાને સાબદા કર્યા. નોકર ચાકર બધા આમ થી તેમ દોડવા માંડ્યા. સાહેબ શું માગશે કોણ જાણે? તૈયારી તો બધી રાખવી પડે ને? એકે એક માણસ ખડે પગે!
જમના રૂની તળાઇમાં ઊંઘી ગયેલી તે આ શોરબકોરથી જાગી ગયી. ભીખુ બિચારો નખ કરડતો એક ખૂણામાં ઊભો. પોતે હવે મોટો થઇ ગયો છે એ થોડી વાર ભૂલી ગયો.
મોટી મસ ડીસોટો ગાડી પોર્ચમાં આવીને ઊભી રહી. યુનિફોર્મ પહેરેલો ડરાઇવરે ત્વરાથી બહાર નીકળી ને પાછળનો દરવાજો લળી લળીને ખોલ્યો, એના સાહેબ માટે.
નજારો તો એવો હતો જાણે કોઈ નાની રિયાસતના મોટા હાકેમને આવકાર આપવાનો હોય, સિવાય કે એકવીસ તોપો ની સલામી.
દયાળજી સોલિસિટર,વાદળી રંગના સૂટ અને ટાઈમાં સજ્જ, મોઢામાં પાઇપ ફૂંકતા ધીરેથી ગાડી માંથી નીચે ઊતર્યા. ગજબનો રૂઆબ. કાળી છાંટવાળા ધોળા વાળને પટિયાં પાડીને બરાબર ઓળેલા, મોઢું ધીર ગંભીર.
બંગલામાં અંદર આવ્યા, પાછળ એક ચાકર એમની ચામડાની ઈમ્પોર્ટેડ બેગ લઇને આવ્યો.
“જમના બેન ક્યાં ?”
“સોલિસિટર સાહેબ જરા બેસો તો ખરા. એ લોકો કલાક પહેલાં જ આવ્યાં, સારાં છે, જમના બેન મુસાફરીથી થાકેલાં એટલે જરા આડાં પડ્યાં છે, હમણાં ઊઠશે? સવિતા એના પતિને ‘સોલિસિટર સાહેબ’ કહેતી
“એમને સૂવા દે. હું જરા મારા રૂમમાં જઈ ને હાથ મોં ધોઉં એટલે ચા મોકલ.” સાહેબને ઓફિસનો રૂઆબ ઘરે છોડતાં જરા સમય લાગે.
એક ચાકર રસોડા તરફ દોડ્યો, સવિતા એ લાડથી દયાળ સાહેબ નો કોટ ઊતારી ને બીજા એક નોકર ને આપ્યો.
બંગલાનું દીવાનખાનુ અનહદ મોટું, આગળ કહ્યું તેમ આખી જાનને ઊતારો અપાય એવડું મોટું!
સુશોભિત દીવાલ પર યુરોપીઅન ચિત્રકારોના પેઈન્ટિંગ્સ ટીંગાડ્યા હતા. સૌથી ધ્યાન ખેંચે એ અનાવલના મંદિરનું હતું. અનાવિલ જ્ઞાતિના આરાધ્ય દેવ મહાદેવનું અનાવલ ગામ સ્થિત મંદિર દયાળજીના વતન ગણદેવાથી નજીક હતું. જેટલું કાશી હિંદુઓ માટે તેમ વાપીથી તાપી સુધી પથરાયેલા અનાવિલ બ્રાહ્મણો માટે એ પવિત્ર સ્થળ. અનાવિલ પોતાની પેઢી ગર્વ થી છેક રામચંદ્ર ડાંગ માં પધાર્યા ત્યાર થી ગણાવે. અનાવિલોનો ઇતિહાસ પહાડ પરના ભીલો સાથેના ગજગ્રાહની કિંવદંતી થી ભરપૂર.
“હેં ભાભી ભાય આયવા કે હું?” શોરબકોર થી જાગી ગયેલી જમનાએ આંખ ચોળતા પૂછ્યું.
“હા હા તમારો ભાઈ હમણાં જ આવ્યો છે. હાથ મોં ધોઈ ને ‘એ’ અહીં આવતા જ હશે.” આછું સ્મિત ફરકાવતાં સવિતા બોલી- ‘એ’ બોલતાં બોલતાં તેનો હાથ દયાળજી ની રૂમ તરફ ….
તરત જમના માંએ ફરમાન છોડ્યું ” અરે ભીખુ દીકરા, જો મામા આવી ગિયા. તો જરા વ્યવસ્થિત કપડાં પહેરી ને આવ તો”
મોટામામાનો રૂઆબ જોઈને હતપ્રભ થઇ ગયેલો ભીખુ ડાહ્યો ડમરો થઇને ‘વ્યવસ્થિત’ થઈને આવી ગયો.
“મેમ સાહેબ હું હવે જાઉં?” દયાળજી નો ડ્રાયવર બીતો બીતો સવિતા ને પૂછી ગયો.
“હા ભાઈ હવે તું જા. કાલે ટાઈમ સર પાછો આવી જજે બેટા”
સલામ ઠોકીને ડ્રાયવરે રાજા લીધી.
ઈસ્ત્રી ટાઈટ રેશમી કુર્તા માં શોભતા દયાળ સાહેબ પધાર્યા.
“અરે જમના બેન તું આવી ગઈ, અમારા દુઃખ માં ભાગ પડાવવા? બહુ ગમ્યું અમને. અને આ કોણ? મારો ભાણેજ ભીખુ કે ! ઓહો તું તો જબરો મોટો થઇ ગયો ને. તેં તારું ભણવાનું? અરે હા, તેં તો મેટ્રિક ની પરીક્ષા આપી કેમ?”
દયાળજી મોટીબેનને જરા નમી ને પગે લાગ્યા. મોટીબેન ને પણ તું કરીને સંબોધવાનો લહાવો હતો.
મોટીબેને ઔપચારિક માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા “જીવતો રહેજે”
આંખના ખૂણા થી ભીખુ ને ઈશારો કર્યો “મેટ્રિક નો રિપોર્ટ લઇ આવ?”
દયાળજી એ રિપોર્ટ વાંચતા ઘડી ઘડી ભીખુ સામે જુએ “વાહ રે દીકરા, તું તો વિજ્ઞાન અને ગણિતમાં તો એક્કો હેં? મને તેં અમારા રણજીત ની યાદ તાજી કરાવી.” કહીને આંખ લૂછી.
“તું એને તારા જેવા સોલિસિટર બનવાના આશીર્વાદ આપજે”
ભાણેજે મામાને પ્રણામ કર્યા.
“તે સવિતા આ લોકોએ કાંઈ ખાધું પીધું કે નહિ? ભૂખ્યા થયા હશે”
“જમના બેને તો આવતાની સાથે લંબાવી દીધું. હવે બધાં સાથે બેસી ને ચા -નાસ્તો કરીએ ને?”
ભાઈ બેન અને બધાં કોતરણી વાળા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા.
“ભાય, તમને લોકોને તો જબરું દુઃખ આવી પડ્યું” જમનાએ પાછા જખમ ખોલ્યા
“હું તો ઠીક, કામ માં મન પરોવું પણ આ સવિતાને જરા સમજાવ તું. એ તો જરા જરા માં રડી પડે છે ”
“ભાય એની હાથે રહેવા હું એટલે જ તો આવી”
“બહુ સારું કર્યું મોટીબેન તેં. હવે આવી જ છે તો રેહજો બેઉ જણ. જવાની ઉતાવળ ન કરતા”
“ભાય અમારે આવતી કાલે પૂનેમ પહેલાં પાછા જવું પડે. કાશી હો બિચારી કેટલા દાડા આપણા ઘર નું ધ્યાન રાખે, એમ ને?
“તું એમ કર. ભીખુને અહીં મૂકી જા ભણવા માટે. મોટો વૈજ્ઞાનિક બનાવી દઉં. જો ને કેટલા સારા માર્ક છે વિજ્ઞાન અને ગણિતમાં?”
“એ વળી હૂં? વૈજ્ઞાનિક ને બધું મને ની હમજ પડે”
“અરે મારા અમ્રતને જો આવા સારા માર્ક હોતે તો એને હું વિજ્ઞાન માં જ કરાવતે. સોલિસિટરગિરી માં કઈં સવાદ નથી. જાત જાત ના ગૂંડા જેવા માણસો પાસે કામ હાથમાં લેવું પડે. ભીખુ જો અહીં રહી પડે તો એને જે બનવું હોય તે બનાવીશ. તું સુખેથી ગામ જા. એના ભણતરની જવાબદારી આજથી મારી”
“ભીખુ નું ભવિષ્ય અહીં રહી ને ઊજળું થતું હોય તો મને કાંઈ વાંધો નથી. ” ભીખુના વિયોગના વિચાર માત્રથી થોડી ખળભળી ગયેલી જમના આડું જોઈ ગઈ.
“તે જમાના બેન તું પણ અહીં જ રહી જાને?” સવિતાએ રસ્તો કાઢ્યો.
“ના રે બાપા. ઊં તો તાંજ હારી. મારા ઘરનું હો કોઈએ ધ્યાન રાખવાનું ને?” જમનાએ પોતાની લાલ સાડી નો પલ્લુ માથે સરખો કર્યો.
સવિતાએ ઘડીક સોલિસિટર સાહેબ તરફ જોયું. જમનાબેન સાહેબ ની મોટીબેન હતી એટલે એમની ઈચ્છાને માન આપવું પડે પણ કદાચ ભાઈ એમને મનાવે. આવડા મોટા ઘરમાં કોણ જાણે કેમ સવિતાને એકલું લાગીઆવતું.
જો જમનાબેન અહીં રહી પડે તો કેવું સારું?
સોલિસિટર સાહેબે પોતાની ખુરશીમાં માથું સહેજ પાછળ ઢાળ્યું અને છતને તાકતા ઊંડા વિચારે ચઢી ગયા. સવિતા ચૂપકીદીથી ઉભી. ખાસ્સી વાર પછી સાહેબ ધ્યાનમાંથી બહાર આવ્યા.
“જો સવિતા, મોટીબેન અને હું બેઉ એવું ઇચ્છીયે છીએ કે ભીખુ ભણીગણીને આપણા અનાવિલોને છાજે એવો મોટો માણસ બને. એને અહીં એકલો જ રહેવા દે જેથી તે પોતાનો રસ્તો પોતાની રીતે કાઢે. મોટીબેન હશેતો એના પર આધાર રાખતો રહેશે. એને પાછી ગામ જવા દે. પરિચિત માણસો સાથે ત્યાં વધુ ખુશ રહેશે.
ભીખુ એ એની અમાનત – આપણી સાથે રહે ”
એમ કહીને દયાળજી ઉઠયા અને બહેનનો હાથ પકડીને હિમ્મત આપી.
“ઠાકોરજી તમારા બધાનું ભલું કરશે, ભાઈ” જમનાની આંખમાં ઝળઝળિયાં હતા. સવિતાએ આવીને જમનાના વાંસે હાથ ફેરવ્યો.
ભીખુ પાસે આવીને એક નાનાં સ્ટૂલ પર બેસી ગયો.
દયાળજીએ જમનાના સંગાથની વ્યવસ્થા કરી આપી એટલે એ બીજે દિવસે નીકળી સરભોણ જવા.
એના જેવી કઠ્ઠણ અને બહાદુર સ્ત્રીને મનમાં તો જે થતું હોય એ, પણ પ્રસંગ ને અનુરૂપ સ્વસ્થતા રાખીને ચાલી નીકળી. મોરારના અકાળ મૃત્યુ પછી ભીખુ જ એનું જીવન હતું અને એને છોડીને જવાનું આકરું તો હતું.
“ભાય, તમને તો ભીખુના રૂપમાં રણજિત પાછો મળી ગયો ” કહીને એણે ભાઈ-ભાભી ને આશીર્વાદ આપ્યા અને મોટરકારમાં બેસી ગઈ. ભીખુએ કાર દેખાતી બંધ થઇ ત્યાં સુધી આવજો નો હાથ લંબાવે રાખ્યો. કેટલો નાજુક લાગતો હતો ભીખુ ત્યારે?
ભીખુ બધાં સાથે બંગલામાં પાછો વળ્યો, એક સંકલ્પ સાથે. એને પાકી ખાતરી હતી કે એની બહાદુર માં પોતાનો ખયાલ રાખશે.
જમના મનના કોઈ ખૂણે વેદનાને સંગ્રહી સરભોણ ઘેર પહોંચી ગઈ. અંદર જઈને પેલી ખોબલા જેવી નાનક્ડી અંધારી ખોરડીમાં જઈને પોક મૂકી ને રડી – કોઈ ન જુએ કે સાંભળે તેમ.
————x———————x————————x———————x————