મેરબાઈ ની દેહરી પ્રકરણ ૧

Chapter 1 on page 2 of Atal Savera October 24, 2020

મેરબાઈનીદેહરી

Posted on May 29, 2020 by Rajendra Naik

પ્રકરણ ૧:

ડાંગ સ્થિત નવગામમાં  એક ગ્રીષ્મ ઋતુની ખુશનુમા સવાર, આજુબાજુ પથરાયેલી વનશ્રુષ્ટી માંથી ચળાઈને આવતો મંદ મંદ આહલાદક પવન! ગામ ને ઘસાઈને પસાર થતી ચોમાસામાં ગાંડી બનતી અંબિકા નદી હાલ એક નાજુક નમણી નવોઢાની મંથર ગતિએ વહેતી!

ગામને પાદરે પીપળા નીચે કુળદેવી મેરબાઈની દેહરી, એની લગોલગ, પાછળ એક તળાવ.

“એલા એય, તે એટલા બધા વહેલા કેમ આવી લાયગા આજે? એ તો નથી ઉયઠો હજુ”

રામજી પૂજારી  મોહનીયાની ખોરડીની બહાર ભેગી થયેલી લોકોની મેદની જોઈને બબડયા.

ઘણા પુરુષો ઉકડ મડીએ બેઠેલા જ્યારે સ્ત્રીઓ પહોળો ખોળો પાથરીને, પુરુષો થી થોડી  દૂર.

રામજીના ટોણાની અસર થાય તેમાં મરઘાએ બાંગ પોકારી “કૂકડે કૂક”

“લે રામજીભાઈ, આ મરઘો હો  બોયલો , ઉઠાડો  તો  તમારા  કુંવરને હવે” હરિયાથી રહેવાયું નહિ તે બોલી પડ્યો.

“મારા હારા હરિયાને કઈ કામ ધંધો ની મળે તો હો બોયલો પણ અમે કઈ નવરા થોડાં છે? ખેતરે જવાનું કે ની? ” ખંડુએ આંગળીના ટચાકા ફોડતાં ફોડતાં હરિયાને ગાળ આપવાનું જ બાકી રાખ્યું.

“આય હાય ” બેસી બેસીને થાકેલી ગજરીએ ધીરે રહીને પગ પહોળા કર્યા.

“અલી ગજરી, તને કાંઈ અક્કલ ખરી કેની? તે બાઈ માણસ થેઈને પૂજારીના ઘર હામે પગ પહોરા કરીને કેવી બેહી ગેઈ ?” કાશીએ દાબડીમાંથી ચપટીક તપકીર લઇને જોરથી નાકમાં ખેંચીને ગજરીને ઠપકારી.

ગજરી આવું સાંભળી લેય? ” કાશી, તે તું બો ઉશિઆર કેમ? તને હૂં પેટ માં બરતું છે જે? રામજીભાઈ પૂજારી કાંઈ બોયલા? “

“અરે આપડો  મોહનીયો  જોજેની  ઉઠીને  મેરબાઈ પાહેં સરાપ અપાવહે  તને.” કાશીએ માર્યું

“તું બેહ, આળસુની પીર જેવી.  આ મારા બાબલાને મોહનીયો હારુ કરી દેય તેને લઈને હું પહેલી પંગતમાં વહેલી વહેલી આવીને બેઠી. તું તારું જોની?”

“આ બૈરાની જાત! બધાં બો ઉશિયાર. ચૂપ બેહો હવે. મોહનીયો ઉયઠો તેમ લાગતું છે મને”

મોહનીયાની ખોરડીનું બારણું ખુલવાનો અવાજ આવ્યો એટલે ભેગું થયેલું લોક બધું ચૂપ!

બધાની દ્રષ્ટિ ખુલતા બારણા તરફ – એકી ટશે.

મોહનીઓ દ્રષ્ટિગોચર થયો એટલે બધાંના શ્વાસ થંભી ગયા; એકવડું શરીર, ગૌર વર્ણ અને મુખ પર એક મોહક સ્મિત.

બહાર પરસાળમાં ગોઠવેલા એક પેઢીઓ જૂના, પ્રાચીન ઢબના  બાંકડા પર આસન લઈને સર્વેને હાથ જોડી પ્રણામ કર્યા.

લોકો શાંત – હમણાં કાંઈ બોલશે એ.

અને ખરેખર, કોઈ દેખીતા પ્રયત્ન વિના એણે ભવિષ્ય વાણી ભાખવાનું શરુ કર્યું:

ગજરી, જા તારો ટાબરીયો બે દહાડામાં સારો થઇ જશે.

કાશી તારી છોકરીના લગનનું મૂરત આવતી પૂનમ લગી નીકળશે.

છનુંકાકા, તમારા પીઠના દુખાવાની આપદા જ છે પણ વૈદે આપેલી દવાથી અને આરામ કરવાથી એક બે મહિનામાં સારું થઇ જશે.

શાંતિ,, તારા પોયરાના પાસ થવાના કોઈ એંધાણ નથી આ ફેરી.

“પણ તે વરસાદ ક્યારે આવહે તે કહેવ ની?” છનુંકાકાને એના પીઠના દુઃખાવા કરતા એના પાકની ભારી ફિકર.

“તે હો આવહે, દહેક દહાડા માં “

બોલીને મોહનીઓ ઉઠીને ચાલતો થયો અને પાછો ખોરડીમાં ભરાઈ ગયો.

“ચાલો, ચોમાસુ તો હારું જહે, કેમ હરિયા?” છનુંકાકા ખુશ.

મેદનીએ “મેરબાઈ ની જે” નો પોકાર કર્યો.

સદા સંતોષી ગામ લોકો, નાની નાની ઈચ્છાઓ; મોટો સંતોષ.

બધાં વિખેરાઈ ગયા પણ શાંતિ ખસવાનું નામ લેય તો ને?.

“તે તું હૂં કામ બેહી રેઇ, શાંતિ. તારો પોયરો વાંચે ની તેને કોણ પાસ કરે, જાણે કે આવી પડી પાસ કરવાવા ?”

‘રામજીભાઈ, મોહનિયાને કહેવ ની, કાંઈ જાપ બાપ કરીને મેરબાઈને રીઝવે. જોયે તો સ્પેશલ જાપ કરવાના પૈસા લેઇ લેય.”

“ખબરદાર જો પૈસા બઇસા ની વાત કાઢી છે તો. મોહનીઓ કાંઈ પૈસાને હારૂ આ ધંધો કરતો છે? એ આ જાણશે ને તો મેરબાઈ કોઈ દહાડો  પાસ નહિ કરે.” રામજીએ શાંતિને તતડાવી

“અરે, આ આટલી વખત પાસ થઇ જહે તો બારડોલી કસબામાં નોકરી તૈયાર જ છે”

“તું જા હવે અહીંથી” રામજીએ હાથનો ઈશારો કરીને એને  હડસેલી.

“એ બો હારૂ, એજ નામ પર હું આ નદી પારના ગામના પૂજારી પાંહે  જાપ કરાવીને પોયરાને પાસ જો ની કરાવું તો મારું નામ શાંતિ નહિ.” છણકો કરીને  શાંતિ નીકળી ગઈ.

ગત વર્ષના જન્માષ્ટમીના તહેવારની ઉજવણી પશ્ચાત મોહનિયાનો આ સપનામાંથી ઉદ્ભવતી ભવિષ્યવાણીનો દૌર શરુ થયો. આજુબાજુના ગામોમાં આ બાબત વીજળીવેગે ફેલાતાં મોહનીઓ પ્રખ્યાત થઇ ગયો. પૂનમની રાતે સપનામાં ગામ લોકોના દુઃખ દર્દના નિવારણ – એક વિસ્મય પમાડનાર સુખદ અનુભવ હતો. ગામના લોકો તો ઠીક પણ આજુબાજુના ગામથી પણ લોકોનાં ટોળે ટોળાં ઉમટવા લાગ્યાં.

નવગામની  એક વર્ષોથી ચાલતી આવતી બીજી  પ્રથા હતી કે સાત દિવસ મેરબાઈની મૂર્તિની ઉપાસના કર્યા બાદ એ મૂર્તિ જન્માષ્ટમીને દિવસે,પાછળ આવેલા તળાવમાં વિસર્જન કરાવી દેવી – લગભગ ગણપતિ વિસર્જન જેવી આ પ્રથા કેમ અને ક્યારે શરુ થઇ એ કોઈને ખબર ન હતી. વિશ્વ્માં  દરેકની એક ભૂમિકા હોય છે – દૈવી શક્તિઓ ની પણ ભૂમિકા હોય – કામ પતે એટલે વિસર્જન! બોલો મેરબાઈની જે.

મોહનીઓ ગયે વર્ષે પુખ્ત વયનો થયો એટલે મેરબાઈની મૂર્તિ તળાવમાં પધરાવવાનું કામ એને ભાગે આવ્યું. બસ પહેલી વાર મૂર્તિ પધરાવી ત્યારથી મોહનીઓ બદલાઈ ગયો; એ વધુ ને વધુ સમય દેહરીની મૂર્તિ સમક્ષ ગાળવા લાગ્યો  અને પેલાં આશ્ચર્ય પમાડે એવા સપનાં એને દર પૂનમે આવવા લાગ્યાં.

“એ તો પૂજારી બાપનો બેટો એટલે એવી બધી શક્તિ આવે એ સ્વાભાવિક છે” મોહનિયાની ઉમરના છોકરા કહેતા.

“એ તો ઠીક પણ આ તારી ગીતાનું ધ્યાન રાખજે, ધીરીયા. મોહનિયા પરથી એની નજર જાણૅ  હટતી નથી,  વારુ” ટીખળી રમેશે ધીરુને ઉશ્કેર્યો.

“તું ચૂપ હે, રમશા, એ મારી મંગેતર છે, બકવાસ બંધ કરજે, ની તો …”

” વખત ખરાબ છે, ધીરુ; તું જોજેની, પૂજા કરતા મોહનિયાના ખુલ્લા વાંસાને ટીકી ટીકીને, ટીકી ટીકીને જોયા કરે” છોકરાઓને મઝા પડી એટલે રમશો ચગ્યો.

“તે તું હૂં કામ ગીતાને જોયા કરે, ટીકી ટીકીને; સાલો ,,,મારાથી હમણાં કઈ કહેવાય જશે. ” ધીરુ રાતો ચોળ.

પહેલે વર્ષે તો મોહનિયાએ  કમાલ કરી. પૂનમના સપના પછી કહે કે “જો જો પાંચ દહાડા પછી નદીમાં મોટી રેલ આવવાની છે, સાબદા રહેજો બધા”

અને ખરેખર મોટી રેલ આવી; ખૂબ મોટી. બધાં જેમ તેમ બચ્યાં,- મેરબાઈની કૃપા થી– એવું  મોહનીઓ બોલ્યો.

માળું આ તો ગજબ કહેવાય. જોઈએ ને  હવે આવતી પૂનમે શું કહે છે? બધાંને મૂરખ તો નથી બનાવતો ને, આ મોહનીયો?

અરે એના માબાપ પણ વિચિત્ર સ્થિતિમાં. એમના મોહનિયામાં આવી બધી શક્તિ ક્યાંથી અને કેવી રીતે આવી? ચાલવા દો.

પછીતો બીજી પૂનમે મોહનીયો કહે “જો જો ફલાણી રાતે ધાડપાડુ આવશે, સાબદા રહેજો“

ગામ લોકોએ ભેગા થઇને થોડાક ખડતલ જુવાનિયાઓને તૈયાર રાખ્યા – રાતે ચોકી કરવા. ખરેખર, ધાડપાડુ ત્રાટક્યા પણ જુવાનિયા સાબદા હતા તે પેલાં નાસી ગયા.

મોહનિયાનો ડંકો વાગવા માંડ્યો.

હવે બધા પોતપોતાના દુખણાં લઈએને પૂનમની સાંજે આવવા માંડ્યા. બીજે દિવસે સવારે મોહનીઓ મોટા ભવિષ્ય વેત્તા ની જેમ રસ્તો બતાવે.

ખરો ચમતકારી આ મોહનીયો ભાય.

“રામજીભાઈ, તમે હવે આમાંથી કઈ પૈહા ઉઘરાવવાનું ચાલુ કરો” છનુંકાકાએ ડપકો મૂક્યો.

“જો ભાય, આ તો ધરમનું કામ કહેવાય. એ પૈહાવાળી વાત ખોટી. અમારે એ પૈહાનું કામ હૂં? મેરબાઈ ખીજવાઈને   સરાપ આપી દેય તો?”

“કેમ તે મોહનીઓ હવે પરણવા લાયક થયો, એને પરણાવવા પૈહા ની જોયહે તમારે? વિચારો વિચારો, રામજીભાઈ”

‘મારી દયાળુ મેરબાઈ છે ને એ કાંઈ રસ્તો સુઝાડશે” બોલતાં બોલાઈ તો ગયું પણ મોહનિયાને માટે છોકરી શોધવાની વાત વિચારવા જેવી ખરી.

મેરબાઈ ની જે

……..ક્રમશઃ


Leave a Reply