પ્રકરણ ૨ મેરબાઈની દેહરી

Posted on May 30, 2020 by Rajendra Naik

કુટુંબમાં એક દીકરી એટલે સાપનો ભારો. દીકરી જન્મે એટલે તરત જ એને દૂધ પીતી કરી દેવાનો કુરિવાજ સુધારા ના  વાયરામાં લુપ્ત થવા માંડ્યો પણ કુટુંબનો વંશ ચાલુ રહે એવો આગ્રહ તો હજી છે જ. દીકરી જરાક પુખ્ત વયની થવા આવે એટલે એને માટે યોગ્ય મૂરતિયાની શોધખોળ શરુ કરી દે ડાહ્યાં માં-બાપો. 

બાજુના હલવાડા ગામનો મુખી શંકરભાઈ એમાં અપવાદ ન હતો. દીકરી રૂક્મીએ હજી હમણાં જ તો જુવાનીમાં પગ માંડ્યો  અને  કિકીએ હજાર વાર વાત કાઢીને કાન બહેરા કરી દીધા  ” તમે બે હાથ જોડીને બેસી ન રહો, દીકરી હવે જુવાન થઇ છે. કેટલા વરસ ઘરમાં બેસી રહેય?”

નવાગામમાં મોહનિયાનો સપનાનો ચમત્કાર જોયા પછી શંકરે ગાંઠ વાળી કે આપણી રૂક્મી માટે આના  કરતાં રૂડો વર નહિ મળે. હલવાડા પરત થઇને તરત કિકીને હાક મારી  ” અરે હામ્ભરે કે?”

“મારા શામળિઆની પૂજા પતે એટલે હામ્ભરું” પાટલા પર બિરાજમાન   કિકી એ ઘંટી  વગાડીને ક્રષ્ણ ભગવાનની મૂર્તિને શ્રધ્ધા પૂર્વક માથું નમાવ્યું; “જે શ્રી ક્રષ્ણ” .  સાડીનો છેડો અંદર ખોસતાં, ઉભા થતાં  ઘૂંટણના બેચાર ટચાકા બોલાવ્યા.

“હં, બોલો હવે, હૂં કેહતા હતા તમે?”

“અરે બો ફાઈન સમાચાર છે. તું તો ગાંડી થેઈ જહે” 

“પણ રૂક્મી હમણાં છે કાં? ” શંકરે આજુબાજુ નજર દોડાવી. 

“એ તો ગાય દોહતી ઓહે. વાત હૂં છે તે કેવની વેહલા ?”

“મૂરતીઓ મલી ગીયો” 

કિકી ની આંખ મરક મરક.

“કોણ છે એ મૂરતીઓ ?  કોને તાંનો પોયરો?”

‘રામજીભાઈ નો” 

“કોણ રામજીભાઈ?”

“અરે આ ફા ના (આ બાજુ ના) નવાગામ નો પૂજારી”

“તમે હો છેક જ! એ આળસુએ તો નિહાર હો પૂરી નથી કરી. મારી રૂક્મીને હારું તો ભણેલો ગણેલો, નોકરી કરતો પોયરો જોઈએ” 

શંકર ભાઈએ કફની કાઢીને ખીંટીએ ટાંગી, ” અરે હું મારી હગી   આંખે જે જોઈ આયવો  તે તો હામ્ભર. હૂં એનો રૂઆબ? હૂં એની છટા  ? ચમત્કારી છે ચમત્કારી તારો જમાઈ?”  શંકરભાઇ એ બધી માંડીને વાત કરી.

“કિકી, આ છોકરો ગુમાવવા જેવો નથી. પૂજારી કુટુંબ છે, ગામ માં ઈજ્જત છે, અને ડખુ- ચોખાની કોઈ દહાડો આબદા ની પડે. બીજું હૂં જોઈએ? જે શ્રી ક્રષ્ણ, તારી લીલા અપરંપાર છે.” શંકરભાઈએ શ્રી ક્રષ્ણની મૂર્તિ સામે હાથ જોડતાં કિકીને સમજાવ્યું.

બીજે જ દિવસે મુખી યુગલ રામજીભાઈને દરવાજે નવાગામ પહોંચી ગયું. 

શંકરભાઇ અને કિકીની કાકલુદી સાંભળીને રામજીભાઈ જરા મોંઘા થયા. એમ કંઈ પહેલી ઓફરમાં આંખના રતનને હારૂ થોડી હા કહી દેવાય?

“મોહનીયો  તો હજી નાલ્લો કહેવાય. લગનની વાત એને કરવી પડે. ખમી જાવ જરા” રામજીભાઈ ઠાવકાઇથી બોલ્યા.

“તે અમે કાં આજે લગન કરવાના છે જે? ગોર-ધાણા વહેંચી દીયે એટલે બસ. ફાઈન જોડી લાગહે કેમ કિકી?” 

કીકીએ અધખુલા બારણામાંથી મોહનીયો જોયો એટલે ધરાઈ ગઈ, તે ટાપસી પૂરાવતાં કહે “હમારી રૂક્મીને હો ક્રષ્ણ ભગવાન ની બો માયા. પૂજા માંથી નવરી જ ની પડે.” જોડી બરાબર જામશે એ ઠસાવવા કીકીએ દાવ ફેંક્યો.

કિકીને મેદાનમાં ઉતરેલી જોઈને રેવાથી નહિ રહેવાયું, ” પણ તમારી રૂક્મી એટલું બઘું ભણેલી તેને આ પૂજારી જેવા જુનવાણી  ઘરમાં મારી જેમ ફાવહે? “ 

આ સાંભળી પોતાના વર નું મોઢું જરા ચઢી ગયું. રેવા જરા ખમચાઈ ગઈ. પચ્ચીસ પચ્ચીસ વરસ થી હું તમારા ઘરમાં વેઠ કરું છું એવું ઉઘાડે છોગે તો ન કહેવાય ને? 

રામજીભાઈએ આ બળવો સાંભળ્યો  ન સાંભળ્યો  કરીને પરખાવ્યું, ” રેવા , તે આ મહેમાનોને કાંઈ ચા પાણીનો વિવેક કરવાની  કે ની? 

ધણી એ કહ્યું એટલે રેવા રસોડા તરફ ક- મને ખેંચાઈ. 

તકનો લાભ લઇને શંકર ભાઈએ મુદ્દા ની વાત ઉપાડી, “જુઓ ની રામજીભાઈ, વાંકડાની ચિંતા ની કરતાં. શ્રી ક્રષ્ણ ભગવાને ઘણું આયપુ છે અમને. એક વાર હલવાડા અમારા ગરીબની ઝુંપડીને પાવન કરો હવે” 

એક બાજુ ગામ નો મુખી, ને  વાત કરે ગરીબ હોવાની! છોકરી વાળા એટલે જખ મારીને નીચા નમીને ચાલે! 

મેરબાઈ ની જે.

થોડી વારમાં રેવાને કપ રકાબી લાવતી જોઈને કિકી સફાળી ઉઠી અને મદદ કરવા અંદર ગઈ તો વચ્ચેના રૂમમાં મેરબાઈ ની મઝાની મૂર્તિ જોઈ એટલે બે હાથ જોડાઈ ગયા. રેવાને ગમ્યું. કીકીએ બરાબર સોગઠી મારી.

ગામ માં કોઈ અજાણ્યા મહેમાન કોઈને ત્યાં પણ આવે એટલે ગામની સ્ત્રીઓ એનો તાગ મેળવવા આવી જ ચડે. બધી બહાર બેઠી બેઠી અંદર શું ચાલી રહ્યું છે તે જાણવા અધીરી. એ ટોળાંમાં ગીતા સામેલ થઇ તે જોતાં સામેના ઘરના વરંડા માં બેઠેલો ધીરુ અકળાયો, “હારો રમશો હાચુ બોલતો ઉતો?”

આરતીનો ટાઈમ થયો એટલે રામજીભાઈએ બે હાથ જોડયા , “સારું તો શંકર ભાઈ તમને જણાવશું” 

અત્યાર સુધી ગેરહાજર  રહેલો મોહનીયો અચાનક પ્રગટ થયો, બાપ સાથે આરતીમાં જવા.

“કેવો ફાઈન મોહનીયો, જાણે ગોરા ક્રષ્ણનું રૂપ જોઈ લો”, કિકી મનોમન બોલી.

“મેં કીધેલું ને તને, ગાંડી” જાણે શંકર કીકીને જોતા કહેતો હોય. કિકી તો હવામાં ઉડવા માંડી.

મહેમાન બહાર નીકળીને ઉતાવળમાં હોન્ડા પર સવાર થઇને નીકળી ગયા કે બાઈઓને ધ્યાનથી જોવાનો મોકો નહિ મળ્યો. કોણ હતા એ લોકો? કેમ આવેલા રામજીભાઈને મળવા? બધાએ એક બીજા સામે જોયું.

બધું લોક આરતીમાં સામેલ થવા ચાલ્યું. આગળ રામજી અને એની પાછળ નીચું મોઢું કરીને મોહનીયો ઘેલી ગીતા પાસેથી પસાર થયો. દૂર રમશાએ ધીરુને કોણી મારી “જોઈ લે દીકરા, આ મેરબાઈ ના ખેલ”

પંદરેક મિનિટ માં આરતી થઇ ગઈ એટલે રેવા આરતીનો થાળ લઇ ને ભેગા થયેલા લોકોમાં ફરવા માંડી.

“બેટા મોહનિયા, જરાક આવજે ને મારી પાહેં” રામજીભાઈને થયું કે હવે વાત કરી લેવી જોઈએ.

“હા ભાઈ, હમણાં આયવો” આજ્ઞાંકિત પુત્ર બોલ્યો.

મોહનિયાએ પોતાની કેસરી કફની ચડાવી અને આગલા રૂમમાં બાપ સાથે હિંચકે બેઠો.

રામજીએ બહારના બારણાને વાસી દીધું. બહાર નાના છોકરાંઓ બહુ કિકિયારી પાડતા હતા તે શોર ઓછો થયો.

“જો બેટા, જે રીતે તેં પૂજારીનું કામ ઉપાડી લીધું છે એ જોઈએને તારી માં અને હું બેઉ બહુ ખુશ છીએ. તારે તો હવે થોડા વખતમાં બધો કારભાર સાંભળી લેવાનો છે.” બાપાએ આવી ગંભીર મુદ્રા માં વાત કોઈ દિવસ કરી ન હતી.

મોહનિયા એ બે હાથ જોડ્યા “મેરબાઈ ની કૃપા; તમને સંતોષ છે એનો મને ખૂબ આનંદ છે” 

રામજી એ હળવેથી  એનો હાથ લઇ ને કહે “બસ હવે અમને એક જ ઈચ્છા બાકી છે”

“બોલો ને ભાઈ. તમારી ઈચ્છા મને શિરોમાન્ય” 

બહારનું બારણું ધડાક દઈ ને ખુલ્યું અને રેવા પધારી.” આ બારણું  બંધ કરીને બાપ દીકરો હૂં ગુસપુસ કરતાં ઉતા?” 

“શ…., ” નાક પર આંગળી મૂકીને રામજી એ રેવાને બાજુની ખુરશી પર બેસવા કહ્યું.

“બેટા, અમને બેઉ ને એમ થયા કરે છે કે તને પરણાવી દઈએ હવે” રામજીએ  રેવા સામે જોયું. રેવાએ હકાર માં ડોકું હલાવ્યું.  

“પોરીના માબાપ અમને જપવા નથી દેતા હવે. ક્યાં ક્યાં થી આવે. તું હા પાડે એટલી જ વાર” 

મોહનિયા ના મુખ ની રેખાઓ અચાનક ખેંચાઈ. “પણ કેમ?” 

“બધા પરણે. તારી હો ઉમર થઇ ગઈ. તારી બૈરી આવહે, તને વહાલ કરહે, તારો સંસાર આગળ ચાલે,, તારી માયને હો હારું, ઘરકામ માં કોઈ જોઈએ ને ?”

“પણ હું તો મેરબાઈ ની પૂજા કરું, રોજ કરું, એને રોજ કરું વહાલ….”

વાત વણશે એ પહેલા રામજીએ એને અટકાવ્યો ” એ તો આખું ગામ જાણે પણ તારે હવે જિંદગીમાં સ્થિર થવું જોઈએ, વસ્તાર વધારવાનો. શાસ્ત્રોમાં હો લયખું છે. તું ખુશ રહેશે, સુખી થશે”

મોહનીયો વિચારમાં પડી ગયો.

રેવાએ બેટાને છેડ્યો “જો ને ,તારા ભાઈ અને હું ખુશ છીએ ને તેમ”  રેવાનું સુખ તો રામજી થઇ શરુ થઇ  રામજીમાં જ પુરૂં.

રામજી એ ઉમેર્યું, “જો કોઈ ઉતાવળ નથી, તું નિરાંતે વિચાર કરી લે. “ 

રેવાએ કપાળ ફૂટ્યું – મન માં બોલી “ઉતાવળ કેમ નથી? ઘરમાં વહુ જલ્દી નહિ આવશે તો એના પર હુકમ ચલાવવાનો મોકો ક્યારે મળશે? રામજીની  માંએ મને બહુ વર્ષો હેરાન કરી, હવે મારો વારો. એ તો પાછી  નેવું નેવું વરસ જીવી ગઈ. બળી ગિયું આ રોજનું ઘર કામ કરવામાંથી કોણ જાણે ક્યારે છુટકારો મળશે મને.” 

વધારે કાંઈ આગળ વાત ચાલે એ પહેલા મોહનીયો અચાનક હિંચકાને જોરથી આંચકો આપતો  ઉભો થઇ ગયો અને પોતાની ખોરડીમાં જઈને ભરાઈ ગયો. 

એ તો મેરબાઈ ની ઈચ્છા, રેવા, મેરબાઈ ની ઈચ્છા.


Leave a Reply