પ્રકરણ૩: મેરબાઈની દેહરી

Posted on May 31, 2020 by Rajendra Naik

pastedGraphic.png

આવતી પૂનમને હજુ  ખાસ્સી વાર હતી.

“ભાઈ અને માઇએ આ ક્યાં નવું મંડાણ માંડ્યું?” મોહનીયાને ચૈન  ન હતું. 

આ લગનની વાત હજી એમણે મૂકી મૂકી તે કોણ જણે કેવી રીતે ગામમાં ફેલાઈ ગઈ?  

મોહનીયાને તો બસ મેરબાઈની સામે બેસીને એનું ધ્યાન ધરવું એ જ સુખ હતું. મેરબાઈની મૂર્તિમાં કંડારેલું એનું મુખ મોહનીયા માટે પ્રેમનું સ્વરૂપ હતું. ગામની મુગ્ધાઓને તો ધ્યાનમાં બેઠેલા મોહનિયાને જોયા કરવો એ સુખ અપાર હતું.  

હવે મોહનિયાના સપનાં ખળભળી ગયાં હોય એવું લાગતું હતું. રોજ રાતે મેરબાઈ સપનામાં આવતી ખરી પણ મંદ મંદ હાસ્ય થી તરબોળ ચહેરો બતાવી ને ફૂદડી ફરી ને અલોપ થઇ જતી. બોલે નહિ, ન કોઈ ગીત ગાય. ફૂદડી ફરતાં મોહનીયો વચ્ચે ઉભો હોય અને એ ગોળ ગોળ ફરતી જાય – જણે બંને એક આત્મા – પ્રેમના તાંતણે પરોવાયેલા.

હવે આ બધું  કોઈને થોડું કહેવાય? ભાઈ અને માઇ ને તો નહિ જ.

અધૂરામાં પૂરું ઓફર લઈને આવનારા મહેમાનોની ભીડ વધતી ચાલી. ગામની નવરી સ્ત્રીઓને તો પંચાત કરવાની મઝા પડી ગયી – પેલાં આવ્યા તે કોણ? એ તો બહુ મોટા માણસ છે. હવે એની છોકરી, મીનાને તો મેં જોઈ છે – કાંઈ હવાદ (સ્વાદ)  નથી એનામાં. ફક્ત પૈસો, ભાઈ પૈસો. એના કરતાં આપણે ત્યાંની પેલા  ગોવાળિયાની પોરી હંસા હજાર દરજ્જે સારી નહિ?

જબરી દ્વિધા મોહનિયા માટે!

અષાઢ બેઠો અને ચોમાસું આવી લાગ્યું. ખેડૂતો કામે લાગ્યા – થોડાક પોતાના ખેતરમાં અને બીજા સવર્ણોના ખેતરમાં. 

બે દિવસ  પછી પૂનમ. ગામ માં જાત જાતની વાતો ચાલે: “મોહનીયો સપનાથી  એનું બૈરું હોધી કાઢે તો હો બો.”

“આપણા ગામની છોકરીઓ કાંઈ લાખી દેવા જેવી છે? મોહનીયો નજર નાખે તો ને? જાન દૂર અજાણ્યા ગામ લેઇ જવી ની પડે!”

પરભુકાકા થી નહિ રહેવાયું, ” આપણા જુનવાણી ઘરડાં ની માને. ગામ ને ગામમાં તો લગન ને હારૂ  બો નજીકનું કહેવાય.”

“પણ કાકા, ધીરુ  અને ગીતા આપણા એક ગામના તે?” નવી પરણેતર આશા ગીતાને જોતાં જોતાં બોલી.

‘અરે ડોફી, તારી અક્કલ કાં ગઈ? ગીતાના માય બાપ બીજે ગામના તે પૂરમાં તણાઈને મરી ગિયા એટલે આપણા ગામમાં એના મામાને તાં આવીને રહેલી.”

વરસાદે જોર પકડ્યું અને પંચાતી મંડળી વિખેરાઈ ગઈ.

મોહનીયો ઘણા દિવસ થી બહાર બહુ નીકળતો ન હતો. પૂજાના ટાઈમે દેખાતો તે જ. પેલો બાબુ ભરવાડ કહેતો હતો કે એક વાર એના ઘર પાસેથી નીકળ્યો ત્યારે મોહનીયો એકલો એકલો ખોરડીમાં બબડતો હતો. મોહનીયાનું ચસ્કી ગયું કે શું?

રામજી અને રેવાને  તો મઝા જેવી પડી ગયી. રોજ ઉઠીને થોકબંધ મહેમાનો ઑફર લઇને આવે તેમાંથી જ નહિ પરવારે. પણ મોહનાઈઓ બાપડો કોને કહે? સપના તો આવે પણ મેરબાઈ હસ્તી રમતી, ફૂદડી ફરતી દેખાય. બોલે નહિ પાછી. મોહનિયાને એનું ગૂઢ હાસ્ય બહુ ગમવા લાગ્યું અને એ રમતી રમતી પાસે આવે તે પણ. આ કેવી સ્થિતિ? કેવું ખેંચાણ? 

ગઈ રાતે સપનામાં મોહનાઈઓ ક્રષ્ણ ભગવાનની જેમ એક ઝાડની ડાળ પાર બેસીને વાંસળી વગાડે, એ ઝૂમતી આવી, હસતી hasati, ગરબા કરતી, કરતી ધીમે ધીમે કૂંડાળું નાનું થતું ગયું અને છેવટે એકદમ લગોલગ આવીને વાંસળીના પોલાણમાં સમાઈ ગઈ. મોહનીયો રોમાન્ચ થી ઝણઝણી ઉઠ્યો.

બીજી ક્ષણે  મોહનીયો જાગી  ગયો, “મેરબાઈ, હવે મહેરબાની કર. મને સમઝાતું નથી કે આ પૂનમે હું લોકોને શું જવાબ આપીશ? મને પેલા સપના પાછાં આપ” 

પૂનમ ની રાત આવી પણ મોહનિયા ને ચૈન ન હતું. લોકોએ આવી આવીને પોત દુખણાં  રડ્યાં, બધાને સાંભળ્યા પણ ખરા.  મોહનીયો રાતે વાળું કર્યા વગર સુઈ ગયો. 

પેલો થાળી જેવો ચાંદો દેખાય જ નહિ તો કેવું સારું? હું સૂતો રહું અને કાલે સવારે ઉઠ્યો જ નહિ તો?”

આ બધાં સપનાઓ મેરબાઈ લાવતી હતી? એ કોણ છે? મારુ એની સાથે કેવું સગપણ ?

પણ ચાંદો તો ઝગારા મારતો ઉગ્યો અને આકાશમાં સહેલ કરવા માંડ્યો. દિવસ ભર ના વરસાદ પછી વાતાવરણ સ્વતચ્છ હતું. ઝાડના પાંદડાઓ પરથી મોટા મોટા ટીપાં હજી શમ્યા ન હતા. કૂતરાં પણ જંપી ગયા; એકાદ ઘૂવડના બોલવાના અવાજે  રાતને  વધારે ભેંકાર બનાવી દીધી.

.

મોહનીયાને સપનું ઘણું વહેલું આવ્યું – રાતના બીજા પ્રહર માં. ચહેરા પાર સરસ મઝાનું સ્મિત ફરકાવતો ઉઠ્યો, બહાર વરંડામાં આવ્યો અને થામ્ભલાનો ટેકો લઈએને ઉભો, આકાશમાં જોયું. ભવ્ય ચાંદો લહેરથી ઘૂમતો હતો. 

એની નજર  મેરબાઈની દેહરી પર પડી. ચાંદાના ધવલ પ્રકાશમાં દેહરીની  દીવાલ ઝગી ઉઠી. 

બે હાથ  જોડીને દેહરી તરફ પ્રણામ કર્યા અને ધીમે ધીમે પાછો ફરીને ખોરડીમાં જઈને લંબાવ્યું. ગામ આખું નીન્દરમાં ; લોકો પોતપોતાના દુખણાં સવાર થતાં  નિકાલ – એ સપના સેવતાં સૂતાં રહયાં.. કોઈએ મોહનીયાને જોયો નહિ.  

મેરબાઈ ની જે.

બીજે દિવસે  અષાઢી વદએકમ. મોહનીયો મોડયો ઉઠ્યો. હંમેશ મુજબ, લોક બધું ભેગું થઇ ગયેલું. એમની સમસ્યાનો નિકાલ – મોહનીયો કરશે કે પછી મેરબાઈ ખુદ કરશે ?

“અરે અરે, એને તગેડો કોઈ” , એક બિલાડું આડું ઉતર્યું એટલે કેટલાક ઉભા થઇ ગયા ” આ તો અપશુકન કહેવાય. મારું હારું બિલાડું, એ હો આજે જ અહીં ફંટાવાનું થઇ ગયું?”

અને મોહનીયો સામે દેખાયો,  ખોરડી માંથી ધીમે પગલે બહાર નીકળીને રાબેતા મુજબ જૂના બાંકડા પર બેઠો, બધાંને પ્રણામ કર્યા. ભીડ તદ્દન શાંત, મનમાં આશાઓ સળવળતી.

એને એક પછી એક દરેક દિશામાં બેઠેલા લોકોને જોયા; દેહરી તરફ એક સૂચક નજર નાખી. પ્રભાતના કૂણા પ્રકાશની એક સેર એના ચહેરા પર ચમકી  ઉઠી.

“મારાં વહાલાં ગામ લોકો, વડીલો અને  સર્વે. મારે એક કબૂલાત કરવાની છે આજે….” 

મોહનીયો અટક્યો, એક એક ક્ષણ જુગ જેવી લાગી સમગ્ર મેદની ને,

“હું માફી માગું છું કે મારી પાસે તમારા દુખણાંઓનો કોઈ ઈલાજ નથી. આપણી બધાની પ્રિય મેરબાઈ મને આજ સુધી દોરવણી આપતી હતી પણ હવે ….. એ મારામાં સમાઈ ગયી છે. હવે હું કાંઈ બોલું તો મને પાપ લાગે. ભક્તિ કરતાં જો તમારામાં સમાય તો તમને તમારી સમસ્યાઓ નો ઉકેલ જાતે જ મળી જાય.”

આ શું બોલે છે? બધાંએ એક બીજા સામે જોયું.

“અરે રામજીભાઈ, એને કહો ને કે ઉખાણા ની બોલે, ચોખી વાત કર ભાઈ” સરપંચે રામજી પૂજારીને ટકોર્યો. 

રામજી શું બોલે? એણે પોતાની લાકડી દૂરથી મોહનીયા તરફ ધરી ” દીકરા મોહનીયા, જે હોય તો ચોખ્ખું ચોખ્ખું બોલી દે ને બાપા. બધા કયારના તારી રાહ જુએ” 

“ચાલ ચાલ, બોલી દે, ભાઈ” બધાં એકી અવાજે. 

“ભાઈ, માફ કરજો, મેરબાઈ હવે મારામાં સમાઈ ગયી, એ મારી થઇ ગઈ. હવે ની બોલાય.” 

“અરે તારી, હૂં બકે છે? મેરબાઈ તો આપણા બધ્ધાની છે.” પરભુ કાકાથી નહિ રહેવાયું.

“હા , હા, ચાલ  જે હોય તે કહી દે” બૂમરાણ વધી ગયું.

વાતને વણસતી જોઈને પામી ગયેલા રામજીએ એક છેલ્લી વાર bhid ને શાંત થવા ઈશારો કર્યો, ” બેટા જો, તારાથી આ લોકોને નિરાશ ની કરાય ”

“ભાઈ, હવે હું શું કહું તમને? મેરબાઈ સપનામાં આવી ને મને ગાળામાં લગનની વરમાળા પહેરાવીને મારામાં અલોપ થઇ ગઈ” 

“એટલે?” 

“એટલે, એણે મારી સાથે લગન કરી લીધા” 

કોઈ હાલ્યું  નહિ. સૌ અવાચક!

“એવું બોલાય? ઈશ્વરનો ગૂનો થયો આતો” 

“ગાંડો, લૂચ્ચો. હારો  મોહનીયો “ 

આ ઉંમરે, રામજીભાઈને બધાંને હાથ જોડીને શાંત પાડતાં નાકે દમ આવ્યો. જેમ તેમ મોહનીયાને એણે પાછો ખોરડી માં ઘાલી  દીધો. 

મેરબાઈ ની જે.


Leave a Reply