
ગામ લોકોનાં સપના ચકમાંચૂર! મોહનિયા પરથી વિશ્વાસ ઉઠી ગયો. જેટલું માન કુળદેવી મેરબાઈ માટે હતું તેટલું મોહનિયા માટે થઇ ગયું હતું. સંતો કહી ગયા કે જિંદગીમાં મુસીબતો તો આવે પણ મન ચોકખું હોય તો દેવી તમારા દુઃખ દૂર કરે જ.
મોહનિયાનું લોકોની નજરમાંથી ઉતરી જવું પણ એક પ્રકારનો ચમત્કાર કહો ને? એ હવે પથારીમાં પડ્યો પડ્યો પેલા સપનાઓની રાહ જોતો. રેવા માઈ એનો દરવાજો ખટખટાવતી થાકી, રામજી ને તો કંઈ સૂઝ જ પડતી ન હતી. એમની જિંદગીમાં તો એક અજબ પ્રકારના આફતના ઓળા ઉતરી આવ્યા.
મોહનિયાને લાગ્યું કે એનું મગજ જાણે હમણાં ફાટી જશે.
મેરબાઈ જેવી દૈવી શક્તિને પરણવું એ લોકોને હાસ્યાસ્પદ લાગે એ સ્વાભાવિક હતું. આનો બદલો એ લોકો લેશે તો કેવી રીતે? આટલા વર્ષોની સેવા પછી પૂજારી રામજીભાઈની ઈજ્જત ધૂળધાણી. હવે કદાચ ગામ એને નાત બહાર મૂકશે? ગામમાં રહેવા દેશે? કદાચ તડીપાર પણ કરી દેય. ભવિષ્ય હવે અંધકારમય!
રામજીએ આગળ વિચાર્યું , ” બેટો મારો આજ્ઞાકિંત છે, માની જશે એક વાર ફરી વાત કરી સમજાવું એને. લગનની વાત એના પર ઠોકવા જેવી હતી નહિ”
રામજીએ મક્કમતાથી મોહનિયાની ખોરડી તરફ ડગ માંડ્યા. રેવા એની બરાબર પાછળ, હાથ માં ચા-નાસ્તાની ટ્રે લઇને. બારણું અલાગ જોઈને ખોલી કાઢ્યું. અંદરનું દ્રશ્ય આઘાત લાગે એવું હતું. મોહનીયો, મેરબાઈની પૂતળીને છાતી સરસી વળગાડીને કોઈ ધીમું ધીમું અજાણ્યું ભજન ગાતો હતો. રામજીએ આગળ વધીને મોહનિયાના માથા પર હાથ મૂક્યો, મેરબાઈની પૂતળીને એનાથી અળગી કરવા માંડી,
“બેટા મોહન, જો માય તારે હારૂ ચા નાસ્તો લાવી છે. ચાલ ચાલ, ઉઠ અને નાસ્તો કરીને તૈયાર થેઈ જા.”
મોહનિયાએ પૂતળી ઝટ દેઈને પાછી ખેંચી લીધી, ” બે પ્લેટ લાવો ની? મારી મેરબાઈ હો ભૂખી છે”
રામજી અને રેવા સડક! મોહનિયા ની આંખોની ચમક કાઇંક વિચિત્ર અને જુદી લાગી, જાણે કે એની આંખો માબાપના શરીરને વીંધીને દૂર જતી હોય. આ મોહનીયો ન હતો; કોઈ બીજું જ હતું. ઓહો આ શું થઇ ગયું અમારા મોહનિયાને?
રામજીને લાગેલો આંચકો હવે ભયમાં બદલાઈ ગયો.આવા વિચિત્ર દૈવી માણસ સાથે કેવી રીતે વર્તવું?
રઘવાયેલી રેવા વહેલી વહેલી બીજી પ્લેટ લાવી. “મેરબાઈનું તો એ જાણે પણ મારો મોહનીયો ભૂખો ન રહેવો જોઈએ” પૂજારી દંપતી હળવેકથી દરવાજો બંધ કરી ને બહાર સરકી ગયું.
થોડા પંચાતિયા છોકરા બહાર ઉભા ઉભા અંદર શો ખેલ ચાલી રહ્યો છે એ જોવા આતુર.
જરાક વાર પછી મોહાનીઓ અંદર થી નીકળ્યો અને બહારના રૂમમાં હિંચકે બેઠો.
માયજી વળી પાછા આવ્યા, ફ્રૂટની પ્લેટ લઈને.”મેરબાઈની પ્લેટ હો લાવું, દીકરા?”
“અહુવેં માય”
ચાલો મોહાનીઓ કાઇંક બોલ્યો તો ખરો. આ સુખદ ક્ષણનો લાભ લેવા રામજી આગળ વધતો હતો એને રેવાએ ઈશારાથી રોક્યો.
“બેટા હવે વાત કરીએ?”
“હા બોલોને ” મોહનિયાના ચહેરા પરનું હાસ્ય પણ દૈવી લાગવા માંડ્યું.
“જો બેટા, ચાલ આપણે બધા કાલે જે બની ગયું એ ભૂલી જઈએ બસ? તું તો જાણે છે ને આપણા ગામવાળા તને કેટલો માને છે?”
મોહનિયાનું સ્મિત એમનું એમ.
“એક નવી શરૂઆત કરીએ. તારા ભાઈ હવે પૂજારીનું કામ ની કરે. એ બધું કામ તારે કરવાનું, બરાબર? ….” રેવા જરા અટકી – એ જોવા કે પાસો બરાબર ફેંકાયો કે નહિ.
રેવા આગળ ચાલી ” તો પૂજારી તરીકેની જવાબદારી બજાવવા તારે હવે સ્થિર થઇને લાયક બનવું પડે ને બેટા?”
“લાયક એટલે શું?” મોહનિયાની આંખોએ રેવાને વીંધી નાખી.
“જો, તું મેરબાઈની ભક્તિ-અર્ચના કરતો રહે પણ …તને ગમતી કોઈ છોકરી સાથે લગન કરી લે હવે;.. તને ગમતી… અમે કઈ બોલશું નહિ. … લે થોડા વધારે ફ્રૂટ આપું?”
“હા હા હા ” મોહનીયો જોરથી હસ્યો ” પૂનમના આટલાં બધાં સપના આવ્યા તે બધાંએ કાબુલ કર્યા, તમે પણ કર્યા કે નહિ?”
“કેમ કર્યા જ ને?”
“તો પછી કુળદેવી મેરબાઈ મારા સપનામાં દર્શન આપીને મને વરમાળા પહેરાવીને મારી સાથે લગન કરી મૂક્યા એ કેમ માનતા નથી તમે? મેરબાઈએ પોતે આવીને મને પોતાનો વર માની લીધો તો હું કોણ?”
” પણ એ તો સપના માં…”
“તો પેલા બધા પણ સપના હતાં – સાચા પડ્યાં કે નહિ?”
આંખના પલકારામાં ગુસ્સામાં ધરૂજતો મોહનીયો ઉઠીને પાછો ખોરડીમાં ભરાઈ ગયો.
“હું અંદર જઈને પૂજા કરૂં છું. દેહરી પાસે હવે આ મૂરખ ગામ લોકો મને જંપીને બેસવા નહિ દે”
“પણ જમીને તો જા….?”
બંધ બારણામાંથી દબાયેલો અવાજ આવ્યો ” ફ્રૂટ ખાઈ લીધાં, બસ”
રામજી રેવા દિગ્મૂઢ. આ દૈવી-પેચીદો કોયડો ઉકેલવા અસમર્થ. ભૂખ મરી ગઈ એમની.
બહાર છોકરાઓ પસાર થતાં થતાં ઘર સામે હાથ હલાવી, એક બીજાને પીઠ પર ધબ્બા મારતા, મજાક કરતા જતા હતા.થોડે દૂર મેરબાઈની દેહરી અત્યારે તો અટૂલી અટૂલી દેખાતી હતી. ત્યાં કોઈ ન હતું, સિવાય કે એક બે આમતેમ રખડતા કૂતરાઓ. કાળાં ડિબાંગ વાદળો ક્યાંકથી ધસી આવ્યા; રામજી રેવાની જેમ આકાશને પણ રડવાનું મન થઇ ગયું.
રેવાને હજી જપ ન હતો. બપોરીયા પછી એણે ઉત્કંઠાથી મોહનિયાની ખોરડીના બારણા પર દબાવીને કાન માંડ્યા. અંદર મોહનીયો હલ્કે અવાજે કોઈ નવું ભજન ગાતો હતો. રેવાને થોડી વાર તમ્મર આવી ગયાં.
હે ભગવાન આ શું થઇ ગયું? કેવું સરસ બધું ચાલતું હતું? કોની નજર લાગી અમારા સુખ પર? એ જ મેરબાઈએ મારા મોહનિયાને ફસાવ્યો ને?
હવે દૈવી કુળદેવીને ગાળો આપવામાં શો વાંધો? પ્રેમાળ માંનો આ સરાપ!
વરસાદ શરુ થઇ ગયો એટલે રાત પણ વહેલી પડી ગઈ. હજી તો અષાઢ ચાલતો હતો અને આટલો બધો વરસાદ? નદીમાં ભારે પૂર આવવાનો અણસારો ? દયા કર હે દેવી? પણ અહીં તો દેવી પોતે જ તબાહી મચાવવા પર હતી. કોને કહીએ?
ગામ આખું ભેંકાર – જાણે કોઈ ભૂતે કબ્જો કરી દીધો – ભૂત વળી મેરબાઈનું? દેવી જેવી દેવી પણ માણસ જેવા રક્ત-માંસની બનેલી? રક્ષક એક યા બીજા પ્રકારે ભક્ષક બને ત્યારે કોણ બેલી?
મોહનિયાની દિનચર્યામાં કોઈ ફેર ન પડ્યો – જેવી એના માં-બાપે જોઈ હતી.
અષાઢ મહિનાની આખર નો દિવસ. ગામના લોકો જુએ છે તો એક સન્યાસીઓનું જૂથ ચાતુર્માસ કરવા પધાર્યું. જુવાન સન્યાસીઓના ગુરુ એક ભવ્ય દાઢીધારી મહાત્મા – ખૂબ તેજસ્વી ચહેરો અને કરુણાથી છલકતી આંખો. મેરબાઈની દેહરી ની નજીક એક ધર્મશાળામાં એમને ઉતારો અપાયો. ગામના આગેવાનોએ રીતરસમ મુજબ એમની વ્યવસ્થા કરી આપી.
બીજે દિવસે, મહાત્માએ – જેને શિષ્યો દાદા મહારાજ કહેતા – એક થોડા ઊંચા આસાન પર બેસીને પ્રવચન શરુ કર્યું. ધીરે ધીરે ગામ લોકો આવીને દાદા મહારાજની વાણીનો લાભ લેવા શિષ્યો સાથે બેઠા. ખળભળી ઉઠેલા વાતાવરણમાં દાદા મહારાજની વાણીથી થોડી શાતા વળી. કદાચ આ એક ઈશ્વરીય સંકેત હતો. એક આશાનું કિરણ ચમકવા લાગ્યું.
મેરબાઈ ની જે
….. ક્રમશઃ