પ્રકરણ ૫: મેરબાઈ ની દેહરી

Posted on June 2, 2020 by Rajendra Naik

ગામ લોકો હવે સંતો અને દૈવી શકિતઓ થી ત્રાસ્યા હતા. મોહાનીઓ તો વિશ્વાસ પાત્ર રહ્યો નહિ પણ મેરબાઈ સુધ્ધાં ? 

કુળદેવી આવું કરી શકે? અરે પણ એ તો મારો બેટો મોહનીયો કહેતો હતો.  જટિલ સમસ્યાઓનો પેટારો !

મોહનીયના ચમત્કારિક સપનાંને સહારે ગામલોકો ની તકલીફોનું નિવારણ થયું. એણે  કહેલું બધું સાચું પડ્યું એટલે તો વિશ્વાસ બેઠો! હવે માળો કહે છે કે મેરબાઈ એને સપનામાં પરણી ગઈ! વિશ્વાસ કેમ નથી બેસતો? સાચું માનવું પડે એવું છે, ભાઈ. 

ગીતા તો કહેતી ફરતી હતી, “તમે મીરા બાઈનાં  ભજન તો ગાઓ છો ને? એ  કોણ હતી એ જાણો છો? એક રાજકુંવરી. ભગવાન ક્રષ્ણને પોતાનો વર  માનતી હતી કે નહિ? ” એની મામી જમના એમ કઈ એકદમ માની જાય?

“અરે એ તો બધા ગપગોળા, ગીતા” આ કાલની પોરી ગીતા હૂં  ઠસાવવા માગતી હતી? જમના એટલી બધી કાચી ન હતી.

“અરે મામી, ભજન હાચા કે ની? જુઓ હૂં કહેય એ ” મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ના કોઈ” 

“બરી ગિયું તારું આ ભણતર. વંઠી ગઈ છે, તું ને તારી મીરાંબાઈ. તું ચૂપ રેહે હવે? ની તો એમ જાણ કે તને તારે ગામ પાછી રવાના કરી દેઉં!” મામીનો ગુસ્સો જોઈને ગીતાને  ચૂપ રહેવામાં શાણપણ લાગ્યું.

પણ મામીના મનમાંથી ગીતાએ ઘાલેલો શંકાનો  કીડો નીકળ્યો નહિ. 

એના વર ગોપાળજીને ઢંઢોળ્યો, “એ હામભરે કે, તમે? આ ગીતલી કહેય તે જરા પેલા દાદા મહારાજને પૂછી જુઓ તો?” 

ચારસો  વરસ પહેલાં મીરાંબાના મનમાં જો આવો વિચાર આવ્યો હોય અને હિમ્મત બતાવી હોય તો આપણા મોહનિયાનો શું વાંક? 

શિષ્યોને ધાર્મિક પ્રવચન કર્યા પછી દાદા મહારાજે જોયું કે ઘણા ગામ લોકો સામેલ થયા હતા.

બધાને હાથ જોડી  બોલ્યા, ” મારા નમસ્કાર સ્વીકારો. કેમ છો બધા? ભગવાન સૌને સુખી રાખે” 

જમનાએ આવીને કેરીની એક છાજલી મૂકી.

દાદા મહારાજના મુખ પાર એક સ્મિત ફરક્યું. થોડે દૂર એક જગ્યા તરફ નિર્દેશ કરીને કહે ” પહેલાં ત્યાં એક આંબાનું ઝાડ નહિ હતું?”

એક વૃદ્ ની આંખ ચમકી, “હા દાદા મહારાજ, તદ્દન હાચું. હું બહુ નાનો હતો ત્યારે આંબાનું એક ઝાડ હતું જાણે”, એન પછી ઉમેર્યું, ” પણ તે તમને એ કેમ કરતાં ખબર? ” સવાલ પૂછતાં પૂછાઈ ગયો પણ આવું પૂછાય? એ તો મહાત્મા છે, બધી ખબર  ની હોય એને?”

છનું થી નહિ રહેવાયું ” અરે મારા વડીલ, મહાત્મા તો બધું જ જાણે, હૂં કહેવ ?” 

દાદા મહારાજે છનુ ને હસીને વાર્યો, ” ના ના, વડીલ સાચું કહે છે.” … લોટા માંથી પાણી નો એક ઘૂંટ લઈને ઉમેર્યું, ” ” મને ખબર, હું આ નવ ગામનો જ છું ને? અહીં જ જન્મેલો…”

“.. અને પછી તમે નાલલા હતા ત્યારે નાહી ગેલા, સંત રંગ અવધૂતના આશ્રમમાં. હું નાનો હતો ત્યારે મને મારા ડોહાએ કહેલું”

લોકો વિસ્મય પામી ગયા. આશા અને આશ્ચર્યની એક મિશ્ર   લહેર જેવી ઉઠી.

“તમે આ ગામ ના?” 

“હા જી, હું નાનો હતો ત્યારે ભાગી ગયેલો, જઈને રંગ અવધૂતના ચરણોમાં; ત્યાં દીક્ષા લીધી; પછી નીકળી પડ્યો  અને ફરતો ફરતો દક્ષિણ તરફ મહારાષ્ટ્રના માનગામમાં વસી ગયો, ત્યાં આશ્રમ સ્થાપ્યો”

ગોપાળજી, જમનાનો વર, ખુશ, “આ તો આપણા ગામનું નસીબ કહેવાય. તમે હવે અહીંયા રહેવાના ને દાદા મહારાજ?”

મોહનિયા ની બેવકૂફી અને મેરબાઈની ન સમજાય એવી આપદા પછી આવા મહાત્મા જો અહીં ટકી જાય તો ગામનો ઉધ્ધાર થઇ જાય.

શિષ્ય વૃંદમાં ગણગણાટ થઇ ગયો.

” ખમી જાવ, ગામ જનો. મારું ગામ હવે મારી કર્મ ભૂમિ માનગામ.” દાદા મહારાજ ના અવાજ માં એક નિશ્ચિતતા હતી.

જે કહો તે પણ મહાત્માના આગમને લોકોમાં નવી આશા જગાવી. એમને પૂછીએ તો મોહનિયા વાળી  જંજાળમાંથી નીકળવાનો કોઈ રસ્તો જરૂર બતાવે. આખરે ગામના એ સૌથી મોટા વડીલ હતા. 

ગામના સરપંચ ઉભા થયા અને બે હાથ જોડીને,” મહારાજ હવે તમે અમારી આ તકલી માંથી કઈ રસ્તો કાઢી આપો.”

“હા મહારાજ, તમે જાવ એ પહેલાં કઈં કરો” મેદની બોલી.

“શાંત થઇ જાવ. મને બધી ખબર છે. રામજીભાઈએ મને બધી વાત વિસ્તારથી કરી કાલે રાતે.”

“તો તો આનો રસ્તો તમે કાઢી આપો, કૃપા કરો, મહારાજ.”

દાદા મહારાજે સાંત્વન આપ્યું ” સારું, તો સાંભળો. એક બહુ જૂની વાતને આની સાથે સીધો સંબંધ છે”

લોકો એક ધ્યાન. 

મહાત્માએ એક લાંબો શ્વાસ લઈને  વાત શરુ કરી:

“આ બાત બહુ પહેલાંની છે. હું  ઘરેથી ભાગી ગયો એથી  પણ પહેલાની. ગામમાં ભીખુ દાદા કરીને  એક ઘરડા મુરબ્બી હતા જેણે મને આ વાત કહેલી. મેરબાઈ કોણ હતી અને ખરેખર શું થયું એની આ વાત છે, ભાઈઓ અને બહેનો.”

લોકો ને રસ પાડવા માંડ્યો. તડકો જરા વધારે તેજ થયો એટલે ભેગા થયેલા માણસોએ વર્તુળ નાનું બનાવ્યું. હવે લગભ બધા પીપળાની છાયામાં.

“ઘણા વરસો પહેલાં, જ્યારે ભીખુ દાદા પોતે એક બાળક હતા ત્યારે એક પૂજારી કુટુંબ રહેતું હતું જયાં આજે આપણા રામજીભાઈ રહે છે ત્યાં. એમને સંતાનમાં એક દીકરી , નામ એનું મેરબાઈ. રૂપાળી મેરબાઈ એના બાપ સાથે અહીં ક્રષ્ણ ભગવાન નું મંદિર હતું ત્યાં – હું જયાં અત્યારે બેઠો છું બરાબર ત્યાં – પૂજા કરવા આવતી. 

પસાર થતા મારવાડી  સાધુએ મેરબાઈને મીરાંબાઈની વાર્તા કરેલી. મેરબાઈ આનાથી ખૂબ પ્રભાવિત, તમને સૌને એ મીરાંબાઈ વિષે ખબર હશે. એ ક્રષ્ણ ભક્તિમાં તરબોળ થઇને ભજન બનાવીને ગાતી. 

આપણી મેરબાઈને મનમાં ઠસી ગયું કે એ પોતે મીરાંબાઈનો અવતાર છે. હવે એ ક્રષ્ણ ભક્તિમાં એટલી લીન થઇ જતી કે ભજન ગાતી ગાતી નાચવા લાગતી. એમાં જન્માષ્ટમીને દિવસે તો ખાસ ઉત્સવ. ખૂબ નાચતી. એક સમય એવો આવ્યો કે મેરબાઈ પણ કરશન ભગવાનને પોતાનો વર માનવા  લાગી.

ગામ લોકો નારાજ. મેરબાઈએ  મંદિર તરફ આવવાનું બંધ કરી દીધું. એની ખોરડીમાં ભરાઈ ને આખો દિવસ રાત સાધુએ ભેટ આપેલી ક્રષ્ણ ભગવાનની મૂર્તિ સાથે વાતો કરતી રહેતી, એને નૈવેદ ધરે, એના ભજન ગાય. ગામ લોકોને આ બધું ગમે?”

દૂર થી રામજી અને રેવા આવતા દેખાયાં. એ આવીને બેઠા  એટલે દાદા મહારાજે માથું હલાવીને વાત ચાલુ રાખી, “ગામ ના વડીલો મંડયા,  તે પૂજારીને કહે કે તમારી નિર્લજ્જ દીકરીને પરણાવીને આ ગામમાંથી વિદાય કરો. પણ આવી ગાંડી છોકરીને કોઈ પરણે?  કે જે એમ કહે કે એ તો મીરાંબાઈનો અવતાર છે અને એની જેમ ક્રષ્ણ એનો વર? આજુબાજુ ના ગામો માં ચકચાર ફેલાઈ ગઈ. દિવસે દિવસે વાત વણસતી  ચાલી. પૂજારીને નાત બહાર કાઢવા સુધી વાત પહોંચી ગઈ. આ કફોડી સ્થિતિ માં એક દિવસ પૂજારી દંપતી ગામ છોડીને નાસી ગયું. 

હવે આ ગાંડી  છોકરીનું શું કરવું? કોઈ એને ખાવાનું નહિ આપે. કૃશ થતી મેરબાઈ હસતાં હસતાં બધું  સહન કરતી જાય . એ તો પોતાની  ભક્તિ માં મસ્ત. પેલી રાજસ્થાની મીરાંબાઈને ઝેર આપેલું તે ક્રષ્ણ ભગવાનનું નામ લઇને પચાવી ગયેલી. 

જન્માષ્ટમીની આગલી રાતે ભયંકર વરસાદ આવ્યો. નદી નાળાં માં ઉભરાઈને  રેલ આવી. જયાં જુઓ ત્યાં પાણી પાણી. ઘરમાં પાણી ઘૂસવા લાગ્યાં. 

મેરબાઈ અચાનક બહાર નીકળી અને ભજન ગાતી ગાતી હું જયાં બેઠો છું તે તરફ આવી. બધાને પોતાની સાથે આવવા ઈશારો કર્યો. કહે છે કે એ જમાનામાં આ જગ્યા થોડી ઊંચી હતી. એ જેમ જેમ મંદિર તરફ આવતી ગયી તેમ તેમ પાણીની સપાટી વધતી બંધ થઇ. લોકો એની સાથે જોડાઈ ગયા અને ક્યાંય સુધી ભજન ગાતા રહ્યા. 

પૂરના પાણી ઓસરવા માંડ્યા. મેરબાઈ ઘૂમતી ઘૂમતી મંદિરની આસપાસ વર્તુળ બનાવી નાચતી રહી. લોકો કહે છે કે છ ફેરા લઈને સાતમા ફેરા માટે મંદિરની પાછળ ગઈ ત્યાં એક રાક્ષસી મોજું આવ્યું અને એ એમાં સમાઈ ગઈ. 

ભજનની જગ્યાએ દેકારો મચી ગયો કે  એને કોઈ બચાવો. પણ એ તો એના ક્રષ્ણરૂપી મોજામાં તણાઈ ગઈ. 

ગામ ને પૂર ના પ્રકોપથી બચાવ્યું પણ પોતે  બલિદાન આપ્યું. એ ખરેખર સંત મીરાંબાઈનો અવતાર હતી? આ સાંભળેલી  વાર્તા છે, મને પોતાને ખબર નથી.” દાદા મહારાજે બે કાનને હાથ લગાડીને કબુલ્યું. 

” પણ એ પછી ગામ લોકોને સમજાયું કે મેરબાઈ એક સંત હતી અને ગામનું ભલું ઇચ્છતી હતી.

તેમણે આ મેરબાઈની દેહરી બનાવડાવી અને એની મૂર્તિની સ્થાપના કરી. જન્માષ્ટમીને દિવસે મેરબાઈની મૂર્તિને તળાવમાં પધરાવવાની પ્રથા ત્યારથી શરુ થઇ એવી લોકવાયકા છે.” 

વૃદ્ધ દાદા મહારાજને આટલી લાંબી વાત કરતાં  શ્રમ પડ્યો.

“હે મહારાજ પણ હવે એક માં તરીકે હું શું કરું ? ” રેવાએ ડૂસકાં ભરતાં સાષ્ટાંગ પ્રણામ કર્યા.

“બહેન, ઉઠ, ભગવાન પર  શ્રધ્ધા રાખ” 

“પણ મારો મોહનીયો….?” રેવાએ સાડીના છેડાથી મોં ઢાંક્યું અને રડવા લાગી.

“અરે સરપંચ જી, તમે થોડા આગેવાનો અને રામજી – રેવા ને લઈને મોડેથી ધર્મશાળામાં મને મળો. આપણે કોઈ રસ્તો કાઢીએ.

હવે આવડા મોટા મહાત્મા વચ્ચે પડયા છે એટલે રસ્તો જરૂર કાઢશે” 

રાતે બધાએ હાશકારો કરીને નીંદર માણી. બીજે દિવસે તો શ્રવણ  વદ એકમ.

 “મેરબાઈની જે” 

…. ક્રમશ: 


Leave a Reply