પ્રકરણ ૬: મેરબાઈ ની દેહરી

Posted on June 3, 2020 by Rajendra Naik

શ્રવણ વદ એકમ – મેરબાઈ ના ઉત્સવનો પહેલો દિવસ! લોકો મૂંઝવણમાં- રામજીભાઈ પૂજા કરાવશે કે મોહનીયો? 

ટીખળી છનું  ભારે ખટપટીઓ, “એલા ગિયે કાલે રાતના ડોહાઓએ ભેગા થઈને હૂં ભાંગરો વાયટો (  ગુસપુસ કરી) ?”

” હં, તે સરપંચ કાકાને પૂછતાં તમને  ટાઢ વાય કે? અમને હોરી નું નારિયેર કેમ બનાવે?” છોકરાઓ ગાંજ્યા જાય તેમ ન હતા.

સાંજે, દાદા મહારાજ પોતે રામજીભાઈ અને મોહનિયાને દેહરી આગળ લઇ  આવ્યા. 

“આ બેશરમ મોહનિયાને હૂં કામ પકડી લાયવા?” પણ મહાત્મા જેવા જ્ઞાનીને કોણ પૂછે? 

મોહનિયાને દેહરીની સામે આસન પાથરીને બેસાડ્યો. મોહનિયાની આંખમાં ભક્તિનાં પૂર ઊભરાયાં, હાથ ફેલાવીને ભજન ગાવા મંડ્યો મોહનીયો. દાદા મહારાજ,એમના શિષ્યો, રામજીભાઈ અને ધીરે ધીરે બધાં એમાં જોડાયાં.

હાજર બધાં લોકો આવેગ માં આવી ને ગળું ફુલાવીને એક રસ થઇ ગયા. મોહનીયો   જરા થાકે એટલે દાદા મહારાજ ભજન ઉપાડી લે. જાણે દુઃખ  ભૂલીને લોકો હંમેશ મુજબ તરબોળ. આ દાદા મહારાજે કેવો જાદુ કર્યો? હવે આગળ શું થશે? કોઈને પરવા ન હતી.

ભજનનો ખેલ  ત્રણેક કલાક ચાલ્યો. મોહનીયો મેરબાઈની નાની  અમસ્તી મૂર્તિ જમણા હાથમાં પકડીને ખૂબ ચગ્યો. 

આજુબાજુ શું ચાલી રહ્યું હતું એનું એને ભાન ન હતું. 

પ્રસાદ વહેંચાઈ ગયો એટલે મોહનીયો ચૂપચાપ ચાલીને પોતાની ખોરડીમાં ભરાઈ ગયો. હજી કઈ સમજાય એવું હતું ન હતું? મહાત્માએ કોણ જાણે કેવી ભૂરકી નાખી હતી કે મોહનીયો આવી ને પૂજા કરી ગયો? મેરબાઈને પરણવા વાળી વાતનું શું થયું? પંચાયતને ખબર, પણ કોઈ કઈ બોલે તો ને?

રમેશ કહે કે એણે  ધીરુ સાથે મળીને ધર્મશાળા પાસે છુપાઈને અડ્ડો જમાવ્યો હતો પણ બહુ સમજણ નહિ પડી. અંદર વાતચીત બહુ ધીમા અવાજે કરતા હતા.

એટલું જોવા મળ્યું કે દાદા મહાત્મા મોહનિયાને કઈ સમજાવતા હતા અને એ જાણે સમજી ગયો હોય તેમ ડોકું હલાવતો હતો. 

“હારો, આનો અર્થ એમ થાય કે મોહનિયાએ મેરબાઈને પરણવાની જીદ છોડી” ધીરુએ તર્ક દોડાવ્યો.

“ચાલો, હારા સમાચાર “ 

એ પછી બીજના દિવસે, મોહનીયો ઉત્સવમાં હાજર, આગળ દિવસની માફક, ફરક એટલો કે મોહનીયો  જરા વધારે  ડાહ્યો લાગતો હતો. પછી  ત્રીજ ,ચોથ…… એમ  કરતાં  કરતા સાતમ લગી   મોહનીયો ડાહ્યો ને ડાહ્યો થતો ગયો, લગભગ પહેલા હતો બિલકુલ તેવો જ. લોકો કહેવા લાગ્યા, “આપણા દાદા મહારાજનો પાડ માનીએ તેટલો ઓછો, જુવોની મોહનિયાને પાધરો (સારો) કરી લાયખો” 

શ્રવણ વદ આઠમ, જન્માષ્ટમીનો મોટો ઉત્સવ – મેરબાઈ ગામને હારૂ ભોગ આપી ગયેલી તે દિવસ આવી પહોંચ્યો;  ક્રષ્ણ જન્મ હો આજે. 

ક્યાંકથી કાળાં  ડિબાંગ વાદળાં ચઢી આવ્યાં , અંબિકા નદીમાં પાણી વધતાં ચાલ્યાં; ભારી રેલ આવવાની કે શું? પાછળનું તળાવ છલોછલ!

ઉત્સવ મનાવવા પંચાયતે મેરબાઈની દેહરીની ફરતે એક મોટો માંડવો બંધાવ્યો. ક્રષ્ણજન્મ માટે એક પારણું તૈયાર, મિષ્ટાન્નવાળું ભોજન, ઢોલ-પીપી વાળા  – બધી તૈયારી થઇ ગયી. પણ પૂજારી અને  પેલો મોહનીયો કેમ દેખાય નહિ?

દાદા મહારાજ પહેલા પધાર્યા. સાથે એમનું શિષ્ય વૃંદ. આજે તો મહારાજ જન્માષ્ટમી નિમિત્તે ખાસ પ્રવચન આપશે એમ માનીને લોકો શાંતિ થી બેસી ગયા.

વાદળની ગર્જનાઓ વધવા લાગી. “હારૂ આજે તો આ વરસાદ નક્કી આડો ફાટવાનો” લોકોએ આકાશ તરફ જોઈને શંકા સેવી. 

મહારાજે સર્વેને આશીર્વાદ આપ્યા. 

“આજના આ શુભ તહેવારે બધાને મારાં પ્રણામ. મારા મૂળ ગામે આવીને તમારી સમક્ષ વાતો કરવાનો મોકો મળ્યો છે એ મારું સૌભાગ્ય. છેલ્લા થોડા સમયથી તમે બધાં એક વિચિત્ર એવી સમસ્યાનો સામનો કરી રહયા છે એ હું  સારી પેઠે જાણું છું. એનો નિકાલ લાવવા રામજીભાઈ અને પંચાયતના વડીલો સાથે ચર્ચા કરીને  મેં નક્કી કર્યું છે.” વાદળનો ગરજવાનો અવાજ મોટો થયો એટલે લોકોએ ધ્યાનથી કાન માંડયા.

“અમને એવું લાગે છે કે રીતરસમને વળગી રહેવા કરતા આત્માના અવાજને ઓળખવો જરૂરી છે. એટલે કે વહેવારીક ઉકેલ એ સમયની માગ છે.”

“એ હારા હૂં કહેય, કઈ હમજણ પડતી નથી” કાશી ધીમેથી બોલી

“જો તે, એ દોઢ ડાહી, તું હવે ચૂપ બેહે કે?” બીજા બૈરાંઓ એ એને દમ માર્યો.

દાદા મહારાજે ચાલુ આખ્યું, ” સૌથી પહેલી જરૂર છે આપણા  મોહનિયાને સ્વસ્થ કરવાની. રામજીભાઈ હવે પૂજારી તરીકે કેટલું ખેંચે? મોહનીયો જ તો છે એની જગ્યા લે એવો. તમે જોયું કે છેલ્લા સાત દિવસમાં એ કેટલો બદલાઈ  ગયો છે. અમે એવું વિચાર્યું છે કે એના સંતોષ ખાતર એના વિધિવત વિવાહ મેરબાઈની પૂતળી સાથે કરી દઈએ. મારી આ સલાહ પંચાયત અને રામજીભાઈને યોગ્ય લાગી છે. આમ કરવાથી વખત છે ને મોહનીયો બિલકુલ સારો થઇ જાય. મારા  ઈશ્વરની કૃપા હશે તો બધું  સાંગોપાંગ ઉતરશે.”

“એ તો ઠીક છે પણ મેરબાઈની મૂર્તિ તળાવમાં પધરાવવાની વિધિ નું હૂં?” આજુબાજુ વધતાં પાણી ને જોઈએં ગભરાતો ગભરાતો છનું બોલી પડ્યો.

“તેની વ્યવસ્થા હો કરેલી છે, તું જરા શાંતિ રાખ ને ભાય” સરપંચ તાડુક્યા.

થોડી ક્ષણોમાં મોહનીયો, હાથમાં મેરબાઈની નાની ઢીંગલી જેવી મૂર્તિ લઈને  ઘરની બહાર નીકળ્યો, સાથે રામજીભાઈ, રેવા અને દાદા મહારાજ.

“વરરાજાના શણગારમાં મોહનીયો કેટલો સુંદર લાગે છે કેમ?”  એક ચિબાવલી મુગધા બોલી ઉઠી.

 “ધીરુ, તું જોયા કરજે હેં, આ બધું ફારસ.” રમેશે ખોટો નિસાસો મૂક્યો, “જો તો ખરો, ધીરુ,  ઢીંગલી હાથે નામ પૂરતા  લગન થઈ જાય પછી ગામની કોઈ રૂપાળી છોકરી હાથે બીજા હાચમ-હાચાં  લગન કરતાં એને કોણ રોકે? “ 

“તું હારો ચૂપ રહેય કે?” ધીરુ કતરાયો. મોહનિયાના આવા હસવા જેવા સ્વયંવરમાં એની મંગેતર ગીતા જોડાવાનો સવાલ જ નથી.

ઢોલ-પીપી વગાડતા વગાડતા મોહનિયાની દેહરી પાસે લાવ્યા અને બાજઠ પર બેસાડ્યો. મેરબાઈની ઢીંગલી એની પાસે ગોઠવી.

દાદા મહારાજે મંત્ર બોલવાનું ચાલુ કર્યું. મોહનીયો બિલકુલ શાંત, ચહેરા પર એક અજબનું સ્મિત.

વરસાની વાછટથી બચવા બહાર બેઠેલા થોડા લોકો સાઈડના મકાનના વરંડામાં જઇને ઉભા રહયા.

વરસાદના  કહેરને ધ્યાન માં લઇને દાદા મહારાજે મંત્ર  ભણવાની ઝડપ વધારી અને થોડી વારમાં વિધિ સમાપ્ત કરી નાખી. ઢોલ-પીપી બંધ થયા. મોહનિયાએ ઢીંગલી ને વરમાળા પહેરાવી અને પોતાની વરમાળા જાતે પહેરી લીધી. રમશો હસ્યો. 

“ચાલો હવે સાત ફેરા લઇ લો એટલે લગનની વિધિ સમાપ્ત” દાદા મહારાજે મોહનિયા સામે જોયું.

ઘનઘોર વાદળો, ગર્જના, મન મૂકીને વરસતો વરસાદ, ઢોલ-પીપી થી  ભરપૂર  વાતાવરણ એક અજબ ભય પમાડતું હતું. મોહનિયાનો ચહેરો બિલકુલ શાંત. મેરબાઈની ઢીંગલી ને કાંખમાં લઈને એણે ફેરા લેવાનું શરુ કર્યું.

પહેલો, બીજો, ત્રીજો …….એમ કરતાં છ ફેરા પૂરા થઇ ગયા.

હવે બાકી રહ્યો છેલ્લો ફેરો. વરસાદે માઝા મૂકી, તળાવનું પાણી પણ હિલોળા લેવા માંડ્યું. બંધુ ધૂંધળું દેખાવા લાગ્યું. ઢોલ-પીપી વાળા પણ તાનમાં આવીને જોરશોરથી વગાડવા મંડયા. 

નવ-દંપતી આખરી ફેરા માટે દેહરીની પાછળ ગયું; લગભગ ફાટફાટ થતા તળાવની લગોલગ. 

મોહનીયો  થંભી ગયો. સામે વરંડામાં ઉભેલા લોકોએ એને ઈશારો કરી ને મેરબાઈની પૂતળી ને તળાવમાં પધરાવી દેવા બૂમ પાડી, “પધરાવી દે, મોહનિયા; પધરાવી દે”

શોરબકોરમાં મોહનીયો દિગ્મૂઢ. વર્ષો જૂની રીત રસમ પ્રમાણે પધરાવવી જ પડે . પણ આ તો મારી પરણેતર!

એકાએક મોહનયાના ચહેરા પર એક દૈવી સ્મિત ચમક્યું, “મેરબાઈ ની જે” એમ કહી ને એનો ઘા કરવા ગયો પણ  આંખના પલકારામાં “હું પણ મારી મેરબાઈ સાથે…” એવો ચિત્કાર કરીને ઢીંગલીને લઈને તળાવના ઊંડા પાણીમાં કૂદી પડ્યો.

મોહનીયો અને મેરબાઈ પાણીમાં સમાધિ લઈને ગરક થઇ  ગયા. આ અસાધારણ દ્રશ્ય જોઈને લોકો સડક!. રામજીભાઈ હાથ ઊંચા કરીને “એ મારા બેટા” બૂમ પાડી ને શોકાતુર; રેવા બેભાન થઇ ને ગબડી પડી.

સ્થિતપ્રજ્ઞ દાદા મહારાજે ઊંચા હાથ કરી નવયુગલ ને પ્રણામ કર્યા. 

મોહનિયાની ખોરડીમાં લોકોને   નવાં ભજનોનો હસ્તલિખિત ગ્રંથ મળ્યો. મીરાંબાઈના અવતાર સમી મેરબાઈ અને ક્રષ્ણ ભગવાનના અવતાર સમો મોહન અમર થઇ ગયા. જાણે મીરાંબાઈને એનો કનૈયો મળી ગયો.

રામજીભાઈએ બીજા ઘણા વરસો સુધી પૂજારી તરીકે સેવા આપી અને નવી પેઢીને મોહન -મેરબાઈની વાર્તાનું રસપાન કરાવતા રહયા. આજે પણ મોહન અને મેરબાઈના પ્રેમના પ્રતિક રૂપ “મોહન -મેરબાઈ”  ની દેહરી તરીકે ઓળખાતું  મંદિર નવગામમાં છે.

મોહન-મેરબાઈ ની જે 

….સમાપ્ત 


Leave a Reply