મેરબાઈની દેહરી પ્રકરણ ૧:
Posted on May 29, 2020 by Rajendra Naik

ડાંગ સ્થિત નવગામમાં એક ગ્રીષ્મ ઋતુની ખુશનુમા સવાર, આજુબાજુ પથરાયેલી વનશ્રુષ્ટી માંથી ચળાઈને આવતો મંદ મંદ આહલાદક પવન! ગામ ને ઘસાઈને પસાર થતી ચોમાસામાં ગાંડી બનતી અંબિકા નદી હાલ એક નાજુક નમણી નવોઢાની મંથર ગતિએ વહેતી!
ગામને પાદરે પીપળા નીચે કુળદેવી મેરબાઈની દેહરી, એની લગોલગ, પાછળ એક તળાવ.
“એલા એય, તે એટલા બધા વહેલા કેમ આવી લાયગા આજે? એ તો નથી ઉયઠો હજુ”
રામજી પૂજારી મોહનીયાની ખોરડીની બહાર ભેગી થયેલી લોકોની મેદની જોઈને બબડયા.
ઘણા પુરુષો ઉકડ મડીએ બેઠેલા જ્યારે સ્ત્રીઓ પહોળો ખોળો પાથરીને, પુરુષો થી થોડી દૂર.
રામજીના ટોણાની અસર થાય તેમાં મરઘાએ બાંગ પોકારી “કૂકડે કૂક”
“લે રામજીભાઈ, આ મરઘો હો બોયલો , ઉઠાડો તો તમારા કુંવરને હવે” હરિયાથી રહેવાયું નહિ તે બોલી પડ્યો.
“મારા હારા હરિયાને કઈ કામ ધંધો ની મળે તો હો બોયલો પણ અમે કઈ નવરા થોડાં છે? ખેતરે જવાનું કે ની? ” ખંડુએ આંગળીના ટચાકા ફોડતાં ફોડતાં હરિયાને ગાળ આપવાનું જ બાકી રાખ્યું.
“આય હાય ” બેસી બેસીને થાકેલી ગજરીએ ધીરે રહીને પગ પહોળા કર્યા.
“અલી ગજરી, તને કાંઈ અક્કલ ખરી કેની? તે બાઈ માણસ થેઈને પૂજારીના ઘર હામે પગ પહોરા કરીને કેવી બેહી ગેઈ ?” કાશીએ દાબડીમાંથી ચપટીક તપકીર લઇને જોરથી નાકમાં ખેંચીને ગજરીને ઠપકારી.
ગજરી આવું સાંભળી લેય? ” કાશી, તે તું બો ઉશિઆર કેમ? તને હૂં પેટ માં બરતું છે જે? રામજીભાઈ પૂજારી કાંઈ બોયલા? “
“અરે આપડો મોહનીયો જોજેની ઉઠીને મેરબાઈ પાહેં સરાપ અપાવહે તને.” કાશીએ માર્યું
“તું બેહ, આળસુની પીર જેવી. આ મારા બાબલાને મોહનીયો હારુ કરી દેય તેને લઈને હું પહેલી પંગતમાં વહેલી વહેલી આવીને બેઠી. તું તારું જોની?”
“આ બૈરાની જાત! બધાં બો ઉશિયાર. ચૂપ બેહો હવે. મોહનીયો ઉયઠો તેમ લાગતું છે મને”
મોહનીયાની ખોરડીનું બારણું ખુલવાનો અવાજ આવ્યો એટલે ભેગું થયેલું લોક બધું ચૂપ!
બધાની દ્રષ્ટિ ખુલતા બારણા તરફ – એકી ટશે.
મોહનીઓ દ્રષ્ટિગોચર થયો એટલે બધાંના શ્વાસ થંભી ગયા; એકવડું શરીર, ગૌર વર્ણ અને મુખ પર એક મોહક સ્મિત.
બહાર પરસાળમાં ગોઠવેલા એક પેઢીઓ જૂના, પ્રાચીન ઢબના બાંકડા પર આસન લઈને સર્વેને હાથ જોડી પ્રણામ કર્યા.
લોકો શાંત – હમણાં કાંઈ બોલશે એ.
અને ખરેખર, કોઈ દેખીતા પ્રયત્ન વિના એણે ભવિષ્ય વાણી ભાખવાનું શરુ કર્યું:
ગજરી, જા તારો ટાબરીયો બે દહાડામાં સારો થઇ જશે.
કાશી તારી છોકરીના લગનનું મૂરત આવતી પૂનમ લગી નીકળશે.
છનુંકાકા, તમારા પીઠના દુખાવાની આપદા જ છે પણ વૈદે આપેલી દવાથી અને આરામ કરવાથી એક બે મહિનામાં સારું થઇ જશે.
શાંતિ,, તારા પોયરાના પાસ થવાના કોઈ એંધાણ નથી આ ફેરી.
“પણ તે વરસાદ ક્યારે આવહે તે કહેવ ની?” છનુંકાકાને એના પીઠના દુઃખાવા કરતા એના પાકની ભારી ફિકર.
“તે હો આવહે, દહેક દહાડા માં “
બોલીને મોહનીઓ ઉઠીને ચાલતો થયો અને પાછો ખોરડીમાં ભરાઈ ગયો.
“ચાલો, ચોમાસુ તો હારું જહે, કેમ હરિયા?” છનુંકાકા ખુશ.
મેદનીએ “મેરબાઈ ની જે” નો પોકાર કર્યો.
સદા સંતોષી ગામ લોકો, નાની નાની ઈચ્છાઓ; મોટો સંતોષ.
બધાં વિખેરાઈ ગયા પણ શાંતિ ખસવાનું નામ લેય તો ને?.
“તે તું હૂં કામ બેહી રેઇ, શાંતિ. તારો પોયરો વાંચે ની તેને કોણ પાસ કરે, જાણે કે આવી પડી પાસ કરવાવા ?”
‘રામજીભાઈ, મોહનિયાને કહેવ ની, કાંઈ જાપ બાપ કરીને મેરબાઈને રીઝવે. જોયે તો સ્પેશલ જાપ કરવાના પૈસા લેઇ લેય.”
“ખબરદાર જો પૈસા બઇસા ની વાત કાઢી છે તો. મોહનીઓ કાંઈ પૈસાને હારૂ આ ધંધો કરતો છે? એ આ જાણશે ને તો મેરબાઈ કોઈ દહાડો પાસ નહિ કરે.” રામજીએ શાંતિને તતડાવી
“અરે, આ આટલી વખત પાસ થઇ જહે તો બારડોલી કસબામાં નોકરી તૈયાર જ છે”
“તું જા હવે અહીંથી” રામજીએ હાથનો ઈશારો કરીને એને હડસેલી.
“એ બો હારૂ, એજ નામ પર હું આ નદી પારના ગામના પૂજારી પાંહે જાપ કરાવીને પોયરાને પાસ જો ની કરાવું તો મારું નામ શાંતિ નહિ.” છણકો કરીને શાંતિ નીકળી ગઈ.
ગત વર્ષના જન્માષ્ટમીના તહેવારની ઉજવણી પશ્ચાત મોહનિયાનો આ સપનામાંથી ઉદ્ભવતી ભવિષ્યવાણીનો દૌર શરુ થયો. આજુબાજુના ગામોમાં આ બાબત વીજળીવેગે ફેલાતાં મોહનીઓ પ્રખ્યાત થઇ ગયો. પૂનમની રાતે સપનામાં ગામ લોકોના દુઃખ દર્દના નિવારણ – એક વિસ્મય પમાડનાર સુખદ અનુભવ હતો. ગામના લોકો તો ઠીક પણ આજુબાજુના ગામથી પણ લોકોનાં ટોળે ટોળાં ઉમટવા લાગ્યાં.
નવગામની એક વર્ષોથી ચાલતી આવતી બીજી પ્રથા હતી કે સાત દિવસ મેરબાઈની મૂર્તિની ઉપાસના કર્યા બાદ એ મૂર્તિ જન્માષ્ટમીને દિવસે,પાછળ આવેલા તળાવમાં વિસર્જન કરાવી દેવી – લગભગ ગણપતિ વિસર્જન જેવી આ પ્રથા કેમ અને ક્યારે શરુ થઇ એ કોઈને ખબર ન હતી. વિશ્વ્માં દરેકની એક ભૂમિકા હોય છે – દૈવી શક્તિઓ ની પણ ભૂમિકા હોય – કામ પતે એટલે વિસર્જન! બોલો મેરબાઈની જે.
મોહનીઓ ગયે વર્ષે પુખ્ત વયનો થયો એટલે મેરબાઈની મૂર્તિ તળાવમાં પધરાવવાનું કામ એને ભાગે આવ્યું. બસ પહેલી વાર મૂર્તિ પધરાવી ત્યારથી મોહનીઓ બદલાઈ ગયો; એ વધુ ને વધુ સમય દેહરીની મૂર્તિ સમક્ષ ગાળવા લાગ્યો અને પેલાં આશ્ચર્ય પમાડે એવા સપનાં એને દર પૂનમે આવવા લાગ્યાં.
“એ તો પૂજારી બાપનો બેટો એટલે એવી બધી શક્તિ આવે એ સ્વાભાવિક છે” મોહનિયાની ઉમરના છોકરા કહેતા.
“એ તો ઠીક પણ આ તારી ગીતાનું ધ્યાન રાખજે, ધીરીયા. મોહનિયા પરથી એની નજર જાણૅ હટતી નથી, વારુ” ટીખળી રમેશે ધીરુને ઉશ્કેર્યો.
“તું ચૂપ હે, રમશા, એ મારી મંગેતર છે, બકવાસ બંધ કરજે, ની તો …”
” વખત ખરાબ છે, ધીરુ; તું જોજેની, પૂજા કરતા મોહનિયાના ખુલ્લા વાંસાને ટીકી ટીકીને, ટીકી ટીકીને જોયા કરે” છોકરાઓને મઝા પડી એટલે રમશો ચગ્યો.
“તે તું હૂં કામ ગીતાને જોયા કરે, ટીકી ટીકીને; સાલો ,,,મારાથી હમણાં કઈ કહેવાય જશે. ” ધીરુ રાતો ચોળ.
પહેલે વર્ષે તો મોહનિયાએ કમાલ કરી. પૂનમના સપના પછી કહે કે “જો જો પાંચ દહાડા પછી નદીમાં મોટી રેલ આવવાની છે, સાબદા રહેજો બધા”
અને ખરેખર મોટી રેલ આવી; ખૂબ મોટી. બધાં જેમ તેમ બચ્યાં,- મેરબાઈની કૃપા થી– એવું મોહનીઓ બોલ્યો.
માળું આ તો ગજબ કહેવાય. જોઈએ ને હવે આવતી પૂનમે શું કહે છે? બધાંને મૂરખ તો નથી બનાવતો ને, આ મોહનીયો?
અરે એના માબાપ પણ વિચિત્ર સ્થિતિમાં. એમના મોહનિયામાં આવી બધી શક્તિ ક્યાંથી અને કેવી રીતે આવી? ચાલવા દો.
પછીતો બીજી પૂનમે મોહનીયો કહે “જો જો ફલાણી રાતે ધાડપાડુ આવશે, સાબદા રહેજો“
ગામ લોકોએ ભેગા થઇને થોડાક ખડતલ જુવાનિયાઓને તૈયાર રાખ્યા – રાતે ચોકી કરવા. ખરેખર, ધાડપાડુ ત્રાટક્યા પણ જુવાનિયા સાબદા હતા તે પેલાં નાસી ગયા.
મોહનિયાનો ડંકો વાગવા માંડ્યો.
હવે બધા પોતપોતાના દુખણાં લઈએને પૂનમની સાંજે આવવા માંડ્યા. બીજે દિવસે સવારે મોહનીઓ મોટા ભવિષ્ય વેત્તા ની જેમ રસ્તો બતાવે.
ખરો ચમતકારી આ મોહનીયો ભાય.
“રામજીભાઈ, તમે હવે આમાંથી કઈ પૈહા ઉઘરાવવાનું ચાલુ કરો” છનુંકાકાએ ડપકો મૂક્યો.
“જો ભાય, આ તો ધરમનું કામ કહેવાય. એ પૈહાવાળી વાત ખોટી. અમારે એ પૈહાનું કામ હૂં? મેરબાઈ ખીજવાઈને સરાપ આપી દેય તો?”
“કેમ તે મોહનીઓ હવે પરણવા લાયક થયો, એને પરણાવવા પૈહા ની જોયહે તમારે? વિચારો વિચારો, રામજીભાઈ”
‘મારી દયાળુ મેરબાઈ છે ને એ કાંઈ રસ્તો સુઝાડશે” બોલતાં બોલાઈ તો ગયું પણ મોહનિયાને માટે છોકરી શોધવાની વાત વિચારવા જેવી ખરી.
મેરબાઈ ની જે
……..ક્રમશઃ
————————————
પ્રકરણ૨મેરબાઈનીદેહરી
કુટુંબમાં એક દીકરી એટલે સાપનો ભારો. દીકરી જન્મે એટલે તરત જ એને દૂધ પીતી કરી દેવાનો કુરિવાજ સુધારા ના વાયરામાં લુપ્ત થવા માંડ્યો પણ કુટુંબનો વંશ ચાલુ રહે એવો આગ્રહ તો હજી છે જ. દીકરી જરાક પુખ્ત વયની થવા આવે એટલે એને માટે યોગ્ય મૂરતિયાની શોધખોળ શરુ કરી દે ડાહ્યાં માં-બાપો.
બાજુના હલવાડા ગામનો મુખી શંકરભાઈ એમાં અપવાદ ન હતો. દીકરી રૂક્મીએ હજી હમણાં જ તો જુવાનીમાં પગ માંડ્યો અને કિકીએ હજાર વાર વાત કાઢીને કાન બહેરા કરી દીધા ” તમે બે હાથ જોડીને બેસી ન રહો, દીકરી હવે જુવાન થઇ છે. કેટલા વરસ ઘરમાં બેસી રહેય?”
નવાગામમાં મોહનિયાનો સપનાનો ચમત્કાર જોયા પછી શંકરે ગાંઠ વાળી કે આપણી રૂક્મી માટે આના કરતાં રૂડો વર નહિ મળે. હલવાડા પરત થઇને તરત કિકીને હાક મારી ” અરે હામ્ભરે કે?”
“મારા શામળિઆની પૂજા પતે એટલે હામ્ભરું” પાટલા પર બિરાજમાન કિકી એ ઘંટી વગાડીને ક્રષ્ણ ભગવાનની મૂર્તિને શ્રધ્ધા પૂર્વક માથું નમાવ્યું; “જે શ્રી ક્રષ્ણ” . સાડીનો છેડો અંદર ખોસતાં, ઉભા થતાં ઘૂંટણના બેચાર ટચાકા બોલાવ્યા.
“હં, બોલો હવે, હૂં કેહતા હતા તમે?”
“અરે બો ફાઈન સમાચાર છે. તું તો ગાંડી થેઈ જહે”
“પણ રૂક્મી હમણાં છે કાં? ” શંકરે આજુબાજુ નજર દોડાવી.
“એ તો ગાય દોહતી ઓહે. વાત હૂં છે તે કેવની વેહલા ?”
“મૂરતીઓ મલી ગીયો”
કિકી ની આંખ મરક મરક.
“કોણ છે એ મૂરતીઓ ? કોને તાંનો પોયરો?”
‘રામજીભાઈ નો”
“કોણ રામજીભાઈ?”
“અરે આ ફા ના (આ બાજુ ના) નવાગામ નો પૂજારી”
“તમે હો છેક જ! એ આળસુએ તો નિહાર હો પૂરી નથી કરી. મારી રૂક્મીને હારું તો ભણેલો ગણેલો, નોકરી કરતો પોયરો જોઈએ”
શંકર ભાઈએ કફની કાઢીને ખીંટીએ ટાંગી, ” અરે હું મારી હગી આંખે જે જોઈ આયવો તે તો હામ્ભર. હૂં એનો રૂઆબ? હૂં એની છટા ? ચમત્કારી છે ચમત્કારી તારો જમાઈ?” શંકરભાઇ એ બધી માંડીને વાત કરી.
“કિકી, આ છોકરો ગુમાવવા જેવો નથી. પૂજારી કુટુંબ છે, ગામ માં ઈજ્જત છે, અને ડખુ- ચોખાની કોઈ દહાડો આબદા ની પડે. બીજું હૂં જોઈએ? જે શ્રી ક્રષ્ણ, તારી લીલા અપરંપાર છે.” શંકરભાઈએ શ્રી ક્રષ્ણની મૂર્તિ સામે હાથ જોડતાં કિકીને સમજાવ્યું.
બીજે જ દિવસે મુખી યુગલ રામજીભાઈને દરવાજે નવાગામ પહોંચી ગયું.
શંકરભાઇ અને કિકીની કાકલુદી સાંભળીને રામજીભાઈ જરા મોંઘા થયા. એમ કંઈ પહેલી ઓફરમાં આંખના રતનને હારૂ થોડી હા કહી દેવાય?
“મોહનીયો તો હજી નાલ્લો કહેવાય. લગનની વાત એને કરવી પડે. ખમી જાવ જરા” રામજીભાઈ ઠાવકાઇથી બોલ્યા.
“તે અમે કાં આજે લગન કરવાના છે જે? ગોર-ધાણા વહેંચી દીયે એટલે બસ. ફાઈન જોડી લાગહે કેમ કિકી?”
કીકીએ અધખુલા બારણામાંથી મોહનીયો જોયો એટલે ધરાઈ ગઈ, તે ટાપસી પૂરાવતાં કહે “હમારી રૂક્મીને હો ક્રષ્ણ ભગવાન ની બો માયા. પૂજા માંથી નવરી જ ની પડે.” જોડી બરાબર જામશે એ ઠસાવવા કીકીએ દાવ ફેંક્યો.
કિકીને મેદાનમાં ઉતરેલી જોઈને રેવાથી નહિ રહેવાયું, ” પણ તમારી રૂક્મી એટલું બઘું ભણેલી તેને આ પૂજારી જેવા જુનવાણી ઘરમાં મારી જેમ ફાવહે? “
આ સાંભળી પોતાના વર નું મોઢું જરા ચઢી ગયું. રેવા જરા ખમચાઈ ગઈ. પચ્ચીસ પચ્ચીસ વરસ થી હું તમારા ઘરમાં વેઠ કરું છું એવું ઉઘાડે છોગે તો ન કહેવાય ને?
રામજીભાઈએ આ બળવો સાંભળ્યો ન સાંભળ્યો કરીને પરખાવ્યું, ” રેવા , તે આ મહેમાનોને કાંઈ ચા પાણીનો વિવેક કરવાની કે ની?
ધણી એ કહ્યું એટલે રેવા રસોડા તરફ ક- મને ખેંચાઈ.
તકનો લાભ લઇને શંકર ભાઈએ મુદ્દા ની વાત ઉપાડી, “જુઓ ની રામજીભાઈ, વાંકડાની ચિંતા ની કરતાં. શ્રી ક્રષ્ણ ભગવાને ઘણું આયપુ છે અમને. એક વાર હલવાડા અમારા ગરીબની ઝુંપડીને પાવન કરો હવે”
એક બાજુ ગામ નો મુખી, ને વાત કરે ગરીબ હોવાની! છોકરી વાળા એટલે જખ મારીને નીચા નમીને ચાલે!
મેરબાઈ ની જે.
થોડી વારમાં રેવાને કપ રકાબી લાવતી જોઈને કિકી સફાળી ઉઠી અને મદદ કરવા અંદર ગઈ તો વચ્ચેના રૂમમાં મેરબાઈ ની મઝાની મૂર્તિ જોઈ એટલે બે હાથ જોડાઈ ગયા. રેવાને ગમ્યું. કીકીએ બરાબર સોગઠી મારી.
ગામ માં કોઈ અજાણ્યા મહેમાન કોઈને ત્યાં પણ આવે એટલે ગામની સ્ત્રીઓ એનો તાગ મેળવવા આવી જ ચડે. બધી બહાર બેઠી બેઠી અંદર શું ચાલી રહ્યું છે તે જાણવા અધીરી. એ ટોળાંમાં ગીતા સામેલ થઇ તે જોતાં સામેના ઘરના વરંડા માં બેઠેલો ધીરુ અકળાયો, “હારો રમશો હાચુ બોલતો ઉતો?”
આરતીનો ટાઈમ થયો એટલે રામજીભાઈએ બે હાથ જોડયા , “સારું તો શંકર ભાઈ તમને જણાવશું”
અત્યાર સુધી ગેરહાજર રહેલો મોહનીયો અચાનક પ્રગટ થયો, બાપ સાથે આરતીમાં જવા.
“કેવો ફાઈન મોહનીયો, જાણે ગોરા ક્રષ્ણનું રૂપ જોઈ લો”, કિકી મનોમન બોલી.
“મેં કીધેલું ને તને, ગાંડી” જાણે શંકર કીકીને જોતા કહેતો હોય. કિકી તો હવામાં ઉડવા માંડી.
મહેમાન બહાર નીકળીને ઉતાવળમાં હોન્ડા પર સવાર થઇને નીકળી ગયા કે બાઈઓને ધ્યાનથી જોવાનો મોકો નહિ મળ્યો. કોણ હતા એ લોકો? કેમ આવેલા રામજીભાઈને મળવા? બધાએ એક બીજા સામે જોયું.
બધું લોક આરતીમાં સામેલ થવા ચાલ્યું. આગળ રામજી અને એની પાછળ નીચું મોઢું કરીને મોહનીયો ઘેલી ગીતા પાસેથી પસાર થયો. દૂર રમશાએ ધીરુને કોણી મારી “જોઈ લે દીકરા, આ મેરબાઈ ના ખેલ”
પંદરેક મિનિટ માં આરતી થઇ ગઈ એટલે રેવા આરતીનો થાળ લઇ ને ભેગા થયેલા લોકોમાં ફરવા માંડી.
“બેટા મોહનિયા, જરાક આવજે ને મારી પાહેં” રામજીભાઈને થયું કે હવે વાત કરી લેવી જોઈએ.
“હા ભાઈ, હમણાં આયવો” આજ્ઞાંકિત પુત્ર બોલ્યો.
મોહનિયાએ પોતાની કેસરી કફની ચડાવી અને આગલા રૂમમાં બાપ સાથે હિંચકે બેઠો.
રામજીએ બહારના બારણાને વાસી દીધું. બહાર નાના છોકરાંઓ બહુ કિકિયારી પાડતા હતા તે શોર ઓછો થયો.
“જો બેટા, જે રીતે તેં પૂજારીનું કામ ઉપાડી લીધું છે એ જોઈએને તારી માં અને હું બેઉ બહુ ખુશ છીએ. તારે તો હવે થોડા વખતમાં બધો કારભાર સાંભળી લેવાનો છે.” બાપાએ આવી ગંભીર મુદ્રા માં વાત કોઈ દિવસ કરી ન હતી.
મોહનિયા એ બે હાથ જોડ્યા “મેરબાઈ ની કૃપા; તમને સંતોષ છે એનો મને ખૂબ આનંદ છે”
રામજી એ હળવેથી એનો હાથ લઇ ને કહે “બસ હવે અમને એક જ ઈચ્છા બાકી છે”
“બોલો ને ભાઈ. તમારી ઈચ્છા મને શિરોમાન્ય”
બહારનું બારણું ધડાક દઈ ને ખુલ્યું અને રેવા પધારી.” આ બારણું બંધ કરીને બાપ દીકરો હૂં ગુસપુસ કરતાં ઉતા?”
“શ…., ” નાક પર આંગળી મૂકીને રામજી એ રેવાને બાજુની ખુરશી પર બેસવા કહ્યું.
“બેટા, અમને બેઉ ને એમ થયા કરે છે કે તને પરણાવી દઈએ હવે” રામજીએ રેવા સામે જોયું. રેવાએ હકાર માં ડોકું હલાવ્યું.
“પોરીના માબાપ અમને જપવા નથી દેતા હવે. ક્યાં ક્યાં થી આવે. તું હા પાડે એટલી જ વાર”
મોહનિયા ના મુખ ની રેખાઓ અચાનક ખેંચાઈ. “પણ કેમ?”
“બધા પરણે. તારી હો ઉમર થઇ ગઈ. તારી બૈરી આવહે, તને વહાલ કરહે, તારો સંસાર આગળ ચાલે,, તારી માયને હો હારું, ઘરકામ માં કોઈ જોઈએ ને ?”
“પણ હું તો મેરબાઈ ની પૂજા કરું, રોજ કરું, એને રોજ કરું વહાલ….”
વાત વણશે એ પહેલા રામજીએ એને અટકાવ્યો ” એ તો આખું ગામ જાણે પણ તારે હવે જિંદગીમાં સ્થિર થવું જોઈએ, વસ્તાર વધારવાનો. શાસ્ત્રોમાં હો લયખું છે. તું ખુશ રહેશે, સુખી થશે”
મોહનીયો વિચારમાં પડી ગયો.
રેવાએ બેટાને છેડ્યો “જો ને ,તારા ભાઈ અને હું ખુશ છીએ ને તેમ” રેવાનું સુખ તો રામજી થઇ શરુ થઇ રામજીમાં જ પુરૂં.
રામજી એ ઉમેર્યું, “જો કોઈ ઉતાવળ નથી, તું નિરાંતે વિચાર કરી લે. “
રેવાએ કપાળ ફૂટ્યું – મન માં બોલી “ઉતાવળ કેમ નથી? ઘરમાં વહુ જલ્દી નહિ આવશે તો એના પર હુકમ ચલાવવાનો મોકો ક્યારે મળશે? રામજીની માંએ મને બહુ વર્ષો હેરાન કરી, હવે મારો વારો. એ તો પાછી નેવું નેવું વરસ જીવી ગઈ. બળી ગિયું આ રોજનું ઘર કામ કરવામાંથી કોણ જાણે ક્યારે છુટકારો મળશે મને.”
વધારે કાંઈ આગળ વાત ચાલે એ પહેલા મોહનીયો અચાનક હિંચકાને જોરથી આંચકો આપતો ઉભો થઇ ગયો અને પોતાની ખોરડીમાં જઈને ભરાઈ ગયો.
એ તો મેરબાઈ ની ઈચ્છા, રેવા, મેરબાઈ ની ઈચ્છા.
————————————
પ્રકરણ૩: મેરબાઈનીદેહરી
Posted on May 31, 2020 by Rajendra Naik
આવતી પૂનમને હજુ ખાસ્સી વાર હતી.
“ભાઈ અને માઇએ આ ક્યાં નવું મંડાણ માંડ્યું?” મોહનીયાને ચૈન ન હતું.
આ લગનની વાત હજી એમણે મૂકી મૂકી તે કોણ જણે કેવી રીતે ગામમાં ફેલાઈ ગઈ?
મોહનીયાને તો બસ મેરબાઈની સામે બેસીને એનું ધ્યાન ધરવું એ જ સુખ હતું. મેરબાઈની મૂર્તિમાં કંડારેલું એનું મુખ મોહનીયા માટે પ્રેમનું સ્વરૂપ હતું. ગામની મુગ્ધાઓને તો ધ્યાનમાં બેઠેલા મોહનિયાને જોયા કરવો એ સુખ અપાર હતું.
હવે મોહનિયાના સપનાં ખળભળી ગયાં હોય એવું લાગતું હતું. રોજ રાતે મેરબાઈ સપનામાં આવતી ખરી પણ મંદ મંદ હાસ્ય થી તરબોળ ચહેરો બતાવી ને ફૂદડી ફરી ને અલોપ થઇ જતી. બોલે નહિ, ન કોઈ ગીત ગાય. ફૂદડી ફરતાં મોહનીયો વચ્ચે ઉભો હોય અને એ ગોળ ગોળ ફરતી જાય – જણે બંને એક આત્મા – પ્રેમના તાંતણે પરોવાયેલા.
હવે આ બધું કોઈને થોડું કહેવાય? ભાઈ અને માઇ ને તો નહિ જ.
અધૂરામાં પૂરું ઓફર લઈને આવનારા મહેમાનોની ભીડ વધતી ચાલી. ગામની નવરી સ્ત્રીઓને તો પંચાત કરવાની મઝા પડી ગયી – પેલાં આવ્યા તે કોણ? એ તો બહુ મોટા માણસ છે. હવે એની છોકરી, મીનાને તો મેં જોઈ છે – કાંઈ હવાદ (સ્વાદ) નથી એનામાં. ફક્ત પૈસો, ભાઈ પૈસો. એના કરતાં આપણે ત્યાંની પેલા ગોવાળિયાની પોરી હંસા હજાર દરજ્જે સારી નહિ?
જબરી દ્વિધા મોહનિયા માટે!
અષાઢ બેઠો અને ચોમાસું આવી લાગ્યું. ખેડૂતો કામે લાગ્યા – થોડાક પોતાના ખેતરમાં અને બીજા સવર્ણોના ખેતરમાં.
બે દિવસ પછી પૂનમ. ગામ માં જાત જાતની વાતો ચાલે: “મોહનીયો સપનાથી એનું બૈરું હોધી કાઢે તો હો બો.”
“આપણા ગામની છોકરીઓ કાંઈ લાખી દેવા જેવી છે? મોહનીયો નજર નાખે તો ને? જાન દૂર અજાણ્યા ગામ લેઇ જવી ની પડે!”
પરભુકાકા થી નહિ રહેવાયું, ” આપણા જુનવાણી ઘરડાં ની માને. ગામ ને ગામમાં તો લગન ને હારૂ બો નજીકનું કહેવાય.”
“પણ કાકા, ધીરુ અને ગીતા આપણા એક ગામના તે?” નવી પરણેતર આશા ગીતાને જોતાં જોતાં બોલી.
‘અરે ડોફી, તારી અક્કલ કાં ગઈ? ગીતાના માય બાપ બીજે ગામના તે પૂરમાં તણાઈને મરી ગિયા એટલે આપણા ગામમાં એના મામાને તાં આવીને રહેલી.”
વરસાદે જોર પકડ્યું અને પંચાતી મંડળી વિખેરાઈ ગઈ.
મોહનીયો ઘણા દિવસ થી બહાર બહુ નીકળતો ન હતો. પૂજાના ટાઈમે દેખાતો તે જ. પેલો બાબુ ભરવાડ કહેતો હતો કે એક વાર એના ઘર પાસેથી નીકળ્યો ત્યારે મોહનીયો એકલો એકલો ખોરડીમાં બબડતો હતો. મોહનીયાનું ચસ્કી ગયું કે શું?
રામજી અને રેવાને તો મઝા જેવી પડી ગયી. રોજ ઉઠીને થોકબંધ મહેમાનો ઑફર લઇને આવે તેમાંથી જ નહિ પરવારે. પણ મોહનાઈઓ બાપડો કોને કહે? સપના તો આવે પણ મેરબાઈ હસ્તી રમતી, ફૂદડી ફરતી દેખાય. બોલે નહિ પાછી. મોહનિયાને એનું ગૂઢ હાસ્ય બહુ ગમવા લાગ્યું અને એ રમતી રમતી પાસે આવે તે પણ. આ કેવી સ્થિતિ? કેવું ખેંચાણ?
ગઈ રાતે સપનામાં મોહનાઈઓ ક્રષ્ણ ભગવાનની જેમ એક ઝાડની ડાળ પાર બેસીને વાંસળી વગાડે, એ ઝૂમતી આવી, હસતી hasati, ગરબા કરતી, કરતી ધીમે ધીમે કૂંડાળું નાનું થતું ગયું અને છેવટે એકદમ લગોલગ આવીને વાંસળીના પોલાણમાં સમાઈ ગઈ. મોહનીયો રોમાન્ચ થી ઝણઝણી ઉઠ્યો.
બીજી ક્ષણે મોહનીયો જાગી ગયો, “મેરબાઈ, હવે મહેરબાની કર. મને સમઝાતું નથી કે આ પૂનમે હું લોકોને શું જવાબ આપીશ? મને પેલા સપના પાછાં આપ”
પૂનમ ની રાત આવી પણ મોહનિયા ને ચૈન ન હતું. લોકોએ આવી આવીને પોત દુખણાં રડ્યાં, બધાને સાંભળ્યા પણ ખરા. મોહનીયો રાતે વાળું કર્યા વગર સુઈ ગયો.
પેલો થાળી જેવો ચાંદો દેખાય જ નહિ તો કેવું સારું? હું સૂતો રહું અને કાલે સવારે ઉઠ્યો જ નહિ તો?”
આ બધાં સપનાઓ મેરબાઈ લાવતી હતી? એ કોણ છે? મારુ એની સાથે કેવું સગપણ ?
પણ ચાંદો તો ઝગારા મારતો ઉગ્યો અને આકાશમાં સહેલ કરવા માંડ્યો. દિવસ ભર ના વરસાદ પછી વાતાવરણ સ્વતચ્છ હતું. ઝાડના પાંદડાઓ પરથી મોટા મોટા ટીપાં હજી શમ્યા ન હતા. કૂતરાં પણ જંપી ગયા; એકાદ ઘૂવડના બોલવાના અવાજે રાતને વધારે ભેંકાર બનાવી દીધી.
.
મોહનીયાને સપનું ઘણું વહેલું આવ્યું – રાતના બીજા પ્રહર માં. ચહેરા પાર સરસ મઝાનું સ્મિત ફરકાવતો ઉઠ્યો, બહાર વરંડામાં આવ્યો અને થામ્ભલાનો ટેકો લઈએને ઉભો, આકાશમાં જોયું. ભવ્ય ચાંદો લહેરથી ઘૂમતો હતો.
એની નજર મેરબાઈની દેહરી પર પડી. ચાંદાના ધવલ પ્રકાશમાં દેહરીની દીવાલ ઝગી ઉઠી.
બે હાથ જોડીને દેહરી તરફ પ્રણામ કર્યા અને ધીમે ધીમે પાછો ફરીને ખોરડીમાં જઈને લંબાવ્યું. ગામ આખું નીન્દરમાં ; લોકો પોતપોતાના દુખણાં સવાર થતાં નિકાલ – એ સપના સેવતાં સૂતાં રહયાં.. કોઈએ મોહનીયાને જોયો નહિ.
મેરબાઈ ની જે.
બીજે દિવસે અષાઢી વદએકમ. મોહનીયો મોડયો ઉઠ્યો. હંમેશ મુજબ, લોક બધું ભેગું થઇ ગયેલું. એમની સમસ્યાનો નિકાલ – મોહનીયો કરશે કે પછી મેરબાઈ ખુદ કરશે ?
“અરે અરે, એને તગેડો કોઈ” , એક બિલાડું આડું ઉતર્યું એટલે કેટલાક ઉભા થઇ ગયા ” આ તો અપશુકન કહેવાય. મારું હારું બિલાડું, એ હો આજે જ અહીં ફંટાવાનું થઇ ગયું?”
અને મોહનીયો સામે દેખાયો, ખોરડી માંથી ધીમે પગલે બહાર નીકળીને રાબેતા મુજબ જૂના બાંકડા પર બેઠો, બધાંને પ્રણામ કર્યા. ભીડ તદ્દન શાંત, મનમાં આશાઓ સળવળતી.
એને એક પછી એક દરેક દિશામાં બેઠેલા લોકોને જોયા; દેહરી તરફ એક સૂચક નજર નાખી. પ્રભાતના કૂણા પ્રકાશની એક સેર એના ચહેરા પર ચમકી ઉઠી.
“મારાં વહાલાં ગામ લોકો, વડીલો અને સર્વે. મારે એક કબૂલાત કરવાની છે આજે….”
મોહનીયો અટક્યો, એક એક ક્ષણ જુગ જેવી લાગી સમગ્ર મેદની ને,
“હું માફી માગું છું કે મારી પાસે તમારા દુખણાંઓનો કોઈ ઈલાજ નથી. આપણી બધાની પ્રિય મેરબાઈ મને આજ સુધી દોરવણી આપતી હતી પણ હવે ….. એ મારામાં સમાઈ ગયી છે. હવે હું કાંઈ બોલું તો મને પાપ લાગે. ભક્તિ કરતાં જો તમારામાં સમાય તો તમને તમારી સમસ્યાઓ નો ઉકેલ જાતે જ મળી જાય.”
આ શું બોલે છે? બધાંએ એક બીજા સામે જોયું.
“અરે રામજીભાઈ, એને કહો ને કે ઉખાણા ની બોલે, ચોખી વાત કર ભાઈ” સરપંચે રામજી પૂજારીને ટકોર્યો.
રામજી શું બોલે? એણે પોતાની લાકડી દૂરથી મોહનીયા તરફ ધરી ” દીકરા મોહનીયા, જે હોય તો ચોખ્ખું ચોખ્ખું બોલી દે ને બાપા. બધા કયારના તારી રાહ જુએ”
“ચાલ ચાલ, બોલી દે, ભાઈ” બધાં એકી અવાજે.
“ભાઈ, માફ કરજો, મેરબાઈ હવે મારામાં સમાઈ ગયી, એ મારી થઇ ગઈ. હવે ની બોલાય.”
“અરે તારી, હૂં બકે છે? મેરબાઈ તો આપણા બધ્ધાની છે.” પરભુ કાકાથી નહિ રહેવાયું.
“હા , હા, ચાલ જે હોય તે કહી દે” બૂમરાણ વધી ગયું.
વાતને વણસતી જોઈને પામી ગયેલા રામજીએ એક છેલ્લી વાર bhid ને શાંત થવા ઈશારો કર્યો, ” બેટા જો, તારાથી આ લોકોને નિરાશ ની કરાય ”
“ભાઈ, હવે હું શું કહું તમને? મેરબાઈ સપનામાં આવી ને મને ગાળામાં લગનની વરમાળા પહેરાવીને મારામાં અલોપ થઇ ગઈ”
“એટલે?”
“એટલે, એણે મારી સાથે લગન કરી લીધા”
કોઈ હાલ્યું નહિ. સૌ અવાચક!
“એવું બોલાય? ઈશ્વરનો ગૂનો થયો આતો”
“ગાંડો, લૂચ્ચો. હારો મોહનીયો “
આ ઉંમરે, રામજીભાઈને બધાંને હાથ જોડીને શાંત પાડતાં નાકે દમ આવ્યો. જેમ તેમ મોહનીયાને એણે પાછો ખોરડી માં ઘાલી દીધો.
મેરબાઈ ની જે.
——————————
પ્રકરણ૪મેરબાઈનીદેહરી
Posted on June 1, 2020 by Rajendra Naik
ગામ લોકોનાં સપના ચકમાંચૂર! મોહનિયા પરથી વિશ્વાસ ઉઠી ગયો. જેટલું માન કુળદેવી મેરબાઈ માટે હતું તેટલું મોહનિયા માટે થઇ ગયું હતું. સંતો કહી ગયા કે જિંદગીમાં મુસીબતો તો આવે પણ મન ચોકખું હોય તો દેવી તમારા દુઃખ દૂર કરે જ.
મોહનિયાનું લોકોની નજરમાંથી ઉતરી જવું પણ એક પ્રકારનો ચમત્કાર કહો ને? એ હવે પથારીમાં પડ્યો પડ્યો પેલા સપનાઓની રાહ જોતો. રેવા માઈ એનો દરવાજો ખટખટાવતી થાકી, રામજી ને તો કંઈ સૂઝ જ પડતી ન હતી. એમની જિંદગીમાં તો એક અજબ પ્રકારના આફતના ઓળા ઉતરી આવ્યા.
મોહનિયાને લાગ્યું કે એનું મગજ જાણે હમણાં ફાટી જશે.
મેરબાઈ જેવી દૈવી શક્તિને પરણવું એ લોકોને હાસ્યાસ્પદ લાગે એ સ્વાભાવિક હતું. આનો બદલો એ લોકો લેશે તો કેવી રીતે? આટલા વર્ષોની સેવા પછી પૂજારી રામજીભાઈની ઈજ્જત ધૂળધાણી. હવે કદાચ ગામ એને નાત બહાર મૂકશે? ગામમાં રહેવા દેશે? કદાચ તડીપાર પણ કરી દેય. ભવિષ્ય હવે અંધકારમય!
રામજીએ આગળ વિચાર્યું , ” બેટો મારો આજ્ઞાકિંત છે, માની જશે એક વાર ફરી વાત કરી સમજાવું એને. લગનની વાત એના પર ઠોકવા જેવી હતી નહિ”
રામજીએ મક્કમતાથી મોહનિયાની ખોરડી તરફ ડગ માંડ્યા. રેવા એની બરાબર પાછળ, હાથ માં ચા-નાસ્તાની ટ્રે લઇને. બારણું અલાગ જોઈને ખોલી કાઢ્યું. અંદરનું દ્રશ્ય આઘાત લાગે એવું હતું. મોહનીયો, મેરબાઈની પૂતળીને છાતી સરસી વળગાડીને કોઈ ધીમું ધીમું અજાણ્યું ભજન ગાતો હતો. રામજીએ આગળ વધીને મોહનિયાના માથા પર હાથ મૂક્યો, મેરબાઈની પૂતળીને એનાથી અળગી કરવા માંડી,
“બેટા મોહન, જો માય તારે હારૂ ચા નાસ્તો લાવી છે. ચાલ ચાલ, ઉઠ અને નાસ્તો કરીને તૈયાર થેઈ જા.”
મોહનિયાએ પૂતળી ઝટ દેઈને પાછી ખેંચી લીધી, ” બે પ્લેટ લાવો ની? મારી મેરબાઈ હો ભૂખી છે”
રામજી અને રેવા સડક! મોહનિયા ની આંખોની ચમક કાઇંક વિચિત્ર અને જુદી લાગી, જાણે કે એની આંખો માબાપના શરીરને વીંધીને દૂર જતી હોય. આ મોહનીયો ન હતો; કોઈ બીજું જ હતું. ઓહો આ શું થઇ ગયું અમારા મોહનિયાને?
રામજીને લાગેલો આંચકો હવે ભયમાં બદલાઈ ગયો.આવા વિચિત્ર દૈવી માણસ સાથે કેવી રીતે વર્તવું?
રઘવાયેલી રેવા વહેલી વહેલી બીજી પ્લેટ લાવી. “મેરબાઈનું તો એ જાણે પણ મારો મોહનીયો ભૂખો ન રહેવો જોઈએ” પૂજારી દંપતી હળવેકથી દરવાજો બંધ કરી ને બહાર સરકી ગયું.
થોડા પંચાતિયા છોકરા બહાર ઉભા ઉભા અંદર શો ખેલ ચાલી રહ્યો છે એ જોવા આતુર.
જરાક વાર પછી મોહાનીઓ અંદર થી નીકળ્યો અને બહારના રૂમમાં હિંચકે બેઠો.
માયજી વળી પાછા આવ્યા, ફ્રૂટની પ્લેટ લઈને.”મેરબાઈની પ્લેટ હો લાવું, દીકરા?”
“અહુવેં માય”
ચાલો મોહાનીઓ કાઇંક બોલ્યો તો ખરો. આ સુખદ ક્ષણનો લાભ લેવા રામજી આગળ વધતો હતો એને રેવાએ ઈશારાથી રોક્યો.
“બેટા હવે વાત કરીએ?”
“હા બોલોને ” મોહનિયાના ચહેરા પરનું હાસ્ય પણ દૈવી લાગવા માંડ્યું.
“જો બેટા, ચાલ આપણે બધા કાલે જે બની ગયું એ ભૂલી જઈએ બસ? તું તો જાણે છે ને આપણા ગામવાળા તને કેટલો માને છે?”
મોહનિયાનું સ્મિત એમનું એમ.
“એક નવી શરૂઆત કરીએ. તારા ભાઈ હવે પૂજારીનું કામ ની કરે. એ બધું કામ તારે કરવાનું, બરાબર? ….” રેવા જરા અટકી – એ જોવા કે પાસો બરાબર ફેંકાયો કે નહિ.
રેવા આગળ ચાલી ” તો પૂજારી તરીકેની જવાબદારી બજાવવા તારે હવે સ્થિર થઇને લાયક બનવું પડે ને બેટા?”
“લાયક એટલે શું?” મોહનિયાની આંખોએ રેવાને વીંધી નાખી.
“જો, તું મેરબાઈની ભક્તિ-અર્ચના કરતો રહે પણ …તને ગમતી કોઈ છોકરી સાથે લગન કરી લે હવે;.. તને ગમતી… અમે કઈ બોલશું નહિ. … લે થોડા વધારે ફ્રૂટ આપું?”
“હા હા હા ” મોહનીયો જોરથી હસ્યો ” પૂનમના આટલાં બધાં સપના આવ્યા તે બધાંએ કાબુલ કર્યા, તમે પણ કર્યા કે નહિ?”
“કેમ કર્યા જ ને?”
“તો પછી કુળદેવી મેરબાઈ મારા સપનામાં દર્શન આપીને મને વરમાળા પહેરાવીને મારી સાથે લગન કરી મૂક્યા એ કેમ માનતા નથી તમે? મેરબાઈએ પોતે આવીને મને પોતાનો વર માની લીધો તો હું કોણ?”
” પણ એ તો સપના માં…”
“તો પેલા બધા પણ સપના હતાં – સાચા પડ્યાં કે નહિ?”
આંખના પલકારામાં ગુસ્સામાં ધરૂજતો મોહનીયો ઉઠીને પાછો ખોરડીમાં ભરાઈ ગયો.
“હું અંદર જઈને પૂજા કરૂં છું. દેહરી પાસે હવે આ મૂરખ ગામ લોકો મને જંપીને બેસવા નહિ દે”
“પણ જમીને તો જા….?”
બંધ બારણામાંથી દબાયેલો અવાજ આવ્યો ” ફ્રૂટ ખાઈ લીધાં, બસ”
રામજી રેવા દિગ્મૂઢ. આ દૈવી-પેચીદો કોયડો ઉકેલવા અસમર્થ. ભૂખ મરી ગઈ એમની.
બહાર છોકરાઓ પસાર થતાં થતાં ઘર સામે હાથ હલાવી, એક બીજાને પીઠ પર ધબ્બા મારતા, મજાક કરતા જતા હતા.થોડે દૂર મેરબાઈની દેહરી અત્યારે તો અટૂલી અટૂલી દેખાતી હતી. ત્યાં કોઈ ન હતું, સિવાય કે એક બે આમતેમ રખડતા કૂતરાઓ. કાળાં ડિબાંગ વાદળો ક્યાંકથી ધસી આવ્યા; રામજી રેવાની જેમ આકાશને પણ રડવાનું મન થઇ ગયું.
રેવાને હજી જપ ન હતો. બપોરીયા પછી એણે ઉત્કંઠાથી મોહનિયાની ખોરડીના બારણા પર દબાવીને કાન માંડ્યા. અંદર મોહનીયો હલ્કે અવાજે કોઈ નવું ભજન ગાતો હતો. રેવાને થોડી વાર તમ્મર આવી ગયાં.
હે ભગવાન આ શું થઇ ગયું? કેવું સરસ બધું ચાલતું હતું? કોની નજર લાગી અમારા સુખ પર? એ જ મેરબાઈએ મારા મોહનિયાને ફસાવ્યો ને?
હવે દૈવી કુળદેવીને ગાળો આપવામાં શો વાંધો? પ્રેમાળ માંનો આ સરાપ!
વરસાદ શરુ થઇ ગયો એટલે રાત પણ વહેલી પડી ગઈ. હજી તો અષાઢ ચાલતો હતો અને આટલો બધો વરસાદ? નદીમાં ભારે પૂર આવવાનો અણસારો ? દયા કર હે દેવી? પણ અહીં તો દેવી પોતે જ તબાહી મચાવવા પર હતી. કોને કહીએ?
ગામ આખું ભેંકાર – જાણે કોઈ ભૂતે કબ્જો કરી દીધો – ભૂત વળી મેરબાઈનું? દેવી જેવી દેવી પણ માણસ જેવા રક્ત-માંસની બનેલી? રક્ષક એક યા બીજા પ્રકારે ભક્ષક બને ત્યારે કોણ બેલી?
મોહનિયાની દિનચર્યામાં કોઈ ફેર ન પડ્યો – જેવી એના માં-બાપે જોઈ હતી.
અષાઢ મહિનાની આખર નો દિવસ. ગામના લોકો જુએ છે તો એક સન્યાસીઓનું જૂથ ચાતુર્માસ કરવા પધાર્યું. જુવાન સન્યાસીઓના ગુરુ એક ભવ્ય દાઢીધારી મહાત્મા – ખૂબ તેજસ્વી ચહેરો અને કરુણાથી છલકતી આંખો. મેરબાઈની દેહરી ની નજીક એક ધર્મશાળામાં એમને ઉતારો અપાયો. ગામના આગેવાનોએ રીતરસમ મુજબ એમની વ્યવસ્થા કરી આપી.
બીજે દિવસે, મહાત્માએ – જેને શિષ્યો દાદા મહારાજ કહેતા – એક થોડા ઊંચા આસાન પર બેસીને પ્રવચન શરુ કર્યું. ધીરે ધીરે ગામ લોકો આવીને દાદા મહારાજની વાણીનો લાભ લેવા શિષ્યો સાથે બેઠા. ખળભળી ઉઠેલા વાતાવરણમાં દાદા મહારાજની વાણીથી થોડી શાતા વળી. કદાચ આ એક ઈશ્વરીય સંકેત હતો. એક આશાનું કિરણ ચમકવા લાગ્યું.
મેરબાઈ ની જે
….. ક્રમશઃ
પ્રકરણ૫: મેરબાઈનીદેહરી
Posted on June 2, 2020 by Rajendra Naik
ગામ લોકો હવે સંતો અને દૈવી શકિતઓ થી ત્રાસ્યા હતા. મોહાનીઓ તો વિશ્વાસ પાત્ર રહ્યો નહિ પણ મેરબાઈ સુધ્ધાં ?
કુળદેવી આવું કરી શકે? અરે પણ એ તો મારો બેટો મોહનીયો કહેતો હતો. જટિલ સમસ્યાઓનો પેટારો !
મોહનીયના ચમત્કારિક સપનાંને સહારે ગામલોકો ની તકલીફોનું નિવારણ થયું. એણે કહેલું બધું સાચું પડ્યું એટલે તો વિશ્વાસ બેઠો! હવે માળો કહે છે કે મેરબાઈ એને સપનામાં પરણી ગઈ! વિશ્વાસ કેમ નથી બેસતો? સાચું માનવું પડે એવું છે, ભાઈ.
ગીતા તો કહેતી ફરતી હતી, “તમે મીરા બાઈનાં ભજન તો ગાઓ છો ને? એ કોણ હતી એ જાણો છો? એક રાજકુંવરી. ભગવાન ક્રષ્ણને પોતાનો વર માનતી હતી કે નહિ? ” એની મામી જમના એમ કઈ એકદમ માની જાય?
“અરે એ તો બધા ગપગોળા, ગીતા” આ કાલની પોરી ગીતા હૂં ઠસાવવા માગતી હતી? જમના એટલી બધી કાચી ન હતી.
“અરે મામી, ભજન હાચા કે ની? જુઓ હૂં કહેય એ ” મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ના કોઈ”
“બરી ગિયું તારું આ ભણતર. વંઠી ગઈ છે, તું ને તારી મીરાંબાઈ. તું ચૂપ રેહે હવે? ની તો એમ જાણ કે તને તારે ગામ પાછી રવાના કરી દેઉં!” મામીનો ગુસ્સો જોઈને ગીતાને ચૂપ રહેવામાં શાણપણ લાગ્યું.
પણ મામીના મનમાંથી ગીતાએ ઘાલેલો શંકાનો કીડો નીકળ્યો નહિ.
એના વર ગોપાળજીને ઢંઢોળ્યો, “એ હામભરે કે, તમે? આ ગીતલી કહેય તે જરા પેલા દાદા મહારાજને પૂછી જુઓ તો?”
ચારસો વરસ પહેલાં મીરાંબાના મનમાં જો આવો વિચાર આવ્યો હોય અને હિમ્મત બતાવી હોય તો આપણા મોહનિયાનો શું વાંક?
શિષ્યોને ધાર્મિક પ્રવચન કર્યા પછી દાદા મહારાજે જોયું કે ઘણા ગામ લોકો સામેલ થયા હતા.
બધાને હાથ જોડી બોલ્યા, ” મારા નમસ્કાર સ્વીકારો. કેમ છો બધા? ભગવાન સૌને સુખી રાખે”
જમનાએ આવીને કેરીની એક છાજલી મૂકી.
દાદા મહારાજના મુખ પાર એક સ્મિત ફરક્યું. થોડે દૂર એક જગ્યા તરફ નિર્દેશ કરીને કહે ” પહેલાં ત્યાં એક આંબાનું ઝાડ નહિ હતું?”
એક વૃદ્ ની આંખ ચમકી, “હા દાદા મહારાજ, તદ્દન હાચું. હું બહુ નાનો હતો ત્યારે આંબાનું એક ઝાડ હતું જાણે”, એન પછી ઉમેર્યું, ” પણ તે તમને એ કેમ કરતાં ખબર? ” સવાલ પૂછતાં પૂછાઈ ગયો પણ આવું પૂછાય? એ તો મહાત્મા છે, બધી ખબર ની હોય એને?”
છનું થી નહિ રહેવાયું ” અરે મારા વડીલ, મહાત્મા તો બધું જ જાણે, હૂં કહેવ ?”
દાદા મહારાજે છનુ ને હસીને વાર્યો, ” ના ના, વડીલ સાચું કહે છે.” … લોટા માંથી પાણી નો એક ઘૂંટ લઈને ઉમેર્યું, ” ” મને ખબર, હું આ નવ ગામનો જ છું ને? અહીં જ જન્મેલો…”
“.. અને પછી તમે નાલલા હતા ત્યારે નાહી ગેલા, સંત રંગ અવધૂતના આશ્રમમાં. હું નાનો હતો ત્યારે મને મારા ડોહાએ કહેલું”
લોકો વિસ્મય પામી ગયા. આશા અને આશ્ચર્યની એક મિશ્ર લહેર જેવી ઉઠી.
“તમે આ ગામ ના?”
“હા જી, હું નાનો હતો ત્યારે ભાગી ગયેલો, જઈને રંગ અવધૂતના ચરણોમાં; ત્યાં દીક્ષા લીધી; પછી નીકળી પડ્યો અને ફરતો ફરતો દક્ષિણ તરફ મહારાષ્ટ્રના માનગામમાં વસી ગયો, ત્યાં આશ્રમ સ્થાપ્યો”
ગોપાળજી, જમનાનો વર, ખુશ, “આ તો આપણા ગામનું નસીબ કહેવાય. તમે હવે અહીંયા રહેવાના ને દાદા મહારાજ?”
મોહનિયા ની બેવકૂફી અને મેરબાઈની ન સમજાય એવી આપદા પછી આવા મહાત્મા જો અહીં ટકી જાય તો ગામનો ઉધ્ધાર થઇ જાય.
શિષ્ય વૃંદમાં ગણગણાટ થઇ ગયો.
” ખમી જાવ, ગામ જનો. મારું ગામ હવે મારી કર્મ ભૂમિ માનગામ.” દાદા મહારાજ ના અવાજ માં એક નિશ્ચિતતા હતી.
જે કહો તે પણ મહાત્માના આગમને લોકોમાં નવી આશા જગાવી. એમને પૂછીએ તો મોહનિયા વાળી જંજાળમાંથી નીકળવાનો કોઈ રસ્તો જરૂર બતાવે. આખરે ગામના એ સૌથી મોટા વડીલ હતા.
ગામના સરપંચ ઉભા થયા અને બે હાથ જોડીને,” મહારાજ હવે તમે અમારી આ તકલી માંથી કઈ રસ્તો કાઢી આપો.”
“હા મહારાજ, તમે જાવ એ પહેલાં કઈં કરો” મેદની બોલી.
“શાંત થઇ જાવ. મને બધી ખબર છે. રામજીભાઈએ મને બધી વાત વિસ્તારથી કરી કાલે રાતે.”
“તો તો આનો રસ્તો તમે કાઢી આપો, કૃપા કરો, મહારાજ.”
દાદા મહારાજે સાંત્વન આપ્યું ” સારું, તો સાંભળો. એક બહુ જૂની વાતને આની સાથે સીધો સંબંધ છે”
લોકો એક ધ્યાન.
મહાત્માએ એક લાંબો શ્વાસ લઈને વાત શરુ કરી:
“આ બાત બહુ પહેલાંની છે. હું ઘરેથી ભાગી ગયો એથી પણ પહેલાની. ગામમાં ભીખુ દાદા કરીને એક ઘરડા મુરબ્બી હતા જેણે મને આ વાત કહેલી. મેરબાઈ કોણ હતી અને ખરેખર શું થયું એની આ વાત છે, ભાઈઓ અને બહેનો.”
લોકો ને રસ પાડવા માંડ્યો. તડકો જરા વધારે તેજ થયો એટલે ભેગા થયેલા માણસોએ વર્તુળ નાનું બનાવ્યું. હવે લગભ બધા પીપળાની છાયામાં.
“ઘણા વરસો પહેલાં, જ્યારે ભીખુ દાદા પોતે એક બાળક હતા ત્યારે એક પૂજારી કુટુંબ રહેતું હતું જયાં આજે આપણા રામજીભાઈ રહે છે ત્યાં. એમને સંતાનમાં એક દીકરી , નામ એનું મેરબાઈ. રૂપાળી મેરબાઈ એના બાપ સાથે અહીં ક્રષ્ણ ભગવાન નું મંદિર હતું ત્યાં – હું જયાં અત્યારે બેઠો છું બરાબર ત્યાં – પૂજા કરવા આવતી.
પસાર થતા મારવાડી સાધુએ મેરબાઈને મીરાંબાઈની વાર્તા કરેલી. મેરબાઈ આનાથી ખૂબ પ્રભાવિત, તમને સૌને એ મીરાંબાઈ વિષે ખબર હશે. એ ક્રષ્ણ ભક્તિમાં તરબોળ થઇને ભજન બનાવીને ગાતી.
આપણી મેરબાઈને મનમાં ઠસી ગયું કે એ પોતે મીરાંબાઈનો અવતાર છે. હવે એ ક્રષ્ણ ભક્તિમાં એટલી લીન થઇ જતી કે ભજન ગાતી ગાતી નાચવા લાગતી. એમાં જન્માષ્ટમીને દિવસે તો ખાસ ઉત્સવ. ખૂબ નાચતી. એક સમય એવો આવ્યો કે મેરબાઈ પણ કરશન ભગવાનને પોતાનો વર માનવા લાગી.
ગામ લોકો નારાજ. મેરબાઈએ મંદિર તરફ આવવાનું બંધ કરી દીધું. એની ખોરડીમાં ભરાઈ ને આખો દિવસ રાત સાધુએ ભેટ આપેલી ક્રષ્ણ ભગવાનની મૂર્તિ સાથે વાતો કરતી રહેતી, એને નૈવેદ ધરે, એના ભજન ગાય. ગામ લોકોને આ બધું ગમે?”
દૂર થી રામજી અને રેવા આવતા દેખાયાં. એ આવીને બેઠા એટલે દાદા મહારાજે માથું હલાવીને વાત ચાલુ રાખી, “ગામ ના વડીલો મંડયા, તે પૂજારીને કહે કે તમારી નિર્લજ્જ દીકરીને પરણાવીને આ ગામમાંથી વિદાય કરો. પણ આવી ગાંડી છોકરીને કોઈ પરણે? કે જે એમ કહે કે એ તો મીરાંબાઈનો અવતાર છે અને એની જેમ ક્રષ્ણ એનો વર? આજુબાજુ ના ગામો માં ચકચાર ફેલાઈ ગઈ. દિવસે દિવસે વાત વણસતી ચાલી. પૂજારીને નાત બહાર કાઢવા સુધી વાત પહોંચી ગઈ. આ કફોડી સ્થિતિ માં એક દિવસ પૂજારી દંપતી ગામ છોડીને નાસી ગયું.
હવે આ ગાંડી છોકરીનું શું કરવું? કોઈ એને ખાવાનું નહિ આપે. કૃશ થતી મેરબાઈ હસતાં હસતાં બધું સહન કરતી જાય . એ તો પોતાની ભક્તિ માં મસ્ત. પેલી રાજસ્થાની મીરાંબાઈને ઝેર આપેલું તે ક્રષ્ણ ભગવાનનું નામ લઇને પચાવી ગયેલી.
જન્માષ્ટમીની આગલી રાતે ભયંકર વરસાદ આવ્યો. નદી નાળાં માં ઉભરાઈને રેલ આવી. જયાં જુઓ ત્યાં પાણી પાણી. ઘરમાં પાણી ઘૂસવા લાગ્યાં.
મેરબાઈ અચાનક બહાર નીકળી અને ભજન ગાતી ગાતી હું જયાં બેઠો છું તે તરફ આવી. બધાને પોતાની સાથે આવવા ઈશારો કર્યો. કહે છે કે એ જમાનામાં આ જગ્યા થોડી ઊંચી હતી. એ જેમ જેમ મંદિર તરફ આવતી ગયી તેમ તેમ પાણીની સપાટી વધતી બંધ થઇ. લોકો એની સાથે જોડાઈ ગયા અને ક્યાંય સુધી ભજન ગાતા રહ્યા.
પૂરના પાણી ઓસરવા માંડ્યા. મેરબાઈ ઘૂમતી ઘૂમતી મંદિરની આસપાસ વર્તુળ બનાવી નાચતી રહી. લોકો કહે છે કે છ ફેરા લઈને સાતમા ફેરા માટે મંદિરની પાછળ ગઈ ત્યાં એક રાક્ષસી મોજું આવ્યું અને એ એમાં સમાઈ ગઈ.
ભજનની જગ્યાએ દેકારો મચી ગયો કે એને કોઈ બચાવો. પણ એ તો એના ક્રષ્ણરૂપી મોજામાં તણાઈ ગઈ.
ગામ ને પૂર ના પ્રકોપથી બચાવ્યું પણ પોતે બલિદાન આપ્યું. એ ખરેખર સંત મીરાંબાઈનો અવતાર હતી? આ સાંભળેલી વાર્તા છે, મને પોતાને ખબર નથી.” દાદા મહારાજે બે કાનને હાથ લગાડીને કબુલ્યું.
” પણ એ પછી ગામ લોકોને સમજાયું કે મેરબાઈ એક સંત હતી અને ગામનું ભલું ઇચ્છતી હતી.
તેમણે આ મેરબાઈની દેહરી બનાવડાવી અને એની મૂર્તિની સ્થાપના કરી. જન્માષ્ટમીને દિવસે મેરબાઈની મૂર્તિને તળાવમાં પધરાવવાની પ્રથા ત્યારથી શરુ થઇ એવી લોકવાયકા છે.”
વૃદ્ધ દાદા મહારાજને આટલી લાંબી વાત કરતાં શ્રમ પડ્યો.
“હે મહારાજ પણ હવે એક માં તરીકે હું શું કરું ? ” રેવાએ ડૂસકાં ભરતાં સાષ્ટાંગ પ્રણામ કર્યા.
“બહેન, ઉઠ, ભગવાન પર શ્રધ્ધા રાખ”
“પણ મારો મોહનીયો….?” રેવાએ સાડીના છેડાથી મોં ઢાંક્યું અને રડવા લાગી.
“અરે સરપંચ જી, તમે થોડા આગેવાનો અને રામજી – રેવા ને લઈને મોડેથી ધર્મશાળામાં મને મળો. આપણે કોઈ રસ્તો કાઢીએ.
હવે આવડા મોટા મહાત્મા વચ્ચે પડયા છે એટલે રસ્તો જરૂર કાઢશે”
રાતે બધાએ હાશકારો કરીને નીંદર માણી. બીજે દિવસે તો શ્રવણ વદ એકમ.
“મેરબાઈની જે”
…. ક્રમશ:
—————————————————
પ્રકરણ૬: મેરબાઈની દેહરી
Posted on June 3, 2020 by Rajendra Naik
પ્રકરણ ૬: મેરબાઈ ની દેહરી
શ્રવણ વદ એકમ – મેરબાઈ ના ઉત્સવનો પહેલો દિવસ! લોકો મૂંઝવણમાં- રામજીભાઈ પૂજા કરાવશે કે મોહનીયો?
ટીખળી છનું ભારે ખટપટીઓ, “એલા ગિયે કાલે રાતના ડોહાઓએ ભેગા થઈને હૂં ભાંગરો વાયટો ( ગુસપુસ કરી) ?”
” હં, તે સરપંચ કાકાને પૂછતાં તમને ટાઢ વાય કે? અમને હોરી નું નારિયેર કેમ બનાવે?” છોકરાઓ ગાંજ્યા જાય તેમ ન હતા.
સાંજે, દાદા મહારાજ પોતે રામજીભાઈ અને મોહનિયાને દેહરી આગળ લઇ આવ્યા.
“આ બેશરમ મોહનિયાને હૂં કામ પકડી લાયવા?” પણ મહાત્મા જેવા જ્ઞાનીને કોણ પૂછે?
મોહનિયાને દેહરીની સામે આસન પાથરીને બેસાડ્યો. મોહનિયાની આંખમાં ભક્તિનાં પૂર ઊભરાયાં, હાથ ફેલાવીને ભજન ગાવા મંડ્યો મોહનીયો. દાદા મહારાજ,એમના શિષ્યો, રામજીભાઈ અને ધીરે ધીરે બધાં એમાં જોડાયાં.
હાજર બધાં લોકો આવેગ માં આવી ને ગળું ફુલાવીને એક રસ થઇ ગયા. મોહનીયો જરા થાકે એટલે દાદા મહારાજ ભજન ઉપાડી લે. જાણે દુઃખ ભૂલીને લોકો હંમેશ મુજબ તરબોળ. આ દાદા મહારાજે કેવો જાદુ કર્યો? હવે આગળ શું થશે? કોઈને પરવા ન હતી.
ભજનનો ખેલ ત્રણેક કલાક ચાલ્યો. મોહનીયો મેરબાઈની નાની અમસ્તી મૂર્તિ જમણા હાથમાં પકડીને ખૂબ ચગ્યો.
આજુબાજુ શું ચાલી રહ્યું હતું એનું એને ભાન ન હતું.
પ્રસાદ વહેંચાઈ ગયો એટલે મોહનીયો ચૂપચાપ ચાલીને પોતાની ખોરડીમાં ભરાઈ ગયો. હજી કઈ સમજાય એવું હતું ન હતું? મહાત્માએ કોણ જાણે કેવી ભૂરકી નાખી હતી કે મોહનીયો આવી ને પૂજા કરી ગયો? મેરબાઈને પરણવા વાળી વાતનું શું થયું? પંચાયતને ખબર, પણ કોઈ કઈ બોલે તો ને?
રમેશ કહે કે એણે ધીરુ સાથે મળીને ધર્મશાળા પાસે છુપાઈને અડ્ડો જમાવ્યો હતો પણ બહુ સમજણ નહિ પડી. અંદર વાતચીત બહુ ધીમા અવાજે કરતા હતા.
એટલું જોવા મળ્યું કે દાદા મહાત્મા મોહનિયાને કઈ સમજાવતા હતા અને એ જાણે સમજી ગયો હોય તેમ ડોકું હલાવતો હતો.
“હારો, આનો અર્થ એમ થાય કે મોહનિયાએ મેરબાઈને પરણવાની જીદ છોડી” ધીરુએ તર્ક દોડાવ્યો.
“ચાલો, હારા સમાચાર ”
એ પછી બીજના દિવસે, મોહનીયો ઉત્સવમાં હાજર, આગળ દિવસની માફક, ફરક એટલો કે મોહનીયો જરા વધારે ડાહ્યો લાગતો હતો. પછી ત્રીજ ,ચોથ…… એમ કરતાં કરતા સાતમ લગી મોહનીયો ડાહ્યો ને ડાહ્યો થતો ગયો, લગભગ પહેલા હતો બિલકુલ તેવો જ. લોકો કહેવા લાગ્યા, “આપણા દાદા મહારાજનો પાડ માનીએ તેટલો ઓછો, જુવોની મોહનિયાને પાધરો (સારો) કરી લાયખો”
શ્રવણ વદ આઠમ, જન્માષ્ટમીનો મોટો ઉત્સવ – મેરબાઈ ગામને હારૂ ભોગ આપી ગયેલી તે દિવસ આવી પહોંચ્યો; ક્રષ્ણ જન્મ હો આજે.
ક્યાંકથી કાળાં ડિબાંગ વાદળાં ચઢી આવ્યાં , અંબિકા નદીમાં પાણી વધતાં ચાલ્યાં; ભારી રેલ આવવાની કે શું? પાછળનું તળાવ છલોછલ!
ઉત્સવ મનાવવા પંચાયતે મેરબાઈની દેહરીની ફરતે એક મોટો માંડવો બંધાવ્યો. ક્રષ્ણજન્મ માટે એક પારણું તૈયાર, મિષ્ટાન્નવાળું ભોજન, ઢોલ-પીપી વાળા – બધી તૈયારી થઇ ગયી. પણ પૂજારી અને પેલો મોહનીયો કેમ દેખાય નહિ?
દાદા મહારાજ પહેલા પધાર્યા. સાથે એમનું શિષ્ય વૃંદ. આજે તો મહારાજ જન્માષ્ટમી નિમિત્તે ખાસ પ્રવચન આપશે એમ માનીને લોકો શાંતિ થી બેસી ગયા.
વાદળની ગર્જનાઓ વધવા લાગી. “હારૂ આજે તો આ વરસાદ નક્કી આડો ફાટવાનો” લોકોએ આકાશ તરફ જોઈને શંકા સેવી.
મહારાજે સર્વેને આશીર્વાદ આપ્યા.
“આજના આ શુભ તહેવારે બધાને મારાં પ્રણામ. મારા મૂળ ગામે આવીને તમારી સમક્ષ વાતો કરવાનો મોકો મળ્યો છે એ મારું સૌભાગ્ય. છેલ્લા થોડા સમયથી તમે બધાં એક વિચિત્ર એવી સમસ્યાનો સામનો કરી રહયા છે એ હું સારી પેઠે જાણું છું. એનો નિકાલ લાવવા રામજીભાઈ અને પંચાયતના વડીલો સાથે ચર્ચા કરીને મેં નક્કી કર્યું છે.” વાદળનો ગરજવાનો અવાજ મોટો થયો એટલે લોકોએ ધ્યાનથી કાન માંડયા.
“અમને એવું લાગે છે કે રીતરસમને વળગી રહેવા કરતા આત્માના અવાજને ઓળખવો જરૂરી છે. એટલે કે વહેવારીક ઉકેલ એ સમયની માગ છે.”
“એ હારા હૂં કહેય, કઈ હમજણ પડતી નથી” કાશી ધીમેથી બોલી
“જો તે, એ દોઢ ડાહી, તું હવે ચૂપ બેહે કે?” બીજા બૈરાંઓ એ એને દમ માર્યો.
દાદા મહારાજે ચાલુ આખ્યું, ” સૌથી પહેલી જરૂર છે આપણા મોહનિયાને સ્વસ્થ કરવાની. રામજીભાઈ હવે પૂજારી તરીકે કેટલું ખેંચે? મોહનીયો જ તો છે એની જગ્યા લે એવો. તમે જોયું કે છેલ્લા સાત દિવસમાં એ કેટલો બદલાઈ ગયો છે. અમે એવું વિચાર્યું છે કે એના સંતોષ ખાતર એના વિધિવત વિવાહ મેરબાઈની પૂતળી સાથે કરી દઈએ. મારી આ સલાહ પંચાયત અને રામજીભાઈને યોગ્ય લાગી છે. આમ કરવાથી વખત છે ને મોહનીયો બિલકુલ સારો થઇ જાય. મારા ઈશ્વરની કૃપા હશે તો બધું સાંગોપાંગ ઉતરશે.”
“એ તો ઠીક છે પણ મેરબાઈની મૂર્તિ તળાવમાં પધરાવવાની વિધિ નું હૂં?” આજુબાજુ વધતાં પાણી ને જોઈએં ગભરાતો ગભરાતો છનું બોલી પડ્યો.
“તેની વ્યવસ્થા હો કરેલી છે, તું જરા શાંતિ રાખ ને ભાય” સરપંચ તાડુક્યા.
થોડી ક્ષણોમાં મોહનીયો, હાથમાં મેરબાઈની નાની ઢીંગલી જેવી મૂર્તિ લઈને ઘરની બહાર નીકળ્યો, સાથે રામજીભાઈ, રેવા અને દાદા મહારાજ.
“વરરાજાના શણગારમાં મોહનીયો કેટલો સુંદર લાગે છે કેમ?” એક ચિબાવલી મુગધા બોલી ઉઠી.
“ધીરુ, તું જોયા કરજે હેં, આ બધું ફારસ.” રમેશે ખોટો નિસાસો મૂક્યો, “જો તો ખરો, ધીરુ, ઢીંગલી હાથે નામ પૂરતા લગન થઈ જાય પછી ગામની કોઈ રૂપાળી છોકરી હાથે બીજા હાચમ-હાચાં લગન કરતાં એને કોણ રોકે? ”
“તું હારો ચૂપ રહેય કે?” ધીરુ કતરાયો. મોહનિયાના આવા હસવા જેવા સ્વયંવરમાં એની મંગેતર ગીતા જોડાવાનો સવાલ જ નથી.
ઢોલ-પીપી વગાડતા વગાડતા મોહનિયાની દેહરી પાસે લાવ્યા અને બાજઠ પર બેસાડ્યો. મેરબાઈની ઢીંગલી એની પાસે ગોઠવી.
દાદા મહારાજે મંત્ર બોલવાનું ચાલુ કર્યું. મોહનીયો બિલકુલ શાંત, ચહેરા પર એક અજબનું સ્મિત.
વરસાદની વાછટથી બચવા બહાર બેઠેલા થોડા લોકો સાઈડના મકાનના વરંડામાં જઇને ઉભા રહયા.
વરસાદના કહેરને ધ્યાન માં લઇને દાદા મહારાજે મંત્ર ભણવાની ઝડપ વધારી અને થોડી વારમાં વિધિ સમાપ્ત કરી નાખી. ઢોલ-પીપી બંધ થયા. મોહનિયાએ ઢીંગલી ને વરમાળા પહેરાવી અને પોતાની વરમાળા જાતે પહેરી લીધી. રમશો હસ્યો.
“ચાલો હવે સાત ફેરા લઇ લો એટલે લગનની વિધિ સમાપ્ત” દાદા મહારાજે મોહનિયા સામે જોયું.
ઘનઘોર વાદળો, ગર્જના, મન મૂકીને વરસતો વરસાદ, ઢોલ-પીપી થી ભરપૂર વાતાવરણ એક અજબ ભય પમાડતું હતું. મોહનિયાનો ચહેરો બિલકુલ શાંત. મેરબાઈની ઢીંગલી ને કાંખમાં લઈને એણે ફેરા લેવાનું શરુ કર્યું.
પહેલો, બીજો, ત્રીજો …….એમ કરતાં છ ફેરા પૂરા થઇ ગયા.
હવે બાકી રહ્યો છેલ્લો ફેરો. વરસાદે માઝા મૂકી, તળાવનું પાણી પણ હિલોળા લેવા માંડ્યું. બંધુ ધૂંધળું દેખાવા લાગ્યું. ઢોલ-પીપી વાળા પણ તાનમાં આવીને જોરશોરથી વગાડવા મંડયા.
નવ-દંપતી આખરી ફેરા માટે દેહરીની પાછળ ગયું; લગભગ ફાટફાટ થતા તળાવની લગોલગ.
મોહનીયો થંભી ગયો. સામે વરંડામાં ઉભેલા લોકોએ એને ઈશારો કરી ને મેરબાઈની પૂતળી ને તળાવમાં પધરાવી દેવા બૂમ પાડી, “પધરાવી દે, મોહનિયા; પધરાવી દે”
શોરબકોરમાં મોહનીયો દિગ્મૂઢ. વર્ષો જૂની રીત રસમ પ્રમાણે પધરાવવી જ પડે . પણ આ તો મારી પરણેતર!
એકાએક મોહનયાના ચહેરા પર એક દૈવી સ્મિત ચમક્યું, “મેરબાઈ ની જે” એમ કહી ને એનો ઘા કરવા ગયો પણ આંખના પલકારામાં “હું પણ મારી મેરબાઈ સાથે…” એવો ચિત્કાર કરીને ઢીંગલીને લઈને તળાવના ઊંડા પાણીમાં કૂદી પડ્યો.
મોહનીયો અને મેરબાઈ પાણીમાં સમાધિ લઈને ગરક થઇ ગયા. આ અસાધારણ દ્રશ્ય જોઈને લોકો સડક!. રામજીભાઈ હાથ ઊંચા કરીને “એ મારા બેટા” બૂમ પાડી ને શોકાતુર; રેવા બેભાન થઇ ને ગબડી પડી.
સ્થિતપ્રજ્ઞ દાદા મહારાજે ઊંચા હાથ કરી નવયુગલ ને પ્રણામ કર્યા.
મોહનિયાની ખોરડીમાં લોકોને નવાં ભજનોનો હસ્તલિખિત ગ્રંથ મળ્યો. મીરાંબાઈના અવતાર સમી મેરબાઈ અને ક્રષ્ણ ભગવાનના અવતાર સમો મોહન અમર થઇ ગયા. જાણે મીરાંબાઈને એનો કનૈયો મળી ગયો.
રામજીભાઈએ બીજા ઘણા વરસો સુધી પૂજારી તરીકે સેવા આપી અને નવી પેઢીને મોહન -મેરબાઈની વાર્તાનું રસપાન કરાવતા રહયા. આજે પણ મોહન અને મેરબાઈના પ્રેમના પ્રતિક રૂપ “મોહન -મેરબાઈ” ની દેહરી તરીકે ઓળખાતું મંદિર નવગામમાં છે.
મોહન-મેરબાઈ ની જે
….સમાપ્ત
———————————
મેરબાઈનીદેહરી – ઉપસંહાર
ગુજરાતી સાહિત્ય શ્રુષ્ટિ માં પાપા પગલી માંડવા આતુર નવોદિત લેખકો તેમ જ કવિઓ એક અજબ ની મૂંઝવણ અનુભવે છે. એવું સાંભળ્યું હતું કે કવિવર રવીન્દ્રનાથ ટાગોર ને બહુ મોટી ઉંમરે ચિત્રકલા માં ઝંપલાવવા ની ઉત્કટ ઈચ્છા થઇ આવી અને એ નવીન ક્ષેત્ર માં પણ સફળતાથી પગ પેસારો કરી શક્યા. હવે એમનું તો આંતર રાષ્ટ્રીય વ્યકિતીત્વ હતું એટલે ફળસ્વરૂપ કોઈ માઈના લાલે એવો ટોણો નહિ માર્યો હોય કે ‘ભાઈસાબ તમે કવિતા લખો પણ આમ ચિત્ર કલા જેવા અજાણયા ક્ષેત્ર માં તમારે શું કામ ચાંચ ડુબાડવી છે, હેં?”
સલાહ આપનાર કે ઉતારી પાડવા વાળી જમાત તૈયાર જ હોય!
કઇંક અંશે મારી બાબતમાં આ અનુભવ થશે એ ખાતરી હતી અને એ માટે હું તૈયાર પણ હતો. આ વિષે જરા વિસ્તારથી ઉપસંહારના આખરી ભાગ માં લખ્યું છે.
“મેં આવી બેહૂદી વાર્તા કેમ લખી?” સુજ્ઞ વાચકો ને આ પ્રશ્ન સતાવ્યો છે. કોઈ નવયુવક વળી કોઈ દેવીને પરણવાની જીદ કરે ખરો? પાખંડી ન કહેવાય? ધર્મ ની હાંસી ? મેરબાઈની દેહરી એ ખરેખર ભૂતકાળમાં બની ગયેલી સત્ય હકીકત છે? મેરબાઈ નામની કોઈ કુળદેવી કોઈ જગ્યાએ છે ખરી? આ ગામ ક્યાં આવ્યું? વિગેરે વિગેરે.
ઇતિહાસમાં આવતા મીરાંબાઈના પાત્રે મને હંમેશાં મથાવ્યો છે. ૪૦૦ થી વધુ વર્ષો પહેલા, રાજસ્થાન જેવા રૂઢિચૂસ્ત (કદાચ હજી આજે પણ – બાળ લગ્ન, સતી પ્રથા માં વિશ્વાસ ) પ્રદેશમાં ઉછરેલી કુંવરી મીરાંબાઈ!
મેરે તો ગિરધર ગોપાલ – ક્રષ્ણ મારો પતિ અને બીજું કોઈ નહિ એવા લાગણી ના પ્રવાહમાં એક વાર બોલવું અને આખું જીવન એમાં ઓતપ્રોત થઇ જવું એ બે અલગ વાત છે. સગા-સંબંધી, કોમના પરિચિત લોકોના મહેણાં ટોણાં ઝીલવા – અને એ પણ તે જમાના માં ? એ કોઈ નાની સૂની વાત નથી. રાજવી કુટુંબ, રાણાજી કઈં કેટલા કારસ્તાન કરીને મનાવવાની કોશિશ કરી હશે? મીરાંબાઈનું ખમીર જુઓ, એના મનમાં રમતી પવિત્ર ભાવના જુઓ અને આવા વાતાવરણમાં અનોખું સાહિત્ય સર્જન કર્યું એ જુઓ.
નારીવાદ, નારી સશક્તિકરણ? નારી હોવા છતાં પોતાની આગવી સૂઝ, સમઝ હોઈ શકે, પોતાની રીતે જીવવાની હોંશ
કેમ ન હોઈ શકે? મીરાંબાઈ એ કરી બતાવ્યું – જીવી બતાવ્યું.
ફાસ્ટ ફોરવર્ડ – એકવીસ મી સદી.
હજી આજે પણ ‘સંસ્કારી’ કુટુંબોમાં નારીને ખરેખર પોતાની રીતે સ્વતંત્ર વિચારવાની, જીવવાની છૂટ છે ખરી ? દેખાડો ઘણા કરે છે. કહેવાતા વિમેન લિબરેશનના યુગમાં પણ – “છોકરીની જેમ રડવાનું નહિ, પુરુષોની વાત માં ડહાપણ કરવું નહિ તારે, બૈરાંની બુદ્ધિ પાનીએ, બહાર નીકળે ત્યારે પહેરવા ઓઢવાનું ધ્યાન રાખવું, તું તારે રસોડું સંભાળ ” વિગેરે વાક્યો સંભળાય છે ને?
ઘણા સમયથી ઘુમરાયા કરતી વાત ‘મેરબાઈની દેહરી’ માં આખરે ઢાળી.
આજના જમાનામાં કોઈ એક જુવાન એવું જાહેર કરે કે “મારા લગન તો ફલાણી ફલાણી દેવી સાથે થયી ગયા કે પછી કરવા માગું છું” એને આવો વિચાર કેવી રીતે આવ્યો એ એક અલગ પ્રશ્ન છે પણ આમ બોલે તો શું થાય?
નવીન પ્રકારના લિબરેટેડ રૂઢિચૂસ્તો પર તો આભ તૂટી પડે? અરે આપણી દેવી તો પૂજવાની હોય! એની સાથે સપનામાં પણ લગ્ન કરવા એ તો સ્વીકારાય જ નહિ, અકલ્પનિય, અશોભનીય! અકુદરતી, અધર્મ!
આથી વધુ- “એને સમજાવો, એને નાત બહાર મૂકો, એને મેથી પાક આપો – જેથી બીજો કોઈ જુવાન આવી ગાંડી વાત ફરી કરવાની હિમ્મત ન કરે.
એ જુવાન તો એક કાલ્પનિક પાત્ર છે પણ આવું લખનાર ઉપર પણ છાણા થપાય ને? અંતિમવાદીઓ કદાચ મારી નાખવાની ધમકી પણ આપે.
લખવું તો હતું જ. એટલે મેં એક વચલો માર્ગ કાઢ્યો. ધર્મગ્રંથો કે પરંપરાથી સ્થપાઈ ગયેલી દેવીને બદલે મેં કોઈ ગુમનામ કુળદેવીનું પાત્ર ઉપજાવ્યું અને ગામનું નામ વિગેરે પણ કાલ્પનિક. ફક્ત પાત્રોનાં નામ ચીલાચાલુ રાખ્યા. જો કે વાચકો તાર મેળવી લે તો નવાઈ નહિ – જેમ કે મેરબાઈ, મોહનીયો, રૂક્મી માં મીરાંબાઈ, મોહન (ક્રષ્ણ) રુકિમણી આછડતો નિર્દેશ દેખાય છે.
બીજી વાત:
વાર્તા નું ફલક ડાંગમાં અંબિકા નદી કિનારે સ્થિત એક ગામ રાખ્યું. હવે વાર્તામાં આવતા સંવાદ સ્થાનીય બોલીમાં ન હોય તો કેવું લાગે? આજ પર્યન્ત મહદ અંશે ગુજરાતી સાહિત્ય શુદ્ધ ગુજરાતી / ઉત્તર ગુજરાતી / કાઠિયાવાડી / ચરોતરી વિગેરે માં ખેડાયું છે. કોઈ અગમ્ય કારણોસર દક્ષિણ ગુજરાતની બોલીમાં નહિવત છે.
અમુક સંપાદકોના મતે આ પ્રકારની વણખેડાયેલી ભાષા ( ‘બોલી “? ) માં લખાયેલી વાર્તા લોકોને કઠશે – નહિ સમજાય.
આ અભિપ્રાય એમની ઘૃણા દર્શાવે છે. કાંઈ પણ નવું સર્જન કરો એટલે તૂટી પડો. શું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કથા માં કંડારેલી મીઠી કાઠિયાવાડી કે પછી ‘માનવીની ભવાઈ’ માં આવતી સ્થાનિક બોલી એ સાહિત્ય નથી?
બીજી ભાષા કે બોલીના પ્રયોગથી મૂળ ભાષા સમૃદ્ધ થાય કે નહિ ? નહિ તો કાળક્રમે મરી પરવારે.
સંત તુલસીદાસને પણ સ્થાનિક ભાષામાં રામાયણ રચવા બદલ પંડિતોનો આક્રોશ સહન કરવો પડ્યો હતો.
મૂળ કથાવસ્તુ ઉપર આવીએ:
મોહનિયાઓ પોતાના મનમાં થતા સંઘર્ષ વિષે અજાણ નથી પણ રસ્તો સૂઝતો નથી. વર્ષોથી પિતાની સાથે મેરબાઈની પૂજામાં વ્યસ્ત રહ્યો છે. મીરાંબાઈ પણ આખરે ક્રષ્ણમાં સમાઈ જાય છે. માબાપ લગ્ન કરવાનું દબાણ કરે છે એથી એ મૂંઝવણ અનુભવે છે. દાદા મહારાજે સૂચવેલ ઉપાય પ્રમાણે એના લગ્ન વિધિવત મેરબાઈ ની પૂતળી સાથે કરવાથી કદાચ એની વર્તણુક પૂર્વવત્ત થઇ જશે એ આશા હતી. લગ્ન વિધિ સમાપ્ત થયા બાદ મેરબાઈની પૂતળી લઈએ ને માઝા મૂકતા તળાવમાં સમાધી લેવી એ મીરાંબાઈએ ઝેરના પ્યાલા પીવા જેવી વાત થઇ. જો એમ ન કરત તો ગામ લોકો એને સુખેથી જીવવા દેત?
જ્ઞાનેશ્વરની જેમ એને થયું કે ઉપાસના કરી, નવા નવા ભક્તિ ગીતો રચીને પોતાનું જીવનનું કાર્ય સમાપ્ત થઇ ગયું. એટલે, જ્ઞાનેશ્વરે જેમ ભૂગર્ભમાં સમાધી લીધી તેમ મોહનિયાએ મેરબાઈની સાથે જળ સમાધિ લઇ લીધી. ઉપાસક અને દૈવી શક્તિ એક થઇ ગયા.
ભક્તિ કરવાની નવી નવી રીતો – મીરાંબાઈ ની જેમ એ યુગ માં ભક્ત કવિ નરસિંહ મેહતાએ રૂઢિગચૂસ્ત લોકોના સખત વિરોધની વચ્ચે અછૂત સાથે ભોજન લીધું. કેટલીક સદીઓ પછી એક મહાત્મા ગાંધીએ એમાં સત્ય જોયું.
Let noble thoughts come to us from every side.
आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत: |
પ્રિય આદરણિય મિત્ર રાજન ભાઈ,
ખુબ જ સુંદર કથાવસ્તુ ધરાવતી, સહજ, સરળ અને ચોક્કસ મેસેજ
આપતી રસાળ શૈલીમાં અને ખાસ તો દ.ગુ.ની તળપદી ભાષામાં
રચાયેલી વાર્તા એકી બેઠકે વાંચી ગયો…ખરેખર મઝા આવી ગઇ…
લખતા જ રહો એવી નમ્ર વિનંતી છે…જય હો…
હરીશભાઈ, તમારી શુભેચ્છા મને સંતોષ મને બળ પ્રદાન કરે છે. તમારો સાહિત્ય પ્રેમ છલકાય છે.