મેરબાઈ ની દેહરી – ઉપસંહાર

ગુજરાતી સાહિત્ય શ્રુષ્ટિ માં પાપા પગલી માંડવા આતુર નવોદિત લેખકો તેમ જ કવિઓ એક અજબ ની મૂંઝવણ અનુભવે છે.  એવું સાંભળ્યું હતું કે કવિવર રવીન્દ્રનાથ ટાગોર ને બહુ મોટી ઉંમરે ચિત્રકલા માં ઝંપલાવવા ની ઉત્કટ ઈચ્છા થઇ આવી અને એ નવીન ક્ષેત્ર માં પણ સફળતાથી પગ પેસારો કરી શક્યા. હવે એમનું  તો આંતર રાષ્ટ્રીય વ્યકિતીત્વ હતું એટલે ફળસ્વરૂપ કોઈ માઈના લાલે  એવો ટોણો નહિ માર્યો હોય કે ‘ભાઈસાબ તમે કવિતા લખો પણ આમ ચિત્ર કલા જેવા અજાણયા ક્ષેત્ર માં તમારે શું કામ ચાંચ ડુબાડવી છે, હેં?” 

સલાહ આપનાર  કે ઉતારી પાડવા વાળી જમાત તૈયાર જ હોય!

કઇંક અંશે મારી બાબતમાં આ અનુભવ થશે એ ખાતરી હતી અને એ માટે હું તૈયાર પણ હતો. આ વિષે જરા વિસ્તારથી ઉપસંહારના આખરી ભાગ માં લખ્યું છે.

“મેં આવી બેહૂદી વાર્તા કેમ લખી?”  સુજ્ઞ વાચકો ને  આ પ્રશ્ન સતાવ્યો છે. કોઈ નવયુવક વળી કોઈ દેવીને પરણવાની જીદ કરે ખરો?  પાખંડી  ન કહેવાય? ધર્મ ની હાંસી ? મેરબાઈની દેહરી એ ખરેખર ભૂતકાળમાં બની ગયેલી સત્ય હકીકત  છે? મેરબાઈ નામની કોઈ કુળદેવી કોઈ જગ્યાએ છે ખરી? આ ગામ ક્યાં આવ્યું? વિગેરે વિગેરે.

ઇતિહાસમાં આવતા  મીરાંબાઈના પાત્રે  મને હંમેશાં મથાવ્યો  છે. ૪૦૦ થી વધુ વર્ષો પહેલા, રાજસ્થાન જેવા રૂઢિચૂસ્ત (કદાચ હજી આજે પણ – બાળ લગ્ન, સતી પ્રથા માં વિશ્વાસ ) પ્રદેશમાં ઉછરેલી કુંવરી મીરાંબાઈ! 

મેરે તો ગિરધર ગોપાલ – ક્રષ્ણ મારો પતિ અને બીજું કોઈ નહિ એવા  લાગણી ના પ્રવાહમાં એક વાર બોલવું અને આખું જીવન એમાં ઓતપ્રોત થઇ જવું એ બે અલગ વાત છે. સગા-સંબંધી, કોમના પરિચિત લોકોના મહેણાં ટોણાં ઝીલવા – અને એ  પણ તે  જમાના માં ? એ કોઈ નાની સૂની વાત નથી. રાજવી કુટુંબ, રાણાજી કઈં કેટલા કારસ્તાન કરીને મનાવવાની કોશિશ કરી હશે? મીરાંબાઈનું ખમીર જુઓ, એના મનમાં રમતી પવિત્ર ભાવના જુઓ અને આવા વાતાવરણમાં અનોખું સાહિત્ય સર્જન કર્યું  એ જુઓ. 

નારીવાદ, નારી  સશક્તિકરણ? નારી હોવા છતાં પોતાની આગવી સૂઝ, સમઝ હોઈ શકે, પોતાની રીતે જીવવાની હોંશ 

કેમ ન હોઈ શકે? મીરાંબાઈ એ કરી બતાવ્યું – જીવી બતાવ્યું.

ફાસ્ટ ફોરવર્ડ – એકવીસ મી સદી.

હજી આજે પણ ‘સંસ્કારી’ કુટુંબોમાં નારીને ખરેખર પોતાની રીતે સ્વતંત્ર વિચારવાની, જીવવાની છૂટ છે ખરી ? દેખાડો ઘણા કરે છે. કહેવાતા વિમેન લિબરેશનના યુગમાં પણ – “છોકરીની જેમ રડવાનું  નહિ, પુરુષોની વાત માં ડહાપણ કરવું નહિ તારે, બૈરાંની બુદ્ધિ પાનીએ, બહાર નીકળે ત્યારે પહેરવા ઓઢવાનું ધ્યાન રાખવું, તું તારે રસોડું સંભાળ ” વિગેરે વાક્યો સંભળાય છે ને?  

ઘણા સમયથી ઘુમરાયા કરતી વાત ‘મેરબાઈની દેહરી’ માં આખરે ઢાળી.

આજના જમાનામાં કોઈ એક જુવાન એવું જાહેર કરે કે “મારા લગન તો ફલાણી ફલાણી દેવી સાથે થયી ગયા કે પછી કરવા માગું છું” એને આવો વિચાર કેવી રીતે આવ્યો એ એક અલગ પ્રશ્ન છે પણ આમ બોલે તો શું થાય?

 નવીન પ્રકારના લિબરેટેડ રૂઢિચૂસ્તો પર તો આભ તૂટી પડે? અરે આપણી દેવી તો પૂજવાની હોય! એની સાથે સપનામાં પણ લગ્ન કરવા એ તો સ્વીકારાય જ નહિ, અકલ્પનિય, અશોભનીય! અકુદરતી, અધર્મ! 

આથી વધુ-  “એને સમજાવો, એને નાત બહાર મૂકો, એને મેથી પાક આપો – જેથી બીજો કોઈ જુવાન આવી ગાંડી વાત ફરી કરવાની હિમ્મત ન કરે.

એ જુવાન તો એક કાલ્પનિક પાત્ર છે પણ આવું લખનાર ઉપર પણ છાણા થપાય  ને? અંતિમવાદીઓ કદાચ મારી નાખવાની ધમકી પણ આપે. 

લખવું તો હતું જ. એટલે મેં એક વચલો માર્ગ કાઢ્યો. ધર્મગ્રંથો કે  પરંપરાથી સ્થપાઈ ગયેલી  દેવીને બદલે મેં કોઈ ગુમનામ કુળદેવીનું પાત્ર ઉપજાવ્યું અને ગામનું નામ વિગેરે પણ કાલ્પનિક. ફક્ત પાત્રોનાં નામ ચીલાચાલુ રાખ્યા. જો કે વાચકો તાર મેળવી લે તો નવાઈ નહિ – જેમ કે મેરબાઈ, મોહનીયો, રૂક્મી માં  મીરાંબાઈ, મોહન (ક્રષ્ણ) રુકિમણી આછડતો નિર્દેશ દેખાય છે.

બીજી વાત:

વાર્તા નું ફલક ડાંગમાં અંબિકા નદી કિનારે સ્થિત એક ગામ રાખ્યું. હવે વાર્તામાં આવતા સંવાદ સ્થાનીય બોલીમાં ન હોય તો કેવું લાગે? આજ પર્યન્ત મહદ અંશે ગુજરાતી સાહિત્ય શુદ્ધ ગુજરાતી / ઉત્તર ગુજરાતી / કાઠિયાવાડી / ચરોતરી વિગેરે માં ખેડાયું છે. કોઈ અગમ્ય કારણોસર દક્ષિણ ગુજરાતની બોલીમાં નહિવત છે. 

અમુક સંપાદકોના મતે  આ પ્રકારની વણખેડાયેલી ભાષા ( ‘બોલી “? ) માં લખાયેલી વાર્તા લોકોને કઠશે – નહિ સમજાય. 

આ અભિપ્રાય એમની ઘૃણા દર્શાવે છે.  કાંઈ પણ નવું સર્જન કરો એટલે તૂટી પડો. શું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કથા માં કંડારેલી મીઠી કાઠિયાવાડી કે પછી ‘માનવીની ભવાઈ’ માં આવતી સ્થાનિક બોલી એ સાહિત્ય નથી?

બીજી ભાષા કે બોલીના પ્રયોગથી મૂળ ભાષા સમૃદ્ધ થાય કે નહિ ? નહિ તો કાળક્રમે મરી પરવારે.

સંત તુલસીદાસને પણ સ્થાનિક ભાષામાં રામાયણ રચવા બદલ પંડિતોનો આક્રોશ સહન કરવો પડ્યો હતો.

મૂળ  કથાવસ્તુ ઉપર આવીએ:

મોહનિયાઓ  પોતાના મનમાં થતા સંઘર્ષ વિષે અજાણ નથી પણ રસ્તો સૂઝતો  નથી. વર્ષોથી પિતાની સાથે મેરબાઈની પૂજામાં વ્યસ્ત રહ્યો છે. મીરાંબાઈ પણ આખરે ક્રષ્ણમાં સમાઈ જાય છે. માબાપ લગ્ન કરવાનું દબાણ કરે છે એથી એ મૂંઝવણ અનુભવે છે. દાદા મહારાજે સૂચવેલ ઉપાય પ્રમાણે એના  લગ્ન  વિધિવત મેરબાઈ ની પૂતળી સાથે કરવાથી કદાચ એની વર્તણુક  પૂર્વવત્ત થઇ જશે એ આશા હતી.  લગ્ન વિધિ સમાપ્ત થયા બાદ મેરબાઈની પૂતળી લઈએ ને માઝા મૂકતા તળાવમાં સમાધી લેવી એ મીરાંબાઈએ  ઝેરના પ્યાલા પીવા જેવી વાત થઇ. જો એમ ન કરત તો ગામ લોકો એને સુખેથી જીવવા દેત? 

જ્ઞાનેશ્વરની જેમ એને થયું કે ઉપાસના કરી, નવા નવા ભક્તિ ગીતો રચીને પોતાનું  જીવનનું કાર્ય સમાપ્ત થઇ ગયું. એટલે, જ્ઞાનેશ્વરે જેમ ભૂગર્ભમાં સમાધી લીધી તેમ મોહનિયાએ મેરબાઈની સાથે જળ સમાધિ લઇ લીધી. ઉપાસક અને દૈવી શક્તિ એક થઇ  ગયા.

ભક્તિ કરવાની નવી નવી રીતો – મીરાંબાઈ ની જેમ એ યુગ માં ભક્ત કવિ નરસિંહ મેહતાએ રૂઢિગચૂસ્ત લોકોના સખત વિરોધની વચ્ચે અછૂત સાથે ભોજન લીધું. કેટલીક સદીઓ પછી એક મહાત્મા ગાંધીએ એમાં સત્ય જોયું. 

Let noble thoughts come to us from every side.

आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत: | 


Leave a Reply