ઘણી વાર આપણી જિંદગી માં એવી એક ક્ષણ આવે છે જ્યારે સાલું હતપ્રભ થયી જવાય, મોઢું વકાસીને જોયા જ કરીએ. ના ભાઈ ના, સેહવાગે એની ટ્રિપલ સેન્ચુરી છક્કો મારીને પૂરી કરી એ ક્ષણની હું વાત નથી કરતો. એ ક્ષણિક આંચકો તો આપણને ઉભા થઇને તાળી પાડવા મજબૂર કરે.
આ વાત ચાલી રહી છે મારા સ્માર્ટ (ચિબાવલા) ફોનની.
થોડી આડ વાત કરી લઉં? હું જ્યારે ખૂબ નાનો હતો ત્યારે મારી જોરદાર દાદીએ મારી રોજબરોજ ની જિંદગી પર એવો તો કબ્જો જમાવ્યો હતો – શું વાત કરું? બાબાએ (એટલે કે મારે) કેટલા વાગે ઉઠવાનું, દાતણ કરી લેવાનું, અમુક ટાઈમે દૂધ અને નાસ્તો કરીને નાહી લેવાનું, નિશાળે જવા ક્યારથી તૈયાર થવાનું, નિશાળમાં પણ માસ્તર કહે તે પર સંપૂર્ણ ધ્યાન આપવાનું, રીસેસમાં નાનકડા દાબડા માં પેક કરેલા સક્કરપારા ખાઈ લેવાના, નિશાળેથી છૂટીને આવવું પાંસરું ઘેર, આવીને થાળી માં પિરસાયેલ બધુજ ચૂપચાપ, ફરિયાદ કર્યા વગર પેટમાં પધરાવવાનું, પછી લેસન કરી લેવાનું, થોડી વાર સુઈ જવાનું, ઉઠીને સાંજે બીજા છોકરાઓ સાથે ફરજીયાત રમવા જવાનું. જવાનું એટલે જવાનું, પાછા આવીને , હાથ પગ ધોઈને જમી લેવાનું અને સાડા નવ વાગે સુઈ જવાનું! બોલો, આવી જાતની ઘટમાળમાંથી પસાર થયેલો હું ગુડ બોય ન થાઉં તો શું થાઉં?
મારા પ્રિય દાદીમાં જો હજી બીજા પાંસઠ વર્ષ જીવી ગયા હોત તો નક્કી એમનો હરીફ હૂં કાર કરીને મેદાનમાં આવી જ જાત. મારા અધીરા વાચકો, એ હરીફ એટલે મારો સ્માર્ટ ફોન.
નહિ સમજ્યા?
ફોન દાદીમાના એકવડા દેહ કરતા તો ભાઈશાબ બહુ નાનો પણ ખરેખર ઘણો સ્માર્ટ. હું નિદ્રાધીન હૉઉં ત્યારે એ કામ કરતો રહે, એ તો ઠીક પણ આપણને એ ફોન સૂઈ ગયો હોય એવું લાગે ત્યારે પણ મારો બેટો કામ કરતો રહે.
મારી બધી જ હિલચાલ પર કડક જાપ્તો રાખે – હું ક્યારે ઉઠું છું, ક્યારે દાંતઃ ઘસું, ક્યારે નાહું, ક્યારે ફોનમાં શું ચેક કરું, કોને કોને ફોન પર વાત કરું, કોને મેસેજ મોકલું, ચાલવા ગયો કે નહિ, કેટલું ચાલ્યો, કેટલા પગલાં, કેટલા કિલો મીટર, એમેઝોનમાંથી શું મગાવ્યું , બીજી કઈ કઈ વેબસાઈટ જોઉં – બધું જ એ નોંધ્યા કરે.
આટલે લગણ તો ઠીક છે ભાઈ. પણ જયારે ઉપર મુજબની નોંધેલી માહિતીનો (ગેર) ઉપયોગ કરી ફોનમાં પેલાં દાદીમા પરકાયા પ્રવેશ કરે એટલે મારા ભોગ લાગ્યા સમજો!
રોજ ઉઠી ને અમારી સંસ્કારી નગરી નવસારી માં વેધર કેવું છે એ જોવામાં મને પાંચ જ મિનિટ મોડું થયું એટલે ફોન સપાટો મારે -“નવસારી નું વેધર જોયું કે નહિ?” બોલો?
હવે તમે ‘૧૦ મિનિટ નું સ્ટોપ વોચ મૂક્યું કે નહિ? મેડિટેશન ચૂકો નહિ ભૈલા! ખબરદાર! અને મેડિટેશનમાં બેસી ને ૧૦ મિનિટે ઉઠી જવાનું એટલે ઉઠી જવાનું. ફોનને એ ડર હશે કે આ ઉમરવાળા ભાઈને જગાડશે નહિ તો કદાચ પરમેનન્ટ સમાધિ માં સરકી પડે.
મારી આખી દિનચર્યા એના કંટ્રોલ માં! હું વેળાસર ચેતું નહિ તો મારી આખી જિંદગી પર સકંજો જમાવી દે એવો ઘાટ છે!
“ભૈલા, તું આજે મોડો ઉઠે તો ચાલશે, આજે અમેઝોનમાંથી ઓર્ડર નહિ કરે તો તું લૂંટાઈ જતો બચી જઈશ” એવા વિકલ્પો આપે જ નહિ.
હું તો હવે ત્રાહિ મામ પોકારી ગયો છું પણ સુજ્ઞ વાચકો તમે વેળાસર ચેતી જજો. ચિબાવલા સ્માર્ટ ફોન સેહવાગ કરતા વધુ ઘાતક છે.
જય આઝાદી.
Interesting Rajenbhai
LikeLike
Glad you enjoyed it
LikeLike
Wah Rajenbhai. Enjoyed.
With best regards,
Rajnikant Vyas
LikeLike
Your enjoyment – my pleasure
LikeLike
Wah…..Dadima gaya pan smart phone ni pakkadmathi chhutvanu ashakya chhe…dear rajen bhai…sundar article…😂
LikeLike
હરીશભાઈ, દાદીમા ગયાં તો ગયાં પણ જિંદગી ભરનું સંસ્કાર અને સ્વમાનનું ભાથું સોંપતા ગયા. આ માળો સ્માર્ટ ફોન તો જિંદગીનો કંટ્રોલ આપણી પાસેથી લઇ લે છે !
LikeLike