પૂરા પાંચ વર્ષ બાદ……
જમના માં આજે રાજીની રેડ હતી. કેમ ન હોય? ભીખુ મેટ્રિકની પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયો.
ખૂબ જીવજે દીકરા, તેં આપણા કૂળનું નામ ઉજાળ્યું.
ભીખુએ પણ તબિયતે હવે જરા કાઠું કાઢ્યું, પાતળો એવો જ પણ મૂછ નો દોરો એને એક નવી છાપ આપતો હતો . જરાકમાં હોઠ હસું હસું થઇ જતા – બિલકુલ એના બાપની જેમ.
વિજ્ઞાન અને ગણિત માં એને ડિસ્ટિંક્શન માર્ક મળ્યા એ તો ઠીક પણ પાંચમાં પૂછાય એવી હિમ્મત આવી ન હતી. સોલિસિટર થવા બધાની વચ્ચે બોલતાં આવડવું જોઈએ – જમના નો એ તર્ક ખોટો ન હતો. પણ ભીખુ ને શું થવું હતું એ કોણ પૂછે એને?
મજૂરો પાસે ખેતી કરાવી ને જમના એ ખપ પૂરતા ભાત ઉગાડીને આટલાં વરસ ચલાવ્યું. હવે ભીખુ ને નવસારી કોલેજ માં જવા પૈસા કેવી રીતે કાઢવા? ભીખુએ મોટા માણસ થવું હોય તો નવસારી કોલેજ માં દાખલો લેવો જરૂરી હતું – બીજા સુખી ઘરના છોકરા કરતા તેમ.
“ઠાકોરજીની પાસે ભીખુની કોલેજના એડમિશન માટે ભીખ થોડી મગાય? ” જમના રૂઆબ થી કહેતી
“ભગવાન તો આપણા મનની શાંતિ માટે છે, માગણી કરવા નહિ. મહેનત કરો ને પામો. કૃષ્ણ ભગવાને કયું છે ને? મારા પર ભરોસો રાખો પણ મારા ભરોસે બેસી ન રહો ” બધાને રોકડું પરખાવતી.
પાડોશી નાથુ કાકા હવે ઉમર વધતાં ઓછી નૌટંકી કરતા પણ ભીખુને કોલેજની ફી ભરવાની ઓફર કરવાની તક ગુમાવી નહિ.
“ભીખુ, જો જે આવા અવળચંડા લોકો થઇ દૂર રહેવાનું, હમયજો?”
પુખ્ત થવા આવેલો ભીખુ હજી એટલો સમજણો થયો ન હતો. નાદાન એવો એ, નાથુકાકાને આદરથી જોતો.
તે દહાડે તાર વાળો પોસ્ટમેન ઘેર આવી પહોંચ્યો. જમણાને ફાળ પડી.. તાર ઘણે ભાગે દુઃખી થાય એવા સમાચાર લાવતો. નક્કી કાંઈઅજુગતું થયું લાગે છે.
ભીખુ એ ડરતાં ડરતાં તાર ફોડ્યો અને જેવું આવડતું હતું તેવા અંગ્રેજીના જ્ઞાને વાંચ્યો.
મોટામામાને ઘેર થી તાર હતો. તેમનો નાનો દીકરો રણજિત અચાનક ભગવાનનો વહાલો થઇ થઇ ગયો.
“હે ઠાકોરજી આ હૂં થઇ ગયું? ” ભાઈ નો મોટો દીકરો અમરત ખાસ્સો ૯ વરસ મોટો અને રણજિત તો બરાબર ભીખુ જેવડો. આ તો ગજબ થઇ ગયો. જમના જેવી આઝાદ સ્ત્રી માટે પણ આ આઘાત જીરવાય એવો ન હતો. એના નસીબમાં દુઃખ જ લખાયેલું હતું કે કેમ?
ભીખુ રડતાં રડતાં કહે ‘અરે છેલ્લા વેકેશન માં જ્યારે રણજિત અહીં આવેલો ત્યારે કેટલું રમ્યા હતા?’
“આપણે મોટામામા અને મામીને દિલાસો આપવા મુંબઈ જવું જોઈએ” અચાનક પુખ્ત થઇ ગયેલા ભીખુએ સૂચવ્યું.
“પણ ભીખલા, આ તો મુંબઈ જવાની વાત છે, નવસારી બવસારી નહિ.” કુળદિપકને પુખ્ત થઇ ગયેલો જોઈને એક અજબ પ્રકારની નિરાંત થઇ; પણ સાથે ચિંતા પણ. દયાળજીનું આલીશાન મકાન, છે….ક મલબાર હિલ પર હતું.
“માં તૂ ફિકર ની કર. આપણે જશું એ નક્કી”
“પણ જવાના પૈસા?”
“ચાલ માં, નાથુ કાકાને પૂછીએ, એ કે દાડે કામ લાગવાના?” ભીખુ બોલતાં બોલી ગયો.
“તૂ એનું નામ ની લેતો પાછો. ઊં હજુ બેઠલી છે હમયજો?” જમનામાં ઊકળી પડ્યાં.
“પણ મુંબઈ સુધી એકલા જવાનું….?”
“તમે ફિકર નો કરો માજી. મારો ફૂયાત રવજી કાલે મુંબઈ જવાનો છે તેની હાથે તમે જજો” પોસ્ટમેન મકનજી માં-દીકરા ની વાત સાંભળ્યા કરતો હતો તે એકદમ વહારે ધાયો.
“ચાલો તો પાકું. ઠાકોરજી તમારું ભલું કરે મકનજી”
જમના બાએ મક્કમ પગલે એક અંધારી ખોરડી તરફ ડગ માંડ્યા. અંદર જઈ ને કેડે લટકાવેલી ચાવીથી એક મોટો ભારેખમ પેટારો ખોલ્યો અને સાવધાનીથી ૫૪ રૂપીઆ ની રકમ કાઢી. આ મૂડી તેણે કોઈ પ્રસંગ માટે સાચવી રાખી હતી.
“લે ભીખા, એટલા બો થઇ રેહે. તૂ હવે તૈયારી કર જવાની” માં પાસે બધી આફતનો સામનો કરવાનો રસ્તો હતો.
આ બાજુ આખા કસબામાં હલચલ મચી ગઈ.
‘ખરાં હેં, માંદીકરો? ભાયના ખરાબ વખતે છેક મુંબઈ હુધી દોડવાના” લોક બધું કહેતું થઇ ગયું.”જબરી આઝાદ બાઈ છે”
“અરે જમની, તે…. હાથે (સાથે) પાણી ને થોડો નાસ્તો રાખી મૂકજે – પોયરો ભૂખો થહે રસ્તે” પણ પોયરો હવે મરદ થઇ ગયો તે ગામ લોક ને કેમ ખબર?
“એલાં મને બધું આવડે. અમથી સલાહ સૂચન નો આયપા કરો તમે બધાં ભેગાં થઈને”
ભીખુ એ એક કાપડાં ની થેલીમાં જોઈતો સામાન ભર્યો. એનો મેટ્રિકનો રિપોર્ટ કાર્ડ પણ સાથે અંદર
સરકાવી દીધો. ‘મોટામામા ખુશ થશે’
જમનાએ ભીખુનું ખમીસ સરખું સાંધી દીધું – ‘પોયરો હવે મેટ્રિક હારા માર્કે પાસ થઇ ગીયો તે એમ ગમે તેવું ખમીસ થોડું ચાલે? એ તો દયાળજી સોલિસિટરનો ભાણેજ. હૂં હમયજા? ” જમનાનો હરખ સમાતો ન હતો.
ગામમાં ગમે એવા પ્રસંગે ઘર બંધ રખાય નહિ. ભેંસને પણ રોજ દોહવાની.
જમનાએ તરત જ કાશીને બોલાવી મંગાવી. કાશી, જમનાની જેમ વિધવા અને ઘર માં દીકરાની વહુ સાથે રોજ ઊઠીને કકળાટ.
“થોડા દહાડા તેને નિરાંત – કકળાટ થી”
તે તો તરત રાજી થઇ ગઈ.
“જો કાશી, આને તારું જ ઘર માનજે, ભેંસ ને દોહવાનું ભૂલવાનું નહિ. તુ તારે નિરાંતે રહેજે. અમે થોડાક દહાડા માં પાછા આવી જહું” આઝાદ જમનાનો રૂઆબ ગજબ નો હતો. પુરુષો તો પોતાની વહુવારુઓને જમનાથી દૂર રાખવા મથતા – ‘નખે ને એના જેવી આઝાદ થઈ ગઈ તો? બૈરાં ની જાત, ભગવાને જુદી બનાવેલી તેને હાના આટલા ચાળા”
બીજે દિવસે ગામ નો બ્રાહ્મણ મંત્ર બોલીને આશીર્વાદ આપીને સીધું લઇ ગયો પછી માં-દીકરો એસ ટી ડીપો પર પહોંચી ગયા.
અગિયારની લોકલ પકડવાની હતી.
“ફાસ (ફાસ્ટ ટ્રેઈન ) નું ભાડું તો બો ભારી, આપણને ની પોહાય” જમનાનું ગણિત.