સંગીત સંમેલન

શહેર ના પૉશ વિસ્તારમાં નવો નક્કોર એર કન્ડીશન્ડ હોલ ધીરે ધીરે ભરાવા લાગ્યો હતો. 

“ઓહોહો  મોહનભાઇ,  ક્યા બાત ? તમે? અહિંયા શાસ્ત્રીય સંગીત સંમેલનમાં પધાર્યા છો ” 

મોહનભાઇના ચહેરા પર હલકું  ખચકાટભર્યું સ્મિત. ” હું તો મારા સાળા રમેશ ભાઈ ને મળવા આજે મળસ્કે આવ્યો; રમેશભાઈ? રમેશભાઈ ને ઓળખો ને?  મને કહે ચાલો ને ચાલો અને લ્યો, હું અહીં ઘસડાયો. એમને તો ભઈસાબ શાસકીય સંગીત માં ભારે રસ, તમે જાણતાહશો”

“હા હા, એ જ, શાસ્ત્રીય સંગીત. રમેશભાઈ તો સંગીતની દુનિયાના અઠંગ ખેલાડી. ચાલો આવીને બહુ સારું કર્યું તમે. આજે તો જબરી મહેફિલ છે. મશહૂર સારંગી વાદક ઉસ્તાદ મહમદ ખાનને સાંભળવાનો લહાવો મળશે તમને, અને સાથે તબલા પર શાનદાર અસ્લમ ખાન પણ…”

“એ હશે ભાઈ, હું તો આવા ગવૈયા બજૈયા ને ઓળખતો નથી પણ રમેશભાઈનું માન તો રાખવું પડે, સબંધ સાચવવો પડે. ? ભલા માણસ, એ બહાને થોડી ધંધાની ઓળખાણ થાય, હું હમજ્યા” મોહનભાઇ નું પોત પ્રકાશ્યું.

જરા આ બાજુ હોલના ગ્રીન રૂમ માં વાતાવરણ કાઇંક ગંભીર હતું. બંને ઉસ્તાદ પોતપોતાના સાઝ મેળવવા માં વ્યસ્ત હતા. મહમદ ખાન સારંગીના ડઝનેક તાર મિલાવવામાં ફાવતા ન હતા. તબલા નવાઝ ઉસ્તાદ અસ્લમ ખાન એના મુખ્ય સીનીઅર કલાકારને ખિન્ન જોઈને જરા હલી ગયા હતા.

“અરે એ… સુનો..” ઉસ્તાદ મહંમદ ખાને પાસેથી  ચાની કીટલી લઈને દોટ મૂકતા છોકરાને પોકાર્યો 

“યે ગ્રીન રૂમકા એસી તનિક બંધ કરવા દેંગે તો બડી કિરપા હોગી” 

લખનવી અંદાજમાં રજુ થયેલી બિનતી એ બાપડો ચાની કીટલી લઇને જતો છોકરો સમઝે? એ તો ચિલ ઝડપે નીકળી ગયો.

હવે તબલા નવાઝ ઉસ્તાદ અસ્લમ ખાનને થયું કે જુગલ બંદીમાં ભાગ લેવો પડશે. નાનકડી હથોડીથી તબલાંને ટપારવાનું ફીલ હાલ  બંધ કર્યું  અને બોલ્યા ” ખાં સાહેબ, યે તો ચાય વાલા લોન્ડા  હૈ. મેં અભી જાકે રમેશભાઈકો “કાલ” કરકે  ખબર કરતા હૂં. આપ ફિક્ર ના કરેં. અભી ચુટકી મેં હો જાયેગા”

હોલમાં સંગીત માણવાને આતુર મેદનીનાં કોલાહલમાં રમેશભાઈને અસ્લમ ખાનનો ‘કાલ’ તે વળી સંભળાતો હશે?

“અબે છોડો અસ્લમ ભાઈ ” વિફરેલા ઉસ્તાદ મહમ્મદ ખાને છણકો કર્યો ” ઐસે  લોગોં કો  અપને જૈસે  કલાકારો કી ક્યાં   કદર? ફિરતે હોંગે કહીં, બેફિકર. ના કોઈ યહાં પૂછને વાલા, ના કોઈ મેહમાન નવાઝી, છટ્ટ!  મૈને તો તય  કર લિયા હૈ કી આજ એક ડેઢ ઘંટે જ્યોં ત્યોં બજા કે નિકાલ જાયેંગે”

“ઠીક હૈ ઉસ્તાદ જી” જુનિયર કલાકાર મોટા ઉસ્તાદની અદબમાં, “જૈસે આપ કહેં.”

“એક ઔર બાત, અસ્લમભાઇ” ઉસ્તાદનું વધુ એક ફરમાન, “ઐસે લોગોં કો ઈમ્પ્રેસ  કરનેકી કોશિશ બિલકુલ ના કરેં. ઇન્કો અચ્છા સુનનેકી કદર તો હૈ નહીં. આપ અપના ઠેકા લગાતે  રહના ઔર મેં જબ ઈશારા કરું તો માર દેના અપની કોઈ ચીઝ.”

“જી” અસ્લમ કાઇંક મુરઝાઈ ગયો.

“ઔર યે હાથ પે પટ્ટી જૈસા ક્યાં બાંધકે રક્ખા હૈ?” 

“યે? કુછ નહીં હુઆ મુઝે, યે તો બસ ઐસે હી……” અસ્લમના મોં પરથી નૂર ઉડી ગયું

“તાકી પબ્લિક કો લગે કી બેચારેકો હાથમેં ચોટ લગી હૈ ફિર ભી અચ્છા બજા રહે હૈં. કયું? ક્યાં સોચતે હો? પબ્લિક તાલી બજાયેંગી? બરખુરદાર ,ઐસે નખરે સબ છોડો, પટ્ટી નિકાલો ઔર સીધે સીધે બજાકર નિકલ જાઓ ” સીનીઅર ઉસ્તાદે બિચારાનો ઉધડો લઇ લીધો.

કલાકારોએ બેહિસાબ ચા ના પ્યાલા ગટગટાવ્યા થાય એટલે રિયાઝ કરી લીધો અને પછી ઓર્ગેનાઈઝર નું તેડું આવે એની રાહ જોતા બેઠા.

હવે ચાલો અપણે હોલ તરફ વળીએ. ખીચો ખીચ કહી શકાય એવા હોલમાં બસ હવે ચીફ ગેસ્ટ ના આગમનની ઘડી ગણાઈ રહી હતી. સૌથી પહેલી આગલી રો માં બેઠેલા મોહન ભાઈ કોઈ પરિચિત મળી જાય એ લોભમાં આમતેમ નજર  ઘુમાવતા હતા ત્યાં પાછળ વચ્ચેની રો માં પત્ની સાથે બેઠેલા જીગ્નેશ ભાઈ દ્રષ્ટિ ગોચર થયા. જીગ્નેશભાઈ, નાનકડા શહેરના આગેવાન બિઝનેસમેન, સરસ મઝાના  શ્વેત ડિઝાઈનર કુર્તા માં સજ્જ, ખભા પર આર્ટિસ્ટ ની જેમ મોંઘી શાલ. 

મોહનભાઇને એમની તરફ હાથ હલાવતા જોયા એટલે ઉછળી પડયા. ક્યાં બાત ?

“અરે જોતો ખરી આ તો પેલા મોહનભાઇ છે, ઓળખે છે ને?” ઉત્સાહમાં પાસે ની ખુરશી પર બેઠેલી પત્ની ને- 

ઘરેણાંથી લદબદ પત્ની કોઈ ભરખમ ગૃહિણી સાથે વાતોમાં મશગૂલ; કહે “તો જાઓને તમ તમારે”

બે રો ની વચ્ચે બિરાજમાન લોકોના પગ કચડતા કચડતા જીગ્નેશભાઈ દોડયા મોહનભાઇને મળવા.

“જે શ્રી ક્રષ્ણ મોહન ભાઈ”

“અરે જીગ્નેશભાઈ , તમારો  કોસ્ચ્યુમ  તો કહેવું પડે! અદ્દલ  આર્ટિસ્ટ લાગો છો. તમે પણ આ ‘પોગ્રામ’ માં કોઈ આઈટેમ ગાવાના છો? ” એકાદ વાર કોઈ અનૌપચારિક હસી મજાક વાળી   બેઠક માં જીગ્નેશભાઈને   ગળું ફાડીને ગાતા જોઈ ગયેલા મોહનભાઇએ એકદમ સાહજિક  નિષ્ઠાથી  પૂછયું. 

“મોહનભાઇ, તમે પણ શું? મજાક કરો છો” જીગ્નેશભાઈના ચહેરા પર એક સંતોષ જનક પણ ઉપરછલ્લું ક્ષોભિલું હાસ્ય તરવરી ઉઠ્યું. 

મનોમન ‘સાલું કોઈ તો મારા અવાજની કદર કરે છે!’

“ઓ કે ફાઈન, તો મોહનભાઇ અપણે ઈન્ટરવલ બ્રેક માં મળશું. બહુ વાતો કરવાની છે હજી. અરે હા, અહીંની કચોરી બહુ પ્રખ્યાત છે, જરૂર ખાજો – તમારા  ખાડાવાળાની કચોરી ભૂલી જશો”  

       ———-

ચાલો પાછા સ્ટેજ પર જઈએ – ત્યાં શો ખેલ ચાલી  રહ્યો હતો?

ખુરશીઓ ગોઠવાઈ ગયી હતી.  નવરા પડી ગયેલા કલાકારો હાથ મસળતા બેઠા હતા. એમને સારી પેઠે ખબર હતી કે સૌથી પહેલાં ‘વેલકમ’ નો લાંબો કાર્યક્રમ ચાલશે. હોલ માં ખાસ્સી હાજરી જોઈને મહમદ ખાન ખુશ.

રમેશભાઈ રાઠોડ નું સ્ટેજ પર આગમન – ઠસાદાર વ્યક્તિત્વ, મોં પર સદા એક સ્મિત – આવીને માઈક નો કબ્જો લઇ લીધો. 

“સંગીત ની દુનિયા નાં ચાહકો,  કાર્યક્રમ હવે ગણતરીની ક્ષણોમાં પ્રારંભ થશે. (બહુ શોધખોળ પછી આવું સુંદર વાક્ય એક ગુજરાતીનાં ખાં પાસે તૈયાર કરાવ્યું હતું)   આપ સૌ પોતપોતાની સીટ પર શાંતિથી બેસી જશો. હવે ઇંતેજાર છે (થોડી ઉર્દુ ની છાંટ ઠીક રહેશે- રાહ ને બદલે ઇંતેજાર ). ફક્ત ચીફ ગેસ્ટ – આપણા સૌના લાડીલા શ્રી હંસ રાજ ભાઈના  આગમનનો.”

એક જુવાન વોલંટિઅરનો   મોટો બિલ્લો કુર્તા પર લગાડીને રમેશભાઈ આગળ દોડી આવ્યો અને કાઇંક કાન માં કહ્યું – રમેશ ભાઈ પરમ હર્ષોલ્લીત !

“આપ સૌ ને જણાવતા મને અત્યંત આનંદ થાય છે કે આપણા લાડીલા હંસ રાજ ભાઈનું આગમન હોલના પરિસર માં થઇ ચૂક્યું છે..” કહીને એઓ સ્ટેજ  ના સાઈડ એન્ટ્રન્સ માંથી બહાર નીકળી અલોપ થઇ ગયા – ચીફ ગેસ્ટને સન્માન થી અંદર લાવવાસ્તો 

આખરે મંદ મંદ ચાલે ચીફ ગેસ્ટ, મહાકાય હંસ રાજ ભાઈ સ્ટેજ પર પધાર્યા, સૌને પ્રસન્ન મુદ્રામાં બે હાથ (દરેક આંગળીઓમાં ધ્યાન ખેંચે તેવી હીરા જડિત વીંટીઓ) જોડીને અભિવાદન કરતા કરતા, આવીને ખાસ શણગારેલી ખુરશી પર બિરાજમાન થયા – આજુબાજુ જોઈને સ્મિત ફરકાવવાનું તો ચાલુ ને ચાલુ.

રમેશ રાઠોડને ઈશારે સર્વત્ર તાળીઓના ગડગડાટથી ચીફ ગેસ્ટનું અભિવાદન થયું. હલ્કે હાથે કલાકારોએ સુધ્ધાં તાળી પાડી – એક બીજાના ચહેરા જોતાં જોતાં. સામાન્ય રીતે પડદો ખુલતાં આર્ટિસ્ટ નજર આવે એટલે સ્ત્રોતા ગણ તાળીઓનો વરસાદ વરસાવે – પણ અહીં ? 

નાની ખુરશીમાં બિરાજમાન મહાકાય ચીફ ગેસ્ટને અલબત્ત થોડું અસુખ થઇ રહ્યું હતું પણ એમના આશીર્વાદ લેવા આવનારા ગૃહસ્થો અને સન્નારીઓની લાંબી લાઈન નિહાળીને ફરી પ્રસન્ન મુદ્રામાં આવી ગયા.  સંસ્થાના ચેરમેન, વાઇસ ચેરમેન, સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી, ખજાનચી સર્વે એ લાઈનમાં સામેલ; ચીફ ગેસ્ટની પાસે જઈને ઝુકવાનું અને બાજુમાં ખોડાએલો ફોટોગ્રાફર ફોટો ન લે ત્યાં લગણ ઉઠવાનું નહિ. 

ત્યાર બાદ અન્ય સર્વે ઉતરતા ક્રમનાં ગેસ્ટનું અભિવાદન કરવાનો દૌર શરુ થયો – એ પ્રક્રિયામાં  ઓફિસ બેરરની પત્નીઓ, પોતાની બનારસી સાડીઓનું પલ્લુ બચાવતી,  બેહદ ઉત્સુક! આ તો અવસર છે સ્ટેજ પર દેખાવાનો ભાઈ! 

 હંસ રાજ ભાઈ એકેક ક્ષણ નો ભરપૂર લાભ ઉઠાવતા, હોલમાં ચારે બાજુ નજર કરી, વીણી  વીણીને દોસ્તો, સગાં સબંધીને હળવું સ્મિત આપીને બે હાથ જોડતા ગયા.

આખરે કલાકારોના અભિવાદનનો સમય થયો. ઓફિસ બેરરની નાનકડી બાળાઓ, બનીઠનીને, મોટ્ટો  ગુલદસ્તો બંને  કલાકારોને હાથમાં પકડાવીને હસ્તી રમતી નીકળી ગયી.કલાકારો પોતપોતાના સાઝને સંભાળતા ઉઠ્યા અને ગુલદસ્તા સ્વીકાર કર્યા. સ્ત્રોતાગણમાંથી જેના-તેના સગાં-  સંબંધીઓએ અગણિત ફોટા ઓ પાડયા.

હવે ? રમેશ રાઠોડ ચીટક્યા માઈક પર!

કલાકારનો પરિચય આપવો પડેને? અફકોર્સ આ એવા કલાકાર હતા “જીનકે પરિચય કી કોઈ આવશ્યકતા હી નહિ, ફિર ભી ….”

   ————————————–

ભાગ ૨:

ભાઈ શું વાત કરું? નાના શહેરોની વાત કંઈ નિરાલી હોય છે, એની સમસ્યાઓ પણ અજીબ!

અતિ ઉત્સાહમાં આ બાજુ  રમેશ ભાઈએ માઈકને haath માં લીધું ત્યાં લાઈટ ડૂલ. પબ્લિકને મઝા પડી ગયી. સીટી પર સીટી વાગવા માંડી. સર્વત્ર આનંદો !

“અરે કોઈ મેનેજરને ખબર કરો – જનરેટર ચાલુ હાલતમાં છે કે નહિ ?” વાઇસ ચેરમેન વિવેક ભગતે ફરમાન છોડ્યું. 

અચાનક સ્ટેજ પર કોઈ ભારેખમ ચીજ પડી જવાનો અવાજ સંભળાયો. એક વોલન્ટિઅર હાથ માં મોટી મસ  ટોર્ચ લઈને સ્ટેજ  પર સફાળો દોડી આવ્યો. જોયું તો મોટી હોનારત ! ચીફ ગેસ્ટની સ્થૂળતાએ આખરે દગો દીધો. ગુરુત્વબિંદુના નિયમ મુજબ ચત્તાપાટ પડયા બિચારા. ક્યાં એમનું બહુક્ષેત્રિય શરીર અને ક્યાં આ પ્રમાણમાં રમકડાં  જેવી ખુરશી?

સરસ્વતી માંની કૃપાથી લાઈટ તો જેમ અચાનક ગયી હતી તેમ અચાનક આવી ગયી. શ્રોતાગણે જોયું તો વોલન્ટિઅરોની જમાત ચીફ ગેસ્ટને મહામહેનતે ઊંચકીને સ્ટેજ ઉપર થી હટાવતા હતા – કોઈ સુરક્ષિત જગ્યાએ જ તો વળી. સોહામણું દ્રશ્ય – પણ લાગતા વળગતાઓને અરેરાટી થયી ગયી ! 

ખળભળાટ શમ્યો એટલે રમેશ રાઠોડ પુનઃ પોતાની પ્રિય ડ્યુટી પર!

હાથ ઊંચા કરીને “પ્રિય  શ્રોતાગણને મારો આગ્રહ છે કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે અને શાંતિ જાળવે. લાઈટ આવી ગયી છે પણ એક પ્રોબ્લેમ છે…” કહી ને અટક્યા , ” હવે હોલનું એસી નહિ ચલાવી શકાય. આપ સૌનું ‘કોપરેશન’ ચાહું છું, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.”

કલાકારોએ પોતપોતાના સાઝ ગોદમાં લઇ લીધા હતા- વળી આ અફરાતફરીમાં સાઝને નુકસાન થયી જાય તો?

” સૌ પ્રાર્થના  કરીએ  કે આપણા લાડીલા હંસરાજ ભાઈ સહી સલામત રહે” રમેશભાઈ માઈકને વળગી રહ્યા. 

“ચાલો ઈશ્વર ને જે ગમ્યું તે ખરું” આગલી હરોળ માંથી કોઈનો ઉદગાર!

જીગ્નેશ ભાઈ મોહનભાઇને કહે “આમ તો શનિવારે કોઈ દિવસ લાઈટ જાતી નથી હોં” પોતાના નાના શહેરનું નાક કપાય એ કેમ ચાલે?  હવે બિચારા મોહન ભાઈને આ લાઈટ જવાઆવવાનું ટાઈમ ટેબલ કેવી રીતે ખબર હોય? 

રમેશ ભાઈએ  છટા થી પોતે પહેરેલી શાલને સરખી કરી, “પ્રિય શ્રોતા  મિત્રો, હમારી યે  ખુશનસીબી હૈ કી આજ હમારે મનોરંજન હેતુ,  માં સરસ્વતી કે આશીર્વાદસે હિન્દુસ્તાનકે સુપ્રસિદ્ધ સારંગી વાદક ઉસ્તાદ મહંમદ ખાન પધારે હૈં. આપ બિહાર ઘરાને કે સુવિખ્યાત ઉસ્તાદ અહમદ ખાન કે શિષ્ય હૈ ….”

પાસે બેઠેલા  ઉસ્તાદ મહમદ ખાને ઈશારો કર્યો એટલે  રમેશભાઈએ ભૂલ સુધારી ” હાં જી, માફ કીજિયેંગા યે  બિહાર નહિ મૈહર ઘરાને સે તાલ્લુક રખતે હૈં…”

“અરે મહેરબાન, ગુજરાતીમાં ચાલવા દો ને તમ તમારે, યાર” કોઈએ ડપકો મૂક્યો 

ગૂંચવાયેલા રમેશ રાઠોડે ગળું ખોંખાર્યું, ” ઠીક લ્યો, તો હું શું કહેતો હતો ? ઉસ્તાદ મહમદ ખાન પ્રખ્યાત બિહાર .. અરે સોરી હોં, મૈહર ઘરાનાના ઉસ્તાદ અહમદ ખાનના પરમ શિષ્ય છે. એમણે દસ વર્ષની નાજુક ઉંમરે પોતાનો પ્રથમ ‘પોગ્રામ’ આપ્યો. દેશ વિદેશમાં અસંખ્ય પ્રોગ્રામો કરી ચૂક્યા છે. “

ઉસ્તાદ મહમદ ખાનને થોડી ક સમાજ પડી એટલે હ કાર માં માથું ધુણાવ્યું. લોકોએ તાળી પાડી.

“એમને સાથ આપશે પ્રખ્યાત તબલા નવાઝ ઉસ્તાદ અસ્લમ ખાન જેમને વિષે કઈ કહેવું એ સૂરજ ને દીવો બતાવવા જેવું છે. એક ખાસ બાબત..”તબલા નવાઝ તરફ નજર  કરીને એમની આજ્ઞા લેતા હોય એમ “હાજી હમણાં અહીં આવતા અસ્લમ ખાનને એક નાનકડો અકસ્માત થયો. હાથ પર થોડી ઇજા થયી છે પણ આજે અહીં તબલા વગાડશે” 

લોકોએ  જબરી તાળી પાડી અને અસલમે પ્રોગ્રામ શરુ થાય એ પહેલા બાજી મારી લીધી. . 

મહમદ ખાને તીરછી નજરે અસ્લમ ખાન તરફ જોઈ લીધું, “બેવકૂફ ” કહીને લોકો સાથે તાળીમાં  કમને સાદ પૂરાવ્યો.  

“ઉસ્તાદ મહમદ ખાન સાંજનો  રાગ યમન પેશ કરશે” 

યમન નામ સાંભળતાં થોડા જાણકારના મોઢામાંથી  ‘આહ’ નીકળી ગયી.  એમતો કોઈ પણ રાગ નું નામ લેવાય  એટલે આહ તો નીકળે જ. 

આપણા જીગ્નેશ ભાઈથી રહેવાયું  નહિ. બાજુ માં બેઠા એક વિદ્વાન ગુણીજન જેવા લાગતા મહાશયને કાન માં પૂછે ” યમન રાગ પર કયું ફિલ્મી ગાયન છે, હેં” 

એ મહાશય તો અસલી મહારાષ્ટ્રીયન  ગુણીજન નીકળ્યા, “” ” काय रे भाउ, एवढं पण माहीत नाही का ? 

ચૂપ થયી ગયા જીગ્નેશ ભાઈ, સાથે જ બહાર થી આવતી કચોરીની સોડમ થી મન મોર નાચી ઉઠ્યો એમનો.

હવે શરુ થયો સાઝને ટ્યુન કરવાનો દૌર. એસી વગર ના હોલ માં આટલા બધા પંખાના અવાજમાં ટ્યુન  કરવાનું જરા મુશ્કેલ હતું. 

“આ લોકો પોતાનું વાજિંત્ર પહેલેથી ટ્યુન કરીને લાવતા હોય તો ?” અત્યાર સુધી શાંત બેસી રહેલા મોહન ભાઈને આ પ્રશ્ન થયો એટલે જીગ્નેશભાઈ ને પૂછી પણ લીધો. સાચી વાત એ છે કે આ પ્રશ્ન ઘણાને હંમેશા પૂંઝાવતો હોય પણ પૂછવાની હિમ્મત નથી હોતી.

“ગ્રેટ ટ્રેડિશન, મોહનભાઇ. આ જ તો આપણો વારસો છે. દેખતે જાવ અબ ઔર આનંદ લ્યો” ગુણીજન બની બેઠેલા જીગ્નેશ ભાઈ બોલ્યા..

“શ…..” ગણગણાટ થી  ત્રાસેલા મહારાષ્ટરીયન ગુણીજને મોઢા પર આંગળી મૂકીને બંને ને ચૂપ કરી દીધા.

“આજ હમારા યહાઁ કુછ હોને વાલા નહિ હૈં, મહમદ ભાઈ ” અસ્લમ ભાઈએ ભવિષ્ય વાણી કરી 

“તું અપના ઠેકા પકડ કે બૈઠ ચૂપ ચાપ, બોલાના તેરેકો?” એક તો શ્રોતાઓ ની વાહવાહી પહેલેથી લઇ  લીધી અને પાછો ડહાપણ કરે છે? મહમદ ખાન નો ગુસ્સો ઉભરાઈ ગયો.

“લેકિન, ઉસ્તાદ, મેરી હથૌડી નહીં મિલ રહી હૈં મુઝે”  હવે અસલમે  મહમદખાનને ઉસ્તાદ તરીકે સંબોધવો પડે એમ હતું.

શ્રોતાઓને ખબર ન પડે એમ  એક નકલી સ્મિત કરતા કરતાં મહમદ ખાને સંભળાવ્યું ” તો અપના સર પટક. એક તો હાથ પે જાલી પટ્ટી બાંધ કે ચલા આયા; રમેશભાઈ કો  બતા ભી દિયા. ઔર અબ યે તમાશા? , સુબ્હાનઅલ્લા” 

જાણે કોઈએ તમાચો માર્યો હોય એમ અસ્લમ ખાન શરમાયા. નસીબ જોગે એમની હથોડી તબલાની મસ મોટી બેગ નીચે મળી ગઈ.અસલમે સંમતિ સૂચક ડોકી હલાવી એટલે બેઉ કલાકાર તૈયાર.

‘”અરે ચાલુ  કરો હવે” કોઈએ  બૂમ મારી એટલે પબ્લિકે હળવી તાળી પાડી.

સ્માર્ટ રમેશભાઈ જાણતા હતા કે કેટલાક ઉપદ્રવી લોકો ત્રાસ આપશે એટલે પહેલેથી ચૂપચાપ  પાછળ ઉભા હતા બૂમ મારનાર એ ‘કોઈ’ ને ઓળખી કાઢ્યો અને ડોળા કાઢી એને ચૂપ કર્યો. અને વળી પાછા વ્યૂહાત્મક પોઝિશન માં પાછળ જઈને ઉભા.

પણ બાજુમાં બેઠી પેલા ‘કોઈ’ ની પત્નીને આ ન પરવડ્યું. “મોટો આવ્યો સંગીતનો પૂછડો, રમેશ!” ગણગણીને મોઢું મચકોડ્યું. પેલા એ કોઈ પ્રતિભાવ ન આપ્યો એટલે પત્ની વધારે ઉશ્કેરાઈ, “તમે પણ શું આવા લોકો ને મોં લગાવો છો? શું હું જાણતી  નથી એમની બૈરી ઉષા ને? જે છેલ્લા પાંચ વર્ષ થી આપણા  ગામ ના ગુરુ સુરેશભાઈ પાસે શીખે છે પણ સુર ના નામે તો બિલકુલ ઢ છે ઢ. નવરાત્રી ના ગરબા તો હું એના કરતા હજાર  દર્જે સારું ગાઉં છું”  

કલાકારો નો ટ્યુનીંગ પ્રોસેસ ખાસ્સો દસ મિનિટ ચાલ્યો. આપણા અધીરા રમેશ ભાઈ દસ મિનિટ ગુમાવે? કલાકારો તરફ એક મોહક સ્મિત કરતા પહોંચ્યા માઈક આગળ. ” સુજ્ઞ ભાઈઓ અને બહેનો, કલાકારો પોતાનું ટ્યુનીંગ કરી લે ત્યાં સુધીમાં આપણા લાડીલા હંસ રાજ ભાઈ નું લેટેસ્ટ હેલ્થ બુલેટિન આવી ગયું છે – ડોક્ટરોની ટીમે એમને તપાસીને દવા આપી દીધી છે અને હવે ઘેર આરામ ફરમાવી રહ્યા છે.” ગણ્યા ગાંઠ્યા લોકોએ તાળી પાડીને આ સુખદ સમાચાર વધાવી લીધા. 

“બીજી  વાત “, રમેશ રાઠોડ હજી શમ્યા ન હતા કલાકારો તરફ  એક ક્ષમા ભરી દ્રષ્ટિ નાખીને ,” આ વર્ષ ની મેમ્બરશિપ જેમણે હજી રીન્યુ ન કરાવી  હોય એમને ખાસ વિનંતી કે પેમેન્ટની  સુવિધા હેતુ હોલની બહાર  એક સ્પેસીઅલ કાઉન્ટર રાખ્યું છે તો મહેરબાની કરીને વેળાસર મેમ્બરશિપ રીન્યુ કરાવી લેશો.” પછી એમનું બ્રહ્મ વાક્ય ” થેન્ક યુ ફોર યોર ‘કોપરેશન’ , થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.”

હજી તો માઈક હાથમાં થી છૂટે છૂટે  ત્યાં તો એક પાતળી લાકડી જેવો ૬ ફુટીઓ  એક વોલન્ટિઅર લાંબી ડાંફો ભરતો  આવીને એક નાનકડી ચબરખી આપી ગયો. 

“અરે સોરી હો, “ગાડી નંબર MH 02 AJ 4567 હંસરાજ ભાઈ ની ગાડીને બ્લોક કરીને પાર્ક કરી છે તો મહેરબાની કરીને જેની પણ હોય તે ત્યાંથી હટાવવાની તકલીફ લ્યે.”   

 આખરે રમેશભાઈ શમ્યા.

 વચ્ચે ની હરોળ માંથી એક મહાશય ધીરે રહીને, કોઈપણ જાતની ઉતાવળ કે ક્ષોભ વગર ઉઠ્યા અને રુઆબ થી હોલ ની બહાર નીકળ્યા.

” એ કોણ . એ કોણ?” એવા ક્ષુલ્લક  પ્રશ્નો હોલ માં એક બીજા ને પૂછાયા પણ વ્યર્થ.

કલાકારો તૈયાર. ઓડિયન્સ તૈયાર.

કૌવા ચાલ હંસ કી ચાલ

શો અભી બાકી  હૈ દોસ્ત 

       ——————-

ભાગ ૩

ખરેખર સંગીત તો હવે શરુ થતું હતું. 

આંખોને ફોકસ લાઈટથી બચાવવા હથેળી ધરીને મહંમદ ખાને હોલમાં નજર મારી – હોલ ભર્યો ભાદરો છે કે પછી? 

અસ્લમ ખાન બિચારો આંગળીઓના ટચાકા ફોડતો બેઠો બેઠો રાહ જોતો હતો. એનો વારો આવતા સુધી તો ટચાકા માર્યા  કરશે તો આંગળીઓના નાજુક હાડકાંનો ભૂકો બોલી જશે! ખેર.

ઓહો, સ્ટેજ  પર એક ચુલબુલી, સજધજકે  સુંદર જુવાન છોકરીનું આગમન- તાનપૂરો વગાડવા! 

મોહનભાઇ સહ બીજા ઘણાં લોકોને હવે સ્ટેજ પર તાકીને જોવામાં રસ પડી ગયો. સંગીત એને ઠેકાણે. 

મહંમદ ખાને મંદ્ર સપ્તકના તીવ્ર મ થી ગજ વડે  એક જોરદાર ઝાટકો મારી મધ્ય સપ્તક ના ગ સુધી મિન્દ  લઈને રાગ યમન નો પ્રારંભ કર્યો. અસ્લમ ખાને વાહ કહીને ડોકી હલાવી. એ સાથે પહેલી હરોળમાં બેઠેલા ગુણીજનના મુખ માંથી ‘ક્યા બાત હૈ?’ ઉદગારો સરી પડ્યા.

બિચારા મોહન  ભાઈને કશી ખબર  ન પડી કે ગુણીજન કેમ આવું પૂછે છે. પેન્ટના ખિસ્સા માં રાખેલ મોબાઈલ ફોનમાં સળવળાટ થયો એટલે ઝટ કરીને ફોન કાઢ્યો, મોહનભાઇએ. 

જોયું તો પત્ની નો ફોન! લેવો જ પડે ને ?

આમતેમ જોતાં જોતાં ફોન કાને લગાડ્યો “એ હા, શું કેછ. બોલ., હા હા હું ઠીક છું, મને શું થવાનું છે? ના રે ના હું તો અહીં સંગીત સંમેલનમાં હાજરી આપવા આવ્યો છું, જીગ્નેશભાઈ ને ખોટું લાગી જાય ને ? ….હેં ? બાબલો સારો છે ને હવે? તાવ, ઝાડા ઉલ્ટી ? બંધ થઇ ગયા? ના હજી કલાકારો ટ્યુન કરવામાંથી નથી પરવાર્યા. ….”

બાજુમાં બેઠેલા  ગુણીજનથી ન રહેવાયું, મોહનભાઇના ખભા પર હાથ રાખીને ઘૂરક્યા   “આતા ગપ બસ”. મોહનભાઇ સડક!

એમ તો મોબાઈલ ફોન પર હોલમાં કંઈ કેટલી જગ્યાએ જુગલબંદી ચાલી રહી હતી પણ મહંમદ ખાન  સારંગી પર આલાપ વગાડતાં પોતાની કલા પેશ કરવામાં મશગૂલ. 

ખરી મઝા  તો અસ્લમ ખાનની હતી. નવરાશમાં એણે એની પોતાની હંમેશ મુજબની કવાયત શરુ કરી; ઘડીકમાં અદબ વાળે, ઘડીકમાં અદબ છોડે, તો વળી સમયાંતરે મહંમદ ખાનને વગાડતો જોઈને માથું હલાવે, ઘડીકમાં તબલા પરની ગાદી જરા હટાવીને હલકી થાપ મારી લે, ઘડીકમાં ઓડિયન્સ તરફ  જોઈને મંદ મંદ સ્મિત ફરકાવે,, મોકો મળે તો સાઈડમાં સ્ટેજ ની બહાર ઓર્ગેનાઇઝર્સ શું કરી રહયા છે એ જોઈ લે, ખૂબ જ બોરિંગ આ બધી ચેષ્ટાઓ પણ બુઝુર્ગ લોકો કહી ગયા હતા કે તબલા વગાડનારે ઓડિયન્સ  સાથે તાલ મેલ બનાવવા મુખ્ય કલાકાર સાથે આલાપ પતે ત્યાં સુધી બેસી રહેવું . શું કહે છે એને  ઈંગ્લીશમાં? હા ‘ rapport ” !         

માઈક પ્રેમી રમેશ ભાઈના શા હાલ છે એ જોઈએ હવે. સ્ટેજ ની સાઈડમાં આવેલા રૂમમાં, જ્યાંથી સ્ટેજની ગતિ વિધિ ઓ પર નજર રાખી શકાય, બેસીને ગરમા ગરમ મસાલેદાર મીઠી મઝાની ચાની પ્યાલી ની ચૂસ્કી ના હકદાર ખરા ને ? 

ઓર્ગનાઈઝેશનના બીજા ધરખમ હોદ્દે દારો- ચેરમેન, વાઇસ ચેરમેન, ટ્રેઝરર, સેક્રેટરી સૌ  પોતપોતાના મોબાઈલ પર મેસેજ ની રમઝટ બોલાવતા હતા.”હંસ રાજ ભાઈની તબિયત હવે કેમ છે?” એવા અસંખ્ય મેસેજની આપલે થતી રહી. શહેરના લોકો ને ચિંતા થાય એ સ્વાભાવિક છે. શાસ્ત્રીય સંગીત તો સમઝયા હવે.

આપણા મુખ્ય કલાકાર, ઉસ્તાદ મહંમદ ખાન બરાબર ફોર્મ માં આવી ગયા હતા, આલાપ કરતાં કરતાં મધ્ય સપ્તક ના પંચમ સુધી પહોંચી ગયા હતા. બહુ ગમ ન પડતી હોય એવા ફાલતુ શ્રોતાને તો એમ જ લાગે કે વગાડતાં વગાડતાં

 સારંગી ઉસ્તાદની આંખો  બંધ છે  પણ વાસ્તવમાં આંખના ખૂણે થી પેલો તબલા વાળો અસ્લમ ખાન શું પેરવીમાં છે એ જોવું જરૂરી. અસ્લમ ખાન પણ ગાંજ્યો જાય એમ ન હતો. ખૂબ મોભાદાર મુખ્ય આર્ટિસ્ટ સાથે વગાડવાનો મોકો જે મળ્યો હતો એ આનંદ મુખ પર દેખાવો પણ જરૂરી તેમજ મુખ પર થોડી વ્યગ્રતા હોવી પણ જરૂરી. ભાઈ અસ્લમ ખૂબ હોશિયાર. થોડી થોડી વારે મહંમદ ખાનની સરાહના કરતો રહ્યો. મહંમદ ખાનને શાંતિ થઇ કે ચાલો આ લાઈન પર આવી ગયો છે.

બીજો  એક મહત્વનો સવાલ હોદ્દેદારોને મૂંઝવી રહ્યો હતો.  શહેરની એક માત્ર ૩ સ્ટાર હોટેલ માં કલાકારોનો રૂમ બુકિંગ કન્ફર્મ થયો કે નહિ? પ્રોગ્રામની સમાપ્તિ પછી કોની ગાડીમાં હોટેલ લઇ જવા? આવતી કાલે મળસ્કે કોણ કલાકારો ને રેલવે સ્ટેશન પર છોડવા જશે? આભાર વિધિ કોણ કરશે  એ કોયડો હાજી ગૂંચવાયેલો હતો. આમ તો વાઇસ ચેરમેનને સ્પીચ નો ઢાંચો આપીને તૈયાર તો કર્યા હતા, જેમ કે ” અમે આભારી છીએ આદરણીય હંસરાજ ભાઈના જેઓ પોતાનો કિંમતી સમય આપીને અહીં આવીને અમને ઉત્સાહિત કર્યા, સુંદર સંગીત પીરસવા બદલ માનવંતા કલાકારોના,, તાનપુરા પર આંગળીયોથી પોતાની અપ્રતિમ કલા નું પ્રદર્શન કરનાર  આપણા વિધાયકની સુપુર્ત્રીના, મ્યુઝિક સિસ્ટમના ભારત ભાઈના, હોલ ડીસ્કોઉન્ટેડ પ્રાઇસમાં ભાડે આપનાર પેસ્તનજી  બાવાના, ગરમા ગરમ કચોરી ની સમયસર વ્યવસ્થા કરનાર શ્રી સુરજ મલના, અને લાસ્ટ બેટ નોટ ધ  લિસ્ટ – આપ સૌ શ્રોતાગણના જેમના ‘કોપરેશન’ વિના…..” 

હવે કોઈને ન કહેવાય કે ન સહેવાય એવી સમસ્યા અસ્લમ ખાન પર આવી પડી. પેલા ગ્રીન રૂમમાં બેઉ કલાકારોએ ડઝનેક  ચાના કપ સિસ્ટમમાં ગબડાવે  રાખ્યા  હતા  એ યાદ છે ને ? એ પોત પ્રકાશવાનો ટાઈમ આવી ગયો હતો. કોણ જાણે કેમ   મહંમદ ખાનને કાંઈ ન થયું પણ આવડો આ અસ્લમ બિચારો મૂંઝાવા લાગ્યો. સિસ્ટમનું પ્રેશર વધવા માંડ્યું. અહીં સ્ટેજ પર ફરજીયાત બેસવું અને બાથ રૂમ મારો બેટો સ્ટેજ થી ખાસ્સો દૂર. ઉઠાય પણ નહિ – મહંમદ ખાનને છેડવા જેવો ન હતો.  અસ્લમ મોકાની તલાશમાં. ઘડીક મહંમદ ખાન સામે જોયે રાખે ઘડીક બાથરૂમની દિશામાં નજર. 

મહંમદ ખાન હવે તાર સપ્તકમાં પહોંચીને ગેલ માં આવી ગયા, થોડા ઘણા જાણકાર પણ ભાવ વિભોર. પણ આપણા અસ્લમ ખાનને ચેન ન હતું.અહીં તો ભગવાન ને ઘેર સુર હતા પણ દેર પોષાય એમ ન હતી.

હોલમાં પહેલી  રો માં બિરાજમાન મોહનભાઇ  વારંવાર જીગ્નેશ ભાઈ ને જુએ – અરે આને આટલી બધી સમઝ પડે છે ? 

આલાપ જાણે નિરંતર ચાલ્યા કરશે એ ભીતિ સતાવી રહી. થોડી થોડી વારે મોબાઈલ ફોન માં જોઈ લે કે કોઈ મહત્વ નો બિઝનેસ મેસેજ તો નથી આવ્યો? છેલ્લી રો માં બેઠેલા ‘પીટ’ કલાસ ની અદેખાઈ આવી રહી હતી. માળા ફાવે ત્યારે હોલની બહાર જાય અને પાછા અંદર  પેસી જઈને મસ્તી મજાક કરી શકે. પેલી કચોરી હવે રેડી થઇ ગઈ હશે તે ખલાસ થઇ જાય એ પહેલાં…

આખરે એ ઘડી  આવી પહોંચી. આલાપ સમાપ્ત. શ્રોતાગણમાંથી કેટલાકે તાળી બજાવીને કલાકારને વધાવી લીધા. ભાવુક મહંમદ ખાને ઘડીક સારંગી નીચે મૂકીને અભિવાદન ઝીલ્યું. મોટા ભાગના શ્રોતા હવે તબલા જોડાશે એ આશામાં ઉત્સુક. “એ કેમ બેસી રહ્યો છે?” એવું પૂછનાર પણ નીકળી આવે. 

અસ્લમ ખાન બિચારો બહુ જોર થી તાળી વગાડી શકે એ સ્થિતિ માં ન હતા, સિસ્ટમ ઉભરાઈ જાય ને? ક્યારે મોકો મળે અને હું દોટ મૂકીને મારું લટકી પડેલું કામ પતાવીને હાજર  થઇ જાઉં? 

રમેશભાઈ અસ્લમ ની વહારે ધાયા. સાઈડની રૂમ માં થી તાળી પાડતા સ્ટેજ પર આવ્યા અને માઈક પકડી લીધું. “ક્યા બાત હૈ ઉસ્તાદ જી . પરમ આનંદ કી અનુભૂતિ કરવા દી  હમ સબ કો.” પછી ઓડિયન્સ તરફ એક વિજયી મુદ્રા માં નજર નાખી ” મહેરબાન શ્રોતા ગણ, આપ સૌ પોતપોતાની સીટ જાળવીને બેસી રહેશો, હોલની બહાર દોડશો નહિ કારણકે જેની આપ બેસબરીથી ઇન્તેઝાર કરી રહયા છો એ કચોરી હજી તૈયાર થઇ નથી. માફ કરશો. ‘પોગ્રામ’ ની સમાપ્તિ બાદ આપની માનીતી કચોરીનો રસાસ્વાદ જરૂર કરવા મળશે. ‘ અને પછી એમનું બ્રહ્મ વાક્ય ” થેન્ક યુ ફોર યોર ‘કોપરેશન’, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અબ બારી હૈ હમારે તબલા નવાઝ અસ્લમ ખાન કા સ્વાગત કરનેકી.’ બોલીને એમણે જોયું તો અસ્લમ ખાન ગાયબ! મહંમદ ખાને દૂર થી કોઈ ન જુએ એમ ટચલી આંગળી ઊંચી કરી ને ઘટસ્ફોટ કર્યો. “ઓહો, કોઈ બાત નહિ વો આ જાએંગે” એટલું કહેતા માં  અસ્લમ ખાનની  વાપસી, તાળીઓના ગડગડાટ વચ્ચે એમણે એક અપૂર્વ સંતોષ સાથે આસન જમાવ્યું. હાશ! 

હવે પાછો શરુ થયો સાઝને ટ્યુન કરવાનો સિલસિલો. મોહનભાઈની મજાલ ન હતી કે એ જ સવાલ પેલા ગુણીજન ને ફરી પૂછે. 

સ્ટેજ ની સાઈડ  રૂમમાં બેઠેલા રમેશભાઈના હાથમાં  હવે એક કોર્ડલેસ માઈક રમતું હતું. “ભાઈઓ  અને બહેનો, કલાકારો પોતાના સાઝ મેળવી લ્યે ત્યાં સુધી શાંતિ જાળવશો. થેન્ક યુ ફોર યોર ‘કોપરેશન’, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ”

સારંગીના સુર મેળવતા મહંમદ ખાનની તીખી નજર અસ્લમ પર પડી, જાણે સાવધાન કરતાં હોય  “બેટા તૂ આજ જરા સંભાલકે, સીધા સીધા બજાનાં. કુછ ઝમેલા કિયા તો નાની યાદ આ જાયેગી , હાં ” 

અસલમે  નવાબી સટાઈલથી લળીને  એમને  સલામ કરી અને  એક જોરદાર થપાટ લગાવીને  તબલાને  ફાઈનલી  સુરમાં  મેળવી દીધા. ધ્યાન રાખવું પડે આવા સીનીઅર કલાકારો નું. અમસ્તું આપણને  બદનામ કરી દે તો તબલા વગાડવા કોઈ પાછું બોલાવે પણ નહિ. 

સારંગીમાં તબલાં ભળ્યાં એટલે પબ્લિકને મઝા આવી ગયી. મહંમદ ખાને મુખડું વગાડ્યું એટલે તો અસલમે  ભાન ભૂલીને આવર્તન પર આવર્તન એમ કુલ  પાંચ આવર્તનમાં જોરદાર શરૂઆત કરી – પબ્લિક ખુશ – તાળી ઉપર તાળી. મહંમદ  ખાન નું મોઢું હસતું પણ અસ્લમને મનમાં ભાંડતા ભાંડતા “બેવકૂફ, ઇતના કહને પર ભી અકલ નહિ આયી તેરેકો” 

ફિર  તો ક્યા થા ? બંનેએ મળીને એવું તો સરસ વગાડ્યું કે લોકો અવાચક! ઘણી વાર બંને,  આગળથી રિયાઝ કર્યા મુજબ એક સાથે સમ પર આવી ને એકાદ ક્ષણ અટકી જાય. જાણકારને મઝા પણ આપણા મોહન ભાઈને એવો ભ્રમ થાય કે કાર્યક્રમ હવે પત્યો. ખાસ્સું લાંબુ ચાલ્યું આ બધું. ધારવા કરતાં – ટાઈમ પણ વધુ થયી ગયો. એસી વગર સ્ટેજ પર બેઠેલી સોળે શણગાર પેલી યુવતી પરસેવાથી રેબઝેબ! મોહનભાઈ બેઠા બેઠા કંટાળ્યા પણ શું થાય?

હોલમાં મોબાઈલ ફોનની અનેકો જુગલ બંદીઓ ચાલુ રહી.

આખરે એક લાંબી  તિહાઇ લઈને પૂર્ણાહૂતિ થઇ. શ્રોતાઓએ ઉભા થઈને ‘સ્ટેન્ડિંગ ઓવેશન’ આપ્યું.

પાછળ બેઠેલી જીગ્નેશની પત્નીએ  જીગ્નેશ ભાઈને બોલાવ્યા. પણ મોહન ભાઈએ દોટ મૂકી મંઝિલ તરફ – કચોરી ની સોડમે એમને વિચલિત કરી દીધા હતા.પેલા ગુણીજનને એક વિચિત્ર સમસ્યા હતી. કચોરી ખાવી હતી પણ બહાર જાય અને આ પહેલી હરોળની મોકા ની જગ્યા કોઈ લઇ લે તો? 

ત્યાં તો એમની ‘મિસિસ’ વહારે ધાઈ – પોતાની ઓવરસાઈઝ પર્સ  ખોલી એને એક કાગળ ની પ્લેટ માં ભાવતું ભોજન ધર્યું – ‘કાનદે  પોહેં’! 

ભગવાન કરે ને સૌ ને આવી સંસ્કારી પત્ની મળે જે પતિની ઈચ્છાઓ પહેલેથી જાણી લે.

બહાર કચોરીના કાઉન્ટર પર ઝપાઝપી ચાલુ થઇ ગઈ. સ્માર્ટ મોહનભાઇ જે સૌથી પહેલાં હોલ ની બહાર નીકળી જવામાં સફળ થયા હતા તેનો નંબર  લાઈનમાં પહેલો. પાછળથી ધક્કા એટલા મારતા હતા કે ચટણીની એક મોટી છાલક મોહનભાઇના શર્ટ પર. એટલામાં રમેશભાઈ નું આગમન , ” કેમ મોહનભાઇ, મઝા આવી ને?”  એટલું બોલ્યા ત્યાં પડ્યા નીચે અને સાથે મોહનભાઇ પણ. સર્વ નાશ!

છોભીલા  મોહન ભાઈ, “હાજી , થેન્ક યુ. બહુ મઝા આવી હોં.પણ માફ કરજો ઘેરથી મેસેજ આવ્યો છે કે એક ઈમ્પોર્ટન્ટ મહેમાન આવ્યા છે એટલે જરા જવું પડશે”

“અરે, એમાં શું? મને ખાતરી  હતી તમને ગમશે. હવે અમારા ‘પોગ્રામ’ માં આવતા રહેજો” 

કચોરી ફક્ત શર્ટ ને ખવડાવીને મોહન ભાઈ પરબારા બહાર કે ક્યારે આવે ઘર.

બિચારા કલાકારોને ઈન્ટરવલ પછી મોહનભાઇની વાહવાહી વગર વગાડવાનું આકરું તો લાગશે. 

ભાગો મોહન પ્યારે ભાગો…

    ——————–

ભાગ ૪ 

બાણાવાળી કર્ણ જેવા ઉદાર દિલ રમેશ ભાઈએ ૧૦ મિનિટ ટાઈમ એવા લોકોને આપ્યો હતો જેને કચોરી માં રસ ધરાર ન હોય. કચોરીઓ દબાવ્યા બાદ પંદરેક મિનિટ બહાર ખુલ્લી હવામાં ફરવાનો મોકો ગુમાવવાને કારણ ન હતું. આખરે, રમેશભાઈના છઠ્ઠા આવાહન પછી ફરંદા લોકો ધીરે ધીરે હોલમાં પાછા આવવા લાગ્યા. 

“શું વાત છે, જીગ્નેશભાઈ? ઈન્ટરવલ પછી હોલ માં પધારો છો ને ? ” શહેરના નામી બિઝનેસમેન સેવંતીલાલ! 

વનમાં પ્રવેશી ચૂકેલા સેવંતીલાલના  વાળ એવા ડાય કર્યાં કે જાણે કોઈએ કાળો કોલસો જુસ્સાભેર ઘસી કાઢ્યો હોય. અવાજ કોઈ પાકટ ઉમરની મહિલા જેવો. જીગ્નેશભાઈ ગુણીજનનું મોહરું કેવી રીતે ફગાવે?

હજી જીગ્નેશભાઈ કઈ જવાબ આપે એ પહેલાં મૃણાલિનીબેન, મિસિસ સેવંતીલાલ ટહુક્યા, ” કેમ નહિ વળી? પાર્થ ને પ્રાઈઝ મળે ત્યારે એક વડીલ તરીકે હાજર રહેશે જ ને કેમ જીગ્નેશભાઈ?” 

પોતાના પ્રાણ સમ પોઉત્ર ને પ્રાઈઝ મળે ત્યારે માનવ મેદની ચિચિયારી કરે એ સ્વપ્ન સાકાર કરવા મથતી મૃણાલિનીએ  પાછળ નજર કરી. કુલ્ફીના કાઉન્ટર  ની દિશામાં  એક લોભામણી નજર નાખતો પાર્થ ચમક્યો. દાદીએ ત્વરા થી જીગ્નેશભાઈ સામે ખડો કરી દીધો ” જે શ્રી ક્રષ્ણ કરો બેટા, અંકલ અને આંટી ને ?” 

“હલ્લો અંકલ હલ્લો આંટી” દાદીમા એ પ્રેમસભર  ડોળા કાઢ્યા, કોઈ ન જુએ એમ. 

“જરૂર જરૂર સાહેબ. મઝાનો છે તમારો પાર્થ”  જીગ્નેશભાઈની પત્નીએ પાર્થના ગાલ થપ થપાવ્યા. “પણ જ્યારથી સાહેબ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રેસિડન્ટ બન્યા છે ત્યારથી અમારે ઘેર ન આવવાની બાધા લીધી લાગે છે!” 

“અરે છોડો ને બહેન, એમને ટાઈમ જ ક્યાં મળે છે?” મૃણાલિની નો મીઠો ગુસ્સ્સો પતિ દેવ પર

જીગ્નેશભાઈનું મન આ સંગીતથી ધરાઈ ગયું હતું પણ સેવંતીલાલ જેવા શહેરના ટોપ બિઝનેસમેન બોલાવે તો હાજરી આપવી જ પડે. 

રમેશ રાઠોડનું  આગ્રહભર્યું આમંત્રણ દિલને સ્પર્શી  ગયું. હોલ માં પુનરાગમન કરનારા સઘળા સદ્ગૃહસ્થો અને સન્નારીઓ સાથે એમનો વંશ વેલો સામેલ. યાદ રહે કે જે લોકો પાછા ન આવ્યા એ બધાને ઘેર કોઈ ને કોઈ ઈમ્પોર્ટન્ટ ગેસ્ટ હતા.

કલાકારો અસંખ્ય કચોરી દબાવીને ગ્રીન રૂમમાં ધૈર્યથી રાહ જોઈ રહયા હતા. 

ઓર્ગેનાઇઝર્સની મસલત ચાલુ. હંસરાજ ભાઈ પાસે તગડું ડોનેશન પડાવી ને માંડ માંડ ચીફ ગેસ્ટ બનાવ્યા  હતા. પણ હવે એ તો ઘેર બેઠાં બેઠાં મોજથી  માલિશ કરાવી  રહ્યા હતા. પ્રાઈઝ વિતરણ કોની પાસે કરાવવું? 

ઘડિયાળના કાંટા રાતના દસ તરફ ધસી રહ્યા હતા. કોણ છે એ માઈ નો લાલ જેની પાસે બીજું ડોનેશન પડાવી શકાય? આખરે સર્વ સંમતિથી કળશ સેવંતીલાલ પર ઢોળાયો. કેટલા ડોનેશનમાં સોદો પત્યો એ વિગત આવતી જનરલ બોડી મિટિંગમાં. 

સેવંતીલાલ ખુશ , મૃણાલિની સાતમા આસમાન પર. 

આહિસ્તા આહિસ્તા પડદો ખુલ્યો. 

સ્ટેજને નવેસરથી સજાવ્યો હતો. એક મોટા લાંબા ટેબલ પર સુંદર મઝાની ચાદર બિછાવી, અને ઉપર બે ડઝન ચમકતા ટ્રોફી; હોલમાં ગણીને ૨૫ – ૩૦ ઉતસુક પ્રેક્ષકો જે પહેલી બે હરોળ માં સમાઈ ગયા. 

ફરી રમેશ રાઠોડ માઈક સમીપ દ્રષ્ટિગોચર થયા. ” ક્ષમા કરશો પણ એક બે જરૂરી ‘અલોઉન્સમેન્ટ’ કરવાના છે”

જીગ્નેશભાઈ ને ફાળ પડી – ક્યાંક મારી ગાડીએ સેવંતીલાલ ની ગાડી ને બ્લોક તો નથી કરી?”

“આપણી સંસ્કારી નગરીમાં હવે નવા નિયમો લાગુ પડી ગયા છે. રાતના દસ પછી સંગીત બંધ. ઉસ્તાદોને સાંભળવાનો મોકો આપણે ફરી બોલાવશું ત્યારે.”

સમ ખાવા પૂરતા  હાજર એક ગુણીજને એમની મોટી પર્સવાળી અર્ધાંગિની સાથે હોલની બહાર તરફ પ્રયાણ કર્યું.

“બીજું, મને જણાવતાં હર્ષ ની લાગણી થાય છે કે આપણા સૌના શુભેચ્છક શ્રી સેવંતીલાલ પ્રાઈઝ વિતરણ નું  શુભ કાર્ય એમના વરદ હસ્તે કરવા રાજી થયા છે. ચીફ ગેસ્ટની ખુરશી પર બિરાજમાન સેવંતીલાલે  મંદ મંદ સ્મિત સાથે હાથ જોડ્યા. મૃણાલિની પહેલી હરોળમાં બેહદ ખુશ;  ઉભા થઇને ચારે તરફ ગર્વ થી ગરદન ઘુમાવી. પાર્થે ઉછળી ને તાળી પાડ્યે રાખી. 

‘એક વધુ ઉત્સાહ  જનક વાત. આપણા સંગીત શિક્ષક સુરેશભાઈની સૂચના મુજબ સંગીત હરીફાઈમાં ભાગ લેનાર પ્રત્યેક ને એક કોન્સોલેશન પ્રાઈઝ આપવામાં આવશે. ” સ્ટેજ ના એક દૂર ખૂણામાં બેઠેલા સુરેશભાઈએ ફિક્કું ફિક્કું અભિવાદન કર્યું. 

પ્રાઈઝ વિતરણ શરુ થયું. એક પછી એક બધા બાળકો આવી ને પ્રાઈઝ લઇ ગયા.

“ફર્સ્ટ પ્રાઈઝનો હકદાર કોણ?” એમ. સી. એ નાહક પ્રશ્ન કર્યો. 

બરાબર  એ જ વખતે એક વૉલન્ટીર સાઈડ માંથી દોડી આવ્યો અને સેવંતીલાલ ને કાન માં કાઇંક કહ્યું. સેવંતીલાલે મોઢું મચકોડ્યું પણ મોટું મન કરીને હાથ હલાવી ને એને વિદાય કર્યો.

“ટોપ પ્રાઈઝ  મળે છે સુરેશભાઈ ની બેટી નંદિની ને .. તાલીયાં” 

નંદિની ક્યાંક થી હસ્તી રમતી આવી અને પોતાના ગુરુ / પિતા સુરેશભાઈ સમક્ષ ઉભી રહી ગયી.

આ બફાટ  જોઈને વાઇસ  ચેરમેન ગૂંચવાયા, નંદિની નો હાથ પકડીને એને ચીફ ગેસ્ટ સામે ઉભી કરી દીધી. 

પ્રાઈઝ લઈને નંદિની હસ્તી રમતી નીકળી  ગઈ.

“અને હવે સેકન્ડ  પ્રાઈઝ જાય છે ……..પાર્થ ને…….!. આવો બેટા પાર્થ.”

ફોટોગ્રાફર ની મંડળી દોડા દોડ માં , કોઈકે સ્ટૂલ ખેંચ્યું, કોઈક વળી જમીનની લગોલગ મોઢું અને કેમેરા એડજસ્ટ કરવા લાગ્યું, ભારી સાડી અને ઘરેણાંઓથી લદાયેલા  મૃણાલિનીબેને  હર્ષોલ્લાસીત દશામાં  ઉભા થઈને પાર્થ  અને તેના પિતા ને વધાવી લીધા. હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો. સખીઓના અભિવાદન ઝીલતાં ઝીલતાં બિચારા પાર્થના મમ્મી થાકી ગયાં.

“કોમ્પિટિશન ને દિવસે પાર્થુને ગળા માં ઇન્ફેક્શન થઇ ગયું હતું નહિ તો આ નંદિની ફંદીનીના શા કલાસ?” 

“બિલકુલ ખરી વાત, મૃણાલિની બેન. ક્યાં આપણા પાર્થ ની બનારસી ગાયકી અને ક્યાં ઈવડા ઈ નંદિની;  ને બધાય તે” જીગ્નેશ ની પત્નીએ સુર માં સુર પૂરાવ્યો અને ભેગા ભેગા સેવંતીલાલ અને મૃણાલિની બેનને  ડીનરના  આમંત્રણ નો પ્લાન પણ ઘડી કાઢ્યો. 

પ્રાઈઝ વિતરણ પૂરું ૪૫ મિનિટ ચાલ્યું. ત્યાર બાદ ચેરમેનની સ્પીચ, ચીફ ગેસ્ટ ની સ્પીચ, વાઇસ ચેરમેનનો વોટ ઓફ થેન્ક્સ –  રાત્રે બાર વગાડી કાઢ્યા.

સંગીત સંમેલન સફળતા પૂર્વક સમાપ્ત, બધા હોદ્દેદ્દારો ભેટ્યા અને આવતે વર્ષે આનાથી  પણ વધુ સારો ‘પોગ્રામ’ કરવાનો નિશ્ચય.

કલાકારોને ઈજ્જત થી શહેરની ૩ સ્ટાર  હોટેલ પહોંચાડ્યા જ્યાં જે કાંઈ શાકાહારી ભોજન મળ્યું તે આરોગીને પથારી માં. 

કાલ ની વાત કાલે. 

નંદિની ક્યારની એની મમ્મીના ખોળા માં માથું મૂકીને, હાથ માં ટ્રોફી લઈને સુઈ ગઈ. સુરેશભાઈ સંગીત શિક્ષક મોડે સુધી મ્યુઝિક સિસ્ટમવાળા ભરતભાઈને  સમેટવા માં મદદ કરતા રહ્યા. 

મોડી રાત્રે છિન્ન ભિન્ન, અસ્તવ્યસ્ત હોલની સફાઈ કરતા યુગલના હોઠ પર એક જ ગીત હતું, “દુઃખ ભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આયો રે….”

———————————————————————–


Leave a Reply