પરિપૂર્ણતાની પરાકાષ્ઠા

ઓરડાના  ખૂણામાં સાવિત્રી દિંગ્મૂઢ, ડૂસકાંની પણ એક મર્યાદા હોય, આંખે આંસુ કેમે કરીને ન આવ્યાં. મોટીબેનની હઝાર કોશિશ કે બહેન થોડું રડી લે.   સાડીના પાલવથી  મોંને ઢાંકતી સાવિત્રી જાણે ફાટી આંખે યંત્રવત અનિવાર્ય વિધિ જોતી રહી. સામે શ્વેત  ચાદરથી લપેટાયેલી પતિ સદાશિવ જોશીની નિશ્ચેત કાયા; એની અધખુલી આંખો શું આ બધું નિહાળી રહી હતી? મહાન ગાયક પંડિત સદાશિવનો પટ્ટ શિષ્ય કેશવ ચૂપચાપ વિધિ આગળ ધપાવી રહ્યો. ગુરુજી કહેતા “આત્મા અમર છે, કદી મૃત્યુ પામતો નથી. મારુ સંગીત મારો ઈશ્વર અને ઈશ્વર તો અમર છે” 

નાની કહી  શકાય એવી ઉમરમાં પંડિત સદાશિવ જોશીએ  શાસ્ત્રીય કંઠ્ય સંગીતના ક્ષેત્રમાં નામ કાઢ્યું હતું, શિષ્યોનો તો જાણે રાફડો ફાટ્યો પણ કેશવ એનો અતિ પ્રિય શિષ્ય, ઉંમરમાં ગુરુજીથી જરાક જ નાનો પણ ગુરુ જી એને દિલોજાનથી ચાહે. 

હૈયાફાટ રુદન  કરતી મોટીબેનને ઈશારાથી શાંત રહેવા નું કહીને કેશવે ગુરુજીના મુખમાં તુલસીનાં પાન મૂક્યાં. 

સાવિત્રીની ખાલી આંખો સામે સદાશિવ સાથે ગુજારેલું જીવન તરવરી રહ્યું. 

લગ્ન પછીની પહેલી રાત, સુહાગ રાતે કાંઈ થયું નહિ, કાંઈ જ નહિ. સદાશિવે નજર નીચી ઢાળીને કહી દીધું,” માફ કરજે મારે તો લગ્નમાં પડવું ન હતું પણ મારી માંએ  હઠ લીધી એટલે….” 

સાવિત્રીની મધુરજનીનો ચંદ્ર ઉગ્યા વગર અકાળે આથમી ગયો.

“તું તારે શાંતિથી જીવ, તારા પૂર્વ જન્મનાં કર્મો નું ફળ છે આ સર્વ, કોઈ શું કરે?” મોટીબેની શિખામણ.

પણ જુવાન  ભાણજી નહિ માની, કહે “માસી, તમે કોઈ સારા મનોચિકિત્સકને મળો તો ખરા?”

ડોક્ટર શિલ્પાને અણસાર આવી ગયો, “પ્રોબ્લેમ તમારા પતિનો છે, તમારો નહિ. એ એક વિચિત્ર પુરુષ છે …., સમજી ગયા ને?” 

સાવિત્રીએ  માથું હલાવ્યું. વિચિત્ર, અતિ વિચિત્ર!

“આવો તમને એક્ઝામિન તો કરી લઉં?” કરીને અંદરના રૂમમાં ડોક્ટર-પેશન્ટ ગયા.

ડોક્ટર શિલ્પાએ ખૂબ વિચિત્ર રીતે સાવિત્રી સાથે મળીને જે વ્યવહાર કર્યો એથી  સાવિત્રીને આનંદની પરાકાસ્થા  પ્રાપ્ત તો થઇ. પણ સાથે ડોક્ટર  શિલ્પા હર્ષથી  કિકિયારી કરવા લાગી ? 

“ના હું હવે એવા મનોચિકિત્સક પાસે નથી જવાની” ભાણજીને કહી દીધું સાવિત્રીએ – એનું હૈયું એ આનંદની પરિપૂર્ણતા પ્રાપ્ત કરવા ઉત્સુક, પણ મન ન માને તેનું શું?

પંડિત સદાશિવ ખૂબ લાગણીશીલ વ્યક્તિ, એના પટ્ટ શિષ્ય માટે તો ખાસ. બંધ બારણે કોણ જાણે ગુરુ શિષ્ય કોણ જાણે એવા તો રિયાઝ કરતા કે થાકીને પરાકાસ્થાની   લાગણીનો ઝંકાર બંધ બારણામાંથી બહાર સંભળાતો સાવિત્રી ને. સાવિત્રીને અંદર આવવાની રજા ન હતી. પણ જે કાને પડતું હતું એ બધું કાઇંક કાઇંક પેલા એક્ઝામિનેશન રૂમ જેવું જ.

દિવંગતનાં શરીર પર ફૂલોનો ડુંગર. ઘેર પહેલી વાર આવતાં સગાં સંબંધીઓ ભીંતે લગાડેલા પ્રશષ્ટિ પત્રો, મોટા માણસો સાથેનાં ફોટા જોઈને વિસ્મય પામ્યા.

વિધિ સમાપ્ત. પંડિતજીના પાર્થિવ દેહને ઠાઠડીમાં બાંધી ઊંચકી લીધો અને રામ રામ બોલતાં બહાર. છેલ્લે છેલ્લે સાવિત્રીની મોટીબેને  રડાવવાની મહેનત કરી પણ વ્યર્થ. “બિચારી હબકાઈ ગયી છે” 

કેશવ એ પછી  રોજ હાજર. બારમુંની વિધિ, બીજા સગાંની આવન જાવન  ચાલુ. કોઈ તો જોઈએને ઘરનું? બિચારો કેશવ – હર ઘડી સાવિત્રીનું ધ્યાન રાખે કે એ બરાબર છે ને. પણ એ ક્યાં બરાબર હતી? એને માટે તો સદાશિવ એક પરગ્રહ યાત્રી હતો.

કેશવ માટે તો એ સર્વે સર્વા હતા. જ્યારે જ્યારે બહારગામ સંગીતના જલસામાં ગાવા જતા ત્યારે કેશવ સાથે હોય જ. કેશવ ચોવીસ કલાક સાથે ને સાથે, સુવે પણ એમની સાથે. ગુરુની નાનામાં નાની જરૂરિયાત પૂરી કરવી એ એનો ધર્મ, એ પછી કોઈ પણ સમયે હોય. આ સંપૂર્ણ શરણાગતિ કેશવે અપનાવી લીધી હતી. સ્ટેજ પર ગાતાં ગાતાં જો કેશવની નજર કવચિત આગલી હરોળમાં બેઠેલી લોભામણી વ્યક્તિ  પર પડે તો ગુરુજી મોં મચકોડે. આ બધું કેશવને ફાવી ગયું હતું – ક્ષોભને અવકાશ ન હતો .

પરંતુ ગુરુજી  હવે સ્વર્ગમાં ગાતા હશે. સાવિત્રીની કાઇંક કહેવા માગતી આંખો કેશવને ઘણી વાર હલાવી દેતી. હવે તો એ એકલી થઇ ગયી. ધ્યાન કોણ રાખશે એનું? બારમા પછી ઘરને વ્યવસ્થિત કર્યું, હવે કેશવ ક્યાં જશે. ગુરુજી જ એનું કુટુંબ અને એ ભૂમિકામાં ગોઠવાઈ ગયો હતો. સાવિત્રી કદી ગોઠવાઈ ન હતી એ ભૂમિકામાં.

હવે? શુષુપ્ત લાગણીઓ ક્યાં વહે? 

સાવિત્રીની આંખોથી પોતાને બચાવતો કેશવ છેવટે ગુરુજીના તૈલચિત્રને મોટો હાર પહેરાવી આંખો બંધ કરી મનમાં પ્રાર્થના કરતો ઉભો. 

એનો હાથ કોઈએ સ્પર્શયો. શું એને  ભ્રમણા થઇ? ગુરુજીએ એનો હાથ પકડ્યો? એમને હજી સહકાર જોઈતો હતો?

“કેશવ, હવે તું ક્યાંય ન  જઈશ.” સાવિત્રીની આંખો એને પીગળાવી રહી હતી. 


Leave a Reply