Posted on January 24, 2020 by Rajendra Naik રાત્રે અચાનક ઝાપટું પડ્યું. ફળિયામાં સૂતેલો ભીખુ ઉતાવળમાં અસ્તવ્યસ્ત ગોદડી સંકોરીને દોડીને ઘરમાં ભરાઈ ગયો. “બેટા પ્હેલ્લાં માથું નૂછ, ની તો શરદી થેઈ જહે” ” બધી માં ની જેમ જમનાએ લાડથી ટકોર કરી. પણ ભીખુ એને ગણકાર્યા વગર ગોદડી બિછાવીને સૂઈ ગયો. આમ તો ભીખુ ડાહ્યો ડમરો, કહ્યાગરો છોકરો હતો પણ “આટલી અમથી છાંટી પડી તેમાં હું ?” એમ કરી ને ચૂપચાપ સૂઈ ગયો. લગભગ બાળ વિધવા એવી જમના ઉપરથી શાંત પણ અંદરથી ઝંઝાવાતી સ્વભાવ માટે પ્રખ્યાત કે પછી કહો કે કસબા તરીકે ગર્વથી ઓળખાતા સરભોણમાં કુખ્યાત હતી. ફાંકડા એવા મોરારને પરણીને આવતાં જ એની ગણના એક “આઝાદ” બૈરીમાં થવા માંડી હતી. અરે બીજાની વાત છોડો, એના વર મોરારની વાત પણ ઘણી વાર માનતી નહિ. પાછું મોરારને વહાલ પણ કરતી, એટલું જ જબરજસ્ત! રોજ સવારે વહેલી ઉઠીને ઘંટી ફેરવતાં ભજન ખૂબ હલકથી ગાતી. આ બાજુ પેલા કોઈ ગાંધીજીની અહિંસાની વાત સાંભળીને ઘણી વાર ઉકળી પડતી – “તે એમ હરખું લયડા વગર કાંઈ આઝાદી મળવાની છે કે? હારા નિકરી પયડા તે ” બોડા માથા ઉપર લાલ લૂગડાંનો પાલવ ઓઢેલી જમના -મનમાં પારાવાર દુઃખ ,પણ બહાર એને ડોકાવા ન દેતી. . બિચારીને જાણે સુખ નસીબમાં લખ્યું ન હતું. પહેલું સંતાન બાબો મરેલો જન્મ્યો . બીજી બેબી આવી તે થોડાક મહિનામાં મગજના તાવમાં પરલોક સિધાવી ગઈ. ત્રીજો, તે આપણો આ ભીખુ, જન્મ્યો ત્યારે તેનું નામ તો નારણ રાખ્યું પણ એ છ વરસનો થયો ત્યાં મોરાર પ્લેગ માં દેવ થઇ ગયો. અરે એના માથાના વાળ ઉતારવા આવ્યા ત્યારે કેટલું તોફાન કર્યું હતું જમનીએ? એના રેશમ જેવા કાળા ભમ્મર વાળના ગામમાં ઘણા દીવાના હતા. લાલ રંગનું લૂગડું પહેરવાનું આવ્યું તો ઘસીને ના પડી દીધી. પછી તો જેમ તેમ ઠાકોરજીનો ડર બતાવીને એને લાલ લૂગડું પહેરાવી દીધું. ભીખુ હવે દસ વરસનો થયો. હા એનું નામ નારણમાંથી ભીખુ કેવી રીતે થયું હશે તે તો બધાને ખબર જ હશે. “ભીખી ને લાવેલા” એટલે ભીખુ. કપડાં વિગેરે સગા સંબંધી તરફથી ભીખીને આણેલો એટલે વિધાતાને પણ ફોસલાવવાનું કે “આ અમારો દીકરો નથી ભાઈ, જુઓને એના કપડાં અને બધું બીજા લોકો કરે. એને મારતા નહિ ભગવાન” સવારના પહોરે નાહી ધોઈને પહેલું કામ તે ઘોડીઆં કરતા ઠાકોરજીને બે હાથ જોડવાના, પેલા બાજુ માં ગોઠવેલા હાર પહેરાવેલ મોરારના ફોટા ને જરા પગે લાગીને યાદ કરી લેવાના. ત્યાં તો બારણેથી પાડોશી વિધુર નાથુ કાકા અચૂક ડોકિયું કરે ” અલી જમના, હૂં કરે? કાંઈ કામ કાજ ઓય તો કેજે હેંકે. દુઃખી નોખે થતી ” એક વેધક નજર નાખી ને “એ બો હારુ” કહીને એને વિદા કરતી. મોરારની વિદાય પછી આવા નાથુ કાકાઓની લંગાર ચાલુ ને ચાલુ. જમનાએ નાના અમસ્તા તકતા (અરીસા) માં ડોકિયું કર્યું ‘ સુંદર મઝાનો સુડોળ ચહેરો, એક અકાળે આથમી ગયેલો ચાંલ્લો, એક નિસાસો ,સખ્ત ભીડેલા હોઠ. માથે ઓઢેલો લાલ ચટક સાડીનો પાલવ ચહેરાને એક અજબ ચમક આપતો. ગામ આખાએ હવે એને ગંગા સ્વરૂપ તરીકે સ્થાપી દીધી હતી પણ ગંગા માતા કાંઈ વિધવા થોડી હતી? પવિત્ર થવા માટે વિધવા થવું પડે, આ બધા નાથુ કાકાઓની જમાતમાં ? આંખો ચોળતો ભીખુ ઊઠ્યો ” માં , આજે નિહાર માંડી વારુ?” … More જમના