ગંગારામનું ભૂત

Posted on May 31, 2019

ભાગ

Originally Posted on May 22, 2019 

અમદાવાદની શિયાળાની સાંજ સહેજ ઠંડી થવા જઈરહી હતી. એ એમ ટી એસ બસ ની બારીની તિરાડમાંથી આવતી ઠંડી હવાથી બચવા રાજેશે પોતાના કોટના કોલર  ઊંચા કર્યા. ઓઢવ પહોંચતા કોણ જાણે કેમ સહેવાશે આ ઠંડીનો ચમકારો?

મુંબઈની ગરમીથી ટેવાયેલા  રાજેશ માટે આ નવું હતું.  ત્યાંની બેસ્ટ બસમાં ભારે ઉકળાટમાં સફર કરવી; આજુબાજુ પરસેવાથી ગંધાતા મુસાફરોને સહન કરવા અને ચારે બાજુ કોલાહલ!  છી…..

પેલા  વિચિત્ર અને તરંગી કંપની માલિક ડી એસ પટેલે  રાજેશ જેવા નવા સવા કેમિકલ એન્જીનીઅરને ઓઢવની ફેક્ટરીમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ નીમી તો દીધો પણ અહીં આવી વેરાન જગ્યાએ આવી ને થોડો અફસોસ જરૂર થયો. ફ્રી કવાર્ટરના લોભે ઓફર સ્વીકાર કરવાનું તરત નક્કી કરી નાખ્યું પણ જેને ઘોડાર પણ ન કહી  શકાય એવા ક્વાર્ટરને જોઈને જીવ બળી ગયો. ખેર, એ અમદાવાદ શિફ્ટ થઇ ગયો.

બે મહિના પછી તો એનું લગ્ન થવાનું હતું એટલે નવી નવેલી દુલ્હન સાથે ગમે એવું  ઘોડાર જેવું ક્વાર્ટર પણ સ્વર્ગ લાગશે એમ મન મનાવી લીધું રાજેશે.

“ડિપાર્ટમેન્ટ હેડ“  જેવું મસ મોટું પદ નાની ઉમરમાં મળવા નો આનંદ પણ ઠગારો નીવડ્યો. એન્જીનીઅરીંગ ભણવું અને સાચીમાચી કેમિકલ ફેક્ટરીમાં ભાતભાતના કારીગરો, સ્ટાફ પાસે કામ લેવું એ બેમાં આસમાન જમીનનો ફરક હતો.

પી. ડી. એટલે કે હાલના હેડ પી ડી રાજકોટીયા આમ તો સૌમ્ય  વ્યક્તિત્વ ધરાવતા લાગ્યા. પરંતુ એમની મીઠી વાતોમાં રાજેશને નવા એન્જીનીઅરને પછાડવાનું કાવતરું આકાર લઇ રહ્યું હોય એવો ભય સતાવતો હતો.

એ તો જેવા પડશે એવા દેવાશે  – રાજેશે ગાંઠ વાળી.

“એ શેઠાણીઓ – મારી માં – ઓઢવ આઈ ગયું. ચાલો હેંડો હવો બધા” સદા હસમુખ કંડક્ટરે  ટોપલાઓથી બસ ને પચાવી પડેલી બાઈઓ  તરફ હાક મારી.

“હોવે હો ભૈલા આમ રાડો ના પાડ્ય” બાઈની ભાષામાં કાઠિયાવાડી મીઠા  લહેકાએ આખી બસને જાણે તરબોળ કરી નાખ્યું. 

“એ….. પધારજો પાછા કાલે” દાઢીવાળો મીઠડો કંડક્ટર ખડખડાટ હસ્યો. રાજેશ આ કંડકટરને આ જ ટાઈમે રોજ જોતો અને  એની કાર્ય શૈલી પાર આફ્રીન થઇ જતો. પોતાના કામમાં ખુશ રહેવું તો કોઈ એની પાસે શીખે. કદાચ મારે પણ …

ઓઢવ પછી છેલ્લું બસ સ્ટોપ કઠવાડા હતું. અહીં આ સ્ટોપ ઉપર ઉતરતાં  ફેક્ટરીનું ગેટ આવે અને અંદર જતાં  થોડું આગળ કંપનીની કોલોની નજરે પડે . આ સમૂહની આજુબાજુ કાંઈ જ ન હતું – બધું વેરાન, વેરાન.

દૂર કાળા વાદળોમાં વીજળીના ચમકારા જોવામાં આવ્યા. આ વખતે અમદાવાદ અને આસપાસસના ઇલાકામાં વરસાદ વહેલો આવશે કે શું? અમદાવાદ ? અને વરસાદ? મુંબઈના રાજેશના એક મિત્રે  ટકોર કરી હતી કે કદાચ છત્રી વસાવવી જ નહિ પડે!

“આસ્તે, આસ્તે …” રાજેશે બસ મયૂર  કેમિકલ્સના સ્ટોપ પર ઉભી રખાવવા બૂમ પાડવી પડી. એ એમ ટી એસ ની બસોની આ ખાસિયત હતી – મુંબઈ ની બેસ્ટની બસો  કરતા જુદી. અહીં બસો વચ્ચેના સ્ટોપ પર સંપૂર્ણ રીતે ઉભી ન રહે. એ ખાલી ‘આસ્તે‘ થાય એટલે બસમાંથી ઉતરવા માગતા માણસો ‘આસ્તે‘ એમ બોલી ને ઝટ ઝટ ઉતારી જવાનું. અમદાવાદ જરી જુદું – જબ કુત્તે પે સસ્સા આયા તબ અહમદ શાહને શહર બસાયા!

રાજેશે જોયું કે ધીરેન દવે – ફેક્ટરીનો સ્ટોર કીપર એ જ બસ માં ચડી ગયો.

ધીરેન દવે આટલો મોડો ? કેમ રોકાવું પડ્યું હશે એને? ફેક્ટરીમાં હજી દીવાબત્તી થયા ન હતા.

વિચિત્ર!

ફેક્ટરી  થોડા વખત માટે ટેમ્પરરી બંધ થવાની હતી એવી ગુસપુસ આજે એણે સાંભળી હતી એ યાદ આવ્યું.

“અરે રાજેશભાઈ તમે જમીને આવી ગયા?” કવાર્ટર ની બહાર કુંડાળામાં ગ્રુપમાં બેઠેલા પી ડી એ દૂર થી એને આવકાર્યો.

“હા પી ડી સાહેબ. પણ ફેક્ટરીમાં કોઈ હલચલ નથી. બધું બંધ કેમ છે?” રાજેશે દૂર કેકટરી તરફ નજર કરીને હાથ કર્યો

“કોસ્ટિક સોડાનો સ્ટોક ખાલી થઇ ગયો અને આજે ટેન્કર આવવાની હતી તે ન આવી એટલે ફેક્ટરી બંધ! આ તો હર હંમેશ ની વાત છે રાજેશ ભાઈ. ચાલ્યા કરે. સારું ને ? રોજ ની પ્રોડક્શનની જંજાળમાં થી બ્રેક! ” કહેતાં કહેતાં પી ડી ના પેટ નું પાણી પણ ન હાલ્યું.

મોટા ભાગ ના ટેમ્પરરી મજૂર ને ટેમ્પરરી છૂટ્ટી  – પગાર વગર ! રાજેશથી વિચાર્યા વગર ન રહેવાયું.

“આવો ચા પીએ”

રાજેશ ન છૂટકે આ મંડળીમાં જઈને બેઠો.

“તો તમે લગન કરવા ક્યારે જાઓ છો” પંચાતની શરૂઆત થઇ ગઈ.

“હજી વાર છે – માર્ચ મહિના માં” રાજેશે ટૂંકો જવાબ આપ્યો.

કાળા ડિબાંગ વાદળો હવે સ્પષ્ટ દેખાતા હતા, સાથે વીજળીના ચમકારા વધી ગયા. લાઈટો વગર નું ફેક્ટરી નું મકાન ચમકારામાં ક્યારેક ઝગમગ દેખાઈ જતું.  બાજુ માં શાંતિથી સૂઈ રહેલું  એક કૂતરું અચાનક ઉભું થઇને ભસવા લાગ્યું. એ સાંભળીને ક્યાંય  દૂરથી બીજા કુતરાઓ ભસવા લાગ્યા. વાતાવરણ જરા ભય પમાડે એવું થઇ ગયું.

પી ડી એ ફેક્ટરી  બિલ્ડીંગ તરફ ઈશારો કર્યો ” અરે જુઓ આ પેલા ઝંડના તોફાનનો અણસાર તો નથી ને?”

“ઝંડ” રાજેશે પૂછ્યું “એ વળી શું છે?

” લ્યો ” હર્ષદ પટેલ ટાઈમ કીપર  હર્ષદ પટેલે  પી ડી તરફ જોઈને કહે “આ નવા જુવાન સાહેબને આપણા ભૂતની ક્યાંથી ખબર હોય ?”

“શેનું ભૂત? આ બધી કપોળ કલ્પિત વાતો છે” રાજેશ મજાકમાં હસ્યો.

મંડળીમાં સોપો પડી ગયો.

હવે વાતનો ફોડ પાડવાનો વારો પી ડીનો હતો

“રાજેશ ભાઈ તમે નવા છો અહીં. આ ફેક્ટરીનો ઇતિહાસ છે કે એ છાસવારે કોઈને કોઈ કારણે બંધ થઇ જાય છે અને બંધ ફેક્ટરીમાં ગંગારામનું ઝંડ – અરે ભૂત – રાતે આવીને હેરાન કરે છે.”

“ગંગારામ વળી કોણ?” રાજેશના પ્રશ્ને હર્ષદ ભાઈએ ડોકી હલાવી

“એ આપણે ત્યાં એક એક વાયરમેન હતો. આમ કેકટરી બંધ થાય તેવી રીતે એક વાર બંધ ફેક્ટરીમાં એકલો રાતે કાંઈ રિપેર કરાવવા આવ્યો હશે  તે શી ખબર અચાનક મરી ગયો. ત્યારથી જયારે જયારે ફેક્ટરી બંધ થઇ જાય ત્યારે રાતે તે ભૂત થઇને અચૂક  આવે છે અને જો કોઈ ફેક્ટરી તરફ જવાની હિમ્મત કરે તો તેને  બીવડાવીને હેરાન કરે છે.” પી ડી એ વિસ્તાર થી વાત કરી.

રાજેશ જરૂર કરતા જોરથી હસ્યો ” તમે બધા આ શું ભૂત ભૂત માંડીને બેઠા છો. ભૂત જેવું કાંઈ હોતું નથી – બધા મનના વહેમ. ….”

પી ડી રાજેશને બોલતો અટકાવીને બોલ્યા ” અરે હું પણ એમ જ માનતો હતો અને બધાંને સમજાવતો હતો પણ જ્યારથી મને પોતાને અનુભવ થયો ત્યારથી  હું પણ માનતો થઇ ગયો” કહી ને ચાની છેલ્લી ચૂસ્કી મારી.

“અરે તમે પણ શું પી ડી સાહેબ, ભણેલા ગણેલા થઇને આવી વાતોમાં વિશ્વાસ કરો છો?” રાજેશે હવે પી ડી પર સીધું નિશાન તાક્યું.

“અરે મારા સાહેબ, આ હસવાની બાબત નહીં. હું એક વાર બંધ ફેક્ટરી તરફ જતો હતો ત્યાં ગંગારામે – મતલબ કે એના ભૂતે – મને પડકાર્યો – મારી બિલકુલ પાસે અચાનક આગ લાગી એટલે હું તો એવો બીધો   કે મૂઠીઓ વાળીને ઘર ભેગો…”

“મારી સાથે પણ આવુજ થયું હતું —— હા રાજેશ સાહેબ ” માળી અને પાર્ટ ટાઈમ સિકયુરિટી મોતીરામ ભયથી થથરતો  બોલ્યો.

“બધો બકવાસ” રાજેશે તિરસ્કારથી બોલ્યો.

હવે નિશાન તાકવાનો વારો પી ડીનો હતો “તો થઇ જાય કાલે મુકાબલો? ચાલો કાલે રાતે એકલા ફેક્ટરીમાં જઈને બીજે માળે ચડીને ત્રણ વાર લાઈટ ચાલુ બંધ કરી બતાવો તો ખરા”

“કબૂલ” રાજેશે પડકાર ઝીલી લીધો.

ભાગ

ભૂતની વાતો પર રાજેશને બહુ નફરત. સાંજની બેઠક માં ભૂત વિષે જે નકામી ચર્ચા થઇ એ સમયનો બગાડ નહિ તો શું? આવી વાહિયાત વાતોને પડકાર આપ્યો એ આવા લોકોને મરદાનગીની બડાશ લાગી હોય એમાં નવાઈ નહિ. કદાચ એવું પણ હોય કે આવા નવા સવા લબર મૂછીયા જેવા, બની બેઠેલા ડિપાર્ટમેન્ટ હેડને બીવડાવવાની કોઈ ચાલ હોય. હા, આટલા વર્ષો અમે કાંઈ ફેક્ટરીમાં સાવ  બેસી નથી ખાધું હોં? એ છોકરો અમને શું નવું શીખવવાનો વળી? અમારા પી ડી સાહેબ હજાર ગણા અનુભવી છે.

રાજેશની કામ કરવાની રીત આવી જ હતી. ચીલા ચાલુ પ્રક્રિયાને ધ્યાનથી જોવી, સમજવી અને એમાં નવા શાસ્ત્ર પ્રમાણે બદલાવલાવવો એ એનો મંત્ર હતો. ચાલો થવા  દ્યો ત્યારે.

એના તબેલા જેવા ક્વાર્ટરના કામચલાઉ બેડરૂમમાં આજે ઊંઘ આવવી મુશ્કેલ હતી. એક તો આ ટાઈમે પણ લ્હાય જેવી ગરમી અને એમાં ય લોહી તરસ્યા મચ્છરો! તોબા તોબા. બહાર ક્યાંક વીજળીના ચમકારા દેખાતા હતા. પાસે પડેલા હચમચી ગયેલા લાકડાના સ્ટૂલ પર મૂકેલો ટેબલ ફેન એણે ફૂલ સ્પીડમાં ઓન કર્યો પણ વ્યર્થ.

રહી રહીને એનું મન પેલી ભૂત વાળી ચર્ચા તરફ વળી જવા લાગ્યું. એ શું એને ગભરાવીને ભગાવી મૂકવાની ચાલ જ ન હતી? કે પછી બધા અણઘડ  લોકો ખરેખર ભૂતના અસ્તિત્વમાં વિશ્વાસ રાખતા હતા? પેલો ભણેલો ગણેલો પી ડી પણ જાણે સર્કસના રિંગ માસ્ટરની જેમ શો કરવા લાગી ગયો?

અચાનક બહારથી જોરદાર હવાની થપાટમાં બારી ખૂલી ગયી અને ઉઘાડ બંધ થયા કીધી. જોયું તો બારીની સ્ટોપર તૂટી ગયી હતી એટલે એ તો આખી રાત  આમ જ રહેવાની.

ન છૂટકે રાજેશ પથારીમાંથી ઊઠ્યો અને બહાર પરશાળમાં આવીને આંટા મારવા લાગ્યો. અધૂરામાં પૂરું પાવર ડૂલ! બધે ઘોર  અંધારૂ. વીજળીના ઝબકારામાં તબેલા જેવા કવાર્ટરની હરોળ અને સામે પેલી ભૂતાવળ ફેક્ટરી! ગંગારામનું ભૂત ત્યાં આવા વાતાવરણમાં આવતું હશે?  ખરેખર?

રાજેશને અચાનક યાદ આવ્યું – એ બહુ નાનો હતો ત્યારે ભૂતની વાતોથી કેટલું ડરતો! અરે શબને જોવાની હિમ્મત ન હતી રાજેશમાં. આવા ભય કઈ ઉંમરે ગાયબ થઇ ગયા એ યાદ આવતું ન હતું.

સમસ્ત કોલોની શાંતિથી સૂતી હતી. ચારે બાજુ સન્નાટો – ફક્ત પવનના થોડા સૂસવાટા અને વીજળીના ચમકારા.

અચાનક મનમાં કાંઈ તુક્કો સૂઝ્યો અને એક નાનકડી ટોર્ચ લઇને એ નીકળી પડ્યો ફેક્ટરી તરફ. થોડા કૂતરાઓના ભસવા અવાજ વગર નીરવ શાંતિ. બહાર પી ડી ના ઘરની બહાર ટેબલ હજી એમનું એમ પડ્યું હતું. એણે   એક નાની પગદંડી પર ચાલવા માંડ્યું ફેક્ટરીના પાછલા ભાગ તરફ. ઝાડી ઝાંખરાંથી બચતો બચતો એ આગળ વધ્યો.

કોલેપ્સીબલ દરવાજો ખૂલ્લો હતો. કેકટરીના બિલ્ડીંગને તદ્દન અડીને જાણે બાથ ભરતું હોય એવું એક મોટું પીપળા નું ઝાડ વીંટળાયેલું હતું. પવનમાં પીપળાના પાનનો સળવળાટ વાતાવરણને એક અજબ રહસ્યમય બનાવતું હતું.

એકાએક એક માયકાંગલું કૂતરું ત્યાં આવી ચડ્યું અને એની સાથે ફેક્ટરીમાં દાખલ થયું. અરે આ તો પેલું જ કૂતરું હતું  જે સાંજે ટેબલ પાસે બેસી રહ્યું હતું. રાજેશને આમ તો કૂતરા ગમતા નહિ પણ આજે એનો સાથ ગમ્યો.

કોઈ પક્ષીનો માળો પવનમાં તૂટીને દરવાજા આગળ પડ્યો હતો – અંડરના ઈંડા તૂટીને ચૂર થઇ  ગયાં હતાં. કૂતરાએ એની આદત મુજબ માળાને સૂંઘ્યો; રાજેશ સાચવીને અંદર દાખલ થયો – સાથે કૂતરું પણ.

આ કુદરતી તોફાન હતું કે પછી પ્રગટ થનારો  ભૂત છડી પોકારતો હતો?

વરસાદનું તોફાન હવે જોર  પકડતું જતું હતું.

“અરે આટલી બધી બેદરકારી?” પ્રોડક્ટ્સના ડ્રમ પલેટ પર જયાં ગોઠવેલા હતા તેને કાંઈ ઢાંક્યું ન હતું.

“આ તે કેવો સ્ટોર કીપર છે? વરસાદી વાતાવરણ તો સાંજ થી લાગતું હતું તે ફેક્ટરી થી નિકળતાં પહેલાં માલને  કવર કરવો  જોઈને? એટલી  બુદ્ધિ નહિ ચાલી એ મહાશયની ?”

આજુબાજુ કોઈ મદદ કરવા માટે હતું? કોઈ નહિ. ફક્ત પેલું કૂતરું!

એવામાં એની નજર પાસે પડેલી તાડપત્રી પર ગઈ. પણ એને ખેંચી લાવવા માં મદદ કોણ કરશે ? “અલ્યા કૂતરા બિરાદર તુ કરશે?”

બિરદારે ફક્ત એની પૂંછડી હલાવી.

જાતે કર્યા સિવાય છૂટકો ન હતો. મોમાં નાનકડી ટોર્ચ દબાવીને એના પ્રકાશમાં પૂરી વિસ મિનિટ મહેનત કરીને એણે ધીરે  ધીરે  તાડપત્રી પીપડાં ઉપર ઓઢાડી.

ગંધાતા અને ગંદા હાથ ખંખેર્યા, એના પગ પણ કળતા હતા. પણ કંપનીના વફાદાર નવા મેનેજરે  ટોર્ચ ને મોઢામાં રાખી ને આખો પ્લાન્ટ તપાસી જોયો. બાકી બધું  બરાબર લાગતું હતું.

“કૂતરા બિરાદર, બધું  ઓકે છે ચાલ હવે ઘેર જઈએ. આજે તો ગંગારામનું ભૂત આવ્યું નહિ, રામ જાણે કાલે આવશે કે નહિ!”

બે–પગા અને ચાર–પગા પ્રાણીઓ પાછા વળ્યાં. એ પોતાના ‘ઘર‘ માં ઘૂસ્યો અને કૂતરો બિરાદર ઘર ની પરશાળ માં ટૂંટિયુ વાળીને સૂઈ ગયો.

જલ્દીથી નાહીને રાજેશ પથારીમાં પડ્યો. ઊંઘ તરત આવી ગઈ. સપનામાં પી ડી અને એના મળતિયાઓ એક બીજાની પીઠ થાબડીને એની મશ્કરી કરતા દેખાયા. કોઈ નહિ ને પેલો કૂતરો એ બધા સામે ઘૂરકવા લાગ્યો! વિચિત્ર, ભાઇ….. વિચિત્ર!

નવા દિવસની સવાર:

“ગરમા ગરમ નાસ્તો અને ચા આવી ગયા, ઊઠો … ઊઠો.” બારણે કોઈ છોકરી નો મધુર અવાજ.

રાજેશે ઝટ ઊભા થઇ ને બારણું ખોલ્યું તો સામે પી ડી ની દીકરી નાસ્તા ની ટ્રે લઇ ને ઊભી હતી. ચૌદેક વર્ષ ની મુગ્ધા શરમાઈને  નીચું જોઈ ગઈ.

“આ મમ્મી એ મોકલાવ્યું છે તમારા માટે“

“ઓહ ક્યાં બાત હૈ. તારું નામ તો કહે”

“હેમા,,,” કહીને એણે ટ્રે રાજેશના હાથમાં પકડાવી.

“અરે તારી, શું વાત છે? પેલી….. હેમા માલિની ની જેમ?” રાજેશ ને ટીખળ સૂઝ્યું

“ઓઇ માં ,..” હેમાએ પોતાના ઘર તરફ દોટ મૂકી.

“પી ડીની આ વળી કોઈ નવી ચાલ છે કે શું?” રાજેશ મરક્યો

જલ્દી થી સ્નાનાદિ પતાવી ને એ પાછો ફેક્ટરી તરફ નીકળ્યો – બધું ઠીકઠાક  છે કે નહિ ?

સમગ્ર વિસ્તારમાં કમોસમી વરસાદથી થોડો કાદવ થઇ ગયો હતો.

પહેલા વિચાર્યું કે ફેક્ટરીના મેઈન ગેઇટ તરફ ચક્કર મારું. સિકયુરિટી ગાર્ડ ચમનલાલ  આરામથી ખુરશી પર બેઠો બેઠો બીડી પી રહ્યો હતો. અચાનક પાછળથી આવી લાગેલા મહેતા સાહેબને જોતા સફાળો ઊભો થઇ  ગયો અને હાથમાંથી  બીડીને દૂર ફેંકી દીધી અને સાથે સેલ્યૂટ પણ મારી.

“અલ્યા સેલ્યૂટ તો સમજ્યા પણ ફેક્ટરીમાં બીડી પીવાની મનાઈ છે એ ભાન નથી તને?”

“હા સાહેબ પણ અબી હાલ તો ફેક્ટરી બંધ છેને સાહેબ એટલે …..’

“અલ્યા મૂર્ખ આજુબાજુ કેટ–કેટલાય સળગી ઊઠે એવા પીપડાં  પડયા છે તેનું શું?” રાજેશ નો પિત્તો ગયો.

“હાજી સાહેબ. સોરી સાહેબ. ફરી પાછી ભૂલ નહિ થાય. માતાજીના સોગંદ”

રાજેશ આગળ ચાલ્યો ત્યાં તો ….

” સાહેબ એક વાત કહું?” ચમનો બોલ્યો.

‘હવે શું છે તારે?” રાજેશને બગાસું આવ્યું.

“સાહેબ, સાહેબ, મેં કાલે રાતે ફેક્ટરીની અંદર ભૂત જોયું – પે….લા…   ગંગારામનું” ચમનો  ગભરાયેલો હતો.

“અલ્યા તો શું બકે છે તે તને ભાન છે? તેં ભૂત જોયું અને તું હજી જીવતો છે ?”

“સાહેબ, માતાજી ના સોગંદ.  હું આ જ ખુરશી પર બેઠો બેઠો …..”

“ઊંઘતો હતો એમ જ ને?” રાજેશે વાક્ય પૂરું કર્યું.

“ના સાહેબ. હું અહીં ચોકી કરતો હતો પણ  ઠંડી લાગી એટલે સામેની સિકયુરિટી કેબીન માં જઈને આ કામળો  ઓઢીને બેઠો. “

“પછી બોલ?”

“લગભગ મધરાતે મેં જોયું કે કોઈ નાના અમથા ફાનસ લઇને ફેક્ટરી ના ભોંય તળીએ આંટા મારી રહ્યું છે. થોડી વાર માં કાંઈ સળવળાટ થયો અને કોઈ જાણે તાડપત્રી ખેંચતું હોય એનું લાગ્યું.”

“તેં તને એમ ન થયું કે લાવ અંદર જઈને તપાસ કરૂં?”

“સાહેબ હું બહુ ડરી ગયો હતો.”

“અને તને કંપનીના માલિકો  રખેવાળી કરવાનો પગાર આપે છે તેનું શું?”

” મારે ય ઘેર બૈરી છોકરા છે સાહેબ. મને જો ભૂત ખાઈ જાય  તો ?”

“સા… તમે બધા નકામા લોકો ભેગા થઇને કંપનીની પત્તર   રગડી કાઢવાના  છો કોઈ દિવસ.’

રાજેશ મૂછમાં હસતો ત્યાંથી નીકળી ગયો. ‘સાલું આણે કાલે રાતે મને જોયો હતો  ખરો પણ મારો  બેટો અંદર આવવાની હિમ્મત ક્યાંથી કરે? મેં જ ભૂત નો રોલ અદા કર્યો. વાહ રાજેશ!’

ગંગારામના કહેવાતા ભૂતની અફવા એટલી પ્રસરી ગયી હતી કે આવા અભણ માણસ પાસે શી આશા રખાય?

પ્લાંટના ગ્રાઉન્ડ ફ્લોર પર આમ તો બધું બરાબર હતું. કોઈક કોઈક જગ્યાએ પાણીના ખાબોચિયા થઇ ગયા હતા – છાપરા માં ક્યાંક લીકેજ થી. એ તો કાલે સિવિલના સુપરવાઈઝર પાસે કરાવી levaashe.

તૈયાર માલના પીપડાં  ઉપર એણે ઓઢાડેલી તાડપત્રી હજી ટકી રહી હતી.

હવે શું કરવું?

ફેક્ટરી તો બંધ હતી અને આખો દિવસ ક્વાર્ટરમાં બેસી રહેવા કરતાં બહાર નીકળી જવું શું ખોટું? મનમાં એક પ્લાન ઝબક્યો. ઘેર થી એક મોટી, પણ વજનમાં હલકી બેગ લઈને એ ધીરે ધીરે બસ સ્ટેન્ડ તરફ નીકળી પડ્યો.

પરશાળ માં ઊભેલી હેમાએ એને બેગ લઈને નીકળતાં જોયો. એના નાનકડા મનમાં અચરજ થયું.

હવે કોલોની માં શી હો હા થઇ તે જોઈએ:

પી ડી આખી કોલોનીમાં ફરી વળ્યો – મોઢા પર ખુશાલીનો પર નહિ.

“અરે સાંભળ્યું? અમારી હેમાએ રાજેશને બેગ લઇને જતો જોઈ લીધો.”

“આજે રાતે ગંગારામ ના ભૂતનો સામનો એ પોકળ માણસ કેવી રીતે કરી શકે? આખરે થઇ ગયો ને નૌ દો ગ્યારા?” હર્ષદ ભાઇ એ ટાપશી પૂરી.

બધા ખુશ ખુશાલ.

“લે, રાજેશ ભૈ ડરી ને પૂગી ગયા ?” પી ડી ની સીધી સાદી ઘરવાળી બોલી – જ્યારે હેમાના મોઢા પર ચિંતા ચિંતા.

ખાલી પેલું વફાદાર કૂતરું જ ગુમસૂમ બેઠું હતું.

પી ડી એક રાજવીને છાજે એમ ફેક્ટરીનો રાઉન્ડ લેવા નીકળ્યા. હવે તો આખા ઓપરેશનના એજ સર્વે સર્વા  હતા ને?  પ્લાંટમાં બધું ચકાશી લીધું. હવે કોણ રાજેશ ને કોણ નવો મેનેજર? પી ડીની ખુરશી  હવે સલામત  હતી. એક એવો વિચાર પણ ઝબકી ગયો કે ખરેખર જો રાજેશ ભૂત ને મળ્યો હોત તો? રાતે એકલા બંધ ફેક્ટરીમાં જવાની બડાશ હું તો ભૈ સાબ ન મારું. ભૂત આવે છે એ નક્કી.

પણ હવે મારે શું?”

દિવસે થોડો થોડો હલકો વરસાદ પડયા કીધો. વાતાવરણ ખુશનૂમા હતું.

સાંજે પાછી મંડળી જામી.

“પી ડી સાહેબ આ તો ટાઢા પાણીએ ખસ ગઈ. પાર્ટી કરો પાર્ટી ” હર્ષદભાઈ એ મમરો મૂક્યો.

પી ડી એ ઓર્ડર કર્યો ” એ સાંભળે છે? ભજીયા બજિયા બનાવો હવે , વરસાદી માહોલ છે“

થોડી વારમાં હેમા ભજીયા – ચા આવીને મૂકી ગઈ.

બધા મોજમાં હતા.

એકા  એક, મોતીલાલની આંખ ચમકી.

“અરે આ કોણ મોટી બેગ લઇને આ તરફ આવી રહ્યું છે? જુઓ જુઓ.”

બધાએ ડોકી ગેઇટ તરફ ફેરવી.

ખરેખર? એ રાજેશ જ હતો. સવાર કરતા જરી ભારી બેગ લઈને મક્કમતાથી ડગલાં માંડતો આવતો હતો.

બધા સ્તબ્ધ !

જેવો રાજેશ નજીક આવ્યો એટલે હર્ષદભાઈએ ઠાવકાઇથી પૂછવાની પહેલ કરી

“ઓ હો હો હો રાજેશ ભૈ. ચ્યોં જઈ આયા?”

“અરે એમોં  મૂંઝાઈ  કેમ ગયા. હું રોજની જેમ શહેર જઈ આયો.” (રાજેશે ખાસ અમદાવાદી શૈલીમાં જવાબ આપ્યો)

“મારી ચા છેને આજે પણ?” રાજેશે અદાથી પૂછ્યું?

“અરે ના ના રાજેશ ભૈ, અમે શું કામ મૂંઝાઈએ? ચા અબ ઘડી આવી“.

“અરે એક કપ ચા આપણા રાજેશ ભૈ માટે મોકલજો” રીતસર મૂંઝાયેલા પી ડી એ ઘર તરફ મોઢું ફેરવીને ઓર્ડર છોડ્યો.

રાજેશનું નામ સાંભળતા મુગ્ધા હેમા ચા નો કપ લઇને બહાર દોડી આવી અને શરમાઈને  એક નજર નાખીને પાછી ઘર માં ભરાઈ ગઈ.

ક્વાર્ટર ખોલીને બેગ પરશાળમાં મૂકીને રાજેશ ઝડપથી મંડળીમાં  જોડાઈ ગયો.

“વાહ, વરસાદી માહોલમાં ચા ની ચૂસ્કી ! – કેવી  મઝા, કેમ?”

હેબતાઈ ગયેલી મંડળી શું કહે?

“હેં રાજેશ ભૈ, તમે તો લગનની બહુ ખરીદી કરી આયા ને?” પી ડીની ધર્મપત્ની બોલી ; પાછળ હેમા લગનનું નામ સાંભળતા અકળાઈ ગઈ.

“તમે ય શું ભાભી? લગનને તો હજી બહુ વાર છે. આ તો મને થયું કે તમારા સૌની ભાભી અહીં રહેવા આવે ત્યાં સુધી માં થોડી વસ્તુ ભરી દઉં. એમે ય ક્વાર્ટરમાં કશું આપ્યું નથી સાહેબોએ” રાજેશે ચાની ચૂસ્કી  ભરતાં દાવ ફેંક્યો.

મંડળી ચૂપ! ભાગી જવાનું તો દૂર – આ તો હવે રહેવા ની વાત કરે છે મારો બેટો!

પી ડી થી હવે ના રહેવાયું. “એ બહુ સારું હો. આજે રાતે ફેક્ટરીમાં જશો  કે નહિ – ગંગારામના ભૂતને જોવા?”

“અરે હા. ગંગારામ ના ભૂતને મળવા તો જવાનું મને બહુ મન છે. કેમ પૂછો છો? ” કરીને રાજેશ બંને પગ સામેની ટીપોય પર અદાથી ગોઠવ્યા.

“લે આ તો ખરો માણસ છે. ભૂત જોશે એટલે છઠ્ઠીનું ધાવણ યાદ આવી જશે બિચારા ને” પી ડીની મનોવ્યથા એ માઝા મૂકી.

કોણ જાણે આજે રાતે શું થશે? ભૂત આવીને આના છકા છોડાવી દે એટલે બસ. અરે પણ આને મારી બારી નાખ્યો તો? પી ડી ને પરસેવો વળી ગયો.

મંડળી ખાસિયાણી પડી ગઈ હતી તે હવે ખરેખર મૂંઝાઈ ગઈ હતી.

આ બાજુ મુગ્ધા  હેમાએ મનોમન હનુમાન ચાલીસાના પાઠ ચાલુ કરી દીધા.

ભાગઅનેછેલ્લો

ભૂતની વાર્તા હંમેશા રસપ્રદ હોય છે. તમે ભૂતમાં ન માનતા હોય તો પણ હવે શું થશે એ જિજ્ઞાસા કાયમ રહે છે. ક્યાંકથી સાંભળેલી, બહૅમથી ભરપૂર ભ્રામક વાર્તા એટલે ભૂત પ્રેતની વાર્તા. ઘણી વાર તો આવી વાર્તાઓને વહેતી મૂકવામાં કોઈ પોતાની ખીચડી પકાવતું હોય એવું પણ બને. ભૂતના અવાજો એટલે વહેમ અને મનુષ્યનો  હાથે કરીને મેલી વિદ્યામાં મૂકેલો વિશ્વાસ.

ગંગારામના ભૂત ની બધી વાતો રાજેશને ગળે ઉતારતી ન હતી એટલું જ નહિ પણ સત્ય શું છે એ શોધી કાઢવાની ઈચ્છા પ્રબળ બનતી જતી હતી. આવી વાતો ફેલાવવામાં કોઈનો હાથ કે કોઈનો  સ્વાર્થ હોવો જોઈ એમ અને સ્પષ્ટ દેખાતું હતું, સત્ય શોધવા આની પાછળ આદુ ખાઈને પડયા વગર હવે એને જપ ન હતો.

પી ડી ને રાજેશ જેવા નવા મેનેજરથી ગભરાઈને આવી વાતો ફેલાવવામાં રસ હોઈ શકે.

કે પછી એને ભૂત પ્રેતની વાતોમાં ખરેખર વિશ્વાસ હતો? કહેવું મુશ્કેલ હતું.

ઘણા  વિચાર કર્યા બાદ રાજેશને લાગ્યું કે આ બને થીઅરીમાં થોડી થોડી સચ્ચાઈ હતી. પી ડીને  પોતાને ખબર ન હતી પણ રાજેશ કોઈ રીતે ગભરાઈને છોડી ને જતો રહે એ એનો મૂળ મુદ્દો હતો.

રણ છોડીને ભાગી જવાનું રાજેશના સ્વભાવમાં ન હતું. નવા માણસ સામે રઘવાટ અને ઘુઘવાટ   થાય એ સ્વાભાવિક હતું. એ તો જે હોય તે.

આજ સાંજનું વાતાવરણ ભૂતની વાર્તાને અનુરૂપ હતું. કાળા ડિબાંગ વાદળો દૂર થી આવતા દેખાવા માંડ્યા. વીજળીના ઝબકારા પણ.

‘એ… હું તો આ…. હાલ્યો ભૂતને મળવા‘ કરીને રાજેશ એની બેગ અને નાની ટોર્ચ લઇને ઘેરથી નીકળ્યો.

‘આ બૈલ  મુઝે  માર‘  કરવા નીકળેલા રાજેશને બહાર ભેગા થયેલા માણસોએ વિસ્ફારિત  નયનોથી જોયા કીધો. “ખરો માણસ છે!” કેટલાકને હવે રીતસર દયા આવતી હતી તો કેટલાકને સહાનુભૂતિ.

“અમસ્તા આવા જુવાન એન્જીનીઅરને દાવ પર લગાવવામાં  સમજદારી ન હતી. એને પાછો વાળવો પણ શક્ય ન હતું. “સાલો જક્કી છે. એ જ લાગનો  છે”

કોઈ મનુષ્ય સંપૂર્ણ પણે દેવ કે દાનવ નથી હોતો. એક અજબ પ્રકારનું મિશ્રણ હોય છે. અને આ મિશ્રણ પણ સમય સમય પર બદલાતું રહે છે. કોલોનીના રહેવાસીઓના વિચારો આ વાતની સત્યતા દર્શાવતા હતા. પેલી મુગ્ધા હેમા તો મનમાં ને મનમાં પ્રાર્થના કરતી રહી.

અરે ખુદ પી ડીને હવે થતું હતું કે આ જરા વધારે પડતું થઇ રહ્યું હતું. ‘બેટમજીએ શા માટે આ દુ;સાહસ ખેડવું  જોઈએ? મરી બરી ગયો તો જોવા જેવી થશે‘  પણ હવે ઘણું મોડું થઇ ગયું હતું. પી ડીની ઘરવાળીએ પણ “એ તો મારા વાલાંને જે મંજૂર હશે તે થશે. મૂકોને વાત હવે” કરીને વાત પર પૂળો મૂક્યો.

આ બાજુ હેમાએ નિશ્વાસ મૂક્યો.

“અરે રાજેશભાઈ આમ બેગડાં લઇને કેમ હાલ્યા ને એ ય આટલા વેલા? ” હર્ષદભાઈથી ન રહેવાયું,

“કેમ વળી? ભૂત હાર્યે બાથંબાથી થાય તો ઓજાર જોઈએ ને ?” રાજેશે કાઠિયાવાડી લહેકામાં મસ્તી કરી.

“ભૂત મારી રાહ જોઈને બેસી રહે એ કરતા મેં કીધું કે હું જ જઈને એની રાહ જોઉં? કેમ બરાબર ને?” કહીને એક હીરો ની અદાથી નીકળી પડ્યો રાજેશ. ટોળું એને જોતું રહ્યું.

રાતના સાડા દસ થયા; આકાશમાં વીજળીના ચમકારા વધી ગયા, કડાકા ભડાકા તીવ્ર થયા.

રાજેશે મિલિટરી સ્ટાઇલના ખીલાવાળા બુટ પહેર્યા હતા તે તરફ બધાની નજર ગઈ. ‘પાછા દોડતા આવવું હોય તો કાદવમાં લપસી ન પડાય એટલે..’ – મોતીલાલે  તર્ક દોડાવ્યો.

પેલું કૂતરું રાજેશ સાથે ક્યારે જોડાઈ ગયું એ સમજાયું નહિ. થોડી વારમાં બંને ઝાડીમાં દેખાતા બંધ થયા.

“સાલો મરવાનો છે” પી ડીએ થોડા ઉપરછલ્લા કંટાળા સાથે કહ્યું.

“અરે સાંભળો છો? આજે બહુ બહાર બેસી ના રહેતા. ઓલ્યું ભૂત…..” વાક્ય અડધું છોડી ને પી. ડીની ઘરવાળીએ તાકીદ કરી. “એ તો જે થવાનું છે તે થશે જ. એ મૂર્ખો મરશે તો મરશે”

લાગ જોઈને મોતીલાલ ફેક્ટરીના મુખ્ય ગેઇટ પર દોડી ગયો અને ચમનલાલને મળ્યો. ગઈ કાલ રાતની ચમને જોયેલા ભૂતની વાત સાંભળીને વધારે બીધો. નક્કી આજે કાંઈ થશે. પાછા આવીને ભેંકાર, બંધ પડેલી ફેક્ટરીના મકાનને ઉચાટથી જોઈ રહ્યો.

રાજેશે ઝાડી અને કાદવમાંથી સાવધાનીથી રસ્તો કાઢતાં કાઢતાં આગળ વધવાનું ચાલુ રાખ્યું. સાથે વફાદાર કૂતરું પણ ..

વાદળોનો ગડગડાટ વધ્યો. રાજેશ પાછલા દરવાજેથી ખુમારીથી અંદર આવ્યો અને બીજે માળે પહોંચ્યો.

“મારો હાળો, ક્યાં પહોંચ્યો હશે? હજી લાઈટ થઇ નહિ.  ભૂતે ફસાવ્યો કે શું? ” ટોળાંમાં અટકળો ચાલી.

“ગમે એ કહો પણ માણસ બાકી પહોળી છાતી વાળો છે અને નસીબ પણ સાથ આપે છે” હર્ષદભાઈ થી ન રહેવાયું.

‘એનું નસીબ આપણા માટે જોખમ કારક છે, હું હમજ્યા હર્ષદ ભૈ ?” પી. ડી એ ફાચર મારી.

“પણ આટલી બધી વાર કેમ લાગે છે એને? ભૂતનો ભેટો થઇ ગયો લાગે છે. બિચારો…”

“એ જ લાગે નો છે“

“કેમ કશો  અવાજ આવતો નહિ?” પાકા અમદાવાદી વૃદ્ધ કેશુભાઈ બોલ્યા

જાત જાતના સવાલોની રમઝટ ચાલી.

છેક અડધા કલાક  પછી લાઈટો ત્રણ વખત ચાલુ બંધ થતી  જોવામાં આવી.

“આ તો પહોંચી ગયો હહરો !”

“ચૂપ ” પી ડીને ગુસ્સો આવ્યો “પાછો આવે ત્યારે માનું”

અને થોડી ક્ષણોમાં એક ચીસ સંભળાઈ. કોઈના દોડવાનો અવાજ, એક જોરદાર ફટકાનો અવાજ,કૂતરા નો દર્દભર્યો  ચિત્કાર, કાંઈ સમજાતું ન હતું.  રાજેશને ભૂતનો ભેટો થયો કે શું?

“ના ના ભૂત નક્કી છે” પી ડી ની આશા સફાળી ઉગી નીકળી.

કોઈકના ફેક્ટરી બિલ્ડીંગમાંથી બહાર દોડી જવાનો અવાજ

“અરે મરી ગયો રે બાપલીયા” –આ કોનો અવાજ હતો? પેલો  વોચમેન ચમનો તો નહિ? મૂરખનો સરદાર! – અંદર અંધારામાં શું કામ દોડી ગયો? આ બધું સાંભળીને અનુભવી રહેલા પી ડી , હર્ષદભાઈ અને મોતીલાલ ધ્રૂજવા   માંડ્યા.

ભૂતનો  હૂંકાર, અટ્ટહાસ્ય; કોઈનો ખાબોચિયામાં પડી જવાનો અવાજ, વીજળીના કડાકા ભડાકા – બધું ડરામણું.

થોડી વારમાં સઘળું શાંત – તદ્દન શાંત. શું ચાલી રહ્યું હતું ત્યાં?

“રાજેશ જીવતો છે કે પછી…? ભૂત હજી ત્યાં હશે? પેલા હોશિયારીના પૂંછડા રાજેશ ને તો બરાબર સ્વાદ ચખાડ્યો લાગે છે.” પી. ડી. નું મનોમંથન.

આ ત્રિપૂટીને જે ખબર ન હતી તે આમ હતું:

ચમનલાલને આગલે દિવસે રાજેશે ચમકાવ્યો હતો તે જેવી  ફેક્ટરી માં લાઈટો  ઉઘાડ બંધ થતી જોઈ તેમ   બહાદુરી બતાવવા અંદર દોડ્યો. એ કાંઈ સમજે વિચારે એ પહેલા કોણ જણે કેમ પેલું કૂતરું જોરથી ભસતું ભસતું ચમના પાછળ પડ્યું. ચમન બીધો કે નક્કી ગંગારામના ભૂતે કૂતરાનું રૂપ લઇ ને એને મારવા આવ્યું. ગભરાટ માં એણે એને ડંગોરો કૂતરા તરફ ઝીંક્યો અને પછી “મરી ગયો રે, બાપલીયા બચાવો” બૂમો પાડતો, મૂઠ્ઠી વાળીને દોડતો બિલ્ડીંગ ની બહાર દોડી ગયો. કૂતરું બિચારું આ પ્રહાર થી ઘવાયું અને ચિત્કાર કરી ઊઠ્યું. ચમનો એટલે બી ગયો   કે ગેઇટ પર રોકાવાને બદલે બહાર નીકળી, પોતાની સાઇકલ પલાણીને પાછળ જોયા વગર ભાગ્યો… કે વહેલું આવે ઘર.

કોલોનીમાં હાલત જોવા જેવી હતી.

દિગ્મૂઢ થઇ ગયેલી  ત્રિપુટી આકુળ વ્યાકુળ હતી. ગંગારામનું ભૂત રાજેશને પતાવીને આ બાજુ આવી ગયું તો?

આ ત્રિપૂટી સિવાયના બીજા લોકો માટે આટલો ચમત્કાર બસ હતો.  એમણે પોતાના કવાર્ટરમાં ભરાઈ જવાનું મુનાસીબ માન્યું. ગણી ને ત્રણ જણ રહી ગયા. મોતીલાલે એના હાથનો ડંગોરો કસીને પકડ્યો. પી. ડી. અને જમાનાના ખાધેલ હર્ષદ ભૈ ઊભા થઇ ગયા.

પૂરા એક કલાક સુધી એમણે કાઇંક થવાની રાહ જોઈ. ત્યાં તો બધું શાંત વર્તાઈ રહ્યું  હતું. પણ રાજેશ ક્યાં? ભૂત  જતું રહ્યું હશે? સવાલો ઘણા,  પણ જવાબ કોઈ પાસે ન હતો.

કાલે જ્યારે ખબર પડશે ત્યારે રાજેશને કાંઈ થઇ ગયું હશે તો કમ સે કમ પી. ડી એ માલિકો ને જવાબ આપવો પડશે. જઈને તપાસ કરવી જોઈએ. પણ કોણ જાય ત્યાં?

આખરે ત્રણે જાણે ભેગા પ્રયાણ કરવાનું નક્કી કર્યું. ધીમે પગલે, ભૂત ક્યાંકથી નીકળી ન આવે તે જોતી જોતી  ત્રિપૂટી ફેક્ટરીના પાછલા ગેઇટ તરફ આગળ વધી.

મોતીલાલના હાથમાં એક મોટી ટોર્ચ અને ડંગોરો હતો. વીજળીના ચમકારા હજી આવનારી ગોઝારી પરિસ્થિતિનો અણસાર આપતા હતા. શું થશે?

એકાએક સૌથી આગળ ચાલતા હર્ષદ ભાઈ કાદવમાં લપસ્યા અને છેક ગેઇટની અંદર ફસડાયા. એના બાકીના સાથી અંદર દોડયા.

અને ત્યાં તેમણે ગંગારામનું ભૂત પ્રત્યક્ષ જોયું!!

એજ સફેદ કુર્તો પાયજામો – જેમાં એ કામે આવતો, એજ બક્કલ નીકળી ગયેલા સેન્ડલ – સામે ઊભો હતો.

ત્રણે જણ ભયથી દિગ્મૂઢ

:હા હા હા , તમે આવ્યા ખરા ત્યારે” ભૂત નો પહાડી અવાજ ડરામણો અને ગાત્રો ઢીલા કરી નાખે એવો સંભળાયો.

જો આને તો મેં મારી નાખ્યો – બડો શૂરવીર થવા જતો હતો” કહીને ભૂત ની આકૃતિએ પીપળાના ઝાડ નીચે પડેલા રાજેશના શરીર તરફ નિર્દેશ કર્યો.

ભયથી ફફડતા એ લોકોએ જોયું – તાડપત્રીથી ઢંકાઈ ગયેલ નિશ્ચેત દેહ; એણે પહેરેલા મિલિટરી સ્ટાઇલના બુટ !

તમે પણ મરવા તૈયાર થઇ જાવ હવે” એના  સતાવાહી અવાજથી એ લોકો લગભગ મરી જ ગયા.

“જો જો ભાગવાની કોશિશ ના કરતા“

નજીક માં કૂતરું બેઠું હતું– એના ઘા ચાટતું. પણ એકદમ શાંત.

“ગંગારામ અમને જવા દે. તારી કોઈ ઈચ્છા હોય તો કહે” પી. ડી.એ બધી શક્તિ એકથી કરી ને ધ્રૂજતે  અવાજે યાચના કરી.

ભૂત ના આકારે એક ડૂસકું મૂકયુ અને તરત જ ગર્જના કરી ” મોટા પૂછવાવાળા આવ્યા. ઈચ્છા? ઈચ્છા તો છે તમને અને તમારા કુટુંબને ખાઈ  જવાની, બોલો? મેં આખું આયખું આ કંપની માટે ખર્ચી કાઢ્યું અને તમારામાં  મારો બાકીનો પગાર ચૂકવવાની અક્કલ નથી. મારી ગ્રેચ્યુટીના પૈસા નું શું? .ખાઉં ખાઉં લાવ બધાને” ભૂત ના સફેદ કપડાં વધારે ફરફરવા માંડ્યા.

“સાહેબ…. અરે ગંગારામ, જા તારા બધા પૈસા કેમિલીને કાલે મળી જશે.  મારું વચન છે તને. હવે તો શાંતિ થી સિધાવ.” ધર્મરાજ પી ડી બોલ્યા

” તમારા બધાના ફેમિલી નો સત્યાનાશ  કરી દઈશ – તમારા ઘરમાં આવી આવી ને” હા હા હા હા – ભૂતે ભયંકર અટ્ટહાસ્ય કર્યું,’

“જય બજરંગ બલિ જાય બજરંગ બલિ.. ” નો પોકાર કરતાં કરતાં પી ડીએ બેઉને ભાગવાનો ઈશારો કર્યો.

“ભાગો બધાય અને પાછું  વળીને જોતા નહિ હવે” સૂચના આપીને ત્રણે  જણ મુઠ્ઠીઓ  વાળીને ભાગ્યા કોલોની તરફ. પાછળ ભૂતના હોંકારા અને પડકારા ધીરે ધીરે સંભળાતા બંધ થયા.

કોલોની પહોંચીને બધા ઝટ  પોતપોતાના કવાર્ટરમાં બારણું લોક કરીને ભરાઈ ગયા. પાછળ જોવાની – અરે બારી ખોલવાની પણ હિમ્મત રહી ન હતી હવે,

ત્રણે બિરાદરો ને જે મન માં ડર હતો તે પ્રત્યક્ષ નિહાળવા મળ્યો. આને જ  hallucination  (ભ્રામકતા) કહેતા હશે? રામ જણે. મન માં માનેલા ભૂત નું તાંડવઃ ની પૂર્ણાહૂતિ થઇ ગઈ આમ લાગતું હતું.

બીજા દિવસની સવાર! સૌથી પહેલાં પી ડી ઊઠયા અને હિમ્મતથી બહાર નીકળ્યા. એને જોઈને આપણા હર્ષદ ભૈ અને મોતીલાલ અને બીજા મોટેરા  નીકળ્યા. આકાશ સ્વચ્છ થઇ ગયું હતું. 

પી ડી કે બાકીના ત્રણ માના કોઈએ  પોતાના ઘરમાં  રાતની ભયાનક વાત કરી ન હતી.

શું કહે?

કે અમે ગંગારામનું ભૂત પ્રત્યક્ષ જોયું? અમે જેમ તેમ જીવતા પાછા આવ્યા? કે રાજેશને અમે મરેલો ભાળ્યો ?

પી ડીને વિચાર મગ્ન જોઈ  હર્ષદભાઈ એ પૂછી નાખ્યું ” તે પી ડી સાહેબ હવે શું? રાજેશ તો ત્યાં પડ્યો છે બિચારો. જો મરી ગયો હોય તો આપણે લાશ લઇ આવવી જોઈએ અને માલિકોને અને પોલીસ ને ખબર આપી દેવી જોઈએ.”

“હોવે હર્ષદભાઈ” પી ડી નો થાકેલો અવાજ.

“ગંગારામના પૈસા ની વ્યવસ્થા પણ કરી જ નાખીએ. એ ભૂતનો ભરોસો નહિ. ક્યાંક  આજે રાતે અહીં આવી ચડે તો? મારે મરવું nathi” મોતીલાલના અવાજ માં ડર હતો.

હેમા ચા નાસ્તાની ટ્રે લઇને બહાર આવી, રાજેશના ઘરના  પરશાળમાં એક નજર નાખી ત્યાં એનાથી તીણી  ચીસ પડાઈ  ગઈ – ખુશીની ચીસ?

બધા એ એ તરફ મોં ફેરવ્યું અને શું જુએ છે?

રાજેશ કવાર્ટરની બહાર નીકળીને પરશાળમાં હળવી કસરત કરતો હતો.

“અરે આ રાજેશ? કે પછી હવે રાજેશ પણ ભૂત થઇ ગયો?” મોતીલાલ થી ધીમી બૂમ પડાઈ ગઈ.

પી ડી અને હર્ષદ કાંઈ બોલ્યા નહિ – એમની નજર રાજેશની આકૃતિ તરફ મંડાયેલી રહી. રાજેશ કે એનું ભૂત?

“કેમ છો બધા” રાજેશે સ્મિત સહીત પૂછ્યું

“કરી  બતાવ્યું ને મેં શરત મુજબ? ત્યાં કોઈ ભૂતબૂત ન હતું? હું તો મોજ થી બીજે માળે ચઢી ગયો અને  ત્રણ વખત લાઈટો ચાલુ બંધ કરી આવ્યો તે જોયું ને ? ” રાજેશ ની આંખમાં અજબની ચમક હતી – જાણે કાંઈ થયું જ ન  હતું!

રાજેશ આગળ વધ્યો “અરે પેલો ચમન લાઈટો ઉઘાડ બંધ થતી જોઈને અંદર દોડી આવ્યો અને કૂતરું પાછળ પડ્યું એટલે તો એટલો ડરી ગયો કે ભાગી ગયો. એણે ડંગોરો ફેંક્યો તેમાં કૂતરું બિચારું ઘવાઈ ગયું. નસીબ જોગે એને બહુ વાગ્યું ન હતું એટલે એને છોડીને હું મેઈન ગેઇટ પર ગયો, ગેઇટ બંધ કર્યું કારણકે ચમન તો ઘેર ભાગી ગયો! અને પછી મારે  ઘેર આવીને સૂઈ ગયો. તમે બધા તો હું બચી ગયો સમજીને પથારી માં પડી ગયા હતા ને? મેં કીધું કાલે સવારે વાત“

આ રાજેશ સાચે જ હતો એ ખાતરી બધાને થઇ.

“રાજેશભાઈ આ તમે શું કહો છો? તમે આવ્યા નહિ એટલે અમે ત્યાં ગયા અને અમે ત્રણે એ ગંગારામ નું ભૂત જોયું.”

રાજેશે મારક મારક હસતા એમની સામે જોયા કીધું ” અરે શાનું ભૂત? આ બધા તમારા મનના વહેમ છે. જુઓ હું તો હેમખેમ આવી ગયો ને“

પી ડીના આગ્રહ ને માં આપી ને રાજેશ એ બધા સાથે ફેક્ટરીના પાછલા ગેઇટ પર જઈ આવ્યો. ત્યાં બધું યથાવત હતું. ન હતું કોઈ શબ, ન હતી કોઈ જાતની છિન્નભિન્ન વસ્તુઓ. પેલું કૂતરું પણ ઓલ રાઈટ!

યંત્રવત બધા પાછા આવ્યા. 

રાજેશ ના મનમાં બધું ચોખ્ખું હતું જ્યારે આ બધા ના હોશકોશ ઠેકાણે ન હતા.

ઉપસંહાર:

આ આખું નાટક  રાજેશ ને આભારી હતું.

રાજેશ ના મનમાં  આ  કિસ્સામાં કાઇક દાળમાં કાળું હતું એ નક્કી હતું. ચેલેન્જ સ્વીકારીને એણે ગંગારામના કિસ્સાની ઝીણવટથી તપાસ કરી; એને ઘેર જઈને ઘરવાળી અને છોકરાઓને સાંભળ્યા. અકાળે મોતને ભેટયા પછી ત્રણ મહિનાનો પગાર ચૂકવાયો ન હતો, આટલી લાંબી સર્વિસ પછી ગ્રૅચૂઇટી મળી ન હતી. એને બહુ ખરાબ લાગી આવ્યું. કુટુંબના સભ્યો ને ધરપત આપી અને ગંગારામના જૂના કપડાં અને એના સેન્ડલ માગી લીધા.

બધો પ્લાન ઘડી કાઢ્યો. ગંગારામના કપડાં અને સેન્ડલ પહેરીને એણે ત્રણ વાર લાઈટ કરી અને પછી જલ્દીથી આવીને પૂંઠાનું મહોરું પહેરી  ભૂતના વેશમાં પાછલા ગેઇટ આગળ ગોઠવાઈ ગયો. ભૂતના જેવો અવાજ કાઢવા માં એની કોલેજ ની નાટકની ટ્રેઇનિંગ કામ આવી. પીપળાના ઝાડની નીચે પોતાના શરીરનો ઓપ આપી ને તાડપત્રીથી થોડા નાના દ્રમ ઢાંકી દીધા અને  પોતાના  મિલિટરી બુટ લટકતા રાખ્યા. એને ખાતરી હતી કે એના પાછા ન આવવાથી એ લોકો તપાસ કરવા આવશે જ. જો કે ચમનવાળો કિસ્સો એના પ્લાનમાં ન હતો.

આવા લોકો ની સાન ઠેકાણે આવે એ માટે આ નાટક કરવાની જરૂરત હતી.

પી ડી અને મંડળીને આખી વાત નો તાર મળી શકે એમ ન હતો.

તે જ દિવસે ઓફિસમાંથી ગંગારામના નીકળતા બાકીના પૈસા કોઈ એને ઘેર જઈને આપી આવ્યું.

રાજેશ સફળતા પૂર્વક કામે લાગી લાગી ગયો.

હેમા ના હોઠ પર  ગરબાની અસ્ખલિત ધારા …

ભૂત ફરી દેખાયાં નહિ – ગંગારામ નું તો નહિ જ


Leave a Reply