ગુલદસ્તા

ગુલદસ્તા (નવલિકા)

Posted on May 31, 2017

ભાગ 1

શિયાળાની એક ખુશનુમા બપોર. પણ રાજેશ અકળામણ અનુભવતો હતો. મુંબઈથી એક અર્જન્ટ ફોને એને વિકટ પરિસ્થિતિમાં મૂકી દીધો. કાલે સવારે એના એક અમેરિકન કલાયન્ટ સાથે અગત્યની મિટિંગ એટલે એને આજે રાતે જ મુંબઈ પહોંચવું જરૂરી હતું. એક તો અચાનક ઉપાડેલો પીઠનો દુખાવો અને એ નવી સ્કોડા ગાડી કોઈ અજાણ્યા driver ને સોંપતાં જીવ નહોતો ચાલતો. એમ છતાં કોઈ સારા driver ની શોધ આદરી દીધી. હવે તો પરિસ્થિતિ એવી થઇ ગઈ હતી કે લગભગ બધા જ drivers ને NRI સીઝનની સોનાની ખાણ લાગી ગઈ હતી એટલે NRI સીઝન માં તો driver મળેજ નહીં અને વર્ષના બાકીના મહિનાઓમાં એ બધા ટોળ ટપ્પામાં સમય ગુજારતા.

“અરે આપણો વરતેજ વાળો જીગો (જીગ્નેશ) ક્યારે કામ લાગશે?” રાજેશે મગજ દોડાવ્યું.

અંબિકા નદી કિનારે આવેલું વરતેજ એક નાનું પણ પ્રગતિશીલ ગામ, જ્યાંથી થોકબંધ સાહસિક રહીશો ઊચ્ચ ભણતર પ્રાપ્ત કરીને, પરદેશ જઈને સારું કમાયા હતા. રાજેશ એમાંનો જ તો હતો ને વળી. પણ બીજાઓની જેમ ‘સ્ટેઈટ્સ” માં રહી જવાને બદલે જન્મભૂમિના સાદને અનુસરી ને પાછો માદરે વતન આવી ગયેલો. અલબત્ત, જે રહીશોએ એમ ન કર્યું એ પણ ગામ માં જ રહીને કેરી ચીકુની વાડીઓમાં સુખી થયા. રાજેશ માટે જન્મભૂમિ ના સાદ વાળી વાત જ હતી કે બીજૂં કાંઈ એ રામ જાણે.

રાજેશે જીગાના મોબાઈલ પર ફોન લગાવ્યો.

જીગ્નેશ, ઉર્ફ જીગો, ગામનો એક લાક્ષણિક જુવાનિયો, ગ્રેજ્યુએટ થઇ ગયેલો. છાપ એવી કે “જીગાને અડધી રાતે ફોન કરો તો દોડતો આવે” – કોઈ પણ ત્રાહિત માણસ માટે.

આ તો રાજેશ, એનો જૂનો જીગરી.

જીગાના મોબાઈલ પર “ૐ જાય જગદીશ હરે..” ની ઘંટી વાગી એટલે જીગો ફટાક દઈને ફોન પર બરાડ્યો:

“એય હરા ……….ર! તું જીવતો છે?”

રાજેશ, (જરા સાચવીને) ” જો જીગા, તારે મને જે ગાળ જેટલી આપવી હોય તે પછી આપજે પણ મારે તારું એક અર્જન્ટ કામ પડેલું છે…..”

“તું સાલા મારી બેનના લગનમાં ફરયકો નહિ અને હવે તને જરૂર પડી એટલે મારે જખ મારીને તારી વાત સાંભળવાની, કેમ?” જીગાનું તોફાન ચાલુ.

” જીગા આ જરા સિરિયસ મામલો છે.”

” ઓ હો હો હો, સિરિયસ મામલો? તારે? કેમ તેં કોઈને પતાવી દીધો ? કે પછી ભાભીએ છુટાછેડા માયગા?”

“એય બેશરમ, તું હવે ચૂપ રહેશે? કાલે સવારે મારે મુંબઈમાં એક અર્જન્ટ મિટિંગ છે અને મારે હમણાજ ગાડી લઇને નીકળવું પડશે. મારા હારા કોઈ driver મળતા નથી….” રાજેશને પણ થયું કે પોતે પણ વિફરવા નો દેખાવ કર્યા વગર જીગો જલ્દી લાઈન પર આવે એમ નહોતો.

” તે તને તારી જ ગાડી જાતે હાંકતાં હું ટાઢ વાય કે કેમ ?” જીગા એ બાણ છોડ્યું.

” જો એ લાંબી વાત છે. મારી પીઠની પત્તર રગડાઈગયેલી છે અને કોઈ સારો driver મળતો નથી”

“તે હું જ નવરો તને યાદ આયવો?”

” જો ની ભાય, બીજું બધું તો ઠીક પણ તું ગાડી તો અફલાતૂન ચલાવે” રાજેશે બ્રહ્માસ્ત્ર છોડ્યું.

” તો દીકરા એમ કહે ની કે મારે તારા driver બનીને તારી ગાડી ચલાવી ને તને મુંબઈ લઇ જવાનો અને તું મારો બેટો તારા કલાયન્ટ ઉપર હુશિયારી મારવાનો, એમ જ ને?” જીગા એ ‘તારા’ શબ્દ પર વજન આપી ને રાજેશ ને ઉશ્કેર્યો.

“ચાલ ચાલ રખડુ, તું બહુ હુશિયારી ની બતાવ. જો આપણે પાછા આવતાં ફોરેન બ્રાન્ડ ની બાટલી પાકી .” રાજેશે છેલો ઘા કર્યો જે આબાદ નીવડ્યો.

“તેં હવે મુદ્દા ની વાત કરી.” જીગો બાટલી નું નામ આવતાં પલળ્યો. “બીજું કઈ બોલ ” જીગાની આંખ સામે મહેફિલ નાચવા લાગી.

“સાલા, હ …ખોર, બેવડા, ચાલ, તો હું સાડા છએ તારે ત્યાં પહોંચું છું. ત્યાં આવીને તારી વાત છે ” કહીને રાજેશે ફોને બંધ કર્યો.

“દીકરો ભેરવાયેલો..” કહી ને જીગાએ આંખ મારીને ફોન બંધ કર્યો.

બેફામ સરસ્વતીનો ઉપયોગ એ આ પ્રદેશની ખાસિયત કહી શકાય. “સાલું, મનમાં રાખી મુકવા કરતાં બોલી દેવું આપણા શરીર માટે સારું, હું કેવ તમે?”

બહારથી આવેલા લોકો આવું સાંભળીને ચકિત થઇ જાય છે અને એઓ પોતે પણ એવા થઇ ન જાય ત્યાં સુધી એમને “વેદિયા”નું ઉપનામ નિભાવવું પડે છે.

હવે વખત ગુમાવવો પોસાય એમ હતું નહિ એટલે રાજેશ પેકીંગ કરવા લાગી ગયો. કપડાં, ટાય, સૂટ ..

અરે હા, રસ્તે ગાડીમાં વગાડવા માટે સીડી? પેલા નફ્ફટ જીગાને માટે આઈટેમ ગીતની સીડી પણ લેવી પડશે.

બધું જદલી જલ્દી, સ્કોડા ની ડીકી માં ઠાંસીને નીકળી પડ્યો રાજેશ. વરતેજ પંદરેક મિનિટમાં પહોંચી જવાય.

ગાડી ચલાવતાં એને પીઠનો દુખાવો યાદ આવ્યો. છેલ્લા એક વીકથી ગાડી ચલાવી નહતી.

” કાઈં નહીં, મુંબઈ જાઉં જ છું તો ડોક્ટર ધીરજને નાણાવટી માં બતાવી લઈશ.આમ ને આમ વધી ગયું તો?” ધીરજ એનો સ્કૂલ ફ્રેન્ડ હતો.

“પણ એક વાત નક્કી કે જો જીગો વધારે ડહાપણ કરે તો હું જાતેજ ચલાવી ને મુંબઈ જઈશ.” રાજેશે દાંત કચકચાવ્યા.

સ્ટેટ હાઇવે પર જરા વિચારમાં રહ્યો એમાં તો ભેંસોનું એક ઝૂંડ અચાનક સામેથી ધસી આવ્યું. જેમ તેમ બ્રેક મારીને ગાડી ચરર કરીને ઉભી રાખી. એક ભેંસનું મોટું માથું સાઈડના કાચ ને અડીને ઉભું.

“જો તે આ, સાલાં ભેંહડાં, સબ ભૂમિ ગોપાલ કી.”

એ એકલો ચલાવતો હતો એટલે, બાકી બાજુમાં, હંમેશ મુજબ જો ઘરવાળી બેઠી હોત તો આવા અપશબ્દો માટે એને જરૂર ટોકતે.

“ભેંસની જાત, ગાડીને ઘસરકા તો નહિ પાડયા હોય ને?” એમ બબડી ને તે આગળ વધ્યો જોકે વરતેજ પહોંચતાં બીજી કોઈ નવા જૂની નહિ થઇ.

જીગાને ઘેર:

વરતેજ ના પાદર માં અંદર ગાડી ઘુમાવતાં જુએ છે તો એક એમ્બ્યુલન્સ ઉભી હતી. જુના ઘરોની ડિઝાઇન લગોલગ એવી હતી કે દૂરથી ખબર જ ન પડે કે એમ્બ્યુલન્સ ખરેખર કોના ઘરની બહાર ઉભી છે. નવી ગાડીને કોઈ નુકસાન ન કરે એની ચીવટ રાખીને એણે ગાડી દૂર પાર્ક કરીને જીગાના ઘર તરફ ગભરાતાં ગભરાતાં ચાલવા માંડ્યું.

અરે આ શું? જીગો પોતે જ ઘરના નીચી ફ્રેમના દરવાજામાંથી માથું નમાવીને નીકળ્યો.

“અરે રાજીયા, મારા ડોહાને સ્ટ્રોક આયવો એટલે એને નવસારીની પારસી હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવા પડહે. જો કે બહુ ગભરાવા જેવું નથીં. આ તો એને ત્રીજી વાર થયું પણ મારે તો જવું પડશે, આ એમ્બ્યુલન્સ હો આવી ગઈ” જીગાએ એકી શ્વાસે બધું કહી દીધું.

” ઓ I am so sorry …..”

“તું ફિકર ની કર. અહીં તો દોડવા હારું બો બધા માણહ છે.”

“તું તારે ઉપડ. મેં એક બીજી વ્યવસ્થા કરેલી છે. તારી સાથે નીરવ તાડ આવશે. એ વરતેજનો જ છે અને હંમેશની જેમ India ની ‘જાત્રા’એ આવેલો છે – આ ઠંડી ની સીઝનમાં. જાણે ગાડી તો તારે જ ચલાવ વી પડશે પણ તને કંપની રહેશે. બહુ ફાઈન માણહ છે, નીરવ-તાડ.” -તારણહાર સ્વરૂપ જીગો બોલ્યો. “જય જીગા”.

થોડુંક ટોળું ત્યાં ઉભું હતું, જેમાં ઘણા ઘરનાં અને થોડાં આજુબાજુના પાડોશીઓ – વાતો કરતા , જાણે રોજ એમ્બ્યુલન્સ આવતી હોય – બધું જાણે routine. આવા સંજોગો માં એક અજીબ પ્રકારની ઉત્તેજના લોકો માં આવી જતી હોય છે.

રાજેશ હજી કઈં કહે એ પહેલાં જીગાએ ફરમાન છોડ્યું ” એઇ ગુરિયા, જા આ રાજેશ કાકાને નીરવ-તાડને ઘેરે મૂકી આવ” – ગુરીઓ જાણે એને માટે જ પોઝિશન માં ઉભો રાખ્યો હતો. તમે ગમે એ કહો પણ, જીગા નું કામ પાકું – એની પોતાની કટોકટી માં પણ.

નીરવ -તાડ. લગભગ પાંત્રીશેક વરસનો માણસ, વધારે પડતો ઊંચો અને જરાક નમી ને ચાલતો (એટલે જ એને નીરવ તાડ કહેતા હશે કારણકે નીરવ જેવું common નામ ઘણા નું હોય). રાજેશને પણ પાક્કી ખાતરી હતી કે એનું પોતાનું પણ કોઈ નામ પાડ્યું જ હશે. પણ હવે એ જવા દો.

પોતે વરતેજનો હોવા છતાં રાજેશ એને ઓળખતો નહોતો. નીરવ ન્યૂ યોર્ક જવા તૈયાર થઈને બેઠો હતો. વાતવાત માં ઓકે ને બદલે ઓલ રાઈટ વધારે કહેતો હતો. રાજેશને પછીથી ખબર પડી કે એ થોડા વખત પહેલાં યુ કે થી યુ એસ એ શિફ્ટ થયો હતો એટલે હજી એના એકસેન્ટ મિક્સ હતા- જરા હાસ્યાસ્પદ અને બેહુદું પણ લાગતું હતું.

“બેટા, હવે આગલા વરસે નિશાને હો સાથે લઇ આવજે. બિચારીને કેટલું એકલું લાગતું હશે?” નીરવના પિતાએ શિખામણ આપી.

“હા હા, બાપુજી, ” નીરવે ખાલી માથું હલાવીને વિષય બદલવા પ્રયત્ન કર્યો. “બે જણાથી વળી કઈં સાથે અવાતું હશે?” એમ મનમાં બોલ્યો. નીરવની માંએ ” ભાઈ કઈં ચા બા ….?” એમ ઔપચારિક આગ્રહ કર્યો જેને રાજેશે વિવેકથી નકાર્યો “નહિ જરા મોડું થઇ ગયું છે. ફરી કોઈ વાર” કહી ને એણે નીરવ ને ઈશારો કરીને નીકળવા કહયું.

બધું બરાબર હોત તો મુંબઈ સુધીની રોડની સફર મઝાની હોત પણ હવે આ નીરવ નામની મૂર્તિ કોણ જાણે કેવી હશે? બોરિંગ હશે તો?

મનોમન રાજેશે પ્લાન કરી લીધો “કાઈં વાંધો નહીં. સીડી મુક્યા કરીશ એટલે બહુ વાતો કરવાની જરૂર નહિ પડે. મને ખબર છે આવા લોકો પોતાની અમેરિકાની બડાશ મારવામાંથી ઊંચા નથી આવતા. એ લોકોને તો એમજ કે આ બધા દેશી લોકોને કઈં જ ખબર નહિ હોય- અમેરિકાની જાહોજલાલીની.”

કોને ખબર આખે રસ્તે શું થવાનું છે?

——————–

ગુલદસ્તાભાગ

Posted on June 18, 2017

 વરતેજ ગામમાંથી બહાર નીકળતાંજ ખાસ્સો અડધો કલાક બરબાદ થઇ ગયો. એક તો આવું બધું ન બનવાનું બની ગયું અને ઉપરથી આ તાડ જેવી નીરવ નામની મૂર્તિ સાથે સફર !

“અરે તારી ની…” રાજેશ બોલી પડ્યો.

“કાંઈ તકલીફ છે ભાઈ? ” હમ સફર નીરવે સૌજન્ય દાખવ્યું.

“ના રે, આ વાળું ટાણે ગાડી ચલાવવી એટલે … ચાલ જવા દો હવે. તમે સીટ જરા પાછળ ખેસવીને આરામથી કેમ નથી બેસતા? ” રાજેશે થોડા હોઠ ભીડીને ઔપચારિકતા પૂરી કરી.

રાજેશને ખાતરી થઇ ગઈ કે આ મૂર્તિનું મોઢું બંધ રાખવું ભારે પડશે. એ વાતમાં નાખવાની પૂરી કોશિશ કરી ને જ જંપશે.

મેન  હાઇવે આવે ત્યાં સુધીનો રસ્તો   બંને બાજુ ખૂબ લીલો છમ હતો. કોઈ કાંઈ બોલ્યું  નહિ.

મેન હાઇવે દેખાયો એટલામાં તો એક ખૂબ મોટો બમ્પ આવ્યો જે રાજેશે જોયો નહિ અને ગાડીને મોટી બ્રેક મારીને એકદમ ધીમી કરી છતાં બમ્પ પરથી પસાર થતાં ગાડી ઉછળી અને આપણા લંબુ મહાશયનું માથું ઉપર ભટકાયું.

” અરે તારું ભલું થાય. સોરી હેં, બહુ વાગ્યું તો નથી ને?” નવા સવા દોસ્ત માટે મમતા ઉભરાઈ – જો કે રાજેશ ની પોતાની કમરમાં પણ સણકો ઉપાડ્યો હતો.

” It is all  right, ok  કાંઈ વાંધો નહિ ભાઈ. આ દેશના આવા બિસમાર રસ્તાઓ પર ધ્યાન રાખવાનું.” તાળવું પંપાળતા  નીરવથી બોલતા બોલાઈ તો ગયું પણ દેશ વિષે એનો અણગમો છતો થઇ ગયો.

“લો દેશ વિષે ઘસાતું બોલવાનું શરુ થઇ ગયું” રાજેશ મનમાં બોલ્યા વગર રહ્યો  નહિ.

“તમે  ફિકર ન કરો, આપણે હવે  નેશનલ હાઇવે પકડવાના છીએ અને  જોજો ને એ તો  boeing ની airstrip જેવો  હશે – તમારી  turnpike  કરતાં પણ સરસ.” રાજેશે બરાબર લગાવ્યું (લે લેતો જા, બધો અમેરિકા વાળો ન જોયો હોય તેમ!)

રાજેશનો આ બચાવ પણ વિચિત્ર હતો. અંદરખાનેથી એ પોતે પણ એવું જ ઘસાતું બોલતો પણ  NRI ને  તો બરાબર સંભળાવી દેતો.

આખરે સ્કોડા  નેશનલ હાઇવે પર વળી – સુપર સ્મૂધ રસ્તો અને આ ત્રણ કલાક માં તો સ્વપ્ન નગરી Mumbai આવી ગઈ  સમઝો. સાચેજ આ સામી સાંજના ટાણે જરા તકલીફ જ હતી. કોણ જાણે કેમ નહિ-દિવસ, નહિ-રાત એવા આ ટાઈમે બધાને  at  least  પાર્કિંગ લઈટ ચાલુ કરતાં શું ટાઢ વાતી હતી?

નીરવ-તાડને વાતો કરતો રોકવાનો જે વિચાર એણે કર્યો હતો એને અમલમાં મુક્યો. ધીરે રહીને  music system ચાલુ કરી દીધી. એને પોતાને ગમતું સિતારનું હળવું સંગીત વહેવા માંડ્યું -વાહ હવે શાંતિથી ૩ કલાક અને આ મૂર્ત્ય કદાચ સૂઈ જશે.

“આ તો ઉસ્તાદ વિલાયત ખાન લાગે છે ” નીરવે ધડાકો કર્યો. ” (અરે આ શું? આને તો આવા સંગીત માં રસ લાગે છે!)

” ના ના આ તો ઉસ્તાદદ શાહિદ પરવેઝ છે. તમે એને સાંભળ્યા છે?” હવે રાજેશને રસ પડવા લાગ્યો.

“અરે હા, આ જે રીતે સિતાર વગાડે છે તે બરાબર ધ્યાનથી સાંભળતાં લાગે જ છે કે એ શાહિદ પરવેઝ છે.”

“લે આતો ખરેખર શાસ્ત્રીય સંગીતનો રસિયો નીકળ્યો” રાજેશ નું મન ડોલવા લાગયું. હવે મઝા આવશે આની સાથે.

“વાત સાચી છે. તમને ખબર છે કે નવી પેઢીના સિતાર વાદકોમાં એક મોટું નામ છે ઉસ્તાદ ઈર્શાદ ખાન. એ આમતો વિલાયત ખાનના nephew છે અને રહે છે કેનેડા માં.” રાજેશે બ્રિટિશ સ્ટાઇલ થી  નેવ્યુને બદલે જાણી કરીને  nephew  ઉચ્ચાર કર્યો ( જોઈએ તો ખરા કે એ શું બોલે છે!)

“હા હા કેમ નહિ વળી, એ તો વિલાયત ખાનનો નેવ્યુ છે – અમારી પાસે એની એક બે સીડી પણ છે” નીરવ નો બ્રિટિશ ઉછેર છતો થઇ ગયો.

રાજેશનું મન હવે ગાવા લાગ્યું. નીરવ હવે એને માટે ગાંધાર દેશમાંથી ઉતરી આવેલો દેવદૂત બની ગયો.

સ્કોડા સડસડાટ રસ્તો કાપવા લાગી.

“મારે  નીશા સાથે skype  કરવું પડશે. હું જરા પાછલી સીટ પર જઈને  skype કરું? મારા  earphones  ખબર નહિ મેં ક્યાં મૂકી દીધા ” ઘણા યુગલોમાં આવી મીઠી બાબતો આપ લે થતી રહેતી હોય છે જેમ કે “તું ઘેર થી નીકળી ગયો?”; “તું બરાબર પહોંચી ગયો ને?” “તબિયત તો સારી છે ને?” વગેરે વગેરે.

રાજેશે સામો વિવેક કર્યો ” બેશક, નીરવ. તું તારે નિરાંતે કર, જોકે તમારે ત્યાંના જેવી ઇન્ટરનેટની સ્પીડ નહિ આવે અહીંના હાઇવે પર” રાજેશ તમે પર થી તું પર આવી ગયો, આત્મીયતા ના જોરે.

“અચ્છા, તો જો તમે ગાડીને જરાક સાઈડ પર લઇ જઈને ઉભી રાખો તો હું નીકળીને પાછલી સીટ પર ગોઠવાઈ જાઉં.”

હવે બહાર અંધારૂ બરાબર જામવા માંડ્યું હતું એટલે બધા વાહનોએ હેડલાઇટ પૂરી ચાલુ કરી દીધી હતી;

“આ ગધેડા જેવા ટ્રક drivers  હંમેશા ફાસ્ટ લેઈનમાં  જ ટ્રક ચલાવે રાખે છે”, પણ સરસ્વતી નો  વધારે ઉત્કૃષ્ટ નમૂનો  પેશ કરતા રાજેશ રહી ગયો.   

ગાડી ઉભી રહી એટલે નીરવ પાછળની સીટ પર સરકી ગયો. અને થોડી વારમાં નીરવનું થોડું રમૂજી  મોઢું   mirror માં દેખાયું.

રાજેશ બધી વાતો અલાભે સાંભળતો રહ્યો.

” હાય   હની” નીરવ ટહુક્યો

“અરે કેમ છે તું?” નીશાના મધ જેવા  અવાજે  રાજેશને  લપેટી લીધો. એક તોફાન એના મનમાં ઘેરાઈ વળ્યું. અવાજ જાણે પરિચિત લાગ્યો. પણ હશે.

” હું મઝામાં છું. બસ મને એક gentleman  સાથે એરપોર્ટની રાઈડ મળી ગઈ”   બોલીને નીરવે  mirror  માંથી રાજેશને આંખ મારી.

રાજેશનું મન તોફાને ચડ્યું. આ તો મનીષા  જ ન હોય? કેવી રીતે હોય? આ તો નીશા છે, મનીષા નહિ – પણ ધરપત કેમ વળતી નથી? અવાજ બરાબ્બર મનીષા જેવો. એનો ચહેરો કેમ કરીને જોવો? કેટલા બધા વર્ષો વીતી ગયા એ વાતને.

ધીરે ધીરે નીરવના પ્રેમાલાપમાં રાજેશ નામની કોઈ હસ્તી હાજર  છે એ ભૂલાવા  માંડ્યું. અને આ બાજુ રાજેશનું ધ્યાન ગાડી ચલાવવામાંથી હટવા લાગ્યું

“પેલી મેં મગાવેલી સીડી લાવ્યો?” મધુર અવાજ રણક્યો.

” અરે મેં બહુ try  કરી પણ ક્યાંયથી નહિ મળી” નીરવના અવાજમાં શરણાગત ચોખ્ખી દેખાતી હતી.

“મૂરખાજી, ઈન્ડિયાથી એક સીધી સાદી સીડી તું લાવી ન શક્યો?”

“મૂરખાજી!!”

આ શબ્દ સાંભળતાજ રાજેશ વિચલિત થઇ ગયો. આ એજ છે;  મનીષા જ છે. “મૂરખાજી કહીને એ રાજેશને પણ ઘણી વાર ઠપકારતી – એ એનો pet  શબ્દ હતો.

એ પછીનો બાકીનો સંવાદ જાણે રાજેશને સંભળાતો જ ન હતો. એનું મન ભૂતકાળ માં સરી પડ્યું. 

એ યુનિવર્સીટી ઓફ હ્યુસ્ટનના દિવસો કેમ ભુલાય? રાજેશની આંખો સામે બધું તાજું થવા લાગ્યું.

નવોનવો હ્યુસ્ટનમાં MS કરવા એ આવ્યો હતો. પોતે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી નામની એક પ્રખ્યાત યુનિવર્સીટીમાંથી આવ્યો હતો એ ભૂલીને નવી જગ્યાએ ગોઠ્વાવાનું હતું. બધું જ નવું. Culture, junk food, accent, Friday night ની પાર્ટીઓ …. બહુ મૂંઝાઈ ગયો હતો એ.

એક સવારે કેફેટેરિયામાં બેઠો હતો, ભૂખ સખત લાગી હતી પણ પેલા વેન્ડીંગ મશીનમાંથી લસલસતો સિનામોન રોલ કેમ કાઢવો એની મથામણ હતી. વળી ત્યાં કાઢવા ગયો અને કાંઈ ગરબડ થઇ ગઈ તો આજુબાજુ બેઠેલા છોકરા છોકરીઓ મશ્કરી તો નહિ કરે ને?

એટલામાં એક દેશી છોકરી આવી અને મસ્તીથી વેન્ડીંગ મશીનમાંથી સેન્ડવીચ કાઢી એટલે રાજેશ હિમ્મત કરીને એની પાસે સરક્યો. એનો male ego સચવાય એમ એકદમ confident હોવાનો દેખાવ કર્યો પણ છોકરી ઘણી ચાલાક નીકળી. રાજેશની મૂંઝવણ પામી ગઈ અને વધારે લપ્પનછપ્પન વગર એને સિનામોન રોલ કાઢી આપ્યો.

આ એની મનીષા સાથેની પહેલી મુલાકાત. પછી તો શું હતું? વાચાળ અને ચબરાક છોકરીમાં એ લપેટાતો ગયો.

બે વર્ષથી મનીષા ગ્રેજ્યુએશન તરફ આગળ વધી રહી હતી, ગર્ભશ્રીમંત કુટુંબની હોવાને લીધે ભણવાના ખર્ચ માટે એને કોઈ સ્કોલરશીપની જરૂર ન હોતી પડી. જરા વધારે પડતી ગર્વિષ્ટ એવી મનીષાના એક સ્મિત પાછળ હજારો દેશી ગાંડાઓ લૂટાવા તૈયાર હતા.

આમાંનો એક ગાંડો આપણો રાજેશ એના સ્મિતનો એક્સકલુઝિવ માલિક ક્યારે થઇ બેઠો તે બેમાંથી એકેયને ખ્યાલ ન રહ્યો. અને એસાથે બીજા બધા ગાંડાઓને ક–મને ડાહ્યા થવું પડ્યું.

રાજેશનું શાસ્ત્રીય સંગીતનું વળગણ મનીષાને શરુશરૂમાં રમૂજ પમાડતું. “એ શું વળી એકનો એક સૂર વાગોળતા રહીને કલાક સુધી ગાયા કરવું? “ રબીન્દ્ર સંગીત જો કે એને ગમતું.

સોબતની અસર થવા માંડી અને મનીષા શાસ્ત્રીય સંગીતને માણતી થઇ એટલું જ નહિ પણ રાજેશ સાથે વિસ્તારથી ચર્ચા કરતી થઇ ગઈ. …..

“નીશા તમને hi કહે છે.” નીરવે અચાનક રાજેશને નિદ્રા માંથી ઢંઢોળ્યો. એ બે વચ્ચેના પ્રેમાલાપમાં ક્યાંય રાજેશનું નામ આવ્યું હોય એમ  લાગ્યું નહિ. રાજેશ તો ફક્ત કોઈ એક “જેન્ટલમેન” હતો જે નીરવને એરપોર્ટ પહોંચાડવાનું પુણ્ય કરી રહ્યો હતો.

“હા thanks. એ મઝામાં તો છેને? ” એટલું પૂછતાં તો રાજેશનો અવાજ ભારે થઇ ગયો.

 “હા એ  ઓલ રાઈટ છે.” મૂરખાજી નીરવ નો ચહેરો હજી હસું હસું દેખાતો હતો.    

“તે નીરવ, નીશાને કઈ સીડી જોઈતી હતી?” રાજેશે બીતાં બીતાં પૂછવાની હિમ્મત કરી.

નીરવ કાંઈ જવાબ આપે એટલામાં ….

મનીષા ની યાદમાં વિચલિત રાજેશની સ્કોડા ક્યારે ફાસ્ટ લેઈનમાં જઈ  રહેલી એક ટ્રકની એકદમ પાસે આવી ગઈ એ ખબર ન પડી. જોરદાર બ્રેક મારીને રાજેશે જેમતેમ સ્કોડાને ટ્રકને પાછળથી ટક્કર મારતા રોકી.

“આ ઉલ્લુઓ કોણ જાણે ક્યારે શીખશે” એમ ચોપડાવીને રાજેશે ટ્રક વચ્ચેની લેઈનમાં જાય ત્યાં સુધી એની પાછળ ચલાવ્યા કર્યું. 

“નીશાને કેમ ઇન્ડિયા આવવું નથી ગમતું એ સમઝાય છે હવે? “  નિરવે આ પ્રશ્ન કર્યો કે પછી લવારો?

શાસ્ત્રીય સંગીત, મનીષા સાથે ગુજારેલી એ પળોની યાદો પછી આ  anticlimax  ક્રૂર નીવડ્યો. નીશા – મનીષા નામ હવે રાજેશને આત્મીય લાગવા માંડ્યું.

પણ હવે ગુસ્સે થવાનો વારો નીરવનો હતો.

જેવી સ્કોડા પેલી ટ્રકની જમણી બાજુથી પાસ થવા, નજીકથી આગળ વધી, નીરવે જલ્દી જલ્દી બારીનો કાચ ખોલી ને ટ્રક ચલાવતા મુફલિસ જેવા લાગતા driver  ને રીતસર ભાંડ્યો, ” એય સાલા, ગાડી જોઈને ધીમી લેઈનમાં ચલાવ. તારા બાપ નો રસ્તો છે, હ ….ખોર ?”

નીરવ – આવું બોલે? રાજેશ ચકિત થઇ ગયો. આખરે પાણી તો વરતેજનું ને?

ટ્રક માં બેઠેલા બંને જણ ધૂંધવાઈ ઉઠ્યાં. આંખમાંથી અગન વરસાવતા એ લોકોએ ટ્રકની સ્પીડ વધારી અને  સ્કોડા થી આગળ નીકળવાની પેરવી ચાલુ કરી દીધી. ટ્રક પાછી ખાલી હતી એટલે સ્પીડ પકડી શકે એમ હતી. હાઇવે પર ગાડી ચલાવતા રીઢા થઇ ગયેલા રાજેશને સમજતાં  વાર ન  લાગી કે આવા ટ્રક drivers  જો વધારે છેડાઈ પડે તો એ લોકો કાંઈ પણ કરી શકે. વેર લેવા આગળ જઈને રસ્તો આંતરી ને માર પણ મારે. વળી આવી કોઈ પરિસ્થિતિ ઉભી થાય તો કોઈ કાકો કે પોલીસ મદદ કરવા નહિ આવે.

હવે તો સમઝદારી હતી સ્કોડા ને હરાયા ઢોર ની જેમ ભગાવવાની જેથી ટ્રક એમને પકડી ન શકે.

ઇન્ડિયા ના કહેવાતા સુપર હાઇવે આમ તો સ્કોડાની સ્પીડ માટે લાયક હતા પણ રસ્તામાં જો કોઈ ટ્રાફિક જામ આવ્યો તો જખ મારીને ધીમા થવું પડે અને ઉભા પણ રહેવું પડે. એ સંજોગોમાં ટ્રક ગમે ત્યારે  આવી ને પકડી પાડે અને પછી? માર ખાવાનો; ગાડીમાં  નુકસાન સહન કરવાનું.

રાજેશે accelerator  પર કચકચાવીને પગ દબાવ્યો – હે ભગવાન કોઈ ટ્રાંફિક જામ ન આવે.

એને યાદ હતું કે થોડી જ વાર માં ગુજરાત – મહારાષ્ટ્ર ની હદ આવશે એટલે ટ્રાફિક પોસ્ટ આવવી જોઈએ. 

હદ આવી ગઈ. બધા વાહનો ધીરા પડયા. પેલી ટ્રક પણ  રિઅર મિરરમાં દૂર થી દેખાવા માંડી. ટ્રાફિક પોસ્ટ પર ચેક કરવા કોઈ હતું નહિ પણ જો કોઈ હોય તો પણ એ લોકો કદી આવા ઝગડામાં પડતા નહિ. મદદ કરવાની વાત બાજુ પર “એ અમારું કામ નહિ”, અને, “અમારા jurisdiction માં નહિ આવે” વગેરે વગેરે.

સદ્ભાગ્યે પાછળ ધસમસતી આવતી ટ્રક બીજી બે ગાડીઓ વચ્ચે ફસાઈ ગઈ નહીંતો ….

સ્કોડા ફૂલ સ્પીડે ભાગવા મંડી કારણકે હજી ખતરો તો હતોજ. હાઇવે ટ્રાફિક નું કાંઈ કહેવાય નહિ, ગમે ત્યારે  જામ થઇ જાય.

ચા નાસ્તા માટે રોકાવાનો ટાઈમ ન હતો. નીરવ પાછી ફ્લાઇટ ચૂકી જાય તો?

ચાલો ભાગો ભાગો. નહીંતો પેલી ટ્રક વળી “Jurassic Park ” માં  એકાએક દેખાતા ડાયનોસોરની જેમ અચાનક આવી ચડે.

બીજી કોઈ વાત કરવાનો અર્થ કે ટાઈમ નહતો. બસ અધ્ધર શ્વાસે ગાડી ભગાવતા રહો કે વહેલું આવે આમચી મુંબઈ.

રાતનો વખત ભયંકરતામાં વધારો કરતો હતો. ચારોટીનું ટોલ નાકું તો પસાર થઇ ગયું.

હવે પછીનો રસ્તો વધારે સુમસામ હતો. રાતના અંધારામાં પણ સ્કોડાની ઝગઝગ લાઈટ ટ્રક વાળાને સહેલાઇથી દેખાઈ જાય. જો કાંઈ અજુગતું બને તો કોઈ માઈ નો લાલ ઉભો રહીને બચાવવા નહિ આવે.

આપણો નીરવ એની સીટ પર આકુળ-વ્યાકુળ હતો. ‘હું વળી પેલા ગુંડા જેવા ટ્રક વાળાને વતાવવા નો થઇ ગયો.’

કાર ની સિસ્ટમ પર સંગીત તો ધીમું ધીમું ચાલુ જ હતું પણ એને સાંભળતું હતું કોણ?

અધ્ધર શ્વાસે સ્કોડા બરાબર સાડા આઠ વાગે છેલ્લા ટોલ નાકા નજીક આવી ગઈ. મુંબઈ હવે  ફક્ત ૭૦ km  દૂર હતું.

“તારી ફ્લાઇટ કેટલા વાગે છે નીરવ?”

” સાડા દસ સુધીમાં ચેક-ઈન કરવું પડે.”   

“હં” રિઅર મિરર માં નજર મારતા રાજેશ ના ચહેરા પર ચિંતા નું પોટલું સ્થિર થયું.

અરે આ શું? દરિયો તરીને હવે કિનારે આવીને ડૂબવાના કે શું?

છેલ્લા ટોલ નાકા આગળ તો મોટો ટ્રાફિક જામ હતો. રામ જાણે કેમ. છુટ્ટા નો પ્રશ્ન હશે?

અધૂરામાં પૂરું, પાછળથી આવતી ધસમસતી ટ્રકની front પેનલમાં  છૂટ થી શણગારેલી લાઈટો  રાજેશ ને દેખાઈ.

માર્યા ઠાર.

“આ ખિજવાયેલો ટ્રક વાળો આજે છોડશે નહિ.” રાજેશ અને નીરવના શરીરમાંથી એક લખલખું નીકળી ગયું.

ટ્રક વાળો જોર જોર થી લાગલગાટ હોર્ન વગાડીને બીજા વાહનોને ડરાવીને સ્કોડાની નજીક આવવા મથતો હતો. રાજેશ ને પણ થયું કે જોર જોર થી હોર્ન વગાડી ને જલ્દી થી ટોલ નાકુ પાસ કરી નાખું પણ જેમ યમદૂત પાસે આવતો દેખાય તેમ શિકારના હાજા ગગડી જાય તેવી રીતે એને કાંઈ સૂઝયું નહિ. સ્કોડા ની આગળ લાઈનમાં ડાહી ડાહી ગાડીઓ મંથર ગતિએ આગળ વધતી હતી. (ચાલો ચાલો જલ્દી કરો!).

જાણે કે આ બનવાનું જ હોય તેમ પેલી દાંતિયા કરતી ટ્રક સ્કોડાની સમાંતર લેઈનમાં ઘૂસીને ટોલ નાકુ પાસ થવાની રાહ જોતી આવી પુગી. 

બાજુની લેઈનમાં આવી એટલે  ઘરઘરાટી કરતી ટ્રકમાં આગળ બેઠેલા ઈસમોનો ક્રોધથી લાલચોળ ચહેરો નજર આવ્યો.

‘જેવાં એ બંને વાહનો ટોલ નાકું પાસ કરીને પેલે છેડે બહાર નીકળશે એટલે આપણને આંતરશે’ – બંને જણ ફફડવા માંડ્યા.

મુંબઈ ફક્ત ૭૦  કી.મી. જ પર જ હતું પણ  આ ઘડીએ હજારો કી.મી. દૂર લાગતું હતું. આટલા વિલંબથી કંટાળેલા વાહનો ટોલ ભરીને જલ્દી જલ્દી મુંબઈ તરફ દોટ મૂકશે. કોને આવા હાઇવે પરના ઝગડામાં રોકાઈને મદદ કરવાનું મન થાય?

રાજેશ ને થયું કે કાશ સ્કોડાને પાંખો આવી જાય અને ટ્રકને ક્યાંય પાછળ રાખીને ઊડી જાય.

—————

ગુલદસ્તાભાગ

Posted on July 3, 2017

સ્કોડા માં બેઠેલા બંને જણના જીવ તાળવે ચોંટેલા હતા. ટ્રકવાળો કાંઈ ગડબડ નહિ કરે ને? ફ્લાઇટના ટાઈમે પહોંચી તો જવાશે ને? કેમે કરીને જો રાજેશ જલ્દીથી ખૂબ આગળ નીકળી જાય તો જ … નહિ તો ભગવાન જાણે શું થશે?

આ બાજુ સ્કોડા અને પેલી બાજુ ટ્રક ધીમે ધીમે ટોલ નાકા તરફ આગળ વધ્યા..  બંને જણે ફફડતાં એક બીજા સામે જોયું. સ્કોડાની પાછળ રાહ જોતી ગાડીઓએ હંમેશા બને છે તેમ હોર્ન વગાડીને બૂમરાણ કરી મૂકી પણ રાજેશ પાસે આ વખતે એ લોકો પર ગુસ્સે થવાનો ટાઈમ ન હતો. “એલાઓ મારે તમારા કરતા વધારે ઉતાવળ છે.” એણે મનમાં કહયું.

ગાડી ટોલ નાકા ની બારી પાસે આવી ગઈ. આ બાજુ પેલી ટ્રક પણ.

“સિંગલ કે રિટર્ન?” અંદર મોજથી બેઠેલા ક્લાર્કે પૂછયું.

રાજેશે પૈસા કાઢતાં કાઢતાં મનમાં એને ભાંડ્યો ” ડોબા , ડિફોલ્ટથી સિંગલ જ હોય. જેને રિટર્ન જવું હશે તે ભસશે“

અંદર કારભાર કરતો  ક્લાર્ક આ દરમ્યાન પોતાના સ્માર્ટ ફોન પર મેસેજ જોઈ લેતો હતો. કોઈનું  કામમાં ધ્યાન નથી, આ દેશમાં.

“અરે પેલી ટ્રક પણ સાથે ને સાથે, હે ભગવાન“

એટલામાં કેબીનનું અંદરનું બારણું ખુલ્યું  અને એક મસ મોટી ફાંદવાળા ટ્રાફિકના કોઈ ઊચ્ચ અધિકારી દાખલ થયા. વધારે મોડું થાય એ ખતરનાક હતું અને એવામાં આ વળી કોણ ટપકી પડ્યું?

ટ્રાંફિકના સાહેબે ક્લાર્કના કાનમાં કાઈંકહયું એટલે કલાર્કે  તરતજ રાજેશ તરફ ડોકું ફેરવ્યું અને કહેવા લાગ્યો “અમારા આ સાહેબને કોઈ પર્સનલ ઈમરજંસી આવી પડી છે અને તાત્કાલિત આગળના દહિસર ટોલ નાકા પહોંચી જવું ખૂબ અગત્યનું  છે. તમને જો વાંધો ન હોય તો એમને તમારી ગાડીમાં બેસાડી લઇ જશો, સાહેબ”

રાજેશ આ મહાકાય સાહેબ ને  જોઈ રહ્યો હતો, એક સોલ્જરની અદાથી ટ્રિમ કરેલી એની મૂછ એના કરડાકી ભરેલા ચહેરાને એક અજબ રૂઆબ પ્રદાન કરતી હતી.

સામાન્ય સંજોગોમાં રાજેશ આવા નફરત ઉપજે એવા  સરકારી માણસને ગાડીમાં લિફ્ટ ન આપતો અને કોઈ બહાનું ધરીને છટકી જાત. પણ…… આ સામાન્ય સંજોગો ન હતા. ગાડીની આગળની સીટ પર આવો યુનિફોર્મ પહેરેલો સાહેબ જો બેઠો હોય તો પછી છે કોઈની મજાલ આપણને બીવડાવવાની? વાહ રે નસીબ!

“યા, યા , સાહિબ, માય પ્રિવિલેજ.” રાજેશે થોડું ભાંગ્યું તૂટ્યું મરાઠી માં હાંક્યું. ગરજ હોય ત્યારે ગ..  ને પણ બાપ કહેવો પડે

“થેન્ક યુ, સર” કહીને સાહેબે આગલી સીટ પર આસન જમાવ્યું તે સાથે ગાડીની અંદર એક અજબ  પ્રકારની ગંધ પ્રસરી ગઈ.

બિચારા ટ્રક ચાલકે બદલાયેલી પરિસ્થિતિ જોઈ અને આગળ નીકળી ગયો.

“એ આવજે” કહીને રાજેશને મજાક કરવાનું મન થયું પણ પછી માંડી વાળ્યું.

સાહિબના ચમકતા બિલ્લા પર નામ હતું ગુલાબરાવ સાવંત.

“મદત સાઠી આભાર” વળી પાછું કહીને એ  તો વાતે વળગ્યો.

“ત્રણ દિવસ થી હું ડ્યુટી પર છું અને મને અચાનક યાદ આવ્યું કે આવતી કાલે તો અમારી શાદીની સાલગીરઃ છે.એટલે મને થયું કે ચાલ ઘરે પહોંચી જાઉં.” સાહેબ ના ખરબચડા ચહેરા ઉપર એક સ્મિત લહેરાઈ ઉઠ્યું.

“એ તો બહુ સારી વાત છે. તમે બહુ વખાણવા લાયક વિચાર્યું.  શાદી કી સાલ ગિરહ બહુત બહુત મુબારક“

“અરે હવે આ ઉંમરે……!”

“ના ના એમાં શું? તમે તમારી પત્ની માટે કોઈ ગિફ્ટ લેવાના કે નહિ?”

સાહેબની આંખો  હજી ટ્રાફિક પર નજર રાખતું હતું. એક ગમે એમ ચલાવતા વાહનને એમણે હાથથી ઈશારો કરીને તતડાવ્યો.

” તમે પેલી ગિફ્ટ માટે કાઈં વિચાર્યું કે નહિ?” રાજેશે પ્રશ્ન દોહરાવ્યો

“અરે કાય કરાયચા? કાઈં રસ્તે મળશે તો જોશું“

ઘાત માંથી ઉગરી ગયેલી જેવી સ્કોડા હવે સડસડાટ દોડવા માંડી. મુંબઇના દૂર દૂર ફેલાયેલા પરાં પસાર થવા લાગ્યા. એક ફ્લાયઓવરનું કામ હજી ચાલતું હતું એટલે બધા વાહનો ફંટાઈને જતાં હતાં.

“ભાઈ મને  તમારી આગળની સીટ એસી બહુ વધારે લાગે છે તો હું પાછલી સીટ પર જતો રહું?” ગુલાબરાવે પૂછયું

એક પાનના ગલ્લા  આગળ રાજેશે ગાડી ઉભી રાખી. નીરવ જેવા હેલ્થ પ્રત્યે  વધારે પડતા સભાન માણસને ઓફર કરવાનો અર્થ નહોતો પણ ગુલાબરાવે સહર્ષ સ્વીકારી લીધું અને સીટની અદલાબદલી પણ થઇ ગઈ.

નીરવ બાજુમાં ગોઠવાયો એટલે રાજેશ મનીષાની  સ્મૃતીમાં તણાવા લાગ્યો:

લોકોને ઈર્શા આવે એવી એમની જોડી રાજેશને સહેજે અમેરિકન રીતરસમોમાં સેટ કરવાનું લગભગ મનીષાએ ઉપાડી લીધું. જોકે, રાજેશના વધુ પડતા વેદિયા અને કૈંક અંશે કંજૂશ સ્વભાવની ઠેકડી પણ ઉડાડતી. જેવો હતો તેવો પણ એ મૂરખાજી મનીષાને ખૂબ ગમતો. ગમે એટલા પ્રયત્ન છતાં તેનાથી મનીષા જેવા અલ્લડ નહોતું થવાતું. રાજેશે એના ઉપર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની બારીકાઈઓ પર ઘણી મહેનત કરી તે ત્યાં સુધી કે મનીષા હવે પોતાના કલેક્શન કરતી થઇ ગઈ.

હ્યુસ્ટનમાં એક બંગાળીએ શાસ્ત્રીય સંગીત પ્રસારતું રેડીઓ પેસિફિકા કરીને સ્ટેશન શરુ કર્યું હતું જેમાં દર શનિવારે રાત્રે ત્રણ કલાક સંગીત પ્રસારિત થતું. રાજેશ–મનીષા એ સમય અચૂક એક સાથે ગાળતા. પારંપરિક હિન્દૂ સંસ્કૃતિમાં ઉછરેલ રાજેશે કોઈ દિવસ પ્રેમની હદ પર કરવાની ઈચ્છા નહોતી બતાવી – કદાચ મનીષા એવું ઇચ્છતી પણ હોય કે રાજેશ પહેલ કરે પણ તેવું એક્કેવાર બન્યું નહિ. કેટલા સુંદર દિવસો હતા! જાણે કે ખતમ જ ન થવાના હોય!

રાજેશને તો માસ્ટર્સ ડિગ્રી લઈને પાછા ઇન્ડિયા જવું જ હતું. મનીષાનેઆ વિષે થોડો અહેસાસ હતો પણ વિશ્વાસ પણ હતો કે એને પ્રેમથી મનાવી લેશે.

” તો શું તું ખરેખર ઇન્ડિયા જઈને ત્યાં સેટલ થવા માગે છે? અહીં કેરીઅર બનાવીએને?” મનીષાએઉચાટસાથેએકદિવસપૂછીજલીધું.

” આઈ વીશ આઈ કુડ.” રાજેશનો આવો ઠંડો જવાબ એને જરા લાગણીશૂન્ય લાગ્યો

“કેમ? અહીં શું તકલીફ છે તને? અને પછી મારું શું?”

“તું પણ ચાલ મારી સાથે, આપણા દેશમાં, આપણા લોકો વચ્ચે, દેશની સાથે આગળ વધીએ“

“હું તો કદી નહિ આવી શકું. તું જરા મારો તો વિચાર કર. ચાલ આપણે બે મળીને અહીં સંસાર માંડીએ“

આમને આમ ચર્ચા ચાલ્યા કરતી અને એનો કોઈ અંત ન હતો. નિરર્થક હતી એ ચર્ચા.

અને આખરે રાજેશનું જક્કીપણું જીત્યું, પ્રેમસંબંધ તૂટ્યો. વર્ષો વીતતાં ગયાં. બેમાંથી એકેયને એકબીજાના ટચમાં રહેવાનું જરૂરી નહિ લાગ્યું. રાજેશે ચૈતાલી સાથે એરેન્જ્ડ મેરેજ પણ કરી લીધા.

આટલાં વર્ષો પછી આ નીરવ ક્યાંકથી આવી પૂગ્યો અને ર્હદયના તાર ઝણઝણાવી ગયો.

“અરે નીરવ, નિશા આટલા વર્ષોમાં કોઈ વાર ઇન્ડિયા આવી નહિ?” આ પ્રશ્ન હતો કે વિધાન?

“કદી નહિ. એને ઇન્ડિયા આવવું ગમતું જ નથી”

” હા પણ, તું ઇન્ડિયા તારા માબાપ ને મળવા આવે એ ચાલે? વળી ઇન્ડિયાની વસ્તુઓ તો એને જોઈએ છે.”

“હા, આ છે તમારી નિશા” કોણ જાણે કેમ, રાજેશને એના જવાબમાં  “તમારી” નિશા સૂચક લાગી. જરા ખળભળી ગયો રાજેશ.

આ બાજુ ગુલાબરાવને આ લોકોની વાતમાં કાંઈ રસ ન હતો. એ આવતી કાલની મેરેજ એનિવર્સરીના વિચારમાં વ્યસ્ત હતો. રાજેશે ગિફ્ટ બાબત મમરો મુક્યો હતો તેની પણ ચિંતા હતી. દહિસર ટોલ નાકું પાસે આવ્યું એટલે ગાડી ધીમી પડી.

રાજેશને એક ફૂલવાળો દેખાયો એટલે  ગાડી એણે ત્યાં જઈને ઉભી રાખી. આજે તો ગુલાબરાવની મેરેજ એનિવર્સરી માટે એકાદ ગુલદસ્તો લઈને એને આપી જ દઉં.

” થેન્ક યુ, સાબ” ગુલાબરાવ ને થયું કે એને અહીં ઉતારી જવાનું છે.

સાહેબ ઉતાર્યા એટલામાં રાજેશે બહાર નીકળીને  એક તાજો ગુલદસ્તો લઇ લીધો.

” હે ગ્યા, સાહિબ. આપલ્યા મેરેજ એનિવર્સરી બહુત બહુત મુબારક“

” ઓ  હો હો હો, મલા લિફ્ટ દિલી આણી હે ગિફ્ટ પણ ! વાહ.”  એમ આભાર માનીને જતાં જતાં ટોલ નાકાના ક્લાર્ક ને “આ સાહેબ‘ પાસેથી ટોલ વસુલ નહિ કરવાની સૂચના આપી.

રાજેશના દિલમાં એક અનેરો આનંદ વ્યાપી ગયો.

“નીરવ, ચાલો આપણે હવે ગાડીને ભગાવીએ, દસ તો અહીં વાગી ગયા.” હવે તો બસ થોડોક જ વખત નીરવ નો સાથ હતો – અને એ સાથે અદ્રશ્ય પણે મનીષાનો પણ.

સીડીના પેકેટમાં હાથ નાખીને જે સીડી હાથમાં આવી તે લઇને એને Music     સિસ્ટમ માં નાખી. સરોદનું આહલાદક સંગીત વહેવા માંડ્યું.

“અરે વાહ, આ સીડી તમને ક્યાંથી મળી, રાજેશ?” નીરવની આંખો પહોળી થઇ ગઈ.

” આ મેં ખરીદી નથી. અમજાદ અલીનું  આ એક અદ્વિતીય કલેક્શન છે અલગ અલગ રાગોનો જાણે ગુલદસ્તો – મને બહુજ ગમે છે“

“ગુલદસ્તા, એજ નામ છે ને એનું? અમારી પાસે પણ આ કેસેટમાં હતી પણ ધીરે ધીરે ઘસાઈ ગઈ અને હવે તો વાગતી જ નથી.”

“નીરવ, હા એજ છે. મારી પાસે પણ કેસેટ જ હતી પણ જાળવી રાખેલી અને પછીતો મેં એને સીડી માં કન્વર્ટ કરી નાખી – જાતે. બજારમાં તો મળતી જ નથી“

” માય ગુડનેસ, નિશા તો અમજાદ અલીના આ ગુલદસ્તા પાછળ તો ગાંડી છે. અરે રે ! મને કેમ આવું સીડી બનાવવાનું નહિ સૂઝયું?” નીરવ બબડ્યો

” તે મનીષા –અરે સોરી નિશાને આજ સીડી જોઈતી હતી?” રાજેશ થોથવાયો

” અરે હા, આનીજ વાત કરતી હતી એ સ્કાઇપ પર” નીરવ નો નિસાસો રાજેશ ને સ્પર્શી ગયો.

ગુલદસ્તાની આ એકની એક સીડી, જાતે રેકોર્ડ કરેલી – શું એ મનીષા અને રાજેશની વચ્ચે એક સેતુ બની રહેશે?

ગાડી આંતર રાષ્ટ્રીય એરપોર્ટના છેલ્લા વળાંક પર આવી પહોંચી. રાજેશનું મન એકદમ  ક્ષુબ્ધ થઇ ગયું.  હવે એને મનીષા સાથે શું? એનો પહેલો પ્રેમ. ગુલાબરાવ, ફૂલનો ગુલદસ્તો, આ ગુલદસ્તા, મનીષા … એના મન માં ચકરાવા લેવા માંડ્યું.

ગાડી ડિપાર્ચર ગેટ સામે આવી ને ઉભી રહી. નિરવે ફટાક દઈને બહાર નીકળી ડીકી માંથી સામાન કાઢ્યો અને ટ્રોલી લાવવા આગળ ગયો.

રાજેશે music સિસ્ટમ માંથી ગુલદસ્તા સીડી કાઢી અને બહાર નીકળ્યો ત્યાં તો નિરવ ટ્રોલી લઈને આવી ગયો.

“ચાલ, રાજેશ, થેન્ક યુ.”

” લે આ સીડી નિશા માટે લઇ જા – મારા તરફથી ગિફ્ટ. એને ગમશે ને?” રાજેશે બોલ્યે રાખ્યું.

“અરે પણ તારી પાસે બીજી કોપી ક્યાં છે, રાજેશ. આ એક જ છે. તું શું કરીશ?”

“નિશા પણ એક જ છે ને. લઇ જા“.

નીરવના ચહેરા પર એક અજબનું સ્મિત હતું – બરાબર ગુલાબરાવના ચહેરા પર જોયું હતું એવું જ. કાશ, મનીષાના સુંદર ચહેરા પર પણ આવું જ સ્મિત ફરકે. આ સ્મિત તો ગુલદસ્તો જ જોશે.

“નીરવ, હવે આગલી ટ્રીપ માં નિશાને લેતો આવજે. અહીંના માણસો એટલા ખરાબ પણ નથી!” 

હાથ મિલાવીને બેઉ છુટા પડયા. જીવ જેવી વહાલી સીડી લઈને નિરવને ગેટ તરફ જતાં જોઈ રહ્યો રાજેશ. 

હૃદયમાં સરોદના તાર ઝણઝણાવતો એ ગાડીમાં બેઠો અને પ્રકાશથી ઝળાંહળાં મુંબઇ નગરી તરફ હંકારી ગયો.

સમાપ્ત


Leave a Reply