કોરોના મહામારીના સમયમાં ઓનલાઇન બિઝનેસ સ્ટાર્ટ-અપ કેવી રીતે કરશો? સંપૂર્ણ વાર્તા

(પ્રકરણો ક્રમાંક મુજબ નીચે વર્ણવ્યાછે)

પ્રકરણ ૧: 

“કેમ છો, મોટાકાકા?” 

હું વળી ઘણા  દિવસથી કોરોના સમયમાં ધૂળખાતું હાર્મોનિયમ ખોલીને આંગળીઓ ફેરવતો હતો ત્યાં મારો  એકનો  એક ભત્રીજો જીગ્નેશ ખુલ્લી બારીમાંથી ઝાંકતો દેખાયો.

“અરે  આવ આવ દીકરા, બારણું લોક નથી.”

“ભાઈ જરા માસ્ક તો પહેરો બાપલા” મેં એને સલાહ આપી.

માસ્ક પહેરી , જૂતા બહાર ઉતારી, ડીઓની સ્ટ્રોંગ સુગંધની આંધી ઉડાડતો જીગ્નેશ મારા દીવાનખાના-કમ-રિયાઝ રૂમમાં દાખલ. અંદર આવતાં વેંત જેમતેમ વાંકો વળીને મારા પગે પડવાની વ્યર્થ કોશિશ કરી.

ઘણા વખતે  જોયો; વાળ લાંબા થઇ ગયા હતા જો કે એ સમજાય  એમ હતું. દાઢી તો વધી જ હતી પણ આ શું? બંદા એ મૂછો પણ ઉગાડી હતી! 

“અરે આવું ન કરવાનું હોય હવે” મેં વિવેક કર્યો 

જીગ્નેશ ભાગ્યેજ આ બાજુ ફરકતો.

“કાકી કાઈં  દેખાતા નથી ને?” જીગુના અવાજમાં રહસ્યરસ  ઘૂંટાતો હતો. 

“એ ગઈ છે વેક્સિનનો બીજો ડોઝ મૂકાવવા.તું બેસ તો ખરો.” કહીને મેં એને ખુરશી તરફ  ઈશારો કર્યો 

તો  એ વળી પોતાનો કુર્તો કાળજીથી સંકોરીને મારી સામે આવીને જમીન પર બેસી ગયો.

“કાકા તમે તબિયતની બિલકુલ કાળજી નથી કરતા. તમારા…. બીજા ડોઝનું શું?”

“અરે એ લીધાને અઠવાડિયુ થઇ ગયું. આજે એનો વારો હતો”, એના ચહેરા પર ગૂંચવણના ભાવને મેં અવગણી કાઢ્યો.

કાકી ન હતી એટલે કિચન તરફ જઈને જાતે પાણી પી આવ્યો.

“મોટાકાકા, મારે તમારું એક કામ છે”, જીગ્નેશે જાણે એક સળગતો કાકડો ફેંક્યો. જીગ્નેશ મારો એક નો એક ભત્રીજો હતો તેની ના નહિ પણ એને મારું કામ પડે એ બાબત જરા સમજાઈ  નહિ.

હાર્મોનિયમને વળી પાછું બોક્સમાં મૂકતાં મારાથી પૂછાયી ગયું, “તને? મારું? કામ છે?”

“હાસ્તો,” કરીને જીગ્નેશ ખૂબ લાડથી પાછળ આવીને મારા ખભાને માલિશ કરવા લાગ્યો, “અરે મોટાકાકા, હાર્મોનિયમને પાછું બોક્સમાં નાખવાની  એટલી જલ્દી શું છે?”

હું ચકિત!

“જુઓ હું તમારી પાસે હાર્મોનિયમ શીખવા આવ્યો છું.” જીગ્નેશનો આ ધડાકો મને નેપામ બૉમ્બ જેવો વિસ્ફોટક લાગ્યો.

“તું? ઔરંગ….” મારાથી ચિત્કાર નીકળી ગયો.

“જુઓ મોટાકાકા, વાત કાઇંક આવી છે.’, જીગ્નેશ હવે  એકદમ ટટ્ટાર બેસી ગયો, ” મેં હમણાં જ ઓનલાઇન બિઝનેસ સ્ટાર્ટ અપ નો ક્રૅશ કોર્સ કમ્પલિટ કર્યો. સાચી વાત છે. અને હવે આઈ હેવ અ બિઝનેસ પ્લાન.” 

“ઓત્ત તારીની, આ તો જબરું લાવ્યો – પેલા કોણ? માર્ટિન લ્યુથર કિંગની ઐતિહાસિક સ્પીચ “આઈ હેવ અ ડ્રીમ” યાદ આવી ગઈ.

“અરે વાહ, ભાઈ, તેં તો કમાલ કરી. તારા પપ્પા ઘણા ખુશ થશે.” જીગ્નેશની પીઠ  થપથપાવતાં  મારી આંખમાં આંસુ ડોકાવા લાગ્યાં.

અચાનક જાણે જીગ્નેશનો અવાજ જમાનાના ખાધેલ વિચક્ષણ વ્યક્તિ જેવો થઇ ગયો, ” આ કોરોનાના વિકટ સમયમાં જે કોઈ મળે એ કોઈ ને કોઈ ઓનલાઇન કોર્સ કરવાની વેતરણમાં છે. એટલે મને થયું કે હું શું કામ રહી જાઉં? હું  પણ કાઇંક કરું જે પેલા બિઝનેસ  કોર્સમાં શીખ્યો એને અમલમાં મૂકી દઈએ તો?”

“ઓ હો , તો તારે  મારી પાસે હાર્મોનિયમ  શીખવું છે એમ કહે ને? પણ જો, મને એવું ઓન લાઈન – ફોન લાઈન શીખવતાં આવડે નહિ. તું જાતે અહીં આવીને શીખને , તારું જ ઘર છે આ!” 

“અરે મારા લાડીલા કાકા, હું જરૂર આવીશ પણ તમે ધારો છો એના કરતા પ્લાન જરા ઊંડો છે, સમજ્યા? તમે નેક્સટ સ્ટેપ વિષે સાંભળશો તો તમ્મર આવી જશે ” જીગ્નેશ ઠાવકાઇ થી બોલ્યો.

“જો જીગા, તારા એ ઊંડા પ્લાનને સમજવા આપણે પહેલાં ચા પીવી પડશે.” મને એમ કે કાકી આવી જાય ત્યાં સુધી જીગો ઠંડો પડી જાય.

“ચા તેલ લગાવવા ગઈ. કાકીને આવવા તો દો – બીજો ડોઝ લીધા પછી એ કેવી હાલતમાં હશે બિચારી? મને હવે ભેદ ખોલવા દો” 

હવે મારા વાગ્યા બાર! શું હશે એ ભેદ? મારાથી છટકાય એમ હતું નહિ. એને વારવો અશક્ય!

“જુઓ, તમે એક અચ્છા સંગીતકાર ખરા કે નહિ? અને સાથે એક મહેનતુ ગુરુ ખરા કે નહિ? બસ! એક બાજુ લોકોની ઓનલાઇન કોર્સ કરવાની પ્રબળ ભૂખ અને તમારા જેવા મહારથી…. વિચારો વિચારો ! કેવી રીતે આ તકનો લાભ લેવાય?”

મેં એને વચ્ચે વારવાની કોશિશ કરી તો  એણે માથું ધુણાવ્યું, ” હું જાણું છું તમને શેનો  ડર છે. આમાં તમારે શીખવવાનું નથી, સમજ્યા કાકા મારા?” એણે ‘તમારે ‘ શબ્દ પર  જોર મૂકયું. 

“તો કોણ શીખવશે, ભાઈ?” હું હવે ચીડવાયો હતો – આ સંઘ કાશીએ પહોંચશે કેમ? 

“કાકા, કાકા, જરા શાંતિ. હું જ તો?”

“તું ? અને શીખવશે?” 

“જુઓ, હું પહેલાં તમારી પાસે બે અઠવાડિયાનો કોર્સ કરીશ – મફત નહિ હેં? પહેલે અઠવાડીએ  મને બેઝિક શીખવી દો અને બીજે અઠવાડીએ રોજનો એક રાગ એમ સાત રાગને આપણે ઠેકાણે પાડીએ. પછી તમે છુટ્ટા. ઢેન ટે  નેણ – મારા પર છોડી દો ને? પછી હું શીખવીશ”

હું સ્તંબધ !

“પણ ભાઈલા, તને નથી સંગીતની કાંઈ સમજ કે  નથી તારી પાસે હાર્મોનિયમ. અને આ બધા સંગીતકારો અમસ્તા આખી જિંદગી મહેનત કરે ?” હું હવે કંટાળ્યો. એક કપ ચા જો મળી જાય તો ભયો ભયો.

એટલામાં કાકી પદ્યાર્યા , થાકેલી લાગતી હતી. એક ફિક્કું હસીને સીધા રસોડા તરફ  પ્રયાણ. બીજા ડોઝની આડ અસર તો નથી થઇ ને? મને ફાળ પડી.

“મોટાકાકા, મોટાકાકા, તમારો આ જ સૌથી મોટો પ્રોબ્લેમ છે. કોઈ પણ તક આવે ત્યારે એટલો બધો વિચાર કર્યે રાખો કે પ્રોજેક્ટ ટેકઓફ થાય જ નહિ. બાકી તમારા જેવા મહાન સંગીતકાર અને આખી જિંદગી શું ઉકા..? આપણા સ્વામી વિવેકાનંદે પણ હાકલ કરી તેં ભૂલી ગયા “ઉઠો અને ધ્યેય ને પાર પાડો”

એમાં તો મારી ફજેતી થાય એમ હતું. 

“જુઓ કાકા, વિઘ્નો તો આવે જ. આ ગણિત જરી જુદું છે. બિઝનેસમેનની જેમ વિચારો હવે. આ પાન્ડેમિક સમયમાં હજારોની સંખ્યામાં લોકો ઘેર બેસી બેસીને કંટાળ્યા છે. ઘેરથી કામ કરવાનું એટલે સેલરી દર મહિને એકાઉન્ટમાં જમા થયા કરે. ઓનલાઇન કોર્સનો રાફડો ફાટ્યો એટલે લોક બધું હાલ્યું ઓનલાઇન કોર્સ કરવા. દોસ્તારોમાં સાંજે કહેવા થાય કે મેં તો ફલાણો ઓનલાઇન કોર્સ શરુ કરી દીધો, બહુ મજા આવે છે. ફક્ત ૨૦૦૦ રૂપિયામાં અઠવાડિયાના બે લેસન. કૈંક નવું શીખવા મળે અને ફાલતુ સમયમાં રાહત. હવે આવા લોકોને કોઈ પણ ઓનલાઇન કોર્સ પકડાવી દઈએ એટલે ખુશ! કેટલું શીખ્યા એ કોઈ પૂછવાનું નથી. ફ્રેન્ડ  સર્કલ માં વટ  પડે એ જુદો, બોલો…”

જીગ્નેશ આ બધું પેલા માર્ટિન લ્યુથર કિંગની યાદ અપાવે એમ એક શ્વાસે બોલી ગયો. મહાન પ્રેરણાદાયી વક્તવ્ય!

હું ભાવવિભોર થઇ ગયો.

કાકીએ મંથર ગતિએ  આવીને બે કપ ચાના મૂક્યા અને પૂછે ‘આજે કાંઈ ઠીક નથી લાગતું મને , પેલા સ્વિગી માંથી સોમવારનું સ્પેસીઅલ સાઉથ ઇન્ડિયન કાંઈ મગાવી લ્યોને ? આપણા જીગુને પણ ભાવે છે’

લ્યો, હજી તો ભેંસ ભાગોળે  અને પટેલના ઘરમાં ધમાધમ. નવા બિઝનેસમાંથી કાંઈ ઉપજે ત્યારે ને ? 

કાકીને માટે મારે તો સહાનુભૂતિ હોય એ સ્વાભાવિક છે  પણ ફિલહાલ તાત્લાલિક બિઝનેસની આ ગૂંચવણને ઉકેલવાનું અગત્યનું હતું.

ચા ગટગટાવીને મારે એક પીઢ, ઉંમરલાયક   કાકાની જેમ બોલવાનો સમય આવી ગયો હતો:

“ચાલો, માન્યું કે આપણે એમ કરીએ પણ તારી પાસે હાર્મોનિયમ ક્યાં છે? અને તું તારા, એટલે કે આપણા, ઓલાઈન કોર્સ માટે સ્ટુડન્ટ્સ કેવી રીતે લાવીશ? તું કેટલી ફી ચાર્જ કરીશ ?”

“હં હવે તમે કાઇંક પાટે ચડયા. એ બધો સ્ટડી હું  કરી ચૂક્યો છું.” એક ત્રિકાળજ્ઞાનીને  છાજે એવી અદાથી  એ બોલ્યો. 

મને હવે શક થયો કે મેં મારા ભત્રીજાને આજ લગણ અંડરએસ્ટિમેટ  કર્યે રાખ્યો હતો. 

“કેવી રીતે, જરા વિસ્તારથી સમજાવ” તોફાની છોકરો ઠાવકો થઇને પૂછે એમ મેં પૂછ્યું. 

માસ્ક નાકની નીચે ઉતરી પડ્યો  હતો એને ઉપર તરફ ખેંચીને જીગ્નેશ ગુરુજી બોલ્યા, ” બહુ સિમ્પલ છે. તમે આજ કાલ હાર્મોનિયમ વગાડતા નથી, બરાબર? એટલે એ અવાઈલેબલ છે. બીજું, હાલ પૂરતું મારે હાર્મોનિયમ લેવાની જરૂર  નથી. હું અહીં આવીને બે અઠવાડિયા રહીને શીખી જઈશ. ભવ્ય ગુરુ શિષ્ય પરંપરા – ભૂલી ગયા? મફતમાં કાંઈ નહિ. તમારો ચાર્જ, ખાવા પીવાનો બધો ખર્ચ હું ભરપાઈ કરી દઈશ – મારા બિઝનેસની ઈન્ક્મ આવે એમાંથી. ત્રીજું, તમે અને કાકી મારા પહેલાં સ્ટુડન્ટ્સ – ડિસ્કાઉન્ટેડ ફીસ આપજો. એક વખત લોકોને ખબર પડશે કે તમારા જેવા સંગીતકાર મારી પાસે ઓનલાઇન શીખે છે એટલે કોર્સમાં જોડાવા લાઈન લાગશે, લાઈન.”

આ બિઝનેસ પ્લાન થી હું અવાચક! જાણે આખી જિંદગી કાંઈ નવું વિચારી શકવાને અશક્તિમાન એવો હું અભાવી જીવ. જીગ્નેશે મારાથી પહેલાં જન્મવું જોઈતું હતું. થોડા વખતમાં  જીગ્નેશને હાર્વર્ડ બિઝનેસ સ્કુલ ગેસ્ટ પ્રોફેસ્સર તરીકે નિમણૂંક કરે એવી ઘંટડી મારા મગજમાં વાગવા મંડી. ફિલહાલ મારા જેવા ગરીબ સંગીતકારની આ ઝૂમ્પડી હાર્વર્ડ બિઝનેસ સ્કુલ હતી અને એના પ્રથમ વિદ્યાર્થી થવાનો પ્રચંડ મોકો મને અને કાકી ને મળી રહ્યો હતો.

હું ગદગદિત !

         ————————————————-

પ્રકરણ ૨

જીગ્નેશ સાથે સનસનાટી ભરી વાત ચાલતી હતી  એ અમારા પાડોશી, મોહન દાસ બારી બહાર ઉભા ઉભા ચુપકીદી થી સાંભળી રહયા હતા. મનમાં આવે  ત્યારે સાંભળવાનું મશીન ઘાલીને કાન સરવા કરે એવા એ મોહન દાસને કોણ જાણે મશીન વગર સાંભળીને શો  રસ પડી ગયો તે જેવો જીગ્નેશ ગયો કે તરત જ અંદર પ્રવેશ્યા. મશીન વગર એની સાથે કેવી રીતે વાત કરીશ એ દ્વિધામાં હું ગૂંચવાયો. નક્કી મારે બરાડા  પાડીને વાત કરવી  પડશે એ વિચારમાં  હું એમને આવકાર આપવા ઉભો થયો.

“રાજેશ, તું પણ સાલો  નસીબદાર ખરો. કમ સે કામ વરસને વચલે દહાડે ભત્રીજો  તારી ખબર પૂછવા આવી ચડે છે ખરો. મારો સાગો દીકરો તો હવે મળવા જ આવતો નથી, મારા જન્મ દિવસે પણ પેલા તૈયાર કાર્ડ વોટ્સએપ પર મોકલી આપે જેના ઉપર લખ્યું હોય કે ” forwarded many times “.   ચશમા કાઢી ને (કદાચ આંખ લૂછવા) મને તાકી ને જોયું  – જાણે જીગ્નેશના આગમન નું રહસ્ય છતું કરી દઉં. જીગ્નેશ મિલનના  મારા સુખ કે દુઃખમાં ભાગ પડાવવાનો દ્રઢ ઈરાદો હતો એમનો.  

રાડ ન પાડવી પડે તે માટે મેં ફક્ત હાથથી ઈશારો કર્યો કે બધું બરાબર છે. પરંતુ આ તો પેલા બીજા ‘મોહનદાસ’ જેવા ‘કરેંગે યા મરેંગે ‘ વાળા હતા. પાસે આવી ને ખુરશી પર બેસી ગયા. લે બોલ હવે ?

સદ્ભાગ્યે એમના ધર્મ પત્ની સુતોપા દેવી પધાર્યાં, પેલું ખખડી ગયેલું કાનનું મશીન આપવા. 

મશીનની રહી સહી  આવરદા મોહન દાસની જેમ વધુ દેખાતી ન હતી પણ ભાંગ્યુ ભાંગ્યું તો ય ભરૂચ. મશીન જેમ તેમ ખોસીને કાન મારી નજીક ધર્યા. માર્યા ઠાર! હવે તો વાત જાણ્યા વગર આ નહિ ટળે.

એટલામાં સુતોપા દેવી એમનું ચોકઠું આપી ગયા.

પૂરી વાત શાંતિથી, ધ્યાનથી સાંભળીને એમનું પહેલું વાક્ય, ” ધંધો કરવાની સમજ છે એને” બોલીને ચોકઠું મોમાં ખોસ્યું. 

એ જોઈને કાકીને ફાળ પડી કે આજે પાડોશી હવે જમ્યા વગર નહિ ફીટે. 

ચોકઠું બેસી ગયા પછી કહે, ” જો ભાઈ, રાજેશ, આ તારા ખોબલા જેવા રૂમમાં કેવી રીતે કલાસ ચલાવશો? મારે ત્યાં કરો? મોટો  હવા ઉજાસ વાળો રૂમ છે.  મારે તો બસ ટાઈમ પાસ.”

“અરે મારા સાહેબ, આ બધું ઓનલાઇન છે ઓનલાઇન. મોટો-નાનો રૂમ – કાંઈ ફરક ન પડે” બરાડો પડાઈ ગયો મારાથી.

ઓનલાઈ એ શું બાબત છે એ આવા જુનવાણી લોકોને પહેલાં શીખવવાનું શરુ કર ભૈલા, જીગ્નેશ.

કાકીને ડાઇનિંગ  ટેબલ તૈયાર કરતા જોઈને મોહન દાસના મનમાં રામ વસ્યા. સુતોપાને હાક મારીને  પોતાના મો…ટા ઘરમાં પાછા વળ્યા. 

હાશ! જમ્યા પછી હું મારી વામ કુક્ષી ની પેરવીમાં હતો ત્યાં કોઈએ બેલ મારી. 

જોયું તો મોહન દાસની કામવાળી લક્ષ્મી. “તમારો ફોન છે” કહીને જતી રહી.

આશ્ચર્ય! મારો મોબાઈલ ફોન ક્યાંક પડ્યો હતો તેમાં જોયું તો ટોટલ ડીસચાર્જ્ડ  ! જીગુ ની સાથે બિઝનેસની વાતોમાં ચાર્જ કરવાનું ભૂલી ગયો. અરે ત્તારીની!

જેમ તેમ શર્ટ  પહેરતો હું પહોંચ્યો મોહન દાસના મોટા હવા ઉજાસવાળા ઘરમાં.

અંદર નઝારો કાઇંક આવો હતો. મોહન દાસ એમના ઢોલિયા પર એકદમ તૈયાર, કાનમાં મશીન બરાબર ખોસીને, ફોન પર મારી શી વાત ચીત થાય છે એ સાંભળવા આતુર. કાનનું મશીન હોવા છતાં વળી કાંઈ ન સંભળાયું તો એ માટે સુટોપ  દેવી પણ બાજુ માં બિરાજમાન! 

મેં રીસીવર કાને ધર્યું.

“કાકા!” જીગ્નેશે  એવા  મોટે અવાજે સંબોધન કર્યું કે મોહન દાસે પણ કદાચ સાંભળ્યું. મને શક તો પડી ચૂક્યો હતો કે મારી પહેલાં જીગુ એ મોહન દાસ સાથે મોટે અવાજે કાઇંક ભાંગરો વાટ્યો હશે. ખેર !

મોહન દાસે પોતાનું મશીન કાનમાં વધારે જોરથી અંદર ખોસ્યું – કદાચ જીગ્નેશ ધીમા અવાજે બોલવાનું શરુ કરી દે તો?

સુતોપા દેવીએ હાથ નો ઈશારો કરી ને એમને સખણા રહેવા કહ્યું.

“તમારો મોબાઈલ  ફોન….” 

“હા હા મને ખબર છે ભાઈ, ડિસચાર્જ થઇ ગયો હતો”

“અરે બહુ સરસ ન્યુઝ છે, ઝકાસ!”

“બોલોને મારા બિલ ગેઈટસ ” 

“તમે લાઈન  પર આવ્યા એ પહેલામેં દાદાજીને વાત કરી!” 

“તે વાત કરી પણ એમણે શું સાંભળ્યું એ વિચાર્યું? એની વે, બોલ હવે – એમાં ઝકાસ શું છે?” જીગુ ના ઉત્સાહ પર ઠંડુ પાણી રેડવાનો મારો ઈરાદો ન હતો.

“અરે, કાકા, દાદાજીએ  એમનો મોટો  મસ રૂમ આપણા ઓનલાઇન કલાસ માટે ફાળવી દીધો! છેને  ઝકાસ!”

‘પણ ઓનલાઇન કલાસ માટે મોટા રૂમ નું કા…”

“તમે ય ખરા છો ને ? થોડું માર્કેટિંગ સમજો. ઓનલાઇન કલાસને એટેન્ડ કરનારું પબ્લિક સ્ટુડિયો જેવો મોટો રૂમ જોશે તો કેવો પ્રભાવ પડશે? તમારા – એટલે કે આપણા – અસ્ત વ્યસ્ત લાગતા રૂમ કરતા હજાર દરજ્જે સારો લાગે”

“પણ મારા દેવ ના દીધેલ, દાદાજીને તારે કાંઈ દક્ષિણા આપવી પડશે ને ?”, પછી અવાજ એકદમ ધીમો કરીને ઉમેર્યું  ” આ ડોસો બહુ લાલચુ છે” , મેં તીર માર્યું 

દાદાજીનું નામ સાંભળતા મોહન દાસના કાન સરવા થયા – મતલબી બહેરા તે આજ હશે?

“એ જ તો મારી ખૂબી છે, કાકા. દાદાજી ચાર્જ નથી કરવાના, બિલકુલ ફ્રી!”

“શું વાત કરે છે? ચાર્જ નહિ કરવાના” મારાથી લગભગ રાડ પડાઈ ગઈ.

આ બાજુ મોહન દાસે ડોકી હલાવી. મને શંકા થઇ કે આ માણસ મશીન દેખાવ પૂરતું પહેરે છે કે શું? ઘણું જીવો મારા દાદાજી.

“હાર્ડ ઓફ હિઅરીંગ — આઈ મીન હાર્ડ તું બીલીવ” 

“આનું નામ બિઝનેસ સેન્સ. તમારો મોબાઈલ ફોન ન લાગ્યો એટલે મેં બાજુમાં દાદાજીને ફોન લગાવ્યો, એ લાઈન પર આવ્યા અને મને વાત કરવાનો મોકો મળ્યો અને આપણું  કામ થઇ ગયું! મોકો આવે એને સમઝવો અને ઝડપી લેવો એ જરૂરી છે, બિઝનેસમાં “

મારા જેવો ભોટ માણસ! કદાચ સમગ્ર વિશ્વમાં નહિ હોય એ ખાતરી થઇ ગઈ મને.

મોહન દાસે એક બ્રિલિઅન્ટ સ્માઈલ આપ્યું – સુતોપા દેવી ઝટપટ ઉઠીને ચા  બનાવવા રસોડામાં ગયા.

છેલ્લે મેં અમારા બિલ ગેઈટસને પૂછ્યું, “તો હવે ક્યારે શરુ કરવા છે ઓનલાઇન કલાસ?”

“બસ તમે અને કાકી ફી ભરી દો એટલે હું  તૈયાર છું”

મારી દશા  બસ ‘કાપો  તો ય લોહી ન નીકળે’ જેવી.

“અને હા, તમારો મોબાઈલ ફોન હવે કાયમ ચાર્જ રાખજો, ૨૪ બાય ૭; તમને કલાસમાં બેઠેલા જોઈને તમારા મિત્રો તમને  ફોન કરવાનું ચાલુ  કરી દેશે કે ‘રાજેશ ભાઈ તમે જીગ્નેશના કલાસ જોઈન કરી દીધા? ખરેખર?”

હે મારા ભગવાન , હું ક્યાં એમાં સંડોવાયો?

સુતોપા દેવી ચા  લઇને પધાર્યાં, “અજી સુનતે હો. કલાસ શુરુ કરનેકા કોઈ મુહૂર્ત તો નિકાલો? 

હું અવાચક ! આ બાઈ ને ઈંગ્લીશ સમજતા પણ આવડે છે! મારી બેટી એ જીગ્નેશ સાથે ની બધી વાત પચાવી!

“અરે પગલી મેરા પંચાંગ તો લાઇયે,” પછી મારી તરફ  ફરી ને. “રાજેશ સાહેબ ચાય ઠંડી હો રહી હૈ”

પણ અસલમાં ઠંડો હું પડી ગયો.

ડાયાબિટીક મોહન દાસ માટે બનાવેલી ચામાં ખાંડ નાખી જ ન હતી.જેમ તેમ ગટ ગટાવીને પી ગયો. 

આ બધું રહસ્ય  ઉકેલવાની કોશિશ કરતો કરતો હું કાકી સાથે ઘેર આવ્યો.

ત્યાં કાકીએ મંડાણ માંડ્યું, ” મારે કાંઈ તમારી પાસે સંગીત નથી શીખવું – ઓનલાઇન કે ઓફલાઈન.”

હવે તો હદ થઇ ગયી. 

“શીખવનાર તો જીગુ છે, હું નહિ. તારે તો બસ સાથે બેસવાનું. કોઈ તારી પરીક્ષા નથી લેવાનું”

મારો વામકુક્ષીનો સમય તો ક્યાંય પસાર થઇ ગયો આ બધી ઓનલાઇન કલાસની પળોજણ માં.

       ———————————-

પ્રકરણ ૩:

દાઝ્યા પાર ડામ જેવી પરિસ્થિતિ પેદા કરી દીધી હતી મારા મોભાદાર પાડોશી મોહન દાસે. ઓનલાઇન જેવા નવતર પ્રયોગમાં  એમને શો લાભ થવાનો હતો એ મારી સમઝ ની બહાર હતું.

મારા જેવા ઠીક ઠીક કહી શકાય એવા સંગીતકારનું આખું જીવતર પાંચ માં પૂછાય એવા ભ્રમમાં રોળાઈ  ગયું એ નિર્વિવાદ હતું. લૂટ ગયા જી મૈં લૂટ ગયા. વહાલા ભત્રીજા જીગ્નેશના તરંગી તુક્કામાં ફસાઈને તમારી ભોલીભાલી કાકી અને હું દારિદ્ર્યના કાદવ માં વધુ ઊંડે  ખૂમ્પવાના  હતા એ નક્કી. 

વળી, એ જ કાકી  અને સુતોપા દેવીને  એક ખૂણામાં બેસીને “‘ઉષા  કો ઓ હા સો લિ’ માં રહેતા સર્વે રહીશોની જિંદગી હવે કેવી સંગીતમય બનવાની હતી” એ વિષય   ઉપર સઘન વિચાર કરતાં જોઈને મને કેવું થતું હશે? એવા ખયાલોમાં એમને રાચતા જોઈને મારા રહ્યા સહ્યા વાળ ખેંચી કાઢવાનું મન થતું હતું. 

બીજે દિવસે વહેલી સવારે નાહી ધોઈ ને બીજે માળે રહેતા શ્રીયુત કમળાશંકર દ્વિવેદીના ધર્મ પત્ની ધીરે ધીરે ડગ માંડતા લપસીયા દાદર ઉતરીને કાકીને લખનવી જબાનમાં કહે, ” બહુત બહુત બધાઈ! મૂંહ મીઠા કરવા હી દીજિયે અબ, ભાઈ સાહબ નયા બિઝનેસ જો શુરુ કરને વાલેં  હૈં ” લ્યો કરો વાત!

હવે તો આખા ગામમાં વાત ફેલાઈ ગયી હતી એવું લાગ્યું – કમ સે કમ. ‘ઉષા  કો ઓ હા સો લિ’ માં તો છવાઈ ગયી હતી. ઓનલાઇન બિઝનેસ નામનું આ બચ્ચું મર્યું અવતરે એવી કોઈ આશા મને દેખાઈ નહિ. પણ સોસાયટીમાં આ વાત ફેલાઈ કેવી રીતે? નક્કી આ પેલા ભેજાબાજ જીગ્નેશનું કાવતરું.

એક આશાનું કિરણ હતું. “શરુ ક્યારે કરે છે ” એવા સવાલના જવાબમાં જીગ્નેશ એવું બોલી ગયેલો કે “જેવા તમારા અને કાકીના પૈસા આવી જાય એટલે આપણે શરુ”. જો હું પૈસા આપું જ નહિ તો? બસ, હાથ ઊંચા કરી દેવાના મારે.

પીછે હઠ કરે તો એ જીગ્નેશ શાનો? એક મસ મોટી ઈ મેલ કરી દીધી મને, જેમાં હતી એક સ્પ્રેડશિટ. ખૂબ જ ચીવટથી બનાવાઈ હતી, જેમાં સોસાયટીના કયા સભ્યે રજિસ્ટ્રશનના પૈસા આપ્યા, ક્યારે આપ્યા, ચેક થી કે કેશમાં વિગેરે વિગતો માટે કોલમો હતી. અને આ બધું મારે સંકલિત કરવાનું હતું. હવે હું પૈસા ન પણ આપું તો કમળાશંકર અને મંડળી તો આપેજ, બધો હોબાળો કરી દીધો હતો તે? ઈ મેલના એક ઝાટકે મારી આશા પર પાણી ફરી વળ્યું. શાહબુદ્દીન રાઠોડ ની એક વાતમાં આવે છેને કે જેવી  સિંહ ને ખબર  પડી કે વાંદરે  એને એક લાફો માર્યો એ છાપામાં ય આવી ગયું એટલે પીછે હટ કરવી પડી. ઘાતકીપણા ની હદ!

આ બાજુ જીગ્નેશના ફોન આવ્યાને બે દિવસ કોરા ગયા હતા.  શું થયું હશે? હજાર વિચાર આવી ગયા મને. નવા બિઝનેસનું ગાડું કેટલે આવ્યું એની ફિકર ન હતી એને? મોહન દાસ હવે જાણે ઉત્સાહમાં રણે ચડયા હતા. એ તો મંડ્યા એમના વિશાળ રૂમને નવેસરથી રંગરોગાન કરાવવા! ધણિયાણી સાથે બેઉ રંગરોગાનમાં પૂરતું ધ્યાન આપી શકે એ હાટુ તમારા કાકીએ  એમને ગુજરાતી થાળી પહોંચાડવાનો નેક કદમ ઉઠાવી દીધો. મંગેશ ગોડબોલે નામના એક બહુ ચગેલા પણ સાધારણ પેન્ટરે ઓનલાઇન બિઝનેસ વિષે એક બોર્ડ ચીતરીને ‘ઉષા  કો ઓ હા સો લિ’ ના ખખડી ગયેલ  ગેઇટ   પર ફિટ પણ ફરી દીધું. 

બરાબર ત્રીજે દિવસે જીગ્નેશનો મારા પર ફોન.

“કેમ છો  કાકા? બધું બરાબર ? હું તો છેલ્લા બે દિવસથી મારા ડેટા બેઝના બધા દોસ્તોનો કોન્ટેક્ટ કરવામાં સખત બીઝી હતો. તમારી સોસાયટીના લોકોમાં ઉત્સાહ જબરો છે નહિ? રોજ મારા ઉપર કોઈ ને કોઈ  ના  ફોન પર ફોન આવ્યા કરે છે. આ જોતાં મોહન દાસ નો રૂમ નાનો પડશે એવો ડર મને છે, તમને શું લાગે છે? ફોન તો ઠીક છે પણ કેટલા લોકોએ રજીસ્ટ્રેશન ફી આપી? ચેક હોય તો ક્લીઅર થાય પછી જ રસીદ આપવી, તમે હંમેશાં આ બાબત માં જરા ઢીલા પડો છો  એટલે કહેવું પડે. “

હું દિંગ્મૂઢ! 

“કેમ કઈં  બોલતા  નથી ? અરે હા યાદ આવ્યું? તમારું હાર્મોનિયમ જરા જોવડાવી લેજો. દશેરા ને દિવસે ઘોડું દોડે નહિ તો આપણી ફજેતી થશે. સૂર ખોટો નીકળે તો ય આપણી કિંમત થઇ જાય” નવા બિઝનેસના વરાયેલા સીઈઓ  હવે ચગ્યા હતા. 

“ભાઈ જેનો અંત સારો તે બધું સારું કરાવે” મારી શબ્દોની રમતને ગંભીરતાથી લે એવો ન હતો મારો ભત્રીજો. 

“એ… સારું. જુઓ હજી એક વાત છે. આ પ્રકારના ઓનલાઇન બીઝ્નેસ્સમાં જી એસ ટી ના શા રૂલ્સ છે એ જાણવા જરૂરી છે.” થોડા પેપર્સ નો અવાજ,

“એક વાર બિઝનેસ શરુ થઇ જાય પછી આપણે શાંતિ થી કામ કરવું છે, ન કે જી એસ ટી ના  વમળોમાં ફસાયેલા રહીએ વર્ષોના  વર્ષો સુધી. કોઈ ચિંતા નથી. મેં મારા એક જાણીતા એક્સપર્ટને આ કામ સોંપી દીધું છે. ૨૫૦૦૦ રૂપિયાના  મામૂલી ચાર્જ માં એ તો રાજી થઇ ગયો! ભલે ને ગધ્ધા વૈતરું એ કર્યા કરે. આપણાંને ક્યાં આ બધો  ટાઈમ મળવાનો છે, ખરું?”

“ભેંસ ભાગોળે ને…” હું બોલતાં બોલતાં રહી ગયો અને આવનારા ઝંઝાવાતની દહેશતમાં ઢળી પડવાની સ્થિતિમાં આવી ગયો.

કાકી વહારે ધાયા. મને પકડી લીધો.

“શું થયું કાકાને ?” જીગ્નેશ બહાવરો જેવો બની ગયો – આખરે પોતાનું લોહી ને?

“કાંઈ નહિ  એ તો આજે ડાયાબિટીસની ગોળી લેવાનું ભૂલી ગયા ને એટલે” 

“ઓહો, કાકી હવે કાકાનું બરાબર ધ્યાન રાખજો, હેં કે? એ જો ન હોય તો હું એકલે હાથે આ કેવી રીતે કરીશ?”

અજાણતામાં ઉચ્ચારાયેલ એ શબ્દોએ  મને અંધારા આવી ગયાં – જાણે મોક્ષ હવે હાથ વેંતમાં !

હે  ઈશ્વર,  આ ઉંમરે આવું  બધું મારે જોવાનું બાકી રહી ગયું હતું ?

એટલામાં,

“સરકારે જાહેર  કરેલી નવી છૂટછાટો. ” અખબારના પહેલા પાના પર જોરશોરથી છપાયેલા સમાચાર  વાંચીને હું ખુશ. લોકો હવે બિલકુલ પહેલાની જેમ, માસ્ક પહેર્યા વગર નીકળતા થઇ જશે એટલે હવે ઓનલાઇનનું વળગણ અસ્ત થઇ જશે એવી આશા જન્મી. પણ જીગ્નેશ જુદી જ માટીનો હતો. કહેશે, “હવે આપણે લાઈવ કલાસ શરુ કરીએ તો વાંધો નહિ.” પણ મને ઊંડે ઊંડે એવી આશા હતી કે લોકડાઉનથી ત્રાસી ગયેલા લોકો લાઈવ સંગીતના કલાસમાં આવવા કરતાં હિલ સ્ટેશન પર જવાનું વધુ પસંદ કરશે. 

“વક્તને કિયા ક્યા હસીં સિતમ” ગીત યાદ આવી ગયું. એક જમાનો હતો જ્યારે હું એ ગીત વગાડતો અને કાકી મઝેદાર રસોઈ બનાવતાં સાથે ગણગણતી.  ફિલહાલ મારે જીગ્નેશના પ્લાનનું શું કરવું એ મથામણ. 

મોહન દાસ છાપું વાંચતાં ઘરમાં દાખલ. “અરે યે  તો ગરબડ હો ગયા! અબ મેરે રૂમ મેં ઓનલાઇન કલાસ નહિ હોગા કયા? “

“ક્યા ભલા માણસ, વો ચિંતા આપ જીગુ પે છોડો ના?”

“ઓહો, મૈને તો રૂમ કા પેઇન્ટિંગ ભી કરવા દિયા”

“અરે ઉસમેં  ક્યા હૈં ? ઇસ બહાને આપકા  લિવિંગ રૂમ ચકાચક હો ગયા ન?” 

“ક્યા બતાઉં?” મોહન દાસે ચશ્મા ઉતાર્યા, “જીગ્નેશને મુઝે પેઇન્ટિંગ કા ખર્ચ દેનેકા દિલાસા દિયા થા. વો એક અચ્છા લડકા હૈં લેકિન…” ઠૂઠવો મૂકવાનું બાકી રાખ્યું મોહન દાસે.” લેકિન યે સબ ઉસકો બતાના નહિ, હાં”

અચ્છા તો આ સિક્રેટ હતું? હવે તો ઓલાઈન બિઝનેસ ચાલુ કરાવીને જ હું જંપીશ – કોવિદ હોય કે એનો બાપ!

૧૯૬૬ માં જોયેલી એક સુંદર કોમેડી ઈંગ્લીશ ફિલ્મ “આફ્ટર ધ ફોક્સ” યાદ આવી ગયી જેમાં કોમેડિયન પીટર  સેલર્સ એક  મવાલીના  રોલમાં, ખોટા ખોટા પ્લાન બનાવી, દરિયાકિનારે એક ગામની પ્રજા ને મૂર્ખ બનાવી કેવી રીતે સાચે સાચે સોના ની લગડીઓ  શિપમાં ભરી ને પોબારા થઇ જવાની કોશિશ કરે છે. 

અમારા  ભત્રીજાએ  કાઇંક એવું ગેરકાયદે કામ કરવાનો કોઈ પ્લાન તો નથી બનાવ્યો ને? મને લખલખું આવી ગયું. એના પાપે હું મારી જાતને જેલ માં બેઠેલો જોઈ રહ્યો અને કાકી બિચારી હું જેલ માંથી ક્યારે છૂટું એ માટે મંદિરના અનેકો અનેક ચક્કર લગાવતી નજરે ચડી. મોહન દાસ મારો બેટો તો છટકી જાય કે “મને તો પહેલેથી જ શંકા હતી કે જરૂર દાળ માં કાંઈ કાળું છે”

———————————————-

પ્રકરણ ૪:

મામલો ગૂંચવાયો હતો. છાપામાં રોજ પોરનોગ્રાફીને લગતા ગુનામાં જેલમાં ધકેલાઈ  ગયેલ  બોલીવડની એક પ્રસિદ્ધ વ્યક્તિના ચકચાર ભર્યા સમાચારે અમને વ્યગ્ર કરી મૂક્યા. કાકી સવાર પડે ને મને તાકીદ કરે, ” આ આપણો જીગ્નેશ કોઈ લફરાંમાં તો નથી ફસાયોને? જોજો ધ્યાન રાખજો કાંઈ તમે ન સંડોવાઈ જાવ. આમ ઘેર  હાથ જોડી ને બેસી રહો છો એ કરતાં બહાર નીકળો, સરખી તપાસ કરો.” બિચારી કાકીનો શો વાંક? મારા જેવા અભાગી સંગીતકાર જેણે જીવનમાં કાંઈ ઉકાળ્યું ન હતું તે છતાં મને સાચવી લીધો તો મારે હવે કાઇંક કરી બતાવવું જોઈ એ વિચાર વધુ ને વધુ સજ્જડ થઇ ગયો.

એક મોડી સવારે કાકીના હાથની ગુજરાતી થાળી આરોગીને હું નીકળી પડ્યો જેમ્સ બોન્ડની જેમ. પોતાના સગા ભત્રીજા પર શક કરવાનું દુઃખ તો હતું પણ છૂટકો ક્યાં હતો? કાકીની વાત માની એટલે એણે તો મારો દેખાવ  મૂળજી જેઠા માર્કિટમાં કામ કરતા કાપડના એક કમિશન એજન્ટ જેવો બનાવી  દીધો – ધોતીયુ, કફની અને માથા પર સફેદ ગાંધી ટોપી એટલું જ નહિ મારી ચાલ પણ બદલી કાઢી. ઘેરથી  નીકળતા કોઈ પરિચિત મને ઓળખી ન કાઢે કે “અરે કાકા આ કોરોના સમયમાં બહાર ક્યાં નીકળી પડયા આ ઉંમરે? અરે તમારે આ રિસ્ક લેવાનું કાંઈ કામ? અમે બધા શા કામ ના?” પણ મારા સદ્દભાગ્યે કે પછી જીગ્નેશના દુર્ભાગ્યે કોઈએ  મને ઓળખી કાઢ્યો નહિ.

મને સોંપેલું કામ જરા ભરી હતું, એક બાજુ ખૂબ ઓછા સમય માટે કર્ફ્યુ ખેંચી લેવામાં આવ્યો હતો અને બીજી  બાજુ કોઈ નવો રકાસ ન થઇ જાય એનું ધ્યાન રાખવાનું હતું. જીવનમાં કદાચ આવું કામ પહેલી અને છેલ્લી વાર કરવા જઈ રહ્યો હતો. 

સરદાર પટેલે સત્યાગ્રહ કરીને જેને ભારતના નકશા પર મૂકી દીધું હતું એવા બારડોલીથી થોડાક મહિના પહેલા જીગ્નેશ મુંબઈમાં ઈમ્પોર્ટ થયો હતો અને બોરીવલી પૂર્વના કોઈ ‘માર્બલ આર્ચ’ નામના મકાનમાં રહે છે એવું એક ચિઠ્ઠીમાં  થોડી વિગત સાથે લખી ગયો હતો.એ  સ્માર્ટ તો હતો જ પણ ઓવર સ્માર્ટ હતો કે કેમ એ તપાસ કરવાની હતી.

“કુંઠે જાયાયચા અંકલ?” દાઢી, વાળ વધી ગયેલા રીક્ષા ચાલકે મને પૂછ્યું. મોં પર વળી માસ્ક એટલે પટ દઈને વિશ્વાસ બેસી જાય એવો તો હતો નહિ. “કાકા, આ કોરોના કાળમાં પાસે ફરકેલ દરેકે દરેક વ્યક્તિને કોરોનોનું ઇન્ફેક્શન હશે એમ ધારી લેવામાં ડહાપણ છે” – ચોથે માળ વાળા પ્રોફેસર તાટકેના જ્ઞાની  ચિરંજીવે મને એક વાર તાકીદ કરી હતી.

“બોરીવલી ઇસ્ટ, જરા લૌકર ભાઉ, ઉષીળ ઝાલી માલા”

“અરે અંકલ સબકો જલ્દી હૈં, ફિકર કાયકો?” બિહારી- હિન્દી બમ્બૈયા  હિન્દીમાં ચોપડાવીને એણે રીક્ષા મારી મૂકી – જાણે બ્રહ્માસ્ત્ર છૂટ્યું. હું એ બ્રહ્માસ્ત્ર માંથી એક નાના અસ્ત્રની જેમ બહાર ન ફેંકાઈ જાઉં એમ કરીને બંને બાજુ લોખંડના બાર કસકસાટ પકડી ને બેઠો.  

બોરીવલી ઇસ્ટ પહોંચતા મેં ચૂપચાપ માગ્યું એ ભાડું ચૂકવી દીધું, ભયજનક વાતાવરણ માં કોઈ અજાણ વ્યક્તિ સાથે જીભાજોડી માં ઉતરવું નહિ એમ ગાંઠ વાળી હતી. 

પેન્ટ માં સંભાળીને ખોસેલો મોબાઈલ સળવળ્યો. “માળો જીગ્નેશ તો નહિ ને?” 

જોયું તો શ્રીમતીજી! “તમે પહોંચી ગયા કે નહિ?” કાકીની ટ્રેકિંગને દાદ આપવી પડે! ક્યા ટાઈમિંગ!

“હા પણ હમણાં ફોન  મૂક, પછી વાત કરીશ” આવા જવાબથી સામે વાળી વ્યક્તિની ચિંતા વધી જાય એની મને પરવા ન હતી. હું અને મારું મિશન, ઝિંદાબાદ.

“સેકન્ડ ફ્લોર, માર્બલ આર્ચ” મેં ચિઠ્ઠી માં પાછું ચેક કર્યું. એજ મકાન હતું સામે. આવા પડું પડું મકાન માં રહે છે જીગ્નેશ? ન હતી આર્ચ  કે ન હતો કોઈ માર્બલ! મકાન સાવ સૂમસામ. કોઈ માઈનો લાલ મળી જાય તો પૂછું  કે જીગ્નેશ મહેતા અહીં રહે છે? કોને પૂછવું? બીજે માળે કોમન પેસેજમાં એક દોરી પર લૂંગી ફરફરતી સૂકાતી હતી – કદાચ ત્યાં  જ રહેતો હશે એ.

“ચાલ ચાલ કાકા ઉપર ચઢો હવે” એમ સ્વગત બોલીને હું જેવો અંધારા દાદર આગળ ગયો ત્યાં ગલીનું  એક માયકાંગલું કૂતરું અંદર થી દોડી  આવ્યું. 

આસ્તે કાકા , આસ્તે. મારા હૃદયના ધબકાર કદાચ રસ્તાની પેલી બાજુ ના મકાન માં પણ સંભળાતા હશે. હવે આટલે સુધી આવ્યો જ છું તો જીગ્નેશ ના ગોરખ ધંધા ની પૂરી તપાસ કરી ને જવું એવો નિર્ધાર. હવે ઉપર ચઢતા ચઢતા હજાર જાતના વિચારોએ કબ્જો લીધો. જે વ્યક્તિ પોતાને  જીગ્નેશ તરીકે ઓળખાવે છે એ ખરેખર જીગ્નેશ છે કે કેમ? કોને ખબર? એનો વેશ તો બરાબર હતો પણ જો હું વેશ બદલી ને કમિશન એજન્ટ બની શકું તો કોઈ પણ નવયુવાન જીગ્નેશ બની શકે. ખૈર. 

હજી તો પહેલે માળે પહોંચ્યો ત્યાં ફોન રણક્યો. હવે શું છે કાકી ને ? 

“અરે સાંભળો … હલ્લો હલ્લો હલ્લો”

“હા બોલ જલ્દી.” એક બીજું કૂતરું બાજુ માંથી મને ઘસાતું દોડી ને નીકળી ગયું, જેમ તેમ પહેરેલી ધોતી ખુલી જવાની નોબત આવી ગયી. સદભાગ્યે મેં એને પાછી ખોસી દીધી.

ફોન ને મેં કાન પર જોરથી દાબ્યો. 

“સાંભળો છો, પેલો જીગ્નેશ તો અહીં આવી ગયો છે…. હલ્લો, હલ્લો , હલ્લો “

“માર્યા ઠાર. મારુ જેમ્સ બોન્ડ નું મિશન અહીં પડતું મૂકવું પડે એમ હતું. 

ધોતી ને સરખી પકડી ને હું તરત જ નીચે ભાગ્યો. પેલી રીક્ષા હજી ત્યાં હતી , કદાચ એને કોઈ પેસસેન્જર નહિ મળ્યા હોય. 

ઉષા કો ઓ હા સો લી પહોંચતા ઘણી વાર લાગી આ  ફેરી. પહોંચતા જોયું તો મારી કલ્પના બહારનું ગંભીર વાતાવરણ રચાયું હતું. ઉષા કો ઓ હા સો લી ના ઈજ્જતદાર રહીશો ઉભા ઉભા ચકળ વકળ મને જોવા લાગ્યા. મને ધ્રાસ્કો  પડ્યો. શું થયું ? ઉપરથી કાકીએ મને એક નિરાશાજનક નજર નાખી. મોહન દાસે પોતાનાં ચશ્મા સરખાં કરીને બારીએ થી મારી સામે નજર માંડી, પાછળ એમની ધર્મપત્ની સુતોપાદેવીનો સહારો. 

પેઈન્ટર મંગેશ ગોડબોલે નો નાનકડો છોકરો આવી પૂગ્યો, “કાકા કાકા, પોલીસ યેઉન માઝા વડીલ લા ઘેઉં ગેલે” – પોલીસ વાન જે દિશા માં ઉપડી ગયી એ દિશા તરફ આંગળી બતાવી. ” આણી જીગ્નેશ ભાઉ લા પણ…”

હવે મારા છક્કા છૂટી ગયા. નક્કી  બેવકૂફ  જીગાએ  કાઇંક કાળાધોળાં કર્યા હશે. પણ બિચારા મંગેશ ને કેમ પકડી ગયા? એનો કોઈ પાસે જવાબ ન હતો. એટલું સમજાયું કે પોલીસ આવી અને બંનેને પકડીને વાન માં ઘાલીને લઇ ગયા.

કાકીએ ડૂસકું મૂક્યું, એને ખાતરી થઇ ગયી કે હવે લોકપ માં જવાનો વારો એના મહેતા સાહેબનો.

પેલું  રમૂજી ઈંગ્લીશ પિક્ચર “આફ્ટર ધ ફોક્સ” હવે અહીં ભજવાવાનું હતું.

એક બાજુ કાકીએ ભગવાનને પ્રાર્થના કરવા માંડી અને બીજી બાજુ બહાદુર કાકા પોલીસ સ્ટેશન જવા રીક્ષા માં રવાના – સાથે ઉષા કો ઓ હા સો લી માં રહેતો એક પ્રેસ રીપોર્ટેટ જોડાઈ ગયો. 

“તરકટી જીગ્નેશે એવો તે શો ખેલ માંડ્યો? “આફ્ટર ધ ફોક્સ” માં પીટર સેલર્સ ને પણ ટપી  જાય એવો જીગ્નેશ નો રોલ હતો. બિચારા મંગેશ નો શો ગુનો? બોર્ડ ચીતરી કાઢ્યું એ ગુનો?”

આવા વિચારોમાં અંધેરી ઇસ્ટનું પોલીસ સ્ટેશન ક્યારે આવી ગયું તે ખબર ન પડી. દૂરથી પોલીસ સ્ટેશનની ઝલક દેખાઈ તે યાદ અપાવતી  હતી પેલા એસ્ટ્રોનોટોએ અવકાશમાંથી કરેલા પૃથ્વી દર્શનની. ફરક ફક્ત ઉમળકા અને હતાશા વચ્ચેનો. દરવાજા પર દંડૂકાને આમતેમ હલાવતા  એક જમાદારે દંડુકો અમારી સામે તાકીને ફક્ત સંજ્ઞા થી પૂછ્યું ‘ક્યા કામ હૈં?”

“મેરે લડકે  કો યહાં લે આયે હૈં?”

“તો?” ચલા નાંવ સાંગા”.   “જીગ્નેશ “

“વાડીલાન્ચે નાંવ ?”

“સાબ મોહન ..”

“મૈને મેરા નામ નહિ પૂછા.”

“સાબ મોહનભાઇ”

“તુમ મોહન હો?

“મેં ઉસકા  ચાચા, રાજેશ  મહેતા”

“ઔર યે બંદા કૌન ?”

“મેરા પાડોશી”

“નાંવ?” 

‘અશોક પૂજારી”

“પૂજારી? ” નામ સાંભળી ને જમાદાર ચમક્યો અને શંકાશ્પદ રીતે એને જોવા લાગ્યો.

“સાબ. વો પૂજારી સે ઇસકા કોઈ સંબંધ નહિ હૈં” – મારાથી અજાણતામાં આંખ નચાઈ ગઈ.

“અરે શિરકે!” એણે અંદર કોઈને બૂમ મારીને ખાતરી કરી કે જીગ્નેશ નામનો કોઈ શખ્સ ખરેખર  ત્યાં હતો.

અમને ભવ્ય પોલીસ સ્ટેશનમાં દાખલ થવાની પરમિશન મળી. 

સબ ઇન્સ્પેક્ટર શિરકેએ એના એ પ્રશ્નોની હારમાળા કરી.

આખરે પવિત્ર પોલિસ સ્ટેશનના ગર્ભ ગૃહમાં બિરાજમાન એક પાતળા લાગતા આસિસ્ટન્ટ ઓફિસર સામે અમે હાજર થયા. રૂઆબ પરથી લાગતું હતું કે એ અત્યારે કામચલાઉ ચાર્જ માં હશે. એની આસપાસ અમારા જેવા થોડા લોકો વીંટળાયેલા હતા જેના મોં પરથી એવું પ્રતીત થતું હતું કે જાણે અબ ઘડી પેલાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી બેસશે. કામચલાઉ બિરાજમાન નિરુપદ્રવી સાહેબના મોં પર કોઈ જાતના ભાવ નહિ, સ્થિતપ્રજ્ઞતાનો નમૂનો જોઈ લો. અમને પાસે આવેલા જોઈને  ઘડીક નજર નાખીને માથું નમાવીને પોતાના મહત્વ ના કામ માં મશગૂલ.

“જય હિન્દ, સાબ,” થોડી પળોમાં અમને પાસે આવવાની સંજ્ઞા કરી એટલે મેં એમનું ચીલાચાલુ અભિવાદન કર્યું.

ખાલી થયેલી ખુરશી પર બેસતાં મને એવો ભાસ થયો કે જાણે કોઈ આત્મા મારી તરફ હાથ હલાવીને ધ્યાન ખેંચવા ન માગતી હોય? ટેમ્પરરી લોકપના સળિયા પાછળ ઉભેલો  એ બેબાકળો આત્મા મારો  પ્રિય જીગ્નેશ જ હતો. “હું તો ખુવાર થઇ ગયો, કાકા, કાઢો હવે મને જલ્દી” એવું ફક્ત હાથના ઇશારાથી  બોલ્યો. મને લખલખું આવી ગયું કે એને બહાર કાઢતાં કદાચ હું પણ  એની ભેગો સળિયા પાછળ …

“નાંવ?” ફિર વો હી રફ્તાર!

માહિતી ટપકાવતાં આજુબાજુના ઘોંઘાટ, ગાળાગાળીનો આ સાહેબ પર કોઈ અસર નહિ. 

“સાબ, જીગ્નેશ નિર્દોષ આહે” મને જરાક હિમ્મત આવી.

“આંત  ઘાલઆયલા સાઠી કાય ચાર્જર્સ આહે? અશોકને શેર લોહી ચઢી ગયું.

સાહેબ એટલે કે યશવંત તાલપડે ગરજ્યા, ”  હે બગ શાણે,   આપલ્યા કાહી કલ્પના આહે તુમચાયા પોરગાની કાય ગુન્હા કેલા આહેત? “

“કાય મહાણતે સાહિબ”

“હેવડા શાણે નકો, માલા વાટતે  તુમ્હી પણ હે સેક્સ રેકેટ મઘીલ શામિલ  આહે” , ઈશારો મારી તરફ હતો.

“અહો, આમી ફારચ રિસ્પેક્ટેબલ ફેમિલી આહે” મેં આવડ્યું એટલું ભાગ્યું તૂટ્યું મરાઠી માં હાંક્યું.

“હો હો, તે , કાય નાંવ, …કુન્દ્રા પણ તસચ  મહાણતે. રિસ્પેક્ટેબલ – નાટક સઘળા “

હું ચમક્યો, અશોક મારા કાનમાં ક્હે “એ તો પેલો કુન્દ્રા- સેક્સ રેકેટ વાળો- હમણાં પકડાયો  છે તે”

આ ઘટસફોટથી મારા છક્કા છૂટી ગયા. નક્કી જીગ્નેશ કોઈ મોટી ઘેરી આફતમાં ફસાયો હતો અને મને પણ ભેગો ઘસડી જવાનો. મારી નજર પડી હવે પોલીસ સ્ટેશન માં પકડી લવાયેલ રીઢા ગુનેગારો પર જેને હાથકડી પહેરાવી ને લોકપમાં નિર્દયતાથી ફેંકી દેવાતા હતા, હે ભગવાન!

“લેકિન આપ ઐસે સાબૂત બીના કૈસે કિસીકો ગિરફ્તાર કર સકતે હો” રિપોર્ટરે હવે પિક્ચરમાં બોલાતા હિન્દી માં હાંક્યું.

અશોક રિપોર્ટરના આવા અપમાનજનક પ્રહારથી ગુસ્સે થવાને બદલે તાલપડે સાહેબ અચાનક મિલિટરી સ્ટાઇલ    ઉભા થઇ ગયા અને તસતસતી સેલ્યુટ મારી. ના અમને નહિ પણ સ્ટેશન માં દાખલ થતા એના ઉપરી અમલદારને.

વાતાવરણ એકદમ ટાઈટ. 

મોટા સાહેબ આવીને એ જ ખુરશી પર બેઠા એટલે તાલપડેએ  એક ફોટોગ્રાફ એની સામે મૂક્યો.

“હાં ..કાય ચાલલા તાલપડે?”

“કુન્દ્રા સરીખા એકોમ્પલીશ વાટતે માલા” અને પછી અશોક ને ઘૂરક્યો “પ્રૂફ પાયજે નાં તુલા?”

મોટા સાહેબે ધારીને ફોટો જોયો અને મારી તરફ સરકાવી ને ક્હે. “હે બગ, તુમચ્યા   પોરગા કાય કૌતુક કરતે”

ઓનલાઇન  કલાસની જાહેરાત માટે સોસાયટીના ગેટ ઉપર લટકાવેલું બોર્ડ દેખાતું હતું ફોટામાં. અરે પણ આ શું?

ONLINE છૂટું છૂટું લખવાને બદલે કોઈ અટકચાળા માણસે     ONLINE  ના  O ની આગળ P ઉમેર્યો હતો અને  O પછી સિફત થી  R  ચીતરી કાઢ્યો હતો. મંગેશે કલાત્મક રીતે વચ્ચે જગ્યાઓ રાખી હતી તે કોઈ એ પૂરી દીધી હતી. એટલે હવે વંચાતું હતું PORNLINE CLASSES 

હું દિંગ્મૂઢ . “પણ ..”

મોટા સાહેબ મરક મરક સૂચક રીતે હસતા ક્હે “જોયું ને હવે?”

“અરે સાહેબ, જરા બગા.” કહીને મેં એમને બધું સમજાવ્યું. જે અટકચાળાએ  આ કારસ્તાન કર્યું હતું એ ડાહ્યાએ ફોટો ખેંચીને પોલીસ ને સાબદા કર્યા કે આને પેલા કુન્દ્રા વાળા કેસ સાથે સમ્બન્ધ છે.  

મોટા સાહેબ ની આંખ એકદમ ઝીણી થઇ, “અરે આપણ મેહતા સાહેબ ? હાર્મોનિયમ કલાસ? મી  હાર્મોનિયમ આપણ જ કડે શીકલો , તો જ?”

હવે મારામાં જીવ આવ્યો. આ સાહેબ તો મારો શિષ્ય નીકળ્યો!

“હો, હો, મીચ તે. “

“પણ હે કાય , ગાંધી ટોપી, ધોતી ??”    

“જાઉ દે ના દામલે આતા.”  દામલેના ગુરુજી ઉવાચઃ 

મોટા સાહેબના તાબડતોબ હૂકમ  છૂટયા અને ઘેર પાછા જવા અમે ચારેય ટેક્સી માં ગોઠવાયા. 

આખરે મારા હાર્મોનિયમના ચીલાચાલુ કલાસે રંગ રાખ્યો.

ઘેર પહોંચતાં જીગ્નેશ મારા પગે પડ્યો – સાચ્મ સાચ, દેખાડો કરવા નહિ, “કાન પકડું છું હવે ઓનલાઇનની ખો ભૂલી ગયો”. સુખદ અંત જોઈને  કાકીએ બોખું સ્માઈલ આપ્યું. 

મંગેશે પેલું અપશુકનિયાળ બોર્ડ તાત્કાલિત ઉતારી લીધું. 

પણ પેલું બોરીવલી ઇસ્ટ નું એડ્રેસ ?

“કાકા એતો  કાંઈ નહિ, જવા દો ને. હવે તો હું તમારી સાથે રહેવા આવી જવાનો છું – બેઉ નું ધ્યાન રાખવા”. આખરે મારો લાડકવાયો ભત્રીજો ને?

સંગીતાચાર્ય મહેતા સાહેબના ઓફલાઈન ક્લાસ્સ પૂર જોશમાં ચાલુ થઇ ગયા. ઇન્સ્પેક્ટર દામલે એડવાન્સ લેસન માટે અને સાથે આપણો જીગ્નેશ એકડે એકથી  શીખવા જોડાઈ ગયા. મોહન દાસે નવું હિઅરીંગ મશીન વસાવ્યું  અને રોજ કાનમાં ઘાલીને કલાસમાંથી પથરાતા સુરનો આનંદ લે છે – બિલકુલ મફતમાં.

સમાપ્ત 


4 thoughts on “કોરોના મહામારીના સમયમાં ઓનલાઇન બિઝનેસ સ્ટાર્ટ-અપ કેવી રીતે કરશો? સંપૂર્ણ વાર્તા

 1. A very interesting story. I like your style which does not imitate any
  known writer or is not “biba dhaal”. It is your own unique style.

  On Sun, 25 Jul 2021 at 13:32, Musings, Music & More wrote:

  > Rajendra Naik posted: ” (પ્રકરણો ક્રમાંક મુજબ નીચે વર્ણવ્યાછે) પ્રકરણ ૧:
  > “કેમ છો, મોટાકાકા?” હું વળી ઘણા દિવસથી કોરોના સમયમાં ધૂળખાતું હાર્મોનિયમ
  > ખોલીને આંગળીઓ ફેરવતો હતો ત્યાં મારો એકનો એક ભત્રીજો જીગ્નેશ ખુલ્લી
  > બારીમાંથી ઝાંકતો દેખાયો. “અરે ”
  >

  1. i greatly appreciate your assessment of my story. My style evolved over time, honed by helpful comments by well wishers like you from time to time.

Leave a Reply