ટવીકી નામે એક ચકલીની ડાયરીમાંથી ટપકાવેલ કથા

The Diary of Tweaky – the sparrow નામની એક અનોખી ઈંગ્લીશ કથાનું ગુજરાતીમાં જાતે કરેલું રૂપાંતર કેવું લાગે છે તે કહેશો? હવે એ જ કથા તમને અહીં કહી પણ સંભળાવું છું. આ તો કથાના પહેલા બે ત્રણ ફકરાઓ છે. જો તમને ગમે તો પૂરું રૂપાંતર કરી નાખું. કથા છે એક ટવીકી નામની ચકલીની જે સામે પડતી બારીમાં એક પુરુષને જોયા કરે છે. કોઈક અગમ્ય કારણસર બેઉનું મન મળી જાય છે અને પછી શું થાય છે??

————- ————— ————– ————- ————— ————-

ઊંચી ઊંચી શેરડીઓથી ભરપૂર ખેતરને છેવાડે એ ….રહ્યું ચંપાનું સોહામણું ઝાડ. ખેતરમાં પરસેવો પાડતા બે-પગાં માણસોનાં, નાનાં-નાનાં મઝા ….નાં  છોકરાંઓ ચંપાના ઝાડ નીચે છાંયડામાં કદીક રમવા આવતાં ખરાં. હાથમાં દાતરડું લઈને એક ઝાટકાથી શેરડી કાપતા એ માણસોના છોકરાં કેટલાં નિર્દોષ લાગતાં? હવે આ ચંપાનું ઝાડ કોણે રોપ્યું એ કોને ખબર? પણ મારા ઘરડા આજા ઘણી વાર  મારા જેવા બચુકલાં ચકલાંને ભેગાં કરીને ધીરે ધીરે ટૂચકો  મૂકતા કે ” છેને તે, ટવીકી, પે’લાં તો અહીં આ દેખાય તે શેરડીનું ખેતર જ હતું, ને આ ચંપો; પછી…. છે તે….. કોણ જાણે ક્યાંથી શહેરથી લુચ્ચા માણસ આવ્યા, ને ખડી કરી દીધી એમની ઇમારત, બિલકુલ આપણા ચંપાની લગોલગ!”. 

એમની વાતમાં કેટલો દમ હતો તે ભગવાન જાણે પણ, સાંજનાં ત્રાંસા સૂર્યકિરણથી આંખ બચાવતા, મને ધારી ધારીને જોતાં જોતાં,  જ્યારે વાત નાખતા ત્યારે તેમની શિકલ જોવાની મઝા એવી આવતી! આટલાં બધાં  બચુકલાં ચકલાંની જમાતમાં હું પાછી વધુ ઝીણકી, તે મને શોધવા તેમની આંખ ઝીણી થઇને ખેંચાય! મઝા જ મઝા!

બધા ટોળાંમાં મારી માં બહુ હોશિયાર, તે કાંઈ આવી વાતમાં ભરમાય? તે સમજાવે, “જો ટવીકી, આખી દુનિયા કાંઈ એકલા આપણા જેવા ચકલાંની જાગીર થોડી છે? બે-પગાં  માણસ આવે….., પેલાં વિકરાળ બિલાડાં પણ આવે…., સમજી? આપણે હળીમળીને સાચવીને રહેવાનું”

બિલાડાંનું નામ સાંભળતાં કોણ જાણે કેમ મારા મોતિયા મરી જાય; બિલાડાં હજી મેં જોયા ન હતાં તો પણ. 

મારા ગભરુ આજાને તો અચાનક ફૂટી નીકળેલા બે-પગાં માણસ પણ એમના જમાનામાં કદાચ ભયંકર લાગ્યા હશે નહિ? 

એ તો સારું છે કે એને ઓછું  સંભળાય બાકી આવું ડાહ્યું ડાહ્યું  બોલવા માટે એમની દીકરીને- એટલે કે મારી  માંને- ખખડાવી ન નાખે?” શું બધા લોકો  ઉમર વધતાં વધતાં ડાહ્યા થતા હશે? કે પછી સનકી ? 

ભગવાન કરે ને મારી માં કદી ઘરડી થાય જ નહિ, બસ આવી ને આવી જુવાન,સ્વસ્થ રહે અને ચીં ચીં કરતી રહે.  મોટાં  થઇને બધાં લોકો મારા જેવી નાજુક ચકલીઓને સલાહ-સૂચન આપ્યાં કરે એ કોને ગમે? મને તો નહિ જ.

ક્રમશઃ


Leave a Reply