નાનકડી ફૂકીએ ઉસ્તાદ ઈમરતખાનને સ્ટેજ છોડવા મજબૂર કર્યા?

The Full Story reposted

Posted originally on April 9, 2017 by Rajendra Naik

સુવિખ્યાત સિતાર વાદક ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાને સંગીતકાર શ્રી નયન ઘોષ ને આપેલા એક ઇન્ટરવ્યૂ માં કોઈને ટાંકતાં કહયું છે કે ” જે વ્યક્તિ ના હૃદય માં બાળક નથી એ માણસ નથી.”

બાળક નાનું હોય ત્યારે એને જલ્દી મોટા થવું હોય છે અને એક તબક્કો એવો આવે કે જયારે એને પાછા નાના થવું હોય. કેમ? ઘણા લોકો પોતાની ઉમર મોટી લખાવી ને જદલી નોકરીએ લાગતા હોય છે અને જયારે રીટાયર થવાનો સમય આવે ત્યારે એને પાછા નાના થવું હોય છે. સંગીતકાર ગમે એવો મોટો કેમ ન હોય એણે બાળક સુલભ જીજ્ઞાશા અને ચિત્તઆકર્ષતા થી સંગીત ને અનુભવવું જોઈએ. ઉસ્તાદ ગુરુની વ્યાખ્યા આપતાં સમજાવે છે કે ” ગુરુ કોઈ દિવસ કાંઈ શીખવતો નથી. શિષ્ય માટે બાળ સુલભ જીજ્ઞાશા અને ચિત્તઆકર્ષતા થી સંગીત ના દરવાજા ખોલવા નું કામ કરે છે ખરા ગુરુ. એટલે મને લાગે છે કે એક બાળક માટે સ્વયં ગુરુ થઈને સંગીત ના દરવાજા ખોલવાનું વધુ સરળ છે.

લગભગ ૧૯૭૭ માં બનેલી આ વાત છે અમારી નાનકડી દીકરી ની છે જેને અમે લાડ થી કુકી કહીને બોલાવતા. અમારું પહેલું બાળક અને એ પણ દીકરી એટલે અમે તો ઘેલાં ઘેલાં થઇ જતાં. નવા નવા મમ્મી ડેડી થયેલા એટલે અમારા વડીલો સાથે ન રહેતા હોઈ અમારી અણઘડ રીતે પણ પ્રેમ પૂર્વક એણે ઉછેરતા. કાલુંઘેલું નહીં પણ ચોકખું બોલતાં શીખી ગયેલી અને ચાલતાં પણ દીકરી હોવા ને કારણે (કોઈ એક્સસેપ્શનલ દીકરાઓ પણ હશે ) સમય કરતાં જલ્દી શીખી ગયેલી, અરે દોડતાં …

હું જ્યારે સિતાર ની પ્રેકટીસ માટે સિતાર લઈને બેસતો ત્યારે મારા બીજા પગની ગોદમાં બેસી જતી, જાણે કે એને સિતાર ની અદેખાઇ આવતી હોય કે પછી આમ બેસી ને મારી સામું જોઈને મારા સમર્થન કે સ્વીકૃતિ ની આશા હોય. એ જે હોય તે પણ એટલું જરૂર કહી શકાય કે આ વિશિષ્ટ બેઠક પર બેસી ને એ શાસ્ત્રીય સંગીત ના પાઠ ભણતી થઇ ગયી. એ ઉપરાંત અમે જયારે મોડી રાતે શાસ્ત્રીય સંગીત ના જલસા માં જતા ત્યારે થોડુંક સાંભળ્યા પછી અમારી આગળ ના ગાદલા પાર સૂઈને ઊંઘમાં એણે ઘણું આત્મસાત કર્યું હશે.

કુકી માટે તો એના ડેડી જ બેસ્ટ સિતાર વાદક

અમદાવાદ હવે શાસ્ત્રીય સંગીત નું મહત્વનું કેન્દ્ર બની ગયું છે પણ ૧૯૭૦ ના દાયકા માં ઊંચા દરજજાના કલાકાર ત્યાં બહુ ઓછા આવતા. અલબત્ત, જાણીતા સિતાર વાદક પંડિત નિખિલ બેનરજી ઘણી વાર આવતા.

એક દિવસ છાપા માં ઉસ્તાદ ઈમરત ખાન ના પ્રોગ્રામ વિષે વાંચીને હું તો ખુબ ખુશ થઇ ગયો. અને એ પણ પ્રોગ્રામ હતો નવા પ્રેમાભાઈ એસી હોલ માં! અમદાવાદ માં વળી શાસ્ત્રીય સંગીત ના કેટલા રસિયા હશે? ટિકિટ પણ મોંઘી. પણ આવો પ્રોગ્રામ જવા દેવાય? તરત જઈને બે ટિકિટ લઇ આવ્યો. કાંખમાં છોકરાં માટે ટિકિટ તો નહિ જ હોય પણ કુકી જેવડી નાની ઢીંગલી ને લઇ જવાય? ચાલો, જોઈશું.

કુકી માટે તો એના ડેડી જ બેસ્ટ સિતાર વાદક હતા પણ અહીં તો વિશ્વના શ્રેષ્ઠ એવા ઈમરત ખાન વગાડવાના હતા. કુકી ને લઇ જઈએ તો ધમાલ તો નહીં કરે ને? તો પછી આજુબાજુ પાડોશી ને ઘેર મૂકી જવી. ના ના એવું તે કૈં થાય? જીવ ન ચાલ્યો.

આવી બધી ભાંજગડ માં કુકી ના ફુઆ, મધુભાઇ, કામ આવ્યા. એઓ એક મેડિકલ રેપ્રેસેંટેટિવ હતા એટલે લગભગ ડોક્ટર જ સમજોને! નાના છોકરાં માટે કેમિસ્ટ ની દુકાને મળતો Phenergan નામનો સીરપ જે એકદમ સલામત છે લઇ આવો અને પ્રોગ્રામ ના અડધા કલાક પહેલાં પીવડાવી દો એટલે Problem solved . પ્રોગ્રામ શરુ થતાં તો કુકીબેન ઘસઘસાટ ઊંઘી જશે. વાહ. Phenergan અને મધુભાઇ, અમારા માટે સંકટ સમય ની સાંકળ નીવડયા.

પ્રોગ્રામ ની સાંજે, કુકી ને પેલું સીરપ પીવડાવી ને ખુશ થતા થતા હે હૈસા કરતા અમે પ્રેમાભાઈ હોલ પાર પહોંચ્યા. રીક્ષા માં પણ અમે બેઉ વારે વારે કુકી ને જોઈ લેતા કે ઘેન માં સુઈ ગઈ કે નહીં. હા, ઊંઘમાં શાંતિ થી પલંગ પર થી નીચે પડી જવાનો કિસ્સો પણ એક વાર બનેલો. પલંગ અને દીવાલ ની વચ્ચે ની જરીક અમસ્તી જગ્યા માંથી રાતે એ, શાલ, ગોદડી સાથે નીચે પડી ગઈ અને આખી રાત રડયા વગર સુઈ જ રહી. આખરે તો એ એના ડેડી ની જ દીકરી ને?

પણ રીક્ષા માં એવું કશું થયું નહીં. ઉલટાનું, આખે રસ્તે એણે નઝારો જોયા કીધો. અંકલો, આંટીઓ, દુકાનો, વાહનો, રખડતા કુતરાઓ, બધું જ.

રીક્ષા પ્રેમાભાઈ હોલ ના ગેટ પર આવી, અમે ઉતાર્યા અને સંપૂર્ણ રીતે જાગતી ફૂકીને પણ ઉતારી, મમ્મીની ગોદમાં. એજ ચમક આંખમાં, એજ ચપળતા – આ ક્યારે સુઈ જશે? રંજના એ મારી સામે જોયું અને મેં એની સામે. ધીરજ ધર માનવા ધીરજ.

પ્રેમાભાઈ હોલ ના ફોયર માં ઘણી ચહલ પહલ. આ માનવ મહેરામણ માં એવા પણ હતા જે આવા prestigious સંગીત મહેફિલ માં આવ્યા હતા પોતાની હાજરી પુરાવવા જેથી એઓ બીજે દિવસે એમના મિત્રો ને ચકિત કરી શકે ” અમે તો ત્યાં આગલી રો માં હતા, તમે નહીં આવ્યા? ખાસ્સી ૨૫૦ રૂપિયાની ટિકિટ લીધી’તી. બહુ મઝા આવી હોં? પેલા હાથી સિમેન્ટ ના મલિક નરોત્તમ દાસ તો આખા કુટુંબ સાથે હતા? ઈન્ટરવલ માં તો કેન્ટીન માં ખમણ ઢોકળા ઝાપટવા ની શું મઝા આવી! તમે આવ્યા હોત તો વધુ મઝા આવત.”

હવે આવા શોરબકોર માં કુકી ને ઊંઘાડવી? રંજનાએ એક પ્રમાણમાં દૂર સરસ મઝા નો ઓટલો શોધી કાઢ્યો અને ત્યાં કુકી ને મંડી થાબડવા. આ એક એકદમ રામબાણ ઉપાય હતો જે હમેંશા કામ કરતો. હવે આ પાંચેક મિનિટે માં નીંદર માં સરકી પડશે એટલે ભયો ભયો. એ દરમ્યાન આ ટોળામાં શાસ્ત્રીય સંગીત નો કોઈ રસિયો શોધવાના મારા પ્રયત્નો નાકામ રહયા.

ઓહો, આ શું? હોલ ની અંદર જવાનો સંકેત આપતી ઘંટી પણ વાગવી શરૂ થઇ. દૂર થી નજર કરી તો રંજના કુકી ને ઊંઘાડવાની મથામણ માં હજી વ્યસ્ત હતી. “ચાલ હવે આપણે અંદર જઈએ. અંદર Aircondition વધારે powerful હશે એટલે ત્યાં સુઈ જશે” નવાઈ લાગે એવી બાબત એ હતી કે અંદર જવાનો ગેટ છેક સ્ટેઇજ ની બાજુ માં થી હતો. હોલ ના પ્રમાણ માં થોડા સાંકડા એવા બારણા આગળ ભીડ હોય એના કરતાં વધારે લાગી. એમાંના કોઈકે કુકી ને લઈને અમને દાખલ થતાં જોઈને મોં મચકોડ્યું.

“આ લોકો સમઝતા કેમ નથી કે આટલાં નાના છોકરાઓને ન લેવાય આવા પ્રોગ્રામ માં.” એવું કદાચ આ લોકો વિચારતા હોય તો બિલકુલ વ્યાજબી હતું. “પણ એ તો સુઈ જવાની છે” મેં મનમાં rationalize કર્યું.

એક funnel માં થી છૂટતા હોય એમ અમે સાંકડા બારણા માં થી અંદર તરફ ધકેલાયા. જગ્યા શોધી ગોઠવાયા.

અંદર શ્રોતાઓનો ગણગણાટ ચાલુ હતો.

સંગીતના કે કોઈ પણ જાતના કાર્યક્રમો કોઈ દિવસ સમયસર શરૂ થાયજ નહીં અને એમાં મારા જેવો સમય નો બંધાણી, વેદિયો માણસ ખુબ દુઃખી થાય. પણ આજે પરિસ્થિતિ જુદી હતી. કુકી હજી મોટી મોટી આંખો થી આજુબાજુનું વાતાવરણ નું નિરીક્ષણ કરી રહી હતી. રંજના નું થાબડવાનું ધીમે ધીમે હલકા હાથ ને બદલે ભારી હાથ નું થઇ ગયું હતું અને મારું વેદિયા પણું છોડી પ્રોગ્રામ થોડો મોડો શરૂ થાય એવી હું પ્રાર્થના કરવા લાગ્યો જેથી કુકીબેન નિદ્રાધીન થઇ જાય.

આ પ્રોસેસ માં એક અણધાર્યું વિઘ્ન આવ્યું. તમે સૌ જાણો છો કે આપણી સંસ્કૃતી આપણ ને શીખવે છે કે આજુબાજુ માં કોઈ એકટીવ મસ્તીખોર છોકરું હોય તો તેને રમાડવું. બહુ વહાલ આવે તો પોતાની ગોદ માં લઇ ને પણ રમાડવું. અમારી બાજુ ની સીટ પર અમારા જેવું એક young couple બેઠું હતું તેને આ સંસ્કારિતા યાદ આવી ગઈ અને એ લોકોએ કુકી સાથે રમવા નું શરુ કરી નાખ્યું. કુકી એની મમ્મી ની સાડી નો છેડો લઇને એ લોકો સાથે છુપ્પા છુપ્પી રમવા લાગી. ……..હે ભગવાન…….. કુકી ને સુવાડવા માં હું કોઈ સક્રિય ફાળો નહતો આપી શકતો હતો એટલે મારી દશા ખુબ ચિંતાજનક થઇ ગઈ. મારે તો ઉસ્તાદ ને સાંભળવા હતા. આ દરમ્યાન મેં જાણૅ કુકીના મુખ પર એક નાનું શું બગાસું જોયું. આ મારુ wishful illusionary થીંકીંગ હતું કે કેમ એ હું નક્કી ન કરી શક્યો પણ એક આશા બંધાઈ.

એવામાં પરદો ઊંચકાયો. મારું હૃદય થંભી ગયું.

કોઈ મોટા ગજા ના સાહિત્યકાર ને છાજે એવું બોલી શકે એવા એક સ્થાનિક સંગીતકારે કલાકારોની પરિચય વિધિ શરૂ કરી. એ પછી ગુલ દસ્તા ઇત્યાદિ ઇત્યાદિ. Oh Good મેં વિચાર્યું. જે સમય બરબાદ થયો તે. આ સમય કલાકારો માટે બહુ કાંટાળા જનક હોય છે. એક તો ભાષા સમજાય નહીં અને મોઢું હસતું રાખવાનું, એવી આશાએ કે જે બોલાઈ રહયું છે તો બધું સાચું અને સારું હશે. અને એમાં પાછું ગુલદસ્તો લેવા માટે સંગીત ના સાધનો એણે વાજીંત્રોને બહુજ નાજુકાઈ થી ખસેડી ને ઉભા થવાનું.

આ બધો વખત મારી નજર વારા ફરતી ઉસ્તાદ ઈમરત ખાન અને wide awake કુકી તરફ ફરી જતી. શું અમે ખરેખર Phenergan જ પીવડાવ્યું કે પછી ભૂલ થી બીજૂં કૈં? ડોઝ તો પૂરતો હતો કે નહીં? એણે ખરેખર પીધું હતું કે રમતમાં ઢોળી નાખ્યું? અહીં આવતા પહેલા અમારી જાણ બહાર ઉલ્ટી તો નથી થઇ ગઈ ને?

ઈમરત ખાન તૈયાર, તબલચી તૈયાર, સ્થાનિક સંગીતકાર/સાહિત્યકાર સ્ટેજ પરથી વિદાય અને આ બાજુ રંજના અને મારી સ્થિતિ જોવા જેવી. જેવો કલાકાર તાર છેડશે એટલે કુકી શું કરશે? થોડાં વર્ષો પહેલાંજ ઈમરત ખાન ના ભાઈ ઉસ્તાદ વિલાયત ખાન સ્ટેજ છોડી ને નીકળી ગયા હતા – કેમકે શ્રોતાઓ માં થી કોઈએ ફક્ત ખોટી જ્ગ્ય્યા એ દાદઆપી. મને ભણકારા વાગવા માંડ્યા. કુકી એક અવાજ કરશે ને આખો પ્રોગ્રામ રદ્દ થઇ જશે અને અમારી બદનામી થશે. આના કરતાં તો કુકી ને અડોશપાડોસ માં સોંપી આવ્યા હોત તો?

ફિલહાલ, કુકી બેને ઈમરત ખાન સામે ટીકી ટીકી ને જોયું, એની ગોદમાં સિતાર જોયો, બરાબર પોતાના ડેડી વગાડે છે એવોજ.

મોટા ગજા ન બધા વાદકો શરૂ કરતાં પહેલાં પોતાનું વાદ્ય tune કરે જ છે. આ જોઈને ઘણા ઓછા જાણીતા કલાકાર પણ આવું કરતા થઇ ગયા છે. જનરલ શ્રોતાઓ ને સમજ નથી પડતી કે આ બધું tuning પહેલેથી કેમ કરીને નથી આવતા? ઓલિમ્પિક રેસ માં પણ ‘ready steady go ‘ હોયજ છે ને? કૈંક આવું જ સમજી જાઓ ને!

આ પછી શું થયું? શું કુકી એ પ્રોગ્રામ શરૂ થવા દીધો? કે પછી બરાબર right સમય પર ઘસઘસાટ સુઈ ગઈ? કે પછી ઈમરત ખાન પગ પછાડતા પ્રોગ્રામ છોડી ને નીકળી ગયા, વિલાયત ખાન ની જેમ જ તો.

કાર્યક્રમ શરુ થયો એટલે લાઈટો બંધ, આજુબાજુ અંધારું ઘોર. એકલા સ્ટેજ પર ઉસ્તાદ ઇમારત ખાનના ચહેરા પર નાના ચાંદરણા જેવી લાઈટ થઇ, શ્રોતાઓની નજર સ્ટેજ પર, હાલ્યા ચાલ્યા વગર ના પુતળાઓ જોઈ લો. નાના બાળકોને આવે વખતે ચોકલેટ, પાણી વગેરે ની માગણી કરવાનું અચૂક સૂઝે અને પછી માંડે રડવા. ફૂકીએ આવું કાઈંકર્યું?

ના જી.

એક સિતારીઆની દીકરી હોવાના નાતે એ તો બસ સ્ટેજ પર બેઠેલા કલાકારને ટીકી ટીકીને જોવા મંડી.

કદાચ વિચારતી હશે “જોઉં તો ખરી આ બરાબર સૂર લગાડે છે કે પછી ધકેલ પંચા દોઢસો? તો પછી ખબર લઇ લઉં એની. મારા ડેડી કરતાં વધારે સારું વગાડી બતાવે તો માનું,”

નીંદરડી એની આંખો થી હજાર જોજન દૂર હતી. એને ઊંઘાડવાનું હવે ભૂલી જાવ.

આ બાજુ, ઉસ્તાદે પરંપરા અનુસાર પોતાનો કાર્યક્રમ શરુ કરવા માટે આગળ બેઠેલા કોઈ લોકલ બુઝૂર્ગ સંગીતકાર ની આજ્ઞા માગી. આપણે આગળ જોયું તેમ આગલી રોમાં મોટા ભાગના શ્રોતાઓ તો સ્ટેટસ વાળા જ હોય છે એટલે કદાચ એકાદ રડ્યો ખડયો સ્થાનિક સંગીતકાર બેઠો હોય તો એ માન ખાટી જાય. મોટા ભાગે તો સ્ટેજ પરના કલાકાર અહીં કોઈને ઓળખતા હોતા જ નથી.

શરૂઆતમાં કલાકારની જમણી બાજુએ બેઠેલા તબલા વાદકની સ્થિતિ એકદમ કફોડી હોય છે. એક તો આલાપ ખાસ્સો અડધો પોણો કલાક ચાલે અને એ દરમ્યાન એણે બસ આમ અદબ વાળીને થોડુંક હસતું મોં રાખીને બેસી રહેવાનું, કલાકાર ગમે એવું ગાતો / વગાડતો હોય પણ એણે મજબૂરીથી થોડી થોડી વારે ડોકું હલાવીને કે પછી હાથ હલાવીને દાદ આપવાની. ઘણા સંગીતજ્ઞો કહે છે કે આમ કરવાથી ગાયક / વાદક અને તબલા વાદક વચ્ચે એક સુંદર સેતુ બંધાય છે. શ્રોતાઓમાના ઘણાને એ પ્રશ્ન મૂંઝવતો હોય કે આ તબલાવાળા ભાઈ કેમ આમ આળસુની જેમ બેસી રહયા છે? કાંઈ વગાડવાનું ભૂલી બુલી તો નથી ગયા ને? ખરેખર તો આ વિષય પર કોઈ સંગીતજ્ઞએ પી એચ ડી કરવા જેવી છે કે તબલચી આ આખા ખેલ દરમ્યાન શું વિચારતા હશે?.

ખેર.

આગળની રો માંથી એક ઘરડો હાથ ઊંચો થતો દેખાયો એટલે ઉસ્તાદને હવે લાઈન ક્લીઅર થયી ગયી. કુકીબેને આ સઘળું નિરીક્ષણ કર્યું અને જાણે મારી તરફ જોયું ” કેમ તમે આવું બધું ઘરે નથી કરતા?” પણ મારો કોઈ પ્રતિસાદ નહિ મળતાં પાછી સ્ટેજ પર બેઠેલા મારા પ્રતસિસ્પર્ધી ને જોવા લાગી.

એક મૃદુ સ્મિત સાથે ઇમારત ખાને સૌ પ્રથમ સિતારના ‘તરફ’ના તાર ને છેડીને ઝંકૃત કર્યા. મારી બાજુમાં બેઠેલા ભાઈએ

આ સાંભળતા જ તાળી પાડી ને ‘ક્યા બાત હૈ’ કહીને મૉટેથી દાદ આપી. હું સડક થઇ ગયો. હજી તો ઉસ્તાદે કાંઈવગાડ્યું જ ન હતું એવામાં આ ભાઈ દાદઆપવા બેસી ગયા!

માર્યા ઠાર!

આ ભાઈ આવા કાર્યક્રમમાં પહેલી વાર આવતા હશે અને એમના કોઈ જાણકાર મિત્રએ એમને સલાહ આપી હશે કે કલાકારો તો ભાવના ભૂખ્યા હોય એટલે વખતો વખત દાદ આપતા રહેવી, સમજ્યા? નસીબ જોગે એમની દાદ ઉસ્તાદ સુધીપહોંચી નહિ હોય એટલે સૌ સારા વાના થયા. ખોટી જગ્યાએ દાદ આપવા માટે જો ઉસ્તાદે ચાલતી પકડી હોત તો?

ઘણા શ્રોતા એવા પણ હોય છે કે જે આલાપને એક શરૂઆતનો એડજસ્ટમેન્ટ પ્રોસેસ જ માને છે.

‘હજી પ્રોગ્રામ શરુ થયો નથી” એમ વિચારતા હોય છે.

આલાપમાં રસ પડે એ માટે થોડો અનુભવ જરૂરી છે.

આ અનુભવ, મને લાગ્યું કે, ઘણા માટે ઓછો હતો. એટલેજ કદાચ, પૂરા આલાપ દરમ્યાન આખા હોલમાં બગાસાંની રમઝટ ચાલી. આલાપ ઘણું કરીને ૨૦ થી ૩૦ મિનિટ ચાલતો હોય છે પણ ખૂબ જ ધીરજ ધરાવતા શ્રોતાઓ એ સહન કરી લે છે, ” પછી ફાસ્ટ વગાડશે ત્યારે મઝા આવશે”. ખાસ કરીને સિતારનાકાર્યક્રમ માં લોકો ‘ઝાલા’ ની રાહ જોતા હોય છે અને તે વખતે જ સૌથી વધુ તાળી પડે છે. સામાન્ય રીતે Typical ઝાલામાં બળપ્રયોગ વધુ અને સુરાવલીઓ ઓછી સાંભળવા મળે છે.

હવે આપણે કુકી તરફ પાછા આવીએ. એ કોઈ જુદીજ માટીની હતી. થોડી વાર એણે મમ્મીની ગોદમાં પોતાની જાતને સંતુલિત કરી અને સ્ટેજ પર સીધી નજર જાય એમ ઊંચી થઈને ટટ્ટાર બેસી ગઈ.

એના નાજુક હાથને ઊંચો કરીને જાણે કે પૂછતી હોય! ‘હવે આ માણસ શું કરી રહ્યો છે? જદલી શરુ કર? મારા ડેડી થી ગભરાય છે? તું ફાવવાનો નથી”

આ ગર્ભિત ઈશારાથી ઉસ્તાદે આલાપનો પહેલો સૂર છેડ્યો. એવું કહેવાય છે કે સંગીતના અઠંગ અભ્યાસીને એક જ સેકન્ડમાં ખબર પડી જાય કે ગાયક/ વાદક કેટલા પાણીમાં છે.

એ હિસાબે કુકીએ હાથ લંબાવીને “એય ..” કરીને મોટો અવાજ કર્યો. જન્મ થી જ એનો અવાજ મૃદુ હતો એટલે કદાચ ઉસ્તાદે કે બીજા કોઈએ ગણકાર્યું નહિં. ફૂકીએ મારી સામે જોયું પણ હું એ છટકામાં આવું એમ ન હતું.

આ બાજુ ઉસ્તાદ તો ચાલુ થઇ ગયા.

કુકી થી હવે રહેવાયું નહિં. એ પણ ચાલુ થઇ ગયી ” એય, એય… એય..’ મારી દશા ધરતી મારગ આપે તો સમાઈ જાઉં એવી થઇ ગઈ. કુકી અને ઉસ્તાદ વચ્ચે જો આવી તૈયારી વગરની જુગલબંદી આગળ વધશે તો ભારે થશે. આખો પ્રોગ્રામ કેન્સલ થવાના ભણકારા વાગવા માંડ્યા.

એક પણ ક્ષણ ની રાહ જોયા વિના મેં રંજના ને કહયું ‘તું આને બહાર કઈ જા નહિં તો જોયા જેવી થશે.’

અતિસક્રિય ( hyperactive ) એવી અમારી કુકીને કાંખ માં ઘાલીને પતિ પરાયણ રંજનાએ exit દ્વાર તરફ ચાલવા માંડ્યું. કમ ભાગ્યે exit દ્વાર, મેં આગળ લખ્યું હતું તેમ, સ્ટેજ તરફની સાઈડમાં જ હતું એટલે એ લોકો જેમ જેમ exit દ્વાર તરફ આગળ વધતા ગયા તેમ સ્ટેજ થી વધુ પાસે આવતા ગયા. આ વખતે મેં જે જોયું તે પર થી મને જ્ઞાન થયું કે કુકી આ બધું appreciation ના એક ભાગ રૂપે જ કરતી હતી. કારણકે ફૂકીને કોઈ દ્રશ્ય કે સંગીત બહુ ગમી જાય તો એ હંમેશાં હાથ પગ જોર જોરથી હલાવવા માંડતી . એ લોકો જેમ સ્ટેજ ની પાસે આવતા ગયા તેમ ફૂકીએ હાથ પગ જોર જોરથી હલાવવા માંડયા. એક ક્ષણે ઉસ્તાદે કુકીને જોઈ અને ધીમું હસ્યા અને ફૂકીએ સામું સ્મિત આપ્યું અને થોડીક પળોમાં એ લોકો હોલ ની બહાર. ઉસ્તાદ જાણે કાંઈ જ થયું નથી એમ પાછા આલાપ વગાડવા લાગી ગયા.

પરિસ્થિતિ વધારે વણસી જાય તો તરત દોડવા માટે હું, ખુરશીથી સહેજ ઉભો થઇ ગયેલો તે પાછો બેસી ગયો. આલાપ તો પુરા જોશ માં ચાલુ રહ્યો પણ મારી નજર exti દ્વાર તરફ, પાંપણ હલાવ્યા વિના.

ક્યારે મીઠી નીંદરડી માણતા અમારા કુકીબેન એની મમ્મી સાથે પાછા આવી જાય! જે માણવા હું આવ્યો હતો તેને બદલે મારું મન આ જ બાબતમાં પરોવાયેલું રહયું. ભગવાન જાણે બહાર શું ચાલતું હશે?

આલાપ ખાસ્સો ૩૦ મિનિટે ચાલ્યો પણ પરિસ્થિતિ યથાવત!

આલાપ પૂરો થતાં ઉસ્તાદે તબલચી ને તબલા મેળવવા ઈશારો કર્યો.

“આવું સૂર મેળવવા નું પહેલે થઇ કેમ નહિં કરીને આવતા હોય, આ લોકો?” કોઈ બોલ્યું પણ ખરું.

કાર્યક્રમ માં આ break પડ્યો તે તક મેં ઝડપી લીધી. સિફત થી બહાર નીકળી ગયો.

બહાર શો નઝારો હતો? કમાલ છે આ છોકરી! ઊંઘવાનું નામ નહિં અને ગોળ ઓટલા પાર વહાલ આવે એવા હાસ્ય સાથે એની મમ્મી સાથે દોડાદોડી કરતી હતી, Phenergan નું શું થયું એને મારો ગોલી. આ નઝારો તો પેલા અંદર ચાલતા સંગીત કરતાં પણ વધુ આલ્હાદક લાગ્યો.

મેં કહયું હવે મૂક માથાકૂટ અને ચાલ ઘરે. આપણે ત્યાં જઈને આ સંગીત ને માણશું. બાળક અને સંગીત – મેં આગળ લખ્યું તેમ જીત હંમેશા બાળકની થાય જો આપણી અંદર એક બાળક હોય તો.

મારા ગુરુજીએ સાચુંજ કહયું હતું.

ઘરે જતાં આખે રસ્તે કુકી એના જોડકણા અને બીજા ગીતો ગાતી રહી અને હસતી રહી. તે રાતે એક વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલ્યો.

ઇતિ સંહાર:

એક બીજું પણ મને જ્ઞાન થયું. સારું સંગીત સાંભળો તો સાંભળતાં સાંભળતાં ઊંઘ સરસ આવી જાય – એવું સામાન્ય રીતે મનાય. પણ મારી બાબતે ઊંધું છે. મને ગમતું સારું સંગીત રાતે સાંભળું તો એ સંગીતની આંટી ઘૂંટીને માણતો હું સૂઈ ન શકું, સંગીતને નામે ચાલતા શોરમાં હું તરત સુઈ જાઉં! મારી આવી વિચિત્ર પ્રકૃતિ કદાચ કુકીને વારસામાં મળી હશે. હોલમાં સારું સંગીત સાંભળીને એની રહી સહી ઊંઘ ગાયબ થઇ ગઈ હશે.

કે પછી

ઉસ્તાદનું સંગીત એના ડેડીની તોલે ન આવ્યું હોય એટલે ‘ઉસ્તાદ જી, આવજો’ જણાવીને નીકળી ગઈ.

કે પછી

એને ઉસ્તાદની ગોદમાં બેસીને સિતાર સાંભળવો હતો

કે પછી

Phenergan માં રહેલા થોડા ઘણા આલ્કોહોલને લીધે એ hyper થઇ ગઈ?

કોને ખબર? ઉસ્તાદ અને કુકી વચ્ચે જે સ્મિતની આપ-લે થઇ એનું રહસ્ય તો એ બંને જ જાણે. આજે તો કુકીને પુછાય પણ નહિં. કદાચ ઉસ્તાદના દિલમાં છુપાયેલું બાળક જાણે.

ઉસ્તાદ નો પ્રોગ્રામ તાળીઓ ના ગડગડાટ સાથે સમાપ્ત થયો હશે.

પેલા હાય સોસાયટી ના શ્રોતાઓએ ઈન્ટરવલ માં પેટ ભરીને ખમણ ઢોકળા ખાઈને મઝા કરી હશે

અમદાવાદે શાસ્ત્રીય સંગીતના પ્રોગ્રામ લાવવાની દિશામાં એક નાની પણ હરણફાળ ભરી અને અંતે હવે તો એક મહત્વનું કેન્દ્ર બની ગયું છે, ખરું ને?

કુકીના ડેડી ‘અવિજિત’ રહીને એ રાતે પાછા આવ્યા કારણ કે હરીફાઈ થઇ જ નહિં! A Win Win situation ?

પેલા phenergan નું રહસ્ય અકબંધ છે. એમેય જીવનનું રહસ્ય કોઈ પામી શકયું છે ખરું?

આનંદો, આનંદો,આનંદો. સર્વત્ર આનંદો.

રંજના અને નાનકડી કૂકી


Leave a Reply