‘બરસાત મેં હમ સે મિલે તુમ સજન તુમસે મિલે હમ’ -ભલા માણસ વરસાદ તો ક્યાંય દેખાતો  નથી?

૧૯૪૯ માં રિલીઝ થયેલી આ ફિલ્મ ‘બરસાત’ નું ગીત અતિ લોકપ્રિય થયું હતું. પરંતુ તમે ફિલ્મ જુઓ તો કાઇંક જુદો જ ભાસ થાય. એમ થાય કે જાણે આ વરસાદનું લાક્ષણિક ગીત હોવું જોઈ પણ વાસ્તવમાં વરસાદ બિલકુલ નજર નથી આવતો! નિમ્મી એની સખીઓ  અને સખાઓ સાથે  નૃત્ય કરતી દેખાય અને પેલા બે, રાજ કપૂર અને પ્રેમનાથ, એક ચારપાઈ પર  બેસીને જોતાં જોતાં મોમાં કશુંક ઓર્યા  કરે છે. -શીંગદાણા કે પછી  એ  જમાનાનું પોપકોર્ન જેવું કાઇંક!   મોટા શહેરથી પધારેલા આ નવજુવાનોનું  મનોરંજન થાય એ હેતુ આ નૃત્ય રજુ કર્યું નિમ્મીએ. પણ તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે બંનેને ગીતમાં કોઈ રસ નથી, એમાંય થોડી વાર પછી પ્રેમનાથ તો બોર થઇને રાજ કપૂરને હાથ ખેંચીને બહાર લઇ જતો દેખાય છે! 

નિમ્મી કઈ ઓછી નથી. એવડી એ  દોડીને પ્રેમનાથનો હાથ પકડી લે છે અને પોતાની તરફ ખેંચે છે! બોલો, એ જમાનામાં !

પ્રેમનાથ બંદો, don’t bother me કહીને  હાથ છોડાવી રાજ કપૂર સાથે મોટી મસ કન્વર્ટિબલ મોટરકારમાં ભાગી છૂટે છે.

આજકાલના જુવાનિયાઓને આવાં ગીત ક્યાં ગમે છે? એ હિસાબે રાજ કપૂર  અને પ્રેમનાથ સમયથી ઘણા આગળ નીકળી ચૂક્યા હતા એમ ચોક્કસ કહી શકાય! 

હવે જોઈએ પ્રથમ તરંગ  પર આ ગીત કેવું રજુ થાય છે.

પ્રીલ્યુડ મ્યુઝિકમાં ગરબાના ઠેકાથી ઉપાડ  છે જેમાં મેં વિકસાવેલ સ્ટાઇલ  મુજબ જમણા હાથથી પતરી જરૂર પૂરતી જ વગાડવાનું મુનાસીબ સમજ્યું છે. પ્રીલ્યુડની બીજી લાઈનમાં ‘સા રે મ’ વગાડવા ‘રે’ થી ‘મ’ નો મીન્ડ છે એટલે ‘રે’ પર પતરી વગાડીને ફક્ત તારના ઝણકારથી  ‘મ’ બતાવી દીધો છે.  અહીં મારા તબલાના હર હંમેશના સાથી જોગલેકર સાહેબનું એમ કહેવું છે કે ઓરીજીનલ ગીતમાં ન હોય એવા મીન્ડ લેવાના નખરાં હું નાહક કરતો રહું છું. 

હવે ગીતની શરૂઆત તરફ  આવો. ‘…હમ બરસાત મેં ‘ વગાડવા ઝડપથી ‘મ પ મ , ગ મ ગ’ એવો ગમક લઈને  મધુરતા  બરકરાર રાખી  છે.

એક અંતરામાં ‘ મેં બની દુલ્હન ‘ વગાડવા ‘દુલ્હન’ માં એક હલકો રિવર્સ મીન્ડ છે – ‘ની ધ’ ખૂબ સોફ્ટલી વગાડવું પડે – યાદ છે, મેં આગળ લખ્યું હતું કે આ માટે ત્રિકોણાકાર પતરીની એક સાઈડથી હલકો લસરકો કરવો પડે! 

સૌથી અંતિમ અંતરો જરા જુદો છે. અંતરાની  શરૂઆત તાર સપ્તકના ‘સા’ થી થાય છે. પ્રોપર ઇફેક્ટ  માટે વોલ્યુમ જરા વધારવું પડે. તમે ન વધારતા, મેં વધારી દીધું છે.

સૌથી મોટી ચેલેન્જ લતા મંગેશકરના આખરી આલાપ વગાડવામાં  છે. ગરબાના તાલને કાયમ રાખીને, આલાપ કરીને પાછા સમ પર આવવું એ થોડું મુશ્કેલ છે પણ રિયાઝથી આવી જાય. એ કેવી રીતે વગાડ્યું છે એ ગદ્યમાં લખવું લગભગ અશક્ય છે એટલે મારી આંગળીઓને જોઈ લેજો ( જો કે  ગીતના  ઓરીજીનલ વિડિઓમાં નિમ્મીની મશહૂર, સ્ક્રીનને ભરી  દેતી  મોટી મોટી આંખોને જોવા જેવી મઝા તો નહિ જ આવે!)


Leave a Reply