વાલમ તારાં નેણ – એટલે કે ”પિયા તોસે નૈના લાગે’

‘પિયા તોંસે નૈના લાગે’ એ ગીત પરદા પર આવે અને વહીદા  રહેમાન ઘૂંઘટ ખોલે ત્યારે પ્રેક્ષકોમાંના  કેટલાય પ્રેમભગ્ન પુરુષોની હાય સંભળાય.

પછી શરુ થાય એક ઉત્તેજક, પ્રભાવશાળી શાનદાર મનોરંજન. હું કેટલાય સજ્જનોને જાણું છું જેમણે આ ફિલ્મ કઈં કેટલીયે વાર જોઈ હશે વહીદાના મોહક સ્મિત, એની નૃત્ય કરતી કમનીય કાયાને નિહાળવા!

Piya Tose naina laage re on Pratham Tarang at Tulsa, Oklahoma, Diwali 2022

આ એજ વહીદા છે કે જે ફિલ્મના બીજા એક ગીત, ‘મોસે છલ કિયે જા’,  માં નૃત્ય કરતી આપણા હીરો દેવ આનંદનો ઉપહાસ કરે છે. દેવ આનંદનો શો ગુનો? પૈસા ઉચાપત કરવા  બનાવટી  સહી કરવાનો! લ્યો, તમને દયા ન આવી હીરો ની?

‘વિદ્યાભવન વાર્ષિકોત્સવ’નું બોર્ડ ફિલ્મ જોનારને આવકારે, ચીલા ચાલુ ‘રંગારંગ’ કાર્યક્રમ શરુ થવાનો છે, બધા પોતપોતાની સીટ પર બેસી જાવ જોઈએ?

પેલા છેલબટાઉ છોકરાઓની ગેંગ સીટી મારીને માહોલ ગરમ કરવાની પેરવીમાં છે પણ પ્રિન્સિપાલ સાહેબે ચીમકી આપી લાગે છે કે ખબરદાર – પકડાશો તો ડિસમિસ થઇ જશો! હર હંમેશ મુજબ આગલી રો માં રાજકારણીઓ કે શહેરના શરીફ ગુંડાઓ બેસી જાય. અરે એમાંનો એક તો બાજુની સીટ પર બેઠેલા મહાશયને નાક પર આંગળી મૂકીને ચૂપ રહેવા ચેતવે છે!

જુઓ આગલી રો માં બેસવાના અગણિત ફાયદાઓ. આપણી વહીદા કાંઈ ઓછી નથી. ફૂદડી ફરતાં ફરતાં સુંદર મઝાનો  ગુલદસ્તો ઓડિયન્સમાં ફેંકવાનું એને કઈં કામ? અને એ ગુલદસ્તો બરોબર પહેલી રો માં બેઠેલા પેલા ગાંધી ટોપી પહેરેલ રાજકારણીના હાથમાં લેન્ડ કરે – જે ગુલદસ્તાને ઘડીભર સૂંઘી ને પાછો સ્ટેજ પર ફેંકે! હવે તમે પણ આવા પ્રોગ્રામમાં આગલી રો માં જ બેસજો હોં.

નકરી બે જ મિનિટમાં આપણો હસમુખ હીરો વહીદા સાથે નજર આવે – આ વખતે વહીદા એક ગામડાની ગોરીના લિબાસમાં. કોઈ ભારી ભારી ઘરેણાં નહિ, કાંઈ જ નહિ – બધું સિમ્પલ સિમ્પલ.

 

નૃત્યમાં હવે વહીદા સાથે ગામડાંની વધુ ગોરીઓ જોડાય છે, એ જોયું કે નહિ ?  હીરોને વહીદા સાથે જોઈને પેલા સજ્જનોને થયું હશે ‘કાશ હમ ભી ગોરી કે સાથ હોતે’ ખેર.

એ પછી ગીત / નૃત્ય આગળ ચાલે છે:

भोर की बेला सुहानी, नदिया के तीरे

भर के गागर जिस घड़ी मैं चलूँ धीरे धीरे

तुम पे नज़र जब आई, जाने क्यों बज उठे कंगना

ગીતનો  ઉપરનો અંતરો  કોમન માણસો માટે રિલીઝ થયેલા ઓરીજીનલ ઓડીઓ ગીતમાં નથી. એ સમયે આવું થતું જેથી કોમન માણસ ફિલ્મ જોવા જાય. 

હવે ભાઈઓ અને બહેનો ફાસ્ટ ફોરવર્ડ કરો સાડા ચાર મિનિટ પર જાવ. 

વહીદા / લતા ગાય છે/ પૂછે છે કે ‘जाने क्या हो अब आगे रे?’ કોને પૂછે ? સુતેલા દેવ આનંદને?  જે સપનામાં વહીદાનો ફક્ત હાથ પકડી ને મરક મરક  હસતો નજરે ચડે છે. બિચારાને ખયાલ નથી કે શો પ્રશ્ન પૂછાયો  છે નહીતો  ડોકું વારંવાર હલાવત નહિ? 

કુછ મિનિટોમેં – વહીદા પાછી હાજર, નવા અવતારમાં, નવી વેશભૂષામાં, નવીન ઘરેણાંઓથી લદાયેલી, વધુ લાંબા ચોટલામાં! ( જારી ધ્યાનથી જુઓ, ભાઈ)

તૈયાર થઇ જાવ! હોળીનો માહોલ, રંગોની રમઝટ, બધા હાથમાં પિચકારી સાથે સાબદા! પાવડર રંગ પણ ઉડાડે. જો જો પૂછશો નહિ કે કોઈ ને ઝીણા પાવડરી રંગની એલેર્જી હોય  તો? જરા સમજા કરો ભાઈ, આવું બધું વ્યર્થ ન પૂછાય.

बिन तेरे होली भी न भाए

કેમ વળી હીરો ક્યાં ફસાયો? એ રહ્યો ….પેલી ઘાસની ગંજી પાછળ – એના ટ્રેડમાર્ક સ્મિત સાથે!

છ એક મિનિટમાં વહીદા પરત આવે છે. વળી ગામડાની ગોરીના લિબાસમાં.એની  આકરી  ટેસ્ટ થવાની છે.

ઠંડા ઠંડા ચંદ્ર કિરણો સહન કરશે તું?  ચાંદા તું નિકલ ને બાપલા! 

रात को जब चाँद चमके जल उठे तन मेरा

मैं कहूँ मत करो चंदा इस गली का फेरा

आना मेरा सैयाँ जब आए

चमकना उस रात को जब

मिलेंगे तन-मन मिलेंगे तन-मन,

માળી  હિરોઈનની હિમ્મત તો જુઓ? કહે છે કે ‘હે ચાંદા, તું  મોડી રાતે, જ્યારે મારો માણીગર હોય ને,… ત્યારે  પાછો આવજે.’ 

હદ થઇ ગયી? આવું ખુલ્લમ ખુલા બોલાય? તમને અણસાર આવી ગયો હોય તો હોઠ ના ખોલશો.

નૃત્ય સમાપ્ત – તમારે અને મારે માટે, પણ આપણો સદા નવજવાન હીરો તો હસતો હસતો તાળીઓ પાડે છે. આ મીઠું સ્મિત ઓડિયન્સમાં મોજુદ  મહિલાઓ માટે છે જે અત્યાર સુધી વહીદાની જવેલરી જોવામાં મશગૂલ હતી.

અરે આ પેલો શખ્શ કોણ છે જે સ્ટેજ પર દોડી આવીને વહીદાને હાર પહેરાવીને અભિવાદન કરે છે? જયાં સુધી એ હિરોઈનને  ચૂમી ન લ્યે ત્યાં સુધી વાંધો નથી આપણને.

બહુ થઇ ફિલ્મની પળોજણ, ભાઈ હવે આપણે ગીતની ખૂબીઓ તરફ આવીએ:

            ———–        ———————-

સૌથી પહેલાં એક કાયમના  પ્રશ્નનો ઉત્તર આપવા દો મને. પ્રશ્ન  ઓડિયન્સમાં   જ્ઞાન પિપાસુ સદ્ગૃહસ્થો અને સન્નારીઓને હોય છે. ‘ આ કયો  રાગ છે?’  

માર્યા ઠાર! બચવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય – ‘ખમાજ’ પર આધારિત છે એમ કહી દેવું પણ અહીં તહીં છૂટ લીધી છે સચિન દેવ બર્મને. 

શરુના પ્રીલ્યુડમાં આવતા ઇલેક્ટ્રિક ચમકારા મને અતિ પસંદ છે:

પ સા પ       રે ગ સા

પ સા પ       રે ગ સા

પ સા પ  ….રે  મ  ગ  સા …… 

એ પછી કોણે સિતાર વગાડ્યો  છે એ ખબર નથી પણ બહુ સરસ વગાડ્યો છે 

ફાસ્ટ રૂપકના ઠેકાથી નૃત્ય નિખરી ઉઠે છે.

મને ઊંડે ઊંડે એમ લાગે છે કે આર કે નારાયણની વાર્તા કરતાં ઓડિયન્સને વહીદાના ડાન્સમાં વધુ મજા પડી જાય છે. 

એનો વ્યભિચારી પતિ, જેને ખોવાઈ ગયેલી અંજાન અવાવરું ગૂફાઓમાં વધુ રસ છે અને આપણી  વહીદાને નૃત્ય કલામાં. પતિ પરમેશ્વરની  આજ્ઞાકારી પત્ની રહેવાને બદલે એ નીકળી પડે છે પોતાની કલાને ન્યાય આપવા. બિચારી!

પ્રથમ તરંગ જેવા વાદ્ય પર આ ગીત વગાડવાની ધૃષ્ટતા કરાય જ નહિ પણ મને જીદ કે વગાડી બતાવું.

સા પ સા વાળા ઇલેક્ટ્રિક ટૂકડાને સિફતથી વગાડી સેટ કરવામાં ઘણી મહેનત કરી. ડઝનેક વાયોલિનની ઇફેક્ટ હું પ્લેક્ટ્રમના ઊંધા સ્ટ્રોકથી લઇ આવ્યો છું. ધ્યાનથી જુઓ મારા વિડિઓમાં.

ધમાકેદાર એન્ટ્રી પછી અંતરામાં ‘ઓ ઓ ઓઉ ઓ ઓ’- લતાજી એટલી નજાકતથી પેશ કરે છે કે જવાબ નહિ. મારે ધમાકા પછી એકાએક હળવા હાથે નજાકતથી વગાડવાનું. 

ગીતના બીજા અંતરમાં કમાલ કરી છે એ જુઓ:

અચાનક એક વાંસળીનો  પ્રવેશ, અને ત્યાર બાદ સિતારના એક ઝાટકાથી મીન્ડ વગાડીને લતા દીદી સુમધુર રીતે અંતરો શરુ કરે છે:

रात को जब चाँद चमके जल उठे तन मेरा

मैं कहूँ मत करो चंदा इस गली का फेरा

ખાનગીમાં કહું તો : જ્યારે જ્યારે આ ગીત સ્ટેજ  પર પેશ કરું ત્યારે અચૂક આ લાઈન આવે એટલે ઓડિયન્સમાં મોજુદ બધી મહિલાઓ ગાવા માંડે – જાણે કે  ચાંદો ઉપર છત પર દેખાતો હોય અને અને એને હાથ હલાવીને એ કહેતી હોય, ‘જા ભાગ અહીંથી!” પણ અંદરખાને એક અતૃપ્ત પિપાસા  ધરબાઈ હોય કે કોઈ માણીગર આવે અને (બાજુમાં બિરાજમાન પતિ દેવને અવગણીને) એને ‘ચાંદ કે પાર’ દોરી જાય!. ગુજરાતીમાં આને જ તો વ્યભિચાર કહેવાય ને, ભલે હળવો સહી?

બીજા અંતરાના છેવાડે જોરશોરથી તબલા વિગેરે વગાડીને મુખડું આવે – છેલ્લે, કલાસિકલ ગીત છે એટલે તિહાઇ આવે પિયા હો હો પિયા, ઓ ઓ ઓ પિયા પિયા તોંસે એના લાગે રે ……

બ્લોગનું લખાણ જરા વધુ પડતું લાંબુ થઇ ગયું પણ એ વગર આ ગીતને ન્યાય આપી શકાય ખરો?


Leave a Reply