February 19, 2023

દેશમાં શિયાળો એટલે ઠીક છે મ્હારા ભાઈ, પે…લા ઇંગ્લેન્ડ જેવું નહિ હોં. એમાંય દેશના પશ્ચિમી રાજ્યોમાં પલસાણા જેવા ઇલાકામાં તો શિયાળા જેવું કઈ લાગે જે નહિ. અહીં તો બરફનું તોફાન, હિમ વર્ષા વિગેરે નામ જ સાંભળેલાં. ગોપાળ કાકા એ આખી જિંદગી જેમ તેમ કાઢી નાખી પણ આવા શબ્દો ફક્ત છાપામાં વાંચવા જડે.
શિયાળો ક્યારે આવ્યો અને ક્યારે ગયો એ ખબરે ક્યારે પડે જ્યારે NRI નાં ટોળેટોળાં સ્થળાંતર કરીને ઉતરી પડે દક્ષિણ ગુજરાત ઉપર, ઉત્તરમાંથી લાંબી હવાઈ સફર કરીને ઉતરી પડતા સુરખાબ પક્ષીઓની જેમ જ તો. તે કેમ વળી વરસમાં એક વખત મળવાનું મન ન થાય ભાઈ, એમનાં સગાં વહાલાંઓને, જે લોકોને પેઢીઓ પહેલાં ઉકળતા દેશમાં છોડી ગયા હતા. ખરા છો તમે! ઓરરાઇટ ઓરરાઇટ
82 વરસના તરવરિયા જુવાન જેવા દેખાતા બચુભાઈ – મારા પરમ મિત્ર જીગ્નેશના સગા કાકા, એવી સરસ વાત જમાવે કે ‘ છે તે આને ઠંડી કહેવાય ? અમારે તાં તો – પછી ઉત્તર પશ્ચિમ દિશા તરફ હાથ લંબાવીને – બો ઠંડી પડે ભાય, સ્નો હો એટલે પડે – તમે વાત જવા દેવ – એક વાર તો મારી મોરિસ માઈનર સ્નોમાં ખૂંપી ગેલી. પેલા સ્નોને ખદેડવા વારા મોટા મસ ખટારા કેટલું કરે?’
જમાનાના ખાધેલ ગોપાલ કાકાની બોલતી બંધ! બિચારા! સ્નો જોયો હોય તો ને?
પણ રમણીક કાકા ચૂપ બેસે? લાંબા ટાંટિયાને નીલ કમલ પલાસ્ટીક ખુરશી પર પલાંઠી વાળીને કહેય, ” જો દીકરા, મારે હો એક વાર એવું થીયુ કે પંદર-વિહ વરહ પહેલા અમે તારી કાકી હાથે ચાર ધામ જાત્રાએ ગેલા.
હારુ પેલું, મરી ગીયુ, ખચ્ચર ગભરાયેલું કે હૂં પણઅટકી ગીયુ, ને આગળ ડગ માંડવાનું નામ ની લેય. જરાક ડચકાયરુ તે મને પાડી લાયખો ને હૂં હરી પયડો ખાઈ તરફ.
‘પછી’ કૂંડાળે બેઠેલા બધ્ધા ડોહા-ડોહીઓના સ્વાસ અધ્ધર! પણ ચંપા કાકી ખુશ કે હવે વાતમાં એનો વારો આવ્યો.
“પછી હૂં? આ તારી કાકી અને પેલા હાથે ચાલતા જુવાનિયા એ ખેંચી લીધો મને.”
“હૂં વાત કરો તમે? જબરા હેં તમે. બીજા જાત્રાળુ હૂં કરતા ઊતાં જે”
‘તે બધા તો આગળ નિકરી ગેલા “
કાકી ખુશ પણ કાકા ને કહે, ” તે મેં તમુંને કેહયલું કે મહાદેવ ને અગિયાર રૂપિયા વધારાના ચડાવી આવજો; તમારો જીવ બચાયવો તે ?”
“બરી ગીયુ ભૂલી ગીયો”
“તમે હો ખરા છે, બબલીના બાપા.” આ બબલી એટલે એમની પૌત્રી.
લીલા, કાકીની વહીલચેર મદદનીશ બાઈ આવી પહોંચી, ને ચંપાકાકી ટોળાંની વિદાય લેવા તૈયાર – પેલી ‘પવિત્ર રિશ્તા ‘ હિન્દી સીરીઅલ ચાલુ થવાની તે કેમ મિસ થાય?.
ઉદાર દિલ બચુભાઈ, ૨૦૦૦ રૂપિયાની કડકડતી નોટ ધરતાં કહે, “તે તમે પાછા જાવ ને તે આ ૨૦૦૦ રૂપિયા ચડાવતા આવજો”
“તે તુંજ જેઈને ચડાવી આવ ની ?’ ગોપાલ કાકથી ની રહેવાયું.
‘હૂં? મારે તો બાબાની અગિયારમી વેડિંગ એનિવર્સરી ઉજવવાની આવવાની’. આ બાબો એટલે એમનો ૩૪ વર્ષીય પૌત્ર!
તમે હો આવજો આ શિયાળાની સાંજે ટાઢા પહોરનાં ગપ્પાં હામ્ભળવા – અમારા એક્સટ્રા ઇનીંગ્ઝમાં.
આ તો આવવા જેવું લાગે છે 😃👍
આવો આવો પણ ચર્ચામાં ઝુકાવવું પડે