હું જ્યારે નાનો હતો – નાનો એટલે ખૂબ નાનો!, કદાચ બીજી ત્રીજી ચોપડીમાં, ત્યારે સર ( શિક્ષક) કે બેન (શિક્ષિકા) નિબંધ લખવા કહે એટલે કોણ જાણે કેમ મારા મોતિયા મરી જાય. પૂછશો નહિ કેમ પણ મને લખલખું આવી જાય.એક તો પથ્થરની પાટીમાં લખવાનું, ભૂંસતા રહેવાનું અને પછી મોટીબેન વાંચે, ચેક કરે અને મોઢું મચકોડે!
‘તને નિબંધ લખતા કે’દાડે આવડશે?. લાવ જોઉં ‘
જેવી પાટી એ લે એટલે મારો બેડો પાર!
સમજ્યા નહિ? એ સુધારતી જાય અને પૂરો નિબંધ લખી નાખે!
હવે બીજે દિવસે સ્કુલ જવાના સમયે અનરાધાર વરસાદ તૂટી પડે.
હવે? આ પાટીમાં તૈયાર નિબંધ કેવી રીતે વરસાદની વાછટથી બચાવીને કલાસમાં લઇ જવો? હવે મારો ‘બેડો’ પાર કોણ કરે?
‘હે ભગવાન આજે આટલો વરસાદ છે તો પ્રિન્સિપાલ સાહેબ રજા આપી દે તો કેવી મઝા?’
બા કહે ‘ચાલ જા હવે, વરસાદ ધીમો પડી ગયો.’
કચવાતે મને હું રેઇનકોટ પહેરું અને પેલી પાટીને જેમતેમ રેઇનકોટની અંદર ખોસું, ટોપી પહેરું અને નીકળી પડું, ધીમા ઝરમર વરસાદમાં.
કલાસમાં બેન ખુશ! બધાને મારી પાટી બતાવતી જાય અને કહેતાં જાય , ‘જુઓ ડોબાઓ જુઓ, નિબંધ કેમ લખાય એ આનું નામ!
હવે તમે જ કહો કે આ કટોકરીની ક્ષણે મારે પ્રામાણિક થવાનું કાંઈ કામ?
ઈશ્વરની માયા બધી ! હું તો નિમિત્તમાત્ર!
હવે પછીના નિબંધનો વિષય કદાચ ‘પ્રમાણિકતા ‘ હશે