તે સવારે હરીશ ભાઈ મારી ઈચ્છા વિરુદ્ધ જય અંબે ફરસાણ માં ખેંચી ગયા એનો ઘા હજી સુકાયો ન હતો ત્યાં ગઈ કાલે હરીશભાઈ નો ફોન,
“રાજેન ભાઈ, હૂં ચાલે? કાલે હૂં પોગ્રામ ?” હું ચમક્યો, નક્કી દાળમાં કાળું!
‘કા…લે તો જરા કામમાં છું, બોલોની’ મેં ઠાવકા થઈને વળતો પ્રહાર કર્યો
‘અરે હૂં તમે હો , બિઝી બિઝી બિઝી. જરાક આનંદ હો કરો જિંદગીમાં’
“પણ બોલો તો ખરા, હરીશ ભાઈ” મારે એમનો વિવેક તો રાખવો પડે ને?
“કાલે? વર્લ્ડ વહીસ્કી અવેરનેસ ડે, જબરો દિવસ ભાય”
હવે મને ફાળ પડી કે કાઇંક રંધાઈ રહ્યું છે.
“હરીશ ભાઈ, ‘ બને એટલું ચીપી ચીપી ને હું બોલ્યો ” તે દુનિયામાં બદ્ધાં ને વહીસ્કી વિષે ખબર – એમાં ‘વર્લ્ડ વહીસ્કી અવેરનેસ ડે’ ઉજવીને અવેરનેસ વધારવાનો પ્રશ્ન જ નથી”
“હું જાણું ભાય, પણ વરસમાં એક દા’ડો મઝા કરીએ એમાં તમને હૂં વાંધો?”
‘”તમે તો જાણો કે આપણા ગુજરાતમાં દારુબં …’
‘આપણે બદ્ધે બદ્ધુ કાયદા પ્રમાણે કરવાનું . દમણ જીયે, ચાલોની!”
આ વળી કેવી ભેદી ચાલ રમી ગયા, હરીશ ભાઈ ?
“પણ હું તો પીતો નથી” બચાવની મારી વ્યર્થ કોશિશ
‘તે તમે આવજો ની… મોકટેઈલ કે એવું કઈ પીજો, ચાલો ચાલો હવે”
બરોબર જય અંબે વારો ઘાટ. પાછા આવતાં પ્રોહિબિશન વારી પોલીસે ગાડી જો આંતરી તો સૂકા ભેગું લીલું પણ..!
હરિ….શ ઈચ્છા બળવાન !