બાલી એટલે બીચ, બીચ અને બીચ એવું નથી. બીજું ઘણુંયેં છે – પરમ શાંતિ, સુખ, સ્મિત મુદ્રામાં ચહેરાઓ – સ્થાનિક લોકોંના અને ભગવાન ની હજારો મૂર્તિઓના.
મારા જેવા શિસ્ત ના આગ્રહી આત્માને અહીં સુકૂન મળે એવી ટ્રાફિક વ્યવસ્થા, પાતળી સર્પાકાર સ્ટ્રીટ્સ, આજુ બાજુ કોઈ પોલીસ નહિ તોય બધું નિયમ પ્રમાણે ચાલ્યા કરે, રસ્તા પર કોઈ ઝગડા નહીં, અરે કોઈ એક્સિડન્ટ નહિ! ૨૫ વર્ષ પછી હું બાલી આવ્યો તો અધધ ટ્રાકિક જોઈને ગૂંચવાયો પણ શિસ્ત જોઈને ગજબની શાંતિ.
મિત્રો, પયાવરણ માટે બાલીના લોકોનો અભિગમ જોઈને થયું કે આ લોકો પાસે આપણે ઘણું શીખવાનું છે.
ત્યાંના જાહેર ‘સુલભ; શૌચાલય જવું છે? – તો કાઢો ૩૦૦૦ થી ૫૦૦૦ રૂપિયા! શાંતિ રાખો ભાઈઓ અને બહેનો, ત્રણ થી પાંચ હજાર ઈન્ડોનેશિયન રૂપિયા! એટલે લગભગ આપણા ઇન્ડિયન ૨૦ થી ૨૫ રૂપિયા! એક અમેરિકન ડોલરના મળે ૧૪૫૦૦ કડકડતા કાનુડા ઈન્ડોનેશિયન રૂપિયા!
સ્ફટિક સમાન પારદર્શક પાણી બધાય બીચ પર જોવા મળે. પાણીમાં પેઠાં એટલે એક સ્વર્ગીય સુખ સમા મોજાંઓ તમને હળવું માલિશ કરે.
તો મિત્રો, હવે ગૂગલ કરીને બાલી વિષે જાણવા કરતાં ઝુકાવી દો ફલાઇટમાં બાલી તરફ.