નીરવ સંવાદિતા ; મેરે યે સુર ઔર તેરે યે ગીત

રંજુને સાતમા નિર્વાણ દિને અંજલિ – જુલાઈ ૧૧, 2023

જાન્યુઆરી ૨૩, ૨૦૧૬ ની એ સાંજ! 

Harmony હાર્મની  – સંવાદિતા કોને કહેવાય? મંચ પર મારા વાદ્ય પર ‘રસિક બલમા ‘ના સુર રેલાવતો હું અને થોડે દૂર, મને અનિમેષ નેણેનિહાળતી એ, આજુબાજુ શું ચાલે છે એનાથી તદ્દન અભાન, ફિલ્મ ચોરી-ચોરી નું એ ગીત શુદ્ધ કલ્યાણ રાગ આધારિત હોય તો શું? એ બસસંગીતમય, સૂરમાં ઝબોળાયેલી, ધીમું ધીમી ગાઈને સાથ પૂરાવવામાં મશગૂલ, પછી ભલેને પેલો વિડિઓ કેમેરો એના મુખ પર કેન્દ્રિત હોય કેપછી નજીક ઉભેલા, દાઢી વાળા સદ્ગૃહસ્થ એને વિસ્ફારિત નયનોથી જોતા હોય, એ તો કોઈ અલૌકિક દુનિયામાં વિહરતી, મલપતી ઉભી, જાણેમારા સુર ફક્ત એને જ સ્પર્શતા ન હોય!

ગીતના અંતિમ ચરણમાં પેલો જટિલ ટૂકડો ગાતાં ગાતાં અચાનક દાઢીવાળા સદ્ગૃહસ્થ એને અણધારી દાદ આપે છે ત્યારે જાણે એકસામાધિમાંથી સફાળી જાગી ઉઠતી હોય એમ ઘડીક શરમાય અને વળી પોતાની દુનિયામાં મસ્ત, વધુ દ્રશ્યમાન સ્મિત સહીત લચી ઉઠે, ઘનઘોરરાત્રિ સમયે મઘમઘતી રાતરાણી મહોરી ઉઠે તેમ. દાદનો સ્વીકાર કરતી – બસ મને આ પળ માણી લેવા દો, ભલેને દુનિયા મને જોઈ રહે.  મુક્તહાસ્ય સાથે, એ પળ- કદાચ ફરી નહિ આવે… 

…અને સાચે જ કેવળ છ જ માસમાં એ ઉડી ગયી,  દૂર દૂર સપ્તરંગી મેઘધનુષને પાર, અને હવે એ મારા શ્વાસમાં, મારા સુરમાં નિરંતર જીવે છે, સૂરોને મેઘધનુષને પેલે પાર પહોંચાડવા મને પડકાર કરતી, ક્યારેક હું પણ સદેહે મેઘ ધનુષ જેવી ઊંચાઈ સર કરીશ અને આખરે વિલીન થઇજઈશ એની સંગે- સંવાદિતા કહીએ એને!

રાજેન – જુલાઈ ૧૧, 2023


2 thoughts on “નીરવ સંવાદિતા ; મેરે યે સુર ઔર તેરે યે ગીત

Leave a Reply