મોહનિયાનો ચમત્કાર

(મારી આગામી નવલકથા, ‘બહુરૂપી – વેશપલટાનો અઠંગ કસબી ‘ ના એક પ્રકરણનો આંશિક ગુજરાતી અનુવાદ)

This excerpt of the original story in English at https://wordpress.com/post/rajendranaik.com/5193

લાલા પરાગ કબીલાના ચારે ભાઈઓમાં સૌથી નાના એવા મણિલાલને ખેતીમાં રતીભાર રસ નહિ. મોટાભાઈ વસનજીએ જેમ તેમ મારી મચડીને એને મેટ્રિકની પરીક્ષા પાસ કરાવી આપી એટલે એ ખુશખુશાલ. કબીલાનો આ બીજો  પુત્ર રત્ન હવે મેટ્રિકમાં ઉત્તીર્ણ થઇ ગયો એટલે ગામ આખામાં વાહવાહી થઇ ગયી. ખેતરે જઈને ખેતી કરવી, ચીકુ-કેરીની વાડીમાં જઈને હાથ પગ ગંદા કરવા એ આ મેટ્રિક પાસ સાહેબઝાદાને હવે પરવડે? હા, લોકલાજે કોઈ વાર વચેટ ભાઈ ભગુભાઈ સાથે ખેતર / વાડીમાં આંટો જરૂર મારી આવતો પણ ચિત્ત હવે નોકરી શોધવામાં. 

ઉડતા ખબર મળ્યા કે ગણદેવીમાં કો ઓપરેટીવ બેન્કની નવી શાખા ખુલી ગયી  છે એટલે સર્વ શક્તિ કામે લગાડીને યેન કેન પ્રકારેણ બેન્કમાં પગપેસરો કરવો એવો નિર્ધાર પાક્કો.  આ નોકરી જો હાથમાં આવી જાય તો ગધ્ધા વૈતરું કરવાનું ટળી જાય.

વિચાર્યું, લાવ ભગવાનને આમાં કામે લગાડું. કારકુનની જગ્યા માટે અરજી તો પહોંચાડી દીધી હતી પણ એક વિચાર ઝબક્યો. કુળદેવી મેરબાઈના પૂજારીને પટ્ટી પાડીને ખાસ પૂજા કરાવું, દેવી રીઝે તો બેડો પાર… નક્કી.  કોઈ ન જાણે એમ સિફતથી પૂજારી રામજીકાકાને ખાસ પૂજા કરાવવા રાજી કરી દઉં.

સાંજે મહિલામંડળ મેરબાઈની દેહરી પાસેથી ભજન ગાઈ, કરીને  વિખેરાઈ જાય એટલે રામજીકાકાને ઘેર પહોંચવા નીકળી પડ્યો મણિલાલ. રામજીકાકા બિચારા ભગવાનના માણસ એટલે બહુ લપ નહિ કરે. દીવાબત્તીનો સમય. મણિલાલ હારબંધ ઘરોને વટાવતો પહોંચી ગયો એમને ઘેર.

બહારનું જાળિયું વાસેલું હતું પણ અંદરનું દ્વાર સાવ ખુલ્લું. અંદર ડોકિયું કર્યું – કાકાનો નાનકડો દીકરો મોહનીયો કાઇંક ઢીંગલી જેવું હતું એની સાથે રમ્યા કરતો હતો. 

અંદરના ઓરડામાં કોઈક સ્ત્રી હલકદાર અવાજમાં ગાઈ રહી હતી.  કોણ હશે એ? આવું  મધુર ગળું? નક્કી એ રામજી કાકાની બીજી નવયુવાન  વહુ. અજબની ચેતના જાગી ઉઠી મણિલાલના મનમાં. કોઈ પણ હિસાબે એને પ્રત્યક્ષ નિહાવા મન તલસી રહ્યું. 
‘ભાઈ તો ઘરે નથી. તમારે કોનું કામ છે?’ ઢીંગલી સાથે રમી રહેલ મોહનીયો બોલ્યો.  અરે! મણિલાલ તંદ્રાવસ્થામાં હોય એમ છોકરાની મૌજુદગી ભૂલી જ ગયો હતો. ખાસિયાણો પડી જઈને ધીમેથી મોહનિયાને પૂછ્યું,’ બેટા, આ કોણ ગાય છે અંદર?’

‘”મારી બા. કેમ શું કામ છે?’ જવાબ આપતાં મોહનીયો મણિલાલને સૂચક નજરે એકીટશે જોતો રહ્યો. જાણે કાંઈ પામી ન ગયો હોય?’

મણિલાલને આશા બંધાઈ કે આ ભાંજગડ સાંભળીને પેલી સ્ત્રી બહાર આવી જશે.  ‘હું અંદર આવું?’

‘બા, કોઈ ભાઈને મળવા આવ્યું છે.’ નાનકડા મોહનિયાએ અચાનક એક ઠરેલ પુરુષની માફક ઘાંટો પાડ્યો.  મણિલાલ ચામક્યો , આ છોકરું મારા મનની વાત કેવી રીતે સમજી ગયું?
‘કોણ છે?’ એમ પૂછતાં અંદરથી રૂપરૂપના અંબાર સમી પાર્વતી, રામજીકાકાની બીજી વહુ હાજર થઇ.

મણિલાલ પીગળી રહ્યો, તણાતો રહ્યો. મન ઝાલ્યું ન રહે. એણે ધાર્યું હતું એ કરતાં અનેક ગણી રૂપયૌવના એની સામે ઉભી હતી – જાળિયાની અંદર. માથું ઓઢેલું, કપાળ પર મોટો ચાંદલો, ગોરી ત્વચા અને રૂપાની ઘંટડી જેવો સુમધુર અવાજ! 


મણિલાલ અવાચક! શું પૂછવું એ યાદ જ ન આવે. મોહનીયો એકીટશે તાકીને જોતો રહ્યો. ગજબ છે આ છોકરું!

‘ત. ત. તે રામજીભાઈ નથી ઘરે?’ મહામહેનતે ગળામાંથી અવાજ નીકળ્યો. ‘જાળિયું ખૂલ્યું અને સ્ત્રી મણિલાલની બિલકુલ સન્મુખ! 
અચાનક, મોહનીયો ઉઠ્યો, ‘ હું જાણું ને તમને શું જોઈએ છે, જરા ખમો’ કરીને એણે ઘરની બહાર દોટ મૂકી, મેરબાઈની દેહરી તરફ.

અંદરથી ધૂણીમાંથી એક સળગતું નાનું લાકડું ખેંચી કાઢ્યું અને દોડતો પાછો આવ્યો. એના હાથ દાઝતા નહિ હોય? હવે મણિલાલ ડરી ગયો.


‘લો આ લાકડું હાથમાં પકડો અને આ સામે ઉભેલી દેવીની ત્રણ વખત આરતી કરો, તમારી મનોકામના પૂરી થશે’ મોહનિયાએ લાકડું મણિલાલ સામે ધર્યું.  સમગ્ર સમય દરમ્યાન  સળગતું લાકડું મોહનિયાના હાથમાં. મણિલાલ ફાટી આંખે ખેલ જોઈ રહ્યો. મારી મનોકામના ? તે આને કેવી રીતે ખ્યાલ આવી ગયો. એના હાથ દાઝતા કેમ નથી?

બહુ વિચાર્યા વિના એ મોહનિયાની આજ્ઞાને તાબે થયો. હાથમાં સળગતું લાકડું પકડ્યું અને સામે ઉભેલી દેવીની ત્રણ વાર આરતી ઉતારી અને લાકડું બહાર ઘા કરીને ફેંકી દીધું. હાથમાં તો લાય એવી બળે!
‘તમારે ખાસ પૂજા કરાવવા હજી ભાઈની રાહ જોવી છે?’ હવે મોહનિયાના અવાજમાં કડકાઈ આવી ગયી.
‘ના ના, હું હવે નીકળું’ કહીને મણિલાલ જલ્દી જલ્દી ભાગ્યો, પાછું વળીને મોહનિયા, કે પછી પાર્વતી તરફ  જુએ કેવી રીતે? 

ચમત્કાર ! 
હજી મોટો ચમત્કાર બીજે દિવસે થયો. મણિલાલને નોકરી મળી ગયી! 


3 thoughts on “મોહનિયાનો ચમત્કાર

    1. Thanks, Janak. This is only a mini excerpt from one of the first few chapters I have finished so far in English. I translated ( the essence of it ) only the excerpt into Gujarati to understand the reactions of readers. The story revolves around the life and times of typical South Gujarat villages back in 1950s and 60s. Stay tuned for more excerpts!

  1. Mohaniyo was endowed with some divine supernatural powers due to his meditative practice. Here, he is shown using these powers to show Manilal his place, to extract penance for the lusty thoughts that he had been harbouring for Parvati who should be like a living deity. Of course, he uses his powers to grant Manilal his job- that’s the irony. You will read more about both the characters – Mohaniyo and his older brother Gopal in chapters to come

Leave a Reply