
લખવાનું ભૂત મને ક્યારે વળગ્યું? માથું ખંજવાળતાં અચાનક યાદ આવ્યું કે મુંબઈમાં માટુંગા પ્રીમિયર નામે હાઇસ્કુલમાં ભણતો ત્યારે પાઠ્યપુસ્તકમાં આવતી કવિતાઓને અલગ રીતે મચડીને લખવાની parody એટલે કે શૈલીનું વ્યંગાત્મક નિસત્ય અનુસરણ કરવાની પ્રેરણા થઇ. કોઈ છાશ પર લેખ હતો જેમાં એવું કથન હતું કે ‘છાશ એ મૃત્યુલોક નું અમૃત છે’. બસ, છાશની જગ્યાએ ‘ચા’ ગોઠવીને મેં એક મોટી મસ કવિતા બનાવી દીધી. એ કવિતામાં કેટલો કસ હતો એમાં અત્યારે પડવા જેવું નથી પણ કોઈ અગમ્ય કારણે મારા ગુજરાતીના શિક્ષક આઈ એન શાહને ગમી એટલે એ કવિતા વર્ગના વાર્ષિક અંકમાં પ્રગટ થઇ. બસ, એ પછી મને જોમ ચડી ગયું અને એક ધડમાથા વગરની વાર્તા લખી નાખી – શીર્ષક હતું ‘ત્રિવેણી સંગમ’ કથાવસ્તુ કહો કે જે કહો એ પણ એક ઓરમાયી માતા પોતાના જણેલા પુત્રને પક્ષપાત કરીને વધુ લાડ વ્યક્ત કરે છે જ્યારે એના ઓરમાયા પુત્રને ? ઓરમાયું વર્તન અને ડગલે ને પગલે અપમાન, મારઝૂડ વિગેરે વિગેરે – સમજી ગયા ને? છેવટે હું મારી મચડીને એ ઓરમાયી માનું હૃદય પરિવર્તન લઇ આવ્યો..
તમને લાગશે કે મને લખવાનો છંદ ત્યારથી શરુ થઇને હૌલે હૌલે મોટો લેખક બની ગયો હોઈશ પણ રે પ્રારબ્ધ! એવું કાંઈ થયું નહિ. હું શાળામાં પહેલો નંબર લાવવામાં અને એને ટકાવી રાખવામાં એવો તો વ્યસ્ત થઇ ગયો કે ? કે ? ન પૂછો વાત.
વચ્ચે કોઈ વાર એકાદ કવિતા સરી પડતી પણ એથી વિશેષ કાંઈ નહિ.મારી પત્ની ઘણી વાર ટકોર કરતી કે તું લખવાનું ચાલુ રાખ પણ વહાલસોયી પત્ની તો એવું કહે. તે કહેજને એ તો ?
વિધિની વિચિત્રતા જુઓ કે પત્નીનું ૨૦૧૬ માં અકાળે નિધન થયું. હવે મારી દીકરીઓએ મારો કેડો ન મૂક્યો. ડેડી લખો ને લખો, જેવું આવડે એવું લખો અને હવે તો પોતાની વેબસાઈટ શરુ કરવી બહુ સહેલી છે એમ કરીને www rajendranaik com નામે મારી website પણ શરુ કરી દીધી.
હવે લખ્યા વગર છૂટકો ન હતો. ત્યાર બાદ મેં શું લખ્યું એ ઇતિહાસ મારી website પર જશો એટલે મળી જશે.
હવે ચસ્કો લાયો હતો એટલે લખવાનું વણથંભ્યું ચાલુ. ૨૦૨૧ માં મારી બે ઈંગ્લીશ નવલકથા Hazards Inc અને Secret Strings Notion Press દ્વારા પ્રગટ થઇ.’ ‘જમના અને અન્ય વાર્તાઓ’ નામનો ગુજરાતી વાર્તા સંગ્રહ પણ પ્રગટ થયો જેમાં Website માંથી સાત વાર્તાઓ સમાવી લેવામાં આવી. ‘કલા વિમર્શ નામે એક ગુજરાતી ત્રૈમાસિક સામાયિકમાં રાગોની સમજણ આપતા મારા લેખો કડીબદ્ધ રીતે પ્રકાશિત થવા લાગ્યા.
‘ગુરુ ની ખોજ’ એ વિષય પર મારો લેખ નવનીત સમર્પણના ઓક્ટોબર અંકમાં સ્વીકારાયો. મારા જેવો પામર લેખક મેગેઝીનના તંત્રીને લેખ મોકલીને જાણે મોટું પરાક્રમ કર્યું હોય એમ ઠાવકાઇથી બેઠો, રાહ જોતો કે એ છાપે છે કે નહિ.
મારી સંગીતની કોન્સર્ટ સિરીઝ અંગે એમરિકા જવાનું થયું ત્યાં વિદુષી સાંઢ્યબેન ભટ્ટે ધડાકો કર્યો. મને મેસેજ મોકલીને કહે ‘રાજનભાઈ તમારો લેખ તો નવનીત સમર્પણના ઓક્ટોબર અંકમાં આવી પણ ગયો. સાથે એનો ડિજિટલ અંક મને મોકલી આપ્યો. હું તો સ્તંબધ! આટલું પચાવતાં મહિનો પસાર થઇ ગયો ત્યાં સંધ્યાબેને વળી ધડાકો કર્યો. ‘રાજન ભાઈ તમે તો સિક્સર મારી?
જોયું તો દીપોત્સવી અંકમાં એક ઉપર મુજબ જાહેરાત હતી
હું તો રાજીનો રેડ. આ બધા પાછળ વિદુષી રાંઘ્યાબેનનો કોઈ અદ્રશ્ય હાથ તો નથી ને? કોણ જાણે? એવું હોય તોયે આપણે શું? લેખમાં કાંઈ તો દમ હશે ને?
મારા આ પરાક્રમ પાછળ કોનો હાથ કે પછી જેણે પણ આ કારસ્તાનમાં અહમ ભૂમિકા ભજવી હોય.
મુજરિમ કૌન?