Site icon Musings, Music & More

ગુલદસ્તા – ભાગ ૨

[English]Traffic 2

વરતેજ ગામમાંથી બહાર નીકળતાંજ ખાસ્સો અડધો કલાક બરબાદ થઇ ગયો. એક તો આવું બધું ન બનવાનું બની ગયું અને ઉપરથી આ તાડ જેવી નીરવ નામની મૂર્તિ સાથે સફર !

“અરે તારી ની…” રાજેશ બોલી પડ્યો.

“કાંઈ તકલીફ છે ભાઈ? ” હમ સફર નીરવે સૌજન્ય દાખવ્યું.

“ના રે, આ વાળું ટાણે ગાડી ચલાવવી એટલે … ચાલ જવા દો હવે. તમે સીટ જરા પાછળ ખેસવીને આરામથી કેમ નથી બેસતા? ” રાજેશે થોડા હોઠ ભીડીને ઔપચારિકતા પૂરી કરી.

રાજેશને ખાતરી થઇ ગઈ કે આ મૂર્તિનું મોઢું બંધ રાખવું ભારે પડશે. એ વાતમાં નાખવાની પૂરી કોશિશ કરી ને જ જંપશે.

મેન  હાઇવે આવે ત્યાં સુધીનો રસ્તો   બંને બાજુ ખૂબ લીલો છમ હતો. કોઈ કાંઈ બોલ્યું  નહિ.

મેન હાઇવે દેખાયો એટલામાં તો એક ખૂબ મોટો બમ્પ આવ્યો જે રાજેશે જોયો નહિ અને ગાડીને મોટી બ્રેક મારીને એકદમ ધીમી કરી છતાં બમ્પ પરથી પસાર થતાં ગાડી ઉછળી અને આપણા લંબુ મહાશયનું માથું ઉપર ભટકાયું.

” અરે તારું ભલું થાય. સોરી હેં, બહુ વાગ્યું તો નથી ને?” નવા સવા દોસ્ત માટે મમતા ઉભરાઈ – જો કે રાજેશ ની પોતાની કમરમાં પણ સણકો ઉપાડ્યો હતો.

” It is all  right, ok  કાંઈ વાંધો નહિ ભાઈ. આ દેશના આવા બિસમાર રસ્તાઓ પર ધ્યાન રાખવાનું.” તાળવું પંપાળતા  નીરવથી બોલતા બોલાઈ તો ગયું પણ દેશ વિષે એનો અણગમો છતો થઇ ગયો.

“લો દેશ વિષે ઘસાતું બોલવાનું શરુ થઇ ગયું” રાજેશ મનમાં બોલ્યા વગર રહ્યો  નહિ.

“તમે  ફિકર ન કરો, આપણે હવે  નેશનલ હાઇવે પકડવાના છીએ અને  જોજો ને એ તો  boeing ની airstrip જેવો  હશે – તમારી  turnpike  કરતાં પણ સરસ.” રાજેશે બરાબર લગાવ્યું (લે લેતો જા, બધો અમેરિકા વાળો ન જોયો હોય તેમ!)

રાજેશનો આ બચાવ પણ વિચિત્ર હતો. અંદરખાનેથી એ પોતે પણ એવું જ ઘસાતું બોલતો પણ  NRI ને  તો બરાબર સંભળાવી દેતો.

આખરે સ્કોડા  નેશનલ હાઇવે પર વળી – સુપર સ્મૂધ રસ્તો અને આ ત્રણ કલાક માં તો સ્વપ્ન નગરી Mumbai આવી ગઈ  સમઝો. સાચેજ આ સામી સાંજના ટાણે જરા તકલીફ જ હતી. કોણ જાણે કેમ નહિ-દિવસ, નહિ-રાત એવા આ ટાઈમે બધાને  at  least  પાર્કિંગ લઈટ ચાલુ કરતાં શું ટાઢ વાતી હતી?

નીરવ-તાડને વાતો કરતો રોકવાનો જે વિચાર એણે કર્યો હતો એને અમલમાં મુક્યો. ધીરે રહીને  music system ચાલુ કરી દીધી. એને પોતાને ગમતું સિતારનું હળવું સંગીત વહેવા માંડ્યું -વાહ હવે શાંતિથી ૩ કલાક અને આ મૂર્ત્ય કદાચ સૂઈ જશે.

“આ તો ઉસ્તાદ વિલાયત ખાન લાગે છે ” નીરવે ધડાકો કર્યો. ” (અરે આ શું? આને તો આવા સંગીત માં રસ લાગે છે!)

” ના ના આ તો ઉસ્તાદદ શાહિદ પરવેઝ છે. તમે એને સાંભળ્યા છે?” હવે રાજેશને રસ પડવા લાગ્યો.

“અરે હા, આ જે રીતે સિતાર વગાડે છે તે બરાબર ધ્યાનથી સાંભળતાં લાગે જ છે કે એ શાહિદ પરવેઝ છે.”

“લે આતો ખરેખર શાસ્ત્રીય સંગીતનો રસિયો નીકળ્યો” રાજેશ નું મન ડોલવા લાગયું. હવે મઝા આવશે આની સાથે.

“વાત સાચી છે. તમને ખબર છે કે નવી પેઢીના સિતાર વાદકોમાં એક મોટું નામ છે ઉસ્તાદ ઈર્શાદ ખાન. એ આમતો વિલાયત ખાનના nephew છે અને રહે છે કેનેડા માં.” રાજેશે બ્રિટિશ સ્ટાઇલ થી  નેવ્યુને બદલે જાણી કરીને  nephew  ઉચ્ચાર કર્યો ( જોઈએ તો ખરા કે એ શું બોલે છે!)

“હા હા કેમ નહિ વળી, એ તો વિલાયત ખાનનો નેવ્યુ છે – અમારી પાસે એની એક બે સીડી પણ છે” નીરવ નો બ્રિટિશ ઉછેર છતો થઇ ગયો.

રાજેશનું મન હવે ગાવા લાગ્યું. નીરવ હવે એને માટે ગાંધાર દેશમાંથી ઉતરી આવેલો દેવદૂત બની ગયો.

સ્કોડા સડસડાટ રસ્તો કાપવા લાગી.

“મારે  નીશા સાથે skype  કરવું પડશે. હું જરા પાછલી સીટ પર જઈને  skype કરું? મારા  earphones  ખબર નહિ મેં ક્યાં મૂકી દીધા ” ઘણા યુગલોમાં આવી મીઠી બાબતો આપ લે થતી રહેતી હોય છે જેમ કે “તું ઘેર થી નીકળી ગયો?”; “તું બરાબર પહોંચી ગયો ને?” “તબિયત તો સારી છે ને?” વગેરે વગેરે.

રાજેશે સામો વિવેક કર્યો ” બેશક, નીરવ. તું તારે નિરાંતે કર, જોકે તમારે ત્યાંના જેવી ઇન્ટરનેટની સ્પીડ નહિ આવે અહીંના હાઇવે પર” રાજેશ તમે પર થી તું પર આવી ગયો, આત્મીયતા ના જોરે.

“અચ્છા, તો જો તમે ગાડીને જરાક સાઈડ પર લઇ જઈને ઉભી રાખો તો હું નીકળીને પાછલી સીટ પર ગોઠવાઈ જાઉં.”

હવે બહાર અંધારૂ બરાબર જામવા માંડ્યું હતું એટલે બધા વાહનોએ હેડલાઇટ પૂરી ચાલુ કરી દીધી હતી;

“આ ગધેડા જેવા ટ્રક drivers  હંમેશા ફાસ્ટ લેઈનમાં  જ ટ્રક ચલાવે રાખે છે”, પણ સરસ્વતી નો  વધારે ઉત્કૃષ્ટ નમૂનો  પેશ કરતા રાજેશ રહી ગયો.   

ગાડી ઉભી રહી એટલે નીરવ પાછળની સીટ પર સરકી ગયો. અને થોડી વારમાં નીરવનું થોડું રમૂજી  મોઢું   mirror માં દેખાયું.

રાજેશ બધી વાતો અલાભે સાંભળતો રહ્યો.

” હાય   હની” નીરવ ટહુક્યો

“અરે કેમ છે તું?” નીશાના મધ જેવા  અવાજે  રાજેશને  લપેટી લીધો. એક તોફાન એના મનમાં ઘેરાઈ વળ્યું. અવાજ જાણે પરિચિત લાગ્યો. પણ હશે.

” હું મઝામાં છું. બસ મને એક gentleman  સાથે એરપોર્ટની રાઈડ મળી ગઈ”   બોલીને નીરવે  mirror  માંથી રાજેશને આંખ મારી.

રાજેશનું મન તોફાને ચડ્યું. આ તો મનીષા  જ ન હોય? કેવી રીતે હોય? આ તો નીશા છે, મનીષા નહિ – પણ ધરપત કેમ વળતી નથી? અવાજ બરાબ્બર મનીષા જેવો. એનો ચહેરો કેમ કરીને જોવો? કેટલા બધા વર્ષો વીતી ગયા એ વાતને.

ધીરે ધીરે નીરવના પ્રેમાલાપમાં રાજેશ નામની કોઈ હસ્તી હાજર  છે એ ભૂલાવા  માંડ્યું. અને આ બાજુ રાજેશનું ધ્યાન ગાડી ચલાવવામાંથી હટવા લાગ્યું

“પેલી મેં મગાવેલી સીડી લાવ્યો?” મધુર અવાજ રણક્યો.

” અરે મેં બહુ try  કરી પણ ક્યાંયથી નહિ મળી” નીરવના અવાજમાં શરણાગત ચોખ્ખી દેખાતી હતી.

“મૂરખાજી, ઈન્ડિયાથી એક સીધી સાદી સીડી તું લાવી ન શક્યો?”

“મૂરખાજી!!”

આ શબ્દ સાંભળતાજ રાજેશ વિચલિત થઇ ગયો. આ એજ છે;  મનીષા જ છે. “મૂરખાજી કહીને એ રાજેશને પણ ઘણી વાર ઠપકારતી – એ એનો pet  શબ્દ હતો.

એ પછીનો બાકીનો સંવાદ જાણે રાજેશને સંભળાતો જ ન હતો. એનું મન ભૂતકાળ માં સરી પડ્યું. 

એ યુનિવર્સીટી ઓફ હ્યુસ્ટનના દિવસો કેમ ભુલાય? રાજેશની આંખો સામે બધું તાજું થવા લાગ્યું.

નવો નવો હ્યુસ્ટન માં MS કરવા એ આવ્યો હતો. પોતે  મહારાજા  સયાજીરાવ યુનિવર્સીટી નામની  એક પ્રખ્યાત યુનિવર્સીટીમાંથી આવ્યો હતો એ ભૂલીને નવી જગ્યાએ ગોઠ્વાવાનું હતું. બધું જ નવું.  Culture, junk food, accent, Friday  night ની પાર્ટીઓ …. બહુ મૂંઝાઈ ગયો હતો એ.

એક સવારે કેફેટેરિયામાં બેઠો હતો, ભૂખ સખત લાગી હતી પણ પેલા વેન્ડીંગ મશીનમાંથી લસલસતો સિનામોન રોલ કેમ કાઢવો એની મથામણ હતી. વળી ત્યાં કાઢવા ગયો અને કાંઈ ગરબડ થઇ ગઈ તો આજુબાજુ બેઠેલા છોકરા છોકરીઓ મશ્કરી તો નહિ કરે ને?

એટલામાં એક દેશી છોકરી આવી અને મસ્તીથી વેન્ડીંગ મશીનમાંથી સેન્ડવીચ કાઢી એટલે રાજેશ હિમ્મત કરીને એની પાસે સરક્યો. એનો male  ego  સચવાય એમ એકદમ confident હોવાનો દેખાવ કર્યો પણ છોકરી ઘણી ચાલાક નીકળી. રાજેશની મૂંઝવણ પામી ગઈ અને વધારે લપ્પન છપ્પન વગર એને સિનામોન રોલ કાઢી આપ્યો.

આ એની મનીષા સાથેની પહેલી મુલાકાત. પછી તો શું હતું? વાચાળ અને  ચબરાક છોકરીમાં એ લપેટાતો ગયો. 

બે વર્ષથી મનીષા ગ્રેજ્યુએશન તરફ આગળ વધી રહી હતી, ગર્ભ શ્રીમંત કુટુંબની હોવાને લીધે ભણવાના ખર્ચ માટે એને કોઈ સ્કોલરશીપની જરૂર નહોતી પડી. જરા વધારે પડતી ગર્વિષ્ટ એવી મનીષાના  એક સ્મિત પાછળ હજારો દેશી ગાંડાઓ લૂટાવા તૈયાર હતા.

આમાંનો એક ગાંડો આપણો રાજેશ એના સ્મિતનો  એક્સકલુઝિવ માલિક ક્યારે થઇ બેઠો તે બે માંથી એકેય ને ખ્યાલ ન રહ્યો.  અને એ સાથે બીજા બધા ગાંડાઓને ક-મને ડાહ્યા  થવું પડ્યું.

રાજેશનું શાસ્ત્રીય સંગીતનું વળગણ મનીષાને શરુ શરૂમાં રમૂજ પમાડતું.  “એ શું વળી એકનો એક સૂર વાગોળતા રહીને કલાક સુધી ગાયા કરવું? “  રબીન્દ્ર સંગીત જો કે એને ગમતું.

સોબતની અસર થવા માંડી અને મનીષા શાસ્ત્રીય સંગીતને માણતી થઇ એટલું જ નહિ પણ રાજેશ સાથે વિસ્તારથી ચર્ચા કરતી થઇ ગઈ. …..

“નીશા તમને hi કહે છે.” નીરવે અચાનક રાજેશને નિદ્રા માંથી ઢંઢોળ્યો. એ બે વચ્ચેના પ્રેમાલાપમાં ક્યાંય રાજેશનું નામ આવ્યું હોય એમ  લાગ્યું નહિ. રાજેશ તો ફક્ત કોઈ એક “જેન્ટલમેન” હતો જે નીરવને એરપોર્ટ પહોંચાડવાનું પુણ્ય કરી રહ્યો હતો.

“હા thanks. એ મઝામાં તો છેને? ” એટલું પૂછતાં તો રાજેશનો અવાજ ભારે થઇ ગયો.

 “હા એ  ઓલ રાઈટ છે.” મૂરખાજી નીરવ નો ચહેરો હજી હસું હસું દેખાતો હતો.    

“તે નીરવ, નીશાને કઈ સીડી જોઈતી હતી?” રાજેશે બીતાં બીતાં પૂછવાની હિમ્મત કરી.

નીરવ કાંઈ જવાબ આપે એટલામાં ….

મનીષા ની યાદમાં વિચલિત રાજેશની સ્કોડા ક્યારે ફાસ્ટ લેઈનમાં જઈ  રહેલી એક ટ્રકની એકદમ પાસે આવી ગઈ એ ખબર ન પડી. જોરદાર બ્રેક મારીને રાજેશે જેમતેમ સ્કોડાને ટ્રકને પાછળથી ટક્કર મારતા રોકી.

“આ ઉલ્લુઓ કોણ જાણે ક્યારે શીખશે” એમ ચોપડાવીને રાજેશે ટ્રક વચ્ચેની લેઈનમાં જાય ત્યાં સુધી એની પાછળ ચલાવ્યા કર્યું. 

“નીશાને કેમ ઇન્ડિયા આવવું નથી ગમતું એ સમઝાય છે હવે? “  નિરવે આ પ્રશ્ન કર્યો કે પછી લવારો?

શાસ્ત્રીય સંગીત, મનીષા સાથે ગુજારેલી એ પળોની યાદો પછી આ  anticlimax  ક્રૂર નીવડ્યો. નીશા – મનીષા નામ હવે રાજેશને આત્મીય લાગવા માંડ્યું.

પણ હવે ગુસ્સે થવાનો વારો નીરવનો હતો.

જેવી સ્કોડા પેલી ટ્રકની જમણી બાજુથી પાસ થવા, નજીકથી આગળ વધી, નીરવે જલ્દી જલ્દી બારીનો કાચ ખોલી ને ટ્રક ચલાવતા મુફલિસ જેવા લાગતા driver  ને રીતસર ભાંડ્યો, ” એય સાલા, ગાડી જોઈને ધીમી લેઈનમાં ચલાવ. તારા બાપ નો રસ્તો છે, હ ….ખોર ?”

નીરવ – આવું બોલે? રાજેશ ચકિત થઇ ગયો. આખરે પાણી તો વરતેજનું ને?

ટ્રક માં બેઠેલા બંને જણ ધૂંધવાઈ ઉઠ્યાં. આંખમાંથી અગન વરસાવતા એ લોકોએ ટ્રકની સ્પીડ વધારી અને  સ્કોડા થી આગળ નીકળવાની પેરવી ચાલુ કરી દીધી. ટ્રક પાછી ખાલી હતી એટલે સ્પીડ પકડી શકે એમ હતી. હાઇવે પર ગાડી ચલાવતા રીઢા થઇ ગયેલા રાજેશને સમજતાં  વાર ન  લાગી કે આવા ટ્રક drivers  જો વધારે છેડાઈ પડે તો એ લોકો કાંઈ પણ કરી શકે. વેર લેવા આગળ જઈને રસ્તો આંતરી ને માર પણ મારે. વળી આવી કોઈ પરિસ્થિતિ ઉભી થાય તો કોઈ કાકો કે પોલીસ મદદ કરવા નહિ આવે.

હવે તો સમઝદારી હતી સ્કોડા ને હરાયા ઢોર ની જેમ ભગાવવાની જેથી ટ્રક એમને પકડી ન શકે.

ઇન્ડિયા ના કહેવાતા સુપર હાઇવે આમ તો સ્કોડાની સ્પીડ માટે લાયક હતા પણ રસ્તામાં જો કોઈ ટ્રાફિક જામ આવ્યો તો જખ મારીને ધીમા થવું પડે અને ઉભા પણ રહેવું પડે. એ સંજોગોમાં ટ્રક ગમે ત્યારે  આવી ને પકડી પાડે અને પછી? માર ખાવાનો; ગાડીમાં  નુકસાન સહન કરવાનું.

રાજેશે accelerator  પર કચકચાવીને પગ દબાવ્યો – હે ભગવાન કોઈ ટ્રાંફિક જામ ન આવે.

એને યાદ હતું કે થોડી જ વાર માં ગુજરાત – મહારાષ્ટ્ર ની હદ આવશે એટલે ટ્રાફિક પોસ્ટ આવવી જોઈએ. 

હદ આવી ગઈ. બધા વાહનો ધીરા પડયા. પેલી ટ્રક પણ  રિઅર મિરરમાં દૂર થી દેખાવા માંડી. ટ્રાફિક પોસ્ટ પર ચેક કરવા કોઈ હતું નહિ પણ જો કોઈ હોય તો પણ એ લોકો કદી આવા ઝગડામાં પડતા નહિ. મદદ કરવાની વાત બાજુ પર “એ અમારું કામ નહિ”, અને, “અમારા jurisdiction માં નહિ આવે” વગેરે વગેરે.

સદ્ભાગ્યે પાછળ ધસમસતી આવતી ટ્રક બીજી બે ગાડીઓ વચ્ચે ફસાઈ ગઈ નહીંતો ….

સ્કોડા ફૂલ સ્પીડે ભાગવા મંડી કારણકે હજી ખતરો તો હતોજ. હાઇવે ટ્રાફિક નું કાંઈ કહેવાય નહિ, ગમે ત્યારે  જામ થઇ જાય.

ચા નાસ્તા માટે રોકાવાનો ટાઈમ ન હતો. નીરવ પાછી ફ્લાઇટ ચૂકી જાય તો?

ચાલો ભાગો ભાગો. નહીંતો પેલી ટ્રક વળી “Jurassic Park ” માં  એકાએક દેખાતા ડાયનોસોરની જેમ અચાનક આવી ચડે.

બીજી કોઈ વાત કરવાનો અર્થ કે ટાઈમ નહતો. બસ અધ્ધર શ્વાસે ગાડી ભગાવતા રહો કે વહેલું આવે આમચી મુંબઈ.

રાતનો વખત ભયંકરતામાં વધારો કરતો હતો. ચારોટીનું ટોલ નાકું તો પસાર થઇ ગયું.

હવે પછીનો રસ્તો વધારે સુમસામ હતો. રાતના અંધારામાં પણ સ્કોડાની ઝગઝગ લાઈટ ટ્રક વાળાને સહેલાઇથી દેખાઈ જાય. જો કાંઈ અજુગતું બને તો કોઈ માઈ નો લાલ ઉભો રહીને બચાવવા નહિ આવે.

આપણો નીરવ એની સીટ પર આકુળ-વ્યાકુળ હતો. ‘હું વળી પેલા ગુંડા જેવા ટ્રક વાળાને વતાવવા નો થઇ ગયો.’

કાર ની સિસ્ટમ પર સંગીત તો ધીમું ધીમું ચાલુ જ હતું પણ એને સાંભળતું હતું કોણ?

અધ્ધર શ્વાસે સ્કોડા બરાબર સાડા આઠ વાગે છેલ્લા ટોલ નાકા નજીક આવી ગઈ. મુંબઈ હવે  ફક્ત ૭૦ km  દૂર હતું.

“તારી ફ્લાઇટ કેટલા વાગે છે નીરવ?”

” સાડા દસ સુધીમાં ચેક-ઈન કરવું પડે.”   

“હં” રિઅર મિરર માં નજર મારતા રાજેશ ના ચહેરા પર ચિંતા નું પોટલું સ્થિર થયું.

અરે આ શું? દરિયો તરીને હવે કિનારે આવીને ડૂબવાના કે શું?

છેલ્લા ટોલ નાકા આગળ તો મોટો ટ્રાફિક જામ હતો. રામ જાણે કેમ. છુટ્ટા નો પ્રશ્ન હશે?

અધૂરામાં પૂરું, પાછળથી આવતી ધસમસતી ટ્રકની front પેનલમાં  છૂટ થી શણગારેલી લાઈટો  રાજેશ ને દેખાઈ.

માર્યા ઠાર.

“આ ખિજવાયેલો ટ્રક વાળો આજે છોડશે નહિ.” રાજેશ અને નીરવના શરીરમાંથી એક લખલખું નીકળી ગયું.

ટ્રક વાળો જોર જોર થી લાગલગાટ હોર્ન વગાડીને બીજા વાહનોને ડરાવીને સ્કોડાની નજીક આવવા મથતો હતો. રાજેશ ને પણ થયું કે જોર જોર થી હોર્ન વગાડી ને જલ્દી થી ટોલ નાકુ પાસ કરી નાખું પણ જેમ યમદૂત પાસે આવતો દેખાય તેમ શિકારના હાજા ગગડી જાય તેવી રીતે એને કાંઈ સૂઝયું નહિ. સ્કોડા ની આગળ લાઈનમાં ડાહી ડાહી ગાડીઓ મંથર ગતિએ આગળ વધતી હતી. (ચાલો ચાલો જલ્દી કરો!).

જાણે કે આ બનવાનું જ હોય તેમ પેલી દાંતિયા કરતી ટ્રક સ્કોડાની સમાંતર લેઈનમાં ઘૂસીને ટોલ નાકુ પાસ થવાની રાહ જોતી આવી પુગી. 

બાજુની લેઈનમાં આવી એટલે  ઘરઘરાટી કરતી ટ્રકમાં આગળ બેઠેલા ઈસમોનો ક્રોધથી લાલચોળ ચહેરો નજર આવ્યો.

‘જેવાં એ બંને વાહનો ટોલ નાકું પાસ કરીને પેલે છેડે બહાર નીકળશે એટલે આપણને આંતરશે’ – બંને જણ ફફડવા માંડ્યા.

મુંબઈ ફક્ત ૭૦  કી.મી. જ પર જ હતું પણ  આ ઘડીએ હજારો કી.મી. દૂર લાગતું હતું. આટલા વિલંબથી કંટાળેલા વાહનો ટોલ ભરીને જલ્દી જલ્દી મુંબઈ તરફ દોટ મૂકશે. કોને આવા હાઇવે પરના ઝગડામાં રોકાઈને મદદ કરવાનું મન થાય?

રાજેશ ને થયું કે કાશ સ્કોડાને પાંખો આવી જાય અને ટ્રકને ક્યાંય પાછળ રાખીને ઊડી જાય.

(ક્રમશઃ)

[English]

Exit mobile version