Site icon Musings, Music & More

એડ્રેસનો જવાબ નહિ

old design post card

આજ કાલના ઈમેલ અને વોટ્સએપના જમાનામાં પોસ્ટ કાર્ડ જેવી કોઈ ચીજ છે ઘણાને ખબર નહિ હોય. એક આનાના પોસ્ટ કાર્ડમાં કેટલી બધી વાતો, કેટલી વ્યથા કૈં કેટલા આનંદના સમાચાર લખી શકાતા ગુજરા હુઆ જમાનામાં.

પોસ્ટ કાર્ડ એટલે એક ઓપન સિક્રેટ. તમે કોઈને પોસ્ટકાર્ડ લખતા હોય ત્યારે તમારી બાજુમાં બેઠેલો વાંચી શકે. “અરે આવું કેમ લખે  છે ? કોને લખે  છે ? સરખા વંચાય એવા અક્ષરમાં લખ ને?” એવા  સવાલ/કૉમેન્ટ્સ  પણ કરી શકે.

પોસ્ટ કરવા કોઈને આપીએ પણ લખાણ વાંચી શકે. પોસ્ટ ઓફિસ માં તો ખેર બધા વાંચી  શકે. પોસ્ટમેનને તો વાંચતા આવડતું હોવું જરૂરી છે. કમ સે કમ,  સરનામું વાંચી શકવો જોઈએ. જો પોસ્ટકાર્ડ ગુજરાતથી લખાયેલ હોય અને ગુજરાતીમાં સરનામું કરેલું હોય તો પેલા મરાઠી પોસ્ટમેન ને ભાંગ્યું તૂટયું, ખપ પૂરતું ગુજરાતી આવડવું જોઈએ. લખનાર બધી ચિંતા ઈશ્વર પર છોડી દેતો.

પણ તોરણ ગામના પ્રથમ મૅટ્રિક પાસ મારા બાપા ની વાત અલગ હતી. મુંબઈમાં માટુંગામાં રહેતી એમની લાડલી દીકરીને (મારી  બા ને ) કાગળ લખવાનો હોય ત્યારે બધું ઈશ્વર પર થોડું છોડાય?

મેઈન મેટરમાં તો ઝળકતા પ્રેમ ઉપરાંત ઘણી બધી વાતો હોય જેમ કે ” …..તે લલી, ભીખુ નાયક હારા છેને? નોકરી બરાબર ચાલતી છે ને? તાં હજુ પાણી ની આપદા ખરી કે? બબલી કોલેજ જતી ઓહે. રસ્તે ચાલતાં કપડા વ્યવસ્થિત પેરી ને જવાનું હેં કે. જમાનો બો ખરાબ આવેલો છે. બાબો (એટલે કે હું બ્લોગ લખનાર પોતે) હું કરે? નિહારે જાય કે તોફાન કરે? ધીરૂનો (ધીરૂભાઇ, બા ના ભાઈ / મારા અંધેરીમાં રહેતા મામા) બો વખત થી કાગળ નથી. ઓણ તો બો.. તાપ પયડો. કેરીમાં વરહે મઝા ની મલે . ઘેરે ખાવા તેટલી થઇ પડહે મારી તાંબિયાત ચાયલા કરેનરમ ગરમ …. “વિગેરે

ઓહોપોસ્ટ કાર્ડ લખ્યા  પછી સરનામું કરવાની એક મોટી પ્રક્રિયા.

ખરી મઝા તો એડ્રેસ માં આવે.

અલબત્ત ઘણા  મહાન વ્યક્તિ માટે એમ કહેવાતું કેમહાત્મા ગાંધી, ઇન્ડિયાએમ એડ્રેસ કરો એટલે પહોંચ્યો સમજો. પણ અહીં તો લાડલી દીકરી ને પોસ્ટ કાર્ડ  લખ્યો છે. વળી એડ્રેસ લખવામાં કાંઈ ભૂલ થઇ અને મળ્યો તો? કેટલી ફિકર થાય?

તો?

તો લખો:

રાજમાન રાજેશ્રી ભીખુભાઇ મોરારજી નાયક. M Sc

(હા જમાઈ તો બહુ બધું  ભણેલા તે એમની ડિગ્રી તો લખવી જોઈને ને? બીજા કોઈ ભીખુભાઇ ને ત્યાં પોસ્ટકાર્ડ પહોંચી જાય તો?)

બ્લોક નંબર ૧૧, નરેન્દ્ર વિલા, બીજે માળે (અમારો ફ્લેટ ૧૧ બીજે માળે હતો પણ લખી મૂકેલું  સારું!)

રાઘવજી કાનજી એસ્ટેટ. (નરેન્દ્ર વિલા એસ્ટેટમાં આવેલું એક મકાન)

કપોળ નિવાસની બાજુમાં  (કપોળ નિવાસ એક બહુ જાણીતું આજે પણ મકાન મોજૂદ છે એટલે રેફરન્સ આપવો જરૂરી છે!)

હવે ચાલો આગળ:

વિન્સેન્ટ રોડ ( ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રોડ) નામ ૧૯૫૬ માં બદલાઈ ગયેલું પણ કદાચ પોસ્ટમેનને ખબર હોય તો?

આગળ;

માટુંગા જી આઈ પી  ( સેન્ટ્રલ રેલ્વે) પહેલાં સેન્ટ્રલ રેલ્વે જી આઈ પી એટલે કે  ‘ Great Indian Peninsula ‘ રેલવે તરીકે ઓળખાતું

એટલું બધું લખી ને વાત નો સંતોષ કે પોસ્ટકાર્ડ  બી બી માટુંગા નહિ પહોંચી જાય!

બી બી એટલે BB & CI રેલવે – Bombay Baroda & Central India  રેલ્વે. હવે સમજાયું ? માટુંગા બી બી એટલે જેને આજે માટુંગા વેસ્ટર્ન કહી છીએ !

છેલ્લે,

બોમ્બે (મુંબઈ) ૧૯

આટલે થી અટકવાનું? અરે હોય?

પોસ્ટમેન નવો સવો હોય તેને માટે ખાસ:

બહાર બદામ નું મોટું ઝાડ છે

લો ત્યારે કરો વાત. હવે કોઈ પોસ્ટમેન ની મજાલ છે કે પોસ્ટકાર્ડ ગેરવલ્લે જાય?

આટલી બધી વિગતો લખવા ઘણી જગ્યા જોઈએ પણ તો આડું. ઉભું, ત્રાંસુ પણ વચ્ચે લખી શકાય ને? અને થોડીક વિગતો જરા પોસ્ટકાર્ડ ની મેઈન મેટર ની સ્પેસ માં આવે તો શું?

લખવાની જરૂર નથી કે બાપાના એક પણ પોસ્ટકાર્ડ મળ્યા હોય એવું બન્યું નહિ. મરાઠી પોસ્ટમેન  નું ગુજરાતી પાકું થતું ગયું નફામાં. અને દિવાળી પર બક્ષિશ પણ પાકી!

ચાલો હવે. પછીના બ્લોગમાં બા મારી પાસે પોસ્ટકાર્ડનો કઈ રીતે જવાબ  લખાવતી તે વાત આવશે.

Exit mobile version