Site icon Musings, Music & More

સિન્ડ્રેલાની વાર્તા

પ્રખ્યાત અસ્તિત્વવાદી લેખક ફ્રાન્ઝ કાફકાએ કહ્યું છે કે ” “Everything that you love, you will eventually lose, but in the end, love will return in a different form”. અર્થાત ” જેને તમે પ્રેમ કરો છો એ તો નિશ્ચિત રીતે ખોવાઈ જવાનું છે પણ છેવટે કોઈ બીજા સ્વરૂપે પાછું મળી જશે”
અસ્તિત્વવાદ કહે છે કે મનુષ્ય આ બ્રહ્માંડમાં એકલો જ છે. એક દુઃખદ સત્ય એ છે કે મનુષ્ય કાળક્રમે વધુને વધુ અવૈયક્તિક અને જટિલ બનતો જાય છે.

૧૯૭૦ ના દાયકાની વાત છે જયારે જિંદગી એટલી અટપટી ન હતી. આજની મહાનગરી અમદાવાદ ત્યારે એક મહા-ગામડા કે મહા-કસબા જેવી લાગતી. અનિયંત્રિત ગતિ થી વધતી જતી નગરીમાં નદીની પૂર્વમાં અગણિત સોસાયટીઓ આડેધડ આકાર લઇ રહી હતી. ડામરના રોડ પરથી પસાર થતી ગર્દભની લંગાર રોડ પર એક રેતીની જાળ પાથરી દેતી. છૂટથી વેરાયેલી રેતી ઘણી વાર સ્કૂટર ચાલકોને ગબડાવી પાડતી પણ આગળ લખ્યું એમ ‘ઈશ્વરની મરજી ‘ કહીને જિંદગી ચાલ્યા કરતી. શહેરનો દર ત્રીજો માણસ અમદાવાદની અસંખ્ય ટેક્સટાઇલ મિલોમાંની એકાદમાં કામ કરતો.
બધું સરળતાથી – અમદાવાદીની બોલીમાં – ‘આસ્તે આસ્તે” …..

નવરંગપુરાની પોસ્ટઓફિસ પાછળનો વિસ્તાર – અમદાવાદની પોળમાં વર્ષોથી રહેતા શિક્ષિત ઊચ્ચ માધ્યમ વર્ગી લોકોએ મહેનત કરીને સોસાયટીઓમાં બંગલા બંધાવી દીધા હતા. પોળથી સોસાયટીની સફર જિંદગીમાં એક સંતોષની લાગણી પ્રસારી દેતી.
ઠંડીની સીઝન હમણાં જ પૂરી થઇ એટલે વાતાવરણ ખુશનૂમા કહી શકાય. રોડ હજી દઝાડતા ન હતા. સોસાયટીની ખુલ્લી જગ્યામાં ક્રિકેટ રમતા છોકરાઓની ‘હાવીઝ ધેટ’ ની ચિચિયારીઓ કાન પર પડતી અને જિંદગી આસ્તે આસ્તે ….

બંગલાના ઓટલે બેસીને ઉંમરવાળા કહી શકાય એવા ‘જાગૃતિ ‘ સ્કુલના પ્રિન્સિપાલ એમની પત્ની ચંપાબેન સાથે સ્કુલના પટાવાળાની રાહ જોઈ રહયા હતા. એ આવીને કેટલાક અગત્યના પેપરો પર સાઈન કરાવીને લઇ જાય. પંડ્યા સાહેબ સ્કુલના પ્રિન્સિપાલ હોવાના નાતે મોભાદાર વ્યક્તિત્વવાળા હતા. સોસાયટીમાં આવતા જતા લોકો એમને ‘કેમ છો પંડયા સાહેબ’ કરીને અભીવાદન કરતા જયારે બા એટલે કે આપણા ચંપાબેનના મોઢા પર અણગમો હતો. આવતી જતી બહેનો ઉપર વરસી પડતા “કેમ અલી પાપડ કરવા આવતાં શું ટાઢ વાતી હતી?”
“તમને તો શરમ આવવી જોઈએ. હું જયારે તમારા જેવડી હતી ને ત્યારે દરેકને ઘેર પાપડ વણવા જતી.”
પેલીઓ બિચારી ક્ષોભની મારી સાડીનો છેડા થી ચહેરો છુપાવતી જલ્દી જલ્દી પસાર થઇ જતી – મજાકમાં થોડું હસતી હસતી. કાને થોડી બહેરી એવી બાને તો હસવાનું ક્યાંથી સંભળાય? જયારે પંડયા સાહેબ બાને હાથ કરીને વાળતા “બસ હવે, બેસને છાનીમાની. ખોટી લમણા ફૂટ ”
જિંદગી આસ્તે આસ્તે ….

“બા બા ” એક ઝીણો મધુર અવાજ સંભળાયો.
સ્વાતિની કેડ પર મસ્તીથી બેઠેલી નાનકડી ચિંકીએ બા તરફ હાથ હલાવ્યા.
“અરે તું ચિબાવલી મારી ચિંકી આવી” બાએ આગળ હાથ ધર્યા એટલામાં તો ચિંકીએ નીચે ઉતારીને બા તરફ દોડવા માંડ્યું.
“જો જો ચિંકી, ધીરે. ભમ થઇ જશે તો ?” મમ્મીએ એને વહાલથી વારી.
પરેશ અને સ્વાતિ જોશી – પંડ્યા હાઉસના નવા ભાડુઆત. સાહેબે હિમ્મત કરીને બંગલાને અડીને એક રૂમ રસોડું જોડી કાઢ્યું હતું, જે જોશી દંપતી નું ઘર.
બેહુદુ લાગતું જોડી તો કાઢ્યું પણ અંદર સંડાસ બાથરૂમની સગવડ કરી શકાઈ નહિ એટલે એને માટે નોકરો માટેના બહારના પાયખાનાનો ઉપયોગ ફરજીયાત કરવો પડતો. પંડ્યા સાહેબને એમ કે જે કઈં વધારાની આવક થઇ તે. અને જાતજાતના રોગો થી પીડાતી બાની સારવારનો ખર્ચ પણ નીકળી જાય ને?

નાની અમથી ચિંકી ચોગાનમાં દૌડા દોડી કરી મૂકતી. દોઢેક વરસની ચિંકી ચાલતાં હજી હમણાં જ શીખી હતી પણ એણે તો દોડવા માંડ્યું. ખાસ કરીને સાંજના સમયે ચિંકી ઓટલા પર બેસી રહેલી ચંપાબેનને બા બા કરીને સવાલો ની ઝડી વરસાવતી. સવાલોથી કોઈક વાર મૂંઝાયેલી બા એને ચિબાવલી કહીને ખૂબ વહાલ કરતી.
“લ્યો આ આવી મારી ચિંકી.. અરે તું તારી મમ્મી પર વીતાડતી તો નથી ને. ” કહીને સ્વાતિ તરફ નજર ફેરવી. ભારેખમ બાએ ચિંકીને નજીક ખેંચી.
“અરે જવા દોને બા. એટલી તોફાની થઇ ગઈ છે હવે. બૂટની દુકાનમાં નવા બૂટની રઢ લઈને બેસી ગઈ. બસ મારે આ લાલ બૂટા પહેરવા છે. કેમ ચિંકી?” કરીને સ્વાતિ એ એના ગાલમાં ચૂંટણી ખણી.
“ના મારે બૂટા … આ તો છી ” સમર્થક બાની સોડ માં સુરક્ષિત ચિંકીએ પોતે પહેરેલા જુના બૂટને કાઢતાં વળી પાછું ગાણું ચાલુ કર્યું.
“જો પાછી. પેલા અંકલે શું કહ્યું, ચિંકી? તારી સાઈઝના બૂટા કાલે આવશે. તો કાલે જ,,,ઈ ને લઇ આવશું હોં કે?” એમ કહીને સ્વાતિએ બૂટની દુકાન તરફ જવાનો ઈશારો કર્યો.
ચિંકીને હવે ચાલવાના ફેન્સી બૂટ ફાવતા ન હતા. દોડવા માટે જુદી ડિઝાઇનના જોઈએ. જુઓ, જિંદગી માં જટિલતા દાખલ થઇ ગઈ ને? ચાલવા ના જૂતા જુદા; દોડવા ના જુદા!
સ્કુલનો ફરજપરસ્ત પટાવાળા અશોકને બંગલાના ગેટમાં દાખલ થવા સ્વાતિ જરી ખસી. સહી કરાવીને અગત્યના કાગળો લઇને પાછો વળે ત્યાં ” બેટા અશોક. ચા તો પીને જા? તું ય જબરો ઉતાવળમાં આજે?”
“ના સાહેબ ઘેર પહોંચીને બેબી ની જન્મદિવસની પાર્ટી છે….”
“તારે અહીં એ ગોઠવવું જોઈએને, ગાંડા” બા તાડુકી. “તને તો આ સ્કુલ માસ્તર સજા કરશે જોજે”
છોભી પડેલો અશોક હસ્યો અને નમન કરીને ચાલતો થયો. સ્કુલના પટાવાળા સાથે આટલી આત્મીયતા ? વાહ! આનું નામ જિંદગી, પણ બધું આસ્તે આસ્તે…

ચિંકી આખરે બાના ખોળામાંથી નીચે ઉતારી અને એના ખોબા જેવા ઘરમાં રમકડાંની દુનિયામાં ખોવાઈ ગઈ.

“હેં બા, આવતી કાલે તમે થોડું ચિંકીને રાખશો?” સ્વાતિએ ખચકાતાં પૂછ્યું.
“લ્યો જુઓ. સોસાયટીના બધાં છોકરાંઓને હું રાખવા નવરી બેઠી છું? મારે પણ કામ હોય હોં”
“કામ? દાખલા તરીકે?” પ્રિન્સિપાલ સાહેબે ગણિતના શિક્ષકની જેમ બાને પૂછ્યું – સ્વાતિ ને આંખ મારતા.
“મહેબાની કરીને અમે બૈરાંઓ વાત કરતાં હોઈએ ને ત્યારે વચ્ચે કૂદી ન પડીએ. ઘરમાં કેટલું બધું કામ હોય છે, તમને શું? ” રણચંડી ચંપાબેને ઉધડો લીધો સાહેબનો.
“પણ કાલે છે શું એ તો કહે અલી?”
“આકાશવાણીમાં એનાઉન્સર તરીકેની નોકરીનો ઇન્ટરવ્યૂ છે, બા” સ્વાતિ બીતાં બીતાં બોલી.
“તું તો આંગળી આપતાં પહોંચો પકડે છે. ચાલો કાલે તો હું રાખીશ પણ તને નોકરી મળશે તો મારા પર મદાર ના રાખીશ, સમજી, મેડમ” બાએ સોગઠી ફેંકી અને ખાંખતા ઉભા થવા ગયા.
“એની તમે ચિંતા ના કરશો, બા. શિવજીની કૃપા હશે તો નોકરી મળશે અને ચિંકીને મારી બહેનને ત્યાં મૂકી જઈશ” એક બ્રાહ્મણની પત્ની ને છાજે એમ સ્વાતિ બોલી ગઈ.
“તે આ લોકો બે પૈસા વધારે કમાય તેમાં તું કેમ એટલું દુઃખ લગાડે છે? અને સ્વાતિની પ્રતિભા બહાર આવશે તે નફા માં” સાહેબ પણ ગાંજ્યા જાય એવા ન હતા.
“શું ધૂળ પ્રતિભા? કામ કરે એ મારી બલા? જરા આ નાનું અમસ્તું ઘર તો બરાબર સંભાળે પહેલાં? આપણી ટાંકી માંથી પાણીનો બગાડ કેટલો કરે છે એવડી એ?” બા મૂળ મુદ્દા પર આવી ગયા. ઉભા થઈને એ ધીરે ધીરે ડગ માંડતા ઘરની અંદર જતાં રહયાં.
સાહેબે ડોકી હલાવીને સ્વાતિને હૈયા ધારણ આપી. “કાંઈ વાંધો નહિ બેટા. એનું બોલવાનું તો એવું જ છે”

બીજા દિવસનું સુપ્રભાત :

“બા. ..” સ્વાતિ ચિંકીને લઈને હાજર થઇ.
“અલી ચૂપ રહે. પહેલા મને કહે કે સવારના પહોરમાં ચિંકી કેમ રાગડો તાણતી હતી આજે?”
“હવે આ છોકરીનું શું કરવું? બસ સવારથી રઢ લઇને બેસી ગઈ. મને પેલાં બૂટા જોઈએ”
“લે એ વળી ભૂલે? છોકરું છે. જા અભી હાલ જઈને અપાઈ આય.”
“બા મારે તો ઇન્ટરવ્યૂ જવાનું મોડું થાય છે. સાહેબ સ્કુલે ગયા? એમનો સ્કુટર ચાલુ થવાનો અવાજ ના આવ્યો ”
“તે તારી આ રાજકુમારી ભેંકડો તાણતી હોય તો કેવી રીતે સંભળાય તને?”
“તો બા એ રાજકુમારી ને દૂધ નાસ્તો આપી દીધા છે હવે તમારી પાસે…”
“હા હા , બા તો નવરી જ છે ને? આવો બેનબા, આવતી રહે. ને સ્વાતિ તું તો મેડમ જેવી લાગે છે આજે”
“બસ તમારા આશીર્વાદ મળે એટલે ઘણું” સ્વાતિએ નમીને આશીર્વાદ લીધા અને ચિંકી તરફ ફરીને “જો ચિંકી હું હમણાં આવું છું. તું બાને હેરાન નહિ કરતી હોં?” કહીને ઝાંપા તરફ વળી.
“પણ મારા બૂટા?
“હે ભગવાન, આ છોકરી ગજબ છે. કહયું ને કે સાંજે અંકલ પાસે જઈને લઇ આવશું. ચાલ હવે”
સ્વાતિ ઝડપથી ઝાંપા બહાર નીકળી ગઈ. અમદાવાદની બોલીમાં આલીશાન બંગલાનો મજાનો ગેટ પણ હજી ઝાંપો કહેવાતો – મોં…ટું.. ગામડા જેવું ને? ભૂલી ગયા?

ભારેખમ મુખે ચિંકી કઈ બોલ્યા વગર ઓટલા પર હિંચકે બેઠેલી બાના ખોળે જઈને બેઠી બેઠી એની મમ્મીને રીક્ષા માં રવાના થતી જોઈ રહી.

કામવાળી કમળા આવી પહોંચી અને ઘરમાં કામે વળગી. આવતા જતા લોકોની સાથે ગપ્પાં મારવા સિવાય ચંપાબેનને કામ તો હતું નહિ પણ આજે ચિંકીએ સવાલોની ઝડી વરસાવીને વ્યસ્ત રાખ્યાં. થોડી થોડી વારે “મમ્મી ક્યારે આવશે ” એ બ્રહ્મ વાક્ય સરી પડતું. ચિંકી નો અવાજ ઝીણો અને બા ને ઓછું સંભળાય પણ કમાલ તો એ હતી બંને એક બીજાને સમજી જતા – જે સમજાય તે. જે ન સમજાય એને ધ્યાન માં નહિ લેવાનું. તદ્દન સરળ વિચારોની આપલે. અમદાવાદની જિંદગી જેવું જ તો – આસ્તે આસ્તે બધું સમજાઈ જાય.
“કમળા એ કમળા? જો કાલના વધેલા ખમણ અને કંસાર ઘેર જાય ત્યારે સાથે લઇ જવાનું ભૂલતી નહિ. ”
“એ…. સારું ” વાસણ ઘસતાં કમળા બોલી.

‘બા , બા, દાદા ક્યાં ગયા?” ચિંકીની સવાલોની શૃંખલા શરુ.
“દાદા તો સ્કુલે ગયા ફટ ફટ માં? તેં ફટફટ નો અવાજ સાંભળ્યો ને સવારે ? ” બા એ ચિંકીના માથે પ્રેમ થી હાથ ફેરવ્યો
“સ્કૂલ ક્યાં છે?”
“બહુ દૂર છે દીકરી. ફટફટમાં જવાય. ચાલી ને ના જવાય”
“પણ બૂટા ની દુકાને ચાલીને જવાય બા?” નવા બૂટનું ભૂત હજી ઉભું જ હતું.
“મમ્મી આવીને તને લઇ જશે. એકલા ના જવાય તારાથી”
“પણ પેલા અંકલે કીધું નવા બૂટા આવી ગયા હશે હવે”
‘તારે બિસ્કિટ ખાવી છે” બાએ ચાલ બદલી.
“મારે લિમ્કા પીવી છે. લિમ્કા મને બહુ ગમે”
“ના. નાના છોકરાં દૂધ પીવે – લિમ્કા તો છી છી – ન પીવાય” આ નવા જમાનાના માં બાપ કેવી ખરાબ ટેવો પાડે છે. હરિ હરિ
“બા જરા અંદર આવો ને” કમળા રસોડા માંથી બોલી
“તમને લોકોને બાની કાંઈ દયાબયા આવે છે? ઉઠ બેસ કરાવ્યા કરો છો? શું છે હવે? સમજતી નથી? આવડી આ નાનકીને એકલી મૂકીને અંદર કેવી રીતે આવું?”
કમલા, બીતાં બીતાં ” મારો પગાર ઘણો ચડી ગયો છે…”
બબડતાં બબડતાં ચંપાબેન જેમતેમ ઊઠ્યાં “એય છોકરી. અહીં જ બેસી રહેજે. આમતેમ જતી નહિ. બહાર જશે તો બાવો ઉપાડી જશે”

ચિંકી ગાયબ!:

પૈસા નો બધો કારભાર પંડ્યા સાહેબ કરતાં પણ આજે …
પોતાની પર્સ શોધતા વાર લાગી. પૈસા ચીપી ચીપીને બે ત્રણ વખત ગણીને કમળાને સોંપ્યા.
જાણે ધન્ય થઇ હોય એમ કમળા એ ઑફર કરી “બા હું તમારા પગ દબાઈ દઉં?”
“હવે આવી મોટી પગ દબાવવા વળી? પૈસા મળ્યા એટલે બા પર વહાલ ઉભરાઈ ગયું? હું તને બરાબર ઓળખું છોકરી”
બા પર્સ ને વ્યવસ્થિત મૂકે એટલામાં કમળા ખમણ – કંસાર ની પોટલી લઈને બહાર ઓટલા પર આવી.
“બા ચિંકી ક્યાં ?”
“અરે એટલામાં હશે, બરાબર જો” ચંપાબેને શાંતિ થી ફરમાવ્યું

“ના ક્યાંય નહિ” કમળાનો અવાજ હવે બેબાકળો થઇ ગયો.
“અબ ઘડી તો અહીં જ હતી” બોલતા બોલતા ચંપાબેન ચંપલ ઘસડતાં બહાર ઓટલા પર આવ્યા.
ચિંકી ક્યાંય ન હતી. કમલાએ ઝાંપાની બહાર જઈને નજર મારી. પણ વ્યર્થ. એની ઢીંગલી હજી ત્યાંજ હતી.
“ગાંડી કમળા, મેં તને કીધું મારાથી નાનકીને છોડીને ના અવાય. હમણાં સ્વાતિ આવશે તેને શું જવાબ આપશું? એ તો ગામ ગજાવશે”
બાવાની વાત સાચી તો નહિ પડે ને? બા ને ધ્રાસ્કો પડ્યો.
“જા ઉપર ધાબે જોઈ આય.” ચંપાબેને એક વાર ચિંકીને પગથિયે ચડી ને ધાબા તરફ જતાં જોઈ હતી.
“”ધાબે ય નહિ” કમળાનો અવાજ ફાટી ગયો.
બહાર ઝાંપા આગળથી રીક્ષાનો તટ તટ ઘોંઘાટ સંભળાયો. બા સડક થઇ ગયા.

“બા જુઓ તમારા આશીર્વાદ મને ફળ્યા” ખુશખુશાલ સ્વાતિએ આવતાં વેંત સમાચાર આપ્યા ” મને નોકરી મળી ગઈ બા”
ચિંકી ને ઊંચકી ને ચૂમી ભરી ને બહાલ કરવાનું મન થયું પણ ક્યાં હતી ચિંકી?
ચંપાબેનથી વિગતે વાત ના થઇ શકી પણ કમળાએ નીચું જોઈને કરી.
નોકરી મળવાની ખુશી હવામાં ઉડી ગઈ. હજાર જાતના વિચારો મન માં આવી ગયા.
પંડ્યા સાહેબ એનું ખખડધજ સ્કુટર લઈને આવી ગયા અને બધા ચિંકી ને ખોળવા લાગી ગયા.

અચાનક સ્વાતિનું ધ્યાન બારણા પાસે ગોઠવેલા બાંકડા નીચે ગયું. આખો દિવસ ચિંકીએ પહેરેલા જુના બૂટ બાંકડા નીચે વ્યવસ્થિત પડેલ હતા. ચિંકી જુના બૂટ કાળજીપૂર્વક કાઢીને ઉઘાડા પગે ક્યાંક નીકળી પડી!
“અરે જુઓ એ પેલી બૂટની દુકાનમાં ચાલી ગઈ હશે; નક્કી પેલા નવા બૂટ લેવા માટે.”
આગળ વળાંક પર આવેલી બૂટની દુકાન તરફ કમળા સાથે દોટ મૂકી.
દુકાનનો સીન જોવા જેવો હતો. ચિંકી રાજવીની અદાથી ખુરશી પર બેઠી બેઠી, વળીને બેઠેલા સેલ્સમેનને જમણા ડાબાનો ભેદ સમજાવી રહી હતી.
દુકાનનો માલિક હસતો હસતો કહે “કાલે તમે આવ્યા હતા ને બેન તે આજ ઢીંગલી હતી તે મને ખ્યાલ આવી ગયો એટલે સૌથી પહેલાઁ એ કોણ છે અને ક્યાંથી આવી છે એ પૂછવા કરતાં એને બેસાડી દીધી. મને ખાતરી હતી તમે આટલામાં જ ક્યાંક રહો છો એટલે લેવા આવશો જ”
લ્યો સંભાળો તમારી ઢીંગલીને હવે – જુઓ તો ખરા નવા બૂટ કેવા સરસ શોભે છે એના પગમાં!”

ચિંકી ને તો જાણે કાંઈ અજુગતું બન્યું જ ન હતું. માને એની વહાલસોઈ નાનકડી દીકરી પાછી મળી ગઈ.

જિંદગીમાં એક પણ વાર અનિશ્ચિત વળાંકો નહિ આવે એવું ન હતું. આસ્તે આસ્તે બધું બરાબર થઇ જતું.
ફરાંઝ કાફકાનું વાક્ય (થોડા ફેરફાર સાથે; માફ કરજો કાફકા સાહેબ ) સાચું હતું કે “જેને તમે પ્રેમ કરો છો એ તો નિશ્ચિત રીતે ખોવાઈ જવાનું છે પણ છેવટે કોઈ બીજા સ્વરૂપે – નવા બૂટ સાથે -પાછું મળી જશે”

Photo by Pixabay on Pexels.com
Exit mobile version