એક હતું જંગલ

Listen to the new audio file above with my music embedded in it.

એ અચાનક જ આવી ચડતો. ઘણી વાર અમે બધા છોકરાઓ કમ્પાઉન્ડમાં લંગડી રમતા હોય ત્યાં પચાસ જાતના બિલ્લા લટકાવેલા કોટ પહેરેલો એ, પક્ષીઓના અવાજ મોં થી કાઢતો અંદર આવતો; પાછળ છોકરાંઓ નું ટોળું દોડે.
હવે ખરી મઝા આવશે.

“એ ભરત, એ નરેશ, એ ચંદ્રિકા જલ્દી નીચે આવો કમ્પાઉન્ડમાં. પેલો જંગલનો જાદુગર પાછો આવી ગયો. નીચે આવો, નીચે આવો બધા, જલ્દી જલ્દી જલ્દી”

ધીરે ધીરે એ જાદુગર કમ્પાઉન્ડના સેન્ટરમાં આવીને અદાથી ઉભો રહે, બધાને લળીને સલામ કરે. કોઈ અટકચાળો છોકરો એનો કોટ ખેંચતો, કોઈક વળી એની રમૂજી ટોપી ઉપર ટપલા મારી આવે પણ જાદુગર હસતો ને હસતો.

“સલામ, સલામ, સબકો મેરા સલામ” બચ્ચે લોગ તૈયાર હો આપ સબ?
“હા જી જાદુગર જી” આખું ટોળું એકી અવાજે બોલી ઉઠતું.
આજુ બાજુના મકાનમાં બધી ગેલેરીઓ માં – પહેલે માળે, બીજે માળે – મોટેરાંઓ ગોઠવાઈ જાય .

“અબ દેખો, મેરા કમાલ. જંગલ મેં તરહ તરહકે પંછી, જાનવર હોતે હૈં. હોતે હૈ ના?”
“હા જી” ટોળું હવે ખૂબ મોટું થઇ જાય.

ઉપરની ગેલેરીઓમાં ઉભેલા મોટેરાઓને સંબોધી ને ” મહેરબાન, કદરદાન, ઇસ બાર, મૈં બહુત નયી નયી આવાજ આપકે લિયે લાયા હૂં” એટલે એકાદ જણે ગેલેરીમાંથી સીટી બજાવી.

પછી તો એને જાત જાતનાં પક્ષીઓના, પ્રાણીઓના જે અવાજ કાઢ્યા – લોકો તાજ્જુબ!
જાણે કે જંગલ પોતે અહીં સિમેન્ટ કોન્ક્રીટના જંગલ માં હાજરાહજૂર !

છોકરાઓએ ખૂબ તાળી પાડી.
એટલામાં કમ્પાઉન્ડની બહાર રસ્તા પર એક પોલીસની ગાડી આવીને ઉભી રહી.
“ખિસકો, ખિસકો સભી” એક હવાલદાર એના ઉપરી અમલદારને માટે રસ્તો કરતો કરતો છેક જાદુગર પાસે પહોંચી ગયો.
“યે હી હૈ વો, પકડો સાલે કો. કયું બચ્ચુ, કહા ભાગતા ફિરતા હૈ?”
“અરે યે ક્યા કર રહે હો? મૈને ક્યા કિયા?” જાદુગર ની કાકલુદી બેકાર હતી. જોનારું ટોળું એક બીજા સામે જોવા લાગ્યું.
“બચ્ચે કો ડરા ડરા કે ઉઠા લેતા હૈ.’

એક બે છોકરાઓમાં હિમ્મત આવી “ઇન્સ્પેક્ટર સાબ, યે તો અચ્છા આદમી હૈ. બહુત બાર ઇધર આતા હૈ ઓર બહુત મઝા કરાતા હૈ”
“એ લડકે લોગ, તુમ તો અભી બચ્ચે હો. તુમ ઉસે નહિ જાનતે”

એક છોકરો એના માબાપ ને બોલાવી લાવ્યો.
બધી વાત સાંભળીને એ બોલ્યા “બેટા આવા લોકો ગુંડા જેવા હોય, એ આપણને ખબર ન પડે. પોલીસ-બોલીશના લફરા માં આપણે શું કામ પડવું? ચાલો બધા ઘરે. પોલીસને એનું કામ કરવા દ્યો”

પોલીસ જાદુગર ને સોટી મારતા મારતા વાનમાં બેસાડીને ઉપાડી ગયા. એનો ફાટલો-તૂટેલો થેલો રસ્તા પર ફેંકાઈ ગયો. છોકરાઓ જોવા દોડી ગયા. અંદર એક પાથરવાની ગોદડી, એક ઓઢવાની ચાદર, એક બે એલ્યૂમિનિયમના થાળી વાટકા, એની નાનકડી દીકરીનો ફોટો અને કોટમાંથી તૂટીને નીકળી પડેલા થોડા બિલ્લા – એનું જીવન.

એક હતું જંગલ. એક કોન્ક્રીટનું અને અસલી જંગલ થેલામાં.


5 thoughts on “એક હતું જંગલ

  1. Rajen, Beautiful short story. Although I had not had similar experience in my childhood of a Jadugar, I could relate the way you have described the gathering, the people looking out of their balconies. The end was touching indeed. Beautiful short story. I read it aloud for Shanta. She liked it too.

  2. Excellent! Rajendrabhai 👌 Very touchy short story narrated by you. Both old songs played by you in the background i.e. chun chun karti ayi chidiya and chal ud ja re panchi are very nice and suitable to the story. Loved last sentence…..

  3. મઝા પડી…વાર્તાની કહેણી મસ્ત રહી…

Leave a Reply to Sandhya BhattCancel reply