બહુરૂપી – વેશપલટાનોકસબી

પ્રકરણ ૧ : લલીને યાદ આવે એનું બાળપણ                     

વલ્લભ કાકાના મોઢા પર ખિજવાટનો પાર નહિ, ઉપલા માળ પરથી આવતા અસ્પષ્ટ, દબાયેલા અવાજ પરથી પામી ગયા કે ત્યાં શું તરકટ  ચાલી રહ્યું હતું.  વાડીની કેરી કોઈ રાતે ચોરી નહિ કરી જાય એ માટે  કુટુંબને રહેવા સારુ જેમ તેમ ઉભી  કરી દીધેલ એ આંબાવાડીની વચ્ચોવચ સ્થિત  બંગલી,  એની છાણથી લીપાયેલી દીવાલ અને  કાચી છત!

આદિકાળથી ડાંગના જંગલમાંથી  નીકળી નિરંતર વહેતી અંબિકા નદીને કાંઠે આવેલું વરણગામ નામે ગામ.

વલ્લભ લાલા, એના મોટાભાઈ વસનજીની જેમ ગામમાં વલ્લભ-માસ્તર નામે  ઓળખાતા, અકાળે વૃદ્ધ, ૫૪ વર્ષીય હાલતું ચાલતું હાડપિંજર જોઈ લો ને?

એવી એ કાયાને ખાટલા પરથી સંકોરીને ઉઠ્યા, જોડા પહેર્યા અને બબડતાં બબડતાં,  હળવે હળવે ઉપલા ‘માર’ (માળ)  પર જવાની સળંગ લાકડાંની સીડી તરફ ડગ માંડ્યા.

ઉપર જઈને મસ્તી કરતા કુટુંબ કબીલાને આંટીમાં લઉં  કે નહિ એ અસમંજસમાં ઊંડો શ્વાસ લઈને ઘડીક ઉભા રહ્યા. કે પછી, ઉપરથી આવતા પ્રકાશના પુંજથી બચવા આંખ પર હથેળી રાખીને, નીચેથી જ બૂમ મારીને ખખડાવી કાઢું કે ‘હું હજુ જીવતો છું, તમે નહિ જાણતા હો તો, ખબરદાર’. પ્રકાશનું પૂંજ આગળ જઈને લીપણની કારીગીરીનું પ્રતિમિમ્બ પાણી ભરેલા ઘડા પર નૃત્ય કરીને વીતેલ જમાનાની સ્મૃતિ ઢંઢોળે.

જયાં ઉભા હતા ત્યાં ભોંયતળિયે બીજું તો કોઈ હતું નહિ. માથે ગાંધી ટોપી સરખી કરીને હિમ્મત કરીને સીડી પર પહેલે પગથીએ પગ મૂક્યો, તો સીડીના અને વૃદ્ધ કાયાના સેંકડો ઢીલા સાંધાઓ ચિત્કાર કરી ઉઠયા – .વાડીની ભીની માટીથી લપેટાયેલો, ભારેખમ જોડાના તળિયે ચોંટેલો પેલો જિદ્દી કાદવ ફીટવાનું નામ લે તો  ને?

એને સારી પેઠે ખયાલ તો આવી જ ગયો હતો કે ઉપર શું રંધાઈ  રહ્યું  હશે.

‘હું જાણું ને એ પ્રજાને! ઘરનાં હજાર કામ મૂકીને લાયગા હશે પાનાં રમવા. આ લલી હો વરહે એક વાર વેકેશનમાં પોયરાંને લેઈને આવે ત્યારે પાનાની કેટ લાવવાનો ધંધો હૂં કામ કરતી ઓહે, બધાંને બગાડી મૂકવાની છે એક દા’ડો, જો જો તમે, નખ્ખોદ જાય એ જુગારી ટોળાનું, હે ભગવાન’

એનું બબડવાનું ચાલુ ને ચાલુ ….

પરસેવાથી તરબદર ડીલે ચોંટેલી જનોઈ,  એજ જનોઈ જે અનાવિલોના બ્રાહ્મણપણાની સાબિતી, નિશાની. બીજી બાજુ નીચલી જાતિ માટે જમીનદાર અનાવિલોના  હુકમ લળી લળીને ઝીલવા, બેફામ ગાળ ખાવી  એજ એમની જિંદગી. આ વ્યવસ્થા ઈશ્વરે ગોઠવેલી એમાં બીજો કોઈ શું કરે? હુકમ-પરસ્ત એ બધા પુરુષો એક સમાન લાગે, પાતળું શરીર, છાતી પર  પાંસળીઓ ફૂટી ફૂટી રહેલી અને કાયમ ઝૂકીને પેશ આવવાની આદત.

‘હારાઓ હવે તો કામ જ ની કરે, ગાળ ખાય તો જ કરે.’ જમીન માલિકો કાયમ બબડે. પણ પેલાંની નહિ કોઈ ફરિયાદ. નહિ કોઈ ઉદ્દણ્ડતા.

વલ્લભ માસ્તર શિસ્તના જબરા  આગ્રહી. – કોઈ છેડ છાડ નહિ ચાલે. આવા દુરાગ્રહથી જ વિદ્યાર્થીઓમાં અપ્રિય થઇ પડેલા; એટલેસ્તો મોટાભાઈ વસનજીની જેમ આગળ વધીને હેડમાસ્તર નહિ થઇ શક્યા. વસનજી રહ્યા મુત્સદ્દી એટલે પોયરાંને પટાવી મનાવીને શીખવે.  વલ્લભ જીજાને જો કે એનો કોઈ અફસોસ નહિ. મોટાભાઈ એટલે મોટાભાઈ.

‘યાદ રાખજો મરી ગિયાઓ, આ બધું અનાવલાઓનું પોયરુ ગણદેવીની બજારમાં લોકોનાં ઠેબાં ખાહે ઠેબાં……., ઘોર ખોદો હઉની હવે, ને બીજી જાતવારા….  બધાં પોયરાં રાજ કરહે – જોયા કરો તાલ હવે.’

જીજાની તર્ક – સોટી વાગે ચમ ચમ, ને વિદ્યા આવે ઝમઝમ.

સીડી પર ડગ માંડ્યો તેવો દાદરનો ચિત્કાર થોડી વાર તો બહારથી પસાર થતી ગાલ્લીને જોતરેલા બલિયાના ઘૂઘરાના અવાજથી દબાઈ ગયો. જેમ ઉપર ચઢતા ગયા તેમ દાદરનું કચૂક કચૂક ચોખ્ખું  સંભળાવા લાગ્યું..

ઉપલા માળ પાર  નાના  કાકાવાળી કાકી રૂખી પોયરાંનું કુંડાળું બનાવીને પાના રમી રહેલી તેને દિલીપે ચેતવી ‘ શ….. જીજા આવતા છે.’

તરત જ રૂખી કાકીએ રમવા માટે ગુણચું પાથરેલું એની નીચે બધાં પાનાં સરકાવી દીધાં, ને રામાયણની સુપર્ણખાવાળી વાર્તા કરવા  લાગી- કૂમળા પોયરાંને સારા સંસ્કાર મળે ને? અહુવે.   

‘ચૂપ,’ રૂખી કાકી એની પોરી હંસા હસવા જતી હતી એને બબડી.

વાર્તા નવી ન હતી અને ખેલ પણ નવો નહિ. જીજાને બધ્ધી ખબર !

થોડી વારે  ડગમગતા ડગમગતા જીજા ઉપલે માળે જઈ પહોંચ્યા. આખા માળ પર પકવાતી કેરીની સુવાસ, ને બહારથી આવતા ધુમાડાની વાસ.

દિલીપથી હસવું ખાળી શકાયું નહિ એટલે રૂખી કાકીએ ડોળા કાઢ્યા.

જીજાએ ઉપર પહોંચતા થોડો શ્વાસ લીધો, ધોતિયું સરખું કીધું.

કુસુમ જરા ઊંચી થઈને જોવા ગઈ તેમાં પગ નીચે રહી ગયેલું  પાનું ખુલ્લું થઇ ગયું- દિલીપે ઝાપટ મારીને પાનું ગજવાંમાં સેરવી દીધું.              

ઘડિયાળમાં બપોરના ત્રણના  ટકોરા થયા એની સાથે ઝાડમાં છુપાયેલી કોયલે પણ સાદ પૂરાવ્યો.

વલ્લભ જીજાએ બંડી ફંફોસી એક બીડી કાઢી, સળગાવીને આસ્તેથી કશ લીધો, પેલા કૂંડાળા તરફ જોયું.

‘લક્ષ્મણ, ભગવાન રામનો નાનો ભાઈ તો બો ડાહ્યો… પેલી ચંડાળ શૂપર્ણખાનું નાક કાપી લાયખું. ફેંસલોઃ થઇ ગીયો?’ દીવાસળીને નાંજવીને  ધ્રૂજતે અવાજે જીજા બોલ્યા.

થોડું આમતેમ જોઈને, ‘ અહીંયા હું વસનજીનો નાનો ભાઈ … ને શૂપર્ણખા કોણ? બોલો? હારાં આખાં હાડકાંનાં – કંઈ ધંધો ની મલે?’

આખું ટોળું સ્તબ્ધ. જીજાને ઉધરસ ઉપડી. બીડીનો એક તણખો ઉડીને ગુણચા  પર પડ્યો. સળગીને કાણું થયું એટલે નીચે છુપાવેલું એક પાનું દેખાવા લાગ્યું. કુસુમે ઝટપટ પાનું સંતાડી દીધું.

ટોળાંનાં ગુનાની સાબિતી મળે એમ હતી નહિ, કે ન હતી જીજામાં ગુનો ઉકેલવાની ક્ષમતા.

‘ચા નો વખત થઇ ગયો – કાંઈ ભાન બાન છે કે નહિ” છેલ્લો ફટકો મારી જીજા માથું હલાવી નારાજગી વ્યક્ત કરતા ધીમે ધીમે સીડીથી નીચે ઉતરી પડ્યા. ‘રૂખી જેવા બૈરાંમાં અક્કલ કે’દાડે આવશે? એના વર જીવણલાલનું કોણ જાણે હૂં થહે? – પોયરાં તો જાણે પોયરાં.’

                 ————————————-

‘ચા મૂકું જીજા?’  રામાયણની સીતાના અવતાર સમી, રસોડાભણીથી આવતી, લલી પૂછે.

જીજા કેમ ખિજવાયેલા એ બધ્ધું લલી જાણે!

જીજા વળી  બબડ્યા, ‘મુંબઈથી પાનાં લાવીને  અહીંયા બધ્ધાની બુદ્ધિ બગાડે, નાદાન પોયરાં  હો બગડી ચાયલાં’

લલી હસી, જીજા વાત વાતમાં બૈરાંનો વાંક કાઢે. બૈરાં સર્વ ગુણ સંપન્ન હોવાં જોઈએ, ખાસ કરીને મરદની સેવા કરવી, પોતાની ફરજ બજાવવી. સદીઓથી પુરુષોને આવું શીખવવામાં આવતું, બૈરાંને  શાના ચાળા? મહાત્મા ગાંધી પાછા બૈરાંનો ઉદ્ધાર કરવા નીકળી પયડા! રે ભલું થાય તમારું!

‘જીજા હવે મૂકોને એ વાતને, ઘરના બૈરાંને હો કોઈ વાર મન થાય કે ની?’

જીજાનો ખિજવાટ ધીરો પડ્યો , ‘ ચાલ હારું ત્યારે, ચા મૂક’ કરીને બહાર આગલે બારણે જઈ પહોંચ્યા અને ઓટલાની કિનારીએ ભારેખમ જોડાનાં તળિયા ઘસી ઘસીને ચોંટેલો કાદવ કાઢ્યો.

ડોહાં-ડગરાંનાં મનમાં પણ બૈરાં હારુ આવો જ કાદવ ચોંટેલો તે કેમ કાઢવો? મહાત્મા ગાંધી જેવાં ડોહાં સમાજ સુધારા કરવા મથ્યા તે ઓહે. આઝાદી મળે તે હારું લાગે પણ બૈરાને કેવી આઝાદી?

૧૯૫૨ ની સાલ, ઓંણ તાપ તો કેય મારું કામ; બરી ગીયો બો બફારો. કોણ જાણે વરસાત ક્યારે આવશે. દોઢસો માઈલ  દક્ષિણે બોમ્બે વરસાતનું જોર જૂનની દસમી તરફ…. તે કેથો… વિહમી બાજુ આ બાજુ આવે.

ગિયે વરસે ગાંડા વરસાદે હદ કરેલી. અંબિકામાં મોટી રેલ આવી, નદીનું પાણી ગામમાં ઘૂસી ગએલું અને તળાવ અને નદીનાં પાણી એક થઇ ગયેલાં. તમે વાત જવા દેવ ભાય. એ તો હારું કહેવાય કે બાપ દાદાઓએ ગામ જરા ઊંચી જમીન પર બાંધેલું નહિ તો કોણ જાણે હૂં નું હૂં થઇ જતે.

આગલે બારણે વરંડામાં એક સદીઓ જૂનો બાંકડો તેના પર પેલો પડોશી સુમન કાયમ હાંજને પ્હોર અડ્ડો જમાવે, અડધું પાટલૂન, ને પગ તાણીને બાંકડા પર બેસે ને આવતા જતા લોકોને તાકીને જોયા કરે. લાલા પરાગનાં ઘરમાંથી કોઈ આવીને સાથે બેસે નહિ ત્યાં લગણ એને જપ ની વળે. લલીએ  એ જોયું કે  સુમન વકીલ આજે હો આવીને બેહી ગયેલો. જીજા એની હાથે ગપ્પાં મારવામાં મશગૂલ.

લલીએ રકાબી-પ્યાલામાં જીજાને ચા આપી તેમાંથી જીજાએ રકાબીમાં થોડી ચા રેડીને સુમનને ધરી. રકાબીને નીચેથી આંગળીઓથી ત્રપાઈ કરીને સુમને પકડી, ને ચૂસ્કી મારતાં ચા પીવા લાગ્યો!

‘તે જીજા, આ મરી ગેયી બોમ્બેની સરકાર સુરત જિલ્લો તોડીને નવસારી જીલો બનાવશે કે કેમ, હૂં કે’વ તમે?’

‘હારા બધ્ધા નકામાં છે, કોઈને આપણા જેવા લોકોની પડી છે, સુમન?’ જીજા તાડૂક્યા

વચેટ કાકાવાળી  શાંતાકાકી બપોરની વામકુક્ષી કરીને ઉઠ્યાં – જોયું કે બિચારી ઘરની પોરી પિયર આવેલી તે કામે લાગેલી છે, ‘ અરે લલીબેન તમે હૂંકા દુઃખી થાવ. જીજાને ચા હૂં બનાવી આપતે ને? હૂં તો જરાક આડી પડેલી તે….’

‘કાકી તેમાં હૂં થેયી ગિયું, તમારે હો આરામની જરૂર – જુઓની આને?’ કહીને લલીએ કાકીના વધેલા પેટ તરફ ઈશારો કર્યો.’

કાકી ભારે નસીબદાર! ચોથું લૉંઠું જણવાની! ભગુકાકાને કાકીને હારું બો માયા, ભાય !

અહીં આઝાદી આવ્યા બાદ લોકોની માનસિકતામાં નોંધપાત્ર પરિવર્તન ન હતું? જેમ પહેલા ચાલતું તેમ ચાલવા દેવ. દિલ્લીમાં કોણ રાજ કરે તેનાથી આપણે શું?

હવે તો અમારા નહેરુ ચાચા છે ને તે બધું સરખું કરી નાખશે. ગાંધીના આદર્શો અહિંસા અને સત્ય એ બધો બકવાસ?

વસનજી લાલજીની પેઢી પહેલાં લાલા પરાગ કબીલામાંથી કેટલાકે આઝાદીની લડતમાં ઝુકાવ્યું પણ હતું. સામે પાર કછોલી ગામનાં જુવાનિયાં સાથે અસહકારની ચળવળમાં ભાગ પણ લીધેલો. ખાદીનાં કપડાં પહેરતા થઇ ગયેલા પણ જુના રીતરિવાજો ચાલુ રહેતા. કુટુંબમાં દીકરો તો જોઈએ એ માન્યતા હજી પ્રવર્તિત હતી. પરણવા યોગ્ય કેટલાય મુરતિયાઓ છોકરીની અછતને લઈને  લગ્નથી વંચિત રહી જતા.

પુરુષો વધુ, અને સ્ત્રીઓ ઓછી. લાલા પરાગના ભર્યા ભાદરા  સંયુક્ત કુટુંબમાં ચાર ચાર પોયરા.એમાંના ત્રણને જ કન્યા મળી. એમાંના એક, આપણા  વલ્લભ જીજા, જિંદગી  આખી કુંવારા રહી ગયા. એ તો જેવી  ભગવાનની મરજી.

ચારેવ ભાઈઓમાં સૌથી મોટા – વસનજીની પહેલી પોરી લલીએ , ફાઇનલ સુધી ભણીને, બોમ્બે સ્થિત મૂરતિયા સાથે સાત ફેરા લઈને ઘર માંડ્યું. બોમ્બેની આધુનિક વિચારશરણીથી પરિચિત લલી સુધારાનો પવન લાવતી. વેકેશનમાં પોયરાંને લઈને વરણગામ આવવાનું ચૂકતી નહિ.

વરણગામ આવવાનું એક મોટું પ્રલોભન હતું બહુરૂપીના ખેલ. એણે એના ઊંઘી રહેલા બાબા તરફ જોયું – રામજીકાકા પૂજારીના મોટા દીકરા ગોપાલની યાદમાં ધૂંધળું ચિત્ર ઉપસી આવ્યું. ગોપાલ પ્રત્યેની એક ન સમજાય એવી લાગણીં ઉભરી આવીને બાબા તરફ દોરી જતી હતી. આ વર્ષે કોઈ નવો  બહુરૂપી ખેલ કરવા  આવશે ખરો? બાબો ઊંઘમાં સળવળ્યો.

વલ્લભ જીજાએ લલીને મોટી થતાં સારી પેઠે જોઈ હતી. એ બોમ્બેમાં ખુશ તો હશે ને? કેવુંક જીવન હશે ત્યાં? જીજા પોતે તો જિલ્લા મથક સુરત પણ કોઈ દિવસ ગયા ન હતા. આખી જિંદગી સ્કુલમાં પંતુજીની નોકરી કરી. જો કે એ વાતનો એમને અફસોસ બિલકુલ ન હતો.

એમણે લલીને માળ પરથી પાકી મઘમઘતી કેરી ભરેલો ટોપલો લાવતી જોઈ.

કેરીનો રસ સાંજે જમતી વખતે ટેસ કરવાનો હોય. હવે ઘરનું સ્ત્રીમંડળ કૂંડાળાની વચ્ચે બેસશે, કેરીને ઘોળીને રસ કાઢશે, કૂંડાળામાં ઘરના છોકરાં બેસશે અને કેરીની છાલને ચૂસી ચૂસીને રસ ચાટશે. ગોટલાઓ ભેગા કરીને સુકવાશે. અંદરના ઠળીયાને શેકીને ખવાય.

‘લલી દીકરી, આ નવરા ડોહા પાસે બેસ તો ખરી.’

‘તમને નવરા કે’ય તમારા દુશ્મન. જરાક ખમી  જાવ, આ ટોપલાને હું રસોડામાં મૂકીને  આવી હેં ‘

ટોપલો મૂકી આવીને કહે, ‘ હા બોલો હવે’. લલીએ હાથ લૂછ્યા.

કાકો-ભત્રીજી એક હિંચકા પર ગોઠવાયા અને હિંચકો ચીં  કરતો હાલવા માંડ્યો. નાની હતી ત્યારે લલીના પગ ભોંય સુધી પહોંચતા નહિ પણ હવે પગથી હિંચકો ચલાવતી થઇ ગઈ!

‘લલી, વાત કર કે બોમ્બેમાં તું હારી છે ને? પોયરાં મઝામાં? નાયક હૂં કરે?’

કુટુંબના જમાઈઓને ‘નાયક’ તરીકે માનપૂર્વક સંબોધે એવી પ્રથા.

કેમ જીજા આવું પૂછ્તા હશે? એને કાઇંક વહેમ પડ્યો કે શું? દીકરાના જન્મ પછી જમના તરફથી  લલીને ટોણા મારી મારીને હેરાન કરવાનું બંધ અને એને તો ખાસ્સો વખત થઇ ગયો હતો.

‘તમારા જેવા વડીલોના આશીર્વાદ હોય પછી દીકરી ખુશ જ રહેને? ‘ લલીએ વિવેકથી ઉત્તર આપ્યો.

ફળીયામાં શાંતિથી ઘોરતાં  બિચારાં કૂતરાંને કોઈએ છુટ્ટુ લાકડું ફેંક્યું એટલે ચીસો પાડતું દૂર ભાગ્યું.

‘જો તે મરી ગીયો. કોણ છે એ વણચર ?’ જીજા એમની  લાક્ષણિક શૈલીમાં બબડ્યા.

‘હવે તમે રહેવા દોને મગજમારી’

કૂતરું દૂર જઈને ચીચવાતું બંધ થયું એટલે જીજાનો ધારદાર પ્રશ્ન.

‘તે….. માજી કેમ છે? હવે તો હારી રીતે રાખતી છે ને તને? નાયક તો રોજ ઑફિસે જવા નિકરી પડતા ઓહે’

‘ના રે ના, જીજા, એ તો હવે મને દીકરીની જેમ હાચવે.’

‘એમાં એવું ને, અમે બધા અહીંથી કરીએઓ હૂં?’

‘તે ત્યાં બોમ્બે આવોની એક વાર? લલીએ પાસો ફેંક્યો.

‘નહિ રે, એ તારો બાપ જાણે’

જીજા અચાનક ઉઠ્યા અને બહાર વરંડા તરફ જવા લાગ્યા.

લલીની નજર દીવાલ પર ટીંગાડેલા ફોટાઓ પર પડી. એના લગન વખતના ફોટા, બધાં  કેટલાં ખુશ? જાણે કેટલાં વરસ વીતી ગયાં? ફોટામાં બધાં હતાં, કાકા, કાકી, કાકુજી, નાલ્લા નાલ્લા ધીરુ ને શાંતિ, બહેનપણી પુષ્પા, … એક જ વ્યક્તિ ન હતી ફોટામાં – લલીની વહાલસોયી માં, ગજી.’ લલીએ આંખ લૂછી. ‘ટી. બી.માં કેટલી જલ્દી છોડીને ચાલી ગઈ બિચારી?’

લલીની આંખ સામે એના બાળપણ અને મુગ્ધાવસ્થાના દિવસો તરવરવા લાગ્યા , ગજીના ગયા પછી વિધવા ઈચ્છા ફુઈએ એને ઉધારી, પેલી મેરબાઈની દેહરી, મોહનીયો, ગોપાલ. એની  સામે જીવંત દેખાવા લાગ્યા…બહુરૂપીનો  ખેલ…જાણે હમણાં જ ચાલતો  હોય…. બાજુવાળી સવિતા કાકીના  મહેણાં, અંબિકા નદીની રેલ ….

xxxxxxxxxxxxxxxxxxxxx

પ્રકરણ ૨ : વરણગામ મોહનિયાનો ચમત્કાર

મધ્યકાલીન કાળમાં વાપીથી તાપીનો ફળદ્રુપ પ્રદેશ લાટ પ્રદેશ તરીકે ઓળખાતો. દરિયાઈ માર્ગે વખતો વખત ધસી આવતાં યવનોના ધાડાંને રોકવાની જરૂર લોકોને લાગી ન હતી.હજાર વર્ષ પહેલાં પારસીઓ આવ્યા જે સ્થાનિક પ્રજા સાથે ભળી ગયાં. એ પછી અંગ્રેજો આવી લાગ્યા, યેન કેન પ્રકારેણ એમને ધંધો કરવા દીધો. બારેમાસ વહેતી તાપી, પૂર્ણા, કાવેરી,, અંબિકા નદીઓ ભરપૂર કાંપ ઠાલવતી અને પ્રદેશને લીલોછમ રાખતી. 

અંબિકા નદી કિનારે સ્થિત વરણગામ નામે એક વૃંદાવનસમું સોહામણું ગામ, જેમાં અનાવિલોની મુખ્ય  વસ્તી. બે હારમાં લગભગ સરખાં  લાગતાં પાકાં મકાનો.ફળિયામાં સવર્ણો માટેનો કૂવો, ગામને છેવાડે એક તળાવ, તેની બાજુમાં પીપળાના વૃક્ષ નીચે કુળદેવી મેરબાઈની દેહરી.

તળાવને પેલે કાંઠે દૂર દૂર સુધી શેરડીની વાડીઓ જ વાડીઓ. વરસાદી મૌસમમાં તળાવ છલોછલ, પણ બળબળતા ઉનાળાની મોસમમાં સુક્કું ભટ થઇ જાય અને તિરાડી તળિયું પાણી પાણીના પોકાર કરે. નજીકમાં એક પાતાળ કૂવો દ્રષ્ટિએ ચઢે. કિનારે તૂટું તૂટું થઇ રહેલ ધર્મશાળા, જેનો વરંડો ગામના તહેવારોમાં યોજાતા કાર્યક્રમોમાં મંચની ગરજ સારે.

ગામ ક્યારે વસ્યું એ કોને ખબર? પણ અનાવિલોની ઉત્પત્તિ વિષે કિંવદંતીઓ વહેતી થયેલી, જે મુજબ ભગવાન રામચંદ્ર ચૌદ વર્ષના વનવાસ દરમ્યાન ડાંગના જંગલમાં પધાર્યા અને કોઈ દેવી દેવતાને રીઝવવા યજ્ઞ કરવાનો નિરધાર કર્યો અને જુએ છે કે શાસ્ત્રોક્ત નિયમાનુસારની સંખ્યા પ્રમાણે એક બ્રાહ્મણ ખૂટે છે.

ત્યારે સ્વયં ભગવાન રામે એક સ્થાનિક રહીશને બ્રાહ્મણ બનાવી યજ્ઞ પ્રવૃત્તિમાં સામેલ કર્યો. બસ, એ બની ગયો બ્રાહ્મણ!

કુળદેવી મેરબાઈની વાત જો કે રામાયણ જેટલી જૂની ન હતી તો પણ ગામવાસીઓ એ વિષે બેખબર. મેરબાઈની પૂજા અર્ચના માટે રામજી પૂજારી એના નાનકડા કુટુંબ સાથે નજીકના ઘરમાં રહે. પૂજારીનો નાનો દીકરો મોહનીયો નાનપણથી વિધિ શીખી ગયેલો અને એથીયે વધુ, મોટાભાગનો સમય દેહરી સામે ધ્યાનમાં બેસી રહેતો, કેટલીક વાર સાવ સાનભાન ભૂલી જતો. ગામનું મહિલા વૃંદ સાંજે આરતી કરીને, થોડાં આવડે એવાં ભજન તાલબદ્ધ ગાઈને વિખેરાઈ જતા જયારે મોહનીયો  કલાકો  સુધી ધ્યાન મગ્ન બેસી રહેતો. પૂજારીનો મોટો દીકરો ગોપાલ જરા વિચિત્ર, પોતાની મસ્તીમાં આમતેમ ફર્યા કરે. એના ખિસ્સામાં જાતજાતનો ક્ષુલ્લક લાગતો ખજાનો મળી આવે. એને ભક્તિ, શક્તિમાં રસ નહિ. જેવી મેરબાઈની ઈચ્છા!

ગામ લોકો એવું માને કે કુળદેવી મેરબાઈની કૃપાથી આફત ટળી જાય. મૂળ વરણગામના દેશાવરમાં વસતાં નવપરિણીત અનાવિલ યુગલો વિવાહ કરીને પગે લાગવા આવે અને કૃત કૃત્ય થઇ જાય, વંશવેલો વધે -ખાસ કરીને દીકરાઓ – એમ  પ્રાર્થના કરતા જાય. આસ્થામાં દમ હોય તો ભાવના જરૂર ફળે.

ગામની સ્કુલના  પ્રતિષ્ઠિત હેડમાસ્તર વસનજી લાલજીની પહેલી દીકરી લલીનો જન્મ આ ગામમાં થયો. જેણે પ્રસૂતિ કરાવી હતી એ દાયણ એમ કહેતાં થાકતી ન હતી કે ‘ મારી હારી આ પોરી જનમતાંની હાથે ગાવા માંડેલી’

હવે આવું કોઈ માને? પોયરું જન્મીને રડે જ ને ? આ બાઈ હાવ લાખી દેવા જેવી વાત કર્યા કરે. કદાચ દાયણના સંગીતના  જ્ઞાનમાં કાંઈ હવાદ ની ઓહે. પણ પેલી તો સમ ખાઈને જરા જેટલી મચક નહિ આપે. ચા….લો હશે.

આ વસનજી હો કાંઈ ઓછા સુધારાવાદી ન હતા. છોકરીના જનમને ઉજવવા ગામલોકને પેંડા વહેંચ્યા? બાબો જન્મે તો પેંડા હમયજા પણ પોરીના  જન્મની ખુશીમાં બો બો તો બરફી હોય. આણે તો ખરું કયરુ.

પોરી કોયલ જેવું મીઠું ગાય તો હો  હું? પેંડા થોડા વહેંચાય ?

‘વસનજીએ પોરીને પરણાવા હારુ કોઈ ગવૈયો હોધવો પડહે.’ બાજુવાળા  પડોશી પોલીસ પટેલ કીકુભાઇની ધણિયાણી સવિતાએ મમરો મૂક્યો. સવિતાને લાલા પરાગ કુટુંબ પર ભારે ખીજ, કાંઈ ને કાંઈ વાંધો વચકો હોય જ એને.

વસનજી હેડમાસ્તર બધું હસી કાઢે. પોરીની  ઈચ્છાફુઈએ  નામ પાડ્યું – ‘લલિતા’, જે વખત જતાં હુલામણું થઈને ‘લલી’ થઇ ગયું. પોરીની માં ગજી, બિચારી બો ગભરાય. ‘પેંડા વહેંચીને મેરબાઈનો સરાપ તો નહિ લાગે ને મારી પોરીને? કોઈની નજર લાગી તો એને?’

લલી હતી જ એવી રમાડવા જેવી રૂપાળી કે બધું લોક લઈને ચાલે, મૂકે જ ની. ગજીના હાથમાં ની (નહિ) આવે વહેલી.

ગજીએ પુઠેજ બાધા લીધી, ‘ લલી પરણે નહિ ત્યાં સુધી હું કેરીને હાથ ની લગાડું ‘

ઈચ્છા ફુઈ લલીને બહુ વહાલ કરે.

‘જો જે ગજી, ઇચ્છાનો ખોળાનો ખૂંદનાર હજુ આવ્યો નથી, તારી લલીને એની નજર ની લાગી જાય’ સવિતા ગજીને ગભરાવે. ગજીનું મન મોટું. એ હસતી ને હસતી.

ઈચ્છા ફુઈ પાસેના અઝરાઈ ગામે પરણેલી, એનો  વર રતિલાલ કૃષ્ણ કન્હૈયા જેવો શ્યામ પણ બહુ ફાંકડો લાગે. તબલાં તો એવાં વગાડે…..! લગન થયાને ખાસ્સો  વખત થઇ ગયો પણ… ખોળો ખૂંદનાર ?

ઈચ્છી કહૈ, ‘ આ પોરી તો મને બો વહાલી લાગે, એમ થાય કે જાણે એને મારી હાથે લેઇ જાઉં’

ગજી ઈચ્છાને કહેય,’ તમે જો લલીને લેઇ જાવ તો પછી હું શું કરું?’

‘તે મારો ભાય વહનજી તને બીજા પોયરાં નથી આપવાનો?’

ગજીના ગાલમાં ખંજન પડે, ‘ જાવ જાવ હવે. આ જુઓને મારુ માંદુ માંદુ શરીર, બીજાં જણવા શક્તિ જોઈએ. … તમારા ભાઈએ પાછા પેંડા  વહેંચીને ઉપાધિ કરી. મેરબાઈનો સરાપ…..’

‘અરે તું હો હૂં ભાભી. વખત હવે બદલાઈ ગયો છે. જોયું નહિ મારો ભાઈ વહનજી કેટલો ખુશ? મેરબાઈ તને બીજા ઘણા આપહે. ફિકર નો કર ‘

આવા શબ્દો સાંભળી ગજીને નિરાંત થતી.

ગજીને ખાંસી ઉપડી એટલે ઈચ્છા પાણીનો પ્યાલો લઇ આવી. વસનજીને  ગજીની તબિયતનો બરોબર ખ્યાલ હતો. એટલે સ્તો ગજીની પહેલી સુવાવડ વખતે ઈચ્છાબેનને અહીં રહેવા મનાવી લીધેલી. સુવાવડ પછી ગજી સરખું પૌષ્ટિક ખાય એ બધ્ધું ધ્યાન ઈચ્છા ફુઈ રાખતી.

‘તે ભાભી થોડાક દા’ડા પિયર જેઈ  આવ ની, તબિયત સુધારી આવ. ભાયનું હું ધ્યાન રાખીશ હેં કે ‘

‘ઈચ્છાબેન, ચાલો ને હું વિચાર કરીશ’

ભગવાન કરે ને બધાને આવી નણંદ મળે.

‘ગજીબેન ચાલો કૂવે પાણી ભરવા આવવાના કે ની?’ બહાર બારીમાંથી જોઈ રહેલી ગામની વહુવારુઓ પૂછે.

‘ઇચ્છાબેન હું પાણી લાવીને પુઠેજ આવી હેં’ કહીને ગજી ઉપડી. જતાં જતાં બેબલીને ઘોડીયામાં મૂકતી ગઈ. ‘ એ હવે ઊંઘવાની થયેલી છે જરાવારમાં હુઈ જહે, જરાક હિંચકો લાખજો.’

ઈચ્છાએ હિંચકાની દોરી ખેંચતા હલકથી હાલરડું ઉપાડ્યું.

‘પોરી મારી ડાહી બેન …’

રે મારી જિંદગી! વર રતિલાલ ગણદેવીની તાવાયફો સાથે રોજ બેસે, તબલાં વગાડે. હે પ્રભુ, મારા તરફ એમનું ધ્યાન કેમ નહિ?

એક ચકલી મોંમાં ડિંગલું લાવીને ગોખલામાં સજાવેલ માળામાં ગોઠવીને પાછી બહાર ઉડી ગઈ.

‘મેં શો ગુનો કર્યો જે? મારી કૂખ ક્યારે ભરાશે?’ ઈચ્છા દિવાસ્વપ્ન જોવા લાગી, જાણે પોતે એ ચકલી છે અને આવનાર મહેમાનની તૈયારીમાં લાગી છે. આંખ ડબ ડબાઈ ઉઠી ઈચ્છાની.

બહારથી નાના છોકરાંઓનું ટોળું અંદર આવીને શોરબકોર કરવા લાગ્યું.

‘એય, બેબી હૂતેલી છે,દેખાય કે ની? અહીં તોફાન નો કરો, જાવ અહીંથી’

ટોળું બહાર નીકળ્યું તે એક પોયરૂ  પાણીના ઘડા સાથે અંદર આવતી ગજીને જરા અથડાયું.  તે હસી, અને સંભાળીને અંદર આવી ઘરને બીજે છેડે ધીમે ધીમે પાણીયારા તરફ ગઈ.

વસંત ઋતુ ખીલી ઉઠી હતી, પાછલે બારણે વાડામાં ગુલમહોર મસ્તીથી ઝૂલતા હતા. ઈચ્છાને પોતાનું બાળપણ યાદ આવી ગયું. ખાટી આમલી ખાતાં, રમતાં રમતાં બાળપણ ક્યાં જતું રહ્યું? બહેનપણીઓ સાથે બેસીને કેવી સરસ કૂકાની રમત રમતા?

‘અરે ઇચ્છાબેન હામ્ભરો કે? આ ગુરીઓ ગાલ્લી લઈને કછોલી ચાયલો તે તમારે રસ્તામાં અઝરાય જવું હોય તો બેહી જાવ.’

‘એ આવી, ભાભી’

ઈચ્છાએ  વહેલી વહેલી ઉભી થઈને, સાલ્લો સરખો કર્યો ને પાછલે બારણે દોડી. વૃદ્ધ  ગુરિયોં ઈચ્છા બેનને જોઈ બહુ ખુશ. નાનકડી ઈચ્છાને એણે હો રમાડેલી. એનો દયાળુ સ્વભાવ બદ્ધાં મજુરીયાંને ગમતો.

‘બેન, તારી જ રાહ જોતો હૂતો.’

‘ચાલ જીયે ત્યારે?’

ગાલ્લી આસ્તે આસ્તે, આમલીના ઝાડની ફરતેથી આગળ વધી અને છેલ્લે ઝાંપાની બહાર ઢોળાવવાળો રસ્તો આવ્યો એટલે ધૂળની ડમરી ઉડાડતી મોટી સડક પર ઉતરી પડી.

ગજીએ  ગાલ્લી ઢાળ ઉતરી ત્યાં સુધી જોયા કીધી. થાકેલી તો હતી પણ ઘરના પુરુષો જમવા આવશે તે વિચારી રસોઈ બનાવવાના કામે લાગી. ધણી વસનજી નિશાળથી આવશે. ભગુભાઈ ખેતરેથી ને દાજી વાડીએથી. બૈરાં મંડળ પુરુષો પછી જમે ને તે પછી વાસણ ધોવડાવવાનું ચાલે.

વસનજી આવશે, જમીને થોડી વાર ખોરડીમાં આરામ કરશે જ્યાં ગજી થોડી ક્ષણો ગાળશે. વસનજી ભણાવવાના કામમાં પાક્કા, વિદ્યાર્થીઓને ગળે  ઉતરી જાય એમ ભણાવે. શિસ્તના પાઠ પ્રેમથી સમજાવે. એમના કેટલાક વિદ્યાર્થીઓ ડેપ્યુટી કલેક્ટર પદે પહોંચેલા. હા, વસનજીને વ્યવસ્થિત કપડાં પહેરવાની ચૂંધી હતી, દૂધ જેવા સફેદ ધોયેલાં કફની-ધોતી, ઉપર કાળી બંડી, માથે ટોપી ને જોડા હો ચમ ચમ કરે. 

ગજીએ આજે ધણીને પોતાની નાદુરસ્ત તબિયત વિષે કહી જ દેવું હતું, આ છાસવારે થતો કફ અને નબળાઈ એને મૂંઝવતા.

ગજીની દોરવણી નીચે જમવાનું તૈયાર – ગરમ ગરમ રોટલા, ભરેલાં વેંગણનું શાક, દાળ ભાત, પાપડ ને અથાણું. ગજીની રસોઈ એટલે ગજીની રસોઈ. વસનજીને ખાવાનો ચટાકો ભારી. વસનજીના બાપા લાલા પરાગ મશ્કરીમાં કહેતા ,

‘મારા વહનને ચટાકેદાર ભોજન મલે તો બો ખુશ!’ ગજીમાં એને દેખાવ અને ચટાકેદાર ખાવાનું એમ બંને મળ્યા. નસીબદાર વસનજી ભાય!

વસનજી બાદ  લગ્નની ધૂંસરી બીજા નંબર ભગુને પહેરાવવાની હતી.

‘કેવા  ફક્કડ છે અમારા ભગુભાઈ, કોઈ રાજકુમારી લાવવી પડહે એને હારુ’, ગજી હસે.

રસોઈકામની બીજી બૈરીઓ નીકળી ગઈ, ગજીનું ધ્યાન રસોઈની  છેલ્લી પ્રક્રિયામાં.

એને લાગ્યું કે અગલે બારણેથી કોઈ અંદર દાખલ થયું. કાંઈ સમજે એ પહેલાં બે મર્દાના હાથ પાછળથી એની ફરતે ફરી વળ્યાં. અંગોની મહેકથી પ્રિયતમને  ઓળખી ગઈ.

‘અરે અરે, આ હું કરો તમે ?  હમણે કોઈ આવી ચડહે. પેલા ગુરિયાની બૈરી બહાર જ ઓહે, છોડો મને” ગજીએ  મીઠો ગુસ્સો કર્યો. જો પાછળ મોં ફેરવતે તો વસનજી નક્કી એના મુખને ચૂમી લેતે.

‘ગુરિયાની બૈરીને તો મેં કૂવે પાણી ભરતી જોઈ. તારી દાળની એવી સરસ સોડમ આવે છે કે તારા હાથ જાણે ચૂમી લઉં’

‘હવે તમારા ભાય હો આવશે જરા આમન્યા રાખો, ભરબપોરે આ હૂં બધાં વેવલાવેડા?’

ન છૂટકે વસનજીએ  ભીંસ ઢીલી કરી.

એક માયકાંગલી  બિલાડી પસાર થઇ. ‘ હારાં આ તો જબરાં અપશુકન થિયાં.’ કહીને જયાં લલીને ઘોડિયામાં સુંવાડેલી ત્યાં જઈ પહોંચ્યા. જોઈને હેત ઉભરાયું. હળવી બચી કરીને પાછાં રસોડામાં.

બપોરનું ભાણું પુરુષોને ઉતાવળમાં ખાવું પડે. ઉકડમળીયે  બેસવાનું- જાણે કે અચાનક ઉભા થઈને નાસવાનું  હોય, ઘરની ગૃહિણી ગરમાગરમ રોટલા પીરસતી જાય, જલ્દી જલ્દી  મોઢાંમાં કોળિયા પધરાવવાના, બાજુમાં એક મોટા લોટામાં છાશ હોય, દાળભાત ફડકો મારતાં ખાવાના. આખા રસોડામાં ચૂલાના લાકડા બળવાની એ સોડમ સ્વાદને વધુ પ્રજ્વલિત કરે. મોટાં  ખાતા હોય ત્યારે બચ્ચાંઓને પાસે ફરકવા દેવાના નહિ. ખાઈને થાળીમાં હાથ ધોઈને ઉભા થઇ જવાનું.

આજે વાતમાં એક મુદ્દો નીકળ્યો.

ભગુભાઈના વિવાહની વાત જીવણલાલ દાજીએ ઉપાડી.

વસનજી ધીર ગંભીર મુદ્રામાં બોલ્યા,

‘ મેં બામણને કોઈ હારી છોકરી હોય તો બતાવવા વાત કરેલી છે. પણ આ વરહે વરસાતનું કાંઈ ઠેકાણું નથી, પાક હો આઠ આની  થહે એમ લોકો કહેય. એટલે લગનને હારુ પૈહા હારુ જરાક ….’

‘અરે મોટાભાઈ તમે હૂં કામ ફિકર કરો. ગણદેવીની બેંકમાં મારી નોકરી લાગી એમ હમજો ની.’

જીવણલાલે મેટ્રિક પાસ કરી એમાં તો બો મોટી ધાડ મારી તે નોકરી એમ ને એમ મળી જહે કેમ?’

‘તો પછી ભગુનાં લગનનું પોરે રાખો ની.’ વલ્લભ જીજાએ તોડ કાઢ્યો.

‘પણ પોરે લગનના યોગ નથી એમ બામણ કેય’ મોટાભાઈ મૂંઝવણમાં.

હવે ભગુ આ ચર્ચામાં શું બોલે?

‘જાણે એમ કરીએ કે વાણિયા પાંહે કામચલાઉ લોન લઈએ , પ્રસંગને ઉકેલીએ.’ વસનજીએ ફોડ નહિ પાડ્યો કે એમણે એક છોકરી ભગુ માટે જોઈ રાખી હતી એ વળી પોરે હાથમાંથી નીકળી જાય તો? અનાવલાઓમાં છોકરીઓની અછત ભારી હતી.

‘જુઓ હવે,’ પુરુષો જમીને ઉઠ્યા, ‘ જીવણલાલ તૂ નોકરીની  પાછળ લાગ, હું બીજું બધું ફોડી લઈશ પણ ભગુને આ વર્ષે નક્કી પરણાવી દઈએ.’ મોટાભાઈએ ફરમાન કાઢ્યું

‘ચાલો ત્યારે, આવડા મોટા ઘરમાં હું એખલી એખલી કૂટાયા કરતી છે તે ભગુભાઈવાળી  આવહે એટલે હું જરા પગ વારીને બેહા.’ ભગુભાઈ સામે જોઈને ગજી  અર્થસૂચક હસી.

બધા બહાર નીકળ્યા એટલે,

‘ગજી ભાભી તમે હો હૂં મારી જવાબદારી વધારીને ખુશ થિયા કરો. હું આખો દા’ડો ખેતર-વાડીમાં મજૂરી કયરા કરૂં ને આ બધા  આરામની સરકારી નોકરીમાં બેહી ખાય’

‘ભગુભાઈ, ભગવાને બધ્ધાને કાંઈને કાંઈ હૉપેલું છે. લાલા પરાગ બાપા જિંદગી આખી કામ કરી ગિયા તે તમે પાયમા ને? જેવું જેનું કરમ. ને બીજું….તમારી એ આવહે ને તેને હું  વાડીમાં રોટલા લઈને મોકલા- તે બેઉ ખાજોની નિરાંતે હાથે બેહીને! ‘

ભગુ હવે ખુશ, ‘ ભાભી તમે તો એક દેવી છો દેવી!’

            —————————————————

મોહનીયાનો ચમત્કાર

લાલા પરાગ કબીલાના ચારે ભાઈઓમાં સૌથી નાના એવા જીવણલાલને ખેતીમાં રતીભાર રસ નહિ. મોટાભાઈ વસનજીએ જેમ તેમ મારી મચડીને એને મેટ્રિકની પરીક્ષા પાસ કરાવી આપી એટલે એખુશખુશાલ. કબીલાનો આ બીજો  પુત્રરત્ન હવે મેટ્રિકમાં ઉત્તીર્ણ થઇ ગયો એટલે ગામ આખામાંવાહવાહી થઇ ગયી. ખેતરે જઈને ખેતી કરવી, ચીકુ-કેરીની વાડીમાં જઈને હાથ પગ ગંદા કરવા એ આમેટ્રિક પાસ સાહેબઝાદાને હવે પરવડે? હા, લોકલાજે કોઈ વાર વચેટ ભાઈ ભગુભાઈ સાથે ખેતર-વાડીમાંઆંટો જરૂર મારી આવતો પણ ચિત્ત હવે નોકરી શોધવામાં. 

ઉડતા ઉડતા ખબર મળ્યા કે ગણદેવીમાં કો ઓપરેટીવ બેન્કની નવી શાખા ખુલી ગયી  છે એટલે સર્વશક્તિ કામે લગાડીને યેન કેન પ્રકારેણ બેન્કમાં પગપેસરો કરવો એવો નિર્ધાર પાક્કો.  આ નોકરી જોહાથમાં આવી જાય તો ગધ્ધા વૈતરું કરવાનું ટળી જાય.

એણે વિચાર્યું, લાવ ભગવાનને આમાં કામે લગાડું. કારકુનની જગ્યા માટે અરજી તો પહોંચાડી દીધી હતીપણ એક વિચાર ઝબક્યો. કુળદેવી મેરબાઈના પૂજારીને પટ્ટી પાડીને ખાસ પૂજા કરાવું, દેવી રીઝે તો બેડોપાર, નક્કી. 

સાંજે મહિલામંડળ મેરબાઈની દેહરી પાસેથી ભજન ગાઈ, કરીને  વિખેરાઈ ગયું એટલે જીવણલાલરામજીકાકાને ઘેર પહોંચવા નીકળી પડ્યો. રામજીકાકા બિચારા ભગવાનના માણસ એટલે બહુ લપ નહિકરે.

દીવાબત્તીનો સમય. જીવણલાલ હારબંધ ઘરોને વટાવતો પહોંચી ગયો એમને ઘેર.બહારનું જાળિયું વાસેલુંહતું પણ અંદરનું દ્વાર સાવ ખુલ્લું. અંદર ડોકિયું કર્યું – કાકાનો નાનકડો દીકરો મોહનીયો કાઇંક ઢીંગલીજેવું હતું એની સાથે રમ્યા કરતો હતો.  અંદરના ઓરડામાં કોઈક સ્ત્રી હલકદાર અવાજમાં ગાઈ રહી હતી. 

કોણ હશે એ? આવું  મધુર ગળું? નક્કી એ રામજી કાકાની બીજી નવયુવાન  વહુ ! અજબની ચેતના જાગીઉઠી જીવણલાલના મનમાં. એને કોઈ પણ હિસાબે પ્રત્યક્ષ નિહાળવા મન તલસી રહ્યું. 

‘ભાઈ તો ઘરે નથી. તમારે કોનું કામ છે?’ ઢીંગલી સાથે રમી રહેલ મોહનીયો બોલ્યો. 

અરે! જીવણલાલ તો તંદ્રાવસ્થામાં હોય એમ છોકરાની હાજરી ભૂલી જ ગયો હતો.

ખાસિયાણો પડી જઈને ધીમેથી મોહનીયાને પૂછ્યું,’ બેટા, આ કોણ ગાય છે અંદર?’

‘એ મારી બા. કેમ શું કામ છે?’ જવાબ આપતાં મોહનીયો જીવણલાલને સૂચક નજરે એકીટશે જોતો રહ્યો. જાણે કાંઈ પામી ન ગયો હોય?’

જીવણલાલને આશા બંધાઈ કે આ ભાંજગડ સાંભળીને પેલી સ્ત્રી બહાર આવી જશે. એમ વિચારીને,

 ‘હું અંદર આવું?’

‘બા, કોઈ ભાઈને મળવા આવ્યું છે.’ નાનકડા મોહનીયાએ અચાનક એક ઠરેલ પુરુષની માફક ઘાંટોપાડ્યો. 

જીવણલાલ ચમક્યો, ‘આ છોકરું મારા મનની વાત કેવી રીતે જાણી ગયું?’

‘કોણ છે?’ એમ પૂછતા અંદરથી રૂપરૂપના અંબારસમી પાર્વતી, રામજીકાકાની વહુ હાજર થઇ.

જીવણલાલ પીગળી રહ્યો, તણાતો રહ્યો. મન ઝાલ્યું ન રહે. એણે ધાર્યું હતું એ કરતાં અનેક ગણીરૂપયૌવના એની સામે ઉભી હતી – જાળિયાની અંદર ! માથું ઓઢેલું, કપાળ પર મોટો ચાંદલો, ગોરી ત્વચાઅને રૂપાની ઘંટડી જેવો સુમધુર અવાજ ! 

જીવણલાલ અવાચક! શું પૂછવું એ યાદ જ ન આવે. મોહનીયો એકીટશે તાકીને જોતો રહ્યો. ગજબ છે આછોકરું!

‘ત.. ત.. તે રામજીભાઈ નથી ઘરે?’ મહામહેનતે ગળામાંથી અવાજ નીકળ્યો.

‘જાળિયું ખૂલ્યું અને સ્ત્રી જીવણલાલની બિલકુલ સન્મુખ! 

અચાનક, મોહનીયો ઉઠ્યો, ‘ હું જાણું ને તમને શું જોઈએ છે, જરા ખમો’ કરીને એણે ઘરની બહાર દોટમૂકી, મેરબાઈની દેહરી તરફ. અંદરથી ધૂણીમાંથી એક સળગતું નાનું લાકડું ખેંચી કાઢ્યું અને દોડતો પાછોઆવ્યો. 

એના હાથ દાઝતા નહિ હોય? હવે જીવણલાલ ડરી ગયો.

‘લો આ લાકડું હાથમાં પકડો અને આ સામે ઉભેલી દેવીની ત્રણ વખત આરતી કરો, તમારી મનોકામનાપૂરી થશે’ મોહનીયાએ લાકડું જીવણલાલ સામે ધર્યું. 

સમગ્ર સમય દરમ્યાન  સળગતું લાકડું મોહનિયાના હાથમાં. જીવણલાલ ફાટી આંખે ખેલ જોઈ રહ્યો. મારીમનોકામના ? તે આને કેવી રીતે ખ્યાલ આવી ગયો. એના હાથ દાઝતા કેમ નથી?

બહુ વિચાર્યા વિના એ મોહનીયાની આજ્ઞાને તાબે થયો. હાથમાં સળગતું લાકડું પકડ્યું અને સામે ઉભેલીદેવીરૂપ પાર્વતીની ત્રણ વાર આરતી ઉતારી અને લાકડું બહાર ઘા કરીને ફેંકી દીધું. હાથમાં એવું ચચરે!

‘તમારે ખાસ પૂજા કરાવવા હજી ભાઈની રાહ જોવી છે?’ હવે મોહનીયાના અવાજમાં કડકાઈ આવી ગયી.

‘ના ના, હું હવે નીકળું’ કહીને જીવણલાલ જલ્દી જલ્દી ભાગ્યો, પાછું વળીને મોહનિયા, કે પછી પાર્વતીતરફ  જુએ કેવી રીતે? 

ચમત્કાર ! 

હજી મોટો ચમત્કાર બીજે દિવસે થયો. જીવણલાલને નોકરી મળી ગયી! 

                ———————————-

આખરે ચાર ભાઈઓએ ભગુને પરણાવવાનું નક્કી કરી જ નાખ્યું. જીવણલાલને હવે નોકરી મળી ગઈ એટલે વાણિયા પાસે વ્યાજે લેવાનો પ્રશ્ર્ન રહ્યો નહિ.

વસનજીએ એક સરસ, ઘર-રખ્ખુ છોકરી જોઈ રાખી હતી એને જોવાનો કાર્યક્રમ હાથમાં લીધો. છોકરી શાંતાના બાપ પાંચમાં પૂછાય  એવા નીકળ્યા.  શાંતાનો ભાઈ  પાછો કોર્ટમાં વકીલ. વસનજીની સખત નારાજગી છતાં બાપે વાંકડો આપવા જીદ કરી. વાહ, ભગુભાઈ તો નસીબદાર નીકળ્યા!

ગજી માંદી તે છતાં લગનની તૈયારીની બધી જવાબદારી ઉપાડી લીધી. આ ખુશાલીમાં આખા ગામને  જમાડવાનું વસનજીએ નક્કી કર્યું. પંચાયત કહે નીચી જાતવાળા ને સવર્ણો સાથે નહિ જમાડાય. વસનજીના સખત વિરોધ; છતાં છેવટે સવર્ણો અને નીચા ગણાતા વર્ણના લોકોને જુદી જગ્યાએ જમાડવા એમ નક્કી થયું જો કે બંનેને એક સરખું ભોજન જમાડવા એ બાબત પર વસનજી કાયમ રહ્યા.

શણગારેલા ગાડાંમાં જાન લઈને ભગુની જાન  સાસરે પહોંચે ત્યાં મોડું થઇ ગયું એટલે રસોઈ બનાવી રાખેલી તે ઠંડી લાગી. વરણગામના કેટલાક તોફાની જુવાનિયાને આ અપમાન ભર્યું લાગ્યું. જાનના લોકોને કાઇંક તો વાંધો પડવો જોઈએ ને?

‘હારાંને જાન કેમ સંભાળવી તે ની આવડે. પોરીના લગન તે  તમને ગમ્મત લાગે કે?’

પોરીનો બાપ, હાથ જોડતો કાકલુદી કરે પણ જુવાનિયા માને તો ને?

‘અરે જાન ક્યારની આવેલી ને કોઈએ પાણી સુદ્ધા પૂયછું નથી’

હવે શાંતાના  વકીલભાઈનું મગજ છટક્યું.

‘તે જાન લઈને પાછા જાવ, બધા આયવા હુશિયારીનાં પૂછડાં.’

‘એય તું જાણતો છે કે તારી બેન હાથે કોઈ લગન ની કરહે’ જીવણલાલ તાડૂક્યો.

‘તું  જા હારો, મને ધમકી આપતો’

‘અમે તો આ ચાયલા, હું હમયજો?’

‘સંભાળીને બોલ તું  બો ડાહ્યો. ને જતાં જતાં મારા બાપે વાંકડો આપેલો તે મૂકતા જાવ.’

‘તે વાંકડો કાંઈ વસનજીએ માયગો નથી, જાણે કે? એ હાનો પાછો આપવાનો?’

છોકરાવાળાઓએ બાંયો ચઢાવી.

જાનમાં આવેલા વરણગામના પોલીસ પટેલ કીકુભાઇને થયું કે મામલો બિચકી જશે. તરત જ વચ્ચે પડ્યા.

‘જુઓ ભાય, આટલી વાતમાં હું બધાં રાતાં પીરાં થેઈ ગીયાં? ચાલો શાંત પડો, જીવણલાલ તું હવે બોલતો નહિ. પોરીવાળા સરખું ખાવાનું ગરમ કરીને પીરસે ને છાસ હો આપે.’

છમકલાં પછી લગન સુખરૂપ સંપન્ન થઇ ગયાં.

ભગુભાઈ એની વહુને લઈને વરણગામ ઘેર પધાર્યા.

‘હારુ… લગન ફક્કડ થઇ ગયા.’

‘જરા મામલો  બિચકેલો હતો તે આપણા કીકુભાઈએ સંભાળી લીધો.’

કીકુભાઇની બૈરી, સવિતા ખુશ થઈને બધાને કેહતી ફરે, ‘એ તો એણે સંભાળી લીધું નહિ તો કોણ જાણે હૂં નું  હૂં થઇ જતે’ આ લાલા પરાગના કુટુંબને કોઈ હારી વસ્તુ પચે જ ની.’

લાલા પરાગના પૂર્વજ બીજા ગામથી આવીને અહીં વસી ગયેલાં અને બે પૈસે થયા તે નવું ઘર હો બાંધી દીધું, બિલકુલ એમની પાડોશમાં ! એ જ દુ:ખે સવિતાને.

ગજીની તબિયત વધારે બગાડવા લાગી  એટલે વસનજીએ એને તાબડતોબ પિયર મોકલી આપી.

પ્રથા એવી કે કોઈને ત્યાં લગન જાય એટલે ગામમાં ઘેરે ઘેર મીઠાઈ-ફરસાણની પડી વહેંચવામાં આવે. માંદી ગજીને એને પિયર મૂકી આવ્યા એટલે પંચાતિયણ વહુ-વારુઓ તર્ક વિતર્ક કરવા લાગી કે વસન લાલા કુટુંબ તરફથી કોઈ પડી વહેંચવા નીકળે છે કે નહિ.

‘મારા હારા વહન લાલાને ઘેરે રીતરિવાજનું કાંઈ ઠેકાણું ની મલે. ખરે વખતે પેલી ગજી હો પિયર ઉપડી ગઈ. પિયર જતાં પહેલાં આ બધી વ્યવસ્થા કરવી જોઈએ ને? યાદ છે ને પોરીના જન્મ વખતે પેંડા વહેંચેલા?  વહનજી ગામના પહેલા મેટ્રિક પાસ થીયા પણ આ બધી વહેવારીક હમજ  બિલકુલ ની મલે’ – સવિતાનો બળાપો.

‘ભાય, એમાં એવુંને? લાલા પરાગના બાપ દાદા તોરણગામમાં વસાવિયા તે જૂની પરંપરાને જાણે કોણ?’ સવિતાની ભાભીએ બળતામાં ઘી ઉમેર્યું.

‘જો જે હેં, કુળદેવી મેરબાઈ આ ખેલ જોયા જ કરતી છે, આપણે તાલ જોયા કરવાનો, દેવી સરાપ આપહે ત્યારે અક્કલ આવહે.’

‘ને ગજીએ  જો બીજી હો પોરી જણી તો?  પાછા પેંડા વહેંચાશે? ‘ બધાંને ગમ્મત પડી ગઈ.

અચાનક, ટોળાંમાં સન્નાટો પડી ગયો! હાથમાં પડીનો ટોપલો લઈને નવી વહુ શાંતા નીકળી અને એની આંગળી પકડીને, લલી.

‘મારી હારી આ નવી વહુ હો ખરી છે હેં. ગજી બીજી પોરીને લેઈને આવે આવે એટલે તો ઘરનો કારભાર હાથમાં લઇ લીધો. હવે તો ઘરમાં નવી વહુનું રાજ ચાલવાનું, હૂં કહેય તમે?’

બધાં એક બીજાને તાળી આપે.

પહેલું ઘર તે પોલીસ પટેલ કીકુભાઇનું. શાંતા અને લલી અંદર પેસે ત્યાં, ‘તે ગજીએ હમઝવું જોઈએને? આય હાય એ બધું કામ તે વળી નવી વહુને હોંપાય? ‘

ઉંબરા પર શાંતાની સાડી થોડી ભરાઈ ગઈ અને ગલોટીયુ ખાતાં બચી.

‘એ જો જે બેન, જરા હાચવીને ! પોલીસ પટેલના ઘરમાં પેહતાં થોડું નમીને  આવવું પડે.’

‘એમ કે, સવિતા કાકી? બો હારુ.  ગજીબેન ને અમે બેવુએ મળીને આ બધી પડી તૈયાર કરી પણ ગજીબેનની  તબિયત બરાબર ની મલે તે પિયર જતી રેઇ.’

‘ખરી તારી ગજીબેન. લાલા પરાગ કુટુંબની ઈજ્જતની  આટલી બધી ફિકર? તું હો આસ્તે આસ્તે બધું હિખી જહે’

બિચારી નવી વહુ કાવાદાવા ક્યાંથી સમજે?

‘સવિતા કાકી, મારે તો બસ તમારા આશીર્વાદ જોઈએ. કરીને પગે લાગી.

‘જીવતી રહેજે ને કુળદેવી મેરબાઈની કૃપાથી પોયરાઓની વણજાર ઉભી કરજે.’ સવિતાકાકીએ આશીર્વાદ આપ્યા.

કાકીએ શરબત ધર્યું. નાનકડી લલીએ નવી શાંતાકાકી તરફ જોયું.

‘કઈં ની બેન, પીલે.’ શાંતાકાકીએ પરવાનગી આપી.

‘ જોની જોની, લલીના ઘરેણા હો કેવાં છે. ગજીને કાંઈ હૂઝ પડે કે નહિ ? લગનનું ઘર, ને શુભ પ્રસંગે દીકરીને હારાં ઘરેણાં પહેરાવવાં જોઈએ ને?

‘ચાલો કાકી, અમે નીકરીયે, બીજા ઘેરે હો આ પડી આપવા જવાનું છે.’

લલીની આંગળી પકડીને શાંતા બહાર આવી છૂટકારાનો દમ લીધો.

દેહરીની મેરે થોડાં બીજૉ બૈરા બેઠેલાં હતાં તેમાંથી કોઈ બોલ્યું, ‘ ભગુ બો ફક્કડ વહુ લાવેલો પણ વલોટીવારા  વાંકડો આપવામાં ભારે કંજૂસ. કેટલાંક આયપા?’

‘એ તો કહેય થોડાં? પણ જુઓની, આ નવી વહુને કેવા લાખી દેવા જેવા દાગીના પહેરાવેલા. હમજી જાવ ની તમે?’

પાછા વળતાં લલી નિર્દોષતાથી પૂછે, ‘ હેં કાકી, વાંકડો એટલે હૂં?’

‘લલી તું બો નાલ્લી  છે આ હમજવા. મોટી થહે એટલે ખબર પડી જહે. ચાલ પગ વહેલા ઉપાડ તો જરા, ઘેરે ભાય આવવાનો છે મને લેવા.’

‘તે કેમ એવું? હું તો લગન કરવાની જ નથી. મારા કાકુજીને છોડીને કેથે જાઉં જ ની’

શાંતા હસી, ‘ બેનબા બધી છોકરીઓ એવું કહેતી હોય ને …પછી એક સોહામણો રાજકુમાર સફેદ ઘોડા પર આવીને તને લેઇ જહે ‘

લલી વિચારમાં, ‘ તે ભગુકાકા તો તમને લેવા ઘોડા પર ની આવેલા’

શાંતાએ લલીના ગાલઃ પર પ્રેમથી ચીમટી ભરી, ‘ ઓ બેનબા બહુ થયા સવાલ, હવે ચાલો ઘેરે’

xxxxxxxxxxxxxx

બહુરૂપી પ્રકરણ ૩ : બહુરૂપી આવ્યો

૧૬ વર્ષના વહાણા વહી ગયા

વસનજીએ બીજા  મરદોની જેમ સંતતિની ફોજ ન ઉભી કરી પણ વહાલી પત્ની ગજીએ  અસાધ્ય ટીબીને લઈને અકાળે વિદાય  લેતાં પહેલાં  બાબા અને બેબીનું એક જોડકું ભેટ ધરી દીધું. પુખ્ત થતી લલીને માંની ખોટ સાલતી પણ પ્રેમાળ ઈચ્છાફુઈની હૂંફ કાઇંક અંશે મદદરૂપ થઇ. વ્યભિચારી  રતિલાલ, ઈચ્છાનો વર, પોતાનાં  સ્વચ્છંદી જીવન શૈલીને લીધે  અકાળે અવસાન પામ્યો પણ એની પ્રતિકૃતિ સમા ફરજંદ છગનને ઈચ્છાની ગોદમાં મૂકતો ગયો.

૧૯૩૪ ના આરંભકાળમાં ઈચ્છા  ત્રણ ત્રણ બચ્ચાંઓને ઉછેરવા એના ભાઈ વસનજીને ઘેર વરણગામ આવી ગઈ. વિશાળ પીપળાના ઝાડ નીચે સ્થાપિત મેરબાઈની દેહરી લલી માટે એક સાંત્વનરૂપ સ્થાન થઇ ગયું. દેહરીના પૂજારીનું ઘર બસ દેહરીથી નજીકમાં જ હતું. ઈચ્છા ત્રણ છોકરાંઓને  ઉછેરતાં ઉછેરતાં લલીને કેટલીક હૂંફ આપે? મેરબાઈ દેવીના સાનિધ્યમાં લલીને પરમ શાંતિનો અનુભવ થતો. પુખ્તતાના ઉંબરે આવેલી લલી જયારે પણ દેહરી આગળથી પસાર થતી ત્યારે એનું માથું શ્રધ્ધાથી  ઝૂકી જતું.  પોલીસ પટેલ કીકુભાઈએ ગઈ હોળીમાં ભેટ ધરેલ કાનનાં  કુંડળ અને બીજૉ   આભૂષણોથી શોભતી મેરબાઈની  મૂર્તિ વધુ દૈદિપ્યમાન થઇ જતી.

હિન્દુસ્તાનના બીજા ઇલાકાઓની જેમ હોળીનું વાતાવરણ રંગોત્સવ જેવું તો ન બનતું. અહીં ઉજવણીમાં ધાર્મિક ઉત્સાહ વધુ દેખાતો.

ફાગણની પૂનમે પાદરમાં વિધિવત હોળી પ્રગટાવવામાં આવે. કિંવદંતી મુજબ હિરણ્યકશ્યપુ નામે ઘમંડી રાજાનો એક પુત્ર પ્રહલાદ જે, પિતાના દબાણ  છતાં ભગાવાન  વિષ્ણુને માને. એનો કાંટો  કાઢવા એની બેન હોલિકા બળતી ચિતામાં પ્રહલાદને ખોળામાં લઈને બેસે . હોલિકાને વરદાન હતું  કે એને  અગ્નિ સ્પર્શે નહિ.ભગવાન વિષ્ણુ  પ્રહલાદની વહારે ધાય અને વરદાન પામેલી  હોલિકા આગમાં બળીને ભષ્મ થઇ જાય છે.હિરણ્યકશ્યપુનું મૃત્યુ પણ નરસિંહ  અવતાર ધારણ કરીને આવેલા વિષ્ણુના હાથે થાય છે. હે વિષ્ણુ તું જ ખરો ઈશ્વર.

‘જય હો મેરબાઈની ‘ ગજી માંએ શીખવેલી પ્રાર્થનાથી આવાહન કરતી, મેરબાઈનો જય જયકાર કરતી લલી, બહાર ચંપલ કાઢી, માથું નમાવીને  દેરીની અંદર આવી.  ઘંટ વગાડી દેવીનું આવાહન કરીને મૂર્તિ સમક્ષ માથું  ઓઢી, આંખો મીંચીને ઉભી રહી. દેરીની બહાર પીપળાના ખરી પડેલાં  અગણિત પાન અહીં તહીં ડેરીનાં પ્રાંગણમાં  ધીમા પવનમાં  ઉડ્યા કરે, વાતાવરણમાં અજબની  અલૌકિક  શાંતિ અને  નિઃશબ્દતા પ્રસરી ગઈ. અહીં દેવી  કે દેવીભક્તને ખલેલ પહોંચાડે એવું કઈ હતું નહિ.

લલીએ હળવેથી હોઠ ફાફડાવ્યા, ‘ હે દેવી માં, મારા અબુધ ભાઈ-બહેનની રક્ષા કરજે, દુનિયાની બૂરી નજરથી એમને બચાવજે. ‘ માથા ઉપરથી પલ્લુ જરા ખસી ગયું  તે સરખું  કરીને અને ઉમેર્યું, ‘ હે દેવી મને તારા આશિર્વાદ વગર બીજું કાંઈ નહિ જોઈએ, બસ મને સાચો રસ્તો બતાવતી રહેજે.”

‘અરે લલી, બધું ભાઈ બેન હારુ માયગુ  ને તારે હારુ કાંઈ નહિ?’

પાછળ અચાનક આવીને ઉભા રહી ગયેલ પૂજારી રામજીકાકાએ રમૂજ કરતાં લલીને નિહાળી રહ્યા, લલી, જાણે સાક્ષાત મેરબાઈ જોઈ લો, વહેલી સવારનો કૂણો  તડકો એના અંબોડાને સ્પર્શીને અવનવી ભાત ઉપજાવી રહ્યો, ઝગારા મારતી  નાકની ચૂંક  દેવીના અમૂલ્ય  પરચાના એંધાણ આપી રહ્યા..

નમસ્તે રામજીકાકા,’ લલી વાંકી વળીને રામજીકાકાને પગે લાગી,

‘ મને મારાં   નાનાં  નાનાં  ભાઈ-બેનની બહુ ફિકર થાય  છે….’

‘અરે મારી દીકરી, તારા કાકુજી બહુ સમજદાર  વડીલ છે એ તારા ભાઈ બેનના  ભવિષ્ય માટે જરૂર હરખું  કરહે, તું હૂં  કામ આટલી બધી ફિકર કરે ? – બોલો  જે   મેરબાઈની ‘

”જે  મેરબાઈની, પણ મારી બા કેમ અમને છોડીને જતી રહી? ‘ લલીએ  માંડ ડૂસકું ખાળ્યું

”જો લલી, ભગવાનની  ઈચ્છા આગળ આપણું કાંઈ ચાલે? ચાલ, લે આ પ્રસાદ તારાં ભાઈ-બેનને આપજે’

લલીએ શ્રધ્ધાપૂર્વક પ્રસાદ જમણા હાથમાં લઈને  માથે ફેરવીને ઘર તરફ ડગ માંડયા.

એવું પણ ન હતું કે ઈચ્છા ફુઈ લલીને વહાલથી રાખતાં ન હતાં. પણ રે નસીબ, બા વધુ જીવી હોત તો નાનાં ભાંડુડાંને મોટાં થતાં જોતે ને? પોતે પરણીને સાસરે જશે ત્યારે બાપડાં  છોકરાંઓનું શું થશે. આ વિચાર માત્રથી લલીને લખલખું આવી જતું.

‘હું જાણતો  હતો કે તું અહીં આવીશ’ રામજીકાકાનો મોટો દીકરો ગોપાલ અચાનક ટપકી પડ્યો.

લલી ચમકી, ‘ અરે ગોપાલ તું શું કરે અહીંયા?’

ગામના બીજા છોકરાઓ કરતાં ગોપાલ જુદો તરી આવતો. નહિ આમતમ દોડવું ,નહિ તળાવમાં  તરવું, હંમેશ કૈંક ખોવાયેલો ખોવાયલો, વિચારમાં  મગ્ન. ઘરની બહાર  બાંકડા પર બેસીને એકી ટશે શૂન્યમાં જોયા કરવું, . જરૂર કરતાં મોટો કુર્તો પહેરવો અને એના ગજવામાં ચિત્ર વિચિત્ર વસ્તુઓ , ખાલી બાટલીઓ, નાનાં કાંસકાઓ અને એવું બઘું.

લલીની એકદમ પાસે આવી એ થોડું વિચિત્ર હસ્યો.

‘તે છેને તે ઊં આજે નિહારે જ ની ગીયો.’ ગોપાલે  પ્રાથમિક શાળાની દિશામાં  હાથ લંબાવીને રમતમાં  ભરડી માર્યું.

‘એવું ની  કરવાનું ગોપાલ. તારે ભણી ગણીને મોટા સરકારી સાહેબ નથી થવું?’ લલીને ગુસ્સો આવ્યો.

‘મારે તો પેલા પિક્ચરમાં આવે ને, એવા હીરો બનવું છે’ ગોપાલની નિર્દોષતા ઝળકી ઉઠી.

‘હે ભગવાન, તે તૂ  નિહારમાં જવાને બદલે પેલા ગણદેવીના  ‘હરિ’ થીએટરમાં પિક્ચર જોવા ગયેલો? છી છી, ડાહ્યા છોકરાઓ એવું કોઈ દા’ડો કરે ?’

‘તે બધા છોકરાઓએ કાંઈ સરકારી સાહેબ થવાનું કે તારા કાકુજીની જેમ હેડમાસ્તર બનવાનું કાંઈ કામ?’

હવે આ મૂરખને શું કહેવું?

‘હીરો બનીને  તું વળી કયો મોટો તોપચી થઇ જવાનો?’

‘અરે, ખબર ની પણ બો મઝા આવે! હૂં કહેય તું?

‘મારા કાકુજી તો કહેય કે આવા લોકો બધા ચરિત્રહીન હોય, કાંઈ ઠેકાણું ની મલે, હમજ્યો?’  લલીએ મારા શબ્દ પર ભાર મૂક્યો.

‘ત્યારે ભણેલા લોકો કાંઈ ઓછા નથી. જો ની તારા ફુઆ રતિલાલ?’

ફુઆનું નામ આવ્યું એટલે લલીને લાગ્યો ઝાટકો, ‘ગોપાલ, બસ કર હવે, બહુ ડહાપણ ડહોળ્યું તેં.  તૂ જોઈએ તો હોળીમાં પડ, મારે શું?’ છણકો કરીને લલીએ પોતાના ઘર  તરફ ચાલવા માંડ્યું.

ગોપાલને લાગ્યું કે જરી વધુ પડતું બોલી ગયો. ‘જો લલી તને દુઃખી કરવાનું મેં નહિ ધારેલું’ કરીને લલી સાથે ચાલવા લાગ્યો પણ લલીએ કાંઈ મચક નહિ આપી.

ઘેરે  જઈને ડખુ-ચોખા ચડાવવાના, ગરમી વધશે અને બધું લોક ઘરમાં ભરાઈ જશે. ગિયે  વરહે તો હદ થઇ ગયેલી, એક છોકરો અને છોકરી લૂ લાગવાથી મરી ગયેલા. એટલું મોડું થઇ ગએલું કે ગામનો  વૈદ હો લાચાર. 

અરે મારા ધીરુ – શાંતિ ને કાંઈ થઇ ગયું તો? તાપમાં બહાર  જવા દેવાના જ નહિ ને.

હેડ માસ્ટર કાકુજી  ગણદેવીના  પેલા નવા વિલાયતી ડોક્ટરને  ઓળખે. જરા જરામાં ડોક્ટર પાછો ઓપરેશનની વાત કરે. આ મંદિર જેવા શરીરમાં કાપ કૂપ કરવાની?  ના રે બાપા, મોંઘી દરદારૂમાં  પૈસા જતા રહૈ તેં કરતાં ગામનો વૈદ શું ખોટો? પોયરાંની કાળજી લેવાની, બીમારી આવે જ નહિ.

લલીની નજર કૂવે પાણી ભરતી પુષ્પા પર પડી. થોડી બની ઠનીને સાડી પહેરેલી એટલુંજ, મોઢું પડી ગયેલું.

‘અરે પુષ્પી આજે તું કેમ મોડી ?’

‘ઘેરે મહેમાન આવેલા’  પુષ્પાએ કુવામાંથી પાણી ખેંચવાનું ચાલુ રાખ્યું.

‘અરે હા, હું તો ભૂલી ગયી. કછોલીગામેથી પેલા તને જોવા આવવાના હતાં તે જ કે? પછી થિયું હૂં ?’

‘હૂં થાય? છોકરાને હું ગમી, પણ…’ પુષ્પા આડુ જોઈ ગઈ એટલે ઘડામાંથી  પાણી છલકાયું.

‘હે ભગવાન, પાછો વાંકડો?’

‘તો વળી બીજું હૂં  હોય? વાંકડાની વાત આવી એટલે એ લોકો ઉઠીને ચાલતા થિયા’

લલી વાતને પામી ગયી , ‘ જો બેન મારી , મેરબાઈ દેવીમાં શ્રધ્ધા રાખ, તને હો ફક્કડ વર મલહે’  એ જાણતી હતી કે  પુષ્પા પર એની સાંત્વનાની કાંઈ અસર થવાની ન હતી.

જમાનાઓથી ચાલતી આવતી  વાંકડાની પ્રથા – અનાવિલોનું દૂષણ- પુરુષપ્રધાન સમાજની નિશાની હતી. લલીના કાકુજીએ પુષ્પાના બાપને સમજાવી સમજાવીને લલીની જેમ  ફાઇનલ સુધી પહોંચાડી હતી. બીજા ઘણા સમાજની જેમ અનાવિલોમાં પણ પુરુષ – સ્ત્રીનો  ગુણોત્તર વિપરીત રીતે બદલાઈ ગયો  હતો. પરણવાલાયક કેટલાય છોકરાઓ માટે  આખી જિંદગી કુંવારા રહેવાનો વખત આવી ગયો હતો. એમ છતાં સ્ત્રીનો દરજ્જો નીચો ને નીચો. જો કે આ પરિસ્થિતિ ભારતના બીજા ઘણા સમાજમાં પ્રવર્તતી હતી.

લલી ઘરમાં દાખલ થઇ ત્યાં  ધીરુના રડવાનો અવાજ આવ્યો. ધીરુએ પરીક્ષામાં ઉકાળ્યું એટલે કાકુજી  મંડ્યા એને ધીબેરવા.

‘ધીરીયા, શરમ વગનો, તૂ  મારું નામ બોળવા બેઠેલો છે. તું એક હેડ માસ્તરનો પોયરો  અને પરીક્ષામાં મીંડું? હું જાણુંને ? બસ તારે તો કાયમ રખડ્યા કરવું, જમરૂખી પર વાંદરની જેમ ચડીને જમરૂખ તોડવા ? ભણવામાં ધ્યાન મલે જ નહિ.  કાકુજી ધમકાવતા જાય અને લાફા મારતા જાય.

નાનકી શાંતિ હેબતાઈ ગયેલી તેં ખૂણા ઉભી ઉભી હીબકે ચડી અને દોડીને મોટીબેનને વળગી પડી.

મારી મારીને કાકુજી ધૂજતા ધૂજતા આગલા ઓરડામાં  જવા લાગ્યા.

શું મેરબાઈ ખરેખર દયાળુ છે? કાકુજી કેવી રીતે આવડા અમસ્તા ધીરુને ઢોર માર મારે? હું જરાક વાર દર્શન કરવા ગઈ એમાં તો આવું બધું થઇ ગયું? ઈચ્છાફુઈ આટલામાં જ હતાં તે ક્યાં ગયાં? રોકવા જોઈએ ને?

આ બાજુ જોયું તો ઈચ્છા ફુઈ ખાટલે સૂતેલાં  – તાવમાં કણસે. હમણાં તો હારાં હતાં ને અચાનક ફુઈને શું થઇ ગયું?

‘ફુઈ બા આમ એટલી વારમાં તમને હૂં  થઇ ગિયું ? ગળું ખરાબ છે? લાવ તમને કાઢો બનાવી આપું, હારૂ લાગહે.’

‘હું તો તદ્દન હારી છું મને હૂં થાય? ‘ કરીને ફુઈ ખાટલામાંથી ઉઠવા ગયાં ને તરત જ ધબ દેઈને ખાટલામાં પડયા.

‘છગન કાં  મરી ગીયો ?’ ફુઈએ આજુબાજુ નજર દોડાવી. ‘પાછો રખડવા નીકરી  પયડો  ઓહે.’

છગન એના બાપ રતિલાલની જેમ સંગીતનો રસિયો, એ હશે પેલા ગવૈયા- બજૈયાની સાથે. એ હો બાપની જેમ રવાડે ચડી જવાનો કે હૂં ?

લલીને છોકરાંઓનું ભવિષ્ય અંધકારમય  દેખાયું.  લલી કરે પણ શું? ખડકની  માફક ઉભી રહે, તૂટેલા સંબંધોને જોડતી, સારે નરસે વખતે સાંત્વના આપતી.

રામજીકાકા પાછા પૂછે ‘ તેં કેમ તારે હારું કાંઈ માગ્યું નહિ?’

લલી શું માગે? એને તો બસ ઘરના બધાંની  સુખાકારી જોઈએ. પોતાની ખુશીની ચાવી તો એ જ હતી ને? દેવી પાસે પોતાની ખુશી તો બધા માગે પણ એમ કરવું સ્વાર્થી ન કહેવાય?

ઇચ્છાનો  ઇતિહાસ હૃદયદ્રાવક હતો.

અંબિકાના કાંઠે થોડે દૂર આવેલા અઝરાઈ ગામના પોલીસ પટેલ-જમીનદારનો એ દીકરો, શ્યામ વર્ણ  અને વાંકડિયા વાળ – રતિલાલે  બધાને ગમી જાય એવો. એના કાકાઓ અને બીજા ભાઈઓ હિમ્મત કરીને વર્ષો પહેલા ઈસ્ટ આફ્રિકા પહોંચી ગયેલા અને કરિયાણાની  દુકાન ચલાવી લખલૂટ પૈસો કમાયા. દર બે ત્રણ વર્ષે એકાદ ભાઈ કુટુંબ સહીત આવતો ત્યારે સોનુ અને અન્ય મોજશોખની વસ્તુઓ લાવે. એ પૈસાથી બેફામ  જમીન ખરીદાવા માંડી. સ્વદેશ પાછા આવવાની તો વાત જ ન હતી, બસ  આફ્રિકા સ્વર્ગ હતું – દોલત, દારૂ અને સુંદરીઓ! રતિલાલ એ ભાઈઓ સાથે કેમ ન જોડાયો  એ સમજાય એવું ન હતું. એને તો બસ રામલીલા જોવાનો શોખ, સાથે હાર્મોનિયમ વાગે, ઢોલક – તબલાં વાગે – એમાં એને ખૂબ મઝા આવતી.ગણદેવીના નાકે થતી તવાયફના નાચગાનમાં ચક્કરે ચડી ગયો તેં ઈચ્છા સાથેના લગન પછી પણ ચાલુ રહ્યો.લોકો તો વાત કરે એવી !  લટકા મટકા કરતી નાચવાવળીને પેલો ટીકી ટીકીને  જોયાં કરે અને પૈસા ફેંકે.

પરણીને આવી ત્યારથી ઈચ્છા આ બધું સહન કરતી આવી – રતિલાલનું મધરાતે ઘરે આવવું, દારૂથી ગંધાતું મોઢું અને બીભત્સ ગીતોનો બડબડાટ. છગન આ બધું જોતો જોતો મોટો થયો.

અવળચંડા માર્ગે સંપત્ત્તિ વેડફાવા માંડી , કુબેરના ભંડાર પણ ખાલી થઇ જાય. જમીન ગીરવે રાખવી પડી જેને  કાળક્રમે હેરા ફેરી કરતાં તત્વો ખાઈ ગયાં.

રતિલાલે  જે આત્મઘાતક જીવનશૈલી અપનાવી હતી તેંનો અંજામ શો હોય? એ  ઈચ્છા- છગનને અલવિદા કરીને ગામતરે નીકળી પડ્યો.  પ્રેમાળ ભાઈ  વસનજી એમની  વહારે ધાયો. વસનજીની પત્નીનો દેહ વિલય કરુણાંતિકામાં  ઉમેરો – હવે ઈચ્છા છગનને લઈને ભાઈને ત્યાં વરણગામ રહેવા આવી ગઈ જેથી લલી – ધીરુ શાંતિ સહીત છગન- એમ બધાં  સચવાઈ જાય. વસનજી હેડમાસ્તરે   કામમાં ચિત્ત પરોવી દીધું.

ઈચ્છાફુઈને આજ્ઞાંકિત લલી પર જબરું વહાલ. સારાં  નરસાંનો   ભેદ એ બરાબર સમજે. લલીને પહેલવહેલો માસિક  ધર્મ આવ્યો ત્યારે એ દોડી ગઈ ફુઈ પાસે. ઘણીવાર લલી ફુઈની  સાથે રહીસહી જમીન અંગે અઝરાઈ પણ જઈ આવતી. બાપડા છગન પર લલીને બહુ હેત. એ ખાસ ધ્યાન રાખતી કે એ એના બાપના  ઘૃણાસ્પદ  રસ્તે  અટવાઈ ન જાય.

ઈચ્છાફુઈની તબિયત સુધારવા લાગી અને નવી વહુ શાંતાકાકી સાથે રસોડામાં  મદદ કરવા લાગી. ધીરે ધીરે વસન લાલાના કુટુંબે સ્વબળે પોતાની  સૂઝથી વરણગામમાં એક આગવી ઓળખ ઉભી કરી દીધી જેની નોંધ બીજા મોભાદદાર કુટુંબોએ તો લીધી અને સાથે પાડોશી પોલીસ પટેલ કીકુભાઇ – સવિતાએ પણ ખેદપૂર્વક લીધી. બીજે ગામથી વસાવાયેલો  લાલા પરાગ કબીલો આટલો બધો ઉપર કેમ કરીને આવી ગયો! – ઈર્ષ્યાની જ્વાળાઓ  લાલા પરાગ કુટુંબને  લપેટમાં લેશે?

                                                       •• •

સમી સાંજે ચાંદલિયો સોળે કળાએ ખીલી ઉઠ્યો. પૂજારી રામજીકાકાનો નાનો દીકરો મોહનીયો આજે કાઇંક વિચિત્ર વર્તી રહ્યો હતો. છેક નાનપણથી ગામલોકો જાણતા હતાં  કે આ બાળકમાં  કાઇંક વિચિત્રતા ધરબાયેલી હતી. એને અજ્ઞાત કહેવું કે ગાંડપણની નિશાની? બાળકમાં છૂપાયેલી અલૌકિકતાનો પરચો જીવણલાલને થઇ ચૂક્યો હતો – અલબત્ત એ વિષે કોઈને જાણ ન હતી.  પૂજારી એટલું જ જાણતો હતો કે મોહનીયો  ઘણી વાર મેરબાઈની દેરી માંની  મૂર્તિ સમક્ષ ધાયનમગ્ન થઇ જતો, માં એને ઘેર આવવા બોલાવે ત્યારે ઉઠતો.આવી અસામાન્ય અને તરંગી વર્તણુકથી એ દ્વિધામાં મૂકાઈ  જતા. મોહનીયો દેવી સમક્ષ ધ્યાનમગ્ન થઈને શું વિચારતો હશે? 

આજે તો એણે હદ કરી નાખી. લાંબા સમયની  ધાયનમગ્ન અવસ્થામાં એને કાંઈ ભાન ન હતું. પાર્વતી માંએ જયારે હાક મારી ત્યારે પણ ઉઠ્યો નહિ એટલે પૂજારીજી પોતે એને બોલાવવા નીકળ્યા. જોયું તો ચાંદો ક્ષિતિજ પર પૂરો ખુલ્યો  હતો અને  મોહનીયો આંખ બંધ કરીને ધ્યાનાવસ્થામાં કોઈ ન સમજાય એવા અગડમ  બગડમ મંત્રો ભણતો  હતો. રામજીકાકા હવે હેરાન.

‘બેટા ચાલો હવે, વાળુપાણીનો વખત થઇ ગયો.’

કોઈ પ્રત્યુત્તર નહિ.

એમણે   હળવેથી એના ખભાને હલાવ્યા, ‘ મારા લાડલા, જો ને બધા ચાલ્યાં ગયાં અને તું આટલો મોડો શું કરી રહ્યો છે?’

મોહનીયો જાણે તંદ્રામાંથી જાગૃત થયો હોય એમ આંખો ખોલીને કહેવા લાગ્યો, ‘ જાવ, જલ્દી જલ્દી ધર્મશાળાને સાફ કરાવો, પીવાના પાણીનો ઘડો મૂકાવો, પથારીની વ્યવસ્થા કરો…. જાવ’

‘અરે બેટા, તું આ શું બોલી રહ્યો છે ? ધર્મશાળા કોને માટે તૈયાર કરવાની?’

‘એ આવી રહ્યો છે, પાદરે આવી ગયો છે,’ મોહનીયો ભારપૂર્વક બોલ્યો.

‘પણ પેલો એટલે કોણ? ‘

‘તમને ખબર નથી? બહુરૂપી આવી રહ્યો છે.’

મોહનીયાને કોઈ પૂર્વ સંકેત મળતો હતો કે કેમ?

‘અરે બેટા બધું કરશું, એને આવવા તો દે અને તું ઘરે ચાલ, માં તારી રાહ જુએ છે’ હવે રામજીકાકા હવે થાક્યા  હતા.

‘અરે પણ એ પાદરે  આવી ગયો છે, જુઓ જુઓ એ રહ્યો’ મોહનીયાએ દૂર પાદરની દિશામાં હાથ કર્યો.

રામજીકાકાની આંખો હવે પાદર તરફ સ્થિર થઇ. ખરેખર એક વ્યક્તિ ગામ તરફ ચાલી આવતી હતી. પૂજારી એને સારી રીતે ઓળખતા હતાં, બહુરૂપી- વેશપલટોનો કસબી ! એ  લગભગ દર વર્ષે આવતો અને જાતજાતના વેશ ધારણ કરે, ચિત્ર વિચિત્ર વાઘા  પહેરે અને ઓળખાય નહિ એવો વેશ કાઢે. ગામ લોકોને તો બહુ મઝા આવતી. રોજ નવા નવા પહેરવેશમાં લોકોનું મનોરાંજન કરે, કોઈ દિવસ ભિખારી, કોઈ વાર ભગવાન શિવ અને કોઈ વાર તો અંગ્રેજ અફસર!

પૂજારીએ મોઢું ફેરવીને મોહનીયા તરફ ભય અને કુતુહલ મિસ્ત્રિત ભાવથી નજર કરી. એમનો જ દીકરો અને એમને ન સમજાય કાંઈ ! આવડા આ મોહનીયાને કેવી રીતે જાણ થઇ આ વિષે. ગામ લોકો ભૂત-પ્રેત માં વિશ્વાસ કરે, ડાકણની વાત કરે. કોઈ અભાગી લઘરવઘર બાઈને ડાકણ માનીને માર પણ મારે. ઘણી વાર આવી ચડેલા કોઈ બાબાને છોકરાં ઉઠાવી જનાર ચોર સમજી બેસે . હે ભગવાન મારા મોહનીયાને આવું ગાંડુ-ઘેલું બોલવા માટે માર તો નહિ મારે ને? 

‘હા હા મેં જોયો બહુરૂપીને, હું તરત પોલીસ પટેલને કહીને ધર્મશાળા તૈયાર કરાવું છું પણ મારા બેટા તું હવે ઘરે ચાલ તો’ ગભરાયેલા રામજીકાકા હવે મોહનીયાને એક પળ પણ અહીં રહેવા દેવા તૈયાર ન હતાં. ગામ લોકો આવી વિચિત્ર વર્તણુક જોશે તો પેથીપાક આપશે અને કદાચ આખા પૂજારી કુટુંબનેને ગામમાંથી તગેડી મૂકે.

મોહનીયો પૂતળાની માફક ઉભો થયો અને બાપ સાથે ઘર તરફ ડગ માંડ્યા.

ઘેર પહોંચીને પૂજારીજીએ ટોપી પહેરી  તરત પોલીસ પટેલના ઘરની વાટ પકડી. બહુરૂપી એને પટેલના ઘરની બહાર જ મળ્યો, મોહક સ્મિત વેર્યું, તેનો વસ્તુઓથી ફાટફાટ થતો થેલો બાજુમાં મૂકીને વરંડાપર બાંકડા પર બેસી ગયો.

‘અરે આતો બહુરૂપી જી’ સવિતા ડોકિયું કરતાં બબડી.  બીજી ક્ષણે પોલીસ પટેલ કીકુભાઇ બહાર નીકળ્યા.

‘રામ રામ બહુરૂપી જી, રામ રામ રામજીકાકા’ 

ઘડીકમાં આખા ગામમાં વાત પ્રસરી ગઈ. સાફસફાયી  થતી ધર્મશાળાના પ્રાગણમાં એક નાનું ટોળું એકઠું થઇ ગયું.

બહુરૂપીનું નામ શું હતું એ કોઈને ખબર ન હતી. એ ગમે ત્યારે જણાવ્યા વગર આવી જતો. એકાદ અઠવાડિયું ગામમાં રહે એમાં તો રોજ નવા નવ વેશ કાઢે અને જેનો વેશ કાઢ્યો હોય એના જેવી બોલીમાં બોલે અને તેવી જ વર્તણુક કરે એટલે લોકોને મઝા પડી જાય.આ બધું નાટક અલગ અલગ ઘર આગળ  થાય.કોઈ વાર તો એ પોતે વાંદરો બની જાય અને નાનાં ઝાડ પર ચડીને હૂપાહૂપ  કરી મૂકે. 

આ બાજુ બહુરૂપી ધર્મશાળામાં આવ્યો અને  પેલી બાજુ રામજીકાકા પોતાના ઘરમાં દાખલ થયા. જોયું તો મોહનીયો ઘસઘસાટ ઊંઘે, ચહેરા પર એક અજબનું અલૌકિક તેજ હતું – શું ચાંદનીના  ધવલ પ્રકાશમાં ઝગારા મારતું હશે? 

આ બધાં નાટકમાં ગોપાલ ક્યાં? ઉંમરમાં એનાથી નાનાં છોકરાઓની ટોળીમાં એ સામેલ અને ધર્મશાળા આગળ ભેગા થઈને તાગ મેળવવા ફાંફાં મારે કે  બહુરૂપી કરે છે શું? બધાથી થોડો ઊંચો ગોપાલ વધુ ઊંચો થઈને અંદર  શું ચાલી રહ્યું છે એનો તાગ મેળવવાની કોશિશ કરે. ગોપાલને આટલો બધો ઉત્સાહ? 

‘એ શું કરે છે અંદર, ગોપાલ?’. એક નટખટ છોકરાએ પૂછ્યું

જવાબમાં ગોપાલ ચાર પગે બેસી ગયો અને આમતેમ વાંદરાના અંદાજમાં કૂદવા માંડ્યો.

‘એંઈ ગોપાલ, ‘ રામજીકાકાએ ઘાટો  પાડ્યો, ‘ આવડો મોટો થઇને શરમ નથી આવતી તને તેં આવા વાનરવેડા કરે છે/’

ગોપાલ ખાસિયાણો પડી ગયો. ભેગા થયેલા છોકરાઓ  ધીમે ધીમે ખસવા લાગ્યા.

ગોપાલનું મોં  એવું કે જાણે મીઠાઈનો ટુકડો છીનવાઈ ગયો હોય.

ગોપાલને કેટલાય વખત થી બહુરૂપી બનવાનો ચસ્કો લાગ્યો હતો. એણે નક્કી કરી નાખ્યું હતું કે ભલેને એના પ્રમાણિક અને  ગુણી  પૂજારી બાપા ના પાડે તો ય બહુરૂપીના બધા ખેલ કોઈક રીતે શીખી લેવા.

‘ચાલ હવે  જલ્દી, અક્કલ વગરનો’ રામજીકાકાનો  ઘાંટો  પણ ઊંચો થઇ ગયો. ‘બહુરૂપીને આરામ કરવા દે જરા.’

xxxxxxxxxxxxxxxxxxxxxx

બહુરૂપી પ્રકરણ ૪ : જમના

રાત્રે અચાનક ઝાપટું પડ્યું. ફળિયામાં સૂતેલો ભીખુ ઉતાવળમાં અસ્તવ્યસ્ત ગોદડી સંકોરીને  દોડીને  ઘરમાં ભરાઈ ગયો. 

“બેટા  પ્હેલ્લાં માથું  નૂછ, ની  તો  શરદી થેઈ જહે”  ”બધી માંની જેમ  જમનાએ       લાડથી ટકોર  કરી. .પણ ભીખુ  એને ગણકાર્યા વગર ગોદડી  બિછાવીને સૂઈ ગયો. આમ તો ભીખુ  ડાહ્યો ડમરો,  કહ્યાગરો છોરો હતો પણ “આટલી અમથી છાંટી પડી તેમાં હું ?” એમ કરી ને ચૂપચાપ સૂઈ ગયો. લગભગ બાળ વિધવા એવી જમના ઉપરથી શાંત પણ અંદરથી ઝંઝાવાતી સ્વભાવ માટે પ્રખ્યાત કે પછી  કહો  કે કસબા તરીકે  ગર્વથી ઓળખાતા  સરભોણમાં  કુખ્યાત હતી.             ફાંકડા એવા મોરારને પરણીને આવતાં જ એની ગણના  એક “આઝાદ” બૈરીમાં થવા  માંડી હતી. અરે બીજાની વાત છોડો, એના વર મોરારની વાત પણ ઘણી વાર માનતી નહિ. મોરારને વહાલ પણ કરતી, એટલું જ જબરજસ્ત  

આ બાજુ પેલા કોઈ ગાંધીજીની અહિંસાની વાત સાંભળીને ઘણી વાર ઉકળી પડતી – “તે એમ હરખું  લયડા વગર કાંઈ આઝાદી મળવાની છે કે? હારા નિકરી પયડા તે ” 

બોડા માથા ઉપર લાલ લૂગડાંનો પાલવ ઓઢેલી જમનાના મનમાં પારાવાર દુઃખ ,પણ બહાર  એને ડોકાવા ન દેતી. બિચારીને જાણે સુખ નસીબમાં લખ્યું ન હતું. 

પહેલું  સંતાન, બાબો મરેલો જન્મ્યો . બીજી બેબી આવી તે થોડાક મહિનામાં મગજના તાવમાં પરલોક સિધાવી ગઈ. ત્રીજો, તે આપણો આ ભીખુ, જન્મ્યો ત્યારે તેનું નામ તો નારણ રાખ્યું પણ એ છ વરસનો થયો ત્યાં  મોરાર પ્લેગમાં દેવ થઇ ગયો.

અરે એના માથાના વાળ ઉતારવા આવ્યા ત્યારે કેટલું  તોફાન  કર્યું  હતું  જમનીએ?  એના રેશમ જેવા કાળા ભમ્મર વાળના ગામમાં ઘણા દીવાના હતા. લાલ રંગનું લૂગડું  પહેરવાનું આવ્યું તો ઘસીને ના પડી દીધી. પછી તો જેમ તેમ ઠાકોરજીનો ડર બતાવીને  એને  લાલ લૂગડું પહેરાવી દીધું. ભીખુ હવે દસ વરસનો થયો. હા એનું નામ નારણમાંથી ભીખુ કેવી રીતે થયું હશે તે તો બધાને ખબર જ હશે. 

“ભીખી ને લાવેલા” એટલે ભીખુ. 

કપડાં વિગેરે સગા સંબંધી તરફથી. ભીખીને  આણેલો  એટલે વિધાતાને પણ  ફોસલાવવાનું કે “આ અમારો  દીકરો નથી  ભાઈ, જુઓને એના કપડાં અને બધું બીજા લોકો કરે. એને મારતા નહિ ભગવાન”

સવારના પહોરે નાહી ધોઈને પહેલું કામ તે ઘોડિયાં  કરતા ઠાકોરજીને બે હાથ જોડવાના, પેલા બાજુમાં ગોઠવેલા હાર પહેરાવેલ મોરારના ફોટા ને જરા પગે લાગીને યાદ કરી  લેવાના. ત્યાં તો બારણેથી પાડોશી વિધુર નાથુ કાકા અચૂક ડોકિયું કરે ” અલી જમના, હૂં કરે? કાંઈ કામકાજ ઓય તો કેજે હેંકે. દુઃખી નોખે થતી ”

એક વેધક નજર નાખી ને “એ બો હારુ” કહીને એને વિદા કરતી. મોરારની વિદાય પછી આવા નાથુકાકાઓની લંગાર ચાલુ ને ચાલુ.

જમનાએ નાના અમસ્તા તકતા (અરીસા) માં ડોકિયું કર્યું ‘ સુંદર મઝાનો સુડોળ       ચહેરો, એક અકાળે  આથમી ગયેલો ચાંલ્લો, એક નિ:સાસો ,સખ્ત ભીડેલા હોઠ. માથે ઓઢેલો લાલ ચટક સાડીનો પાલવ ચહેરાને એક અજબ ચમક આપતો. ગામ આખાએ  હવે એને ગંગા સ્વરૂપ તરીકે સ્થાપી દીધી હતી પણ ગંગા માતા કાંઈ વિધવા થોડી હતી?  પવિત્ર થવા માટે વિધવા થવું પડે, આ બધા નાથુ કાકાઓની જમાતમાં ?

આંખો ચોળતો ભીખુ ઊઠ્યો ” માં, આજે નિહાર  માંડી વારુ?” 

“એ હૂં બોયલો તૂ ? એમ નિહાર અમથી અમથી પાડવાની ની, દીકરા? તારે તો ભણીગણીને તારા મોંટામામા  દયાળજીની પખણ (જેમ) મોટા સોલિસિટર બનવાનું છે, હૂં?” “ચાલ વહેલો તીયાર થઈ જા. જો તને ભાવતું વેંગણનું ભથ્થું છે તે રોટલા હાથે ખાજે, ” 

થોડા કટાણા મોઢે ભીખુમાં શિસ્તનો રંગ ચઢતો જતો હતો. નંબર તો એ પહેલો લાવતો જ.

રમતગમતમાં ભીખુનું બહુ ઊપજે નહિ પણ એમ જમના છોડે નહિ. બધા છોકરાઓ   રમતા હોય તેમાં  ભીખુએ જવાનું, 

એક વાર તો ભીખુને પગમાં સખત વાગ્યું; દોસ્તારો એને ટીંગાટોળી કરીને ઘેર લાવ્યા. ભીખુ તો એવો કકળે ! પણ અચળ એવી ‘ગંગા સ્વરૂપ’ જમનાએ સ્વસ્થ મને ગોળહળદરનો લેપ લગાવ્યો, પાટા પિંડી કરીને ભીખુને તાકીદ કરી”

એ તો રમતાં જરાતરા  વાગે. કાલ તો હારુ થઈ જહે – નિહારે જવાનુંને?” મરદાનગીના પાઠ હો જમના માં ભણાવે.

જો કે ભીખુને પોતાનામાં કસર લાગતી. એકવડિયા બાંધાનો ભીખુ, પહાડ જેવા દોસ્તારો આગળ ભીરૂ લાગતો.

દિવંગત થયેલા બાપુજીની યાદ એને સતાવતી હતી કે કેમ? 

જમનાને ગળા સુધી ખાતરી હતી કે એનો ભીખુ બહાદુર થશે, બિલકુલ પોતાના જેવો  અને સોલિસિટર બનશે એના દયાળજી મામા જેવો.

—————————————————

માં દીકરો મુંબઈની સફરે:

પૂરા પાંચ વર્ષ બાદ……

જમના માં આજે રાજીની  રેડ હતી. કેમ ન હોય? ભીખુ મેટ્રિકની  પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયો. 

ખૂબ જીવજે દીકરા,  તેં આપણા કુળનું નામ ઉજાળ્યું. 

ભીખુએ પણ તબિયતે હવે જરા કાઠું કાઢ્યું, પાતળો એવો જ પણ મૂછનો દોરો એને  એક નવી છાપ આપતો  હતો . જરાકમાં હોઠ હસું હસું થઇ જતા,  બિલકુલ એના બાપની જેમ.

વિજ્ઞાન અને ગણિતમાં એને ડિસ્ટિંક્શન માર્ક મળ્યા એ તો ઠીક પણ પાંચમાં પૂછાય  એવી હિમ્મત  આવી ન હતી. સોલિસિટર થવા બધાની વચ્ચે બોલતાં આવડવું જોઈએ – જમનાનો એ તર્ક ખોટો ન હતો. પણ  ભીખુને શું થવું હતું એ કોણ પૂછે એને? મજૂરો પાસે ખેતી કરાવીને જમનાએ ખપ પૂરતા ભાત ઉગાડીને આટલાં  વરસ ચલાવ્યું. હવે ભીખુને નવસારી  કોલેજમાં જવા પૈસા કેવી રીતે કાઢવા? ભીખુએ મોટા માણસ થવું હોય તો નવસારી કોલેજમાં દાખલો લેવો જરૂરી હતું,  બીજા સુખી ઘરના છોકરા કરતા તેમ.

“ઠાકોરજીની પાસે ભીખુની કોલેજના એડમિશન માટે ભીખ થોડી મગાય?” જમના રૂઆબથી કહે.

“ભગવાન તો આપણા મનની શાંતિ માટે છે, માગણી કરવા નહિ. મહેનત કરો ને પામો. કૃષ્ણ ભગવાને કયું છે ને? મારા પર ભરોસો રાખો પણ મારા ભરોસે બેસી ન રહો ”  બધાને રોકડું પરખાવતી.

પાડોશી નાથુ કાકા હવે ઉમર વધતાં ઓછી નૌટંકી કરતા પણ ભીખુને કોલેજની ફી ભરવાની ઓફર કરવાની તક ગુમાવી નહિ.

“ભીખુ, જો જે આવા અવળચંડા લોકોથી   દૂર રહેવાનું, હમયજો?” 

પુખ્ત થવા આવેલો ભીખુ હજી એટલો સમજણો થયો ન હતો. નાદાન એવો એ,નાથુકાકાને આદરથી જોતો.

તે દહાડે તારવાળો પોસ્ટમેન ઘેર આવી પહોંચ્યો. જમનાને ફાળ પડી.. તાર ઘણે ભાગે દુઃખી થાય  એવા સમાચાર લાવતો. નક્કી કાંઈ અજુગતું થયું લાગે છે.

ભીખુ એ ડરતાં ડરતાં તાર ફોડ્યો અને જેવું આવડતું હતું તેવા અંગ્રેજીના જ્ઞાને વાંચ્યો. 

મોટામામાને ઘેરથી તાર હતો. તેમનો નાનો દીકરો રણજિત અચાનક ભગવાનનો વહાલો થઇ થઇ ગયો.

“હે ઠાકોરજી આ હૂં થઇ ગયું? ” ભાઈનો મોટો દીકરો અમરત ખાસ્સો ૯ વરસ મોટો અને રણજિત તો બરાબર ભીખુ જેવડો. 

આ તો ગજબ થઇ ગયો. જમના જેવી આઝાદ સ્ત્રી માટે પણ આ આઘાત જીરવાય એવો ન હતો. એના 

નસીબમાં દુઃખ જ લખાયેલું હતું કે કેમ?

ભીખુ રડતાં રડતાં કહે ‘અરે છેલ્લા વેકેશનમાં જ્યારે રણજિત અહીં આવેલો ત્યારે   કેટલું રમ્યા હતા?’

“આપણે મોટામામા અને મામીને દિલાસો આપવા મુંબઈ જવું જોઈએ”  ભીખુએ  સૂચવ્યું. 

“પણ ભીખલા, આ તો મુંબઈ જવાની વાત છે, નવસારી બવસારી નહિ.” કુળદિપકને  પુખ્ત થઇ ગયેલો જોઈને એક અજબ પ્રકારની નિરાંત થઇ;  પણ સાથે ચિંતા પણ.  દયાળજીનું આલીશાન મકાન,-  છે….ક  મલબાર હિલ પર હતું.

  “માં તૂ ફિકર ની કર. આપણે જહું એ નક્કી”

“પણ જવાના પૈસા?” 

“ચાલ માં, નાથુ કાકાને પૂછીએ, એ કે દાડે કામ લાગવાના?” ભીખુ બોલતાં બોલી   ગયો.

“તૂ એનું નામ ની લેતો પાછો. ઊં હજુ બેઠલી છે હમયજો?” જમના માં ઊકળી પડ્યાં.

“પણ મુંબઈ સુધી એકલા જવાનું….?” 

“તમે ફિકર નો કરો માજી. મારો ફૂયાત રવજી કાલે મુંબઈ જવાનો છે તેની હાથે તમે જજો” પોસ્ટમેન  મકનજી  માં-દીકરાની વાત સાંભળ્યા કરતો હતો તે એકદમ વહારે ધાયો. “ચાલો તો પાકું. ઠાકોરજી તમારું ભલું કરે મકનજી” 

જમના બાએ મક્કમ પગલે એક અંધારી ખોરડી તરફ ડગ માંડ્યા. અંદર જઈને કેડે લટકાવેલી ચાવીથી એક મોટો ભારેખમ  પેટારો ખોલ્યો અને સાવધાનીથી ૫૪ રૂપીઆની  રકમ કાઢી. આ મૂડી તેણે કોઈ  પ્રસંગ માટે સાચવી રાખી હતી. ‘લે ભીખા, એટલા બો થઇ રેહે. તૂ હવે તૈયારી કર જવાની’ માં પાસે બધી આફતનો  સામનો કરવાનો  રસ્તો  હતો. 

આ બાજુ આખા કસબામાં હલચલ મચી ગઈ. 

‘ખરાં હેં, માંદીકરો? ભાયના ખરાબ વખતે છેક મુંબઈ હુધી દોડવાના’, લોક બધું કહેતું  થઇ ગયું.’જબરી આઝાદ બાઈ છે’. 

‘અરે જમની, તે…. હાથે (સાથે) પાણી, ને થોડો નાસ્તો રાખી મૂકજે – પોયરો ભૂખો થહે રસ્તે’. પણ પોયરો હવે મરદ થઇ ગયો તે ગામ લોકને કેમ ખબર ‘એલાં મને બધું આવડે. અમથી સલાહ સૂચન નો આયપા કરો તમે બધાં ભેગાં થઈને’. 

ભીખુ એ એક કપડાંની થેલીમાં જોઈતો સામાન ભર્યો. એનો મેટ્રિકનો રિપોર્ટ કાર્ડ પણ સાથે અંદર સરકાવી દીધો. ‘મોટામામા ખુશ થશે’

જમનાએ ભીખુનું ખમીસ સરખું સાંધી દીધું – ‘પોયરો હવે મેટ્રિક હારા માર્કે પાસ થઇ ગીયો તે એમ ગમે તેવું ખમીસ થોડું ચાલે? એ તો  દયાળજી  સોલિસિટરનો ભાણેજ. હૂં હમયજા? ‘ જમનાનો હરખ સમાતો ન હતો.ગામમાં ગમે એવા પ્રસંગે ઘર બંધ રખાય નહિ. ભેંસને પણ રોજ દોહવાની. જમનાએ તરત જ કાશીને બોલાવી મંગાવી. કાશી, જમનાની જેમ વિધવા અને ઘરમાં દીકરાની વહુ  સાથે રોજ ઊઠીને કકળાટ.

‘થોડા દહાડા  તેને નિરાંત – કકળાટથી’

તે તો તરત રાજી થઇ ગઈ.

‘જો કાશી, આને તારું જ ઘર માનજે, ભેંસને દોહવાનું ભૂલવાનું નહિ. તુ તારે નિરાંતે રહેજે.અમે થોડાક દહાડામાં પાછા આવી જહું’ આઝાદ જમનાનો  રૂઆબ ગજબનો હતો. પુરુષો તો પોતાની  વહુવારુઓને જમનાથી દૂર રાખવા મથતા – ‘નખે ને એના જેવી આઝાદ થઈ  ગઈ તો? બૈરાંની જાત, ભગવાને  જુદી બનાવેલી  તેને હાના આટલા ચાળા’

બીજે દિવસે ગામનો બ્રાહ્મણ મંત્ર બોલીને આશીર્વાદ આપીને  સીધું લઇ ગયો પછી માં-દીકરો એસ ટી ડીપો પર પહોંચી ગયા.

અગિયારની લોકલ પકડવાની હતી.

‘ફાસ (ફાસ્ટ ટ્રેઈન ) નું ભાડું તો બો ભારી, આપણને ની પોહાય’- જમનાનું ગણિત.

સરભોણનો બસ ડીપો ઘરથી નજીક હતો અને રોજ બસ પકડવા આવતાં જતાં લોકોને જોઈ નાનો ભીખુ બોલી ઉઠતો

‘માં, આપણે બધાને લેવા મૂકવા જીયા કરવાનું, તે આપણે કે દાડે બસમાં જવાના?’

ખરેખર, આજે રોજ કરતાં બસ ડીપો કાઇંક જુદો લાગતો હતો; જાતે બસમાં જવાના હતા તે? રોજ તો જ્યારે ક્યાંક જવું હોય તો ચાલતાં જવાનું કે બહુ બહુ તો કોઈની ગાલ્લીમાં.  ઉત્સાહ માત્ર ભીખુનો ન  હતો. જમનાએ હરખમાં એક કપ ચા ગબડાવી  દીધી  પેટમાં.

‘આયખામાં કોઈક વાર તો ટેસ કરવાના, એમાં કાંઈ  ખોટું નથી’,  માંનો બચાવ. ભીખુ  માંને પોતાની જાતને ખુશીમાં તણાતી જોઈ રહ્યો.

નવસારીની મોટર ( એસ ટી બસ )  ધસમસતી આવી તેમ લોક બધું દોડ્યું – એક   ટોળાંની જેમ. 

નહિ કોઈ શિસ્ત;  નહિ કોઈને માટે માન. ભીખુ માંનો હાથ પકડીને બસમાં ચઢવા   આગળ વધ્યો.

‘અરે માજી, તમે આજે વળી કેવા બસમાં જવાના થઈ ગિયા?’ એક પરિચિતે  ડહાપણ કર્યું.

‘કેમ વરી, ઊં મારા પોયરા હાથે મુંબઈ ચાલી … મારા સોલિસિટર દયાળભાયને તાં  ખરખરો કરવા. તેમાં તારા બાપનું  હૂં ગિયું ભાય?’, જમના તાડૂકી   

ભીખુએ ડોકી હલાવી.

પેલો તો સડક થઇ ગયો. આ તો જબરી છે – બહુ માથાઝીક કરવા જેવી નથી.

અંદર માંદીકરો ગોઠવાયા એટલે ભીખુએ આમ તેમ નજર દોડાવી – પેલા તારવાળા પોસ્ટમેનના ભાઈ રવજીને  શોધવા.

‘માં રવજીકાકા કાંઈ દેખાય ની ને કેથે!’

‘તે આવવાના  ઓહે (હશે) તો આવહે (આવશે) . તૂ છેને  આવડો મોટો મારી હાથે?’, માંના આ શબ્દોથી  ભીખુની છાતી ફૂલી.

શરીરમાં ગરમ લોહી દોડવા માંડ્યું.

બસ ડ્રાયવરે હોર્ન જોરમાં વગાડીને બધાને ચોંકાવી દીધા – બસ ઉપાડવાનો ટાઈમ   થઇ ગયો.

કંડક્ટર જરા માથા ફરેલ હતો. ‘અરે હૂં કરે બધા? એ તમારી તો… ચાલો ચાલો -બસ ઉપાડવાની તે ભાન પડે કે ની?’ સાથે એક બે ગાળ ચોપડાવી.

‘એય લલ્લુ તૂ તારે બસ ઉપાડ. અવે (હવે)  કોઈ કાકો આવવાનો નથી. જે રહેઈ ગિયું  તે ગિયું’, કોઈ ઘરડાએ કંડકટરને તાકીદ કરી. કંડક્ટરે ટીન ટીન કરી એટલે ગળે રૂમાલ બાંધીને ડ્રાયવરે બસ ઉપાડી તે એવી ઉપાડી જાણે કે ધરતી પરથી બ્રહ્માસ્ત્ર છૂટ્યું. આગળ ઉભા લોકોએ  આમથી તેમ નાસભાગ  કરી મૂકી, બસ ડ્રાયવરને ભાંડતા ભાંડતા.

ધૂળની ડમરી ઊઠી.હજી બસ ડીપોમાંથી બહાર નીકળી ત્યાં આગળ રવજી દેખાયો – બસને ઉભી રાખવા હાથ હલાવતો. ‘હા આવો આવો, તમારી જ ગાડી છે, ગમે ત્યારે આવો,  બેં…ચુ નિકરી પયડા તે’ 

કંડક્ટરે ગુસ્સામાં ધડાક દઈને બસનું ખખડધજ બારણું બંધ કર્યું અને  ટીન ટીન       કરીને  બસ આગળ  વધી. 

‘અરે ભાય, કંઈ નથી – એ તો જરાક – બધી ઈશ્વરની માયા’, રવજીએ એક શરમાળ સ્મિત કર્યું અને અંદર આવીને જોવા  લાગ્યો – ક્યાં બેઠા છે જમના અને ભીખુ? એના ભાઈ મકનજીએ આ લોકોની જવાબદારી સોંપી હતી એને. બેઉને જોઈએને  હાશ થઇ અને એમની પાછળની સીટ પર જઈને બેસી ગયો. બાજુમાં પેલો જમનાનો પરિચિત હતો.

‘તમે બેઉએ બસ પકડી લીધી- ચાલો મારો તો જીવ અધ્ધર થઇ ગયો કે હું  મોડો    પડ્યો’

જમનાએ થોડુંક પાછળ જોઈને માથું હલાવ્યું અને અદાથી આજુબાજુની શ્રુષ્ટિ          નિહાળવા લાગી. 

પેલા પરિચિતે અર્થ વિહીન ડોકું હલાવ્યું.

બસ આગળ દોડવા લાગી. નાના ગામોએ ઉભી રહીને નવા નવા મુસાફરોને અંદર  સમાવતી ચાલી. સામેથી એક લગનના બળદ ગાડાંની વણઝાર દેખાઈ એટલે બસ ધીમી પડી. જમણી  બાજુ બેઠેલા  બધા  લોકોએ કુતુહલતાથી ડોકું બહાર કાઢ્યું. ‘અરે આ સિઝનમાં લગન ?- કાંઈ ગાંડા થઈ ગિયા કે હૂં?’

પેલો પરિચિત ભાઈ જમનાને પૂછે  ‘એ હારુ… કોને તાંના લગન; ઓરખો કે એ લોકોને?’

જમનાએ મૌન સેવ્યું.

એટલેથી અટકે પેલો ? 

‘તે જમની, તારો ભાય, મોટો સોલિસિટર દયાળજી , હૂં કામનો ? હગી બેનના  મુસીબતના વખતમાં  મદદ હો ની કરી’

હવે જમના ભભૂકી ઉઠી, ‘તું તારું જો, હમયજો? મારી વાતમાં ડહાપણ કરવાનું તારે હૂં  કામ? ઊં કોઈ પાહેં ભીખ ની (નહિ) માગું તે  ની… જ માગું – ભગવાન પાહેં હો ની…,  તમારી પખણ. એટલું જાણું કે ભાયને માથે આપદા આવેલી છે તે મારે જવાની ફરજ. બીજું કાંઈ? હવે  મને શાંતિથી  બેહવા  દે તૂ’

પેલો તો ગલવાઈ ગયો તે ગયો પણ પાસે બેઠેલો રવજી પણ ચૂપ થઇ ગયો

‘આને છેડવામાં માલ નથી’

ખખડધજ બસની સફર અવિરત. 

ગણદેવા ગામ –એના પિયરનું પાટિયુ દેખાયું અને જમનાની આંખમાં ચમક આવી ગઈ. 

‘ભીખુ હવે જોજે ગણદેવા,  તારું મોહાર (મોસાળ)  દેખાહે’ બોલતાં બોલતાં  જમનાની આંખમા આંસુ છલકવા લાગ્યાં. 

ગણદેવાનું પાદર આવ્યું એટલે બસ ઊભી રહી 

‘ભીખુ તને ખબર છે? એક વાર ઊં અહીંયા હુધી  રિહાઈને (રિસાઈને )  આવી રહેલી – મેં એક મોટા પોયરાને બો ઝાપટેલો એટલે મારા બાપાએ મને મારવા કયરું એટલે ઊં તો નાહી (નાસી)  આવી અહીંયા; ઘાઘરો ચોરી પેરેલા પણ દુપટ્ટો ની પેરેલો. એ તો  બાજુ વારા કાકા મને જોઈ ગિયા, ને મને કેય (કહે) – ‘એ જમની, આટલે લગણ કેમ કરીને આવી ગઈ- એખલી એખલી.’ 

‘મારો તૌબરો ચડેલો એટલે વાત પામી ગિયા. મને પકડીને જેમ તેમ ઘેરે લેઇ ગિયા, અરે ઊં તો બો તોફાની ઊતી, પોયરા કરતાં હો… જબરી…’ જમના બાળપણમાં સરકી પડી એ તોફાનના દિવસો ! એ મઝા!

આ સાંભળી રહેલા ભીખુ અને પાછળ બેઠેલા પેલા બે અવાચક થઇ ગયા. ખરી   બાઈ! 

ભીખુને હવે ખયાલ આવ્યો માંને બધા ‘આઝાદ કેમ કહેતા.

‘દીકરા તને ભૂખ બૂખ નથી લાગી?’ માંનો પ્રેમ ઝળકી ઊઠ્યો.

અચાનક દીકરાને જોમ ચડી ગયું. માં આટલી બહાદૂર અને હું ? આઝાદ માંની વાતો  સાંભળીને દીકરો આઝાદ થઇ ગયો.    ‘નહિ માં , મને કાંઈ ની (નહિ) જોઈએ. ઊં (હું)  હારો છું’ 

માં એ શાંતિનો  શ્વાસ લીધો હવે. ભીખુ હવે કીકલો રહ્યો ન હતો. મોટો મરદ થઇ ગીયો, મારો ભીખલો..

નવસારી રેલવે સ્ટેશન આવી ગયું. ઉતરીને ભીખુ માં પાસે પૈસા લઇને ટિકિટ બારી પર મક્કમ પગલે જઈને  બોમ્બે સેન્ટ્રલની ટિકિટ કઢાવી  આવ્યો.

ટિકિટમાં લખ્યું હતું “તીસરા દર્જા, મામૂલી” અંગ્રેજી હકુમતે ઓર્ડિનરીનો તરજુમો પણ  એવો કર્યો હતો કે આપણને  મામૂલી હોવાની ઝાળ  બળે. પ્લેફોર્મ પર માંએ ભીખુને એક કપ ચા પીવા કહ્યું પણ મરદનો બચ્ચો ન માન્યો. ‘ઊં હારો છું’ કહીને ટ્રેનના આવવાની રાહ એવી અદાથી જોવા  માંડ્યો કે જાણે પોતે  રેલવેનો માલિક ન હોય? રવજી આવીને ‘તમે ફિકર નો કરતા’, કહીને બાજુમાં ઊભો રહ્યો.

XXXXXXXXXXXX

પ્રકરણ : ભીખુનું ભવિષ્ય કંડારાશે 

તે જમાનામાં રેલવેની, ‘લોકલ’ તરીકે ઓળખાતી ધીમી ગાડી; બીજી તે… ‘ફાસ’ તરીકે ઓળખાતી.

ઘણા કહેતાં કે ‘લોકલ’ માં જવું વધારે સારું. ઓછા પૈસા અને વધારે બેસવા મળે તે નફામાં. બધા સ્ટેશને ગાડી ઊભી રહે એટલે જોવાનું હો કેટલું ફાઈન? પાલઘરની માતબર ચા પીવા મળે, દહેણુંની  દાળ – આહાહા!  ફાસ તો બો ફાસ, ભાય. નાના સ્ટેશને ઉભા  રહેવાનું નામ નહિ. આપણે ફાસમાં બેઠા હોય ત્યારે ગાડી જ્યારે  નાના સ્ટેશનને ધડધડાટ કરતી પસાર થતી હોય ત્યારે પ્લેટફોર્મ પર ઊભેલા બધા મોઢું વકાસીને જોતા હોય એ…જોવાની  મઝા પડે બાકી.

પણ આપણી વાત પેલી લોકલની ચાલે છે.

લોકલ નાના સ્ટેશને ઊભી રહે અને ઘણી વાર સાઇડીંગમાં  ખાસ્સી ઊભી રહે, બીજી ભા…રી  એક્સપ્રેસ ગાડીને આગળ કઢાવા દે.  આવી પરિસ્થિતિ આવે એટલે આપણી સાથે બેઠેલા રેલવેમાં કામ કરતા ‘સાહેબો’ (જે  અદા.. થી મફતમાં  મુસાફરી કરતા હોય) તે  અચૂક બોલી ઊઠે  ‘પાંચ  અપ ને કાઢવાના કે હૂં?’

કેટલા જ્ઞાની સાહેબો!

ઘણી વાર તો નાના સ્ટેશનનાં પ્લેટફોર્મ એટલા ટૂંકા હોય કે “પાણી, પાણી “કરતી,  ભીછરા વાળવાળી, કાંખમાં સરસ મઝાનો  છલકાતો ઘડો લઈને દોડતી છોકરીઓનો હાથ પણ આપણી સીટ સુધી જેમતેમ  પહોંચે. અને પાણી પીવડાવીને બિચારી એ બધી  ક્યાંય સુધી ગાડી સાથે દોડતી રહે – ફેંકેલા સિક્કાઓને લેવા.

આ પાણી પીને કોઈ માંદુ  પડતું નહિ!

હરિ ૐ.

કારણ ગમે તે હોય પણ જમનામાંએ લોકલમાં જવાનું નક્કી કર્યું.

દીકરા ભીખુમાં થઇ રહેલા બદલાવ જોઈને મલકાતી પણ મનમાં એના ભવિષ્યની ચિંતા  પણ ખરી.

રવજી  બિચારો  અવઢવમાં,  કે આવી  ‘આઝાદ’  જમનાનું  ધ્યાન  તે વળી  કઈ  રીતે  રાખવું ?

પોતાની સીટ પરથી ઊઠીને ઘડી ઘડી એ લોકોને જોઈ આવે.  સાથે બેઠેલા કહે   ‘અરે આ હૂં માયડું છે તમે? જુએ કેની અમે કેટલા દુઃખી થીયે તે?’

‘અરે ભાય, જરાક ખમી લેવ ની. એ મારા હગાં જિંદગીમાં પેહલી વાર ગાડીમાં બેઠેલા  છે.’ ગલવાયેલો રવજી બોલ્યો

‘તે તારી સીટ અદલાવ બદલાવ કરી લે. આ ઘડી ઘડી દુઃખી કરે તે ની ચાલે’

આઝાદ અને આખા બોલી એવી જમનાની બાજુમાં બેસવાના વિચાર માત્રથી એ શિયાંવીયાં થઇ ગયો.

‘ભાય ભાય, થોડાક જ કલાક છે આ બધો ખેલ.’

જમના બેઠી હતી ત્યાંથી કાંઈ ગડબડ સંભળાઈ.

‘એય, તે આ ગાડી તારા બાપની છે? બારી બંધ કર ની? એન્જિનમાંથી ગાલ્લીખણ  કોલસી ઊડીને અંદર આવે તે’

જોય કે ની? મારો પોયરો ક્યારનો આંખ ચોરી ચોરી (ચોળી ચોળી )ને દુઃખી થઈ ગીયો” જમનાનો અવાજ – મિલિટરીના જનરલ જેવો

‘જુઓ જરા જીભ પર લગામ રાખો. એ બારી બંધ કરવા ઊં ક્યારનો મથતો છે. હહરી  બંધ ની થાય તે ની..જ  થાય. ને બંધ થઈ ગઈ તો ગભરામણ થેઈ તો? વાત કરે તે  મોટી?’

ગાડીમાં નવા સ્ટેશનેથી ચઢનારાને આવો પ્રતિકાર સામાન્ય હતો. આગળથી આવતા  લોકોને પોતાની જગ્યા સાચવવાની અને નવા ચઢનારા લોકોને બારણું બંધ કરી દેવું કે બીજી રીતે ઘૂસવા નહિ દેવા.

થોડી વાર આવો ગજગ્રાહ ચાલે પછી કોઈક રીતે બધું થાળે પડે.

જમના-ભીખુને પણ આવો અનુભવ થઇ ગયો – નવસારી સ્ટેશને.

અંદર ચઢયા તો બારી આગળ કોઈનો રૂમાલ, જગ્યા રોકીને પડેલો. કોઈ વળી પ્લેટફોર્મ પર ઊતરીને નાસ્તો લેવા  ગયું હશે – સાવ સામાન્ય બાબત. પણ જમનાએ પટ દઈને રૂમાલ ખસેડીને આસાન જમાવ્યું.

પેલો તો આવીને ઊકળી પડ્યો.

‘આ તો મારી સીટ તે તમે કેવા બેહી ગિયા? વહેલો આવીને બારીની સીટ લીધેલી તે  કાંઈ તમારે હારૂ? આ ની ચાલે. અહીંથી ખહી જાવ ને બીજી જગ્યા હોધો’ તે પણ  ગાંજ્યો જાય એવો ન હતો.

‘ઊં તો આ બેઠી, તારાથી થાય એ કરી લે. તારે બેહવું ઓય તો અહીં બેસ પાહેં’

એટલામાં રવજી વચ્ચે પડ્યો.

‘અરે અરે, તમે હો હૂં? બેન માણસ હાથે આમ વાત થાય? આ બેહો ને શાંતિથી; થોડા કલાક છે’

જમનાએ માથે ઓઢેલું તે જરાક ખસી ગયું અને એનો સુડોળ ચહેરો જોઈને પેલો બાજુમાં બેસી ગયો. ’ચાલ બો હારું.’

પછી જમના તરફ નજર ફેરવી ને પૂછે  ‘તે તમે ક્યાં જવાના?’

બસ, હવે મામલો પાટે ચઢી ગયો. શરૂઆતની ધમાલ પછી બધા એક બીજાને આમ  પૂછતા થઇ જાય.  હવે આગળ આવતા સ્ટેશન સુધી શાંતિ  અને પાછું  પુનરાવર્તન – કોઈને કોઈ સ્વરૂપે.

ગાડીમાં મુસાફરી કરવાની આ મઝા. થોડી વારમાં બધા એક બીજૉનાં આત્મીય સ્વજન હોય એમ ‘તમે ક્યાંના? તે બોમ્બે તમારું કોણ છે? હેં? બોરીવલીમાં? ઓહ ત્યાં તો મારા કાકાનાં દીકરાનું પણ  ઘર છે. હૂં?’

‘હું  તો મૂળ ગંગાધરાનો પણ વર્ષોથી અમે સુરત આવી રહેલા. હા, અમારું ઘર ભાગળથી તદ્દન પાસે.  આવજો, કોઈ વાર. મોહન મીઠાઈની દુકાનની ઉપર. કોઈને બી પૂછો – પેલા રણછોડ પટેલનું ઘર કયું?- તરત બતાવી દેશે.’

ભૂલે ચૂકે જો આપણે ભાગળ  જઈ પહોંચીએ અને ‘કોઈને બી પૂછીએ તો કોઈ કાકાને ખબર ન હૉય એ રણછોડ પટેલ એટલે કોણ! લોકો પોતાના અસ્તિત્વ પર એટલા  મુસ્તાક હોય કે ન પૂછો વાત.

બોમ્બે સુધીની મુસાફરી હવે સુખરૂપ પસાર થવાની હતી. એક અજબ  સંતુલન લોકો કેળવી  લે છે –

આપણી  સભ્યતાની વધુ એક નિશાની. – લડી ઝગડીને પાછા એક!

થોડી વારમાં એક પ્રૌઢ કાઠિયાવાડી યુગલે ટીનનો એક મોટો ડબ્બો ( પાર્લે બિસ્કિટવાળા, જત્થામાં ગ્લુકોઝ બિસ્કિટ વેચતા એવો ) અને રસ ઝરતા થેપલા અને અથાણું  કાઢી ને આજુબાજુનાં તમામ લોકોને આગ્રહ કરી કરીને આપવા  માંડ્યા. એમાં ચા વાળો આવ્યો તો પૈસા આપવા પણ એટલી રસાકસી  બધા વચ્ચે!

હરિ ૐ.

‘વસઈની ખાડી આવતી છે , વસઈની ખાડી’  કોઈએ મીઠા મધુરા અવાજમાં બૂમ પાડી.

મોટા ભાગની મહિલાઓ છૂટા પૈસા કાઢવાની મથામણમાં પડી ગઈ.

જમનાએ સાંભળ્યું હતું કે વસઈની ખાડી પસાર થાય ત્યારે છૂટા પૈસા પધરાવવાથી બહુ પુણ્ય મળે છે અને મુસાફરી  સારી રીતે પર પડે.

એણે પણ વહેલી વહેલી પૂડીમાંથી થોડા છૂટા પૈસા કાઢ્યા  અને ‘લે  ભીખુ , તૂ આ લાખી દેજે અંદર. જો એ બારીની બહાર બો ડોકાવતો નહિ. બીજી ઉપાધિ થેઈ જહે, ની તો.’

ખાડી આવી એટલે બધાએ સમૂહમાં છૂટા પૈસા ફેંક્યા. જમનાએ હાથ જોડ્યા ‘જે ઠાકોર જી’ આંખમાં કાઇંક પુણ્ય  કમાયાનાં ભાવ અને સંતોષ  સાથે.

જૂના જમાનાની ખટારા જેવી બહારગામની ગાડીમાં મુસાફરી કરવાના અનેક લાભ હતા, એક તો રોજ બરોજની રગશિયા  ગાડાં  જેવી જિંદગીમાં કાંઈ નવું. બહાર નીકળો એટલે બચ્ચાઓ માટે તકલાદી  રમકડાં ખરીદવાની ખુશી મળે. અલગ અલગ સ્ટેશનની વખણાતી ચીજો ખાવાપીવા મળે – જેમ કે પાલઘરની મસાલા ચા, દહેણુંની દાળ, ઘોલવાડનાં ચીકુ,

વળી ગાડીમાં ચઢી ગયેલા ભિખારીનાં ભજન ? એક અકાળે વૃદ્ધ માણસ, એની નાની અમથી દીકરી દોરવે ત્યાં જઈને ભજન ગાતાં ગાતાં હાથ લંબાવે અને લોકો બિચારા  પૈસા  આપેય ખરા.

એ બેઉ ભીડમાંથી રસ્તો કાઢતાં  આગળ વધે તેમ જેમતેમ હકડ઼ે ઠઠ બેઠેલા મુસાફરો એને રસ્તો કરી આપે- કોઈ જાતના વિરોધ વગર.

નાની નાની  વાતમાંથી આનંદ અને સંતોષ.

બોમ્બે સેન્ટ્રલ પર આગમન:

આખરે લોકલ ટ્રેન છુક છુક કરતી બોમ્બે સેન્ટ્રલનાં વિકરાળ સ્ટેશન પર આવી પહોંચી. ભીખુની નજરોમાં તો આ સ્ટેશન વિકરાળ કરતાં પણ વધુ ડરામણું હતું પણ મન મક્કમ કરીને માં સાથે ઊતર્યો. રવજી હવે સાથે ને સાથે, ન કરે નારાયણ અને આવડા મોટા જંગી શહેરમાં ભૂલા પડી ગયા તો?

જમનાને થોડો ડર તો હતો પણ બતાવ્યો નહિ. ઊતરતાં ઊતરતાં એક મહાકાય ફૂલી  દોડીને ચડી ગયો.

‘એય જરા ઊતરવા તો દે અમને?’

‘જમના બા એ તો અહીં બધું એવું જ. બધા જલ્દીમાં હોય.’ રવજીએ ફિલસુફી ડહોળી ભીખુ આજુબાજુની માયા જોઈ રહ્યો, પણ સ્થિતપ્રજ્ઞ ભાવે.

ચળકાટ મારતી દુકાનો, અસંખ્ય માણસોની ભીડ, સ્ત્રીઓ રૂઆબથી એકલી અહીં તહીં ફરે,  ખાણી પીણીની લોભામણી હોટલો, જયાં ને ત્યાં હાથ લંબાવતા ભિખારીઓ,  રૂઆબમાં સોટી હલાવતા પોલીસ જમાદારો ! અને સ્ટેશનની છત કેટલી ઊંચી – અધધધ !

ત્રણે જાણ બહાર નીકળ્યા. હવે મલબાર હિલ કેમ જવું?

જમનાએ  એક યુનિફોર્મ પહેરેલા  પુરુષને તેમનો સામાન ઊંચકતો જોયો.

‘એય, ચોર.. ચોર.. અમારા સમાનને કેમ હાથ લગાયડો તેં?’

જમના તાડૂકી ઊઠી. સાંભળ્યું હતું મુંબઈમાં ઘણા લોકો ચોર હોય છે. ભીખુ પણ અવાચક થઇ ગયો. આટલી બધી હિમ્મત અહીંના લોકોમાં?

રવજીથી હસવાની રોકી નહિ શકાયું.

‘અરે,  એ તો દયાળ સાહેબનો ડ્રાયવર લાગે છે’

ડ્રાયવરે બે હાથ જોડીને નમન કર્યા અને કહે ‘સાહેબે મને કહ્યું હતું કે એક લાલ લૂગડાંવાળાં બેન  દેખાય તે મારા બેન જમના હશે. સાથે આ છોકરો ભીખુ જ છે ને?’

જમનાના  જીવમાં જીવ આવ્યો.

રવજીએ કહે ‘હું રવજી, પેલા પોસ્ટમેન ભાઈએ સાહેબને ટેલિગ્રામ મોકલ્યો હતો ને,  એનો હું ભાઈ’

જમના અને ભીખુ સાવધાનીથી ડ્રાયવરે ખોલેલા બારણામાંથી અંદર જઈને સીટ પર  ગોઠવાયાં – આંખ ત્રાંસી કરીને જોઈ પણ લીધું કે બધો સામાન પાછળ મૂકાઈ ગયો. કાંઈ કહેવાય  નહિ ભાઈ.  ચેતતા રહેવું અને ચોર કોઈને કહેવું નહિ.

ખુલ્લી બારીમાંથી રવજીને કહે ‘જોયો મારો  ભાય, દયાળજી સોલિસિટર, બેનની  કેટલી માયા – મને લેવા આવડી મોટી મોટર મોકલી આપી’

‘હા બહેન હવે તમે નિરાંતે ભાઈને ત્યાં પહોંચો. ચાલો આવજો’

‘એ આવજે ભાઈ, ઠાકોરજી તારું ભલું કરે’

પાણીના રેલા માફક ગાડીએ રસ્તો કાપવા માંડ્યો. ઓહો આ તો જુઓ, એને દરિયો  કહેવાય કે શું? અરે આતો ગાડી ઢાળ ચડવા મંડી! જુઓ જુઓ અહીંથી તો આખી  મુંબઈ નગરી દેખાય!

થોડી વારમાં ગાડી દયાળ મેનશનના ગેટ પર આવી પહોંચી.

ભાભી બહાર ઓટલા પર ઊભી હતી તે જમનાને જોઈને દોડી આવીને વળગીને રડવા લાગી. જુવાન જોધ છોકરો  ખોયો બિચારીએ.

‘ચાલ રેઈ(રહી) જા હવે; ઠાકોરજીને જે ગમ્યું તે ખરું ભાભી. આપણું કાંઈ ચાલે છે  એમાં? મન કઠ્ઠણ કર’

હળવે હળવે  ભાભીને વાંસે હાથ ફેરવ્યો –  તે ડૂસકાં ભરતી બંધ થઇ ત્યાં સુધી. ભીખુ કાંઈ બોલ્યો નહિ.

અચાનક મામીએ એને જોયો અને બોલી પડી ‘અરે, આ તો જો આપણો ભાણેજ?   કેટલો મોટો થઇ  ગયો? બરાબર મારા રણજીત જેવડો’

જમનાએ ટાપસી પૂરી ‘મેટ્રિક હો થેઈ ગીયો, તારો ભાણેજ’

‘ખાસ્સો  જુવાન લાગે હવે તો’

‘તેં, ભાય અને અમ્રત કેમ છે?’

‘સારા  છે. એ.. તો કોઈ મિટિંગમાં ગયેલા છે. આવી જશે થોડી વારમાં. કાલે જ બેસણું રાખેલું તેમાં તો બોમ્બેનાં બધા શેઠીઆઓએ હાજરી આપી.’

ભાભીની ભાષા મુંબઈમાં રહીરહીને અહીંની થઇ ગઈ લાગી.

વાતો કરતાં બધાં મેનશનમાં આવ્યાં.

‘તમે બેઉ થાક્યા હશો. જરા હાથ પગ મોઢું ધોઈને આરામ કરો એટલે એ.. આવશે’

જમના માંએ હાથ-મોં ધોઈને પગ લંબાવ્યા. ભીખુ મેનશનમાં  ફરીને બધું જોઈ આવ્યો.

દયાળ મેનશન:

બાણગંગાથી નજીક એક આલીશાન બંગલો. ૧૯૦૦ ના જમાનામાં કોઈ અંગ્રેજ જનરલે  ખંતથી બંધાવેલો; છત પર વિલાયતી નળિયાંથી   શોભતો સ્થાપત્યનો એક અદભૂત  નમૂનો.

હાલ દયાળજી જ્ઞાનચંદ, મુંબઈની પ્રસિદ્ધ લો-ફર્મના ભાગીદાર દયાળ સાહેબનું નિવાસ સ્થાન!

એક  ઓરડામાંથી બીજામાં જવા માટે ભારેખમ બારણા ખોલવાં પડે.

ભીખુને  થયું આટલા મસમોટા બાથરૂમમાં આ લોકો કરે છે શું?

ફરસ લીસ્સા આરસથી મઢેલી, ધ્યાન ન રાખો તો લપસી પડાય. આખા બંગલામાં  નળમાંથી પાણી આવે – વાહ ભાઈ, જબરી જાહોજલાલી મોટામામાની!

મોટો દીકરો અમ્રત, અંતર્મુખી, ભીખુ જેવો શાંત અને કાયમ ચોપડાંમાં મોઢું ઘાલીને  વાંચ્યા કરે. ભીખુને કદાચ એની સાથે સારું ફાવશે.

મોડી સાંજે અચાનક બંગલામાં સળવળાટ શરુ થઇ ગયો. દયાળમામાની મોટર  બંગલાની નજીક  આવી કે ડ્રાયવરે જોરથી હોર્ન વગાડીને બધાને સાબદા કર્યા. નોકર ચાકર બધા આમથી તેમ દોડવા માંડ્યા. સાહેબ શું માગશે કોણ જાણે? તૈયારી તો બધી રાખવી પડે ને?  એકે એક માણસ ખડે પગે!

જમના રૂની તળાઇમાં ઊંઘી ગયેલી તે આ શોરબકોરથી જાગી ગયી. ભીખુ   બિચારો  નખ કરડતો એક  ખૂણામાં ઊભો. પોતે હવે મોટો થઇ ગયો છે એ થોડી વાર ભૂલી ગયો.

મોટી મસ ડીસોટો ગાડી પોર્ચમાં આવીને ઊભી રહી. યુનિફોર્મ પહેરેલો ડ્રાયવરે ત્વરાથી બહાર નીકળીને પાછળનો  દરવાજો લળી લળીને  ખોલ્યો, એના સાહેબ માટે.

નજારો તો એવો હતો જાણે  કોઈ નાની રિયાસતના મોટા હાકેમને આવકાર આપવાનો  હોય, સિવાય કે ન હતી એકવીસ  તોપોની સલામી.

દયાળજી સોલિસિટર,વાદળી રંગના સૂટ અને ટાઈમાં સજ્જ, મોઢામાં પાઇપ ફૂંકતા  ધીરેથી ગાડીમાંથી નીચે ઊતર્યા.  ગજબનો રૂઆબ. કાળી છાંટવાળા  ધોળા વાળને પટિયાં  પાડીને બરાબર ઓળેલા,  મોઢું ધીર ગંભીર. બંગલામાં અંદર આવ્યા, પાછળ એક ચાકર એમની  ચામડાની ઈમ્પોર્ટેડ બેગ લઇને  આવ્યો.

‘જમના બેન ક્યાં ?’

‘સોલિસિટર સાહેબ જરા બેસો તો ખરા. એ લોકો કલાક પહેલાં જ આવ્યાં, સારાં છે,  જમના બેન  મુસાફરીથી થાકેલાં એટલે જરા આડાં પડ્યાં છે, હમણાં ઊઠશે?’ સવિતા એના પતિને ‘સોલિસિટર  સાહેબ’કહેતી

“એમને સૂવા દે. હું જરા મારા રૂમમાં જઈ ને હાથ-મોં ધોઉં એટલે ચા મોકલ.” સાહેબને  ઓફિસનો  રૂઆબ ઘરે છોડતાં જરા સમય લાગે.

એક ચાકર રસોડા તરફ દોડ્યો, સવિતાએ લાડથી દયાળ સાહેબનો કોટ ઊતારીને  બીજા એક  નોકરને આપ્યો.

બંગલાનું દીવાનખાનુ અનહદ મોટું, આગળ કહ્યું તેમ આખી જાનને ઊતારો અપાય એવડું મોટું!

સુશોભિત દીવાલ પર યુરોપીઅન ચિત્રકારોના પેઈન્ટિંગ્સ  ટીંગાડયાં હતા. સૌથી ધ્યાન ખેંચે એ અનાવલના મંદિરનું હતું. અનાવિલ જ્ઞાતિના આરાધ્ય દેવ મહાદેવનું અનાવલ ગામ સ્થિત મંદિર દયાળજીના વતન ગણદેવાથી નજીક હતું. જેટલું કાશી હિંદુઓ માટે તેમ વાપીથી તાપી સુધી પથરાયેલા અનાવિલ બ્રાહ્મણો માટે એ પવિત્ર સ્થળ. અનાવિલ  પોતાની પેઢી ગર્વ થી છેક રામચંદ્ર ડાંગમાં પધાર્યા ત્યારથી ગણાવે. અનાવિલોનો ઇતિહાસ પહાડ પરના ભીલો સાથેના ગજગ્રાહની      કિંવદંતીથી ભરપૂર.

‘હેં ભાભી ભાય આયવા કે હું?’ શોરબકોરથી જાગી ગયેલી જમનાએ આંખ ચોળતાં  પૂછ્યું.

‘હા હા તમારા ભાઈ હમણાં જ આવ્યા. હાથ-મોં ધોઈને  એ અહીં આવતા જ હશે.’ આછું સ્મિત ફરકાવતાં  સવિતા બોલી- ‘એ’ બોલતાં બોલતાં તેનો હાથ દયાળજીની રૂમ તરફ ….

તરત જમના માંએ ફરમાન છોડ્યું ‘અરે ભીખુ દીકરા, જો મામા આવી ગિયા. તો જરા  વ્યવસ્થિત કપડાં પહેરીને આવ તો’

મોટામામાનો રૂઆબ જોઈને હતપ્રભ થઇ ગયેલો ભીખુ ડાહ્યો ડમરો થઇને ‘વ્યવસ્થિત’થઈને આવી  ગયો.

‘મેમ સાહેબ હું હવે જાઉં?’ દયાળજીનો ડ્રાયવર બીતો બીતો સવિતાને પૂછી ગયો.

‘હા ભાઈ હવે તું જા. કાલે ટાઈમ સર પાછો આવી જજે, બેટા’

સલામ ઠોકીને ડ્રાયવરે રજા લીધી.

ઈસ્ત્રી ટાઈટ રેશમી કુર્તામાં શોભતા દયાળ સાહેબ પધાર્યા.

‘અરે જમના બેન તું  આવી ગઈ, અમારા દુઃખમાં ભાગ પડાવવા? બહુ ગમ્યું અમને.  અને આ કોણ?  મારો ભાણેજ ભીખુ કે ! ઓહો તું તો જબરો  મોટો થઇ ગયો ને? તેં…. તારું ભણવાનું? અરે હા, તેં તો  મેટ્રિકની પરીક્ષા આપી કેમ?’

દયાળજી મોટીબેનને જરા નમીને પગે લાગ્યા. મોટીબેનને પણ તું કરીને સંબોધવાનો  રિવાજ.

મોટીબેને ઔપચારિક માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા ‘જીવતો રહેજે’

આંખના ખૂણાથી ભીખુને ઈશારો કર્યો ‘મેટ્રિકનો રિપોર્ટ લઇ આવ?’

દયાળજીએ રિપોર્ટ વાંચતાં ઘડી ઘડી ભીખુ સામે જુએ ‘વાહ રે દીકરા, તું  વિજ્ઞાન  અને ગણિતમાં તો એક્કો હેં?  મને તેં અમારા રણજીતની યાદ તાજી કરાવી.’ કહીને આંખ લૂછી.

‘તું એને તારા જેવા સોલિસિટર બનવાના આશીર્વાદ આપજે’

ભાણેજે મામાને પ્રણામ કર્યા.

‘તે સવિતા આ લોકોએ કાંઈ ખાધું પીધું કે નહિ? ભૂખ્યા થયા હશે’

‘જમના બેને તો આવતાની સાથે લંબાવી દીધું. હવે બધાં સાથે બેસીને ચા -નાસ્તો કરીએ ને?’

ભાઈ, બેન અને બધાં કોતરણીવાળા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા.

‘ભાય, તમને લોકોને તો જબરું દુઃખ આવી પડ્યું’ જમનાએ પાછા જખમ ખોલ્યા.

‘હું તો ઠીક, કામમાં મન પરોવું પણ આ સવિતાને જરા સમજાવ તું. એ તો જરા જરામાં રડી પડે છે’

‘ભાય, હું એટલે જ તો આવી’

‘બહુ સારું કર્યું મોટીબેન તેં. હવે આવી જ છે તો રેહજો બેઉ જણ. જવાની ઉતાવળ ન  કરતી’

‘ભાય અમારે આવતી કાલે  પૂનેમ પહેલાં પાછા જવું પડે. કાશી હો બિચારી કેટલા દા’ડા આપણા ઘરનું ધ્યાન રાખે, એમ ને?’

‘તું એમ કર. ભીખુને અહીં મૂકી જા ભણવા માટે. મોટો  વૈજ્ઞાનિક બનાવી દઉં. જો ને  કેટલા સારા માર્ક છે વિજ્ઞાન અને ગણિતમાં?’

‘એ વરી હૂં? વૈજ્ઞાનિક, ને બધું મને ની હમજ પડે’

‘અરે મારા અમ્રતને જો આવા સારા માર્ક હોતે તો એને હું વિજ્ઞાનમાં જ કરાવતે.  સોલિસિટરગિરીમાં કઈં સવાદ નથી. જાત જાતના ગૂંડા જેવા માણસો પાસે  કામ લેવું પડે. ભીખુ જો અહીં રહી પડે…’

જમના કાઇંક વિચારમાં પડી ગઈ.

‘એને જે બનવું હોય તે બનાવીશ. તું સુખેથી ગામ જા. એના ભણતરની જવાબદારી  આજથી મારી’ દયાળજીએ ઓફર કરી.

‘ભીખુનું ભવિષ્ય અહીં રહીને ઊજળું થતું હોય તો મને કાંઈ વાંધો નથી.’ ભીખુના વિયોગના વિચાર માત્રથી થોડી ખળભળી ગયેલી જમના આડું જોઈ ગઈ.

‘તે જમાના બેન તું પણ અહીં જ રહી જાને?’ સવિતાએ રસ્તો કાઢ્યો.

‘ના રે બાપા. ઊં તો તાંજ હારી. મારા ઘરનું હો કોઈએ ધ્યાન રાખવાનું ને?’

જમનાએ  પોતાની  લાલ  સાડીનો પલ્લુ માથે સરખો કર્યો.

સવિતાએ ઘડીક સોલિસિટર સાહેબ તરફ જોયું. જમનાબેન સાહેબની મોટીબેન હતી  એટલે એમની ઈચ્છાને માન  આપવું પડે પણ કદાચ ભાઈ એમને મનાવી લે. આવડા મોટા  ઘરમાં કોણ જાણે કેમ  સવિતાને એકલું લાગી આવતું.

જો જમનાબેન અહીં રહી પડે તો કેવું સારું?

સોલિસિટર સાહેબે પોતાની ખુરશીમાં માથું સહેજ પાછળ ઢાળ્યું અને છતને તાકતા ઊંડા વિચારે ચઢી ગયા.

સવિતા ચૂપકીદીથી ઉભી. ખાસ્સી વાર પછી સાહેબ ધ્યાનમાંથી  બહાર આવ્યા.

‘જો સવિતા, મોટીબેન અને હું, બેઉ એવું ઇચ્છીયે છીએ કે ભીખુ ભણીગણીને આપણા અનાવિલોને  છાજે એવો મોટો માણસ બને. એને અહીં એકલો જ રહેવા દે જેથી તે પોતાનો રસ્તો  પોતાની રીતે કાઢે. મોટીબેન હશે તો એના પર આધાર રાખતો રહેશે. એને પાછી ગામ  જવા દે. પરિચિત  માણસો સાથે ત્યાં વધુ ખુશ રહેશે. ભીખુ એ એની અમાનત – આપણી સાથે  રહે’

એમ કહીને દયાળજી ઉઠયા અને બહેનનો હાથ પકડીને હિમ્મત આપી.

‘ઠાકોરજી તમારા બધાનું ભલું કરશે, ભાય’ જમનાની આંખમાં ઝળઝળિયાં હતા.  સવિતાએ આવીને જમનાના વાંસે હાથ ફેરવ્યો.

ભીખુ પાસે આવીને એક નાનાં સ્ટૂલ પર બેસી ગયો.

દયાળજીએ જમનાના સંગાથની વ્યવસ્થા કરી આપી એટલે એ બીજે દિવસે નીકળી  સરભોણ જવા.

એના જેવી કઠ્ઠણ અને બહાદુર સ્ત્રીને મનમાં તો જે થતું હોય એ, પણ પ્રસંગને અનુરૂપ સ્વસ્થતા રાખીને ચાલી નીકળી.

મોરારના અકાળ મૃત્યુ પછી ભીખુ જ એનું જીવન હતું અને એને છોડીને જવાનું આકરું તો હતું.

‘ભાય, તમને તો ભીખુના રૂપમાં  રણજિત પાછો મળી ગયો’ કહીને એણે ભાઈ-ભાભીને આશીર્વાદ આપ્યા અને મોટરકારમાં બેસી ગઈ. ભીખુએ કાર દેખાતી બંધ થઇ ત્યાં સુધી  આવજોનો હાથ લંબાવે રાખ્યો. કેટલો નાજુક લાગતો હતો ભીખુ ત્યારે?

ભીખુ  બધાં સાથે બંગલામાં પાછો વળ્યો, એક સંકલ્પ સાથે. એને પાકી ખાતરી હતી કે એની બહાદુર માં પોતાનો  ખયાલ રાખશે.

જમના મનના  કોઈ ખૂણે વેદનાને સંગ્રહી સરભોણ ઘેર પહોંચી ગઈ. અંદર જઈને પેલી ખોબલા જેવી નાનક્ડી અંધારી ખોરડીમાં જઈને પોક મૂકીને રડી ,કોઈ ન જુએ કે સાંભળે તેમ.

xxxxxxxxxxxxxxx

પ્રકરણ બહુરૂપી કાર્યક્રમનો આરંભ:

પોલીસ પટેલને ઘેર વાળુપાણી પતાવીને બહુરૂપી પટેલના ખાસ માણસ બાબુ સાથે ખખડધજ ધર્મશાળા તરફ નીકળી પદ્યો. ધર્મશાળા નજીક આવેલ ઘરના ઓટલા પરથી ગોપાલે એને આવતો જોયો એટલે  એક અગમ્ય ઉન્માદમાં આવીને હાથ ઊંચો કરી કઈંક શ્યામ ચહેરાવાળા  બહુરૂપીનું ધ્યાન ખેંચવા મથ્યો. પણ બહુરૂપીએ એના તરફ કાંઈ ધ્યાન ન આપ્યું. કદાચ માયકાંગલો ગોપાલ એને સાંજના આછા અંધારામાં દેખાયો ન હોય.

જો કે બાબુનું ધ્યાન ગોપાલ પર ગયું, પણ ઈશારાથી એને ચૂપ રહેવા કહ્યું. ગોપાલ જરા ખાસિયાણો પડ્યો ખરો પણ એ હવે શાંત રહે? દોડીને એ ધર્મશાળાના પાછલા ભાગમાં જઈને સંતાઈ ગયો. હવે આગલે બારણેથી અવાવરું ધર્મશાળાની અંદર આવતા બેઉ જણ  છાપેલી છાપેલી વાસને ન ગણકારતા અસમતલ ફર્સ પર આમતેમ ફરતા સંભળાયા. અંદર ચીટકી રહેલું એક ચામાચીડિયું અચાનક આગલે  બારણેથી બહાર ઉડી ગયું. ગોપાલ માટે અંદર ખરેખર શું થઇ રહ્યું એ જોવાનું શક્ય ન હતું. આમતેમ નજર દોડાવી પાછલી દીવાલને અડીને ઉગી નીકળેલા જમરૂખીના ઝાડ પર ચઢી ગયો. એક મોટી ડાળી પર હળવેથી ચઢીને એ ઉપરની અધખુલી બારીમાંથી  ડોકિયું કર્યું. ઝાડની નીચે કાદવ કાદવ. જો એ નીચે પડ્યો તો એમાં લપેટાઈ જ જાય.

થોડી ઔપચારિકતા પતાવીને બાબુ રવાના થયો એટલે બહુરૂપી એકલો  પડ્યો. બાજુના સરકણા બાથરૂમમાં પાણી ભરી રાખેલ  ટાંકીનો નળ ટપકવાનો અવાજ ત્રાસદાયક હતો. બાબુ  સદભાગ્યે ફાનસ અને દીવાસળીનું બાક્સ એક નીચા સ્ટૂલ પર મૂકી ગયો હતો. સાથે પાણીનો એક કૂંજો અને કહલુ.

ફાનસ પ્રગટાવવાની સાથે ઓરડામાં જાણે એક ભૂતાવળ જાગી ઉઠી – ફાનસના અજવાળામાં પડછાયા બિહામણો નાચ કરતા લાયા. પાછલી ઊંચી બારીમાંથી આ ખેલ જોતા ગોપાલને હવે કુતૂહલ થયું. એક પ્રમાણમાં નબળી લાગતી ડાળી પર એ  સરકતો સરકતો વધુ નજીક આવ્યો.

‘ચાલ હટ!’ એણે પાસે લટકી રહેલા ચામાચીડિયાને મનોમન ધૂત્કાર્યું. અંદર જોયું તો બહુરૂપી ફાનસના અજવાળામાં નાચ કરતા પડછાયામાં ફરતો નજરે આવ્યો. ગોપાલને એવું લાગ્યું કે કાઇંક થવાનું છે. નીચે કાદવમાં સડતાં પાંદડાની વાસ સહેવાનું સહેલું ન હતું. વળી એમાં કાન પાસે મંડરાતા મચ્છર ! તૌબા તૌબા!

આ બધા ત્રાસ વચ્ચે બહુરૂપીનો ખજાનો જોવાની અદમ્ય ઈચ્છા પ્રબળ બની રહી. એ કેવી કેવી શીશીઓમાંથી દ્રાવણ કાઢતો  હશે, કેવી રીતે મોં પર લગાવીને તૈયાર થતો  હશે? એના જાત જાતના ફેંટા, ટોપીઓ – ઓહોહો !

પણ બહુરૂપી આવા મુફલીશ લાગતા માયકાંગલા ગોપાલને  એ બધું શું કામ બતાવે?

નજીકમાં એને ઘેરથી ગોપાલની માંએ  એને બોલાવવા સાદ પાડ્યો, એને સાંભળ્યો ન સાંભળ્યો કરીને વળી અંદર ઝાંકવા લાગ્યો. ઘરનાં બધાં જાણે કે ગોપાલ ક્યાં હશે એનો ભરોસો નહિ. આ બાજુ બહુરૂપીએ એના મોટા મસ ગડગૂમડિયા કોથળામાંથી એક નાનો અમસ્તો ગોળ અરીસો કાઢ્યો અને પોતાના લઘરવઘર ચહેરાને જોયો અને જલ્દી જલ્દી બાકીની ચિત્ર વિચિત્ર વસ્તુઓનો ખજાનો ખોલવા લાગ્યો. 

એકાએક એક ગોળ વાસણ જેવું કાઇંક ગબડીને પેલી તૂટેલી બારીની બરોબર નીચે ગડગડ કરતું, ફરતું ફરતું કેટલીયે વારે સ્થિર થયું.

હવે ગોપાલની જીજ્ઞાશા વધુ સળવળી અને તે તૂટેલી બારીની પાસે ખતરનાક રીતે ખસ્યો. હજી કઈ સમજે એ પહેલાં એ નીચે કાદવમાં ધબાક કરીને પડ્યો. અવાજ સાંભળી બહુરૂપી ચમક્યો અને બારી પાસે જઈને જોયું તો એક નાનકડા છોકરાની આકૃતિ કાદવમાં લદબદ પડી હતી.

‘એય કોણ છે?’

‘મરી ગયો ‘ ગોપાલને થયું. બહુરૂપીને ખબર પડી જશે કે એ ચોર નજરે એને જોતો હતો ત્યારે શું થશે? એ  ચૂપચાપ પડ્યો રહ્યો.

બહુરૂપી પાસે એક નાની કામચલાઉ ટોર્ચ હતી તે એણે ગોપાલની દિશામાં ધરી.

‘એય, આટલી રાતે કાદવમાં પડ્યો કેવી રીતે તું અને શું કરે છે  ત્યાં?’ સત્તાવાહી અવાજે એણે પૂછ્યું.

ગભરાયેલો ગોપાલ ફરીને આગળના દરવાજામાંથી અંદર આવ્યો અને હાથ જોડ્યા, ‘ એ તો હું’

ટોર્ચનું ચાંદરણું એના ચહેરા પર સ્થિર થયું.

”હું ગોપાલ, પૂજારી રામજીભાઈનો મોટો દીકરો, માફ કરો મારી ભૂલ…’ ગોપાલ એના ઘર તરફ આંગળી ચિંધતાં ઢીલું ઢીલું બોલ્યો

બહુરૂપીની સમજ બહાર હતું કે આટલી રાતે આ ગાંડો છોકરો ધર્મશાળાની પાછલી બાજુએ શું કરતો હતો.

એણે ગોપાલને અંદર આવવાનો ઈશારો કર્યો અને એના હાથ મોં ધોવડાવ્યા.

ગજબનો સંજોગ હતો. ગોપાલના  મનનો માનેલો સપનાનો જાદુગર  સામે ઉભો હતો

‘ચાલ હવે મને કહે કે આ રાતના પહોરમાં ત્યાં કાદવમાં તું શું કરતો હતો?’

‘હું … હું … ઝાડ પરથી પડ્યો ‘  ગોપાલના  મોંમાંથી જેમ તેમ અવાજ નીકળ્યો.

‘પણ તું ઝાડ પર ચઢ્યો શું કામ?’ ત ત પ પ થતા ગોપાલને જોઈને બહુરૂપીને હસવું આવ્યું.

એને હસતો જોઈને ગોપાલના જીવમાં જીવ આવ્યો ‘એ તો હું ..છે ને તે ……….. તમારા જેવા બહુરૂપી બનવું છે મને ‘ ગોપાલે ભરડી માર્યું

‘લે કર વાત! બહુરૂપી થવાના અભરખા ? કેવડો ક છે તું? બહુરૂપી થવા કેટલાં લોઢાંના  ચણા ચાવવા પડે છે એનું ભાન છે તને?’

ગોપાલે માથું હલાવી ના પાડી.

‘કાંઈ ખબર નથી. કેટલી મહેનત, કેટલી જાતના ક્રીમ લેવા પડે, જાત જાતની ભાષાઓ બોલતા આવડવું જોઈએ. કેટલો ખરચ? કાંઈ અક્કલ છે તને ? નીકળી પડ્યા બહુરૂપી થવા!’

‘સાહેબ, મારે બહુરૂપી થવું જ છે. તમે જે કહેશો  એ કરીશ પણ મહેરબાની કરીને મને તમારો ચેલો બનાવો …’ બોલતાં બોલતાં ગોપાલને ડૂસકું આવી ગયું.

હવે આને કેમ શાંત કરવો?  ચક્રમ લાગે છે.  ભાઈ, હાલ તુરત તો તારે ઘેર જા, વાળુ પાણી પતાવ. અને … આવતા બે ચાર અઠવાડિયાં મને બરાબર જો, હું કેમ કામ કરું છું અને એ પછી તને લાગે કે બહુરૂપી બનવું જ છે તો ત્યારે વિચારશું.’

ગોપાલે  ધાર્યું ન હતું કે બહુરૂપી આટલી સારી રીતે વાત કરશે, અને એને સમજશે. મનમાં  કાઇંક શાંતિ થઇ અને પોતાના ઘર તરફ વળ્યો. થોડાં ભસતાં કૂતરાંઓએ એને છેક ઘર સુધી સાથ આપ્યો.

ગોપાલને આવે છે એક અજબનું સપનું:

આખી રાત એણે પડખાં ઘસ્યા. ‘બહુરૂપીએ  રાતો રાત ગામ છોડીને ચાલવા માંડ્યું તો? સાલું એને પેટ છૂટી વાત કરવામાં જરા ઉતાવળ તો નહિ થઇ ગઈ ને? વિચાર કરતાં કરતાં એને કોઈ કરવતના ફરવાનો અવાજ આવવા માંડ્યો અને એના લયબદ્ધ અવાજમાં એને ઝોકું આવી ગયું.જાણે સાવ નજીકમાં કોઈ લાકડાની વસ્તુ પર ધસતું ન હોય? એ પેલો બહુરૂપી તો નથી ને. કોઈ ભેદી ચીજ બનાવતો હશે?

અચાનક એના ચહેરા પર કોઈ અકળ સ્મિત તરવર્યું. એને લાગ્યું કે એના શરીરની ફરતે કોઈ મખમલ જેવું વસ્ત્ર છે અને એના બે ય છેડે મુલાયમ પીછાની બનેલી બે પાંખો ફૂટી નીકળી. તે ઉડ્યો અને સહેલાઇથી ગામની ઉપર હવામાં તરવા લાગ્યો. એના ઘરની બાજુનું તળાવ ચોખ્ખું દેખાતું હતું જે ધીમે ધીમે નાનું નાનું ખાબોચિયાં જેવું થઇ ગયું અને એ વધુ ઊંચે ઉડવા લાગ્યો. અરે પણ આ શું? પેલી ધર્મશાળાની ઉપર છાપરું જ ન હતું. બહુરૂપી સીધો ઉપર ઉડ્યો અને ગોપાલની સાથે થઇ ગયો.

પૂર્ણ ચંદ્રમાના પ્રકાશમાં રાત જાણે ખીલી ઉઠી હતી. એણે જોયું કે બહુરૂપી એક મોટા ફુગ્ગામાં ઉડતો હતો પણ … એનું માથું જ ન હતું! ફક્ત એનું શરીર અને હાથ પગ દેખાતા હતા! ફુગ્ગાનું આવરણ પારદર્શક હતું. એનું માથું ક્યાં? એને આંખો વગર કેવી રીતે દેખાય છે? ગોપાલને હવે ડર લાગ્યો, એણે ફુગ્ગા તરફ હાથ હલાવ્યો.

અચાનક ફુગ્ગો  એની નજીક  ધસી આવ્યો અને ગોપાલના ગોળાને સાથે લઈને તીવ્ર ગતિએ ઉપર ને ઉપર જવા લાગ્યો. થોડી પળમાં બંને બીજા ગ્રહો અને તારાઓની નજીક પહોંચી ગયા. એક ગ્રહ પર જમીન પર ફક્ત વિવિધ રંગી તરણ કુંડ હતા. મૂળ ચંદ્ર હવે દેખાતો ન હતો પણ સેંકડોની સંખ્યામાં નાના નાના ચંદ્રો તરણ કુંડની ઉપર ચકરાવા લેતા દેખાયા.

અચાનક ફુગ્ગો એક તળાવ જેવા દ્વિરંગી પાણીમાં ખાબક્યો અને થોડી ક્ષણોમાં બહાર આવ્યો તો એક જંગી ગરૂડ બની ગયું.

ગોપાલ એ ગરૂડ પાછળ ઉડ્યો અને જેવો એ નજીક પહોંચ્યો તેવો એ પોતે પણ એક ગરૂડ બની ગયો.  પાસે એક બીજો વાદળી રંગનો કુંડ હતો જેમાં બંનેએ ડૂબકી મારી તો મોર બની ગયા. બધું નવાઈ પમાડે એવું થઇ રહ્યું હતું.

ગોપાલ હવે થાક્યો, એની છાતી ધમણની જેમ ચાલવા લાગી. એનાથી ચીસ પડાઈ ગઈ.

‘ગોપાલ, ગોપાલ શું થયું ભાઈ? કોઈ  ખરાબ સપનું આવ્યું?’  પાર્વતી માં સૂતેલા ગોપાલ પર ઝળૂંમ્બીને પૂછી રહી હતી.

‘ના ના માં કાંઈ નથી’ ગોપાલે સપનામાં બહુરૂપી જેવા અલગ અલગ રૂપ ધારણ કરી લીધા હતા.

પથારીમાંથી એ કૂદકો મારી ઉભો થઇ ગયો અને દોડ્યો ધર્મશાળા તરફ. પેલો બહુરૂપી હજી હશે ને ત્યાં?

અધખૂલા બારણાની ફાટમાંથી એણે અંદર નજર દોડાવી. બહુરૂપી ત્યાં ન હતો. એ ક્યાંય ન હતો. અચાનક એણે સપનામાં જોયેલો ફુગ્ગો જોયો અને વિચારમાં પડી ગયો.

એ ધર્મશાળાની પાસેના બગીચા તરફ દોડ્યો. એક માળી ભજન ગાતો ગાતો જમરૂખીને પાણી પાઈ રહ્યો હતો, .

“અરે ભાઈ તમે પેલા બહુરૂપીને જોયો?’

માળી એના કામમાં મસ્ત, એણે કાંઈ જવાબ ન આપ્યો.

‘અરે આમ શું કામ પજવે છે? બોલતો કેમ નથી? બહુરૂપી ક્યાં છે?’ ગોપાલ ગર્જ્યો.

‘જો દિખતા હૈ વો નહિ હૈ

જો નહિ દિખતા હૈ વો હૈ

આ શું સ્કુલમાં શીખવેલ કવિતા લલકારી રહ્યો છે? ગોપાલને ગુસ્સો ચડ્યો.. એણે પલંગ પાસે પડેલી એક લાકડી ઉઠાવી અને દોડ્યો માળી તરફ, એને ફટકારવા.

માળીએ ડોકું ફેરવ્યું અને ધીર ગંભીર અવાજે બોલ્યો, ‘ બેટા.”

એ બહુરૂપી હતો જેણે માળીનો સ્વાન્ગ રચ્યો હતો !

સ્તબ્ધ થઇ ગયો, ગોપાલ.

‘મૈયા અંદર આવી જાવ,’ બહુરૂપિએ બારણામાં ચા નાસ્તો લઈને આવેલી પાર્વતીને આવકારી.

ગોપાલને હજી કળ નહોતી વળી.

પાર્વતી ટ્રે આપીને નીકળી ગઈ.

‘બેટા ગોપાલ, તને કોઈ સપનું બપનું   આવ્યું કે નહિ રાતે?’

મૂઢ થઇ ગયેલા ગોપાલે ડોકું હલાવ્યું ‘ હા ‘

‘મને પણ….’ બહુરૂપીએ ચા નાસ્તાની ટ્રે ગોપાલ આગળ ધરી

“પણ તો તમે પેલા ફુગ્ગામાં  માથા વગરના કેવી રીતે દેખાતા હતા?’ ગોપાલ ગૂંચવાયો અને  વારે વારે બહુરૂપીના માથા તરફ જોવા લાગ્યો. .

‘એ હું ન હતો, ભાઈ!’ બહુરૂપીએ ધડાકો કર્યો,

‘ યાદ છે ને ?

‘જો દિખતા હૈ વો નહિ હૈ

જો નહિ દિખતા હૈ વો હૈ ‘

ગોપાલ ડઘાઈ ગયો, ‘તો એ કોણ હતું?’

‘એ તો …. તું હતો , યાર’

“શું કહો છો તમે?’ ગોપાલ ચક્કર ખાઈ ગયો.

‘અને તું તું નહતો – પણ હું હતો’

બહુરૂપી પ્રત્યેક ક્ષણે ધડાકો કર્યે જતો હતો. ગોપાલ માથું પકડીને બેસી પડ્યો. રાતે ન સમજાય એવું સપનું અને હવે આ !

‘તું  હમણાં નહિ સમજે. કાંઈ વાંધો નહિ, યોગ્ય સમયે બધું જ્ઞાન થઇ જશે તને. હવે હું અંદર જઈને આજના ખેલની તૈયારી કરું અને તું ઘેર જા.’

ન છૂટકે ગોપાલે ઘર તરફ ચાલવા માંડ્યું.

                           ————————-

લલીને ઉઠતાં ખાસ્સું મોડું થઇ ગયું આજ સવારે. રાતે પેલી પુષ્પાના વિચારે ચઢી ગઈ .આટલી ડાહી અને સુશીલ છોકરી તેને વિના  વાંકે અપમાન ભોગવવું પડે, માનહાનીની કોઈ હદ હોય કે નહિ? એના બાપુજી જેમ તેમ ઘર ચલાવે તે આવડો મોટો વાંકડો કેવી રીતે આપે? બિચારી.

“બહુ સરળ છે’ મોટેરાં કહે, ‘ પૂર્વ જન્મના પાપો, બીજું શું વળી?’ સંતો પણ એજ કહી ગયા છે ને?

લલી વિચારતી રહી, ‘ અરે વાહ! કયાં પાપ? કોઈ ચોખવટ તો કરે? સમાજમાં કોણે આવા બિનતાર્કિક નિયમો બનાવ્યા? અને એનો  આજના જમાનામાં શો સંદર્ભ??’

એક બાજુ આવા વિચારોની હારમાળા ચાલે અને એમાં બાજુના ઘરમાંથી કોણ જાણે કોઈ વ્યક્તિઓ રાત બધી અસ્પષ્ટ ગુસપુસ  કર્યા કરે. ઊંઘ કેમે કરીને આવે નહિ.

સવારે મળસ્કે ઉઠીને એને તો એકાદશીના ઉપવાસ  નિમિત્તે નાહી થોઈને કુળદેવી મેરબાઈના આશીર્વાદ લેવા જવાનું. એની માં, ગજી એકાદશીને દિવસે સ્વર્ગે સિધાવી એટલે એ દર એકાદશીએ ઉપવાસ રાખતી. જલ્દી જલ્દી ઉઠીને એ દાતણ વિગેરે કરીને, હળવે પગલે નહાવા ગઈ. પાસે બાંધેલી ગાય લલીના હલનચલનની નોંધ લેતી ધીમેથી ભાંભરી. લલી જલ્દી જલ્દી  અરીઠાથી વાળ ધોઈને નીકળી ગાયને પૂચકારીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. ગાયે પણ જાણે ઈશારો સમઝી હોય તેમ ડોકું ધુણાવ્યું. .

પૂજાપાની સામગ્રી ભેગી કરી, થાળી લઈને આગલું બારણું  ખોલી  લલી નીકળી,

‘એ કોણ?’ કાકુજીએ  ઉઠીને ખાટલામાંથી બેઠા થઈને પૂછ્યું.

‘એ તો હું લલી , કાકુજી, એકાદશી તે? મેરબાઈના દર્શને જાઉં, ભૂલી ગયા?’

‘હારુ પોરી, હાચવજે, જય ગંગેશ્વર”  બોલતાં બોલતાં  કાકુજીને  જોરદાર ખાંસી આવી. મકુ પોરી મોટી થઇ ગઈ હવે, વર શોધવાનું  શરૂ કરવું પડશે હવે.

મઘમઘતા લાંબા વાળને સાચવતી, હળવે હળવે કુળદેવી મેરબાઈના  દર્શને જવા ડગ માંડ્યા. પરોઢની ખુશનુમા હવામાં એ ધીરે ધીરે ચાલતી  બહાર નીકળી.  પૂર્વ દિશામાં મોં સૂઝણું થયું, ફળિયામાં હજી કોઈ દેખાતું ન હતું.

લલીને ભાસ થયો કે  બાજુના ઘરના માળિયા પરથી કોઈક આંખો એને નિહાળી રહી હતી. અજાણ્યા માણસો ધારી ધારીને એની સામે જુએ એની નિયતની સમજ તો એને આવી ગઈ હતી. ગણકાર્યા વગર એણે દેહરી તરફ ચાલ્યે રાખ્યું. એક બે કૂતરાંના ભસવાના અવાજ સિવાય ફળિયું એકદમ શાંત.

દેહરી તરફ જતાં જતાં મનમાં હજારો સવાલ ઉમટયા. પુષ્પા  પણ પૂજા સારુ આવવાની હતી તે  કેમ હજી દેખાઈ નહિ? લગ્નની વાત વાંકડાના કારણે અટકી ગઈ તે પછી બિચારી તદ્દન નિરાશ, ઊંઘ પણ કેવી રીતે આવી હશે, પડખાં ઘસ્યા હશે આખી રાત.

‘નખ્ખોદ જાય આ સમાજનું’ – લલીથી મનોમન શ્રાપ અપાઈ ગયો.

લલીએ હવે ઝડપથી ડગ માંડ્યા, પલ્લુ સરકી ગયો હતો એ સરખો કર્યો. એક બે વાર લાગ્યું  કે પાડોશીના માળ પરથી પેલી આંખો એને જોતી હતી  પણ એ વહેમ જ હતો અને આટલે દૂરથી સરખું દેખાય પણ કેવી રીતે?

દેહરીના દ્વારે પહોંચીને ચંપલ કાઢયા, હળવેથી ઘંટી વગાડી, માથું ઢાંકી જરાક ઝૂકીને અંદર દાખલ થઇ. માટીના કોડિયામાં જ્યોત નંજવાવા આવી હતી તેને ઊંચી કરી – નાનકડું ગર્ભદ્વાર પ્રજ્વલિત થઇ ઉઠ્યું. શ્રધ્ધાથી માથું નમાવી આંખો બંધ કરી, મનમાં જ પ્રાર્થના કરી . ઉજાસમાં એનો ચહેરો લાલિત્યમાન ઉગી નીકળ્યો.

અચાનક એ ચમકી. કોઈકના ધબાક કરીને જમીન પર પડવાનો અવાજ આવ્યો. વાંદરાઓ ગામમાં આવતા પણ આટલી વહેલી સવારે? એ તો  ઝૂંડના ઝૂંડ ગામના હારબંધ ઘરોના છાપરાં પર કૂદાકૂદ કરી મૂકતા એમના કાળા મસ ચહેરાઓ જાણે હસતા ન હોય, એવા દેખાતા.

હિમ્મત કરીને એ દેહરીની બહાર આવી. ચંપલ પહેરવા જતી હતી ત્યાં એક મોટા વાંદરા જેવી આકૃતિ છાપરા પરથી નીચે પડેલી જોઈ. લલીના મોંમાંથી એક હળવી ચીસ નીકળી ગઈ – આકૃતિના મોં પર જેમ તેમ ધારણ કરેલું મોહરું બહાર નીકળી આવ્યું  હતું.

‘અરે આતો બહુરૂપી પોતે!’

‘માફ કરજો બહેન મેં તમને ગભરાવી મૂક્યા નહિ?” કાઇંક ખાસિયાણો પડી ગયેલો બહુરૂપી ઉઠતાં ઉઠતાં બોલ્યો.

‘વાંધો નહિ પણ હું સમઝી કે કોઈ વાંદરો મારી નજીક પડ્યો.અને એ પણ મળસ્કે!”

‘એ શું થયું કે મને આજના ખેલ માટે સમય જ ન મળ્યો.

‘બેન, કોઈને કહેતા નહિ કે બહુરૂપી જેવો હું આજે નાકામયાબ રહ્યો.”

‘સારું સારું, નહિ કહું. પણ તમે હવે ધર્મશાળામાં પરત જઈને વ્યવસ્થિત તૈયાર થઇ જાવ’ લલીએ લગભગ હુકમ છોડ્યો.

અર્ધમાનવી –  અર્ધવાનર સ્વરૂપે એ ધર્મશાળામાં ભરાઈ ગયો અને લલી ઘેર પાછી વળીને પોતાની અન્ય પ્રવૃત્તિમાં લાગી ગઈ.

લલીના  પાડોશીના ઉપલા માળથી બે આંખો એને જોઈ રહી હતી તેમ બીજી બે આંખો આ બહુરૂપીના નાકામયાબ પ્રયત્નને ધર્મશાળાના  બાજુના ઘરમાંથી નિહાળી રહી હતી. ગોપાલને ખયાલ આવ્યો કે ફક્ત ચહેરા પર જાતજાતના લપેડા કરી મોહરું પહેરવાથી બહુરૂપી ન થઇ જવાય. કેટલી મહેનત કરવી પડે એને માટે.

એક નિશ્ચય સાથે એ દોડ્યો અને જઈને ધર્મશાળાની અંદર ભરાઈ ગયો.

ઘૂસી આવેલા ગોપાલને જોઈને બહુરૂપી આશ્ચર્યચકીત. ખરું ભૂત સવાર છે આને બહુરૂપી થવાનું!

‘એય તને તારા માય બાપ રોકતા નથી આમ ગમે તે ટાઈમે તું અહીં દોડ્યો આવે છે?’

‘ના રે’ ગોપાલના અવાજમાં એની અસાધારણ ધગશનો અણસાર બહુરૂપીને આવી ગયો.

એ પછીના બે કલાક ગામ આખું ઉઠે એ પહેલા બેઉ જાણે સખત તૈયારી કરી લીધી. મદારી અને એનો કહ્યાગરો  ભોજલાની  રમત હવે થવાની હતી. ગોપાલ બન્યો ભોજલું અને બહુરૂપી – મદારી. વાર્તામાં કઈ માલ ન હતો, એકની એક વાત, પણ લોકોને  મનોરંજન. મદારી બોલે અને હુકમ કરે  એમ ભોજલાંએ ચિત્ર વિચિત્ર ચાળા કરીને કરી બતાવવાનું.

ગોપાલે વેશ એવો કાઢ્યો હતો કે આબાદ ભોજલા જેવો લાગે – કોઈને શંકા ન જાય કે આ આપણો ગોપાલ છે.

સવારના નવના ટકોરે મદારી – ભોજલું ખેલ કરવા ગામમાં નીકળી પડયા.

લોકોને ગમ્મત પડી ગઈ. વળી બાજુના ગામમાંથી એજ વખતે સાચ્ચા વાંદરોની ટોળી પણ આવી પહોંચી પછી જુઓ મજા. સાચા વાનરમાનો એક, વારે વારે ગોપાલની ટોપી ખેંચ્યા કરે – ગોપાલને પોતાની ટોપી સાચવવાની અઘરી પડી ગઈ.

બધા વિચાર કરે  કે આ મદારી  તો આપણો બહુરૂપી છે પણ  માળું આ ભોજલું કોણ?

ખેલનું સંપૂર્ણ રિહરસલ કર્યું હતું પણ મદારી બીજી ભાષામાં ભોજલાને હુકમ છોડતો હતો એ ગોપાલને સમજાય નહિ એટલે એ મન ફાવે એવી અગડંબગડં ભાષામાં જવાબ આપવા માંડે  અને નાચવાનો ભાગ તો અદ્દલ સાચા ભોજલાં જેવો કરી બતાવે.

ખેલ કરતી મદારી-ભોજલાંની બેલડી લલીના ઘર આગળ આવી. ભોજલાંએ આવડે એવા નીચી ડાળ પરથી કૂદકા મારી બતાવ્યા , ઉતરીને પછી વાંસો ખંજવાળે, અને પ્રેક્ષકો સામે જોઈને દાંત કાઢે! ગોપાલને ઈશ્વર દત્ત આવું બધું જલ્દી ગ્રહણ કરવાની શક્તિ આપી હતી એ બહુરૂપીને ચોખ્ખું દેખાઈ રહ્યું હતું.

ધમાલ સાંભળી કાકુજી આગલે બારણેથી બહાર આવ્યા અને ખેલ જોઈને નવાઈ પામી ગયા. આ ભોજલું કોણ બન્યું છે ભાઈ? પાછળ ઉભેલી લલીને એક પલકમાં ખયાલ આવી ગયો કે ભોજલું ગોપાલ જ હતો. ગોપાલને પણ લાગ્યું કે લલી બધું પામી ગઈ છે.

લલીએ રમતમાં ભોજલાં તરફ એક બે સિક્કા ફેંક્યા તે ભોજલાંએ તરાપ મારીને લઇને મદારીને આપી દીધા.

‘ચાલો જે ઈશ્વરને ગમે તે. ગોપાલની શકિતનો પરિચય લલીને પણ થઇ ગયો. હવે ખુદ ઈશ્વર  પણ આવનાર  ભવિષ્યને રોકી શકે એમ ન હતો. ગોપાલ બહુરૂપીના રંગે પૂરો રંગાઈ ગયો હતો.’ લલી અલિપ્ત ભાવે ખેલ નિહાળી રહી.

ખરેખર જુઓ તો આપણે બધા એક નિર્દોષ બાળક બનીને આ જગતમાં આવીએ છે, માં બાપએ નિર્દોષ બાળકને એમને પોતાને મનગમતાં કપડા પહેરાવે, ધીમે ધીમે બાળક મોટું થાય, એ વળી પોતાને ગમે એવા કપડાની જીદ કરે, દોસ્તો અને સગા સંબંધીઓ એને અલગ અલગ વાઘા પહેરાવે, કાંઈ કેટલી તમન્નાઓ જગાવે, અને બાળક જુવાન થાય ત્યાં સુધી એને કાંઈ બનવું હોય. સથવારો મળે, બે મળીને નવી  જિંદગી, નવા વાઘા  નવા ખેલ —એમ આખી જિંદગી ચાલ્યા કરે – પેલા બહુરૂપીની  જેમ. ઘણી વાર આપણે ખરેખર કોણ છીએ તે ભૂલી  જઇયે, ન ઈચ્છા હોય એવી ભૂમિકા ય ભજવીએ અને નવા નવા રોલ અદા કરતા જઇયે. લલીનું મગજ દોડતું હતું.

‘અરે પેલો ભોજલું બનેલો કોણ છે જે?’ બાજુના ઘર હજામત કરતાં નીકળી આવેલા પોલીસ પટેલ કીકુભાઈએ પૂછ્યો પણ બધા ખેલ જોવામાં મશગૂલ. ખેલ રોકવાની હિમ્મત કે જરૂરિયાત કીકુભાઈને એ વખતે લાગી નહિ પણ  ‘સાલું તપાસ તો કરવી પડશે. હમણાં છોને લોકો ખુશ થતા’

સવિતા લોટ બાંધતી બાંધતી બહાર આવી, ‘ હાય હાય, આ લલીને તો કઈ ભાન જ નથી. જુઓને કેવી નજીક જઈને ખેલ જુએ છે. જો તો ? છે એને લાજ શરમ?’ સવિતાનું સર્વ ધ્યાન લલીના ચરિત્ર પર સવાલ ઉભા કરવામાં.

કીકુભાઇએ એને ગણકારી નહિ પણ અંદર જઈને મોં ધોઈને બાબુને હાક મારી.’ એ ય બાબલા’

‘હુકુમ બાવજી’ બે હાથ જોડીને ઉભો રાજસ્થાની બાબુ – એના અંગે અંગમાં નોકર તરીકે માલિકનો એકે એક હુકમ અદા કરવાની તત્પરતા.

ચિત્ર વિચિત્ર ફોટાઓથી સજાવેલ દીવાલની પાસે એક મોટા હિંચકા પર બેઠા બેઠા ઝૂલતા પોલીસ પટેલ ગર્જ્યા,

‘ હારો ગાંડો, નકામો માણસ. પહેલાં તારા ગંધાતા જોડાયા બહાર કાઢીને આવ – એમ જ દોડી આયવો તે’ કીકુભાઇના શબ્દે શબ્દે ભારોભાર અપમાન. પાછળ લાગેલા ફોટામાં અડધામાં તો ચોખ્ખું દેખાતું પણ ન હતું સિવાય કે એક ફોટો તો એટલો જૂનો કે ખુદ કીકુભાઇ બાળક તરીકે જનોઈ વિધિ કરતા હતા.

‘હુકુમ,’ બાબુ દોડીને એના ખાંસડાં બહાર કાઢી ને પાછો એના માલિક સમક્ષ બે હાથ જોડીને હાજર.

‘મારા હારા , તે ગિયે કાલે ધર્મશાળામાં હૂં થયેલું જે’ કીકુભાઈએ તપકીરની ડબ્બીમાંથી એક ચપટી કાઢીને નાકમાં સડાકો  બોલાવ્યો, આંખ ઝીણી કરી.

‘કઈ ની થયેલા માલિક’, હજી બાબુની ભાષા રાજસ્થાની મિશ્રીત હતી.

‘ચૂપ રહે, બેં… ચુ , પેલો બહુરૂપી હાથે ભોજલું થેલો એ કોણ છે?’

‘કાંઈ માલૂમ નથી, હુઝૂર’ ડરી ગયેલા બાબુએ બહાર નજર ફેરવી પણ ખેલ કરનારા હવે દૂર ચાલી ગયા હતા.

‘હારો તું તાં જોઈને હૂં કરી આયવો તે જ મને તો હમજ નથી પડતી’ કીકુભાઇનો પિત્તો આસમાન પર.

‘માલિક, મેં તો બહુરૂપીની પાસે ને પાસે – આખ્ખો વખત – કોઈ દૂસરા તાં કોઈ નહિ હોતા’

‘તો આ પેલો બીજો ગામમાં નવો નવો કેવી રીતે ઘૂસી ગીયો, હરામખોર કેથેનો. તૂ  હો એ ખેલમાં સામેલ કે કેમ, બોલ?’

‘થોડા વખત દો હૂઝૂર, અભી પતા કરી લેઉં. પણ…..તમે જ એ બહુરૂપીને પૂછી લેવ તો ….’

બોલતાં તો બોલાઈ ગયું પણ ..

‘મા ..ચો…,તૂ નીકર અભી હાલ. હારો મને, પોલીસ પટેલને સલાહ આપવા નિકરી પયડો તે’

બાબુ ચૂપચાપ ભાગી છૂટ્યો અને સીધો ઉપડ્યો ધર્મશાળાની દિશામાં.

ખેલ પતી ગયો હતો. બારણું બંધ હતું. બાબુએ ધક્કો માર્યો તો બારણું ખુલી ગયું. અંદર બહુરૂપી મોં પરના લપેડા વગેરે પાણીથી સાફ કરવામાં  વ્યસ્ત.

‘પેલો તારી સાથે ભોજલું બનેલો એ કોણ હતો?’ બાબુએ માલિકેની અદાથી સત્તાવાહી અવાજે પૂછ્યું.

‘તે તારે હૂં લેવા દેવા, ચાલ નીકળ અહીંથી’ કરીને બહુરૂપી  એને ધક્કો મારીને બારણા સુધી લઇ ગયો.

એને નવો સાથીદાર અને શિષ્ય મળી ગયો એ આખા ગામે જાણવાનો કાંઈ જરૂર?

એ દરમ્યાન ગોપાલ અંદરના ઓરડામાંથી પાછળના દરવાજે સિફતથી નીકળી પોતાને ઘેર જતો રહ્યો.

મામલાનું નિરાકરણ ન થયું. ગભરાયેલો બાબુ હવે શું કરે? આ બહુરૂપી લોકો બહુ ખતરનાક હોય, કઈ ઘડી શું કરી બેસે તે કહેવાય નહિ. કાલની વાત કાલે કરીને ત્યાંથી પોબારા ગણી ગયો.

                    —————

આ બાજુ તોરણગામથી લગભગ ૨૦૦ માઈલ દૂર દક્ષિણમા  મુંબઈમા સરભોણની વિધવા જમનાનો ભીરુ છોકરો ભીખુ નવા અને વિચિત્ર રહેણીકરણીવાળા શહેરમાં ગૂંચવાતો ગૂંચવાતો માર્ગ કાઢવા મથતો હતો.

xxxxxxxxxxxxxxxxxxx

પ્રકરણ ૭   ભીખુ

વરણગામની દક્ષિણે લગભગ ૨૦૦  માઈલ દૂર જમનાનો ભીખુ, મુંબઈની  કાઇંક વિચિત્ર લાગતી  જીવનશૈલીને  અનુકૂળ થવા પ્રયત્ન કરતો હતો. વતન સરભોણ જેવા નાના ગામેથી આમ અચાનક મુંબઈની ઝાકઝમાળ શૈલીમાં ગોઠવાવું એને માટે તો ધરતીકંપ   સમાન હતું. શાંત અને ભીરુ ભીખુ આ સ્વનવત વાતવરણમાં ન સમજાય એવી અકળામણ અનુભવે એ સ્વાભાવિક હતું.  મહાકાય મેન્શનમાં એને યાદ આવતી હતી એની જમના માં,  જે ગામડાંના સીધા સાદા રીતરિવાજો અને સંબંધોની ભૂલભૂલામણીમાંથી  માર્ગ કાઢી આપતી. જમના માં ગઈ એ પછીના થોડા દિવસો પ્રેમાળ મામી, દોસ્ત જેવો અમ્રત, વટવૃક્ષ સમા  દયાળ મામા અને નોકરોની ફોજ હોવા છતાં એણે અકલ્પ્ય એકલતા અનુભવી.

ભીખુને થયું  હમણાં ને હમણાં જ માં પાસે દોડી જઈને ખોળામાં માથું નાખીને પૂછું ‘કેમ મારા જીવનમાં વાવાઝોડું લઇ આવી તું?’

એ સરભોણ ગમે રહી શક્યો હોત, સારું ભણ્યો હોત અને માં સાથે ખેતર – વાડીનું ધ્યાન રાખતે અને…. સરસ મઝાની ગામડાની ગોરીને  લગ્ન કરીને લઇ આવતે.

ગામડાનું સુખ છોડીને આવા જાતજાતની ભાષાઓ બોલતા શહેરીજનો વચ્ચે શું દાટયું હતું? અહીં તો જાણે બધું લોક દોડવા પર હતું, બસ દોડ્યા કરવું, ક્યાં અને શેને માટે? સાંજે બધા ઘરે પાછા આવે ત્યારે લોકોના વેશ અને દેખાવ જોવા જેવા. અહીં ક્યાં જોવા મળે તાતાથૈયાં કરતા ક્ષણમાં સ્ફૂરી ઉઠેલા નાચ, લણણી કરતા કરતાં  ગળું ફુલાવીને  ગવાતાં ગીતો, બાળ, બુઢ્ઢા, જુવાન બધાં મસ્તીએ ચઢે?

માં સામેનો હળવો  રોષ હવે ગુસ્સામાં બદલાઈ ગયો. હા, મને ખબર છે એ જ મને દૂર કરવા માગતી હતી, હું એને ગમતો ક્યાં હતો?

વિચાર કરતાં આંખમાં પાણી ઉભરાઈ આવે એ પહેલાં ગંગા મૌસી આવ્યાં.

ગંગા મૌસી – એક ઘડાયેલ, ચાલીસ પિસ્તાળીશ  વર્ષ ઉંમરની  પ્રૌઢ સ્ત્રી, રાખોડી રંગની સાડીમાં સજ્જ, માથું પાલવથી હર હંમેશ ઢાંકેલું, પાલવની મજાલ કે એ સરી પડે?  દિવસ આખો એના સ્લીપરથી ચકચક અવાજ કરતી ચાલે  અને ઘર આખાને સંભાળતી, એની પાણીદાર આંખો ઝીણામાં ઝીણી વસ્તુઓનું  ચોકસાઈથી ધ્યાન રાખે;  કપાળ  પર એના સૌભાગ્યની નિશાની સમો મસમોટો લાલ ઘૂમ ચાંદલો, અને હા, પેલું પરસેવામાં લદબદ, ગળે ચોંટેલું  મંગળસૂત્ર પણ ખરું.

કાયમ દોડતી ને દોડતી- કેટલું બધું કામ પતાવવાનું ? રસોડું,  જોઈતી કરતી વસ્તુઓ દુકાનેથી મંગાવવી, નાનકડું ગાડું ભરાય એટલાં  ધોવાનાં કપડાં,  અને એ – આખા મેનશન- રૂપ બહ્માંડની કર્તાહર્તા, ભગવાન.

ગંગા મૌસી એક ક્ષણમાં ભીખુનું દર્દ પામી ગઈ.કોઈ જાતની નિરર્થક ચર્ચા વિના  એને આંગળીએ લગાવી એક ઓરડામાં ખેંચી ગઈ..

રૂમમાં સજાવેલ મોટા ખાટલો બતાવી કહે, ‘ જો દીકરા આ રૂમ હવેથી તારો’

ખાટલા પર જાડા જાડા ગાદલાં પર રંગબેરંગી સ્વચ્છ ચાદર, ઉપર  મુલાયમ રૂ ભરેલા બે મોટાં ઓશીકાં ,ઓઢવા નવી નક્કોર શોલાપુરી ચાદર – આના ઉપર હવે ભીખુ સૂશે. બરાબર એ ટાણે કોયલે ટહૂકો કર્યો પણ આ ટહૂકો સરભોણની કોયલ કરતાં જુદો હતો.

છટ્ટ !  દરેક વસ્તુને મારે સરભોણ સાથે સરખાવ્યા નહિ કરવી જોઈએ. ભીખુને વસ્તુસ્થિતિનું ભાન થયું. ક્યાંકથી સ્કૂલમાં શીખવેલી લાંબી લચક કવિતા યાદ આવી ગઈ એને:

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે

ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે

‘અને જો, અહીં આવ, આ રહી તારી લાઈટ અને પંખાની સ્વીચ- જો આમ ચાલુ બંધ થાય.’ મૌસીએ બે ત્રણ વખત ચાલુ બંધ કરીને ભીખુને દર્શાવ્યું. ગંગા ખરેખર સમજદાર, મા-સમાન મૌસી હતી!

બહાર ચોગાનમાં કોઈ ફેરિયાએ બૂમ પાડી ‘ એ ચંપલ આવ્યાં- સરસ મઝાના ચંપલ’

બીજી જ દુનિયામાં ડૂબેલો ભીખુ કાઇંક ભાનમાં આવ્યો.

‘સારું મૌસી’ આટલા બધાં સાહ્યબીવાળા નવીન ઉપકરણોને એકી સાથે જોઈને કાઇંક મૂંઝાયેલ ભીખુ બોલ્યો. ‘સાલું વાપરતાં આવડશે કે કેમ’ મનોમન બોલ્યો.

‘ગભરાવાનું  નહિ દીકરા. આ રૂમ રણજીતનો હતો, હવે એ તારો.. બિચારો રણજીત. પ્રભુ એના આત્માને શાંતિ આપે,  નાનકડો અમથો જીવ,. ભગવાન પણ કેટલો દયાહીન છે નહિ?’

ઓહો તો આ જ છે એ રૂમ જ્યાં દિવંગત રણજિત રહેતો, સૂતો ,બેસતો અને ભણતો, એક વિલક્ષણ અને થોડો ભય પમાડે એવી અનુભૂતિ થઇ. મૃત વ્યક્તિની યાદ કેવી હોય? ખાસ કરીને એણે વાપરેલી વસ્તુ જોઈએ, વાપરીએ ત્યારે.

રણજિત હજી એ રૂમમાં હરતો ફરતો હોય એવું લાગવા માંડ્યું, ભગવાને એને કેમ યુવાન વયે બોલાવી લીધો. શું આ રૂમમાં એવું કઈ હતું જેથી આવું થઇ ગયું?

કેવા વિચાર કરૂં છું હું? જમના  માં કાયમ કહે, ‘શરીર મરે પણ આત્મા અમર છે’

રણજિતનો આત્મા આ રૂમમાં  ફરતો હશે? અરે એ તો મારો ભાઈ જ કે નહિ? આત્મા અહીં હોય તો પણ શું ? એ ઉપદ્રવ કરીને મને થોડો બીવડાવે ? ભીખુને  હવે શાંતિ થઇ.

‘ભીખુ દીકરા, ચાલો જમવાનો ટાઈમ થઇ ગયો, ડાઇનિંગ રૂમમાં આવી જા તો’. ગંગા મૌસીએ હાક મારી.

ભીખુ સફાળો દોડ્યો પણ ડાઇનિંગ રૂમના ઉંબરે પગ ભેરવાયો અને પડ્યો ડાઇનિંગ રૂમની જમીન પર જાણે સાષ્ટાંગ  દંડવત  પ્રણામ ન કરતો હોય? ઘૂંટણ છોલાયું, ભીખુ ચિત્કાર કરીને બૂમ પાડવા જતો હતો – એટલી મોટી બૂમ કે સરભોણ જમના માંને સંભળાય.

ના, પણ ભીખુ શાંત રહ્યો, મૌસી આવે એ પહેલાં કપડા ખંખેરી ઉભો થઇ ગયો, મોં પર એક ક્ષોભિત સ્મિત. માંએ શું કહ્યું હતું એને યાદ હતું. નાની નાની વાતમાં કોઈની સહાનુભૂતિની આશા ન રાખવી. .તું તો મરદનો બચ્ચો છે ને, મારા ભીખા ?’

”મૌસી, એ તો ત્યાં  જરા પડી ગયો, ફિકર નહિ.’

‘અરે માઝા બાબા’

‘બેટા, વાગ્યું  તો નથી ને? સવિતા મામીના  મોં પર ચિંતા, ‘ જરા સંભાળીને ચાલ’

ભીખુ ત્વરાથી અમ્રતની બાજુની મોટી ખુરશી પર બેસી ગયો અને ટેવ મુજબ બેઉ પગ અંદર સંકોરીને ખુરશી પર મૂકવા જતો હતો ત્યાં અમરતે ઈશારો કર્યો.

ભીખુ સમજી ગયો અને પગને લાંબા કરી ડાઇનિંગ ટેબલની નીચે મૂક્યા, બેમાંથી કોઈ એક શબ્દ બોલ્યા  નહિ, ફક્ત આંખોના  ઇશારાથી  પરિસ્થિતિ સંભાળી લીધી.

બીજી એક સ્ત્રીએ  રસોડા અને ડાઇનિંગ રૂમ વચ્ચે ઝપાટાબંધ આંટા મારીને પીરસ્યું.

મોટામામાનું પ્રભાવશાળી વ્યક્તિત્વ ડાઇનિંગ રૂમમાં દેખાયું  એટલે સોપો પડી ગયો.

એક પુરુષ કર્મચારી આવ્યો, મામાની ખુરશી બહાર ખેંચી, મામા બેઠા એટલે ધીરેથી ટેબલ તરફ સરકાવી, ખોળાપર શ્વેત નેપકીન મૂક્યો. દયાળજીએ ચૂપચાપ નાસ્તાને ન્યાય આપવાનું શરુ કર્યું, ચાવતાં  ચાવતાં કોઈ જાતનો અવાજ નહિ, મોં પર હતું એક હળવું સ્મિત. ભીખુએ આ જોયું અને મામાની એટીકેટને અનુસર્યો. ઘણું શીખવાનું છે હજી તારે, ભીખુ.

મનમાં એને આ બધા આડંબર જ લાગ્યા. પણ દયાળજી કુટુંબને અંગ્રેજ રીતભાતમાં રહેવાની એક આદત પડી ગયી હતી. જમના માંની ઈચ્છા મુજબ જો ભીખુ સોલિસિટર બની ગયો તો એને પણ આવી બધી નકલી રીતભાતથી જીવવું પડશે કે શું ?

‘કેમ ફાવી ગયું ને ભીખુ? રણજિતના રૂમમાં તારે રહેવાનું છે, હૈ કે?’

‘હા જી બધું ફક્કડ છે’ ભીખુ એના ગામઠી લહેકામાં

‘ચાલ તો તું આજે જરા આરામ કરી લે ને જેટલું આજુબાજુ જોવાય એટલું જોઈ લેજે.  કાલે અમ્રત તને વિલસન કોલેજ બતાવવા લઈ જશે ‘  કહીને અમ્રત તરફ મોં ફેરવીને  એને તાકીદ કરી. કહ્યાગરો અમ્રત ‘હા જી’ બોલીને શાંત.

‘……કોલેજમાં તારા એડમિશનનાં કાગળીયાં કરવા પડશે તે ‘ સોલિસિટર સાહેબ સૂચન સમાપ્ત કર્યું.

‘હા જી મોટામામા ‘ ભીખુએ  અમ્રતની અદાથી જવાબ આપ્યો.

‘તે ભાય ભીખુ , તું તારું મેટ્રિક નું સર્ટિફિકેટ લઇ લેજે અને બર્થ સર્ટિફિકેટ પણ જોઈશે – જો હોય તો’

રોટલીનો ટૂકડો ગાળામાં ફસાઈ ગયો એટલે ભીખુને અંતરસ ચઢી.

‘પણ મારી પાસે બર્થ સર્ટિફિકેટ તો નથી’ ભીખુના અવાજમાં ચિંતા સાફ દેખાતી હતી.

‘પહેલાં પાણી પી લે ભાય.. એ તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ ચાલશે’ અમ્રતે માથું હલાવી રસ્તો કાઢ્યો.

દયાળજી, થોડો કંટાળો કરતાં, ‘  અરે કઈ નહિ. ભીખુની જન્મ તારીખ મેં ક્યાંક લખેલી છે. જન્મનો સમય મહત્વનો નથી. જમનાબેન એમ કહયા કરતાં કે ભીખુના જન્મ ભંજાતે (સાંજને પહોરે) થયો ત્યારે ઢોર ચરીને  પાછાં આવતાં હતાં’.  પછી પાછળ ફરીને ‘અરે સૂર્વે, મને જરા ઓફિસમા યાદ કરાવજે ઓકે ?

દૂધ જેવા ચોક્ખા ચણાક સફેદ યુનિફોર્મમાં સાબદો સાહેબનો આસિસ્ટન્ટ સૂર્વે, જે અત્યાર સુધી તાલ જોયા કરતો હતો એ, સાવધ થઇ ગયો , ‘ યસ સર ,યસ સર’ ‘

સૂર્વે આદત મુજબ જરા લળ્યો અને સાહેબના આગલા  આદેશની રાહ જોતો ઉભો.

સાલું, મેં મારી મેટ્રિકની માર્કશીટ અને જન્મતારીખનું સર્ટિફિકેટ મામાને બતાવીને બેગમાં પાછા  મૂકી દીધેલાં કે નહિ?’ ભીખુને હવે ચિંતામાં એક વધારો! ક્યાંક ખોવાઈ ગયાં તો આવી બને’ ભીખુના જીવને જપ ક્યાંથી હોય?

એને હજી યાદ હતું કેવી રીતે માંએ જન્મના સમય વિષે જોશી મહારાજ પાસે કુંડળી બનાવડાવી હતી. જરાક આમ તેમ થઇ જાય તો નક્ષત્ર બદલાઈ જાય અને એ સાથે ભવિષ્ય પણ? પણ કેમ મોટામામાએ  જન્મ સમયને મહત્વનો ન ગણ્યો?

હશે, એ તો બહુ મોટાં છે. એને બધી ખબર હોય કે શું મહત્વનું છે અને શું નહિ. શું મારે એમના જેવા,  બધા અંજાઈ જાય એવા જોરદાર વ્યક્તિત્વવાળા થવું છે? ના રે, આજુબાજુના લોકો  આવા વ્યક્તિત્વથી  થથરે તે સારું નહિ.

બપોરના બે થવા આવ્યાં અને ભીખુ કઈ ખાસ ખાઈ શક્યો ન હતો. થાળીમાં દાળ, ભાત અને થોડું શાક પડી રહયા. કેટલું ખરાબ લાગે ? પણ બધાં ઉઠ્યા એટલે એણે  પણ  ઉઠવું પડ્યું. ગંગા મૌસીને ખયાલ આવી ગયો કે ભીખુ ગલવાયેલો છે. ઈશારાથી કહી દીધું ‘કઈ વાંધો નહિ બેટા, તું જા, તારે  જવું હોય તો’

‘બિચારા બાબાએ કૈં ખાધું નથી, મારે એને પછી મોડેથી ખવડાવવું પડશે’ કરીને મૌસી ઉઠ્યાં અને  ભેગી થયેલી બધી  એઠી પ્લેટને ટેબલ પરથી હટાવી લીધી. મોટામામા  ઉભા થયા, નાના સ્ટૂલ પર ગોઠવેલા પાનનાં ડબ્બામાંથી એક મસાલા પાન લઈને મોંમાં  ખોસ્યું અને હાથ લૂછતાં લૂછતાં બહાર નીકળ્યા.  બેસીનમાં જઈને કોગળા કરીને મોં સાફ ન કર્યું એ ભીખુ ને બહુ વિચિત્ર લાગ્યું  – કદાચ  અંગ્રેજી   એટીકેટ હોય.

મુંબઈની ગરમી તો ભાઈ તૌબા.

‘લાવ પાછો  નાહી લઉં’ ભીખુને વિચાર આવ્યો પણ બાથરૂમમાં એ  અટપટા પાઇપો જોઈને થોડો મૂંઝાયો હતો. સવારે જરા અલપઝલપ જલ્દી જલ્દી નાહી તો લીધું હતું એક  નળમાંથી પાણી ટપકતું અટકતું જ ન હતું એ બંધ કરવા   પાનું જોઈએ. પાનું વળી ક્યાં હશે? સરભોણ ગામમાં  કૂવામાંથી ડોલથી પાણી ખેંચવું અને એ જ ડોલથી છત વગરના ચાર દીવાલવાળા, સરકી પડાય એવા નવાણિયામાં નાહી લેવાનું. મહિને એકવાર એક સુગંધીદાર સાબુથી માથાના વાળ ધોઈ નાખવાના. ભીખુને  નહાવાનું બહુ ગમતું નહિ. પવાલાંથી   નહાતાં નહાતાં જેમ તેમ ડોલ અડધી થાય એટલે માથે ઝટકાથી રેડીને ઉભા થઇ જવાનું એટલે પત્યું.

ચાલ રૂમમાં જઈને પેલો લીક થતો નળ જોઈ લઉં. બાથરૂમમાં જઈને એણે અંદરથી સ્ટોપર મારી. આજુબાજુ નજર દોડાવી. ક્યાંય પાનું દેખાય છે? અરે વાહ ? એક ઊંચી બારી પર એક પાનું દેખાયું. ડોલને ઉંધી કરીને એ ઉપર ચડ્યો અને પાનું હાથ લાગ્યું.  પણ હવે એનું ધ્યાન બારીની બહાર! 

ચોગાનમાં એક ભીખુની ઉમરનો છોકરો એક જરા નાની લાગતી છોકરી સાથે  ગિલ્લી ડંડા રમતો દેખાયો. 

ભીખુને યાદ આવ્યું. એ છોકરો મોટામામાની મોટરકારને અહોભાવથી જોયા કરતો હતો. છોકરી ખાસ્સી નાની હતી પણ રમવામાં બહુ ચપળ અને છોકરાથી ગાંજી જાય એવી બિલકુલ ન હતી. ભીખુને અચરજ થયું. છોકરી -છોકરા  સાથે ગિલ્લીડંડા રમી શકે?

‘ઉમેશ, ઉમેશ, એવું નહિ ચાલે. આ તો અંચાઈ કહેવાય’ છોકરીએ છોકરાને પડકાર્યો.’

‘ચાલ ચાલ લીલી હવે, બધી અંચાઈવાળી. ગિલ્લીડંડાના નિયમ મને ખબર હોય કે તને?’ ઉમેશે એના ચાળા પાડીને કહ્યું.

‘ના આ તો તું છેતરે છે મને. આવો કોઈ નિયમ નથી ‘ લીલી પીછેહઠ કરે એવી ન હતી.

‘તો પછી મારે નથી રમવું’ કરીને એણે ડંડો બગલમાં દાબ્યો.

‘તું મારા ઉપર રૂઆબ નહિ બતાવી શકે’ લીલીને ખીજ ચડી.

‘તો તારી કિટ્ટા’ દાંત પર નખ ક્લિક કરીને ઉમેશ વિફર્યો.

‘હા હા હા, છોકરી સામે હારવાનો ડર લાગ્યો ને?’ એક અટ્ટહાસ્ય કરી, ડંડાને ઉપર નીચે હવામાં મારતી, પોતાની પોનીને આમતેમ ફંગોળતી લીલી નીકળી આવી.

ભીખુ ને બે ઘડી મોજ પડી ગઈ. છોકરીમાં કૈંક એવું તેજ હતું જે એણે પોતાની  જમનામાંમાં અનુભવ્યું હતું. પુરુષોથી ગભરાવું શું?

હવે એ લીલીના પક્ષમાં હતો.

ધીરે રહીને ભીખુ ઉતર્યો, લીક થતો નળ ટાઈટ કર્યો. રહી રહી ને એના વિચાર પેલી લીલી તરફ લઇ જતા હતાં. પોતાથી ઘણો મોટો છોકરો અને એને પડકારવાની હિમ્મત! કહેવું પડે! લીલીનું સ્વમાન ગમી જાય એવું હતું.

એસ્ટેટમાં મોટામામાનો એક બંગલો હતો જ્યારે બીજા બધા બહુ માળી ફ્લેટ હતા. થોડી થોડી વારે એકાદ મોટર કાર આવીને ફ્લેટના પ્રવેશ દ્વારે ઉભી રહે, કારમાંથી બે ત્રણ જણ ઠલવાય અને એ શોપિંગ બેગો લઈને લિફ્ટ તરફ પ્રયાણ કરતા દેખાય. રોજેરોજ  શું  બધું શોપિંગ કરવાનું હોય વળી? ભીખુની સમજની બહાર હતું.

જો કે ઢળતી બપોરે અવાજ બંધ થઇ જતા ત્યારે દૂર પથરાળ કિનારે અફળાતા દરિયાના મોંજાના  અવાજ સંભળાતા. એકાદ વાર લિફ્ટમાં ઉપર જઈને અગાશીમાંથી નજારો કેવોક દેખાય છે એ જોવું જોઈએ.

એણે સૂવા પ્રયત્ન કર્યો પણ ફેરિયાઓ બહુ બૂમરાણ કરતાં હતાં. ઉભા થઈને મોં ધોયું અને કુતૂહલતાવશ રણજિતના અભ્યાસ ટેબલ પર બેઠો. સૌથી મોટું પુસ્તક તો ઈંગ્લીશ ડીક્ષનરી હતું. ‘કેમિસ્ટ્રી મેઇડ ઈઝી ‘ નામનું એક બીજું પુસ્તક નજરે ચઢ્યું. ભીખુને યાદ આવ્યું સરભોણની શાળામાં રસાયણશાસ્ત્ર નામે વિષય હતો. રણજિતનાં પુસ્તકમાં ચિત્રો અને સ્કેચ રસાયણશાસ્ત્રવાળા પુસ્તક જેવા હતા પણ  ઈંગ્લીશમાં લખાયેલ આ પુસ્તક વાંચવાનું બહુ ફાવ્યું નહિ.

‘અરે મારે મુંબઈની કોલેજમાં ઈંગ્લીશમાં શીખવાનું આવશે ત્યારે?’ ભીખુએ માથું ખંજવાળ્યું.

કઈ કરવું પડશે. અમ્રતને પૂછાય, પણ એના અભ્યાસમાં એ વ્યસ્ત હતો. કોલેજના લેક્ચર ઈંગ્લીશમાં જ હોવાનાં તો એણે શું કરવું?  કોણ એને મદદ કરશે?

સાંજ પડી, ભીખુ મેનશનના વરંડામાં આવ્યો. શહેરી છોકરાઓ રમત રમતા હતા. ગામમાં કેવી સરસ રમતા બધા? આટાપાટા, હૂં તુ તુ તુ , લંગડી, ખો ખો અને અહીંયા?

‘એય, તુ કોણ છે? તારું નામ શું છે. ચાલ અમારી સાથે રમવું છે?’  એ પેલો ઉમેશ હતો.

‘ન ન ના આજે નહિ’ ભીખુ જરા થોથવાયો

‘તે આમ છોકરીની જેમ શરમાય છે શું? ચાલ નીચે આવ’

છોકરીની જેમ શરમાવાનું? એ એજ ઉમેશ હતો જેને લીલીએ પડકાર્યો હતો.

ભીખુ રમવા ગયો. બધા હિન્દી બોલતા હતા જે એને ભાંગ્યું તૂટ્યું આવડતું હતું.

સતીશ નામે એક છોકરાએ  પાસે આવીને પૂછ્યું, ‘ તારું નામ તો કહે?’

‘ભીખુ’ દ્રઢતાથી ભીખુએ કહ્યું

”ભીખુ! કેવું ગામઠી નામ છે તારું? ભરત, બિરજુ એવું કાઇંક નામ રાખને? છોકરાઓએ કરેલી મશ્કરી ભીખુને ન ગમી.

થોડી વાર તો ભીખુને થયું કે હા એવું કાઇંક કરું. પણ પાછું સ્વમાન જાગી ઉઠ્યું.

‘ના, હું ભીખુ છું. નામ મારી માંએ રાખ્યું છે તો એ ભીખુ જ રહેશે.’ ભીખુ દ્રઢતાથી બોલ્યો.

બધાએ તાળી પાડી એને વધાવી લીધો, ‘ સાલું, જે કહો તે પણ છોકરામાં ખમીર  છે’ કોઈ બોલ્યું.

ચાલ તો રમીયે.

ભીખુએ આમ તેમ નજર દોડાવી પણ પેલી લીલી ક્યાંય દેખાઈ નહિ.

રાતે પથારીમાં  ભીખુએ પડખાં ઘસ્યા  કીધાં. ઈંગ્લીશ સુધારવું પડશે. પણ કોણ એને મદદ કરશે? વિચાર કરતાં મોટાં ઘડિયાળમાં બારના ડંકા પડ્યા. એ સાથે ભીખુને એક વિચાર ઝબક્યો.  ખ્યાલ સારો હતો પણ એ માટે મોટામામા રાજી  થવા જોઈએ.

જોયું જશે. મનને કાઇંક રાહત થઇ. દૂર મકાનની  પથ્થરની દીવાલ પર મોટાં મોટાં મોંજા અફળાવના તાલ સાથે એને ઊંઘ આવી ગઈ. આવતી કાલે એ મામાને હિમ્મતથી વાત કરશે.

સરભોણ ગામે જમનાની રાત પણ જરા ભારે હતી. ખેતરના મજૂરો સાત – આઠ દિવસથી કામે ન આવ્યા.ખેતરની હાલત દિવસે દિવસે વણસતી જતી હતી. શું કરવું હવે? પાડોશી નાથુભાઈને કહું? કોઈ દા’ડો નહિ. જમનાની લાચારીનો લાભ લેવાની તક એ નિર્લજ્જ છોડે ખરો?

ભીખુની જેમ જમનાને બરોબર મધરાતે એક વિચાર સ્ફૂર્યો. ખેતર કોઈ સદ્ગૃહસ્થને ખેડવા આપી દઉં! નાકવાળા અનાવિલો માટે કોઈને ખેતર ખેડવા આપવાનો વિચાર અકલ્પ્ય હતો. એથીયે વધુ, માણસ જો સારો ન નીકળે તો એક અબળાનું ખેતર  હાથમાંથી જતું પણ રહે. પણ જમના જાણતી હતી કે હવે પવન બીજી દિશામાં ફૂંકાવા માંડ્યો હતો. રોજની ઝંઝટમાંથી મુક્તિ અને બેઠી આવક ઉભી થઇ જાય અને જીવતર શાંતિથી જીવાય. વિચાર અમલમાં મૂકાય એવો હતો.

આ બાજુ મહાત્મા ગાંધી અંગ્રેજ શાશન સામે લડતા હતા અને તેમાં આભડછેડ નાબૂદ કરવાની વાત કરે? ડોહાની અક્કલ ક્યાં ગઈ છે? એનું ચાલે તો આવા બધા નકામા લોકો જમીન કબ્જે કરી મૂકે! મારા ઠાકોરજી, આ હૂં માંડ્યું છે તમે? એવું સાંભળ્યું કે સ્થાનિક પંચાયતની ચૂંટણીમાં હવે નીચલી કોમના માણહ હો ઉભા રહેતા થઇ ગિયા!

હવે આ બધી વાત જવા દેવ. મુશ્કેલીમાંથી તાત્કાલિક રસ્તો કાઢવો જરૂરી હતો. સરપંચને મળી જોઉં.

મોરારના સગા ભાઈ  ખંડુને ખેતર ખેડવામાં રતીભાર રસ નહિ. એની નજર તો રેલવેમાં નોકરીએ લાગવામાં.એ જ ઠીક રહેશે. જમના નિરાંતે સુઈ ગયી.

મુંબઈમાં ભીખુને સવાર સવારના એક સપનું આવ્યું કે પોતે કોલેજમાં બીજા દોસ્તો સાથે કડકડાટ ઈંગ્લીશમાં હસી હસીને વાતો કરી રહ્યો છે, બધા દિંગ્મૂઢ કે નાના ગામથી આવતો આ છોકરો આટલું ફક્કડ ઈંગ્લીશ કેવી રીતે બોલે છે. એટલામાં થોડી દેખાવડી કોલેજીઅન છોકરીઓ આવી અને ભીખુની સામે આશ્ચર્યથી જોવા લાગી.

અચાનક જમના માંનું  આગમન ! ભીખુને છોકરીઓ સાથે મસ્તી કરતો જોઈને ઉછળી પડે છે. ક્યાં ગયાં તારા સંસ્કાર? માંએ ડોળા કાઢ્યા.

ખાસિયાણો  પડેલો ભીખુ હાથના હાવભાવથી માંને સમજાવવા કોશિશ કરે છે.

સ્વપ્ન શ્રુષ્ટિમાંથી વાસ્તવિક જગત પાછો ફરેલો ભીખુ જુએ છે કે બાજુના ટેબલ પર રાખેલું પાણીનું જગ હાથના હડસેલાથી જમીન પર પડી ગયું હતું. જલ્દીથી ભીખુ ઉઠ્યો, જગને પાછું ટૅબલ પર ગોઠવ્યું  અને જમીન પર એક પોતું મારી લીધું. અવાજથી કોઈ ઉઠી તો નહિ ગયું હોય ને? નક્કી કર્યા મુજબ એણે  તરત દાંત સાફ કરી, નાહી લીધું અને બ્રેકફાસ્ટ ટેબલ પર મામા આવે એની રાહ જોવા પહેલાં બેસી જવાનું હતું. ઘેરી ઊંઘ પછી ભીખુ તાજગી અનુભવતો  હતો. સવાર સવાર આવેલા સપના સાચા પડતા હોય છે. વાળમાં સુગંધી તેલ નાખીને બરાબર હોળી લીધા.  આઠને ટકોરે અને મામાની બાજુની ખુરશી પર આસન જમાવ્યું. બસ હવે મામા આવે એટલી જ વાર.

રૂમમાં કોઈના દાખલ થવાનો જરા અવાજ આવ્યો એટલે ભીખુ લશ્કરના સિપાઈની જેમ સટ્ટાક ઉભો થઇ ગયો.

‘દીકરા ભીખુ, આજે કઈ જલ્દી હાજર થઇ ગયો?’  ગંગા મૌસીએ ટકોર કરી.

‘સાહેબ બસ આવતા જ હશે’

‘હા મને  ખબર છે’ ભીખુને પોતાનો સંકલ્પ  બરાબર યાદ હતો.

‘અરે વાહ ! ચાલ પાછો બેસી જા જોઈએ’  મૌસીએ સ્મિત વેર્યું.

સવા આઠે મોટામામા  દાખલ, આગલા દિવસની જેમ પેલો  નોકર  આવીને સાહેબની ખુરશી ગોઠવી ગયો.

ભીખુ વળી પાછો લશ્કરી  ઢબે ઉભો થઇ ગયો અને મોટામામાની આંખમાં આંખ મિલાવીને બોલ્યો ‘ મોટામામા, મારે તમને કાઇંક કહેવું છે’. 

xxxxxxxxxxxxxxxxxx 
પ્રકરણ ૮  મહાનગર

‘કહેને દીકરા, શું છે?’ એક રાજવીને છાજે એમ બિરાજમાન દયાળજી સોલિસિટરે એક વેધક  નજરે ભીખુ તરફ જોયું.

‘વાત જાણે એમ છે કે ..’

પાસે ઉભેલી ગંગા મૌસીની હાજરી નોંધી, ભીખુએ ગળું ખંખેર્યું અને મોટામામાને એક નિર્ધારથી,

‘કોલેજ ઉઘડવાને હજી એક મહિનો છે એટલે મને એમ થયું કે તમારી સાથે ઓફિસ આવીને કાઇંક શીખું…. જો તમને વાંધો ન હોય તો…’

અમરતે ટીખળભરી દ્રષ્ટિથી ભીખુને નિહાળ્યો અને  તરત જ  સોલિસિટર તરફ નજર, કે પિતાજી શું કહે છે?

દયાળજી સોલિસિટરે ચશ્મા કાઢયાં, ફોલ્ડ કરીને બાજુમાં મૂક્યા, રૂમાલથી હાથ લૂછ્યા, ‘કેમ તારે અહીં રહીને શહેરના વાતાવરણ અને લોકોથી પરિચિત નથી થવું?’

‘માંએ નોખીને કહ્યું છે કે મારે તમારા જેવા બાહોશ સોલિસિટર થવાનું છે’

એની નજર અમરત સામે.

‘સારું પણ તું સોલિસિટર બનશે કે પછી બીજું કઈ એ તો કેમ કહેવાય પણ તારે ઓફિસ આવીને બીજા લોકોની રીતભાત  અને વહેવાર શીખવા હોય તો ઓફિસ જરૂર આવી શકે. તને સારી ટ્રેનિંગ મળશે’

સોલિસિટર સાહેબનાં ચશ્મા પાછા આંખો પર, ‘ હા પણ તારે આવવા જવાની વ્યવસ્થા જાતે કરવી, નહિ તો મારા ભાણેજ તરીકે  લોકો તને અહો ભાવથી જોશે અને પછી તો તને ટ્રેનિંગ બ્રેઇનિંગ મળી રહી ! ‘ દયાળજીનો તર્ક સાચો હતો. એ ઉઠવા લાગ્યા.

‘મોટામામા….’  ભીખુ આભારવશ થયો

‘ જો,  ઓફિસ આવીને મને મામા ફામા નહિ કહેવાનું સમજ્યો?

‘પણ…’ ભીખુ અવાચક !

‘અમરત, તું  ભીખુને ઓફિસ કેમ આવવું જવું એ સમજાવી દે, ઠીક છે? ચલો સૂર્વે,’ કહેતાં મોટામામા એક ઘૂંટડે ચાને ગળે ઉતારી અને મોટી ડાંફો ભરતા ઘરની બહાર – પાછળ લાલ દોરીથી બાંધેલી કાગળિયાની ગાંસડી અને મઝાની નાની બ્રિફકેસ લઈને સૂર્વે દોડ્યો,

અમરત હસતાં હસતાં બેવડ વળી ગયો, ‘મારા ભાઈ, તને અહીંયા શું સરભોણ દેખાય છે? તને એમ છે કે સોલિસિટરને તારી આવી ક્ષુલ્લક વાતો માટે ટાઈમ હોય? એમનું કહેવું તું સમજ્યો જરા? આવા શહેરમાં કેમ દોડાદોડ કરવી, કામ ઉકેલવું એ જાતે જ શીખવું પડશે. અલબત્ત, આ તારો ભાઈ તારી  આંગળી પકડશે પણ તું જેટલું વહેલું શીખશે એટલું તારા ફાયદામાં છે’

ભીખુ સ્તબ્ધ થઇ ગયો. મોટામામા તો ઈંગ્લીશ રીતભાતમાં પરોવાયેલા હતા. પણ મને કે દા’ડે ફાંકડું ઈંગ્લીશ બોલતાં આવડશે? મને તો કંઈ કેટલા શબ્દ નથી ખબર. હું જરૂર  આ બધું શીખી લઈશ, બને એટલું જલ્દીથી, જો જો બધા.

‘બિચારો  ભીખુ , ‘ સવિતામામી આ બધું જોઈ રહી હતી, ‘ દીકરા તેં તો આજે કઈ નાસ્તો ય   નહિ કર્યો અને ચા પણ નહિ’

ભીખુએ  છણકો કર્યો, ‘ મારે કાઈં ખાવું નથી, ભૂખ નથી. હું અમરત સાથે ઓફિસ જાઉં છું.’  સવિતા જોઈ જ રહી,’ અદ્દલ જમનાનું લોહી’ – એ બબડી 

સોલિસિટર સાહેબ એમની મોટી ડીસોટો ગાડીમાં રવાના થયા એટલે ભીખુ એના રૂમમાં પાછો ફર્યો – બારણા બહાર પોતાની ઢીંગલી સાથે રમતી અને જીભડો કાઢતી લીલી એણે જોઈએ નહિ કે પછી ગણકારી નહિ. શું એ બધી વાત સાંભળી રહી હતી?

લીલીને ન ગણકારતાં ભીખુએ ઝટ નહાવાનું પતાવ્યું, સારામાં સારું શર્ટ પહેર્યું, ખિસ્સામાં પેન ખોસી. ચીપી ચીપીને વાળ હોળ્યા અને અમરતની રાહ જોતો વરંડામાં ઉભો. હવે એને ‘દયાળજી જ્ઞાનચંદ સોલિસિટર્સ ‘ની ઓફિસ જવાની તાલાવેલી લાગી હતી.

અમરત, ઈસ્ત્રી ટાઈટ શર્ટ , ટાય અને પેન્ટ પહેરીને બહાર આવ્યો પણ એના મોં પરથી પેલું ટીખળી સ્મિત હજી અકબંધ હતું. એને વળી શાની રમૂજ થતી હતી?

‘ચાલ તો  ભીખુ જરા ઝપાટે પગ ઉપાડ નહિ તો નવ વાગ્યાની બસ ચૂકી જશું.’ અમરતે લગભગ દોડવા માંડ્યું અને એની પૂંઠે  ભીખુ.

પેલી ચિબાવલી છોકરી લીલી મેન્શનના ગેઇટ આગળ મળી. .

એય અમરત. આ ગામઠી છોકરો કોણ છે?

‘તારે તેનું કાંઈ કામ? ‘ કરીને અમરત એને ગેઇટની બહાર મોટા રસ્તા પર લઇ આવ્યો. 

ઓહો આટલા બધા વાહનો; કેટલા ફાસ્ટ? બસ ડીપો તરફ જતી ફૂટપાથ પર એક ફેરિયો ગરમ નાસ્તો વેચતો હતો. એણે કયૉ નાસ્તો હતો? ભૂખ્યા ભીખુને મોંમાં પાણી આવવા માંડ્યું. ખેર, આગળ ચાલો. જાતજાતના માણસોથી ખદબદતા વાલ્કેશ્વર બસ સ્ટોપ પર બંને હાંફતા હાંફતા પહોંચી ગયા.

બંને લાઈનમાં ઉભા રહીગયા અને જેમ જેમ બસ આવે  તેમ લાઈન આગળ વધવા માંડી.

સાલું ખરું છે, અહીં તો બધા ચૂપચાપ લાઈનમાં ઉભા રહે અને પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જુએ, સરભોણના બસ ડીપો  પર ધકામૂક્કી અને અશિસ્ત, છી! અચાનક અમરતે જાદુગરની જેમ ખિસ્સમાંથી ખારી શીંગનું પેકેટ કાઢ્યું અને ભીખુને ધર્યું.

‘લે’

ભીખુને તો જાણે ભગવાન મળી ગયા. વિના સંકોચે થોડા દાણા મૂઠ્ઠીમાં લઇ લીધા. 

કેટલાક શર્ટ ટાય પહેરેલા પુરુષો કોઈ ઈંગ્લીશ પેપર વાંચીને ચર્ચા કરતા દેખાયા. પેપરની હેડલાઈન સ્પષ્ટ વંચાતી હતી ” ‘The Equal Franchise Act of 1928 granted equal voting rights to women and men.’’

બીજા એક ઈંગ્લીશ પેપરમાં મથાળે  લખ્યું હતું ‘At the Congress session in Calcutta in December, Gandhi put forth the crucial resolution demanding dominion status from the British government within a year under threat of a nationwide nonviolent campaign for complete independence.’

ઈંગ્લીશનું  જ્ઞાન અધકચરું એટલે આપણા ભીખુને બહુ સમજ ન પડી. જમના માં અસહકાર અને અહિંસાની વાતો કરતી અને પોતાની નારાજગીરી જાહેર કરતી. ભીખુ તો બહુ નાનો એટલે એને માટે તો માં બોલે એ બ્રહ્મવાક્ય.

અમરત ના મોં પર થોડો ખિજવાટ, ‘ ભીખુ આવા બધામાં પડતો નહિ, શું?’

 બસની લાઈનમાં હવે એ લોકોનો નંબર આવી ગયો. C રુટની સિંગલ ડેકર બસ આવી એમાં બેઉ ચઢી બેઠા, અમરત આગળ અને પાછળ ચૂપચાપ ભીખુ. આ   C રુટ એમને હાઈ કોર્ટ પાસે આવેલી એમની ઓફિસ ‘Lawyer House ‘  પહોંચાડશે, અને પછી ફ્લોરા ફ્લોરા ફાઉન્ટન જતી રહેશે.    

ભીખુએ નોંધ્યું કે સરભોણની બસ કરતા આ બસો વધુ ચોખ્ખી હતી અને બધા મુસાફરો બોલ્યા ચાલ્યા વગર બેસીને બારી બહારનું દ્રશ્ય જોતા રહે અને પોતાનું સ્ટોપ આવે એટલે લાઈનબંધ ઉતરી  જાય. મલબાર હિલના ઢોળાવથી ઉતરતી બસને ભીખુ અનુભવી રહ્યો. ચોપાટી આગળના વળાંક પર બસ થોડી ધીમી પડી એટલે એક નવલોહીયો યુવક દોડીને બસમાં ચડ્યો.

કંડક્ટરે ચપ દઈને ઘંટી મારી એટલે બસ એક આંચકા સાથે ઉભી રહી ગયી.

‘અરે ભાઈ, ઐસે બિચસે બસમેં  મત ચઢો. જાવ, જાકે બસ સ્ટોપ પે ઇન્તેઝાર કરો. ઉતર જાઓ મહેરબાની કરકે.’

થોડું સ્મિત કરી,  થોડો અણગમો દર્શાવી યુવક ઉતરી ગયો એટલે બસ પાછી દોડવા માંડી.. નવો નિશાળીયો ભીખુ આ બધું ગ્રહણ કરતો ગયો. અમરતે બે ટિકિટ કપાવી અને થોડા પરચૂરણ પૈસા  ભીખુના ખિસ્સામાં સેરવી દીધા.

હાય કોર્ટના બસ સ્ટોપ પર બેઉ ઉતરી ગયા અને ઉતાવળે પગલે ઓફિસ તરફ ચાલવા માંડ્યા.

‘ભીખુ, જરા જલ્દી ચાલ જોઈએ, આપણે મોડા નથી પડવું’

એ લોકો હાય કોર્ટની પડખે એક નાની ગલીમાં દાખલ થયા. આખી ગલીમાં લગભગ બધાં ઓફિસનાં  મકાનો હાય કોર્ટની પ્રતિકૃતિ  જેવાં દેખાતાં હતાં.

Lawyer house  ના લિફ્ટના દરવાજા આગળ ગનુ ચપરાશી ભટકાઈ ગયો.

‘સાહિબ આલેલે આહે. સંતાપલેલા દીસ્તે. કાય ઝાલા ઘરી ?’

ગનુ એમના જવાબની રાહ જોયા વગર બહાર નીકળીને ગીર્દીમાં ભળી ગયો.

‘ સા…લો.. ચાંપલો પિયૂન’ અમરત બબડ્યો.

ભીખુએ ઓફિસના ઉંબરા પર બેહદ ધ્યાનથી પગ મૂક્યો – જોજે પડી ન જવાય.

‘હે બાબા કુની હાય? પ્રવેશ દ્વાર થઇ સૌથી નજીક ટેબલ પર એક ક્લાર્ક બેઠો હતો તેણે ભીખુને જોઈને તરત કોમેન્ટ કર્યું. પણ અમરત સાથે હતો એટલે બહુ પિષ્ટ પેષણ ન થયું.

જેવા એ બંને ટેબલ પર ગોઠવાયા ત્યાં અડધી ચડ્ડી અને બનયન પહેરેલ એક નાના છોકરા જેવો લાગતો ચાવાળો ધબ દઈને ચાનાં બે કપ મૂકી ગયો.

‘નાસ્તા ?’ સંશયભરી નજરથી ભીખુને માપતો એ પૂછતો ગયો.

‘નકો ગુણાજી” અમરતે હાથ હલાવી એને રવાના કર્યો.

‘ભીખુ અહીં તારે કોઈને કહેવાનું નહીં કે તું મારો નાનો ભાઈ છે.’ નહીતો તું કાંઈ શીખીશ નહિ, બસ તારું નામ ભીખુ છે અને તું દક્ષિણ ગુજરાતનાં એક નાના ગામથી  અહીં આવ્યો છે, સમજ્યો તું?’

‘કેવું વિચિત્ર? મારાથી અમરતને મોટાભાઈ ન કહેવાય, મોટામામાને મામા પણ ન કહેવાય.!’ ભીખુનું મગજ ચાલુ ને ચાલુ.

અમરતે ઈશારો કર્યો એટલે એક ટોપી પહેરેલ કારકુન એક મોટું રજીસ્ટર ટેબલ પર લઇ આવ્યો

‘અરે બાબા બગ, આ બધી રકમોનો સરવાળો કરતો જા અને સરવાળો કોલમની નીચે લખતો જા.’ ઓર્ડર રૂપે અપાયેલ કામ જરા અજુગતું લાગ્યું તો ખરું પણ ભીખુ એને ગળી ગયો.. ‘સાંજ સુધીમાં બધું કામ પતી જવું જોઈએ, બરા ?’

મેટ્રિકની ભારી પરીક્ષા પાસ કર્યા બાદ આવું કામ કરવાનું મારે?

‘મોટેરાં જે કામ આપે તેં ખુશી ખુશી કરવાનું, બેટા’

માંની સલાહ એને યાદ આવી. ભીખુ  ઝટપટ સોંપેલું કામ કરવા લાગી ગયો.

બપોરની ચાનો વખત થયો ત્યાં સુધીમાં એણે કામ પતાવી દીધું. ચા જરા વધારે કડક અને  મીઠી હતી પણ પી ગયો.

ઉકળાટ અસહ્ય હતો અને સિલિંગ પંખો એના ટેબલથી ખાસ્સો દૂર હતો. મુંબઈનું પાણી પણ એને તો જરા કડવું લાગ્યું.

અચાનક એનું ધ્યાન ગયું કે અમરત ઓફિસમાંથી ગાયબ ! એને કહ્યા વગર? હવે એ પાછો ઘેર કેવી રીતે જશે? મોટામામાની ચેમ્બરમાં જઈને પૂછું? પણ  એ શક્ય ન હતું.

બપોર પછી વળી બીજું રજીસ્ટર આવ્યું. એનું એ કામ. બે મહિલા ઓફિસમાં કામ કરતી હતી એમાંની એક ટૂંકી સ્ત્રી, પચાસની આસપાસ ઉંમરની  લાગતી હતી એ ભીખુ પાસે આવી.

‘અરે બાબા નવીન દીસ્તે  ! કુથુંન ?’

મરાઠી ભાષા ભીખુને ક્યાંથી સમજાય? એણે ફક્ત માથું હલાવી હા કહી.

‘અરે બાબા તું નયા હૈ ક્યાં યહાઁ?’ એણે એનો એ સવાલ હિન્દીમાં ફરી પૂછ્યો.

‘અહુવેં’ ભીખુએ એની ગામઠી ગુજરાતીમાં જવાબ આપ્યો.

‘ઓ છાન છાન ગાભરૂ  નકો . મી હાય નાં ?’  એણે દૂર એના ટેબલ તરફ આંગળી  ચીંધી  ‘તિકડે!’ હળવું સ્મિત ફરકાવીને એ જતી રહી.

ભીખુને એક અજબનો હાશકારો થયો – ચાલો કોઈ તો છે અહીં.

ઓફિસનાં પહેલો  દિવસ  પડકારયુક્ત રહ્યો પણ એણે સારી ઝીંક ઝીલી.

ઓફિસ છૂટી. અમરત ક્યાંય દેખાતો ન હતો. ઘેર પાછા જવાની બસ, રસ્તો ? આછો આછો ખ્યાલ હતો એને. ખિસ્સામાં થોડું પરચૂરણ પણ હતું. હિમ્મતથી એ બહાર નીકળ્યો.

‘કુંથુન રાહતો રે તૂ?’ પેલી મહિલાએ  પૂછ્યું.

‘મલબાર હિલ’ શબ્દો હોઠ પર આવ્યા પણ એ  તરત  સાવચેત થઇ ગયો. ના પાડી. હતી એને એવું ભરડી મારવાની.

થોડો હાથ હલાવીને એણે એ નિપટાવ્યું. રસ્તાની સામેની બાજુ ઓળંગીને એણે  C રુટનું વળતી દિશામાં જતી બસ સ્ટેન્ડ શોધી કાઢ્યું અને શાંતિથી લાઈનમાં ઉભા રહીને બસ આવવાની રાહ જોવા લાગ્યો. સવારે ઓફિસે ઉતરતાં એણે મગજમાં નોંધી લીધું હતું કે કદાચ જરૂર પડે તો પાછા જવા માટે આ જ એ બસ સ્ટોપ હતું.

બસ આવી, એ ચડ્યો, સીટ પર ગોઠવાયો. બસ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ પસાર થતી દુકાનો, બિલ્ડીંગો એને યાદ આવવા માંડ્યા કે એ સાચે રસ્તે જઈ રહ્યો હતો. છેવટે જ્યારે બસે ચોપાટી પછી મલબાર હિલના ઢોળાવ ચડવાની શરૂઆત કરી ત્યારે પાક્કી  ખાતરી થઇ ગઈ કે એ ભૂલો નથી પડ્યો કે… વહેલું આવે ઘર!

દયાળ મેન્શનના મોટા દરવાજામાં દાખલ થતા એણે જાણે વાઘ માર્યો હોય એવી લાગણી થઇ આવી.

‘એય બુધ્ધુ ‘ દરવાજાની પાછળથી નટખટ લીલીએ આંતર્યો.

‘ લીલી, હું કાંઈ બુદ્ધુ નથી સમજી?’

‘આહા! દૂર ગામડેથી એક છોકરો પહેલી વખત  મુંબઈ આવે છે અને બે દિવસમાં તો માળાની બધી દેખાવડી છોકરીઓના નામ સુદ્ધાં જાણી લે છે’

‘હું એવો  છોકરો નથી, માથાભારે છોકરી. મેં તને પેલા છોકરા સાથે ગિલ્લી ડંડા  રમતાં ઝગડતી હતી  એ જોઈ લીધું હતું.’ સ્વમાની જમના માંનો સ્વમાની દીકરો એમ ગાંજ્યો જાય એમ ન હતો.

‘તને  છે ને…  બોરિસ કાર્લોફ જેવો હોવાનો વહેમ છે પણ  હાવભાવ ડ્રેકૂલા જેવાં છે’

ભીખુ એને ગણકાર્યા વગર અંદર આવ્યો. એને ક્યાંથી ખબર કોણ બોરિસ કાર્લોફ અને કોણ ડ્રેકૂલા?

આવી તોફાની અને ચિબાવલી છોકરીથી સાવધાન રહેજે ભીખુ.

XXXXXXXXXXXXXXXXX

પ્રકરણ ૯ લલી અવતઢવમાં

લલી ગોપાલને બરોબર જાણે. એને ખયાલ આવી ગયો હતો કે વાંદરાના વેશમાં ગોપાલ જ હતો. ગોપાલનું ધ્યાન ભણવામાં બિલકુલ હતું નહિ એ બાબત હજી લલીના મગજમાં બેસતી ન હતી. પૂજારી રામજીકાકાના બેઉ દીકરાઓ ઘણી રીતે વિચિત્ર હતા તે બાબત એને ખૂંચતી. એક બાજુ ગોપાલ રવાડે ચડી ગયો હતો જ્યારે મોહનીયાનું તો જાણે કઈ સમજાતું ન હતું. મોહનીયાએ એની અલૌકિક  શક્તિનો પરિચય વખતો વખત આપી દીધો હતો. ઘણી વાર તો એને ડર લાગતો કે એવડા અમસ્તા છોકરાને  ગામમાં થનાર બધી ગતિવિધિઓનો આગળથી અણસાર કેવી રીતે  આવી   જતો હતો. 

શું એ ભવિષ્યમાં ઝાંકીને જોઈ શકે કે લલીનાં જીવનમાં શું થવાનું છે? એના નાનકડા ભાઈ – બેનનું શું થવાનું છે? બીજી વાત છોડો મોહનીયાને એના સગા ભાઈના ભવિષ્ય વિષે ફિકર હતી? ફિકર હતી, તો એ આગળથી કઈ કરતો કેમ ન હતો? ગોપાલના ચાળા જોતાં લલીને તો ગભરામણ થતી જ હતી કે એનું ભવિષ્ય ધૂંધળું હતું પણ અલૌકિક વિદ્યા જાણનાર  માં-જણ્યા ભાઈને એની ફિકર હતી ખરી?  

હિન્દૂ મહાગ્રંથ મહાભારતમાં સહદેવની વાત આવે છે. જેને પણ અતીન્દ્રિય શક્તિ હતી પણ એક શરતે. જયાં સુધી કોઈ એને ચોક્કસ રીતે પૂછે નહિ ત્યાં સુધી એણે  ભવિષ્ય મનમાં ધરબી રાખવું પડતું. દ્રૌપદીના ભરી સભામાં વસ્ત્રાહરણના  અપમાન પછી મહાભારત યુદ્ધ થશે અને નર-સંહાર થશે એ જાણતો હતો પણ કઈ કરી શકવાને અસમર્થ હતો. આ તે કેવી કરુણાંતિકા? મનમાં ને મનમાં રિબાવું?  દ્રૌપદી સાથેના સહવાસની રાતે એને ખબર હતી કે આગલે દિવસે સભામાં શું થવાનું છે પણ અહો વૈચિત્ર્યમ! એ દ્રૌપદીને સાવધ ન કરી શક્યો.

મોહનીયો કદાચ આવા દર્દથી પર હતો. પણ લલી ન હતી. ભાઈબેનનાં ભવિષ્ય માટે  લગન સુદ્ધા નહિ કરવાની  એની તૈયારી હતી. મેરબાઈને  મનાવવા અનેક પ્રકારની વિધિઓ કરતી અને કરાવતી. મોટા ભાગની છોકરીઓ આવાં વ્રત- વિધિઓ એક સારો વર મળે એ માટે કરતી. લલી પોતાને માટે કોઈ દિવસ કાંઈ માગતી નહિ.

ગોપાલે લલીને વિશ્વાસમાં લઈને કહી દીધું હતું કે એને બહુરૂપી બનવું હતું, જાતજાતના વેશ ધારણ કરીને લોકોનું મનોરંજન કરવું હતું. આ બધી પણોજણમાં ગોપાલ રખડુ ઢોર જેવો બની જશે અને પોતાના માં-બાપની કાળજી  નહિ કરે એની ફિકર લલીને થયા કરતી. 

મોહનીયો શું પેલા મહાભારતના સહદેવ જેવો હતો? કદાચ હોય. તો પછી લલી એને સીધું પૂછી લે તો જવાબ આપે કે નહિ? આવડો અમસ્તો છોકરો પણ એક અનેરી પ્રતિભા અંદર ધરબાયેલી. આ શક્તિ જાગૃત કરીને લોકોને ભવિષ્ય વિષે સાવચેત  કરીને બચાવતો કેમ નથી?  કે પછી અફર નિયતિ આગળ એ પણ ઝૂકેલો હતો? શું મોહનીયો નિયતિને બદલી શકે  ખરો? પૂજા અર્ચનાથી નિયતિ બદલી શકાય? લોકો પ્રાર્થના શું કામ કરે ? દૈવી તત્વો પાસે કાઇંક મેળવવા માટે ?

વિચાર વમળમાં લલીનું માથું ભમી ગયું. શાંતા કાકીને રસોઈમાં મદદ કરવા ગઈ ત્યાં એને ઉબકા આવવા માંડ્યા. 

સર્વને વહાલી એવી લલીને આ દશામાં જોઈને શાંતાકાકી ચમક્યા. ‘ શું થાય છે તને લલીબેન?’ 

શાક સમારવાનું બંધ કરીને લલી શાંતા કાકી સામે  શૂન્યાવકાશમાં તાકતી હોય એમ જોવા લાગી. 

શાંતા કાકીએ લલીનું માથું બે હાથ વચ્ચે લઈને દબાવ્યું. લલી દોડી પાણીયારા તરફ  અને અને માથું પકડીને બેસી રહી..

‘શું  થયું લલીને?’ કરીને બાજુવાળા સવિતાકાકી પાછલે બારણેથી અંદર ધસી આવ્યાં

‘હે ભગવાન , આ કોઈને કાળો જાદૂ લાગે છે, આપણી બિચારી ભોળી લલી !  મને તો પેલા  બદમાશ બહુરૂપીનાં કારસ્તાન લાગે છે. આ બધા ભરોસામંદ માણસો નથી હોતા.’ સવિતાકાકીએ મનમાં હતું તે ભરડી માર્યું. એ આવાં કોઈ મોકાની  રાહ જોતી જ હતી…. ટાંપીને.

‘તમે હો હૂં  સવિતાકાકાકી. જેમતેમ લોકો પર આરોપ લગાવો છો. આ કઈં સમય છે ચર્ચામાં ઉતારવાનો કે પંચાત કરવાનો?’ શાંતાકાકીએ હેસિયતની બહાર જઈને સવિતાનો ઉધડો લઇ લીધો. 

સવિતાના દિલમાં પાપ હતું એ શાંતાકાકી પારખી ગયાં હતાં

‘ આહા હા, જો તો ખરી. બધા જાણે છે કે બહુરૂપી કેવો માણસ છે. વેશ બદલવાને બહાને ભોળી છોકરીઓને કેમ ફ્સસાવવી એ ….’

‘બસ બહુ થયું કાકી હવે’  શાંતા કાકી ગરજી. 

‘અરે મને પૂછો  તમે ! મળસ્કે મળસ્કે ભોળી લલી બહુરૂપી સાથે શું ગુસપુસ કરતી હતી ? .લલી પાછી  સતી સાવિત્રીનો અવતાર કેમ? મને તો મરવા જેવું લાગે…’

લલીએ મહામહેનતે ઊંચું જોયું,’ હા સવિતા કાકી હું મળસ્કે મંદિર તરફ ગઈ હતી, મારે વ્રત તોડવાનું હતું ને કાકુજીને એ ખબર છે, પૂછો એમને……..’ બોલીને એને મોટી ઉલ્ટી થઇ ગઈ.

સવિતાકાકીનો ચહેરો જાણે બોલી ઉઠ્યો, ‘મેં કહેલું કે નહિ, જોયું?’  શાંતાકાકીએ લલીને સંભાળી.

‘મારે શું ? ફોડો ને ફાવે તેમ. ગામની ઈજ્જત જેવી પણ કોઈ ચીજ છે.’  સવિતાકાકી હાથ ફંગોળતાં ફંગોળતાં પાછલે બારણેથી બહાર. લલી થોડી વાર આડી પડી રહી, એણે મોઢું ધોયું અને સ્વસ્થ થઇ,

આ બાજુ સવિતાકાકીએ ગામ ગજાવી મૂક્યું.

બીજે દિવસે કીકુભાઇ પોલીસ પટેલે પંચાયતની ખાસ મિટિંગ બોલાવી.

‘પંચાયતના મોભાદાર સભ્યો, માફી ચાહું છું તમને બધાને તાકીદે મિટિંગમાં બોલાવ્યા તે માટે’. 

નોકરે બધાને પાણી પાયું.

મોટાભાગના સભ્યોને સવિતાકાકીએ ફેલાવેલી આગ વિષે ખબર જ હતી. 

બહુરૂપીનું હવે આવી બન્યું – લોકોમાં અટકળો થવા લાગી  હતી.

‘જુઓ ભાઈઓ, આ નીતિ નિયમો અને આપણા વરણગામની આબરૂનો સવાલ છે. મારે બધી વાતની ગંદકીમાં ઉતરવું નથી પણ આ બહુરૂપીની હાજરી ખતરનાક છે – ખાસ કરીને ગામની વહુ બેટીઓ માટે’ કીકુભાઇએ સંમતિ માટે ચારે તરફ નજર ફેરવી.

‘તે કોઈ છોકરીએ ફરિયાદ કરી?’ જગન તપોધન, નેવુંની આસપાસના બ્રાહ્મણે ધારદાર પ્રશ્ન કર્યો.

‘ના જી, પણ કાકા તમને લાગે છે કે આવી બાબતોની ફરિયાદ કોઈ આબરૂદાર, સંસ્કારી  મહિલા ખુલ્લામાં કરે?  છી છી ‘

‘ માફ કરજો પોલીસ પટેલ સાહેબ, પણ ફક્ત અનુમાન  અને કહી-સુણી વાતોથી આપણે આવા નિર્ણય પર ન આવી  શકીયે. આ બહુરૂપીને આપણે સૌ જાણીયે છીએ. એ વષોથી નિયમિત  આવતો રહે છે, ખેલ કરીને લોકોનું મનોરંજન કરતો રહ્યો છે. આજ સુધી આવી બાબત સામે  આવી નથી.’

બાજુના રૂમમાં કાન  માંડીને સાંભળતી,  ઘવાયેલી સવિતા બબડી ‘ હારા  બધા બામણા હરખા;  શાસ્ત્ર વાંચી જાણે પણ અંદરનો  અર્થ નહિ જાણે’ કરીને મોઢું મચકોડ્યું, ‘ જા તો કીકી બધ્ધાને ચા ઠોહી આવ’ 

ધીરે રહીને વેપારી લક્ષ્મીચંદ બોલ્યો, ‘ભાઈઓ આપણે ઉતાવળે નિર્ણય નહિ લેવો જોઈએ. બહુરૂપી આવીને બધાનું મનોરંજન કરે છે અને એ સાથે ગામની આબરૂ વધે છે….’

‘અને વેપારીઓની તિજોરી પણ…..’ કીકુભાઇના  આ તીખા  અંદાઝે  લક્ષ્મીચંદના ચહેરા પર અણગમો  ઉભરાયો.

ચા આવી અને બધાએ  ચૂસ્કી મારી.

પંચાયતના સેક્રેટરી,  ચર્ચાનું સમાપન કરતાં, ‘ચાલો એમ કરીયે, આવતે અઠવાડિયે આપણા ગામનો પ્રખ્યાત  મેળો થશે એ પછી આપણે આ બાબત ચર્ચા કરીને નિવેડો લાવશું. ‘

કીકુભાઇ થોડા ચાટ  પડી ગયા. બાજુમાં સવિતાકાકીએ કપાળ ફૂટ્યું અને ઘૂંટણનો ટંચાકડો બોલાવતાં ઉઠ્યાં. બધા નીકળી ગયા.

‘ તમને મગનું નામ મરી પાડતાં હૂં ટાઢ વાય કે? ‘ કીકુભાઇ બહાર હિંચકા પર બેઠા હતા એને  સંભળાવ્યું. 

પોતાની ફજેતી થઇ એ વ્યાજબી હતું? કીકુભાઇએ એમની બેડોળ, હબધી પત્નીને  આગઝરતી નજરે જોઈ રહ્યા.  અરે હા, યાદ આવ્યું. પેલું ભોજલું કોણ હતું ? એ જો  ખબર પડી જાય તો સઘળું રહસ્ય છતું થઇ જાય.  

પોલીસ પાટીલના ઘેર જે ખેલ ભજવાઈ ગયો એ વિષે ધર્મશાળામાં આરામ કરતો  બહુરૂપી તદ્દન અજાણ.  એ વિચાર કરતો હતો કે બહુરૂપી બનવા માટે પેલો ગોપાલ એની પાછળ આદુ ખાઈને પડ્યો હતો એનું કરવું શું? આ વાત ગોપાલના માં-બાપને ખબર પડી જાય તો શું થાય? પૂજારી રામજીકાકા ધાર્મિક વૃત્તિવાળા અને, સાચું ખોટું રામ જાણે,  પણ  એવું  સાંભળેલું કે એ મેલી વિદ્યાના જાણકાર. ગોપાલ અવળે રસ્તે ચડી જાય તો રામજીકાકા મેલી વિદ્યાથી બહુરૂપીનું શું નું શું કરી નાખે. 

બહુરૂપી થોડો ગભરાયો અને પૂજારીના ઘર તરફ ઉપડ્યો – ફોડ પાડવા અને ચેતવવા.

સમી સાંજના પડછાયા  લાંબા થવા લાગ્યા  હતા અને હળવો ઠંડો પવન ફળિયાંને સોંસરતો વાતો હતો. 

પૂજારીના ઘરનો દરવાજો વાસેલો હતો. બહુરૂપીએ  સાંકળ ખખડાવી.

રામજીકાકા એમનું ગામ કરતાં વહેલું  વાળુ પતાવીને ઉભા થયા અને બારણું ખોલ્યું. 

‘જય શ્રી કૃષ્ણ, રામજીકાકા’ બહુરૂપીએ  બે હાથ જોડ્યા. 

‘જીવતો રહે ભાઈ,’ આ સમયે  બહુરૂપીને બારણે આવેલો જોઈને સહેજ ચમકેલા રામજીકાકાએ અભિવાદન ઝીલ્યું. હવે દેહરી આગળ  આરતી થશે, આને વળી મારું શું કામ પડ્યું હશે? 

‘રામજીકાકા, કૃષ્ણ ભગવાનની કૃપાથી તમને ગામની રજેરજની માહિતી મળતી હશે  નહિ?’ બહુરૂપીએ પાસો ફેંક્યો.

‘ભાઈ હું તો રહ્યો કૃષ્ણ ભક્ત અને એજ બધું કરાવે. બોલને ભાઈ તને શું કામ પડ્યું મારું?’

‘જાણે, ગોપાલ અંદર નથી ને? ‘ બહુરૂપીએ ચારે બાજુ અવલોકન કર્યું.

‘કોણ, ગોપાલ? એ તો આપણા ગામના મેળાની તૈયારી કરતો હશે, ગણદેવીમાં જાતજાતની વસ્તુઓ ખરીદતો હશે. કેમ એનું શું છે?’  રામજીકાકાની આંખો ઝીણી. 

‘માફ કરજો પણ આ વાત તમારા ધ્યાન પર લાવવાની મારી ફરજ સમજુ છું. ગોપાલને મારા જેવા બહુરૂપી બનવાની ચસ્કો લાગ્યો છે, માનતો જ નથી. ઘણું સમજાવ્યો.’

રામકીકાકા સડક થઇ ગયા.

‘ગોપાલ રખડુ જરૂર છે પણ એને બહુરૂપી થવામાં રસ હોય એ હું માનતો નથી’ 

‘મારી વાત માનો રામજીકાકા, એણે જાતે મને આ વિષે ખાનગીમાં વારંવાર  માગણી કરી છે કે મને આ શીખવો ને  તે શીખવો. મારે તમને આ વાત બહુ પહેલાં કહી દેવી જોઈતી હતી’

‘બહુરૂપી સાચું કહે છે’ અચાનક ટપકી પડેલો  મોહનીયો  બોલ્યો.

‘ મોહનીયા,  તું તો હજુ કીકલો છે, બોલતો જ નહિ  સમજ્યો? ‘ કોઈ દિવસ નહિ ને આજે રામજીકાકાએ  સખત શબ્દો વાપર્યા.

પણ મોહનીયાએ પકડી રાખ્યું.

‘આ હું મારા સંપૂર્ણ ભાનમાં કહું છું કે ગોપાલ  બહુરૂપી થવા સર્જાયેલો છે, એના લલાટે લખેલું છે, તમે  કે હું કે કોઈ – અરે ભગવાન પોતે આ બદલી  ન શકે. જે છે તે આ છે’ 

રામજીકાકા સ્તબ્ધ. એ જાણતા હતા કે મોહનીયામાં  કોઈ અગોચર શક્તિ હતી જે એને ભવિષ્યવાણી કરાવતી હતી. આ જ સુધી  એણે જે ભૈવષ્યવાણી કરી હતી એ બધી સાચી પડી હતી.’ હવે રામજીકાકાથી કઈં બોલાય એમ હતું નહિ. અંદરના રૂમમાંથી કોઈનું ડૂસકું સંભળાયું. 

બહુરૂપીએ સન્માનપૂર્વક ફરી હાથ જોડ્યા, ‘ હું ગમે એટલી કોશિશ કરું પણ ગોપાલનું જે થવાનું છે એ થઈને રહેશે. હું એને બને એટલો વારીશ પણ મહેરબાની કરીને  મને દોષ ન દેશો. આટલી અરજ’. વધુ વાંકો વાળીને પ્રણામ કરીને બહુરૂપી બહાર નીકળી ગયો.

અચાનક, ઘરનો દરવાજો એક આંચકા સાથે ખુલી ગયો . ગોપાલ દાખલ થઇ ચૂક્યો, મોં પર એક સ્મિત ફરકાવતો.

ગામનો પ્રખ્યાત મેળો શરુ થઇ જશે! એક ભેદી સ્મિત કરીને મોહનીયો બહાર દોડ્યો મેરબાઈની દેહરી  તરફ.

બારણાની બહાર અંધારામાં ઉભેલી લલીએ બધું સાંભળ્યું, નિ:સાસો  મૂક્યો અને ઘર તરફ નીકળી પડી.

‘મારી રજા વગર જો તે દેહરીમાં પગ મૂક્યો તો તારી વાત જાણે.’ ઘરના ઉંબરે પહોંચી ત્યાં કાકુજી ખિજવાઈને લલીને બોલવા લાગ્યા.  લલીએ આટલો બધી ગુસ્સો કરતા કાકુજીને કોઈ દિવસ જોયા ન હતાં. એ ધ્રુજી ઉઠી. માથે ઢાંકીને એ ચૂપચાપ અંદરના રૂમમાં ભરાઈ ગઈ. 

‘મારે આ દિવસ જોવા જીવવાનું હતું જ્યારે પાડોશી મારી દીકરી સામે અનૈતિક આચરણ માટે આંગળી ચીન્ધે ?’ સખત ખીજવાઈ ગયેલા કાકુજીને અચાનક ખાંસી ઉપડી. 

‘કાકુજી, કાકુજી, લલી તો હજુ  નાની છોકરી જ છે ? એને માફ કરી દો’ શાંતાકાકીએ બહાર આવીને કાકલુદી કરી.

‘એમ કે? ગામમાં ખરી ખોટી વાત શરુ થઈ ગેયી તે આ પરણાવવા જેવી છોકરીને હારુ વર કેમ કરીને હોધવાના?’ કાકુજીએ માથું પકડી લીધું.

‘ધરપત ધરો, કાકુજી, સવિતાકાકીની  વાતમાં  માલ કેટલો તે તમે જાણો. તમે તો જાણે ઘર લૂંટાઈ ગિયું હોય તેમ રડવા બેઠા.’ 

”વાતમાં માલ? લલી જાતે બધાની વચ્ચે કબૂલી ગઈ’ તે? 

‘જરા હળવે, કાકુજી, હળવોથી બોલો ની.’  શાંતાને ફાળ પડી કે પેલી સવિતા કાકી પાડોશમાં કાન માંડીને પાછી બેઠી હશે.

‘કેટલા લોકના કાન તૂ બંધ કરવાની? ‘ 

”હારુ હારુ, હવે જરા શાંત રહેશો?  લેવ, આ પાણી પીઓ જરા’ 

ગંભરાઈ  ગયેલી  લલીએ દિવસને કોષવા માંડી જયારે એનો ભેટો તે  મળસ્કે બહુરૂપી સાથે થઇ ગયો હતો.

હજુ હમણાં સોળમા વર્ષમાં પ્રવેશેલી લલી પરણાવવા જેવી ઓળખાતી થઇ ગઈ હતી. જિંદગી આખી એણે સદાચાર અને સંસ્કારી વાતાવરણમાં  ગાળ્યાં અને હવે એના પર પાણી ફરી વળે એવી સ્થિતિ સજાઈ હતી. હે ભગવાન, એની ગજી-માં આજે જીવતી હોત તો એના ખોળામાં માથું છુપાવીને રડી લીધું હોત.

ભગવાનનો પાડ માનો કે  ધીરુ – શાંતિ હાજર ન હતાં નહિ તો  કાકુજીના સાતમા આસમાન પર પહોંચી ગયેલા ગુસ્સાને  જોઈને હિબકાઈ જતે.  

બીજે દિવસે સવારે ભગુ કાકા વાડીએ જવા તૈયાર થઇ રહ્યા હતા ત્યારે

 કાકા, હું તમારી સાથે વાડીએ આવું?’ 

લલીના સવાલમાં વ્યગ્રતા હતી.

નાની હતી ત્યારે લલી ઘણી વાર બીજા છોકરાંઓ સાથે વાડીએ જતી, લીલીછમ વાડીમાં દોડાદોડી કરવાની એટલી  તો મઝા આવે? વળી પેલા રર્હોન્ટથી ઉપર ખેંચેલા પાણીની કૂંડીમાં પડીને નહાવાની જે મઝા! વ્યાકુળ મન એ બાળપણના દિવસોમાં સરી પડ્યું.

ભગુકાકા બિચારાને આગલે દિવસે થયેલી ઘટના વિષે ખબર જ ન હતી, એ કહે,

‘કેમ કેમ ?આજે ઘેરે કોઈ  બીજું કામ નથી  કે હૂં?’ એ હસ્યા.

‘જાણે ખુલ્લી હવામાં ફરવાનું મન …..’ થોડું ખચકાઈને લલીએ ઠાવકા થઇને કહ્યું.

‘હં.. ને ઘરનું ભારી કામ તારી કાકીને માથે કેમ?’

‘એવું કાંઈ નથી, આ તો મહિનાનું મોટું મોટું કામ થઇ ગયું એટલે …’

‘અરે હું તો ગમ્મત કરું, લલી,  વાડીએ ચાલ દીકરી ચાલ.’

લલીને હાશ થઇ. વાતાવરણ બદલાય તો મન થોડું શાંત થાય. ગઈ કાલનો ડંખ એને હજુ સતાવતો હતો. 

બન્ને મળસ્કાની   ઠંડી હવામાં નીકળી પડ્યા, બે માઈલ દૂર આવેલી વાડી તરફ. રસ્તાની બે બાજુ આંબાના ઝાડની હારમાળા અને તેમાં પંખીઓ મીઠાં ગીત ગાય, સૂર્યોદયને હજુ વાર એટલે આકાશ પણ રંગબેરંગી થઇ ગયેલું. પૂર્વ દિશામાં લાલીમા પથરાવા માંડી અને વાતાવરણ આલ્હાદક થઇ ગયું. લલીને કળ વળવા લાગી.

‘કઈં ચાયલા, કાકા? ને આ પોરી હો હાથે?’ માથા પર દૂધનું એક કેન સ્થિર કરીને આવતી એક બેને પૂછ્યું.

‘બસ ચાયલા વાડીએ, પોરી તો એમજ. કેમ બધાં હારાં છે ને ઘેરે? 

‘અહુવે, આવજો ત્યારે’ ઉતાવળે પગલે બેને ચાલવા માંડ્યું  ગામ તરફ’ 

‘પોરી જરા લેવાઈ ગયેલી  લાગી આજે,’ બેનને થયું.

સીધો અને સરળ  સંવાદ, મનને ખુશ કરી દે તેવો. પણ લલીની વ્યગ્રતા  હજુ પૂરી દૂર થઇ ન હતી.

કાકુજીને ખબર હતી સવિતાની ટેવ. બસ વાતનું વતેસર કરવું. આખા ગામમાં વાત પ્રસારી મૂકી , અરે બાજુના ગણદેવીમાં પણ વાત્ત પહોંચી ગયેલી. હે ભગવાન, આ કેવો  રકાસ થઇ ગયો? 

‘ચાલ તો લલી ઝપાટે.’, ભગુકાકાની મીઠી ટકોર! 

ઉગતા સૂરજની ઝગમગતી કિનારી હવે પૂર્વમાં ક્ષિતિજ પર દેખાવા લાગી હતી જયારે એ લોકો વાડીએ પહોંચ્યા. 

પહોંચતા ભગુ કાકાએ આંખ બંધ કરીને ઉભેલા બળદને હલકો હાથ લગાવ્યો એટલે એ સાથે ચાલવા લાગ્યો  રહૉન્ટ  પર જોતરાવાયા. એ આખો દિવસ ગોળ ગોળ ફર્યા કરશે અને એની સાથે જોડેલ ચક્રો ધીમે ધીમે કૂવામાંથી પાણી ખેંચીને કૂંડીમાં ઠાલવશે. ત્યાંથી પાણી નાની નાની ઉભારમાં થઈને વાડીના અલગ અલગ ભાગમાં પહોંચશે.  રહૉન્ટની એક લાંબી, લચક, માળા જેવી નાની નાની ડોલો ઉપર નીચે આવે ત્યારે એક અજબનો મધુર અવાજ થાય. ઉપર આવીને એ પાણીને કૂંડીમાં ઠાલવે, એ અનુભૂતિ આલ્હાદક હતી.

લલીને આ બધું જોવાનું બહુ ગમતું. એ થોડે દૂર પાણીની ઉભાર પાસે ઉભી રહી ગઈ અને ઉભારમાં વહેતા પાણીના  કલકલાટને પી રહી. સઘળી  વેદના ગાયબ, બસ પરમ આનંદ વ્યાપી રહ્યો હૃદયમાં.

‘ચાલ લલી, તું વાડીમાં ફરીને પવનથી  પડી  ગયેલી, કાચી, પાકી કેરીઓ વણી  લાવ, હેં કે’ 

‘હારુ  કાકા,’ કરીને લલી આજુબાજુ સાવચેતીથી, સૂકા પાંદડાને પોન્દ્તી કેરીઓ વીણવા લાગી, આવી કેરીમાંથી મઝાની ચટણી બને અને  અડધી પડધી  પાકી કેરીને દાતરડું બે પગ વચ્ચે દબાવીને મોરી કાઢવાની. થોડી  કેરી ને કાગડા ચાંચ  મારીને નીચે પાડે તેને કરડા  કહે.. 

મોડી સવાર સુધીમાં  લલીએ વણાય એટલી કેરી વણી લીધી. એનું મન વારે વારે ગઈ કાલની ઘટનામાં સ્થિર થઇ જતું. કાકુજી કેમ બધું જાણ્યા વગર આટલા ગુસ્સે  થઇ ગયાં  એની વહાલી દીકરી ઉપર ? એણે કાંઈ ખોટું કર્યું ન હતું. બધાં કારસ્તાન પેલી સવિતાકાકીના. 

કદાચ લલી તરફ આંગળી ચીંધાય અને વેવિશાળ માટે સારો વર શોધવામાં તકલીફ  પડે એ વિચારે કાકુજી એટલા બગડ્યા હશે ? હવે લલી કદી મેંરબાઈની દેહરીએ એકલી નહિ જાય.

મેરબાઈની પોતે ભક્ત હતી પણ પેલા ગોપાલને આટલો બધો મોઢે લગાડવાની જરૂર ન હતી. એનું જે થવાનું હોય તે થાય. ગોપાલની  સુખાકારી માટે લલીને આટલી બધી ફિકર કેમ? નાનો મોહનીયો એનાથી  બિલકુલ ઊંધો. એની અલૌકિક શક્તિઓ શેને આભારી હતી? આખો દિવસ મેરબાઈનિ મૂર્તિ  સામે બેસી રહેવાથી આવી સિદ્ધિ મળતી હશે? એ પોતાનું ભવિષ્ય શું જોતો હશે.? જોઈ શકે ખરો?

આવાં  પ્રશ્નોથી લલી વધુ મૂંઝાઈ. 

સૂરજ હવે ઉપર ચઢવા માંડ્યો હતો. ચા પાણીનો વખત થઇ ગયો.

‘કાકા તમારી ચ્હા બનાવું?’ 

‘તારી કાકી બનાવે જેવી બનાવી આપે તો ખરી’ 

‘કરી જોઉં, કાકા’ કરીને લલી નાના રસોડામાં ગઈ. એક બિલાડી એના નાનાં નાનાં બચ્ચાઓને ખૂણામાં બેઠી બેઠી ધવડાવતી હતી. બિલાડી આજુબાજુ જોઈને બધું ધ્યાન રાખતી હતી કે એના બચ્ચા સુરક્ષિત રહે. લલી અંદર આવી એટલે એક હલકી ઘૂરઘુરાટી કરીને હાજરીની નોંધ લીધી. 

જાળીવાળા કબાટમાંથી દૂધ કાઢ્યું, તપેલીમાં પાણી અને દૂધ રેડીને ચૂલા પર મૂક્યા, આદુ, એલચી, લવિંગ  વિગેરે મસાલા નાખ્યા. બધું ઉકળવા આવ્યું એટલે ચાની પત્તી  નાખીને જરા ઉકાળીને ઢાંકી દીધી. આખી  બંગલીમાં ચાની સોડમ પથરાઈ ગઈ.

‘અરે વાહ ,દીકરી,  સોડમ તો બિલકુલ તારી કાકીની  ચા જેવી જ છે! કાકાને કેમ ખુશ કરવા તે તું પાકું જાણે હેં!’ 

થોડા સમયમાં લલી હો સાસરે જતી રહેશે. પછી… કાકી એકલી એકલી  બધાનું ધ્યાન રાખશે – ધીરુ શાંતિનું હો.

‘તમે બેઠાં બેઠાં કેવાક વિચાર કર્યા કરતા છે, કાકા?’ લલીએ કાકાને ચાનો કપ ધર્યો.

‘કઈં નહિ, બેન. તારા હાથ પીળા કરવાનો વખત આવી ગયેલો છે એટલે એક હારો વર હોઢવો પડહે ને?

લલીને  ગાલે શરમના શેરડા પડયા.

‘તે તમે બધા મને અહીંથી જલ્દી કાઢવા કેમ ઉતાવળા થિયા છો? ઊં તમને ભારે પડતી છે?’ લલીએ સાડીનો છેડો સરખો  ખોસ્યો. દૂર કૂતરાના ભસવાનો અવાજ.

લલી વાડીની બહાર નીકળી.

એક સવારી ગાલ્લી કઈંક ઝડપથી આવતી  દેખાઈ  અને પાછળ દોડતાં ભસતાં  ભસતાં કૂતરાં, છલાંગ મારતાં.

એ કોણ હશે? લલી  આંખ ઝીણી કરીને જોવા લાગી. 

‘અરે આતો….. !, ભગુ કાકા, જુઓ તો ખરા, કોણ આવતું છે” લલીનો અવાજ જાણે ફાટી ગયો.

રાજીરેડ થઇ ગયેલી લલીએ આશ્ચર્યચકિત નયને ગાડામાં આવી રહેલાં ઈચ્છાફુઈ  અને છગન તરફ હાથ લંબાવીને  આવકારનો સંકેત આપ્યો. હવે મારા જીવને રાહત મળશે, માં-સમાન ફુઈ બાના ખોળામાં.

ગાલ્લી જતી  હતી  વરણગામ ભણી પણ લલીને જોઈ હાંકનાર ભાઈએ બંગલીના ઝાંપા આગળ બળદને બુચકારીને ઉભી  રાખી. 

‘તે લલી, તૂ હવાર હવારના વાડીએ આવીને હૂં કરે? ‘ ઈચ્છાફુઈ પણ એની લાડકી ભત્રીજીને જોઈને ગદગદિત. 

ફુઈને જવાબ આપવાને બદલે, ‘ જો તો, આ લૂચ્ચો છગન હો કેટલો મોટો થેઈ ગીયો!’ 

છગને એની મોટીબેનને હાથ જોડીને અભિવાદન કર્યું એ સાથે એનો કૃષ્ણવાન અને વાંકડિયા ઝૂલ્ફાં ખીલી ઉઠ્યાં. કેવો સોહામણો લાગતો હતો! લલીને એના આ ફૂયાતની  બહુ માયા. 

લલી દોડી બંગલી તરફ અને ત્યાં આંખો બંધ કરીને લંબાવીને આરામ કરતા ભગુકાકાને ફરી સમાચાર આપ્યા.

‘હૂં કહેય તું! અરે ખરા, ઈચ્છી? હારી છે ને?’ 

ઈચ્છે પ્રેમભરી આંખોથી ડોકી હલાવી. 

‘ઈચ્છી,  તું એમ કર વરણગામ જીયા કર. હું થોડું કામ પતાવીને આવીને તને મલું ‘ 

‘અલી, લલી, હામ્ભરે કે ? તારે ગામ જતા  રહેવું હોય તો ફુઈ હાથે ગાલ્લીમાં જતી રહે ની?’

લલીને તો એજ જોઈતું હતું! વહેલી વહેલી દોડીને ગાલ્લીમાં બેસવા ગઈ તે પડતાં પડતાં જેમ તેમ બચી. 

‘જરાક હાચવીને, દીકરી,’ કરીને ઈચ્છાફુઈએ લલીને ખોળામાં ખેંચી.

‘ચાલ,’ હાંકનાર ભાઈએ બળદને પ્રેમથી બુચકારીને આદેશ આપ્યો એટલે ગાલ્લી  વરણગામ તરફ.

જેમ ગાલ્લી  આગળ વધી તેમ બીજી વાડીમાં કામ કરતાં લોકો ઊંચા થઈને જોવા માંડ્યા – કોઈ ઓળખીતું પાળખીતુઁ? – પીરા એ કોને તાં ના ? પણ બહુ દૂરથી સરખું દેખાય તો ને ? 

‘અરે પીરા એ તો ઈચ્છી, વહન લાલાની અઝરાઈવારી બેન!’ કરીને હાથ લંબાવ્યો.

વહાલું પિયર પાસે આવ્યું એટલે ઈચ્છાની આંખ ભીની. એ જ પાદરનો વળાંક. વાડામાં  એજ આમલીનાં મોટાં મોટાં ઝાડ, ઘાસની ગંજીઓ, પેલા ખીલે બાંધેલા બલીઆ, ને  ગાય હેરામાં  નિરાંતે ઘાસ ચાવે, જાણે ઇચ્છીને માથું હલાવી ને આવ કહ્યું.

ઈચ્છી સજળ નેત્રે ગાલ્લીમાંથી ઉતરી, પાછળ છગન કૂદકો મારીને બહાર દોડ્યો સીધો એના મામાને શોધતો.

‘સાચવીને છગન દીકરા’ હવે છગન  ઈચ્છાનું કાંઈ માને?

બાજુના ઘરના પાછલે બારણેથી છાણથી ખરડાયેલા હાથ સાથે સવિતા નીકળી ‘ અરે ઇચ્છાબેન આવી ગીયાં તમે’ 

પ્રશ્નમાં સૂચક બીજો સવાલ હતો કે આમ અચાનક ક્યાંથી આવી પડ્યાં ? 

ગર્ભિત સવાલ પર  ઇચ્છાએ  ધ્યાન ન આપ્યું, ‘ કેમ છો તમે? બધાં હારાં છો ને?’

ખુશખુશાલ  છગન આખા ઘરમાં દોડી  વળ્યો અને આગલે બારણે બાંકડા પર જઈને બેસી ગયો. લાંબા સમય પછી પિયર આવેલી ઈચ્છા બધા ઓરડાઓમાં જઈને દીવાલને સ્પર્શ કરી આવી, એજ ગોખલા, એજ માં- બાપના જુના ફિક્કા  થઇ ગયેલા ફોટાઓ, હિંચકાનો  કીચૂક કીચૂક અવાજ, સંસ્મરણો તાજાં  થયાં, ફળીયામાં રખડતો  પેલો કૂતરો ગેલમાં આવીને ઘરમાં ચક્કર મારી ગયો એને વહાલથી થપથપાવ્યો. ઈચ્છાનું સાસરું વરણગામથી કાંઈ એવું દૂર ન હતું પણ વર રતિલાલનું  લઘરવઘર, દિશાવિહીન   જીવન  એને ક્યાં ફુરસદ આપતું હતું?  એ તો બસ ગણદેવીની નાચનારી સ્ત્રીઓમાં  મસ્ત, તબલાં વગાડતો, આવા નાચગાન ગણદેવીની  અંધારી ગલીઓમાં થતાં જ્યાં આબરૂદાર ગામલોકો ફરકતાં ડરે. આ જલસાની  વાતો દબાયેલા અવાજમાં બધાં કરે.. રતિલાલ  એના પાપે જાણી-અજાણી ગંભીર બીમારીઓનો ભોગ બનતો જતો હતો.

ઈચ્છા આ બધું હસતું મોં રાખીને સહન કરતી અને છગનને બને એટલો દૂર રાખવા મથતી. પણ છગનનું અમીટ ભવિષ્ય , લખાઈ ગયું હતું. હાય રે વિધાતા!

વરણગામ પહોંચીને ઈચ્છાને એમ કે મોટાભાઈ  વસજનજી આગળ હૈયું ઠાલવું. રતિલાલની વાત હવે આખા તાલુકામાં ચર્ચાવા લાતી હતી . પાડોશી સવિતાને ગંધ તો આવી ગઈ હતી. કોઈ રીતે રતિલાલની ચિત્ર-વિચિત્ર વાતો વિષે વધારે ને વધારે જાણવાના  પ્રયત્નોમાં  મસ્ત. એનો વર કીકુભાઇ એને આ બાબતમાં બહુ મચક આપતો ન હતો – રતિલાલ વળી કીકુભાઇનો દૂરનો સગો એટલે એ શાનો રસ લે?

આખરે ઈચ્છાને મોકો મળ્યો જ્યારે વસનજી અંદરના થોડા અંધારા ઓરડામાં આડા પડ્યા હતા. ચહેરો ફિક્કો ફિક્કો પણ આછા  પ્રકાશમાં ઈચ્છાને ખયાલ ન આવ્યો.

‘કેમ છે ઈચ્છી ?’ વસનજીનો અવાજ એની મનઃ સ્થિતિની ચાડી ખાતો હતો. પોતાના રોદણાં રડવાનો વિચાર ઇચ્છાએ માંડી વાળ્યો. 

‘ઊં તો હારી પણ તમે કેમ આમ માંદા માંદા દેખાવ? કોઈ કાળજી રાખવાવારુ અહીં ની  મલે એટલે હૂં થાય?’ ઇચ્છાએ નિઃસાસો મૂક્યો.

‘હવે મારી ઉંમરે માંદો ની લાગુ તો બીજું હૂં? ભગવાન વહેલો ઉઠાવી લે તો હારુ’ વસનજી કણસતાં કણસતાં જેમ તેમ પથારીમાં  બેઠા થયા અને ઈચ્છાની  સામું જોયું. 

આ શું? ઈચ્છાની આંખમાં આંસુ ? 

ગમે તેવો તો પણ એ ઇચ્છાનો માં-જણ્યો ભાઈ. પોતાની રામકહાણી કહેવાને બદલે બહેનના આંસુ લૂછવા તત્પર. 

‘ઇચ્છાબેન થોડી થોડી ચા મૂકું?’ શાંતાકાકીએ ઓરડાની બહારથી બૂમ મારીને વિવેક કર્યો,  તે ગમ્યો.

‘અહુવે, એક નહિ બે કપ મૂક.કેમ ઈચ્છી? ‘ બહેનને પાનો ચઢાવવાની તક  વસનજી છોડે? 

શાંતા ચા બનાવવા ગઈ એટલે વસનજી ધીર ગંભીર અવાજમાં, ‘ જો ઈચ્છી તને ઘણું  દુઃખ કોરી ખાતું છે એ હું જાણું. પણ મન કઠણ રાખજે. છગન તો હજુ બો નાલ્લો છે. પરિસ્થિતિમાં એનું ભવિષ્ય કેમ સુધરે એ આપણે વિચારવાનું ને? રતિલાલ તો જાણે હાથમાંથી ગીયો એમ માન. અહીંયા બેઠાં બેઠાં મને વિગત તો મલે. હારૂ…. ખરાબ તો બો લાગે પણ હૂં કરીયે? ‘

ઇચ્છાએ પાલવથી આંસુ લૂછ્યાં. શાંતા બે કપ ચા લઈને મૂકી ગઈ એટલે  ડૂસકું ખાતાં ખાતાં રહી ગઈ.

હવે શાંતાને બે શબ્દ કહેવાનું મન થઇ ગયું પણ એ છોડ્યું વસનજી માટે.

‘ઇચ્છાબેન, તમે આવી ગિયા તે બો હારૂ કયૃ. આ તમારા ભાયને કાંઈ હરખું કેઈ જાવ. ગામ આખામાં લવારા થાય એનું એને  બો દુઃખ. આમને આમ તબિયત ની બગડે તો હૂં થાય બીજું?’ 

શાન્તાએ વાત ખુલ્લી કરી દીધી એટલે વસનજી જરા ખમચાયા. આવા સંજોગોમાં સ્ત્રી વહેલી  સ્વસ્થ થઇ જાય છે. 

ઈચ્છાના ભવાં સંકોચાયા. ‘ હાની વાત, કેવા લવારા? હૂં થિયું ? હરખી ફોડ પાડીને કે’વ ની?’

‘તે તમારા ભાયને પૂછો ની?’ શાંતા  મમરો મૂકીને ચાલી ગઈ.

વસનજી એ હળવે હળવે આખી વાત લંબાણથી કરી.

‘એ સવી તો એવી જ છે. એની વાત પર તમે ધ્યાન હૂંકા આપો જે?  ને  આપણી લલી ? મને પૂરો વિશ્વાસ છે એના ઉપર. સવલીને ચૂપ રહેવા તરત જ કેઈ દેવું જોઈએ ને તમારે?’ તમે હો છે ને … ઈચ્છા તાડૂકી. 

‘પણ…’ વસનજીનો અવાજ ઊંચો થઇ ગયો.

‘આસ્તે ભાય આસ્તે. પેલા કહેય તેમ મારી હારી  દીવાલને હો કાન હોય. પેલી નવરી સવલી  કાન માંડીને બધું હામ્ભળતી ઓહે, હૂં શરત મારું ‘ 

પ્રયત્નપૂર્વક  અવાજ ધીમો કરીને વસનજી ‘ વળી લલીએ હો બધું ચૂપચાપ હામ્ભરી લીધું….’ અચાનક વસનજીને ખાંસી ઉપડી.

‘લેવ, આ પાણી પિયો, જો જો, બધું હારુ થઇ જાહે.’

લગભગ અંધારી ઓરડીમાં એક નાનકડા ટમટમિયાં જેવો ઝીરો વોલ્ટનો લાઈટનો બલ્બ અને એનું કિરણ કાચના ગ્લાસમાં પરિવર્તિત  થઇ રહ્યું, ભાઈ બેનનાં પોતપોતાના દુઃખોની જેમ.’.

આ બાજુ લલી પૂજારી રામજીકાકાને મળવા નીકળી ગઈ એના તરફ કોઈનું ધ્યાન નહિ ગયું. બાજુની ધર્મશાળામાં ત્યારે બહુરૂપી ન હાજર ન હતો.

‘અરે બેટી લલી, શું થયું આમ અચાનક આવી ગઈ?’ રામજીકાકા બેઠા હતા ત્યાંથી ઉભા થયાં.

લલી પાસે આવીને માથું ઓઢીને પગે લાગી, ‘કાંઈ નહિ હું જરા વાડીએ ગયેલી ત્યાંથી આવીને થયું કે તમે બધાં હારાં છોને?’ .

‘તે અમે તો હારાં જ છીએ ને? ‘ રામજીકાકાએ બેતાળાં ચશમા આંખ પરથી કાઢીને ધોતિયાના છેડાથી લૂછ્યાં. 

લલી, ધર્મશાળાની દિશામાં નજર કરતાં, ‘ તે ગોપાલ કાંઈ દેખાય ની ને?  

લલીને ક્યાંથી ખબર હોય કે ગોપાલ ગયો હતો  બહુરૂપી સાથે નદીએ નહાવા.

‘એ તો પેલા બહુરૂપી હાથે, નદી પર નહાવા’

ગોપાલ સાથે બહુરૂપીનું નામ આવ્યું એટલે કાકુજીની  ચેતવણી યાદ આવી. 

‘તું તો બહુરૂપીને  જાણે. ચાલ ત્યારે ઘરની અંદર તો આવ, ને કાકીને મલ’

‘ના આજે નહિ રામજીકાકા. ઘેરે ઈચ્છાફુઈ  હો અઝરાઈથી આવેલાં છે હું જતી છે.’ કરીને લલીએ પૂંઠ ફેરવી.

રામજીકાકાએ લગભગ બૂમ જેવી પાડી, ‘ તે ઈચ્છાને મેરબાઈનાં દર્શન કરવા આવવા કહેજે. ….. ને સાંભળ, પરમ દા’ડે અંબિકાનાં ભાઠા પર ગામનો મેળો શરુ થેઈ જવાનો….’

‘પાકું પાકું …’ લલી ઘેરે જવા દોડી. તેને ખબર હતી કે કાકુજીને આપેલું વચન તોડ્યું હતું આજે. ભાઈ બેન હજુ સુખ દુઃખની વાતોમાં પડેલા હતા ત્યાં લલી હળવેથી  ઘૂસીને શાંતાકાકીને રસોઈમાં મદદ કરવા લાગી.

વસનજી અને ઈચ્છાને  મન ભરીને બધી બાબત સારી રીતે વાત કરીને નિવેડો લઇ આવ્યાં તેનો સંતોષ હતો. વાળુ પાણી ટાઈમે બેઉ મન હલકું કરીને અંધારા રૂમમાંથી બહાર આવ્યાં. ભગુકાકા હજુ વાડીએથી પાછા આવ્યાં ન હતા. ત્રણેવ જાણ જમીન પર બેસીને ખીચડી કઢીનું સાદું ભોજન જમવા બેઠાં. વસનજીએ વહાલથી દીકરી લલીના માથા પર હાથ મૂક્યો. 

શું ભાઈ-બેને કાંઈ તોડ કાઢ્યો? લલીને કોઈ અંદાજ ન હતો. 

પણ છગન ક્યાં? 

લલી બહાર નીકળીને છગન , છગન પોકારતી શોધવા લાગી. 

‘અરે ત્તારી!’ ધર્મશાળા પાસેની જમરૂખી પર ઊંચે ચડીને બેઠેલા છગનને જોઈને લલીથી બોલાઈ ગયું.

‘છગન, ઊંચેથી ભોંય પર  નીચે પયડો બયડો તો? ચાલ નીચે ઉતર વહેલો? કેટલું અંધારું થઇ ગિયું છે ખબર છે? કાકુજી નક્કી વઢવાના  તને.’ 

‘આયવો આયવો,’ કરીને છગન જલ્દીથી  કૂદ્યો અને લલીની પાસે માટીમાં સર્કસના કલાકારની માફક પછડાઈને  પાટલૂન પરથી ધૂળ ખંખેરી.

‘મોટીબેન, મોટીબેન , હું ઉપરથી નદી તરફ જોતો હૂતો ને મેં હૂં જોયું ખબર ?’ છગનના ચહેરા  પર અજાણ્યો ભાવ  હતો..

લલી જાણતી હતી કે ગોપાલ મેળાની  તૈયારી રૂપે ભાઠા પર કઈં દાવ અજમાવતો હશે.

‘હૂં જોયું તે બોલની. ગોપાલને જોયો?’

છગન ચૂપ.

‘અરે કાંઈ બોલહે  કે ?’ 

‘મોટીબેન મારાથી કહેવાય એવું નથી’ કરીને પાછો ચૂપ.

‘ચાલ ચાલ, કહી દે હવે, નહિ તો તું ઝાડ પર ચડેલો એ કાકુજીને કહી દેવા ને પછી તને બરોબર લેહે, જોજેની ‘

છગન ગભરાયો અને પૂરી વાત લલીને કહેવા લાગ્યો.

xxxxxxxxxxxxxxxxx

પ્રકરણ ૧૦. ભીખુ અને લીલી

સવિતામામીના હાથનો નાસ્તો પેટ ભરીને ખાઈને  ભીખુ રૂમમાં ભરાઈ ગયો. મુંબઈ જેવા મહાનગરમાં આમ સાવ એકલા એકલા ફરીને જાણે વાઘ માર્યા જેવું લાગવા માંડ્યું. ઓફિસથી બસમાં બેસીને સુખરૂપ ઘેર આવવાનું સાહસ શરુમાં કપરું લાગ્યું ખરું પણ એની યાદશક્તિ અને આત્મવિશ્વાસ  કામે લગાડ્યાં. અમરત મોડો મોડો પણ આવીને ભીખુના રૂમમાં ડોકિયું કરી ગયો કે ભીખુ પહોંચી ગયો કે નહિ.

જમવાને હજુ ખાસ્સી વાર હતી. મહાનગરમાં ભીખુનો પહેલા  દિવસનો અનુભવ કાઇંક હદે ઉત્તેજનાપૂર્ણ  રહ્યો – ઊંચા ઊંચા મકાનો, હાથમાં બેગ પકડીને ઓફિસેથી પરત થતા પુરુષો, શેરીમાં આટલા બધા  ઘોંઘાટિયા  ટ્રાંફિકની વચ્ચે અવનવી રમતો રમતાં ખુશખુશાલ છોકરાંઓ, નીચે સમુદ્ર તરફ જતો સર્પાકાર  રસ્તો, ગળું ફુલાવીને માલ સામાન વેચતા ફેરિયાઓ ! 

ધિન ધિન ધિન – નજીકથી આવતા  ઢોલકનો અવાજ ભીખુના કાને પડ્યો. જીજ્ઞાશા એને આગલા વરંડાના ઓટલા પર  ખેંચી લાવી.

‘એ શું એક મૂરખની જેમ અહીં ઉભો છે,?’ ક્યાંકથી અચાનક આવી ચડેલી લીલીનો અવાજ.

કંટાળીને ભીખુએ એને જવાબ આપવાને બદલે ઢોલકના અવાજ તરફ મોઢું ફેરવ્યું.

‘ઓહો, તો ભાઈ સાહેબ ધાર્મિક વૃતિવાળા છે, એમ ને ? ચાલ આવવું છે મારી સાથે , તારું નામ શું?’

થોડી ક્ષણો પછી એ બોલ્યો ‘ભીખુ’

‘ઓહો કેવું જુનવાણી, બેહુદુ નામ! ચાલ તને બાણગંગાનું મંદિર બતાવું.’

ભીખુ નિરુત્તર.

‘અરે અહીં નજીકમાં જ છે, જોવા જેવું છે. આપણે એકાદ કલાકમાં પાછા!’

ભીખુએ  મેનશન તરફ જોયું, ઘરનું સ્ત્રીમંડળ રસોઈ કામમાં વ્યસ્ત હશે. જાઉં કે ન જાઉં? આ શહેરમાં કોણ શું કરે છે, ક્યાં જાય છે એની કોઈને પડી નથી – અમરત  કાયમ કહયા કરે.

કોઈ જોઈ નથી ગયું એ ખાતરી  કરીને, એક પળમાં સાહસ કરવાનું નક્કી કરીને ભીખુ ઓટલા પરથી નીચે ચોગાનમાં કૂદ્યો, અને લીલી સાથે ઉપડ્યો, મંદિર તરફ.

રસ્તે ટ્રાફિક વધી ગયો હતો, આમતેમ ફરતા માણસો વધી ગયા હતા, હોશિયાર લીલી ઝપાટાબંધ માર્ગ કાઢતી લગભગ દોડતી હતી જયારે હેબતાઈ ગયેલો ભીખુ એ વિચિત્ર છોકરી  પાછળ મહા મુશ્કેલીથી ખેંચાતો જતો હતો. એને  બહુ અણઘડ લાગ્યું  પણ શું થાય?

અચાનક ભીખુએ એની તરફ આવતું એક બળદ ગાડું જોયું ! ડઘાઈ ગયેલા ભીખુના મનમાં સંસ્મરણો જાવી ઉઠ્યાં. આવા મોટા શહેરના રસ્તા  ઉપર બળદ ગાડું! ચાલને એમાં ચઢી બેસું ને ચાલ્યો જાઉં પાછો સરભોણ, કે સૂઈ જાઉં માંના ખોળામાં માથું મૂકીને  !

‘ચાલ ને એય ભીખુ, વચ્ચે આમ શું બાઘાની જેમ ઉભો રહી ગયો? Let’s go’  ખૂબ આગળ નીકળી ગયેલી લીલીએ સાદ કર્યો. ગલવાયેલો ભીખુ જલ્દી જલ્દી એ છોકરી તરફ દોડ્યો.

ભીખુ વિચાર કરે, ‘ મારી હારી પોરી અંગ્રેજી પપરાટ બોલતી છે. એ મને શીખવે કે નહિ?’

માથા પર નાની અમસ્તી  પોની આમતેમ ઉછળતી, મસ્તીમાં ઝૂમતી, માર્ગ કાઢતી લીલીને ભીખુ જોઈ રહ્યો.

‘લે આપણે લગભગ મંદિરે તો આવી ગયા. પેલું બાણગંગાનું તળાવ જુએ છે તું?’ ભીખુએ નજર ફેરવી – ખરેખર તળાવ ભવ્ય હતું. 

બંને મંદિરના પગથિયાં પર આવી ગયા. એક જૂની પુરાણી તકતીમાં મંદિર વિષે ઈંગ્લીશમાં માહિતી  હતી,

‘The temple and the attached freshwater Banganga Tank were built in 1127 AD by Lakshman Prabhu, a Chandraseniya Kayastha Prabhu minister in the court of the Silhara dynasty Kings who ruled Thane and the islands of Mumbai from 810 to 1240 AD.’

સને ૧૯૨૭ ! એટલે કે ૮૦૦ વર્ષ પહેલાની વાત! કેવું અજબનું કહેવાય ને !

લીલી જે વિધિ કરતી હતી એ બધી ભીખુએ સમજ્યા વગર કરી – આધુનિક દેખાતી નચિંત છોકરી આવી બધી વિધિ કરી શકે એ નવાઈ લાગી. ભીખુને યાદ ફરી તાજી થઇ. જમના માં ઘરમાં સ્થાપેલી લડ્ડુ ગોપાલની એક નાની શી કાળી મૂર્તિની સેવા કરતા. મૂર્તિ મનોહર હતી – એક હાથમાં લાડુ અને ચાર પગે ચાલતા  બાળ સ્વરૂપ કૃષ્ણ ભગવાન.

માથું નમાવીને, માં કાઇંક શ્લોક જેવું બબડીને પાછી પોતાને કામે લાગી જાય. જો કે ભીખુને કોઈ દિવસ એમાં સામેલ થવાનો આગ્રહ ન કરતા પણ  માંને  જોઈને ભીખુ આવડે એવી વિધિ કરી લેતો ખરો. એ ઉપરાંત હર હંમેશ જમ્યા પછી એક મોટો ઓડકાર ખાઈને અચૂક કહેતી , ‘ જે ઠાકોરજી, આજ મયલું  તેવું કાલ આપજે’’ 

ન કોઈ બીજી વધારાની કાકલુદી કે માગણી.

માં અત્યારે શું કરતી હશે ત્યાં?

સરકણી,  તૂટેલી ટાઇલમાં ભીખુનો પગ ફસાયો અને એણે સમતોલન ગુમાવ્યું. બાજુમાં ઉભેલી લીલીએ હાથ આપીને એને સંભાળ્યો. છોકરીના સ્પર્શે ભીખુને એક ન સમજાય એવી ઝણઝણાટી થઇ આવી. કાઇંક ગુનાહિત લાગણી સાથે એને  યાદ આવ્યું કે માંએ એની આવી હરકત ચલાવી ન લીધી હોતે.

‘ચાલ લીલી, આપણે પાછા વળીયે હવે? મામી,  ને બધાં મને શોધશે’

‘કેમ તારે બાણગંગા તળાવ નથી જોવું? ‘ લીલીએ  આંખ ત્રાંસી કરી.

‘ના ના, હવે આજે નહિ, ફરી કોઈ વાર’ કરીને ભીખુએ મોઢું ઘરની દિશામાં ફેરવ્યું.

મેનશનની બહાર મોટામામાની ડીસોટો ગાડી ઉભેલી જોઈને ભીખુ ને ફાળ પડી  કે મામા પણ આવી ગયા હશે.

એ જલ્દી જલ્દી બંગલામાં સરકી ગયો.

‘બાબા, અરે ઓ બાબા, તું ક્યાં ગયો હતો? જો ને મામી ક્યારની તને શોધે છે.’  ગંગા મૌસીનો બુલંદ અવાજ આખા મેનશનમાં ગૂંજી ઉઠ્યો.

‘ભગવાનને ખાતર ધીરે બોલને મૌસી’ ભીખુનું મન વ્યાકુળ.

‘અરે ભીખુ બેટા, તું આવી ગયો? ચાલ ચાલ, જલ્દી હાથ-મોઢું ધોઈને જમવા બેસી જા તો’, મામીએ આજ્ઞા આપી.

હવે શું થશે? ભીખુનો જીવ મહા ચિંતામાં. ક્ષણિક આવેશમાં લીલી સાથે દુ;સાહસ કરી બેઠો એનો રંજ થવા લાગ્યો. વધારે રંજ એ વાતનો હતો કે એને લીલીનો સ્પર્શ ગમ્યો. પાપ, નર્યું પાપ, ભીખુ. મોટામામા જાણશે તો શું કહેશે? માં જાણશે ત્યારે એ શું વિચારશે?

મારે જમવું નથી આજે. પશ્ચાતાપ , પશ્ચાતાપ.

સરભોણ જેવા નાના ગામમાં આ જાતના ચાળા કરવા એ શક્ય જ નહતું. કોઈક કારણે આ વિચાર જમના માં તરફ વળ્યાં.

શું સ્ત્રીઓને પુરુષના સ્પર્શથી આવી લાગણી થતી હશે? શું લીલીને કાંઈ થયું? શું દરેક પુરુષને સ્ત્રીનો સહવાસ આવી અનુભૂતિ કરાવતો હશે? અચાનક એને થયું કે એના પતિને ખોયા પછી માંને કોઈ જાતની  લાગણી નહિ થઇ હોય? નાથુ કાકા જેવા પુરુષોની ટક્કર મારીને  જમના માંએ ખરેખર કેવું  મોટું બલિદાન આપવું પડ્યું? નાથુકાકાને દુષ્ટ કહેવાય? તો શું ભીખુ પણ દુષ્ટ છે?

જમવા માટે ગંગા મૌસીએ એને બહુ મનાવ્યો પણ ભીખુ એની જીદ પર કાયમ રહ્યો – બહાનું આપ્યું માથું દુ;ખવાનું. સમજદાર મૌસીએ મનાવવાના ફાંફાં મારવા છોડીને બામની એક નાની શીશી ભીખુની પથારી પાસે સેરવી દીધી. મૌસીને શી ખબર ભીખુના મનમાં શો  ગજગ્રાહ ચાલતો હતો?

રાત આખી ભીખુએ પાસાં ફેરવ્યાં કીધાં. ઘડીકમાં એણે લીલી સાથે ગાળેલી ક્ષણો યાદ આવે અને  ઘડીકમાં જમના માં એને વઢતી  હોય. આવતી કાલે લીલીને એ શું કહેશે? આધુનિક છોકરી હતી એટલે એને કદાચ કોઈ ફરક પડે નહિ.

‘ભીખુ તારે એનાથી દૂર રહેવું’ એવી ગાંઠ વાળી પણ ખરેખર એવું શક્ય હતું? ભીખુ, ભીખુ, તું ઓફિસના કામમાં ધ્યાન આપ, ઈંગ્લીશમાં એક્કો બની જા.

સવારે દૂર દૂર કામવાળાની કોલોનીમાં કૂકડો બોલ્યો એટલે ઉઠી જવાયું. મોડું થઇ  ગયું. પથારી સંકોરી એ દોડ્યો બાથરૂમમાં. વહેલો વહેલો તૈયાર થઇને એ ડાહ્યો-ડમરો થઈને નાસ્તા માટે ટેબલ-ખુરશીએ  બેસી ગયો.ફક્ત અમરત મોઢામાં કાઇંક ચાવતો બેઠો જતો અને ભીખુને સૂચક રીતે જોતો હતો. ભીખુને ફાળ પડી કે અમરતને બધી ખબર તો નહિ હોય ને?

‘અરે ગંગા મૌસી, આ ભીખુને ચા – નાસ્તો આપો’ અમરતે જરૂર કરતાં મોટી બૂમ પાડી.

મોટામામા આજે ચા-નાસ્તો કરીને જલ્દી નીકળી ગયા હોય એમ લાગ્યું. અમરતથી નજર બચાવતો ભીખુ નીચું મોઢું કરીને નાસ્તો કરવા લાગ્યો.

‘બાબા, હજુ તારું માથું દુ:કહે છે. બામ લગાડ્યો કે નહિ?’ મૌસી એને જલ્દી છોડે એમ હતી નહિ.

અમરતે મૌસી તરફ કાઇંક એવી રીતે જોયું કે  મૌસી ચૂપ. વાત અટકી ગઈ એટલે ભીખુને ધરપત થઇ.

એનો અર્થ એમ કે અમરતને ગંધ આવી ગઈ હતી. વર્ષોથી આ ઇલાકામાં રહે એટલે બાણગંગા આગળ એને ઘણા દોસ્તો હોય એ સંભવ હતું. બીજું, અનુભવે ભીખુએ જોયું હતું કે અમરત મન ફાવે ત્યારે ગૂમ થઇ જાય અને ફાવે ત્યારે સામો આવી જાય. જોને, ઓફિસના પહેલે દિવસે કોઈને કહયા મૂક્યા વગર ભીખુને એકલો મૂકીને જતો રહ્યો. એ તો સારું થયું કે ભીખુને પાછું  કેમ આવવું એની સૂઝ હતી. વળી દયાળમામાનો એમાં કાઈં પેંતરો હોય કે ભીખુ શહેરની રીતરસમોથી જલ્દી જલ્દી વાકેફ થઇ જાય.

‘અમરત બાબા, તને ખબર પડી? લીલી આજે સવારે અચાનક એને ઘેર જતી રહી. નક્કી એના કુટુંબમાં કાંઈ થયું હશે.’ ગંગા મૌસીએ નવી જ વાત સામે ધરી. આ શું બેઉ મળીને ભીખુ સાથે કોઈ રમત રમતાં હતાં ? પણ હવે ભીખુને શું? એણે કોઈ પ્રતિભાવ ન આપ્યો. હવે એ કામ પર ધ્યાન આપશે. લીલી તો એને મળવાની ન હતી અહીં. પણ એવું તે શું થયું જેથી એને અચાનક નીકળી જવું પડ્યું?

‘પણ હવે હું શા માટે લીલીનો વિચાર કર્યા કરું છું? મૂક એને, અને ઓફિસ જા’

દૂધનો એક મોટો ગ્લાસ એક ઝાટકે ગટગરાવી ગયો અને બૂટ મોજાં પહેરીને  એકલો બસ સ્ટોપ પહોંચી ગયો. અમરતની રાહ એ હવે શું કામ જુવે? એને બસનો રુટ ખબર હતો. અમરત પણ કાંઈ બોલ્યો નહિ.

આ એનો ઓફિસમાં બીજો દિવસ હતો.

                      ———————–

આ બાજુ સરભોણ ખાતે જમનાનો મક્કમ નિર્ધાર હતો કે ભીખુને મુંબઈ મૂકી આવીને રોદણા રડવાનું હવે બંધ. ભીખુ હવે સુરક્ષિત હાથમાં રહેશે અને તૈયાર થઇ જશે. હવે ભીખુ વગર જમનાએ નિશ્ચિન્ત થઈને જિંદગી જીવવી પડશે. ઠાકોરજી સાથે એના વાર્તાલાપ લાંબા થવા લાગ્યા હતાં. ઠાકોરજીની ભવ્ય આંખો એને  જીવનની કઠણાઈઓ સામે ઢીંક  ઝીલવાની શક્તિ આપતી.

રહી રહીને જો કે ભીખુના વિચાર આવ્યા વગર રહેતા નથી. કેમ રહેતો હશે એ? માંની ખોટ તો ચાલો સવિતા મામી પૂરી પાડશે. પણ બીજા લોકો? બિચારો ભીખુ! ત્યાં મૂકી આવવાને બદલે અહીં લાવી  હોત તો શું ખાટુંમોળું થઇ જાતે?  અહીં પણ નવસારીની કોલેજમાં  સરસ ભણીને ગ્રજ્યુએટ થઇ જતે. ભણી ગણીને એને બારડોલીમાં મોટી સરકારી  નોકરી મળી જતે અને ગામ લોકો એને ઈજ્જતથી જોતે ને? ખેર.

બારણે ટકોરા સંભળાયા.

‘જમનાબેન એ તો હું ટપાલી. તમારો કાગળ છે, બારણું ખોલોને જરા’.

 ‘મારો કાગળ? મને વળી કોણ કાગળ લખે?’

જમનાએ ઝટ બારણું ખોલ્યું. કાગળ હતો એના સોલિસિટર ભાઈ દયાળજીનો.

‘મારી માનવંતી મોટીબેન, પાયે લાગણું. તમે મુંબઈ આવી ગયા. પણ આપણે વધારે ટાઈમ સાથે  નહિ ગાળી શક્યા એનો મને વસવસો છે. તમે ભીખુની જરાપણ ફિકર નહિ કરતા. મુંબઈના જીવનમાં એ સારી રીતે ઓતપ્રોત થઇ ગયો છે. અરે જાતે જ મારી ઓફિસ આવવા માંડ્યો છે હવે.

બીજું બધું બરાબર છે. કાગળ લખજે, અને તબિયત સાચવજે.  

લિ. દયાળજીના પ્રણામ.’

‘જય ઠાકોરજીની’ જમનાથી અનાયાસે નીકળી ગયું. હવે તો મારો ભીખુ એના દયાળમામાની જેમ મોટો સોલિસિટર થઇ જવાનો. વાહ ઠાકોરજી તારી કૃપા અપરંપાર છે. હવે જમનાને ભીખુની ચિંતા સદંતર નીકળી ગઈ. ભીખુ સોલિસિટર બનીને સરભોણ આવે એનાં સપનાં જોવા લાગી.

સરપંચ સાથે બેઠક માટે તૈયાર થવાનું હતું. હવે એ કોઈ ખાત્રીવાળા માણસને પોતાની જમીન ખેડવા તેમજ વાડીનો કારભાર આપશે . મહિનાના ચોખ્ખા પૈસા આવતા થશે, ને ઝંઝટ બધી દૂર.

એણે નવી લાલ સાડી પહેરી, નાનકડા અરીસામાં દ્રષ્ટિ પડી. ગોળ સુડોળ ચહેરો, કપાળ કોરું અને ઉપર માથું સાવ સફાચટ. વિધવાને વળી વાળ કેવા? વિચારે ચડી ગઈ જમના,’ અત્યારે મને સુંદર મઝાના કાળા ભમ્મર વાળ હોતે, કપાળ પર મોટો લાલ ચાંલ્લો…વધુ વિચારો મક્કમતાથી રોક્યા એણે.

પોસ્ટમેન  બારણું ખુલ્લું મૂકી ગયો હતો ત્યાં પાડોશી નાથુભાઈ દેખાયા. અરે આ કાળમુખો ક્યાં ટપકી પડ્યો હમણાં? એને વળી શું કામ પડ્યું?

‘ઈશ્વરના સોગંદ, જમની, આજની બેઠકમાં હું તને  ખપ લાગીશ, આવું? એક ભાઈ માણહ હોય તો હારું, એમ ને ?’ સરપંચને હો ગમશે’ એની ગાંધી ટોપીને સરખી કરીને જમનાના જવાબની રાહ જોતો ઠાવકે મોઢે નાથુ,  બારણે ખોડાઈને ઉભો રહ્યો.

જમના વિમાસણમાં – કે આને કેમ કરીને ખબર પડી ગઈ? જો જે જમના, કેથે ફસાઈ નો જતી?

અગિયાર વાગવા આવ્યા હતાં અને નાથુ સાથે વધુ વાત કરવામાં સમય બગડે તેવું હતું – વળી એક ભાઈ માણસ સાથે હોય તો ખોટું નહિ એમ વિચારી જમના પીગળી.

નાથુએ અદબથી બારણાથી ખસી જઈને જમનાને બહાર નીકળવા રસ્તો કરી આપ્યો – જો કે જમનાની અંગની  સુગંધ લેવાનું ચૂક્યો નહિ. જમના, એની હરકતથી અજાણ ન હતી પણ એને અવગણીને એ આગળ ચાલી. પાછળ નાથુ, રસ્તાની બેઉ બાજુ જોતો જોતો કે કોઈનું ધ્યાન નથી ને?

‘જમની, બધાં કાગળિયાં તો લીધાં ને? ‘

‘આજની બેઠકમાં કાગળિયાંની જરૂર નથી. કાં કંઈ નક્કી કરવાનું છે ?

‘પણ મેં સરપંચ લલ્લુભાઇને ચેતવ્યા છે…( જરા થોથવાઇને) .. હૂં એમ કહું કે બધું હમુંનમું હોય તો પછી કરો કંકુના કરવામાં વાંધો હૂં છે?’

જમનાને ખયાલ આવી ગયો કે આ ભાઈએ સરપંચને વાત કરી મૂકી છે અને આ બેઠક તો નામની છે.

‘કાંઈ વાંધો નહિ. તમે ચાલો ની. બેઠકમાં હૂં થાય તે જોઈ લેહું.’  જમનાએ નાથુને એની જગ્યા બતાવી દીધી.

બેઉ સરપંચના વિશાળ બંગલા આગળ આવી પહોંચ્યા.

‘જો તે પેલી  જમની. એખલી બાઈ;  છે કાઈં મોઢા પર ફિકર? જો ની, જો ની, તે ચાલે હો મોટી વાઘણ જેવી.  સાક્ષાત દેવી જગદંબા જોઈ લેવ. બાજુના મકાનમાંથી કોઈ બોલ્યું.

જમનાએ એ તરફ જોયું અને એક તીક્ષ્ણ દ્રષ્ટિ નાખી ધિક્કાર વરસાવ્યો.

બેઠક એક કલાકથી વધુ ચાલી પણ આખરે જમના નીકળી વિજયી સ્મિત સહીત, નાથુએ ધારી ન હૉય એવી શરતો મંજૂર કરાવીને.

‘જમની……’  નાથુ કાંઈ બોલવા ગયો એને જમનાએ રોક્યો,

‘જમનાબેન કહે, ‘

‘હા હા, જમનાબેન, તમે તો બો ભારી કામ કરી લાયખું હેં ?’

હવે જમના રોજ બરોજની જંજાળમાંથી છૂટી થઇ ગઈ. હવે નાથુ જેવા મગતરાંની શી મજાલ! નિયમિત આવક શરુ થઇ જશે એટલે ભયો ભયો.

‘લે, નાથુ, ‘ જમનાએ એના તરફ હાથ લંબાવ્યો, આ દહ રૂપિયાની નોટ, કાલે તાલુકા કચેરીમાં જેઈને બાકીના કાગળિયાંમાં સહી સિક્કા કરાવી આવજે, હૂં કેય? તમારે મને મદદ કરવી હતી  ને?’

XXXXXXXXXXXXXXX

પ્રકરણ ૧૧ : વરણગામનો મેળો

છગને એવું તે શું જોયું કે એ દિંગ્મૂઢ થઇ ગયો?

‘ચાલ, હવે કહી મૂક તે શું જોયું? આટલો બધો ખવરી કેમ પયડો તું?’ લલીથી રહેવાયું  નહિ.

છગને વાત કરતા પોતાનું  મોઢું ઢાંક્યું, ‘ મોટીબેન છે ને તે.. છે ને .. એ લોકો નદીમાં નહાતાં નહાતાં ગમ્મત કરતા ઉતા – કપડાં કાઢીને , છેક નાગા હેં! ‘ 

‘એ લોકો એટલે કોણ જે?’ લલી વિચારમાં પડી ગઈ.

‘પેલો બહુરૂપી અને …. આપણો… ગોપાલ’ છગન બોલીને છોભીલો પડી ગયો.

લલીનું મન ચકડોળે.’ બે પુરુષો નદીમાં કપડાં કાઢીને સાથે નહાય અને ગમ્મત કરે?’ 

આ દ્રશ્ય જોઈને નાનકડા છગનને તો બહુ સમજ નહિ પડી હોય પણ પુખ્ત લલીને વાર ન લાગી. 

લલીએ એક ઊંડો શ્વાસ લીધો, ‘બે પુરુષો આમ ગમ્મત કરે એ શું હોય?’

હે ભગવાન, શો કળિયુગ આવ્યો છે? એ જેમ વિચારતી ગઈ તેમ એને ખયાલ આવ્યો કે બહુરૂપી ગોપાલ સાથે કેવી ગંદી રમત રમી રહ્યો હતો. બહુરૂપી જેવા થવાની ઘેલછામાં ગોપાલે એનું સર્વસ્વ એને હવાલે કરી દીધું! આ તો હદ થઇ ગઈ કહેવાય.

હાલ પૂરતું તો લલીને આ વિષે મૌન સેવવામાં ડહાપણ લાગ્યું. શું બહુરૂપી ગોપાલનો ગેરલાભ લેતો હતો કે પછી  ભગવાને ગોપાલને એવો વિકૃત બનાવ્યો હતો? એને લાગ્યું કે એ હમણાં ઢળી પડશે પણ જાતને સંભાળી અને છગનની આંગળી પકડી ઘર તરફ ચાલવા માંડ્યું. છગન આ વિષે ઘેરે જઈને કાંઈ ભરડી ન મારે એ માટે એને એક પીપરમિન્ટની લાલચ આપી દીધી. 

‘મારો છગન મયલો કે ની?’ ઈચ્છાફુઈ વ્યાકુળ. 

‘હા ફુઈબા ફિકર નો કરો’ છગનને જોયો એટલે ઈચ્છાફુઈને હાશ થઇ.

વસનજીને  લલીના ચહેરા પર એક જાતનું માતૃત્વ તરવરતું જોયું.  

આ ભાઈ-બેને મળીને ઈચ્છાફુઈના વ્યક્તિગત મામલામાં શું નક્કી કર્યું એ પૂછવાની હિમ્મત ન હતી. એ જે હોય તે પણ એ પછી છગન વસનમામાને ત્યાં  રહેવા લાગ્યો. ઈચ્છા ફુઈ તો એના ભટકી ગયેલા વરને  પાછો વાળવા અઝરાઈ પાછા જવા અડીખમ હતી. 

પણ વિધિને જુદું મંજૂર હતું. વસનજી કહે કે ભલે ને ઈચ્છા હમણાં અહીં જ રહે, ગામનો મેળો લગભગ એકાદ અઠવાડિયું ચાલે ત્યાં સુધી રહે એટલે મન પણ શાંત થઇ જાય. છગનને મઝા પડી જાય. રતિલાલ તો એની નાચવાવાળી સાથે મસ્ત રહેવાનો એટલે ઘેરે મોડો મોડો આવવાનો. ઇચ્છાનો જીવ પાછો કકળે, એ કરતાં અહીં જ એના પિયરમાં રહે એ સારું. 

નદીનાં ભાઠાં પર  મેળો લાગવા માંડ્યો. જાણે આખા ગામમાં ઉત્સવનું વાતાવરણ. નાના મોટા સ્ટોલ ઉભા થવા લાગ્યા જ્યાં ગામના લોકો ઘરેથી મીઠાઈ – ફરસાણ બનાવીને તેમાં વેચશે. બાજુના તાલુકા મથક ગણદેવીથી પણ વેપારીઓ આવીને એમની ચીજ વસ્તુઓ વેચવા મોટા સ્ટોલ લગાવશે. આજુબાજુના ગામોથી કસરતબાજો, મલ્લો મેળામાં આવીને પોતાના કરતબ બતાવશે. મેળાના એક છેડા પર ગોળ ફરતું ચકડોળ ઉભું  કરવામાં આવ્યું. લોકોના મનોરંજન માટે બીજે છેડે એક સ્ટેજ ઉભું કરી રહાયું હતું  અને સાથે પ્રેક્ષકો માટે બેસવાની ખુરશીઓની વ્યવસ્થા પણ હતી. ગામના સંગીતકારો માટે આ એક અમૂલ્ય અવસર હશે. ગામેગામથી ભજન મંડળીઓ પણ આવવા માંડી. 

બહુરૂપીએ પણ એની કલા બતાવવા માટે એક ખૂણામાં નાનો ઝૂંપડી જેવો સ્ટોલ બનાવ્યો જ્યાં એ અલગ અલગ   વેશ ધારણ  કરી શકે. ગામના પોલીસ પટેલ કીકુભાઇને માથે મોટી જવાબદારી કે કોઈ અજુગતો બનાવ ન બને એટલે એ આખો દિવસ આમતેમ રૂઆબમાં ફરતા રહેવા લાગ્યા. ભારતના પ્રસિદ્ધ  મંદિરોની પ્રતિકૃતિઓ ઉભી કરવામાં સરપંચનો દીકરો પારંગત હતો.  આ વર્ષે એ  અનાવિલોના આરાધ્ય  દેવ અનાવલના મહાદેવ મંદિરનું મોડેલ ખડું કરવામાં મસ્ત હતો. 

કીકુભાઈએ ડહાપણ વાપરીને ગણદેવીના તાલુકા પ્રમુખને મેળો ખુલ્લો મૂકવા વિનંતી કરી હતી. જો બધું સાંગોપાંગ પર પડે તો પોલીસ પટેલ કીકુભાઈનો ડંકો  વાગી જાય અને રાજકીય પ્રગતિનો માર્ગ ખુલ્લો થઇ જાય. સદભાગ્યે વાતાવરણ પણ  ખુશનુમા બની ગયું હતું.

મેળાને પહેલે દિવસે તાલુકા પ્રમુખે ઉદ્ઘાટન કર્યું. ગાયકોએ ગણેશ સ્તુતિ  કરીને મંગળ પ્રારંભ કર્યો.

પણ… તાલુકા પ્રમુખનું  ભાષણ હજુ પૂરું થાય એ પહેલા એક છેડેથી ધૂળની ડમરી ઉડી. આભા  બની ગયેલા લોકોએ જોયું તો એક ઘોડેસવાર, હાથમાં ખુલ્લી તલવાર લઈને મેદની તરફ ધસી રહ્યો હતો. માથે ફેંટો, કપાળે બહારવટિયા કરે છે એવું તિલક, અને મોટી મોટી મૂછો. લોકો ગભરાયા અને એના મારગમાંથી ખસવા લાગ્યા.

‘એ કોણ? એ કોણ?’ લોકો બૂમો પાડવા લાગ્યા પણ ધમાલમાં કશી ખબર પડતી ન હતી કોઈને. હજુ તો કોઈને ગતાગમ પડે એ પહેલા ઘોડેસવાર વિજેળીવેગે આવ્યો, ટોળામાં આગળ ઉભેલી એક બનીઠનીને ઉભેલી યુવતીને ઉઠાવી, ઘોડા પર બેસાડીને તબડાક, તબડાક મેળાને બીજે છેડેથી અદૃશ્ય થઇ ગયો. 

આ બધું  બે-ત્રણ ક્ષણમાં થઇ ગયું. લોકો સ્તબ્ધ! આવું તો  મેળાના ઇતિહાસમાં કોઈ દિવસ બન્યું ન હતું. દેશના ઉત્તર ભાગમાં આવું થતું  સાંભળ્યું હતું ખરું, પણ અહીંયા? 

કોણ હતો એ ઘોડેસવાર? કોણ હતી એ યુવતી જેને ભગાડીને હરણ કરી ગયો. યુવતીની ચીસ કોઈએ સાંભળી નહિ. ગજબ થઇ ગયો આ તો! મેળો એને ઠેકાણે રહી ગયો. 

પોલીસ પટેલ પણ સ્તબ્ધ, કાંઈ કરી ન શક્યા  એનો અફસોસ એના ચહેરા પર સાફ દેખાતો હતો. લોકો વાતો કરવા માંડ્યા. એ કોને ત્યાંની છોકરી? ઘોડેસવાર કોણ? પણ કોઈને ખબર ન હતી. હરિ હરિ !

કીકુભાઇને કળ વળી. એણે તરત મેળો બંધ કરાવ્યો. બધાને ઘેર જવાનો ઓર્ડર આપ્યો અને તપાસ આદરી. ઘોડેસવાર અને પેલી છોકરીની ઓળખ કરવી બેહદ જરૂરી. 

લોકો બધા ઘેર પહોંચ્યા અને તપાસ કરતાં ખબર પડી કે ગામની બધી છોકરીઓ સલામત હતી. કેટલું વિચિત્ર? તો કઈ છોકરીને ઉપાડી ગયો પેલો?  એ હતો કોણ અને ગામમાં ક્યાંથી આવ્યો હશે. આમ તો ગામમાં બહારથી ઘણા લોકો આવી ગયા હતા. તપાસ કરવી અગત્યની હતી.

લલી પૂજા વગેરે  પતાવીને મેળે મોડી પહોંચી હતી અને એ પણ હેરાન હતી કે આ બધું શું થઇ ગયું. શું ગામમાં પાપ વધી ગયા છે કે આવું થઇ જાય. મેરબાઈ નારાજ છે?  કાલે જઈને મેરબાઈને પૂછીશ.

બીજે દીવસે વરણગામમાં સન્નાટો છાયેલો રહ્યો. ઉત્સવને ઠેકાણે દુઃખની લાલિમા પથરાઈ ગઈ. પોલીસ પટેલ કીકુભાઈએ તપાસ આદરી દીધી.

‘અરે હામભરે કે તમે? લલી આજે વિચિત્ર લાગતી છે.’ સવિતાકાકાએ કીકુભાઇને ટપોર્યા. એણે લલીને સવાર સવારના મેરબાઈની દેરી તરફ જોઈ લીધેલી ત્યારથી એને કોઈક રીતે ભેરવવા મથી રહી. 

કીકુભાઇનો પારો સાતમા આસમાને, ‘ તે હવે તું મને શીખવશે કે ગામ લોકોનું ધ્યાન કેમ રાખવાનું? ‘

‘જે ફાવે તે કરો તમે, મારે હૂં? પણ યાદ રાહજો  આ કુલટા ગામના સંસ્કારનું નખ્ખોદ વાળીને   રેહે ‘ કચવાતી, બબડતી  એ અંદર રસોડામાં ભરાઈ ગઈ.

મેળા વખતે થયેલી ફજેતીથી ગલવાયેલા અને વ્યગ્ર કીકુભાઇ બહાર વરંડામાં નીકળ્યા. મનમાં હાઉ ભરાઈ ગયો કે જાણે ગામના બધાં લોકો ટીકી ટીકીને એને જ જોઈ રહ્યા હતા.

બાબુ દોડતો આવતો દેખાયો, ‘ હુકુમ, હુકુમ, પેલો નાલાયક બહુરૂપી નાહી ગીયો…’ 

‘તે પેલો ઘોડા પર આવીને છોકરીને  ઉપાડી ગીયો તે એ જ કે?”

‘હુકુમ, લાગતું તો એવું જ છે. એનો બધ્ધો સામાન હામ્ભરીને લેઇ ગીયો.’ બાબુએ આંખો નીચી ઢાળી, જાણે આ બધો વાંક પોતાનો હોય.

‘સાલા નક્કામા બધાં તમે હૂં કરતા ઉતા ત્યારે? પેલી પોરી કોણ ઊતી એ ખબર?’  કીકુભાઇનો બધો રોષ હવે બાબુ અને એની જમાત પર.

‘એ તો ની ખબર હજુ, …  હુકુમ’ 

‘બધ્ધા  નક્કામા , કામચોર,  બદમાશ.  માદર… દ’  વિશેષણો ઓછા પડ્યા, પોલીસ પટેલને. 

ગાળની ઝડી આગળ વધે ત્યાં સરપંચ થોડા લોકોને લઈને આવતા દેખાયા.

”ગામની એકકું  પોરી ગૂમ નથી થેલી.’

‘એમ?, તો હવે હું તમને સમાચાર આપું? પે…લો …. બહુરૂપી ગાયબ થેઈ ગીયો’

પંચાયતના સભ્યો બિલકુલ ચૂપ! 

‘તો પેલી પોરી કોને ત્યાંની?’ કીકુભાઇએ દાંતિયાં કીધાં.

                    ———-

લલીએ મેરબાઈની દેહરીએ જઈને આંખ મીચીને શ્રદ્ધાથી માથું નમાવ્યું.  

‘અરે લલી, દર્શન હારું આટલી વહેલી?’ પૂજારી હેરતમાં.

‘મેરબાઈ પાહેં જવાબ જોઈએ મને’

રામજીકાકા કાંઈ ગૂંચવાયા, ‘દીકરા, તેં મારા ગોપાલને  જોયો કેથે? ગિયે કાલથી દેખાયો  જ નથી. હારો કોઈ આંબાવાડીમાં તો નથી રવાંચી મારી ગીયોને?’

ગોપાલ થોડો તરંગી હતો એ બધા જાણે પણ રાતભર ઘેરે નહિ આવે?

‘એનો રૂમ તમે બરાબર તપાયસો?’  લલીને હવે અમંગળની કુશંકા થવા લાગી.

‘આ કફની પાયજામો કોના? ગોપાલના જ વળી!’ ખીંટી પર ટીંગાતાં કપડાં નજરે ચડયા.

‘હે ભગવાન, મારો ગોપાલ કાં ગીયો ?’ ગોપાલની માં પાર્વતીએ  લઘરવઘર વેશમાં બહાર આવીને પોક મૂકી.

અચાનક મોહનીયો ક્યાંકથી પ્રગટ થયો, ‘ભાઈ…. પેલા…. બહુરૂપી સાથે છે’

‘અરે કોઈ ધર્મશાળામાં તો જુઓ? જલ્દી?’ પાર્વતીએ બૂમ પાડી.

‘કાંઈ જરૂર નથી એની.  ગોપાલને પોરીના કપડામાં બહુરૂપી ઉપાડી ગીયો’ તપાસ પૂરી કરીને બાબુ આવી પૂગ્યો.

હવે બધો ભેદ ઉકેલાઈ ગયો. આખો  ખેલ  બહુરૂપીના   ભેજાંની  ઉપજ હતી  ત્યારે.

પાર્વતી જમીન પર ફસડાઈ પડી. 

‘ફિકર નો કરો બેન, જોજોની અમે એ બેઉને  હમણે પકડી પાડીયે’ બાબુએ ધરપત આપી.

‘લે કરો વાત. આ બધાં બહુરૂપિયા  કારસ્તાન’ સરપંચ હવે બોલ્યા.

‘હૂં આમ તેમ જોયા કરો તમે બધાં? પેલી લલી કાં છે તે જરા જુઓ. એ હો કેથી નાહી ની જાય’ કીકુભાઇવાળી સવિતાએ લાગ જોઈને મમરો મૂક્યો.

આ સાંભળીને કાકુજી બહાર વરંડામાં ધસી આવ્યા, લલીને આવતી જોઈ, ‘ એ ય લલી, ચાલ તું હમણાને  હમણાં ઘરમાં પેહી જા, ખબરદાર જો બહાર ગેઇ છે તો… ‘

લલી ઉતાવળે ઉતાવળે ઘરની અંદર પેઠી અને પથારીમાં લંબાવ્યું. ‘ગોપાલ એની હાથે કેમ નાહી ગીયો? મને તો કહેતેને ? બહુરૂપી થવાનું વળગણ એને ઘણા સમયથી લાગ્યું હતું. એમે ય એ કોઈનું માને એવો ક્યાં હતો? લલીનું પણ નહિ.પણ… મોહનિયા પાસે ખાસ શક્તિ હતી, એને તો ખબર હશે. પણ મહાભારતના  સહદેવની જેમ એ બોલે તો ને?  જો કે એણે ભૂતકાળમાં પરોક્ષ સંકેતો આપ્યા હતા. રામજીકાકાએ મોહનિયાના કહેવા પર જરાક ધ્યાન આપ્યું હોતે તો?

ગણદેવીથી પોલીસની એક ટૂકડી  આવીને તપાસ કરવા માંડી, નજરે જોનાર લોકોની બેસુમાર  પૂછતાછ. આ બહુરૂપી કાંઈ કેટલા વર્ષોથી આવતો. પણ કોઈને એનું નામ કે ક્યાંથી આવતો એ જરા પણ ખબર નહિ. મનોરંજનના ભૂખ્યા લોકોને એની કાંઈ પડી હોય? પોલીસના માણસો ધર્મશાળામાં જોઈ આવ્યા, આજુબાજુની આંબાવાડીમાં ચક્કર મારી આવ્યા પણ કાંઈ હાથ લાગે તો ને ? બહુરૂપી ગાયબ અને એની સાથે એની  બધી નિશાનીઓ પણ ગાયબ!

              —————-

બહુરૂપીઓ  કોણ હતા અને ક્યાંથી આવતા? 

હરતાફરતા ખેલાડી મનોરંજકો એટલે બહુરૂપી. રંગ, મહોરાં, કૃતિમવાળની વિગ, અને ભાતભાતની ચિત્ર વિચિત્ર વેશભૂષાથી લોકોનું મનોરંજન કરવું એ એમનું કામ. કોઈ એક જગાએ ઠરી ની બેસી ન રહે, ગામે ગામ ફરતા જાય. લોકોને તો મનોરંજન સાથે કામ,  એ કોણ અને ક્યાંથી  આવે એનું  કોઈ મહત્વ ન હતું. હા, સાંભળવવામાં આવતું કે નાના છોકરાં ઉઠાવી જનાર ટોળકીઓ પણ આવી ચડતી. એવું કહેતા કે બહુરૂપીની  કલા બંગાળમાં જાણીતી  થઇ  અને ત્યાંથી એઓ આખા દેશમાં પ્રસર્યા. 

આપણા બહુરૂપી જેનું નામ ગુણીલાલ હતું એણે ગોપાલને  ભોળવીને અપહરણ કર્યું પણ ગોપાલને એ જોઈતું હતું અને પોતાની મરજીથી જોડાયો હતો. ગુણીલાલના બાપદાદાઓ સેંકડો વર્ષો પહેલા બંગાળથી હિજરત કરીને મહારાષ્ટ્રરના બારામતીમાં સ્થાયી થયા જયાં સ્થાનિક વેપારીઓએ એમને આશ્રય આપ્યો.

ગુણીલાલ મરાઠી, ગુજરાતી, તેલુગુ, કન્નડ હિન્દી , ઊડિયાં એવી ઘણી ભાષામાં પારંગત હતો. ઘણી લગન અને મહેનતથી એણે વેશપલટાની કલા શીખી લીધી હતી જેમાં સવિશેષ ધ્યાન ખેંચે એવી કલા વાંદરો  બનીને ઝાડ પર હાવભાવ અને બીજા ચાળા સાથે કૂદાકૂદ કરવી એ હતી.

ગુણીલાલની ચકોર આંખોએ જોઈ લીધું  હતું કે ગોપાલમાં નવું શીખવાની  એક પ્રબળ તમન્ના હતી અને સાથે મહેનત કરવાનો ઉત્સાહ. ગામડાના રોજબરોજના નિસ્તેજ વાતાવરણમાં ગોપાલની કલાની  કોઈ કદર કરે એમ હતું નહિ એટલે એને  માટે તો આ જીવનનો એક નવો ઉત્તેજનપૂર્ણ અધ્યાય હતો.

           ————————-

મંથર ગતિએ ચાલતા ગાડાંમાં ગોપાલ  ચત્તો પડીને આકાશ તરફ જોતો જોતો સફરનો આનંદ લઇ રહ્યો હતો  અચાનક એને વરણગામ યાદ આવ્યું, ત્યાંના લોકો, માં-બાપ, મોહનીયો;  લાગણી એવી થઇ આવી કે ત્યાં પાછો ફરીને બધાની માફી માગી લઉં. લાવ ગાડામાંથી ઉતરી જાઉં અને પહોંચી જાઉં વરણગામ. લલી તો બિચારી તૂટી ગઈ હશે એની ગેરહાજરીથી. ગોપાલ લલી માટેની લાગણી કદી સમજી શક્યો  ન હતો. એને માટે લલી મેરબાઈનું એક રૂપ હતું, શાંત, સમજદાર અને સાંત્વન આપતી. અને મોહનીયો !  એને પાકી ખબર હશે કે ગોપાલ કોની સાથે અને ક્યાં હતો. બિચારાનું અતિજ્ઞાન કોઈને કામ લાગ્યું ન હતું. પણ એક બાબત તો ચોક્કસ હતી કે પૂજારી  રામજીકાકાનો ઉત્તરાધિકારી મોહનીયો જ હોઈ શકે.     

વળી વિચાર આવ્યો કે જો બાજુમાં સૂતા ગુણીલાલને  હાથતાળી આપીને કૂદી જાય તો પણ વરણગામ પહોંચવાનો રસ્તો જડે એમ હતું નહિ. હવે પાછા નથી જવું, બહુરૂપી થવું છે અને એક દિવસ હું જરૂર વરણગામ જઈને મારી કલાથી લોકોને આશ્ચર્યચકિત કરી દઈશ.

ગોપાલ એની તંદ્રામાંથી જાગ્યો. સામેની દિશામાંથી એક શેરડી લદાયેલું  મસ-મોટું ગાડું આવી રહ્યું હતું. કાદવિયો  રસ્તો સાંકડો હતો એટલે એને જવાની જગ્યા આપવા એમનું ગાડું બાજુમાં શાંતિથી ઉભું રહી ગયું. ગુણીલાલ જાગ્યો અને બેઠો થઈને પેલા મોટા ગાડામાં બેઠેલા માણસોને  ઓળખવા મથી રહ્યો.

‘અહો, હે બગ, આપલ્યા ગુનિયા! ‘ ગુજરાત ખેડીને  આવતા ગુણીલાલને  એ લોકોએ ઓળખી કાઢ્યો. બધાના મોં પર આનંદ! 

‘કશા  આહે  રે  તું ?’ 

‘બરા બરા’. ગુનીલાલાએ એ લોકોને હાથ જોડીને અભિવાદન કર્યું અને મોટું ગાડું સાવચેતીથી પસાર થઇ ગયું એટલે ગાડી હાંકનારને  તાકીદ કરી, ‘ આતા ચલા’

હવે બારામતી અડધો એક કલાક  દૂર રહ્યું. ત્યાં જઈને ગુણીલાલ અને ગોપાલ ગાડામાંથી ઉતર્યા. અહીં ગોપાલને  સઘન તાલીમ મળશે, એ પણ બહુરૂપી બની જશે. બનતાં કેટલો સમય લાગશે  એ ગોપાલને  ખબર ન હતી પણ એક દિવસ એ જરૂર બહુરૂપી બનશે – ખાતરી હતી એને.

બન્નેએ રસ્તામાં દાળ ભાત પેટમાં પધરાવ્યા હતા એટલે બહુ ભૂખ્યા ન હતા. પણ ગોપાલ માટે હવે જીવન સંઘર્ષ પૂર્ણ થવાનું હતું. તાલીમ મુશ્કેલ હશે. બહુરૂપી બનવાની લગની હતી પણ તાલીમની શિસ્ત એને ભારી પડવાની હતી. 

એથીયે વધુ ભારે પડવાનું હતું ગુણીલાલની કામેચ્છાને તાબે થવાનું. સમ-લૈંગિક સંબંધો બહુરૂપીઓમાં સામાન્ય હતા. બહુરૂપી થવાનું સ્વપ્ન સિદ્ધ કરવા ગોપાલ એ પણ કરવા તૈયાર હતો – તૈયાર રહેવું જ પડે. સર્વ તાલીમાર્થીઓ આ વિચિત્ર અનુભવમાંથી પસાર થતા  હતા. 

બારામતીમાં તાલીમ લઈને ગોપાલને  પૂર્ણ રૂપે બહુરૂપી બનતાં હજુ ત્રણ વર્ષ લાગવાનાં હતાં. 

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

પ્રકરણ ૧૨ :મુંબઈની જીવનશૈલી   

ભીખુને મુંબઈ આવ્યાને એકાદ અઠવાડિયું થઇ ગયું અને હવે એ મુંબઈની જીવનશૈલીને લગભગ અનુરૂપ થઇ ગયો હતો. લીલી અચાનક જતી રહી પણ પરિસરમાં બીજા દોસ્તો બની ગયા હતા. અમરત મોટાભાઈ તરીકે ખપ પૂરતી કાળજી લેતો એટલું જ. 

ઉપરછલ્લી રીતે અતડા લાગતા દયાળજી ભીખુનું ધ્યાન રાખતા અને ખાસ કરીને એનું ઈંગ્લીશ સુધારવા પ્રયત્નશીલ રહેતા જેથી થોડા સમયમાં જયારે કોલેજ શરુ થાય ત્યારે પ્રોફેસસરોના ઈંગ્લીશમાં  લેક્ચર સમજવામાં ભીખુને બહુ તકલીફ  ન પડે. દયાળજીને વાંચનનો શોખ એટલે જાતજાતના ઈંગ્લીશ મેગેઝીનો ઘેર નિયમિત આવતાં રહે. ભીખુને આ મેગેઝીનો વાંચવાની કોશિશ કરતો જોઈને દયાળજીને સંતોષ થયો  કે એ આખરે એમનો અંશ હતો.

ઈંગ્લીશ હવે સુધરવા માંડ્યું એટલે ભીખુએ રણજીતના રૂમમાં, જે હવે એનો રૂમ હતો, ચોપડાં ઉથલાવવાનાં શરુ કરી દીધાં. કેમિસ્ટ્રીનાં એક થોથાંમાં એને વધુ રસ પડી ગયો.

‘એમાં  દાખવેલ રંગબેરંગી દ્રાવણોના પ્રયોગો જોઈને એને મઝા પડી ગઈ.  પાંચ છ દિવસમાં કોલેજ  ઉઘડવાની હતી પણ ભીખુને હવે કોલેજ જવાની તાલાવેલી લાગી. એક વાર બસમાં ઘેર આવતાં વિલસન કોલેજનાં બસ સ્ટોપ પર હિમ્મત કરીને એ ઉતરી ગયો. જોઉં તો ખરો કોલેજ અંદરથી કેવી છે ? મનમાં આદર ઉભરાઈ આવે એવી કોલેજનો  મોટો  ગેટ બંધ હતો  પણ અંદરનાં ભવ્ય કોરિડોર દેખાતાં હતાં. રાજકીય નેતા મોરારજી દેસાઈ જેવા દિગ્ગજ આ જ કોલેજમાં ભણી ગયા હતા એ વિચારે એને  ઝણઝણાટી થઇ આવી. ફૂટપાથ પર ઉભો હતો ત્યાં રોડ પર મોટરસાઇકલોનો એક મોટો કાફલો અને પાછળ  પોલીસ વાન હોર્ન વગાડતાં  વગાડતાં  પસાર થવા લાગ્યાં. સૌથી છેલ્લે એક બંધ મોટરકારમાં બેઠા હતા હિન્દુસ્તાનનાં વાઇસ રોય લોર્ડ વિલિંગ્ડન.

અરબી સમુદ્રના પાણી જેને પખાળી રહયા હતા એવા ચોપાટી બીચ પર એને આંટો મારવાનું મન થઇ ગયું. બીચ પર ભાતભાતના ખેલ ચાલી રહ્યા હતા. ડુગડુગી વગાડતો મદારી એના આજ્ઞાંકિત વાંદરાને નચાવતો હતો. અચાનક એક ઘોડાગાડી ભીખુને લગભગ છરકીને પસાર થઇ ગઈ. જુવાન છોકરા છોકરીઓ  એક બીજાનો હાથ પકડીને ખુશખુશાલ ટહેલતાં હતાં – એક એવું દ્રશ્ય જે સરભોણ જેવા રૂઢિચૂસ્ત ગામમાં કોઈ દા’ડો જોવા નહિ મળે. બીચ પર જયાં ને ત્યાં ભેળપૂરીના  સ્ટોલ્સ પથરાયેલા હતા અને રસ્તાનાં વળાંક પર એક ઊંચા બિલ્ડીંગની ઉપર હમામ સાબુની જાહેરાતવાળું વિશાળ બોર્ડઆવતા-જતા સર્વેનું ધ્યાન ખેંચવા મથતું હતું. 

ભીખુ પ્રભાવિત થઈને પશ્ચિમ દિશામાં આથમતા સૂર્યને અને આકાશમાં ઘડી ઘડી બદલાતા રંગો જોઈ રહ્યો

જમના માં ઘણી વાર કહેતાં, ‘ આવડો મોટો સમુદ્ર માઝા નથી મૂકતો. ફક્ત એના મોજાં કિનારા પર વણથંભ્યા અથડાઈ  અથડાઈને ફરી સમુદ્રમાં સમાઈ જાય. સમુદ્રમાં જેમ અમૂલ્ય રત્નો ભરેલાં છે પણ માઝા નથી મૂકતો તેમ આપણા મનમાં પણ અખૂટ ખજાનો છે પરંતુ આપણી ઔકાતમાં રહેવાનું અને માઝા નહિ મૂકવાની. 

ભીખુનાં મનમાં કયો ખજાનો હતો ? એણે કઈ લક્ષ્મણ  રેખા ઓળંગવાની ન હતી? ચાર વર્ષે ગ્રેજ્યુએટ થઇને ક્યાં હશે પોતે? શું એ સરભોણ પાછો ફરીને ખેતર ખેડવા લાગશે કે પછી આ ચળકતા  મહાનગરમાં રહીને  સાવ નવીન  જીવન જીવશે? શું એની વહાલી જમના માં સાથે રહેવાનું થશે? 

આવા વિચારોમાં એ તણાતો ગયો અને ભૂલી ગયો કે પેટમાં  કકડીને ભૂખ લાગી હતી.દોડીને બસ પકડીને એ પાછો દયાળ મેનશન તરફ ઉપડ્યો.

દયાળ મેનશન પહોંચતાં ખાસ્સું  મોડું થઇ ગયું હતું. જોયું તો મકાનની બહાર એક ભીડ જમા થઇ ગઈ હતી. શું થયું? આટલા બધા માણસો કેમ ભેગા થયા છે? તર્ક વિતર્ક કરતો  એ નજીક પહોંચ્યો.ભેગા થયેલા લોકો કોઈક વાર  મેનશન તરફ હાથ કરીને એક બીજા સાથે દબાયેલા અવાજે  વાત કરતા હતા. 

લોકોથી બચતો ભીખુ અંદર ગયો. એક ડોક્ટર ઘરના જુના અને વિશ્વાસુ નોકર કાશીરામને  સ્ટેથોસ્કોપથી તપાસતા દેખાયા. 

ગંગા મૌસીનો વર કાશીરામ કઈં કેટલા વર્ષોથી દયાળ મેનશનમાં ફરજ બજાવતો હતો. વર્ષો પહેલાં દક્ષિણ મહારાષ્ટ્રના રત્નાગીરીથી કામ અંગે મુંબઈ આવીને અહીં સ્થિર થયો. કપડાં, વાસણ, સફાઈ કામોમાં પ્રામાણિકતા અને ખંતથી એણે દયાળ કુટુંબના સર્વે સભ્યોનું દિલ જીતી લીધું. એની સગીર વયની બાયકો ગંગા પણ અહીં આવીને એની સાથે કામમાં લાગી ગઈ અને  ધીરે ધીરે  વિસ્તરતા કુટુંબનો એક અભિન્ન અંગ થઇ ગઈ. કાળક્રમે ગંગા મૌસી વગર ઘર ચાલે જ નહિ એ પરિસ્થિતિ નિર્માણ થઇ ગઈ. ઘરની રજેરજ માહિતી, જરૂરિયાતો  વિષે એને હંમેશા ખબર હોય. મુંબઈના લગભગ દરેક ગુજરાતી કુટુંબમાં એક કાશીરામ અને એક ગંગા મૌસી મળી આવે ખરી.

કાશીરામના નિશ્ચેત શરીર પર ઝુકેલી ગંગા મૌસી કોઈ ન સમજાય એવી ભાષામાં ધીમે અવાજે મરશિયા ગાતી હતી જ્યારે એની બારેક વર્ષની હેબતાઈ ગયેલી દીકરી માંનો સાડલો મોં પર દાબીને બેસી રહી. આપણું માણસ જાય એનું દુઃખ તો અનુભવે તેને જ ખયાલ આવે – પછી તે ગરીબ હોય કે તવંગર. 

ડોક્ટરે આખરે હાથ ઊંચા કરીને આકાશ તરફ ઈશારો કર્યો કે ખેલ ખતમ. બાજુમાં રાખેલ દીવો થોડીક વાર વધુ પ્રજ્વલિત થઈને બૂઝાઈ ગયો. કોઈકે આવીને કાશીરામના માથા આગળ  અગરબત્તી ગોઠવી. ગંગા મૌસીએ ઠૂઠવો મોક્યો , ‘ અરે દેવા, હે કાય ઝાલા. આતા મી કાય કરણાર ?’ બાપડી દીકરી પણ મોટે અવાજે રડવા લાગી.

સવિતામાસીએ મૌસીના  માથા પર હેતથી હાથ  મૂક્યો તો મૌસીને બધા બંધન છૂટી ગયા અને પોકે પોકે રડવા લાગી. આ દ્રશ્ય ભીખુ માટે પણ અસહ્ય હતું. એણે કોઈ દિવસ  નજર સામે કોઈને મરણ પામતા જોયો ન હતો, બાપ મોરારજી ગુજરી ગયા ત્યારે તો એ બહુ નાનો એટલે એને કઈ યાદ ન હતું. શબની પાસેથી થોડું માથું નમાવીને એ પસાર થતો નીકળી ગયો અને પોતાના રૂમમાં જતો રહ્યો.

ટેબલ પર એક મોટું કવર પડ્યું હતું એ એની નજરે  ચડ્યું. ઉપર સુરેખ અક્ષરે નામ લખ્યું હતું , ‘Bhikhubhai M Naik ‘ 

ધડકતે હૃદયે ભીખુએ કવર ફોડ્યું. વિલસન કોલેજમાં એનું એડમિશન થઈ  ગયું એનું કન્ફર્મેશન હતું. અમરતે ખરેખર એક ભગીરથ કાર્ય પતાવ્યું હતું. હજુ થોડા કલાકો પહેલાં એ વિલસન કોલેજ જોઈ આવ્યો હતો અને હવે એનું સપનું સિદ્ધ થવાનું હતું. માં જો આ જાણે  તો એ અનહદ ખુશ થતે. ભીખુ હવે તારે ચીવટાઈથી ભણીને ગ્રજ્યુએટ થઈને દુનિયાને બતાવી આપવાનું છે, સમજ્યો?   ભીખુએ આંખો બંધ કરી ત્યાં એણે જોઈ જમના માંને, એના માથા પર પ્રેમથી હાથ મૂકીને  આશીર્વાદ આપતી અને માંની પાછળ બાપુ મોરારજીની  ધૂંધળી છબી ઉભેલી જોઈ.   એ ગદગદ થઇ ગયો. 

સ્વસ્થ થઇને હાથ-મોં ધોઈને ભીખુ રૂમની બહાર નીકળ્યો. કાશીરામના  સગા સંબંધીઓ મૃત શરીરને ઊંચકીને રામ રામ જપતાં જપતાં  સ્મશાને લઇ જવાની તૈયારી કરવા લાગ્યાં હતા.  

ભીખુને થયું કે એણે પણ સ્મશાને જવું જોઈએ પણ સવિતા મામીએ એને હાથનો ઈશારો કરીને કહી દીધું કે સ્મશાને એ લોકોના સગા સંબંધીઓ જ જાય. 

મોડી સાંજે બધાં દુઃખી ચહેરે જમવા બેઠા પણ ખાવાની ઈચ્છા કોઈને ન હતી. બધા માટે કાશી રામ કુટુંબનો એક સભ્ય હતો. મામીએ બિચારી ગંગા મૌસીના મોંમાં થોડા કોળિયા પરાણે નાખી  દીધાં.  

મોડી રાતે અંતિમ  સંસ્કાર  વિધિ પતાવીને અસ્થિની પોટલી સાથે બધા પાછા ફર્યા. સગાંઓ ખૂબ મોડી રાત સુધી મેનશનની બાજુની નાની ખોલીમાં બેઠા રહ્યા.  સ્ત્રી-ગણના ડૂસકાંઓ સંભળાયા કીધા એટલે ભીખુ પણ આખી રાત પાસાં ઘસતો રહ્યો.  

શું હું પણ આજ રીતે દયાળ કુટુંબનો સભ્ય બનીને  આખું જીવન અહીં વીતાવીશ ? જમના માંને જબરી હોંશ- ભીખુને એના દયાળમામા જેવા સોલિસિટર બનતો જોવાની અને આવી સુખ સાહ્યબીમાં રહેવાની.  

જો કે ભીખુના મનમાં તો કેમિસ્ટ્રીના રંગબેરંગી ઘટકો રમ્યા કરે,  અને હા ઈંગ્લીશ સાહિત્ય વાંચવાનો નાદ પણ લાગ્યો હતો તે?  શું આ બંને નાદ એના જીવનના અભિન્ન અંગ બન્યા રહેશે?  

xxxxxxxxxxxxxxxxxxxxxxxxx
પ્રકરણ ૧૩ : જીવણલાલ અને તવાયફ

બહુરૂપીના દિલધડક દુઃસાહસ  પછી ચાર વર્ષમાં વરણગામના હાલ ઘણા બદલાઈ ગયા હતા. કીકુભાઇની હકુમતનો અસ્ત થઇ ચૂક્યો, એનું ઘર ભૂતિયા જેવું, ડચકા ખાતું થઇ ગયું. ક્યાં ગઈ એ નોકરોની ફોજ? ક્યાં ગઈ એ જાહોજલાલી? બહુરૂપીના પ્રસંગ પછી એમની દશા દયાજનક  થઇ ગઈ. દિવસ આખો એ વરંડામાં તૂટ્યા ફૂટ્યા બાંકડા પર બેસી રહે અને આંગળીઓથી ટચાકડા ફોડ્યા કરે. 

આ બાજુ સવિતાકાકીના પણ બૂરા હાલ. શરીર બિલકુલ ખખડી ગયેલું, ખાટલા પર પગ લંબાવીને વાતે વાતે દુ:ખણાં રડયા કરે. 

‘પાણી પાણી’ પોકારતા કાકીએ હાથ લંબાવ્યો પણ તૂટેલા પાયાવાળા સ્ટૂલ ગોઠવેલો ઘડો ધડામ દઈને નીચે પડ્યો. બહાર બેસી રહેલા અડધા બહેરા કીકુભાઈએ સાંભળ્યું  ન સાંભળ્યું. પણ બાજુના ઘરમાં કામ કરી રહેલી લલીએ સાંભળ્યું અને એ દોડી.   કીકુભાઈએ લલીને દોડતી પસાર થતી જોઈ પણ કોઈ પ્રતિભાવ નહિ. એ કરે પણ શું? 

‘કાકી, કાકી, શું થયું ?’ લલી દોડીને પહોંચી. કાકી ખાટલા પર ચત્તા પાટ સૂઈને છત પરની તૂટુ તૂટુ કલાકારીગરી જોતી જોતી પડી હતી. નજીકની  દીવાલના ગોખલામાં શ્રી કૃષ્ણ ભગવાનની  મનોહર મૂર્તિ વાંસળી વગાડતી,  મરક મરક હસતી હસતી જાણે કહી રહી હતી ‘ લે હવે ભોગવ પાપની સજા! જિંદગી આખી લલી અને બીજા લોકોની પંચાતમાંથી ઊંચી નહિ આવી , સર્વનું બેહદ  બૂરું કરી ચૂકી  અને હવે ? ‘

‘હે ભગવાન , કાકીને હાથ આપવાને બદલે તું તો હસતો હસતો મશ્કરી જેવી કરતો છે, હં’ 

કરુણાની મૂર્તિ સમી લલીએ એક તિરસ્કારભરી નજરથી  શ્રીકૃષ્ણની  મૂર્તિ સામે જોયું અને તરત જ ઢોળાયેલું પાણી સાફ કરવા બેસી ગઈ.

‘ચાલ હટ,’ ઢોળાયેલું પાણી પીવા દોડી આવેલા કુકુરિયાને દૂર હઠાવ્યું. 

કણસતી કાકીને એક પ્યાલાથી પાણી પીવડાવી રહેલી લલી તરફ, ઉપકારવશ ભાવે નિહાળી રહેલી કાકી કહે, ‘ લલી તું માણસના રૂપમાં એક દેવી છે દેવી. તને ધિક્કારવામાં અને નીચી બતાવવામાં મેં કોઈ કહર રાખી નહિ પણ જુઓ આજે તું જ મારો હાથ પકડવા આવી ગઈ. ભગવાન  મને પાઠ ભણાવે છે હવે’ 

કાકીએ પોતાના કપાળ પર જોરથી ટપલી મારી. 

‘કાકી, હવે બો થિયું, ચાલો હવે આડા પડો તો ચૂપચાપ!’ લલીએ કાકીને શાંત કરી.

‘તે લલી, આજે હાંજના ભજનવારા પોગ્રામમાં તારા વલ્લ્ભકાકા વાજુ વગાડવાના કે?’ 

‘હું તમને ઉઠાડા હાંજે. વલ્લભ જીજા હો ઘરડા થતા ચાયલા, આંગરાંની કરામત પહેલે જેવી ની હવે તો.’ લલીએ હોઠથી ડચકારો બોલાવ્યો.

‘ચાલ ઓહે, હું તો  એ દા’ડો જોવા બેઠલી છે જ્યારે કોઈ ફક્કડ મૂરતિયો આવીને તારા હાથ પીરા કરીને લેઇ જહે …. ને તું હો… જતી રેહે’ 

સવિતાકાકીના આશીર્વાદ પણ અને અસહાયતા પણ.

‘તમને બધ્ધાને મને અહીંથી કાઢવાની બો ઉતાવળ હેં,  કેમ? લલીએ મીઠો છણકો કર્યો પણ  ગાલે શરમના શેરડા. 

‘મને તો તું અદ્દલ મેરબાઈ જેવી લાગે. તે…. તું આજે ગાવાની કે ?’ 

‘ના રે,  હું બધાની વચ્ચે ગાઉં તે મારા કાકુજીને ની ગમે’ લલી નજર બચાવતી  આડું જોઈ ગઈ. 

‘બો હારું ત્યારે, મોટાંની વાત કાયમ માનવાની,  હૂં?’ ને  પછી આંખ ઝીણી કરીને કહેવા લાગી, ‘ તે પેલે દા’ડે  તારી ઈચ્છાફુઈ મુંબઈના એક પોયરાની વાત  કરતા ઉતા. બો ભણેલો છે એ,  ને તમારી જોડી બો ફક્કડ રેહે, હેં કે!’

‘મને કાંય ખબર ની મલે, કાકી.  ને હાચુ કેઉં તો મને રસ હો ની મલે’, લલીએ અસ્વસ્થતાથી શરમાળપણામાં કૂંજાને ધીરે ધીરે ખોતર્યાં કીધો.

જો કે આ વાતચીતથી  લલીનું મન ચકડોળે ચડ્યું,’ બધાને છોડી ને છે…ક   મુંબઈ જઈને રહેવું કેવું લાગે? એક બેનપણી મુંબઈ જઈને રહી આવેલી એ કાયમ કહે, ‘ હારુ, મુંબઈ એક લાગણી વગરનું મહાનગર છે, લલી.’ 

સવિતાકાકી  જેવાં હો વખત જતાં લાગણીશીલ થઇ જાય તો મુંબઈનાં લોક હો થઈ જાય ને?  ને વળી બધાં થોડાં લાગણી વગરના હોય?’

પણ હું શું કામ આ બધો વિચારે હમણાં કરી રહી છું? ફુઈ, ને કાકુજી મારે હારુ જે કરે તે બરાબર કરશે.

વિચારોની હારમાળા અટકી નહિ. જો ખરેખર એવું થાય તો? મારો વર કેવો હશે? ભણેલો હશે? તે હોય જ ને? કાકુજીએ મને આટલું બધું ફાઇનલ સુધી ભણાવી,  તે ગમે તેવા અભણ સાથે થોડું પરણાવી દે? એ વાડીગામનો હશે કે? મુંબઈ તો હારુ બો દૂર. કાકુજી, ને બધાથી એટલું બધું દૂર થોડું રહેવાય?’

પેલી પુષ્પા જો ની? બિચારીનો બાપ વાંકડો આપી નહિ શક્યો એટલે એ દુઃખીની દુઃખી. વાંકડાની માંગ કરે તે બધાં લાગણી વગરના ને અણસમજુ કહેવાય. પુષ્પા એ પછી છેક ભાંગી પડેલી. મારું જો એવું થિયું તો? કાકુજી વાંકડો  આપવા તિયાર થાય તો હો હું એવા છોકરાને તો ની જ પરણું.

લલી ઘેર પહોંચી. નાનકડો છગન એક ડબ્બાને ખોળામાં લઈને એને આવડે એવાં તબલાં વગાડવામાં મસ્ત હતો. ખૂહખૂશાલ ચહેરો અને તબલાંના ધિન ધિન  તાલમાં એના ઉછળતા વાંકડિયા વાળ! એ વગાડવામાં એવો તો મગ્ન કે વહાલ ઉભરાઈ આવે. 

હા પણ, આ છોકરો જો એના બાપની જેમ  અવળે રસ્તે ચઢી ગયો તો? – લલીને ભય સતાવી રહ્યો.

‘છગન દીકરા, તેં લેસન કરી લાયખું ? ‘ 

‘ની રે મોટીબેન, મને તો લેસન ફેશન જરા હો ની ગમે. નિશાળ હો ની, માસ્તરો હો ની – એવા નકામા છે એ લોકો! મને ભણવાનું જ ની ગમે, ની ગમે , ની ગમે’. તબલાંની તિહાઇની માફક ત્રણ વખત ઉચ્ચારાયેલ અણગમો દર્શાવતાં  છગનનું  મોઢું  લાલચોળ.

‘તે મોટો થેઈને જજે ઢોર ચરાવવા, ખેતરમાં પસીનો પાડવા હેં, પેલા ધોડિયાની પખણ ‘ 

‘હું તો મોટો થેઈને બાપુની જેમ તબલાં વગાડવાનો’ 

આવો ઉદ્ધત, હાજરજવાબ લલીને ખૂંચ્યો. એ હેરાન. હવે છગનને તબલાં-પેટીથી દૂર રાખવો એ અશક્ય થતું જતું હતું.

‘ચાલ ની, મોહનીયાને પૂછી જોઉં  કે આ પોયરો મોટો થેઈને સુધરશે કે કેમ? એના ભાગ્યમાં હૂં લખાવી લાવેલો છે એ?’ 

મોહનીયો એ લલીની સંકટ સમયની સાંકળ જેવો. 

આ બાજુ ચાર વર્ષ પહેલાં બની ગયેલા  પેલા બહુરૂપી – ગોપાલવાળા પ્રસંગ પછી પૂજારી રામજીકાકા મોહનિયા  બાબત સાવધ થઇ ગયા હતા. મોહનીયો આડો અવળો લોકોને મળે, ને વાત કરે એ એમને ગમતું  ન હતું. જો કે મોહનીયો ભણવામાં બહુ હોશિયાર, બધું જ પપરાટ આવડે, ભગવદ ગીતાના ગોખેલા શ્લોક મેરબાઈની દેહરી આગળ આસન જમાવીને એવા ગાઈ જાય કે બધાં મોઢામાં આંગળાં નાખી જાય.

સાંજે આરતી પછી બધાં ભજન ગાઈને છૂટાં પડી જાય એ પછી મોહનીયો થોડી વાર મૂર્તિની સામે આંખ વીંચીને બેઠો રહે – બરોબર ત્યારે છગન સાથે જઈને મળવામાં વાંધો નહિ.

કાકુજીએ લલીને એકલા એકલા મેરબાઈની દેહરી પર જવાની ઘસીને ના પાડેલી પણ જરા કળથી કામ લેવાય એમ લલીને લાગ્યું.

             ———————–

લલીના સૌથી નાના કાકા, જીવણલાલ, હવે બેંકમાં બરાબર ગોઠવાઈ ગયા હતા. સાથે કામ કરતા દોસ્તારો સાથે રોજ સાંજે ગણદેવીની બદનામ વસ્તીમાં અડ્ડા પર જવું અને મહેફિલ જમાવવી એમને  કોઠે પડી ગયું હતું. રોજે રોજ મોડા આવવું અને વિચિત્ર રીતે વર્તવું એ જોયા પછી પણ ઘરના કોઈને જીવણલાલ  મોડી સાંજે ખરેખર શું કરતા એના પર શક આવ્યો ન હતો. રોજ દારૂની મહેફિલ, તવાયફના નાચગાનમાં ડોલવું વિગેરે કુટેવનો શિકાર બનેલા જીવણલાલનું ભેજું અતિ ફળદ્રુપ હતું. આંકડાઓની માયાજાળમાં બેન્કના સાધારણ કલાર્કોની વચ્ચે  ઉપર તરી આવતો. એ દિવસ બહુ દૂર ન હતો જયારે જીવણલાલ બેન્ક મેનેજર બની બેસે. એના સોહામણા ચહેરાને  લઈને  ઘણાં નવાં ખાતા ખોલાઇ ગયાં – એમાંય ખાસ કરીને મહિલાઓનાં. આંકડાઓના મહારથી જીવણલાલ હવે બૂરી સોબતમાં ફસાયા હતા.

ગણદેવીની અંધારી ગલીઓમાં મહેફિલ થાય એમાં દારૂ છૂટથી વહે, અને તાવાયફોના ચેન ચાળાથી ઘરાકો ડોલે. ઈચ્છાફુઈનો વર રતિલાલ આવી જ કુટેવોથી કોઈ અજ્ઞાત બીમારીથી પીડાઈને કમોતે મર્યો હતો. 

‘રતિલાલ તો મૂરખ હતો, સાલાએ  તાવાયફો સાથે વ્યભિચાર કર્યો, દારૂનો અતિરેક કર્યો – પછી એવું જ થાયને.? હું તો બધી બાબતનું ધ્યાન રાખું છું, ચોખ્ખો ચણાક, બસ થોડો વખત મજા લઇ લો ની ! ‘  એવો વિચાર કરીને જીવણલાલ મન મનાવતો. 

આવું લાંબો સમય ચાલ્યું એટલે ભાઈઓ – વસનજી અને ભગુભાઈને  થોડો શક તો હતો કે કઈ રંધાઈ રહ્યું છે.

એક દિવસ મોડી સાંજે, દોસ્તોથી ઘેરાયેલ જીવણલાલ કોઠા પર ઝૂમતો હતો. નાચનારી નવી ફિલ્મ દેવદાસનાં જાણીતા ગીત, ‘ જિસે તૂ કબૂલ કર લે…’ પર લોભામણી અદાથી નાચી રહી હતી.અતિશય દારૂ ઢીંચ્યા પછી જીવનલાલને  ઉબકા આવવા માંડ્યા. 

‘લાવ જરા નીચે જઈને ખુલ્લી હવામાં આંટો મારી આવું’ કરીને એ નીચે ઉતર્યો.

નીચે ઉતારીને જુવે છે તો સામે ભગુભાઈ! કોઈ કારણ સર ભગુભાઈ ત્યાંથી પસાર થતા હતા એ જીવનલાલને જોઈ ગયા. જીવણલાલના હોશકોશ ઉડી ગયા. 

ભગુભાઈ બધું પામી ગયા.

‘તો આ છે એ ગંદી ગોબરી જગ્યા જ્યા તું મોડી સાંજ સુધી બેન્કનું કામ કરે છે કેમ?’ 

નશામાં ચૂર, ડરી ગયેલો જીવણલાલ એમે ય  સ્થિર ઉભો રહી શકે એમ ન હતો. એના મોંમાંથી સમજાય એવું બોલી શકવાને અસમર્થ. 

રાતાપીળા થઇ ગયેલા ભગુએ જીવનલાલને બોચીથી પકડ્યો, ગાળાગાળી કરતા બે ચાર લગાવી દીધી, ‘ભોયમેલા, તારું નખ્ખોદ જાય, ચાલ હમણે જ તને મોટાભાઈ પાહેં  લેઇ જાઉં. એ તારી  બરાબર ખબર લેહે, જોજે ની’  

મોડી રાતે બેઉ ઘેર પહોંચ્યા અને જીવનલાલને કાકુજી આગળ ખડો કરી દીધો.

‘આ છે આપણો વહાલો નાલ્લો ભાય, બેંકમાં બો મહેનત કરે હેં ‘

વસનજી પરિસ્થિતિ પામી ગયા પણ સંયમ રાખી બોલ્યા, ‘ ભાય તને આવું શોભે કે? આપણા રતિલાલ કેવી દશામાં ભોહરાઈ ગીયો તે તું નથી જાણતો. તારે એ ગંદી સડક પર આગળ જવું છે? ચાલ, તું અમને બધાને વચન આપ કે હવે આ બધું બંધ કરી દેહે. ની તો હું જ તારા સાહેબની જઈને બધો ફોડ પાડી દેવા નેં પછી તારી નોકરી ગેઇ હમજ. એવું કરવું છે તારે? ‘ વસનજીની આંખમાં આક્રોશ હતો અને જીવણલાલની આંખોમાં લાચારી અને પશ્ચાતાપ. 

ગભરાયેલો અને ગલવાયેલો જીવણલાલ જેમ તેમ મોટાભાઈને  પગે પડ્યો. 

ઈચ્છા કહે, ‘ એને પરણાવી દેવામાં ડહાપણ છે. ધૂંસરીએ જોતરાહે  એટલે હિધો   થઈ  જહે. ની તો લાલા પરાગ કુટુંબની આબરૂના કાંકરા..હૂં?’

ઇચ્છાએ રતિલાલના પરાક્રમને લઈને આખી જિંદગી સહન કર્યા કીધું, એ થોડી એના  ભાઈને ખુવાર થતો જોતી રહે? 

‘તો એમ કર ની, તું જ જીવણલાલ  હારુ પોરી હોધી લાવ’ મોટાભાઈએ ઈચ્છાને  કામ સોંપ્યું.

ઈચ્છા હાલ પૂરતી લલી માટે પેલા મુંબઈવાળા છોકરાની તપાસમાં રોકાયેલી હતી. લલી માટે એ છોકરો બધી રીતે સારો હતો પણ એવું સાંભળવામાં આવ્યું હતું કે છોકરો હજુ ભણવા માગે એટલે આ વર્ષે તો નહિ.’

હવે આ કામ આવી પડ્યું. ઉતાવળમાં કરવાનું હતું એટલે છોકરીનો દેખાવ, ભણતર અને કુટુંબ જેવી બાબતોને  જતી કરીને પણ જીવનલાલનું ગોઠવી દેવામાં માલ હતો. વાંકડો ફાંકડો નહિ મળે તો પણ ચાલશે એમ માનીને  ઇચ્છાએ શોધવા માંડ્યું. 

રતિલાલના કાકાની એક છોકરી નજરમાં હતી. દેખાવે ઠીક, બેઠી દડીનું શરીર, પ્રાથમિક શિક્ષણ પામેલી એવી રૂખી પર કળશ ઢોળાયો. આમ તો બધી રીતે આ એક કજોડું હતું પણ ઉતાવળ હતી. જીવણલાલના ખતરનાક ચાળાને સદંતર બંધ કરીને લાલા પરાગ કુટુંબની આબરૂ સાચવવાની વાત હતી. રતિલાલના કાકાને  શો વાંધો હોય?  એને તો ઘેર બેઠા ગંગા. આટલો બધું ભણેલો છોકરો, બેન્કની નોકરી અને લાલા પરાગ જેવું કુટુંબ કોઈ ભાગ્યશાળી જ પામે.

રાતોરાત બધું નક્કી થઇ ગયું. ગામ લોકોએ જાણ્યું તે  નવાઈ પામી ગયા કે આટલી બધી ઉતાવળ? 

ઘડિયાં લગ્ન લેવાયાં અને રૂખીએ નવી વહુ તરીકે પગલાં પાડ્યાં. ભગુકાકાવાળી શાંતાને  થોડી મદદ કરે એટલું જ પણ એથી વધારે કઈ કરવું એ બીજા. ઘરનું કામ તો સમજ્યા પણ વધુ રસ એને ગપ્પાં મારવાં અને પાનાં રમવામાં. જે હોય તે,  જીવણલાલનું નસીબ – એણે જ કંડાર્યું હતું નેં?

વસનજીની સલાહ મુજબ જીવણલાલ અને રૂખી માટે વાડીવાળી બંગલીમાં ઘરસંસાર માંડવાનું નક્કી થયું. રૂખીને  એજ જોઈતું હતું. હવે એને કોઈ રોકટોક નહિ. રસોઈ કરવાનું એક કામવાળી બાઈને  સોંપ્યું અને મોટાભાગે આજુબાજુના લોકો સાથે અને કામવાળા સાથે પાનાંની રમી રમવા લાગી. જીવણલાલને  પણ હાશકારો થયો કે હવે એ કેમ મોડો આવ્યો એવું પૂછવાવાળું કોઈ હતું નહિ. રૂખી રૂપાળી ન હતી પણ જીવણલાલની કામેચ્છાથી એનો  પોતાનો  વંશવેલો પણ ભગુકાકાની જેમ જોશથી આગળ વધવા માંડ્યો.

xxxxxxxxxxxxxxxxxxx

પ્રકરણ ૧૪ ભીખુ ભદ્ર સમાજની વચ્ચે

 સરભોણમાં જમીન બીજાને ખેડવા આપીને જમના ઘરને વ્યવસ્થિત કરવામાં વળગી. એકની એક ભેંસ દૂધ આપતી હતી તે ઘર વપરાશ માટે ચાલી રહેતું અને વધતું દૂધ આજુબાજુમાં વેચીનેં વધારાની આવક ઉભી થઇ ગઈ. દૂધમાંથી નવી નવી મીઠાઈ બનાવવામાં રસ પડી ગયો. લોકોએ પણ મીઠાઈઓ લહેરથી ખાવા માંડી. અલબત્ત નમૂના તરીકે  થોડી મીઠાઈ ભીખુ અને દયાળભાઈનેં મોકલવાનું ચૂકતી નહિ. મીઠાઈ બનાવવાનો રસનો વિષય ધીરે ધીરે વધુ આવક ઉભો કરતો ધંધો બની ગયો. એણે બીજી બે ભેંસ અને એક દૂઝણી ગાય ખરીદી, પેલી કાશીને મદદ માટે બોલાવી લીધી એમ  જમનાનો ધંધો વિકસવા લાગ્યો, દિન રાત. 

ઠાકોરજીની જે.

દીકરો ભીખુ સરભોણમાં રહીને એની નજર સામે સરસ રીતે ઉછરતે તો કેવું સારું? ના પણ, એ મુંબઈ રહીને મોટો સોલિસિટર થાય એમાં એનું હિત હતું.  કોણ જાણે કેમ પણ દીકરા માટેનું આ સપનું જમનાના મનમાંથી ખસવાનું નામ  લેતું ન હતું. પણ જમનાનેં લગીરે ખયાલ ન હતો કે ભીખુનું મન તો કેમિસ્ટ્રીનેં રસ્તે ચડી ગયું હતું. એના સદભાગ્યે કોલેજના પ્રોફેસરોનેં પણ આ ગમ્યું અને એને પાનો ચડાવવા લાગ્યા. સાચી દિશા બતાવનાર વડીલોમાં એક કેમિસ્ટ્રીના નિષ્ણાત, ડોક્ટર ભીમભાઇ દેસાઈ હતા જે ભીખુની અંદર  એક હોનહાર, બાહોશ કેમિસ્ટ તરીકે જોતા. બને વચ્ચે એક અજબનો સંબંધ બંધાઈ ગયો. 

એના માર્ગદર્શક ગાઈડ ડોક્ટર ભીમભાઇ એક આગેવાન અનાવિલ કુટુંબના હતા એટલું જ એ જાણતો નહોતો કે એમનુ વતન ખરસાડ હતું, ન તો એ ભીમભાઇના કુટુંબ વિષે કઈ વધારે  જાણતો હતો, કે પછી એ વિલેપાર્લે પરામાં એક વિશાળ બંગલામાં રહેતા હતા. કેમિસ્ટ્રીના રંગબેરંગી વિશ્વમાં વ્યસ્ત ભીખુએ  પોતાની કોમ કે જાત વિષે વિચાર કર્યો ન હતો. આને ઘેલછા કહેવી કે કેમ? 

‘અરે ભીખુ, આટલું ફાઈન કેમિસ્ટ્રીમાં તારું મગજ છે તે  તારે બી એસ સી થી અટકવાનું નથી સમજ્યો? ઓછામાં ઓછું એમ એસ સી તો કરજે જ અને બને તો પી એચ ડી. પણ’ ડોક્ટર સાહેબે ભીખુનેં શિખામણ આપી.

‘હાય હાય, એમ એસ સી  સુધી ભણવાની  રજા મોટામામા આપે ? કેટલું ખર્ચાળ ભણવાનું? નેં પી એચ ડી ! ના રે બાપા ના ‘ 

ડોક્ટર ભીમભાઇ એમ કઈ છોડે? ‘અરે એમાં શું? એમ એસ સી માટે તો હું તને સ્કોલરશીપ અપાવી દઈશ. એટલે ખબરદાર, બી એસ સી થઈને બેસી નથી રહેવાનું તારે, હેં કે ?’ એક ઉષ્માભરી  નજર નાખીને એ બોલ્યા.

ભીખુને  બી. એસ. સી. પરીક્ષામાં  ઝળહળતી સફળતા મળી. ભીખુ કરતાં ડોક્ટર દેસાઈ વધુ ખુશ. એણે પોતાને  ઘેર ભીખુ માટે એક પાર્ટી રાખી.

ભીખુ કહે કે મોટામામાની રજા લેવી પડશે. 

‘એમાં શું ગભરાય છે ? મારું ઘર અહીંથી અડધા કલાકે આવેલું છે. ચાલને હું જ દયાળજીને વાત કરીશ.તું આવજે હેં! ફિકર ન કરતો,  આપણે મારી ગાડીમાં સાથે  જઈશું. 

ભીખુને ખચકાટ થયો. દેસાઈ સરની  સાથે એમની ગાડીમાં બેસવાનું !  દયાળમામા તો કોઈ દિવસ એમની સાથે ગાડીમાં લઇ ગયા ન હતા. અહીં તો એમનો ગાઈડ એને ગાડીમાં સાથે લઇ જશે ! કેવું લાગે? 

પરવાનગી મળી. 

પ્રસંગને અનુરરૂપ સરસ મઝાનું ખમીશ અને પેન્ટ પહેરીને ભીખુ તૈયાર.

વાળમાં સુગંધિત તેલ નાખીને પટિયાં પાડીને  સરખું હોળ્યું. અમરતે એને એક કોટ પહેરવા આપ્યો. ભીખુ સંપૂર્ણ રીતે સજ્જ!

અમરતે આંખ મિચકારીને મજાક કરી, ‘ ફક્કડ દેખાય છે તું. જોજે ભીખુ, ત્યાં પાર્ટીમાં કોઈ દેખાવડી  છોકરી હોય તો ધ્યાન રાખજે !’

છોકરી-બોકરીનો ખયાલ ભીખુને ક્યાંથી આવે/ હા શરુ શરુમાં લીલી તરફ કાઇંક ન સમજાય એવું આકર્ષણ જરૂર થયું હતું. ક્યાં હશે લીલી ? કેવી લાગતી હશે હવે/,ચાર વર્ષમાં એ મોટી થઇ ગઈ હશે. આવા કાઇંક વિચાર ભીખુના મનમાં દોડી ગયા, જયારે એ વિલસન કોલેજ જવા બસમાં બેઠો. ત્યાંથી એ દેસાઈ સાહેબની ગાડીમાં એમને ઘેર પાર્ટીમાં જવાનો હતો.

ડ્રાઇવર ગાડી સિફતથી હાંકતો હતો, ભીખુ,  દેસાઈ સાહેબ સાથે પાછળની સીટ પર કઈંક ક્ષોભથી બેઠો.  મૂળ શહેરની બહાર પરાં તરફ  ભીખુ પહેલી વાર નીકળ્યો. બેઉ બાજુએ મકાનોની હારમાળા પસાર થતી હતી. શહેરમાંથી નીકળીને ગાડી થોડા ખાબડ ખૂબડ રસ્તા પર દોડવા લાવી અને આજુબાજુના દ્રશ્યો પણ બદલાતાં  જતાં હતાં. માછીમાર કોલોની વિગેરે પસાર થવા લાગ્યા. સરભોણની યાદ અપાવે એવાં નાનાં ગામ પસાર થવા લાગ્યા. માહીમથી બહાર નીકળ્યા, દેસાઈ સાહેબે પરાંઓને શહેર સાથે જોડતો નવો બનેલો કોઝવે બતાવ્યો. વાંદરા દેખાતું થયું એટલે ચોપાટી જેવા મોટા મકાનો અને ઉપર જાહેરાતનાં મોટાં પોસ્ટરો ધ્યાન ખેંચવા મંડ્યા. 

અચાનક બહારથી ચીતરી ચઢે એવી ગંદી વાસ આવવા માંડી. 

‘જો આપણે ઘેટાંબકરાનાં કતલખાના પાસેથી પસાર થઇ રહ્યા છે – જરા વાર નાક બંધ કરીને બેસ.’ ભીખુએ દેસાઈ સાહેબે સૂચવ્યા મુજબ કર્યું. 

થોડી વારમાં સાંતાક્રુઝ આવી ગયું. એમનું ઘર એરપોર્ટના રનવેને છેડે હતું. એક ફલાઇટ લેન્ડ કરીને ધસમસતી નજીક આવતી દેખાઈ. આ વિમાન જો કોઈ કારણસર અટક્યું નહિ તો સીધું આમના  ઘર સાથે ભટકાઈ ન જાય? 

એક માળનું ઘર આવી ગયું.ગાડી પોર્ચમાં ઉભી રહી ગઈ. ભીખુએ પોતાના  ખમીશ અને કોટ સરખાં  કર્યા, અને દરવાજો ખોલીને આસ્તેથી ઉતર્યો.  એને એવું લાગ્યું કે કોઈની  આંખો પહેલે માળની બારીમાંથી નીચે જોઈ રહી હતી.

દેસાઈ સાહેબને ત્યાં કેટલા બધા નોકર ચાકર હશે! બીજું કોણ રહેતું હશે? 

‘આવ આવ ભીખુ આ તરફ ‘ કરીને ડોક્ટર દેસાઈ એને ઉપલા માળ પર લઇ જવા લાગ્યા. દાદરની બેઉ બાજુ સુંદર મઝાના પશુ પક્ષીઓનાં ચિત્રો ટાંગેલા હતાં. વિસ્મય પામતો ભીખુએ  જેવો પહેલે માળે પગ મૂક્યો ત્યાં લગભગ છળી મર્યો. જોયું તો એક મોટો વાઘ  મોઢું ફાડીને એના તરફ પર જાણે  હમણાં કૂદકો મારશે.

‘ગભરા નહિ, આ તો મરેલા  વાઘનું મસાલો ભરેલું  હાડપિંજર છે. એકદમ આબેહૂબ!’ કોઈ હસ્યું. 

પાછું  વળીને સ્તબ્ધ થયેલા ભીખુએ જોયું તો લીલી ઉભી – ટ્રેમાં શરબતનું ગ્લાસ લઈને !

‘અરે લીલી તું?’

ડોક્ટર દેસાઈ કહેવા લાગ્યા, ‘ લીલી, મેં નહોતું કહ્યું તને પેલા તેજસ્વી કેમિસ્ટ વિષે? હલ્લો કહે ભીખુને’

ભીખુ એવો આશ્ચર્ય ચકિત થઇ ગયો કે શરબત હાથમાં લેતાં લેતાં લીલીને ટીકી ટીકીને જોયા કરી ‘ 

એ ચાર વર્ષ પૂર્વેની પહેલાની ચુલબુલી અને રમતિયાળ લીલી ન હતી. કઈંક ઠરેલ, ગોરું બદન, ટૂંકા કપાવી  નાખેલા વાળનો નાનકડો અંબોડો માથાંના જરા જેટલા હલનચલનથી  કોઈ પણ ક્ષણે વિખેરાઈ જાય એવો. અધૂરામાં પૂરું હવે એ ચશ્મા પહેરતી હતી જે એના ચહેરાને એક અનેરી પ્રતિભા બક્ષતી  હતી.

જોતાં જોતાં સ્મિત કરતી લીલીના દાંતમાંથી એક સોના-આવરિત દાંતમાંથી એક તેજસ્વી કિરણ છલકાઈને ભીખુ તરફ સોંસરવું ધસ્યું. 

‘ચા પીશે ને? ‘ લીલીનું સ્મિત! ભીખુ પાણી પાણી.

ડોક્ટર દેસાઈ એમના પોસ્ટમાં આવેલા  તાજા તાજા પત્રો વાંચવામાં મશગૂલ.

‘તારે ચા પીવી છે કે નહિ? બોલતો ખરો?’ લીલીએ હવે ભાર મૂકીને ભીખુને ઉત્તર આપવા મજબૂર કર્યો.

‘ના ના, હમણાં નહિ. ડોક્ટર સાહેબ ફ્રી પડશે ત્યારે એમની સાથે’ ભીખુ થોડો ત ત પ પ.

‘એમ?’ લીલી થોડું કંટાળીને મોટા મસ લિવિંગ રૂમને અડીને આવેલા રસોડામાં ભરાઈ ગઈ.

ભીખુએ આમ તેમ નજર ફેરવી. સામેની દીવાલ પર એક તૈલચિત્રમાં ડોક્ટ દેસાઈ સાથે એક જાજરમાન મહિલા હતી. 

‘એમની પત્ની હોવી જોઈએ, પણ અહીં દેખાતી કેમ નથી?’ 

‘ભીખુ, તું તારે આરામથી બેસ, હજુ થોડા મહેમાનોને બોલાવ્યા છે એ આવતા જ હશે’

‘હા હા કાંઈ નહિ, સાહેબ. મારી ચિંતા ન કશો’ ભીખુએ બને એટલી  કૃત્રિમ બેફિકરાઈથી કહ્યું.. 

‘લે આ જો મારી દિવંગત પત્ની શારદા’ ડોક્ટર દેસાઈ ભીખુને એમનું  પત્ની સહ તૈલચિત્ર બતાવવા લાગ્યા.’ઓહ, આઈ એમ સોરી’ ભીખુએ અર્થ વગરના સવાલ કરીને વિષય ચોળવાનું માંડી વાળ્યું. મોટામામા સાથે રહીને એના સ્વભાવમાં કાઇંક ગંભીરતા આવી ગઈ હતી.

‘એને ગુજરી ગયે દસ વર્ષ થઇ ગયાં’ ડોક્ટરે પોતેજ ચોખવટ કરી. ‘ અરે લીલી દીકરા, ચા થઇ ગઈ હોય તો લઇ આવજેને જરા’

રસોડામાંથી થોડો ખખડાટ. બિલકુલ ઈંગ્લીશ સ્ટાઇલથી ચા બની રહી હતી. એક કીટલીમાં ઉકળતું પાણી, એમાં ચાની પત્તી, બીજી એક નાની કીટલીમાં ગરમ દૂધ અને એક સરસ મઝાના સીરામીક બાટલીમાં સાકર, સોનેરી કિનારવાળા કપ રકાબી, અને સાથે કલાત્મક ગળણી – ટ્રેમાં બધું સજાવીને લીલી દીવાનખાનામાં આવી. કેમ બધા નોકર ચાકર ક્યાં ગયા, લીલીએ જાતે આવવું પડ્યું?

ભીખુને થાય ગભરાટ! મોટામામાને ત્યાં પણ હજુ  આ સિસ્ટમ ન હતી. ત્યાં દેશી ચાનું ચલણ હતું. હવે ચા કેવી રીતે બનાવવી? એ ટ્રે તરફ નજર નાખતો  પૂતળાંની જેમ બેસી રહ્યો. ડોક્ટર  પહેલ કરશે ને? 

હસતાં હસતાં ડોક્ટરે પોતાની ચા બનાવી એનું  ભીખુએ બરાબર અવલોકન કર્યું.

આટલી બધી વાર લાગે તે ચા ઠંડી નહિ થઇ જાય? જો કે આવું પૂછાય નહિ.

આવા કંટાળાજનક પ્રોસેસ્સમાંથી એ પસાર થયો ત્યારે એને લાગ્યું કે લીલી કદાચ દૂરથી એની માનસિક મથામણ  નિહાળી રહી હતી. પણ લીલી એક ઈંગ્લીશ મેગેઝીનનાં પાનાં ફેરવવામાં મગ્ન. 

ચૂપચાપ  ભીખુએ પોતાની ચા બનાવી લીધી અને ડોક્ટરની સ્ટાઇલમાં ચૂસ્કીનો અવાજ કર્યા વગર હોઠે માંડી. મોં ઉપર  પર સફળતાનો આનંદ. ડોક્ટર પોતાના હોનહાર શિષ્યને જોઈ રહ્યા.

‘ભીખુ રિલેક્સ, હળવો થઈને બેસ. હવે તું ભદ્ર લોકના લેવલે  પહોંચી ગયો છે. આપણા અનાવિલોમાં  કોઈ મેટ્રિક પાસ કરે તો જાણે મોટી ધાડ મારી, ને તું છેક  બી એસ સી થઇ ગયો, ભાઈ વાહ. તારાં માં બાપ ખુશીથી ફુલાઈ ગયા હશે નહિ?’

ભીખુ થોડો ઝન્ખવાણો  પડ્યો, ‘ડોક્ટર સાહેબ, મારા પિતા હું બહુ નાનો હતો ત્યારે ગુજરી ગયા, સરભોણ ગામમાં ખાલી માં છે’ પિતા ગુમાવ્યાનું દુઃખ હજી મુખ પર તરવરતું  હતું. મનોમન નક્કી કર્યું કે એ માંને એની શૈક્ષણિક પરાક્રમ વિષે કાગળ લખશે.

‘ઓ મારા દીકરા, બહુ ખોટું થયું’ સહાનુભૂતિના બે શબ્દો સારા લાગ્યા  ભીખુને.

‘તું એમને જીજા કહે ને , જેમ હું કહું છું, કેમ ને?’ લીલી અચાનક વાતમાં ટપકી પડી.

 ‘જીજા જ કહે તું મને; ગમશે મને.  આ શું ડોક્ટર, ડોક્ટર માંડ્યું છે. બધું બનાવટી નથી લાગતું?’ કહીને જીજાએ  મોટો ઠહાકો માર્યો, એમનું હાસ્ય મોટા દીવાનખાનામાં ખૂણે ખૂણે ફરી વળ્યું. ‘

‘થેન્ક યુ ડોક….જીજા’ ભીખુ માટે બધું બહુ જલ્દી જલ્દી બદલાઈ રહ્યું હતું.

લીલી પણ ચાર વર્ષમાં ઘણી બદલાઈ ગઈ હતી, વધુ આત્મવિશ્વાસવાળી , કાઇંક ઊંડી અને ઓછી ઝગડાળુ.

મહેમાનોનું આગમન શરુ થઇ ગયું.

સૌથી પહેલાં આવ્યા અંબેલાલ, ભીખુથી થોડા મોટા પણ વધુ આત્મવિશ્વાસી અને ઠરેલ. નાની ઉંમરમાં માથા પર ટાલ પાડવા માંડી હતી.

‘ભીખુ, આ છે અંબેલાલ. એક મોટી સીરામીકની ફેક્ટરીમાં ચીફ કેમિસ્ટ તરીકે કામ કરી રહયા છે. કેમિસ્ટ છે એટલે તને તો મઝા આવશે વાત કરવાની.’  ભીખુએ અંબેલાલ સાથે હાથ મિલાવ્યા. 

‘હું મુંબઈમાં સિક્કા નગરમાં રહું છે, આવજેને કોઈ વાર, તારી ભાભી આંગળા ચાટી જઈએ એવું સંચાનું  આઈસક્રીમ બનાવે છે’ ડોકી વાંકી કરીને અંબેલાલ જોરમાં હસ્યા.

પહેલી નજરે ભીખુને અંબેલાલ આત્મીય જન લાગવા માંડ્યા.

એ પછી આવ્યા રસ્કિલાલ, ગાંધીજીનાં ચશમા   જેવા પણ ગોલ્ડ-રીમ્ડ ચશમા પહેરે, જુવાન વય અને આત્મવિશ્વાસથી  છલકાતો ખડતલ દેહ, 

‘મને પણ આટલો આત્મવિશ્વાસ  હોય તો કેવું સારું?’ ભીખુએ હીનતાનો ભાવ મોં પર પ્રકટ થવા દીધો  નહિ.

‘ કેમ છે રસિકલાલ ,’ જીજાએ એની પીઠ પર એક જોરદાર ધબ્બો માર્યો. .

જવાબમાં રસિકલાલ મર્મમાં હસ્યો.  

‘લે મળ ભીખુને, બી એસ સી માં કોલેજમાં ફર્સ્ટ કલાસ ફર્સ્ટ, શું કહે તું? ભીખુની ગાડી આગળ ચાલવાની,…. એમ એસ સી અને પછી…. મારા ગાઈડન્સ નીચે પી એચ ડી!’

‘ને ભીખુ, આ છે રસિક –  અરે સોરી રસિકલાલ, મિલમાલિક મફતલાલનો ભાવી જમાઈ !’ 

આવા ભદ્ર સમાજમાં પોતે કેવી રીતે સમાશે? ભીખુ વળી હચમચી ગયો.

જમના માં કહેતી તે યાદ આવ્યું, ‘ કોઈને જાડા જોઈને ગભરાવું નહિ અને કોઈને પાતળા જોઈને મારવું નહિ’

 માંની સલાહ બહુ અસરકારક હતી.  બીજી જ ક્ષણે એ સ્વસ્થ થઇ ગયો અને પહોંચી ગયો રસોડામાં .

ભીખુની હિમ્મત જોઈને લીલી નવાઈ પામી ગઈ.

‘ મને થયું કે મહેમાનો આવવા માંડ્યા છે તો એ લોકો માટે પીવાનું પાણી લઇ જાઉં’ 

‘હા હા ,થેન્ક્સ, પણ  મને ખયાલ છે એનો. પણ  પાણી હું લાવું છું. તારે એ બધામાં પડવાની જરૂર નથી. તું જઈને મહેમાનો સાથે બેસ અને વાતચીત કર’ લીલી મીઠું હસી.

લીલીને  સામે જઈને વાત કરવાનું સાહસ કર્યું  તે એને અંદરખાનેથી ગમ્યું પણ  શા માટે મને પાણી લઇ જતાં વાર્યો? 

સાંજના સાત સુધીમાં દીવાનખાનું મહેમાનોથી ઉભરાઈ ગયું. બધા ભદ્ર કહી શકાય એવા તો ન હતા પણ સર્વે પ્રભાવશાળી જરૂર હતાં.

જીજાએ બધાને ભીખુની ઓળખાણ પોતાના એક હોનહાર વિદ્યાર્થી તરીકે કરાવી.  મહેમાનોમાં ઠંડા પીણા અને લાઈટ બિઅર ફેરવતી લીલી થોડી થોડી વારે ભીખુ તરફ એક નજર મારી લેતી. ભીખુને એ બહુ વિચિત્ર લાગ્યું. લીલી શું કહેવા માગતી હતી એને? હશે.

જેમ સાંજ ઘેરી થવા આવી તેમ કેટલાક મહેમાનોને જરા ચઢી ગઈ એટલે બકવાસ ચાલુ. એમાંય રસિકલલને તો ઉબકા આવવા માંડ્યા એટલે જીજાએ એને માટે બેડરૂમમાં આરામ કરવાની સગવડ કરી આપી. સદા યુવાન એવા અંબેલાલ એમના જોક્સથી વાતાવરણ હળવું રાખવામાં લાગેલ હતા. ભીખુ આ બધો ખેલ જોતો રહ્યો પણ એમાં સ્ટાર્ચડ કુર્તા પાયજામામાં  સજ્જ એક રાજકારણી જેવી  લાગતી વ્યક્તિ ક્યારે સામેલ થઇ ગઈ એનો ખયાલ  ન રહ્યો. એ પુરુષ  બધી વાતો, ખાસ કરીને ભીખુ અંગેની વિગત, દયાળજીનું એડ્રેસ વિગેરે  એની ડાયરીમાં ટપકાવતો રહ્યો.

લગ્નના ચોકઠાં બેસવાનો ખેલ શરુ થઇ ચૂક્યો. ભોળોભાલો ભીખુ આ ખેલ ક્યાંથી સમજે? અનાવિલોમાં આટલું બધું ભણેલો અને તૈયાર મૂરતિયો હાથમાંથી જવા દેવાય? પરણાવવા લાયક કન્યાઓના માં-બાપો પડાપડી કરવામાં ઉણા ઉતારે તો હાથ ઘસતા બેસી રહેવું પડે. ખેલની  આંટીઘૂંટીઓ  ભલભલાને પછાડી દેતી.  

નમ્ર અને સૌમ્ય લાગતો નવો મહેમાન એ સામાજિક કાર્યકર, વરણગામને સામે કિનારે આવેલા તલિયારા  ગામનો રહેવાસી,  સતીશ દેસાઈ હતો – વરણગામના હેડ માસ્ટર વસનજીનો એ પટ્ટ શિષ્ય. ભીખુ જેવા મૂરતિયાને  લગ્નના બજારમાં કેવી રીતે  આપટી પાડવો એ કળામાં  સતીષભાઈનો  જોટો ન જડે.

મોડેથી જીજાનો ડ્રાઇવર ભીખુને ઘેર મૂકી ગયો. દયાળ મેંશનમાં ચૂપકીદીથી દાખલ થયો ત્યારે રાતના અગિયાર થવા આવ્યા હતાં.

પથારીમાં ભીખુ આજની પાર્ટીનો વિચાર કરતો પડી રહ્યો – ભદ્ર સમાજના વિચારો, રહેણીકરણી, ચાલ ચલગત અને રોજબરોજની ચીલાચાલુ જિંદગીમાંથી કેમ આનંદ ખોળી કાઢવો બધું એને માટે નવું હતું. વિચારો ફંટાયા લીલી તરફ. 

કેટલી બદલાઈ  ગઈ હતી એ! મેટ્રિકની પરીક્ષા આપીને હવે એ કોલેજમાં દાખલો લેવા તૈયાર હતી. સાયન્સ લઈને શું એ પણ વિલસન કોલેજમાં જોડાશે! તો તો એને રોજ મળવાનું થશે જો ભીખુ એમએસસી કરે તો. પણ આ મળવા-મૂકવાનું નૈતિક રીતે યોગ્ય હતું. લીલીના  પિતા જીજાએ ભીખુના  ગાઈડ બનવાનું સુદ્ધા કહી દીધું હતું.

આગળ ભણવા માટે પાછી મોટામામાની પરવાનગી લેવી અને બે વર્ષ કમાયા વિના બેસી રહેવું યોગ્ય કહેવાય? કેમિસ્ટ્રીના  વિચાર માત્રથી એ ઉત્તેજના અનુભવતો – લેબમાં જાતજાતના પ્રયોગો કરવા, નવા નવા સંયોજનો બનાવવા, એને લગતાં  કેમિસ્ટ્રીનાં પુસ્તકો ધ્યાનથી વાંચવાં – કેટલું  મઝાનું? આ માટે તો એને આગળ ભણવું જ પડે. જમના માંએ આવકનું સાધન બુદ્ધિપૂર્વક ઉભું કરી દીધું હતું એટલે નોકરી કરવાની એવી કોઈ તાતી જરૂર ન હતી. ભીખુ આગળ ભણવા તરફ લલચાતો જતો હતો. એમેય એમ એસ સી કરીને એને કોઈ પણ સારી  કંપનીમાં વધુ ઊંચો પગાર મળે એમ હતું. જેમ વધુ વિચારતો ગયો તેમ મૂંઝવણ વધતી ગઈ.

અરે હા, લાવ માંને કાગળ લખી નાખું.

‘મારી વહાલી માં,

આ કાગળ મળ્યે તારી તબિયત સારી હશે એમ પ્રાર્થના કરું છું. તેં દૂધ અને મીઠાઈનો ધંધો શરુ કર્યો એ જાણી હું બહુ ખુશ થયો પણ માં, બહુ ઉત્પાત્ત નહિ કરતી, તબિયત સાચવજે.

એક સરસ સમાચાર આપું. તારો દીકરો બી  એસ સી થઇ ગયો!  કોલેજમાં પણ પહેલો આવ્યો છું. બધું તારાં આશીર્વાદથી. હવે આગળ શું કરવું તે બાબત હું મોટામામાની સલાહ લઈશ. કાશીબા હારાં છે ને? ફરી કહું – તારી તબિયતની કાળજી લેજે.

બાકી બધું બરાબર છે અહીં. ચાલ ત્યારે,

તારો આજ્ઞાંકિત 

ભીખુનાં પ્રણામ

ઇનલેન્ડ પત્રને કાળજી પૂર્વક ઘડી વાળી, ચીટકાવીને સીલ કર્યો અને સામે ટેબલ પર મૂક્યો જેથી બીજે દીવસે પોસ્ટ કરવાનું ભૂલી ન જવાય.

પથારીમાં પડતાં એને બાજુના મકાનમાંથી  કોઈ સ્ત્રીનો રડવાનો અવાજ આવ્યો. થોડી વારમાં વધુ સ્ત્રીઓનો રડવાનો સ્પષ્ટ અવાજ,  કોઈ મોટી ગરબડ હોય  એમ ધીરે ધીરે લાગ્યું. વાહનો આવવાનો અવાજ પણ સંભળાવા લાગ્યો.

લાવ બહાર જઈને જોઉં તો ખરો કે શી બાબત છે. ભીખુ બહાર વરંડામાં આવી ગયો. જોયું તો અમરત પણ તપાસ કરવા ત્યાં આવી ગયો હતો. બંને જલ્દીથી બહાર નીકળી ચોગાન ઓળંગીને બાજુના મકાન તરફ દોડ્યા. આ એજ નાનું ચોગાન હતું જ્યાં ભીખુએ લીલીને પહેલી વાર જોઈ હતી.

મકાનમાં હવે લાઈટો થઇ ગઈ હતી અને માણસોનો ગણગણાટ વધી ગયો. અંદર માલેતુજાર રતન શેઠ લાંબા થઈને સૂતા દેખાયા. એક ડોક્ટર એમને તપાસી રહ્યો હતો. થોડી ક્ષણોમાં ડોક્ટરે સ્ટેથોસ્કોપ કાન પરથી દૂર કર્યું અને ધીમા અવાજે બોલ્યા, ‘ સોરી, રતન શેઠના પ્રાણ નીકળી ગયાં છે’ કહીને શેઠના મોટા દીકરાની પીઠ સહાનુભૂતિથી થપથપાવી.

‘હે ભગવાન કાલે રાતે તો જમ્યા અને પછી સૂવા  ગયાં ત્યાં સુધી તો બધું બરાબર હતું. આમ અચાનક  શું થઇ ગયું?’ કરીને રોક્કળ ચાલુ થઇ ગઈ.

આ દરમ્યાન દયાળ મેન્શાનના બધા સબ્યો એક પછી એક હાજર થઇ ગયા. મૃતદેહને સફેદ ચાદરમાં લપેટીને જમીન પર ઠાઠડી પર મૂક્યો. બધા મહત્વના સગા સંબંધીઓ અને મિત્રો આવી ગયા બાદ સ્મશાને લઇ જવાની તજવીજ ભીખુ જોઈ રહ્યો.

લીલી અહીં હતી ત્યારે આ જ મકાનમાં રહેતી હતી. શેઠ કુટુંબ સાથે એનો કે એના પિતાનો શો સમ્બન્ધ હોઇ શકે?  એટલું તો ચોક્કસ કે સંબંધ ઘેરો હતો એટલે ડોક્ટર દેસાઈ સાથે લીલી ખરખરો કરવા ચોક્કસ આવશે. લીલી આવશે કે નહિ એ મનમાં ઉઠતી દ્વિધા પોતાને નહિ ગમી. જમના માંએ છોકરીઓની બાબતમાં પડવાની ચોખ્ખી ના નહોતી પાડી એને?  હા, એ કાલે ખરખરાને દિવસે આખો દિવસ વાંચવાને બહાને કોલેજમાં ભરાઈ રહે તો? એ કાંઈ શેઠ કુટુંબને એટલો કાંઈ જાણતો ન હતો કે એને સામેલ થવું પડે.

ધીરેથી ભીખુ ત્યાંથી   ખસકી ગયો અને દયાળ મેનશનમાં પોતાના રૂમમાં જઈને શાસ્ત્રોમાં સૂચવ્યા મુજબ ઝટ નાહી લીધું.

               *******************

શાળામાં ભણતો  ત્યારે સતીશ દેસાઈ હેડમાસ્તર વસનજીનો અતિ પ્રિય વિદ્યાર્થી. ભણવામાં એક્કો અને તેવર પહેલેથી એવા કે જાણે રાજકીય નેતા બનવાનો હોય. પરંતુ વસનજીએ સમાજના સૌથી નીચલા વર્ગ માટે લડવાના સંસ્કાર સીંચ્યાં. બી, એ. ડિગ્રી લઈને એ એના પ્રેરક માસ્તરની  જેમ સીધો  શિક્ષક બની ગયો. એની વિધવા માંએ  પરણાવવાની હઠ લીધી એટલે કોઈ જાતના વિરોધ વિના સતીશભાઈ તો પરણી ગયા. એની પત્ની રતિલાલની દૂરની સગી થતી હતી. વરણગામમાં આમ જુઓ તો બધું અંદર અંદર જ હતું. માં બાપને બહુ દૂર નજર નાખવાની જરૂર જ નહિ.

ડીસ્ટ્રીકટમાં એ એક નિસ્વાર્થ સામાજિક કાર્યકર્તા અને પછી નેતા તરીકે ખ્યાતિ પામ્યો અને અલગ અલગ ક્ષેત્રના આગેવાનો સાથે ઘરોબો કેળવાયો. નીચલા વર્ગના લોકોના કલ્યાણ  હેતુ એક યોજના લઈને એ ભીમભાઇ પાસે ગયેલા ત્યારથી મૈત્રી સેતુ બંધાઈ ગયેલો. 

મુંબઈમાં ડોક્ટર દેસાઈને ઘેર પાર્ટીમાં સતીશ ભીખુથી ખાસ્સો પ્રભાવિત થઇ ગયો. એના મગજમાં ઠસી ગયું કે  વસનજીની સુંદર, ભણેલી દીકરી લલી માટે એ પરફેક્ટ છોકરો હતો. તલિયારા હજુ પહોંચ્યા ત્યાં વસનજી માસ્તરને મળવા વરણગામ પહોંચી ગયો. 

‘માસ્તર, આપણી લલી હારુ આ ભીખુ જેવો પોયરો પછી મળશે નહિ. સમય બો નથી અને એ છોકરો ગુમાવવા જેવો નથી.’ સતીશે વાત મૂકી, ‘ ઓફર મૂકી દઈએ તો?’ 

દીકરીને પરણાવવા મૂરતિયાના કુટુંબના મોભીને ‘ઓફર’ મૂકવી એ શબ્દ ચલણમાં હતો.

સદા ચિંતિત ચહેરો ધરાવતા વસનજી માસ્તર કહે, ‘ જો ભાઈ, એ પોયરો લલી હારું બધી રીતે હારો ઓહે પણ આપણે તો કોઈને ઓરખીયે ની, કોને ઓફર મૂકીએ?’ માસ્તર જરા અટક્યા, ‘ હારું….. પોરીને છેક મુંબઈ હુધી મૂકવાનો મારો તો જીવ ની ચાલે’ 

‘તમે ઓ હૂં કાકુજી, આજકાલ તો બધા જુવાનિયા મુંબઈ દોડે.’

‘ખરું છે, સતીશ ભાય જેવા કોઈક જ મૂર્ખ નિકરી પડે તેં અહીં આખું જીવતર કાઢવા પર’ બાજુમાં શાંતિથી બેસી રહેલી સતીશની ધર્મપત્ની, રાધાએ સળી  કરીને ઠાવકી થઈને મોઢું ફેરવીને મોઢું  ફુલાવીને સતીશના ઉત્તરની રાહ જોવા લાગી, ‘તમે જિંદગી આખી સમાજના કામ કયરા કરજો. ને…. પંતુજીની નોકરીએથી રિટાયર થજો’ એવા ભાવ સાથે. 

વસનજી સતીશની વહારે ધાયા, ‘ જો રાધા, સતીશને મૂરખ હું કામ કહેય તું? બિચારાએ જાતે સમાજ સેવા કરવાનો ભેખ લીધો છે’ 

સતીશે રાધાને  ઉત્તર આપવાનું મુનાસીબ નહિ માન્યું.’ તેં માસ્તરજી, હું ડોક્ટર દેસાઈને હારી રીતે ઓરખુ.. આપણે દયાળ સોલિસિટર પાહેં ઓફર લઈને જઈએ તો કેમ?’ 

‘હૂં કહેય તું? ભીખુ એવડા મોટા દયાળજી સોલિસિટરનો હગ્ગો  ભાણેજ થાય?’ વસનજીની આંખ પહોળી થઇ ગઈ.

‘તેમાં હૂં થેઈ ગિયું જે. ટ્રાય કરવામાં નુકસાન થોડું છે?’ સતીશને લાગ્યું કે ગાડી હવે પાટા પર આવતી હતી.

‘માસ્તરજી, તમે કહેવ તો હું દોડી વરુ બધે’ 

આખા કારભારમાં ભીખુની જબરી જમના માં શો ભાગ  ભજવશે તેની કલ્પના બિલકુલ ન હતી. 

દયાળજી સોલિસિટર આમ કઈં ગાંજ્યો જાય એવો ન હતો. અમરત પાસે એને ઘણી આશા હતી તેં કાંઈ ફળીભૂત થઇ  ન હતી. આગળ ભણવાની એને કોઈ ઈચ્છા નહિ. જયારે પોતાની સગી બેન જમનાના  દીકરા  ભીખુએ  જો કેવું સરસ ભણીને નામ કાઢ્યું અને હજુ એને આગળ ભણવાની ધગશ હતી . અમરત બહુ બહુ તો હવે  નિયમિત ઓફિસ આવતો થશે, બીજા વકીલની જમાત સાથે કોર્ટમાં જતો થશે અને આસ્તે આસ્તે કામમાં ગોઠવાઈ જશે પણ ધગશને નામે મીંડું. અમરત જરા ઢીલો પડે.

દયાળજી સોલિસિટરે ભીખુ એમ એસ સી કરે એમાં બહુ ઉત્સાહ નહી બતાવ્યો એટલે ભીમભાઇ દેસાઈ આગળ આવ્યા. એક કેમિસ્ટ તરીકે એણે   ભીખુને બરાબર ચકાસ્યો હતો, કેમિકલ કમાઉન્ડ કેવી રીતે બને છે અને નવા નવા કમ્પાઉન્ડ બનાવવામાં ભીખુનું મગજ જે રીતે દોડે  એ જોઈને ડોક્ટર દેસાઈ જેવા મહારથી પણ પ્રભાવિત.  

રતન શેઠ ઉદ્યોગપતિનું  બેસણું થાય એ તક દયાળજીને મળવા માટે ઝડપી લેવી જોઈએ. બેસણામાં એમ કહો કે લગભગ આખા મુંબઈનો  ભદ્ર સમાજ દૂધ જેવા ઈસ્ત્રી ટાઈટ, સફેદ લિબાશમાં ઉમટી પડ્યો. બેસણામાં ખુરશી શોધીને બેસતાં પહેલાં દરેક જણ ઉભો થઇને જોઈ  લે કે સમાજના બીજા ક્યા ક્યા ધૂરંધરો  આવ્યા છે. કોઈ જાણીતું દેખાઈ જાય તો હાથ હલાવવાનું ચૂકે નહિ.

એક શણગારેલા સ્ટેજ પર એક મંડળી ભજનના સુર રેલાવી રહી હતી કે ‘સંસાર  અસાર છે, સત્કાર્યો કરો અને પરમ સુખ પામો, મોક્ષ પામો’ 

ડોક્ટર ભીમભાઇ દેસાઈ લીલી સંગ દાખલ, ઝીણી નજરે જોઈ લીધું કે દયાળજી સોલિસિટર ક્યાં બેઠા છે. લીલીની નજર ભીખુને શોધવામાં. એ દયાળજીની પાછળ થોડી હરોળ છોડીને  બેઠી. એ લોકો દયાળજી આગળથી  પસાર થયા ત્યારે ભીખુએ એમના આવ્યાની નોંધ લીધી. ભીમભાઇ  દયાળજીની બાજુની ખુશી ખાલી થઇ  ત્યાં બેસી ગયા.  જ્યારથી એ  કોલાબા ઓબ્ઝર્વેટરીના નવા ડેપ્યુટી ડાયરેક્ટર  તરીકે નિમાવાના છે એવી ચર્ચાએ જોર પકડ્યું ત્યારથી ભીમભાઇની ઈજ્જત વધી ગઈ હતી.

ભીમભાઈએ જોયું કે સોલિસિટર આંખો મીંચીને  ભજનમાં મસ્ત થઈને બેઠા હતાં. પુરુષોથી થોડે દૂર સ્ત્રીઓ માટે એક જુદો શામિયાણો બનાવ્યો હતો. સર્વ સ્ત્રી મંડળ સફેદ સાડીમાં અને નાની વહુવારુઓ પ્રસંગ ને છાજે એવા રંગના પંજાબી  કુર્તા પાયજામામાં. કોઈ કશું ખાસ બોલતું ન હતું પણ એક હલકો ગણગણાટ સભામાં સંભળાયા કરતો હતો. ભીખુની મામી શાંત રીતે બેઠા હતાં, મોં પર ગંભીર પણ ઉચાટરહિત ભાવ સાથે. ગંગા મૌસી હર પળ ખડે પગે તૈયાર, થોડાં પાણીનાં ગ્લાસ અને નેપકીન સાથે. 

નવા લોકો હજી આવતા હતાં. આવતાંની સાથે સામે રાખેલા રતન શેઠના એક  ગુલાબનો હાર પહેરાવેલ તૈલચિત્ર આગળ થોડી ક્ષણો ઉભા રહે. બાજુમાં રાખેલ ફૂલોના ઢગલામાંથી એક બે પાંખડીઓ લઈને ફોટાને ચડાવે, હાથ જોડીને  માથું નમાવે અને ચાલતા થાય. દ્રશ્ય જોતાં લાગે કે એક મોટો માનવ મહેરામણ ઉમટી પડ્યો છે, ધીમા અવાજે એક બીજાનું અભિવાદન કરી રહયા છે, અને પોતપોતાના ઓળખીતા પાળખીતાને શોધીને કૃતકૃત્ય થવાના ભાવ સાથે સ્થાન ગ્રહણ કરે.

સ્ટેજ પરથી ભજન રેલાવતા સંગીતકારો થાક્યા અને ઉઠી ગયા. મહેમાનો માટે આ એક સંકેત હતો કે હવે એક બીજા સાથે વાતચીત કરી શકાય. કેટલાક  લોકો રતન શેઠના કુટુંબને મળીને વ્યક્તિગત રીતે શોક વ્યક્ત કરવા લાગ્યા. 

આ મોકો હતો ડોક્ટર દેસાઈ માટે. 

‘કેમ છો સર? સમાજે એક વિરલ વ્યક્તિત્વ ગુમાવ્યું  નહિ? બહુ નેક દિલના અને સમાજ માટે આખી જિંદગી અથાગ મહેનત કરી એમણે’ 

વાતચીત શરુ થઇ ગઈ.

‘ખરેખર.’ સોલિસિટરે ટૂંકમાં પતાવ્યું, ‘ આપ કેમ છો?  હજી કોલાબા ઓઝર્વેટરીમાં ડેપ્યુટેશન પર જ છો કે?’

‘હા જી, સર, હજી થોડો સમય ડેપ્યુટેશન પર રહીશ’

‘અને પછી? ‘ સોલિસિટરનો ધારદાર પ્રશ્ન.

‘ઈશ્વરની મરજી હશે તો મને સાયન્ટિસ્ટની પોસ્ટ મળી જશે’ ભીમભાઈએ દેખાવ એવો કર્યો કે જાણે એમને કોઈ ચિંતા ન હતી.

‘શાબાશ, આપણા  અનાવિલ સમાજ માટે એ ઘડી રળિયામણી’ 

ભીમભાઈએ હવે પાસો ફેંયો,’ સર આજકાલ  એક જુવાનિયો અનાવિલોને છાજે એવું કામ કરી રહ્યો છે’ 

‘એમ? કોણ છે એ?’

‘અરે સાહેબ તમારો ભાણેજ ભીખુ ! બી એસ સી માં કોલેજમાં પહેલો  આવીને અનાવિલોનું ગૌરવ વધાર્યું છે, ખાસ કરીને તમારું’

‘વાત તમારી સાચી છે, ખૂબ હોશિયાર છે,  પણ હવે આગળ શું કરશે એનો વિચાર કરું છું ?’

‘કેમ વળી? એના જેવું મગજ ભાગ્યેજ જોવામાં આવે. એના ગાઈડ તરીકે મારું એમ કહેવું છે કે હવે એણે આગળ ને આગળ ભણવું જોઈએ ઠેઠ પી એચ ડી ……’

દેસાઈનું વાક્ય અધુરૂ રહી ગયું. બધાનું ધ્યાન કોઈના નીચે પડવાના અવાજ તરફ ગયું.

જોયું તો સવિતામામીને નોકરચાકરો ઊંચકીને દયાળ મેનશનમાં લઇ જઈ રહયા હતા. 

બધા ઉભા થઈને જોવાનો પ્રયત્ન કરવા લાગ્યા. દયાળજી બધા સાથે મેનશનમાં પહોંચી ગયા.

સવિતામામી ઉબકો આવતા ખુરશી પરથી પડી ગયા એટલે મેનશનનું બધું લોક ઉપરતળે થઇ ગયું. ઘરના શેઠાણી હતા, સવિતાબેન!

આ બધી પળોજણમાં ભીખુ પણ ઉભો થઈને દોડવા ગયો પણ પગ લપસ્યો અને  પડ્યો ચત્તોપાટ, બરાબર લીલી બેઠી હતી ત્યાં. લીલીના ચશ્મા નીચે પડી ગયા. 

‘ઓ માય ગોડ, ‘ લીલી એ ભીખુને હાથ આપીને ઉભો કર્યો – એનો ચહેરો બિલકુલ ભીખુના ચહેરાની અડોઅડ!

ગલવાયેલા  ભીખુને કાંઈ સૂઝ્યું નહિ અને થોડી વાર તો લીલીના પરફ્યુમથી ચીત થઇ ગયો. ભાન આવ્યું અને તેણે  લીલીના ચશ્માં પાછા સોંપ્યા.

ભીખુ ઘરમાં પહોંચ્યો ત્યાં સુધીમાં બધું થાળે પડી ગયું હતું, મામી સ્વસ્થ થઈને આડાં પડ્યાં હતાં અને ગંગા મૌસી એને પંખો નાખી રહી હતી. 

ભીખુને ખબર ન હતી કે ડોક્ટર દેસાઈ સાથે મોટામામાએ શી વાત કરી. દેસાઈ જેવા સાયન્ટિસ્ટની વકીલાત દયાળમામા જેવા સોલિસિટર પર કારગત નીવડશે? લીલી સાથેના આકસ્મિક મેળાપ પછી ભીખુ એના પરફ્યુમની સેરોમાં  મસ્ત હતો – આખી સાંજ એ મસ્તી રહેશે?  

xxxxxxxxxxxxxxxxxxx

પ્રકરણ ૧૫  બાબા રસ્તો સૂઝાડે છે

સમાજના વર્ષો પૂરાણા રિવાજ મુજબ લલી હવે પરણવા લાયક થઇ ગઈ.  એના  પિતા વસનજીને સમજ પડતી ન હતી કે હવે કરવું શું. લલી પછીનાં બે જોડકાં છોકરાંઓ બહુ નાનાં અને લલી વગર કેમ રહે તે પ્રશ્ન સતાવે એમને. એમાંય લલીનું કોઈ દૂરના  ગામ કે શહેરમાં ગોઠવાય તો આફત.

સતીશ દેસાઈ કહેતો હતો એ ગળે ઉતરે એવું હતું. પણ અંદરખાને જીવ બળે કે વહાલી દીકરી હવે સાસરે જવા તૈયાર હતી. લોકોની સમજ એવી કે લગ્ન સંબંધ વાડીગામમાં બાંધવો, બહુ દૂર જવું નહિ, ખાસ કરીને ‘કારા સીમાળ’ ના ગામમાં તો નહિ. વાડીગામની ધરતી તો નક્કર સોનુ, એની ફળદ્રુપતાની તોલે કોઈપણ પ્રદેશ ઝાંખો પડી જાય. સરખાવીએ તો કાળી જમીનવાળા અનાવિલ ગામો પણ ફીકકાં  પડી જાય. 

દયાળજીનો મોભો એક વાત છે પણ કારા સીમાળમાં આવેલું સરભોણ ? લોકો શું કહેશે? ભીખુની વિધવા માં કોણ જાણે કેવીક હશે?  બહુ જબરી હોય તો મારી ફૂલ જેવી લલીને કાચી ને કાચી ખાઈ જાય. ભીખુ મુંબઈમાં ભણ્યો ખરો પણ ન કરે નારાયણ અને એ પેલી જમના સાથે સરભોણમાં વસવાટ કરવાનું ગાંડપણ કરે તો?

‘કાકુજી,’ વિચારમાં ગૂંચવાયેલા વસનજીને કોઈ બોલાવતું હતું.

‘કાકુજી, જરા આટલે આવો તો?’ લલી ધીરુના વાંસા પર કાઇંક બતાવતી હતી.

‘હૂં  છે, લલી?’ વસનજીની વિચારમાળા તૂટી.

”જુઓ જુઓ, આ અછબડાના નિશાન તો નથી?’ લલીના અવાજમાં ધ્રુજારી

વસનજીએ  પોતાનું ધોતિયું સંકોરી પાસે આવી નીચા નમીને ધીરુના વાંસાને ધ્યાનથી તપાસ્યો.’ હે ભગવાન , અછબડા જ લાગે મને. એનું ડીલ હો ગરમ લાગે. ચાલો ગણદેવીવાળા વિલાયતી ડોક્ટર નાથુને બોલાવો, જલ્દી’ 

‘એનાથી કઈ નહિ વળે. મને ખબર મલી કે ગામમાં ઘણાં નાનાં છોકરાઓને આવા અછબડા નીકયરા છે, એક જાતનો ચેપી રોગ જેનો કોઈ ઈલાજ નથી.’ 

‘હાય હાય, તો કરવાનું શું એ તો કહે હવે?’ કાકુજી રડવા જેવા થઇ ગયા.

‘હું હમણેજ ગામના વૈદરાજ પાહેં જેઈ આવું, કોઈ તો દવા આપહે ને? બીજું, શાંતિને આઘી રાખો નહિ તો એને હો ચેપ લાગી જહે….’

‘ચાલ ની આપણે એને ફુઈબાને તાં અઝરાઈ મૂકી આવીએ?’ 

જ્વર થોડીવારમાં આખા ગામમાં ફેલાઈ ગયો. નાનાં નાનાં છોકરાઓને આફત. કોઈએ કહ્યું કે ઓરી માતાને રીઝવવા લીમડાની ડાળી શરીર સાથે બાંધી મૂકો. લલીએ થોડા પાણીનાં પોતાં તૈયાર રાખ્યાં.

‘કાકુજી, મારે કાલે નિહારે જવાનું? ‘ ગભરાઈ ગયેલો ધીરુ બોલી પડ્યો.

‘ના રે દીકરા, પેલ્લાં તું હારો થઈ જા પછી નિહાર. તું છે તે… તારી મોટીબેન પાહેં જૅઈને આરામ કર. જા તો દીકરા’

મોટીબેન પાસે બધ્ધા  ઈલાજ! 

સતીશ દેસાઈ ખબર લાવ્યા કે તલિયારા ગામને બહાર, અંબિકા નદીના ભાઠાંમાં એક ચમત્કારી બાબા આવ્યા છે. મોઢા પર તપસ્વી જેવું તેજ, લાંબી દાઢી ને આખો દિવસ પૂજા અર્ચનામાં મશગૂલ. 

લલી વિચારે, ‘ હું કાલે હવારે મેરબાઈનાં દર્શને જવા  અને ધીરુ જલ્દી હારો  થઇ જાય એ હારું પ્રાર્થના કરી આવા’ 

પાડોશી સવિતા કાકી ખોંખતાં ખોંખતાં  કહે ‘ એક વખત બાબાને મલી જો. લોકો કહેય કે એની પાસે યોગિક શક્તિ છે. મેં તો હામભયરું કે બાબાએ માંદાં પોયરાંને કઈં ભષ્મ આપી તે બધાંની  તબિયત સુધારા પર છે.’

પૂર્ણિમાનો ચંદ્ર આકાશમાં લહેરાતો હતો પણ લલીને ઊંઘ ન આવે. આખી રાત થોડી થોડી વારે ધીરુને તપાસ્યા કીધો. કોણ જાણે કેમ પણ ગામમાં  કઈ અજુગતું  થવાનું છે એવા ભણકારા વાગ્યા કરે. પણ શું થવાનું હતું? પેલા બાબા કોણ હશે? 

મળસ્કે વહેલી વહેલી ઉઠીને એ મેરબાઈની દેહરી જવા નીકળી,

‘કાકુજી, હું બ્રાહ્મ મૂરતમાં મેરબાઈની પૂજા કરવા ચાલી ‘

‘જા દીકરી, મેરબાઈ તારું ભલું કરે’

માથું ઓઢીને થોડાં ફળ સાથે પૂજાની થાળી લઈને લલી નીકળી પડી. ચંદ્રમાના પ્રકાશમાં એના ઓળા કૈંક બિહામણા લાગતા હતા આજે. 

દેહરી પાસે આવી તેવી લલીએ ધ્યાનથી જોયું તો એક નાનકડી આકૃતિ મૂર્તિ સામે બેસીને, કઈંક અસ્પષ્ટ ભાષામાં બબડતી હતી. લલીએ હળવે રહીને દેહરી પાસે આવી. 

અરે એ તો મોહનીયો ! આટલો વહેલો મળસ્કે આવી ગીયો? 

મોહનીયાએ બબડવાનું ચાલુ રાખ્યું, જાણે કે તંદ્રાવસ્થામાં હોય. લલી નજીક આવી તો ય એણે ધ્યાન આપ્યું નહિ. 

‘મેરબાઈ ને જે’ , મોહનીયો તંદ્રાવસ્થામાંથી જાગ્યો અને મૂર્તિ સામે જોઈને સ્વગત બોલવા માંડ્યો, ‘ દેવી, તું મારા સપનામાં આવી એથી હું  બહુ ખુશ છું. ગામલોકને તારા આશીર્વાદ  પહોંચાડીશ. વસનજીને કહીશ કે લલીનાં લગનની ફિકર છોડી દેય. તેં કહ્યું કે અછબડામાં ફક્ત એક છોકરું રામશરણ થશે, પણ એ કોણ તે કહ્યું નહિ.’

લલીએ જોયું કે આમ વિચિત્ર રીતે મેરબાઈની મૂર્તિ સાથે બબડતાં બબડતાં મોહનીયો ડાબે જમણે ધૂણતો  હતો. આ દ્રશ્ય બહુ વિચિત્ર હતું. એ શું બોલતો હતો અને મેરબાઈના આદેશ સાંભળતો હતો એ શંકા થવા લાગી. 

‘એક છોકરું  રામશરણ,  પણ એ બદનસીબ છોકરું કોણ હશે? હાય હાય, મારો ધીરુ તો ની ઝડપાય ને?  મેરબાઈ દયા કરો’ લલીએ હોઠ ફફડાવીને ખૂબ ધીમેથી મેરબાઈને અરજ કરી, રખેને મોહનીયાને એની વિધિમાં વિક્ષેપ પડે.

મોહનીયો  સફાળો તંદ્રામાંથી જાગ્યો, લલી તરફ જોયું.

‘અરે લલી, તને આટલું વહેલું અહીં આવવાનું કઈ કામ? ઘેરે બધા હારાં કંઈ?’

‘ મોહનીયા, તું  તો મેરબાઈ હાથે હાંમહાંમી વાતચીત જેવો કરે. જરા એને મારી અરજ પહોંચાડ ને કે મારો ધીરુ સલામત રહે!’

‘લલી, જો. ધીરુનાં નસીબમાં જે લખાયેલું ઓહે તે થહે જ થહે. બાકી બધું મેરબાઈના હાથમાં….’ પછી જરાક રોકાઈને ચીપી ચીપીને કહે, ‘ દર  પૂનમે મેરબાઈ મારા સપનામાં આવે જ આવે, અને ગામ લોકના ભવિષ્યમાં હૂં થવાનું છે એ મને ચેતવે’ આટલું કહીને જાણે વધારે પડતું બોલાઈ ગયું હોય એમ ચૂપ. 

લલીએ મોહનીયાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

‘મોટીબેન , મોટીબેન, આ આ શું  કરો છો. ઉભા થઇ જાવ. તમે તો મેરબાઈની દેવી સમાન છો. હું શું કરું? દેવી જેવી દેવી મને સપનામાં દર્શન આપે અને ભવિષ્ય વિષે બધું કહી જાય. હું તો નિમિત્ત માત્ર. મારા હાથમાં કઈ ની મલે, બેન’. મોહનીયાએ બે હાથ ખંખેર્યા.

‘તો મને એ કહે  કે તલિયારા ગામે કોઈ નવા બાબા આવેલા છે તે પોકળ તો નથી  ને?’ લલીએ તદ્દન નવો વિષય છેડ્યો.

મોહનીયો જાણે હવે શાંત થઇ ગયો, લલીની બિલકુલ પાસે આવીને કહેવા લાગ્યો, ‘ભગવાન અલગ અલગ રૂપમાં દર્શન આપે. બાબા હો ભગવાનનું રૂપ જ છે. આ તો મેરબાઈએ જાતે મને સપનામાં કીધું છે એટલે તને ખાનગીમાં કહું છું પણ તું કોઈને કહેતી નહિ. મેરબાઈનો કોપ મારે નથી જોઈતો.’ 

લલીને થતું હતું કે આ મોહનીયામાં અસાધારણ શક્તિઓ છે  જે સામાન્ય માણસની સમજની બહાર હતી.  અરે ખુદ મોહનીયાને પણ ખબર હશે કે કેમ!  એની શક્તિને તર્ક સાથે કઈ સંબંધ ન હતો પણ એક બાબત નક્કી હતી કે એની શક્તિનો ઉપયોગ બીજા લોકોના ઉધ્ધાર અર્થે  કરતો. એ જે બાબા વિષે બોલ્યો એ શા માટે બીજાને કહેવાની ના પાડી? લલીને સમજ પડતી ન હતી. મોહનીયાને પૂછવાનો હવે એને ડર લાગતો હતો.

‘પણ મોહનીયા,  મેરબાઈ સાથે ની તારી વાતચીત વિષે તારે ગામ લોકોને કહેવું જોઈએ. બધાનું કાઇંક ભલું થાય ને?’

સૂર્યોદય પછી થોડાં ગામલોકો પૂજારીના ઘરની બહાર ભેગા થયા. મોહનીયો આંખો મીચીને પલાંઠી વાળીને બાંકડા ઉપર તંદ્રાવસ્થામાં બેઠો હતો.

મોહનીયો હાથ જોડી બોલ્યો,’ હે મેરબાઈના ભક્તો, ગઈ કાલે પૂનમની રાતે  મેરબાઈની અસીમ કૃપાથી મને સપનામાં દર્શન આપ્યાં. દેવીએ સર્વને આશીર્વાદ આપ્યા અને કહે ……’

સૌની નજર ગઈ પૂજારીજી પર, જેઓ ઘરમાંથી નીકળીને મોહનીયાના પગ પાસે બેસી ગયા. લોકો તાજ્જુબ!

‘…. કહે કે સર્વે ગામલોકો અછબડાના વાયરો હોઈ કાળજી લે, વૈદને મળીને દવા કરે, દેવી એકાદને છોડીને બધાં છોકરાને બચાવશે.’

મોહનીયો થોડો અટક્યો એટલે મેદનીમાંથી કોઈએ પૂછ્યું, ‘ એકાદ એટલે કોણ? દેવીએ ફોડ નહિ પાળ્યો?’

‘ના જી, મેરબાઈએ કાંઈ ફોડ નથી પાડ્યો, બસ બધાએ કાળજી લેવી’ 

‘ મોહનીયા, વર્ષો પહેલાં ઘેરથી બહુરૂપી સાથે નાસી ગયેલા આપણા ગોપાલ વિષે કાંઈ બોલી કે નહિ?’ એટલું બોલતાં બોલતાં રામજીકાકાની આંખમાં પાણી આવી ગયાં અને ખભા પરથી ખેસ આંખે માંડ્યો.  

કેટલાક લોકો  દોડ્યા અને રામજીકાકાને સંભાળ્યા.

મોહનીયો ટટ્ટાર બેઠો અને ખોંખારો ખાઈને કહે, ‘ ગોપાલ સારો છે – બીજી કોઈ સ્પષ્ટતા કરી નહિ. કદાચ આવતી પૂનમે વધુ ઘટસ્ફોટ કરે તો નવાઈ નહિ.  હવે જે જે લોકોને કોઈ દુઃખ, તકલીફ હોય એમણે રોજ સવારે આવીને મેરબાઈનાં દર્શન કરવાં અને દૈવી આશીર્વાદ પામવા દેવીને વિરક્ત ભાવે  ભજવી. દેવીજી જરૂર એમના દુઃખ દૂર કરશે. બોલો, મેરબાઈ ની જે.’ 

‘મેરબાઈની જે’ લોકોએ પ્રતિઘોષ કર્યો.

આ સાથે મોહન હળવા આંચકા સાથે જાણે તંદ્રામાંથી જાગ્યો, અને સામાન્ય માણસની જેમ ઉભો થઈને ત્રસ્ત પિતા સાથે પોતાના ઘરમાં ગયો.

મોહનીયાએ તાલિયારાવાળા બાબા વિષે  જાહેરમાં વિશેષ ફોડ નહિ પાડ્યો એ ધ્યાન ખેંચે એવું હતું. જો કે લલી સાથે બાબાની યોગિક શક્તિ વિષે વાત કરી. બીજા કોઈને કેમ નહિ? બાબા વિષે કોઈ  ભેદી માહિતી હતી મોહનિયા પાસે? ખુદ મોહનિયામાં અગાધ શક્તિનો ભંડાર હતો એ પણ ઘણાને  ખબર ન હતી. અકળ છે આ સંતોની દુનિયા! 

લલી ઘર તરફ દોડી. ભેગી થયેલી ભીડ પણ વિખેરાવા લાગી હતી. કેટલાક મોહનીયાની ભવિષ્યવાણીથી પ્રભાવિત થયા જયારે અમુક લોકો સંશયમાં. ભવિષ્યવાણી કેટલી સાચી પડે એની સાબિતીને હજુ એક મહિનાની વાર હતી – છેક આવતી પૂનમે.

સાતેક દિવસમાં ધીરુના ડીલ પર અછબડાના દાણા નમવા માંડયા. લલી એને વલોટી ગામે આવેલ શીતળામાતાના મંદિરે જઈને પગે લગાડી આવી. ધીરુની જોડવા બેન શાંતિ અઝરાઈ ફુઈને ઘેરે સલામત હતી, એ બચી ગઈ – મેરબાઈની દયાથી કે પછી લલીની દૂરંદેશીથી? બોલો મેરબાઈની જે. 

બીજે દિવસે, રાબેતા મુજબ કીકુભાઇ વરંડામાં બાંકડા પર બેઠાં બેઠાં રસ્તે આવતા જતા લોકોને જોતા હતા ત્યાં અચાનક એમને બાબુ – એનો જૂનો વફાદાર મદદનીશ – દેખાયો.

બહુરૂપી – ગોપાલવાળા પ્રસંગ પછી બાબુનો પત્તો ન હતો એ આજે વળી અચાનક ક્યાંથી આવી ચડ્યો? ‘અરે બાબુ, તું? ‘ કીકુભાઇ બાંકડા પરથી ઉઠવા ગયા પણ કમજોર શરીરે સાથ ન આપ્યો અને પાછા બાંકડા પર ફસડાયા.

ચાર વર્ષમાં બાબુ ઘણો બદલાઈ ગયો હતો. વાળ હવે એ સીધા સીધા હોળે , હોઠ ઉપર એક મોટી મસ રજપૂતની મૂછ. વાત કરવાનો લહેકો પણ વધુ રાજસ્થાની લાગ્યો.

‘જી જી, ‘ બાબુ વાંકો વાળીને એના જુના શેઠને પગે લાગ્યો. શેઠ પણ ન ઓળખાય એવા બદલાઈ ગયાં હતા. ક્યાં એ રૂઆબ અને ક્યાં આ સુકલકડી શરીર? 

કીકુભાઇને મનમાં થયા કરે કે સાલું આ નવા બાબુમાં એવું શું હતું જે જચતુ ન હતું. વધુ માથાકૂટ કરવાને બદલે એમણે બાબુને વરંડા પર બોલાવ્યો. 

બાબુ શેઠની પાસે બેઠો એટલે,

‘ચા પીવાનો? ‘ એનો શેઠ હવે બાબુની સરભરા કરે!

બાબુની પીઠ થાબડતાં કીકુભાઇ કહે, ‘ જો ની ભાઈ બાબુ હવે મારાથી તને નોકરીએ ની રખાય હેં? ઊં તો પરવારી ગીયો ભાય, પોલીસ-પટેલગીરી તો, બેં… ચૂ,  તેં દા’ડની ગેઇ તેં ગેઇ, હૂં કહેય ? હવે તો કોઈ નવો પોલીસ પટેલ આવે ત્યારે …..’ 

બાજી બદલાઈ ગયેલી તેનો કીકુભાઇને ભારે રંજ. બાબુને જોઈને એમની વિચારમાળા અટકતી ન હતી. ‘ મારો હારો બાબુ આટલો બધો કોલો (ગોરો) કેવી રીતે થેઈ ગીયો? કાંઈ ની હમજાય મને તો’ 

કીકુભાઈએ ચાલુ રાખ્યું, ‘ તારી સવિતાકાકી તો કે દા’ડની ખાટલે પડેલી. ઉઠાય હો ની.’ 

‘લલી અરે ઓ લલી, જો કોણ આયવું?’ ઊંચા અવાજે લલીને હાક મારી 

લલી લોટ બાંધતી હતી તેં વહેલી વહેલી દોડી કીકુભાઈના વરંડા તરફ. એને જોઈને કીકુભાઇને ઠંડક વળી. 

‘ બાબુ?’ લલીએ આંખ પટપટાવી.

‘હાસ્તો, આપણો જૂનો ને જાણીતો બાબુ! જો અમને ચા પાય કે બેન ? ‘ 

‘ હમણે મૂકું હેં’ 

બાબુ બિચારો એક શબ્દ બોલ્યો નહિ પણ લલીને એકીટશે જોયા કીધી.

કીકુભાઇની જેમ લલી પણ વિચાર કરે, ‘તે બાબુ આટલો ગોરો કેમ કરતાં થેઈ ગીયો?’

પુરાણી આદત મુજબ પોલીસ પટેલ સાહેબે બાબુની ઉલટ-તપાસ શરૂ કરી દીધી,  ‘ તે તું કાં ઉતો આટલો બધો વખત?’

‘ઊં ગામ જેઈ આયવો, હગાં-વહાલાં ને મલવા ગેલો….ને,’ બાબુની નજર  ચારેતરફ, જાણીતા ચહેરાઓને શોધતી.

‘ આગળ બોલની, બીજું હૂં?’ કીકુભાઇને બદ્ધુ જાણવું હોય.

‘… બીજું….. પિતરાઈ હાથે ખેતરમાં કામ કયરું’ વાત કરતાં એની નજર ચા લઈને આવી રહેલી લલી પર.

લલી જેવી પાસે આવી તેવી બાબુ એ નજર ખેસવી લીધી. કીકુભાઇની કમજોર આંખોએ પણ આ જોયું.

‘હારા, તું આપણી લલીને ની ઓળખે કે?’ કીકુભાઇ હવે મસ્તીએ ચઢ્યા. 

‘કેમ છે લલી?’

એની આંખો જરા જુદી હતી જ અને અવાજ જરાક નાકમાંથી નીકળતો હોય એવું લાગ્યું.

કપડાં-વપડાં અદ્દલ  પહેલાં જેવા, જોડા પણ બદલાયા ન હતા. આ અવાજ ને  એની ચામડીનો રંગ જ કોણ જાણે કેમ…. લલી વધુ વિચારી ન શકી.

‘તો પીરા હવે હૂં કરહે તૂ ?’ કીકુભાઈએ ચાની ચૂસ્કી લગાવી 

‘કઈં ની, સાહેબ. જાણે એક બે રાત તમારા નોકરવારા રૂમમાં હુઈ રેઉં?’ બાબુની આંખો લલીના ચહેરા પર સ્થિર. 

‘એમાં હો વરી પૂછવાનું  હોય? લલી અમારા બેઉને હારૂ રોજ રાંધતી છે તે આજે વળી તારું હો કરહે જ ને?  બે રોટલા વધારે ટીપવાના, એમ ને? ‘  કીકુભાઈએ લલી સામે પ્રશ્નસૂચક જોયું.

‘બાબુ એ તમારો મહેમાન, અમારો નહિ? આખા ગામનો !’

લલી ચાના ખાલી કપ લઈને જતી રહી. બાબુ એની પાછળ પાણીયારામાં  મોઢું સાફ કરવા જઈ પહોંચ્યો. 

પાછલે બારણે હજુ પેલી થોડી સૂકાઈ ગએલી જમરૂખી તેમની તેમ;  ડાળીઓ ફેલાવીને બાબુને નવા અવતારમાં  આવકાર આપી રહી. 

વાડામાં દૂર મહાકાય આમલીના ઝાડ પવનમાં આમથી તેમ ઝૂલે, ઝાડની ફરતે ધોળા દૂધ જેવા બગલાં બેફિકર થઈને ઉડે, કાન ફફડાવતા ગાય, બળદ અને થોડી ભેંસો લીલું ઘાસ વાગોળતા બેઠાં બેઠાં, સ્થિર આંખોથી  જોતાં આરામ ફરમાવે. બધું જેમનું તેમ; સમય  એકદમ સ્થિર. 

તો બાબુ કેમ બદલાયેલો દેખાતો હતો બધાને? 

એ પાછો વળીને આગલે બારણે વરંડામાં બાંકડે આવ્યો ત્યારે કીકુભાઇ ભીની ભીની  સવારની હવામાં  નિરાંતે ઘોરવા માંડ્યા હતા.  

આથમણે છેડેથી ગાય ભેંસનું એક ધણ ધૂળ ઉડાડતું આવી ચડ્યું. બાબુએ આંખ પર હથેળી મૂકીને ફળીયાને બીજે છેડે આવેલા રામજીકાકાના ઘર તરફ મીટ માંડી. કોઈ નજરે ચડતું ન હતું.  નહિ રામજીકાકા, નહિ પાર્વતી, નહિ મોહનીયો, કોઈ નહિ. હવામાં ધૂળ જરા બેસી ગઈ એટલે એને નજરે ચડી તાજી તાજી ચૂનો કરાવેલી દીવાલવાળી પેલી ધર્મશાળા. જૂની યાદો તાજી થઇ. બાબુથી એક નિશ્વાસ નંખાઈ ગયો. 

કીકુભાઇનાં ઘરનાં પાછલે બારણે નોકરના રૂમમાં એ જરા આડે પડવા ગયો કે એને લલીના ઘરમાં તેજનો એક ફિક્કો લિસોટો જોયો. કોઈ ધીમા અવાજે બોલતું હતું, 

‘ કાકુજી, તમે મને પરણાવવાની ઉતાવર નો કરો.’ 

‘પણ દીકરી, મારો વિચાર તૂ કરેજ ની. ગામ લોકો વાત કરે, જુવાન જોધ પોરી ઘરમાં બેહી રહે તે?’ કાકુજીનો  અવાજ જરા ધ્રુજ્યો. 

લલીના અવાજમાં એક નિર્ધાર, ઠરેલપણ , ‘કાકુજી, ઊં તમારી વાત હમજું પણ આ બાપડાં  ધીરુ – શાંતિનું  ધ્યાન કોણ રાખહે એ મને કેવ. એક બે વરહ જરા ખમી જાવને. એ હો જરા મોટાં, હમજણા    થેઈ જહે.’

લલીને સાંભળીને બાબુને જપ વળ્યો.

‘ચાલની ઊં તને ખાતરી આપું કે એ બેઉને અમે, ઈચ્છાફુઈ હાચવહું. આપણે જે પોયરાની વાત ચાલે એ વાત મારો એક વફાદાર ને ડાહ્યો વિદ્યાર્થી લાયવો. એ કેય કે છોકરો મુંબઈની કોલેજમાં ગ્રેજ્યુએટ થેલો છે. એક વાર હાથમાંથી નિકરી જહે પછી એવો બીજો મલે? , હમજી તૂ? તને હો ભણાવી ગણાવી તે બેઉ ભણેલાની જોડી ફક્કડ જામહે. જરા ઠંડે મને વિચાર કર.’

‘હારૂ ત્યારે. ઊં હવે જૅઈને જોઉં કે ધીરુ કેમ છે’

‘હં… તો લલી હવે થોડાં વખતમાં પરણવાની ત્યારે.’ બાબુ બબડ્યો. 

બીજે દા’ડૅ જોયું તો બાબુ ગાયબ! . પાછો ક્યાંક  જતો રહ્યો. આવો ખેલ કર્યા કરવાનો હોય તો પછી પાછો આવ્યો શું કામ? મેરબાઈ જાણે.

                  **********************

વરણગામને સામે કિનારે આવેલા  તલિયારા ગામે આજે ઉત્સવનો દિવસ. સરપંચ સતીશ દેસાઈને ત્યાં પુત્ર રત્નનો જન્મ, ગામલોકમાં ખુશીની મોટી લહેર ઉઠી. હરખ ઘેલા પિતા, સતીશ દેસાઈએ આખા ગામ માટે બાબાના આશ્રમ પર જમણવાર ગોઠવ્યો. 

અંબિકા કિનારે ઝૂંપડી બાંધીને તદ્દન સાદાઈથી રહેતા બાબા ગામ લોકોમાં ઘણા પ્રિય. લોકો એમને ખૂબ માનથી જુએ અને અવારનવાર મૂંઝવતા પ્રશ્નો લઈને જાય. એ ક્યાંથી આવ્યા એ વિષે કોઈને ખબર ન હતી. બાબા રામાયણ મહાભારત ટાંકીને એવા તો સુંદર પાઠ કરે! લોકો કહેતા કે બાબા બસ મસ્ત બનીને ક્યાંય સુધી ધ્યાનમાં બેસી જાય, કોઈવાર વળી દિવસો સુધી ગાયબ થઇ જાય. કહે છે ને કે ‘સાધુ તો ચલતા ભલા’. બધાનું ભલું કરે ને? બસ લોકોને બીજું શું જોઈએ? લાંબી દાઢી અને ગૂંથ્યા વગરના ચોટલાવાળા બાબાનો ચહેરો બહુ પ્રભાવશાળી ? 

વરણગામની અમુક આગેવાન હસ્તીઓને પણ જમણવારમાં આમંત્રણ હતું. કચવાતે મને લલીએ કાકુજી સાથે તલિયારા જવા હા પાડી. ધીરુ અને શાંતિને ઈચ્છાફુઈ જોશે. 

આ સમયે અંબિકામાં ઘણું પાણી એટલે કાકુજીએ સામે કિનારે જવા એક હોડી ભાડે કરી. સામે કિનારે ઉતર્યા, લલી  જેને કોઈ દિવસ મળી ન હતી એવા  બાબાના આશ્રમ ઉપરનો લાલ વાવટો જોયો એટલે બે હાથ જોડી પ્રણામ કર્યા. કાકુજી હસ્યા, ‘ તે લલી તૂ  બાબાના આશિર્વાદ લેવા જવાની કે?’

‘તમે આજ્ઞા આપો તો જાઉં ને?’ લલી હસી. સવારના ઠંડા પહોરમાં એના મોં પર એક અજબની તાજગી હતી, એના સુંદર વાળ હવામાં ફરફરે – કાકુજી એમની દીકરીને વહાલથી જોતા રહ્યા અને બબડ્યા ‘ બાબા લલીને સરસ મઝાનો વર મળી જાય એવા આશિર્વાદ નહિ આપે?’ 

સતીશે બધાંનું સ્વાગત કર્યું, ‘ ઓહ, લલી હો આવલી છેને કાંઈ? આવ આવ દીકરી’ 

સતીશે એની પત્નીને લલીને ઓળખાણ કરાવી. 

તલિયારા ગામ આમ તો વરણગામ કરતાં બહુ નાનું. એક સાંકડું ફળિયું અને બેઉ બાજુ લાઈનસર સરખાં જેવા લાગતા ઘર. સામેના ઘરમાં શું ચાલી રહ્યું છે એ જોવા ફક્ત ડોક જ ઊંચી કરવાની. બધાનું જીવન સાદું અને ઉપદ્રવ રહિત, કોઈને કાંઈ છૂપાવવાનું નહિ, હળીમળીને રહેવાનું. ઘરોને તાળાં મારવાનું ચલણ લગભગ ન હતું.

બધાં એકબીજાને મળવામાં વ્યસ્ત એટલે લલી કહે ચાલ જરા આશ્રમે જઈ આવું.

શ્રદ્ધાથી માથું નમાવીને લલી ઝૂંપડીમાં દાખલ થઇ. અંદર કોઈ દેખાયું નહિ.

‘અરે લલી, તું ક્યારે આવી?’ દૂર,  અંદરથી કોઈનો ઘેરો અવાજ આવ્યો. 

એ કોણ? મને કોણ ઓળખે અહિયાં?

જોયું તો બાબા પોતે આવકારી રહ્યા  હતા. એમની જટા હવામાં આમતેમ ફરફરે, ચહેરા પર એક મોહક સ્મિત, આંખમાં એક અનોખી ચમક.

અંતઃ સફૂરણાથી લલીથી બે હાથ જોડાઈ ગયાં. ‘ હા બાબાજી, હું મારા કાકુજી હાથે વરણગામથી આવી, થોડી વાર થેઈ ઓહે’

‘મને ખબર પડી. જા શિવલિંગના દર્શન કરી આવ, ને તાં થાળીમાં પ્રસાદ હો રાખેલો છે તે લેજે, હેં?

બાબાના ચૂમ્બકીય અવાજમાં એક અગોચરપણું હતું. એમની ચાલ પણ એક અનોખી હતી.

લલીએ બાબાના કહ્યા મુજબ બધી વિધિ કરી અને આવીને બાબાના ચરણોમાં બેસી ગઈ.

શું બાબાના ચહેરાનું તેજ ? લલીથી વધુ સમય ચહેરા સામે જોવાયું નહિ. એની નજર બાબાના ચરણો આગળ ગઈ. પગમાં કાઇંક  વિચિત્ર હતું પણ શું એ ખયાલ ન આવ્યો લલીને.

‘બોલ લલી.’ બાબાએ લલીને બોલવા દબાણ  કર્યું.

‘બાબાજી, જીવનમાં હું એક એવા  તબક્કે આવી ગઈ છું કે સમજ નથી પડતી શું કરવું? મૂંઝાઈ ગઈ છું. 

‘જો લલી, મને ભવિષ્ય ભાખવાની શક્તિ નથી આપે, ભગવાને. હા કોઈ એવા મહાત્મા હોય છે જે ભવિષ્ય ભાખીને દોરવણી આપે. હું તો બસ એક સીધો સાદો શિવ ભક્ત છું’

‘મારી માય ઈશ્વર પાસે  બહુ વહેલી જતી રહી. મારાં બે ભાઈ બેન બહુ નાનાં છે અને મારા કાકુજી  હું  પરણી જાઉં એવી જીદ લેઇને બેઠા છે. હું શું કરું? હું એટલી મૂંઝાઈ ગઈ છું કે …….’

‘જો, તારે શાંત મને વિચાર કરીને કોઈ પણ પગલું ભરવું જોઈએ. ભગવાન શિવ તને રસ્તો સૂઝાડશે. મેં આગળ કહ્યું તેમ હું શું કરૂં? પણ વરણગામમાં એક  મોહનીયો છે એ કદાચ તને કોઈ રસ્તો બતાવે.’

લલીએ વાંકા વળીને પાછાં પ્રણામ કર્યાં અને ત્યાંથી ચાલી નીકળી.

સતીશને ત્યાં પહોંચી ત્યારે કાકુજી એની સાથે એક બંધ રૂમમાં ભરાઈને વાતચીત કરતા હતા. શું એ લોકો મારાં લગનની વાત કરતાં હશે? પેલો મુંબઈવાળો છોકરો કોણ જાણે કેવો હશે? મારે હવે ઘર છોડીને મુંબઈ જતા રહેવું પડશે? ધીરુ – શાંતિનું કોણ પછી? વહેલા બુઢ્ઢા થતા કાકુજી એટલાં નાનાં છોકરાંને કેવી રીતે ઉધારે? 

લલીનું માથું દર્દથી ભારે ભારે થઇ ગયું. મામલો ઠેકાણે પડશે એવી  આશા લઈને એ બાબાને મળવા આવેલી પણ બાબાએ ગોળગોળ જવાબ આપ્યો. એ મોહનીયાનું નામ કેવી રીતે જાણે?  હવે તો મોહનીયાનો જ આધાર હતો. 

Mahatma Gandhi suspends the civil disobedience movement’ 

‘મહાત્મા ગાંધી અસહકાર ચળવળને મોકૂફ રાખે છે’ હોડીમાં વસનજી ઈંગ્લીશ પેપરમાં મોઢું ઘાલી વાંચતા દેખાયા. 

‘વહન લાલા, તમે તો  ભાય  બો જબરા; ઈંગ્લીશ હો ફાંકડું તમારું, હેં ?’ બાજુમાં બેસી રહેલા નવરા લોકો નવાઈ પામી ગયા.

વસનજીએ વખાણને અવગણ્યા અને વાંચવાનું ચાલુ રાખ્યું,’ ‘Franklin Roosevelt is tipped to be the next winner of the primaries of the Democratic party of America. His chances of winning the eventual election of the President are termed as very strong.’ 

ને પછી એ વાંચતા એકદમ અટકી ગયા, વિચારમુદ્રામાં, 

‘હારૂ ઊં એમ કેઉં કે આપણે ક્યારે  આઝાદ થવાના અને ક્યારે આપણો નેતા દેશનો પ્રમુખ બનહે?’

‘ને મારો બેટો આપણો ડોહો  બો નકામો, એને વરી આઝાદી મળે એમાં હો વાંધો; આમ ની ને તેમ ની !   ડાગળી ચહકી ગેઇ કે હૂં?’ 

ડોહો એટલે મહાત્મા ગાંધી જે છાસવારે ભૂખ હડતાળ પર જવાના ‘ખેલ’ કરે. 

‘અંગ્રેજી હકુમતને હટાવવા હારૂ જરા અક્કલ જોઈએ, કાંઈ હરખા વિચાર કરવાના કે પછી બસ જ્યારે ને ત્યારે ભૂખ હડતાળ પર ઉતરી જવાનું, મારો હારો? ‘ ડાહ્યાભાઈ ડોહા પોતાની ટોપી સરખી  કરતાં બોલ્યા.

‘વાત જાણે એમ છે’ , વસનજી શાંતિથી વિચાર કરીને બોલ્યા,; ગાંધી બાપુ એની આધ્યાત્મિક શક્તિ કામે લગાડે  ને વધુમાં  નહેરુ, સરદાર, ને ગાંધી જેવા નેતા લોકોએ હળીમળીને અંગ્રેજી હકુમતને આંતરવાની નક્કર યોજના  તૈયાર કરવી જોઈએ.’

”બધો આધ્યાત્મિક શક્તિવાળો ની જોયો તેમ ! પોતાની હગ્ગી  ભત્રીજી હાથે કપડાં કાઢીને રોજ રાતે હુઈ જાય, એની જાતનો મહાત્મા  મારૂ!’ નાનુભાઈનો પારો આસમાન ઉપર.

અનાવિલ પ્રજા, જે હોય તે કહી  દે,  – તડ ને ફડ.

ગામનો જોશી જયશંકર  એમ કરીને કહેય,’ મેં હિન્દુસ્તાનના જોશ જોયા – એક્કુ ગ્રહ  આઝાદી મળવાના સંજોગો બતાવતો નથી’ અને પછી ટિપ્પણી સાવચેતીથી બંધ કરી.

લલી હજુ મૂંઝાયેલી. 

‘ મારા  ભવિષ્યને ઉજાળવા દૈવી શક્તિઓને કામે લગાડવી શું બરાબર કહેવાય? વિધાતાના  લેખ જેવું ખરેખર હોય છે ખરું? તો પછી ભવિષ્ય ઉજાળવા મહેનત શું કામ કરવી? 

લલીએ આ મતલબનું ક્યાંક વાંચ્યું હતું ખરું. 

હોડી ધીરે ધીરે સામે કિનારે પહોંચવા આવી હતી. 

હોડીમાંથી એ લોકોને કાદવીયા કિનારામાં પગ ઝબોળીને ઉતરવું પડ્યું. મોટીબેનને જોતાં જ ધીરુ અને શાંતિ વરંડાથી દોડતાં આવીને બાઝી પડ્યા.

લલીએ બેઉને વહાલથી ચૂમ્યા. વિધાતા-ફિધાતાના  લેખ મને હમજ ની પડે. મારા ધીરુ ને શાંતિના સુખને હારૂ જે બી દૈવી શક્તિઓને કામે લગાડવી પડે એ હું લગાડીશ.

xxxxxxxxxxxxxxxxxxxx

પ્રકરણ ૧૬ : ખેલ ચોકઠાં ગોઠવવાનો 

ઘેરે પહોંચીને લલીને થયું લાવ પાડોશમાં કાકી-કાકાને જોઈ આવું. મોટેભાગે ચિત્તભ્રમ દશામાં રહેતા કાકાને બાબુ અદ્રશ્ય થઇ ગયો એની કોઈ ગતાગમ ન હતી. વરંડાના બાંકડા પર કલાકોથી આસન જમાવીને બેઠા તે બેઠા, હાલ્યા પણ ન હતા! 

બાબુ યાદ આવતાં લલી વિચારે ચડી ગઈ. બાબુ તો સમજ્યા પણ  તલિયારાવાળા બાબા  લલીને કેવી રીતે ઓળખી ગયા? સંતોની ગતિ ન્યારી. પણ કોઈએ એમને ચેતવ્યા હતા કે લલી આવશે ? ખાસ કરીને આંખ સામે પેલું  દ્રશ્ય ખસતું ન હતું જયારે લલી બાબુને વાંકી વળીને ચાનો કપ આપવા ગઈ. લલીને લાગ્યું કે એની પોતાની યાદશક્તિ ઠેકાણે ન હતી. હશે. મેરબાઈની દેરીએ જઈ દર્શન કરવાની અદમ્ય ઈચ્છા દબાવીને એ શાંતા કાકી સાથે સાંજનું ખાવાનું બનાવવામાં લાગી. એ પછી કાકુજી અને ફુઈની  પથારી બનાવવાની  અને ધીરુ શાંતિ ને હાલરડું ગાઈને સુવડાવવાના – ઓહો કેટલાં બધાં કામ બાકી હજુ? 

અરે હા, સાટુ થયું યાદ આવ્યું. આજે તો પૂનમની રાત અને મોહનીયો પણ પૂર બહામાં ખીલીને લોકોની વચ્ચે ભવિષ્યના ભેદ ખોલશે. તો તો હું પણ સવાલ કરીશ એને. 

આ બાજુ, તલિયારામાં નક્કી થયા મુજબ સતીશ દેસાઈએ દયાળજી સોલિસિટરને લલી માટે ઓફર મૂકવા મુંબઈ જવાની તૈયારી કરવા મંડી. એમાં પાછું જયશંકર જોશીએ કહ્યું કે એ દિવસે વિઘ્ન આવશે એટલે તત્પૂરતું માંડી વાળ્યું. વસનજીની ફિકર એને સ્થાને સાચી હતી પણ આવો સરસ છોકરો વળી પાછો મળે? અને મુંબઈ, તો નવલોહિયા જુવાનોનું માનીતું ગંતવ્ય સ્થાન હતું, નોકરી ધંધાની ઉજળી તકો તયાં હતી એટલે ભણેલી ગણેલી યુવા પેઢી માટે મુંબઈ નગરી સ્વર્ગ સમાન હતી.  

ગામડાઓમાં કુટુંબમાં સભ્યોની સંખ્યા બેમાપ વધતી જતી હતી અને બાપ દાદાઓની જમીન તેવડી ને તેવડી. ભાગ પડતાં પડતાં જમીન હાથમાં આવે તેથી સંસાર થોડો ચાલે? બીજું, ભણી ગણીને  ખેતર ખેડવામાં ને વાડીની માવજત કોને કરવામાં રસ? ફલાઇંગમાં હવે મુંબઈ કેટલું કે દૂર?

ડાંગના જંગલો તરફથી  સસ્તા મજૂરો મળી રહે. અનાવિલો પોતે હવે હાથ ગંદા કરવામાંથી છટકવા માંડ્યા હતા. વળી મધ્ય ગુજરાતના મહેનતુ પટેલો હવે આ બાજુ આવીને જમીન લઈને જાતે મહેનત કરવા લાગ્યા હતા. આ સ્થિતિ છેક બારડોલીથી પણ આગળ વધી હતી. તાપી નદી પર ડેમ બાંધીને નહેર યોજના કાગળ પર હતી પણ આઝાદીની લડતને અનુલક્ષીને ખોરંભે ચડી હતી – પરંતુ યોજના એક દિવસ જરૂર આકાર લેશે અને ઘણા ગામોની જમીન ફળદ્રુપ બનશે એવી ગણતરી જાણકાર લોકમાં દ્રઢ હતી.

જો કે ડોક્ટર દેસાઈની ઉપરવટ જઈને ભીખુને લગ્ન સંબંધમાં જોતરાવાનું મુશ્કેલ તો હતું જ. 

ડોક્ટર ભીમભાઇ દેસાઈ  ભીખુ માટે સપનાં જોયે રાખે, કેમિસ્ટ્રીમાં ભીખુનું રિસર્ચથી  ભરપૂર મગજ એટલું તીવ્ર હતું કે એમ એસ સી તો શું, પી એચ ડી કરાવીને જ જંપશે. આઝાદ હિન્દુસ્તાનમાં આવા બાહોશ વૈજ્ઞાનિકોની સખત જરૂર હતી જે પોતાની બુદ્ધિ વાપરીને રસાયણ ઉદ્યોગમાં દુનિયામાં વાહવાહી કરાવી  દે. ભીમભાઇનાં સપનાં તો એવાં કે ભવિષ્યના આઈન્સટાઈન સાથે કેમકલની મોટી ફેક્ટરી શરુ કરે.

દયાળજી સોલિસિટર માટે ભીખુને એમ એસ સી ની ફીની સગવડ કરવી એ રમત વાત. 

પણ ભીખુની માં, જમનાને હરખ જ એટલો બધો કે ન પૂછો વાત.

આટલું  બધું  તો ભણ્યો હવે આગળ ભણવાનું કામ શું? હવે તો એ પોતાની નજર સામે પરણીને ઠરીઠામ થાય એ સપનાં, જમના માંના.

સર્વના સપનાં જ સપનાં, ભીખુ બાપડો બરોબરનો સલવાયેલો. એના સપનાનું શું ?

આખરે, સતીશ દેસાઈ ડોક્ટર ભીમભાઇ દેસાઈ સાથે દયાળ મેનશનમાં પ્રવેશ્યા. સોલિસિટર ઘરે ન હતા. સવિતા કાકીએ આવકાર આપ્યો.

‘સોલિસિટર સાહેબ આજે તો સાંજે મોડા આવવાના. મુંબઈના  પે…લા  નવા મેયર ડોક્ટર જાવલેના માનમાં કોઈ સમારંભમાં હાજરી આપવાની છે. 

અધીરો સતીશ  બોલી પડ્યો, ‘ પણ અમે તો છે..ક તાલિયારાથી એને મલવા આવેલા છે. જુઓની, આ ડોક્ટર ભીમભાઇ દેસાઈ છે …’

‘હા હા , એમને તો હારી રીતે ઓળખું ને હું!’ સવિતા પણ એટલી જ અધીરી, ‘ પણ કામ હૂં છે તે કેવની ?’ સવિતા કાકીના મોં પર મીઠું હાસ્ય. 

‘ જાણે વાત એવી છે કે સોલિસિટર સાહેબ હાથે જ કરીએ તો હારૂ.’ 

‘કાંઈ વાંધો ની, ભાય. તમે એ આવે  તાં હુધી બેહોની નિરાંતે. અરે ગંગા, ઓ ગંગા, આટલે આવ, જો આ મહેમાનો ને હારૂ ચા નાસ્તાની વ્યવસ્થા કર’. ગંગા મૌસીને બૂમ પાડીને સૂચના આપી. ગામના માણસ જોતાં સવિતા કાકીની બોલીમાં તળપદાપણ આવી ગયું. 

ગંગા મૌસી હજુ કાંઈ તજવીજ કરે એ પહેલા એમને એમનો મૂરતિયો ભીખુ અંદર દાખલ થતો દેખાયો, કોટ પેન્ટ  પહેરીને બિલકુલ સાહેબ જેવો લાગતો ભીખુ. એના દર્શન થઇ ગયા એટલે સતીશ કૃતકૃત્ય થઇ ગયો, જાણે એનું કામ થઇ ગયું.

‘જીજા તમે? શું વાત છે. ક્યારે આવ્યા? ‘ ભદ્ર સમાજના  શિષ્ટાચારના રંગે રંગાયેલ ભીખુ બોલી ઉઠ્યો.

‘હં,  તો તું કોલેજથી આવ્યો લાગે છે. આ સતીશ કાકાને તું ઓળખે ને, આપણે પાર્ટીમાં મળેલા?’

‘નમસ્તે, સતીશ કાકા કેમ છો?” 

આ ફક્કડ છોકરાને તો હું નક્કી પાડું જ પાડું, ને ગુરુ વહનજીનું ઋણ અદા કરી દેઉં’ -સતીશ મનોમન બબડ્યો અને ભીખુ તરફ જોઈને સૂચક  હસ્યો.

‘તે ….. જીજા કેમ છે બધાં? લીલી કેમ છે?’ ભીખુને હૈયે હતું એ તે હોઠે આવી ગયું.

‘લીલી મઝામાં, વિલ્સન કોલેજમાં સાયન્સ સ્ટ્રિમમાં એડમિશન માટે એપ્લાય કરી દીધું છે’

‘બહુ સારા સમાચાર છે’ ભીખુનો ઔપચારિક જવાબ, પરંતુ  મનમાં બોલ્યો ‘ પોરી એના બાપને માર્ગે જવા લાગી, ચાલો સારું થયું. એમ એસ સી કરૂં તો મુલાકાત થશે’

વાતો કરતાં ખાસો સમય થયો એટલામાં સોલિસિટર સાહેબની ગાડી હોર્ન સાથે પોર્ચમાં દાખલ થવાનોનો અવાજ આવ્યો.

‘લેવ, આવી ગિયા તમારા સાહેબ’. સવિતા કાકી વળી મીઠું હસીને અંદરના રૂમમાં જતાં રહ્યાં.

કોઈ જાતનો બિનજરૂરી દેખાડો કર્યા  વગર દયાળજી સોલિસિટરએ  પગથિયાં ચઢીને મહેમાનોને જોયા, થોડું માથું નમાવીને અભિવાદન કરીને સીધા અંદર જતા રહ્યાં, પાછળ એમનો સેક્રેટરી કોર્ટના કાગળોનો થેલો લઈને આવ્યો  ડ્રાઇવર  ચોકસાઈથી ડીસોટો ગાડી પાર્ક કરી, લોક કરી અને  ચાવીનો ઝૂમખો દીવાલ પર ટીંગાડેલા ચાવીના બોક્સમાં સેરવી દીધી ને ચાલ્યો ગયો. બધું શિસ્તબદ્ધ!.

દયાળજી પંદરેક મિનિટમાં નાહી-ધોઈને પાછા આવ્યા, હોઠપર  હંમેશ મુજબ એક સિગાર લટકે, મોંના ભાવ બહુ ગંભીર નહિ, બહુ હળવો નહિ – એકદમ પરફેક્ટ, એકેએક અદા સમાજના એક પ્રભાવશાળી  પુરુષને  છાજે એવી. 

આવીને એમની માનીતી આરામ ખુરશી પર બેસી ગયા અને  મહેમાનો સામે નજર નાખી.

ભીખુએ લાગ જોઈને ત્યાંથી ચાલતી પકડી – મોટાંની વાતમાં માથું શું કામ મારવું?

ડોક્ટર ભીમભાઈએ પહેલ કરી, ‘ સૌથી પેહલા સતીશ અને હું આપની માફી ચાહિયે છીએ આમ અચાનક કહ્યા મૂક્યા વગર ટપકી પાડવા માટે ……’

દયાળજીએ હાથ હલાવીને ઈશારો કર્યો, ‘ કહો શું કામ પડ્યું?’ સિગાર મોઢામાંથી પડું પડું થઇ ગઈ પણ લટકી રહી. 

જે રીતે સોલિસિટરે અદાથી ભીમભાઇની માફી વિગેરેની બેફિકરાઈથી અવજ્ઞા કરી તેથી એ થોડા ગલવાયા,  પાછા ગળું ખોંખારીને બોલવા લાગ્યા, ‘ આ સતીશને હું વર્ષોથી ઓળખું છું. ગણદેવા તાલુકાના અંબિકા નદી કિનારાના તલિયારા ગામના છે…..’

‘ગણદેવી તાલુકો, નોટ ગણદેવા  ‘ દયાળજીએ ભીમભાઈને સુધાર્યા. ‘ ગણદેવા તો પેલી બાજુ પૂર્વમાં, બારડોલીને રસ્તે’

‘ તમારી વાત બિલકુલ સાચી, સાહેબ,’   આટલા વખતથી બળજબરીપૂર્વક બોલ્યા ચાલ્યા વગર વેસી રહેલો સતીશ વચ્ચે કૂદી પડ્યો.

ભીમભાઇનો  ચહેરો ખિન્ન અને દયાળજીની ચપળ આંખોએ એ નોંધ્યું.

‘હવે હું મુદ્દાની વાત પર આવું? હું જેના ચરણોમાં ભણ્યો એ મારા માનનીય ગુરુ, વરણગામના  હેડમાસ્તર વસનજીની એક ગુણિયલ અને  ડાહી  દીકરી છે, લલી. તમારા ભાણેજ ભીખુને હારૂ અમે લગ્ન સંબંધી ઑફર લેઇને આવેલા છીએ….’

‘ જરા ખમો ભાઈ, જે હેતુથી તમે લોકો આવ્યા છે એ વાત કરવા માટે હું યોગ્ય વ્યક્તિ નથી. એ ઉપરાંત, હજુ ગયે અઠવાડીએ મારી મુલાકાત  ડોક્ટર દેસાઈ સાથે થઇ હતી જેમાં હું સમજ્યો કે ડોક્ટર દેસાઈ ભીખુના ગાઈડ તરીકે એમ એસ સી, પી એચ ડી  કરાવવા માગે છે. પણ એ વાત ઉપર પણ મને લાંબો વિચાર કરવાનો ટાઈમ નથી મળ્યો હજુ. ‘

હવે ભીમભાઇને લાગ્યું કે ગાડી આડે પાટે ચડી જતી હતી, ‘ જુઓને સોલિસિટર સાહેબ, ભણવાનું ને એ બધું તો લગન પછી પણ ચાલુ રહે. તમને એટલે કે ભીખુભાઇને જો છોકરી ગમે અને વડીલ તરીકે તમને આ કુટુંબ સમ્બન્ધ બાંધવા યોગ્ય લાગે તો આપણે ગોળ ધાણા કરી શકાય. ‘

‘આપણા અનાવિલ સમાજમાં આવો રિવાજ નથી, ડોક્ટર દેસાઈ.’

‘સાહેબ હું એ સારી પેઠે જાણું છું. આપને ખબર જ છે કે સમાજમાં વિઘ્નસંતોષી માણસો હોય જે કોઈ પણ સારા કામમાં કાંકરીચાળો કરે. ગોળધાણા કરીને આપણે લગ્નને બહુ વાર લગાડીએ તો આવા લોકોને મોકળું  મેદાન મળી જાય. જૂની પૂરાણી રીતરસમોને તિલાંજલિ આપવાનો સમય આવી ગયો છે, સાહેબ. આપણે આધુનિક યુગના  ભણેલા ગણેલા આગેવાનો છીએ તો કેમ આપણે નવો ચીલો ન પાડીયે? ‘ સતીશે લાંબુ લચક ભાષણ આપી દીધું.

‘હા, તો આપણી વાંકડાનો  રિવાજ  પણ બદલાવવો  જોઈએ નહિ? તમને છોકરી વાળાઓને બહુ ગમશે ને? ‘ સોલિસિટરનો આ પ્રશ્ન હતો કે પડકાર? દલીલ બાજીમાં એક્કા એવા સોલિસિટરને હંફાવવો એટલું સહેલું તો ન હોય.  એમનો ઈશારો અનાવિલ સમાજના  સદીઓથી ચાલ્યા  આવતા  વાંકડાના  રિવાજ તરફ હતો.

છોકરીવાળા છોકરાના કુટુંબને રોકડ રકમ અને બીજી ભેટ સોગાદો આપે, ભલેને પછી છોકરીના બાપનું ગજું હોય કે ન હોય. સમાજ સુધારકોમાં ચર્ચા તો બહુ થતી પણ કોઈ પહેલ કરતુ નહિ.

સતીશે ઊંડો શ્વાશ લીધો, ‘ હવે જો વાંકડા સુધી વાત પહોંચી ગઈ છે તો …..’

‘ જુઓ, ભીખુએ તમારી છોકરી સાથે લગ્ન કરવા કે નહિ, ક્યારે કરવા અને વાંકડાની માગણી કરવી કે નહિ એ બધું મારા હાથમાં નથી. મેં તમને પહેલાં પણ ચોખવટ કરી હતી. હું એમાં કોઈ ભાગ ભજવવાનો નથી.’ દયાળજી આ ચર્ચાને લઈને થોડા ગુસ્સામાં. એમણે કપાળ  લૂછ્યું.

‘ … તો એ વ્યક્તિ કોણ છે. સાહેબ?’ ડોકટ દેસાઈ વારે એ પહેલા સતીશે વળી લંગર નાખ્યું. 

‘ મારી મોટીબહેન જમના, ભીખુની માં – બારડોલી નજીક સરભોણ ગામે રહે છે એ’ સાહેબે ટૂંકમાં પતાવ્યું.

ડોક્ટર દેસાઈ અને સતીશ દેસાઈને જવાબ મળી ગયો. બેમાંથી એક્કેયને ભાન  ન હતું  કે જમના એ કેવી માયા હશે  એની સાથે વાતનો નિવેડો લાવવો એ લોઢાંનાં ચણા ચાવવા બરાબર હતું. 

એ લોકો દયાળ મેનશનમાંથી બહાર નીકળ્યા ત્યારે  ધીમો ધીમો વરસાદ શરુ થઇ ગયો હતો. સતીશ ચમક્યો. નવસારી ઇલાકામાં પણ જો ઝાપટું આવે  તો વાવાઝોડાંથી કેરીના પાકને અનહદ નુકસાન થાય. 

આવી મહત્વની ચર્ચામાં ભીખુ, જેને લઈને વાત ચાલતી હતી, એણે કોઈ ભાગ ભજવવાનો ન હતો! એ તો એમ જ હોય! લગ્ન જેવા ગંભીર વિષયમાં મોટેરાં જાણે. અને પ્રેમલગ્ન? કોઈ સવાલ જ ન હતો. પેમલા પેમલી, ને એવું બધું હોલીવુડનાં પિક્ચરમાં આવે!

ભીખુને  જે કઈ કાને પડ્યું એ પરથી લાગ્યું કે વાત એનું ચોકઠું ગોઠવવાની હતી અને આજે એ વાતનો નિવેડો આવ્યો ન હતો. દયાળજી સોલિસિટર આમ તો પાક્કા આધુનિક વિચારશૈલીના હતા પણ જમના મોટીબેનની સાથે બાથ ભીડવાનું એમનું ગજું ન હતું. એની પરવાનગી વગર ભીખુના ભવિષ્ય જીવન વિષે કોઈ ફેંસલો  ન લઇ શકાય. 

ભીખુની મનઃ સ્થિતિ કોને સમજાય? એને આગળ વધીને   અનાવિલ સમાજમાં ભાગ્યે જ હોવા મળતા ડબલ ગ્રેજ્યુએટ થઈને પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવવી હતી. હા, અને પેલી લીલી સંગ કોલેજમાં ગુફતેગો ! એમ. એસ. સી.માં દાખલો લે  તો જ તો ! જીજાએ મોટામામાને રાજી કરવા પડે. પેલી બાજુ જમનામાંને વ્હારુ  આવે અને ભીખુના લગનને માટે તૈયાર થઇ ગઈ તો? છોકરાની માં એટલે વહુ ઘરમાં વાવે તે ખુશ તો થાય. અને લીલી? એ શું કહેશે? જમના માંની જેમ એને પણ પોતાનું મગજ હતું, કોઈની સાડીબાર ન હતી એને. ભીખુને ગલગલિયાં થવાં લાગ્યાં! શું એને ભીખુની લાગણીનો ખયાલ હતો? શું એને  ભીખુ માટે લાગણી હતી?

‘કોકડું ગૂંચવાયેલું,’ ભીખુ સ્વગત બબડ્યો. 

વરણગામમાં લલી મેરબાઈના દર્શને જવા તૈયાર. પૂનમની રાત હજી દૂર, ચાંદો આકાશમાં પૂરબહારમાં ખીલ્યો હતો. કાકુજી સતીશ ભાઈ સાથે મુંબઈ જઈને કોઈને મળી આવ્યા એવી આછી આછી ખબર હતી પણ વિગતને નામે મીંડું.  કાકુજીને એ વિષે પૂછાય વળી? ધીરુ અછબડામાંથી માંડ બેઠો થયો હતો. સાચું જોઈએ તો લલીના ચહેરા પર અછબડાના મામૂલી નિશાન રહી ગયાં હતાં. ઈચ્છાફુઈ  લલીના ચહેરા પર તણાવના ચિન્હ જોતી પણ એ શું કરે? છગન અછબડાથી બચી ગયો હતો પણ હરિજન વાસમાં એક નાનો  છોકરો ગુજરી ગયો હતો. મોહનિયાની ભવિષ્યવાણી સચોટ!

મોહનીયો એક ધ્યાન મુદ્રામાં આસાન જમાવીને બેઠો હતો, સામે મેરબાઈની સુંદર મૂર્તિ, ઝગારા મારતા વેશમાં.  એની આંખો અર્ધખુલ્લી  પણ લલીને વિક્ષેપ પાડવાનું ઉચિત નહિ લાગ્યું. પૂજાને અંતે  મોહનીયો વાંકો વળીને નમ્યો.

હવે મોહનીયાએ લલીને જોઈ. થોડી વાર તો એને લાગ્યું કે મેરબાઈ પોતે લલીના  સ્વરૂપે હાજરહજૂર સામે હતી. એ આ શું જોઈ રહ્યો હતો? ઉપરથી પીપળાના પણ ખર્યાં – એક પાન લલીના વાળમાં ભરાઈ ગયું.

‘પ્રણામ,’ લલીએ આ જીવતા જાગતા જુવાન સંતને જોઈને ધન્ય થઇ ગઈ.

‘લલીબેન, મને આવાં પ્રણામ કરીને ક્ષોભની  લાગણી થાય છે, એવું ન કરો મહેરબાની કરીને. હું કઈં ઉમરમાં  એટલો મોટો નથી, કે નથી હું ઈશ્વર’

લલી કઈ બોલી નહિ.

મોહનીયાના નાના છોકરા જેવા ચહેરા પર એક દૈવી સ્મિત. 

‘બોલો, તમે કેમ અહીં પધાર્યા, બેન?’

લલીએ બે હાથ જોડેલા રાખ્યા અને કહે,’ ધીરુ બચી ગયો એટલે હું મેરબાઈનું ઋણ અદા કરવા આવી.’

વાળમાં ફસાયેલું એકનું એક પાંદડું ઉડીને જમીન પર આવી ગયું. 

‘અને બીજું કઈં? ‘ મોહનીયો સૂચક નજરે જોવા લાગ્યો.

‘કૃપા કરો મેરબાઈ મારા પર. મને લગ્ન કરી લેવાનું સખત દબાણ છે.’ લલીએ હાથ ફેલાવ્યા.

મોહનીયાનું મોઢું ધીર ગંભીર, ‘ જુઓ હું કઈ ઈશ્વર નથી, હું છું ફક્ત મેરબાઈ દેવીનો ભક્ત. એને જ્યારે યોગ્ય લાગે ત્યારે મને દોરવણી આપે છે. હું ફક્ત સવાલ પૂછું. દેવી મારી લાગણી, મારા વિચાર અને ગામના સૌ ભક્તોના વિચાર  સમજી જાય. હું કેવળ નિમિત્ત માત્ર છું…’

‘પરંતુ…’ લલી વચ્ચે  બોલી ઉઠી.

મોહનીયાએ દરકાર કર્યા વગર બોલવાનું ચાલુ રાખ્યું, ‘ આ બધું કક્ત પૂનમની રાતે જ થાય છે. એ કેમ એવું છે એ મને ખ્યાલ નથી. ધીરજ ધરો. તમારી અને મારી ભક્તિ ઊંડી હશે તો પૂનમની રાતે એ આપણને રસ્તો સૂઝાડશે. દેવીના રસ્તા ન્યારા છે, એને કોઈ ન પામી શકે’

લલી અટકી નહિ, ‘ પણ ગોપાલ નું શું? એ તો તારો સગો ભાઈ છે. તારા બાપુને રોજ કકળતા નથી જોઈ શકતો ?કેટલો હૃદયહીન છે તું? ચાર ચાર વર્ષના વહાણા વીતી ગયા, છે એના કોઈ સગડ? સંદેશો ? એ ક્યાં છે? કેવી હાલતમાં છે? પાછો ફરશે કે નહિ? તારી દૈવી શક્તિને કામે લગાડ અને શોધી કાઢ એને? શી કામની છે એ બધી શક્તિઓ જો તું તારા જ કુટુંબના દુઃખ દૂર ન કરી શકે? શી કામની એ ભક્તિ?’ 

લલી બોલતાં બોલતાં થરથરી ઉઠી. 

હંમેશ મુજબ મોહનીયો સ્થિતપ્રજ્ઞ, ન એણે પ્રકોપ ઠાલવ્યો ન કોઈ આકરાં વેણ એના હોઠ પર. 

સમતા જાળવી, એણે પ્યાલામાંથી થોડું પાણી પીધું. અને લલીની આંખોમાં આંખો સ્થિર  કરી ધીર ગંભીર અવાજે બોલ્યો,

 ‘બેન, હું સ્વાર્થી નથી, મેં મારુ જીવન મેરબાઈની ભક્તિમાં સમર્પિત કર્યું છે. મેરબાઈ મારું સર્વસ્વ અને એ મારી આરાધ્ય દેવી. તને કેમ એવું લાગે છે કે મેં મારા ભાઈ ગોપાલ માટે કઈ કર્યું નથી. દુન્યવી સંબંધો બધા ખોખલા હોય. બ્રહ્માંડના સ્વામી નક્કી કરે કે આપણે ક્યાં જન્મ લઈશું અને કોણ હશે આપણા  ભાઈ ભાંડુઓ. લલીબેન, આપણે બધા એમના પ્યાદાં સમજો. ચિડીયાપણું છોડો…’ 

મોહનીયાએ  થોડું અટકીને આજુબાજુ કોઈ છે નહિ ને એની ખાતરી કરી,

‘ગોપાલ અહીં આજુબાજુ છે અને યોગ્ય સમયે આપણી વચ્ચે પ્રગટ થશે. એના પૂર્વ જન્મના કર્મોને  આધારિત એ જીવી રહ્યો છે. આપણા બધાંની  જેમ એના જીવનનો પણ એક હેતુ છે જે એ પરિપૂર્ણ કરી બતાવશે. લાગણીઓમાં તણાઈને આપણાથી  એમાં દખલ નહિ દેવાય. જુઓ લલીબેન, હું તમને મારા મોટાબેન માનું છું એટલે મેં જે તમને હમણાં કહ્યું એ મહેરબાની કરીને કોઈને કહેતા નહિ. વચન આપો કે આ વિષે કોઈને કશું કહેશો નહિ.’  મોહનીયો ભાવવિભોર થઇ ગયો હતો.

લલી એકદમ સ્તબ્ધ! મોં પર હાથ મૂકીને એણે જાતને મહામહેનતે લથડતાં રોકી. 

ગોપાલ આટલામાં જ છે, ક્યાં છે?  કેવી હાલતમાં છે? શા માટે બધા વચ્ચે નથી આવતો? 

લલીએ સીધી દોટ મૂકી, ઘેરે જઈને પથારીમાં પડીને ડૂસકે ડૂસકે રડી લીધું.

xxxxxxxxxxxxxxxxxx

પ્રકરણ ૧૭ : વિફરેલી જમના

સરભોણ ખાતે જમનાને ઘેરે  સોનેરી સૂરજ ઉગ્યો – એનો લાડકો ભીખુ બી એસ સી માં પહેલે નંબરે પાસ થઇ ગયો અને તે પણ મુંબઈમાં !  પહેલો વિજ્ઞાનનો ગ્રેજ્યુએટ થઈને ભીખુએ સરભોણમાં ઇતિહાસ રચ્યો! 

‘અલી કાશી, હૂં કયરા કરે તૂ ક્યારની? ચાલ ચાલ, આખા ગામમાં મીઠાઈ વહેંચવાની છે વહેલી.’ જમનાએ કાશીને તાકીદ કરી.

‘જો ની, જો ની, મારા ભીખુએ મારું નામ ઉજાયરુ.’ કહીને આંખ  બંધ કરીને, બે હાથ જોડયા અને  આકાશ તરફ ઉપર શ્રધ્ધાથી દ્રષ્ટિ, ‘ ઠાકોર જી ની જે’.

મોકો જોઈને પાડોશી નાથુ ડોકાઈ ગયો, ‘ તે જમના બેન, હવે તો તમે ભીખુની  વ્હો લેઇ જ આવો.’ હજુ ગયે અઠવાડીએ જમનાએ એને તતડાવેલો તે ભૂલી ગયો. 

જમનાએ નાથુના ધ્રૂજતા હાથમાં મીઠાઈનો ટુકડો મૂકી દીધો – એજ હાથ જે જમનાને પકડમાં લેવા તરસતા હતા.

‘ખવાહે કે તમારથી કે ખવડાવું? ‘ જમનામાંએ વ્યંગમાં પૂછ્યું.

બિચારો નાથુ શરમનો માર્યો. લાકડી લઈને ચાલતો પાછો ફરીને પોતાના ઘેરે જવા લાગ્યો. ક્યાં એ પહેલાનો નાથુ અને ક્યાં આ બિચારો!

નાથુની વાત  જો કે મુદ્દાની હતી.  ઉંમર  થાય એટલે છોકરો કે છોકરીને  પરણાવી દેવામાં ડહાપણ હતું. ખરી આબદા છોકરીઓના માં- બાપ માટે  હતી. ભીખુ જેવા ખૂબ ભણેલા છોકરા માટે  આવા ઘણા માં-બાપ ટાંપીને  બેસી રહ્યા હશે. પડાપડી થવાની હવે. જમનાના મુખ પર એક ગર્વિષ્ઠ સ્મિત.

ભંજાતું થાય એ પહેલા તો ગામ આખું જમનાને ત્યાં વધાઈ આપવા આવી ગયું. ચરીને પાછા આવી રહેલા ગાય ભેંસના ધણ જોઈને  જમના માંના સ્મૃતિપટ પર દ્રશ્ય ઉપસી આવ્યું  – ભીખુ જન્મ્યો ત્યારે આમજ ડમરી ઉડાડતું   ધણ પાછું ફરી રહ્યું હતું. પ્રસૂતિની  પીડા એને બરાબર યાદ હતી, મોરાર ચિંતામાં આમ તેમ આંટા મારતો રહ્યો, મગજમાં એક જ વાત કે જમના અને બચ્ચું બેઉ  આ સ્થિતિમાંથી વહેલાં સુખરૂપ બહાર આવી જાય. આજે મોરાર હયાત હોતે તો? જમનાએ આંખ લૂછી.

જો કે જબરી જમના આવી પોચકી મનોસ્થિતિમાં લાંબો વખત રહીને સહાનુભૂતિ મેળવે એ વાતમાં કાંઈ માલ ન હતો.

હજુ મુબારકબાદ કરીને લોકો ઘરની બહાર નીકળ્યા ત્યાંતો બે અજાણી વ્યક્તિઓ બારણા પર દેખાઈ. 

એમાંનો  એક પુરુષ ચાલીસેક આસપાસનો  હશે જયારે ધોતિયું   પહેરેલ બીજો થોડો પ્રૌઢ દેખાતો હતો.

જમના ચહેરા પર એક આછું સ્મિત લઇ લાવી, ‘ તે તમે સરભોણના જ કે….?’

જમનાનો ઠાઠ જોઈને સતીશ દેસાઈ  પામી ગયા હતા કે એ જબરી માયા હતી. 

વિનમ્રતાથી બે હાથ જોડી એ કહેવા લાગ્યા,’ ના બેન, અમે ગણદેવી તાલુકાના વરણગામના,  હું ખરેખર એની હમભેના  તલિયારા ગામનો.’ કહેતાં કહેતાં એનો હાથ પશ્ચિમ તરફ લંબાયો.

ભગુકાકાએ વાતમાં ઝંપલાવ્યું,’ જાણે અમે બેઉ એક ખાસ કામે આવલા છે. અંદર આવીયે ?’

જમનાએ અંદર આવવાનો ઈશારો કર્યો, ‘ કાશી, અરે ઓ કાશી, જરા પાણી લેઇ આવ તો’ જમનાના અવાજની તીવ્રતા ભારે હતી પણ વાત મિત્રતા પૂર્ણ હતી – હજુ સુધી.

બેઉએ જોડા બહાર કાઢ્યા, અંદર આવીને આદરથી એક સાદા ખાટલા પર બેઠા. સામે એક નાના ટેબલ પર પગ પર પગ ચડાવીને જમના ઘડી ઘડી માથા પર સાલ્લો સરખો કરતી હતી. 

એનું મગજ હંમેશ મુજબ દોડવા લાગ્યું, ‘ આ લોકો ભીખુ બી એસ સી પાસ થઈ ગીયો એનો હરખ કરવા આયવા કે હૂં?’

‘ હારુ તમારા ભીખુભાઈએ તો સરભોણમાં ડંકો વગાઇડો ડંકો. અરે, માજી, આખા અનાવલા જગતમાં વગાઇડો, બધું અનવલું ખુશ હેં! ‘  

જે બોલાઈ ગયું તેમાં  કાચું તો નથી કપાઈ ગયુંને,  એવા મૌન પ્રશ્નથી સતીશે ભગુભાઈ સામે જોયું. 

‘અરે રોટલો લાખજો કોઈ’ બહાર વરંડાના ઓટલાની નીચેથી ફળીયામાંથી એક  તીક્ષ્ણ અવાજ.

જમનાએ મોઢું ફેરવ્યા વગર કાશીને પાછી બૂમ મારી, ‘ જો તો કાશી પેલાને એક રોટલો લાખ વહેલો, ખોટે ટાઈમે જ આવી ચડે !  બો દુઃખી કયરા કરહે એ પ્રજા.’ કહેવાતા નીચલા વર્ણનો એક પુરુષ, કાકલુદીભર્યા સવારે રોજના ક્રમ મુજબ રોટલો માગે. એક ઘડી જમનાની તીખી નજર એ તરફ.

‘….. ને કાશી, જો જે પાછી તારો હાથ રોટલો લાખતાં એના થેલાને ની  અડી જાય, ની તો આ લોકને ચા આપતાં પહેલાં પાછું નહાવું પડહે’ 

કાશીએ બધું સિફતથી પાર પાડ્યું.

‘મૂઆ, ચાલ જા હવે, મારી હામે જોયા હૂં કરે?’ પેલો બિચારો જેવો રોટલો મળ્યો એટલે ખસી ગયો. 

‘તે તમે ભીખુનુ હૂં કહેતા ઊતા?’ માજીની નજર અકળાવે એવી.

હવે બાજી ખોલ્યા વગર છૂટકો ન હતો.

ભગુભાઈએ કહેવા માંડ્યું, ‘ મારા મોટાભાઈ વહનજી, વરહોથી નિહારના  હેડ માસ્તર; તેની એક પોરી લલી,  ભણેલી ગણેલી, ઘરકામમાં ઉશિયાર ને સંસ્કારી… એને હારુ અમે મૂરતિયો હોધતા. હોધતા આટલે આયવા.આપણા ભીખુભાઈ હાથે એનું કાંઈ ગોઠવાઈ જાય….’ ‘

સતીશ કાંઈ પાછો પડે? ‘ જુઓની ભીખુ બો ભણેલો ને લલી હો ફાઇનલ પાસ. બો ફક્કડ છે જોડું..’

જમના માંએ ધીરે રહીને, પોતાના સાલ્લાને છેડે વીંટાળેલી તપકીરની ડબ્બી કાઢી, ખોલીને એક ચપટી તપકીર કાઢીને એક પછી એક બેઉ નસ્કોરામાં સડાકો મારતાં ખેંચી, પલ્લું  માથા પર પાછો સરખો કર્યો, આંખ ઝીણી કરીને,

‘તે તમે ….. ક્યે ગામેથી આયવા ?- હારુ મેં તો કોઈ દા’ડો નામ હો ની ની હામભરેલું  – હં…. વરણગામ, કેં ? એટલે દૂરથી આયવા તે થાકેલા ઓહે….. ભૂખા હો થેલા ઓહે!’ 

વાક્યે વાક્યે  પ્રહાર – હવે મલો અસલી જમના માંને!.

વાતે વાતે છોકરીના પક્ષને નીચા દેખાડવાની પ્રથા સામાન્ય હતી પણ જમના માંએ તો અત્યારથી હદ કરવા માંડી. સમસમીને બેસી રહ્યા બેઉ, કામ પાર પાડવાનું હતું.

‘પોરીના બાપ પાહેં કેટલોક પૈહો, જમીન, હવેલી કાંઈ ઓહે ને?’ જમનાએ બીજું તીર તાક્યું.

‘હા હા, વહનજી પાંચમાં પૂછાય એવા, ચીકુ કેરીની વાડીઓ, ગામમાં હવેલી, ઇજ્જતદાર માસ્તર …જેવા તેવા ની’

કાશીએ આવીને ચા નાસ્તો એક બાજઠ પર ગોઠવ્યા.

‘ પોરીની માય?’

‘ભગવાને એને બહુ વહેલી બોલાવી લીધી. બહુ ભલી, ધાર્મિક વૃત્તિવારી, બાઈ – આખા સંયુક્ત કુટુંબને એક તાંતણે પરોવી  રાયખું.’ સતીશ બોલ્યો.

‘હાસ્તો વરી, ભગવાન એના આત્માને શાંતિ આપે. ચાલો બો હારુ. એનો બાપ – વહનજી જ ને ?  – ફરી લગન ની કર્યા ? ને…. લાલીના કોઈ ભય બેન ખરા કે ની?’ જમનાની કાર્યવાહી એક ચીવટવાળા પોલીસ ઇન્સ્પેક્ટર જેવી.

‘હા હા, એક જોડકાં ભાઈ બેન છે પણ એ તો બો નાલ્લા – બો ડાહ્યા  પણ;  લલી એને બો વહાલ કરે.’ ભગુને પોતાને થયું કે શા માટે એ વધારે પડતી માહિતી આપ્યે જતા હતા? જેટલું વધારે બોલીયે એટલું વધારે ભેરવાઈએ. પણ હવે ઘણાં તીર છૂટી ગયા. જમાદાર પાકો હતો!’

‘એમ? તો તો પોરી લલી હો બો ડાહી ઓહે કેમ? ‘ વ્યંગની હારમાળા.

‘ભાઈ ચાય ઠંડી પડી ચાલી. લેવની?  મારો ડાહ્યો ભીખુ મારા સોલિસિટર ભાયની નજર હામે મુંબઈ રિયો, ભયણો  અને ગ્રેજ્યુએટ થયો. સોલિયટર દયાળજીનું નામ તો તમે હામભર્યું જ ઓહે. આ તો વાત નિકરી એટલે કેઉં કે ભાય પાહેં ઑફર આવવા માંડેલી છે, કોઈ તમારા ગમીના ગામવારા સતીશ દેસાઈ આવીને અલપ ઝલપ ઓફર મૂકી હો ગિયા.’

‘એ સતીશ દેસાઈ એટલે ઊંજ ને? ‘ સતીશ ખવરી પયડો પોતાનું નામ હામભરીને. 

‘મને તો બો યાદ ની રે.’ જમનાએ એને બહુ કોઠું નહિ આપ્યું અને અટકીને બોલવા માંડી, ‘ તમે જરા હમજો, મારો પોયરો લાખમાં એક, દેખાય હો ફાંકડો, બો હિધો પોયરો, એ ભલું ને એનું કામ ભલું. ઓફર તો એને હારુ એટલી બધી આયવા કરે… તમે વાત જવા દેવ. ને બધી ઓફર મોટા મોટા ઘરની,  હેં…’

ભગુને ખાંસી ઉપડી એટલે જમના જરા અટકી.ભગુએ ધોતિયાના છેડાથી મોઢું લૂછ્યું અને બોલા, ‘ અમારી હો ઓફર જ છે. હવે આપણે આ વાત ચાલુ રાખહું. અને ખાસ વાત એ છે કે તમારે વાંકડા બાબત કોઈ ફિકર કરવી નહિ. અમે બધા ભાયે  સદ્ધર છે અને તમારી કોઈ પણ માંગને પહોંચી વળશું.’ 

આટલું બોલતા બોલતા ભગુને ખાંસીનો છેલ્લો વાયરો આવીને શાંત.

‘તે મારા આ અમૂલ રતનને હારુ   કેટલાક પૈહા આપવાની તૈયારી છે  એ તમારા  કુબેર ભાયની? ‘ જમનાનો સીધો ધારદાર સવાલ.

જમનાને આવા  સોદામાં મહાત કરવી એ અશક્ય હતું. 

‘નવસારીની  બસ પકડવાનો ટાઈમ થઈ ગીયો તો હમણે અમે જીએ ને  પાછાં મલિયે ?’ 

પૈસાની બાબતમાં કાચું કપાઈ જાય તો એ પણ ઉપાધિ હતી. એ લોકો ન છૂટકે ઉભા થઇ ગયા.

‘પછી એમ નો કેહતા કે રેહી ગિયા, રતન જેવો પોયરો હાથમાંથી નિકરી ગીયો. હાંજે ખાયને જજોની હવે?’ જમનાની તદ્દન પોકળ પરોણાગત અને બેઉની ઠેકડી ઉડાડી એ અલગ!

‘ફરી મળવાનું થહે ને ત્યારે’ કરીને બેઉ ઉઠ્યાં. 

”ફરી મળવાનું થાય તેની રાહ જોયા કરો હવે’ જમના ગાંજી જાય એવી ન હતી. દલીલે દલીલે તેજોવધ કરી નાખ્યો બન્નેનો.

નવસારી સુધીની બસની મુસાફરીની ઉબડખાબડ સડકની   હાલકડોલકમાં ભગુ કાકાના લાખ પ્રયત્ન છતાં ઝોકું ન આવ્યું. 

ભગુકાકાને નિરર્થક ચવરતા જોઈને સતીશે પૂછી પાડ્યું, ‘ કાકા હૂં લાગે તમને?’

‘સંઘને કાશીએ પહોંચાડવા દૈવી કૃપા જોઈએ’ 

‘ ઊં હો તેજ વિચારે ચડી ગેલો. હારી ડોહીએ ઘાટ ઘાટનાં પાણી પીધલાં  છે. જલ્દી બાટલીમાં આવે તેમ નથી. વરણગામને એના પહેલાં ગ્રેજ્યુએટ જમાઈને હારુ રાહ જોવી પાડવાની’ સતીશે એક મોટું બગાસું ખાધું.

નવસારો બસ ડીપો એ બસ લાંબો ટાઈમ ઉભી રહેવાની હતી. બસના નવા મુસાફરોની  કંડક્ટર સાથે  રિઝર્વેશન બાબત ઉગ્ર ચર્ચા ચાલતી હતી ત્યાં થોડું અચરપચર ખાઈ મૂક્યું. નવા મુસાફર ચડી ગયા એટલે બસે તો મારી મૂક્યું. વળાંક આગળ એક નાનકડું  દેહરૂ દેખાયું એટલે ભગુ કાકાએ અંદર બેઠાં બેઠાં હાથ જોડી મૂક્યા. 

અચાનક ભગુકાકાને વિચાર ઝબક્યો. ‘ ચાલની દોસ્ત, આપણા મોહનિયાને પૂછીએ, એ કે દા’ડે કામમાં આવહે?’ 

મોહનીયો  હવે આજુબાજુ ના ગામોમાં પંકાઈ ગયો હતો.

‘ હં, ‘ ઝડપથી પસાર થતી લીલોતરીને જોઈ સતીશે નવો ડપકો મૂક્યો, ‘ એમ તો પેલા તલિયારાવારા   બાબા હો ચાલે, એ હો બો જ્ઞાની છે હેં?’ 

આખરે બસ ગણદેવી બસ ડીપોએ આવીને ઉભી રહી. સતીશ અને ભગુકાકા, થાક્યા પાક્યા અને ભૂખ્યા ડાંસ, અધૂરામાં પૂરું ભારી વરસાદ ત્રાટક્યો. ગણદેવીથી વરણગામની સડક કાદવ કાદવ, કાંઈ સરખું દેખાય પણ નહિ., આંખે  રસ્તે તમરાંનું કંટાળાજનક ગાન. એમણે જેમ તેમ એ રસ્તે ચાલવા માંડ્યું. 

‘ભગુકાકા, જરા હાચવીને હેં, ‘ સતીશે કાકાને ચેતવ્યા.

અચાનક એ લોકોએ જોયું કે વરસતા વરસાદમાં સામેથી એક સવારી ગાલ્લી ધીરી ધીરી આવ્યા કરે. નજીક આવી તો લાગ્યું કે અંદર કોઈ દર્દીના  કણસવાનો અવાજ આવતો હતો. ગાલ્લીના હાંકનારે ફાનસ આગળ ધરીને જોવા પ્રયત્ન કર્યો કે આ બે કોણ હતા. અંધારામાં કાંઈ સ્પષ્ટ દેખાય નહિ અને વરસાદ તો દેમાર દેમાર..

‘અરે ભગુકાકા કે? આવી રાતે તમે અહીંયા કાંથી? ‘ 

‘અમે તો …. હરભોણ ગેલા, તાંથી પાછા ફરીએ. આ ગાલ્લી કોની ને અંદર કોણ? હૂં થિયું ? ‘ 

બંધ ગાલ્લીની અંદરથી કોઈ ડોકું કાઢ્યું. આ તો જીવણલાલ!

‘કેમ હૂં થિયું જે જીવણ ‘ પોતાના ભાઈને તકલીફમાં જોઈને ભગુકાકાનો થાક એકદમ ગાયબ.

‘અરે વાત જવા દેવ. રૂખીને હુવાવડનો ટાઈમ આવી ગીયો ને બૂમ તો બૂમ પાડે- બો દુ:ખે બો, દુ:ખે. મારી હારી ગામની દાયણ હો માંદી …’ કરું. હું  બિચારો એકલો મયથા કરું.’

‘પછી? ‘

‘પછી હૂં? એને ગણદેવીના ડાક્ટર પાહેં લેઇ  જવી પડે એમ ઉતું’  જીવણલાલના બોલવામાં લાચારી.

‘તે અમે આવીયેને હાથે? તું એકલો કેમ કરીને બધું હાચવવાનો? ચાલ’ કરીને બંને ગાલ્લીમાં બેસી ગયા અને મારી મૂક્યું  ગણદેવી તરફ.

એ લોકો મધરાતે ગણદેવી હોસ્પિટલે પહોંચ્યા. ઝાંપે ચોકીદાર બેન્ક મેનેજરને જોતાં વહેલો વહેલો ઉભો થઈને  ગાલ્લીને અંદર આવવા દીધી. ઇમર્જન્સી હતી એટલે હોસ્પિટલની નજીક રહેતા ડોક્ટ ભમગરાને તાકીદે બોલાવી દેવામાં આવ્યા.  ડોક્ટરની મદદમાં ગણદેવીની એક દાયણ આવી અને બેઉએ મળીને ચીપિયા વડે બચ્ચું બહાર કાઢ્યું. 

‘શુકલેશ્વર મહાદેવની જે’ નવા જન્મેલ બચ્ચાંના રડવાનો અવાજ સાંભળીને જીવણલાલ ખુશીથી પોકારી ઉઠ્યો.ભગુકાકા અને સતીશે પણ ભાવથી હાથ જોડ્યા.

ડોક્ટર ભમગરા ગણદેવીના એક માત્ર વિલાયતી ડોક્ટર,  બદ્ધુ  જાણે – સામાન્ય શરદી, ખાંસી  તાવ, પછી સૂવાવાડ, અરે જરૂર પડ્યે મનોચિકિત્સક પણ! એનું ડોક્ટરી સર્ટિફિકેટ દીવાલ પર રૂઆબથી  ટાંગેલુ, એની બરાબર પાસે હિપોક્રેટિક ઓથવાળું બોર્ડ તો હોય જ.  ડોક્ટર ભમગરા જયારે દર્દીને તપાસવા સ્ટેથોસ્કોપ મૂકીને ધબકારા સાંભળતા હોય ત્યારે એમનો ચહેરો કાયમ ફીકો પડી જાય- કોઈ ભાવ નહિ !  ચહેરો જોઈને કોઈને ખયાલ ન આવે કે દર્દીની હાલત ઠીક  છે કે પછી? દર્દીને આમ તપાસીને એ ઉભા થાય, નાનકડા વૉશ બેસીને ધીર ગંભીર ચાલે જાય અને કાર્બોલિક સાબુથી વીસ સેકન્ડ હાથને બરોબર મસળી મસળીને સાફ કરે, ને પોતાની તૂટુ તૂટુ રિવોલવિંગઃ ખુરશી પર બેસી જાય એ પછી જ નિદાન આપે – ત્યાં સુધી દર્દીના સગાં વહાલાઓએ શાંતિ  રાખવાની !

‘ડોક્ટર કાંઈ કેવ તો ખરા ‘ જેવા ક્ષુલ્લક પ્રશ્નોનો  જવાબ આપવાનું ઉચિત નહિ સમજે જ્યાં સુધી ઉપર મુજબની પ્રક્રિયા સમાપ્ત ન થાય.

ગણદેવી આખામાં ચાર પૈંડાં વળી એકની એક ગાડી તે ડોક્ટટ ભમગરાની. એ પણ આજે વરસતા વરસાદમાં રિસાઈ ગઈ – ચાલુ થવાનું નામ નહિ લે. અધૂરામાં પૂરું, ડોક્ટર સાહેબની બૈરી  મેલેરયામાં પટકાયેલી. 

ડોક્ટરે  સફળતાપૂર્વક ડિલિવરી કરાવીને કુળદેવી ખોડિયાર માંની મૂર્તિ સામે હાથ જોડ્યા. વરસાદ એટલો જોરમાં કે  ભગુકાકા અને સતીશે હોસ્પિટલમાં રાતે રહી પડવામા ડહાપણ માન્યું.

જીવનલાલે રાહતનો દમ લીધો એટલામાં  દૂર દૂરથી નાચ ગાનનો વિચિત્ર ઘોંઘાટ કાને પડ્યો. નક્કી એ ચમેલીભાઈનો  અડ્ડો ! એને યાદ આવ્યો પેલો  ઘટનાક્રમ, જ્યારે ભગુ ભાઈએ એને  દારૂ – સુંદરીની મસ્તી માણતો પકડી પાડ્યો હતો. યાદ કરતાં કરતાં ઊંઘથી ઘેરાયેલું એનું માથું ખુરશીની એક બાજુ ઢળી પડે અને દરેક વખતે જાગીને એની આંખો શુકલેશ્વર મહાદેવના મંદિરના ફોટા પર અનાયાસે સ્થિર થઇ જાય. એને લાગ્યું કે શુકલેશ્વર મહાદેવ ખિજવાઈને એની બેન્કની નબળી  ‘બેલેન્સ શીટ’ બતાવ્યા કરે. ભગવાન કેમ આટલા ખિજવાયેલા ? તે હોય જ ને? અવળે રસ્ત ચડી ગયેલ જીવણલાલ જાણતો હતો કે ટૂંક સમયમાં ઓડિટ વખતે  એનું ભોપાળુ બહાર આવવાનું છે. અરે બેન્કના બીજા એકાઉન્ટન્ટ લોકો એક બીજાને તાળી આપતાં  કાનમાં એ વિષે વાત કરતા દેખાય. 

રૂખી સુવાવડ વખતે દુઃખી થઇ એનો જવાબદાર જીવણલાલ પોતે. હે ભગવાન, હવે તો કોઈ ચમત્કાર જીવણલાલને બચાવે! 

મોહનીયો કેમ રહેશે એના બચાવ કામ માટે? એની આધ્યાત્મિક શક્તિથી જીવનલાલને બેન્કમાં નોકરી જે અપાવેલી! પાર્વતીવાળી જૂની વાત ભૂલી ગયો હોય તો સારું.

સવારે આકાશ ચોખ્ખું થઇ ગયું એટલે રૂખી અને નવજાત શિશુને  હોસ્પિટલમાં સારવાર માટે મૂકીને ત્રણેવ જણ વરણગામ જતા રહ્યા. 

કીકુભાઇના રાજકીય અસ્ત પછી વસન લાલાના  કુટુંબની ઈજ્જત વધી ગઈ હતી. કુટુંબના જીવણલાલને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો એમાં ગામ લોકો હિલોળે ચડ્યા. લલી બહુ ખુશ. ઘરમાં શુકલેશ્વર મહાદેવના  ફોટાને લૂછીને સાફ કર્યો, તાજાં ફૂલોનો નવો સુગંધિત હાર પહેરાવ્યો, કોડિયાંમાં ઘીનો દીવો સળગાવીને પોતાના નવા ભાઈને જોવા આતુર. 

ભગુકાકાને થયું કે લાવ અંબાવાડીએ આંટો મારી આવું કે વરસાદમાં કેરીને બહુ નુકસાન તો નથી થયું ને?  વાવઝોડામાં જો કેરી પડી જાય તો કેરીનો પાક ઓછો ઉતરે એટલે બજારમાં ભાવ ઊંચકાય. સાદું ગણિત. સદ્નસીબે  રડયાખડ્યા વાડીવાળાને બહુ નુકસાન ન થાય તો એ લોકોને ઘી-કેળા!  

સવારના પહોરમાં લલીને ભાઈ બહુ કામ; નાહી-ધોઈને ઘરમાં  સજાવેલ નાનકડા મંદિરે પૂજા કરવાની , રસોઈને લગતાં થોડાં  કામ પતાવવાના, એ પછી પાડોશી કીકુભાઇ – સવિતા કાકીને જોઈ આવવાનાં – કઈં જોઈતું કરતુ તો નથીને? 

બિચારા તબિયતે નબળાં અને હાથપગ બરાબર નહિ ચાલે એટલે પડોશી ધર્મ બજાવવો જોઈએ ને ? 

લલી જેવી બહાર વરંડામાં આવી એટલે સાંભળ્યો કીકુભાઇનો ઢીલો ઢીલો અવાજ.

‘લલી દીકરી, બો ઉતાવર ની  ઓય  તો જરાક આ ડોહા પાહેં આવે ?’

‘બોલોની, કાકા, કેમ એવી વાત કયરા કરે તમે? હૂં છે?’

‘બરી ગિયું બાબુનું આવન-જાવન મારા મનમાંથી ખહે ની? તને કાંઈ હ્મ્જાયું?’ 

‘ખરી વાત છે કાકા, બો જીવ બરે.  બાબુ જેવા ચોકહ, ને કામગરા માણહ હવે તો જોવાના હો ની જડે. તમે હૂંકા એની ફિકર કયરા કરે જે?  ઊં છે ને, તમારી સેવામાં’ 

‘તારી વાત હો હાચી ભાય પણ જે આપણી આજુબાજુ થઈ રહેલું છે એની  મને તો બીખ  પેહી ગેઇ  કે હારુ, કાંઈ ની થવાનું થવાનું છે? ‘ 

‘તમે છે ને, તે હવે એ બધી ફિકર મૂકો, શુકલેશ્વર મહાદેવ, ને આપણી મેરબાઈમાં શ્રદ્ધા રાખો. જોવની, કાલે શુકલેશ્વર મહાદેવે રૂખી કાકીને કેવાં બચાવી લીધાં ? મહાદેવની લીલા અપરંપાર. ‘ 

લલી સારી પેઠે જણાતી હતી કે એ જે રીતે કાકાને દિલાસો આપતો હતી એ એક જાતની જાત સાથેની  બનાવટ  હતી.  સ્થિતિ વિચિત્ર હતી. 

લલી પોતાના વિચારે ચડી ગઈ. ભગુકાકા ને  સતિષભાઈ સરભોણ જોઈને હૂં ભાંગરો વાટી આયવા તે કાકુજી ની બોલે. તાલિયારાવારા બાબાનું હો કાંઈ હમજાતું ની હતું. રામજીકાકાવારી બિચારી પાર્વતીની હાલત દા’ડે દા’ડે બગડતી જતી હતી – ગોપાલને યાદ કરી કરીને એ બો રડે, બો રડે ‘ 

‘ચાલ બો હારું ત્યારે , લલી,’ કરીને કીકુભાઇ વળી પાછા ઝોકે ચડી ગયા.

 કાળાં ડિબાંગ  વાદળો જાણે હમણાં તૂટી પડશે એવું લાગતું હતું, અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લલી નીકળી પડી  આ નઝારો નિહાળવા નદીના ભાઠાં તરફ, . નવોઢા થવાને તૈયાર એવી લલી આવી ભયાનક સવારે આમ એકલી નીકળી પડે? પણ લલી માટે અંબિકા એક નદી ન હતી પરંતુ  ગામના લોકોને પોષતી, ઉછેરતી એક દૈવી શક્તિનું સ્વરૂપ હતું. આ શક્તિનાં રૂબરૂ દર્શન કદાચ એના પ્રશ્નોનો ઉકેલ લાવી દે. 

નદીએ જવાની પગથી કાદવથી ભરેલી, લપસણી. કિનારે લાંગરેલી એક નાનીશી હોડી પૂરનાં રાક્ષસી તોફાનમાં  આમથી તેમ ફંગોળાતી હતી. કિનારાનાં વૃક્ષો ગાંડા થયેલા પવનમાં ઝોલાં ખાતાં ડરામણી રીતે  ડોલતાં હતાં. 

લલીની નજર નદીની વચ્ચોવચ એક વમળમાં ફસાયેલી  એક આકૃતિ  પર પડી. વરણગામના કિનારા તરફ આવતી  એ આકૃતિનું માથું ઘડીકમાં પાણીની સપાટી ઉપર તો ઘડીકમાં અંદર ગરક.  લલીને અચરજ અને અનુકંપા બંને ભાવ સાથે જાગ્યા.  સ્પષ્ટ દેખાતું ન હતું – એ કોઈ ફસાયેલી ભેંસ હતી કે પછી કોઈ બકરી? જાનવરના ધમપછાડાનો અવાજ આ તાંડવઃમાં લલી સુધી પહોંચે એમ હતો નહિ. 

વરસાદ ફરી તૂટી પડે એવા સંકેત હતા. લલીને ભારી વિમાસણ – જોઉં કે એ શું છે કે પછી ઘેર જવા નીકળી પડું? 

કુતુહલતાને દબાવીને એણે ઘર તરફ પ્રયાણ કરવામાં ડહાપણ માન્યું. કાકુજી બિચારા ચિંતામાં અડધા થઇ જશે. એક છેલ્લી નજર નાખી. તો  જોયું કે એ આકૃતિ ભાઠા સુધી પહોંચી ગઈ  અને તરત ભાઠામાં ફસડાઈ પડી. એ જે હોય તે પણ સખત થાક્યું હશે, પણ એ શું હતું?  કે  બરાબર બચી ગયું કે નહિ? વિગેરે જોવા લલી પાસે  ન તો સમય  હતો ન હિમ્મત. પ્રદેશમાં ઘણી વાર દીપડા જોવામાં આવતા. ના રે બાપા- ચાલો ઘેરે.

લલીએ ભલે એ ન જોયું પણ એ આકૃતિ ઉઠીને દોડી  વરણગામ તરફ!

                                     ****************

સરભોણ ખાતે, જમનાની કાશી  એક બહુ મઝાની, નફાકારક ઓફર લઈને આવી. આમ તો કાશી એક અનાવિલ જ્ઞાતિની સ્ત્રી હતી. એની હાલત પણ કઇંક અંશે જમનાની જેમ અરેરાટી જગાવે એવી હતી. એની એકની એક દીકરીને વર્ષો પહેલાં એક અતિ નમ્ર છોકરા સાથે પરણાવી દીધી અને ઉત્તર  હિન્દુસ્તાનમાં કોઈ જગાએ ઠરીઠામ થઇ હતી. વફાદાર કાશીનો  ખંતીલો  સ્વભાવ  જમનાને બિલકુલ માફક આવી ગયો હતો; જેમ કહે તેમ કર્યા કરવાનું અને નાનાં મોટાં મહેણાં – ટોણાંને નહિ ગણકારવા. જમનાને બીજું શું જોઈએ? 

જમનાને ખુશમિજાજમાં જોતાં  કાશી મંદ મંદ હાસ્ય કરતી આવીને ઉભી, ‘ જમના બેન તમને વાંધો ની હોય…., ની હોય  તો એક વાત કહેમ ?’ ખેતરમાં કામ કરતી મજૂરિયણની  જેમ સાડલો ઘૂટણ સુધી ખેંચેલો અને મરક મરક હસ્તી કાશીને જોઈ જમનાને રમૂજ થઇ. મલકાતી કાશીના મનમાં ન જાણ્યે કઈં કેટલાં દુઃખ ડોકિયાં કરવાની મથામણમાં.

‘ઠાકોરજી ની જે. તારા મનમાં હો કોઈ પંચાત કરવા હારુ ખાટી મીઠી  વાત છે કે હૂં?’ જમનાની ધારદાર નજરે  કાશીને વીંધી નાખી.

‘ખાટીમીઠી તો ની પણ , મેકુ  તમને ગમહે તેમાંજ …’

‘અલી કાશી, એમ વાત ગોર ગોર હૂં ફેરવ્યા કરે, અનાવલાની જેમ જે હોય તે  કેઈ  દે હિધી હિધી’ જમનાએ તપકીરની ડબ્બી ખોલીને એક સડાકો માર્યો.

કાશીને થોડી હિમ્મત આવી. પાસે આવીને કાનમાં જેવી કહેવા લાગી, ‘ વાત એમ છે કે તમે મારા પેલા હૂરતવારા ફુઆને ઓરખો ને?’

જમનાએ હાથ હલાવી જલ્દી આગળ વધવા ઈશારો કર્યો.

”તે ફુઆ તો  ભાય બો પૈહા વારા. એ ગુજરી ગિયા, ને બધ્ધી મિલકત એના એકના એક પોયરાને  નામે છોડી ગિયા’

‘ભાઈ તૂ  નકામો લવારો બો કરે. મૂળ વાત હૂં છે તે કેની વહેલી’

‘એ પોયરાની હો એક જ પોરી. તમને જો વાંધો ની હોય તો આપણા ભીખુની વાત એની હાથે ચલાવું?’ 

જમનાની આંખ પહોળી. ‘ તૂ હો બો જબરી હેં. અમારી પેલા વાડીગામ વારા હાથેની  બધ્ધી ખાનગી વાત તેં કાન માંડીને હામ્ભરી ઓહે!’ 

કાશી થોડી શરમાઈ. 

‘એવું ની મલે, જમના બેન’

‘તેં હો એ તારા ફૂયાતની પોઇત્રીને જોયેલી છે કે એમ જ? વાંકડો કેટલો લાવહે એ પોરી – મુદ્દાનો સવાલ જ એ છે.’

‘અરે હા… બો પૈહો ! બો એટલે બો! એ લોકો હો ભીખુભાઇ જેવો જ મુંબઈમાં ભણેલો પોયરો હોધતા છે.’ કાશી એકી શ્વાસે બોલી ગઈ.   

‘ચાલ તૂ હવે બો ખવરી નો પડ. ઑફર તૂ  લાવે તેં ની ચાલે. એ લોકોએ અહીંયા વાજતે ગાજતે આવીને ઓફર મૂકવી પડે, હમજી?’ 

કાશી જરા ખમચાઈ.

‘હારુ તો હું એ લોકોને કાગળ લખીને આવવા કહેવા’

હવે કાંઈ વાત પાટે ચડી. જમનાના ચહેરા પર સંતોષનું હાસ્ય. 

‘જો જે, હાથે કહેજે કે એક જબરજસ્ત મોટરમાં આવવાનું, થોડા મોભાદાર હગાં હો આવે. મારો પોયરો કોઈ જેવો તેવો મૂરતિયો  નથી. વાડીગામના ગાંડા જેવાં લોકો આવીને અલપ ઝલપ ઓફર મૂકી જાય તે ની ચાલે.’ જમનાની શરત બંધનકર્તા. 

‘એ હારુ, જમનાબેન,’ ખુશીમાં પાગલ  કાશી હવે ખેલમાં સામેલ.

                           *****************

બીજે દિવસે વરણગામમાં વરસાદનું જોર થોડું નબળું પડ્યું. અંબિકા નદીમાં પૂર ઓસરવાં માંડ્યાં. વાદળની ગડગડાટી જો કે ચાલુ. રામજીકાકાને ઘેર પાર્વતીને ભાસ થયો કે કોઈ દરવાજો ખટખટાવી રહ્યું છે. 

ભારે પવનને લઈને બારણું હચમચી જતું હશે? કે પછી બહાર કોઈ ઝાડ પડી ગયું? 

મોહનીયો રોજની જેમ મળસ્કે ઉઠીને મેરબાઈની દેહરી સામે બેસી ગયો હતો અને આંખો બંધ કરીને ધ્યાનમાં મસ્ત. પીપળાના પાન પરથી હલકાં હલકાં  ટીપાં પડ્યે જતા હતા પણ મોહનિયા  પર એની કોઈ અસર નહિ.

‘તમે હામભરે કે? ‘ પાર્વતીએ રામજીને ઢંઢોળ્યા.

‘આટલી વહેલી હવારે કોણ હોય? જા ની હુઈ જા તૂ અને મને હુવા દે’ રામજી પૂજારી પડખું ફરીને સુઇ ગયા. 

ફરી કોઈએ વધુ જોરથી દરવાજા  ખટખટાવ્યા. નક્કી કોઈ દરવાજા પર હતું. 

‘અરે તમે એમ હૂં કરે, જરા જઈને જોવ તો ખરા?’ પાર્વતીનો  સ્ત્રી-સહજ ગભરાટ.

ઊંઘરા ઊંઘરા રામજી પૂજારી ઉભા થયા, ચાખડી પહેરી અને ધીરે ધીરે બારણા તરફ ગયા.

બારણાની સાંકળ ખોલતાની સાથે બહારની ભેજવાળી ઠંડી હવા ઓરડામાં પ્રસરી ગઈ અને બારણું એક ઝાટકા સાથે ફંગોળાઈને ખુલી ગયું. 

બહાર ઉભેલી વ્યક્તિએ વાંકા વળીને પૂજારીનાં ચરણ સ્પર્શ્યા.

અડધી ઊંઘ માંથી ઉઠેરલા પૂજારીને ખયાલ ન આવ્યો કે એ વ્યક્તિ કોણ હતી. 

‘બાપુ, એ તો હું, તમારો ગોપાલ.’ અવાજ જાણીતો…. પણ….

એ ગોપાલ કેવી રીતે હોય? આમ અચાનક સામો આવીને ઉભો રહે? 

‘ગોપાલ ! મારો દીકરો, પાંચ પાંચ વર્ષ સુધી ક્યાં હતો તૂ? તારા ઘરડા માં-બાપ ને છોડી જતાં તારો  જીવ કેમ ચાલ્યો?’  પ્રશ્નોની ઝડી વરસાવતા રામજીકાકા ગોપાલને ભેટી પડ્યા અને એના વાળમાં વહાલથી હાથ ફેરવતા રહ્યા.

દૂરથી આ ત્રૂટક  સંવાદ સાંભળતી  પાર્વતી ઉતાવળમાં ઉઠવા ગઈ, એનો ડાબો પગ ફાટેલી ચાદરમાં ભેરવાયો -એ  પડતાં પડતાં માંડ બચી. 

ગોપાલે  ઝટ દોડીને માંને ઉભી કરી અને ગળે લગાવી. ‘ હું તારો ગોપાલ!’

પાર્વતીને આ બધું સ્વપ્નવત લાગતું હતું, એણે  આંખો બંધ કરી રાખી કે  સ્વપ્ન રોળાઈ ન જાય.

‘ જો જો આંખો ખોલ માં, હું ગોપાલ ! હાચ્ચું કહેમ.’ ગોપાલે માંના બરડા પર હાથ ફેરવે રાખ્યો.

બહાર બેઠેલા મોહનિયાએ આ બધું જોયું પણ નિસ્પૃહ ભાવે મોઢું ફેરવીને ફરી પૂજામાં લાગી પડ્યો.

સૂરજ પણ જાણે આ મિલનનું દ્રશ્ય જોવા વાદળમાંથી બહાર નીકળ્યો.  માં દીકરો સૂતળીના ખાટલા પર બેસીને ક્યાંય સુધી રડતા રહયા. પાર્વતીને હજુ વિશ્વાસ આવતો નહોતો, ક્યાંથી આવે? આશા મૂકી દીધેલી એણે.

મોટા ઘડિયાળમાં છના  ડંકા પડ્યા.

‘જરા અમને કહે તૂ કે આટલાં વરસ ક્યાં હતો ? તને તારા બાપડા  માય-બાપને એક કાગળ લખવાનું ની હૂયઝુ?’ 

રામજી પૂજારી દીકરા પર વરસી પડયા.

‘તમે મને સવાલ જ કયરા  કરહે કે પછી ચા-નાસ્તા નું પૂછહે’.  માં… ઘરની ચા ને ગરમ ગરમ રોટલી – તારા હાથની? ‘

પાર્વતી રસોડા તરફ દોડી, ગોપાલે એના કાદવીયા જોડા કાઢ્યા અને ખાટલા પર લંબાવી દીધું – એના પગ લટકતા રાખીને.

ધીરે રહીને મોહનીયો પૂજા પતાવીને ઘરમાં દાખલ થયો.

‘આવ દીકરા, જો કોણ આયવું છે?’ રામજી કાકાએ ખાટલા પર આડા પડેલા ગોપાલ તરફ નિર્દેશ કર્યો.

મોહનીયો તદ્દન શાંત અને નિસ્પૃહ, ‘ મને તો ખબર ઊતી બધી. ‘ આશ્ચર્યમ ! 

મોટોભાઈ આટલાં વર્ષે પાછો આવી ગયો એનો હરખ નહિ.

‘મેરબાઈની માયા અપરંપાર છે. સારું થિયું. હમણે બિચારો થાયકો પાયકો ઓહે, હૂવા દેવ એને. એ પાછો અંતર્ધ્યાન થઇ જાય ત્યારે મને બોલાવજો.’ કરીને મોહનીયો અંદરના પૂજા રૂમમાં ગરકી ગયો.

મોહનિયાની આવી જાતની વર્તણૂંકથી  રામજીને નવાઈ ન લાગી. એને તો ગોપાલની રજેરજ માહિતી હશે. એને કાંઈ પૂછવાનો અર્થ નથી. 

પણ મોહનીયો એવું કેમ બોલી ગયો કે ‘ … પાછો અંતર્ધ્યાન થઇ જાય ત્યારે?’ 

xxxxxxxxxxxxxx

પ્રકરણ ૧૮   પહેલી મુલાકાત

ભગુ અને સતીશે વસનજીને આખરે મનાવી લીધા કે ભીખુ માટે ઓફર મૂકી દેવામાં માલ હતો.  જે દિવસે ગોપાલનું ઘરે  પુનરાઅગમન થયું એ દિવસે  વહેલી સવારે બેઉ જણ લલીને લઈને  ટ્રેનમાં મુંબઈ જવા રવાના થઇ ગયા. વરણગામથી  ગાલ્લીમાં ગણદેવી અને પછી બસમાં બીલીમોરા બસમાં. ઓફર અનૌપચારિક  રીતે મૂકાઈ ગઈ હતી.    લલી જીવનમાં પહેલી વાર વરણગામથી બહાર નીકળીને મોટા શહેરમાં જઈ રહી હતી એટલે સ્વાભાવિક રીતે ઘણી ગભરાયેલી. 

સતીશ અને ભગુકાકાના મનમાં ભીખુની લલી સાથે મોઢામોઢ મૂલાકાત ગોઠવી દેવાની નેમ હતી.  વ્યૂહ રચના તૈયાર હતી. હવે એ લોકો જમના માંને કાને વાત નાખી આવ્યા હતા એટલે લલી અને  ભીખુનો  મેળાપ કરાવી દેવામાં વાંધો ન હોય.  જો કે જમના માંને મળીને બહુ કાંદો તો કાઢ્યો ન હતો છતાં….પરવારી ગયા એમ તો ન જ કહેવાય.

જમનાને મળીને એટલું તો સ્પષ્ટ હતું કે બાઈ વાંકડાની ભૂખી હતી. ભીખુ જેવો મૂરતિયો તો દીવો લઈને શોધવા નીકળો તો પણ મળે એમ ન હતો. વાંકડાની ચડસા-ચડસીમાં વચ્ચે લંગર નાખીને બીજા ત્રાહિત લોકો પોતાનું ચોકઠું ગોઠવી દે એવી પરિસ્થિતિ અનાવિલોમાં સામાન્ય હતી. 

સતીશ માટે વસનજી હેડમાસ્તર ભગવાન હતા. લલી માટે આ સંબંધ ગોઠવીને ગુરુનું ઋણ ચૂકવવામાં એ ધન્યતા  સમજતો હતો. કોઈ પણ ભોગે આ સોનેરી તક ગુમાવવી પોષાય એમ ન હતું. 

સતીશ ડોક્ટ ભીમભાઇ દેસાઈને સારી રીતે ઓળખે એટલે ભીખુ  – લલીની મૂલાકાત એમને ત્યાં રાખવી એવી પેરવી હતી. ભીખુ એક વાર લલીને જોય  એટલે એને ગળા સુધી ખાતરી હતી કે એ હા પાડી દેશે, જમના માંની ઉપરવટ જઈને પણ. હવે સતીશને  ભીખુની લીલી માટેની કૂણી લાગણી વિષે થોડી ખબર હોય? અરે ખુદ ભીખુને પણ પાક્કી  ખબર ન હતી!

અનાવિલોમાં ચોકઠું ગોઠવવું એ એક અટપટી પ્રક્રિયા  હતી. ઘણી વાર ખોટી ચાલ ચાલીને નવ દંપતી માટે જીવન ખારું થઇ જાય એવું ય થતું. તો પણ અનાવિલો આ પ્રમાણે ગોઠવતા અને  ગોઠવાતા જતા હતા. ઘણા વડીલો માટે તો આ એક શોખ જેવો હતો. કોની છોકરી કે કોનો  છોકરો હવે પરણવાની ઉંમરે પહોંચી ગયો એની કડીબદ્ધ માહિતી હોય એમની પાસે. નવાઈની બાબત એ હતી કે દેશ આઝાદીને કિનારે આવીને ઉભો હતો અને અનાવિલોએ ભણીગણીને સભ્ય સમાજ કહી શકાય એ સ્થિતિમાં આવી ગયા હતા. અનાવિલો રેલવે, ઈન્સ્યુરન્સ કંપની, બેન્ક, સ્કુલ કોલેજોમાં આચાર્ય પદ જેવા  ઉચ્ચ સ્થાનોમાં બેસી ગયા. પણ.. ચોકઠાં  ગોઠવવાની બાબતમાં કોઈ બાંધછોડ નહિ! વાંકડો એ અનિવાર્ય,  અને એને  છોડવો નહિ. આ પ્રથામાં  કેટલાય ગરીબ માં-બાપ  કર્જના ખપ્પરમાં હોમાઈ જતા – સમાજમાં દેખાડો કરવા માટે.

કોઈ લંગર  ન નાખી જાય એટલે ચાંદલા ( ગોળ ધાણા) પછી લગ્નની હંમેશ ઉતાવળ હોય. સતીશ અને ભગુ આ બધું સારી રીતે સમજતા હતા એટલે કોઈ પણ ભોગે લાલીનું ભીખુ સાથે ગોઠવાઈ જાય એ મથામણમાં રહેતા. વરણગામની આબરૂનો પણ સવાલ હતો એમાં.

ભગુકાકા, સતીશ અને લલી એમ ત્રણેય જણ ડોક્ટર ભીમભાઇ દેસાઈને ઘેર પહોંચ્યા. લલી ગેસ્ટ રૂમમાં જતી રહી જ્યારે બીજા બધા એક મોટા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈને સાંજે આવનાર ભીખુ માટે રણનીતિ પાકી કરવામાં લાગી ગયા. દેખીતી રીતે જ ભીખુને આ મિટિંગ વિષે કાંઈ કહેવામાં આવ્યું ન હતું. 

લીલી પણ આ ચર્ચામાં સામેલ થઇ ગઈ. એ બોલી, ઠાવકી થઈને, ‘ પહેલાં જરા ભીખુને પૂછો તો ખરા કે એને  લગન ફગનમાં અત્યારે રસ છે કે નહિ?’

લીલીના  ઠાવકાઇથી પૂછાયેલ પ્રશ્નમાં દમ હતો.

ડોક્ટર દેસાઈ  પોતાની દીકરીને કાંઈ જવાબ આપવા જાય એવામાં ભગુકાકા કૂદી પડ્યા, ‘ પોરી લગન ગોઠવવાની વાત માટે તૂ હજુ બો નાની કહેવાય. અમે મરદ ભેગા થેઈને  કાંઈ ફોડ પાડીયે ને?’

લીલીના મોં પર  ભગુકાકાની ઉદ્ધતાઈ પર ભારી અણગમો સ્પષ્ટ દેખાતો હતો. ડોક્ટર દેસાઈ પણ જરા ખમચાઈ ગયા. આમ જુઓ તો લીલીને  એમાં શું લાગે વળગે ? હા, એને ભીખુ માટે કોઈ એવા પ્રકારની લાગણી હોય અને એમાં લીલીનું પત્તુ કપાઈ  જાય તો જુદી વાત હતી. કદાચ શહેરી શિષ્ટાચારમા ભણેલી છોકરીઓ  ચર્ચામાં ઉત્સાહભેર ભાગ લે એ ત્યાં સામાન્ય હોય!

હવે સતીશનો વારો હતો, ‘ જુઓની, નવા જમાનાની વાત નવી. ભીખુ પરણવા તૈયાર હોય કે ન હોય એ મહત્વનું નથી. જુવાન છોકરાઓ ક્યારે ખોટીખરી લાગણીઓમાં લપસીને  ન કરવાનું કરી બેસે એ કરતાં લગનને ખીલે બંધાઈ જાય એમાં સમાજનું હો હિત છે.’

ગાડી આડે પાટે ચડી જાય તો સતીશનું  મિશન અધૂરું રહી જાય.એને ખબર ન હતી પણ પેલી કાશી દ્વારા લાળ પડે એવા વાંકડાની વાત કરીને જમનાને ભોળવવાના ચક્રો ગતિમાન થઇ ગયાં હતાં ને ? 

એવામાં ટેલિફોનની ઘન્ટડી  રાણકી ઉઠી. ડોક્ટર દેસાઈ ફોન લેવા લગભગ દોડ્યા, જાણે કે એ ફોનની જ રાહ ન જોતા હોય. ચર્ચામાં વિક્ષેપ પડ્યો.

‘યસ, ધીસ ઇઝ ડોક્ટર દેસાઈ સ્પીકિંગ. યસ, આઈ અન્ડરસ્ટેન્ડ. આઈ  વીલ રિપોર્ટ ઓન ધ ફર્સ્ટ ઓફ નેક્સટ મંથ. થેન્ક યુ’ ‘

ખુશખુશાલ દેખાતા ભીમભાઇ પોતાની જગા ઉપર આવીને બેસી ગયાં. 

‘વોટ ઇઝ ઈટ? ઓબ્ઝર્વેટરી?’ લીલીથી પૂછયા વગર રહેવાયું નહિ.

‘યસ, ઇંડિડ, એ લોકોએ ઓબ્ઝર્વેટરીના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે મારી એપોઇન્ટમેન્ટ કન્ફર્મ કરી દીધી.’ અનાયાસે ડોક્ટર દેસાઈએ હાથ પહોળા કર્યા એટલે લીલી એમને ભેટી. ‘ઓ જીજા આઈ એમ સો હેપી’ અને  શુકનની મીઠાઈની વ્યવસ્થા કરવા કિચન તરફ દોડી. 

બધા આ ખુશીમાં જોડાયા.

‘ડોક્ટર આખું અનાવિલ જગત ખુશ થશે આ સાંભળીને. હું આજે જ ‘અનાવિલ પોકાર’ મેગેઝીનમાં આ સમાચાર પ્રિન્ટ કરવા કહું છું.’ સતીશ પણ ખુશ.

બધા મીઠાઈનો ટૂકડો મોંમાં મૂકતા હતા ત્યાં કોઈએ ઘન્ટડી વગાડી. બારણે મેહમાન! 

‘એ ભીખુ જ હશે.’ કરીને બારણું ખોલવા લીલી દોડી . જેવું બારણું ખૂલ્યું, ભીખુ દાખલ થયો, પણ બે નવા ચહેરા ઓ જોઈને થોડો ખમચાયો. 

‘લીલી તૂ કેમ છે?” ભીખુ એટલું જ બોલી શક્યો. આછા ભૂરા રંગના ડ્રેસમાં લીલી લાગતી હતી એકદમ મસ્ત! 

‘ભીખુ જરા  કહે  તો હું કેવી લાગુ છું?’ લીલી આંખો નચાવતાં પૂછવા  માંડી. હવે એ બિચારો  શરમાળ છોકરો શું કહે?

સરખો જવાબ ન મળ્યો એટલે લીલીએ  મોઢું મચકોડ્યું અને અંદરના રૂમમાં જતી રહી જ્યાં લલી  એક સપડાયેલા પ્રાણીની જેમ બેસી રહી હતી. બારીની બહાર એક કોયલ  ઘેલી થઈને ટહુકા કર્યે જતી હતી. લાવ, હું વરણગામ જતી રહું, એક અજાણ્યા છોકરાને  છોકરી દેખાડવાનાં આ કેવાં નાટક છે બધાં? જો એ પોતે કોઈ કારણસર છોકરાને ના પાડી દે, દેખાવ ન ગમે, એની રીતભાત  ન ગમે, તો ? શું એને એક છોકરી તરીકે ના પાડવાનો હક છે ખરો? ના પાડે તો કાકુજી શું કહે? જાતજાતના વિચારો આવી ગયા એને. 

એ બધું એવું જ હતું. 

છોકરીએ ઘરેણાંથી લદાઇને આવવાનું, શરમાવાનું.  ચાની ટ્રે લઈને બધાં વચ્ચે આવવાનું, વાંકા વળીને, ઓઢેલું સંભાળતાં ચા ટેબલ પર મૂકવાની અને  બને તો મીઠું હસીને રસોડામાં પાછા. એટલી વારમાં છોકરો અને બદ્ધાં  છોકરીને ધ્યાનથી જોઈ લે.  પછી છોકરો – છોકરી એક રૂમમાં બેસીને વાતચીત કરે, એક બીજાને જોઈ-તપાસી લે, એ બરોબર બોલે છે, ચાલે છે, કોઈ ખોડ ખાંપણ તો નથી? છોકરો છોકરીને પાસ કરે કે ન પણ કરે. પાસ કરે તો બંનેનું નક્કી. પાસ ન કરે તો છોકરી વીલે મોઢે ઘેર જાય. વડીલો તૂટી પડે,’ મૂઈ, આવું સારું ઘર તારા ભાગ્યમાં  જ નથી. છોકરી એટલે સાપનો ભારો.’ ત્યાર બાદ બધું ફરી શરુ થઇ જાય, બીજી જગાએ ઓફર મૂકાય અને એવી ઘટમાળ. 

‘ભીખુ, અહીં આવ, જો આ બધા મારા  મારા વાડીગામના મિત્રો છે. તું હવે એક સમજદાર ભણેલો જુવાન છે એટલે તારા લગ્નની વાત કરવાંમાં મને જરાય હિચકિચાટ નથી. સરભોણમાં તારી માંને  પણ તને  પરણાવવાના અભરખા હશે. તું એક સારી છોકરી સાથે પરણી જાય અને વસ્તાર વધે એ એના મનમાં હોય એ સ્વાભાવિક છે….’

ડોક્ટર દેસાઈ શ્વાસ લેવા થોડું અટક્યા.

‘તારા શુભેચ્છક અને ગાઈડ તરીકે હું પણ માનું છું કે તારે એક જીવનસાથીને પસંદ કરવાનો સમય આવી ગયો છે.ખાસ વાત એ છે કે આજના નવા જમાનામાં   તારી  જીવનસાથી પસંદ કરવાનો હક્ક તારો એકલાનો છે. 

‘તેથી જ તો’. ડોકટર દેસાઈએ ગળું ખંખેર્યું, ‘ તારે હમણાં એક છોકરીને મળવાનું છે, તું એને જો, વાત કર અને અમને કહે કે પસંદ છે કે નહિ. એ એક સંસ્કારી અને મોભાદાર કુટુંબમાંથી આવે છે એટલે બધું સાંગોપાંગ પાર પડે એ જવાબદારી હું લઉં છું’

આટલું બધું  જલ્દી અને અણધારી રીતે સામે આવી જશે એ ભીખુની કલ્પનાની બહાર હતું. 

સ્વસ્થ થઈને  એ બોલ્યો, ‘ જીજા, આ બધું ઉતાવળમાં નથી થઇ રહ્યું? હજુ હું તો ગ્રેજ્યુએટ થયો અને આગળ ભણવા ધારું છું જે  તમે સારી પેઠે જાણો છો.’

મહામહેનતે ભીખુએ છીંકણી સૂંઘવાની ચળને કાબુમાં રાખી, કિચન તરફ જોયું જયાં લીલી ચા નાસ્તાની તૈયારી કરી રહી હતી. 

તક જોઈને ભગુકાકા મેદાનમાં ઉતાર્યા, ‘ તે ભીખુભાઇ, તમે પરણો એટલે તમારા વધુ અભ્યાસને કોઈ વાંધો આવે એવું તો કોઈ કહેતું નથી. આ ડોક્ટર દેસાઈ છાતી ઠોકીને કહે છે કે તમારું ભવિષ્ય એકદમ ઉજ્જવળ છે.  અમારું કહેવું એમ છે કે અહીં આવેલી છોકરીને જોવામાં તમને વાંધો શું છે?  બહુ મોભાદાર, ભણેલા ગણેલા કુટુંબમાંથી  એ  આવે છે, એના પિતા સ્કુલના હેડમાસ્તર હતા, માં નથી. આજે તો છોકરીને મળવાનું છે, થોડી વાત કરવાની છે, જુઓ તમને બેવને ગમે છે? કોઈ જબરજસ્તી નથી કે હા પાડવી જ જોઈએ.’

ભીખુ થોડી અધીરાઈથી, ‘ પણ… તમે મારી જમના માંને આ બાબત કઈં વાત કરી છે?’ 

‘ હા હા, ભગુભાઈ અને હું જમના માંને  સરભોણ મળી આવ્યા છીએ. એ પણ તૂ  પરણી જાય એમ ઈચ્છે છે,’ છોકરીની પસંદ તારી એકલાની, બીજી બધી બાબતો તું તારી જમના માં પર છોડી દે ની?’

સતીશે સિફતથી  ‘નરો વા કુંજરો વા’ કર્યું –  વાંકી ચાલ ચાલ્યા.

બાજુના રૂમમાં ગોંધાઈ રહેલી લલીને કઈ વાત થતી હતી એટલું જ ખબર, પણ શું વાત થતી હતી એ સ્પષ્ટ ન હતું. કાકુજીએ હો મને આ ખેલમાં ધકેલી આપી. પેલી કોયલ ચૂપ થઇ ગઈ હતી. એને થયું કે મોહનિયાની સલાહ લીધી હોતે તો સારું. 

અરે તલિયારાવાળા બાબાને હો પૂછી લીધું હોતે તો? પણ એક મિનિટ! બાબાના ચરણો! અને તે દિવસે બાબુને ચા આપવા નામી ત્યારે એના પગ પણ જોયા હતા! હે ભગવાન! આવું કેવી રીતે હોય? બેઉની જમણાં પગની  આંગળીઓ છ હતી! તો શું બાબા અને બાબુ એક જ વ્યક્તિ હતા? કોણ હતા એ બાબા ? જેમ એ વિચારતી ગઈ તેમ વધુ અકળાવા લાગી. આ રહસ્ય ઉકેલવું રહ્યું.

આ બાજુ વરણગામમાં   લોકો ગોપાલની  વાત કરતાં ધરાતાં  ન હતા. બધાંને કુતુહલ કે આટલાં વર્ષ એ  ક્યાં હતો અને શા માટે પાછો આવ્યો. ગામના સરપંચે તો ખુશીના માર્યા મિજબાની રાખી. પણ ગોપાલની આંખો લલીને શોધી રહી હતી. ક્યાં હતી લલી? મોહનિયાને પૂછી જોઉં?  પૂછવાનો કોઈ અર્થ સરે એમ ન હતો. એને તો બધી ખબર હોય જ પણ એવો ઉડાઉ જવાબ આપી દે કે … જવા દો એ વાત.

મિજબાનીની વ્યવસ્થા જીવણલાલ ઉપર હતી એમાં એ વ્યસ્ત. પણ તલિયારાવાળા બાબાને કોઈ આમંત્રણ ન હતું? બાબાની ઝૂંપડી એ દિવસે ખાલી!

———- ———— ———

મુંબઈમાં આખરે લીલીએ લલીના ચહેરા પર મેકઅપના થોડા છેલ્લા જરૂરી લસરકા કર્યા અને એ હવે પ્રથા મુજબ ચા નાસ્તાની ટ્રે લઈને મહેમાનોને ધરવા તૈયાર. બનીઠનીને લલી ચા-નાસ્તો લઈને દીવાનખાનામાં આવી ત્યારે ભીખુ,  પ્રમાણમાં મોટા સોફા પર ડાબે જમણે ખસ્યા કરતો હતો.  

લલીના ચહેરા પર એક શરમાળ પણ પ્રભાવશાળી તેજ, ભારીખમ સાડીમાં એ દીપી ઉઠી. ભીખુ જોતો જ રહી ગયો. પાસે આવીને લલી નમીને ટ્રે ટેબલ પર મૂકવા ગઈ ત્યાં એનો  પલ્લું  માથા પરથી સરકી ગયો, લીલીએ ઉતાવળમાં બાંધેલો ઢીલો અંબોડો છૂટી  ગયો અને એના ભરાવદાર કાળા ભમ્મર  વાળનો ચોટલો ખુલી ગયો. ભીખુ જાણે ભાન ભૂલી ગયો. આજુ બાજુ બેઠેલા વડીલોની હાજરીને ગણકાર્યા વગર એ લલીના ચહેરા તરફ એકીટશે જોતો રહ્યો. મનોમન એણે લલીને પોતાની જીવનસાથી માની લીધી. લીલી મોં મચકોડીને  અંદર જતી રહી. ભગુકાકાને હાશ થઇ કે ફેરો લગભગ સફળ થઇ ગયો. 

લલી થોડી ખમચાઈ, પલ્લુ સરખો કર્યો, પાછી ફરીને પેલા રૂમમાં. એને તો આ ભારી ભારી ઘરેણાં જલ્દી કાઢી નાખવા હતાં અને મોઢા પરના લપેડા ધોઈ નાખવા હતા.

ડોક્ટર દેસાઈનો દ્રઢ અવાજ. ‘ ભીખુ, તું પેલા રૂમમાં લલી સાથે મોઢામોઢ વાત કરી લે ને? ‘

ભીખુ  સૂચનનો આદર કરતાં રૂમમાં સાંકળ ખખડાવ્યા વગર દાખલ.

લીલી હજી લલીનો મેકઅપ જરા સરખો કરતી હતી ત્યાં એણે ભીખુને બારણા પર જોયો.

‘અરે લલી જો તો! ‘ કરીને રૂમની બહાર નાઠી.

આમ અણધાર્યા આગમનથી લલી થોડી ભોંઠી પાડી ગઈ.. 

ભીખુએ લલીની આંખમાં સીધું જોયું. 

‘ઓ, આઈ એમ સોરી, તમે બે કામમાં હશો એ ખબર ન હતી મને’

લલી ઉભી રહી ગઈ અને વાળની લટને કાનની પાછળ હટાવવા મથી રહી, એની ઝગારા મારતી બૂટ્ટી ભીખુને નજરે ચઢી. 

‘કઈ રીતે વાત શરુ કરું પણ ચાલ હું પૂછી જ લઉં. આપણને બંનેને અહીં કેમ ભેગા કર્યા છે એ તને ખ્યાલ હશે વારુ?’

લલીએ માથું હલાવી હા પાડી અને ફરસ પરની રંગીન ટાઇલ જોવા લાગી.’

‘તારે કોઈ સવાલ કરવા છે મને?’ 

લલીએ વળી માથું હલાવી ના પાડી. 

‘મેં સાંભળ્યું કે તું ભણેલી છે. કેટલું ભણી છે?’

જવાબમાં લલીએ બે હાથની કુલ  પાંચ અને બે આંગળીઓ બતાવી દીધી. 

‘તું ગૂંગી તો નથી ને? ‘

લલીએ પાછું માથું હલાવ્યું.

‘એટલે તું ગૂંગી છે, એમ ને?’ 

‘ના ના , હું ગૂંગી નથી’ મીઠી મધ, ઘંટડી જેવો લલીનો અવાજ સાંભળીને ભીખુ ચિત.

‘તને ગાતાં તો આવડતું હશે’  

‘મને થોડાં ભજન ગાતાં આવડે પણ આજે હું ની ગાઉ’ લલીની નજર હવે સીધી ભીખુના ચહેરા પર સ્થિર. 

ભીખુએ ધ્યાનથી જોયું કે લલીની આંખો માંજરી હતી અને એનું અણિયાળું  નાક ફિલ્મ જગતની પ્રસિદ્ધ અભિનેત્રી શાંતા આપ્ટે જેવું. શાંતા આપ્ટે ભીખુની માનીતી! 

‘તમે સિગરેટ પીઓ છો, તમારા મામાની પખણ ?’ લલીનો ધારદાર પ્રશ્ન. 

ખરી છે આ  છોકરી, મારા કુટુંબની કેટલી બધી વિગતો જાણે!

‘ના હું સિગરેટ  કે સિગાર નથી પીતો.’ ભીખુએ સાવધાનીથી જવાબ આપ્યો ક્યાંક એની છીંકણી સૂંઘવાની  આદત છતી ન થઇ જાય. પહેલી મિટિંગમાં બધું કહી દેવાની કઈ જરૂર?

‘એક આખરી સવાલ કરૂં? ‘ 

લલીએ ઊંચું જોયું.

‘હું તારી કલ્પનાનો વર જેવો લાગુ છું તને? ‘ 

‘હવે ઊં એમાં હૂં કેઉં? વડીલો નક્કી કરહે ને?’ 

‘એ તો જાણે બરાબર છે પણ તને સીધું પૂછું કે હું તને તારા ભવિષ્યના વર જેવો લાગું છું ખરો?’ ભીખુ જરા ચીપી ચીપીને બોલ્યો. 

‘તો પહેલા તમે જ કેવ ને. હું તમારી વહુ જેવી લાગુ છું ખરી?’ લલી ભીખુને મ્હાત કરી ગઈ ! ભીખુ વિચારતો રહી ગયો.

લલીનો શ્વાશ અધ્ધર, અધીરાઈથી ઉત્તરની રાહ જોવા લાગી.

એટલામાં, બહારથી બૂમ પડી, ‘ ચાલો ચાલો હવે આપણી ટ્રેઈન નિકરી જહે’ 

આ સાંભળી ભીખુ જવાબ આપવાને બદલે રૂમની બહાર અને પલકમાં મહેમાનો સાથે આવજો આવજો કરતો ઘરની બહાર નીકળી ગયો.

લલી ખૂબ મૂંઝાઈ, એણે જવાબ આપવાનું કેમ ટાળ્યું?

ગણતરીની મિનિટોમાં લલીની  ટ્રેઈન ધૂમાડા કાઢતી બોમ્બે સેન્ટ્રલની બહાર નીકળી.

‘લલી દીકરી, કેવી રહી તમારી વાતચીત? ‘ 

‘ખબર ની’ લલી ડોકું ફેરવીને બારી બહાર પસાર  થતી વસઈની ખાડી જોવા લાગી.

‘ઊં ધારું પોયરાને તૂ ગમી’ સતીશનું અનુમાન. 

‘પણ જરા કહે તો ખરી હૂં વાત થઈ?

વસઈના પૂલ  પરથી  ટ્રેઈન  ગડગડાટ કરતી ગઈ. એટલે એના અવાજમાં લલીનો જવાબ સંભળાય એમ હતું નહિ.

વધુ સવાલ કરવાનું બેઉએ માંડી વાળ્યું.

                      —————–

વરણગામમાં વર્ષો પહેલાં નાટકીય રીતે ઘરથી ભાગી ગયેલો ગોપાલ શું કામ આવ્યો? આટલા વર્ષ ક્યાં ક્યાં ભટકીને આવ્યો? કોની સાથે રહ્યો? કર્યું શું એણે? 

ગોપાલ બધાને ફક્ત હાથ જોડતો. શું એ બધાની માફી માગતો હતો? શેની માફી માગવાની હોય? કોઈનું બૂરું કર્યું હતું એણે? હા, એના ઉંમરલાયક માં-બાપ ને છોડીને ભાગી ગયો અને એમને ઘણી પીડા આપી. એના ભાઈ મોહનિયાની અજબની શક્તિ વિષે એણે સાંભળ્યું હતું. આજે પૂનમની રાત હતી. ગોપાલને કાલે સવારે બધું આંખ સામે ખબર પડી જશે.

પણ લલી કેમ દેખાતી ન હતી? ગોપાલે વસનજીને ઘેર  એક ચક્કર માર્યું. શાંતા એને જોઈને ખુશ. તરત ગરમાગરમ મસાલેદાર ચાની  પ્યાલી ધરી દીધી. 

‘લલી કઈ દેખાય ની ને?’ ગોપાલે પૂછી પાડ્યું.

‘તમારા ભાઈ લલીનું ગોઠવવા મુંબઈ લેઇને ગેલા છે’ 

‘તે લલીને હારુ આટલી ઉતાવર કેમ? એ ખુશ તો છે?’ 

‘ઉતાવર કેવી? મોટી થઈ ગેલી એ, પરણાવવા જેવી. તમે તો જાણે કે પોરી મોટી થાય એટલે લોકો વાત કરતાં થઈ જાય.’ 

‘તે પાછી કે’દી આવવાની જે? ‘ ગોપાલના સવાલમાં અધીરાઈ.

‘ મને પાકી ખબર ની મલે. હું થોડી મુંબઈ  જેઈ આવેલી છે તે? કેતાં તો ઊતાં  કે   કદાચ આજે મોડી રાતે હો આવી જાય – એનું કઈ ઠેકાણું ની મલે. ‘ શાંતાના જવાબમાં મુંબઈ કોઈ દા’ડો નહિ ગયાનો  વસવસો. 

ગોપાલ નાસીપાસ થઈને પોતાને ઘેર પાછો આવ્યો જ્યાં એની પાર્વતી માંએ પાછી ચા ઠપકારી. ફળિયામાં ચાલતો જતો હતો ત્યારે લોકો એને કુતુહલતા અને જુગુપ્સાથી જોતા હતા. 

એક નાનો એવો છોકરો આવી ચડ્યો, ‘ ગોપાલભાઈ. ગોપાલભાઈ, તમે હવે બહુરૂપી બની ગિયા? કાલે તમે હૂં બનવાના છો? જરા મને હો એકાદ યુક્તિ બતાવો ની!’ 

ગોપાલને પોતાનું બાળપણ યાદ આવી ગયું. આંખોમાં એ જ ઉન્માદ, એ જ ધગશ.

‘જો ભાઈ, બહુરૂપી થવું એટલું સહેલું નથી. ઓહો હો, બો મહેનત કરવી પડે. કંઈ ચપટી વગાડતાં ની થઈ જવાય. ચાલ હમણે આ વિચાર છોડ, ને ભણવા માંડ, ભણહે  તો કઈં પામહે ‘

ગોપાલ વિચારે ચડી ગયો. હું વરણગામે પાછો કેમ આવ્યો. શું એ પોતે ગોપાલ હતો કે બીજો કોઈ? ચક્કર મારતાં એ તૂટુ તૂટુ થઇ ગયેલી  ધર્મશાળા આગળથી નીકળ્યો.  જૂની વાત યાદ આવવા માંડી. કેવી રીતે એ જમરૂખી પર ચડ્યો હતો, કેવી રીતે એણે બીજે દિવસે પેલા બહુરૂપી સાથે સંગત કરી અને કોઈ એને મદારીના વેશમાં ઓળખી શક્યું ન હતું! 

‘ગોપાલ દીકરા, તું પાછો આવી ગયો એ બહુ સારું થયું. તારી માય ને હું બહુ ખુશ. તું હવે રેહી પડજે, અમે તને પરણાવશું. ‘ રામજીકાકાએ  એકદમ ભાવુક થઈને ગોપાલને ખભે હાથ મૂક્યો, પાર્વતી હોંશથી જોઈ રહી. 

‘ગોપાલ હવે એક દૈવી પુરુષ બની ગયો છે, કોઈ દુન્યવી વાતમાં એને પાડવો નહિ. એને બો કાયર નો પાડો તમે’ રામજીકાકાની બીજી દૈવી શક્તિ-રૂપ મોહનીયો બોલી ઉઠ્યો. 

‘હવે તમે એને બિચારાને જરા આરામ કરવા દેય? કેટલાં વરહ  પછી થાક્યો પાક્યો આવેલો છે. બધી વાત આજે જ કરવાની કઈ જરૂર ? ‘ પાર્વતીએ વરને ટોક્યો – બાજુમાંથી મોહનીયો નીકળીને બહાર ગયો અને પહોંચ્યો સીધો એની માનીતી જગ્યાએ – મેરબાઈની દેરીએ.

રામજીએ નિ:સાસો નાખ્યો. વિધાતાની આ શી રમત? એના બેઉ દીકરાઓ વિચિત્ર. એમને ગળા સુધી ખાતરી હતી કે મોહનિયાને રજેરજ ભવિષ્ય ખબર પણ એ સ્પષ્ટ બોલે તો ને?

રાત ઘેરી થઇ, ગામ લોકોની આકાંક્ષાઓને  લઈને પૂનમનો ચંદ્ર ઝગ્મગતો આકાશમાં રમણે ચડયો. આજે પૂનમની રાત, કુળદેવી મેરબાઈ મોહનિયાને સપનામાં આવશે અને બધાંનું ભવિષ્ય ભાખશે. તે મોહનીયો એના ભાયનું ભવિષ્ય તો ભાખી ની હયકો.   ગામ લોકને ઉલ્લુ તો નથી બનાવતો ને? એમાં એવું ને કે ગામલોકને ઉલ્લુ બનાવીને એ બાપડાને હૂં મલે? 

આજની રાત બો ભારી. લલી મોડી મોડી આવી જવાની, ગોપાલ આટલા વર્ષે પાછો આવી ગયો, ને મોહનીયો નવી વાત લાવવાનો. કોણ જાણે સવારે  ખરેખર શો ખેલ રચાવાનો છે? 

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

પ્રકરણ ૧૯ મોહનિયાની અતીન્દ્રિય રંગ લાવી

વરણગામમાં    ગ્રીષ્મ ઋતુની એક ખુશનુમા સવાર, આજુબાજુ પથરાયેલી વનશ્રુષ્ટીમાંથી ચળાઈને આવતો મંદ મંદ આહલાદક પવન!  ગામને ઘસાઈને પસાર થતી ચોમાસામાં ગાંડી બનતી અંબિકા નદી, હાલ એક નાજુક નમણી નવોઢાની મંથર ગતિએ વહેતી!

ગામને પાદરે પીપળા નીચે કુળદેવી મેરબાઈની દેહરી, એની લગોલગ, પાછળ એક તળાવ.

પૂજારી રામજી કાકાનો એકવાડીયા બાંધાનો નાનો દીકરો મોહનીયો ઘરની બહાર વરંડામાં નીકળે ત્યાં સુધીમાં એક નાનું ટોળું જમા થઇ ગયેલું.

રામજી પૂજારી  મોહનીયાની ખોરડીની બહાર ભેગી થયેલી લોકોની મેદની જોઈને બબડયા,

“એલા એય, તે એટલા બધા વહેલા કેમ આવી લાયગા આજે? એ તો નથી ઉયઠો હજુ”

ઘણા પુરુષો ઉકડ મડીએ બેઠેલા જ્યારે સ્ત્રીઓ પહોળો ખોળો પાથરીને, પુરુષોથી થોડી  દૂર.

બધા એકી ટશે જુએ કે વહેલો બહાર આવે મોહનીયો. મરઘાએ  બાંગ પોકારી “કૂકડે કૂક”

લે રામજીભાઈ, આ મરઘો હો  બોયલો , ઉઠાડો  તો  તમારા  કુંવરને હવે” હરિયાથી રહેવાયું નહિ. તે બોલી પડ્યો.

મારા હારા હરિયાને કઈ કામ ધંધો ની મળે તો હો બોયલો પણ અમે કઈ નવરા થોડાં છે? ખેતરે જવાનું કે ની? ” ખંડુએ આંગળીના ટચાકા ફોડતાં ફોડતાં હરિયાને ગાળ આપવાનું જ બાકી રાખ્યું.

‘આય હાય’ બેસી બેસીને થાકેલી ગજરીએ ધીરે રહીને પગ પહોળા કર્યા.

‘અલી ગજરી, તને કાંઈ અક્કલ ખરી કેની? બાઈ માણસ થેઈને પૂજારીના ઘર હામે પગ પહોરા કરીને કેવી બેહી ગેઈ ?” પુષ્પાએ દાબડીમાંથી ચપટીક તપકીર લઇને જોરથી નાકમાં ખેંચીને ગજરીને ઠપકારી.

ગજરી આવું સાંભળી લેય? ‘પુષ્પી, તે તું બો ઉશિઆર કેમ? તને હૂં પેટમાં બરતું છે જે? રામજીભાઈ પૂજારી કાંઈ બોયલા?  તારાં લગન વહેલા થવાના જ નથી, જાની તૂ, મોટી આવી તે’

‘અરે આપડો  મોહનીયો  જોજેની  ઉઠીને  મેરબાઈ પાહેં સરાપ અપાવહે  તને’ પુષ્પાએ તીર માર્યું

‘તું બેહ, આખાં હાડકાંની.  આ મારા બાબલાને મોહનીયો હારુ કરી દેય તે હારૂ તેને લેઇને  હું પહેલી પંગતમાં વહેલી વહેલી આવીને બેઠી. તું તારું જોની?”

‘આ બૈરાની જાત! બધાં બો ઉશિયાર. ચૂપ બેહો હવે. મોહનીયો ઉયઠો તેમ લાગતું છે મને’ પ્રભુ કાકા ગર્જ્યા.

મોહનીયાની ખોરડીનું બારણું ખુલવાનો અવાજ આવ્યો એટલે ભેગું થયેલું લોક બધું ચૂપ!

બધાની દ્રષ્ટિ ખુલતાં બારણા તરફ.

પાછળનું તળાવ ઉનાળામાં સાવ સુક્કું ભટ, જાણે ગામ લોકોના ત્રસ્ત દિલોની ચાડી ખાય. એમનો તારણહાર આ મોહનીયો એના દિવ્ય જ્ઞાનથી બધાને ઉગારશે એ આશ. 

‘આવું દિવ્ય જ્ઞાન કોણ જાણે ક્યાંથી એની પાસે આવી ગયું. આખો દા’ડો  એ દીકરો મેરબાઈની હામે તાકીને બેહી રહેય ‘ છનુ બોલ્યો. 

‘છનુ. ક્યાંથી એટલે  તૂ હૂં કહેવા માગે, તૂ હો મોહનિયાની જેમ મેરબાઈની મૂર્તિને તાકીને આખો દા’ડો બેહી  રહે જોઉં, તને જ્ઞાન આવે કે કેમ?’ ગજરી ચૂપ રહે?

‘અલી ગજરી, એનો બાપ તો આવડો મોટો પૂજારી, ને મારો બાપ તો ખેડૂત, મારી હારી હમજે કે ની?’ છનુ છંછેડાયો.

‘મારો બેટો તૂ હો તો રાતના સપના જોતો ઓહે ને? પણ બરી ગીયુ તને સપના યાદ રહેય તો ને? ‘ 

‘ચાલની ઊં હો સપના જોઉં પણે મને  સપના આવે કે મેરબાઈ મને બે સાંઢ જેવા બલિયા આપી દેય ને પછી હું નિરાંતે ખેતર ખેયડા કરૂં મારી મેરે. સપના મારી ભલાઈને હારૂ હોય, બીજાની ભલાઈ હારૂ ની’ 

‘બો ઉશિયાર  તૂ. તને તો એવા સપના આવવા જોઈએ કે તું તાડના ઝાડ નીચે હૂતેલો છે ને આખો દા’ડો તાડી પીધે રાખે ને તારી પોતાની આપદા ભૂલી જાય. તૂ વરી બીજાનું ભલું કેદા’ડે કરવાનો?’

આ મોહનીયો તો બો જબરો. આખો દા’ડો મેરબાઈને જોતો બેહી રહેય, એનો બાપ રામજી ભજન ગાય, ને પૂનમ પછી સવારે ગામ આંખની અપદાઓનો નિકાલ હોય એની પાસે!

મોહનીયો દ્રષ્ટિગોચર થયો એટલે બધાંના શ્વાસ થંભી ગયા; એકવડું શરીર, ગૌર વર્ણ અને મુખ પર એક મોહક સ્મિત.

બહાર પરસાળમાં ગોઠવેલા એક પેઢીઓ જૂના, પ્રાચીન ઢબના  બાંકડા પર આસન લઈને સર્વેને હાથ જોડી પ્રણામ કર્યા.

લોકો શાંત – હમણાં કાંઈ બોલશે એ.

અને ખરેખર, કોઈ દેખીતા પ્રયત્ન વિના એણે ભવિષ્યવાણી ભાખવાનું શરુ કર્યું:

‘ગજરી, જા તારો ટાબરીયો બે દહાડામાં સારો થઇ જશે.’

‘સવલી. તારી છોકરીના લગનનું મૂરત આવતી પૂનમ લગી નીકળશે.’

‘છનુકાકા, તમારા પીઠના દુખાવાની આપદા જ છે પણ વૈદે આપેલી દવાથી અને આરામ કરવાથી એક બે મહિનામાં સારું થઇ જશે.’

‘શાંતિ,, તારા પોયરાના પાસ થવાના કોઈ એંધાણ નથી આ ફેરી.’

‘પણ તે વરહાત ક્યારે આવહે તે કહેવ ની?” છનુકાકાને એના પીઠના દુઃખાવા કરતાં એના પાકની ભારી ફિકર.

‘તે હો આવહે, દહેક દહાડામાં’

બોલીને મોહનીયો ઉઠીને ચાલતો થયો અને પાછો ખોરડી તરફ ચાલવા માંડ્યું..

‘ચાલો, ચોમાસુ તો હારું જહે, કેમ હરિયા?’ છનુકાકા ખુશ.

મેદનીએ “મેરબાઈની જે’ નો પોકાર કર્યો.

સદા સંતોષી ગામ લોકો, નાની નાની ઈચ્છાઓ; મોટો સંતોષ.

સૌથી પાછળ લલી ઉભેલી, એ બોલી પડી, ‘ તલિયારાવારા બાબાને કોણ લેઇ આયવું? મેરબાઈની કૃપા?’

મોહનીયો થોડું અચકાયો, દૂર લલી તરફ નજર નાખી અને શબ્દો તોળી તોળીને બોલ્યો, ‘ એ ક્યાંથી આવ્યા એ એને પૂછો, મને નહિ. હા, અને બીજી વાત, થોડા વખત પછી તૂ દૂર દરિયા કિનારે એક નવું જીવન જીવી રહી હોઈશ.’

લલી મૂંઝાઈ. ‘મારી એકલીના ભવિષ્ય બાબત મોહનીયાએ બધાની વચ્ચે બોલવાનું કામ શું?’ એ તરત પાછી ફરીને ઓરડીમાં ભરાઈ ગઈ.

બધાં વિખેરાવા લાગ્યાં,  પણ કમુ ખસવાનું નામ લેય તો ને?.

‘તે કમુ, તું હૂં કામ બેહી રેઇ. તારો પોયરો વાંચે ની, તેને કોણ પાસ કરે, જાણે કે આવી પડી પાસ કરવાવા ?”

‘રામજીભાઈ, મોહનીયાને કહેવની, કાંઈ જાપ બાપ કરીને મેરબાઈને રીઝવે. જોયે તો સ્પેશલ જાપ કરવાના પૈસા લેઇ લેય.”

‘ખબરદાર જો પૈસા બઇસાની વાત કાઢી છે તો. મોહનીયો કાંઈ પૈસાને હારૂ આ ધંધો કરતો છે? એ આ જાણશે ને તો મેરબાઈ કોઈ દહાડો  પાસ નહિ કરે.” રામજીએ શાંતિને તતડાવી.

‘અરે, આ આટલી વખત પાસ થઇ જહે તો બારડોલી કસબામાં નોકરી તીયાર જ છે’

‘તું જા હવે અહીંથી’ રામજીએ હાથનો ઈશારો કરીને એને  હડસેલી.

‘બો હારૂ ત્યારે, હું જાઉં પેલા બીજા ગામના પૂજારી પાંહે, ને સ્પેશ્યલ પૂજા કરાવું’ પગ ઠોકતી કમુ નીકળી ગઈ.

ગત વર્ષના જન્માષ્ટમીના તહેવારની ઉજવણી પછી  મોહનીયાનો આ સપનામાંથી ઉદ્ભવતી ભવિષ્યવાણીનો સિલસિલો  શરુ થયો. આજુબાજુના ગામોમાં આ બાબત વીજળીવેગે ફેલાતાં મોહનીયો પ્રખ્યાત થઇ ગયો. પૂનમની રાતે સપનામાં ગામ લોકોના દુઃખ દર્દના નિવારણ – એક વિસ્મય પમાડનાર સુખદ અનુભવ હતો. ગામના લોકો તો ઠીક પણ આજુબાજુના ગામથી પણ લોકોનાં ટોળે ટોળાં ઉમટવા લાગ્યાં.

વરણગામની  એક વર્ષોથી ચાલતી આવતી બીજી  પ્રથા હતી કે સાત દિવસ મેરબાઈની મૂર્તિની ઉપાસના કર્યા બાદ એ મૂર્તિ જન્માષ્ટમીને દિવસે,પાછળ આવેલા તળાવમાં વિસર્જન કરાવી દેવી – લગભગ ગણપતિ વિસર્જન જેવી આ પ્રથા કેમ અને ક્યારે શરુ થઇ એ કોઈને ખબર ન હતી. વિશ્વમાં  દરેકની એક ભૂમિકા હોય છે – દૈવી શક્તિઓની પણ ભૂમિકા હોય – કામ પતે એટલે વિસર્જન! 

બોલો મેરબાઈની જે.

મોહનીયો ગયે વર્ષે પુખ્ત વયનો થયો એટલે મેરબાઈની મૂર્તિ તળાવમાં પધરાવવાનું કામ એને ભાગે આવ્યું. બસ પહેલી વાર મૂર્તિ પધરાવી ત્યારથી મોહનીયો બદલાઈ ગયો; એ વધુ ને વધુ સમય દેહરીની મૂર્તિ સમક્ષ ગાળવા લાગ્યો  અને પેલાં આશ્ચર્ય પમાડે એવા સપનાં એને દર પૂનમે આવવા લાગ્યાં.

‘એ તો પૂજારી બાપનો બેટો એટલે એવી બધી શક્તિ આવે એ સ્વાભાવિક છે’ મોહનીયાની ઉમરના છોકરા કહેતા.

‘એ તો ઠીક પણ આ તારી ગીતાનું ધ્યાન રાખજે, ધીરીયા. મોહનીયા પરથી એની નજર જાણે  હટતી નથી,  વારુ’ ટીખળી રમેશે ધીરુને ઉશ્કેર્યો.

‘તૂ ચૂપ હે, રમશા, એ મારી મંગેતર છે, બકવાસ બંધ કરજે, ની તો …”

‘વખત ખરાબ છે, ધીરુ; તું જોજેની, પૂજા કરતા મોહનીયાના ખુલ્લા વાંસાને  એ ટીકી ટીકીને, જોયા કરે” છોકરાઓને મઝા પડી એટલે રમશો ચગ્યો.

‘તે બેં..ચૂ તૂ  હૂં કામ ગીતાને જોયા કરે, ટીકી ટીકીને; ,,,મારાથી હમણે કઈ કહેવાય જહે.’ ધીરુ રાતો ચોળ.

પહેલે વર્ષે તો મોહનીયાએ  કમાલ કરી. પૂનમના સપના પછી કહે કે “જો જો પાંચ દહાડા પછી નદીમાં મોટી રેલ આવવાની છે, હાચવજો બધા”

અને ખરેખર મોટી રેલ આવી; ખૂબ મોટી. બધાં જેમ તેમ બચ્યાં,- મેરબાઈની કૃપાથી– એવું  મોહનીયો બોલ્યો.

માળું આ તો ગજબ કહેવાય. જોઈએને  હવે આવતી પૂનમે શું કહે છે? બધાંને મૂરખ તો નથી બનાવતો ને, આ મોહનીયો?

અરે એના માબાપ પણ વિચિત્ર સ્થિતિમાં. એમના મોહનીયામાં આવી બધી શક્તિ ક્યાંથી અને કેવી રીતે આવી? ચાલવા દો જેમ ચાલતું છે તેમ.

પછીતો બીજી પૂનમે મોહનીયો કહે ‘જો જો ફલાણી રાતે ધાડપાડુ આવશે, ઉશિયાર રહેજો’

ગામ લોકોએ ભેગા થઇને થોડાક ખડતલ જુવાનિયાઓને રાતે ચોકી કરવા તૈયાર રાખ્યા. ખરેખર, ધાડપાડુ ત્રાટક્યા પણ જુવાનિયા સાબદા હતા તે પેલા નાસી ગયા.

મોહનીયાનો ડંકો વાગવા માંડ્યો.

હવે બધા પોતપોતાના દુખણાં લઈએને પૂનમની સાંજે આવવા માંડ્યા. બીજે દિવસે સવારે મોહનીયો મોટા ભવિષ્યવેત્તાની જેમ રસ્તો બતાવે.

ખરો ચમતકારી આ મોહનીયો, ભાય !

‘રામજીભાઈ, તમે હવે આમાંથી કઈ પૈહા ઉઘરાવવાનું ચાલુ કરો’ છનુકાકાએ ડપકો મૂક્યો.

‘જો ભાય, આ તો ધરમનું કામ કહેવાય. એ પૈહાવાળી વાત ખોટી. અમારે એ પૈહાનું કામ હૂં? મેરબાઈ ખીજવાઈને  સરાપ આપી દેય તો?’

‘કેમ તે મોહનીયો હવે પરણવા લાયક થયો, એને પરણાવવા પૈહા ની જોઈહે તમારે? વિચારો વિચારો, રામજીભાઈ’

‘મારી દયાળુ મેરબાઈ છે ને એ કાંઈ રસ્તો સુઝાડશે” બોલતાં બોલાઈ તો ગયું પણ મોહનીયાને માટે છોકરી શોધવાની વાત વિચારવા જેવી ખરી.

                          ****************

કુટુંબમાં એક દીકરી એટલે સાપનો ભારો. દીકરી જન્મે એટલે તરત જ એને દૂધ પીતી કરી દેવાનો કુરિવાજ સુધારાના  વાયરામાં લુપ્ત થવા માંડ્યો પણ કુટુંબનો વંશ ચાલુ રહે એવો આગ્રહ તો હજી છે. દીકરી જરાક પુખ્ત વયની થવા આવે એટલે એને માટે યોગ્ય મૂરતિયાની શોધખોળ ડાહ્યાં માં-બાપો શરુ કરી દે. 

બાજુના હલવાડા ગામનો મુખી શંકરભાઈ એમાં અપવાદ ન હતો. દીકરી રૂક્મીએ હજી હમણાં જ તો જુવાનીમાં પગ માંડ્યો  અને  કિકીએ હજાર વાર વાત કાઢીને કાન બહેરા કરી દીધા  ” તમે બે હાથ જોડીને બેહી નો રહો, દીકરી હવે જુવાન થઇ છે. કેટલા વરસ ઘરમાં બેસી રહેય?”

વરણગામમાં  મોહનીયાનો સપનાનો ચમત્કાર જોયા પછી શંકરે ગાંઠ વાળી કે આપણી રૂક્મી માટે આના  કરતાં રૂડો વર નહિ મળે. હલવાડા પરત થઇને તરત કિકીને હાક મારી  ” અરે હામ્ભરે કે?”

‘મારા હામળિઆની પૂજા પતે એટલે હામ્ભરું” પાટલા પર બિરાજમાન   કિકીએ ઘંટી  વગાડીને કૃષ્ણ ભગવાનની મૂર્તિને શ્રધ્ધાપૂર્વક માથું નમાવ્યું; “જે શ્રી ક્રષ્ણ” .  સાડીનો છેડો અંદર ખોસતાં, ઉભા થતાં  ઘૂંટણના બેચાર ટચાકા બોલાવ્યા.

‘હં, બોલો હવે, હૂં કેહતા હતા તમે?’

‘અરે બો ફાઈન સમાચાર છે. તું તો ગાંડી થેઈ જહે, પણ રૂક્મી હમણાં છે કાં?’ શંકરે આજુબાજુ નજર દોડાવી. 

‘એ તો ગાય દોહતી ઓહે. વાત હૂં છે તે કેવની વહેલા ?’

‘મૂરતીઓ મલી ગીયો’ 

કિકીની આંખ મરક મરક.

‘કોણ છે એ મૂરતીઓ ?  કોને તાંનો પોયરો ?’ 

‘રામજીભાઈનો’ 

‘કોણ રામજીભાઈ?’

‘અરે આ ફા ના (આ બાજુના) વરણગામનો પૂજારી’

‘તમે હો છેક જ ! એ આળસુએ તો નિહાર હો પૂરી નથી કરી. મારી રૂક્મીને હારું તો ભણેલો ગણેલો, નોકરી કરતો પોયરો જોઈએ’

શંકર ભાઈએ કફની કાઢીને ખીંટીએ ટાંગી, ‘અરે હું મારી હગી   આંખે જે જોઈ આયવો  તે તો હામ્ભર. હૂં એનો રૂઆબ? હૂં એની છટા  ? ચમત્કારી છે ચમત્કારી તારો જમાઈ?”  શંકરભાઇએ બધી માંડીને વાત કરી.

‘કિકી, આ છોકરો ગુમાવવા જેવો નથી. પૂજારી કુટુંબ છે, ગામમાં ઈજ્જત છે, અને ડખુ- ચોખાની કોઈ દહાડો આબદા ની પડે. બીજું હૂં જોઈએ? જે શ્રી કૃષ્ણ, તારી લીલા અપરંપાર છે.’ શંકરભાઈએ શ્રીકૃષ્ણની મૂર્તિ સામે હાથ જોડતાં કિકીને સમજાવ્યું.

બીજે જ દિવસે મુખી યુગલ રામજીભાઈને દરવાજે વરણગામ પહોંચી ગયું. 

શંકરભાઇ અને કિકીની કાકલુદી સાંભળીને રામજીભાઈ જરા મોંઘા થયા. એમ કંઈ પહેલી ઓફરમાં આંખના રતનને હારૂ થોડી હા કહી દેવાય?

‘મોહનીયો  તો હજી નાલ્લો કહેવાય. લગનની વાત એને કરવી પડે. ખમી જાવ જરા’ રામજીભાઈ ઠાવકાઇથી બોલ્યા.

‘તે અમે કાં આજે લગન કરવાના છે જે? ગોર-ધાણા વહેંચી દીયે એટલે બસ. ફાઈન જોડી લાગહે કેમ કિકી?’

કીકીએ અધખુલા બારણામાંથી મોહનીયો જોયો એટલે ધરાઈ ગઈ, તે ટાપસી પૂરાવતાં કહે ‘અમારી રૂક્મીને હો કૃષ્ણ ભગવાનની બો માયા. પૂજામાંથી નવરી જ ની પડે’,  જોડી બરાબર જામે  એ ઠસાવવા કીકીએ દાવ ફેંક્યો.

કિકીને મેદાનમાં ઉતરેલી જોઈને પાર્વતીથી નહિ રહેવાયું, ” પણ તમારી રૂક્મી એટલું બઘું ભણેલી તેને આ પૂજારી જેવા જુનવાણી  ઘરમાં મારી જેમ ફાવહે? “ 

આ સાંભળી એના વર રામજીભાઈનું મોઢું જરા પડી ગયું. પાર્વતી  જરા ખમચાઈ ગઈ. પચ્ચીસ પચ્ચીસ વરસથી હું તમારા ઘરમાં વેઠ કરું છું એવું ઉઘાડે છોગે તો ની કહેવાય ને?

રામજીભાઈએ આ બળવો સાંભળ્યો  ન સાંભળ્યો  કરીને પરખાવ્યું, ‘પાર્વતી, આ મહેમાનોને કાંઈ ચા પાણીનો વિવેક કરવાની  કે ની?’ 

ધણીએ કહ્યું એટલે પાર્વતી  રસોડા તરફ ક-મને ખેંચાઈ. 

તકનો લાભ લઇને શંકર ભાઈએ મુદ્દાની વાત ઉપાડી, ‘જુઓની રામજીભાઈ, વાંકડાની ચિંતા ની કરતાં. શ્રીકૃષ્ણ  ભગવાને અમને ઘણું આયપુ છે . એક વાર હલવાડા અમારા ગરીબની ઝુંપડીને પાવન કરો હવે” 

એક બાજુ ગામનો મુખી, ને  વાત કરે ગરીબ હોવાની! છોકરીવાળા એટલે જખ મારીને નીચા નમીને ચાલે! 

મેરબાઈની જે.

થોડી વારમાં પાર્વતીને  કપ-રકાબી લાવતી જોઈને કિકી સફાળી ઉઠી અને મદદ કરવા અંદર ગઈ તો વચ્ચેના રૂમમાં મેરબાઈની મઝાની મૂર્તિ જોઈ એટલે બે હાથ જોડાઈ ગયા. પાર્વતીને  ગમ્યું. કીકીએ બરાબર સોગઠી મારી.

ગામમાં કોઈ અજાણ્યા મહેમાન કોઈને ત્યાં આવે એટલે ગામની સ્ત્રીઓ એનો તાગ મેળવવા આવી જ ચડે. બધી બહાર બેઠી બેઠી અંદર શું ચાલી રહ્યું છે તે જાણવા અધીરી. એ ટોળાંમાં ગીતા સામેલ થઇ તે જોતાં સામેના ઘરના વરંડામાં બેઠેલો ધીરુ અકળાયો, ‘હારો રમશો હાચુ બોલતો ઉતો?’

આરતીનો ટાઈમ થયો એટલે રામજીભાઈએ બે હાથ જોડયા , ‘સારું તો શંકર ભાઈ તમને જણાવશું’ 

અત્યાર સુધી ગેરહાજર  રહેલો મોહનીયો અચાનક પ્રગટ થયો, બાપ સાથે આરતીમાં જવા.

‘કેવો ફાઈન મોહનીયો, જાણે ગોરા કૃષ્ણનું  રૂપ જોઈ લો’, કિકી મનોમન બોલી.

‘મેં કીધેલું ને તને, ગાંડી’ જાણે શંકર કીકીને જોતાં કહેતો હોય. કિકી તો હવામાં ઉડવા માંડી.

મહેમાન બહાર નીકળીને ઉતાવળમાં હોન્ડા પર સવાર થઇને નીકળી ગયા કે બાઈઓને ધ્યાનથી જોવાનો મોકો નહિ મળ્યો. કોણ હતા એ લોકો? કેમ આવેલા રામજીભાઈને મળવા? બધાએ એક બીજા સામે જોયું.

બધું લોક આરતીમાં સામેલ થવા ચાલ્યું. આગળ રામજી અને એની પાછળ નીચું મોઢું કરીને મોહનીયો, ઘેલી ગીતા પાસેથી પસાર થયો. દૂર રમશાએ ધીરુને કોણી મારી “જોઈ લે દીકરા, આ મેરબાઈના ખેલ”

પંદરેક મિનિટમાં આરતી થઇ ગઈ એટલે પાર્વતી  આરતીનો થાળ લઇ ને ભેગા થયેલા લોકોમાં ફરવા માંડી.

‘બેટા મોહનીયા, જરાક આવજે ને મારી પાહેં’ રામજીભાઈને થયું કે હવે વાત કરી લેવી જોઈએ.

‘હા ભાઈ, હમણાં આયવો’ આજ્ઞાંકિત પુત્ર બોલ્યો.

મોહનીયાએ પોતાની કેસરી કફની ચડાવી અને આગલા રૂમમાં બાપ સાથે હિંચકે બેઠો.

રામજીએ બારણાને અંદરથી અટકાવી દીધું. બહાર નાના છોકરાંઓ બહુ કિકિયારી પાડતા હતા તે શોર ઓછો થયો.

‘જો બેટા, જે રીતે તેં પૂજારીનું કામ ઉપાડી લીધું છે એ જોઈએને તારી માં અને હું બેઉ બહુ ખુશ છીએ. તારે તો હવે થોડા વખતમાં બધો કારભાર સાંભળી લેવાનો છે.’બાપાએ આવી ગંભીર મુદ્રામાં વાત કોઈ દિવસ કરી ન હતી.

મોહનીયાએ બે હાથ જોડ્યા “મેરબાઈની કૃપા; તમને સંતોષ છે એનો મને ખૂબ આનંદ છે” 

રામજી હળવેથી  એનો હાથ લઇને કહે “બસ હવે અમને એક જ ઈચ્છા બાકી છે”

‘બોલો ને ભાઈ. તમારી ઈચ્છા મને શિરોમાન્ય’ 

બહારનું બારણું ધડાક દઈ ને ખુલ્યું અને પાર્વતી  પધારી. 

’આ બારણું  બંધ કરીને બાપ-દીકરો હૂં ગુસપુસ કરતાં ઉતા?’ 

‘શ….,’ નાક પર આંગળી મૂકીને રામજીએ પાર્વતીને બાજુની ખુરશી પર બેસવા કહ્યું.

‘દીકરા, અમને બેઉને એમ થયા કરે છે કે તને પરણાવી દઈએ હવે” રામજીએ  પાર્વતી સામે જોયું. પાર્વતીએ  હકારમાં ડોકું હલાવ્યું.  

‘પોરીના માબાપ અમને જંપવા નથી દેતા હવે. ક્યાં ક્યાંથી આવે. તું હા પાડે એટલી જ વાર” 

મોહનીયાના મુખની રેખાઓ અચાનક ખેંચાઈ. “પણ કેમ?” 

‘બધા પરણે. તારી હો ઉમર થઇ ગઈ. તારી બૈરી આવહે, તને વહાલ કરહે, તારો સંસાર આગળ ચાલે, તારી માયને હો હારું, ઘરકામમાં કોઈ જોઈએ ને ?”

‘પણ હું તો મેરબાઈની પૂજા કરું, રોજ કરું, એને રોજ કરું વહાલ….’

વાત વણશે એ પહેલા રામજીએ એને અટકાવ્યો ” એ તો આખું ગામ જાણે પણ તારે હવે જિંદગીમાં સ્થિર થવું જોઈએ, વસ્તાર વધારવાનો. શાસ્ત્રોમાં હો લયખું છે. તું ખુશ રહેશે, સુખી થશે”

મોહનીયો વિચારમાં પડી ગયો.

પાર્વતીએ બેટાને છેડ્યો “જો ને ,તારા ભાઈ અને હું ખુશ છીએ ને તેમ” વાસ્તવમાં પાર્વતીનું સુખ તો રામજીથી  શરુ થઇ  રામજીમાં જ પુરૂં.

રામજીએ ઉમેર્યું, “જો કોઈ ઉતાવળ નથી, તું નિરાંતે વિચાર કરી લે. “ 

પાર્વતીએ કપાળ ફૂટ્યું – મન માં બોલી ‘ઉતાવળ કેમ નથી? ઘરમાં વહુ જલ્દી નહિ આવશે તો એના પર હુકમ ચલાવવાનો મોકો ક્યારે મળશે? રામજીની  માંએ મને બહુ વર્ષો હેરાન કરી, હવે મારો વારો. એ તો પાછી  નેવું નેવું વરસ જીવી ગઈ. બરી ગિયું આ રોજનું ઘર કામ કરવામાંથી કોણ જાણે ક્યારે છુટકારો મલહે  મને.’

વધારે કાંઈ આગળ વાત ચાલે એ પહેલા મોહનીયો અચાનક હિંચકાને જોરથી આંચકો આપતો  ઉભો થઇ ગયો અને પોતાની ખોરડીમાં જઈને ભરાઈ ગયો. 

એ તો મેરબાઈની ઈચ્છા, પાર્વતી, મેરબાઈની ઈચ્છા.

ફળિયાની સામે ઉભેલી લલીએ આ ખેલ જોયો. રામજી કાકાના ઘરનું બારણું બંધ કેમ? 

મોહનીયાએ જે રીતે લલી વિષે ભર સભામાં કહી દીધું એથી ગુસ્સો હતો. બાબાને પૂછું? 

‘એવું કરવા પાછળ પણ  કોઈ ઈશ્વરીય સંકેત હોય? મોહનીયાનું કાઈં કહેવાય નહિ’

                    ***********************   

મુંબઈમાં મોસમનો પહેલો વરસાદ ત્રાટક્યો અને સર્વત્ર જળબમ્બાકાર. લલી સાથેની ગલગલી થાય એવી પહેલી મુલાકાત બાદ ભીખુ સાન્તાક્રુઝથી મલબાર હિલ આવતાં આવતાં પૂરેપૂરો ભીંજાઈ ગયો. એનું છત્રી ભૂલી જવું એ વિધિની વક્રતા હતી કે બીજું કાંઈ ? એનું વિહ્વળ મન ઘડી ઘડી લલી સાથે ગુજારેલી ક્ષણો તરફ ખેંચાઈ જતું હતું. એની વાતોની યાદો કેમે કરીને જતી ન હતી. એ પછી લીલી સાથે આંખ મિલાવીને વાત કરવાનું મુશ્કેલ હતું. લીલી ગમ ખાઈ ગઈ હતી એ સ્પષ્ટ હતું. એના જેવી નાકવાળી છોકરી જીજાની ઉપરવટ જઈને ભીખુની નિજી જિંદગીમાં દખલ કરે એ શક્ય ન હતું. એણે જીજાને સીધેસીધું કહી દેવું જોઈતું હતું કે હા મને ભીખુ માટે લાગણી છે. એવું ન થયું એમાં પણ કોઈ ઈશ્વરીય સંકેત ?  

હજુ તો એ દયાળ મેનશનનાં પગથિયા ચઢે ત્યાં 

 ‘ભીખુ, ‘ દયાળજી  સોલિસિટરનો સતાવાહી અવાજ.  

‘ક્યા ગયો હતો તું?’

‘હું… છે તે…’

‘અષ્ટમ પષ્ટમ સાંભળવા હું ટેવાયેલો નથી, જે હોય તે સીધું કહે’  પાંજરામાં ખડા કરાયેલા સાક્ષી પાસેથી  સત્ય કેવી રીતે  ઓકાવવું એ અદાથી સોલિસિટર સાહેબ  ગર્જ્યા.

ભીખુ સાવધ ! જરાય અકળાયા વગર સત્ય કહી દેવામાં ડહાપણ હતું અને મરદાનગી પણ.

જરા ટટ્ટાર થઈને ગળું ખોંખારીને, ‘ મામાજી, હું ગયો હતો એક છોકરી જોવા … જે મારી ભવિષ્યની પત્ની બનશે … તમારા આશીર્વાદ સહ…’

મોટામામા ચમક્યા. શું આ એજ ભીખુ હતો જે ચાર વર્ષ પહેલાં દયાળ મેનશનમાં ગૂપચૂપ ગોઠવાઈ ગયો હતો?

આટલો ભારી બદલાવ? એની હિમ્મત તો જુઓ?

વિચક્ષણ બુદ્ધિના માલિક સોલિસિટર સાહેબે એક ક્ષણમાં બધો  હિસાબ લગાવી  દીધો. એક ઠરેલ ન્યાયમૂર્તિની માફક એ હવે ચૂકાદો આપવા તૈયાર હતા.

‘શાબાશ ભીખુ દીકરા, કે મને સત્ય હકીકત કહેવાની હિમ્મત દેખાડી. હું હવે તારો કેસ મહેનતથી અને ચતુરાઈથી  લડીશ અને તને ન્યાય અપાવીશ.’

ભીખુ પાણી પાણી! સ્વ-સફુરણાથી એ મામાને પગે પડ્યો.

હવે કેસ સરભોણની અદાલતમાં આગળ ચાલવાનો હતો. કેસ થોડો અટપટો હતો પણ ઘડાયેલ સોલિસિટર એ પડકાર ઝીલવા સક્ષમ હતા.      

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

પ્રકરણ ૨૦ મક્કમ જમના 

 પાંચ પાંચ વર્ષ બાદ સરભોણ પધારતા ભીખુને વિચિત્ર લાગણી થઇ આવી.  મોટામામાની ગાડી જયારે નવસારી સ્ટેશન આગળથી પસાર થઇ ત્યારે સ્ટેશન નવું નવું લાગ્યું. હવે સ્ટેશન પર ઘણા ચમકતા સ્ટોલ દેખાઈ રહ્યા હતા. ભીખુએ રસ્તે ઝડપથી પસાર થઇ રહેલા બોર્ડ વાંચવા વ્યર્થ કોશિશ કરી. ઘણું બદલાઈ ગયું હતું બધું.         

ગાડી આગળ વધી, ખાબડ-ખૂબડ રસ્તો જાણે જમના માં સાથે થનારી  ચર્ચાનો નિર્દેશ કરતા  હોય. જો કે રસ્તાનો અંત જાણતા હતા  પણ જમના માં સાથેની  પેચીદી  ચર્ચાનો અંત કોને ખબર કેવોક આવશે? ભીખુ  એની માંને સારી પેઠે જાણતો હતો એટલે જ મન  ઊથલપાથલથી ભરપૂર.

મોટામામાનો ડ્રાયવર ગામડાના રસ્તે કુનેહપૂર્વક  ગાડી ચલાવતો હતો ત્યારે ભીખુ પસાર થતી દુકાનો, ધાબા અને જુના મકાનોને નિહાળી રહ્યો. ભીખુનું મોસાળ ગણદેવા આવ્યું ત્યાં જમના માં એ વર્ણવેલો કિસ્સો યાદ આવ્યો.  અત્યારે એ શું કરી રહી હશે? દયાળ મામાએ એમના આવવા વિષે કાંઈ ચિઠી-ચપાટી મોકલી હોય એમ લાગતું ન હતું. એ ભીખુને આમ અચાનક જોશે ત્યારે શું કરશે?

આખરે ગાડી સરભોણનાં ફળિયામાં દાખલ થઇ. એક નાનકડી દુકાન આગળ નાનાં છોકરાં ઉભા હતા એ બધા ધૂળ ઉડાડતી ગાડી પાછળ બૂમાબૂમ કરતાં દોડવા માંડ્યા. અચાનક રસ્તામાં એક સાંઢ ગાય પાછળ દોડતો આવી ચડ્યો એને ડ્રાયવરે હોશિયારીથી બચાવ્યો. બસડીપો પાસેથી વળાંક લઈને ગાડી જમના માંનાં ઘરનાં બારણામાં આંચકા સાથે ઉભી રહી ગઈ.

જમનાની સાથે કામ કરતી કાશી દૂધના કેનની ગોઠવણીમાં વ્યસ્ત હતી. ગાડીની પાછળ દોડી રહેલું છોકરાઓનું ટોળું થંભી ગયું અને પાસે ઉભા રહીને કુતુહલતાથી ગાડી જોવા લાગ્યા. 

યુનિફોર્મ પહેરેલા  ચબરાક ડ્રાયવરે  બહાર ધસીને એના શેઠ માટે દરવાજો ખોલી નાખ્યો. ભીખુ પાછલી  સીટના બીજો  દરવાજો ખોલી બહાર નીકળ્યો. 

‘ભાય, તમે કાંથી આયવા? કોને ત્યાં? ‘ પ્રશ્નોની ઝડી વરસાવતી કાશી એ લોકોને જોઈ રહી. 

ભીખુ બારણા આગળ થંભી ગયો, મોટામામા રૂઆબથી અંદર જઈને એક આરામ ખુશીમાં બેસી ગયા. ઘર બહુ બદલાયું ન હતું. આખા ઘરમાં તાજા દૂધની મીઠી સુગંધ પ્રવર્તતી હતી. 

યાદોથી રંગાઈ ગયેલો ભીખુ ધીરે ધીરે અંદર દાખલ થયો અને દીવાલ પર ટાંગેલા  એના પિતા મોરારજીના એક ખૂબ જુના ઘસાઈ ગએલા  ફોટાને ભાવપૂર્વક ધારી ધારીને  નિરખી રહ્યો. 

અચાનક કાશીને ખયાલ આવ્યો કે એ ભીખુ હતો.

‘આય હાય, આ તો ભીખુભાઇ!’ કરીને મોઢાંને પાલવથી  ઢાંકતી દોડી રસોડા તરફ, જ્યા સામેથી આવી રહેલી જમના સાથે ભટકાઈ. 

‘મૂરખ બૈરી, આટલી બધી હાની ઉતાવર તને?’ જમનાએ બરાબર દેશી ભાષામાં ટોકી.

જવાબમાં કાશીએ દીવાનખાના તરફ આંગળી ચિંધી. ‘ જુઓની કોણ આવલું છે?’ , એનું મોં ખુલ્લું ને ખુલ્લું!

જરા પણ ઉતાવળ દર્શાવ્યા વગર જમનાએ માથા પર પલ્લુ સરખો કર્યો અને ડગ માંડયા દીવાનખાના તરફ.

બહાર તેજ પ્રકાશથી આંખો બચાવતી આગળ વધી.

‘અરે દયાળ તૂ આટલે કાંથી? આમ અચાનક? ક્યારે આયવો ?’ 

દયાળજી હસ્યા અને ફોટા સામે ઉભેલા ભીખુ તરફ આંગળી ચિંધી.

‘અરે ભીખુ મારા દીકરા’ જમના માં અતિ ભાવ વિભોર!

‘અરે તૂ? ક્યારે આયવો? આમ અચાનક? ની કઈ કાગળ પત્તર?’ 

‘માં, મોટામામાએ કેહયું કે ચાલ એટલે અમે નિકરી પયડા ! ‘

‘અરે ઓ કાશી, પાણી બાણી  લાવ તો વહેલી!’ જમના માંની ખુશી સમાય નહિ.

હવે દયાળજી પાસે આવીને મોટીબેનને પગે લાગ્યા.

‘જીવતો રહેજે ભાય,’ 

‘મોટીબેન જોતો ખરી તારા પોયરાને, બરાબર – મોટો  ગ્રેજ્યુએટ!’ 

‘મારા દીકરાએ અમારું નામ ઉજાયરુ’ કરીને ફરી ભીખુના કપાળે ચૂમી.

‘તે અમને પાણી પીવડાવીને વિદા કરવાની કે હૂં?’

‘દયાળ તૂ હો હૂં લાખી દેવા જેવી વાત કરે?’ કરીને જમના માં હિંચકે બેસવા ગયાં કે પગ ખસ્યો. 

‘હાચવીને માં , હાચવીને’ ભીખુએ જલ્દી જલ્દી માઁને પકડી લીધી.

‘થાકી ગેલી છે હવે હું, જાત પેલાં જેવી કામ ની કરે’ 

‘ભીખુ હવે મોટો થેઈ ગેલો તે જવાબદારી હમજે. તારી હાથ લાકડી છે હવે. તારે તો હવે પગ લંબાવીને આરામ કરવાનો વખત આયવો’ દયાળજી બોલ્યા.

‘બસ બસ બસ, ભીખુને હારુ પોરી હોધીને નિરાંતે બેહુ – મારી છેલ્લી જવાબદારી !’ 

દયાળજીએ ભીખુ સામે સૂચક નજરે જોયું.’ લે તારી માં હૂં કહેય?’ ભીખુ જલ્દી દોડીને માંને પગે લાગવા ગયો ત્યાં માંએ એને ગળે લગાડીને વળી કપાળે ચૂમ્યો.

‘અલી કાશી, મરી ગેઇ તૂ  અમારી વાત હામ્ભરવામાંથી ઊંચી જ ની આવે. જા આપણા હુનાના (સોના જેવા)  મહેમાન હારૂ  કાંઈ ફક્કડ જમ્માનું બનાવ તો! જા વ્હેલી!’ 

કાશીને જરૂર પૂરતું ખખડાવીને માજી પૂછવાં લાગ્યાં,

‘તમે બેવ થાયકા ઓહે. જરાક આરામ કરી લેવ એટલે ખાવાનું તિયાર. ને……પેલા ગાડી હાંકવાવારા ભાયને હો જમ્મા બોલાવી લેજો, હેં કે.’

‘ઓત્તારીની, દયાળભાઈને ભીખુ આજે આટલે સરભોણમાં? હૂં વાત છે?’ અચાનક ફૂટી નીકળેલા પાડોશી નાથુકાકા બોલી ઉઠ્યા.

‘ચાલો નાથુભાય તમે હો ખુશ?’  જમનાનો વાતે વાતે વ્યંગ નાથુભાઈને કોઠે પડી ગયો હતો. એના મોઢા પાર ભાવ બિલકુલ બદલાયા નહિ.

‘અહુવે, જમનાબેન, ભીખુને મેં રમાડેલો હો ને, ઊં ખુશ જ ને વરી? ‘ કરીને નાથુભાઈએ ભીખુને માથાથી પાની સુધી ચકાસી લીધો, અને ઉમેર્યું, ‘ પેંડા વહેંચો પેંડા, હવે તો આપણા ભણેશરી ભીખુને હારુ કન્યા હોધો ભાય!’

‘તેમાં તમે હૂં કામ ફિકર કરે, હેં? જોજોની ઊં  એવી પોરી હોધી લાવા કે લોકની આંખ પોહરી થેઈ જહે’ જમનાએ માર્યો ચાબખો પાછો.

દયાળજી ફરી ભીખુ સામે જોવા લાગ્યાં. આ આઝાદ સ્ત્રીને આપણી વાત કબૂલાવવી એ ભારી કામ !

વારંવાર ફજેત થતા નાથુભાઈ આસ્તે રહીને માથું હલાવતા નીકળી ગયા.

જમ્યા પછી થોડી વામકુક્ષી અને આરામ. પણ જમનાને આજે ઊંઘ આવે?  

કાશીના ધનાઢ્ય ફુઆએ મૂકેલી ઓફર એને વારંવાર યાદ આવ્યા કીધી. અરે એણે જે અ ધ ધ ધ ઓફર મૂકી એ જમનાએ સપનામાં પણ નહિ વિચાર્યું હોય. તરાપ માર જમના, ટાઈમ નહી  બગાડ. હવે તો એનો ફેંસલોઃ લાવું કરીને એ ભીખુ સૂતો હતો ત્યાં ગઈ. 

‘કેવો ફાઈન લાગે મારો પોયરો!’ ભીખુને ઘસઘસાટ ઊંઘતો જોઈ એ બબડી.

પણ દયાળ ભાઈ એની સાથે શું કામ આવ્યા? કાંઈ ગળે ઉતારતું ન હતું. શું એને પણ ભીખુ માટે ઓફર મૂકવાની હતી?

સાંજે ચારેક વાગે ત્રણે જાણ ચા પીવા ટેબલ ખુરશીએ ગોઠવાયા. કાશીને આમ તો  ભીખુ સાથે દયાળજી ભાઈ કેમ આવ્યા એની ગંધ આવી ગયી હતી. એ હોશિયાર! ફુઆવાળી ઓફરથી જમના લપેટાઈ જશે એવી ખાતરી હતી એને. ભીખુ ખરેખર કેટલું ભણ્યો એ વળી કાશીને ક્યાંથી ખયાલ આવે? પણ ઘણું ભણ્યો એટલું પાકું. ફુઆ આવા છોકરાને પાડે તો બીજા તો ઠીક પણ કાશી પોતે નાક ઊંચું કરીને જીવે એ નક્કી. અરે એવું પણ બને કે જમના એના વહુ-પોયરાની સાથે મુંબઈ જતી રહે અને દૂઘ – મીઠાઈનો ધંધો કાશીને સોંપતી જાય ,,,,! કાશીને દિવા સ્વપ્ન શરુ થઇ ગયાં.

બપોરની ચા પીવાઈ ગઈ, કાશીએ કપ રકાબી લઇ લીધા અને ટેબલને ઘસી ઘસીને સાફ કરી ગઈ એટલે મુદ્દાની વાત શરુ થઇ.

‘ચાલ ભીખુ, તો હવે હૂં કરવાનો?’ માજીએ દાણો ફેંક્યો.

‘મારે આગળ ભણવું છે પણ…..’

‘ભણવા બણવાનું હવે આપડે હું કામ? જબરું કાઠું કાયડું  તે દીકરા, હવે જરા ઠરી થામ થા.’ 

‘ હું જાણું, માં… પણ…….’

‘…. પણ બણ  કાંઈ ની. લગન કર ને બૈરી હાથે સંસાર શરુ કર, હું બીજું કઈં હામ્ભરવાની નથી, હમજ્યો?’ વાત અવળે  પાટે ચડી જાય એ પહેલા માજીએ બાજી હાથમાં લઇ લીધી.

‘મોટીબેન, જરાક એને હામ્ભર તો ખરી, મોટો થેઈ ગીયો છે એ, ને તૂ જે કહેય છે એ જ કહે છે એ ‘ દયાળજી મેદાનમાં ઉતાર્યા.

‘તે તમે હાંજે હૂં ખાવાના?’  ચર્ચામાંથી બાકાત થઇ ગયેલી કાશી, કાઇંક  બહાનું કરીને અચાનક ટપકી પડી. 

‘કાશી…. કેટલી વાર તને કેહયું  કે અમારી વાતમાં તને ની હમજણ પડે, તો હો અક્કલ વગરની તૂ… ખાવાને હજુ બો વાર છે, પછી કેહવા તને, ચાલ, નાહ તૂ  અહીંથી’

ચર્ચામાં વિક્ષેપ પડ્યો. 

‘હારૂ, આપડે હૂં વાત કરતા ઊતા? આ ચાંપલી કાશી , તારું નખ્ખોદ જાય.  જો ભાય દયાળભાઈ, હિધે હિંધી વાત કરતી છે ઊં. ભીખુને હવે આગળ ભણવાની જઈ જરૂર નથી. ઊં તો કેમ કે હારી પોરી મલી જાય એટલે લગન કરીને ઠરીથામ થેઈ જવાનું.’

જમનાનો હાંખલો ભારી થઇ ગયો. 

‘પણ….’  

દયાળભાઈના વિરોધને અવકાશ ક્યાંથી હોય?

‘… ને ભીખુ મારી પસંદની પોરી હાથે લગન કરે …’ જમના એનો કક્કો ખરો કરાવીને જંપવાની ત્યારે. ચર્ચામાં ઉતરેલા બંને મરદ શીયાંવીયાં. 

પૂરા આત્મવિશ્વાસ સાથે જમના અચાનક ઉભી થઈને બબડતી બબડતી  આગલું બારણું બંધ કરી આવી – ‘ફળીયામાં પોયરાં બો હોકાર પાડે, કાન પયડો બોલ ની હામ્ભરવા દેય.’

‘મોટીબેન મારી, હવે તૂ જરાક મને સાંભળશે ? વચ્ચે કૂદી નો પડતી, હમજી?’ એક ન્યાયધીશની અદાથી બોલેલા શબ્દોએ ધારી અસર કરી. 

આ કઠોર વાક્યે જમના જરા ખમચાઈ, ટટ્ટાર થઈને એણે  કાન માંડ્યા.

‘છેલ્લા પાંચ વર્ષમાં મેં ભીખુને ઉધાર્યો છે, એને દુનિયાદારીથી સમજદાર મરદ મેં જ બનાવ્યો છે. મેં એના ઉછેરમાં કોઈ સોલિસિટરગીરી નથી કરી.  એના પર મારા વિચાર મેં કોઈ દા’ડો નથી ઠોક્યા. હું એને જ્યા સુધી જાણી શક્યો છું ત્યાં સુધી એને બધી સમજણ છે ………..’

દયાળજી ગળું ખંખેરવા થોડું અટક્યા.

‘….હવે એ ટાઈમ આવ્યો છે કે જ્યારે એ પોતાના નિર્ણયો જાતે જ લે – કોઈની શેહમાં આવ્યા વગર – મારી કે તારી પણ નહિ…’ 

‘જો ની દયાળભાઈ….’ જમના વચ્ચે બોલવા ગઈ પણ દયાળજી એને સન્માનપૂર્વક વારી, ‘ જરા પૂરી વાત સાંભળી લે તૂ’

ભીખુના મોં પર વસવસો કે ક્યાં આ બે વડીલોને લડતા કરી મૂક્યા.

‘ હું પોતે એને લગતા કેટલાક નિર્ણયોમાં સંડોવાયેલો છું જેવા કે આગળ ભણવું કે નહિ, કેવી જાતની છોકરી એના જીવનસાથી તરીકે માફક આવશે, વિગેરે વિગેરે. જમનાબેન, આ બધું ભીખુ માટે પણ સહેલું નથી રહ્યું, હેં કે ‘ 

દયાળભાઈએ જમના પર એક તીક્ષ્ણ નજર કરી, ‘ અમે લોકોએ એક કન્યા જોઈ લીધી છે, બહુ ડાહી, ગુણિયલ  ને ભણેલી છે, ભીખુને ખૂબ પસંદ છે. અમે અહીં આવ્યા છે ફક્ત તારા આશીર્વાદ લેવા…..’

જમના વિફરી.

‘દયાળભાય તમે લોકે આટલું બધી નક્કી કરી નાખ્યું તે ની ચાલે. તેં પાંચ વરસ એને ઉધાયરો તો મેં પંદર  વરસ ઉધાયરો, જાણે કે તૂ ? મારે હારૂ એ કાંઈ હેલું ની હતું. તમે બેઉએ નક્કી કરે તેં મારે કાંઈ માની લેવાનું ? કોઈ દા’ ડો ની.’

‘ જમનાબેન,  જમનાબેન….’

‘ મારે હજુ કહેવાનું છે એટલે સબર  કરો. તેં ભીખુને હારૂ  જે કયરું તેની ના ની. એની જિંદગીને હારૂ હું જ બધું નક્કી કરા. ને કોણ છે એ છોકરી જેના પર મામો ભાણેજ વારી ગિયા? ‘ જમનાનો ચહેરો લાલઘૂમ.

‘માં, એ છોકરી એક સંસ્કારી કુટુંબમાંથી આવતી છે….” ભીખુ વચ્ચે પડ્યો.

‘તૂ ચૂપ રહે ભીખલા ‘ જમનાનો ગુસ્સો હદપાર.

‘વરણગામના એક આબરૂદાર, ભણેલાની પોરી’ 

‘ઓત્તારીની, હમજી ગેઇ, વરણગામ કેમ? પછી?’ 

‘એનો એક કાકો બેન્ક મેનેજર છે…..’

‘હં તેં પોરી વાંકડામાં બેન્કની  કડકડતી કોરી નોટ લાવહે’ 

જમનાનો વ્યંગ દયાળજીને ખૂંચ્યો. 

‘આવો બકવાસ તૂ હવે નહિ કરે તો સારું. અનાવલાઓ હવે ભણીગણીને મોટી મોટી નોકરી કરતા થઇ ગયેલા, જુના ધડમાથા વગરના રિવાજની હવે કોઈ કિંમત નથી, જુનવાણી છે બધું જુનવાણી. ભીખુને હારૂ આપણે કન્યાનું રૂપ, ભણતર અને સંસ્કાર જોવાના, નહિ કે વાંકડો.’ હવે  ભાષણ આપવાનો વારો દયાળજીનો.

‘તમને કાંઈ ભાનબાન ખરૂં કે? મારી પાહેં તમને તમ્મર આવી જાય એવી ઓફર છે. ભીખુને તો જિંદગી આખી બસ ઘી-કેરાં. જમીન લેય, ઘર લેય ને જિંદગી આખી બેહીને ખાય, નોકરો-ફોકરો કાંઈ ની. મોટો જમીનદાર થઇ જાય જમીનદાર!’

‘અહુવે, તો  તૂ ને હું જેનો વટ મારીએ છીએ એ ડિગ્રીનું હૂં?’

‘ડિગ્રીને ફોટોફ્રેમ કરીને દીવાનખાનામાં ભીંત પર વટથી ટાંગવાની.’

‘બો વાહિયાત વાત કરે હેં તૂ, મોટીબેન’

‘બો હાચી વાત ભાય, મારી બધી વાત વાહિયાત, મારા જેવી મગજની ચહકેલ, રાંડથી  મારાજ  પોયરાના ભવિષ્યનો હરખો વિચાર ની  થાય, એમ ને? ‘ મામલો બિચકી ગયો હતો, જમના માં વાઘણ જેવી વિકરાળ લાગવા માંડી.

ભીખુની આંખ પાણી પાણી, બિચારો હાથ જોડીને બેઉ વડીલોને કહે,’ માં અને મામા, મહેરબાની કરીને ભગવાનને ખાતર ગુસ્સો કાબૂમાં રાખો. મારે લીધે જ આ અંટસ પડી તમારા વચ્ચે.’

દયાળભાઈ હજુ દલીલ મૂકે  એમ ન હતા. ‘ મોટીબેન, ચાલ કહે મને કે વાડીગામના લોકો સામે તને કયો મોટો વાંધો છે?’

‘એ લોકો એશિયાળા, પેલાં નીચા વરણના લોકો હાથે ખેતરમાં હાથ ગંદા કરે. લેની હવે તને કહેમ ( કહું) કે વરણગામના બે મરદ આવેલા, બોલવાનું કાંઈ ભાન ની, જાયણા-મૂયકા વગર ભચડ ભચડ કયરા કરે. જરા ની ગમે એવા લોકો મને.’

‘ કોઈને હારૂ આવી વાત કરવી તને હારી લાગે ? જાતે હાથથી કામ કરવામાં હૂં આપણે નીચા થેઈ જીયે?  તૂ હો તો તારો આ દૂધ ને મીઠાઈનો ધંધો લઈને બેઠલી છે તેં હાથ ગંદા કરે કે ની? 

વાત હવે હાથમાંથી ગઈ. જમના ગુસ્સાથી લાલચોળ થઈને જલ્દી જલ્દી ડાંફ ભરતી ખોરડીમાં ભરાઈને અંદરથી સાંકળ વાસી દીધી. 

ભીખુ પાછળ દોડ્યો પણ વ્યર્થ.

‘મોટીબેન, બારણું ખોલો; જવાબદાર, ડાહ્યા  માણહની જેમ વાત કરો.’ 

એકાએક બારણું જરાક ખુલ્યું, જમના  મોઢું બહાર કાઢીને વરસી પડી,’ ભાય, ભીખુ હવે તારો પોયરો, તારે જે કરવું હોય તો કર. આ નવા જમાનાની વાત મને નો કર તૂ. ભીખુને ફાવે તેની હાથે પરણાવે. ઊં એવા લગનમાં નથી હાજરી આપવાની. ઊં તો પાછી રાંડ ને, એટલે લગનમાં એમ હો ની અવાય મારાથી’ 

આગ વરસાવીને  એ પાછી ખોરડીમાં ભરાઈ ગઈ.

દુઃખી, દુઃખી મામા-ભાણેજ સરભોણથી નીકળી આવ્યા, ગણદેવા જઈને વિચાર કરવા કે હવે આ કોકડું કેમ ઉકેલવું  ?

                                *******************. 

વરણગામમાં પૂજારી રણજીભાઈને માથે ફરી પાછો દુઃખનો ડુંગર તૂટી પડ્યો. મોહનિયાનો ભવિષ્યવાણીનો ખેલ પૂરો થયો, ને ગોપાલના  રૂમમાં જોયું તો ગોપાલ ગાયબ! એ ક્યાંય ન હતો. માં-બાપને પાછલી ઉંમરે આવું દુઃખ શા કારણે આપતો હશે ગોપાલ? પાછા ગાયબ થવું હતું તો એ આવ્યો શું કરવા? 

પાર્વતી તો ચકરી ખાઈને ફસડાઈ પડી. રામજીભાઈ  હિંચકે બેઠા બેઠા શૂન્યાવકાશમાં તાકે. નિસ્પૃહ, હૃદયહીન મોહનીયો કોઈ પણ જાતની પ્રતિક્રિયા વગર એના પૂજાના કામમાં વ્યસ્ત. એને  તો પછી  ખબર હોય જ કે ગોપાલ ક્યાં ગયો અને કેમ? પણ કોણ પૂછવાની હિમ્મત કરે એને. પૂછે તો એ ન સમજાય એવો ઉડાઉ જવાબ આપી દે. શું આ બધું થવાનું હતું, એના  નસીબમાં લખાયેલું હતું? શું મોહનીયો નિવારી શક્યો હોત? વ્યર્થ! સઘળું વ્યર્થ, આ સંસાર વ્યર્થ, બધી માયા, એ સિવાય બીજું કઈં નહિ. 

લલી એકાંતમાં હીબકે ચડી. ગોપાલ એની ગેરહાજરીમાં  કેમ આવ્યો? એને મળ્યા વગર કેમ અલોપ થઇ ગયો? ભગુકાકાએ વસનજીને બધી વાત કરી દીધી. વસનજી વિમાસણમાં કે લલી કેમ દુઃખી? ભગુના કહેવા મુજબ બધું સાંગોપાંગ પાર પડ્યું હતું. તો પછી ? શું લલીને છોકરો ન ગમ્યો? ચાલો શાંતાકાકી લલીને નિરાંતે પૂછશે. 

બધા ઠરીઠામ થયા એટલે લાગ જોઈને શાંતાકાકીએ લલીને પાસે બોલાવી,          ‘લલીબેન, કેમ હૂં થિયું? તમે કેમ દુઃખી દેખાવ? છોકરામાં કાંઈ કહર? મને કેહ્વ તો ખરા. 

લલી  શાંતાકાકીના ખોળામાં માથું નાખી રડી પડી. એક તો ભીખુએ લલીના સવાલનો તાત્કાલિત જવાબ ન આપ્યો અને અધૂરામાં પૂરું ગોપાલ આવીને લલીને મળ્યા વગર પાછો અદ્રશ્ય થઇ ગયો, ‘

‘લલી તને તો મેરબાઈના સતમાં શ્રદ્ધા છે ને? તૂ ફિકર નો કર.’

ધીરુ અને શાંતિ આવીને લલીને વળગ્યા એટલે લલી  આંસૂ લૂછીને સ્વસ્થ થઇ ગઈ.

‘બચ્ચાંઓ તમે ખાધું કે ની ?’ 

એક થાળી મગાવીને લલીએ બેઉને ખવડાવ્યું. વસનજીએ આ જોયું અને  નિ:સાસો મૂક્યો. બેઉ બચ્ચાંઓ માટે લલી માતા સ્વરૂપ હતી. 

તાલિયારામાં સતીશ દેસાઈએ વહેલી તકે બાબાનો સંપર્ક કર્યો. લગન જલ્દી લઇ લેવા એ નક્કી હતું. વળી બાબા સ્વયં  લગનની વિધિ કરાવી આપવા માટે રાજી થઇ ગયા. 

સતીશની પત્ની કહે, ‘ આ બાબા બો વિચિત્ર છે, ગમે ત્યારે અંતર્ધ્યાન થઇ જાય ને પાછા કઈ ઘડી આવી પડે તે કહેવાય નહિ. જુઓની ગેઇ કાલે આખો દિવસ એના આશ્રમમાં ઊતાજ ની’

‘ઈશ્વરના  ફિરસ્તાઓ બધા એવાજ હોય, ભેદી અને અકળ. એ લોકોના જીવનનો હેતુ સમાજનો ઉધ્ધાર કરવો એ જ હોય. આ તો હારુ છે કે બાબા જેવા યોગીએ તાલિયારા ગામમાં પધરામણી કરી ની તો કાં કેથે  હિમાલયમાં તપ કરવા બેહી જાય જ્યાં આપણા જેવા ગૃહસ્થાશ્રમી  લોકો જઈ ની શકીયે.’

મુંબઈમાં જે થયું એ હજુ સમજણ પડતી ન હતી. ભીખુને લલી ગમી કે નહિ? લલીને ભીખુ ગમ્યો કે નહિ એ પ્રશ્ન અસ્થાને હતો. જે કહો તે પણ જો આ ચોકઠું ગોઠવાઈ જાય તો વસનજીને એક ખૂબ ભણેલો ગણેલો જમાઈ મળશે. ચોકઠામાં જમના જ એક એવી વ્યક્તિ હતી કે અવળી ચાલ ચાલે. એને તો એક જ વાત – બસ વાંકડો, વાંકડો , વાંકડો. આમ જોવા જઈએ તો એમાં જમનાનો શો વાંક ? 

એણે લગભગ એકલે હાથે  ભીખુને ઉધાર્યો, ભણાવ્યો  અને હવે કાંઈ માગે એ વ્યાજબી હતું. વસનજીના  લાલા પરાગ કુટુંબ પાસે વરણગામની આજુબાજુ મબલખ જમીન હતી પણ ગમે તેમ કહો – એ ભાઈઓની સહિયારી મિલકત કહેવાય. વાંકડાની ભૂખી જમના ધરાય એટલો  વાંકડો આપવા માટે બધા ભાઈઓની સંમતિ જોઈએ.

‘તો હવે હૂં કરવાના તમે?  સતીશની પત્ની પૂછે.

‘લાવની બાબા જો હોય તો એની સલાહ લેઉ.’

સતીશ પહોંચ્યો બાબાની ઝૂમ્પડીયે. બાબા આરામથી એની ચાર પાઈ પર સૂતા હતા. કેવા બાળક જેવા નિર્દોષ દેખાતા હતા બાબા? કોણ જાણે કેટલાય વર્ષોની  અઘરી તપસ્યા પછી ચેહરો ઝગારા મારે. બીજું કોઈ  ત્યાં હતું નહિ. સતીશ શ્રદ્ધાપૂર્વક બાબાના પગ પાસે બેસી ગયો.  લોકો કહે કે બાબા જેવા યોગીના સાનિધ્યમાં આપણા બધા દુઃખો દૂર થઇ જાય. સતીશનું ધ્યાન બાબાની જટા પર ગયું  અને ધીરે ધીરે પગ તરફ કેન્દ્રિત થયું. 

બાબાના જમણા  પગ પર છ આંગળી જોઈને સતીશ વિસ્મયમાં. 

બાબા જાગ્યા.

‘પ્રણામ બાબા. માફ કરજો આશ્રમમાં હું પૂછ્યા વગર ઘૂસી આવ્યો.’

‘ઈશ્વરના ધામમાં પરવાનગી કેવી?’ બાબા હસ્યા, બેઠા થયા અને સતીશને ધારી ધારીને જુએ. સતીશ વધુ સભાન થઈને થોડો અકળાયો.

‘ગિયે કાલે મારે અચાનક મુંબઈ જવાનું થયું’

‘હં’

‘મારી હાથે ભગુભાઈ, ને વહનજીની પોરી લલી’

‘બેટા હું જાણું છું’ બાબાથી બોલાઈ ગયું.

બાબા કેવી રીતે જાણે?. સંત લોકો અંતર્યામી હોય એટલે એમને બધી ખબર હોય – સતીશે મનને મનાવ્યું.

‘તમારું કામ પાર પડ્યું કે નહિ? ‘ બાબાએ ઉઠીને એક કૂંજામાંથી પાણી પીધું. 

‘હં , પણ પૂરું નહિ. એટલા હારૂ તો આયવો તમારી પાહેં’

‘હું સલાહ આપનાર કોણ? વિધાતાએ લખ્યું હોય તેમ અને તમારા કર્મો પ્રમાણે’ બાબાએ ગૂઢાર્થમાં જવાબ આપ્યો. 

‘વહનજી મારા પૂર્વ ગુરુ અને મારા પર એના બો ઉપકાર છે’

‘નસીબવાળા લોકોને જ ગુરુ  મળે, એનું જતન કરો’

‘લલીને હારૂ એક ફાઈન પોયરો મળેલો છે, મુંબઈની એક મોટી કોલેજમાં ગ્રજ્યુએટ થિયો’

‘હં પછી?’ બાબાએ એક મોટો ઘૂંટડો પાણી લઈને મોં માં ઘૂમાવ્યું, એમની આંખો ઝીણી.

સતીશે હાથ જોડ્યા, ‘ બાબા, મારાથી થાય એટલું મેં કર્યું હવે આપની આજ્ઞા પ્રમાણે થાય’

બાબાએ દૂર જઈને કોગળા કરી નાખ્યા અને પાછા એમની જગાએ આવીને ઉભા.

સતીશ  બે હાથ જોડે રાખ્યે ઉભો થઇ ગયો. 

આકાશમાં ઘેરાં વાદળ જમા થઇ ગયાં, દૂર મોર બોલી ઉઠ્યો. કાઇંક થવાનું હતું.

‘તને ખાતરી છે કે તમે શોધેલો છોકરો લલીને લાયક છે ?’ બાબાની ધારદાર દ્રષ્ટિ સતીશથી જીરવાતી ન હતી.

‘જી બાબા, ભગવાને ધાર્યું હશે તે’ 

‘અને છોકરાનું કુટુંબ? એ પણ રાજી છે આ સંબંધથી?’ બાબાએ કેડો ન મૂક્યો.

‘છોકરાના સોલિસિટર મામા બો ખુશ, પણ…’

‘પણ?’

 ‘એની માં બો જબરી, ને લાલચુ છે’

‘હું જાણું છું’

સતીશ હેરાન! બાબા આ બધું કેવી રીતે જાણે? 

બાબા બે એક મિનિટ ધ્યાનમાં બેસી રહ્યા. 

‘સંબંધ ગોઠવવામાં અડચણ આવશે પણ અંતે બધું ઠીક થઇ જશે, ધીરજ ધરો…’

સતીશે કાન સરવા કર્યા, બાબા હજુ કાંઈ કહેતા હતા.

”લલીને હારૂ થોડા વરસ કઠણ છે’

‘કેટલાં વરસ’

‘સાચું કહું તો મને ખબર નથી. વરણગામવારા મોહનિયાને પૂછો, એ કઈં રસ્તો બતાવશે – જો એને બતાવવો હશે તો’

‘બો હારૂ, બાબા. પણ તમે મારા ગુરુની પોરીની લગન વિધિ કરાવી આપજોની ?’ 

બાબા થોડી વાર એકદમ શાંત. 

‘સારું, ઈશ્વરની ઈચ્છા હશે તો’ બાબાના ચહેરા પર એક દૈવી સ્મિત.

સતીશ ઘેર જઈને હાશ કરીને બેઠો. પણ લલીને થોડા વરસ દુઃખ છે એ કયું દુઃખ ? શું ત્રિકાળજ્ઞાની બાબાને બધી ખબર? આમાં મોહનિયાને શું કામ લઇ આવવો? સંત લોકો ઘણી વાર આવી અટપટી ભાષામાં ઘણું કહી જતા હોય જે સામાન્ય લોકોની સમજની બહાર હોય. 

તો હવે લગનની તૈયાર શરુ કરો. પણ જમનાને કોણ નાથે? થોડું ઈશ્વર પર છોડી દો. 

xxxxxxxxxxxxxxxxxxxxxxxxx

પ્રકરણ ૨૧:  સગાઇ 

 લાલા પરાગ કુટુંબ આનંદમાં હિલોળા લ્યે. ઘરમાં દીકરી પરણાવવાનો અવસર  કાંઈ કેટલાં વર્ષે આવ્યો. એક નિસ્પૃહ ભાવે લલી બધી તૈયારીઓ નિહાળી રહી. ખરેખર સગાઇ થશે ખરી? ભીખુએ તો ચોખ્ખી હા પણ નહોતી પાડી. સતીશને કેવી રીતે ખાતરી હતી ? ભગવાન જાણે. 

વડીલોની વાત પરથી લલીને એટલું તો  સમજાયું હતું કે ભીખુની જમના માં આ સંબંધથી રાજી ન હતી, એ લગનની વિધિમાં હાજર ન પણ રહે.  આવું થોડું હોય? ભીખુ સાથે લગ્નના બંધનમાં એક વાર જોડાઈ જાય એ પછી લલી એના કુટુંબનો ભાગ બનશે અને એમાં જમના માં ખરાં ને? તો એનો સાસુ તરીકે લલી સાથેનો વહેવાર કોણ જાણે કેવો હશે ? 

શાંતાકાકીએ ધરપત આપી, ‘ લલી આવું તો દરેક લગનમાં બને. કોઈને કોઈ  અજાણ્યો  માણહ પથરો લાખવા કરે. એ તો  હારું છે કે અહીંયા એ માણહ છોકરાની માં છે જેને પગથી માથા હુધી બદ્ધાં  ઓરખે.’

લલી હજુ વ્યાકુળ. શું દેવી  મેરબાઈને ખોળો પાથરું? બહુ મોડું કરી નાખ્યું તેં લલી. 

હવે આવી ઔપચારિક સગાઈની વાત. સતીશ તેમજ ભગુકાકાને થયું કે સગાઇ વખતે કન્યાના બાપ વસનજી હાજર રહે તો બધું પાકે પાયે કહેવાય.

પૂજારી રામજીકાકાને મળીને મૂરત કાઢીને બીજે જ દા’ડે   ચાંલ્લા વિધિ માટે વસનજીને લઈને મુંબઈ જવાનું નક્કી થયું.  

આવડા મોટા સોલિસિટરને રૂબરૂ મળવાનું એનો વસનજીના જીવને ભારી ફફડાટ. 

આ બાજુ ત્રણેવ જણ મુંબઈ જવા નીકળયા એટલે લલી પહોંચી મેરબાઈની દેરીએ. મનમાં વિચારે કે મોહનીયો  મળી જાય તો બહુ સારું.  વાતાવરણ વરસાદી. મોહનિયાનું અનુમાન  આ વખતે કેમ ખોટું પડ્યું? થોડા છાંટા પડ્યા, ને જમીન લપસણી – એના લગ્ન જીવનની પગથી જેવી. 

મેરબાઈ જેવી દૈવી શક્તિ જ બચાવશે.

લલી મેરબાઈની મૂર્તિ સામે હાથ જોડીને શ્રદ્ધાપૂર્વક ઉભી રહી.

‘વરહાત તૂટી પડવાનો છે, લલી, અંદર ઘરમાં આવતી રહે’ રામજીકાકાનો પ્રેમભર્યો લહેકો લલીને બહુ ગમ્યો. 

‘મોહનીયો છે?’

‘હમણે તો કેથે બહાર ગેલો છે પણ આવની, દીકરી. એ આવી રેહે  વહેલો’ 

અંદરના રૂમમાંથી પાર્વતી નીકળી.

‘હૂં કેય  લલી? હવે તો થોડા દા’ડમા  પોરી બધ્ધાને છોડીને જતી રેહે !’ 

‘ઊં હૂં કેંવ? મેરબાઈની મરજી’ 

દહેશત હતી એ પ્રમાણે વરસાદનું ઝાપટું આવ્યું. ચારે બાજુ પાણી પાણી. ક્યાંકથી માથાને પાણીથી બચાવતો મોહનીયો દોડી ને અંદર  આવ્યો’

‘મેરબાઈ ની જે,’ હાથ પહોળા કરીને મોહનીયો બોલ્યો.

‘બેનબા  માહ્યરામાં બેહવાના એટલે ફિકરમાં અડધી થઈ ગેલી છે.મોહનીયા, તૂ એને કાંઈ કેની?’ પાર્વતીએ મોહનીયા  તરફ ઈશારો કર્યો.

કાન ફાડી નાખે એવા વીજળીના કડાકામાં મોહનીયાએ શો જવાબ આપ્યો એ કોઈને સંભળાયું  નહિ. 

ઘડિયાળમાં સાતના ટકોરા થયા અને રામજીકાકા પાર્વતી સાથે અંદરના રૂમમાં જતા રહ્યા. હવે લલી અને મોહનીયો એકલાં.

‘એક વાત કહેમ, મોહનીયા? ‘ 

‘મેરબાઈની કૃપાથી તારી બાબતમાં મારે જે કહેવાનું છે એ કેઈ દીધેલું. હવે આ વખત નથી કાંઈ કે’વાનો. આવતી પૂનમ હુધી રાહ જો’ 

સૌમ્ય એવો મોહનીયો આવું કઠોર કેમ બોલી ગયો એ સમજાયું નહિ.

‘મારે તો જીવન-મરણ જેવો સવાલ છે’ લલી હઠે ચડી.

‘તો પછી કેને ? કોણ રોકે તને? ‘ મોહનીયો ધડ દઈને જમીન પર બેસી ગયો અને નારાજગીથી માથું હલાવવા લાગ્યો. 

‘નવી જગ્યા, નવા લોકો –  આવા સંજોગોમાં મારા ભવિષ્યનું શું? બહુ મોડું થઇ જાય એ પહેલાં આ બાબતમાં આગળ વધવું જોઈએ? 

મોહનીયો અચાનક સ્થિર, અનિમેષ નયને મેરબાઈની  દેહરી તરફ જોવા લાવ્યો, ‘ તૂ હવે વિધાતાના ભયંકર વંટોળિયામાં ફસાવાની છે ………પણ અંતે મેરબાઈ જ તને ઉગારહે’

‘અંતે એટલે ક્યાં સુધી મારે સહન કરવાનું?’ લલી આજે જવાબ લઈને જંપશે.

‘લગન પછીનાં થોડાં વરસ એવાં જ દેખાઈ રહયા છે મને’ 

‘ત્રાસ કોણ આપહે ? મારો વર કે એની માં ?’ 

‘માં ‘ ટૂંકુ ને ટચ, પણ  મોહનીયો ઘણું  કહી ગયો.

એ અચાનક ઉભો થયો અને બહાર વરસતા વરસાદમાં જઈને દેહરી આગળ ઉભો, જાણે આવું ખતરનાક ભવિષ્ય ભાખવાનું પ્રાયશ્ચિત કરી રહ્યો હોય. 

‘પણ મને જ કેમ આ બધી ઉપાધિ?’ લલી પોકારી ઉઠી.

‘એ તો દેવી મેરબાઈ એક હાથે આપે, ને બીજે હાથે ખેંચી લેય , એટલે’ કરીને મોહનીયો ત્યાંથી ભાગ્યો અને નદીની દિશામાં ક્યાંક ગરક થઇ  ગયો.

લલી ઘેરે પહોંચી ત્યારે ભગુકાકા કાકુજીને લઈને મુંબઈ જવા ઉપડી ગયા હતા. મોહનીયાએ ભવિષ્ય છતું કર્યું એનું ય ભારી દુઃખ. હવે ભીખુ સાથેનું જીવન લખાઈ ગયું હતું. ભીખુ માવડિયો નીકળે તો? એ વિચારે એને લખલખું આવી ગયું. પણ માંની વિરુદ્ધ જઈને લલી સાથે ફેરા ફરવાનો એનો નિર્ણય બહાદુરીભર્યો હતો ને?  

આવો નિર્ણય લેવો એ એક વાત અને ભીખુ કામે જાય ત્યારે મુંબઈ જેવા અજાણ્યા શહેરમાં વાઘણ જેવી સાસુ સાથે આખો દિવસ માથાકૂટ કરવી એ અલગ વાત. તલિયારાવાળા બાબાને પૂછવું જોઈએ. પરંતુ લલીને ક્યાં ખબર હતી કે સતીશે બાબાને એના લગનમાં બ્રાહ્મણ તરીકે વિધિ કરવા મનાવી લીધા હતા. 

મુંબઈ પહોંચીને  વસનજીએ ઈચ્છા જાહેર કરી કે બાણગંગા મંદિરમાં પૂજા કરીને જ દયાળજી સોલિસિટરને મળવા જવું. કિંવદંતી મુજબ, ભગવાન શ્રીરામના ભાઈ લક્ષમણે ધરતીમાં બાણ મારીને ગંગાજી પ્રગટ કર્યા હતા. વસનજી એમ વિચાર કરે કે એમની પ્રિય, ગંગા-સમી અંબિકા નદી ત્યાં પ્રગટ થાય અને એમાં નાહીને લલીનું ભવિષ્ય ઉજાળે. 

એમને આછું આછું યાદ હતું કે  છેલ્લે એક સ્કુલ ટ્રીપમાં બાણગંગા આવેલા. હવે મોટરકારો  દેખાય ત્યારે તે વખતે  ઘોડાગાડી ફરતી. અને માણસો પણ બેસુમાર….

એ લોકો દયાળ મેનશન પહોંચ્યા ત્યારે ભીખુ ત્યાં નં હતો. એક વિશાળ દીવાનખાનામાં  દયાળજીની રાહ જોતા બધા બેઠા. 

થોડી વારમાં દયાળજીનો પ્રવેશ અને ત્રણેવ અંત:સફૂરણાથી ઉભા થઇ ગયા. રાજવી ઠાઠમાં શોભતા દયાળજીને જોઈને વસનજીને છાતીમાં ધક ધક થાય. બધા ઔપચારિક નમસ્તે કરીને મોટા મોટા સોફા પર બિરાજમાન. આવા મોટા સુખ-સાહ્યબીવાળા ઘરમાં દીકરીનું વેવિશાળ  થશે એ વિચારે હવે વસનજીની છાતી ફાટફાટ. 

‘આપણું બધું નક્કી જ હતું, તમારે અહીં સુધી ખેંચાવાની જરૂર નં હતી, વસનજી. તમે ચાંલ્લાની તારીખ – તીથિ નક્કી કરી કે નહિ? ‘ દયાળજીનો સીધો સાદો સવાલ.

દયાળજીની નમ્રતા અને સાદગી વસનજીને સ્પર્શી ગઈ. આગળ જતાં લલી વિકરાળ જમના સાથે કેવી રીતે ફોડશે એ ભય ધીરે ધીરે ઓસરવા માંડ્યો. કેવી બાઈ છે આ જમના જે આવા મોટા સોલિસિટરનું હો માન નથી રાખતી?

‘હા જી અમારા બામણે ચાંલ્લા અને લગન એમ બેઉ તિથિઓ ગણી રાખી છે – આ રહયા એ કાગળ’ સતીશે કાગળો બતાવ્યા. 

‘બહુ સરસ, હું આ તારીખો નોંધી લઉં અને સર્વંને જાણ કરીશ. લગ્ન સ્થળ ક્યુ છે?’ 

‘રિવાજ પ્રમાણે ચાંલ્લા વિધિ છોકરાને ઘેર  જ થાય જયારે લગ્ન તો છોકરીવાળાને ત્યાં, વરણગામે. સર, આપ સૌનું સ્વાગત કરીશું અમે.’ હરખઘેલો સતીશ કૂદી પડ્યો.

‘આમજ થાય ને તેમજ થાય, એવું નથી પણ તમારા કહ્યા મુજબ કરશું. બીજું, આપણે હવે વેવાઈ  થયા એટલે સર-બર નહિ કહેવાનું! ‘

‘બરાબર, સર…. અરે! દયાળજી ભાઈ’

વસનજીએ સતીશને ઈશારો કર્યો – વાંકડા અને બીજું આપવા લેવાનું લિસ્ટ વિગેરે વિષે.

‘હું સારી પેઠે જાણું છું કે વસનજીએ  એક આદર્શવાદી શિક્ષક તરીકે એમનું જીવન સમર્પિત કર્યું છે અને અમારો ડાહ્યો ભીખુ શિક્ષણની મહત્તા સમજે છે. હું નથી માનતો એને વાંકડા-ફાંકડામાં રસ હોય. એ બધું તમે ભૂલી જાવ, હં? ‘

વરણગામની વડીલ ત્રિપુટીને આંચકો લાગ્યો. અનાવિલ સમાજમાં આ પ્રથા જડ કરી ગઈ હતી એટલે આવું સાંભળવા એ લોકો ટેવાયેલા નં હતા. કોઈ મજાક તો નથી કરતા ને દયાળજી?

‘ચાલો દયાળજી ભાઈ, તમે ખૂબ સૌજન્યતા દેખાડી પણ….. ભીખુભાઇના માતાજીનું શું?’

‘મારી બેન જમના ઘણી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઇ છે એટલે એક ચુસ્ત અનાવિલ તરીકે એના પોતાના  વિચારો એવા હોય, પણ ચિંતા નં કરો, હું એને સમજાવી કાઢીશ.’

‘તે લગનની  વિધિમાં જમનાબેન સામેલ થહે ને ?’ 

‘જુઓ, મેં કહ્યું તેમ એ એક પુરાણા જમાનાની સ્ત્રી છે એટલે કદાચ વિધવા હોવાને કારણે વિધિમાં ન આવે. પણ હું એને મનાવવા કોશિશ કરીશ’

એક છેલ્લો સવાલ! ‘ ભીખુભાઇ ભણીગણીને શું મુંબઈમાં ઠરીઠામ થવાના છે કે પછી? ને બીજું, મુંબઈમાં થાય તો જમનાબેન એની હાથે  રહેવા આવહે?’ 

એક ભારેખમ સવાલ જેનો જવાબ એનાથી પણ જટિલ હતો.

‘થોડી બાબત ઈશ્વર પર છોડી દઈએ? કાલે શું થવાનું છે એ કોને ખબર? ઈશ્વર બધું સારું કરશે એ આશાએ તો જીવીયે છીએ ને આપણે બધા? ભીખુ એની જિંદગી અને કારકિર્દી એની સમજણ પ્રમાણે ઘડશે’ દયાળજીનો ડાહ્યો જવાબ બધાને ગમ્યો.

મિટિંગ પતાવીને બધા બહાર નીકળ્યા ત્યારે વસનજીએ  નિરાંતનો દમ લીધો.  જમના લલીને બેસુમાર ત્રાસ આપી રહી હોય એવાં દુ;સ્વપ્નો થોડી વાર માટે ગાયબ થઇ ગયાં. વિદ્વાન દયાળજીએ સાચું જ કહ્યું. મનુષ્ય જાતે ગમે એટલી પ્રગતિ કરી હોય પણ આગળ આવતી બધી પરિસ્થિતિઓનો સામનો પ્લાન નહિ કરી શકે. અનિશ્ચિતતા આવવાની. એ નિવારવા તમે કયો રસ્તો અખત્યાર કરો છે એ પ્રમાણે તમારું ભવિષ્ય ઘડાશે. એક વખત રસ્તો અપનાવ્યો પછી એના પરિણામ ભોગવવાની તૈયારી પણ રાખવી પડે.

પાછા વળતા એ લોકો ચોપાટીના પ્રખ્યાત બીચ આગળ થોડું રોકાયા. આટલા બધા માણસો બીચ પર! અસંખ્ય ભેલપૂરીના સ્ટોલ પર ભયંકર ગીર્દી. જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો. 

‘કાચના વાસણ જેવી મારી લલી આવામાં કેવી રીતે ગોઠવાશે? ‘ બાપનો જીવ અત્યારથી ચિંતામાં!

એ લોકો વરણગામ પહોંચ્યા ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. લલી ઘસઘસાટ ઊંઘતી હતી. વસનજી ચૂપકીદીથી લલીની પથારી  પાસે ગયા – કેવી નિર્દોષ દીકરી! ચહેરા પર એક અજબની સૌમ્યતા, શાંતિ પ્રવર્તતી હતી, એના વાળ ઓશીકાં પર  આમતેમ વિખરાયેલા હતા, જાણે દેવી મેરબાઈનું રૂપ જોઈ લો. ટૂંક સમયમાં એ બધાંને છોડીને જતી રહેવાની! વસનજી નીચા નમીને  એના કપાળ  પર વહાલથી ચૂમ્યા.

લલી ઝબકીને જાગી ગઈ, જોયું તો એના કાકુજીનો હસમુખ ચહેરો!

વસનજીએ ફક્ત હાથથી ઈશારો કરીને એને જણાવ્યું કે બધું બરાબર પાર પડ્યું અને હવે નિરાંતે સુઈ જા.

લલી હસી અને ઓઢીને સુઈ ગઈ કે વહેલું આવે સપનું – ભીખુ એને પ્રેમથી જોઈ રહ્યો છે!

                                    ************************

આજકાલ મોહનીયો કોઈ અલગ જ મિજાજમાં રાચ્યા કરતો હતો. દર પૂનમની રાતે પેલાં સપનાં તો આવ્યાં કરતાં હતાં પણ રોજ રાતે બીજું એક સપનું આવતું જે એને વિચલિત કરી મૂકતું. આવું કેવી રીતે હોય? સપનાનું  અર્થઘટન  કેમ કરવું ? મેરબાઈ એને શું કહેવા માગતી હતી? કાંઈ પણ બોલ્યાચાલ્યા વગર મેરબાઈ  રૂમઝૂમ કરતી મનુષ્યના રૂપમાં આવે, એની આજુબાજુ નૃત્ય કરે. મોહનીયો ઘૂમતો રહે, મેરબાઈ કોઈ વાર ઝાડ પર પક્ષીની જેમ ઉડી બેસે, કોઈ વાર વળી ડાંફો મારતા હરણની  જેમ દોડવા લાગે,  મોહનીયો એની તરફ અદ્રશ્ય શક્તિ દ્વારા ખેંચાયા કરે, આખરે થાકે અને ધમણની જેમ હાંફતો હાંફતો ઉભો રહી જાય.  મેરબાઈ ઝાડ પરથી પાકી કેરી અને ચીકૂ ફેંકતી જાય અને એ જેવા મોહનિયાને અડે  ત્યાં સુંદર  મઝાનાં ફૂલ બની જાય. મેરબાઈ હસતી ને હસતી, એને આવાહન કરતી. એ એવું કેમ કરતી હશે.

ફક્ત પૂનમની રાતે દેવી સિંહાસન પર બેસે અને ભવિષ્યવાણી કરતી જાય. 

મોહનીયો  આખો દિવસ મેરબાઈની મૂર્તિ સામે બેસીને પૂજા કરે, ભજન ગાતો રહે, એના બંધ ચક્ષુઓ સામે મેરબાઈનું દર્શન કાયમ રહે. 

લલીની સગાઇની તારીખ જેમ જેમ નજીક આવતી ગઈ તેમ મોહનિયાના સપનાં વધુ પ્રબળ બનતાં ગયાં. 

એક વાર મધરાતે  સપનું આવ્યું અને શું થયું કે  મોહનીયો ઉઠીને દોડતો દોડતો નદી કિનારે પહોંચી ગયો અને ખળખળતા પ્રવાહને જોવા લાગ્યો.

અરે પણ આ શું? એક મનુષ્યાક્રુતિ   તરતી તરતી મોહનીયા તરફ આવતી હતી. આ વાસ્તવિકતા હતી કે સપનું? હવે એ ગભરાયો. એણે ગામ તરફ ફરી દોડવા માંડ્યું. પેલું એનો પીછો કરે છે કે નહિ એ જોવા એણે મોં ફેરવ્યું અને ધડામ દઈને જમીન પર પડ્યો. એને ખાસ્સું વાગ્યું, લોહીલૂહાણ થઇને એ બેભાન થઇ ગયો. 

એ જ્યારે જાગ્યો ત્યારે એ એના ઘરના વરંડામાં જૂનાં બાંકડા પર સૂતેલો હતો. એના શરીર પરના બધા ઘા પર કોઈ ચમત્કારિક રીતે પાટાપીંડી થઇ ગઈ હતી. કોણે કર્યું આ બધું? પેલી મનુષ્યાક્રુતિએ ? બીજાની ભવિષ્યવાણી કરનારને આ બધું સમજાતું ન હતું! મોટા મોટા ઈશ્વરીય તત્વોને  પણ આવું થાય. કેમ ભગવાન કૃષ્ણને કોઈ પારધીએ પગના અંગૂઠામાં તીર નહોતું માર્યું?  

                    *******************

સરભોણમાં જમના માંનો તોબરો હજુ ચઢેલો ને ચઢેલો. તેમાં કાશી હાથમાં આવી ગઈ.

‘અલી કાશી, આ દૂધ કેમ બગડી ગિયું?’  

‘ની જાણું માજી, મારુ હારુ આ વાતાવરણ લાગે મને તો’

માજી હવે મુદ્દા પર આવ્યાં, ‘ તે તારો ફુયાત કઈં દેખાયો ની ને હજુ? વાંકડાની વાતનું હૂં થિયું પછી?’ 

દયાળભાઈ અને ભીખુ સાથે આ બાબતે લડી લીધું એટલે કાશીના ફુયાતવાળો મામલો યાદ આવ્યો. 

‘વાત બધી મોટી મોટી કરી ગેઇ તે કાં છે? હારું સરભોણ આખું મને ફજેત કરવામાં બાકી ની રાખે, એમ ને?’ માજી  છીંકણીનો સડાકો લઈને કાશીને ધારી ધારીને જોવા લાગી.

‘મારો ફ્યુઆત હજુ જીવતો છે, તમે કહેવ તો ઊં આ રવિવારે જેઈને  મલી આવું કે?’ 

‘પોસ્ટમેન’. બારણે પોસ્ટમેન, જમના માટે એક પત્ર લઈને. દેખાયો.

‘મરી ગીયુ મને વરી  કોણ કાગળ લખે?’  જમણા તાડૂકી.

પોસ્ટમેન અંદર જઈને  જમનાને હાથોહાથ પરબીડીયું  આપી ગયો.

પરબીડીયાં  પર મોકલનારનું નામ ન હતું.  જમનાની સૂચનાથી કાશી  કાગળ ખોલીને વાંચવા માંડી. 

‘જે શ્રી કૃષ્ણ જમનાબેન. તમે કુશળ હશો. તમે મને નહિ ઓળખો પણ  તમારા એક હિત-ચિંતક તરીકે લખું છું કે લલી, ભીખુ જે છોકરીને પરણવાની જીદ કરે છે, એનું ચારિત્ર્ય ખરાબ છે ને  આખું વરણગામ આ જાણે છે. આ કુટુંબ સાથે સગપણ કરતાં પહેલા ધ્યાન રાખશો. તમને ખબરદાર કરવા મેં કાગળ લખવાની તસ્દી લીધી છે.

લિ. તમારા  એક શુભ ચિંતકના જે શ્રી કૃષ્ણ.’

‘ચાલ બસ, મૂકી દે એ કાગળ. ને ખબરદાર કોઈને આ કાગળ લગતી કોઈને વાત કરી છે તો.’ જમનાની આંખો કાળઝાળ. 

‘ઊં વરી કોઈને હૂં કામ કેમ?’  બોલતાં કાશીના ચહેરા પર ખુશીની લહેર.

‘હારુ મારી ફિકર કરતાં લોકો છે ખરા !’ જમનાએ  તપકીરનો વધુ એક સડાકો માર્યો, કાગળને કાળજીથી થેલીમાં સેરવ્યો. 

‘કાશી, પેલાં બગડેલું  દૂધ ને જઈને  ઢોરી મૂક, નખ્ખોદ જાય એનું’

‘તો…. ઊં આ રવિવારે મારા ફુયાતને મલતી આવું?’

‘હા રે હા, કેટલી વખત કહેવાનું તને? જો, કેજે કે પૈહા, ઘરેણા કેટલા આપવાના છે તે મને અહીંયા આવીને કબૂલી જાય. હારુ, દુનિયા આખી નપાવટ લોકોથી ખદબદતી દેહું !’

‘જમનાબેન, તમે ફિકર નો કરો. ઊં આ ગેઇને આ આવી. હવે તમે લગનની તીયારી કરવા માંડો, જમનાબેન.’ 

જમનાએ પોસ્ટમેનને એ કાગળ દયાળજીને પહોંચાડવાની સૂચના આપી. હવે જોઉંને દયાળજી હૂં કરે ? કાંઈ તપાસ કરશે કે નહિ?

                                 *********************

દયાળજી કાગળ વાંચતાં કાઇંક મૂંઝાયા. 

અમ્રત કહે,’ આ તો કોઈ વિઘ્ન સંતોષી માણસનું કાવતરું લાગે મને તો. જમના ફુઈને તો બસ જરીક બહાનું મળે એટલે કૂદી પડીને એનો કક્કો ખરો કરાવવા પર. કાગળ પર બહુ  ધ્યાન ન આપો તમે’

દયાળજીને થોડી રાહતની લાગણી થઇ. જો કે જમના ફાચર મારવા બીજું ઘણું કરી શકે એવી હતી. એની શેહમાં આવીને ભીખુ જો પેલાં પૈસાવાળા કુટુંબની કન્યાને પરણી ગયો તો ભવિષ્યમાં મુશ્કેલીઓનો પાર નહિ આવે.’

ગમે તે હોય પણ સોલિસિટર દયાળજી એક કામ હાથમાં લીધું એટલે બરોબર પાર પાડે – ભીખુ એમનો વહાલો ભાણેજ ખરો કે નહિ?

                                 ***********************

વરણગામ હિલોળે ચઢ્યું. મોટા કુટુંબના મોટા લગન! બે ત્રણ દા’ડા ચાલે એવાં લગન હવે ઓછાં થતાં. આવા છેલ્લાં લગન પોલીસ પટેલને ત્યાં થયેલાં. બહુ મઝા આવેલી બધાંને.

પણ લલીનાં  લગન જરા ખાસ હતાં. લલીએ એના સૌમ્ય સ્વભાવથી ગામલોકોના દિલ જીતી લીધા હતા, આખા ગામની એ માનીતી છોકરી. મેરબાઈની ભક્ત તો એ હતી જ પણ ગામમાં કોઈને મદદ કરવા તરતજ પહોંચી જતી. ભણવામાં પણ એણે કાઠું કાઢેલું. ગામની આવી સંસ્કારી  અને ગુણિયલ દીકરીને વિદાય આપવા સૌ તત્પર. 

બેન્કના અનુભવી જીવણલાલે   પૈસાની લેવડ દેવડ અને બીજા હિસાબ-કિતાબની જવાબદારી ઉપાડી લીધી. ઉમરની બીમારીઓથી પીડિત કીકુભાઇ માન્યા  નહિ અને રસોઈ-પાણીનું કામ ઉપાડી લીધું.  લગનની એકંદર વ્યવસ્થા ભગુભાઈને  માથે. 

સતીશે લગન કરાવવાની વિધિ વિગેરે માટે બ્રાહ્મણ તરીકે બાબાને રાજી કરી લીધા હતા. જો કે ગામના બધા લગન આમ તો પૂજારી રામજીકાકા જ કરાવી આપતા, પણ એમની ઉમર હવે દેખાવા માંડી હતી. જાનને નોતરવાની  અને એના સુખ-સગવડની સર્વ જવાબદારી સતીશને માથે – ‘સતીશભાઈ, જો જો બધું સમુંનમું પાર પાડવાનું છે! જાનના એકે માણહને નારાજ કરવાનું તો પોષાય જ નહિ!’

હજુ ચાંલ્લા વિધિ પતાવવાની બાકી એટલે કુટુંબના થોડા મરદોએ મુંબઈ જવાનું નક્કી કર્યું. વિધિ દયાળજી સોલિસિટરને ત્યાં નક્કી હતી કરવામાં આવી હતી. એક રવિવારે એ બધા દયાળ મેન્શને પહોંચી ગયા, વિધિ કરાવવાવાળો બ્રાહ્મણ છોકરાવાળા તરફથી હોય. વિધિની શરૂઆત ગણેશ પૂજાથી થાય, વિઘ્નહર્તાની કૃપા હોય તો વિઘ્ન ન આવે.મૂરતિયો કપાળે તિલક કરાવીને, શાલ ઓઢીને પૂજામાં બેસે, એની બાજુમાં શુકનઅર્થે એના કુટુંબની એક કુંવારિકા બેસે, કન્યાના પિતા એને શ્રીફળ સાથે એક કવરમાં કાઇંક ભેટ અને રોકડા પૈસા ધરે.  બધા મરદોએ ગાંધી ટોપી પહેરવી ફરજીયાત. દયાળજીએ ઉલ્લાસનું વાતાવરણ જોઈને સંતોષનો દમ ખેંચ્યો.

બ્રાહ્મણની સૂચના પ્રમાણે સૌથી પહેલાં કન્યાના બાપ – વસનજીએ વરરાજાને નવાજ્યા અને ત્યાર બાદ કન્યાના કુટુંબના બીજા મરદોએ ભીખુભાઈને નવાજ્યા.  મરક મરક સ્મિત ફરકાવતો ભીખુ ઉત્સાહથી બધો ખેલ જોયા કરે. વિધિના નિયમ પ્રમાણે કન્યાની હાજરી આ પ્રસંગે જરૂર ન હતી પણ ભીખુને થયા કરે કે કોઈક રીતે લલી ત્યાં આવી હોય!  

તપકીર સૂંઘવાની  ટેવ એને વારે વારે અસ્વસ્થ કરી નાખતી,  પણ એનાથી થાય પણ શું? 

અમરતને આમ તો આવા પ્રસંગોની વ્યવસ્થા કરવાની આવડત ન હતી પણ એ ડોળ એવો કરે કે જાણે બધું એના નિયંત્રણમાં! અને  વારે વારે ભીખુ તરફ જોઈને આંખ મિચકાવ્યા કરે. સવિતામામી આજે ઘરેણાથી લદાઇને  બની ઠનીને  બેઠેલાં, મોઢાં  પર સાફ ચિંતા હતી કે મહેમાનોને ખવડાવવા-પીવડાવવામાં  કઈં કચાશ ન રહી જાય.

આ પ્રસંગે થોડા આડોશી પાડોશીઓને પણ આમંત્રિત કર્યા હતા. ડોક્ટ દેસાઈ પણ લીલી સાથે સમયસર પધાર્યા. 

‘આપણો ભીખુ જોયો, લીલી? નવા નવા  ડ્રેસમાં કેવો ફાઈન લાગે નહિ?’ ડોક્ટર દેસાઈ, નવા વરાયેલા વેધશાળાના ડેપ્યુટી ડિરેક્ટર, લીલીને કહેવા લાગ્યા.

લીલીએ મોં મચકોડીને હકારમાં માથું હલાવ્યું. કોઈનું ધ્યાન એના મોં પર ન ગયું. એની  વિચારમાળા અવિરત ચાલુ, ‘ ભીખુએ શું  જરૂર હતી આટલી ઉતાવળ કરવાની ? કોલેજમાં દાખલો લઈને એમ એસ સી કરતે ને?’  લલીને હજુ આશા કે એવું કાંઈ થાય.

તપકીરનો સડાકો લેવાની ચળ વકરી અને અકળામણ અનુભવતો ભીખુ ઉભો થયો, થોડી શરમ અને થોડી વિનમ્રતા સાથે એ ઝપાટે ચાલ્યો નજીકના બાથરૂમ તરફ – આમ તો એ બાથરૂમ મોટામામાનો, પણ આજે એને કોણ વારે?

તપકીરનો સડકો બોલાવીને અચાનક એનું ધ્યાન ગયું એક ચબરખી જેવા પત્ર ઉપર. ભીખુને નવાઈ લાગી – કદાચ મોટામામા કપડાં બદલવા આવ્યા ત્યારે ખિસ્સામાંથી પડી ગયો હશે.

કુતુહલતાથી  એણે  એ પત્ર ખોલ્યો.એ નનામો પત્ર એ જ હતો જે જમના માંએ દયાળજીને મોકલી આપ્યો હતો.

ભીખુના ભવાં સંકોચાયાં. કોણે લખ્યો હશે એ કાગળ? મોટામામાએ વાંચીને એ બાબત શું કર્યું? આ બધું શું હતું? 

પ્રસંગ નિપટાય પછી મોટામામાને પૂછું? ભીખુ હવે અકળાયો. 

બહારથી બૂમ પડી, ‘ અરે કોઈ વરરાજાને મોકલો’ 

ભીખુનો ચહેરો સંતાપમાં, એ બહાર આવ્યો અને વિધિના સમાપન અર્થે પૂજામાં બેસી ગયો.

લીલીએ ભીખુનું મોઢું જોયું. નક્કી કાંઈ અવનવું બન્યું! જમાનાના ઘડાયેલા દયાળજીની નજર પણ ભીખુ પર સ્થિર.

વિધિ સમાપ્ત થાય થાય એટલામાં  ભીખુ ઉભો થયો અને બોલ્યો, ‘ મારી મંગેતર  અહીં કેમ નથી?’ ચહેરા પર ગુસ્સો. 

વસનજી અને ભગુને ફાળ પડી. ભીખુભાઇને આ શું થયું ?

સતીશને હિમ્મત આવી. ભીખુ પાસે જઈને એ કહે,’ ભીખુભાઇ , આપણા રીત રિવાજ પ્રમાણે  મંગેતર ચાંલ્લામાં નહિ આવે. તમે આ બાજુ આવોની.’ કરીને એને શાંત પાડવા અંદરના રૂમમાં લઇ ગયો.

ભીખુએ સતીષને પેલો નનામો કાગળ બતાવ્યો.

સતીશ ઠહાકો મારીને જોરમાં હસ્યો,’ અરે ભીખુભાઇ, આપણા સમાજમાં આવા નાનામાં કાગળ લખીને ફાચર મારવાનું વર્ષોથી ચાલતું આવ્યું છે. અમે તમને ખાતરી આપીયે છીએ કે લલીનું ચારિત્ર્યકલંક રહિત છે, આખા ગામમાં એ બધાની લાડકી છે. અમારા પૂજારી તો એને કુળદેવી મેરબાઈનું રૂપ માને. ચાલો હવે પૂજામાં, ને  બધું પતાવી દઈએ.’ 

સતીશે પ્રસંગને સાચવી લીધો, વસનજીએ રાહતનો દમ ખેંચ્યો. લીલી બિચારીને કાંઈ સમજ ન પડી કે ખરેખર થયું શું? દયાળજી પોતાના સામાજિક દરજ્જા પ્રમાણે એમની ખુરશી પર બાજુમાં બેઠેલાં સજ્જન સાથે વાત કરતા બેઠા રહ્યા, કે જાણે કાંઈ થયું નથી. 

ભીખુ અને લલીનું વેવિશાળ સુખરૂપ સમાપ્ત.

xxxxxxxxxxxxxxxxxxxx

પ્રકરણ ૨૨ : લગ્નોત્સવ

પ્રકરણ ૨૨ : લગ્નોત્સવ

વરણગામ  વહેલી સવારથી ઢોલ-પીપીના નાદથી ગૂંજી ઉઠ્યું. સરગમ બરાબર વાગે છે કે નહિ એ મહત્તવનું ન હતું. મહત્વનો હતો માંગલિક પ્રસંગ અને ઉછળતા આનંદને વ્યક્ત કરવાનો અભરખો. લગનના ઘરમાં સંગીતને થોડું ઘણું જાણકાર એવા વલ્લભકાકા, ઉર્ફ જીજા, આ બેસૂરા સંગીતથી ખિન્ન, એ દોડ્યા સંગીતની લહાણ કરાવતા  કલાકારો પાસે કે લાવ એમનો કાન પકડું, ‘ એલા એય, બસંત રાગ કોને કહેવાય એ ખબર પડે કે ની? મારા હારા   ફાવે તેમ વગાયડા  કરે ક્યારના !’ 

વિક્ષેપ પડ્યો હોઈ, હરિરામ, પીપી વગાડવાવાળાએ    ડોકું ફેરવીને વલ્લભ જીજા તરફ જોયું ન જોયું કરીને વગાડવાનું ચાલુ રાખ્યું – જેમ હતું તેમ! ઢોલકવાળો કઇંક મૂરખ જેવું હસ્યો અને પાછો જોરદાર થાપ આપવામાં મશગૂલ – જાણે કે બધું બરાબર જ છે.  બિચ્ચારા વલ્લભ જીજા !

વસન લાલાના ઘર આગળ ગામના છોકરાઓએ એક તોરણથી સજાવેલ  સરસ મઝાનું મ્હાયરુ ઉભું કરી દીધું હતું.

મ્હાયરાંમાં બે ખુરશીઓ સામ સામે ગોઠવેલી જ્યાં નવ દંપતી બેસશે ત્યારે તલિયારા બાબા અને અન્ય બ્રાહ્મણો લગ્ન વિધિ કરાવશે. 

તલિયારામાં સતીશ દેસાઈ વહેલો વહેલો ઉઠી પડ્યો, તૈયાર થઈને પહોંચ્યો બાબાના આશ્રમે. પણ બાબા ક્યાં? પાછા ક્યાંક અંતર્ધ્યાન થઇ ગયા કે કેમ?

લ્યો આ રહ્યા બાબા! અંબિકા નદીમાં સ્નાન કરીને એ ઝપાટે ચાલતા આશ્રમમાં દાખલ થયા. 

‘જય ગુરુદેવ!’ સતીશે સાષ્ટાંગ પ્રણામ કર્યા – બાબાએ માથે હાથ ધરી આશીર્વાદ આપ્યા. 

‘સતિષભાઈ, લગનમાં તલિયારાથી કેટલાંક જવાનાં છે ?’ સતીશ વિચાર કરે કે બાબા આવો દુન્યવી સવાલ પૂછે!

‘ગુરુદેવ, એમ માનોની, આખા  તાલિયારા ગામને આમંત્રણ છે! મારા જેવા તો વહનજીના કઈં કેટલા વિદ્યાર્થીઓ છે તલિયારામાં’

‘ને, સરભોણની  જાનના કાંઈ ખબર?’

‘પોયરાના મામાજી, ને બધા તો મુંબઈથી હીધા આવહે’

‘વરની માં આવવાની કે ની?’

‘દયાળજીએ ખાતરી આપેલી કે એ કાઇંક કરહે. પણ…. બાબા જી, એ તો એમ હો વિધવા કેની; એ ધારે તો હો ની અવાય એનાથી! ફિકર મૂકોની તમે, ‘આપણે હૂં, બાબા?’

‘આપણે ચેતતા રહેવાનું’. બાબાની માર્મિક ટકોરથી સતીશ  ઘડીભર વિચારમાં પડી ગયો.

‘ને, બીજું, વસનજીએ  એક કંકોત્રી મેરબાઈની દેહરી પર મોકલાવી તો હશે ને? આપણા રીત રિવાજ પ્રમાણે  દેવ દેવીઓને આમંત્રિત  કરવા જોઈએ.’

‘રામજીકાકાને ખયાલ ઓહે જ , જો કે મોહનીયાનું કાંઈ કહેવાય ની.’ 

ગામનું મહિલામંડળ, ભારી ભારી ઘરેણાથી લદાયેલાં કપડાં, નકશીદાર ગૂંથેલા વાળમાં મોગરાની વેણી, ગીત ગાતી ગાતી વસન લાલા કુટુમ્બનાં બૈરાંને લગનમાં ‘જો જો આમ થાય, આમ ની થાયની’ સૂચના આપવામાં મસ્ત! આ લહાવો માણવાનો હોય, ભાય! 

‘અયલા શાંતાબેન, તે પીઠીનો સામાન તો આવી ગીયો ઓહે ને? કાંઈ રેહી તો નથી ગિયું ને? ની તો અપડા ગુરિયાને કેહમ, એ સાઇકલ પર જઈને ગણદેવીથી પૂંઠે જ લી આવહે.’ ગામની પોરી, ગામનો પ્રસંગ – કાંઈ શરતચૂક  થાય તો આખા ગામની આબરૂ જાય! ઉત્સાહ જબરો બધાંને.

‘અરે જો ની બામણ તો હજુ આયવા જ નથી તે?’

સલાહ સૂચન, વાંધા વચકાં, અપરંપાર. લગનના ગીતની વણઝાર વણથંભી. ‘ભાભી, પેલું ગીત હંભળાવો ની?’

શાંતા  હસતી ને હસતી, એ કહેય,’ હા ભાય હા તમે ફિકર નો કરો. અમારા ગામમાં મેં બો બધાં લગન જોયેલાં , ઊં બદ્ધુ જાણું હેં!’

‘અરે કોઈ પુષ્પાને બોલાવો તો, લલીને તિયાર કરાવવાનું મોડું થઈ જહે ની તો’

‘એ તો ક્યારની લલી હાથે’

‘ને ખરા, ઇડી પીડીને  હારુ છાણ જોઈવાનું તે?’

‘તે હો  થઈ  ગેલુ! છાણના થપ્પા તિયાર!’

પાદરને નાકેથી એક મોટરગાડી આવતી જોઈને ઓટલા પર  ઢોલિયામાં  આરામથી લંબાવીને આડા પડેલા કીકુભાઇ ચમક્યા,’ એ વરી કોણ આટલું વેહલું આવે મોટર ગાડીમાં? વિધિને તો હજુ વાર ‘ બબડીને જેમ તેમ ઉભા થવા ગયા – ઘૂંટણના હાડકાં તડ તડ કરીને વિરોધ નોંધાવે. 

‘એઇ દ્રાયવર ભાઈ,  ગાડીને આ માહ્યરાને ઠેપીનો હૂંકા ઉભી રાખી તે? કાંઈ તૂટી બૂટી ગિયું તો?’

‘તમે ફિકર નો કરો, કાકા, એ બધું જાણે. મને ઉતારવા દેહે કે ની?’ પાઘડી, ને ખેસ  પહેરીને આવેલ એક વૃદ્ધ ગૃહસ્થ પાછલા બારણામાંથી ઉતર્યા.  

‘તે વહન લાલાનું ઘર આ જ કે?’

‘આ લગનનું ઘર તમને ઓરખાય કે ની ? કોણ તમે? કાંથી આયવા?’ પોલીસ પટેલની અદાથી કીકુભાઈએ તો સવાલ પૂછવા માંડયા.

પેલા ગૃહસ્થને એનો જવાબ આપવામાં રસ ન હતો. એ સીધા દાખલ થયા વસન લાલાના ઘરમાં.

કન્યાના પિતાને શોભે એવો રેશમી ખેસ ખભા પર નાખીને વસનજી અંદરના રૂમમાંથી બહાર આવ્યા. 

‘ઓહો હો , આવો આવો, માફ કરજો મેં તમને ઓરખયા ની’ ખેસનો એક છેડો ખભા પરથી સરકી ગયો.’ બેહો ની, અરે કોઈ મહેમાનને હારુ પાણી લી આવો’

અજાણ્યા,  અને હવે ભેદી લાગતા મહેમાને કપાળ પરથી પરસેવો લૂછ્યો.

‘લગનની તીયારી બરાબર ચાલતી છે ને? જાણે ઊં નાથુભાઈ, હરભણ વારાં  જમના બેને મને મોકયલો, હરભણ! સરભોણ! લલીનું હાહરુ?’ 

જમનાનું નામ આવ્યું એટલે વસનજીનું હૃદય જાણે બંધ! 

‘હં, કેમ ની? ‘ મનમાં હનુમાન ચાલીસાનો જાપ ચાલુ . નક્કી જમનાએ કાંઈ નવું વિઘ્ન ઉભું કર્યું.

ભેગા થઇ ગયેલા પંચાતિયા માણસોને ઉદ્દેશીને ‘ તમે બધા થોડીક વાર બહાર જાવ તો’ 

અંદરના રૂમમાંથી ગવાતાં લગન ગીત હજારો ડંખ મારી રહ્યા હોય એવું લાગ્યું. આ પ્રસંગ હમો નમો પતી જશે કે કેમ?

મહેમાને ખિસ્સામાંથી  એક કાગળ કાઢ્યો,’ લેવ, જમનાબેને  પ્રસંગને અનુરૂપ તમને શુભાશિષ મોકલેલા છે.’

કાગળ લેતાં લેતાં વસનજી ધ્રુજ્યા, જાણે કે એ બૉમ્બ ન હોય?

બેતાળા ચશ્મા કાઢીને વસનજી વાંચવા લાગ્યા, 

‘ભાય વસનજી, ઊં તો આખાબોલી જ છે એટલે જે કહેવાનું છે એ હિધે હિધું કેઈ દેઉં. 

ભીખુની માં તરીકે મારી છાતી તો બો ફૂલે. તમને કાંથી ખયાલ હોય કે ભીખુને વાંકડામાં કેટલું બધું સોનુ ને રોકડા ઓફર થેલા છે. ભાય જો, તમે તમારી નકામી પોરીને  મારા પોયરાને  વરગાવવા પર છે તે ઊં બો હારી રીતે જાણું. 

અરે તમાથી  તો ચાંલ્લા વખતે હરખા લાડુ હો ની ખવડાયા! છેક જ હોરી મૂયકા અમને! 

પચ્ચીસ તોલા સોનુ, ને દસ હજાર રૂપિયા રોકડા, હા એટલા વાંકડાની વ્યવસ્થા તમારે કરવાની. લગન હામા છે એટલે મારાથી બીજું તો કાંઈ થાય ની પણ યાદ રાખજો, તમારી પોરી  મારી હાથે રહેવાની છે, મારા ઠાકોરજી જાણે કે એને કયાં દુઃખ ભોગવવાના બાકી છે.

લિ. જમના ‘

વસનજીને થયું કે પગ નીચેથી જમીન સરકી ગઈ. એનાથી  નાથુભાઈની સામે જમીન પર  બેસી પડાયું, કાગળ હાથમાંથી સરકી પડ્યો. ફસડાવાનો ભારી અવાજ થયો એટલે ભગુભાઈ બાજુના રૂમ માંથી દોડી આવ્યા.

નાથુએ આ બધો ખેલ નોંધ્યો અને આસ્તે રહીને ગાડીમાં બેસીને સરભોણ તરફ મારી મૂકી.

ભગુએ કાગળ બે ત્રણ વાર વાંચ્યો.

‘કેવી મોંફટ્ટ  બાઈ છે? આટલો બધો વાંકડો ? ચાંલ્લા વખતે લાડુની વાત હો મારી હારીને ખબર! વહનભાઈ, પણ યાદ રાખજો, ભહતાં કૂતરા ની કરડે ‘ ભગુએ વસનજીને જેમ તેમ ઉભા કરીને ખુરશી પર બેસાડ્યા.

ભગુના શબ્દોની વસનજી પર કોઈ અસર નહિ, ક્ષુબ્ધ દશામાં એ બેસી રહયા. એમની લાડકી લલીનું ધૂંધળું ભવિષ્ય એમની નજર સામે તરવરવા લાગ્યું. શું ભગુ અને સતીશે  આ ગોઠવવામાં ઉતાવળ તો નથી કરી નાખી? 

શાંતા રસોડા માંથી દોડી આવીને પાણીનો પ્યાલો ધર્યો, રૂખી (જીવણલાલની વહુ)  પેપરનો પંખો બનાવીને વસનજીને હવા નાખવા લાગી. મહામહેનતે વસનજી ખાટલામાં આડા પડ્યા.

સર્વે વડીલોને લાગ્યું કે લગનની તૈયારી ખૂબ આગળ વધી ગઈ હતી. જમનાની માગણી સંતોષાય એમ હતી નહિ. કુળદેવી મેરબાઈ ઉપર શ્રદ્ધા  રાખીને લગન સંપન્ન કરવામાં જ ડહાપણ હતું. બીજું થાય પણ શું?

લલીને શણગારવાનું કામ બાજુના ઘરમાં ચાલુ હતું. જમનાના કાગળ વિષે એને કઈં ન જણાવવું એવું સર્વાનુમતે નક્કી થઇ ગયું. દરેક નવોઢા લગન વેળા સુંદર લાગતી હોય પણ લલીનું સૌંદર્ય કઇંક ઓર ખીલી ઉઠ્યું, ચહેરા  પર એક તેજ. 

લાંબા વાળને કાળજીથી  હોળીને સરસ મઝાનો અંબોડો અને એમાં ખોસેલાં ગુલાબનાં ફૂલ! અતિ સુંદર!  લલીને શણગારતી પુષ્પાને કોઈ છોકરી આવીને કાનમાં કઇંક કહી ગઈ, પુષ્પા  ક્ષણિક ખિન્ન થઇ પણ પછી તરત જ  જાતને સાંભળી લીધી.

ખબર આવ્યા કે જાન ગણદેવી પહોંચી ગઈ હતી અને ત્યાંથી બધાં અલગ અલગ શણગારેલી સવારી ગાલ્લીમાં બેસીને વરણગામ આવવાના. જાનને ભાવથી આવકારવા સતીશ સાથે થોડા પુરુષો તૈયાર થઇને નીકળી પડ્યા; ગણદેવી જતાં લગભગ અડધે રસ્તે જાનનું ઔપચારિક સ્વાગત વાજતે ગાજતે  કરવું એવું નક્કી થયું.

ગોરમટી  અને નામણ દીવાની વિધિ ઘરની લક્ષ્મી શાંતા કરે એવું નક્કી થયું. ગૃહ શાંતિ ઉર્ફ શાંતેક તેમજ મોસાળું પૂજવાની વિધિ ભગુ કાકા અને શાંતાને ભાગે આવી.  

મોહનીયાએ આ બધી ગતિવિધિ એના ઓટલા પરથી  જોઈ અને નિશ્વાસ મૂક્યો. કેમ નિશ્વાસ? લલીના ભવિષ્ય વિષે એને કોઈ અગમ્ય માહિતી હતી ? રામજીકાકા પૂજારી અને પાર્વતીએ મોહનીયાના ચહેરા પર ન સમજાય એવા ભાવ જોયા પણ એ લોકો ય શું કરે ? એમણે કુળદેવી મેરબાઈની દિશામાં હાથ જોડી નમન કર્યા.  

ગણદેવીના અડધે રસ્તે જાન નોતરવાની વિધિ વિના-વિઘ્ને પાર  પડી ગઈ.  બેઉ પક્ષના વડીલો હર્ષોલ્લાસ સાથે ચાલતા ચાલતા વરણગામના પાદરે આવી પહોંચ્યા. 

વરરાજા ભીખુ ભાઈ સૂટમાં સજ્જ. કેવા સોહામણા લગતા હતા, ભીખુભાઇ !  માથે ટોપી, અને કપાળ પર કેટલાં બધાં તિલક! ચાલતાં ચાલતાં ભીખુને માંનો  વિચાર આવ્યો. કેટલી જિદ્દી હતી એ? લગનમાં ન આવવા માટે એની પાસે એક શાસ્ત્રોક્ત સબળ કારણ હતું પણ આપવા-લેવાની વાતચીત વખતે કેટલાં નખરાં?  આવું શોભે? લગ્ન પછી કોણ જાણે કેવી વિકટ પરિસ્થિતિઓ ઉભી થશે ત્યારે શું થશે ? 

હવામાને હજુ સુધી રંગ રાખ્યો હતો. 

લગ્નના મૂરતના સમય કરતાં બાબા ખૂબ વહેલા પહોંચી ગયા અને બીજા બ્રાહ્મણો સાથે મંત્ર ભણવામાં વ્યસ્ત. 

વરરાજા ભીખુભાઇને માહ્યરામાં એક ખુરશી પર બેસાડવામાં આવ્યા જયારે સામેની ખુરશી પર નવોઢા લલી માટે. ભીખુભાઇ બેઠા એટલે બ્રાહ્મણોનો મંત્રોચ્ચાર શરુ થયો. બે ખુરશીની વચ્ચોવચ એક કાપડનો પડદો  લઈને બે બ્રાહ્મણો સામ સામે ઉભા ઉભા મંત્રોચ્ચાર કરે. 

ખબરદાર, વરરાજા એની વહુને લગ્ન વિધિ સંપન્ન થાય તે પહેલાં  જોઈ ન લે ! કન્યાના મામા  વિધિવત હાથ પકડીને કન્યાને માહ્યરામાં બેસાડે એટલે બ્રાહ્મણો વધુ જુસ્સાથી મંત્ર બોલવા લાગે. ચારે બાજુ આનંદ આનંદ!

કન્યાના પિતા વસનજીના મનમાં ગડમથલ ચાલે. જમનાના કાગળે એને વિચલિત કરી મૂક્યા હતા. એની માગણી તો કોઈ કાળે સંતોષાય એમ હતી નહિ. ભગુભાઈ વસનજીને સંભાળવા એમની  બિલકુલ પાસે. ભગવાનને પ્રાર્થના કરો કે  જમના લગનમાં બીજું કોઈ વિઘ્ન ન નાખે. 

હવે એ સમય આવી ગયો. ખુરશી વચ્ચેનો કાપડનો પડદો દૂર હટ્યો, બ્રાહ્મણો  જોર શોરથી મંત્રો ભણ્યા, ઢોલ પીપી વાળાઓ પણ તાનમાં આવીને વગાડવા માંડ્યા,  વાતાવરણમાં અચાનક ગરમી આવી ગઈ. વરરાજા અને નવોઢાએ એક બીજાને ઉભા થઇને હાર પહેરાવ્યા. એક બ્રાહ્મણ  હાથમાં થાળી લઈને વેલણથી પીટવા  માંડ્યા કે દિવ્ય મિલન સમાપ્ત થઇ ગયું. મહેમાનોએ ફૂલની વર્ષા કરી નવ દંપતીને આશીર્વાદ આપ્યા.

વિધી દરમ્યાન  ખુરશીમાં બેસી રહેલી લલી  બિચારી શરમથી લાલચોળ, નજર આગળ જમીન પર, પ્રસંગ વીતી ગયો પરંતુ મહત્તા સમજાય એમ ન હતી. નજર એની પવિત્ર મંત્રો ભણતા બ્રાહ્મણોના પગ તરફ. સૌથી છેલ્લે આવ્યા બાબા, પાસે આવીને એમણે વર વધુ ને કપાળે તિલક કર્યા. લલીની આંખ સામે બાબાના પગ અને એક પગમાં છ આંગળીઓ ! લલીથી ઝીણી ચીસ પડાઈ ગઈ. ગોપાલનો પગ પણ આવો જ હતો ને? પેલો કીકુભાઈનો બાબુ બનીને આવેલો તેના પગમાં પણ છ આંગળીઓ! હે ભગવાન! આ ત્રણેવ એક જ વ્યક્તિ હતા? તો બાબા એ જ ગોપાલ હતા! બાબાએ પણ લલીની આંખોમાં એમનું સત્ય રૂપ જોઈ લીધું પણ કઈ બોલ્યા નહિ. હવે બધું સાફ દેખાઈ રહ્યું હતું લલીને. 

બાબાએ શા માટે એમની સાચી ઓળખ એના માં -બાપ, ગામ લોકો અને ખુદ લલીથી છૂપાવેલી રાખી? ગત મહિનાઓમાં  ભિન્ન ભિન્ન વેશ કાઢી – ક્યારેક બાબુ, ક્યારેક ગોપાલ અને તલિયારા બાબા બનીને -એમણે લોકોને છેતર્યા! હા પણ ગોપાલે શીખેલી કલાનો દૂરુપયોગ નહોતો કર્યો. હિન્દૂ ધર્મ શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો અને મહાત્મા જેવી ખ્યાતિ મેળવી. ભલે એ ચીલાચાલુ શાળામાં ભણી ન શક્યો  પણ આવી સિદ્ધિ પ્રાપ્ત કરવી એ કૈં નાનીસૂની  બાબત ન હતી.

લલી સમક્ષ અનાયાસે છતી થઇ ગયેલી ગોપાલની ઓળખ વિષે એ કાઇંક બોલી ઉઠતે તો એ ઠીક ન કહેવાતે. લલી ખુરશીમાં ને ખુરશીમાં અકળાઈ. કોઈને આ વાતનો અણસાર ન હતો.લલી હવે સાસરે જવાની એટલે આ રહસ્ય પણ એની સાથે એને સાસરે!  લલીએ દ્રઢતાથી વિચાર્યું કે જો ગોપાલ બાબા તલિયારામાં જ ધામો નાખીને પડ્યા રહે અને વેશપલટો  કરીને અંતર્ધ્યાન ન થઇ જાય તો એક દિવસ એ ગોપાલને આંતરશે કે આ બહુરૂપીના ખેલ એણે શા માટે કર્યા? 

લગ્ન વિધિના સાત મંગલ ફેરા પણ સમાપ્ત. નવ દંપતી વડીલોના આશીર્વાદ લેવા નીકળ્યા એ બાબાએ જોયું અને એક દૈવી રાહતનો દમ લીધો. કોને ખબર હતી કે એક દિવસ આ બધા જીવ- લલી, ગોપાલ અને મોહનીઓ – એક જ કુટુંબના સભ્ય થશે – અરે ઓલિયા  મોહનીયા સુધ્ધાંને પણ નહિ.

પણ એક વાત નક્કી હતી. લલીને સાસરામાં એની સાસુ જમના તરફથી અમાપ દુઃખ સહન કરવાનું આવશે. વાંકડાને લઈને સાસુના અત્યાચાર સમાજમાં નવું ન હતું. સૈકાઓથી દરેક સ્ત્રી પોતે જે અત્યાચારમાંથી ગુજરી હોય એ જ અત્યાચાર પોતાની વહુ પર કરવા એ ગણિત; સમાજ સામે લડવાનો એક તર્ક – એક અન્યાયનો બદલો બીજા અન્યાયથી. 

છેલ્લે આવ્યો ન્યાતીનો સમૂહ જમણવાર. જાનના મહેમાનોને એક પંગતમાં બેસાડી છોકરીના પક્ષના જુવાનિયા પીરસે. જાનમાં આવેલી દેખાવડી છોકરીઓને ખુશ કરવા બધાં જુવાનિયાઓમાં  હોંસાતુંસી થાય. 

આખરે એ વિદાયની ઘડી આવી પહોંચી જયારે કન્યા પોતાના માં-બાપ, ભાઈ ભાંડુઓ, બહેનપણીઓ, પોતે પાણી પાયેલા વૃક્ષો, પાલતુ જાનવરોને હાથ જોડી નમે, ગળે વળગે – અતિ હૃદયદ્રાવક દ્રશ્ય. હવે આ બધાને છોડીને એક નવી વ્યક્તિ અને  વ્યક્તિઓ સાથે જીવન જોડશે.

ભગુ સમજે કે મોટાભાઈ વસનજી માટે આ એક કરુણ પ્રસંગ હશે, ખાસ કરીને પેલો  ઘૃણાસ્પદ કાગળ વાંચ્યા પછી  વસનજી મન અને તનથી ભાંગી પડ્યા હતા. એમની ફૂલ જેવી માં-વિહોણી દીકરીને વિદાય એટલે કોઈનું પણ હૃદય પીગળી જાય. ભગુ બસ કાયમ મોટાભાઈની અડખે-પડખે. લલીએ છેલ્લા હાથ જોડ્યા ત્યારે એના બેઉ જોડકાં ભાઈ બેન દોડીને આવીને વળગી પડ્યા. લલી એમને ક્યાંય સુધી ચોધાર આંસુએ  પંપાળતી રહી. વરરાજા ભીખુની હાલત ભારે કફોડી, જાણ્યે અજાણ્યે કન્યાના કુટુંબને દુઃખ આપવા એ પોતાને જવાબદાર ગણે એ સ્વાભાવિક હતું. બિચારો મૂંઝાયેલો મૂંઝાયેલો ઉભો રહીં નિહાળી રહે. નહિ એમાં ભાગ લેવાય, નહિ કોઈને કાંઈ સાંત્વન અપાય!

લલી એના કાકુજી પાસે આવી ને વળગી ત્યારે ભગુએ મોટાભાઈને કસીને પકડી રાખ્યા કે ક્યાંક ઢળી ન પડે. કાકુજીની આંખમાંથી અશ્રુધારા અવિરત, દીકરીને છાતીએ ચાંપીને  જે રડયા જે રડયા એ જોઈને મોહનીયો પણ હલી ગયો. એ જાણતો હતો કે લલી ઉપર શું વીતવાનું છે પણ પેલા સહદેવની જેમ કોઈને કહી ન શકે કે ન સહી શકે.

                                  **************************

નાથુ જેવો સરભોણ પહોંચ્યો એવો જમનાએ આંતર્યો. ‘હવે જરા મને કહે કે તાં હૂં થિયું?’

‘એના બાપે કાગળ ખોયલો, ને વાંચ્યો. ને બસ જમીન પર બેહી પયડા ‘

‘બસ આટલું જ?’ જમનાના પહાડી અવાજે નાથુ ગભરાયો.

‘છે તે, બધું બો લોક તાં હાજર એટલે ઊં તો દોટ મૂકીને નાઠો’

‘બાયલો કેથેનો! તને કાગળનો જવાબ માગતાં ટાઢ વાઈ? હં’ જમનાએ એની લાક્ષણિક ઢબે નાથુને હલાવી નાખ્યો.

શું જમનાને એમ હતું કે લગન મોકૂફ રહે ? એને કોઈ કહે કે લગન સારી પેઠે સંપન્ન થઇ ગયા, લલી એના વર સાથે મુંબઈ રવાના થઇ ગઈ ?

હવે ગલવાવાનો વારો કાશીનો. બિચારી થરથરતી ઉભી.

‘મરી ગેઇ કાશી, આ બધું તારા પરતાપે, જાણે કે તું ? બેન બા કહેય ઊં કોઠાર  ભરીને વાંકડો લાવા, પેટારો ભરાઈ જાય એટલું હોનુ લાવા, ને કાં છે બધું ? અરે બાનાના પૈહા હો ની લાવી તૂ તો? તારો પેલો કુબેર જેવો ફૂયાત !- મરી ગીયો  તે? ભણેલા જમાઈની કિંમત  ની મલે એને. નખ્ખોદ જાય તારું ને તારા કુટુંબનું’ જમના મૈયાએ બધો બળાપો બાપડી કાશી પર કાઢ્યો. 

વાઘણ જેવી જમના- ગમે તેને તરાપ મારીને લોહી લૂહાણ કરી મૂકે તેવી.

‘જો જો તમે બધાં, આ જમનાને કોઈ ને ગાંઠે  એવી ની મલે. જમના માંને કોઈ ઓરખતું નથી હજુ. પેલી વાડીગામ વારી પોરી ઘરમાં પેહે તો ખરી ! હકંજામાં લેઇ લેઉ એને. લાગ જોઈને એને કાઢી મૂકા  ને પછી મારા ભીખુને ફરી પરણાવા. બો બધો વાંકડો લેવાની છે ઊં. બધાં જોતાં જ રેહી જહે. ‘ હોઠ મરડીને જમના ઘરમાં ભરાઈ ગઈ. લલીનું  ભવિષ્ય હવે ડામાડોળ. 

જમનાનો મીઠાઈનો ધંધો થોડા દિવસ સદંતર બંધ.

નવ-દંપતીની ટ્રેઈન મુંબઈના પરાંમાં દાખલ થઇ ત્યારે પરોઢ થઇ ચૂક્યું  હતું. લલીએ પહેલાં મુંબઈ જોયું હતું પણ એ જ શહેર હવે જુદું લાગતું હતું. 

ભીખુએ એમ એસ સી માટે નામ નોંધાવામાં બહુ રસ લીધો નહિ એ એના ગાઈડ ડોક્ટર દેસાઈને ગમ્યું નહિ. 

એ ઉપરાંત એક બીજી વ્યક્તિ હતી જે વ્યાકુળ હતી. ચબરાક લીલીએ ભીખુને ગુમાવ્યો, એનું મન  વારંવાર પોકારી ઉઠતું  ‘અરે તું  શું જોઈ ગયો પેલી સાદી, ગામઠી  છોકરીમાં?’

બી એસ સી ડિગ્રી ધરાવનારને નોકરી મળતાં વાર લાગે? ભીખુ એક કોસ્મેટિક કંપનીમાં જોડાઈ ગયો. બોરીવલી સ્થિત આ કંપની  -મોના લિસા- નું નામ ખાસ્સું જાણીતું અને એમાં ભીખુ બની ગયો આસિસ્ટન્ટ ચીફ કેમિસ્ટ. 

ભીખુ – લલીએ સાન્તાક્રુઝમાં  ભીખુના એક પિતરાઈ ભાઈના  ઘરની નજીક એક નાનકડું મકાન  ભાડે લઈને ઘર માંડ્યું..

ઠાકોરભાઈ – હંસાબેન લલીનો ખૂબ ખયાલ રાખે, એમણે એનું રસોડું ગોઠવી આપ્યું, એક ટેબલ ફેન અને થોડું રાચરચીલું પણ આપ્યું. ચૂલા પર રસોઈ કરવાને બદલે અહીં હતો પ્રાયમસ, વળી  દૂધ, શાકભાજી બહારથી લાવવા પડે. 

લગભગ આખો દિવસ-રાત પાસેના રેલવે પાટા પરથી પસાર થતી ટ્રેનનો ધમધમાટ, અને આટલાં બધાં માણસો? મકાનની બહાર કચરો પણ એટલો!

નવું શહેર, નવી દુનિયા, નવા માણસો. શરુ શરુમાં  રેશનિંગમા ઘઉં , ચોખા , ખાંડ અને  દૂધની લાઈનમાં ઉભા રહેવું બહુ કઠ્યું. મકાનમાં પાણીના બે નળ પણ સવારના સાતથી સાંજ સુધી પાણી બંધ ! આખો દિવસ મોટરકાર  અને  ટેક્ષીનો ઘોંઘાટ, ગમે ત્યારે બૂમ મારીને વેચવા નીકળી પડતા ફેરિયાઓ!  

લલી ધીરે ધીરે શહેરની જિંદગીમાં ગોઠ્વાવા માંડી. બીજી બધી તકલીફો તો ઠીક પણ લગભગ આખો દિવસ મકાનમાં એકલાં એકલાં બેસી રહેવું ! લલી કોઈ દિવસ એકલી પડી ન હતી. વરણગામમાં ખુલ્લાં ઘર, ખુલ્લા રૂમ, સંયુક્ત કુટુંબના સભ્યો  સાથે વાતચીત,  જયારે અહીંયા? મુંબઈનો ચળકાટ બહારનો હતો કે શું?

ભીખુ સવારે  નાસ્તો કરીને ટ્રેન પકડવા નીકળી જાય, સાથે એનું ખાવાનું બનાવવું. ટિફિનમાં પેક કરી આપવું – શ્વાસ લેવાનો પણ ટાઈમ નહિ.

ઘણી વાર લલી તકીયામાં મોં  ઘાલીને રડી લેતી. એક મહિનામાં લલી કંટાળી ગઈ – એનું મન વરણગામ દોડી જવા કરે. ભીખુ, જો કે એક સમજદાર અને પ્રેમાળ વર હતો એની ના નહિ. પોતે માંથી વિખુટા પડીને  મુંબઈ શહેરમાં પાંચ વર્ષ કાઢયાં હતાં. એ લલીને અજાણ્યા શહેરમાં અનુકૂળ થવા મદદ કર્યા કરે. 

જમનાને જપ ન હતો. દીકરો વહુ સાન્તાક્રુઝમાં ઘર માંડવાની વાત ખબર પડી એટલે એને ઠાકોરભાઈ – હંસાબેનને કાગળ લખી નાખ્યો કે એકાદ મહિનામાં મુંબઈ રહેવા આવી જશે. સાથે એની પહેલી સૂચના એ કે લલી એનું નામ બદલે. પ્રથા પ્રમાણે લગ્ન પછી કન્યાનું નામ બદલાય. નામ બદલાય એટલે માણસની ઓળખ બદલાઈ જાય, પોતે પોતાને ભૂલવા માંડે. એનું અસ્તિત્વ બદલાઈ જાય. શું એજ તો હેતુ ન હતો આ પ્રથાનો? જમનાએ એ દિશામાં  બરોબરનું તીર માર્યું.

એક દિવસ ભીખુ લલીને કહે,’ જો લલી, મારી માં તારું મામ બદલવાની વાત લાવી છે.’ 

‘મને મારું નામ ગમે છે, હું શું કરવા બદલું?’ લલીએ  ભીખુની છાતીમાં મોં છુપાવ્યું. 

‘વહાલી, તું માંની લાગણીને માન નહિ આપે? ‘  ભીખુએ લલીના કપાળ પર ચૂમ્બન કર્યું.

‘નામ બદલવાથી વધુ માન ઉપજશે?’

‘તારી વાત હું સમજુ છું પણ બધી છોકરીઓ કરે જ છે ને?’

‘તમારી શી ઈચ્છા છે” લલીએ ‘તમારી’ શબ્દ પર ભાર મૂક્યો.

‘નામ બદલવાની બાબત તારે માટે બહુ મોટી ન હોય તો મારી માની લાગણીને માન આપીને એમ કરવું જોઈએ. ‘

‘મારી નહિ, આપણીમાંની લાગણી એમ કહો, વહાલા’  

ભીખુ ખુશીથી ઉછળી પડ્યો, લલીના લાંબા વાળ પર હાથ ફેરવ્યો, ફરી એક ચૂમ્બન  કરીને કહે,’ તો હવે એ કહે તારે ક્યુ નામ રાખવું છે?’

‘એ પણ આપણે માં પર છોડીયે?

‘ના એ આપણે નક્કી કરીશું, અં.. મને પેલી અભિનેત્રી શાંતા આપ્ટે ગમે છે તો તારું નામ શાંતા રાખીયે?’

‘અરે શાંતા તો મારી કાકીનું નામ છે, મને ગમશે એ નામ.’

‘વન્ડરફુલ, તો એમ જ કરીયે’

લલિતા નાયક હવે શાંતા નાયક! કેવું લાગે? લલી નામ સાથે કેટલી બધી સ્મૃતિઓ વણાયેલી હતી! હવે લલી નામ અતીતમાં ધકેલાઈ જશે.શું હવે જમના માં ખુશ રહેશે? લલી એને કોઈ દિવસ મળી ન હતી પણ એની ઘણી વાતો સાંભળી હતી. મળશે ત્યારે કેવી લાગશે એ?

ભવિષ્યના સ્વપ્નોમાં રાચતી લલીને આવનાર સમય કેવો ઝંઝાવાતી હશે એ બિલકુલ ખયાલ ન હતો. જમના હઠીલી હતી, પોતાનું ધાર્યું થાય એ જોતી. એ દિશામાં  જમનાનું પહેલું તીર નામ બદલવાનું અને એ નિશાન પર વાગ્યું!

ઠાકોરભાઈવાળી હંસાબેન  નવા  નામની વાત સાંભળીને ખુબ ખુશ. ‘અરે વાહ, ખૂબ સારું થયું. ચાલ આપણે તારું નવું નામ રેશનિંગમાં અને બધે રજીસ્ટર કરાવી આવીએ.

નામ બદલાવ સાથે લલીના જીવનમાં મોટો બદલાવ. એને ખબર ન હતી પણ જમના સાથે બાંયો ચડાવવાનો વખત આવી ગયો હતો. 

લલીએ કાકુજીને એની નવી જિંદગી અને નામ બદલાવ વિષે લખી નાખ્ય્યું. જો કે આવનાર દિવસોમાં જમના સાથે  બાથ ભીડવા વિષે ન લખ્યું. આ ઝંઝાવાત સામે કોણ એને બચાવશે? મેરબાઈ? મોહનીયો કે પછી ગોપાલ બાબા

xxxxxxxxxxxxxxxxxxxxxxxx

પ્રકરણ ૨૩ સહજીવનનાં સત્યો

જમના માંનાં આગમનનો દિવસ નજીક આવતો ગયો તેમ લલીમાંથી  પરિવર્તિત થયેલી શાંતાની દ્વિધાનો પાર નહિ. સાન્તાક્રુઝવાળો ફ્લેટ કદાચ નાનો પડશે કે કેમ?  ભીખુએ તરતજ માટુંગાના શાંત વિસ્તારમાં એક નવો ફ્લેટ ભાડે રાખી દીધો. બીજે માળે પુષ્કળ હવા ઉજાસ, અલાયદા સંડાશ- બાથરૂમ અને મુખ્ય  રસ્તા ઉપર પડતી એક મઝાની ગેલેરી ! બીજું શું જોઈએ? પાછલી ઉંમરે માંને ચાલીના  સહિયારા  સંડાશમાં કેવી રીતે ફાવે? નવા ફ્લેટમાં એ જરૂર ખુશ થશે . રીતરસમ પ્રમાણે ભીખુએ ખાસ્સી પાઘડીની રકમ ચૂકવી દીધી હતી.

લલી વિચાર્યા કરે કે એવું તે શું કરું જેથી ઘર જમનામાંને વ્યવસ્થિત જણાય.

ફ્લેટની પાછળ એક મોટી મસ ચાલ, જયાંના રહીશોના નિરંતર અવાજને લીધે વસ્તી વસ્તી લાગે. .

સ્ટેશન આગળ આવેલી શાક-માર્કેટમાં જઈને લલી જમના માંને ભાવતાં શાકભાજી લઇ આવી. ધૂંધવાયેલા સાસુ માંને ખુશ કર તું શાંતા ! 

આખરે એ દિવસ પણ આવી ગયો. લલી વહેલી વહેલી ઉઠીને તૈયાર! એ વાળ હોળતી હતી ત્યાં ભીખુભાઇ માંને લેવા ઉપાડયા બી. બી. એન્ડ સી. આઈ. રેલવેના દાદર સ્ટેશને. બહારગામથી લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરીને ગીર્દીવાળા ડબ્બામાંથી  જમના માં ઉતાર્યા ત્યારે મોં પર થકાવટનું નામ નિશાન નહિ ! 

‘માં આ બાજુ’ ભીખુએ માને ઉતરતી જોઈ એટલે દોડીને હાથથી  સંજ્ઞા કરી ધ્યાન ખેંચ્યું.

દીકરાને જોઈને માંને ટાઢક વળી,’ કેમ છે દીકરા તું? બધું હારું છે ને?’ લલીની ખબર પૂછવાનું કામ શું? એનું અસ્તિત્વ લલીએ હજી કમાવાનું હતું.

‘બધાં હારાં છે, તારા આશીર્વાદ જોઈએ’ આજ્ઞાકિત દીકરો વાંકો વળીને પ્લેટફોર્મ પર જ પગે લાગ્યો. 

‘તૂ….. છે તે…. ઠાકોરજીની પૂંજા કયરા કર, એ બદ્ધુ હારું કરે, હમયજો કે ?’

એક કાળી પીળી ટેક્ષીમાંમાં દીકરો માટુંગા ઘેરે આવ્યા.

‘તે…. ટેક્ષી ભાડું કેટલું થિયું?’ માંને બદ્ધુ જાણવું હોય!

‘એ તો મેં ચૂકવી  હો દીધું. ચાલ આપણે બીજે માળે ઘેરે જીયે’ ભીખુને ભાડાં બાબત ચર્ચામાં ઉતારવાનો કોઈ ઈરાદો ન હતો.  

બીજા માળની ગેલેરીમાંથી લલીએ ટેક્ષીમાં આવેલ માં-દીકરાને જોઈ એક નોકરને સામાન લાવવા નીચે  રવાના કર્યો. 

‘આ ઉંમરે હો માજી હારાં કકરાં દેખાય’. લલી સાથે ગેલેરીમાંથી જોઈ રહેલ પાડોશી  મણીબેન બોલી પડ્યા.

દાદરો ચડતાં ચડતાં માંના પ્રશ્નોની ઝડી ચાલુ, ‘ તે ભીખુ તારે આજે ઓફિસ નથી જવાનું ?’  

‘માં,  મેં આજનો દા’ડો  રાજા મૂકેલી છે, જો જે માં સાચવીને ચઢ઼જે હેં.’

ફ્લેટનાં બારણાની અંદર દાખલ થયા એટલે લલી માથું ઓઢીને માંને  પગે લાગી. ‘

‘જીવતી રહેજે.’ આશીર્વાદ મેળવીને માંને ખુરશી પર સાચવીને બેસાડીને લલી પાણીનો પ્યાલો લાવવા દોડી. 

લલી બરાબર જાણે કે ઘરડા વડીલો  તાંબાના પ્યાલામાં પાણી પીએ. લલીએ પ્યાલો ધર્યો એટલે જમના માંએ ધારી ધરીને તપાસ્યો – ગંદો તો નથીને? 

‘ચા પીવાના?’ લલી માજીની સેવામાં લાગી ગઈ.

‘અહુવેં, પણ જરા કડક, ને મીઠી’

શાંતા જલ્દીથી રસોડામાં દોડી ગઈ અને ચા બનાવવાની વિધિમાં વ્યસ્ત.  લલી શું અને કેવી રીતે કરે છે એના પર જમના માંનું સતત ધ્યાન.

‘દીકરા તૂ હો હૂં ગરીબડા પોયરાની પખણ મારી હામે ઉભો રહેલો ? બેહી જાની? ઊં હવે ઘેરે  સુખરૂપ આવી ગેઇ તે દેખાય કે ની?’ માંએ  તપકીરની ડબ્બી કાઢવા કબજાના ખિસ્સામાં ફાંફા માર્યા.

ચારે બાજુ અવલોકન કરી રહેલી જમના માંનું ધ્યાન ભીંત પર ટીંગાડેલા એક બાબાના ફોટા તરફ ગયું.

‘આ વરી વધેલી દાઢીવારો, ભિખારી જેવો કોણ છે ફોટામાં ?  એને હાર હો પહેરાવેલો દેહું! ‘ 

‘માં એ ફોટો છે એક સંત બાબાનો. બો ચમત્કારી છે બાબા, ભક્તોના દુઃખ પૂંઠે જ  દૂર કરે’

‘આવા નિકરી પડેલા બાબાનું હૂં બોડાવા તમે પૂંજા કરે? હારા  બધા ધતિંગવારા. ભીખુ તૂ  હમણે ને હમણે ફોટાને કાઢ તો ?  ને મારા ઠાકોરજીની સ્થાપના કર. જે ઠાકોરજી’

શાન્તાએ આવીને ચાના કપ-રકાબી માજી પાસે મૂક્યા, અને  દીવાલ પરથી પેલો ફોટો હટાવ્યો.

‘માં બોલી એટલે તારે ફોટાને અબ ઘડી હટાવવા નું કાઈં કામ?’ માજી હાથ મોં ધોવા ગયા એટલે ભીખુએ  શાંતાને ઠપકારી. ભીખુભાઇ તો બાબાના પરમ ભક્ત!

પણ આજે લલી એની સાસુમાંને ખુશ કરવા કટિબદ્ધ હતી. ભીખુને આ વિષે સ્પષ્ટીકરણ આપવું જરૂરી ન લાગ્યું. ‘તમારે બપોરનું ભાણું  કેટલા વાગે જોઈશે? લલી પૂછે ભીખુને .

 ‘તે તું નિકરી પડેલી તારી સાસુને  ખુશ કરવા,  તૂ જ પૂછી લે ને એને? ભીખુ હવે જરા ચિડાયો. 

જમના માં બાથરૂમમાંથી બહાર નીકળ્યાં કે પાડોશી મણીબેનને જોઈ.

‘કેમ છો માજી? ગાડીની લાંબી મુસાફરીનો થાક બો લાયગો ઓહે કેમ?’

‘ની રે, હાનો થાક? અલી તારી બોલી પરથી તૂ હો અનાવલી લાગે, કેમ?’

‘ખરું હેં! ઊં વલસાડ અબ્રામાની’

‘ઓહો ત્યારતો  તૂ હો વાડીગામની!’ માજીએ તપકીરનો સડકો બોલાવીને જોરથી છીંક ખાધી. 

‘અરે માજી, વલસાડ અબ્રામા તો બો બધા ભડવીર અનાવલાનું ગામ હેં કે!’

‘ચાલ એ વાત ફરી કોઈ દા’ડો. તને પોયરાં કેટલાંક છે?’ માજીની આંખ ઝીણી થઇ.

‘અરે હૂં તમે હો માજી, ઊં હજુ હમણે જ પરણી તે?’

‘હં, તૂ હો લલીની પખણ પેલા ઠગ બાબાને પૂયજા કરહે તો વાંઝણી રેય જહે ,લખી રાખ’ માજીએ આમનું તીર એમ માર્યું. તીરથી ઘાયલ મણીબેન જઈને એમના ઘરમાં ભરાઈ ગયાં.

જમના માંએ ફ્લેટમાં દાખલ થતાંની સાથે પૂરો કબ્જો જમાવી દીધો. એનો બુલંદ અવાજ  અને તાકેલાં મહેણાં મકાનના   બધા ભાડુઆતોને થથરાવે. આજુબાજુના લોકો, ખાસ કરીને કમ્પાઉન્ડમાં રમતા છોકરાંઓ એનાથી ડરવા લાગ્યા. યુદ્ધ જાહેર કરી દીધું એટલે એનો નિવેડો પણ એ ધારે તેમ આવશે – નિવેડો એટલે લલીને હેરાન પરેશાન કરીને ભીખુથી છૂટકારો મેળવવો અને ભીખુનાં લગન ફરી કરાવવાં.

જમના માં જયારે બપોરે વામકુક્ષી કરતા હોય ત્યારે ભીખુ અને લલી એક બીજાને હાથ અને ચહેરાની રેખાઓથી વાત કરી લેતા. જો કે ભીખુને હવે ભાન થવા માંડ્યું હતું કે લલી બિચારી આખા અઠવાડિયામાં માંના કેટલાં ય  ટોણા મહેણાં સહન કરતી હશે. 

આવી એ દિવસે જમના માં સાંજે સારી પેઠે ઊંઘ્યાં. ઉઠીને એમણે  આળસ મરડી. ભીખુ ક્યાંક બહાર ગયો હતો.  લલી પૂછે ‘ માં ચા ?’ એને ગણકારી નહિ અને ઉઠીને સીધા પહોંચ્યા ગેલેરીમાં. 

શાંતાનાં પેટ પર અચાનક ધ્યાન ગયું, ‘ બેન  શાંતા, તૂ હજુ  પેટે નથી આવી? મારા પોઇતરનું મોઢું ઊં કે દા’ડૅ જોવાની?’

શાંત જરા આઘી ખસીને કહે, ‘ માજી આ બધું ઠાકોરજીનાં હાથમાં હોય ને?’  ઠાકોરજીનું નામ આવ્યું એટલે માજી થોડાં શાંત પડયા.

‘તારો વર કેટલે વાગે કામે જાય?’

‘સાડા આઠે, માજી. દૂર માટુંગા સ્ટેશનથી ગાડી પકડવાની ને… એટલે’ 

‘હેં? તો એના બપોરના જમવાનું શું?’

‘ઊં, હવારના પો’રમાં ઉઠી જાઉં, ને જમવાનું બનાવીને ટિફિનમાં પેક કરી આપું’

‘તને એની ઓફિસમાં જેઈને તાં ગરમાગરમ બનાવીને ખવડાવતા હૂં થાય?’

‘માજી, મુંબઈમાં ઓફિસો બધી ઘરથી બો દૂર હોય. બધા જ ઘેરેથી ટિફિન લઈને ઓફિસ જાય અહીં તો’ લલીને થયું કે આવા સાક્ષીનાં પીંજરા જેવી હાલત હવે બંધ થાય તો સારું, ‘જે થાય તે ઊં મચક તો ની આપું’ – લલી અડીખમ.

‘પેલી પાડોશણ મણી હૂં કરે એના વરને હારું?’

‘મેં કહ્યું ને, બધા  મરદ એવું કરે’ 

‘ તો એ કામ પર જાય ત્યારે તૂ હૂં કરે ઘરમાં બેઠી બેઠી’  જમનાનો ધારદાર સવાલ, સાક્ષીને અટવાવી  દેવાનું પ્રયોજન, તૂ પર ચોખ્ખો ભાર.

‘ઊં હવે તમારી સેવા કરા, કોઈ વાતનું ઓછું ની આવવા દઉં – મારા બાપે હીખવેલું મને’

‘આહા તારો બાપ, કેમ? એ તો મારા પોયરા જેવા ખૂબ ભણેલા જમાઈને ફસાવીને બો ખુશ ઓહે  કેં?, વાંકડો હો નામનો – જાણે પોયરાં પટાવે! ‘ જમના હવે મૂળ મુદ્દા પર આવી.

લલીને ખબર કે સાસુજીના આકરા પ્રહારથી બચવાનો કોઈ ઉપાય નં હતો. આ જમાનાની બધી સાસુઓ વહુને આમ જ હેરાન કરે, જો ને પેલી બિચારી પુષ્પા? બાપ બિચારો ગરીબ એટલે છોકરાવાળાઓએ એને કેટલી હલકી પાડી નાખેલી?

માંના  આજ્ઞાંકિત, ડાહ્યા દીકરા ભીખુએ લલીને સાથ આપવામાં થોડી હિમ્મત બતાવી હતી ખરી. પણ આ જંગ તો લલીએ એકલો  લડવો પડે. આમ જોવા જઈએ તો જમના તો માત્ર  જમાનાઓથી ચાલતી આવતી પ્રથામાં રંગાયેલી હતી ને? જમના જેવી ગામડાની અર્ધ-શિક્ષિત સ્ત્રી માટે  નદીના સામા  વહેણે તરવું વધુ પડતું નં કહેવાય?

બીજી સવારે, રસોડામાં લાકડાના એક કબાટની બાજુમાં નાનકડા મંદિરમાં જમના માંના લાલજીની સ્થાપના થઇ ગઈ. 

માંને લાલજી પર બહુ આસ્થા. કોઈ પણ મુશ્કેલી આવે એટલે એ લાલજીને આંખો મીચી, હાથ જોડે અને મૌન પ્રાર્થના કરે. ત્યાર પછી એક હાથમાં દીવાની થાળી ને બીજા હાથમાં ઘંટડી લઈને બુલંદ અવાજે ભજન ગાઈને લાલજી મહારાજની આરતી  કરે. 

જમનાના વિચારો  થોડાં અણઘડ અને કઠે એવા હતા એટલે એ જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધી લલીએ સહન કરવું જ રહ્યું. 

જમના ભીખુને ઓફિસ જવા તૈયાર થતો વિસ્ફારિત નયને ગર્વથી જોઈ રહી. સુંદર મઝાના ઈસ્ત્રી ટાઈટ પેન્ટ શર્ટ, ઉપર સોહામણી ટાઈ અને સૌથી  ઉપર એક કોટ. 

‘કેવો ફક્કડ લાગે મારો પોયરો  – મા…….રો  ભીખુ’,  વરને કોણ વખાણે ? વરની માં – એ વાળો ઘાટ હતો!

‘અરે અરે દીકરા વાળ તો હોળતો જા હરખા. ને તારી બેગ? અરે ઓ શાંતા, હૂં કયરા કરે તૂ ક્યારની? દોડ વહેલી, ને લેઇ આવ એના જોડા, ને બેગ.’

ભીખુ તૈયાર થઈને બારણા આગળ સ્ટૂલ પર બેસીને  બુટ પહેરવા લાગ્યો- બારણા પર હતી ચમકતી તકતી – ‘ B M Naik B. Sc                 

‘શાંતા, આટલે આવ’ માંનો ઓર્ડર છૂટ્યો, ‘ આ તારો ઓફિસર વર વાંકો વરીને જોડાની દોરી બાંધે તે તને દેખાતું નથી? તને ભાન છે કઈ મારો ભીખુ કેવડો મોટો ઓફિસર છે?’

થોડી ગલવાઈ ગયેલી શાંતા દોડી અને એના ઓફિસર વરનાં બુટની દોરી બાંધવા લાગી. 

‘હવે યાદ રાખો શાંતા દેવી, વર હાંજે થાયકો પાયકો ઘેરે આવે ત્યારે બુટની દોરી છોડી આપ્પાની, ને બુટને હવારે પાલીશ બાલિશ કરીને તિયાર રાખવાના.’ શાંતા દેવીનો વ્યંગ કઠ્યો પણ અપમાન એ ગળી ગઈ.

જેવો ભીખુ ઘરની બહાર નીકળ્યો  એટલે જમનાએ લલીને હાક મારી.

‘અલી જા તો, તારા બાપે વાંકડામાં જર જવેરાત, ને પૈહા – હૂં હૂં આયપુ તે બદ્ધુ મારી હામે કાલે હાજર કરજે ‘ માંનો હુકમ.

પિયરથી લાવેલા ઘરેણાં તો સ્ત્રી-ધન કહેવાય જે ભવિષ્યની  આર્થિક સંકડામણ વખતે કામ લાગે. માંના નવા હુકમ વિષે લલીએ તે રાતે ભીખુને વાત કરવાનું ટાળ્યું. અમસ્તો એને સંતાપ થાય.

સવારે લલીની સાથે જમના પણ ઉઠી ગઈ, જલ્દી જલ્દી નાહીને ઠાકોરજીની સેવા કરી. લલી એમને આંખ મીચીને ભજન ગાતી જોઈ રહી. મનમાં અચરજ થાય કે સમજદાર માણસો શા માટે બીજાને ત્રાસ આપતા હશે. ખાસ કરીને સ્વજનોને?

હા, પણ   સમાજે જે શીખવ્યું એનું પાલન જમના માંએ કર્યું.

જમના માં વામકુક્ષી કરવા આડાં પડ્યાં એટલે શાન્તાએ સ્ટીલનો  કબાટ આસ્તેથી ખોલી  સોંથી અંદરનાં ચોર ખાનામાંથી પિયરથી લાવેલો દલ્લો બહાર કાઢ્યો –  ઘરેણાં, રોકડ રકમ, ને બધું.

આરામ ફરમાવીને માજી  ઉઠ્યાં એટલે તરત દલ્લાને ધ્યાનથી તપાસવા લાગ્યાં – કાનની બુટ્ટીઓ, હાથના કાવરી, બંગડીઓ, નાકની ચૂંક,  ગળાનો હાર અને મંગળસૂત્ર. 

‘બીજું કઈ છે કે આટલું જ?’ જમનાની બાજ નજરથી   શાંતા ઘાયલ! એ જાણતી હતી કે આ સમય આવવાનો છે.

‘હા માજી, રોકડા રૂપિયા પાંચ હઝાર –  એ રિયા, ને  પિત્તળનાં બો બધાં વાહણ આપેલાં છે, ને નાવાનાં પાણીને  ગરમ કરવાનો બમ્બો હો’ 

‘ચાલ ચાલ, આગળ ચાલની તૂ.’

‘બસ જે છે તે આ રિયુ.’

‘હામ્ભર, તૂ બો ઉશીયાર  એમ કે?  તૂ હૂં અમને મૂરખ હમજે ? મારા ભોરા પોયરાને તદ્દન હોરી મૂયકો તારા બાપે! તેને ભાન હો છે કે કેટલું કઘીમધીને  મેં એખલીએ ભીખુને ભણાયવો, આજે ભણી ગણીને કાં પ્હોયચો તે જાણે કે તારા કાકુજી ?  ને બરી ગિયું આખું વહનલાલા કુટુંબ?

હું જાણતી ઊતી. ‘ કરીને માજીએ  ખિજવાઈને ટેબલને ઝાટકાથી હડસેલી મૂક્યું. ઘરેણાં વિગેરે બધું ભોંય પર વેરાઈ ગયું. 

લલીથી હવે નહિ રહેવાયું.’ બધું બોલો ને બધું કરો પણ, માજી, મારા કાકુજીને હારુ આવું ઘહાતુ ની બોલો તો હારું. તમે મારા માં જ છો એટલે મહેરબાની કરીને….’ શાંતાનો હૂંકાર માજીને નહિ ગમ્યો. એ વધારે ચગી.

‘આહા, બો ઉશિયાર! જો ની, જો ની, હાહુની હામે મોઢું તો ચપ ચપ ચાલે, જાણે કાતર ! આવા  સંસ્કાર આપલા છે તારા બાપે? આ ખોબલા જેવાં ઘરેણાં, ને રોકડ રકમ, લાવ  બારીમાંથી બહાર ફેંકી દેઉ. ખોબલા જેટલા! કઈ હમજ પડે તને?’

ગુસ્સાથી લાલચોળ માજી ઝપાટામાં ઉઠવા ગયાં, તેવાં  લપસીને પડ્યાં ઊંધા માથે.

બરાબર એ  ક્ષણે પાડોશી મણીબેન, હાથમાં તાજી મઘમઘતી દાળનો કટોરો લઈને દાખલ થયા.

‘હે ભગવાન, અરે, અરે,  માજી પડી ગિયા! જુઓ જુઓ, કઈ વાયગુ બાયગુ તો નથી ને?’

બેઉએ મળીને માજીને ઉભા કર્યાં અને આસ્તે આસ્તે પથારીમાં સુવડાવી દીધાં. 

પછી ચૂપચાપ વેરાયેલા ઘરેણાંને ભેગાં કરીને પાછા ડબ્બામાં મૂકી દીધાં.

જમના માંની આંખો બંધ. સ્ત્રી સુલભ સ્વભાવે મણીબેન હાથના ઈશારાથી શાંતાને પૂછે, ‘ થિયું હૂં, શાંતાબેન ?’

પણ રખેને માં જાગી જાય એ ડરથી શાંતા  નાક પર આંગળી મૂકી શાંત રહી. બોક્ષને પાછો સ્ટીલના કબાટનાં ચોરખાનામાં ધીરેથી બંધ કરીને કબાટને તાળું માર્યું.

એકાદ કલાકમાં માં જાગ્યા, ‘ માજી, ચા પીવાના કે?’

‘હારું ત્યારે મૂક’ પોતે પડી ગયાં હતાં એ માં ભૂલી ગયાં હોય એવું લાગ્યું,

આ પછી પણ, જમના માં વારંવાર બબડતા રહ્યા કે વાંકડામાં ભયંકર રીતે છેતરાયા. આવે વખતે ભીખુ શાંતિ રાખવા કહેતો અને પ્રયત્ન કરતો કે  માં એવું ન માની બેસે કે એ શાંતાના પિયરિયાં સાથે સહમત હતો..

‘માં, શાંતા  એક સુશીલ છોકરી છે. તું આ વાંકડાંનો  વળગાડ છોડ હવે. જો, મારી નોકરી સરસ, પગાર હો સરસ. આપણે કોઈ ચિંતા નથી.’

‘દીકરા તારામાં મને બો ભરોસો પણ શાંતા  જરા ઉડાઉ છે, ફેરિયા જે કહેય તે ભાવ આપી દેય, સોદો ની કરે, રક્ઝક તો બિલકુલ ની કરે.  ફેરિયાને કસે હો ની. ખાવાનું બનાવતાં  ધ્યાન ની રાખે, કેટલો બગાડ થાય એ ની હમજે’

‘માં, અહીંયા મુંબઈમાં બધું મોંઘુ, ગામના ભાવ હાથે હરખાવ નો. મારા પગારના દહેક ટકા ફ્લેટનું ભાડું ભરવામાં જાય’

‘ઊં તે જ તો તને કેમ. આટલું બધું ભાડું ભરીને મોટા ફ્લેટમાં રહેવાનું કાઈં  કામ?  જો ની, હામેની ચાલમાં બધાં કેવાં સરસ રહેય. બધાં એક બીજા હાથે ગામના ફળીયાની જેમ ગપે. તારાં છોકરા અહીંયા કોની  હાથે રમહે? ‘

‘તાં તને સંડાશ જવા હારું લાઈનમાં ઉભુ રહેવું પડતે’

‘પોયરાંની વાત નિકરી છે તો કેઈ દેઉ. શાંતા ક્યારે હારા દા’ડા દેખાડહે? 

‘હવે જે બાબત ઈશ્વરના હાથમાં છે એની તૂ હૂંકા માથાકૂટ કયરા કરે?’

‘તારો ઈશ્વર તો પેલો દાઢી વારો, પાખંડી  ભિખારી છે’ 

 વાતનો અંત નહિ આવે. જમનાને  એમ જ કે  ભીખુ શાંતાને રવાના કરી દૈ. 

શાંતા  દક્ષિણ ગુજરાતની એટલે એની રસોઈમાં દક્ષિણી છાંટ જયારે જમનાનું સરભોણ થોડું પૂર્વમાં પડે. શાંતા  જે બનાવે એમાં કઈ ને કઈ વાંધો વચકો કાઢે. 

‘તારી રસોઈમાં કઈ ભલીવાર ની મલે. મારો ભીખુ હો તારાં કરતા હારી રસોઈ કરે. અરે હા, યાદ આવ્યું, તારી માં તો વહેલી સ્વર્ગે પહોંચી ગેલી એટલે બિચારીને કોણ શીખવે? ‘

શાંતા આવાં  મહેણાઓથી ત્રાસી જતી. ઘણીવાર એ સપનામાં ચીસ પાડી ઉઠતી. ભીખુ આ બે સ્ત્રીઓને વચ્ચે પીસાય. એ શાંત રહીને પોતાના કામમાં ધ્યાન આપવા પ્રયત્ન કરતો. કેમિસ્ટ્રીના ભારેખમ ચોપડાં વાંચતા ઘણી વાર મળસકુ થઇ જતું.

બેસતા વર્ષે મોટામામાને પગે લાગીને આશીર્વાદ લેવો  એ ક્રમ હતો. જમના માં જો કે પ્રસંગનો લાભ લઈને એની સવિતાભાભી આગળ  શાંતાની અણઆવડતની વિસ્તારથી  ચર્ચા કરતી. એક જ ધ્યેય – શાંતાનો ટાંટિયો કેમ કાઢવો. 

પોતાને ગર્ભ રહી ગયો છે એ જાણીને શાંતાને એક હાશકારો થયો. ભગવાનનો પાડ માનો કે જમના માંના ટોણાથી બચવા આ શુભ સમાચાર આપ્યા.  જમના માં ખુશખુશાલ – પૌત્ર આવવાનો તે જાણીને. 

એને ખાતરી કે પોયરો જ આવશે, એ એની ખાસ ઈચ્છા, એની મન્નત કહો કે જે કહો તે. શાન્તાએ પુત્રને જન્મ આપવો એ નક્કી હતું, એ એની જવાબદારી હતી.

શાન્તાએ પુત્રરત્ન માટે પ્રાર્થના કરવામાં કચાસ ન રાખી. મોહનીયાએ પેલી પૂનમની  રાતે જે કહ્યું હોય તે, પણ શાન્તાએ મેરબાઈ દેવીની પૂજા કરવાનું ચાલુ રાખ્યું.

તે રાતે મોહનીયાએ ખુલ્લમ ખુલ્લા ગામ લોકોની વચ્ચે કહી દીધેલું ‘ તારાં નસીબ માં દીકરો છે જ નહિ’ આ લલીએ નહોતું પૂછ્યું , મોહનીયાએ પોતે ભીડમાંથી  લલીને શોધીને કહ્યું હતું. 

તો શાંતાના નસીબમાં દીકરીઓ જ હતી? જમના જો અ વાત જાણે તો પીંખી નાખે શાંતાને. ભીખુના આ બાબતમાં શા વિચાર હતા? એ લોકોએ કોઈ દિવસ જમના માંની હાજરીમાં આ વિષે વાત કરી હોય એવું બન્યું ન હતું.

રિવાઝ પ્રમાણે દરેક સ્ત્રીની પહેલી સુવાવડ  પિયરમાં થાય. જે દિવસે શાંતા વરણગામ જવા નીકળી એ દિવસે એને જિંદગીનો ભરપૂર હાશકારો થયો. એ પોતાના પેટ તરફ જયારે પણ જોતી એને મોહનીયાનું પીડાજનક વાક્ય યાદ આવતું. તે દિવસ આખો દિવસ વરસાદ અનરાધાર વરસ્યો. વરણગામ  જઈને કાકુજી અને બીજા બધાને મળવાની ઉત્તેજના હતી પણ ભવિષ્યની કલ્પનાથી ધ્રુજી જતી. મોહનીયાનું ભવિષ્યકથન ખોટું પડે તો? દહાડે દહાડે એ નબળી પડતી ચાલી. વરણગામની દાયણો ખૂબ અનુભવી હતી એટલે ગભરાવાની કોઈ વાત ન હતી.

લલી માટે શાંતાકાકી ખાવા પીવાની એટલી તો કાળજી રાખતી – પૌષ્ટિક ખાવાનું મલે, એ હંમેશા ખુશ રહે વિગેરે એ વિષે એ સજાગ હતી. બીજી, પડોશની સવિતાકાકી એને માટે દેવીમાં  પૂરવાર થઇ. જ્યારે શાંતા  કાકી કામમાં હોય ત્યારે લલી સવિતાકાકીના  ખોળામાં માથું મૂકીને પડી રહેતી.

‘તૂ ફિકર હૂંકા  કરે પોરી. મેરબાઈ છે ને ? એ બદ્ધુ હારું કરહે’ સવિતા કાકી દિલાસો આપે. 

પૂનમને હજુ વાર હતી પણ મોહનીયાને ચેન ન હતું. હવે તો ગામ લોકોમાં એ વાત ફેલાઈ ગઈ હતી કે એના માં-બાપ કન્યા શોધવા માંડ્યા હતા જેનો એને સંતાપ ભારી. 

જે દિવસે માં-બાપે આ વિષે એને વાત કરી હતી એજ રાતથી મેરબાઈ એના સપનામાં નિયમિત આવે. એ કોઈ ભવિષ્યવાણી કરતી ન હતી. મેરબાઈ મોહનીયાની ફરતે હસતી હસતી ફૂદડી ફર્યા કરે, બોલે કઈ નહિ. જાણે બે વ્યત્કિઓ વચ્ચે એક આત્મા. મોહનીયો આવી વાત માં-બાપને કેવી રીતે કહે?

પૂનમે પૂનમે રામજીકાકાના ઘરની બહાર ભીડ વધતી ચાલી. હવે આજુબાજુના ગામવાળા પણ આવવા માંડ્યા. આ વર્ષે સિઝનનો વરસાદ પણ મોહનીયાના કથન પ્રમાણે સમયસર આવી ગયો. મોટા સવર્ણ જમીનદારોના વેઠિયા મજૂર કામે લાગી ગયા. 

હવે પૂનમને બહુ વાર ન હતી.

‘શું મોહનીયો એની પોતાની વહુ વિષે જાણે કે ?’ કોઈ બોલ્યું.

આવી વાહિયાત કોણ કરે એ જોવા પરભુકાકાએ ઊંચા થઈને જોયું.

‘મારો હારો મોહનીયો આપણા વરણગામની  જ કન્યા પસંદ કરી લે તો હારું. એણે દૂર બીજે ગામે જાન લેઇ જવી  ની પડે ને?” જુવાનિયાઓમાં મસ્તી મજાક ચાલુ.

‘આપણા ગામના જુનવાણી ડોહા ડગરાં  એ વાત માને તો ને?’

‘એ પોરી, આવા નિયમો કાંઈ વિચારીને જ બનાયવા  હોય કની ?’ પરભુકાકા આશા  પર ગિન્નાયા. 

‘જુઓ, આપણા જ ગામના  અશ્વિન અને ગીતા પરણવાના કે ની?’  આશાની મશ્કરીભરી નજર ગીતા તરફ.

‘એય આશા, ગીતાના માયબાપ પાહેંના  ધનોરી ગામના ને એ પૂરમાં તણાઈ ગિયા એટલે ગીતા અહીં રહેવા  આવી. હમજ્યા મૂયકા   વગર હૂંકા  બોયલા કરે તમે લોકો?’

અચાનક વરસાદ તૂટી પડ્યો એટલે ખુલ્લામાં બેસીને ગપ્પાં મારતા લોકોએ નાસભાગ કરી મૂકી. મોહનીયો હજુ એની ઓરડીમાં ભરાઈ રહ્યો હતો. પૂજા શરુ થાય એટલે એ બહાર આવશે. બાબુ ભરવાડ બધાને એમ કહેતો ફરે કે મોહનીયો એની ઓરડીમાં એકલો એકલો વાત કર્યા કરે – હારાનું ચહકી ગિયું લાગતું છે. 

મોહનીયાના માં-બાપ તો બો ખુશ, રોજ ઉઠીને નવા નવા લોકો છોકરી બતાવવા લઇ આવે. પણ મોહનીયો પેલા સપનાનો ભેદ હજુ સમજતો  ન હતો. મેરબાઈ એની આજુબાજુ ફૂદડી ફરે ને હસતી જાય, હસતી જાય. એનો શો અર્થ?

એ કાંઈ બોલતી ન હતી, બસ હસ્યા  કરે ને ફરતી જાય.  મેરબાઈ સ્મિત કરતી એની પાસે આવે એ મોહનિયાને બહુ ગમે.

એક વાર તો મેરબાઈએ હદ કરી નાખી.  શ્રી કૃષ્ણની માફક મોહનીયો, ડાળી પર બેસીને બ્રહ્માંડની કોઈ અજબ વાંસળી વગાડે અને મેરબાઈ એની ફરતે ફર્યા કરે. કેટલું આહલાદક દ્રશ્ય! આનો અર્થ શો? મોહનીયાને ડર હતો કે ક્યાંક ભવિષ્યવાણી બંધ ન થઇ જાય. લોકોને એ શું મોં બતાવશે? હદ તો મેરબાઈએ ત્યારે કરી જ્યારે ફૂદડી ફરતી ધીરે ધીરે કુંડાળું સંકોચાવા લાગ્યું, એ પાસે ને પાસે આવતી ગઈ અને પછીતો એકદમ નજીક આવીને મોહનીયાની વાંસળીના પોલાણમાં ગરક થઇ ગઈ!

‘અરે મારી દેવી મેરબાઈ, આવું જ કર્યા કરશે આજની રાતે કે પછી કાઇંક ભવિષ્યવાણી કરશે? બહાર આશા લઈને આવેલા લોકોને હું શું કહીશ? હે મેરબાઈ આવી રમત બંધ કરો અને મને હંમેશની જેમ રસ્તો સુઝાડો. ઘણી ખમ્મા’

ગઈ કાલે પૂનમની સંધ્યાએ લોકોનાં ટોળે ટોળાં આવયાં   અને પોતપોતાની કથની કહી ગયા, મોહનીયાએ બધાને સાંભળ્યા પણ ખરા. એ લોકો મારી રાહ જુએ છે, દેવીજી. હવે મોહનીયો ખરેખર ગભરાય. મેરબાઈ કાંઈ બોલી  નહિ અને વાંસળીમાં ભરાઈ ગઈ, એ મૂંઝાય. સવારે લોકો ભેગા થશે અને મારી પાસે જવાબ માગશે. ખરી વાત તો એ હતી કે એ આવી ભવિષ્યવાણી કેવી રીતે કરે છે એ પોતાને ખબર ન હતી. એ જે કાંઈ બોલતો એ જાણે  એના મનમાં વસેલી દેવી મરેબાઈ બોલતી. એ તો નિમિત્ત માત્ર હતો. મેરબાઈ વાસ્તવમાં કોણ હતી અને શા માટે મોહનીયાને નિમિત્ત બનાવતી હતી? એની સાથે મોહનીયાનું શું સગપણ હતું?

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

પ્રકરણ ૨૪: મોહનિયાની  દૈવી શક્તિ ચકમાચૂર?

રોજબરોજ સપનાં આવવાથી મોહનીયો ક્ષુબ્ધ. મેરબાઈ શું કહેવા માગતી હતી? રાતે વાળુંપાણી પણ ન કર્યા. રાતે ચાંદો ઉગે જ નહિ તો કેવું સારું?

પણ ચાંદો તો સોળે કળાએ ખીલી ઉઠ્યો. દિવસ આખો અનરાધાર વરસાદ પછી રાતે બંધ થઇ ગયો. મોટા મોટા પાંદડામાંથી પાણી ટપક્યા કીધું. ગામનાં ભોંકતા કૂતરાં પણ આજ સાંજે બિલકુલ શાંત. ઘૂવડનો વિચિત્ર અવાજ સૂનકાર વાતાવરણમાં એક રહસ્ય  પેદા કરતો હતો. 

મોહનીયાને સપનું આજે જરા વહેલું આવ્યું. એ બહાર નીકળીને ઓટલા પર ઉભો. મેરબાઈના ખેલથી એના ચહેરા પર એક સ્મિત તરવર્યું. છાપરાંને સ્પર્શતા ગોળ ઊભા થાંભલાનો ટેકો લઈને જોવા લાગ્યો – સોહામણો ચાંદો આકાશમાં તરતો જતો હતો. નીચે જોયું તો દેહરીની સફેદ દીવાલ પર ચંદ્રપ્રકાશ પરાવર્તિત થઈને ઝગારા મારતો હતો. મોહનિયાએ આ કુદરતી દ્રશ્ય જોઈને બે હાથ જોડ્યા અને પોતાના ઓરડામાં પાછો ફર્યો. ગામ લોકો નિદ્રાધીન. કોઈએ મોહનીયાને જોયો નહિ. સવાર પડતાં સૌના  દુઃખોનું  નિવારણ હવે હાથવેંતમાં.

સવારે અષાઢી એકમનો ઉદય થયો પણ  મોહનીયો જરા મોડો જાગ્યો. મેરબાઈના પરમ ભક્ત મોહનિયાના મુખે લોકોના દર્દનો ઈલાજ જાણવા સૌ આતુર.

‘અરે હટ હટ, ‘ ભેગા થયેલા  લોકો અને મોહનીયાના ઘરની વચ્ચેથી એક કાળી બિલાડી પસાર થઇ. ‘ અરે ત્તારીની , આ તો અપશુકન થિયા. આજે નક્કી કાંઈ નવું થવાનું પીરા’

અચાનક મોહનીયો ઓરડીમાંથી બહાર નીકળતો દેખાયો. બાંકડા પર બેસીને એણે બધાંને નમન કર્યા. પાંદડા પરથી મોટા મોટા ટીપા પડવાનો અવાજ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. વાતાવરણમાં એક ઘેરી નિઃશબ્દતા.

મોહનીયાએ વળીને બધી દિશામાં નમન કર્યાં અને મેરબાઈના મંદિર તરફ અનિમેષ જોતો જોતો ઉભો રહ્યો. પ્રભાતના કૂણાં તડકામાં એનો ચહેરો એવો તો  ચમકે!

‘મારા વહાલા ગ્રામ્યજનો, સૌ પ્રથમ મારે તમારા બધાની માફી માગવાની છે’ એટલું બોલીને મોહનીયો શાંત…. બિલકુલ શાંત – કેટલીય ક્ષણો વીતી ગઈ. લોકોને ધીરજ નહિ, ‘આ વહેલો બોલે તો હારું’ 

‘સાંભળો, આજે મારે કોઈ ભવિષ્યવાણી કરવાની નથી. આપણી કુળદેવી મેરબાઈ, મને હંમેશ દર્શન આપતી તે મારા અસ્તિત્વથી જુદી હતી. હવે ગઈ રાતે એ મારામાં સમાઈ ગઈ. હવે મને કોઈ જાતની ભવિષ્યવાણી કરવાની આજ્ઞા નથી. કાઈં બોલું  તો એ પાપ કહેવાય. તમારે જો મેરબાઈની કૃપા જોઈતી હોય તો તમે પણ, મારી જેમ ઉપાસના કરો અને જાતે માર્ગદર્શન મેળવો. તમારી મેરબાઈ તમારામાં સમાયેલી જ છે. તમે જ તમારા ભવિષ્યને ઘડો. તમારાથી અલગ કોઈ દેવી કે દેવતા તમને માર્ગ દર્શન નથી આપતા.’

લોકો અચંબામાં. મોહનીયો આ શું બોલે છે? મેરબાઈ એનામાં સમાઈ ગઈ એટલે કહેવા શું માગે એ?

‘અરે રામજીકાકા, તમારા પોયરાંને કાંઈ કેહ્વ કે ઉખાણાં ની ભણાવે, ભગવાનને ખાતર હિધી વાત કરે, પહેલાંની જેમ.’ એક વડીલને હિમ્મત આવી. 

રામજીકાકા પણ બીજા લોકોની જેમ ગૂંચવાયેલા, હાથલાકડી મોહનીયા  તરફ ચીંધી , ‘ચાલની દીકરા, જો ની આ લોકો કેટકેટલી આશાએ આટલે આવેલા છે. બોલની’

‘હા હા, મોહનીયા, ચાલ બોલ’ ભેગું થયેલું લોક ગર્જ્યું.

‘બાપુ મને માફ કરો. મેરબાઈ હવે મારામાં સમાઈ ગઈ. દેવી કોઈ દા’ડો ખોટું બોલવાનું પાપ ની કરે’

પરભુકાકા ઉભા થઈને લડાયક  મિજાજમાં,

‘એટલે તૂ કેહવા હૂં માગે – મેરબાઈ તારામાં હમાઈ ગેઇ. દેવી અમારા હોના હૃદયમાં છે?’

‘મોહનીયો ગાંડો થઈ ગેલો છે, એનું ખસી ગિયું કે હૂં?’ ભીડમાંથી કોઈનો મારકણો અવાજ.

રામજીકાકાએ ફરી લાકડી  ઉગામીને બધાંને શાંત રહેવા ઈશારો કર્યો.

‘ઓ દીકરા તને હૂં થઈ ગિયું? આ બધ્ધાને તૂ નિરાશ કરવાનો?’

‘બાપુ, ઊં તમને કેંવ ને કે દેવી મેરબાઈ મારા સપનામાં આવી, ને મને વરમાળા પહેરાવી. અમારા લગન થેઈ ગિયા.’

ભીડ તદ્દન શાંત! કોઈ બોલ્યું નહિ.

‘આપણી દેવી નું અપમાન? તદ્દન જૂઠો, ઘનચક્કર હારો’ બૂમરાણ મચી ગયું ત્યાં.

રામજીકાકાએ મહામહેનતે લોકોને મોહનીયા પાસે આવતા રોક્યા, અને એને હડસેલો મારીને એના રૂમમાં ધકેલી દીધો.

‘ભગવાનને ખાતર સૌ ઘેરે જાવ. ‘ પૂજારીએ બધાંને હાથ જોડયા.

લલીએ  દૂરથી આ બધો તમાશો જોયો, ઊંડો નિ:સાસો નાખ્યો અને અંદર ઘરમાં જતી રહી. એ વિચારે, મોહનીયાના પોતાના કાંઈ ઠેકાણા ન હતા, એમાં એ મારી આપદાને મેળ  કેવી રીતે પાડે ?

વરણગામના જન સામાન્ય લોકોનાં સપનાં ચકમચૂર. એમણે મોહનિયાને એટલો પ્રેમ આપ્યો જેટલો કુળદેવી  મેરબાઈને. સૈકાઓથી સંતો કહી ગયાં કે જીવન છે ત્યાં આપદા હોય જ. ઈશ્વરને ભજો અને એ તમારી બધી આપદાનો નિવેડો લાવે. 

મોહનીયો બધાની નજરમાંથી રાતોરાત ઉતારી ગયો એ એક કરુણાન્તિકા સમાન   હતી. એ બિચારો કરે ય શું? રોજ રાતે પાસાં ઘસ્યા કરે ને વહેલી સવારે  સપનું જોવાની વ્યર્થ કોશિશ કરતો રહે કે  મેરબાઈ કાઇંક રસ્તો બતાડે. આ સંતાપ એની માં રોજ જુએ, સવારના પહોરમાં એની ખોરડીના દરવાજા ખટખટાવે. રામજીકાકાને કાંઈ ગતાગમ પડે નહિ. ગામલોકોની આંખમાં મોહનીયો ખલનાયક થઇ ગયો અને સાથે સાથે પૂજારી કુટુંબમાં એક વિચિત્ર વંટોળ આવી પડ્યો. એમને લાગ્યા કરે કે જાણે એમનું મગજ ફાટી પડશે.

એક દેવી જેવી દેવીને પરણવું એ વાત  ગામલોકો કેવી રીતે પચાવે? એ લોકો એટલા બધા ગુસ્સામાં કે કદાચ આખા પૂજારી કુટુંબને નાત બહાર મૂકી દે, કે એને મારી મારીને સીધો દોર કરી નાખે. આટલા વર્ષો પૂજારી તરીકે રહ્યા પછી આ તે કેવી બેઇજ્જતી! પૂજારીના મોટા દીકરા ગોપાલે પણ ભારે ઊંધુચત્તુ કરીને ઝંઝાવાત ઉભો કર્યો. રામ જીકાકાને યજમાનગિરી સિવાય બીજું કાંઈ આવડે નહિ, આજુબાજુના બધા ગામો એમને ધુત્કારે તો એ શું કરીને ખાય? ભવિષ્ય હવે અંધકારમય.

‘ચાલ એક વાર મોહનીયાને પાછી વાત કરી જોઉં. દીકરો મારો ડાહ્યો છે, એ બાપની વ્યથા અમજશે.  મારે એને  પરણાવી દેવાની જીદ કરવા જેવી ન હતી. મામલો એટલે જ તો બિચકી ગયો.’  રામજીકાકા વિચારે.

રામજીકાકા મક્કમતાથી ઉભા થયા અને મોહનીયાની ખોરડી તરફ જવા લાગ્યા. એમની કહ્યાગરી પત્ની પાર્વતી હાથમાં ચા-બિસ્કિટની ટ્રે લઈને પાછળ.

ખોરડીનો દરવાજો અંદરથી વાસેલો ન હતો, ધીરેથી ખોલીને બેઉ અંદર દાખલ થયા. 

અંદરનું દ્રશ્ય એકદમ વિચિત્ર! મોહનીયો દરવાજા તરફ પીઠ ફેરવીને પથારીમાં બેઠેલો  દેખાય, એણે મેરબાઈના ફોટાને  છાતી  સરસી ચાંપ્યો હતો  અને  ધીમા અવાજે  સાવ અજાણ્યા ભજન ગણગણતો હતો. પાર્વતી રડું રડું થઇ ગઈ. 

રામજીકાકા એની તદ્દન પાસે ગયા અને માથે હાથ મૂક્યો.

‘દીકરા જો તારી માય તારે હારું ચા નાસ્તો લાવેલી છે, જરા ઉઠ, હાથ મોઢું ધોઈ આવ ને ખાઈ લે તો’

રામજીકાકાએ હળવે રહીને મેરબાઈનો ફોટો લઈને ખસેડવા કર્યો એટલે મોહનીયાએ જોર કરીને ફોટો પકડી રાખ્યો અને પાછળ જોયું.

‘અમારે બે ડીશ જોઈશે, એક મારી, ને એક મેરબાઈને હારુ. 

રામજીભાઈ સડક થઇ ગયા. એના દીકરાની આંખમાં જોયું તો ભયભીત થઇ ગયા. જાણે એ આંખ એમના દીકરાની હતી જ નહિ, આંખમાં એક અજબનું તેજ હતું. 

હે ભગવાન, આ બધું શું થઇ રહ્યું હતું?

ઈશારો કરતાં પાર્વતી ઝટ દોડીને બીજી એક ડીશ લઇ આવી અને ઢોલિયા નજીક એક સ્ટૂલ પર મૂકી.  માંનો જીવ કહે કે ઓછામાં ઓછું દીકરો તો ભૂખેની મરે. બીજી ડીશનું જે થાય તે.

તાત્કાલિત વધુ કાંઈ થઇ શકે એમ ન હતું એટલે પૂજારી યુગલ બારણું બંધ કરીને બહાર નીકળી ગયું. 

આ ખેલ જોવા બહાર છોકરાઓનું એક નાનું ટોળું કોશિશ કરતુ રહ્યું.

મોડી સવારે મોહનીયો ખોરડીની બહાર નીકળ્યો, લગન થવાના હોય એવા વેશમાં. 

બહાર આવીને એ હિંચકા પર બેઠો. 

હવે મનાવવાનો વારો હતો પાર્વતી મૈયાનો. થોડાં ફળ લાવી હતી એ એની સામે ડીશમાં મૂક્યાં.

‘કેવું છે દીકરા. મેરબાઈ હારુ એક બીજી ડીશ લેઇ આવું?’

‘હા માં’ 

પાર્વતીમાં  હવે થોડો હોશ આવ્યો, દીકરો હવે વાત તો કરવા લાગ્યો હતો – એક આશાનું કિરણ બંધાયું !

એણે ઈશારો કર્યો એટલે રામજીકાકા પાસે આવ્યા.

‘બેટા થોડી વાતો કરીએ હવે?’

‘હા ચાલો, જોઈએ હૂં વાત કરવી છે તમારે?’ મોહનીયાના ચહેરા પર એક દૈવી સ્મિત.

‘દીકરા, આપણે કાલ રાતે જે થિયું એને ભૂલી જઇયે. તને તો ખબર છે ને ગામ લોકો તારી કેટલી ઈજ્જત કરતા છે ? ‘

મોહનીયો વળી એની લાક્ષણિક ઢબે હસ્યો.

‘ચાલ આપણે બધા એક નવી શરૂઆત કરીયે.’ પાર્વતીએ વાત ઉપાડી, ‘ ગોપાલનો તો કાંઈ પત્તો નથી. તારા બાપા હવે પૂજારીનું કામ નથી કરવા માગતા, ને તને નવા પૂજારી બનાવવા માગે છે…’ પાર્વતી જરા અટકી, એ જોવા કે મોહનીયા  પર એની વાતની કાંઈ અસર થઇ કે નહિ. ‘… એટલે તારે હવે પૂજારીની બધી જવાબદારી ઉપાડી લેવી જોઈએ, તારે એને લાયક થવાની જરૂર છે…’

‘એટલે તૂ કહેવા હૂં માગે છે, જે હોય તે ફોડ પાડીને બોલ ની?’

‘એટલે ઊં એમ કેહ્વ કે તૂ જે મેરબાઈની  ભક્તિ કરતો છે એ બધું બરાબર છે પણ…. હવે તારે પરણી જવું જોઈએ, કન્યા તૂ નક્કી કરજે, અમે કાંઈ બોલશું નહિ. ……. થોડાં વધારે ફળ લાવું, ભાઈ ?’ 

‘જુઓ દર પૂનમે મને સપના આવતા તે તમે જાણો છો, ને એમાંથી સંતવાણી નીકળી એ હો તમે  જોયું અને અનુભવ્યું.’

‘હા દીકરા, બિલકુલ હાચુ ‘

‘તો પછી એ એવા જ સપનામાં કાલે રાતે દેવી મેરબાઈ આવીને મને વરમાળા પહેરાવીને પરણી ગેઇ તે તમે કેમ માનતા નથી ? મેં નહિ, ખુદ મેરબાઈએ મને એનો વર માન્યો તો હૂં કરું શું?’ ના પડી દેઉ એને?’

‘પ …..ણ દીકરા આ તો સપનું !’

‘તે પહેલા આવેલાં તે હો સપના જ ઊતા કે ની. એ બધા હાચા પયડાં, ખરું કે ખોટું? ‘

‘હા હાચાં પયડાં’ 

‘તો આ હો હાચુ’

પાર્વતીએ એના વર સામે જોયું એટલામાં મોહનીયો દોડીને એની ખોરડીમાં પાછો ભરાઈ ગયો. ‘મારા હારા  ગામલોકો હવે મને દેહરી પાહેં ધ્યાનમાં બેહવા ની દેહે. હું જાઉં છું મારી રૂમમાં, નિરાંતે ભજવા’

‘અરે પણ, તારા જમવા નું હૂં?’

‘આટલા બધાં ફળ તો ખાધાં’ બંધ બારણાની અંદરથી મોહનીયાનો દબાયેલો અવાજ.

પાર્વતી અને રામજીભાઈ સ્તબ્ધ! કોઈને સમજ પડતી નં હતી કે આ દૈવી, પેચીદો  મામલો  શો છે.

એમની ભૂખ મરી ગઈ. બહાર વરંડામાં ખુલ્લામાં આવવાની હિમ્મત પણ નં રહી.

તૂટેલા કાચની બારીમાંથી રામજી પૂજારીએ બહાર જોયું તો કેટલાક ટીખળી છોકરાંઓ એમના ઘર તરફ આંગળી ચીંધીને મશ્કરી કરતાં હતા. થોડે દૂર મેરબાઈની દેહરી આગળ ચકલું  પણ ફરકતું  નં હતું, કેવળ એક કૂતરું આસમતેમ આંટા મારતું દેખાયું. વરસાદ વળી ઘેરાયો હતો અને હમણાં તૂટી પડશે એવું વાતાવરણ થઇ ગયું. ઝાપટું આવતાં પહેલાં પૂજારી કુટુંબની માન મર્યાદા સરેઆમ ધોવાઈ ગઈ. વરસાદ કડાકા ભડાકા સાથે વરસી પડ્યો, રામજી અને પાર્વતી પણ જાણે હમણાં રોઈ પડશે. 

મોડી બપોરે પાર્વતીએ ખોરડીના બારણા પર કાન માંડયા. અંદર મોહનીયો  હલકથી નવાં  ભજન ગાતો  હતો. 

‘મારા  મોહનીયાનું બધું બરાબર ચાલતું ઉતું ને હૂં થેઈ ગિયું? કોનો શ્રાપ? કોની બૂરી નજર? દીકરાને પરણવા બેઠેલી મેરબાઈનો શ્રાપ? ને બધા દેવી માનતા હતા તે તો મનુષ્ય જેવી પામર નીકળી.’

ધોધમાર  વરસતા વરસાદમાં વરણગામ ભૂતીયું, ભેંકાર લાગવા માંડ્યું. હજુ તો વરસાદની મોસમ શરુ થઇ ને આ ખતરનાક  ખેલ? અવનાર મહિનાઓમાં કોણ જાણે કેવો વરસાદ પડશે?

હવે આ વરસાદ બંધ થાય તો સારું? હે મેરબાઈ દયા કર. પણ અહીં મેરબાઈ પોતે જ આફત લાવી હતી. રક્ષક ભક્ષક બની ગઈ હતી તો કોને શરણે જવું?

મોહનીયાનો આ રોજનો ક્રમ થઇ ગયો, ખોરડીમાં ભરાઈ રહેવું, ભજન ગાવાં પણ બહાર ફળિયામાં ન નીકળે. 

લલીના દિલમાં આગ લપકારા મારે. દુઃખ કોને કહેવું? કોઈ  પૂજનીય દેવી એક હાડમાંસવાળા મનુષ્યને કેવી રીતે પરણી શકે?  શાંતાકાકી આવીને એને ખવડાવવા કોશિશ કરી ગયા પણ વ્યર્થ. 

ગામની દાયણને બોલાવી. પણ એ શું કરે? નવ મહિનાનો ગર્ભ અને તબિયત આવી? ગર્ભમાં ઉછરી રહેલ બચ્ચાંનું પણ જોવું જોઈએ ને? બાબો  નહિ આવે તો? એ ભયથી શાંતા  થથરી ઉઠતી. સપનાંમાં ઘણી વાર જમના માં આવીને બાબાની  માંગણી કર્યા કરે. 

મોહનીયો જો પાધરો રહ્યો હોતે તો એ કહેતે કે બાબો આવશે કે બેબી. બેબી હોત તો ગર્ભ પડાવી નાંખતે પણ હવે એને માટે ઘણું  મોડું થઇ ગયું હતું. તલિયારાવાળા બાબા  ઉર્ફ ગોપાલનો હંમેશ મુજબ પત્તો ન હતો, ગમે ત્યારે અંતર્ધ્યાન થઇ જવામાં એને ફાવટ આવી ગઈ હતી – ઘડીકમાં બાબુ તો ઘડીકમાં ગોપાલ – સરવાળે તો એ બહુરૂપી ખરો ને? બીજા કેટલાં વેશ બદલવાનો હતો ગોપાલ?

‘લલી, લલી, મેરબાઈ બધું હારું કરી દેહે, તું ફિકર નો કરતો, મન કઠણ રાખજે.’ કાકુજીને માટે એ હજુ લલી હતી. આજે એની માં હયાત હોતે તો? બીજી બાજુ એમ પણ થયા કરે કે લાવ જમના માંના પગ પકડી લેઉ ને કેવહ કે ‘માફ કરજો, વાંકડો હરખો ની અપાયો એ બદલ,  મારી ફૂલ જેવી લલીને દુઃખી નો કરતા.’

પણ માફી માગવાનો સમય વીતી ગયો હતો હવે. 

બરાબર એક અઠવાડિયામાં લલીએ એક સુંદર બેબીને જન્મ આપ્યો. દેખાય અદ્દલ લલી જેવી, ઘઉં વરણી ચામડી, મોટી મોટી માંજરી આંખો, ને મસ્તીમાં આમ તેમ હાથ પગ હલાવ્યા કરે. પાડોશી સવિતાકાકી તો હરખથી ઝૂમી ઉઠી. એને બિચારીને શી ખબર કે મુંબઈ જઈને લલી પર શું વીતવાનું છે?

કાકુજીએ ઝટપટ જમના માંને એક કાગળ લખી નાખ્યો.

‘ મારા માનવંતા જમના બેન, તમને હરખ થશે કે નહિ એ નથી ખબર પણ લલીએ એક તંદુરસ્ત બેબીને જન્મ આપ્યો છે. માં દીકરી બેઉ હારાં છે. બેબી આવી તેનું તમને બહુ દુઃખ થાય એ સ્વાભવિક છે પણ તમે ખુશ થાવ એવો બાબો પણ જલ્દીથી મળશે એ મને ખાતરી છે. આ બધું પરમ કૃપાળુ  પરમાત્માના હાથમાં હોય એવું નથી લાગતું તમને? આપણે પામર માણસો એના પ્યાદાંની જેમ જીવી નાખીયે. હું લલીને બને એટલી જલ્દી તમારી પાસે મુંબઈ મોકલી આપીશ. તબિયત હાચવજો.

ઠાકોરજી ની જે.

વસનજી ‘

જમના માંને જલ્દીથી જણાવવું જ પડે. એક આગળ પડતા અને ભણેલા અનાવિલ હેડમાસ્તર વસનજીને નવાઈ લાગે કે અનાવિલ સમાજમાં  હજુ છોકરીના જન્મને શ્રાપ ગણે. 

મોહનીયો વાત બહુ ન કરતો પણ આખો દિવસ એની ડાયરીમાં કાઈં કાઈં નોંધ્યા કરે અને નવાં નવાં ભજન ગણગણ્યા કરે. મેરબાઈનો ફોટો તો એનાથી અળગો કરે જ નહિ. મેરબાઈની દેહરીમાં બેસીને ધ્યાન ધરવાનું પણ બંધ.  મેરબાઈ પાસે વિવિધ પ્રકારની માગણીઓ લઈને આવનાર બધાને એણે મળવાનું બંધ કરી દીધું. જો કે એને કોઈ હવે મળવા આવે પણ નહિ, મોહનીયા અને મેરબાઈ ઉપર પણ વિશ્વાસ ઉઠી ગયો લોકોનો, . દેવી થઈને નશ્વર  મનુષ્યને પરણવાની  ધૃષ્ટતા કરે  એવી કેવી આ દેવી?

લગભગ ચારસોએક  વર્ષ પહેલાં રાજસ્થાનમાં મીરાંબાઈ નામની એક સંત પ્રગટ થઇ. કૃષ્ણની રાધા બનીને એ નાચી – હિમ્મત તો જુઓ એની ? પતિ, પરિવાર, રૂઢિચૂસ્ત સમાજના વિરોધ  વચ્ચે એ અડીખમ ઉભી રહીને  કૃષ્ણની ભક્તિ કરતી રહી. સમાજે હડધૂત કરી પણ અમર થઇ ગઈ એણે રચેલા કૃષ્ણ ભજનોથી. 

પણ અહીં એક ગામડાનો સામાન્ય ભક્ત છોકરો ગામની કુળદેવીને પ્રેમ કરે એ હરગીઝ ન ચાલે. આ એજ ભક્ત હતો જેણે કાંઈ કેટલાં ગામલોકોને તાર્યાં – હવે એ બધું ધૂળધાણી! 

લલી એક ભણેલી ગણેલી સ્ત્રી હતી. મોહનીયા અને ગોપાલ સાથેના એના વિચિત્ર પણ સંવેદનશીલ સંબંધને લઈને લોકો જાતજાતની વાતો કરે. નવાઈની વાત એ હતી કે બાજુવાળી સવિતાકાકી, જેણે એને બદનામ કરવામાં મણા રાખી ન હતી, એ હવે લલીને એની માંની જેમ સાચવે.

હવે શું થશે? લલીને કાંઈ ફરક નહિ પડે. નવજાત બાળકીને શાંતાકાકીને સોંપીને એ મોહનિયાને મળવા ચાલી નીકળી.

‘અરે લલી દીકરી, પોરી હારી ને? ‘ પાર્વતીએ લલીને આવકારી.

‘બેબી જરાક ઉંઘાઈ ગેલી છે એટલે મને થીયુ   કે…..’

‘અરે આવ આવ, દીકરી’ 

લલી અંદર ગઈ, ને રામજીકાકાને જોયા.

‘કેમ છો રામજીકાકા?’

‘આ છે હવે, કાયર પાડે તેવી જિંદગી હાથે સમાધાન કરી લીધું મેં ‘ કરીને રામજીકાકા પથારીમાંથી ઉઠવા ગયા પણ પાછા  બેસી પડ્યા .

‘…ને મોહનીયો? એ કેમ છે?’

મોહનીયાના માં-બાપ પાસે જવાબ ન હતો. બેઉએ એક બીજા સામે જોયું.

‘અરે હૂં? આખો દા’ડો એની ખોરડીમાં ભરાય રેહય. કોઈ એને મલવા આવે ની, ને એ કોઈ હાથે વાત ની કરે.’ કાકાએ ખોરડીના  બંધ બારણા  તરફ નિર્દેશ કર્યો. 

‘ઊં જાઉં અંદર? ‘ લલીનું આતુરતાપૂર્વક અનુમાન સ્પષ્ટ દેખાતું હતું.

‘ અ.. હા હા , જેઈ જો. ‘ કાકા જરા ખચકાયા.

લલીએ દરવાજો ખટખટાવ્યો.

અંદરથી કોઈ જવાબ નહિ.

લલીએ ફરી ખટખટાવ્યું.

કાન માંડીને સાંભળતા અંદર કોઈ ધીમા અવાજે ગાતું હોય એવો ભાસ થયો.

‘કોઈને મલવું નથી મારે, જાવ હો હો ના ઘેરે’

‘ મોહનીયા, એ તો હું. મને બેબી આવી’

મોહનીયાએ  એક આંચકા સાથે ખટાક દઈને બારણું ખોલ્યું.

‘લલી!…’ એટલું જ એ બોલી શક્યો.

‘મારે તારી હાથે  થોડીક અગત્યની વાત કરવી પડહે.’

લલી અંદર દાખલ થઇ. ખોરડીની હાલત જોવા જેવી, બધું અસ્તવ્યસ્ત, ટેબલ પર એની અધખુલી ડાયરી. દીવાલ પર તારીખીયુ કોઈ જૂની તારીખ બતાવતું ફરફરતું હતું. વધેલા નાસ્તા વાળી ડીશ ખૂણામાં, મેરબાઈનો ફોટો હતો, તિલક કરેલું પણ હાર નહિ પહેરાવેલો.

લલીએ આવા દિદાર માટે પૂછવાનું માંડી વળ્યું. મોડું થાય, ને સુવડાવેલી બેબી જો ઉઠી ગઈ તો?

‘હું જાણું છું કે તેં હવે સલાહ સૂચન આપવાના તદ્દન બંધ કરી નાખ્યા છે’

‘આગળ ચાલ, લલી, જે કહેવું હોય તો કે. ઊં બદ્ધુ  જાણું કે તારી સાસુને બેબી દીઠી ની ગમહે ને તને દુઃખી કરહે.’

લલીને થયું ‘લે ગામલોકો અમથું કહયા કરે કે મોહનીયાહવે ભવિષ્ય જોતા ની આવડે !’ 

‘લલી, મેં તો તને કહેલું કે તારાં નસીબમાં પોયરો નથી’

લલી અચાનક હીબકે હીબકે રડવા લાગી, ‘ કાંઈ કર , મોહનીયા, કાંઈ કર, ની તો ઊં મરી જવા’

‘વ્રત કર, તપ  કર, તો વિધાતાએ લખેલા તારા લેખ બદલાય. કાંઈ જતું કર તો કાંઈ મલે. કુદરતનો નિયમ છે એ. નવું કાંઈ સર્જાતું નથી, હમજી?’

લલી જઈને મોહનીયા ને વળગી પડી, ‘ કાંઈ બી કર, ને મને બચાવ. ઊં બધું કરવા તિયાર છે’

‘તારી બેબીનો ભોગ અપાહેં તારાથી?’

‘અરે તૂ હૂં કૈંહ?  જેનો કાંઈ વાંક નથી એનો ભોગ આપું એના કરતા ઊં ભોગ આપવા તિયાર છું’ લલી છળી મરી.

‘તારું બીજું બાળક પણ બેબી જ હશે, પણ…..’

લલીને ધ્રાશકો  પડ્યો. હવે?

‘કોઈક પરોપકારી આત્મા  એ બાળકના શરીરમાં જન્મ લેશે અને થોડાં જ વખતમાં  આ જગત અકાળે છોડી દેશે.’

‘કેમ એમ?’

‘એ પવિત્ર આત્માને મોક્ષ મળી જશે’ બોલીને  મોહનીયો અટક્યો, મેરબાઈના ફોટાને સ્પર્શીને કહે, ‘પરંતુ…’

મોહનીયો આંખ મીચીને બેસી રહ્યો, હોઠ ફફડાવીને કોઈ મંત્ર ભણ્યો.

લલીએ બસ એને જોયા કીધો અને  મોહનીયો કેવી રીતે વિધાતાને હાથતાળી આપે છે એ જાણવા આતુર.

મોહનીયો  જાણે તંદ્રામાં બોલતો હતો,’ …. પછી મેરબાઈની કૃપાથી એક બીજો પવિત્ર આત્મા તારી કૂખે  પુરુષનું ખોળિયું લઈને જનમશે. ‘

લલી અસમંજસમાં ! આ બધું કરશે કોણ? અચાનક એને ભાન થયું કે સમય ઘણો નીકળી ગયો હતો, બેબી ઉઠીને રડતી હશે. એને ઘેર ભાગવું પડશે. મોહનીયાએ બનાવેલ કોયડાનો ઉકેલ કોણ લાવશે એ જાણ્યા વગર એ ઘેર દોડી. શું આ બધું શક્ય હતું ?

મોહનીયાએ મેરબાઈના ફોટાને ફરી છાતી સરસો ચાંપ્યો અને ધ્યાનમાં બેસી ગયો.   ભવિષ્યમાં ઝાંકવાની એની અદ્વિતીય શક્તિઓ હજુ અકબંધ હતી. પામર મનુષ્ય માટે આ બધું સમજવું અશક્ય હોય. જય હો મેરબાઈ ની!

બેબીને ધવડાવતાં લલી  વિચારે ચઢી ગઈ. શું મોહનીયો એના બીજા મિત્રોની જેમ સામાન્ય પુરુષ જેવું જીવન જીવી શકે? બિલકુલ નહિ. વરણગામનું  ભાગ્ય કે આવો વિચક્ષણ દૈવી પુરુષ આ ગામમાં પાક્યો. અને ગોપાલ જેવા અલગારી પુરુષે એની લગનીથી , અને મેળવેલી સિદ્ધિઓથી ગામ ગર્વ અનુભવતું હતું. 

તો પછી  હું કોણ છું? પૃથ્વી પરથી વિદાય લઉં એ પહેલાં મારે ભાગે પણ કાઇંક કાર્ય કરવાનું હશે ને?

બેબી પાછી નીંદરમાં.

આ જગતમાં બધાએ આવીને કાઇંક ને કાઇંક નિશ્ચિત કાર્ય કરવાનું હોય છે. દરેકને એક ભાગ ભજવવાનો હોય. આ મારી બેબી ને પણ એક ભાગ ભજવવાનો હશે. જમના જે રીતે લલી સાથે વર્તાવ કરે છે એમાં પણ એક સંકેત હશે ને? એમાં એનો શો વાંક? એને પણ ઈશ્વર કોઈ ભાગ ભજવવાનો આપ્યો હશે. ભીખુ માટે પણ ભાગ હશે. એ પોતાના કાર્યમાં મસ્ત અને કદાચ એક દિવસ એવો આવશે જયારે જગત એના કામની વાહવાહી કરશે. 

પણ મોહનીયાએ કહી એ બધી ગતિવિધિઓનો કોઈ તો સૂત્રધાર હશે? લલી પાસે એનો કોઈ ઉત્તર ન હતો ફક્ત એ જ કે મેરબાઈ રસ્તો બતાવશે. એના પોતાના કર્મ અને લેખ પ્રમાણે દુઃખો ભોગવવાના હશે.

ત્રણ મહિના પછી લલી બેબીને લઈને નાના ભાઈ ધીરુ સાથે મુંબઈ જવા તૈયાર. સતીશ દેસાઈની ભલામણથી મેટ્રિક સુધી ભણેલા ધીરુને મુંબઈમાં એક નોકરી મળી ગઈ હતી. આખે રસ્તે લલી એની જિંદગીના લેખાંજોગાં કરતી રહી.  શું વિધાતા બધાની જિંદગી નક્કી કરી આપે? મોહનીયાની હેરત પમાડે એવી અનુપમ શક્તિ વિધાતાના લેખ પણ ફેરવી શકે, જો વિધાતા જેવું કાઈં હોય તો ? આ બાજુ ગોપાલ જેવો  મસ્ત ફકીર છોકરો, બહુરૂપી બનવાનું ઘેલું લાગ્યું એટલે નીકળી પડ્યો, તનતોડ મહેનત કરી હશે એણે. શાસ્ત્રો ઉથલાવ્યા હશે, પૂજા કરી હશે ત્યારે આજે સંત બની ગયો. જમના માં લલી સાથે આવું કેમ વર્તન કરતાં હતાં?  ભીખુ પણ જાણે બધું બરાબર છે એમ વર્તતો હતો. શું આવું ને આવું ચાલુ રહેશે?

ટ્રેઈન સડસડાટ રસ્તો કાપતી દોડતી હતી, બારી બહાર નાના મોટા સ્ટેશનો ઉંધી દિશામાં દોડ્યે જતાં હતાં. ગાડી પાટા પર ચાલે એના અવાજના તાલમાં બેબી બેફિકર થઈને લલીના ખોળામાં સૂઈ રહી. કેવી વહાલસોઈ છે મારી દીકરી!  જમના માંને કેમ એ ન ગમે? જમના માં પોતે નાનાં હશે ત્યારે બેબી જ હશે ને? 

ખોળામાં સુતેલી બેબી અચાનક ઉઠી પડી, નાના નાના હાથ પગ ઉછાળીને મોટી મોટી આંખોથી આજુબાજુ જોવા લાગી. સામેની સીટ પર બેઠેલી એક સ્ત્રી આ બધું  જોયા કરતી હતી. એણે  નમીને બેબીને ઊંચકી લીધી. લંગોટ બદલાવવાનો સમય આવી ગયો. શું લલીનો  સમય પણ હવે બદલાવાનો હતો. ભીખુ જરા લલીને સમજે તો ઘર સ્વર્ગ બની જાય. હે મેરબાઈ હવે તારે સહારે છું, કરીને મનોમન પ્રાર્થના કરી.

xxxxxxxxxxxxxxxxxxx

પ્રકરણ ૨૫ : દિવ્ય મિલન

પ્રકરણ ૨૫ : દિવ્ય મિલન 

‘બેન આ તારી બેબી તો બો ફાઈન ને ! તે એને લેઈને તું હાહરે ચાલી કે?’ ડબ્બામાં બેઠેલી પેલી સ્ત્રી શાંતાને પૂછવા લાગી, એની નજર બેબી પર સ્થિર.

‘હા બેન, હજુ ત્રણ મહિના પર જ આવી’ અકળાવતા ભવિષ્યના વિચાર તત્પૂરતા થંભાવી શાંતા બોલી.

‘બદ્ધુ હારું થેઈ જહે, મોટીબેન. જય મેરબાઈ’ ધીરુએ મોટીબેનનો હાથ પકડ્યો.

‘ જો ની, જો ની, કેવું ખિલખિલાવીને અહે !’ પેલા બેન બેબી પર ફિદા.

‘જોયે તો લેઇ જાની એને’ શાંતાને કહેવાનું મન થયું.

‘મુંબઈમાં કાં ?’

‘માટુંગા, કિંગ્ઝ સર્કલ’ શાંતાનો ટૂંકો, ને ટચ જવાબ.

‘ મને લેવા કોઈ ગાડી લઈને સ્ટેશન પર આવવાનું છે તે તમે હો બેહી જજોની? આ વરહાત હો ક્યારનો લાગેલો. બેબલીને હિક્કર લાગી જાય તો શરદી થેઈ જાય.’ બેન બેબી માટે બધું કરી છૂટવા તૈયાર.

‘નય નય, મારા ‘એ’ આવહેને અમને લેવા’ શાન્તાએ વિવેકથી કહ્યું.

‘કઈં વાંધો ની, એ હો બેહી જહે હાથે.’ બેન જલ્દી વાત મૂકે એવા ન હતાં.

મુંબઈ જેમ પાસે આવ્યું તેમ નાના નાના સ્ટેશનો ઝડપભેર પસાર થવા લાગ્યા. 

‘ગાડી કેથે ઉભી ની  રેહય, ને આગળ ને આગળ જીયા કરે તો! ને દાદર સ્ટેશન આવે જ ની.’ શાંતાની વ્યથાભરી  ઈચ્છા. 

છેવટે ગાડી દાદર આવીને ઉભી. ભીખુ એમને આવકારતાં ખુશખુશાલ. 

માટુંગા પહોંચ્યા. ફ્લેટના દરવાજા   હંમેશ માફક ખુલ્લા. જમના માં કોઈ પ્રાર્થના  ગણગણતા હતાં. ધીરુ એક ખૂણામાં ખમચાઈને ઉભો રહી ગયો.

‘બોલો ઠાકોરજીની જે’ જમના માં, ઊંચે અવાજે

‘પલંગ પર સુવડાવેલી બેબી રડવા લાગી.

એક અંત:સફૂરાણાથી જમના માં બેબી પાસે ગઈ અને ઉઠાવી  લીધી. ચમત્કારિક રીતે બેબી રડતી બંધ થઇ અને માં સામે જોઈને મીઠું હસી.

‘અરે આ લુચ્ચી તો મને ઓરખતી છે’ જમના માંએ બેબીના ગુલાબી ગાલ પર બોકી કરી  દીધી.

શાંતા અવાચક! બેબીને નવા સગપણ ઓળખતાં આવડે !

‘ માં, તમારી બેબલી  વરણગામમાં હોની વહાલી’ શાંતાના મોંમાંથી સરી પડ્યું.

શાંતાનો  હરખ માય નહિ. જમના માં  બેબીને ઠાકોરજીનાં નાનકડા  મંદિર આગળ લેઇ ગિયા, ને ભગવાનને  ઉદ્દેશીને કહે, ‘ ઠાકોરજીની જે, મારી પોહિત્રીને આશીર્વાદ આપો’

‘શાંતા તૂ હવે આને લે, ગાંડી ગોહલી મારું લૂગડું ચાવવા માંડી. ભૂખી થેઈ ઓહે.’ 

જમના માએ આટલી જલ્દી બેબલીને કેવી રીતે અપનાવી લીધી? કમાલ મેરબાઈની કે ઠાકોરજીની? એ તો કોને ખબર? કોઈને ખબર હોવાની જરૂર ન હતી. 

શાંતા  બેબલીને ધવડાવવા બેઠી, અને આંખ મીચીને મેરબાઈને યાદ કરે.મનમાં ડર ડોકિયા કર્યા કરે ‘ક્યાંક આ તોફાન પહેલાંની શાંતિ તો નથી ને?’

રોજની ઘટમાળમાં પરોવાતાં શાંતા અને બેબીને થોડા દિવસ લાગ્યા.

ભાઈ ધીરુ બીજે દિવસે નીકળી ગયો, અંધેરીમાં કોઈ દોસ્ત મળી ગયો એને, જ્યા એ થોડા દિવસ રહીને ઠરી થામ  થાય અને ફોર્ટમાં નવી નોકરીએ ચડી જાય. 

બેબીનું નામ પાડ્યું મંજુ.

હિન્દૂ સમાજમાં બેબીના જનમને લક્ષ્મી દેવીનું  આગમન ગણીને વધાવી લેવામાં આવે.

‘શાંતા, તને નથી લાગતું કે જમના માં મંજુના આગમનથી બેહદ ખુશ છે?’ નાનકડા ફ્લેટમાં મળતી દુર્લભ સહિયારી ક્ષણોમાં ભીખુ શાંતાને પૂછે. 

‘જરા નવાઈનું લાગે ખરું! બાબા-બાબાની રટણ કરતાં ઊતાં તે હવે?’

‘બધી મારા બાબાની કૃપા’ ભીખુની શ્રદ્ધા બાબા પર અપાર.

‘જો જો બાબા-ફાબાનું નામ નો લેતા તમે, માં ખીજવાઈ જહે પાછાં ‘

‘ચાલો આપણે આશા રાખીયે કે મંજુને હારુ માંને ખરેખર વહાલ થયું હોય.’

વટ સાવિત્રીનો તહેવાર આવી લાગ્યો જે દિવસે વિવાહિત સ્ત્રી પોતાના પતિ માટે વડની પૂજા કરીને આશીર્વાદ મેળવે.

‘શાંતા , તૂ વટ સાવિત્રીનું વ્રત રાખે કે ની? ‘ માંએ પૂછ્યું એટલે શાંતા  વિચારમાં પડી ગઈ.

‘હા હા કરું ને કેમ?’

‘હં, તો આ ફેરી આશીર્વાદ માગજે કે ભગવાન હવે બાબો આપે, હમજી? પહેલી વાર લક્ષ્મીજી પધાર્યા – ચાલો હમયજા, પણ…’

‘માં, મંજુના જન્મને હજુ થોડા મહિના થિયા તાં…’

‘વહુનું કામ જ એ છે, એક પછી એક છોકરાં જણવાનું. બાબો માગવામાં તને હૂં થાય?’ માંએ કડક શબ્દોમાં કહ્યું  શાંતા ફરી મૂંઝવણમાં.

આ તો ગજબનું છે? નાનકી મંજુ પર આટલું બધું વહાલ તે હાવ પોકળ? માંનું મગજ આગળ આગળ દોડે. 

વડની પૂજામાં ફરતે ફરતાં ફરતાં શાંતાનું મન ચોંટે નહિ. બીજી પણ  બેબી આવી તો? મોહનીયાએ સાચું કહ્યું હતું? એણે ભવિષ્ય ભાખેલું કે બીજી પણ છોકરી આવશે અને એ જુલમમાંથી પસાર થયા બાદ છોકરો જન્મશે. શું મોહનીયાની ત્રિકાળ શક્તિ એના મેરબાઈ સાથેનાં નાટકીય લગ્ન પછી ક્ષીણ થઇ ગઈ નહોતી? અરે એણે તો કબૂલ્યું હતું કે એ હવે ભવિષ્ય ભાખવાને અશક્તિમાન થઇ ગયો. એવું બને કે મોહનીયો પોતે શો બકવાસ કરે છે એ ખબર ન હોય! શાંતાને રાજી કરવા એ તે દિવસે બોલી ગયો. હા, એ બોલતાં  તો બોલી ગયો પણ શાંતાને આ પછી છોકરો આવે ય ખરો, કેમ? મોહનીયો હવે ભવિષ્ય ભાખવા અશક્તિમાન હતો એ સત્ય હતું!

વરણગામમાં હવે ભોળા ગામલોકો કહેવાતા સંતોને નફરત કરતા થઇ ગયા હતા. વિધાતાના લેખમાંથી વિશ્વાસ ઉઠવા લાગ્યો. મેરબાઈ સુદ્ધા આ નફરતમાંથી બાકાત ન રહી. એક દેવી થઈને કેવી રીતે એક મનુષ્ય સ્વરૂપના મોહનીયાને વરી શકે? જો કે એવું મોહનીયો કહેતો હતો પછી  તો રામ જાણે. આખું  ચિત્ર ડહોળાઈ  ગયું હતું. 

મોહનીયો કુળદેવી મેરબાઈનો પરમ ભક્ત હતો એની ના નહિ. એના કહેવા મુજબ, મેરબાઈ એને સપનામાં દોરવણી આપતી અને એ ભવિષ્યવાણી કરતો જે  સાચી પણ પડતી ગામલોકોના પ્રશ્નો અને શંકાઓનો ઉકેલ મળી જતો. હવે એ જ મોહનીયો બધાને કહેતો ફરે કે મેરબાઈ એવાં સપનામાં આવીને એને પરણી ગઈ – તો એ સાચું હોઈ શકે ને? 

લોકોમાં આ વિષે ચર્યાએ જોર પકડ્યું. ગીતા એની કાકીને કહે,’ કાકીમા, તમને ખબર છે આજે જે ભજન ગાઈએ છીએ એ કોણે લખેલાં  ? મીરાંબાઈ નામની એક કૃષ્ણભક્ત  જે આજથી સાડા ચારસો વર્ષ પહેલાં આ ધરતી પર હતી. તમે જાણો કે એ કૃષ્ણ ભગવાનને પોતાનો વર માનતી.’

કાકીને ગંધ આવી ગઈ કે ગીતલી આ બધું કેમ કહે છે, એ કહે, ‘ આ મીરાંબાઈની વાર્તા ઉપજાવી કાઢેલી હોય’

‘ હા પણ, ભજન તો સાચા છે ને? જુઓ એક ભજનમાં શું કહે છે ? મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ના કોઈ’ 

‘ગીતલી, આવા ઢંગધડા વગરના વિચાર તારા આ નવાં, ભ્રામક ભણતરને હિસાબે છે. એને આજની વાતને એની વાતને કાંઈ લાગે વળગે ની. બધું ધતિંગ! તૂ હવે ચૂપ થેઈ જા, ની તો તને મોકલી દેઉ પાછી તારે ગામે’. કાકી  હવે ચીડવાઈ ગયાં. 

મોહનીયો કઈં કેટલા દા’ડા એની ખોરડીમાં ગોંધાઈ રહ્યો. પાર્વતી હવે થાકી હતી. એ રામજીને કહે, ‘ ચાલો ની આપણે કોઈની  સલાહ લિએ. 

‘પણ કોણ છે એવો જે મોહનિયાને આ ગાંડપણમાંથી બહાર કાઢી આપે?’

‘પે ……લા તલિયારાવારા બાબાને પૂછીએ તો? એની પાહેં હો બો બધી જાદુઈ  શક્તિઓ છે’

‘વાત તારી હાચી.’ રામજીએ શાસ્ત્રો હેઠા મૂકી દીધા, એક દુઃખી માતા આગળ ઝૂક્યા.

બીજે દિવસે રામજીકાકા અને પાર્વતી પહોંચી ગયાં બાબાના આશ્રમે. મોહનિયાને આ સ્થિતિમાંથી બચાવવા ભગીરથ પ્રયત્નો કરવા પડે એ હિસાબે  સતીશ દેસાઈ પણ આ અભિયાનમાં જોડાયો. 

બાબાના આશ્રમમાં દાખલ થતાં રામજીકાકાએ ઘંટ વગાડ્યો અને  બોલ્યા ‘જય મેરબાઈ’. ત્રણેવ સન્માનપૂર્વક હાથ જોડીને બાબા પાસે ગયાં અને પગે લાગ્યા.

‘તમે મોહનીયાને સાથે કેમ નહિ લાવ્યાં?’ બાબાનો ધારદાર પ્રશ્ન.

પૂજારી દંપતીથી તો કાંઈ બોલાય એવું હતું નહિ એટલે સતીશે આખી વાત બાબાને કરી.

‘તમને ખબર છે આ મેરબાઈની સાચી વાત?’ બહુરૂપી ગોપાલ ઉર્ફ બાબાએ  ત્રણેવને પૂછ્યું.

‘મને કાંઈ સાચી વાતની ખબર નથી,’ પૂજારીએ કબૂલ્યું,’ મને તો અહીં દેહરીની કાળજી રાખવા અને દૈનિક પૂજા કરવા લઇ આવેલા’

‘જુના ગ્રંથોમાંથી શોધી કાઢેલો  આ મેરબાઈનો ઇતિહાસ છે જે આપણને  સાચા ઉકેલ તરફ લઇ જશે. ગરમી હવે અસહ્ય થવા  લાગી એટલે બધા  એક વિશાળ પીપળાના ઝાડ નીચે નાનું કૂંડાળું વાળીને બેઠા. હવે તમે સૌ ધ્યાનથી સાંભળો,

‘ઘણા વર્ષો પહેલાં તમે જે ઘરમાં રહો છો  એવું જ એક પૂજારી કુટુંબ એમાં રહેતું હતું. એમની એક દીકરી, જેનું નામ મેરબાઈ – ખૂબ દેખાવડી. મેરબાઈ મોહનિયાની જેમ એના પિતા સાથે મંદિરમાં કૃષ્ણ પૂજા કરવા નિયમિત જતી. પૂજા કરતાં, ભજન ગાતાં ગાતાં એ ભાવવિભોર બની જતી, મન મૂકીને નાચતી. એમાંય કૃષ્ણ ભગવાનના જન્મદિન જન્માષ્ટમીને દિવસે  એ ખૂબ ખીલી ઉઠતી. 

પસાર થતા  એક સાધુએ સંત મીરાંબાઈની સત્યકથા કરી. સાધુએ કૃષ્ણ ભગવાનની એક સુંદર મૂર્તિ મેરબાઈને ભેટ આપી. હવે આપણી મેરબાઈને ધૂન ઉપડી કે જાણે એ પોતે સંત મીરાંબાઈ છે અને એની જેમ જ કૃષ્ણને પોતાનો વર માનવા લાગી. ગામ લોકોને આ છોકરી આવું ગાંડપણ કરે એ ગમ્યું નહિ. મેરબાઈએ હવે દેહરીએ  આવવાનું બંધ કર્યું અને સંપૂર્ણ સમય એની ખોરડીમાં ભરાઈને કૃષ્ણની પૂજા કરે, એના ભજન ગાય, નાચે. લોકો માને કે એનું ચસ્કી ગયું. ગામના આગેવાનોએ  આવીને પૂજારી પર દબાણ કર્યું કે એના લગ્ન કરી નાખીએ નહી તો ગાંડપણ વધી જશે અને આબરૂના કાંકરા થઇ જશે.પણ આવી ગાંડી છોકરીને કોણ પરણે, જે એમ કહેતી હોય  કે એ મીરાંબાઈનો અવતાર હતી અને ભગવાન કૃષ્ણ એના પતિ હતા.  

હવે ગામે એને નાત બહાર કરી દીધી. કોઈ એની સાથે બોલે નહિ, કોઈ એને ખાવાનું નહિ આપે. એ પોતાના કાર્યમાં મસ્ત, કાંઈ સાનભાન નહિ. દિવસે દિવસે એ કૃશ થવા લાગી. 

જન્માષ્ટતમીને આગલે દિવસે ધોધમાર વરસાદ પડ્યો. ગામ જળબમ્બાકાર. નદી છલોછલ અને તળાવ પણ ઉભરાઈ ગયું. પાણીની સપાટી ઊંચે ને ઊંચે ચડવા લાગી. લોકોના જીવ અધ્ધર. પવનમાં ઘણા મકાનના છાપરા ઉડી ગયા. વરસાદ અટકવાનું નામ ન લે.

અચાનક લોકોએ જોયું કે મેરબાઈ નાચતી નાચતી ખોરડીમાંથી બહાર આવી કેડમાં કૃષ્ણની મૂર્તિ લઈને એ પાણીમાં ચાલતી ચાલતી છેક કૃષ્ણ મંદિર આગળ આવી. લોકો પણ એના ઈશારે એની પાછળ ભજન ગાતા ગાતા ચાલી નીકળ્યા. જમીન ત્યાં થોડી ઊંચી હતી. બધા લોકો ત્યાં પહોંચી ગયાં, ભજનની ધૂન અવિરત ચાલુ. ધીરે ધીરે વરસાદનું જોર ઓછું થયું, પાણીની સપાટી ઘટવા લાગી, નદી એના સામાન્ય સ્વરૂપે વહેવા લાગી, બધું મૂળ સ્વરૂપે. 

ગામ બચી ગયું. જેમ કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઊંચકીને બધાંને બચાવ્યા હતા તેવું બની ગયું. 

પણ ના, મેરબાઈ અટકી નહિ. એ ગાતી ગાતી મંદિરની ફરતે ફરવા લાગી, એક ચક્કર, બીજું , ત્રીજું એમ છ ચાકર લગાવ્યાં, સાથે ગામ લોકો પણ ભાવ વિભોર બનીને નાચવા ગાવા લાગ્યા.

આખરે સાતમા ચકરાવા માટે  એ મંદિરની પાછળ ગઈ અને એવામાં એક મોટું મોજું ક્યાંકથી આવ્યું  અને એને હડપી ગયું. મેરબાઈ પાણીમાં ખેંચાઈ ગઈ. સ્તબ્ધ થયેલા લોકોએ બહુ બૂમ મારી પણ વ્યર્થ. મેરબાઈ કૃષ્ણ ભાગવાની મૂર્તિ સાથે તણાઈ ગઈ.

સાચું પૂછો તો મને ખબર નથી કે મેરબાઈ એ ખરેખર સંત મીરાંબાઈનો અવતાર  હતી? કે પછી એના સતથી લોકો બચી ગયાં? કોઈ જાણતું નથી.

જન્માષ્ટમીને દિવસે મેરબાઈની પૂતળીને પાણીમાં પધરાવવાની પ્રથા ત્યારથી શરુ થઇ’.

બાબા શ્વાસ લેવા અટક્યા. 

‘પણ હવે હું શું કરું?’  પાર્વતીની આંખો ડબડબી ગઈ.

‘ પરમકૃપાળુ પરમાત્મા ઉપર શ્રદ્ધા’. સેંકડો વર્ષોથી અપાતી આ સલાહ!

 ‘પણ મારા મોહનીયાનું શું થશે?….’ પાર્વતીએ ડૂસકું મૂક્યું, સાડીના છેડાથી મોં ઢાંક્યું.

‘અરે સતિષભાઈ, તમે એમ કરો, પંચાયતના સભ્યો સાથે બધા મારી રૂમમાં આવો તો. એનો નિવેડો લાવીએ.’ બાબાને હવે રસ્તો શોધવાની ઉતાવળ આવી.

બીજે દિવસે શ્રાવણ કૃષ્ણ પક્ષનો પહેલો દિવસ. બાબાએ ઉપાય સૂચવ્યો એ બધાંને ગમ્યો. વરણગામ આજે રાતે સુખની નીંદર ભોગવશે. 

                                      **********

મુંબઈમાં શાંતા ફફડતી જીવ્યે જતી હતી. કોઈક રીતે બીજી સુવાવડ જલ્દી ન આવે તો કેવું સારું.

પણ હાય રે નસીબ! બીજી સુવાવડની નોબત આખરે આવી ગઈ. જમના માં ફેણ ફેલાવીને તૈયાર! ચિંતામાં શાંતાની તબિયત બગાડવા માંડી, જાણે હરતી ફરતી લાશ! પાડોશી મણિબેનને દહેશત કે આવી આવી તબિયત જો રહી તો આવનાર  બાળક માટે જોખમ હતું. શાંતા બિચારી એવું ઈચ્છે કે આનાર બાળક મૃત જન્મે જેથી એ પછીનું બાળક છોકરો હોય. મોહનીયાએ પણ એવું જ કહ્યું હતું.  મેરબાઈએ એને એવું કહ્યું હશે ત્યારે ને? વિધાતાને આવું કરવા મજબૂર કરી શકે એવો એકલો મોહનીયો હતો.

ભીખુએ હઠ લીધી કે બીજી સુવાવડ  માટુંગામાં થશે. શાંતાને એક અઠવાડિયાં પહેલાં એક જાણીતી સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરી દીધી. બાળકનો જન્મ થાય ત્યાં સુધી શાંતા બરાબર ટકી રહે તો સારું. 

                    *************

શ્રાવણ વદ એકમ, વરણગામમાં ઉત્સવનું વાતાવરણ !  લોકો વિચારે – આ વર્ષે પેલો મોહનીયો પૂજા કરાવશે કે પછી રામજીકાકા ? 

‘તે ગિયે કાલે તલિયારા બાબા હાથે બધાએ ભેગાં મલીને હું નક્કી કયરું? ‘ છનુને જરા હો જપ ની મલે.

‘તે તૂ જ પૂછ ની?’

સાંજ પડતાં બાબા અને બીજૉ બધાં દેહરીએ પધાર્યા. ભજન શરુ થઇ ગયાં.

‘હવે આ લોકો કરવાના હૂં ? પેલો બેશરમ મોહનીયો પૂજા વિધિ હારુ બહાર આવહે ખરો? ‘ સૌના મોં પર મોહનીયા માટે અણગમો પણ બાબા પર અનહદ શ્રદ્ધા

બાબાએ મોહનીયાને બોલાવડાવી મેરબાઈની મૂર્તિ સામે બેસાડ્યો. કાઇંક ચમત્કાર થયો હોય તેમ મોહનીયાની આંખમાં ચમક આવી ગઈ. હાથ પહોળા કરીને એ મંડ્યો નવાં ભજન ગાવા. બાબા સહીત સૌ ગળું ફુલાવીને ભજન ઝીલવા લાગ્યા. વાતાવરણ બરાબર આગળના વર્ષો જેવું જામ્યું. મોહનીયો શ્વાસ લેવા અટકે તો બાબા ગાવા માંડે. 

સૌ ભજન ગાતાં ઉન્માદમાં ઝૂમી ઉઠ્યા. બાબાએ શો ચમત્કાર કર્યો? છેલ્લા થોડા સમયથી વાતાવરણ ડહોળાઈ ગયું હતું એ ધીરે ધીરે સ્વચ્છ થવા માંડ્યું. પણ હવે શું થવાનું હતું?

ત્રણેક કલાક ભજનોની રમઝટ બોલાવી. એ દરમ્યાન મોહનીયો શાંતિથી મેરબાઈની પૂતળીને જમણા હાથમાં લઈને બેસી રહ્યો. આસજુબાજુની ભીડનું એને માટે કોઈ મહત્વ ન હતું. પ્રસાદ વહેંચાયા પછી મોહનીયો ધીરે ધીરે ઘેર જઈને એની ખોરડીમાં ભરાઈ ગયો. શું એને અક્કલ આવી ? મેરબાઈને પરણી જવાના હાસ્યાસ્પદ વિચારનું શું થયું? યોજના શી હતી એ ફક્ત બાબા અને પંચાયતના સભ્યો જાણતા હતા. શું બાબાએ  મોહનીયા  પર કોઈ જાદુઈ લાકડી ફેરવી?

પંચાતિયા લોકોને મઝા પડી ગઈ.

રમેશ કહે, ‘ એનો અર્થ એમ કે બાબાએ મોહનીયાને મનાવી લીધો ?’

‘તે ગામ માટે હારું ને?’

બીજે દિવસથી બધું એમનું એમ ચાલ્યું, મોહનીયાની વર્તણૂંકમાં ફેર પડતો ગયો. ઉત્તરોત્તર એ સુધરતો ગયો.

આ પ્રમાણે સાત સાત દિવસ ચાલ્યું.

આઠમો  દિવસ ઉગ્યો. આજે કૃષ્ણજન્મ. વર્ષો પહેલા મેરબાઈએ ભોગ આપ્યો હતો આ દિવસે. 

વરસાદ આજે ગાંડો થયો, નદીમાં પાછું ભયાનક પૂર, તળાવ છલોછલ. કોણ જાણે આજે શું થવાનું છે?

જન્માષ્ટમી ઉજવવા પંચાયતે સરસ  વ્યવસ્થા કરી હતી. દેહરીની આજુબાજુ એક માંડવો  ઉભો કરાયો. સુંદર મઝાનું પારણું બાળ કૃષ્ણ માટે, સ્થાનિક સંગીતકારો પણ તૈયાર.

પણ મોહનીયો, રામજીકાકા, પાર્વતી – બધાં ક્યાં ?

બાબા સમયસર પહોંચી ગયા અને પ્રસંગોચિત વ્યાખ્યાન આપવા તૈયાર.  

બાબાએ હાજર રહેલા લોકોને આશીર્વાદ આપ્યા અને બેસી જવા કહ્યું. એટલામાં વરસાદનું જોર વધી ગયું. સાથે વીજળીના કડાકા ભડાકા સંભળાવા લાગ્યા. 

‘ભાઈઓ અને બહેનો, આપ સૌને મારા વંદન. આ વર્ષે અ પવિત્ર દિને હું તમારી સાથે છું એનો મને આનંદ છે.

‘છેલ્લા થોડા દિવસોમાં આપ સૌને અણધાર્યા  અનુભવો  થયા છે એનો  ઉકેલ બધા સાથે મળીને લાવવા પ્રયત્ન કરી રહ્યો છું. હું એમાં ઊણો ઉતરું તો માફ કરજો. સર્વે વડીલોને સાથે રાખીને અમે અ ઉકેલ માટે આત્માના અવાજને અનુસર્યા છીએ અને વર્ષોથી  ચાલી આવતી પ્રથાને ઓછું મહત્વ આપ્યું છે.’

બાબા આગળ વધ્યા, ‘ આપણા મોહનીયાના મનમાં શું ચાલી રહ્યું છે એનો તાગ મેળવવાની અમારી કોશિશ છે. સૌ પ્રથમ જરૂર છે એને પાછો ઠેકાણે લાવવાની. રામજીકાકા પાસે આ ઉંમરે દેહરીની પૂજા કરાવ્યા કરવી એમાં ડહાપણ નથી. તો મોહનીયા વગર એ કારભાર બીજો કોણ કરી શકે? સર્વ સંમતિએ મારી દરખાસ્ત એ છે કે આપણે મોહનીયાના મનની શાંતિ ખાતર  મેરબાઈ સાથે એના વિધિવત લગ્ન કરાવી દઈએ.’

આ સાંભળી ગામ લોકો વિચારમાં પડી ગયા. વરસાદ ગાંડો થયો, અંબિકામાતાના પાણી હમણાં આવીને ઘેરી વળશે એવું વાતાવરણ સર્જાઈ રહ્યું. 

એકઠા થયેલા લોકોમાં ગણગણાટ શરુ થઇ ગયો.

‘શાંતિ, ભાઈઓ અને બહેનો, શાંતિ. બાબા એક જ એવી વ્યક્તિ છે કે જે સાચી દોરવણી આપશે.’ સરપંચે જરા સખતીથી તાકીદ કરી.

‘કૃપા કરીને સમજો કે આ વિધિ ફક્ત અને ફક્ત મોહનીયાના મનના સમાધાન માટે છે. એનાથી કદાચ એની શક્તિઓ પાછી આવી જાય. તમે જોયું ને કે છેલ્લા સાત દિવસમાં જ્યારથી આ જન્માષ્ટમીની વિધિ ચાલે છે ત્યારથી એની વર્તણુકમાં કેવો ફેર પડી  ગયો છે ? મને વિશ્વાસ છે કે લગ્ન કરાવી આપવાથી આપણો મોહનીયો આપણને પાછો મળી જશે. 

‘પણ બાબાજી, પરંપરાગત રીતે આપણે મૂર્તિને તળાવમાં પધરાવી દેતાં છે તેનું હૂં ?’ નદીના વિકરાળ સ્વરૂપ તરફ ભયભરી નજર નાખતાં છનુ બોલી ઉઠ્યો. 

‘ધીરજ રાખો ભાઈ, બધું થઇ પડશે….’ 

લગ્ન વિધિ શરુ કરવાનો સમય આવી ગયો. વરરાજાના વેશમાં શોભતો મોહનીયો, એક હાથમાં મેરબાઈની મૂર્તિ લઈને,  ધીરે ધીરે ડગ માંડતો દેહરી આગળ આવ્યો, સાથે હતાં એના માં-બાપ.

‘જો ની, મોહનીયો , અદ્દલ રાજા જેવો લાગે.’ એક યુવાન છોકરીના ઉદગાર નીકળી પડ્યા. 

‘અરે તમે હો હૂં?  બધ્ધો  તમાશો ભાય, તમાશો. પૂતળા હાથે કોઈના લગન થિયા એવું હામભર્યું?’ રમેશે ટીખળ કરી, ‘ એને જોયે તો બીજૉ લગન હો કરી મૂકે. ગામમાં હારી, દેખાવડી પોરીએનો હૂં કાંઈ ડકાર પડેલો છે? ‘

‘તૂ તારું મોઢું બંધ રાખે કે, ની તો હમણે મારાથી કાંઈ કેઈ દેવાહે  ‘ છનુ ગુસ્સામાં રાતોચોળ.

ઢોલ-પીપી વાળા ‘જાન’ સાથે જોડાઈ ગયા. મોહનીયો, એની ‘કન્યા’ – મેરબાઈની મૂર્તિ -લઈને ડાહ્યો ડાહ્યો દેહરી સામે આસન જમાવી બેસી ગયો. 

બાબાએ શ્લોક બોલવાનું શરુ કર્યું, મોહનીયો એક હળવા સ્મિત સાથે વિધિમાં વ્યસ્ત, એના મનમાં એમ જ કે જાણે ખરેખર લગ્ન થઇ રહયાં છે. 

સાત સાત દિવસની શુદ્ધિકરણ વિધિ પછી એવું લાગ્યું કે મોહનીયો એના અસલ સ્વરૂપમાં આવી ગયો. ચહેરા પર એક દૈવી સ્મિત ચમકી ઉઠ્યું. એની નજર સામે દેખાઈ લલી,  દૂર મુંબઈ,  સુવાવડની યાતનામાં. 

‘એને હારુ સુખના  દા’ડા હવે’ એ બબડ્યો, પણ કોઈએ એ સાંભળયુ નહિ.  

વરસાદનું તોફાન વધ્યું. ભીંજાવાથી બચવા કેટલા લોકો ખસીને બાજુના ઘરોના વરંડામાં જઈને જોવા લાગ્યા. 

સમય વર્તીને બાબાએ વિધિ જલ્દી જલ્દી પતાવી. ઢોલ-પીપીવાળાએ જુસ્સામા આવીને કાન ફાડી નાખે એવાં અવાજમાં શોર સમાપ્ત કર્યો. મોહનીયાએ આદરપૂર્વક મેરબાઈની મૂર્તિને હાર પહેરાવ્યો – એક દૈવી મિલન!

હવે ફક્ત સાત ફેરા બાકી!

 એક વિચિત્ર પ્રસંગ, ઢોલપીપીનો નાદ, વાદળની ગડગડાટી –  કાંઈ  અગમ્ય બનવાનું હોય એવા સંકેત! 

વર્ષો પહેલા બની ગયેલી બાબાએ કહેલી વાત બધાંને યાદ આવી. મોહનીયો જો કે એક નિર્વિકાર  સંતની જેમ શાંત. 

આ બાજુ મુંબઈમાં લલી સુવાવડના  આખરી તબક્કામાં.

રામજીકાકાએ ઈશારો કર્યો એટલે મોહનીયો મૂર્તિ લઈને ઉઠ્યો અને દેહરીની ફરતે ફેરા લેવાનું શરુ કર્યું.

 એક ફેરો, બીજો ફેરો, ત્રીજો ફેરો   એમ કરતાં કરતાં ચોથો, પાંચમો અને છઠ્ઠો. સાંબેલાધાર વરસાદ, કોઈને કાંઈ સ્પષ્ટ દેખાય નહિ. નવયુગલ સાતમાં ફેરા માટે દેહરીની પાછળ અદ્રશ્ય થયું. ઢોલપીપી વધુ ઉન્માદમાં. 

મોહનીયો ઉભો રહી ગયો. ચક્ષુ સમક્ષ મેરબાઈ ખુદ આવી અને કહે,’ચાલ મારા મોહન, ચાલ મારા કૃષ્ણ, આપણે એક થઇ જઈએ…’ 

વરંડામાંથી કોઈએ બૂમ પાડી, ‘ મોહનીયા  હવે મૂર્તિને પાણીમાં ફેંકી દે, તળાવમાં ફેંકી દે…’

મોહનીયો આગળ વધ્યો, પાણીથી છલોછલ તળાવ! આંખના પલકારામાં એણે મૂર્તિ સાથે તળાવમાં ઝંપલાવ્યું.

તળાવ અને નદી હવે એક હતાં, મોહન અને મેરબાઈની પણ એક થઈને જળ સમાધિમાં ! 

ભેગાં થયેલા લોકો સ્તબ્ધ થઈને મોં વકાસીને જોતા રહયાં. અકલ્પનિય દ્રશ્ય!

મોહનીયાએ આખરી ભોગ આપ્યો પણ કોને માટે? લલી માટે? કોઈ શું જાણે?

સ્થિતપ્રજ્ઞ બાબાએ બે હાથથી આશીર્વાદ આપતા હોય તેમ અંજલિ આપી. રામજીકાકા  માથા પર હાથ મૂકીને જમીન પર બેસી ગયા. પાર્વતી આઘાતથી મૂઢ બનીને મૂર્છા પામી. 

મુંબઈમાં બરાબર એ ક્ષણે શાન્તાએ બેબીને જન્મ આપ્યો. એની યાતના શમી ગઈ અને મોં પર એક અજબનું સ્મિત તરવરી ઉઠ્યું. એને માટે મોહનીયાએ ભવિષ્ય ભાખેલું એ સત્ય બની ગયું. આ બેબી આવી હવે એ પછી પુત્રરત્નનો માર્ગ ખુલી ગયો. મોહનીયાને મોક્ષ જોઈતો હતો એ રસ્તો પણ ખુલી ગયો.

XXXXXXXXXXXXXXX

પ્રકરણ ૨૬ : અત્ર તત્ર સર્વત્ર  બહુરૂપી

શાંતાના  જીવનમાં જે કાંઈ બની રહ્યું હતું એ મોહનીયાની આગાહી મુજબ હતું. વરણગામથી કાકુજીએ  તાર કરીને મોહનિયાની  ચમત્કારિક જળસમાધિના સમાચાર શાંતાને પહોંચાડયા.  આ દુઃખદ સમાચારના મિશ્ર પ્ર્તયાઘાત શાંતા ઉપર પડ્યાં. શું એની નવજાત બાળકીમાં મોહનિયાનો આત્મા હતો જે મોક્ષ તરફ ધસવાનો હતો ? હે ભગવાન!

નાનકડી મંજુ એના પિતાની આંગળી પકડીને નવી બહેનને જોવા આવી.

‘હેં….! , મારી નાની નાની બેન ! , શું નામ છે એનું? ટગર ટગર જોતી એની આંખો તો જુઓ કેવી મોટી મોટી! બાળકીનો નાજુક હાથ લઈને એણે એક હળવું ચૂમ્બન કર્યું. 

‘ચાલ ત્યારે મંજુ, કેવી ફાઈન બેન તારી? હવે તૂ  મોટીબેન, તે ડાહી થેઈને રેજે, ને તારા ભાઈ ને બાનું ધ્યાન રાખજે હેં કે?’ 

મંજુ ખુશ. 

ભીખુએ હેતથી શાંતાનો હાથ  લીધો, થપથપાવ્યો, ‘ તૂ જીરીક હો ફિકર નો કરતી, માંને ઊં હાચવી લેવા’

મોહનિયાએ ભવિષ્ય ભાખેલું તમ શાંતા  ઉપર દુઃખના ડુંગર તૂટી પડશે કે કેમ? ભીખુ અડીખમ ઉભો રહેશે શાંતાની પડખે, કે પછી વિધાતાને જે ગમ્યું તે? 

પરંતુ, શું શાંતા, ગોપાલ અને મોહનીયો બધાં ભેગાં થઈને વિધાતાને પડકાર નહોતા આપી રહ્યા ? વિધાતાને છેતરવું એ કાંઈ જેવી તેવી વાત ન હતી. વિધાતા શાંતા તરફ પક્ષપાત કરે – શાને સારુ  ? સિદ્ધ પુરુષો કદાચ વિધાતાને હાથતાળી આપી શકે. શું મોહનીયો એક સિદ્ધ પુરુષ હતો? કે પછી કુળદેવી મેરબાઈ પોતે મોહનીયા જેવા ભક્ત માટે કરી છૂટતી હતી? મેરબાઈનું સત સાચું? બ્રહ્માંડના ક્યાં ખૂણામાંથી આ બધો દોરી સંચાર  કરી રહી હતી? 

સુવાવડ પછી શાંતા સાવ નંખાઈ ગયી. એના સ્વાસ્થ્યને સુધારવા વિશિષ્ટ પ્રકારના વ્યંજનો બનાવી ખવડાવવાં  પડે. જમના માંને આ ખબર હોય જ પણ શું એ વધી વ્યવસ્થા કરશે?  

વ્યવસ્થા? અને જમના માં? એ લોકો ઘેરે પહોંચ્યા ત્યારે એ તો અંદરથી બારણું વાસીને બેઠી  રહી? નવજાત શિશુની આરતી થવી જોઈએ એને બદલે આવું સ્વાગત? આ લોકો બારણું  ખટખટાવે રાખ્યે પણ માંએ હઠ લીધી. બારણું નહિ ખોલું. 

‘તને ઠાકોરજીનાં સમ, માં, બારણું ખોલ’ ભીખુએ ખોળો પાથર્યો. 

‘મારા ઠાકોરજી તો ના પડે, તારા  પેલા  દાઢીમૂછવારા  બાબાને પોકાર કર!  મરી ગીયો ભિખારી. હૂં તારી વાત માનવાનો? ‘  માં ગાંજી જાય એવી ન હતી. 

‘માં તૂ ગાંડી નો થા, જો કેવી સરસ બેબી આવી છે આપણે ઘેરે’

‘આ તારી શાંતા મારે હારુ તો કારી ટીલી છે, ભીખુ. તૂ એને મૂકી આવ પાછી એને બાપને ઘેરે’

બેબી ભૂખની મારી રડવા માંડી પણ માજી  ટસના મસ થાય તો ને? માળાના બીજા પડોશી આ બધો તાલ જુએ. 

ભીખુની કાકલુદી વ્યર્થ. બધાને લઈને એ ઉપાડ્યો એના જુના સાન્તાક્રુઝવાળા  પિતરાઈ ઠાકોરને ઘેરે.

હંસાએ એમને ભાવભીનો આવકાર આપ્યો, ‘ માજી એમ કરતાં કરતાં ઠેકાણે આવી જહે, તમે જો જો ની?’

સામે એ જ ઘર હતું જ્યા ભીખુ અને શાન્તાએ સહજીવનની સુખદ પળો માણી હતી. મંજુ બીજૉ છોકરાંઓ સાથે રમવા જતી રહી. શાંતા જાણતી હતી કે મોહનિયાના કહેવા મુજબ કપરા દિવસો આવવાના હતા. એને ડર તો ઘણો હતો પણ કોઈને એ વિષે કાંઈ કહ્યું નહિ. જેવી મેરબાઈની ઈચ્છા.

એની નજર અનાયાસે બારી બહાર ગઈ. એક કૂતરી  એના ગલૂડિયાને ચાટતી  ચાટતી   વહાલ કરી રહી  હતી. ગલૂડિયાં પણ કેવાં ખુશખુશાલ થઈને એને વીંટળાઈ વળ્યાં હતા! એણે સુવા પ્રયત્ન કર્યો પણ પૂરપાટ  નીકળી જતી ટ્રેનનો  અવાજ હવે એને  સુવા દેતો ન હતો – આ એજ અવાજ હતો જેના તાલબદ્ધ સંગીતથી પહેલા ઊંઘ આવી જતી. થોડું ઝોકું આવે એમાં તો ભયાનક સપનું આવી ચડતું કે જમના માં બેઉ છોકરીઓને ઝાડુથી ફટકારી રહી છે .

ભીખુને કાંઈ સમજ નહોતી પડતી કે હવે કરે શું ? માટુંગા અને સાન્તાક્રુઝ વચ્ચે આવજાથી કંટાળી જતો. શાંતાને ખાતરી કે ભીખુ માંને રીઝવવાની પૂરી કોશિશ કરતો હશે. વિધાતા આટલી નિષ્ઠુર કેવી રીતે હોઈ શકે ? એક સ્ત્રી બીજીના દુઃખ કેમ ન સમજી શકે? સૈકાઓ જૂની પરંપરા એમ કાંઈ એક ઝાટકાથી થોડી દૂર થઇ જાય? વંશવેલો વધારવા પુત્ર જોઈએ જ ને? એની જવાબદાર ફક્ત અને ફક્ત સ્ત્રી! વિજ્ઞાન ગમે એટલાં  બણગાં ફૂંકે પણ સનાતન ધર્મ ખોટો તો ન હોય. સ્ત્રી એની ફરજ ચૂકે જ કેવી રીતે?

સ્ત્રી જયારે નાની બાળા હોય ત્યારે માં-બાપ કહે તેમ કરવાનું, જરા મોટી થાય એટલે પરણે  અને પતિની સેવામાં, છોકરાં – મહદ અંશે પુત્ર – પેદા કરો, અને ઘરડાં થાવ એટલે પુત્રની છાયામાં. જમના માં જો કે વિધવા થઇ ગયા પછી વધુ કઠિન પ્રતિસ્થિતિમાં આવી પડી હતી પણ હિમ્મતથી એમણે માથું ગર્વભેર ઊંચું રાખ્યું, અને બની ગઈ એક આઝાદ સ્ત્રી!

શાંતાની તબિયત ધીરે ધીરે પાટા પર આવવા લાગી. નવી બેબીને બદનસીબે દમની શરૂઆત થઇ ચૂકી હતી. કાળના ખપ્પરમાં એ પણ વહેલી હોમાઈ જશે? ભીખુ આ બધી તાણમાં સૂકાતો ચાલ્યો. 

શાંતાને ક્યાં જપ હતો? રાતે ઘણી વાર એ બૂમ પાડી ઉઠતી,’ હે માતા મેરબાઈ, ક્યાં છે તૂ? સપનામાં આવ અને કાઇંક રસ્તો સૂઝાડ. પણ શાંતા એ કાંઈ મોહનીયો હતી?

કદાચ બેબીના સપનામાં આવતી હોય, આખરે મોહનિયાનો આત્મા આ બૅબીમાં હતો ને? શાંતા ધ્યાનથી જોવા પ્રયત્ન કરતી – બેબીમાં મોહનિયાનું સ્વરૂપ જોવા. મોહનીયા  સાથે આ બેબીને પણ મોક્ષ મળી જશે. 

ગોપાલ  પણ બહુરૂપી તરીકે કેટકેટલાં રૂપ ધારણ કરી ચૂક્યો હતો ? હાલ એ તલિયારાના બાબાના રૂપે હતો. શું આ એનું છેલ્લું રૂપ હશે? લલી ઉર્ફ શાંતાનો ગોપાલ સાથે એક અજબનો સંગ હતો. આ સંબંધ  દુન્યવી પરિભાષાથી પર હતો. શાંતાના દુઃખ નિવારણ માટે એ કેમ કાંઈ કરતો ન હતો? 

ભીખુ અને  શાંતા,  સાન્તાક્રુઝમાં જેમ તેમ સમય વિતાવતા હતા ત્યારે માટુંગામાં પડોશી મણીબેને  જમના માંનો સઘળો  ખયાલ રાખ્યો. શાંતા વિષે કોઈ દિવસ કાંઈ ન બોલાઈ જવાય એની એ કાળજી રાખતી. પણ આખરે મણીબેનનું પોતાનું કુટુંબ હતું એટલે જમના માં સારો એવો સમય  એકલાં ગુજારતાં. 

મણિબેન જમના માંને બધા સાથે ક્ષુલ્લક કારણોસર ઝગડતી જોઈ રહેતી. ફેરિયાઓ, શાકભાજીવાળા, પોસ્ટમેન, ભિખારીઓ,  બધા સાથે ઝગડવા લાગે. ઉંમરલાયક હોવાથી નાની મોરી અનેક બીમારીઓએ હવે ઘર કર્યું અને એમાં ય સાયટીકાથી તો તૌબા. અને છેવટે એ કોઈની મદદ વગર બિલકુલ ચાલી ન શકે એવી પરિસ્થિતિ આવી ગઈ. અને ન થવાનું થયું – જમના માં બાથરૂમમાં પડી ગયાં. બચાવો બચાઓનો પોકાર મણીબેને જેમ તેમ સાંભળ્યો. માંના પગે ફ્રેક્ચર,  હવે ઘણા મહિનાનો ખાટલો આવ્યો.  

ભીખુ એના નાના કુટુંબ સાથે માટુંગા દોડી ગયો. હવે જમના માં એમને આવકાર કે જાકારો આપી શકે એ સ્થિતિમાં ન હતાં. દોજખ કોને કહેવાય ? બે નાનાં બાળકો, ઘરની સફાઈ, રસોઈ, અને જમના માંની નિરંતર ટકટક! મળસ્કે ઉઠી જવાનું, નળમાં પાણી આવતું હોય ત્યાં સુધીમાં પિપડાં ભરી લેવાના, ભીખુભાઇનું ટિફિન તૈયાર કરવાનું, બપોરે રેશનિંગ દુકાનની લાઈનમાં ઉભા રહીને ખાંડ, ઘંઉં, ચોખા લઇ આવવાના. વળી દૂધના સેન્ટર પર જઈને લાઈન લગાવીને દૂધ લાવવાનું.

જમના માંના મહેણાં ટોણાં વધતાં ચાલ્યાં, એ બધો વાંક  શાંતા અને બે છોકરીઓ પર ઢોળી દેતી. શાંતા  બધું સહન કર્યે જાય, એ જ આશામાં કે વહેલો આવે પુત્ર, અને જમના માં શાંત થઇ જાય.

ઘણી વાર એ વિચારે ચડી જતી, ‘ આ બધું કેવી રીતે પાર પડશે? મોહનીયાએ ચોખ્ખું કહ્યું હતું કે શાંતાના  નસીબમાં પુત્ર હતો જ નહિ અને કોઈ સિદ્ધપુરુષ એના પુત્ર તરીકે જન્મ લેવા તૈયાર થાય તો જ અ શક્ય બને. પણ એવો સિદ્ધ પુરુષ કોણ હોય જે પોતાના મોક્ષની પરવા કર્યા વગર  આ દુનિયામાં મનુષ્ય અવતારમાં આવવા તૈયાર થાય?

અચાનક એને નવો વિચાર ઝબક્યો/ લાવ ગોપાલને પૂછું? એને મારે માટે લાગણી હોય તો એ ના નહિ પાડે. અરે પણ શાંતા તૂ આટલી બધી સ્વાર્થી ક્યારથી થઇ ગઈ? તારા સ્વાર્થ ખાતર ગોપાલ તારે વહારે ધાય ? એક વખત તો તેં નસીબને હાથતાળી આપી અને તું ફરી એવું કરવા તૈયાર? ગોપાલ તારા પુત્ર તરીકે જન્મે અને વળી આખું જીવન એક સીધા સાદા મનુષ્ય તરીકે ગુજારે ? 

શાંતા આવા વિચારો કરીને થાકતી. ભીખુ એને જોઈ રહેતો અને નિ:સાસા મૂકતો. એ જેની પૂજા કરતો એ બાબા એના સપનામાં અવારનવાર આવતા પણ બંધ થઇ ગયા, એ કહેવા કે ‘ કેમ તું મારા દર્શને હવે આવતો નથી?’ 

એને આવે ભયંકર સપના જેમાં એ શાંતા અને માંના  વચ્ચે ફસાય. માં  અચૂક યુદ્ધ  જીતે અને શાંતા તકીયામાં મોં છૂપાવીને એકલી રડે. 

એક દિવસ પોસ્ટમેન એક પત્ર લઈને આવ્યો. પત્ર લખનાર : સતીશભાઈ દેસાઈ,

ઉપર સરનામું: 

‘રાજમાન રાજેશ્રી ભીખુભાઇ નાયક, બી. એસ. સી. 

૧૧, નરેન્દ્ર વીલા, (બહાર બદામનું ઝાડ છે)

કપોળ નિવાસની બાજુમાં, રાઘવજી કાનજી એસ્ટેટ,

વિન્સેન્ટ રોડ, 

કિંગ્ઝ સર્કલ, માટુંગા જી આઈ પી,

મુંબઈ ૧૯ ‘

ગામડેથી આવતા પત્રોની આ ખાસિયત. એડ્રેસમાં એટલી બધી માહિતી આપે કે એ ગેરવલ્લે જાય જ નહિ, પોસ્ટમેનની મજાલ છે એને ડિલિવર કર્યા વગર જતો રહે?

પત્રમાં વિગત આ પ્રમાણે:

‘માનવંતા શ્રી ભીખુભાઇ.

આપ કુશળ હશો. ઘરમાં બધાં હારાં હશે. લલી, ને પોયરાં કેમ છે? મુરબ્બી જમના માંને પાયે લાગણું.

બીજું જણાવવાનું કે આ વરહે અર્ધ કુમ્ભ મેળો નાશક-ત્રમ્બકેશ્વર  ખાતે  થવાનો છે. કુમ્ભ મેળે જવાની આપણા બાબાની ખાસ ઈચ્છા છે . તો નાશક જતાં મુંબઈમાં તમને બધાંને મળતાં જીએ તો કેમ? 

લિ સતીશના જય શુકલેશ્વર ‘

આવડા મોટા સંતનો સત્કાર કરવાની તક ભીખુભાઇ જતી કરે? શાંતા  ખુશીથી ઉછળી પડી. બાબા ઉર્ફ ગોપાલને અહીં મળવાનો રૂડો પ્રસંગ! પણ જમના માં કોઈ નાટક નહી કરે ને? હે મેરબાઈ, સાચવી લેજે.

મહેમાનગતિ માં કાંઈ ઉણપ ન રહી જાય એ સારું પડોશણ સખી મણીબેને મદદે આવવા હા પાડી. 

એ દિવસ આવી ગયો. જમના માં શાંત. બપોરે જમ્યા પછી આડાં પડ્યાં ત્યાં કોઈએ બેલ માર્યો. બાબા અંદર દાખલ થયા, શાંતા  ભાવથી પગે લાગી. જમના ઊંઘમાં થોડી ચવરી પણ પાછી સુઈ ગઈ.

‘બાબા, તમારા બેઉનું જમવાનું અહીંયા જ છે હેં! ‘

‘બાબાને આજે અપ્પાહ, ને મારો હવારનો નાસ્તો પેટમાં હજુ  બોલે’ 

શાંતા લાગ જોઈને બાબાને ઈશારો કરીને ગેલેરીમાં લઇ ગઈ અને બારણું બંધ કર્યું.

 ‘બાબા, અહીં બધું અસ્તવ્યસ્ત છે એ બદલ માફી ચાહું છું. સમય ઘણો ઓછો છે ને તમારે હો નાશકની ગાડી પકડવાની …..’

બાબા હસ્યા, ‘ લલી, મોહનિયાની  ભવિષ્યવાણી મારી જાણમાં છે. એ મુજબ મારી ફરજ હું નિભાવીશ, તારે કઈં લાંબુ કહેવાની જરૂર નથી. બેફિકર રહે. મેરબાઈ બધું સારું કરશે.’

આ સાંભળી શાંતાની આંખમાંથી અશ્રુધારા વહેવા માંડી. એનો અર્થ એમ કે મોહનીયાએ બધી તકેદારી રાખી હતી જેથી વિધાતાને થાપ આપીને એને પુત્ર રત્ન પ્રાપ્ત થાય. લલીને મનમાં જે હતું એ ગોપાલ સ્વયં કરવા તૈયાર. એ પોતે લલીના પુત્ર તરીકે અવતરશે!

‘તો આ બેબલીનું શું થશે?’ લલીના હૃદયમાં  ઉછાળા મારતું માનું હેત બોલ્યું.

‘કેમ? મોહનીયાએ આગાહી કરી તેમ એ પોતે આ બેબલીનો આત્મા છે અને ટૂંક સમયમાં મોક્ષ પામશે’

લલી રડમસ, ‘ પણ મને આ બેબલી રાખવા દોને બાબાજી?’ ‘

‘વિધાતાના લેખ અફર છે, બેબલી ઉર્ફ મોહનીયો જલ્દીથી મોક્ષ પામવા સર્જાયેલા છે.’

‘ક્યારે?’

‘મારે એટલું બધું  ચોક્કસ નથી કહેવું. તૂ તૈયાર રહેજે. જ્યારે મોહનીયાનો વખત આવશે ત્યારે એ થશે.’

ગેલેરીના બંધ બારણામાંથી બેબલીના રડવાનો અવાજ કાને પડ્યો. શાંતાએ દોટ મૂકી. અંદર રૂમમાં જઈને રડતી બેબલીને ઊંચકી લીધી, છાતીએ વળગાવીને બેસુમાર પપ્પીઓ, શાંતાનું ખસી ગયું કે કેમ ?  મણીબેને દોડીને બેબલીને શાંતાથી અળગી કરી. શાંતાનો ચહેરો જોવા જેવો. બાપડી બેબલીનો શું વાંક કે એને જગતમાંથી અકાળે વિદાય લેવી પડશે ? હજુ આવનાર છે એ પુત્રરત્ન પ્રાપ્તિ માટે વિધાતા સાથે આટલા બધાં ચેડાં? 

બાબા કે સતીશે દીકરીના ઘરનું પાણી સિક્કે ન પીધું. રિવાજ પ્રમાણે ન જ લેવાય ને? આમ ગોપાલ ઉર્ફ બાબા અચાનક આવી ચડ્યા એમાં કાંઈ સંકેત હશે? શું બાબાએ લલીની  આજીજી સાંભળી? ખરેખર એવું જ હશે.

વિધાતા અજબ ગજબ રીતે કામ કરે છે. મોહનિયા જેવો મેરબાઈનો સામાન્ય ભક્ત આજે પોતાની આસ્થાને હિસાબે મોક્ષના માર્ગે જવાની તૈયારી કરી રહ્યો. એની જળસમાધિ પછી લોકો એની રૂમમાં દોડી ગયા અને જોયું તો કેટલાય ગ્રંથો, ભજનોનો ખડકલો ! આ બધું સામાન્ય મનુષ્યનું કામ ન હોય. મીરાંબાઈના ભજનની માફક એક દિવસ સંત મોહનીયા રચિત ભજનો લોકો ગાશે અને ધન્યતા અનુભવશે. દેહરીને વધુ મોટી બનાવાઈ, એમાં મોહન – મેરબાઈની સુંદર મૂર્તિ સ્થાપિત થઇ ગઈ, અદ્દલ રાધાકૃષ્ણ જેવી. 

હવે ભક્તો આ મોહન-મેરબાઈની શાશ્વત જોડીની પૂજા કરશે અને મોહનિયા રચિત ભજનોની ધૂન બોલાવશે.  હૃદયભગ્ન રામજીકાકા હજુ થોડા વર્ષો પૂજારીની ફરજ નિભાવશે. 

નાનકડી મંજુ બેબલીને બહુ હેત કરે, એને વારંવાર ગળે વળગાડે, એની સાથે રમે અને ખુશ થાય.

‘બા , બા, આપણે આ બેબલીનું નામ તો પાડ્યું જ નહિ?’ સવાલ સાંભળી શાંતા  વળી અસ્વસ્થ.

‘દીકરી, હજુ નામ પાડવાનો વિધિ બાકી છે, વાર છે’ વાતને ટાળવાનો પ્રયત્ન.  

‘હું કેટલાં દિવસ સુધી એના હુલામણા નામે બોલાવ્યા કરું?’

‘સારું, તો એનું નામ પાડીએ….મમમમમ …મોક્ષદા’ શાંતાના મોઢામાંથી અનાયાસે નીકળી ગયું.

‘મોક્ષદા એટલે શું?’

‘એટલે કે મોક્ષ આપનારી’

‘પણ મોક્ષ એટલે શું?’

શાન્તાએ વહાલથી મંજુને ઊંચકી લીધી,’ દીકરી તૂ હજુ બહુ નાની છે એ સમજવા. ચાલ રમ જોઈએ એની સાથે હવે’ 

ખાટલામાં સુઈને કણસી રહેલી જમના માંનું ધ્યાન ભાગ્યે જ બેબલી તરફ જતું. મંજુ ક્યારેક એની પાસે દોડી જાય તો એના વાળ પર હાથ ફેરવતી.

માં કેમ આવું કરે છે? બે નાનાં છોકરાં ઉછેરવા એ કપરું કામ છે.

મોક્ષદાની તબિયત ધીરે ધીરે કથળવા લાગી. દમ ઘડી ઘડી ઉભરાઈ આવે, એને શ્વાસ લેવામાં અનહદ તકલીફ પડે, બિચારી એટલી રડે કે શ્વાસ રૂન્ધાઈ જાય. 

‘શું આ અંતની રાહ જોવાનું હતું?’ શાંતાનું હૃદય જાણે ધબકતું અટકી જશે.

બાબા ત્રમ્બકેશ્વર પહોંચી ગયા હશે? ગયા ત્યારે તો કકરા લાગતા હતા. આ બાજુ મોક્ષદાનો વિદાયનો સમય નજીક આવતો હતો તો બાબાને ખયાલ તો હશે ને કે એણે શું કરવાનું છે? આવતા જતાં બધા સગાવહાલાઓ વણમાગી સલાહ આપતા રહે,’ આયુર્વેદિક દવા આપ, નુકસાન નહિ કરે. હવે બધું ભગવાન પર છોડી દે. એના નસીબમાં હશે તેં થશે. ‘

‘નસીબ? મોક્ષદા વિધાતાને હાથતાળી આપીને આ દુનિયામાં આવી. એના નાનકડા શરીરમાં મોહનીયાનો આત્મા સંચાર કરતો હતો જે હવે અન્તિમ સ્થાન તરફ કૂચ કરી રહ્યો. સતીષનો પત્ર આવ્યો કે બાબા નાશકમાં અચાનક બીમાર પડી ગયા અને પાછા તલિયારા લઇ આવ્યા. દવાદારૂથી તબિયત સુધારા પર હતી અને હવે તો એમના આશ્રમમાં ધ્યાનમાં પણ બેસતા થઇ ગયા.

મોક્ષદા બરોબર ત્રણ મહિનાની થઇ ત્યાં ગંભીર રીતે બીમાર પડી અને બધાંને અલવિદા કરીને ચાલી નીકળી. મોક્ષદા થકી મોહનીયાને મોક્ષ પ્રાપ્ત થઇ ગયો.

શાંતાએ બધી વિધિ નિર્લેપ ભાવે જોઈ. જમના માં પણ નિલેપ એવાં ભાવે જોતા રહયાં જો કે એનું કારણ જુદું હતું.  

નસીબના આ ઝાટકામાંથી કળ વળે એ હેતુથી શાંતાને થોડા દિવસ વરણગામ મોકલી દેવાઈ.

‘જો લલી, મારી તબિયત બિલકુલ સારી નથી પણ તારે માટે ખેંચ્યા કરું છું. ભગવાનને પ્રાર્થના કરતો રહું છું કે એ દિવસ હવે બહુ દૂર ન હોય જયારે હું તારા પુત્ર તરીકે જન્મ લઉં.’  ગોપાલ બાબાએ  લલી તરફ જોઈને હળવું સ્મિત ફરકાવ્યું.

લલીએ ડૂસકું મૂક્યું. ‘બિચારા રામજીકાકા, એને તો ખબર નહિ હોય કે એમના બંને દીકરાઓએ  મારે સારુ ભોગ આપ્યો. પાર્વતી કાકી અને રામજીકાકાનું ઋણ હું કેવી રીતે ચૂકવીશ? આવું ભગીરથ બલિદાન તો મોહનીયો અને ગોપાલ જેવા દૈવી આત્માઓ કરી શકે. મોહનીયો તો રાધાના કૃષ્ણની જેમ અમર થઇ ગયો, ભજનના રૂપે કેટલું ય સાહિત્ય મૂકતો ગયો. લોકો એની આરાધના વર્ષો સુધી કર્યા કરશે.

ગોપાલ, તલિયારાના બાબા તરીકે પૂજાયા  કરશે, જયારે એ આ ફાની દુનિયા શાંતા પ્રત્યેના આદર ને લઈને અને જમના માંની વાહિયાત  અંધશ્રદ્ધાને પૂરી કરવા છોડી જશે ત્યારે. જે દીકરો શાંતાને અવતરશે એ ગોપાલ જેવો દૈવી નીકળશે કે કેમ? આ દુનિયા બહુ સ્વાર્થી છે, દૈવી લોકો ભોગ આપી જાણે છે. 

ભગવાન આ દુનિયામાં સ્વાર્થી અને નિઃસ્વાર્થી લોકોનું સંતુલન જાળવી રાખતો હોય એવું લાગે. કોઈને સમજ પડે છે ઈશ્વરની માયા? એ એવું કેમ કરતો હશે? કદાચ એવું કરવા પાછળ કોઈ કારણ હશે ત્યારે ને? કદાચ ઘણા ઘણા કારણો હોઈ શકે. શાંતા  કે લલી જેવી અસંખ્ય સ્ત્રીઓ આ દુનિયામાં જીવ્યે  રાખે છે. દુનિયા એમ જ ચાલ્યા કરે,  નશ્વર આત્માઓ જન્મ લીધા કરે, અલગ અલગ ભૂમિકા ભજવી જાય, પેલા બહુરૂપીની જેમ જ તો.  આ દુનિયાનો  દરેક જીવ એક બહુરૂપી નથી? 

થોડા મહિના બાદ: આંસુભરી આંખે જમના માંએ એના પહેલાં પૌત્રને નિહાળ્યો. ગોપાલ  બહુરૂપી   પૌત્ર તરીકે જન્મ લઈને એની  આખરી ભૂમિકા ભજવતો હતો કે પછી? હવે જમના માં શાંતાને મહેણાં ટોણા નહિ મારે. બહુરૂપી હંમેશા જીવતો રહેશે, અત્ર તત્ર સર્વત્ર.

—————– સમાપ્ત – ——————————


Leave a Reply