મણકો ૧
ડિસેમ્બર ૧૯૭૦ ની એક સાંજ. અમેરિકાના સાઉથ વેસ્ટ સ્થિત હ્યુસ્ટન માટે એક અતિ ઠંડુ હવામાન કહી શકાય. અરે હવામાન શાસ્ત્રીઓએ કરેલ વરતારામાં કહે કે કદાચ બરફ પણ પડે! બરફ ! ને એ પણ હ્યુસ્ટનમાં! અમેરિકન પ્રજા આવા વર્તારાઓમાં આપણે અહીં કરીએ છીએ એ કરતા વધુ વિશ્વાસ કરે. એ પંડિતો હંમેશા પરસન્ટેજમાં વાત કરે. વીસ ટકા ચાન્સ, પચ્ચીસ ટકા ચાન્સ. એટલે તમે સમજ્યા? ખોટા પડે તો એટલાજ પરસન્ટેજ ખોટા પડે ને! આખ્ખે આખા મૂંડાઈ ન જાય. મારા લૅન્ડલૉર્ડ, મિસિસ હકબે, કદાચ મારી જરીપૂરાણી ઇમ્પાલા ગાડી જેટલાજ ઘરડા હશે. આવી ઘરડી ઇમ્પાલા ગાડી ચૂપચાપ ઘરની બહાર સ્ટ્રીટ પર પાર્ક કરેલી દેખાતી હતી.
અમેરિકામાં પહેલ વહેલી યુઝડ ગાડી વસાવી પણ ખબર જ નહી કે ફ્રીઝીંગ ટેમ્પરેચર ગાડીના રેડિએટર માટે ખાસ્સું જોખમ કહેવાય. રેડીઓ પર પેલો ડીજે જોરશોરથી અપીલ કરવા લાગ્યો કે ભાઈ સા’બ રેડિએટરમાં એન્ટી ફ્રીઝ રેડો નહીતો સવાર સુધીમાં રેડિએટર ફાટીને સત્યાનાશ !
માર્યા ઠાર! અમેરિકામાં યુનિવર્સીટીમાં એમ એસ ડિગ્રી લઈને હું નીકળી પડ્યો હતો જોબની શોધમાં. એજ ખખડધજ જૂની ઇમ્પાલા; એ શોધમાં મારી વફાદાર સાથી. રોજ ગાડી લઈને નીકળી પડું ; કેમિકલ ફેકટરીઓના ચક્કર કાપું પણ માળું નસીબ સાથ ન આપે અને એમ કરતાં ત્રણ મહિના વીતી ગયા પણ બધી જગ્યાએથી જાકારો. સરકારની વિએટનામ લગતી નવી નીતિઓને હિસાબે ઇન્ડસ્ટ્રીમાં ભારે મંદી. એમ કરતાં હવે મિસિસ હકબેના ઘેર ભાડે રહેવા લાગ્યો. બિચારી ભલી બાઈ એટલે બહુ વાંધો ન આવ્યો પણ ખિસ્સામાં રોકડા સો ડોલર અને કેમ ખેંચવું ?
આવી વફાદાર સાથી એવી ઇમ્પાલાના હાલહવાલ થઇ જાય તો નોકરી શોધ કેવી રીતે ચાલુ રહે ? મને ફાળ પડી . ભઈલા રાજ, તું દોડ અને લઇ આવ એન્ટી ફ્રીઝનું ડબલું અને રેડિએટરમાં રેડી દે એટલે રાહત. આવામાં પૈસા ખર્ચવા પોષાય નહિ પણ શું થાય? હ્યુસ્ટન જેવા દક્ષિણે આવેલા શહેરમાં બરફ પડે ને મારા જેવા કડકાબાલુસ એન્જીનીઅરને દુકાળમાં અધિક માસ.
હું હિમ્મત કરીને દોડ્યો ગાડી તરફ પણ લીસી બરફની સપાટી પરથી લપસ્યો.

‘ હે રાજ, અરર, કાંઈ બહુ વાગ્યું નથી ને? ‘ કરીને મિસિસ હકબેની ત્રીસેક વર્ષની દીકરી મારી વહારે ધાઈ. એની ચામડી જુઓ તો જબરજસ્તી તડકામાં કલ્લાકો બેસી બેસીને ગરમ તાંમ્બા જેવી.
‘ધ્યાન રાખને, આમ જાણે કૂતરું પાછળ પડ્યું હોય એમ દોડી ગયો તે? ડીનર માટે બહાર જવું હતું? અરે અમારી સાથે ખાઈ લેત ને? બરફ પડવાનો શરુ પણ થઇ ગયો ‘ કહીને કેથીએ મને પ્રેમથી, પણ મીઠા ગુસ્સામાં ઘણું બધું કહી દીધું.
‘પણ મારે એન્ટી ફ્રીઝ નાખવું પડે ને?’ જેમ તેમ ઉભા થતા એમ. એસ. રાજ એન્જીનીઅર બોલ્યા, મોં પર એક સંકોચજનક હાસ્ય, આંગળી ચિંધીને બતાવી પેલી લાચાર ઇમ્પાલા ગાડી.
‘અરે ખરો છે તું? મને કહેવું તું ને? લે મારી પાસે થોડું એન્ટી ફ્રીઝ બચાવેલું પડ્યું છે એનાથી કામ ચાલી જશે આજની રાત.’
અહોભાવથી હું એને જોઈ રહ્યો. બિટલસનું પેલું જાણીતું ગીત નથી ? ‘ વ્હેન ઈન ટાઈમ્સ ઓફ ટ્રબલ, મધર મેરી કમઝ ટુ મી એન્ડ સ્પીકિંગ વર્ડ્ઝ ઓફ વિઝડમ લૅટ ઈટ બી…’ કેથી મારે માટે તો સાક્ષાત મધર મેરી નીકળી કે પછી કોઈ અન્નપૂર્ણા દેવી? મનોમન વંદન છે આવી દેવીને અને એની મધરને.
‘માં માં, આ મારી નાનકડી કારમાં પણ થોડું એન્ટીફ્રીઝ રેડી દે ને ,પલીઝ’ નાનકડો ,મઝાનો ગોળમટોળ બાળક ડગ્લાસ એના ટૂંકા પગલાં ભરતો આવ્યો. કેવો નિર્દોષ સવાલ? પણ મને કેથીની એ મીઠી મૂંઝવણને સોલ્વ કરવાનો ટાઈમ ન હતો,
કેથીએ હાથમાં પકડાવેલ એન્ટીફ્રીઝનું ડબલું લઈને હું સાવવચેતીપૂર્વક પૂગ્યો ઇમ્પાલા ગાડી આગળ, હૂડ ઉભું કરીને સાવધાનીથી પેલું બચ્યું ખૂચ્યું એન્ટીફ્રીઝ રિએટરમાં રેડ્યું – રખેં એક ટીપું પણ વેડફાઈ જાય!
મનોમન ખુશ થતો જુ મારા રૂમ તરફ, ‘ હવે કાલથી ફરી જોબની તલાશમાં. હે મધર મેરીઓ, મને હવે જોબ અપાવી દે. આટલું કામ કરી દે ને બાપલા !
ખિસ્સા ખાલી થવાની તૈયારી અને જોબ મેળવવી જીવન મરણનો પ્રશ્ન. પણ જોબ જલ્દી મેળવવાની આકાંક્ષા પાછળ બીજું એક કારણ હતું. મારો સંગીત પ્રત્યેનો લગાવ કે પ્રેમ કે જે કાંઈ કહો તે.
નહિ સમજ્યા?
જોબ શોધાતાં ઇમ્પાલા ગાડીમાં શહેરના અગણ્ય ચક્કર કાપતાં કાપતાં રેડીઓ ચાલુ ને ચાલુ અને એમાં લેટેસ્ટ ગીતો સાંભળતાં સાંભળતાં બે ત્રણ પૉપ ગ્રુપ બહુ ગમી ગયેલા. એટલાં ગમી ગયાં કે એમ થયા કરે કે ક્યારે મને જોબ મળે, મારો પહેલો પે-ચેક મળે અને હું દોડીને મારા મનગમતા ગ્રુપનાં ગીતોના આલબમ ખરીદી લાવું. સંગીતના આવા પ્રેમથી હપ્તા સ્કીમથી એક રીલ-ટુ-રીલ ટેપ રેકોર્ડર વસાવી લીધું હતું. એટલે જેવાં આલ્બમ લઇ લઉ એટલે ગીતો મન ફાવે ત્યારે સાંભળી શકું. લ્યો તમને કહી દઉં કે એ કયા કલાકાર હતા, ‘ધ બીજીઝ’, ‘એન્ડી વિલિયમ્સ’ અને અલબત્ત, સૌથી પ્રિય, ‘ધ કાર્પેન્ટર્સ’.
એ પછી શું થયું ? જોબ મળી? ગીતો મારા રેકોર્ડરમાં કેદ થયાં કે નહિ? સબૂરી ભાઈ, સબૂરી. થોડી ધીરજ. ધીરજનાં ફળ ? મી…. ઠાં
તે જાણવા આના આગલા મણકાની રાહ જુઓ.
—————————————
મણકો ૨
ડિસેમ્બર ૩૧ ૧૯૭૦, વર્ષનો એ છેલ્લો દિવસ! સંગીત માટે ગોઝારો નીવડ્યો – જગવિખ્યાત બિટલ્સ ગ્રુપ વિખરાઈ ગયું! ભૈલા શું થયું એવું કે કિટ્ટા કરીને છુટ્ટા પડી ગયા? કોને ખબર ! હે મધર મેરી, હે માં સરસ્વતી આવું થશે એ તમે જાણતા હતા તો કેમ કાંઈ કર્યું નહિ ? એ દેવીઓએ શું કરવાનું હતું કે કરી શકત તે એ દેવીઓ જાણે પણ મને સારી પેઠે ખબર હતી કે મારે હવે શું કરવાનું હતું. હાથમાં લે પેલો રમકડાં જેવો ટ્રાન્સિસ્ટર રેડીઓ, ગોઠવ તારું ટેપ રેકોર્ડર અને થઇ જા સજ્જ. આખા વર્ષના ટોપ ફોર્ટી ગીતો આજે રેડીઓ પર પ્રસારિત થવાના ! મારુ વહાલું ગીત ‘ક્લોઝ ટુ યુ ‘ આજે પ્રથમ આવીને મેદાન મારી જશે – કસમસે !
ભાઈ તું હરખપદુડો ન થઇ જા. તને એટલી ખાતરી હોય તો ચાલ તૈયાર થઇ જા .રેકોર્ડ કરી લેવા.
અમેરિકાના અમીન સયાની ગણાતા કેસી કેસમ રાતની હિટ પરેડ રેલાવશે અને આખું અમેરિકા રેડીઓને ચોંટીને બેસશે. મારી ધારણા મુજબ સુધી છેલ્લે નંબર વન સોન્ગ આવશે અને એ જો ‘ક્લોઝ ટુ યુ ‘ હોય તો બેટા તારો બેડો પર! મધર મેરી કે માં સરસ્વતીના મનમાં રામ વસે અને મને નોકરી મળશે. ગીત રેકોર્ડ કરી લઉં તો હું જ્યારે ફાવે ત્યારે સાંભળી શકું ને ? દિવસ આખો હું ટેન્શનમાં, રેડીઓમાં બેટરી ફૂ…સ તો નહિ થઇ જાય, ટેપ રેકોર્ડર સાથેના બધા તાર બરાબર તો છે ને ? વારંવાર ચેક કર્યા. હાશ બધું તૈયાર હવે!
અમેરિકામાં દરેક શહેર કે કસબામાં ઘણાં રેડીઓ સ્ટેશન હોય, બધાયનાં નામ ‘કે’ થી શરુ થાય, કેમ એ ભગવાન જાણે. બધાં સ્ટેશન શ્રોતાઓને આકર્ષવા નિરંતર જાતજાતના નુસખા કર્યા કરે. મારું માનીતું રેડીઓ સ્ટેશન ‘કે એન યુ ઝી’ આવી હરીફાઈમાં ઉણુ ઉતરે? એણે એક નવો નુસખો કર્યો. દર કલાકે રેડીઓ પર એક શબ્દ જાહેર થાય. કે એન યુ ઝી ના મારા જેવા ગાંડા ચાહકો દિવસ રાત ગાડી ચલાવતાં સાંભળ્યા કરે. દર કલાકે બદલાતો શબ્દ આવા ચાહકોના કાને પડે એટલે મન ઉપર અંકિત થઇ જાય. હવે આવે છે ખરી રમત! પેલો ડીજે વારાફરતી ફાવે તે રેન્ડમ નંબર પર ફોન કરતો રહે અને પૂછે ‘ આ કલાકનો શબ્દ શો છે? ‘ જેને ત્યાં ફોન કરે એ જો મારા જેવો કે એન યુ ઝી નો ચાહક હોય તો દેખીતું છે કે એને ખબર હોય. એ શબ્દ કહી દે એટલે એ એક હજાર ડોલર જીતી જાય. તમે સમજી ગયા ને? એવું ય બને કે કોઈ ઔરંગઝેબને ફોન લાગી જાય કે પછી બીજા કોઈ રેડીઓ સ્ટેશનના ચાહકને લાગી જાય. ખેર.
દિવસ ચઢતો ગયો, બધી તૈયારી કરીને હું પરવારી ગયો. કે એન યુ ઝી રેડીઓ સ્ટેશન ચાલુ. ભગવાનની કૃપા હોય તો કે એન યુ ઝીમાંથી મને ફોન આવે અને…
મિસિસ હકબેએ એની લેન્ડ લાઈનનું એક એક્સટેન્શન મારા રૂમમાં આપ્યું હતું. બિચારી ભલી બાઈ, જાણતી હતી કે જોબ માટે મારે અસંખ્ય ફોન કરવા પડશે. રાતના દસ થયા, હું હિટ પરેડ સાંભળતો સાંભળતો ખુશ ! મારુ વહાલું ગીત તો પહેલે નંબરે આવશે જ પણ ડીજેનો ફોન પણ આવી જાય તો બેડો પાર. શ્રી કૃષ્ણ ભગવાનની પેલી ‘ફળ ની આશા ન રાખ’ વાળી સુફિયાણી સલાહ હું ગણકારતો ન હતો. હજાર ડોલર, હજાર ડોલરના મનમાં મંજીરા વગાડતાં વગાડતાં આશાભરી નજર, રેકોર્ડર પર અને ફોન પર !
મેં વાળુપાણી આજે વહેલા પતાવી દીધા. મનમાં એક ઘેરી ચિંતા – પેલો નાનકો ડગ રેકોર્ડિંગ ટાણે દરવાજો તો નહિ ખટખટાવે ને? એ કૃષ્ણ કન્હૈયો આજે જલ્દી પોઢી થઇ જાય તો સારું.
રાતે અગિયાર વાગ્યે એક નવો નક્કોર શબ્દ જાહેર થઇ ગયો હતો – શબ્દ હતો ‘ઓનેસ્ટી’ . બાર વાગ્યા સુધી મને ફોન ન આવે તો પછી શબ્દ બદલાઈ જાય ને?
મારી સમજ પ્રમાણેના વર્ષનાં ટોપ દસ ગીતો ઉલ્ટી ગિનતીમાં આવવા માંડ્યા. મારું હૃદય તો ધક્ક ધક્ક ! તારીખ બદલાવાને હવે ફક્ત ગણીગાંઠી મિનિટ્સ બાકી, હવે શાનો ફોન આવે? ચાલો હશે. ભાઈ રાજ , તો હવે તારું ગીત રેકોર્ડ કરવા માટે સાબદો રહેજે. મધરાતને હવે ત્રણ ચાર મિનિટ બાકી – ડીજેએ અમીન સયાનીની છટાથી નંબર વન ગીત જાહેર કર્યું – ‘ક્લોઝ તો યુ ‘ ! બરાબર મારી ધારણા પ્રમાણે. – એટલે મેં તરત રેકોર્ડનું બટન દબાવ્યું. રેકોર્ડિંગ શરુ. મારા હાથમાં ટ્રાન્સિસ્ટર રેડીઓ લઈને ટેપ રેકોર્ડરના માઈક સામે સ્થિર ઉભો. ત્રણ જ મિનિટ લાગવાની હતી. બધું સમું સૂથરું ચાલતું હતું – મસ્ત એકદમ !
ત્યાં મારુ ફોન ઍક્સટેંશન રાણકયું. હું ચમક્યો પણ ટ્રાન્સિસ્ટર પકડેલા હાથને હલવા ન દીધા. ફોન લઉં કે ન લઉં ? હેમ્લેટવાળી દુવિધા- તું બી ઓર નોટ તું બી ! ફોન પર થોડી રિંગ વાગી અને પછી બંધ. સાલું, આ ફોનની રિંગ પણ રેકોર્ડિંગમાં આવી જવાની. શું થાય? ફોન કદાચ પેલા ડીજેનો તો નહિ હોય ને? કદાચ મિસિસ હકબેને માટે હોય કે કેથી માટે પણ હોય.
રેકોર્ડિંગ સફળતાથી પતાવીને હું ગીતનો ટ્યુન ગણગણતો ઉઠ્યો. હું રેકોર્ડિંગ બરાબર થયું કે નહિ એ જોવાની પેરવીમાં હતો ત્યાં મારા દરવાજા પર ટકોરા ! ઉતાવળે ઉતાવળે ખોલીને જોયું તો કેથી! પોતાના વાંચવાના ચશમાને નાકની દાંડી પર ગોઠવવા પ્રયત્ન કરતી કરતી, ઉત્તેજનમાં એ લગભગ અંદર ધસી આવી.
મને ફાળ પડી, માજીને કાંઈ?
‘રાજ, શું થયું ખબર છે, ખૂબ અજબનું !’
‘ કેમ શી બાબત છે?’
‘અરે, આટલી રાતે કોઈએ . કે એન યુ ઝી રેડીઓ સ્ટેશનથી ફોન કર્યો કે ભાઈ તમને આ કલાકનો શબ્દ ખબર છે? બોલો, આમ મધરાતે કોઈને ફોન કરાતું હશે ? ડઘાઈને મેં કહ્યું ના ભાઈ , રોન્ગ નંબર ‘ કરીને રીસીવર મૂકી દીધું!’
મારી સ્થિતિ તો કાપો તોય લોહી ન નીકળે એવી. હે લક્ષ્મી દેવી, તમે ચાંદલો કરવા આવ્યા અને હું તમારી બહેનપણી માં સરસ્વતી દેવીની સેવામાં વ્યસ્ત હતો. આ તે કેવી પરીક્ષા ભક્તની? જો રેકોર્ડિંગ કરવાનું પડતું મૂકીને મેં ફોન લીધો હોત તો હજાર ડોલરનો સ્વામી બની ગયો હોત ને? રે નસીબ !
એક ઊંડો શ્વાસ લઈને મેં કેથી સામે જોયું , ‘ ખરેખર, આ તો ગાંડપણ જ કહેવાય ને? ચાલો જે થયું તે.. ઈશ્વરની લીલા અપરંપાર છે’
‘એ શું બોલ્યો તું ?’
‘નેવર માઈન્ડ, ગુડ નાઈટ’
એ મારા રૂમના દરવાજાને હળવેથી બંધ કરતી ગઈ અને મારા નસીબનું બારણું પણ બંધ જ રહ્યું, મારા સંગીત પ્રત્યેના અસીમ પ્રેમને કારણે.