ગુરુ શિષ્ય પરંપરા લેખમાળા

ગુરુ શિષ્ય  પરંપરા -એક અનોખી યાત્રા – મણકો ૧

આ અંકથી આપણે  એક અનોખી યાત્રા શરુ કરીએ છીએ. પુરાણી હિન્દી ફિલ્મોના ગીતો થકી રાગોની સમજણ આપણે ફરી આરંભ કરીશું – એક જુદા અંદાઝમાં.

ગુરુ શિષ્ય પરંપરા એટલે શું?

જે લોકો હિન્દુસ્તાની સંગીત સાથે  કોઈક રીતે જોડાયેલા છે એમને આવો પ્રશ્ન જરૂર ઉદભવતો હશે. પંડિત રવિ શંકર વિગેરે અઠંગ કલાકારોની વાતો સાંભળીએ ત્યારે ગુરુ શિષ્ય પરંપરા એ  સંગીત શીખવાની કોઈક અગોચર, મુશ્કેલ રીત હશે એવું પ્રતીત થયા વગર રહે નહિ. ચક્ષુ  સમક્ષ છબી ઉપસે કે ગુરુ કોઈક જંગલમાં ઝૂંપડી   બાંધીને રહેતા હોય, પ્રતિદિન એમની સંગીત સાધના  કરતા હોય અને સાથે એમના શિષ્યોને એમની આગવી સૂઝથી જ્ઞાન આપે. શિષ્યો એમના ઘેર જ રહે, એમનું બધું કામ પણ કરે, ગુરુની સેવા કરે, એમના પગ દબાવે, એમની એકે એક આજ્ઞાનું ત્વરિત પાલન કરે અને  ગુરુ રાજી થઈને  ધીમે ધીમે જ્ઞાન આપી પાવરધા કરે. આ સિલસિલો કંઈ કેટલાં વર્ષ ચાલે.

ખેર, આવી ધારણા રાખો એનો વાંધો નથી પણ અર્વાચીન યુગમાં રીતરસમોમાં પરિવર્તન  થાય એ સ્વાભાવિક છે જો કે હકીકતમાં  પાયાનો સિદ્ધાંત એ જ રહે છે

ઝડપી વાહનો, એક સ્થળેથી બીજા સ્થળે જવાની  સુગમતા અને બીજા ઘણાં કારણોને  લઈને ગુરુ શિષ્ય પરંપરા કાઇંક અલગ સ્વરૂપે જોવા મળે છે. સૌ પ્રથમ તો સાચા ખોટા ગુરુઓથી ભરપૂર આપણા  દેશમાં સાચો ગુરુ શોધવો એ કઠિન કામ છે. ત્યાર બાદ એ ગુરુ સાથે કેટલો વખત શિક્ષા લેવી એ શિષ્ય પર આધાર રાખે. અધવચ્ચે શિષ્ય કોઈ અન્ય ગુરુ પાસે જઈને શિક્ષા લઇ આવે. ઘરાનાની પ્રણાલી પણ ઘણે અંશે બદલાઈ ગઈ છે. ગતિશીલતા વધી છે, જ્ઞાન પણ ખાબોચિયામાંથી બહાર નીકળીને વહેવા માંડ્યું છે. જુદા જુદા ઘરાનાની તાલીમ લેવી અને મનગમતી રીતે  મિશ્રણ કરીને અલગ અલગ ઘરાણાની ખાસિયતો રજુ  કરવી એ  હવે સામાન્ય થઇ ચૂક્યું  છે અને એને કોઈ ઉતારી નથી પાડતું.

ગુરુ શિષ્ય પરંપરા અને તે પણ ખાસ કરીને સંગીતની બાબતમાં બીજી પરંપરાઓથી કાઇંક જુદી પડે છે. આપે એવું ઘણી વાર સાંભળ્યું હશે કે શિષ્ય થવાની લાયકાત ત્યારે જ આવે જયારે આપણા જ્ઞાનમાં રહેલી ત્રૂટિઓ આપણને પોતાને ખબર હોય. થોડું ઘણું અષ્ટમ પષ્ટમ ગાતાં વગાડતાં આવડી જાય એટલે આપણને ‘વાઘ માર્યો એવી પ્રતીતિ થતી હોય તો મૂરખાઈ કહેવાય. ફિલસોફીની જેમ સંગીત  એક વિશાલ ઊંડો સાગર છે જે નીવડેલા ગુરુ જ શીખવી શકે. શિષ્યની નિષ્ઠા અને ગુરુ પ્રત્યે ભક્તિભાવ એક મુખ્ય ભૂમિકા  ભજવે છે.

જેમ સારો જીવન સાથી પણ ઈશ્વરની કૃપા હોય ત્યારે મળે છે તેમ સાચા ગુરુને શોધવા એમાં પણ ઈશ્વરીય સંકેત હોવો જરૂરી છે એમ નથી લાગતું?

લગભગ બાળપણથી સ્વ-પ્રેરણા થી હું રમકડાં જેવું બુલ બુલ તરંગ વગાડતો થયો. ચોક્કસ માર્ગદર્શન ન હોય તો ૧૯૫૦ – ૬૦ ના દાયકામાં કુમળું મન હિન્દી ફિલ્મના ગીતો તરફ ઢળી જાય એ સ્વાભાવિક છે. ત્રણ ચાર મિનિટોના ગીતો રોજ રેડીઓ પર અહર્નિશ સાંભળવા મળે એટલે ગ્રહણ શક્તિ જો સારી હોય તો એ યાદ રહી જાય. એને બુલ બુલ તરંગ પર આંગળીઓ ફેરવી કેમ વગાડવા એ કાં તો કોઈ તૈયાર નોટેશન વળી ગાઇડ પણ મળે અથવા આપણાથી આગળ શીખી ગયેલા વાદક આપણને શીખવે. હું ગાઇડ લઇ આવ્યો ખરો પણ એકાદ ગીત કોઈ પાસે શીખ્યા બાદ ( ઘણું કરીને એ જમાનાનું પ્રસિદ્ધ ગીત ‘મન ડોલે, મેરા તન ડોલે’ હતું)  જાણે હૃદયમાંથી પોકાર થયો કે આ તો બહુ સાદું છે – કદાચ ગયા જન્મથી સુરનું જ્ઞાન મળ્યું હોય? ગાઈડને ફગાવી દીધી  અને જાતેજ  ગીતો બેસાડતો ગયો. ‘મેરા દિલ એ પુકારે આજ ..’ થોડી મહેનતથી  બેસાડી પણ દીધું.

બસ પછી મહેનત  કરતો  ગયો અને સરળ તેમજ અઘરાં ગીતો બેસતા ગયાં.

આશ્ચર્યમ !

અગિયાર વર્ષની ઉંમરે મારી ગણના બુલ બુલ તરંગ ઉસ્તાદ તરીકે થવા લાગી, સ્કુલમાં મોકા મળતા ગયા.

મોટીબેનને પણ ગાવાનો શોખ, એ નજીકના પંડિત મનહર બર્વેના શાસ્ત્રીય સંગીતના વર્ગમાં શીખવા જતી.

‘એ રી આલી પિયા બિન…’ યમન રાગની બંદિશ એ છેડતી ત્યારે ઊંડે ઊંડે સ્વર્ગીય આનંદ થતો પણ રાગ એટલે શું એનો જવાબ એ  સંતોષકારક રીતે આપી શકતી ન હતી.

કોમળ, રે કોમળ ગ તીવ્ર મ વગેરે શબ્દો સાંભળી સાંભળી હું મૂંઝાતો અને એ બધી માથાકૂટમાં પાડવા કરતા સીધે સીધું ગીત વગાડી દેવું એમાં શાણપણ લાગ્યું. આમ શરુ થઇ મારી સંગીત યાત્રા. પણ જે હાંસિલ કર્યું એ ખાબોચિયાં સમાન હતું.

આઈ આઈ ટી, પવઈ હોસ્ટેલમાં પાંચ વર્ષ રહેવાનું થયું. દિગ્ગજ વિદ્યાર્થીઓ સાથેની શૈક્ષણિક સ્પર્ધામાં બુલ બુલ તરંગ વગાડવાનું પહેલે વર્ષે માંડી વાળ્યું. પણ બીજા વર્ષથી મારા સંગીતના જીવડાને હું અવગણી ના શક્યો. હિમ્મત કરી  બુલબુલતરંગને  હોસ્ટેલ માં લઈ ગયો. વાહ વાહ કરનારાઓની જમાત ત્યાં પણ મૌજુદ.

હવે આવે છે એક વળાંક.

બે મિત્રો મળ્યા જે એવા ગીતોની ફરમાયિશ કરતા જે ફિલ્મી શાસ્ત્રીય સંગીત પર આધારિત હતા. નવી ફરમાયિશ બેસાડતા બેસાડી દીધી પણ લાગ્યું કે ‘કોઈ ખાસ બાત હૈ ઈન ગાનો મેં ‘

પંડિત અરવિંદ પરીખનું આગમન:

એક દિવસ સમાચાર મળ્યા કે પ્રસિદ્ધ સિતારવાદક પંડિત અરવિંદ પરીખ કોઈ સ્ટાફને ઘેર વગાડવાના છે. પેલા મિત્રો સાથે ત્યાં પહોંચી ગયો. મસ મોટો બિઝનેસ સંભાળતાં  સંભાળતાં પંડિત અરવિંદ પરીખે સિતારમાં જે સિદ્ધિ હાંસિલ કરી એ જોઈને હું સ્તબ્ધ! એવું દૈવી સંગીત મને આવડે તો? જાણવા મળ્યું કે એઓ વિખ્યાત સિતારવાદક ઉસ્તાદ વિલાયત ખાનના શિષ્ય હતા.

બસ હવે તો ગાંઠ બાંધી કે કોઈ ગુરુ શોધીને સિતાર શીખવો છે.

વેકેશનમાં ઘેર ગયો ત્યારે યાદ આવ્યા પંડિત મનહર બર્વેના વર્ગો. દસ રૂપિયામાં આખો મહિનો શીખવે. શું ખોટું?

ગોળ મટોળ, સદા હસતો ચહેરો, child prodigy   તરીકે ઉભરી આવેલા પંડિતજી આમ તો શાસ્ત્રીય ગાયક, પણ  બધાં વાદ્ય શીખી લીધેલાં.  પેટિયું રળવા વર્ગો  ચલાવે

Pandit Manahar Barve

‘બુલ બુલ તરંગ વગાડું છું એમ જાણ્યા પછી કહે, ‘ તમે પહેલાં વાયોલિન શીખો”

ગુરુની આજ્ઞા માથે ચડાવી.

મૂળભૂત સુરનું જ્ઞાન તો હતું જ એટલે ફક્ત આંગળીઓની કરામત પડદા વગરના વાયોલિન જેવા વાજિંત્ર ઉપર અજમાવવાની  હતી. વાયોલિન ઉપર ખૂબ ઝડપથી હાથ ફરવા માંડ્યો, ફિલ્મી ગીતો પણ વાગવાં માંડ્યા. વર્ગમાં શાસ્ત્રીય અને ઘેર ફિલ્મી ગીતો એમ સિલસિલો ચાલુ થઇ ગયો. પંડિતજીને પણ થયું કે હવે હું સિતાર શીખવા લાયક થઇ ગયો. એ પછીના બીજા વેકેશનમાં સિતાર શરુ!

વાયોલિનની સરખામણીમાં ઘણો અઘરો, આંગળીઓ  પર કાપ પડે, ગઠ્ઠા બંધાઈ જાય. એને ન ગણકારતાં સિતાર ઉપર દસ ઠાઠના આરોહ અવરોહ વગાડતાં બહુ સમય ન લાગ્યો. એટલામાં વેકેશન પૂરું અને મારે  વધુ અભ્યાસ  માટે યુ. એસ. એ જવાનું થયું. સિતારને સાથે લઈને હું ઉપડ્યો યુ એસ એ.

૧૯૬૯ અમેરિકા પ્રયાણ:

અમેરિકા! નવો દેશ! નવા લોકો! જોયું તો સિતાર પાછળ લોકો ગાંડા. રવિ શંકરે જબરો જાદુ પાથર્યો હતો. પણ ત્યાં વળી ગુરુ મળે? જાતે જ લાગી પડ્યો. સિતાર માલિકા, સિતાર દર્પણ એવા એક બે પુસ્તકો લઇ ગયો હતો અને પોતાની આગવી સૂઝથી રિયાઝ ચાલુ રાખ્યો. એવામાં મારા એક નવા મિત્રનું બુલ બુલ તરંગ અલાભે હાથમાં આવી ગયું એટલે મારો બેડો પર! પ્રોગ્રામમાં હું ઘણે ભાગે બુલ બુલ તરંગ પર ફિલ્મી ગીતો રજુ કરું અને છેવટે નોવેલ્ટીની જેમ થોડો સિતાર રજુ કરું.

અરે, એકાદ વાર તો સ્થાનિક છાપે પણ ચડી ગયો! એમ. એસ.  જદલી પૂરું કરવાની ઉતાવળમાં સિતાર વાદ્ય પર બહુ આગળ ન વધ્યો પણ લાઈબ્રેરીમાં હિન્દુસ્તાની કલાસિકલ મ્યુઝિક પર ખૂબ વાંચી કાઢ્યું.

એક વખત સુવિખ્યાત સિતાર વાદક પંડિત દેબુ ચૌધરીનો કાર્યક્રમ થયો. ઈન્ટરવલમાં મુલાકાત લીધી. મને કહે ‘હમારા શાસ્ત્રીય સંગીત ગુરુ કે બીના અસંભવ!’ પણ મારી સ્થિતિ કફોડી! – શીખવાની તમન્ના પ્રબળ પણ ગુરુ કહાં સે લાઉં?

તો આ અંકમાં આટલેથી સમાપ્ત કરીએ? આવતા અંકમાં ‘ મને  ગુરુ પરોક્ષ  રીતે કેવી રીતે મળ્યા’ એ જોઈશું.

XXXXXXXXXXXXX

ગુરુ શિષ્ય પરંપરા મણકો ક્રમાંક :

પહેલા મણકામાં આપણે જોઈ ગયા કે સાચા ગુરુના સાક્ષાત્કાર કરવાની પ્રબળ ઈચ્છા એમેરિકામાં ભણતાં ભણતાં જવલંત રહી. એકાદ વર્ષમાં હું એમ એસ કેમિકલ એંજીનીઅરીંગની ડિગ્રી લઈને જોબ માટે તૈયાર!

અમેરિકાના તે વખતના કપરા કાળમાં આમતેમ નોકરી માટે ખૂબ ફાંફાં માર્યા બાદ હું હ્યુસ્ટન નામે મહાકાય શહેરમાં દાખલ થયો.

કોઈને ઓળખું નહિ, બધા ઉદ્યોગોમાં બેફામ મંદી. ગજવાંમાં  છેલ્લા થોડા ડોલર બચ્યા હતા ત્યાં એક નાનકડી નોકરી મળી. એપાર્ટમેન્ટ ભાડે કરીને કામ શરુ કર્યું.  આ દરમ્યાન સિતાર પર જેવો આવડે એવો રિયાઝ સતત કર્યે રાખ્યો.

ભાવિ ગુરુનો માનસ પર પરોક્ષ રીતે પ્રવેશ :

સંત રામકૃષ્ણ પરમહંસ માટે કહેવાય છે કે એઓ ‘હે માં કાલી તું ક્યાં છે?  મને દર્શન કેમ નથી આપતી’ આમ પોકાર કરતાં પાગલ ની જેમ સાનભાન ભૂલીને ફર્યા કરતા.

ચિત્તમાં મને  પણ એટલો ઉચાટ રહેતો કે ક્યારે ગુરુ મળશે.

ગુરુ? અને અમેરિકામાં?

ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળી હોય એમ એક સૂક્ષ્મ ચમત્કાર થયો.

જોબ કરતાં કરતાં નવા મિત્રો બનતા ગયા અને એમાં એક બંગાળી બાબુ મળી ગયા જેઓ હ્યુસ્ટનના નવા સવા ‘રેડીઓ પેસિફિકા’ સ્ટેશનમાં હપ્તામાં એક વાર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની લહાણ રેલાવવા જતા. એમની પાસે  સિતારની અસંખ્ય એલ પીઓનો જાણે ખજાનો! એ ખજાનામાંથી મેં કેટલીક એલ પી સાંભળવા માટે ઉછીની લીધી. લેતાંની સાથે સૌ પ્રથમ મેં બધી એલ પી નું સંગીત મારા રીલ ટુ રીલ ટેઈપ રેકોર્ડરમાં રેકોર્ડ કરી લીધું. બધું મળીને ત્રણ કલાકારોની દસ પંદર રચનાઓ લગભગ ૮ કલાક ચાલે એટલી રેકોર્ડ થઇ ગયી. પંડિત રવિ શંકર, ત્યાર બાદ ઉસ્તાદ વિલાયત ખાન અને એ પછી કોઈક નવું નામ હતું!

આ વળી કોણ? વાંચ્યું – ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાન. નામ પહેલી વાર સાંભળ્યું. કેવુંક વગાડતા હશે એ?

પહેલા બે કલાકાર તો વિશ્વ વિખ્યાત સિતારવાદક, પણ ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાનનું સિતાર વાદન કૈંક અલગ પ્રકારનું, અલગ ભાતનું , મનમોહક લાગ્યું. એમના પહાડી રાગમાં  પર્વતીય ઉન્માદી ઝરણાનું જોશ, રાગ મારવા – ધૈવત સુર પર એમની સજ્જડ પક્કડ, રાગ પીલુ યાદ અપાવે ગુજરી ગયેલા મુજરાઓની મહેફિલ, રાગ  ચંપાકલીનો  હૃદય સોંસરો  આલાપ – જાણે તોતિંગ મહેલનાં અંદરના ઓરડામાંથી ભેદી અવાજ. અદમ્ય ખેંચાણ અનુભવતાં હું એમના સંગીતમાં વહેવા માંડ્યો. હે પ્રભુ, હે સરસ્વતી દેવી, મને આવા ગુરુ મળી જાય!

ન જાણે કેટકેટલી રાતો આ સંગીત હું બ્રાહ્મમુહૂર્તની અર્ધજાગૃત દશામાં આત્મસાત કરતો રહ્યો.

સંજોગો એવા વિપરીત આવ્યા કે એકાદ વર્ષ પછી હું ૧૯૭૨ માં સ્વદેશ પાછો ફર્યો. ઉસ્તાદ હલીમ જાફર ખાનને શોધી કાઢવાની પ્રબળ ઈચ્છા, પણ  અફસોસ, ગૂગલ વિનાના જમાનામાં એમને શોધવા એ અઘરું કામ હતું. સિતાર હતો પણ ગુરુ ક્યાં?

એક સજ્જને મને એક બીજા ઉસ્તાદની ઓળખાણ કરાવી. નામ એમનું ઉસ્તાદ હાફિઝ ખાન-  શિવાજી પાર્કના  ‘સરસ્વતી સદન’ મકાનના પહેલે માળે રહેતા એ નવયુવાન ઉસ્તાદ પાસે પ્રારંભિક તાલીમ લીધી પણ મનમાં સપનાના ગુરુને શોધવાની તમના જાગૃત હતી. ગાડું થોડું ગબડ્યું પણ મનમાં ભારી અસંતોષ. રેડીઓ પર એમના ઘણા કાર્યક્રમો સાંભળ્યા એટલે મળવાની ઈચ્છા વધુ સતેજ થઇ.

દ્રવ્યોપાર્જન નિમિત્તે કચવાતે મને મેં શોધ મુલતવી રાખી અને અમદાવાદ, વલસાડ, અંકલેશ્વર, બિહાર એમ ફરતો ફરતો હું ૧૯૮૯ માં મોહમયી મુંબઈમાં ફરી પાછો સ્થાયી થયો. વર્ષો પહેલાં થયેલો સૂક્ષ્મ ચમત્કાર મૂર્ત થશે ખરો. વળી એમનું નામ એટલું મોટું થઇ ગયું હતું કે સરનામું મળી જાય તો પણ મારા જેવા સિતારના અધકચરા અભ્યાસુને મળવામાં રસ ન પણ હોય.

ચમત્કારનું પુનરાવર્તન – સદેહે ગુરુ દર્શન:

એક કેમિકલ કંપનીમાં ચીફ એગઝીક્યુટીવ તરીકે વ્યસ્ત હતો. કંપ્યુટરનો જમાનો આવી ગયો હતો અને કંપનીના ડેટા ને કેવી રીતે કમ્પ્યુટર વડે નિયમિત રીતે  analyse  કરવા એવી  પળોજણમાં એક કન્સલ્ટન્ટને નીમ્યો. એની ય વળી એક આસિસ્ટન્ટ, આરતી,  રોજ મારી ઓફિસમાં આવીને નવા ડેસ્ક-ટોપ કમ્પ્યુટરમાં કાઇંકને કાઇંક માથાકૂટ કર્યે રાખતી. એક દિવસ એ બન્ને આવતાંની  સાથે વાતે વળગ્યા.

‘અરે તું પેલા ઉસ્તાદની  સિતાર- મહેફિલમાં શનિવારે ગઈ હતી કે નહિ?”

‘અરે હું તો ભૂલી જ ગઈ, મને વળી સિતાર ફીતારમાં શું સમઝ પડે?’

આ સાંભળતા મારા કાન ચમક્યા.

‘અરે તમે કોની વાત કરો છો?”

‘અમારા મકાનમાં અમારી સામે રહે છે એ ઉસ્તાદ – અમારા પાડોશી”

‘નામ શું એમનું?”

‘કોઈ….ઉસ્તાદ હલીમ જાફર ખાન…….”

હું સ્તબ્ધ! આ છોકરી કોઈ મજાક તો નથી કરતી ને? શું મારા સ્વપ્નોના ગુરુ આના પાડોશી?

‘આરતી, તું ખરેખર સિતાર ગુરુ ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાંની  તો વાત નથી કરતી ને?’

મારામાં આવેલા ફેરફારને જોઈને સ્તબ્ધ થવાનો વારો હવે એનો હતો.

‘હા એ જ છે પણ કેમ?’

‘તું મને કાલ ને કાલ એમની પાસે લઇ જા” મેં હુકમ કર્યો.

આરતી અચંબામાં પડી ગઈ! કદાચ  પોતે ઉચ્ચારેલ શબ્દો ‘સિતાર ફીતાર ‘ નો એને અફસોસ પણ થયો હોય! ખેર.

મારી સ્થિતિ એવી કે જાણે રડતા બાળકને કોઈએ ચોકલેટ આપી દીધી. લોહીમાં શર્કરાના ઉછાળાથી મન અતિ વિચલિત !

બીજે દિવસે હું પહોંચી ગયો ઉસ્તાદને ઘેર, બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ પર છેલ્લે આવેલા એક ‘અગસ્તિ’ નામે મકાનમાં  પાંચમે માળે.

હૈયું ધક ધક !

બારણું ખુલતાં નજર અંદર ગઈ.

એક ૩ બેઠકવાળા  સોફા પર બેસીને ઊંચા સરખા, ઉસ્તાદ હલીમ જાફર ખાન પોતાના સિતારમાં નવા તાર નાખતા હતા – એક ધ્યાનથી.

હું અંદર ગયો અને અદબથી દૂર ઉભો રહ્યો ત્યારે એમનું ધ્યાન મારા પર ગયું.

‘આઇયે, નાઈક સાબ, આરતીને મુઝે બતાયા થા આપકે બારે મેં’

એમના ચહેરા પર એક અજબ શાંતિ, નિર્મળતા- હું ઉભો એમના વ્યક્તિત્વની અસર તળે – શું બોલું?

મેં પાસે જઈને એમના ચરણસ્પર્શ કર્યા તો સિતાર બાજુ પર મૂકીને ઉભા થયા અને સાડા છ ફુટ ઊંચા એ સંતે મને ગળે  લગાડ્યો. પાછલા  જન્મથી જાણે  ઓળખતા ન હોય? ભગવાન શ્રી રામેં  અહલ્યા  રૂપી પથ્થર એવા મને પુનઃ જીવિત કરી નાખ્યો.

ગુરુ દર્શન એક  અદભૂત સંજોગ કહી શકાય. આટ આટલાં વષોથી જેમનું સંગીત  કાનોમાં ગૂંજતું હોય એ આમ અચાનક સદેહે મળી જાય ત્યારે?

‘બેટા, તારો હવે બેડો પર” હું મનોમન બોલ્યો ,

‘ધીરજ ધર મનવા, હજી તને ક્યાં શિષ્ય તરીકે સ્વીકાર કર્યો છે એમણે?” મેં મનને રોક્યું

પહેલી મુલાકાતમાં મને ત્યાં ઘર જેવું લાગવા માંડ્યું.

મધ્યમ  વર્ગના લોકોના ઘર જેવું ઘર. બે મોટા શોકેસ જેવા કબાટમાં એમને મળેલા અસંખ્ય પારિતોષિકો, સર્ટિફિકેટો, એક ખૂણામાં ટીંગાડેલ ફોટો જેમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી વેંકટ રામન એમને પદ્મશ્રીથી સન્માનિત કરે છે,  કેટલાક  સિતારો ખૂણામાં ઉભા ગોઠવ્યા હતા, દરેક પર સાદા કપડાનું આવરણ, ઓરડાની વચ્ચોવચ  એક મોટું  આસન અને સામે એક શેતરંજી.  બારીમાંથી બહાર નજર દોડાવો તો બાંદ્રાની ખાડી દેખાય અને એથીયે આગળ અરબી સમુદ્ર ઉછાળા મારે.

અદભૂત  દ્રશ્ય!

એ પછી થોડી ઔપચારિક વાતો થઇ. નાની ઉમરમાં પદ્મશ્રીથી સન્માનિત આ નિરાભિમાની ગુરુને મળીને હું ધન્ય થઇ ગયો. એટલામાં એક નાની અમસ્તી છોકરી આવી પહોંચી,  માંડ ૭ – ૮ વર્ષ ની હશે એટલે એને કહે, ‘ બેટા દેખ વો સિતાર કે પાસ બૈઠ જા ઔર કૈસે બજાનાં વો મેં કુછ દેર મેં સિખાતા હૂં.

એવડી અમસ્તી છોકરીને શીખવવાની એમની તૈયારી મારા હૃદયને સ્પર્શી ગઈ. નહિ કોઈ રૂઆબ, નહિ કોઈ દેખાડો.

કલાકેક પછી હું ફરી મળવાના વચન સાથે નીકળ્યો.

જે દિવસે મને એમના શિષ્ય તરીકે સ્વીકારવાની ગંડાબંધન વિધિ થઇ એ હજી તાદૃશ યાદ છે. સામાન્ય રીતે ગુરુ નવા શિષ્યના હાથે રાખડી જેવું બાંધે . મને બાંધતાં  બાંધતાં એઓ ગાયત્રી મંત્ર ભણ્યા ! બિલકુલ એક હિન્દુ  બ્રાહ્મણની જેમ! હું પગે લાગ્યો અને મારી સિતાર યાત્રા પુનઃ ગતિમાન  થઇ.

મારે રોજ ૯:૩૦ કલાકે અંધેરી ઓફિસ પહોંચવાનું હોય એટલે એમણે તોડ કાઢ્યો, ” તૂ અગર હર રોજ સુબહ સાઢે છે બજે આ સકતા હૈ તો હમ દોનો કો રિયાઝ કે લિયે  એક ઘંટા મિલ જાયેગા”

‘દોનોં કા રિયાઝ ?”

 ‘જી હાં,’, આંખ મિચકારીને ‘મેરા ભી રિયાઝ સુબહ સુબહ હો જાયેગા ન?”

“યાને કી મેં ઔર આપ એક  સાથ બજાયેંગે! લેકિન મુઝે તો કુછ આતા નહિ હૈ!” હું ગૂંચવાયો

‘વો આ જાયેગા” આ એમનું બ્રહ્મ વાક્ય. એક વખત શિષ્યની ક્ષમતા ચકાસી લે પછી આ વાક્ય બોલીને બળ પ્રદાન કરે  અને શિષ્યને લાગે કે હવે ગુરુજી  જેવું વગાડવું એ સહજ છે. મારી ગુરુની ખોજ સાર્થક થઇ એવું હવે મેં સ્પષ્ટપણે અનુભવ્યું.

હવે પછીના મણકાઓમાં  આપણે જોઈશું કે મારી ગુરુ શિષ્ય પરંપરા હેઠળ સાધના કેવી રીતે ફળીભૂત થઇ 

રાજેન્દ્ર નાયક

એફ ૧૦૧ /૧૦૨ સેકન્ડ ઇંનિંગ્સ રિસોર્ટ

પલસાણા સુરત જિલ્લો

મોબાઈલ   9825115814  

rbnaik46.gmail.com 

XXXXXXXXXXXXXXXXXX

ગુરુ શિષ્ય પરંપરા – મણકો ૩

૧૯૯૧ – ગુરુજી પાસે જઈને સિતાર શિક્ષાનું પ્રથમ ચરણ ! હું રહું માઉન્ટ મેરીના દેવળની લગોલગ ટેકરીની ટોચ ઉપર અને ગુરુજી રહે બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ ઉપર આવેલા ઘૂઘવતા સમુદ્રની સપાટીએ ‘અગસ્તિ નામના મકાનમાં. એમની સંગીતનાં જ્ઞાનની સપાટી એવરેસ્ટ શિખર સમી અને મારી ? પાતાળ સમી.

એમને ઘેર સાડા છ વાગે પહોંચવા મારે ૬ વાગે મળસ્કે ઉઠવાનું, તૈયાર થવાનું અને ઉતાવળા ઉતાવળા ટેકરી ઉતરવાનું, મકાનની લિફ્ટમાં પાંચમે માળે પહોંચવાનું. લિફ્ટ ખોલ બંધ થાય ત્યારે બિથોવનનું સદા બહાર ‘ફયુઅર એલિઝા’ (Fur Elise) કાને સંભળાય. ફ્લેટ આગળ જઈને જૂતા ઉતારવાના અને પછી બેલ મારવાનો. ઘડીક ઉભા રહેવાનું. આસ્તેથી અંદર કોઈ સળવળાટ સંભળાય, દરવાજામાં જડેલી એક નાની શી જાળી ખુલે અને ગુરુ-પત્ની રફીકાનો હસતો ચહેરો દેખાય.

બારણું ખોલીને, ‘ આ ગયે? ” અને મીઠું હસે. હું ખમચાઈને ક્ષોભથી ઉભો રહું.

‘નીચે ચોકસાઈથી પાથરેલાં બે આસન તરફ ઈશારો કરે, ‘ આપ વો છોટાવાલા આસાન પે બૈઠીયે, ગુરુજી આ રહેં હૈં’

શિક્ષાનું પહેલું નાનું પગથિયું ! ગુરુજી કોણ જાણે શું કહેશે એ દ્વિધામાં ટચાકડા ફોડતો હું બેસું. દૂરથી અરબી સમુદ્રનાં ઉછળતાં મોજાની જેમ મારા દિલમાં અજબની લાગણીઓ આવે અને જાય.

‘બરખુર્દાર , આ ગયે?’ અચાનક ગુરુજીનું આગમન! જમીન પર બેઠાં બેઠાં એમનો ઊંચો દેહ આસમાનને સ્પર્શતો ન હોય? ઉભા થઈને  પાછા ઝૂકીને એમના ચરણ સ્પર્શ કરૂં એ દ્વિધામાં  એ આવીને મારી સામે બિરાજમાન!  બેઠાં બેઠાં એમના ચરણસ્પર્શ કરવાનું મુનાસિબ લાગ્યું. મારું ઔપચારિક ગંડાબંધન તો પહેલાં થઇ ગયું હતું એટલે બીજી પળોજણમાં પડવાને બદલે, ‘ અરે રાજુ, વો કોનેવાલા સિતાર લે આઈયે. હાં જરા ધ્યાનસે..’

‘ચલિયે  , શુરુ હો જાઓ’

એમણે તો સાદા સા રે ગ મ પ ધ ની સા થી શરૂઆત કરી દીધી.

હડબડાટમાં મેં પણ આંગળાઇઓ ફેરવી. એમના જેવું સ્પષ્ટ અને મધુર ન વાગ્યું.

‘ઉંગલીયાં  કોઈ બાર ફિસલ જાય તો પરવાહ નહિ, લેકિન તાલ મેં રહીયે’

દસ બાર મિનિટ ફક્ત સા રે ગ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સ – વગાડતાં, બીજા સીતારીયાની માફક એમની આંખ બંધ ન થઇ જાય પણ આપણને  સોંસરવા જોતા હોય એવી પ્રતીતિ થાય.

થોડી વારે મેં મારી તાર ઉપર ફરતી આંગળીઓ તરફ છૂપું છૂપું જોઈ લીધું, કાપામાંથી લોહી તો નથી  નીકળતું ને?

‘યે કષ્ટ તો હોના હી હૈં, બજાના બરકરાર રાખિયે’ ગુરુજીની બાજ નજરે હું ઝડપાઇ ગયો, ‘ આપ નાખૂન કે બહુત નજદીકસે  બજા રહેં હૈં, થોડી  દૂર સે કોશિશ કરો’

હવે જેમ તેમ એક કાપો પાડ્યો ત્યાં જરા દૂર પાડવાનો?

દર્દનાક પરિસ્થિતિ! પણ બોલાય નહિ.

સિફતથી એક પછી એક મારી નબળાઈઓ દૂર કરતા રહ્યા.

થોડીક વારમાં એમણે સા રે ગ મ ની ગતિ વધારી. હું પણ  એમને સાથ આપવા મથતો રહ્યો.  દર્દ જાણે ગાયબ થવા લાગ્યું.

અડધો કલાક  થયો. રફીકાજી હાથમાં ટ્રેમાં  બે કપ ચા લઈને દાખલ. ગૂપચૂપ અમારા બે વચ્ચે ટ્રે મૂકીને પરત રસોડામાં.

‘બજાતે રહીયે,’ મારું ધ્યાન ચા જોઈને થોડું વિચલિત થયું એટલે ગુરુજીએ મને તાકીદ કરી.

બીજી પાંચ મિનિટ બાદ,’ચાય કે એક દો ઘૂંટ લીજીયે ઔર ફિર બજાતે રહો’

એમણે પણ એમ જ કર્યું. આ ખેલ દસેક મિનિટ ચાલ્યો. ચાની થોડી ઘૂંટ, વગાડો, પાછી ઘૂંટ , વગાડો એમ ચાલ્યા કીધું.

ગરમ ગરમ ચા પેટમાં ગઈ એટલે તાઝગી આવી. સા રે ગ મ … નો ક્રમ વધુ અડધો કલાક  ચાલ્યો.

‘બસ આજ ઇતના હી.’ 

સિતારનાં તાર પર એક કપડાંથી જરા ઘસવાના એટલે  તાર પર જામેલા તેલના ઝીણા ગઠ્ઠા નીકળી જાય. સિતારને કપડાંના કવરમાં સેરવવાનો, અને એની મૂળ જગ્યાએ  ઉભો કરીને ગોઠવી દેવાનો.

અને પછી ડાહ્યા ડમરા થઈને ખાં સાહેબની સામે ખુરશી પર બેસી જવાનું.

‘યે ચાય કે કપ??’

‘બસ ઉસે અંદર કિચનમેં રખકે આઈયે, ધોના નહિ’

‘કિતને બજે ઓફિસ પહુંચના હૈં?’

‘સાઢે નૌ’

‘તો બૈઠો થોડી દેર, હાં ‘

‘જી’

મૈ અબ ‘વાક’ પે જા રહા હૂં, આઓગે?

ગુરુ કહે એટલે જવું જ પડે. લાંબો કુર્તો અને ઢીલું પેન્ટ પહેરીને નીકળ્યા ખાં સાહેબ આગળ અને હું પાછળ.

એપાર્ટમેન્ટ બિલ્ડીંગની નીચે લિફ્ટમાં ઉતર્યા. બહાર નીકળીને લીલાવતી હોસ્પિટલ બંધાતી હતી એ દિશામાં ડાબે વળવાને બદલે જમણે વળી ગયા. એ બાજુ તો ખુલ્લી જમીન અને ત્યાર બાદ ઝોંપડપટ્ટી!

હું ચૂપ ચાપ અનુસરું.

‘રાજુ, તુમ્હે કૌનસે રાગ જ્યાદા પસંદ હૈં?’

‘ઐસે ખાસ કોઈ નહિ ‘

‘ઔર કૌનસે રાગ નહિ પસંદ?’

માર્યા ઠાર! આવું કેમ પૂછે છે મને? કોઈ ખોટો જવાબ અપાઈ જાય અને ગુરુજી ને ખોટું લાગી જાય તો?

‘ખાં સાહેબ. મુઝે રાગોકા જ્ઞાન ખાસ નહિ હૈં. આપ મુઝે સિખાયેંગે યેહી હૈં ઉમ્મીદ ‘

‘રાજુ, પસંદ- નાપસંદ ઇન્સાનકી પહેચાન હૈં. હૈં કી નહિ? મૈ ભી એક ઇન્સાન હી તો હૂં. મેરી ભી પસંદ-નાપસંદ હૈં. મુઝે કલ્યાણ થાટ કે રાગ જ્યાદા પસંદ હૈં ઔર …’

‘ઔર? ના પસંદ ? ‘ મને હવે હિમ્મત આવી. શું કહેશે ખાં સાહેબ?

ચારે તરફ હાથ ફેલાવીને મર્મમાં હાસ્ય વેર્યું અને કહે ‘ યે સબ જમીન પે જમે હુએ ઢેર દેખતે હો? ‘

ખાં સાહેબનો નિર્દેશ ખુલ્લામાં કુદરતી હાજતે ગયેલા લોકોની નિશાની સ્વરૂપ નાના નાના ઢગલાઓ તરફ હતો !

મને અકળામણયુક્ત ક્ષોભ થવા લાગ્યો.

‘યે હી તો હૈં રાગ બિહાગ, સમઝે?’ અને પછી ખડખડાટ હાસ્ય!

માણસને  પસંદ – નાપસંદ હોવી એક કુદરતી બાબત છે. શિક્ષણનો પાઠ પહેલો. સંગીતકાર બનતાં પહેલાં માણસ બનો અને ખુલ્લા દિલે હાસ્ય વેરો.

ખાં સાહેબની અસાધારણ રમૂજ વૃત્તિ કોઈ વાર મૂંઝવી નાખતી.

થોડી વારમાં અમે માઉન્ટ મેરીના સ્ટેપ્સ કહેવાતા વિસ્તારમાં આવી પહોંચ્યા.

‘અબ આપ સ્ટેપ્સસે ચઢકર અપને ઘર જાઓગે ઔર મૈ મેરે ઘર, જી હાઁ. ચલો  કલ મિલતેં હૈં.’

એમનું આ ‘જીહાં’ શબ્દપ્રયોગ એમના વ્યક્તિત્વનો એક અનોખો ભાગ હતો. ‘જીહાં’ એમ બોલે એટલે આનાકાની કરવાના ફાંફા મરાય નહિ, એમને તાબે થવું જ પડે.

ગુરુ શિષ્ય પરંપરાનો મારો પહેલો દિવસ કૈંક અંશે યાદગાર બની ગયો. નાની ઉંમરે પદ્મશ્રી મેળવનાર બહુ જૂજ કલાકારો છે. આવા કલાકારને પહેલી વખત મળીએ ત્યારે ઘડીક તો અંજાઈ જઇયે પણ  બહુ જલ્દી આત્મીય લાગવા માંડે. અમેરિકામાં હતો ત્યારે રાતભર મને દિવાનો બનાવનાર આ સંગીતકારે  વગાડેલા રાગ પહાડી, પીલુ, વિગેરે કેવી રીતે વાસ્તવમાં વગાડતા હશે એ ઇંતેજારીને વેગ મળ્યો. હું એમાંનું કેટલું શીખી શકીશ? શું ખાં સાહેબ એમનો પૂરો જાદુ મારી સામે વેરી દેશે? ઘણા ગુરુઓ, ખાસ કરીને સંગીત ગુરુઓ,  એવા હોય છે કે જે સઘળી કરામતો  કુટુંબની બહારના શિષ્યોને શીખવાડતા નથી જેથી ઉંડુ અને અટપટું  જ્ઞાન ઘરમાં જ રહે. આ ગુરુ છૂટ્ટે હાથે લહાણ કરે.

સ્વદેશ પરત થયા પછી મને જે પહેલા ગુરુ મળ્યા હતા એ હાફિઝ ખાં પહેલી મુલાકાતથી મારી  વગાડવાની શૈલીની ભૂલ કાઢતા જ રહે, આપણે જેને મનથી ગુરુ માન્યા હોય એની મશ્કરી કર્યે રાખે. અહીં મને એવો ભરોસો બંધાઈ ગયો કે આ ગુરુ મને સાચો રાહ દેખાડશે.

માઉન્ટ મેરીનાં સ્ટેપ્સ ચઢતાં વિચારે ચઢી ગયો, ‘ફક્ત સા રે ગ મ પ ધ ની સા એક કલાક વગાડીને એક મહત્વનો પાઠ ભણાવ્યો. સર્વ રાગના મૂળ સ્વરોને બરાબર ઓળખી લો, એનું રટણ કરો અને આત્મસાત કરો – પછી ભલે તમે કોઈ વાદ્ય શીખતાં હો કે કંઠ્ય સંગીત. ઘણા વિદ્યાર્થીઓ એટલામાં ‘બોર’ થઇ જાય અને પછી આડું અવળું વેતરીને ભૂસકો મારે અને બેરહમીથી પડે ભોંય પર, . જલ્દી જલ્દી સ્ટેજ પર જઈને વગાડીને લોકોની અધકચરી વાહવાહી મેળવવી હોય, મોટા નામવાળા ગુરુનું નામ આગળ ધરીને  જન સામાન્યને પ્રભાવિત કરવાની મહેચ્છા હોય.. માઉન્ટ મેરીનાં પગથિયાં ચઢતાં ચઢતાં મને જાણે આત્મ જ્ઞાન થવા માંડ્યું. શાસ્ત્રોમાં ખરું કહ્યું છે કે ‘ ગુરુ બિન જ્ઞાન કહાઁ’ અને ગુરુની સંમતિ મળે, પરિપક્વ થઈયે ત્યારે સ્ટેજ પર જવાય.

ઘેર પહોંચતા તૃપ્ત થઇ ગયો.

હવે પછીના મણકાઓમાં આપણે જોઈશું કે પાયા નંખાયા પછી મારી સંગીત સાધના કેવી રીતે આગળ વધી.

રાજેન્દ્ર નાયક

એફ ૧૦૧/૧૦૨, સેકન્ડ ઇંનિંગ્ઝ રિસોર્ટ

પલસાણા, સુરત જિલ્લો ૩૯૪૩૧૫

મોબાઈલ : 9825115814                

XXXXXXXXXXXX

ગુરુ શિષ્ય પરંપરા – મણકો ૪

ગુરુ શિષ્ય પરમ્પરા હેઠળ આજના અંક સુધી ગુરુના ચરણોમાં  મારી સાધના વિષે લખ્યું છે. હવે આ અંકમાં થોડી અલકમલકની વાતો લખવા પ્રેરાયો છું જે પણ વાચકને એટલીજ દિલચસ્પ લાગશે. એમની સંગીતોપરાંત વાતો પણ કેટલી સહજ અને અસરકારક હતી એનો ખ્યાલ આવે.

શિષ્યોના મનમાં ચાલતા વિવિધ ભાવને ઓળખવામાં  ખાં સાહેબ પારંગત. માનસિક તરંગોને આબાદ પકડી પાડે અને પછી મજાક મજાકમાં એવો તો ખુલાસો કરી નાખે કે ન પૂછો વાત. એક બે વાર એમના એક જુના અને ઘડાયેલા શિષ્યનો પરિચય થયો. એવું તો ફાંકડું વગાડે કે જાણે ખાં સાહેબ પોતે ન વગાડતા હોય? મારા મનમાં હીનતાનો ભાવ ખાં સાહેબે પકડી લીધો.

‘તુ ભી ઐસાહી બજાયેગા. બસ રિયાઝ કરતે રહો’

‘લેકિન એક પૂરે મહિને કે બાદ મૈ સરગમ તક હી પહુંચા હું . તો ….’

‘અબ તેરે જૈસે પઢેલિખેકો મુઝે સમઝાના પડેગા? મેં સિર્ફ ઔર સિર્ફ  રાસ્તા દિખાઉંગા તુંમ  બસ લગે રહો.’

ગુરુ કેવળ માર્ગ બતાવે. એ માર્ગ પર ચાલવાની હિમ્મત અને ધીરજ જોઈએ. કોઈ વાર રજાને દિવસે  મને સવારના બીજા પ્રહરમાં બોલાવે. જૂના- નવા શિષ્યોની લંગાર શરુ થઇ જાય. દરેક સાથે એમના કુટુંબના સભ્ય હોય એમ ખબર અંતર પૂછે. એકાદ જૂના શિષ્યને તાકીદ કરે, ‘ટાઈમ નહિ મિલતા હૈ રિયાઝ કા? બખુર્દાર, લગન હો તો ટાઈમ મિલ જાયેગા. જ્યાદા નહિ, બસ આધા ઘંટા કર લો, હાં  હર રોજ થોડા હાથ લગાને કી આદત ડાલો.’

‘હાથ લગા લો’ એમનું બ્રહ્મવાક્ય. શરુમાં સિતાર ખોલવાની અને ટ્યુન કરવાની આળસ આવે પણ એક વાર ખોલીને બેસો અને તાર ઝંઝણાવો એટલે આપણું મન ખુશીથી ઝૂમી ઉઠે અને ‘આધા ઘંટા’ નહિ પણ ‘ઘંટોભર’ વગાડ્યા કરવાની તલપ જાગે. રજાને દિવસે ખાં સાહેબ અનોખા રંગમાં હોય – એ  શિષ્યો અને ચાહકોથી વીંટળાયલા હોય, મજાક  મસ્તી ચાલતી હોય, રસોડામાંથી એક પછી એક ચાના કપ આવતા હોય. કોઈ વળી વીતેલા કાર્યક્રમોની યાદ દેવડાવે ત્યારે એમની લાક્ષણિક ઢબે વાત નાખે,

‘એક બાર ક્યા હુઆ કી એકાદ હોલ મૈ મેરા પ્રોગ્રામ થા ઔર બજાતે બજાતે એક કુત્તા ન જાને કહાં સે સ્ટેજ પર આ ગયા ઔર ઇધર ઇધર દેખ કે દૂસરે દરવાજ઼ેસે નિકાલ ગયા. પબ્લિક હૈરાન !

મૈ બજાતે રૂક ગયા ઔર માઈકમેં  કહા કી ભાઈ એક જમાના થા જબ  સંગીત સુનકે હિરન ઔર મોર આતે થે, વો ક્યા હૈ – અબ કુત્તે તો આતે હૈં?’

પબ્લિકને જોરોં સે તાલીયાં બજાઇ ઔર મૈ બજાનેમૈ ફિર જુટ ગયા.’

એમના બે પટ્ટ શિષ્યો જનાર્દન આઇસોલા અને રાજેન્દ્ર વર્મન રજાને દિવસે અચૂક હાજર  હોય. બીજા એક હતા પ્રસાદ જોગલેકર જેઓ પણ મારી જેમ આઈ આઈ ટી ના સ્નાતક હતા. ઘણી વાર એવું બને કે ગુરુજી અમુક મુશ્કેલ લગતા તાન શીખવે  ખરા પણ મારાથી સરખા બેસે નહિ. અઠંગ અભ્યાસી એવા જોગલેકર મારી વહારે ધાય. ઉચ્છત લડી જેવા અતિ ભરી તાન શીખતાં મારે નાકે દમ આવી જાય ત્યારે જોગલેકર મારે માટે  એકે એક સુરને ખોલી નાખે અને ધીરે ધીરે વગાડીને નમૂનો બતાવે ત્યારે સમજણ પડે.

મજાકિયા એવા કે ઘણી વાર પોતાના ઉપર ટૂચકો સંભળાવે અને ખુલ્લા દિલે હસે.

‘પ્રોગ્રામ કા એનાઉન્સર કભી ગલત તરીકે સે મેરા નામ લેતે હૈં. ‘ગફાર ખાન, ઝફર ખાન, ન જાને કઈ ઉટપટાંગ તરીકેસે  મેરી પહચાન  કરવાતેં   હૈં!’

‘જબ નયે નયે સિતાર વાદક કે રૂપ મેં મૈને કુછ નામ કમાયા તો શાદી કી છોટી છોટી મેહફીલ મેં બજાનેકા  ન્યોતા મિલને  લગા. એક સાહબ આયે ઔર પૂછને લગે, ‘ અરે કિતને પૈસે લેતે હો પ્રોગ્રામમેં બજાને કે લિયે’

‘સૌ રૂપિયા હુઝૂર’

‘અરે બાપ રે ! ઔર ઓર્કેસ્ટ્રા મેં કિતને કલાકાર આયેંગે? ‘

‘મેં ઔર મેરા તબલેવાળા. બસ’

‘બસ! યે કોઈ મજાક હૈં, દિમાગ ખરાબ હૈં ક્યા  ? બજાને વાલે દો ઔર માંગતે  હૈં ઓર્કેસ્ટ્રાકા પૈસા! ચલો ભાગો! 

ખાન સાહેબ મેટ્રિક સુધી ભણ્યા પણ  પછી કૌટુંબિક જવાબદારીઓ આવી પડી એટલે મૂછ નીચી કરીને ફિલ્મોમાં વગાડવાનું શરુ કર્યું. નૌશાદ સાથે ઘનિષ્ઠ દોસ્તી થઇ ગયેલી.એ પછી તો બીજા મ્યુઝિક ડાયરેકટરો સાથે પણ ઓળખાણ થઇ ગયેલી.

‘ગૂંજ ઉઠી શહનાઈ, (વસંત દેસાઈ) , અનારકલી (સી રામચંદ્ર,) કોહિનૂર ( નૌશાદ ) જેવી  કેટલીક   અવિસ્મરણીય ફિલ્મોમાં જાન રેડીને સિતાર વગાડ્યો.

યાદ છે ને આ ગીતો ? –  યે ઝીંદગી ઉસીકી હૈ, એક શહનશાહને બનવાકે હંસી તાજમહેલ, પ્યાર કિયા તો ડરના ક્યા અને પેલું શિરમોર સમું મધુબન મેં રાધિકા નાચે રે જેમાં અંતે વગાડેલ અફલાતૂન સિતાર!

ગૂંજ ઉઠી શહનાઈ વિષે વધુમાં કહે કે કદાચ પહેલી વખત સિતાર જેવા તંતુ વાદ્ય અને શહનાઈ જેવા સુષિર વાંધની જુગલ બંદી અસ્તિત્વમાં આવી. બધા મ્યુઝિક ડાયરેક્ટરોમાં નૌશાદ સાથે ખાં સાહેબની જુગલબંદી બહુ ખીલી. નૌશાદ અનેક ઇન્ટરવ્યૂઓમાં ખાં સાહેબનો ઉલ્લેખ ખૂબ ઈજ્જત થી કરે.

એ વિષે આગળના મણકામાં આપણે જોઈ ગયા છીએ.

વાંકડિયા વાળ ધરાવતા અને ઊંચા અને હસમુખ ખાં સાહેબ ફિલ્મ જગતમાં સૌમાં પ્રિય.

એમના કાર્યક્રમ વખતે શિસ્તના ખૂબ આગ્રહી. એક વાર ભરૂચમાં ક્યાંક એમનો કાર્યક્રમ હતો. વગાડતાં વગાડતાં એમની નજર હોલની અંદર બારી ઉપર ચઢવાની કોશિશ કરતા એક શિશુ પર પડી એટલે તરત વગાડવાનું બંધ કરીને તાડૂકી ઉઠ્યા, ‘ અરે અરે કોઈ દેખો વો બચ્ચા ગિર જાયેગા.’

એમને કોઈ શાસ્ત્રીય સંગીતના કાર્યાક્રમમાં સ્ત્રોતા તરીકે હાજર રહેવાનું આમંત્રણ મળે અને મારે સાથે અચૂક જવાનું અને એમની સાથે પહેલી હરોળમાં બેસવાનું. અચ્છા અચ્છા કલાકારો આવી આવીને એમને પગે લાગી જાય અને બાજુમાં બેઠેલા મને કોઈ મોટો કલાકાર સમજીને પગે લાગતા જાય!

એમના દ્વારા આયોજિત શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોમાં ગ્રુપ સિતારની પદ્ધતિ હંમેશાં હોય.

ગ્રુપમાં નાની સાત વર્ષની બાળકી સહીત મારા જેવા ૪૭ વર્ષના ‘કાકા’ પણ સામેલ! મારા વાળ કઇંક અંશે ધોળા થવા લાગ્યા હતા એટલે  રમૂજ કરવાની તક છોડે નહિ, ‘ પબ્લિક કો લગેગા કી કોઈ બહુત  બડે ઔર જ્ઞાની ઉસ્તાદ બચ્ચોકો સીખા રહેં હૈં !’

ગ્રુપમાં દસેક કલાકારો હોય અને પોતાની તૈયાર ધૂનો ઉપર રિયાઝ કરાવતાં કરાવતાં એટલું તો રગડે ! સાત આઠ વાર પૂરા ગ્રુપનો રિયાઝ થાય એટલે બધાંને એમ કે હવે પત્યું. પણ ખાં સાહેબ ચીકણા એટલા કે ‘બસ એક બાર ઔર – જરા જમ કે બજાઈયે’

એ ‘એક’ વાર પતે એટલે વળી પાછા, ‘ બસ એક બાર ઔર … ફાઇનલ’

એમ કરતાં કરતાં, બુચકારતાં, પાનો ચઢાવતાં અનેકો વાર રિયાઝ થઇ જાય. આટલા રિયાઝ પછી અમારા કાર્યક્રમમાં કોઈ કસર રહે ખરી?

દર વર્ષે ફેબ્રુઆરીમાં એમનો વાર્ષિક કાર્યક્રમ આયોજવામાં આવતો ( હજી પણ આયોજાય છે) જેમાં ત્રિદિવસીય કાર્યક્રમમાં એકાદ કલાકાર એવો હોય જે ઓછું  પ્રચલિત વાદ્ય વગાડતો હોય. આવા કલાકારોને પ્રોત્સાહન આપવા એ સદા તત્પર.

એમના પ્રેમાળ સ્વભાવ વિષે ઘણું લખી શકાય પણ એક કિસ્સો મને યાદ છે.

અમારી વીસમી લગ્ન તિથિ ઉજવવા મેં મારી પત્ની સાથે બહાર ડિનરનો  પ્લાન કર્યો. અચાનક એમનો ફોન આવ્યો, ‘રાજુ ઔર રંજના, આજ એક બહુત બઢીયા કલાકારકા ગાયનકા પ્રોગ્રામ હૈં તો શામ કો આ જાના’

અમે બંને તો સડક! ખાં સાહેબનું ફરમાન એટલે નઝર અંદાઝ  તો કરાય નહિ.

કચવાતે મને સંગીતના પ્રોગ્રામમાં ગયા. ખાં સાહેબને વળી કયાંથી  ખબર હોય કે આ અમારી વીસમી શાદી સાલગિરહ હતી? પ્રોગ્રામ તો સારો હતો પણ એ ક્યારે સમાપ્ત થાય એની રાહ જોતાં જોતાં રાતના  અગિયાર વાગ્યા!  ખાં સાહેબને ઘેર મૂકીને અમે અમારે ઘેર પહોંચ્યા ત્યાં મધરાત ! અમારો પ્રોગ્રામ સાવ ચૌપટ !

બીજે દિવસે વહેલી સવારે એમનો સાહિબજાદો ઝુનેઇન ખાં એક ચિઠી લઈને આવ્યો.

‘રજુ ઔર રંજના, શાદી કી બીસવીં સાલ ગિરહ કી  ઢેર સારી શુભ કામનાયે ઔર દુઆએં. ખુશ રહો!’

તો એમને યાદ હતું!

શિષ્યો પ્રત્યેનો એમનો પ્રેમ સર્વ શિષ્યગણ માટે હતો. જનાર્દન આઇસોલા નામે એમનો એક પટ્ટ શિષ્ય તો એમને ત્યાં વર્ષો સુધી જૂની  ગુરુ શિષ્ય પરંપરા અનુસાર  રહ્યો હતો અને સિતારમાં પારંગત થયો હતો.

બહાર સાંજે બેન્ડ સ્ટેન્ડ પર ચાલવા નીકળે ત્યારે સર્વે પરિચિત લોકોને પ્રેમથી ભેટે, ખબર અંતર પૂછે અને જરૂર પડે ત્યારે ઉધડો પણ લઈલે. ‘બખુર્દાર,  આજકાલ ઈદ કે ચાંદ કી તરહ નઝર આતે હો!’ શિષ્યના કુટુંબીજનો વિષે પણ અચૂક પૃચ્છા કરે. મરાઠી, ગુજરાતીમાં  જેવું આવડે એવું ગબડાવ્યા કરે.

મારું સિતાર શીખવાનું નિયમિત ચાલુ. હવે પછીના મણકાઓમા સિતાર યાત્રા કેવી રીતે ચાલી એ વિષે વિસ્તારથી લખવા પ્રયત્ન કરીશ .

XXXXXXXXXXXXXXXXX

ગુરુ શિષ્ય પરંપરા મણકો ૫

સિતાર શીખતા દરેક અભ્યાસીઓને ખ્યાલ છે કે જમણા હાથની તર્જની (index) આંગળી પર સ્ટીલના તારનો બનેલો મિઝરાબ કસીને પહેરવો પડે. શરુ શરુના દિવસોમાં મિઝરાબ પહેરીને વગાડતાં  વગાડતાં આંગળી ફૂલવા લાગે અને જયારે મિઝરાબ પહેરીએ કે કાઢીયે  ત્યારે અસહ્ય પીડા  થાય. એ સિવાય ડાબા હાથની આંગળીઓના  ટેરવાં તાર ઉપર ફેરવવાથી   અને આગળ જતાં  બાજના તારને મીંડ લેવા  lateral દિશામાં પરદા પર ખેંચતાં દમ નીકળી જાય –  ટેરવાં પર કાપા  પડે અને એ કાપામાં  આંગળીઓ ફેરવ્યા કરવી પડે. ચામડી ફાટે એટલે લોહીની ટશરો ફૂટે. આવી  પીડાને ધ્યાનમાં નહિ લેવાની  એટલે ધીરે ધીરે કાપાની આજુબાજુ ચામડી ગંઠાઈ જાય, જેને ઈંગ્લીશમાં callus  કહે છે.

સિતારના ઉસ્તાદો વળી એવી સલાહ આપે કે વખત જતાં જુના કાપાનું વળગણ નહિ રાખવાનું અને નવા નક્કોર કાપા સજાગ રહીને  પાડતા રહેવું. નવા કાપા  પાડવા એટલે નવી પીડા! ઘણા ગુરુજનો ડાબા હાથની આંગળીઓના ટેરવાં પર medicated ટેઈપ લગાવવાની સલાહ આપે.

ખાં સાહેબ કહે સિતાર સિખના  હૈ  તો યે સબ પીડા ઝેલની પડેગી. લેકિન એક બાર ઉંગલીયાં   સેટ હો ગઈ ફિર. યું કહો,   જૈસે જન્નત હાંસિલ હો ગયી. ઉંગલિયોપે ટેઈપ કભી  લગાના નહિ.

એમની સાથે કલાક સુધી બેસીને વશીકરણ જેવું થઇ જાય અને સાનભાન ભૂલીને પીડાને ન ગણકારીયે.

મુખ્ય બાજના તાર પછી આવે જોડનો તાર જે મંદ્ર સપ્તકના ષડ્જ સાથે મિલાવેલો હોય. રિયાઝ જેમ આગળ વધતો ગયો તેમ મંદ્ર   સપ્તકમાં આંગળીઓ લઇ જાવ એટલે સંભવતઃ ગંઠાઈ ગયેલા  કાપ પર ન પડે એટલે વળી પીડા. ઓય માં!

ખાં સાહેબ કહે ‘બસ ઉંગલી જોડેકે તાર પર લે જાઓ ઔર ગદ્દે (કાપા ) પર  પડે ના પડે આપ બજાતે રહીયે. ગદ્દે  પર તાર અપને આપ આ જાયેગા,  ઉસે જાનબૂઝકર લાનેકી કોશિશ ના કરીયે.’

આ જાતની સૂક્ષ્મ સૂચનાઓ આપી ને રિયાઝ આસાન કરી નાખે. પીડાની ફરિયાદ તો એ બિલકુલ સાંભળે નહિ. ગુરુજીની  જય !

મારે સદ્દભાગ્યે  સિતારની ટ્રેનિંગ પંડિત મનહર બર્વે પાસે અગાઉથી મળી હતી એટલે પલાંઠી વળીને બેસવામાં કોઈ તકલીફ ન હતી. સિતારના સાવ નવા વિદ્યાર્થીને આ સર્વે  તકલીફો આવે જ છે. એનું નિરાકરણ સમઝપૂર્વક કરે એ સાચા અર્થમાં ગુરુ કહેવાય.  કોઈ જાતની ઉતારી પાડવાની   કે શિષ્યની હરકતોની અવહેલના ન થાય. વારંવાર શિષ્યને સંભળાવતા રહેવું કે ‘ આ બધું એમના ‘બસ’ ની વાત નથી  અને સિદ્ધિ મેળવવા ઘણા વર્ષો સાધના કરવી પડે ‘ આવી સૂચના આપી આપીને શિષ્યમાં  હીનતાનો ભાવ પેદા કરવો એ ગુરુની  અપરિપક્વતાની નિશાની  છે. બસ ધ્યાન સે બજાતે રહો ઔર આપ ભી ઉસ્તાદ બન સકતે હો.

સૌથી પહેલી શરૂઆત એમણે સીધા કલ્યાણ ઠાઠથી કરી.  યમન રાગ એમને અતિ પસંદ.

મને યમનની ખૂબીઓ વિષે ખબર હતી એટલે સારું લાગ્યું.

ઉચ્ચ અભ્યાસાર્થે હું ૧૯૬૯ માં USA ગયો એ પહેલાં પંડિત મનહર બર્વે પાસે સિતારની ટ્રેનિંગ લીધી હતી. રાગનું જ્ઞાન નહિવત. પહેલ વહેલો યમન રાગ શીખવ્યો.

ગત આ પ્રમાણે શીખવી ‘ ગ઼ ગ઼ રે રે સા સા ની ની રી રી ગ઼. ગ઼. ગ઼.

‘અરે આ તો પેલા ફિલ્મી ગીત ‘તેરે હુસ્ન કી ક્યાં તારીફ કરૂં ‘ ના અંતરાનો પહેલો ટૂકડો છે.’  હું બોલી ઉઠ્યો.

‘અરે હશે પણ આપણી આ યમનની ગત છે એ તમે પહેલા સમઝો’. પંડિત બર્વેએ ટકોર કરી.

ફિલ્મી સંગીત પ્રત્યે એમનો તિરસ્કાર ફલિત થતો હતો.

ઉસ્તાદ હલીમ જાફર ખાને તો કારકિર્દીની શરૂઆતમાં  અસંખ્ય  ફિલ્મોમાં સિતાર વગાડ્યો હતો એટલે શાસ્ત્રીય અને ફિલ્મી સંગીત બંને એમને પ્રિય.     

હવે એમણે યમન રાગ કેવી રીતે શીખવ્યો?

યમનમાં અચાનક તાર ખેંચીને એમણે વગાડ્યું:

‘ની રે ગ મ પ મ પ મ ગ઼ રે સા

ની રે ગ઼ મ પ ધ પ મ ગ઼ રે સા.’

‘ગ઼’ ની આગળના ઊંચા સૂરો એમણે ગ઼ ના પરદા પર તાર ખેંચીને વગાડ્યા.

‘હે ભગવાન’ ગ઼  થી પ સુધી ખેંચવાનુંય તો સમજ્યા પણ ગ઼ મ પ ધ ‘ સુધી કેવી રીતે ખેંચાય? વળી તાર તૂટી  જાય તો?’ શિષ્યની  વિડંબણા!

‘અરે કુચ્છ નહિ હોતા  હૈ. ચલો બજાઈયે – વો આ જાયેગા ‘

ખાં સાહેબનું બ્રહ્મવાક્ય આવ્યું એટલે જાણે બધા બંધ દરવાજા ખૂલી ગયા.

મેં એમના જેવું લગભગ વગાડ્યું એટલે એ તો ખુશ.

‘દેખા….. વો આ જાતા હૈ’  આ રહ્યું એમનું ‘ સશક્તિકરણ ( empowerment )

રિયાઝ માટે એ કહેતા કે ‘કેટલા કલાકો  રિયાઝ કરો છો એના કરતા સમઝીને કરેલો એક કલાક રિયાઝ વધુ સારો’

ઘણા ઉસ્તાદ / પંડિતો માટે એમ કહેવાતું  કે શરૂમાં એક જ રાગ પકડાવી રાખે અને એકાદ બે વર્ષ એજ રાગ ચાલ્યા કરે. ગુરુજીને એવું ન હતું. All  Round training માટે  અચાનક રાગ બદલાવી કાઢતા.

પહેલા તો રાગના ઢાંચા  ઉપર  સખત રિયાઝ કરાવે. સપાટ તાનની જેમ, રાગના ઠાઠને અનુસરીને સરગમ પર અનેકો વાર વગડાવે. તાલ અને લય કાયમ રાખવાની. જો  ભૂલ થઇ જાય તો પરવા નહિ પણ તાલ અને  લય ચૂકવા  નહિ.  એટલે રિયાઝ દરમ્યાન એક seamless  પ્રવાહ  મગજમાં ગોઠવાઈ જાય જે   શ્રોતાઓ ની સામે આપણે જ્યારે વગાડીએ ત્યારે કામ આવે.

ધીરે ધીરે લય વધારતા જાય અને મારે એને અનુસરવાનું.

ત્યાર બાદ એમનો ખાસ પ્રકારનો રિયાઝ આવે;

સા રે સા રે ગ઼ રે સા રે ગ઼ મ ગ઼ રે સા રે ગ મ પ મ ગ઼ રે સા રે ગ઼ મ પ ધ પ મ ગ઼ રે સા રે ગ઼ મ પ ધ ની ધ પ મ ગ઼ રે સા રે ગ઼ મ પ ધ ની સાં ની ધ પ મ ગ઼ રે સા રે ગ઼ મ પ ધ ની સાં

એજ પ્રમાણે સપ્તકમાં ઊંચે થી નીચે આવવાનું. જાણે કે સૂરોમાં ભરતકામ કરતા હોઈએ એવી અનુભૂતિ થાય.

જેમ કે :

સાં ની સાં ની ધ ની સાં ની ધ પ ધ ની સાં ની ધ પ મ પ ધ ની સાં ની ધ પ મ ગ઼ મ પ ધ ની સાં ની ધ પ મ ગ઼ રે મ પ ધ ની સાં ની ધ પ મ ગ રે સા રે ગ઼ મ પ ધ ની સાં ની ધ પ મ ગ઼ રે સા.

આટલું કરીયે એટલે તીન તાલમાં ચપોચપ બેસી જાય! એકાદી ભૂલ કરો તો તાલ ચૂકી જવાય – અક્ષમ્ય!

ખાન સાહેબનો ખાસ આગ્રહ કે રિયાઝ પણ તાલમાં થવો જોઈએ.

ઉપર દર્શાવેલ રિયાઝ આંગળીઓ માંડ માંડ   set   થઇ જાય ત્યાં નવું ફરમાન!

અબ દેખિયે –  યે તો ઉસકા ભી બાપ હૈ:

સિતારના ખુલ્લા બાજ તારથી મંદ્ર સપ્તક નો  શુદ્ધ મ નીકળે ત્યાં થી  શરુ કરીને સિતારના  આખા  ફલક પર આંગળીઓ રમાડતાં ઠેઠ તાર સપ્તકના મ સુધી ઉપર મુજબના ઝુમખાંઓમાં વગાડવું.

જેમ કે

મ પ મ પ ધ પ મ પ ધ ની ધ પ મ પ ધ ની સા  ની ધ પ મ પ ધ ની સા રે ….. એમ કરતાં કરતાં તાર સપ્તકના મ સુધી!

આને  ‘ઉસકા બાપ કહેવું વ્યાજબી લાગ્યું ને?

આ પ્રમાણે સમ્પૂર્ણ રિયાઝ ગુરુજી  વગાડતા હોય એમની સામે બેસીને કરવાનો, એમની લય સાથે તાલમાં વગાડવાનું.

ખાં સાહેબ જન્મે મુસ્લિમ ખરા પણ ચુસ્ત નહિ. એમને સર્વે ધર્મ માટે સમભાવ.

મેં આગળ લખ્યું તેમ મારી ગંડા  બંધન વિધિ  ( શિષ્ય તરીકે સ્વીકારવાની વિધિ ) વખતે એમણે  ગાયત્રી મંત્ર ભણેલો.

અમારા સંયુક્ત રિયાઝના સમયે દૂર બાંદ્રા ખાડ઼ીને પેલે પાર માહીમની મોટી મસ્જિદમાં અઝાન સંભળાય. એ એક બે મિનિટ માટે ખાં સાહેબ રિયાઝ આદરપૂર્વક બંધ કરાવે. ચાર પાંચ વર્ષના સંગાથમાં મેં એમને કોઈ દિવસ મસ્જિદમાં નમાઝ પઢવા  જતા જોયા નથી. હા, એમને જુહુ સ્થિત ઇસ્કોન મંદિરના ઓડિટોરિયમમાં વગાડવાનું આમંત્રણ ઘણી વાર મળતું. એ ઉપરાંત મૈસુરના રાજાના એઓ પ્રિય સંગીતકાર. કર્ણાટકી સંગીતમાં પ્રચલિત ‘કીરવાની’ નામનો  રાગ હિન્દુસ્તાની પદ્ધતિમાં અપનાવીને એવો તો વગાડતા કે દક્ષિણ ભારતમાં એમનું નામ ‘કીરવાની ઉસ્તાદ’ તરીકે જાણીતું થઇ ગયું.

ગણપતિ ઉત્સવ વખતે એમને હિન્દુઓના ઘેર સજાવેલી ગણેશની મૂર્તિ સામે વેસીને વગાડવાનું આમંત્રણ નિયમિત મળે તે સામાન્ય હતું.

પોતાના સિતારની જાળવણી માટે એ ચોક્કસ. રિયાઝ પતે એ પછી સિતારના બાજ અને બીજા તારોને કપડાંથી ઘસીને સાફ કરવાના, ‘તરફ’ના તાર ( મુખ્ય તારની નીચેના સ્તરે ગોઠવેલા તારનું ઝૂમખું  જેને sympathetic strings કહે છે ) નીચે થોડી ઘણી ધૂળ જામી હોય એને સાચવીને રૂમાલ સેરવીને સાફ કરવાની. સિતારને કપડાની ખોલમાં સાવધાનીથી સેરવીને એક ચોક્કસ રીતે સિતારને પકડીને એની  જગ્યાએ બીજા સિતાર સાથે ઉભો ગોઠવી દેવો.   અને હા, ગુરુ શિષ્ય પરંપરા અનુસાર ચા ના ખાલી કપ રસોડાના પ્લેટફોર્મ પર મૂકી આવવાના – ખબરદાર , ધોવા નહિ !

‘અચ્છા તો ખાં સાહબ મુઝે આજ્ઞા હૈ અબ?’ હું એમને વળીને પગે લાગવાની ચેષ્ટા કરું તો મને તરત પકડીને ઉભો કરી દે અને  ગળે લગાવે.

‘કભી રંજનાંકો ભી લે આઇયે, હાં ? ઉનકો ભી ગાના સીખા દેંગે! ઔર વો તુમ્હારી  બડી બેટી ક્યાં કર રહી હૈ? આપકે સાથ વો ભી સિતાર બજાયેંગી તો ક્યા જુગલબંદી હોગી બાપ બેટી કી , માશા અલ્લાહ !

મિત્રો, આ પ્રકરણ જરા વધુ ટેક્નિકલ થઇ ગયું પણ જરૂરી હતું. હવે કરશું વાત એમના વિશિષ્ટ ‘જાફરખાની બાજ’ની, જે વિષે એમને ઈંગ્લીશમાં પુસ્તક લખવાની મને પ્રેરણા આપી- બરાબર જે રીતે વ્યાસ મુનિએ લખાવ્યા મુજબ શ્રી ગણેશે મહાભારત નું નિર્માણ કર્યું.

XXXXXXXXXXXXX

ગુરુ શિષ્ય પરંપરા મણકો ૬:

ખાં સાહેબને જેટલો લગાવ સિતાર માટે હતો તેટલો જ આદર  બીજૉ વાદ્યો પ્રત્યે હતો. દર વર્ષે ફેબ્રુઆરી ૧૮ મી એ એમનો જન્મદિવસ હોય એટલે શાસ્ત્રીય સંગીતના ભવ્ય  ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન થાય. લગભગ ડિસેમ્બરથી એની તૈયારી ચાલુ થઇ જાય. ક્યા દિગ્ગજ કલાકારને આમંત્રણ આપવું એની ચર્ચા થાય. એ ભલે ગાયક હોય, સરોદ વાદક હોય, વાયોલિન વાદક હોય, સંતૂર વાદક હોય કે પછી સિતાર વાદક પણ હોઈ શકે.

કાર્યક્રમની શરૂઆત ગ્રુપ સિતારથી થાય. આ ગ્રુપ સિતાર એમની બીજી લાક્ષણિકતા! સાત-આઠ શિષ્યોને તૈયાર રાગ અને એના તાન શીખવ્યા હોય એની પ્રેક્ટિસ કરાવે. બધાં  ભેગાં વગાડે અને ખબરદાર, એક પણ ચૂક ન થાય! એટલો તો રિયાઝ કરાવે કે શિષ્યો થાકી જાય. ઘણા  ખરા રિયાઝ સેશન એમના ઘેર હોય. પાંચ-છ વાર રિયાઝ થાય એટલે શિષ્યો સંતુષ્ટ થઇ જાય, પણ આપણા ખાં સાહેબ? એક બાર ઔર, ફિર ફાઇનલ, ઔર એક બાર, બસ અબ ફાઇનલ કરી કરીને વધારાના પાંચ છ સેશન્સ થઇ જાય. એટલા રિયાઝ પછી પ્રોગ્રામ વખતે પેશગી એકદમ ધારદાર! શ્રોતાઓ વાહ વાહ કરી ઉઠે.

એક વખત નહેરુ સેન્ટર. વરલીમાં કાર્યક્રમ હતો. કોઈ કારણે ગ્રુપ સિતારના રિયાઝથી થોડા અસંતુષ્ટ હતા. એટલે પ્રોગામ શરુ થતાં  પહેલા છેલ્લી પંદર મિનિટમાં પાછા બધાને સિતાર લઈને સ્ટેજ બેસાડ્યા, પરદો બંધ કરાવીને  અને મંડ્યા રિયાઝ કરાવવા. હું મુખ્ય ઓડિટોરિયમમાં મહેમાનોની આગતા સ્વાગતમાં. આમંત્રિત મહેમાનો આવવા લાગ્યા. અંદર પરદા પાછળ રિયાઝનો અવાજ સંભળાય, ખાં સાહેબનો માર્ગદર્શન આપતો અવાજ  પણ સંભળાય. એટલામાં નહેરુ સેન્ટરના ડાયરેક્ટર શ્રી સોનટકકેનું આગમન! આ બાજુ ખાં સાહેબ બંધ પરદા પાછળ રિયાઝ કરાવવામાં મશગૂલ , સમયનું ભાન નહિ.

સોનટકકે સાહેબ કહે, ‘ યે ક્યા હો રહા હૈ? યે ખાં સાહબ ભી બડી ચીજ  હૈ. સબકો તયાર હોકે આના ચાહિયે ના? . અબ તો શ્રોતા ભી આને લગે.’

એ ધુંવાફુંવા થઈને  દોડ્યા સ્ટેજ તરફ અને હું પાછળ! ડાયરેક્ટરનું ફટકે તો વલે જોવા જેવી થાય..

સદ્ભાગ્યે એ જેવા સ્ટેજ પર ચડ્યા તેવો રિયાઝ બંધ.

‘અરે આઓ આઓ  સોનટકકે, બસ મામલા ખતમ’ કરીને ખાં સાહેબ એમને શાંત પાડીને ગ્રીન રૂમમાં ખેંચી ગયા.

મારા વખતમાં પંડિત શિવકુમાર શર્મા, ગાયક પંડિત કુમાર ગંધર્વ, સરોદ વાદક ઉસ્તાદ અમજદ અલી ખાં પ્રમુખ હતા. એ ઉપરાંત એમનો આગ્રહ હતો કે દર વર્ષે એકાદ અપ્રચલિત વાદ્ય લોકો સમક્ષ રજુ કરવું. એક વખત વિચિત્ર વીણાનો કાર્યક્રમ પણ રાખેલો. ત્રીજે દિવસે આખરે એમનું પોતાનું સિતાર વાદન હોય જેની શ્રોતાઓ  ભારી ઉત્કંઠાથી રાહ જુએ. રાગ પણ દર વર્ષે અપ્રચિલત લઇ આવતા.

નવા વાદ્યોને પ્રોત્સાહન આપવામાં એમનો જવાબ નહિ. એક વખત મને ‘પ્રથમ તરંગ’ વગાડતાં સાંભળી લીધો પછી એમણે જાતે મારા સ્વતંત્ર કાર્યક્રમો આયોજયા. એ  રસપૂર્વક મારું વાદન સાંભળે અને મને પ્રોત્સાહિત કરે. મારી કોઈ ભૂલ થાય તો કાર્યક્રમની સમાપ્તિ પછી ધીરે રહીને કહે, ‘ અચ્છા બજાયા, હાં એકાદ બાર  ખાલી પર સમ આ ગયા. લેકિન કોઈ બાત નહિ, બડે બડે ઉસ્તાદોંકા ભી હોતા હૈ, ખુશ રહો.’

મારી સિતાર સાધના શરુ થયે બે ત્રણ વર્ષ વીતી ગયાં. એક દિવસ મને ધીર ગંબીર ચહેરે કહેવા લાગ્યા, ‘ રાજુ, સબ લોગ જાનતે  હૈં  કી મૈને  ‘જાફર ખાની  બાજ ‘ કા આવિષ્કાર કિયા હૈં. દેખિયે ના , વેસ્ટર્ન મ્યુઝિક કે દિગ્ગજો કે સાથ ફ્યુઝનકા કામ ભી મૈને  બહુત  સાલ પહેલે શુરુ કર દિયા થા. રવિ શંકરને બાકાયદા ઇસ દિશામે બહુત કામ  કિયા હૈં લેકિન કઈ લોગોંકો યે  પતા નહિ હૈં કી ૧૯૫૮ મેં મૈને જાઝ કે દિગ્ગજ દેવ બ્રૂબેક કે સાથ જુગલ બંદી કી થી. કુચ્છ ઇસી તરહ, વેસ્ટર્ન દુનિયામેં મેરે  ”જાફર ખાની  બાજ’ કે બારેમેં  કુછ પતા નહિ હૈં. જો ભી મટીરીઅલ હૈં વો સબ હિન્દીમેં હૈં.’

મેં તરત જ પ્રોપોઝલ મૂકી, ‘ અગર આપ ઈજાજત દેં તો હમ  ”જાફર ખાની  બાજ’  કે બારેમેં ઈંગ્લીશમેં કિતાબ લિખ સકતે હૈં.’

એમની આંખોમાં આંસુ  આવી ગયા. ‘ ક્યા યે તૂ કર સકતા હૈં?’

‘ ક્યુ નહિ?’

આમ શરુ થયો  અમારા વાર્તાલાપનો સિલસિલો.

રોજ એ મને એમના બાજની ખૂબીઓ વિષે કહે, વગાડી બતાવે અને હું સમજીને એને ઈંગ્લીશમાં અનુવાદ કરું. આંગળીઓ ક્યાં અને કેવી રીતે મૂકવી, કેમ ખેંચવી, કેવી રીતે એક થી વધારે સુર પર આંગળીઓ મૂકીને વગાડવું , કેવી રીતે એમનો સ્પેશ્યલ ‘એકો’ ઇફેક્ટ  સિતાર પર વગાડી બતાવવી, ઝમઝમા એટલે ખરેખર શું છે, ખટકા ,ગમક અને મુરકી વચ્ચે ભેદ શો છે, લડી એટલે શું અને ઉછત લડી એટલે શુ?. એ ઉપરાંત રાગ વગાડતાં પહેલા તરફના તારના ઝણઝણાટને બદલે એકો કેવી રીતે વગાડવો, શા માટે આલાપને અંતે ઝાલા નહી વગાડવાનો, સૌથી  છેલ્લે ઝાલા એટલો જ ફાસ્ટ વગાડવો જ્યાં સુધી તમે ગત સ્પષ્ટ પણે વગાડી શકો. ચીકારીના તાર કેવી રીતે વગાડવા અને ક્યારે ન વગાડવા, ઝાલા વખતે ચીકારી એકદમ સ્પષ્ટ રીતે બોલવી જોઈએ, વિગેરે વિગેરે લંબાણથી સમજાવે અને વગાડી બતાવે અને મને વગાડવા કહે જેથી હું સમજી શકું કે જાફર ખાની બાજ છે શું?

આ બધા અટપટા વિષયને ઈંગ્લીશમાં કેવી રીતે લખવો અને ખાં સાહેબની સ્વીકૃતિ લેવી એ મારે માટે  ખરો પડકાર હતો  બધું પર પાડતાં લગભગ છ મહિનાનો સમય વીતી ગયો. પુસ્તક લખાઈ ગયું અને પ્રિન્ટમાં મોકલવાને વાર. 

વર્ષ ૨૦૦૦ નો લગભગ અંત આવી ગયો હતો અને મારે અચાનક અમેરિકા જવાનું થયું. હું વિમાસણમાં કે હવે પુસ્તક પ્રકાશિત થતાં સમય જશે. મારા  આઈ  આઈ ટી ના એક બીજા સહપાઠી સીતાપતિ ગણેશની પત્ની  કમલા વહારે ધાઈ. હું છ મહિના અમેરિકા રહ્યો ત્યાં સુધીમાં એણે બાકીનું બધું  કામ સારી રીતે પર પાડ્યું. જાફર ખાની બાજ જેવા ગહન વિષય ઉપર કદાચ આ એક માત્ર પુસ્તક છે.

જાફરખાની બાજ ની સમજણ ઉપરાંત એમાં ખાં સાહેબે રચેલી કેટલીક ગત અને તાન આપ્યા છે. મારી જાણ મુજબ પુસ્તક આઉટ ઓફ પ્રિન્ટ છે. કોઈ સંગીતના રસિયા બીડું ઝડપે તો આપણે રિપ્રિન્ટ કરાવી શકીયે.

વર્ષ ૧૯૯૪. સ્વતંત્ર સિતારના એકલ કાર્યક્રમ કરી શકું એટલો આત્મવિશ્વાસસ હજી આવ્યો ન હતો. ખાં સાહેબ સાથે કરેલા રિયાઝને લઈને  સિતાર પર આંગળીઓ કુશળ તાથી ફરતી થઇ ગઈ હતી. લાઈવ કાર્યક્રમ પ્રત્યક્ષ જોઉં  ત્યારે અચૂક ખ્યાલ આવે કે તબલા સાથે વગાડવું એ કઠિન હતું. ખાસ કરીને ગત, મંઝા અને અંતરા  સમાપ્ત થાય એ પછી  નવા  તાન  કેવી રીતે વિચારવા, અને તાલના સમ પર સફળતા પૂર્વક આવવુ કેવી રીતે ? આવી ચોક્કસ ટ્રેઇનિંગ એમણે આપી ન હતી.

એક દિવસ મેં બીતાં બીતાં  પૂછ્યું. ‘ ખાં સાહેબ, યે તબલે  કે સાથ કૈસે  બજાયેં?’ 

હસતાં હસતાં કહેવા લાગ્યા, ‘ દેખો ધબડાનાં  નહિ હૈ. યે બડી આસાન ચીજ હૈ. આપને જો અબ તક સીખા  હૈ ઉસીમેંસે નયે તાન નીકલેંગે. ઇતના સારા દિમાગમે ઘૂમ રહા હૈ તો ક્યા પરેશાની હૈ? કુછ તાન મૈને સિખાયે હૈ વો તો દો મિનિટ મેં ખતમ હો જાયેંગે, હૈ ના? આગે ક્યા બજાના?’

‘જી ખાં સાહેબ’

‘તબલે કે બોલ કો ઠીક સે પહચાનો. આપ જો તાન જાનતે હો ઉસીમે વહીં બૈઠે બૈઠે કુછ કુછ પરિવર્તન કરકે નયે તાન બનાઓ. શર્ત યે હૈ કી આપકા એક કાન તબલે કે ઠેકે પે હોના ચાહિયે ઔર સમ આતે હી આપ ભી સમ પર આ જાઈયે. આઓ મૈં તબલા બજાતાં હૂં ઔર આપ સિતાર બજાઈયે ઔર મૈને કહા વૈસે એક કાન ઠેકે પે રાખીયે ઔર તાનમેં પરિવર્તન કરતે કરતે સમ પર આને કી કોશિશ કરતે રહો. હૈ ના બડા આસાન?’

હું શું બોલું ? એ તબલાં લઈને બેસી ગયા અને મને કહે બજાઓ! મારી સાથે  તબલાં વગાડવામાં કોઈ નાનમ નહિ. બડા આસાન હૈ, બડા આસાન હૈ કરતાં કરતાં મારો આત્મવિશ્વાસ અને જુસ્સો વધારી  દીધા.’

આનું નામ એમ્પાવરમેન્ટ!

‘લેકિન, તિહાઈ કૈસે બજાયેં? ‘

‘અબ વો ઝંઝટ મેં મત પડો. વો અપને આપ આ જાયેગા’

ખરેખર, આજે મને સમજાય છે કે  મહેનત અને સહજ સફુરણાથી સર્જનાત્મક સિદ્ધિ મળે છે.

૧૯૯૫ માં હું જુહુમાં મારા પોતાના ફ્લેટમાં રહેવા જતો રહ્યો ત્યાં સુધી ગુરુ શિષ્ય પરંપરા હેઠળ લગભગ ૪ વર્ષ મારી  સંગીત  યાત્રા અવિરત ચાલી. ઘણું શીખ્યો અને બીજું ઘણું જાતે શીખવાની તમન્ના ખાં સાહેબે જગાવી. આ પછી અવારનવાર મળવાનું થયું તે છેક જાન્યુઆરી ૨૦૧૭ સુધી જયારે ગુરુજી જન્નત નશીન થઇ ગયા. મારા કમભાગ્યે ત્યારે હું શ્રી લંકા ગયો હતો એટલે આખરી દર્શન ન થયાં પણ એ હજી જીવે છે મારા અને અનેકો શિષ્યો અને ચાહકોનાં હૃદયમાં. મુંબઈ પાછા આવીને માહિમમાં એમની સાદી કબર પર ફૂલ ચઢાવવા ગયો ત્યારે મારી સાથે એમનો સિતારવાદક પુત્ર, અને મારો ગુરુ ભાઈ ઝુનેઇન ખાન, હતો. જાફર ખાની  બાજ હવે એના કાબેલ હાથમાં હતું.

ખાં સાહેબની પ્રેરણાથી સિતાર વાદ્યમાં આવતી ‘જાફરખાની બાજ’ ની સર્વ ખૂબીઓ હું  મારા પ્રથમ તરંગમાં સમાવેશ કરી શક્યો છું જે આપ મારા અસંખ્ય YouTube  વિડિઓમાં જોઈ શકશો.  (search YouTube under Pratham Tarang Rajendra Naik)

આજે મને કોઈ પૂછે કે તમે સમુદ્રમાં અજ્ઞાત ટાપુ પર ફસાઈ જાવ તો કઈ સી ડી સાથે રાખો… તો કહીશ કે એમનો સદા બહાર પહાડી રાગ.

અહીં ‘ગુરુ શિષ્ય પરંપરા શૃંખલા’ સમાપ્ત કરૂં છું. આવતા અંકથી અપણે  શાસ્ત્રીય સંગીત આધારિત હિન્દી ફિલ્મોનાં યાદગાર  ગીતોનો પરિચય ફરી શરુ કરશુ.

રાજેન્દ્ર નાયક

પલસાણા ( સુરત ડીસ્ટ્રીકટ)

મોબાઈલ 9825115814

સમાપ્ત

નોંધ: ૬ લેખોની આ લેખમાળા ‘કલા વિમર્શ’ નામે એક સમૃદ્ધ સામાયિકમાં પ્રથમ રજૂ થઇ


Leave a Reply