આપણા સંગીતના ભવ્ય વારસાની વિડંબણા:
ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાને ફક્ત સાચવવાની જ નહિ પરંતુ એને વધુ સમૃદ્ધ બનાવાની ઉત્કં ઠા આપણને સૌને છે . એકં દરે આ સત્ય છે એ નિર્વિ વાદ છે પણ ચોક્કસ સંદર્ભમાં સંગીત-વારસા બાબત સભાન થવાની આવશ્યકતા છે . સંગીતમાં એક એવી સરળ શક્તિ છે કે જીવનમાં કોઈ પણ પળે આનંદની લહેરખી ફરકાવી શકે . જો કે આ તો બીજી ઘણી અભિનય કલાને લાગુ પડે છે પરંતુ સંગીત એક સહજ કલા છે – તમે ધારો ત્યારે મનગમતું ગીત ગણગણી શકો, ધારો ત્યારે હાથ કે પગના ઠેકાથી તાલ આપી શકો, ધારો ત્યારે આંખો બંધ કરીને પોતાનું પ્રિય ભજન મનમાં ગાઈ શકો. બાળક જન્મે ત્યારે એની સમઝમાં ગાતું ગાતું જન્મે અને પ્રેમથી સુવડાવે ત્યારે માં હાલરડું ગાય.
આપણા ચાર વેદોમાંનો સામવેદ ભારતીય સંગીતને અનુલક્ષીને રચાયો છે . ભારત સ્વતંત્ર થયું એ પહેલાં રાજા મહારાજાઓના આશ્રય તળે સંગીતની પરંપરા કેટલેક અંશે અકબંધ રહી. ભારતના એકે એક રાજા સંગીતકારોને આશ્રય આપતા એવું પણ નથી. જે આપતા હતા એમના સંગીત રત્નોની સભામાં એકે એક શ્રોતાને ખરેખર શાસ્ત્રીય સંગીતમાં રસ હતો જ એવું પણ નથી. રાજાએ ગોઠવેલી સંગીત સભામાં હાજરી આપીને કદાચ રાજાની નજરમાં વહાલા થવા પણ હાજર રહયા હોય. પરંતુ આશ્રિત સંગીતકારો થકી વારસો જળવાઈ ગયો.
દિગ્ગજ કલાકારો પોતાની કલા પેશ કરતા ગયા અને સાથે સંશોધન કાર્ય પણ કરતા ગયા. વિજ્ઞાનના આધુનિક ઉપકરણો ઉપલબ્ધ થયા એના સેંકડો વર્ષ પૂર્વે સંગીતવિદો એ સુરનો ગોઠવણી અને એના અંદરોઅંદરના સંબંધ વિષે અઢળક ગાણિતિક સંશોધન કરી ચૂક્યા હતા. એની વિસ્તૃત ચર્ચા ફરી કોઈ વાર પરંતુ રાજા મહારાજાઓના આશ્રયમાં ઓટ આવી એ અરસામાં ફિલ્મ સંગીતનો ઉદ્દભવ થયો અને સજાગ ફિલ્મી સ્વરકારોએ રાગ રાગિણીઓનો સહારો લઇ જનસામાન્યને ગળે ઉતરે એવાં ગીતોનું નિર્માણ કર્યું. આજે ભલે શાસ્ત્રીય સંગીતના કહેવાતા ખેરખાં ફિલ્મ સંગીતને અછૂત ગણતા હોય પણ એ જ ખેરખાંઓની સંગીત સભામાં આનંદ માણતા રસિકોને રાગની ઓળખ ફિલ્મ સંગીતથી થઇ હોય છે .
જેમ કહે છે ને કે ‘ the way to a man ‘ s heart is through his stomach ‘ તેમ નિશ્ચિત રૂપે કહી શકાય કે જનસામાન્યમાં શાસ્ત્રીય સંગીતને મહેકાવવું હોય તો શાસ્ત્રીય રાગ પર આધારિત ઉત્કૃષ્ટ ફિલ્મી ગીતોનો સહારો લેવો વ્યાજબી છે . ઘણા દિગ્ગજ શાસ્ત્રીય સંગીતકારોના જીવનમાં ડોકિયું કરીએ તો દેખાશે કે એમની કારકિર્દીની શરૂઆત ફિલ્મોમાં કલા રજુ કરીને થઇ અથવા ફિલ્મ સંગીતમાં ગાયા વગાડ્યા પછી નામના વધી.
કહેવાનું તાત્પર્ય એ છે કે સંગીતના આપણા ભવ્ય વારસાને જનસામાન્યમાં જાગૃત કરવા ફિલ્મી સંગીતનો સમજપૂર્વક સહારો લેવો એ એક સરળ રસ્તો છે . માલકૌંસ રાગમાં ક્યા સુર આવે, ક્યા સુર વર્જિત છે , પકડ કઈ છે એ આંટીઘૂંટીઓ રસિકજનો કદાચ નહિ જાણતા હોય પણ ફિલ્મ બૈજુ બાવરાનું ગીત ‘મન તડપત હરિ દરસન કો આજ ‘ માલકૌંસ રાગ પર આધારિત છે એ સૌને ખબર છે .
દરબારી કાનડા રાગ ‘ઓ દુનિયા કે રખવાલે’ ગીતથી વધુ ઓળખાય છે. આનો અર્થ એ નથી કે ગુણીજનોએ રાગ રાગિણીઓનું વિધિસર અધ્યયન ન કરવું જોઈએ. રાગ રાગિણીઓને વિસ્તૃત રીતે સમજવાની જેને
ઉત્કંઠા હોય એણે બિલકુલ કરવું જોઈએ . મેલોડી પ્રધાન ફિલ્મી ગીતો એ શાસ્ત્રીય સંગીતના વ્યવસ્થિત અભ્યાસનો પર્યાય નથી, પણ એને પ્રથમ. સંનિષ્ઠ પગથીયું મનાય.
આટલી સરળ બાબત જો કોઈ જાતના પૂર્વગ્રહ વગર સ્વીકારીએ તો જનસામાન્યને એક અનોખી રીતે આપણા સંગીતના ભવ્ય વારસા તરફ દોરી શકાય.
આ યુગના મહાન સિતારવાદક ઉસ્તાદ શાહિદ પરવેઝને એક ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે ‘તમને રાગ યમન કલ્યાણનું નામ લેતાં શું યાદ આવે?’
એક ઘડીના વિલંબ વગર એમણે કહ્યું,’મન રે તૂ કહે ના ધીર ધરે’. બીજા એક સુવિખ્યાત સિતાર વાદક ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાને અનારકલી,
કોહિનૂર, ગૂંજ ઉઠી શહનાઈ, મુઘલે આઝમ જેવી અસંખ્ય ફિલ્મોમાં સિતારવાદન રજુ કરી લોકોને મોહી લીધા.
ફક્ત લગ્ન સમારંભોમાં એક ઔપચારિત રીતે ‘ઢોલ પીપી’ ના તુચ્છકારભર્યા નામે
ઓળખાતી શહનાયી, ફિલ્મ ‘ગૂંજ ઉઠી શહનાઈ ‘ના ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનની બેનમૂન રજુઆત બાદ લોકપ્રિય થઇ.
તાજેતરમાં, દિગ્ગજ ગાયક ઉસ્તાદ રાશિદ ખાનને લોકો, ‘જબ વી મેટ’ ફિલ્મના
‘આઓંગે જબ તુમ સાજના’ ગીત પછી ઓળખતા થયા.
આવો પ્રયોગ થાય ત્યારે સભામાંના કે ટલાક શ્રોતાઓ રાગ વિષે વધુ જાણવા પ્રયત્ન કરશે, કોઈક વળી જાણકાર ગુરુને શોધશે અને કદાચ આ ક્ષેત્રમાં આગળ વધવા પ્રેરાશે.
પ્રયોગને નક્કર સ્વરૂપ આપતાં પહેલાં એનું આયોજન વ્યવસ્થિત રીતે કરવું, ખાસ કરીને નાની બેઠકો યોજી કલાકાર નવીન રીતે ઉપર જણાવ્યા મુજબ, શ્રોતાઓને ધીરે ધીરે શાસ્ત્રીય સંગીત તરફ આકર્ષિત કરે, રસને પોષે એ જરૂરી છે.
હવે આવીએ આપણા ફિલ્મ સંગીતકારો તરફ:
એમની સામે શાસ્ત્રીય સંગીતનો ભંડાર હતો. કેટલાય રાગ, રાગિણીઓ ! વાહ!
બોલપટનો જમાનો આવી ગયો. એક્ટરો પ્લેબેક ગાયકો એ ગાયેલા ગીતો પરદા પર ગાતા દેખાવા લાગ્યા. આખો માહોલ બદલાઈ ગયો. ફિલ્મની સ્ટોરી, મોહક એક્ટર્સ અને બીજા ઓડીઓ વિઝ્યુઅલ ઉપકરણોથી શ્રોતા/પ્રેક્ષક મોહિત ન થાય તો શું થાય?
શાસ્ત્રીય સંગીતના ભંડારમાંથી ખાસ મેલોડીક ચીજ પસંદ કરી ૩ મિનિટના ટૂંકા ગાળામાં ઢાળવાનું
બીડું આ સંગીતકારોએ ઝડપી લીધું. પ્રેક્ષકો / શ્રોતાઓને મઝા પડી ગયી, એક પછી એક
ગીતો આવવા લાગ્યાં, ગ્રામોફોન આવી ગયું, લોકો મધુર ગીતો સાંભળીને ગણગણવા લાગ્યા; માનો કે ઉલ્ટી ગંગા શરુ થઇ ગઈ. અરે આ મીઠું ગીત રાગ પર આધારિત છે ?કયો રાગ? એ રાગની ખાસિયત શી છે ? લોકોને રસ પડવા માંડ્યો, રાગ વિષે સમજાય એટલી માહિતી હવે બધાને જોઈએ. તો આ થયો શાસ્ત્રીય સંગીતનો ફેલાવો, ફિલ્મ સંગીત થકી!
રાગની સમજણ કદાચ જે દિગ્ગજ શાસ્ત્રીય સંગીતકારો ન આપી શક્યા એ આ ફિલ્મી ગીતોએ કરી બતાવ્યું.
હજી એક બીજું દૃષ્ટાંત આપું.
સામાન્ય રીતે ઇતિહાસ એક નીરસ વિષય ગણાય છે . પણ જુઓ એક વ્યવસ્થિત રીતે બનેલી ઇતિહાસ પર અધારીત ફિલ્મ જોઈએ એટલે આ ઇતિહાસ વિષે વધુ જાણવાનું મન થાય અને ક્યાંક થી વાંચી કરીને ઇતિહાસ વિશેની આપણી જીજ્ઞાશાને સંતોષીએ છીએ.
નીરસ ઇતિહાસમાં રસ ઉત્પન્ન થઇ ગયો.
———————————-
મણકો 1:
રાગ યમન-કલ્યાણ
હિન્દી ફિલ્મના આપણા માનીતા તર્જકારોએ આ રાગનો ભરપૂર ઉપયોગ કર્યો છે , કદાચ ભૈરવી જેટલો. રાગના સુર-ઢાંચો (scale ) જ કેટલો મધુર છે ? આ બંને રાગોને જોડિયા ભાઈ કહીએ તો ચાલે. ફરક કેટલો? યમન રાગમાં શુદ્ધ ‘મ’ નાખો એટલો. પણ જુઓ.
ફક્ત ‘શુદ્ધ મ’ નાખવાની વાત નથી. ઘણા રાગોમાં બેઉ ‘મ’ આવે છે ત્યારે કોઈક વિશેષ, નિરાલી રીતે લેવામાં આવે.
એ ઉપરાંત રાગની પકડ, વાદી-સંવાદી વિગેરે હોય ને? પણ આપણે બહુ ટેક્નિકાલિટીમાં નથી ઉતરવું, ખરું? આની મજા લેવાની વાત છે .તમને લાગશે કે આ રાગ સમજાવવા મેં ‘અહેસાન તેરા હોગા મુઝ પર’ જેવું સીધું સાદું
ગીત કેમ પસંદ કર્યું?
ફિલ્મ ‘ જંગલી’ ના શંકર-જયકિશન દ્વારા સ્વરબદ્ધ કરાયેલા આ ગીતને સાદું કહીને એની કિંમત ઓછી ન આંકશો. કેમ? હું સમજાવું છું હવે.
યમન કલ્યાણ રાગના સૂરોની આંટીઘૂંટીઓને જો નજર-અંદાઝ કરીને ગાઈએ કે વગાડીએ તો અલબત્ત સાદું જ છે . પરંતુ, રાગના માધુર્યને ન્યાય આપવા રફી સાહેબના ગળાની કમાલ સમજવી પડે. યાદ આવે છે રફીનું બીજું એક શાનદાર ગીત, આજ રાગમાં? ‘મન રે તું કહે ના ધીર ધરે’ તમે કહેશો એ ગીત તો બહુ અઘરૂં છે અને એ છે જ.
પણ જુઓ, આપણા આ ગીતમાં અઘરું શું છે તે સમજીએ. જરા ધીર ધરો, ભાઈસાબ!
ધ્યાનથી સાંભળો, જુઓ રફી સાહેબ કેવી રીતે રાગની મીઠાશ પેશ કરે છે .
ગીતનો ઇન્ટરલ્યુડ:
શંકર-જયકિશનના વ્યક્તિત્વની આગળ રફીનો અંદાઝ એટલો જબરજસ્ત છે કે બન્ને ઇન્ટરલ્યુડમાં ફક્ત મેન્ડોલીનને સહારે ચલાવી લીધું છે – હા, પહેલા ઇન્ટરલ્યુડની આખરી બે લાઈનમાં એસ.જે. ના બહુ ચર્ચિ ત હન્ડ્રેડ-પીસ વાયોલિન થોડું ડોકિયું કરે છે ખરાં, જ્યારે બીજા ઇન્ટરલ્યુડમાં એકલા મેન્ડોલીનથી કામ ચલાવ્યું છે .
રાગમાં છૂટછાટ લેવાઈ છે ?
અહીં શંકર-જયકિશન બેલડીએ એક છૂટ લીધી છે પણ એથી શાયરીનો ભાવ આબાદ
રજુ થાય છે . ‘હસના સીખાયા’ પછી ‘રોને કહોગે’ ગાતી વખતે ‘ગે’ માં તીવ્ર ‘મ’ થી સીધા શુદ્ધ ‘મ’ પર સરકવાથી ‘હસવા’ માંથી ‘રોવા’ વાળી બાબત પરફેક્ટ બંધબેસતી વ્યક્ત થાય છે . આનું નામ – સુર દ્વારા વિરોધાભાસ કેમ બતાવવો એ છે . એટલું ભાવવાહી બનાવ્યું છે કે સામાન્ય વ્યક્તિ જેને રાગ કે સુરની કાંઈ સમજ નથી એ પણ વાહ વાહ કરી ઉઠે.
હવે માનો છોને કે રફી સાહેબે રાગની બારીકીઓને પૂરો ન્યાય આપ્યો છે ?
આગળ કહ્યું તેમ, યમન અને યમન-કલ્યાણમાં સ્વરબદ્ધ ગીતોનો રાફડો છે પણ એ
બધાંની ચર્ચા કરવા સમય ઓછો પડે. ફરી કોઈ વાર.
હવે પછીના મણકામાં ફરી મળીએ છીએ
————————————-
આપણા સંગીતના ભવ્ય વારસાની વિડંબણા – મણકો ક્રમાંક ૨ :
રાગ ભૈરવી
પ્રિયા રસિકજનો,
આપણા પહેલા અને ઉઘડતા મણકાને પ્રમાણસર અને ઉચિત પ્રતિસાદ મળ્યો છે. જે બાબત પર અહીં આપણે વિસ્તારથી ચર્ચા કરીએ છીએ એ મેં ‘રાગ તરંગ ‘ નામે YouTube video સિરીઝ માં ખાસ બનાવેલ મારા વાદ્ય ‘પ્રથમ તરંગ’ પર વાદન કરીને સમજાવ્યું છે. આ વિડિઓ મારી YouTube Channel https://www.youtube.com/channel/UCwhyzZUSILEWGB7DoRmle0w પર ક્લિક કરવાથી રસ ધરાવતા વાચકગણને મળી જશે.
શાસ્ત્રીય સંગીતને એક ગંભીર વિષય તરીકે ઓળખનાર વર્ગ ઘણો મોટો છે એટલે હું અહીં આ મણકાઓ દ્વારા જે પ્રસ્તુત કરું છું એને ક્યાંક ક્યાંક હળવી શૈલીમાં રજુ કરું એ બદલ આગોતરી માફી માગી લઉં તો ચાલશે ને?
આ નિર્દેશ એટલા માટે કરવો પડે કેમકે ‘હસવા માંથી ખસવું થઇ જાય’ એની ભીતિ છે!
એક વાત યાદ આવી, કહું?
આપણા હિન્દી ફિલ્મ સંગીતમાં મન્નાડે સાહેબનું નામ ખૂબ ઊંચું છે અને ખાસ કરીને શાસ્ત્રીય સંગીત ઉપર આધારિત ફિલ્મી ગીતો માટે એમનું નામ ઈજ્જતથી લેવાય છે. હવે વિધિની વિચિત્રતા જુઓ કે શરૂઆતના તબકાના એમના કેટલાંય ગીતો હાસ્ય કલાકાર મહેમૂદ પર ફિલ્માંકન થયેલા છે. મહેમૂદ બિચારો ફિલ્મની સ્ક્રીપટ પ્રમાણે હસવું ઉપજાવે એવા ચાળા કરે ને શાસ્ત્રીય ગીત ગાતો જાય જયારે બેકગ્રાઉન્ડમાં સુર હોય મન્નાડે સાહેબનો. આપણે ઘણા સંગીતના રસિયાની મનોવૃત્તિ વિષે પહેલા મણકામાં વાત કરી હતી કે રાગની સમજણ ફિલ્મી ગીતના સંબંધથી સહજતાથી આવે. તો હવે કેટલાય સારા રાગ આધારિત ગીતો લોકો જ્યારે મહેમૂદના નાટકીય ચાળા સાથે ગાતો જુએ ત્યારે ભાવ કાંઈ જુદો આવે! લાંબા લાંબા કપરા તાન લેતી વખતે શાસ્ત્રીય કંઠ્ય સંગીત રજુ કરનાર કલાકારના ચહેરાને જોતાં ઘણી વાર સામાન્ય વ્યક્તિને રમૂજ ઉપજે – ખરું? ખેર, વાત છે સારાં રાગ આધારિત ફિલ્મી ગીતો ને રાગ સાથે સાંકળીને વધુ ઊંડા ઉતરવાની. ફિલ્માંકન ભલેને રમૂજી હોય!
અલબત્ત, મન્નાડે સાહેબે ઘણા ગંબીર પ્રકારનાં શાસ્ત્રીય ગીત પણ ગાયાં છે એ સૌ જાણે છે. એમણે ગાયેલ એક બેનમૂન ગીત ‘પૂછો ના કૈસે મૈને રેન બિતાયી ‘ વિષે આપણે આગલાં મણકા નંબર ૩ માં ચર્ચા કરશું. એ ક્યાં રાગ પર આધારિત છે એ જેને ખબર હોય એ ઝટ આંગળી ઊંચી કરે !
તો હવે આ વાત અહીં અટકાવીએ?
પહેલા મણકામાં આપણે જોયું કે યમન-કલ્યાણ રાગમાં મોહમ્મદ રફી સાહેબે ગાયેલું ગીત સીધું સાદું લાગે પણ છે ખૂબીઓથી ભરપૂર.
હવે આ મણકામાં એક એવા રાગ પર આવીએ જે વિષે બચ્ચા બચ્ચાને ખબર છે. આટલા બધા રાગોના રાફડામાં ભૈરવી નામનો રાગ છે એ સર્વેને ખબર છે. કેટલાં બધા ગીત છે ભૈરવી પર તો , ઓહોહો !
જો કે અમુક રાગોના નામ જ એવા છે કે જેનો અર્થ હાસ્ય ઉપજાવે – જેમ કે રાગ ‘મારવા’ કે પછી રાગ તોડી ! આ રાગોનો વારો પણ આવશે આપણી આ સંગીત યાત્રા દરમ્યાન.
ભૈરવી વિષેનું મારું પહેલું વિધાન ચમકાવી દેશે કે આ રાગમાં બારે બાર સુર સમાવી શકાય. ભાઈ, અમે તો સાંભળ્યું હતું કે સુર સાત છે તો આ તમે ક્યાંથી બાર સુર લઇ આવ્યા? સાત સુર શુદ્ધ અને બીજા પાંચ – ચાર કોમળ અને એક તીવ્ર – બાર થયા કે નહિ? એને કેમ શુદ્ધ નથી કહેતા? એવું અશુદ્ધ કેમ ગવાય? અરે મહેરબાનો, તમે હાલ તુરત ગહન ચર્ચામાં ન ઉતરશો – પ્લીઝ. એ સમજવા સમય જોઈએ જયારે અહીં તો ગાગરમાં સાગર! કોઈ વાર વ્યક્તિગત મળવાનું થશે કે પછી zoom કલાસમાં.
એવું ક્યાંક વાંચ્યું હતું કે મૂળભૂત ભૈરવીમાં સાત સુર જ હતા. સા અને પ તો અચલ સુર, પણ બાકીના પાંચ બધા કોમળ. કાળક્રમે પંડિતો અને ઉસ્તાદ લોકો ભૈરવીને શણગારવા શુદ્ધ અને તીવ્ર સુર પણ ઉમેરતા ગયા – આ બધી ‘કહી સુણી ‘ વાતો. ક્ષમા યાચું છું.
શુદ્ધ ‘રે’, શુદ્ધ ‘ધ’ અને શુદ્ધ ‘ની’ તો આસાનીથી દાખલ થઇ ગયા અને એને નામ આપ્યું સિન્ધ ભૈરવી કે સિંધી ભૈરવી. પણ પેલા તીવ્ર ‘મ’ અને આછો પાતળો શુદ્ધ ‘ગ’ પણ સામેલ થઇ ગયા અને નામ અપાયું મિશ્રા ભૈરવી!
શું એનો અર્થ એમ કે વાજા પર ગમે તે સુર પર ટકોરો મારો એટલે ભૈરવી રાગ થઇ ગયો ? એનું નામ હસવામાંથી ખસવું!
સુર ઉપરાંત દરેક રાગનું એક ચલન હોય જે ગુરુ આગળ બેસીને શીખાય.એમ ગમે એમ સુર પર આંગળીઓ ફેરવ્યા કરીએ તો પછી જોઈએજ શું?
આપણે હવે એક ગીત તરફ આવીએ જે મેં ‘રાગ તરંગ’ વિડિઓ માં વગાડીને સમજાવ્યું છે. અહીં આપણે એની ચર્ચા ઉપર ઉપરથી કરીએ.
મદન મોહન જેવા મહાન સંગીતકારે આ ગીત ‘દેખ કબીરા રોયા’ નામે સંગીત પ્રધાન ફિલ્મમાં રજુ કર્યું હતું. પરદા પર નાયિકાએ ગીત દ્વારા જે ભાવ રજુ કર્યા છે એ કદાચ એ જમાનાને અનુરૂપ હશે પણ આવો એક તરફી સંપૂર્ણ શરણાગતિ (total surrender ) નો ભાવ આજના જમાનામાં કેટલો સુસંગત છે તે આપ જાણો.
કહેરવા નામનો સાદો તાલ લીધો છે એટલે તાલની ગૂંચવણમાંથી નવાસવા જ્ઞાન પિપાસુને મુક્તિ મળે અને પોતાની સર્વ શક્તિ અને ધ્યાન ફક્ત રાગ સમજવા કેન્દ્રિત કરી શકે.
મહદ અંશે રાગની રજૂઆત ચીલાચાલુ રીતે આલાપથી થાય તે જ પ્રમાણે આ ગીતની શરૂઆત પણ પહેલાં સિતાર પર અને ત્યારબાદ સુર સામ્રાજ્ઞિ લતા મંગેશકરના ટૂંકા આલાપથી થાય છે.
‘ના ગિલા હોગા … ન શિકવા ન શિકાયત હોગી …’ .શાયરીના અઠંગ જાણકારો એને ‘સાખી’ કહે છે. ભૂલ ચૂક માફ!
કેવો સરસ માહોલ સર્જાય છે ? વિચાર કરો કે સીધે સીધા ગીત ગાવાનું શરુ કરી નાખો તો ફિક્કું લાગે. આટલા ટૂંકા આલાપમાં જાણે ભૈરવીનો આકાર (તાસીર) આલેખાઈ જાય. સિતારનો આલાપ મન લગાવીને સાંભળો તો ઉપર ચર્ચા કરી તે તીવ્ર ‘મ’ પણ કાને ચડે. હવે આ બધું હું લેખ દ્વારા કેવી રીતે સમજાવું? જુઓ જુઓ મારો ખાસ રાગતરંગનો વિડિઓ https://www.youtube.com/watch?v=sRmWIgShFPI&t=155s
આપણે તાલને સાવ નઝર અંદાજ નથી કરવું હોં ! થોડી ‘લગ્ગી વિષે વાત કરી લઈએ જે આ ગીતમાં આવે છે.
ઠુમરી વગેરેમાં જ્યારે અંતરા પરથી ગાયક ફરી પાછો મુખડા તરફ આવે ત્યારે તબલા વાદક એ જ તાલમાં દુગુન લય (double speed ) થી વગાડીને બે ચાર આવર્તન કરે છે અને છેલ્લે મૂળ લય પર આવી જાય. આ ગીતમાં એ સ્પષ્ટપણે સંભળાય છે. આ છે લગ્ગી.
ભૈરવીમાં જે બહારના – એટલે કે મૂળ ભૈરવીની તોલે – સુર (શુદ્ધ રે કે શુદ્ધ ધ ) લેવાય છે એ એક ચોક્કસ ‘ચલન’ દ્વારા લેવાય. ગીતમાં સંભળાતી મુરકીઓ, કે ગમક વિષે તો હું શું લખું? સાંભળીને આનંદ લેવાની વાત છે આ.
મૂળ મુદ્દો એ છે કે રાગમાં ઝબોળાયેલા આવાં ગીતોને આપણે પૂર્ણ એકાગ્રતાથી સાંભળીયે ત્યારે ચાહના ઉત્પન્ન થાય જે આપણને રાગની અંદર વધુ ઊંડા ઉતરવા પ્રેરે. સલામ છે આ ફિલ્મી સંગીતકારોને જેમણે આપણા અમૂલ્ય વારસા તરફ જવા પ્રેર્યા.
પ્રતિભાવ આપશો ?
Rajendra Naik
F 101/102
207-A, ” 2nd INNINGS ” THE RETIREMENT RESORT,
MOJE, PALSANA,
(At NH-53, Hazira-Howrah Highway)
SURAT – 394315, GUJARAT
Mobile 9825115814
Email rbnaik46@gmail.com website www rajendranaik com
—————————————————
‘આપણા સંગીતના ભવ્ય વારસાની વિડીંબણા’ મણકો ૩
રાગ આહીંર ભૈરવ
વિવિધ રાગોની સમજણ જાણીતા હિન્દી ફિલ્મ ગીત થકી – આવો આહીંર ભૈરવ સમજીયે
‘આપણા સંગીતના ભવ્ય વારસાની વિડંબણા’ શૃંખલા અંતર્ગત આપણે પ્રથમ બે મણકામાં જોઈ ગયા કે કેવી રીતે હિન્દી ફિલ્મ સંગીતે શાસ્ત્રીય સંગીતના વારસાને પોષવાનું કાર્ય કર્યું છે. છેલ્લાં કેટલાંય વર્ષો થી હું શ્રોતાજનોને ફિલ્મ સંગીતના માધ્યમથી આ વારસાને સબળ બનાવવા પ્રયત્નશીલ છું. મેં પ્રથમ મણકામાં લખ્યું હતું તેમ શાસ્ત્રીય સંગીતના ખેરખાંઓ પણ ખાનગીમાં કબૂલે છે કે જનસામાન્યને આપણા ભવ્ય વારસાથી આભિમુખ કરવાનો આ એક સરળ રસ્તો છે.
પહેલા અને બીજા મણકામાં અનુક્રમે આપણે રાગ યમન કલ્યાણ અને ભૈરવીની ચર્ચા કરી હતી. આપે અનુભવ્યું હશે કે હું રાગોનો ક્રમ કોઈ ચોક્કસ પદ્ધતિથી પ્રેઆઈને નથી નક્કી કરતો. વિદ્વાન પંડિત ભાતખંડેના મતે સર્વ રાગોનું વર્ગીકરણ દસ વિભાગમાં થઇ શકે. આ દસ વિભાગને ઠાઠ કહે છે. કેટલાક વાચકોને કુતૂહલ હોય એ સ્વાભાવિક છે; તો જણાવી દઉં કે દસ ઠાઠ આ મુજબ છે:
બિલાવલ, કલ્યાણ , ખમાજ, કાફી , આશાવરી, ભૈરવ, પૂર્વી, મારવા તોડી અને ભૈરવી. આ ક્રમ યોગ્ય છે કે નહિ એ અગત્યનું નથી, સમજણ અગત્યની છે.
આપણું મુખ્ય ધ્યેય છે જાણીતા ફિલ્મી ગીતના માધ્યમથી જે તે રાગોની પ્રાથમિક સમજ કેવી રીતે કેળવવી એ છે. તો આ દસ ઠાઠના સુર ક્યા છે એમાં હાલ તુર્ત ન પડતાં હવે આપણે ત્રીજા મણકાના રાગ ‘આહીર ભૈરવ’ ને ઓળખીયે.
ભૈરવ ઠાઠમાંથી ઉત્પન્ન થયેલ સંપૂર્ણ -સંપૂર્ણ પ્રકૃતિના આ રાગમાં કોમળ રે અને કોમળ ની નો સમાવેશ થાય છે. બાકી બધા શુદ્ધ.
મૂળ ભૈરવ ઠાઠમાં કોમળ રે અને કોમળ ધનો સમાવેશ હોય છે. એટલે ભૈરવના સૂરોમાં કોમળ ધ ને બદલે શુદ્ધ ધ અને શુદ્ધ ની ને બદલે કોમળ ની નો પ્રયોગ થાય.
શાસ્ત્રીય સંગીતના પટ ઉપર પા પા પગલી ભરતા નવા રસિકોને આ જરા અટપટું લાગે એ સ્વાભાવીક છે. મૂળ વિદેશી વાદ્ય હાર્મોનિયમ ઉપર વગાડીને સુરની સમજણ પામવી એ કદાચ પહેલી વખત જાતે ચા બનાવવાથી કાંઈ વધુ મુશ્કેલ નથી. એક વાર શુદ્ધ સૂરો પર આંગળી ફરે એ પછી ઉપર લખ્યા મુજબ બદલાયેલ સૂરોને વારંવાર વગાડી કાન તૈયાર થાય. બીજો કોઈ વિકલ્પ નથી, ભાઈઓ અને બહેનો. ગૂગલનો જમાનો છે- થોડી સમજણ તો આપશે એ ગૂગલ મહાશય. પણ સમજણ પડ્યા પછી વારંવાર વગાડીને જ કાન તૈયાર થાય એ યાદ રાખવું.
સંપૂર્ણ – સંપૂર્ણ એટલે એના આરોહ અને અવરોહ બંનેમાં સાતે સાત સુર છે. કેટલાક રાગમાં એક બે સુર છોડી દેવામાં આવે છે. તો વળી કેટલાકમાં સાતથી વધુય સૂરો હોય અને એ પણ પાછા વક્ર રીતે વગાડવા / ગાવાના હોય. લ્યો, એવું ય હોય!
પંડિત ભાતખાનડેએ આપણા શાસ્ત્રીય સંગીતને લખીને પદ્ધતિ સર બનાવવા મોટો ફાળો આપ્યો છે. એથી વધુ જીજ્ઞાશા હોય તો ગુરુ શિષ્ય પરંપરાનો કોઈ વિકલ્પ નથી. गुरु बिन ज्ञान कहाँसे पाऊं ?
આહીર ભૈરવ રાગનો વાદી-સંવાદી શુદ્ધ મધ્યમ અને ષડજ છે. અત્યુત્સુક વાચકો માટે કહી દઉં કે રાગ ગાવાનો સમય દિવસનો પહેલો પ્રહાર એટલે કે સવારે ૬ થી ૯. પણ રાગ આધારિત ગીતો આપણને અનુકૂળ સમયે ગાઈ શકાય – હા પણ એક મિનિટ! આ ચર્ચામાં પડવું છે? જવા દો ને.
આટલી નજીવી ટેક્નિકાલિટીમાં ઉતર્યા પછી જે ગીત આપણે લેવાના છે એ છે મન્ના ડે સાહેબે ગાયેલ અતિ પ્રચીલિત ‘પૂછો ના કૈસે મૈને રેઇન બિતાયી’ .
કેમ ગમ્યું ને ? શૈલેન્દ્રની શબ્દ રચના અને આપણ લાડીલા સચિન દેવે બર્મને સ્વર બદ્ધ કરેલું આ ગીત ‘મેરી સૂરત તેરી આઁખેં’ ફિલ્મનું છે. આહીર ભૈરવ રાગ પર આધારિત બીજા કેટલાક જાણીતા ગીત છે, ‘મેરી વીણા તુમ બિન રોયે,; ‘ અલબેલા સાજન આવ્યો રે’ આ સર્વે ગીતોને ધ્યાનથી સાંભળશો તો સામ્ય લાગશે.
ગીતોના શબ્દોથી આછો આછો ખયાલ આવી જાય કે રાગમાં ગંભીર પ્રકારનો, વિરહ ભાવ છે. તો કેટલાક જાણકાર એમ પણ કહે કે ભક્તિભાવ છે.
મિત્રો, શાસ્ત્રીય સંગીતનું ક્ષેત્ર એટલું વિશાળ છે કે મત-મતાંતર રહેવાના. તમારે ભાવ જે સમજવો હોય એ, તો લપ રહેવા દઈએ ત્યારે?
રાગોની ચર્ચા ચાલતી હોય તો તમારે એક વાક્ય વહેતુ કરી દેવું કે ‘સામાન્ય રીતે સવારના રાગોમાં કોમળ રે હોય છે!’ એ પછી બીજા ખેરખાંઓને ચર્ચાનો દોર સોંપી દેવો અને આપણે બાજુમાં ધીર ગંભીર ચહેરે તાલ જોયા કરવો!
હવે જરા ગંભીર બાબત પર આવીએ?
આ વિષય સમજવા નીચેના YouTube વિડિઓઝ જોશો તો સરળ થશે.
મન્ના ડે સાહેબ આપણા હિન્દી ફિલ્મ જગતના એક દિગ્ગજ ગાયક હતા જેમને માટે શુદ્ધ શાસ્ત્રીય સંગીત આધારિત ગીતો ગાવાં એ સહજ વાત હતી. મારા વિડિઓમાં મેં જણાવ્યું છે કે એક ઓછી જાણીતી વાત એમ છે કે ખુદ મહંમદ રફી સાહેબ એમને માટે બોલ્યા હતા કે ‘ આપ સબ મુઝે સુનતે હો લેકિન મૈં મન્ના ડે જી કો સુનતા હૂં!’
શાયર શૈલેન્દ્રએ લખેલું આ ગીતનું સ્વરાંકન સચિન દેવે બર્મને એટલું અસરકારક રીતે કર્યું છે કે આપણા હૃદયના તાર ઝણઝણી ઉઠે. ગીતની શરૂઆતમાં વાયોલિન પર એક ખૂબ ભાવવાહી રીતે આલાપ રજુ થાય છે. એ આલાપ પૂરો થાય ત્યાં મન્ના ડે પોતાની આગવી રીતે એક ટૂંકો આલાપ કરીને ગીતની શરૂઆત કરે અને આહીર ભૈરવની તાસીર અજબ રીતે પ્રગટ થાય. પરદા પર ગાતા અશોક કુમારની વેદના કેવી ધારદાર! હા, ઓરીજીનલ ફિલ્મ વિડિઓ પણ જોજો.
વિડિઓમાં રાગ આહીર ભૈરવના આરોહ – અવરોહ મેં વગાડી બતાવ્યા છે જેમાં કોમળ રે અને કોમળ ની કેવી રીતે આવે છે એ પણ દર્શાવ્યું છે. ક્ષમા ચાહું છું કે મારે વારંવાર મારા વિડિઓ વિષે કહેવું પડે છે કારણકે સંગીત એક performing art છે એટલે કે પ્રદર્શન કલા કહેવાય, ફક્ત લખાણ દ્વારા સમજાવવી અસંભવ છે. ગીતના કેટલાક અંશો મારા પ્રથમ તરંગ નામક વિશિષ્ટ વાદ્ય પર રજુ કર્યા છે. એ ઉપરાંત લગભગ સંપૂર્ણ ગીત, તબલા સંગત સાથે બીજા વિડિઓમાં પ્રસ્તુત કર્યું છે.
સ્વર બદ્ધ કરનાર અને ગાયક, એમ બંનેએ સુરની ગૂંથણીમાં કોઈ કચાશ રાખી નથી. સલામ છે તમને સચિન દા અને મન્ના દા!
સુરની વાતો કરતાં પ્રાયઃ સંગીતના એક બીજૉ પાસાંને આપણે ભૂલી જઇયે તો એ સંગીતને અન્યાય થશે. ગીતને અધ્ધા તાલમાં ઢાળ્યું છે. આને તીન તાલનો જોડીઓ ભાઈ કહી શકાય જેને હળવા સુગમ કે ભક્તિ ગીતોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ૧૬ માત્રા (beats ) ના તીન તાલ જેવા તાલને જો આપણે ચાર ચતુર્થાન્સ ( quadrant ) માં વહેંચી દઈએ તો ત્રીજા ભાગમાં ખાલી હોય, અધ્ધા તાલમાં પણ એમ જ છે.
પહેલા અંતરામાં ‘ઉત જલે દીપક એક મન મેરા ‘ બાદ, ‘મન …. ‘ કરીને આલાપ આવે છે એ બધાને ખબર છે. હવે આ તો એક તાલ બદ્ધ ગીત છે એટલે જરૂરી છે કે આલાપનો અંત પણ તાલમાં એવી રીતે થાય કે એ ‘ઉત જલે ..’ સાથે બેસી જાય. કમનસીબે મીઠું ગળું ધરાવનાર ગાયકોને ક્યાં તો તાલ વિષે ખબર નથી હોતી કે પછી તાલ સાથે આલાપ બેસાડી શકે નહિ એટલે કે અવગણના કરે એટલે તબલા વગાડનારનું કામ જટિલ થઇ જાય અને તાલ પાછો બેસાડવામાં ગૂંચવાય!
તાલમાં રહીને કેમ ગાવું કે વગાડવું એ સમજ ગુરુના માર્ગદર્શન વગર અને રિયાઝ વગર શક્ય નથી. મેં વિડિઓમાં આની વિસ્તૃત ચર્ચા કરી છે. આ ડેમોન્ટ્રેશન વખતે મેં નજીકમાં એક ‘તાલ તરંગ’ ઇલેક્ટ્રોનિક ઉપકરણ રાખીને બતાવ્યું છે જેમાં તમે માત્રાઓ ૧, ૨, ૩, એમ બદલાતી જોઈ શકશો.
સૂરનો છંટકાવ – એટલે શું?
ફરી જુઓ વિડિઓ! વિડિઓના અંત ભાગમાં મેં સમજાવવાની કોશિશ કરી છે.
ત્રણ મિનિટથી ઓછા ગીતમાં રાગની સમજણ આપી દેવી એ જેવું તેવું કામ નથી. ઉત્સુક વાચક જરૂર આ વાંચી, વિડિઓ જોઈ અને મૂળ ગીત વારંવાર સાંભળીને આત્મસાત કરે જેથી એ આપણા શાસ્ત્રીય સંગીતના મહાન વારસાની અનુભૂતિ કરી શકે.
હવે પછીના મણકામાં એક નવું ગીત અને એક નવો રાગ લઈશું.
રાજેન્દ્ર નાયક
F ૧૦૧-૧૦૨, સેકન્ડ ઇંનિંગ્ઝ રિસોર્ટ
સુરત બારડોલી હાઇવે
પલસાણા સુરત જિલ્લો ૩૯૪૩૧૫
મોબાઈલ ૯૮૨૫૧૧૫૮૧૪
—————
‘આપણા સંગીતના ભવ્ય વારસાની વિડીંબણા’ મણકો ૪
રાગ હમીર
એપ્રિલ ૨૦૨૩ થી પ્રારંભ થયેલી આ યાત્રાનો આ વર્ષનો આખરી મણકો છે. શૃંખલા શરુ કરી ત્યારે મન સંશયથી ભરપૂર, પરંતુ વાચકોના સ્નેહભર્યા પ્રતિસાદો મને યાત્રા આગળ વધારવા પ્રેરે છે.
પહેલા ત્રણ મણકામાં આપણે અનુક્રમે ભૈરવી, યમન-કલ્યાણ અને આહીર ભૈરવ રાગોની ચર્ચા કરી. હવે આ અંકમાં ચોથા રાગની ચર્ચા કરીએ એ પહેલાં કેટલીક સામાન્ય ગેરસમજણ દૂર કરીએ તો?
કોલેજમાં મારે પહેલુંવહેલું કેમિસ્ટ્રી એક વિષય તરીકે ભણવાનો વારો આવ્યો ત્યારે મારા પિતાશ્રી, જે એક જાણીતા ઔદ્યોગિક રસાયણશાસ્ત્રી હતા, એમણે કેટલીક ગેરસમજૂતી ઉત્પન્ન કરે એવી વ્યાખ્યાઓ પહેલેથી જ સમજાવી દીધી. કેમિસ્ટ્રીમાં સંયોજનો માટે ‘બોન્ડ’ એક પ્રચલિત શબ્દ છે જે બે તત્વો સાથેનો સંબંધ કેટલો મજબૂત છે એ દર્શાવે છે. હવે,નવા વિદ્યાર્થીને એમ લાગે કે સિંગલ ‘બોન્ડ’ સૌથી નબળું જ્યારે ડબલ બોન્ડ એનાથી મજબૂત અને ટ્રિપલ બોન્ડ એનાથી ય મજબૂત.
ના જી. પિતાશ્રીએ સમજાવ્યું કે વાસ્તવિકતા ઉંધી છે. સિંગલ બોન્ડ સૌથી મજબૂત. વ્યાખ્યાને લઈને ઉદભવતી શંકાનું પહેલેથી જ નિવારણ એટલે રસ્તો સાફ! નહિ તો એ ગેરસમજણ વર્ષો સુધી મને મથાવ્યા કરત
એ જ પ્રમાણે શાસ્ત્રીય સંગીત માં આવતાં કેટલાક શબ્દ પ્રયોગો નવસવા વિદ્યાર્થીને અકળાવી મૂકે, જેમ કે
શુદ્ધ સ્વર એટલે શું? એટલે કે જે સ્વર શુદ્ધ નથી એ બધા અશુદ્ધ? ન ગાવા કે વગાડવા જેવા? હકીકતમાં એવું નથી. સાત સુરનાં સામાન્ય રીતે સપ્તક તરીકે ( સા રે ગ મ પ ધ ની સા) ઓળખાતા શબ્દપ્રયોગમાં ખરેખર બાર સુર હોય, જેમાં પાંચ સ્વર કોમળ કે તીવ્ર હોય.
સા થી શરુ કરીને આપણે ગાવા બેસીએ તો ઊંચે ઊંચે જઈએ એટલે સામાન્ય રીતે ઓળખાતા ‘સા રે ગ મ પ ધ ની સા’ ની અંદર સા અને રે ની વચ્ચે એક સ્વર આવે જે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં કોમળ રે કેહવાય. પાશ્ચાત્ય સંગીતમાં એને તીવ્ર ‘સા’ કે કોમળ ‘રે’ એવો વિકલ્પ છે. પરંતુ આપણા સંગીતમાં વિદ્વાનોએ પહેલે થી જ ફરમાવ્યું છે કે સપ્તકમાં ‘સા’ અને ‘પ’ અચલ છે એટલે કે એનાથી નીચા સ્વરને આપણે કોમળ ‘સા’ કે ‘પ’ નહિ કહી શકીયે. એજ રીતે એનાથી જરા ઊંચા સ્વરને ‘રે’ કે ‘ધ’ ની પહેલા) તીવ્ર ‘સા’ કે ‘પ’ ન કહેવાય – એને કોમળ ‘રે’ કે ‘ધ’ કહેવાય. આ એક પ્રોટોકોલ (શિષ્ટાચાર) થઇ ગયો એટલે ગોટાળો ન થાય. એ પ્રમાણે આગળ વધીએ તો અનુક્રમે કોમળ રે, કોમળ ગ આવે. (જેને પાશ્ચાત્ય સંગીતમાં તીવ્ર ‘સા’ અને તીવ્ર ‘ર’ પણ કહે છે). પ પછી આવે કોમળ ‘ધ’ અને કોમળ ‘ની’. શુદ્ધ ‘મ’ અને ‘પ’ ની વચ્ચે જે સ્વર આવે એ તીવ્ર ‘મ’ છે કારણકે શુદ્ધ ‘મ’ કરતા વધુ ઊંચે છે.
ટૂંકાણમાં કહું તો સંગીતકારો શુદ્ધ સ્વર એમ કહયા કરે છે એનો અર્થ બિલકુલ એવો નથી કે કેટલાક સ્વર અશુદ્ધ છે! એટલે કે ખોટા છે!
હજી થાક્યા ન હો તો શ્રુતિની વાત કરૂં? ચાલો જવા દો હમણાં. ટેક્નિકલ બાબતનો અતિરેક હિતાવહ નથી. ફરી કોઈ વાર ચર્ચા કરશું, અમસ્તો ગોટાળો વધશે.
આપણે પાછા ફિલ્મ સંગીત પર આવીયે?
‘મધુબનમેં રાધિકા નાચે રે’ કોહિનૂર ફિલ્મના આ ગીતનું નામ લેતા આંખ સમક્ષ દિલીપ કુમાર છટાથી ગાતો નજર આવે. સંપૂર્ણ રીતે હમીર રાગ ઉપર આધારિત આ ગીત એક વિધાનને સાર્થક કરે છે કે સંગીતને ન્યાત, જાત, ધર્મના કોઈ સીમાડા નડતા નથી.ગીતના શાયર શકીલ બદાયુની, ગાયક રફી, અદાકાર યુસુફ ખાન (આપણા દિલીપ કુમાર!) અને સંગીતકાર નૌશાદના નામ આપ સૌ જાણો જ છો. ક્યાં નડ્યા કોઈ જાતના સીમાડા? અને ગીત છે કૃષ્ણની રાધા ઉપર!
આંગળીને વેઢે ગણી શકાય એવા સંપૂર્ણ વ્યવસ્થિત રીતે નિબદ્ધ કરેલ ગીતોમાનું આ એક ગીત જેમાં રાગમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ લેવામાં આવી નથી. ફિલ્મના સંગીતકારો ઘણી વાર ગીતની ધૂન બનાવતી વખતે રાગમાં થોડી છૂટ લેતા હોય છે એ આપણે આગળ જોઈ ગયા છીએ. આ ગીત એક અપવાદ રૂપ છે. છૂટ લેવાનું કારણ હંમેશા ગીતને વધુ નીખારવાનું હોય છે.
હજી એક બાબત પર આપનું ધ્યાન દોરું. દિલીપ કુમાર સાહેબ ગીત પૂરું થાય એ પછી સિતાર ઉપર આહલાદક ધૂન વગાડે છે, મારો કહેવાનો મતલબ છે કે વગાડતા દેખાય છે. અને એક ઉસ્તાદની અદાથી સમાપન કરે છે. અસલમાં કોણ છે એ સિતાર વાદક? એ હતા પદ્મ ભૂષણ ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાન – મારા પૂજ્ય ગુરુજી!
દિલીપ કુમાર એટલો ચીવટવાળો અભિનેતા હતો કે સિતાર પર હાથ ફરતો ટેક્નિકલી પરફેક્ટ દેખાય એ માટે ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાન પાસે રીતસર તાલીમ લીધી હતી – આ નૌશાદ સાહેબે પોતે કહ્યું છે.
તો હવે આપણે એવી ચીવટથી સમજીયે કે હમીર રાગની ખૂબીઓ શી છે.
મેં પહેલા પણ લખ્યું છે કે વિદ્વાનોમાં રાગ માટે મત-મતાંતર રહેવાના. સદભાગ્યે હમીર રાગ માટે મત-મતાંતર ઓછા છે.
હમીર રાગ ‘ઓડવ સંપૂર્ણ વક્ર’ કહેવાય છે જો કે કેટલાક વિદ્વાનો ( જેવા કે મારા પ્રથમ સંગીત ગુરુ પંડિત મનહર બર્વે એને શાડવ સંપૂર્ણ માનતા)- જો જો ગભરાઈ ન જતા!
આરોહ કે અવરોહમાં સાતે સાત સુર હોય એ સંપૂર્ણ, છ સ્વર હોય એ શાડવ અને પાંચ જ સ્વર હોય એ ઓડવ. છેને સહેલું?
વક્ર કોને કહેવાય – જે વાંકુ હોય એને!
ઘણા રાગમાં ખાસ કરીને અવરોહમાં તાર સપ્તકના સા થી પાછા આવો ત્યારે એકાદ જગ્યાએ વક્ર ગતિ જેમ કે સાં ની ધ પ પછી શુદ્ધ ‘મ’ પર ન જતાં તીવ્ર ‘મ’ લઈને પાછા ‘પ’ પર આવવાનું અને એ પછી ‘ગ મ રે સા’ અથવા ‘ગ મ પ ગ મ રે સા’. હવે એમ ન પૂછતા કે આવું કેમ? રાગમાં કાઇંક નવું કરીને સુંદરતા વધારવી, બીજું શું?
વક્ર રાગો ગાવા વગાડવા વધુ જટિલ હોય એ સ્વાભાવિક છે.
હમીર રાગનાં માળખામાં બંને ‘મ’ એટલે કે શુદ્ધ ‘મ’ અને તીવ્ર ‘મ’ આવે છે. એ ઉપરાંત રાગની એક ખાસિયત એવી છે કે જેને માટે બે મત નથી. એ છે ‘મ ની ધ’ નો લસરકો. ગીત ધ્યાનથી સાંભળશો તો ‘નાચે રે’ માં ‘ના…..’. ગાતી વખતે ‘મ ની ધ’ સ્પષ્ટ સંભળાશે. આમ તો બે જ માત્રા જોઈએ પણ પહેલી માત્રા ‘મ ની’ એમ ઝટકા સાથે ગાવું પડે.
ગીતમાં ત્રણ અંતરા છે. પહેલા બે અંતરામાં એક લાઈન ગાઈને રફી સાહેબ એમના કસાયેલ અવાજમાં તાલબદ્ધ આલાપ ગાય છે. રાગ આહીર ભૈરવના આપણા ત્રીજા મણકામાં મેં આ પ્રકારના તાનની ખૂબી વિષે લખ્યું છે. આલાપ એવી રીતે લેવો કે જેનો અંત ગીતના મુખડા સાથે સરળ સંકલનથી ( seamlessly ) જોડાઈ જાય. ઘણા ગાયકો ફક્ત ગીત સાંભળીને એનું આંધળું અનુકરણ કરી, આલાપ જેમ તેમ ગાઈને પછી તબલાવાળાની સામે જુએ છે કે ભાઈ તાલ બરાબર છે ને , સંભાળી લેજે હોં!? આ પ્રકારનાં ગીતો ગાતાં પહેલાં સ્વર અને તાલ એમ બંનેનો શાસ્ત્રીય અભ્યાસ કરવો આવશ્યક છે.
ત્રીજા અંતરામાં આપણને ‘મૃદંગ બાજે તિર કીટ ..’ એ લાઈનની પહેલાં તબલાની થાપ વડે તાલની કરામત માણવા મળે છે. અંતરાને અંતે અલબત્ત રફી સાહેબને બદલે કોઈ બીજા ઉસ્તાદ અતિ દ્રુત ગતિએ બે તાન લઈને મુખડા પર આવે છે. ફિલ્મના આ સીનમાં આપણને હાસ્ય કલાકાર મુકરી દ્રુત તાન હાસ્યાસ્પદ રીતે ચાળો કરતો ગાતો બતાવ્યો છે. મને પોતાને એ ખટકે છે કે જન સામાન્યમાં શાસ્ત્રીય ગવૈયાની એક ટીખળભરી છબી છે એને આ સીન પુષ્ટિ આપે છે. મુશ્કેલ અને લાંબા તાન લેતી વખતે ગાયકના ચહેરાના હાવભાવ કુદરતી રીતે ખેંચાય છે એમાં ટીખળ કરીને મજાક કરનારા પોતાની મંદ બુદ્ધિનું પ્રદર્શન કરે છે. તમે પંડિત ભીમસેન જોશીને ગાતાં જોશો એટલે આ વાત સમજાઈ જશે.
સમજવાની વાત એ છે કે આ અતિ દ્રુત તાનની અંદર પણ સ્વરની શુદ્ધતા જળવાઈ રહે છે. વર્ષોના અભ્યાસ પછી આ સિદ્ધિ પ્રાપ્ત થાય. ઉપરછલ્લું જ્ઞાન હોય તો એમ જ લાગે કે ઉસ્તાદ ફક્ત જેમ તેમ આઆઆ ઈઈઈ કરે છે.
રફી સાહેબે તરાના ગાઈને જબરી કમાલ કરી છે અને દિલીપ કુમારે, એને પરદા પર ભાવવાહી રીતે રજુ કરીને.
ગીતનું શિરમોર પાસું અંતે રજુ થતી સિતારની આગેવાનીમાં અલગ અલગ પ્રકારની જુગલબંદીઓ, જેમાં શુદ્ધ શાસ્ત્રીય સ્વરૂપમાં હમીર રાગ ઝળકે છે. ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાનના અદ્વિતીય સિતારવાદન ઉપરાંત સરોદ, જલતરંગ વિગેરેનો અદભૂત ઉપયોગ થયો છે. જુગલબંદી છેવટે ચરમ સીમાએ પહોંચે છે ત્યારે એક દ્રુત ગતિએ તિહાઈ પેશ કરીને સમાપ્ત થાય છે. એક વિડિઓ ઇન્ટરવ્યૂમાં ઉસ્તાદ હલીમ જાફર ખાં કહે છે કે ‘ દિલીપ સાહબ- વો દિલીપ સાહેબ હૈ. ઉંગલિયા સહી ઢંગ સે તાર પે ફિરતી હુઈ દિખાઈ દેની ચાહિયે ઉસકે લિયે ચાહે જો ભી સિખના પડે મૈ આપકે પાસ બાકાયદા સિખકે રહૂંગા’
સિતાર શીખતી વખતે શરૂઆતના તબક્કામાં ડાબા હાથની આંગળીઓનાં ટેરવાં પર કાપા પડે, એમાં લોહી નીકળવા લાગે અને પછી ધીરે ધીરે ટેરવાં ગંઠાઈ જઇને કાળાં પડી જાય. આ બધું દિલીપ સાહેબે સહી લીધું.
રાગ હમીર ઉપર આધારિત બીજું જાણીતું ગીત છે ‘સુર કી ગતિ મૈં ક્યાં જાનું…’ સીધું સાદું મુકેશ સાહેબે ગાયેલું ભજન છે.
‘જાનું’ ગાતી વખતે ‘નું’ માં હમીરની ખાસિયત ‘મ ની ધ’ નો ઝાટકો સ્પષ્ટ તરી આવે છે એ ‘મધુબન’ વાળા ગીતનાં ‘નાચે’ ની જેમ હવે આ સહેલાઇથી સમજી શકશો. જો કે આ ભજન પ્રકારનું ગીત છે એટલે કે હમીરની બીજી આંટીઘૂંટીઓ નહિ દેખાય.
મારા ગુરુજીએ આ ગીતમાં રજુ કરેલ સિતાર સંગીત એમની જ પ્રેરણાથી મારા વિશિષ્ટ વાદ્ય પ્રથમ તરંગ પર મેં વગાડ્યું છે એ આપને મારી website
http://www.rajendranaik.com નાં હોમ પેજ પર સૌથી નીચે જોવા મળશે.

પ્રતિભાવ આપશો.
રાજેન્દ્ર નાયક
F 101/ 102, 2nd Innings Retirment Resort
Hajeera Howrh Highway 53,
Palsana, Dist: Surat 394315
Mobile 9825115814
Email : rbnaik46@gmail.com