करूँ न याद मगर મુશ્કેલ ગઝલ પ્રથમ તરંગ પર વગાડવાની હિમ્મત કેવી રીતે આવી?

શાયર અહમદ ફરાઝની અમર ગઝલ ‘કરૂં ના યાદ મગર …’ ને છેડવી એ લગભગ અશક્ય! અને તે પણ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર ! અને એ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રથમ તરંગ હોય તો? યાર , મઝાક કરો છો?
મને થયું કે લાવ થોડી અડીબાજી કરી જ લઉં. મારા ગુરુભાઈ ઝુનેન ખાન કહે, ‘ ભાઈ, યે ગુસ્તાખી છોડો, વૈસે ભી તુમને ગુસ્તાખીઆં કહાં કમ કી હૈ આજ તક?’
મને નિરુત્સાહી કરનાર પર ચીઢ ચઢી પણ જવા દો – આખરે મારા ગુરુનો સુપુત્ર છે ને?
હવે મારો માંહ્યલો રહે?
મારો માનીતો કીરવાની રાગ છે; ફોડી લઈશ.
ગુલામ અલી અને આશા ભોંસલેને એક વાર સાંભળ્યા, બે વાર, ત્રણ વાર, સાંભળ્યા જ કર્યા. સાલું જરા અટપટું લાગે છે. તો યે મારી જિદ બરકરાર.
હવે?
સૌથી પહેલાં ઉસ્તાદ ગુલામ અલીની સ્ટાઇલ પકડવા કોશિશ કરૂં. કિરવાનના દાયરામાં રહીને ઉસ્તાદ ક્યાં.. ના ક્યાં.. ચરી આવે છે? આપણા ગઝલ સમ્રાટ જગજિત સિંઘે ગઝલ ગાવા / સમજવાનું આસાન કરી નાખ્યું તો આમણે બિલકુલ ઉલટું ! એક રાગમાંથી નીકળીને ન જાને કેવી કેવી અટપટી ગલીયોમાં ઘૂમી ઘૂમી શ્રોતાને હતપ્રભ કરી મૂકે.

ખેર. હવે તો આ પડકાર ઝીલવો જ રહ્યો. વીર નર્મદનું પેલી પાનો ચઢાવે એ પંકિતઓ યાદ કરી, ‘યા હોમ કરીને પડો.”, એક ઊંડો સ્વાસ લીધો…

ગઝલની શાયરીમાં મને જવાબ મળી ગયો:
वो ख़ार-ख़ार* है शाख़-ए-गुलाब की मानिन्द*
(એ ને અડશો નહિ – કાંટા જ કાંટા ; પણ કાંટા પણ ગુલાબ ની પાંખડીઓ સમા!)

मैं ज़ख़्म-ज़ख़्म हूँ फिर भी गले लगाऊँ उसे
( હું તો પૂરી રીતે ઘાયલ છું પણ એનું આલિંગન તો લઈને રહીશ)

મારો મતલબ કે, આ વગાડવું કાંટા સમાન હોય તો પણ હું એને ગુલાબની પાંખડીઓ સમઝીને વળગી રહીશ’
(છે ને હું આશિક, રાગદારીનો ?)

ઓત્તારીની, ચીલા ચાલુ પ્રથા નેવે મૂકીને ઉસ્તાદ ‘કોમળ ગ’ થી ગાવાની શરૂઆત કરે છે – અલબત્ત કોમળ ‘ગ’ રાગ માં છે એની ના નહિ. પછી, અંતરામાં સીધા કોમળ ‘ધ’ પર ઠેકડી મારીને પૂગે છે તા..ર સપ્તકના ‘સા’ -કોમળ ‘ગ’ અને તરતજ મધ્ય સપ્તક ના કોમળ ‘ધ’ પર સ્થિર થાય છે. કલ્પનાની બહાર, ભાઈ ! વાહ ઉસ્તાદ.
આવું અટપટું ગાવું પણ પડકાર, તો પ્રથમ તરંગ જેવા સ્થાયી પરદાવાળા ઇન્સ્ટ્રુમેન્ટ પર વગાડી બતાવવું એ ‘ના મુમકિન’.
જીદે ચડેલા એવા મેં ખૂબ મહેનતે પ્રથમ તરંગ પર વગાડવાની હિમ્મત કરી પણ એ કામયાબ કે નાકામયાબ એ આપ નક્કી કરો. કહના પડેગા – કોશિશ તો કીયા ના?

ઉસ્તાદની ઓરીજીનલ ગઝલ તમે અહીં https://www.youtube.com/watch?v=tewaqcnsCNs માણી શકશો. પ્રથમ તરંગ હલકમાં કેવું ગાય છે ?

આખી ગઝલની શાયરી માણવી હોય તો આ રહી:

करूँ न याद मगर किस तरह भुलाऊँ उसे
गज़ल बहाना करूँ और गुनगुनाऊँ उसे

वो ख़ार ख़ार है शाख़-ए-गुलाब की मानिन्द
मैं ज़ख़्म ज़ख़्म हूँ फिर भी गले लगाऊँ उसे

ये लोग तज़्किरे करते हैं अपने प्यारों के
मैं किससे बात करूँ और कहाँ से लाऊँ उसे

जो हमसफ़र सर-ए-मंज़िल बिछड़ रहा है ‘फ़राज़’
अजब नहीं है अगर याद भी न आऊँ उसे


Leave a Reply