
શેરડી વાડી છેડે જ્યાં ચંપો ઝૂલે
એક ટ્વિકી નામે નાની ચકલી ખેલે
અડોઅડ સામે ખડી એક ઇમારત
વસે એક પુરુષ ધોળા જેના વાળ
બારીએ ઉભો સાંભળે ગાન મધુર
પક્ષીઓના તહીં ઝૂલતા વાયર પર
જુએ કદી દૂરબીન લઇ મારી સમક્ષ
ગમે મને એ, શું જોયા કરૂં અનિમેષ
પાપા કહે એમ ટીકી ને નં જોવાય,
લક્ષણ ન શોભે સંસ્કાર અભડાય
મન કરે, કેમે કરીને હું પહોંચી જાઉં
એની બારીએ,મીઠાં ગીતડાં ગાઉં
કોયલ જ્યમ,રીઝવું એ માણીગરને
બની જાઉં મોર શી, જોવી એને ગમે.
પણ માં વારે,ચકલાં નં કદી બનીએ
મોર સમા કે કોયલ જ્યમ ગાઈએ
કઈ ઘડી ઉડતાં શીખી, જઈ ઉંડું
એની બારીએ, પલકમાં જઈ નાચું
સાહસ કરી ઉડી આવી અંદર
મંદ સ્મિત ફરકાવ્યું એણે સુંદર
નામ એનું રાજ, સમજાયું મને એમ,
સોહામણી એક સ્ત્રીની ફોટોફ્રેમ,
કોણ હશે એ? કેમ છે ફોટામાં?
ગઈ નજર મોટા એક અરીસામાં
હું નં દેખાઉં ચકલી રૂપે કેમ મુજને?
દેખાય સુંદર સ્ત્રી અરીસામાં મને!
હું ક્યાં? મૂંઝાઈ હું, રાજ પણ મૂંઝાય
અરીસામાં હું નહિ, તે સ્ત્રી જ દેખાય, .
રઘવાટમાં હું બારી બહાર, ફરરર
જોઉં તો , ડૂસકાં ભરે રાજ, અરરર
હું કોણ એની વળી? પણ થઇ મને
અરેરાટી, ન ખમાયું મારા જીવડાને
વળગણ રાજનું કેમ ન શમે મને ,
એણે સુંદર સ્ત્રી રૂપે જોઈ મને?
બસ મારે થવું સુંદર મોર જેવી,
ગાવું કોયલની જેમ, કદી’ એવી
સમય વીત્યે બની પુખ્ત ચકલી એવી
જોઈ લ્યો જાણે, અદ્દલ મારી માં જેવી ,
ઉલાળા મારે તનમાં ઊર્મિઓની લહર
રાજ, બારી હજી કેમ બંધ આઠે પ્રહર?
ન કોઈ સંવેદના મારી તરફ, શું હશે?
મને જોઈ સ્મિત કર્યું ,કાઇંક તો હશે
પ્રતિબિંબ એણે પણ જોયું સ્ત્રીરૂપે
કે હું કેવલ એક ચકલી ટ્વિકી રૂપે?
જોબન લલકારે, ઝંખે સહવાસ
રાજનો, શું કરૂં? પડી નથી બસ.
ઉડી જા ટ્વિકી તું ક્યાંક દૂર દૂર
એ મારો કોઈ નથી, શી ખબર?
નીકળી પાંખો પ્રસારી ઊડતી ઊડતી
ખેતરો, નદીનાળાં, મેદાનો વટાવતી.
કો’ નવા માણીગરની તલાશમાં હવે
રાજ તો ન થશે કદી’ મારો આ ભવે
જો જો હું એને તડપાવીશ,મારા સમ
ગણકારી ના મને,કે ન આપ્યાં દર્શન
જોયો ઝેપ નામે એક નર ચકલો મસ્ત
જાણે મારી રાહ જોતો બેઠો નટખટ?
જમણી આંખ પાસે લાખું દ્રષ્ટિ ગોચર
પાઠ ભણાવવા રાજને તખ્તો બરાબર
ચાલ ઝેપ આવીશ દેશ મારે?
તૈયાર એ તો, ઊડ્યાં સથવારે
ગીતો ગાતાં, પ્રેમનું નાટક મારું
ઝેપ બસ એક નાદાન મોહરું
માં લ્યે ઓવારણા હરખઘેલી
રાજ હશે? એ બારી તો ખુલ્લી
ઝેપ ભેગી હું પ્રવેશી ઓરડે
સ્મિતવદન રાજ! વહાલપ મનડે
નજર મારી ગઈ અરીસામાં ત્યાં
વળી સુંદર સ્ત્રી દેખી, હું ક્યાં?
રાજે જોયું,ઝેપે જોયું,બેઉને દ્વિધા
ઝેપ ધસ્યો અરીસે,’મારી ટ્વિકી’
કચ્ચરઘાણ અરીસો પલકમાં
ચાંચ ઝેપની લદબદ લોહીમાં
રાજ દોડ્યો. તો બેઉ અદ્રશ્ય,
આંખો મીંચી મેં,ન જો એ દ્રશ્ય
થોડી ક્ષણોમાં એ વંટોળ શમ્યો
હું દિંગ્મૂઢ ,દિદાર એમનો જોયો
રાજ ને જમણે ચહેરે આ લાખું?
અને ઝેપનું લાખું ગાયબ આખું
અકલ્પ્ય! ઝેપ બદલ્યો રાજમાં?
હેરાન હું ! રાજ બદલ્યો ઝેપમાં?
મારો ઉત્કટ પ્રેમ જાણે ફળીભૂત
આત્મા અદલ બદલ! અભિભૂત
હવે શી પરવા? હું અને રાજ મળ્યા
બે પ્રેમીઓ ગગનમાં ઉડી નીકળ્યા
ઊંચે ઊંચે ઉડતાં કિલ્લોલ કરતા
ધરતીપરથી લોકો યુગલ નિહાળતા
બોલી ઉઠ્યા,યુગલ મોર જેવું સુંદર
ગાયે ગીતો પ્રેમના કોયલ સમ મધુર
નિભાવ્યું મારું વચન જાણે અશક્ય
નિર્ભેળ,ઉત્કટ પ્રેમ બનાવે એ શક્ય
વિહરતા ફરી આવ્યા આખું વિશ્વ
જોયું,ઘરની બારી અધખુલી નિર્જિવ
ધબકતે, ભારે હૈયે અંદર હું પ્રવેશી
પૂનમના ચાંદરણું, લિસોટો તેજસ્વી
હા,સુંદર સ્ત્રીનો ફોટો ત્યાં મૌજુદ હતો
અને પાસે આ બીજો ફોટો કોનો હતો?
અરે એમાં બિરાજે પેલો રાજ રૂપે ઝેપ
જેને જમણે ગાલે લાખું, હા હા એ જ;
મૂરઝાયેલ ફૂલહાર આવરે બે ફોટાને
આત્માઓ અંતે પામ્યા ઈશ્વર અનંતને
