અમેરિકામાં સવારે એકલો ચાલવા નીકળ્યો .. એકલા ચાલો રે…

અમેરિકાના શહેર ડાલસમાં એકલો ચાલવા નીકળી પડ્યો હું

ઘ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી, અમેરિકાના તોતિંગ શહેર ડાલસ, ટેક્સાસમાં સવારના કૂણા તડકામાં, સ્વાસ્થ્ય હેતુ. એકલા એકલા ચાલવા નીકળી પડવાનો (લટાર મારવાનો નહિ)  એક અનન્ય, અલૌકિક  લહાવો છે. કાળજીપૂર્વક બનાવેલ ચાલવા યોગ્ય પગથી પર, જ્યાં તદ્દન ઉંધી દિશામાંથી ધસમસતા વાહનોની ભીતિ  જયાં ન હોય; સવારની  ગુલાબી ઠંડી હવામાં, રમવા માટે બનાવેલ  અલાયદા પ્લેગ્રાઉન્ડમાં  બિચારાં ભૂલકાંઓ શેં દેખાય? વાતાવરણને હોર્નના હોકારથી  ભરી દઈને શોરબકોર કરતાં વાહનો પણ દ્રષ્ટિગોચર ન થાય,( કહેવાનો મતલબ છે કે  એ દેખાય પણ સંભળાય નહિ), હળવું સ્મિત આપીને, ગુડ મોર્નિંગ કહીને, બાજુમાંથી, શ્વાન-સહ કે શ્વાન-વિના, ચાલતા, પસાર થતા અમેરિકાનો  અચૂક  ધ્યાન ખેંચે. સ્વર્ગની કેડી  સમાન પગથી પર કદમ માંડતાં માંડતાં રસ્તાની બંને બાજુએ ચૂપચાપ, અબોલ, ભૂતિયા જેવા  બંગલાઓને જોઈને દિલ પુલકિત થયા વગર રહે નહિ! 

ચાલો ત્યારે,  મારી ભેગા કદમ મિલાવો તો ખરા …

ABBA નું પેલું જાણીતું ગીત I have a dream પ્રથમ તરંગ પર સાંભળીએ? ચાલતાં ચાલતાં સપનાં જોવાની મઝા આવશે

કે પછી …. કવિવર રવીન્દ્રનાથ ટાગોર કહે છે તેમ ‘એકલા ચલો  રે …

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો …

જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …

જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …


Leave a Reply