હમારી કોઈ શાખા નહિ હૈ

તમે દુકાન માં ડેગ મૂકો ત્યાં એક મોટું મસ પોસ્ટર નજરે ચડે ‘ હમારી કોઈ શાખા નહિ હૈ’

ઓહો, આ લોકોનો માલ એટલે સરસ હશે કે બીજી દુકાન વાળા એના નામની કોપી કરતા હશે નહિ?

અંદર જાવ ત્યારે ખબર પડે કે માલ માં કાંઈ દમ નથી.

બીજું નાટક  :

તમે દુકાન માં ઘૂસીને અડધો કલાક ‘આ લઉં  કે પેલું’ એવી મથામણ માં કાંઈ લીધા વગર બહાર નીકળો. પેલા બિચારા સેલ્સમેનની બધી મહેનત ફોગટ. પણ એવું હોય? થડા પર બેસીને આ નાટક  ચૂપકીદીથી જોતો હોય એ માલિક હવે મેદાનમાં ઉતરે.

“કેમ સાહેબ, કાંઈ ગમ્યું નહિ”

‘ના બસ, બીજે જોઈએ, ફરી આવશું”

‘અરે એવું હોય?.આમ આવો…’ માલિક તમને રીતસર હાથ પકડીને પાછા અંદર દોરી જાય.

‘અરે એય, તને માલ બતાવતા આવડે છે કે નહિ? કામ જ નથી કરવું તમારે. બસ બેઠો બેઠો પગાર…” કરીને પેલા સેલ્સમેનને  હલાવી કાઢે.

તમને થાય , ‘હાય હાય, બિચારો”

‘આ ઉપર લેટેસ્ટ ડિઝાઇન આવી છે એ બતાવી તે ? ના બસ આપણે તો બે હાથ જોડીને બેસી રહેવું કેમ?”

“જુઓ સાહેબ આ લેટેસ્ટ ડિઝાઇન, બીજે ક્યાંય નહિ મળે તમને, તમારે માટે સ્પેસીઅલ ડિસ્કાઉન્ટમાં!”, માલિક નું ૧૦૦૦ વોટ નું સ્મિત તમને પીગળાવી દે.

પંદર મિનિટ પછી તમે બહાર નીકળો  ત્યારે તમારા હાથમાં ‘લેટેસ્ટ ડિઝાઇન’ નાં ડઝનેક કપડાં ચકચકતી પલાસ્ટીકની થેલીમાં હોય અને તમારું પાકીટ હલકું!

મીઠું હસીને  ‘ પાછા આવજો ત્યારે’ માલિક તમને વિદાય કરે. 

આવું બધું  હાર્વર્ડ ની બિઝનેસ સ્કુલમાં શીખવા તો મળે પણ હજારો ડોલર ખર્ચીને. 


Leave a Reply